Opinion Magazine
Number of visits: 9771933
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મને નિશાળે બેસાડવા સાવિત્રીબાઈ આવ્યાં હતાં.

સંજય શ્રીપાદ ભાવે|Profile|11 March 2015

સ્ત્રીશિક્ષણનો અને તેમાં ય દલિત કન્યાઓના શિક્ષણનો પાયો નાખનાર સાવિત્રીબાઈ જોતીરાવ ફુલે(1831-1897)ની ગઈ કાલે  મૃત્યુિતથિ હતી. મહારાષ્ટ્રની પ્રતિષ્ઠિત પુણે યુનિવર્સિટીનું નામ ઑગસ્ટ મહિનાથી સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી કરવામાં આવ્યું છે. ભારતના ઉચ્ચ શિક્ષણના ઇતિહાસમાં આ બહુ મહત્ત્વની પ્રેરક ઘટના છે. દલિત કે બિનદલિત, હિન્દુત્વવાદી કે સેક્યુલર, ડાબેરી કે જમણેરી એવા મતભેદ તેમ જ પક્ષીય રાજકારણથી ઊપર ઊઠીને સર્વાનુમતે લેવાયેલો આ નિર્ણય જ્ઞાનજ્યોતિ સાવિત્રીબાઈના જીવનકાર્યને સમાજે આપેલી માનવંદના છે. 

ઓગણીસમી સદીના ભારતમાં જુદા જુદા રાજ્યોમાં જે સંઘર્ષશીલ સમાજસુધારક સ્ત્રી-પુરુષો હતાં તેમાં સાવિત્રીબાઈ જોતીરાવ ફુલેનું પ્રદાન અમૂલ્ય છે. તેમના પતિ અને દલિત ચળવળના અગ્રદૂત જોતીરાવ ફુલે(1827-1890)ના તે સાચા અર્થમાં કાર્યસંગિની હતાં. નાની ઉમરમાં થયેલા લગ્ન બાદ તેમણે પહેલાં પતિ પાસે અને પછી મિશનરી શાળામાંથી શિક્ષણ મેળવ્યું. બાબાસાહેબ આંબેડકરના એક ગુરુ જોતીરાવે પછાત ગણાતા વર્ગોની છોકરીઓ માટેની દેશની પહેલી શાળા પુનામાં પહેલી જાન્યુઆરી 1848થી શરૂ કરી. એમાં સાવિત્રીબાઈ શિક્ષિકા બન્યાં. શરૂઆતના દિવસોમાં એ ઘરેથી શાળાએ જાય એ વખતે રસ્તામાં રૂઢિચુસ્ત  બ્રાહ્મણો તેમની પર છાણ અને કીચડ ફેંકતા. પણ સાવિત્રીબાઈ અને જોતીરાવ અડગ રહ્યાં.

ફુલે દંપતીએ પુણેમાં 1863માં બાળહત્યા પ્રતિબંધકગૃહની સ્થાપના કરી. આ વિરલ કામ સમજવા જેવું છે. ફુલેના જમાનામાં ભારતમાં વિધવાઓની સ્થિતિ બહુ ખરાબ હતી. લગભગ બધાં બાળલગ્નો અને ઘણા જરઠવિવાહ થતાં. આયુષ્યમર્યાદા ઓછી હતી, મૃત્યુદર ઊંચો હતો. પરિણામે બાળ કે યુવા વિધવાઓની સંખ્યા પણ વધુ હતી. આ વિધવાઓની જિંદગી દોજખ હતી. તેમાંથી કેટલીક, પરિવારના કે બહારના વાસનાભૂખ્યા પુરુષોના અત્યાચારનો ભોગ બનીને ગર્ભ ધારણ કરતી. પછી પેટની અંદરના જીવની સાથે પોતાની જિંદગી ટૂંકાવતી.

સમાજની અમાનુષતાનો ભોગ બનેલી આવી સ્ત્રીઓને બચાવી લેવા માટે ફુલે દંપતીએ બાળહત્યા પ્રતિબંધક ગૃહ નામના આશ્રયસ્થાનની શરૂઆત કરી. જેમાં મહિલાઓને આધાર આપવામાં આવતો, એટલું જ નહીં પણ સવિત્રીબાઈની દેખરેખ હેઠળ નિષ્ણાત સુયાણી પાસે સુવાવડ પણ કરાવવામાં આવતી. ત્યાર બાદ  બાળકની સાથે ગૃહમાં રહેવાની કે તેને સાથે લઈને કે લીધા વગર ગૃહમાંથી તેને જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ રહેતી. આ ગૃહનું કામ સાવિત્રીબાઈએ બહુ સંઘર્ષની વચ્ચે પણ સંવેદનશીલતાથી સંભાળ્યું. એટલું જ નહીં પણ આપઘાત કરવા નીકળેલી એક સગર્ભા વિધવાને બચાવીને તેના દીકરાને દત્તક લઈને યશવંત નામે ઊછેરીને ડૉકટર બનાવ્યો. ફુલે દંપતિએ પુણેમાં શ્રમજીવીઓ માટે રાત્રિશાળા ચલાવી (1855), પાણી માટેનો પોતાના ઘરનો હોજ દલિતો માટે ખુલ્લો મૂક્યો (1868), દલિતોની દુર્દશા માટે કારણ બનેલા બ્રાહ્મણવાદના નાશ માટે દલિત વર્ગોની જાગૃતિ અને ચળવળના હેતુથી સત્યશોધક સમાજની સ્થાપના કરી (1873), દુષ્કાળ રાહત કામગીરી (1875-77) પાર પાડી.

‘વિદ્યા વિના મતિ ગઈ’ એવું ફુલેએ લખ્યું છે. સાવિત્રીબાઈએ લખ્યું – ‘વિદ્યા સર્વશ્રેષ્ઠ ધન છે, એનાથી ગુલામી દૂર થાય છે અને માણસપણું મળે છે, અને પશુત્વ હારે છે.’ તેમના મરાઠી શબ્દો છે ‘विद्या हे धन आहे रे। श्रेष्ठ साऱ्या धनाहून।‘ અથવા ‘शिक्षणाने मनुष्यत्व लाभतं आणि पशुत्व हरतं.’ સાવિત્રીબાઈએ કેટલીક મૌલિક પદ્યરચનાઓ પણ કરી છે. મહિલાઓની જિંદગીને સારી બનાવવાના વિચારને આચારમાં મૂકવાનું મુશ્કેલ હતું. પતિનું મોત થાય એટલે પત્નીનું મુંડન કરાવવાની બદી હતી. એ અટકાવવા માટે વિચક્ષણ ફુલે દંપતીએ પોતાની વાત વાળંદોને ગળે ઊતારી. ‘વિધવાઓનું મુંડન અમે નહીં કરીએ’ એવું પુનાના નાપિકોએ પોતાની આવકનો વિચાર બાજુ પર મૂકીને નક્કી કર્યું. એક સામાજિક સુધારા માટે પુનાના નાપિકોએ પાડેલી હડતાળ દુનિયાની એવા પ્રકારની સંભવત: પહેલી હડતાળ હતી. જોતીરાવના અવસાન પછી સાવિત્રીબાઈએ સત્યશોધક સમાજની ચળવળ ઊપાડી લીધી. વિધવાઓના પુનર્વિવાહ, બાળલગ્ન પ્રતિબંધ, સ્ત્રીકેળવણી, કુંવારી માતાઓની અને તરછોડાયેલી સ્ત્રીઓની દુર્દશા જેવી અનેક સમસ્યાઓનો તે ઉકેલ લાવવા માગતાં હતાં. એના માટે મહિલા સંગઠનની જરૂર હતી. એ દિશામાં તેમણે કરેલું કામ બહુ મહત્ત્વનું છે. સાવિત્રીબાઈ સ્ત્રીમુક્તિના જ્યોતિર્ધર બન્યાં. તેમનું અને દીકરા યશવંતનું અવસાન પ્લેગના રોગીઓની સારવાર દરમિયાન થયું.

ભાવનગરનાં દક્ષાબહેન દામોદરાએ લખેલી  ‘સાવિત્રી’ નામની જીવનચરિત્રાત્મક નવલકથા ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ પ્રસિદ્ધ કરી છે. મહારાષ્ટ્રના પ્રતિબદ્ધ રંગકર્મી સુષમા દેશપાંડેએ સાવિત્રીબાઈ પર સર્જેલા નાટ્યપ્રયોગની ગુજરાતીમાં ભજવણીઓ અદિતી દેસાઈ, રક્ષા નાયક અને ઇન્દુ રોહિતે કરી હતી.

જાણીતા મરાઠી પત્રકાર-લેખક ઉત્તમ કાંબળેએ એક કિસ્સો નોંધ્યો છે. ગામડાની એક કન્યાશાળાના સમારંભ બાદ તેમની પાસે સહી અને સંદેશ લેવા આવેલી એક વિદ્યાર્થિનીને તેમણે પૂછ્યું : ‘તું નિશાળમાં ભણતી થઈ ત્યારે તને શાળાએ બેસાડવા કોણ આવ્યું હતું ?’ એક છોકરીએ જવાબ આપ્યો : ‘મને નિશાળે બેસાડવા સાવિત્રીબાઈ આવ્યાં હતાં.’

9 માર્ચ 2015

+++++

સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામે લેખકની કટાર, “નવગુજરાત સમય”, 11 માર્ચ 2015

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

ચાર લઘુ વાર્તાઓ

ગુણવંત વૈદ્ય|Opinion - Short Stories|10 March 2015

… 1 …

કેડી

જેઇનની મુલાકાત એના અજ્ઞાત બોનમેરો ડોનરની સાથે આજે પ્રથમવાર ગોઠવાઈ હતી. પુત્રીના જીવનદાતાને રૂબરૂ મળવા જેઇન સાથે એના હરખઘેલા માતાપિતા પીટર અને માર્ગ્રેટ પણ ફૂલોનો મોટો ગુલદસ્તો લઈ આવી પહોચ્યાં. એમના મિત્રો ડાંસ કરતા હતા.

મહેમાનોની ભીડમાં છ આંખો પેલા ડોનરને શોધતી હતી. ડોક્ટર પીટરસને તેવામાં જાહેરાત કરી, 'પ્લીઝ વેલકમ મિસ્ટર કે.ડી.' તાળીઓના ગડગડાટ વચ્ચે બધાની નજર દ્વાર તરફ ગઈ. 

પીટર અને માર્ગરેટ તો સ્તબ્ધ જ થઈ ગયાં !! પીટરની આંખોમાં ખુન્નસ આવ્યું અને હાથની મુઠ્ઠીઓ વળી હતી … હાથમાંનો બિયરનો ગ્લાસ જોરથી ભોંય પર પછાડી  'નો … નો …' કહેતો એ પગ પછાડતો તરત બહાર જ નીકળી ગયો !!! હાક … થુ …. કરતી માર્ગરેટ પણ બહાર નીકળી ગઈ ! એમના વર્તાવથી ત્યાં હાજર રહેલા સહુ કોઈ અવાક થઈ ગયાં ! 

.. ત્યાં પ્રવેશનાર એક સુકલકડી અશ્વેત  હતો !!! 

રંગભેદની નીતિના બે પ્રચંડ સક્રિય સમર્થકો માટે કદાચ અલગતાવાદનો મુદ્દો અગ્રતાક્રમમાં સહુથી વધુ પ્રબળ  દાવેદાર હતો.   

જેઇનની વ્હીલચેર તરત જ આવનારની પાસે દોડી જ ગઈ … 

એની નસોમાં કૃષ્ણદાસના વહેતા થયેલા ભેદભાવરહિતના નવા પાણીએ નવી પેઢીમાં સમજદારીની નવી કેડી જ કંડારી !! 

બે રંગભેદીઓ પલાયન થયા હતાં. 

'કેડી … કેડી … કેડી ….'ના શોર વચ્ચે, જેઇન કૃષ્ણદાસને વળગી. 

વિશ્વ બદલાયું હતું …..

જેઇન માંડ માંડ બોલી શકી : 'થેંક્યુ'.

•

… 2 …

ઉકેલ …..?

ખુશાલની વાતે રઘુની ઊંઘ જ ઊડી ગઈ.

'એક ઉપાય છે' રઘુએ વિચાર્યું. …. જાતતપાસનો.

તપાસમાં તે દિવસે માને એક શેઠની કારમાં બેસીને એણે જાતે જ્યારે જતાં જોઈ, ત્યારે તો રઘુ અવાક જ થઈ ગયો ……

છેવટે છાપાવાળા જ્ગદીશચન્દ્રની પારખુ નજર એની મદદે આવી. 

***

રઘુ દિવસે છાપાંની ફેરી કરતો અને રાતે સ્ટેશને ચાય વેચતો. લખમી લોકોનાં ઘરકામ કરતી. તોયે એમને પૈસે ખેંચ રહેતી. તેથી નછૂટકે સાંજે બે કલાક સરલાની સાથે બનીઠનીને લખમી પણ ધંધે જવા જ માંડી, …. રઘુની જાણબહાર …

***

ધંધેથી આવીને લખમીએ સ્નાન કરીને, સ્વચ્છ લૂગડું પહેરીને દીવો કર્યો પછી કમાણી ભગવાન આગળ મૂકીને દિલથી ક્ષમા માગી.  પછી કમાણીના પૈસા લઈને રાશન ખરીદવા એ દુકાને દોડી. રઘુ હજી ઘરે આવ્યો ન હતો. 

***

ઝૂંપડીમાં ખામોશી હતી. ખાતી વખતે રઘુએ કહ્યું, 'છાપખાને સાંજે એક સફાઈ કામદારની નોકરી પડી છે, રોજના બસો રૂપિયા છે, તું જશે, મા?'

લખમી તરત  બોલી ઊઠી, 'હા, હા, કેમ નહીં ..?' 

મા માની ગઈ એનો રઘુએ મનમાં હાશકારો કર્યો. 

'હાશ, ગંદવાડથી તો છૂટી  …' લખમી બબડી. 

બે સફળતા ઝૂંપડીમાં મનોમન હરખાતી હતી … એકમેકથી અલગ, અજાણ ….

***

રઘુનાં ખભે મૂકીને જગદીશે ચલાવેલ બંદૂકની ગોળી ધારેલા નિશાન પર વાગી હતી …..

બીજે દિવસથી છાપખાને લખમીનું નિજી સફાઈકામ વધ્યું ….!

છતાં  ચૂપ જ રહી …. રઘુના ભણતર કાજે !!

….. બિચારી. 

•

… 3 …

વેદના

શ્રીમતી : 'આ શીરો કેમ બધેબધ મુક્યો? પાથરણું ય ઘીવાળું કર્યું.' 

'મેં નથી મુક્યો ….' મેં કહ્યું. 

શ્રીમતી : 'તમે નથી મુક્યો? મેં પણ નથી મુક્યો, અહીં ત્રીજું તો કોઈ આવ્યું નથી …' 

સવાલ વાજબી હતો.

'…. નક્કી, બલ્લુ ….' …. અને એ વિચારે અમારી આંખો હરખભીની જ થઈ !!! 

નાનકડા બ્લ્લુને પૂછવાથી કદાચ 'એનાથી કશુક ખોટું થયું છે' એવી આછેરી ભાવના એનામાં જન્મી જાય તો? એવું તો હું કદાપિ ઇચ્છતો જ ન હતો. 

***

સવારે દાદીને પૂજા કરતી બલ્લુ એકીટશે જોતો. ક્યારેક સવાલો પણ પૂછતો. 

આજે પૂછે કે "બધા ભગવાન એક જ વાટકીમાં કેમ જમે?' 

……. એટલે પ્રસાદની મુકેલી એક જ વાટકીમાંથી બધા ફોટા આગળ ચપટી શીરો બાલકૃષ્ણ ઉર્ફે બલ્લુએ જ મુક્યો હતો એમ માનવાને કારણ મળ્યું  !!!  

***

‘પરંતુ ….. 'દાદા, તમે ક્યારે મરી જવાના?' એમ નાસમજ બલ્લુ પાસે મને કહેવડાવનાર બલ્લુની જનેતા સુધી આજના આનંદની વાત મારે પહોંચાડવી કે કેમ ?’ એ મથામણ હતી.

***

'વહુ, સૌને ગર્વ થાય એવું મહાન કામ બલ્લુએ આજે કર્યું. પણ તારે શી લેવાદેવા? તારા આજ પર્યંતના અસંખ્ય અક્ષમ્ય અપરાધો, વેદનાઓ તો હું ભૂલી ગયો છું. પરંતુ મારા પૌત્રમાં અમારી વિરુદ્ધ અકારણ ઝેર ભરવા બદલ તો તને માફી કદાપિ નહીં જ મળે. જન્મોજન્મ ….' ડાયરીમાં મેં છેલ્લો ફકરો લખ્યો.

સ્મૃિતપટે અનુભવો ઉપસી જ આવ્યા ….. ધિક્કાર શબ્દ વામણો બન્યો. ……

•

… 4 …

સંકલ્પ

તે દિવસ પણ હું મારી જગાએ પહોચ્યો. ઝાડેથી ઝોળી, લાકડી પાડયાં. પછી જમણો પગ ઉપર સુધી વાળીને બાંધી દીધો. થેલીમાંથી ઝોળી, લૂંગી કાઢયાં. બાંધેલો પગ ઢંકાતી લૂંગી પહેરી દીધી. પગરખાં અને થેલી ઝોળીમાં મૂકયાં. ઝોળી ખભે ભેરવી અને હું  રસ્તા ઉપર આવ્યો.

'માઈ, દયા કરો … ભગવાન તમારું ભલું કરશે  …'  કહેતો હું ફરતો હતો. સમયાંતરે મારી ભરાતી હથેળી ગંજીના ગજવે ઠલવાતી હતી. …. ઠક ઠક કરતો હું આગળ જતો હતો. ત્યાં જ …. એક બેકાબૂ મોટરકાર પૂરપાટ ધસી આવી. લાકડી અને ઝોળી ફંગોળાયાં. કમાણી રસ્તે વેરાઈ ગઈ. હું હવામાં ઉછળી નીચે પડ્યો ! …. પાછળથી આવતી બીજી કાર મને વધુ કચડી ગઈ !! 

એક મહિને હું જ્યારે ભાનમાં આવ્યો ત્યારે મારા બંને પગ ન હતા !!  

બેકારીની નિરાશાએ જ મને ખોટું કરવા પ્રેર્યો હતો, જેની સજા મને મળી. 

'વિક્લાંગી સહાય' મેળવવા હું જરા પણ લાયક નથી તેથી હું વિનમ્રતાથી એનો અસ્વીકાર કરું છું. હું ફક્ત મહેનતથી જ કમાઈશ. 

અત્યાર સુધી મેં છુપાવેલી એક બીજી વાત પણ કહું? 

હું  એક ગ્રેજ્યુએટ છું અને કોઈ પણ નિરાશા મને હવે વિકલાંગ નહીં જ બનાવે. કદાપિ નહીં …..

… મારો આ સંકલ્પ સરકારી અફસરને જણાવી હું ખૂબ હળવો થયો. 

નિરાશા એ જ તો મોટી વિકલાંગતા છે.

e.mail :  gunvantvaidya@outlook.com

Loading

કાળની કેડીએ ઘડીક સંગ

નિરંજન ભગત|Poetry|10 March 2015

રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તો ય જનમોજનમ લાગી જશે એનો રંગ !
ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીને ય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !
પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી !
ક્યાં ય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !

Loading

...102030...3,8803,8813,8823,883...3,8903,9003,910...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved