Opinion Magazine
Number of visits: 9559892
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દર્શકનો શતાબ્દી સાદ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|3 October 2014

મનુભાઈ રાજારામ પંચોળી – દર્શક (૧૫-૧૦-૨૦૧૪ : ૨૯-૮-૨૦૦૧), અમસ્તાં પણ સહજ ભાવે જેમની શતવર્ષી સંભારી અને ઉજવી શકાય એવા જણ હતા. પણ નિરીક્ષક ફાઉન્ડેશનના સન્માન્ય સ્થાપક-અધ્યક્ષને આજની ઘડીએ સંભારવા એ ન તો રસમી રાબેતો માત્ર છે, ન કેવળ ઉજવણું છે. એની પાછળ એક સાત્ત્વિક ધક્કો અને ધખના છે. બલકે, ભલે પુણ્યાવેશી પણ કંઈક કિન્નો છે. તમે એને ગીતાપ્રોક્ત મન્યુ તરીકે પણ જોઈ શકો.

વાત એમ છે કે દલપતની ધીરતા અને નર્મદના જોસ્સાથી શરૂ કરી અનેક નાનામોટા ચઢાવઉતાર અને સંઘર્ષ તેમ જ સામંજસ્યના ધોરણે ગાંધીપ્રકર્ષની એક આખી ઇતિહાસ પ્રક્રિયા થકી ગુજરાતમાં જાહેરજીવનનું એક ધોરણ અને એક વિમર્શ ઊભો થયો હતો. એની માંડણીમાં, એની કરણીમાં છાયાભેદ અને ઝોકફેર હોઈ શકે, પણ અત્યંત વ્યાપક અર્થમાં એ અભિગમ પ્રગતિશીલ માનવતા ભણીનો હતો. બેલાશક, ઊર્વિસાર અને વિવેકબૃહસ્પતિ સરખી ઓળખને અંકે કરવા સારુ ત્યારે પણ ગુજરાતને ખાસી જદ્દોજહદની જરૂરત હતી જ. પણ નિકષ અને નેજાની બુલંદી કંઈ પણ નબળું હોય તો તે અંગે મોડાવહેલા પણ જાત જોડે જવાબ માગવાની રીતે જાગ્રત કરી શકે એ બરની ખસૂસ હતી. કંઈ નહીં તો પણ એમાં નીરમગુંજાશ તો હતી જ હતી.

કમનસીબે, છેલ્લાં વર્ષોમાં આ વિમર્શ કંઈક ખોરવાયેલ, કંઈક ખોટવાયેલ, કંઈક ભટકેલ, કદાચ અપહૃત-બલાત્કૃત અનુભવાય છે. તાજેતરનાં વર્ષોમાં જે શતાબ્દી પુરુષોને સંભારવાના નાનામોટા અવસર આવી મળ્યા – પછી તે જયન્તિ દલાલ હોય કે ઉમાશંકર જોશી, બાબુભાઈ જશભાઈ હોય કે ભોગીભાઈ ગાંધી અગર કૃષ્ણલાલ શ્રીધરાણી, અને અલબત્ત દર્શક કે યશવન્ત શુક્લ – એ સૌ નિમિત્તે બઢીચઢીને લખવાબોલવાની અને વિચારવિનિમયની તાકીદ એટલા વાસ્તે હતી અને એ છે કે સંસ્કૃિતવેશી રાષ્ટ્રવાદ અને વિકાસવેશી વૈશ્વિકીકરણના દોરમાં તેમ જ પ્રચારશોરમાં સ્વતંત્રતા અને સમાનતા માટેની પ્રગતિશીલ માનવતાની આહ અને ચાહ વિસારે પડ્યાં છે. જે બધા વિચારો હાલ વિમર્શરૂપે ચલાવાય અને ચગાવાય છે, એમાં વ્યામોહ જ વ્યામોહ વરતાય છે.

હમણે હમણે નાનાભાઈ-મનુભાઈનો ઠપ્પો મારીને દીનાનાથ બત્રાનો માલ ખપાવાય છે એ આ વ્યામોહનું જ એક ઉદાહરણ છે. વિકાસને નામે (સંપત્તિનું એકતરફી કેન્દ્રીકરણ અને વિષમતા વિવર્ધન), રાષ્ટ્રવાદને નામે (કોમવાદનું રાજકારણ), ધર્મને નામે (ધુંવાધાર ધંધાવાદ / રાજકીય વિચારધારાવાદ)ઃ વ્યામોહ લટકા કરે વ્યામોહ સામે.

વ્યાસ અને વાલ્મીકિની સૃષ્ટિમાં રમેલા દર્શક ભાજપના હિંદુવાદ વિશે તેમ કૉંગ્રેસના લીગ-સંધાન વિશે કે પંજાબના કૉંગ્રેસ-અકાલી રાજકારણને અનુલક્ષીને ‘ધર્મની વિભાજક ભૂમિકા’ વિશે નિઃસંકોચ બોલી શકતા. ૧૯૮૪ના ઓપરેશન બ્લુસ્ટાર પછીના દિવસોમાં એક વાર વાસુદેવ મહેતાએ મને કહ્યું હતું – ધર્મની વિભાજક ભૂમિકા વિશે આટલું અસંદિગ્ધપણે બોલનારો તો એક તમારો મનુભાઈ જ જોયો.

વિમલાતાઈ જેવાં ઉદાત્ત ભૂમિકાએથી પણ ‘સ્પિરિચ્યુઅલ’ લોકશાહીની જિકર કરે ત્યારે એમની સાથે અત્યંત આત્મીય સંબંધ ધરાવતા મનુભાઈ બિલકુલ ચુસ્તીથી ‘સેક્યુલર’ સંજ્ઞાનો મહિમા કરી વિરોધ નોંધાવવાનું ચૂક્યા નહોતા.

૧૯૪૫માં, રિપીટ, ૧૯૪૫માં એ ‘બે વિચારધારા’ લઈને આવ્યા અને ગાંધીવિચાર ને લોકશાહી સમાજવાદ વચ્ચે સાર્થક, પ્રગતિશીલ માનવતા તેમ જ વિષમતા નિર્મૂલનમુખી પારસ્પર્યની સંભાવનાઓ સરસ ઉપસાવી આપી. સ્વરાજના ભણકારા વાગતા હતા અને ગાંધી પોતાના ‘વારસ’ જવાહરલાલને ખુલ્લી બહસ માટે અખાડે ઊતરવા લલકારતા હતા ત્યારે ગુજરાત છેડેથી ન્યાયી સમન્વયનો એક ખરડો-ખરીતો જે કહો તે ત્રીસ વરસના મનુ પંચોળીએ રમતો મૂક્યો હતો! આચાર્ય ભાગવત અને આચાર્ય જાવડેકર મહારાષ્ટ્રમાં કદાચ એથી પણ આગળ પહોંચ્યા હતા. દર્શક શતાબ્દી, અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિવાદમાં અટવાયેલ ગંઠાયેલ વૃદ્ધિવિવાદને સમતાલક્ષી વિકાસની નવી ભોં ભાંગવા સારુ કંઈક સામગ્રી, સવિશેષ તો નિમિત્ત પૂરાં પાડે છે.

ખેર, અનેક મુદ્દા આ સંદર્ભમાં યથાપ્રસંગ, યથા અવકાશ ચર્ચીશું. પણ હમણાં તો સરકારી અકાદમીને સ્વાયત્ત બનાવવાની એમના અંતિમ પર્વ પૈકી એક એવી કામગીરીને પુનઃ સરકારગ્રસ્ત થતી  આપણે સૌ જોઈ રહ્યા એ ક્લૈબ્યદૌર્બલ્ય ત્યજવાને ધોરણે શતાબ્દીનો સાદ સંભળાય તો આ લખનાર સહિત સૌને લાયક બકું.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2014, પૃ.01-02 

Loading

રવીન્દ્રનાથ ઠાકુરનો વિશ્વમાનવવાદ

તેજસ વૈદ્ય|Opinion - Opinion|2 October 2014

"રાષ્ટ્રના વિકાસ દરમ્યાન બંધુત્વની નૈતિક ભાવના ભૌગોલિક સીમાઓથી મર્યાદિત થઈ હતી, કારણ તે જમાનામાં એ સીમાઓ વાસ્તવિક હતી. આજે એ સીમાઓ પરંપરાની કાલ્પનિક રેખા બની ગઈ છે અને એમાં અડચણ ઊભી કરવાની તાકાત રહી નથી."

રવીન્દ્રનાથ ઠાકુરે આ વાત વર્ષો પહેલાં કહી હતી. ત્યારે તો સોશિયલ મીડિયા હતું જ નહીં. આજે જો તેઓ હયાત હોય તો આ વાત વધારે ભારપૂર્વક કહેત. ઉપરનું કથન રવીન્દ્રનાથ કેટલું દૂરનું નિહાળી શકતા હતા એ બયાન કરે છે. આજે મલાલા પર અત્યાચાર થાય છે અને વિશ્વભરમાં એની ટીકા થાય છે. અણ્ણા હઝારે આંદોલન કરે છે તો જગતભરના લોકો તેના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરે છે. જે દર્શાવે છે કે કોઈ એક જગ્યાએ અન્યાય થાય છે તો એ માત્ર જે તે સ્થળ કે દેશની જ વાત નથી. સમગ્ર જગતને એના પ્રત્યે નિસબત છે. એ અર્થમાં નિહાળીએ તો સરહદો એ કાલ્પનિક રેખામાત્ર જ છે ને. આપણી તો પરંપરા જ વસુધૈવ કુટુમ્બકમની રહી છે. તેથી જ રવીન્દ્રનાથ 'વિશ્વ માનવવાદ'ના હિમાયતી હતા.

જગતનું નિર્માણ થયું હશે ત્યારે કોઈ કુદરતી શક્તિએ એવું નહીં કહ્યું હોય કે હે માનવો, તમે અલગ અલગ દેશ બનાવીને રહો. કોઇ ખુદાઈ રોશનીએ પણ એવું આહ્વાન નહીં આપ્યું હોય કે તમે અલગ અલગ કોમ બનાવીને રહો. ટૂંકમાં, પૃથ્વી ક્યારે ય ભેદ પાડતી જ નથી. તેથી માનવની નિયતિ તો જગત આખું કુટુંબ હોય એવી જ હોઈ શકે. તેથી ચોક્કસ દેશ કે રાષ્ટ્ર નામની કલ્પના એની પાસે ધૂંધળી પડે છે. આ વાત દરેક રાષ્ટ્રને લાગુ પડે છે. તેથી જ ઋષિઓએ 'વસુધૈવ કુટુમ્બકમ્' કહ્યું હતું, 'રાષ્ટ્રમ કુટુમ્બકમ્' નહીં.

રવીન્દ્રનાથ આ વાતને થોડી ઊંડાણપૂર્વક કહે છે. તેઓ કહે છે. "માનવ ઇતિહાસ એ કંઈ સ્થિર રહેતો નથી. એ સતત વહેતો જ રહે છે. એ કુદરતના નિયમોને આધીન છે એટલે દરજ્જે એ કુદરતનો ભાગ છે. પણ માનવ સમાજના નિયમો એ સામાજિક નિયમો છે અર્થાત્ માનવચેતના અને તેના પરિણામરૂપ માનવપ્રવૃત્તિની પેદાશ છે, એટલે દરજ્જે માનવ ઇતિહાસ કુદરતને અતિક્રમી જાય છે. આથી, ઇતિહાસના અનંત વહેતા પ્રવાહમાં, માનવ ચેતનાના સતત વિકાસમાં રાષ્ટ્રવાદરૂપે પ્રગટ થતી એકતા અંતિમ લક્ષ્ય રહી શકે જ નહીં. જે માનવચેતના આત્માના – ભાવનાના ક્ષેત્રમાં કોઈ પણ જાતના સીમાડા કે મર્યાદાઓને સ્વીકારતી નથી તે આક્રમક રાષ્ટ્રવાદના રૂપમાં દેશપૂજાએ લાદેલી મર્યાદાઓ સહન કરી શકે એમ હતું જ નહીં. વિશ્વ માનવવાદ એ માનવ ચેતનાનો પ્રાણ છે. આખા વિશ્વને પોતાની બાથમાં લીધા વગર એની યાત્રા જંપી શકે જ નહીં. ઉપરાંત, જમાનાઓના અનુભવે સાબિત કર્યું છે કે માનવજાતને 'વિશ્વસમાજની રચના' વગર સંતોષ થવાનો નથી. એના કરતાં જે લગીરે ઓછું હશે તે શંકા, ઇર્ષ્યા, દ્વેષ, ઘર્ષણ અને રક્તપાત સામે ટકી શકશે નહીં. સૈકાઓનાં દુઃખ, અશ્રુ અને રક્તપાત પછી માનવજાતે મેળવેલો આ અનુભવ છે." રવિ ઠાકુરની આ વાત અમેરિકા તેમ જ કટ્ટરવાદી રાષ્ટ્રો ક્યારે સમજશે! તેઓ આગળ કહે છે. "માણસે પ્રેમની અને શુદ્ધ દર્શનની પોતાની બધી શક્તિઓ, કેવળ રાષ્ટ્રરૂપી નાનાંનાનાં જૂથોને બદલે સમગ્ર જગતને પોતામાં સમાવી લેતી બીજી જ એક મહાન વ્યવસ્થાને સિદ્ધ કરવા માટે કામે લગાવવી પડશે. જે નવા યુગમાં માણસ સર્વ માનવોના ભાવનાત્મક ઐક્યમાં પોતાના આત્માનાં દર્શન કરવાનો છે તે નવયુગના ઉદય માટે પોતાની જાતને પોતાની આસપાસના સમાજને તૈયાર કરવાનું આહ્વાન આજે પ્રત્યેક માનવીને આવ્યું છે."

વાતવાતમાં તમે એવું કહેતાં લોકોને સાંભળ્યા હશે કે "એ તો આદર્શ બાબત છે, એ શક્ય નથી. એ વાસ્તવિક નથી." શક્ય છે કે આ વાક્ય તમે પણ બોલ્યા હો. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી આવીને બિહારના ચંપારણમાં પ્રથમ સત્યાગ્રહ શરૂ કર્યો ત્યારે તેમણે કહ્યું હોય કે આપણે દેશને આઝાદ કરવો છે ત્યારે સાંભળનારા અડધોઅડધ લોકોને મૂછમાં હસવું જ આવ્યું હશે ને કે આ બુઝુર્ગ અંગ્રેજો સામેથી આઝાદી મેળવવાની વાત કરે છે.

વિશ્વના તમામ મહાન માનવોએ માનવજાતના ભલા માટે વિશ્વ માનવવાદની વાત સ્વીકારી છે. કોઈ દેશ ગરીબ ન રહે અને જગતનું કોઈ બાળક ભૂખ્યું ન સૂએ એ માટે એ એકમાત્ર ઉકેલ છે. આ વાત આદર્શ છે પણ એના વગર જગતનો ઉદ્ધાર નથી. એના માટે કદાચ યુગો વીતી જશે પણ એના વગર છૂટકો નથી. દરેક મહાન દેખાતું કાર્ય એક સમયે તો આદર્શ જ હોય છે ને!

રવિ ઠાકુરે વિજ્ઞાાનને વોઇસ ઓફ હ્યુમેનિટી કહ્યું હતું

વિજ્ઞાન અને ધર્મને આપણે ત્યાં પરસ્પર વિરોધી તરીકે જોવામાં આવે છે. ખરેખર તો બંનેની શોધ સત્ય તરફની છે. વિજ્ઞાાન પારખીને પુરાવાને આધારે સત્યને સ્વીકારે છે. જ્યારે કે ધર્મ પ્રથમ શ્રદ્ધા મૂકે છે અને એને સહારે સત્ય સુધી પહોંચવાની વાત કરે છે. જગતના તમામ ધર્મ આ વાત કહે છે. જે માણસ વિજ્ઞાનને વક્રદૃષ્ટિથી નિહાળતો હોય એ જેન્યુઇન રીતે ધાર્મિક માણસ ન હોઈ શકે. સમાજમાં મોટા ભાગના ધાર્મિક માણસ ધર્મના હાર્દને પકડવાને બદલે એના દંભમાં રાચે છે. કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે વિજ્ઞાનને 'ધ વોઇસ ઓફ હ્યુમેનિટી' કહ્યું છે. વિજ્ઞાનને કવિએ આત્માની ધાત્રી સાથે સરખાવ્યું છે. વિજ્ઞાને માનવજાતને જોડવામાં જે નક્કર ભૂમિકા દાખવી છે એની કવિએ નોંધ લીધી છે. એક કવિ વિજ્ઞાનને કેટલી સૂક્ષ્મતાપૂર્વક નિહાળી શકે એનો અંદાજ તેમના પ્રવચનમાંથી મળે છે.

મિલાનમાં આપેલા એક વ્યાખ્યાનમાં રવીન્દ્રનાથે કહ્યું હતું કે "યુરોપે વિજ્ઞાનની જે ભેટ આપી છે અને જે આજે ભાવિ પેઢીના વારસારૂપ બની ગઈ છે, તે વારસા માટે આપણે યુરોપને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અમારા ઋષિમુનિઓએ કહ્યું છે કે ભૂમાને જ જાણવો જોઈએ, કારણ કે માણસને માટે ભૂમા એટલે કે વિશાળતા જ સુખરૂપ છે. યુરોપે વિસ્તૃિતના ક્ષેત્રમાં, બાહ્ય પ્રકૃતિના રાજ્યમાં ભૂમાનાં રૂબરૂ દર્શન કર્યાં છે. હું વસ્તુજગતને ઉતારી પાડવા માગતો નથી. એ જ આત્માની ધાત્રી અને પારણું છે એનું મને પૂરેપૂરું ભાન છે. વસ્તુજગતના હાર્દમાં ભૂમાનો સાક્ષાત્કાર કરીને તમે આ જગતને એ પહેલાં કદી નહોતું એટલું ઉદાર બનાવી દીધું છે."

જપાનમાં આપેલા એક વ્યાખ્યાન 'નેશનલિઝમ ઇન જપાન'માં ઠાકુરે કહ્યું હતું કે "આપણે પૂરા હૃદયથી એ યુરોપ પર પ્રેમ કર્યા વગર તેમ જ પ્રસંશા વેર્યા વગર રહી શકતા નથી. જેણે પોતાના સાહિત્યમાં અને કલામાં સૌંદર્ય અને સત્યનો એક એવો અખૂટ ફુવારો છોડયો છે કે જે બધા દેશો અને બધા યુગોને ફળદ્રુપ બનાવતો રહેશે. જે યુરોપ પોતાના ચિત્તની રાક્ષસસમી અથાક શક્તિથી વિશ્વની વિશાળતા અને ગહનતાને આંબીને તેની અનંત વિરાટતા અને અનંત સૂક્ષ્મતામાંથી જ્ઞાનરૂપી ખંડણી ઉઘરાવી રહ્યું છે, જે પોતાની પ્રચંડ બુદ્ધિ અને હૃદયના બધા ભંડારો રોગીઓની પરિચર્યામાં અને જે દુઃખોને આપણે નિરાશાપૂર્વક સ્વીકારી લઈને સંતોષ માન્યો હતો તેને હળવા કરવામાં ખર્ચી રહ્યું છે. જે યુરોપે પ્રકૃતિનાં પ્રચંડ બળોને પટાવીને કે ડારીને માનવની સેવામાં યોજીને પૃથ્વી પાસે શક્ય લાગતું હતું એના કરતાં વધારે બળો લઈ રહ્યું છે." વિજ્ઞાનને રવીન્દ્રનાથ જેટલી સંવેદનાથી ભાગ્યે જ કોઈએ નિહાળ્યું હશે. સાથે પશ્ચિમ તરફથી માનવજાત પ્રત્યે રહેલા ભયને પણ તેમણે દર્શાવ્યો છે. 'માનવતાનો સાદ' નામના એક લેખમાં તેમણે કહ્યું હતું કે "તમે જે વિજ્ઞાનની શોધ કરી છે એને લાયક તમે થયા નથી. તમે બાહ્ય દૃષ્ટિએ જે મેળવ્યું છે તે મારફતે કદાચ તમે સફળ થશો, પણ એ સફળતા મેળવ્યા છતાં તમે મહાન ન થવા પામો એમ બને." કવિને મતે શોધખોળોનો સાક્ષાત્કાર આખી માનવજાતે કરવાનો હોય છે. સત્યનું પૂરું સન્માન થાય તે પહેલાં જાણકારીને આત્માના અંકુશમાં લાવવી પડે છે." કવિવરના મતે જગતના કોઈ પણ ભાગમાં થયેલું ભલું કામ કે શોધના લાભના હકદાર જગતના તમામ લોકો હોય છે, નહીં કે માત્ર જે તે દેશ.

રવિ ઠાકુરે મૂડીવાદનો વિરોધ નથી કર્યો

સામ્રાજ્યવાદ અને સામંતશાહી સામે રવીન્દ્રનાથ ખોંખારો ખાઈને બોલ્યા છે. સામ્રાજ્યવાદીઓ વર્ષોથી એવો દાવો કરતા આવ્યા છે, અને આજે પણ કરે છે કે સામ્રાજ્યના વિસ્તાર દ્વારા માનવજાતમાં એકતા વધારવી. કવિએ એનો તિરસ્કારપૂર્વક અસ્વીકાર કરતાં લખ્યું છે કે "સામ્રાજ્યવાદ એ તો અજગરની ઐક્યનીતિ છે. એ એકતા સિદ્ધ કરવા ગળી જવાનું કહે છે." આ વાત અમેરિકા અને ચીનને ક્યારે સમજાશે. અમેરિકા ભલે અત્યાધુનિક રાષ્ટ્ર કહેવાતું હોય. ભલે ત્યાંની પ્રજા પોતાને સવાઈ સ્વતંત્ર અને આધુનિક પ્રજા છે એવું કહેવા માગતી હોય પણ અમેરિકા જે રીતે વિસ્તારવાદમાં માને છે જે રીતે અન્ય દેશો સામે તેમના ન્યાયના માપદંડ જોહુકમી ધારણ કરે છે એ જોતાં એ આધુનિક નહીં પણ નૈતિક રીતે પછાત અને બેવડાં વલણ ધરાવતો દેશ છે. આધુનિકતામાં ન્યાય નિહિત છે. રવીન્દ્રનાથ દ્રષ્ટા હતા. બુદ્ધિમાનોને જે વસ્તુ ડુંગરે ચઢીને ન દેખાય એ ઠાકુર તળેટીએથી જોઈ શકતા હતા. વર્ષો પહેલાં તેમણે 'રાષ્ટ્ર પૂજાવાદ'ને પણ વખોડયો હતો. ઠાકુરે રાષ્ટ્ર પૂજાવાદને નૈતિક અંધાપા અને જાતિવાદના અવતાર તરીકે લેખાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે "રાષ્ટ્રવાદ કેવળ ગુલામીમાં પડેલી પ્રજાઓને શાપરૂપ છે એટલું જ નહીં પણ જે પ્રજાઓ બીજાને ગુલામીમાં રાખે છે તેમને પણ એ શાપરૂપ છે." તેમણે પશ્ચિમ અને ભારત એમ બંનેના રાષ્ટ્રવાદને વખોડયો હતો. આપણા દેશમાં ત્યારે પણ અને અત્યારે પણ ધર્મઝનૂનીઓનું એક જૂથ હતું જેમને મન પોતાના દેશનું સર્વ કાંઈ રહસ્યમયી શક્તિથી ભરેલું હતું. રવિ ઠાકુરે તેમના દાવાને ફગાવતાં કહ્યું હતું કે "આપણે યાદ રાખવું જોઈએ કે અમુક પ્રજાને ઈશ્વરે ખાસ સર્જેલી છે એવો વાદ હવે કાળગ્રસ્ત થઈ ગયો છે. જે કોઈ ખાસ સંસ્કૃિત વિશ્વ સત્ય અથવા વિશ્વ સંસ્કૃિતથી બિલકુલ અલગ પડી ગયેલાં છે તેમાં લેશમાત્ર પણ સત્ય હોઈ શકે જ નહીં." વિડંબણા એ છે કે ઠાકુરે જે કેટલાંક ચોક્કસ વર્ગોને અનુલક્ષીને આ વાત કહી હતી એ વર્ગોનું જોર વધ્યું છે. જપાનના લોકો આગળ અન્ય એક વ્યાખ્યાનમાં રવિ ઠાકુરે કહ્યું હતું કે, "સૈકાઓની સંસ્કૃિત પછી આજે પણ રાષ્ટ્રો રાતના શિકારની શોધમાં ફરતાં જંગલી પ્રાણીઓની પેઠે એકબીજાથી ડરે છે. પોતાના આતિથ્યના દ્વાર બંધ કરી દે છે. આક્રમણ કે બચાવને માટે જ ભેગાં થાય છે. પોતપોતાની બોડમાં પોતાના વેપારનાં, રાજ્યનાં કે લશ્કરી શસ્ત્રસરંજામના રહસ્યો છુપાવે છે. એકબીજાના ભસતા કૂતરાને જેના ઉપર પોતાની માલિકી નથી એવા માંસના ટુકડા વડે સુલેહની દરખાસ્તો કરે છે. પોતાના પગ પર ઊભી રહેવા મથતી પ્રજાઓને નીચે દબાવી રાખે છે. નબળી પ્રજાઓને જમણે હાથે ધર્મનું દાન કરે છે અને ડાબે હાથે તેમનાં ખિસ્સાં ખાલી કરે છે. આમાં એવું કશું છે જેની આપણને ઇર્ષ્યા આવે? શું આપણે આ રાષ્ટ્રવાદને પગે લાગવાનું છે, જે જગતભરમાં ભય, લોભ, વહેમ એની મુત્સદ્દીગીરીનાં બેશરમ જુઠ્ઠાણાં અને શાંતિ, સદ્દભાવ અને વિશ્વમાનવબંધુત્વના તેના દાવાના ચોપડેલા જુઠ્ઠાણાંના બીજ વાવી રહ્યો છે?"

ઉપર વર્ણવેલા રવીન્દ્રનાથ ઠાકુરના પ્રવચનો અને લેખોની વિગત ઠાકુર પરિવારના જ સૌમ્યેન્દ્રનાથ ઠાકુરના ૧૯૬૧માં આવેલા પુસ્તક 'રવીન્દ્રનાથ અને વિશ્વમાનવવાદ'માંથી મળે છે. જેનો અનુવાદ નગીનદાસ પારેખે કર્યો હતો.

કોઈ કવિ ક્યારે ય સમાજજીવનના પ્રવાહોથી અલિપ્ત ન હોઈ શકે. દેશની રાજકીય પરિસ્થિતિ વિશે તેનું ચિંતન હોવું જોઈએ. બોરીસ પાસ્તરનાકથી રવિ ઠાકુર અને ઉમાશંકર જોશી સુધીના કવિઓનું એ ચિંતન રહ્યું છે. જે તેમની સાહિત્યસર્જનમાં પુણ્યપ્રકોપ રૂપે પ્રગટયું છે. આપણે ત્યાં કેટલાંક કવિઓ માત્ર ફૂલ, પર્ણ, ટહુકા, ટુચકા, ડૂસકાં, જીવનના હકાર અને અધકચરા ઓડકાર તેમ જ સુષ્ઠું, સુંવાળાં સંચાલનોમાંથી બહાર જ નથી આવતા એ લોકો પોતાને કવિ ઠેરવે એ હાસ્યાસ્પદ બાબત છે. આવા કવિઓ-સર્જકો પાસે ન કોઈ સમાજચિંતન હોય છે કે ન કોઈ રાજકીય વિશ્લેષણ. તેઓ મખમલી ઝભ્ભા પહેરીને મહાલતા રહે છે. તેમને આર્થિક ઉદારીકરણ કે કટોકટીકાળ કે ઓપરેશન બ્લૂસ્ટાર વિશે પૂછીએ તો તેમના ઝભ્ભા જેવું લિસ્સું હસી નાખે છે. આવા કવિ-સાહિત્યકારોએ રવીન્દ્રનાથ ઠાકુર કે મેઘાણી કે ઉમાશંકરની પરંપરામાંથી ધડો લેવો જોઈએ.

રાષ્ટ્રવાદનો જન્મ અને વિકાસ પશ્ચિમમાં થયો છે. રાષ્ટ્રવાદ અથડામણ ઉપર જ જીવે છે અને ફૂલેફાલે છે, કારણ કે અથડામણ એ જ રાષ્ટ્રવાદનો પ્રાણ છે.

માણસની સાથે માણસનો આત્મીય સંબંધ સ્થાપવો એ જ ભારતવર્ષનો મુખ્ય પ્રયત્ન રહ્યો છે. (સ્વદેશી સમાજ – ૧૯૦૫)

સામ્રાજ્યવાદ એ તો અજગરની ઐક્યનીતિ છે. એ એકતા સિદ્ધ કરવા ગળી જવાનું કહે છે.

રવીન્દ્રનાથ ઠાકુર પર રાજા રામમોહન રાયનો પ્રભાવ

રાજા રામમોહનરાયની પ્રચલિત ઓળખ આપણે ત્યાં એટલી છે કે તેમણે સતિપ્રથાનું દૂષણ દૂર કર્યું હતું. પાઠયપુસ્તકમાં ભણાવાયેલા ઇતિહાસમાંથી આટલું યાદ રહી જાય છે. રાજા રામમોહનરાયે સામા પ્રવાહે જે જંગમ કાર્યો કર્યાં હતાં એમાં ઘણું સામેલ છે. ૧૯મી સદીનાં શરૂઆતી વર્ષોમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મના સમન્વયનો હિંમતપૂર્વક પ્રયાસ કરનારા તે પહેલા હતા. કોઈ પણ એક ધર્મસંપ્રદાયના વાડાને પડકારીને તેમણે વિશ્વવ્યાપી ધર્મને માથે ચડાવ્યો હતો. ૧૮૬૧માં રવીન્દ્રનાથ ઠાકુરનો જન્મ થયો ત્યારે તેમના અવસાનને ૨૮ વર્ષ વીતી ચૂક્યાં હતાં છતાં દેશના નવોદિત બુદ્ધિશાળી વર્ગમાં તેમની મોહિની કાયમ હતી. રાજા રામમોહનરાયે જે વિશ્વ માનવવાદની વાત કહી હતી તે ફરી ઠાકુરમાં ર્મૂિતમંત બન્યો હતો.

રાજા રામમોહનરાયના પોતાના પર પડેલા પ્રભાવ વિશે રવીન્દ્રનાથે ૧૯૨૪માં ચીનમાં આપેલા વક્તવ્યમાં કહ્યું હતું કે "મારો જન્મ થયો લગભગ એ જ અરસામાં અમારા દેશના જીવનમાં ત્રણ પ્રવૃત્તિઓના પ્રવાહ એકઠા થયા હતા. એમાંની એક પ્રવૃત્તિ ધાર્મિક હતી અને એને શરૂ કરનારા રાજા રામમોહન રાય હતા. એ પ્રવૃત્તિ ક્રાંતિકારી હતી, કારણ કોઈ પણ જાતના આધ્યાત્મિક અર્થ વગરની અને બાહ્ય આચાર – અનુષ્ઠાનમાં બંધાઇ રહેલી જડવાદી અને રૂઢ માન્યતાઓના ભંગારની રેતીથી પુરાઈ ગયેલી આધ્યાત્મિક જીવનની નહેરોને ફરીથી ખુલ્લી કરવાનો રામમોહનનો પ્રયાસ હતો."

રવીન્દ્રનાથના દાદા દ્વારકાનાથ ઠાકુર (૧૭૯૪-૧૮૪૬) ભારે બુદ્ધિશાળી અને ઉદાર વિચારના હતા. રામમોહનરાયના મિત્ર અને સહાયક હતા. રવીન્દ્રનાથના પિતા દેવેન્દ્રનાથ ઠાકુર (૧૮૧૭ – ૧૯૦૫) પણ રાજા રામમોહનરાયના બ્રહ્મસમાજના સંગઠન કાર્ય સાથે સંકળાયેલા હતા. રવીન્દ્રનાથે પિતા વિશે લખ્યું હતું કે "મને કહેતાં ગર્વ થાય છે કે મારા પિતા રામમોહનરાયે શરૂ કરેલી પ્રવૃત્તિના મહાન નેતા હતા. એ પ્રવૃત્તિ ખાતર તેમણે સામાજિક બહિષ્કાર વેઠયો હતો અને અપમાન સહન કર્યાં હતાં. હું નવા આદર્શોના ઉદયના એ વાતાવરણમાં જન્મ્યો હતો. એ આદર્શો નવા પણ હતા અને પુરાતન પણ હતા. એ જમાનો જેને જેને માટે ગૌરવ લેતો હતો તે બધી વસ્તુઓ કરતાં એ આદર્શો વધુ પુરાતન હતા." (માય લાઇફ – ૧૯૨૪માં ચીનમાં આપેલું વ્યાખ્યાન)

e.mail : tejas.vd@gmail.com

સૌજન્ય : 'છપ્પનવખારી' નામક લેખકની કટાર, "સંદેશ", Oct 01, 2014 

http://www.sandesh.com/article.aspx?newsid=2993246

Loading

LIVE from Madison Square

R. Prasad|Opinion - Cartoon|1 October 2014

Loading

...102030...3,8763,8773,8783,879...3,8903,9003,910...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  
  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved