Opinion Magazine
Number of visits: 9872075
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યેસ ટીચર : નો ટીચર

મણિલાલ હ. પટેલ|Opinion - Opinion|18 February 2015

પોતે નિયમિત ભણે-વાંચે અને વિદ્યાર્થીઓને નિષ્ઠાથી નવું-નવું ભણાવે તેનું નામ શિક્ષક. શિક્ષકો વિશે મોટી-મોટી વ્યાખ્યાઓ થાય છે, આદર્શો રજૂ કરાય છે, મહાન વ્યક્તિઓનાં સુવાક્યો ટાંકવામાં આવે છે. એ બધું ચોપડીમાં કે ભીંત પર ભલે સાચું હોય, આજના વાસ્તવ-જગતમાં એ બધું પોથીમાંનાં રીંગણાં જેવું છે. અર્થાત્ આજનો શિક્ષક આદર્શોથી તો દૂર જ છે, પણ એની પાસે થોડીક ભાવનાઓ કે માણસાઈ દેખાડતું હૃદય પણ નથી બચ્યું !!

શિક્ષકો – (૮૦ ટકા જેટલા શિક્ષકો) આજે ‘નોકરી’ કરે છે, એમણે ભણાવવાનો આનંદ લેવો નથી તથા વિદ્યાર્થીઓને એ આનંદ આપવો નથી. એમનાં કાર્યોનું કેન્દ્ર ‘પગાર’ નથી ‘બીજા લાભો’ છે. વિદ્યાવ્યાસંગ શું છે ? એનો આનંદ કેવો તો લોકોત્તર છે. એ વાત એ જાણતા જ નથી, ને આપણે જણાવીએ, તો એમને અઘરું લાગે છે. એમને ‘અભ્યાસક્રમ’ અને ‘સમયપત્રક’ દીઠાં ગમતાં નથી. પહેલો ‘બેલ’ એમની છાતીમાં વાગે છે અને દરેક પાછલો (છેલ્લો) ‘બેલ’ એમને ભાવવિભોર કરી દે છે. પરીક્ષા કરતાં વધારે સમય એ એમનાં વ્હાલાં વ્યસનોને આપે છે. એમને ટૂંકાં, મૌલિક પ્રવચનોની ટેવ નથી, એ આવડત કેળવવામાં એમને આર્થિક લાભ દેખાતો નથી. થોડાં સાચ્ચાં / ચોખ્ખાં વાક્યો લખવાનું સાહસ એ કરતા નથી. અજ્ઞાનને એ મૂડી માને છે ને એના બળે એ નભી રહ્યા છે. પણ આપણા વહાલા આ સ્માર્ટ શિક્ષકો પરિશ્રમ કરીને પ્રતિભા કેળવવામાં પણ ‘પંતુજીપણું’ જુવે છે … એમને નોકરી મળી ગઈ, કાયમી થઈ ગયા એટલે બસ, એમણે જગ અને જંગ બંને જીતી લીધાં હોય, એવી રીતે મહાલે છે … ‘ભગવાન એમને માફ કરી દેજે, એ શું કરી રહ્યા છે એ વિશે એ (બિચારા !) કશું જાણતા નથી’ (ને જાણવા માગતા ય નથી.)

આજના આ કરુણ વાસ્તવિક ચિત્રમાં હજી બે-ચાર વધુ વિગતો ઉમેરીને ‘સાચા શિક્ષણ’ની વાત માંડીશું. આજે તો શિક્ષકો કે સરકારો કોઈના આચારવિચારમાં, ક્યાં ય દૂર દૂર સુધી, ‘વિદ્યા’સર્જકતા, મૂલ્યમાવજત, વિદ્યાર્થી તથા જીવનઘડતર વગેરે જરા ય દેખાતાં નથી. એ કેન્દ્રમાં કદી નહોતાં. એ આજે તો પરિઘની પાર નીકળી ગયા છે. આ બધા શિક્ષણ માટે સોનારૂપાનાં, અવનવી ભાતનાં પાંજરાં ઘડાવે છે. એનાં સ્થાન બદલે – રૂપ – રંગ બદલાવે છે, પણ પેલું પંખી તો ડાહ્યું હતું, તે પરદેશ ઊડી ગયું – લાચાર હતું તે પાંજરામાં જ મરી ગયું છે. બધે બધું સડી ગયું છે. પણ સરકારી તંત્રો-શિક્ષકો-સરકાર : કોઈને નાક નથી, એટલે દુર્ગંધ આવતી નથી.

આપણા શિક્ષકો-અધ્યાપકો(આચાર્યોની પણ)ની પ્રાથમિકતા (પ્રાયોરિટી) નોંધીએ : ૧. એની મોટરબાઇક : કાર ચકાચક જોઈએ. ૨. ફોર ‘બીએચકે’વાળો બંગલો, ફ્લૅટ – થોડી લોન, ટૅક્સ, બચાવવાં જોઈએ. (ને આની ના નથી. આ તો આનંદની વાત છે.) ત્રીજા ક્રમે સંતાન, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, પત્નીની નોકરી જ, કુટુંબ, સમાજ, ધંધો, ખેતીની ચિંતા. પ. સ્વાસ્થ્યટૂર્સ – જલસા – ફ્રૅન્ડ્ઝઃ હી ઍન્ડ શી ! ૬. છેક છઠ્ઠા ક્રમે આવે છે નોકરીએ જવાનું ને લમણાં લેવાનાં ! ૭. સાતમા ક્રમે આવે છે વર્ગમાં પાઠ વાંચી કે વંચાવી જવાનો અને વાંચ્યા વિના પેપર્સ જોઈ – તપાસી કાઢવાનું ! આ સત્ય હકીકતો છે. અહીં વાંચવું, સજ્જતા કેળવવી, સરસ ભણાવવું – વિદ્યા આપી વિદ્યાર્થીનું ઘડતર કરવું, ‘આ બધું તો જૂની વાતો થઈ ગઈ !’ હા, સરકાર સુધારવા ખૂબ પ્રયત્નો કરે છે પણ કઠોર ને કડક નિર્ણયો લેતી નથી. ચોરને રખેવાળ બનાવો તો વાડી ભેળાઈ-લૂંટાઈ જ જાયને ?! લૂંટનારા ને લૂંટાવનારા રાજી-રાજી છે. બેની વચ્ચે ‘વિદ્યા અને વિદ્યાર્થી’ નધણિયાતાં નમાયાં ઊભાં છે.

હવે જે વીસ ટકાને વિદ્યા અને વિદ્યાર્થીમાં ખરેખર હજી ય રસ છે. (ને પેલા ૮૦% પણ ભલે જોડાય) એમની આશા તથા એમના આનંદના સંદર્ભે શિક્ષક તથા વિદ્યાર્થીની વાત કરીએ. જેમને માટે વિદ્યા-શિક્ષણ તથા વિદ્યાર્થી પ્રથમ પ્રાયોરિટી (પહેલી પ્રાથમિકતા) છે, તેવા શિક્ષકો ‘યસ ટીચર’ છે જ્યારે આપણે ઉપર ગણાવ્યા તે ‘નોકરિયાત’ શિક્ષકો ખરેખર તો ‘નો ટીચર’-ના વર્ગમાં આવે છે. શિક્ષણની, આજની કમનસીબી એ છે કે આજે ‘નો ટીચર્સ’ રોજેરોજ વધતા જાય છે.

રવીન્દ્રનાથે પોતાની એક ચાહક, આર્જેન્ટિનાની વિક્ટોરિયાને કહેલું કે : ‘હું તો રસ્તો છું, હું રોકાઈ ન શકું. રસ્તાએ તો આગળ જ વધવાનું હોય છે.’ આ વાત શિક્ષક, શિક્ષણ તથા વિદ્યાર્થી ત્રણેને પણ લાગુ પાડી શકાય એમ છે. શિક્ષણ કેડી છે, રાજપથ છે, દેશદેશાવરમાં આગળ વધતો માર્ગ છે. એના પર શિક્ષકે-ભણનારે-થાક્યા વિના ચાલવાનું છે. શિક્ષણ તથા જ્ઞાનનો માર્ગ તો નિત્ય લંબાતો રહે છે. શિક્ષકે – છાત્રે એ માર્ગ પર ચાલવાનું છે. કેમ કે શિક્ષકે છાત્રે જ્ઞાનનો પર્યાય બનવાનું છે. કેમ કે જ્ઞાનનો કોઈ વિકલ્પ નથી. તે જ્ઞાન અનુભવો તથા પ્રયોગો દ્વારા પુસ્તકોમાં સંચિત થાય છે. પુસ્તકો જ્ઞાનનો મુખ્ય સ્રોત છે, જેમ સૂર્ય સર્વ શક્તિઓનો સ્રોત છે. જ્ઞાનનાં બધાં માધ્યમો પુસ્તકનો આધાર લે છે, એટલે પુસ્તકનો વિકલ્પ નથી. ‘યસ ટીચરે’ હંમેશાં વાંચતાં રહેવાનું છે. વાંચવાથી જ સજ્જતા વધે છે. કશે પણ પહોંચતા વાસ્તે ચાલવું પડે … બધાંને દોરવા રસ્તો બનીને આગળ વધવું પડે … ને આ બધું વાંચવાથી જ બને છે. આજના શિક્ષણની બીજી કમનસીબી છે કે મોટા ભાગના શિક્ષકો (અને બહેનો તો સવિશેષ) વાંચતાં જ નથી … વાંચવું એટલે જાતને બધી રીતે તથા અનેક વાતે સજ્જ કરવી તે !

‘નો ટીચર’ બધા સુક્કાં ઝાડ જેવાં હોય છે. ને સુક્કા ઝાડ પર બેસીને પંખીઓ કદી ગાતાં નથી કે રાતવાસો કરતાં નથી. ભૂલથી થોડા સૂડાઓ જો સુક્કા ઝાડ પર આવીને બેસે, તો એ ઘડીક લીલું લાગે છે. પણ સૂડા ઊડી જતાં ઝાડ તો પાછું ઠૂંઠું જ લાગે છે. પંખીઓ (પ્રેમીજનો) બોલવવાં હોય, તો લીલાંછમ ઝાડ બનવું પડે. ‘યસ ટીચર્સ’ લીલાંછમ ઝાડ જેવા હોય છે. ઝાડ લીલું રહેવા માટે મૂળ ઊંડાં નાખીને પાણી તથા તત્ત્વો મેળવે છે. ડાળીઓ કૂંપળો ફુટાડીને ઝાડ વધારે હવા, તડકો તથા અવકાશ મેળવે છે. માટી સાથે જળ, ખાતર તથા ઊર્જાને ચાહતું વૃક્ષ ટાઢ-તડકા-વાયરા-વિપદા વેઠીને વિકસે છે ને ત્યારે એને ફૂલ તથા ફળ બેસે છે. શિક્ષકે પણ ખાતર, પાણી, ઊર્જા મેળવવા વાંચવું-વિચારવું-વિહરવું પડે. આ બધાં માટે ખર્ચ કરવા અને જાત ઘસવા તૈયાર રહેવું જ પડે. ‘યસ ટીચર’ બનવાનો આનંદ જેને મળે છે, એ તો વગર માલે માલામાલ થઈ જાય છે. ઉત્તમ ગ્રંથો વાંચવાનો અને સરસ રીતે ભણાવવાનો આનંદ એ સર્જન કરવા જેટલી જ ઊંચી કક્ષાનો આનંદ છે. ખાધુંપીધું તો ખલાસ થઈ જાય છે, પણ વાંચ્યું અને ઉત્તમ ભણાવ્યું એ તો પેઢીઓ સુધી પહોંચે છે. ઉમાશંકર એમના શિક્ષકોને યાદ કરતા તથા ઉમાશંકરને એમના વિદ્યાર્થીઓ હજીયે યાદ કરે છે. હવે આવા ઉત્તમ શિક્ષકો તથા એવા વિદ્યાર્થીઓની પેઢીઓનું બીજ ખોવાતું જાય છે. ‘યસ ટીચર’ – બનવાનો પડકાર ઉપાડનારા ક્યાં છે ? – છે – આ શક્ય છે … ચાલો, જાગીએ ને લીલું ઝાડ થઈએ …

કોઈ ભાષામાં કહેવાત છે, લોકોક્તિ છે : “તમારા હૃદયને લીલાછમ વૃક્ષ જેવું રાખો. (ભીતરમાં લીલુંછમ વૃક્ષ ઉછેરો) ક્યારેક કોઈક ગાતું પંખી આવશે, તો રાતવાસો કરશે.” યસ ટીચર હંમેશાં લીલા વૃક્ષ જેવો હોય છે. ઘડીક આવતી પેલી પાનખર પણ લીલી કથ્થાઈ કૂંપળો ફુટાડવા માટે જ આવે છે. પાનખર પછી જ મંજરી બેસે છે. જ્યારે યસ ટીચર તો બારેમાસ લીલો તથા મંજરીથી લચેલો હોય છે.

યસ ટીચર કોઈનો – આચાર્યનો, વિદ્યાર્થીનો, મંડળનો, સમાજ કે સરકારનો વાંક કાઢીને બેસી રહેતો નથી. એ જાણે છે કે અગવડો તથા સમસ્યાઓ તો હોવાની જ. મકાન ન મળે, તો એ ઝાડ નીચે પણ ભણાવશે. સરસ ઘટાદાર તરુવર હોય તથા નીચે માટી લીંપેલો ઓટલો મળી જાય, તો વર્ગ ચાલવા માંડે. બહુ વ્યવસ્થાઓ અને નિયમો કરી-કરાવીને આપણે વિદ્યાને નામે વેપાર કરવા માંડ્યા. વિદ્યા બેટીને આપણે બજારે બેસાડીને કવિ અખોભગતને સાચા પાડ્યા છે. હવે તો બસ કરો !! શિક્ષણની શતાબ્દી-જયંતી કરવાને બદલે એવા અધિકારીઓએ તો શિક્ષણ સાથે શાળા-કૉલેજનોય મૃત્યુઘંટ વગાડી દીધો છે. શાળાઓમાં પણ ‘સૅમેસ્ટર’ લાવનારાંઓને ગુજરાતની યુવા પેઢીઓ કદી માફ નહિ કરે !!

વલ્લભવિદ્યાનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2015, પૃ. 10 – 11

Loading

મેરે સપનોં કો જાનને કા હક રે …

આશા બૂચ|Opinion - Opinion|17 February 2015

ચારુલ ભરવાડા અને વિનય મહાજનનાં કાર્યથી “ઓપિનિયન”નાં વાચકો પરિચિત છે. તેમનાં રચેલાં અને ગાયેલાં ગીતોમાં સ્વાનુભવથી નીપજેલી નિસ્બત અને હકીકતોથી રસાયેલ દર્દઅનુભાય. આ ફકરા જ હેઠળ આ ગીતની કડી આપી છે. તે કડી પર ‘ક્લિક’ કરી, જોવાસાંભળવા અનુરોધ. ગીત ખૂબ હૃદયસ્પર્શી લાગ્યું અને દરેક પ્રશ્ન જાણે કે ‘શા માટે, શા માટે’ એમ પૂછાયા જ કરે છે, અને તેનો જવાબ જડતો નથી.

https://www.youtube.com/watch?v=iZ1yvrMDUMU

પણ હવે હાંસિયામાં ધકેલાયેલા અને છેવાડાના લોકોને વાચા આવી છે, એમને ઉત્તર જોઈશે, અને આપીશું પણ ખરા. વારુ, મારી સમજ પ્રમાણે ગીતમાંના હર સવાલનો જવાબ કંઈક આવો હોઈ શકે છે :

જેમનાં સ્વપ્નો ફળ્યાં છે તેવા સમાજના સમૃદ્ધ અને અગ્રણી લોકો કહી શકે કે સપનાં જોવાની સહુને છૂટ છે. મફત પણ છે. જો કોઈ પોતાની પહોંચ બહારનાં સપનાં જુએ અને પછી કહે કે કેમ પૂરાં નથી થતાં તો એમાં દોષ તેમણે પોતાની મર્યાદા પહેલેથી સ્વકારીને એના માપે સપનાં જોવાની અણઆવડતનો જ છે. આ ગીત મૂળે તો વંચિત અને છેવાડાના લોકોએ પૂછેલા સવાલો પર રચાયેલું છે. કેટલાક વળી કહેશે, ભારતમાં હવે એવા લોકો ન હોય, મારા ભાઈ. આપણી, એટલે કે ભારતની જનતાની, જી.ડી.પી. (જેનો અર્થ મોટા ભાગના લોકોને ખબર નહીં હોય) લગભગ 1.8 ટ્રીલિયન ડોલર જેટલી છે અને દેશનો વિકાસ દર 10% હતો તેનાથી ઉતરીને 5.4% થયો છે અને તેથી જ તો અમેરિકા તથા બ્રિટન જેવા દેશના નેતાઓ વારંવાર આપણા દેશની મુલાકાત લઈને અનેક વેપાર-ઉદ્યોગના મોટા મસ ‘deal’ (કે દિલ?) પર સહી સિક્કા કરે છે એટલે આપણને સવાલ થાય કે હવે ભારતનો કોઈ બચ્ચો પૈસે ટકે વંચિત હોતો હશે ? વળી ‘છેવાડેના માણસો’ એ તો પેલા નવરા બેઠેલા કર્મશીલ લોકોએ ખોળી કાઢેલા બનાવટી શબ્દ છે જે થોડાઘણા આળસુ લોકો માટે દયા ઉપજે એટલે વાપરવામાં આવે છે.

હા, તો એવા લોકોનાં સપનાં હતાં કે આઝાદી પછી પોતાના લોકોનું રાજ્ય હશે એટલે તેમને પણ રોજગારી મળશે, ગામમાં પાકી સડકો થશે, બસ અને ટ્રૈનથી પોતાનું ગામડું બીજા ગામ-શહેરો સાથે જોડાશે. એટલું જ નહીં, આ એક પછી એક આવતી પંચ વર્ષીય યોજનાઓને પગલે પગલે નદીઓનાં પાણી અને વિચારપૂર્વકની સિંચાઈ યોજનાઓને કારણે તેમના ખેતરો સુધી જીવન-જળ સમાં નદીનાં પાણી નહેરો વાટે પહોંચશે, જંગલોની જાળવણી થશે અને તેની ઉપજથી ગુજારો થતો રહેશે, જેથી પોતાની જીવન પદ્ધતિ પણ સચવાઈ રહેશે એવી આશા બંધાયેલી. દર પાંચ વર્ષે મત માગવા આવનાર ઉમેદવારોનાં ધાડાં ઊતરી આવે અને વચનો આપે કે તેમના રાજમાં ગામે ગામ નિશાળોમાં પૂરેપૂરી તાલીમી લાયકાત ધરાવતા દ્રષ્ટીવાળા શિક્ષકો હશે અને આરોગ્ય તથા સ્વાસ્થ્ય જાળવવા ચોરે ને ચૌટે મંદિરોની માફક દવાખાનાં પણ હશે, એટલે એનાં સ્વપ્ન લોકો જોતાં થાય, તેમાં શી નવાઈ?

જેમ મા બાળકને રાત્રે વાર્તા કહીને સુવડાવે તેવાં સપનાં તેને આવે તેમ ભારતના બંધારણમાં નાગરિકોના મૂળભૂત અધિકારોની ઘોષણા થઈ અને દર પાંચ વર્ષે મતની ઉઘરાણી કરવા આવનાર ઉમેદવારો વચનોનો કોથળો ખાલી કરતા રહ્યા. તેથી પ્રજાના તમામ વર્ગને સ્વપ્ન આવે તે સહજ છે. તેમાં પ્રજાનો કશો દોષ નથી. માત્ર રાજકારણીઓએ પ્રામાણિકપણે પ્રજાને એમ સમજાવવાની જરૂર હતી કે જુઓ, માત્ર રાજ્ય કરનારની ચામડીનો રંગ અને તેમની રાષ્ટ્રીયતા બદલી છે, બાકી અમે તમને બધા અધિકારો અને સવલતો પૂરી પાડીએ તો અમારા તાબામાં રહીને મજદૂરી કોણ કરશે? તમે અંદરો અંદર ઝઘડ્યા નહીં કરો તો અમે સત્તા કોના પર જમાવીશું ? જો આમ થયું હોત તો કોઈનાં ય સપનાં તૂટ્યાં ન હોત.

ખરું કહીએ તો એ લાખો ગરીબનાં સ્વપ્નો તૂટવાનું કારણ ચપટીભર લોકોના હિતને પોષતું વિકાસનું આયોજન અને બાકીના 70% લોકોની જરૂરિયાતની થયેલી અવગણના છે. બેકારી માટે બેહિસાબ વધતી વસતી, મશીનોનો અવિચારી ઉપયોગ, ખેતી અને ઉદ્યોગોનું કેન્દ્રીકારણ અને જીવનની જરૂરિયાતોથી વેગળી એવી શિક્ષણ અને અર્થ વ્યવસ્થા જવાબદાર ગણાવી શકાય. જો માત્ર મોટાં મશીનોને ચાલુ રાખવાના પ્રયોજનથી નહીં પણ મજૂર-કારીગરોની મહેનત હળવી કરવાના હેતુસર નાનાં મશીનો તેમના હાથમાં મુક્યાં હોત તો ઉત્પાદનનું પ્રમાણ અને ગુણવત્તા સુધર્યાં હોત અને છતાં એ મજૂરો-કારીગરોની આજીવિકા પણ અખંડ રહી હોત. જો ગૃહોદ્યોગને જાળવીને વિકેન્દ્રિત અર્થ વ્યવસ્થા ઊભી કરી હોત તો નાના પાયા પરના ઉત્પાદનના સંકુલો પાકો માલ પેદા કર્યા બાદ ઉપજતા કચરાનો સલામતીથી નિકાલ કરી શક્યા હોત અને આ મોટાં મોટાં કારખાનાંઓને પોતાનો કચરો નદી-નાળાંમાં ઠલવીને ઝેર ફેલાવવાની ઘડી ન આવી હોત. એક તો ભારતમાં કોઈ પણ સાહસ કરવામાં આવે, કોઈ ફેક્ટરી-કારખાનું ઊભું કરવામાં આવે તો તેની સાથે જ તે માટેની પાણી પૂરવઠા અને ગંદા પાણી તથા અન્ય કચરાનો સલામત નિકાલ કરવાની કે તે માટેના કાચા માલની હેરાફેરી કરવા રસ્તાઓ અને પાકા માલનો સંગ્રહ કરવાની યોજના થયાનું ભૂતકાળમાં ક્યારે ય જોયું નથી. કદાચ એ પ્રકારના સંયોજિત આયોજન કરવાની દ્રષ્ટી ભરતીયોના શરીર કે મનના બંધારણમાં જ નથી. અને જ્યાં પ્રદૂષણને અટકાવવા અમુક નિયમો ઘડવામાં આવ્યા છે ત્યાં એનો છડે ચોક ભંગ પણ થાય છે અને એટલે જ તો બધી નદીઓને જીવનદાયિનીને બદલે જીવન હારિણી બનાવી દેવામાં આવી છે. એ માટે કારખાનાના માલિકો ઝેર ઓકવા માટે, સરકારી કર્મચારીઓ તે તરફ આંખ આડા કાન કરવા માટે અને પ્રજા નદીઓનો વિનાશ થતો મૂંગે મોઢે જોઈ રહેવા માટે સરખા જ જવાબદાર છે.

ઔદ્યોગિક વિકાસને પગલે પગલે વાહન વ્યવહારની સુવિધાઓ પણ વધતી જાય છે એ નિ:શંક છે અને તેમાં ગુજરાત જેવાં રાજ્યો વધુ પ્રગતિ કરી શક્યા છે. પરંતુ છતાં આજે એકવીસમી સદીમાં પણ કેટલા ય ગ્રામ્ય વિસ્તારો બસ કે ટ્રૈનથી બહારની દુનિયા સાથે જોડાયા નથી, વીજળીની રોશની તેમના ઘરને અજવાળતી નથી, પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા થઈ નથી કે અનાજ વિતરણ કરતી દુકાનો ખૂલી નથી તેનું કારણ સમગ્ર દેશની વિકાસ યોજનાઓ શહેરો અને મોટાં મોટાં વેપારી તથા ઔદ્યોગિક કેન્દ્રોના વિકાસને ધ્યાનમાં રાખીને જ ઘડાઈ છે તે છે. આ જ નિયમ શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધાઓને લાગુ પડેલ જોવા મળે છે. જે ગામડાના રહેવાસીઓ ખેતી અને નાના ઉદ્યોગો દ્વારા થતી પોતાની રોજગારીની તકો અને તેને સંલગ્ન ઉત્પાદન ક્ષમતા ગુમાવી બેઠાં તેમને તો શિક્ષણ મેળવવું હોય, દવા કે સારવાર મેળવવી હોય તો નજીકના શહેર ભણી જ નજર માંડવી પડે. જયારે ભૂખમરાથી બચવા ન છૂટકે તેઓ રોટલો રળવા શહેર ભણી દોટ મૂકે છે ત્યારે ઓટલો ગુમાવે છે અને અન્ય સુવિધાઓ મેળવવા પણ અન્ય સમદુખિયાની લાંબી કતારમાં છેલ્લે જ ઊભા રહેવા પામે છે. એટલે એમને તો ઊલમાંથી ચૂલમાં પાડવા જેવું થાય.

ભારતમાં ઇ.સ.1960ના દાયકામાં, હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ. વિનોબાજીના ભૂદાન યજ્ઞને પરિણામે લાખો એકર જમીન ભૂમિ વિહોણા મજદૂરોને મળી. ભારત હવે અનાજ ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી જાહેર થયું છે. પણ એનો મતલબ એ નથી કે એ અનાજ વિતરણની બાબતમાં પણ સ્વાવલંબી છે. અહીં સરકારની કૃષિ વિષયક નીતિ અને વેપારીઓના ભાવ આંકવાના અબાધિત અધિકારો પરત્વે સરકારની નિષ્ક્રિયતા મહદ્દ અંશે જવાબદાર ગણાવી શકાય. નાણાંની માફક દાણાંની પણ સમાન વહેંચણી થતી ન હોવાને કારણે કરોડાધિપતિઓની છાયામાં ઝૂંપડપટ્ટી નિવાસીઓ રહે છે તેમ જ રોજના હજારો રૂપિયાના હિસાબે અનાજ વપરાય પણ છે અને વપરાયા વિનાનો વ્યય થવા પણ પામે છે. દેશના ગરીબીની રેખાથી નીચે જીવનારા લોકોની અનાજ ખરીદવાની શક્તિ નથી અને જેમની ખરીદ શક્તિ મહા મુશ્કેલીથી વધી રહી છે તેમને ઉત્પાદન અને જરૂરિયાતને લક્ષમાં લઈને ગોઠવેલી ન્યાયી વિતરણ તથા ભાવ પરના અંકુશની વ્યવસ્થાના અભાવના ભોગ બનવું પડે છે જે આજના યુગની સહુથી મોટી કરુણતા છે. જે લોકો ખાવા માટે જીવે છે તેમની લોભ વૃત્તિને કારણે કરોડો લોકોને જીવવા માટે ખાવા ધાન નથી મળતું. આથી જ તો બ્રિટન જેવા સમૃદ્ધ દેશની સરકાર જ્યારે ભારતના અન્નથી ટળવળતા લોકોને સહાય કરે છે ત્યારે એ દેશની પ્રજા પૂછે છે કે જ્યાં આટલી મોટી સંખ્યામાં કરોડાધિપતિઓ છે, જ્યાં શહેરોની જાહોજલાલી ન્યુયોર્ક અને ટોકિયોને ઝાંખી પાડી દે તેવી છે અને જ્યાં સીલિકોન વેલીને શરમાવે તેવી ટેકનોલોજી કૂદકે અને ભૂસકે આગળ વધવા લાગી છે તેવા ભારત દેશમાં આવડી મોટી જનસંખ્યામાં લોકો ભૂખમરો વેઠે તેની જવાબદારી એ દેશની રાજ્ય અને કેન્દ્ર સરકારની હોવી ઘટે કે અન્ય દેશની સરકારની ? આ મુદ્દો તદ્દન વ્યાજબી છે. ગોદામોમાં સડતાં અનાજ અને મુઠ્ઠીભર ધાન માટે ઝોળી ફેલાવનાર વચ્ચે લોભી વેપારીઓ, બેઈમાન વિતરણ કરનારાઓ, ખાઉધરા શાહુકારો, બેદરકાર સરકારી તુમારશાહી તંત્રના વહીવટદારો વગેરેનું મોટું લશ્કર ઊભું છે.

આજે આસપાસ નજર કરતાં જણાશે કે દુનિયા મુખ્યત્વે બે ખંડમાં વહેંચાઇ ગઈ છે. એક ખંડમાં સરમુખત્યારોનું રાજ્ય છે જેમની ચોટલી આતંકવાદીઓના હાથમાં છે તો બીજા ખંડમાં કહેવાતી લોકશાહી શાસન પદ્ધતિથી રાજ્ય ચાલે છે જ્યાં મોટા મોટા મૂડીવાદી ઉદ્યોગપતિઓ અને વેપારીઓના દોરી સંચારથી કઠપૂતળાની જેમ પોતાના સ્વાર્થની પૂર્તિ માટે નચાવાઈ રહેલા દેશના નેતાઓ રાજનીતિઓ ઘડે છે. સરવાળે બંને ખંડમાંની સામાન્ય પ્રજા તો ક્યારે પોતાને અપાયેલ વાયદાઓ પૂરા થશે અને ક્યારે લક્ષ્મી દેવીના હાથમાંના અમૃત કુંભમાંથી ઝમતું ઝમતું અમૃત તેઓના મુખમાં પડશે તેની રાહ જુએ છે. એમ કરતાં કરતાં પાંચ વર્ષ વીતી જાય, બીજી ચૂંટણી આવે, નેતા બદલે પણ પરિસ્થતિમાં કશો ય ફેર ન પડે એવી હાલત છે. આમ વારંવાર વચનભંગનો ભોગ બનેલ લોક છેવટે વિરોધ, તોડ-ફોડ, કોમી રમખાણો અને હિંસા તરફ પ્રયાણ આદરે તેમાં નવાઈ નથી. ગલીઓમાં ખૂન વહેવડાવનાર લોકો આખર ઇન્સાન છે, માત્ર એ બધા રામ અને રહેમાનના લશ્કરના વડાઓ દ્વારા અવગણિત થયેલા અસંતુષ્ટ આત્માઓ છે જેમનો સ્થાપિત હિત ધરાવતા ફિરકાઓ દુરુપયોગ કરીને સુંદર હરિયાળી ધરતીને લાલ રંગથી રંગી દે છે.

આપણે સહુ જાણીએ છીએ કે કોઈ પણ સમાજને સુદ્રઢ કરવા, વિકસાવવા અને વિકાસને ટકાઉ બનાવવા માટે રાજકારણીઓ પાસે પ્રજા કેન્દ્રિત વિકાસ યોજના હોવી જેટલી અનિવાર્ય છે તેટલી જ આવશ્યકતા વૈજ્ઞાનિકો પાસે અધ્યાત્મ સિંચિત પ્રજા કલ્યાણને ધ્યાનમાં રાખીને સંશોધન નીતિ હોવાની છે. શિક્ષકોએ સબળા ઈમાનદાર નાગરિકો પેદા કરવાની આવડત કેળવવાની જરૂર છે, તો ખેડૂતોની રોકડિયા પાકથી રાતોરાત માલેતુજાર બનવાની લાલચ રોકીને માનવ શરીરને પોષક-સંવર્ધક પાક પૂરો પાડવાની ફરજ છે. સાહિત્યકારો અને કલાકારોએ પોતાની કલાકૃતિઓ દ્વારા નીતિમય સમાજ ઘડતરમાં ફાળો આપવાનો રહેશે. કારીગરો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પાસેથી વ્યક્તિગત સ્વાર્થ પોષક ઉત્પાદન અને વેચાણની નીતિને સ્થાને જરૂરિયાત અને માંગને ધ્યાનમાં લઈને પ્રામાણિક ધંધાકીય કુશળતાની અપેક્ષા રહે છે.

ગરીબ અને તવંગર લોકનો ભૂતકાળ ભલે એકબીજાથી તદ્દન ભિન્ન હોય પણ તેમનું ભવિષ્ય એક જ છે – પર્યાવરણની રક્ષા અને પરસ્પરના હિતોની જાળવણી. એકના અધિકારના ભક્ષણથી બીજાની સલામતી જોખમાશે એ હવે સર્વ સ્વીકાર્ય બાબત છે. માટે આપણા પૂર્વજોની માફક પ્રકૃતિ સાથે સંવાદ રચીને જીવવાનો સમય પાકી ગયો છે. પ્રકૃતિ સાથે વાદ, પ્રતિવાદ અને પ્રતિસ્પર્ધાથી ઉપજતી સ્થિતિનાં માઠાં ફળ ભોગવીએ છીએ જેના પ્રત્યે પ્રસ્તુત ગીત ધ્યાન દોરે છે. Indiaના આંગળીને વેઢે ગણાય તેટલાં શહેરોના વિકાસને પોષવા ભારત વર્ષના છ લાખ ગામડાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમે એ તે આપણી પ્રગતિનો કેવો રકાસ ?

ગાંધીજીએ કહેલું : Live Simply 

                     That others may

                     Simply Live

આ સંદેશો વિશ્વના તમામ લોકો માટે છે.

ચારુ-વિનય અને તેમનાં જેવાં અન્ય કર્મશીલ વ્યક્તિઓ જેમને જન્મસિદ્ધ અધિકારોથી વંચિત રાખવામાં આવ્યાં છે તેમને જાગૃત કરશે અને જેઓ એ પરિસ્થિતિ માટે જવાબદાર છે તેવા લોકને પોતાની ફરજ બજાવવા પ્રવૃત્ત કરશે તેવી શ્રદ્ધા છે.

e.mail : 71abuch@gmail.com

Loading

ભાષાનું ગાડું ચાલે છે

પ્રવીણકુમાર રાઠોડ|Poetry|17 February 2015

શબ્દોના ધોરી જોડ્યા છે, અર્થોના ખૂંટા ખોડ્યા છે, ભાષાનું ગાડું ચાલે છે.
અતીત એ અંધારું છે, ભાવિનાં સમણાં છોડ્યાં છે, ભાષાનું ગાડું ચાલે છે.

બે બળદને રેઢા મેલીને, સચ્ચાઈનો શેઢો મેલીને, હું ખેતર નહીં પણ ભાષાને
ખૂબ ખંતથી ખેડું છું, મેં કવિનાં મ્હોરાં ચોડ્યાં છે, ભાષાનું ગાડું ચાલે છે.

વરસી શકે તો વરસી જા, તું અનરાધારે કાગળમાં, હું રવિ નથી કે કવિ નથી
કે અનુભવીયે નથી દોસ્ત, મેં વિચાર મનના મોડ્યા છે, ભાષાનું ગાડું ચાલે છે.

પાક ઊતરશે સોળ આની કે દુકાળ પડશે છપ્પનિયો ? એ જાણતલ કહી દો જોશી,
આડાઅવળા બેક ચાડિયા સાચાખોટા ખોડ્યા છે, ભાષાનું ગાડું ચાલે છે.

મક્તા ને મતલાનાં ડૂંડાં, નાચત ગઝલોના છોડ બધા ચકચૂર પવનના લય માંહે
ત્રણ લોક નાચવા લાગ્યા છે, સહુ ખુલ્લા ચરણે દોડ્યા છે, ભાષાનું ગાડું ચાલે છે.

વળાય એટલું વાળી લ્યો, આ ખળું ખૂટશે નહીં જરી, આ ફાલ ફલકનો ઊતર્યો છે.
માણેને મલક ભલે ભરચક, મેં તનમન એમાં જોડ્યાં છે, ભાષાનું ગાડું ચાલે છે.



સૌજન્ય : સુરેશ દલાલ સંપાદિત કાવ્યસંગ્રહ ‘ગીતિકા’, પૃ. 146 

Loading

...102030...3,9143,9153,9163,917...3,9203,9303,940...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved