Opinion Magazine
Number of visits: 9772266
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેમનામાં મેં ગાંધી જોયા

મણિલાલ હ. પટેલ|Gandhiana|3 April 2015

અમારી પેઢી(૧૯૪૮ પછી જન્મેલી)ને ગાંધીજી પ્રત્યક્ષ જોવા ન મળ્યા, પણ અમે ગાંધીજીને એમનાં જીવનકાર્યો, એમના જીવનવિચાર, જીવનરીતિ તથા એમનાં લખાણોના અભ્યાસ દ્વારા પામવા મથતા રહ્યા. છતાં એવી વિરલ વિશ્વવિભૂતિને પ્રત્યક્ષ નહીં જોઈ શક્યાનો અફસોસ રહ્યો જ હતો. ગાંધીજીના તમામ સાહિત્યમાં એમનું જીવનકાર્ય તથા એમની જીવનદૃષ્ટિનો પરિચય શબ્દે-શબ્દે પદે-પદે પ્રાપ્ત થાય છે … !

નારાયણ દેસાઈનું પુસ્તક ‘સંત સેવતાં સુકૃત વાધે’ (૧૯૬૧) વાંચતાં તરત જ લાગેલું કે આ લેખનમાં ગાંધીમુદ્રા અને ગાંધીચેતના પદે-પદે હાજર છે. આ ગ્રંથના લેખકને જોયા વિના, મળ્યા વિના નહિ રહેવાય, એવો પણ ભાવ ઊંડે-ઊંડે જાગેલો. અસલ જીવનની સહજ ગતિ, વિચારનું આચારમાં પ્રગટવું તથા ભાષાની સાદગી છતાં તેની બળકટતાનો સાર્થ અનુભવ થવો – આ ત્રણે વાનાંનો વિરલ સંયોગ; જે ગાંધીજીની ‘આત્મકથા’માં અનુભવાયો હતો તે અહીં અનુભવાય છે. પછી તો નારાયણ દેસાઈને હાથે લખાયેલી, એમના પિતાશ્રી મહાદેવ દેસાઈની જીવનકથા ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ વાંચવા સાથે જ એક જુદી ભાવસૃષ્ટિમાં એક નોખી જ વિચારધારાવાળી જીવનશૈલીના અનુભવમાં મુકાવાનું બનેલું. નારાયણ દેસાઈને મળવા માટે છેક વેડછી આશ્રમ સુધી પણ બબ્બે વાર ગયો હતો. એક વાર એ આગલી સાંજે જ કશેક જવા નીકળી ગયેલા, ને બીજી વાર પ્રવાસથાક બાદ આરામમાં (તબિયતને લીધે પણ) હોવાથી મળી નહોતું શકાયું!

ત્રીજી વાર વેડછી ગયો. ગૂજરાત વિદ્યાપીઠે યોજેલાં કોઈ કાર્યશિબિરમાં ‘સાહિત્ય અને સમાજશિક્ષણ’ વિશે વાત કરવાની હતી. આ વખતે નારાયણભાઈ એમના નિવાસમાં હાજર હતા … હાથ જોડીને, નમસ્કારની મુદ્રામાં – એમ જ હું તો ઊભો રહી ગયેલો, એમનો આછેરું મલકતો સ્વસ્થ ચહેરો હું ભાવપૂર્વક જોતો રહેલો … મનમાં થયેલું કે ગાંધીજી પણ આ રીતે જ સૌને મળતા હશે. સાદગીભર્યું ઘર, સદરો અને ખુલ્લી મોરીનો લેંઘો પહેરીને બેઠેલા એ પ્રસન્નવદન નારાયણ દેસાઈમાં મને ગાંધી જોયાનો અહેસાસ થતો હતો. ગાંધીજીના ખોળામાં રમીને, એમની સાથે વાર્તા કરતાં-કરતાં જીવનઘડતરના પાઠ શીખતાં શીખતાં ‘મોટો’ થયેલો આ એક જ એવો માણસ હતો, જેમને ભેટી પડવાનું મન થતું હતું અને એમનો હાથ જે ગાંધીજીના હાથોમાં રહેલો હતો કે તે હાથ – મારા હાથમાં પકડી લઈને આંખે અડકાડવા મન ઊછળતું હતું …. પણ હજી એવો અવસર આવવાની વાર હતી.

થોડીક વાતો પછી અમો વાર્તાલાપ માટેના ખંડમાં હતા. મને આનંદ અને સંકોચ બંને થતાં હતાં. કાંતતાં-કાંતતાં એ મારો વાર્તાલાપ સાંભળી રહેલા. પછી રસોડા બહારના ઘટાદાર ઝાડ (આંબો) નીચે ગોઠવેલાં ટેબલ-પાટલી પર એમની સાથે જમવા બેઠા, ત્યારે મને થયેલું કે ‘આજનો મારો દિવસ જ નહિ, હું પણ ખરેખર ધન્ય થઈ ગયો છું …’ હું અનુભવતો હતો કે ગાંધીજી મારાથી માત્ર એક વ્યક્તિ જેટલા જ દૂર છે. જમતાં-જમતાં એમણે મારા વાર્તાલાપ સંદર્ભે કહેલું : ‘તમારી સ્મરણશક્તિ સારી છે. કશા કાગળો વિના પણ તમે તમારી બધી વાતો બરાબર મૂકી શક્યા છો … સરસ !’ દુનિયા ફરેલો, અનેક મહાન દેશભક્તોને, નેતાઓને, ચિંતકો, સેવકોને તથા સર્જકોને મળેલો તથા સભાઓને પોતાની વાતો બરાબરની પહોંચાડી શકેલો માણસ આટલો સરળ, સાદો તથા સહજ લભ્ય હોઈ શકે ?! મારી સામે એના ઉત્તર રૂપે નારાયણ દેસાઈ હાજર હતા. ગાંધીજીને નહીં જોયાનો મારો અફસોસ ઘણો ઘટી ગયો હતો.

‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ વાંચતાં-વાંચતા અનેક રીતે સમૃદ્ધ થવા મળતું હતું. મહાદેવ દેસાઈના જીવનચરિત્રમાં ગાંધીજી તથા કસ્તૂરબાની જીવનછબી સાથે કઠોર આચરણોનો પરિચય તો થાય છે જ, પરંતુ એ સાથે આપણા સાંસ્કૃિતક જીવનની છબી પણ પ્રભાવકતાથી ઉપસેલી પમાય છે. મહાદેવભાઈનું મંત્રીકાર્ય કેવું તો સંનિષ્ઠ, ગૌરવ અને ગરિમાભર્યું હતું, એ તરત પમાય છે. વળી, એમનું સમર્પણ અને કડક જીવન-આચરણ પણ વાચકને વશ કરી લે એવું છે. નારાયણ દેસાઈ જીવનકથાકાર – જીવનકથાલેખક તરીકે મુઠ્ઠી ઊંચેરા લેખક છે, એની પ્રતીતિ તો ‘મારું જીવન એ જ મારી વાણી’(ગાંધીજીની જીવનકથા)ના ચાર ભાગ વાંચતાં થાય છે. સ્વામી આનંદ, કાકાસાહેબ કાલેલકર, ડાયરીના લેખક મહાદેવ દેસાઈ – જેવા ગાંધીયુગના બધા ગદ્યકારોમાં ખુદ ગાંધીજીને પણ મોટા ગદ્યકાર લેખવા જ પડે એવું એમનું ગદ્ય છે. આ બધા ગદ્યકારોની હરોળમાં નારાયણ દેસાઈનું ગદ્ય એની સમૃદ્ધિને બળે બેસવાનું સામર્થ્ય પ્રગટાવે છે. જેણે ઔપચારિક રીતે શાળા-કૉલેજમાં જઈને શિક્ષણ જ નથી લીધું, એવી વ્યક્તિનું આવું સમૃદ્ધ ગદ્યલેખન દેશદુનિયામાં વિરલ ઘટના હશે, એમાં શંકાને સ્થાન નથી.

જુગતરામ દવેની જન્મશતાબ્ધીના અવસરે લખતરમાં એમની નિશ્રામાં શિક્ષણ વિશે વિચારો વ્યક્ત કરવાની તક મળી હતી, ત્યારે એ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે વરાયા હતા … ને ડિસેમ્બર અધિવેશનમાં ચાર્જ લેવાના હતા. કાર્યક્રમ પછી મને બેસાડીને પરિષદની રીતરસમો, પ્રવૃત્તિઓ, સમાજના પ્રતિભાવો વિશે પૂછતા હતા. કહે કે મારે બધી હકીકતો જાણવી જોઈએ ને, તો જ હું નવું કંઈક વિચારી શકું. એમની ‘ઘણું બધું’ જાણવાની અપેક્ષા ‘તટસ્થ’ રહીને સંતોષે એવી જાણકાર અને નિસબત સાથે સક્રિય વ્યક્તિની એમને જરૂર હતી. મેં રાજેન્દ્ર પટેલનું નામ સૂચવેલું … ને પછીનાં પરિષદકાર્યો તો જાણીતાં છે. છેક સુધી રાજેન્દ્ર પટેલ એમના વિશ્વાસુ તથા પ્રીતિપાત્ર રહ્યા. ગુજરાતમાં યોજાયેલી સાહિત્યયાત્રાઓ વડે એમણે પ્રજાજાગૃતિનું મહત્ત્વનું કાર્ય કરેલું, જે કાર્ય પાઠફેરે ‘ગુજરાતી ભાષાસંવર્ધન’ દ્વારા રાજેન્દ્ર પટેલ તથા અનેક મુરબ્બીઓ આજે પણ આગળ ધપાવી રહ્યા છે.

સાહિત્યયાત્રાઓમાં હું પણ શક્ય હોય ત્યાં-ત્યાં બધે હાજર રહું અને જોડાઉં એવી નારાયણભાઈની, રાજેન્દ્ર દ્વારા મને ખાસ દરખાસ્ત હતી. ને મેં એ તક ઝપડી લીધેલી. હાસ્તો, જેમનામાં મેં ગાંધીજીને જીવતા જોયા અને જેમના લેખન દ્વારા હું ગાંધીજીને થોડું ઘણું પણ-મારી શક્તિ મતિ પ્રમાણે – સમજવામાં સફળ રહ્યો, એવા ગાંધીજીના ‘પ્રિય બાબલા’ સાથે રહેવા મળે એ અમૂલ્ય અવસર કોણ જવા દે ભલા ! રાજકોટ – ભાવનગર – કચ્છ – ભરૂચ – અંકલેશ્વર – લુણાવાડા ઇત્યાદિ સ્થળે હું જોડાયો હતો.

આ દિવસોમાં એમની સાથે હાથ મેળવવાની (જે હાથને ગાંધીજીનો હાથ વારંવાર સ્પર્શ્યો હોય એવા હાથ સાથે હાથ મેળવવાની) મારી ઇચ્છા પૂરી થયેલી … રજા લઈને એમનો હાથ વધુ વખત પકડી પણ રાખેલો … એમણે કોઈ પરદેશીની આવી જ એષણાની વાત કહી હતી. અલાસ્કાના દૂર અંતરના પ્રવાસમાં જ્યારે ગાડી ચલાવનારને ખબર પડી કે નારાયણ દેસાઈ નામનો આ પ્રવાસી જણ તો ગાંધીજીના ખોળામાં રમીને મોટો થયેલો છે, ત્યારે એ ખુશીનો માર્યો ગાડી રોકીને નીચે ઊતરીને નાચી ઊઠતાં બોલેલો – ‘અરે ! ચમત્કારો તો આજે ય થાય છે.’ આપણે લોકો ‘દાંભિક વિદગ્ધતા’નો ડોળ કરવામાં રહીએ છીએ, એટલે આવા અવસરોમાં આવકાર્ય મુગ્ધતા કે રાચવા – નાચવાની વાતને અવગણી કાઢીએ છીએ. પરંતુ સરસ પ્રસંગોની વાર્તા કરતા નારાયણ દેસાઈ પોતે કેવા તો પ્રસન્ન થઈ ઊઠતા હતા, એ તો એમની ‘ગાંધીકથા’ના જિજ્ઞાસુ શ્રોતાઓને જ ખબર હોય તો હોય ! એમણે પૂરી ૧૧૮ ગાંધીકથાઓ દ્વારા દેશવિદેશમાં ગાંધીવિચાર વહેતો કર્યો …

સાહિત્યયાત્રાઓ દરમિયાન મેં વાર્તાલાપોમાં સાહિત્ય આપણને આનંદ સાથે કેવી રીતે શાણપણ તરફ દોરે છે, એ વાત પર ભાર મૂકેલો. નારાયણભાઈનું, આ પદ્ધતિને, અનુમોદન મળતું એટલે શાતા વળતી. આ દિવસોમાં નારાયણ દેસાઈને સાવ સમીપેથી –

• સવારે પ્રાર્થના કરતાં જોયા – સાંભળ્યા.

• સાંજે ભજન કહેતાં સાંભળ્યા. ગાવામાં તલ્લીન જોયા.

• એમને વખતનો સદ્દઉપયોગ કરતાં નીરખ્યા.

• એમના સાદગીનો – અલ્પ જરૂરિયાતોનો પરિચય થયો.

• એમને વાંચતાં અને સાથે આરામ કરતાં પણ જોયા.

• દેશવિદેશના અનુભવની વાતો કરતાં સાંભળ્યા!

• કપરા કડવા અનુભવોનું તટસ્થ બયાન કરતાં જોયા.

વલ્લભવિદ્યાનગરમાં એમણે ગાંધીકથા કરી, ત્યારે રોજ સવારે નિવાસ આસપાસમાંથી એ ચાલતા. હું એમની સાથે જોડાતો. એ વખતની વાતો પણ યાદગાર બની ગઈ છે.

ઇઝરાયેલના પ્રવાસ દરમિયાન એક વિદ્યાર્થિનીએ એમને પૂછેલું કે ‘તમે ગાંધીજીને જોયા હતા ?’ ત્યારે એમણે જવાબ આપેલો : ‘હું ગાંધીજીને જોઉં એ પહેલાં એમણે મને જોયો હતો.’ ને આ વાત પેલી બાળકીને ટૂંકી વિગતોમાં સચોટ ભાવે સમજાવેલી. આપણાં વિદ્યાર્થીઓ કદી ય કોઈ વાત આજે ય પૂછતાં કેમ નથી ?! ચિંતા થાય છે.

‘જિગરના ચીરા : હિંદના ભાગલા અને ગાંધીજી’ (૨૦૧૩) પુસ્તક આપણા કેટલાક ખ્યાલો / ખોટી ધારણાઓનું નિરસન કરે છે. આઝાદીની લડાઈ અને એમાં ગાંધીજી દ્વારા થયેલાં આંદોલનો કેમ ને કેટલાં, કેવી રીતે મહત્ત્વનાં હતાં એની ચર્ચાઓ નવી પેઢીને ઘણી જ માર્ગદર્શક નીવડે એવી છે.

ગુજરાતી-હિન્દી-અંગ્રેજી-બંગાળી-ઊડિયા જેવી ભાષાઓના જાણકાર આ બહુશ્રુત વિદ્વાને, ખાસ તો ગાંધીવાદને જીવી બતાવનાર તથા જીવન સાર્થક કરનાર આ માણસે પચાસ જેટલાં પુસ્તકોનું લેખન સંપાદન કર્યું છે. જે માણસે અનેક વિપરીત સ્થિતિઓમાં પણ પોતાનામાં ગાંધીજીને સહજ રીતે જીવી બતાવ્યા હોય એવી વ્યક્તિની ચિરવિદાયથી આપણે વધારે રાંક થયા છીએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2015; પૃ. 03-05

Loading

અંતરના આનંદને વહેંચવાનું કામ તે રાજકારણ : નારાયણ દેસાઈ

આશિષ મહેતા|Opinion - Opinion|3 April 2015

માણસ રાજકારણમાં શું કામ પડે છે ? રાજકારણ અહીં સમાજસેવાના અર્થમાં છે, જેને અગાઉના જમાનામાં ‘રાજકીય ક્ષેત્ર’ કહેતા. બહારની  દુનિયાનાં તો ઘણાં કારણો છે, પણ અંદરનાં કારણો કયાં ?

નારાયણભાઈ દેસાઈ એક સમયે વિનોબા ભાવેની જિદ્દુ કૃષ્ણમૂર્તિ સાથે મુલાકાત ગોઠવી રહ્યા હતા, ત્યારે આ પ્રશ્ન આવ્યો હતો. કૃષ્ણમૂર્તિએ નારાયણભાઈને પૂછ્યું કે તમે રાજકારણ અથવા સમાજસેવામાં કેમ છો ? આમ તો ગાંધીજીના અંતરંગ સાથીઓનાં સંતાનો માટે ધરણાં-ઉપવાસ સિવાય પણ કારકિર્દીનો બીજા વિકલ્પો હોઈ શકે. કૃષ્ણમૂર્તિનો પૂછવાનો ભાવ એવો હતો કે સમાજકારણમાં પાડવાનું અંદરનું કારણ અહંકાર કે અંદરની હતાશા કે પછી એવું કાંઈ નકારાત્મક તો નથી ને; નારાયણભાઈનો જવાબ હતો કે, “હું સમાજસેવા એટલા માટે કરું છું, કારણ કે હું મારી અંદરનો આનંદ સૌની સાથે વહેંચવા માંગું છું.”

પીડ પરાઈ માટેની સમવેદના હોય, તો તે આધ્યાત્મિક પ્રગતિનો એક તબક્કો થયો, પણ નિર્ભેળ આનંદ વહેંચવાની પ્રેરણા હોય, તો નારાયણભાઈનું આધ્યાત્મિક બંધારણ ગાંધી-મહાદેવની નિશ્રામાં ઘણું પાકું થયું હશે. કૃષ્ણમૂર્તિ સાથેના સંવાદની વાત એમણે નવેમ્બર ૨૦૧૦માં કરી હતી. દિલ્હીમાં ફરી એક વાર એમની ગાંધીકથાનું આયોજન થયું હતું. પણ દોઢ કરોડની વસતિના શહેરમાં મહાત્માને યાદ કરવા માંડ પચાસેક લોકો હતા. નારાયણભાઈ નાદુરસ્તીમાંથી બહાર આવ્યા હતા અને એમનાં પુત્રી સંઘમિત્રાબહેન એમની તબિયતની કાળજી લઈ રહ્યાં હતાં. તબિયતની કે પાંખી હાજરીની નોંધ લીધા વગર ૮૫ વર્ષની ઉંમરે પણ નારાયણભાઈ વ્યાસપીઠ પર બેસવા સાથે ‘અંદરના આનંદ’ને વહેંચવામાં મગ્ન થઈ જતા હતા.

સવારે એકાદ કલાક માટે તેમણે સમય આપ્યો, ત્યારે અખબારી મુલાકાત પ્રકારની પ્રશ્નોત્તરી થયેલી. ઉતાવળે લખેલી નોંધના અંશો આ પ્રમાણે છે :

પ્રશ્ન : તમે જૂન ૨૦૦૪માં કોમી રમખાણનાં બે વર્ષ પછી ગાંધીકથાનો આરંભ કર્યો. કોઈ ખાસ કારણ ?

ઉત્તર : એક નાગરિક તરીકે, આપણી આસપાસ થતા તમામ સામાજિક અન્યાય અથવા ધાર્મિક પરિભાષામાં કહીએ તો પાપ માટે હું મારી જાતને જવાબદાર ગણું છું. જો આજે ગાંધી હોત, તો એમણે કહ્યું હોત કે, ‘હું દોષી છું.’ મને લાગ્યું કે ‘ગાંધીના ગુજરાત’માં નહિ પણ મારા ગુજરાતમાં આવું કેવી રીતે બને ? મેં શાંતિયાત્રા કાઢી, (અસરગ્રસ્તોનાં) બે બાળકોને દત્તક લીધાં. એ પછી મેં પાપના પ્રાયશ્ચિત માટે કંઈક રચનાત્મક કાર્યક્રમ કરવાનું વિચાર્યું. મારા જીવનમાં રચનાત્મક કાર્યક્રમ માટે કોઈ સૌથી વધુ પ્રેરણાદાયી વ્યક્તિ મેં જોઈ હોય તો એ ગાંધી જ છે. વિનોબા પણ છે. પરંતુ ગાંધી સૌથી વધારે. તો હું ગાંધીનું થઈ શકે એટલું અર્થઘટન કરું છું. અને લોકોની સામે મારું અર્થઘટન મૂકું છું.

હું જ્યારે ‘મારું જીવન એ જ મારી વાણી’ની હસ્તપ્રતનો છેલ્લો હપ્તો પ્રેસે મોકલી રહ્યો હતો, ત્યારે મને થયું કે પુસ્તક ઘણું વિશાળ થઈ ગયું છે. કેટલા લોકો એ વાંચશે? હું એવા કોઈ લોકપ્રિય માધ્યમની શોધમાં હતો, જેનાથી ગાંધીની વાત વધુને વધુ લોકો સુધી પહોંચી શકે. મને લાગ્યું કે મોટા ભાગનાં અખબાર, સામયિકો અને ટીવી ચૅનલો સીધી કે આડકતરી રીતે વિજ્ઞાપનકારોનું કહ્યું કરે છે. અંતે કથાના સ્વરૂપમાં મને જે માધ્યમ જોઈતું હતું, તે મળ્યું.

પ્રશ્ન : તમે ૮૮ કથા કરી છે. (૨૦૧૦ સુધીમાં) અને ૧૦૮ કથા કરવા માગો છો. આ ઉંમરે એટલો બધો શ્રમ ?

ઉત્તર : ઘણી વાર મને લાગે છે કે હું થોડું વધારે કામ કરું, આ કામમાં મારી તમામ શક્તિ રેડી દઉં, તો કોઈ વાંધો નથી. અલબત્ત, મારી તબિયતની કાળજી લેવા સાથે જો હું એમ કરી શકું, તો વધારે સારું. મહિનામાં બે કથાનું આયોજન થાય તો પણ ૨૦ મહિનામાં ૧૦૮નું લક્ષ્ય પૂરું થઈ જશે.

પ્રશ્ન : અત્યાર સુધી કથાને કેવો પ્રતિભાવ મળ્યો છે ?

ઉત્તર : વધુ ને વધુ યુવાનો આવી રહ્યા છે.

પ્રશ્ન : એનું શું કારણ હશે? તાજેતરનાં વર્ષોમાં ફિલ્મ ઇત્યાદિ રસ્તે ગાંધી ફરી લોકપ્રિય થઈ રહ્યા છે એટલે ?

ઉત્તર : જુઓ, જે લોકો ગાંધીનું નામ વાપરી ખાતા હતા. એમને તો હવે ગાંધીનું નામ લેવાની પણ જરૂર લાગતી નથી. કૉંગ્રેસ પાર્ટીને ગાંધીની જરૂર લાગતી નથી. વિદેશના નેતાઓ શસ્ત્રસરંજામના સોદા કરવા ભારત આવે, ત્યારે તેમને રાજઘાટ જવાની જરૂર નથી. પણ નવી પેઢીને ‘રાજકારણ’માં વિશ્વાસ નથી, તેમને આજના રાજકારણમાં કોઈ ઊંડાણ જણાતું નથી. તો થોડા યુવાનો ગાંધી તરફ વળી રહ્યા છે. વિવિધ શહેરોમાં લોકો જે રીતે ગાંધીકથાને પ્રતિસાદ આપે છે, તેનાથી મને સંતોષ થયો છે.                                                 

૨૨, શુભમ્ ઍપાર્ટમેન્ટ, ૩૭, આઈ.પી.ઍક્સ્ટેન્શન, પરિવારગંજ, નવી દિલ્હી – ૧૧૦ ૦૯૧

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2015; પૃ. 05

Loading

લંડનની રંગભૂમિ : પ્રેક્ષક, ગુણવત્તાની દૃષ્ટિએ ટોચે

સનત મહેતા|Opinion - Opinion|2 April 2015

વિશ્વરંગભૂમિ દિવસ 2015 : લંડનનું થિયેટર વિશ્વરંગભૂમિને જીવંત રાખે છે અને નવી દિશાઓ ખોલે છે

27મી માર્ચે, ગયા સપ્તાહમાં વિશ્વરંગભૂમિ દિવસ ગયો – ગુજરાતમાં પણ ક્યાંક ઉજવાયો. ગુજરાતી રંગભૂમિ કાયમ એક પ્રશ્ન અનાદિકાળથી ઉઠાવે છે કે, મુંબઈમાં ગુજરાતી નાટકોને જે પ્રમાણમાં પ્રેક્ષકોનો સહકાર અને પેટ્રોનેજ મળે એ ગુજરાતના અમદાવાદ, વડોદરા કે સુરતમાં કેમ મળતો નથી! જોકે સ્વ. ચં.ચી. મહેતાને મેં એવું કહેતા સાંભળ્યા છે કે, “ગુજરાત પાસે વેપાર છે. પૈસા છે, પછી રંગભૂમિની શું જરૂરત છે? પણ ગુજરાતમાં રંગભૂમિને પ્રેક્ષકો – પ્રેટ્રોનેજ સાવ મળતા નથી એવું પણ નથી. સરિતાના “સંતુ રંગીલી” અને ઉપેન્દ્ર ત્રિવેદીના એક બે નાટકોને ઘણો સાથ સહકાર ગુજરાતમાં જ મળ્યો છે. ભારતમાં બંગાળ અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોને પોતાની રંગભૂમિ છે. બીજા રાજ્યોમાં ખાસ કરીને ગુજરાતમાં મોટાગજાના નિર્માતા અને અભિનેતાઓ છે, પણ એમને પ્રજાકીય સંગાથ મોળો મળે છે.

વિશ્વની રંગભૂમિની કેટલીક બાબતો જાણવા જેવી છે. 1960ના ગાળામાં હું અમેરિકાના કેમ્બ્રિજમાં હતો. ત્યાંના લોકો ગર્વથી એવું કહેતા કે, લંડનમાં ‘હિટ’ ગયેલું નાટક બીજે ક્યાં ય નહીં પણ લંડન બહાર સૌથી પહેલાં અહીં કેમ્બ્રિજમાં જ આવે છે. નાટકના તંતુના જોડાણની કથનીઓ જાણવા સમજવા જેવી છે. અત્યારે વિશ્વમાં થિયેટરના બે મોટા કેન્દ્રો છે. લંડન અને ન્યૂયોર્ક. ન્યૂયોર્ક ઘણો સમય શીખર પર રહ્યું, પણ 2012-13માં લંડને ન્યૂયોર્કને પાછળ ધકેલી દીધું છે. લંડનના દૈનિકોમાં રંગભૂમિ વિષે જે દૈનિક માહિતી રોજ પ્રસિદ્ધ થાય છે એ જોઈએ તો આપણને ખબર પડે છે કેટલાક નાટક વરસથી પણ વધુ સમય સુધી કે વધારે ભજવાતા રહ્યા હોય છે. એવું આપણે ત્યાં તો ક્યારેક જ જોવા મળે છે.

લંડનના નાટક અને થિયેટર વિષે એક વિસ્તૃત અહેવાલ ‘સ્ટેજ’ સામયિકના તંત્રી એલિસ્ટર સ્મિથે ઘણી જહેમત પછી પ્રસિદ્ધ કર્યો. વિશ્વ રંગભૂમિનો એક અગત્યનો દસ્તાવેજ સહુ કોઈ જાણે એ હેતુથી એની કેટલીક વિગતો આપી છે. લંડન એકલામાં વ્યાવસાયિક થિયેટરો જ્યાં માત્ર નાટક-ઓપેરા જ ભજવાય છે તેની કુલ પ્રેક્ષક બેઠકની સંખ્યા 1,10,000 છે. 2012-13ના વર્ષમાં 220 લાખ પ્રેક્ષકોએ લંડનના થિયેટરમાં નાટક નિહાળ્યા અને આ વર્ષમાં બોકસ ઓફિસે કુલ કમાણી 61.85 કરોડ પાઉન્ડની કરી. 2012-13માં લંડનના ટિકટનો સરેરાશ દર 27.66 પાઉન્ડ રહ્યો, જે 2011-12ની તુલનામાં 3.7 ટકા ઘટવા પામ્યો હતો. અઠવાડિયાના સાતે સાત દિવસ નાટક ભજવાતા હોય એમ માનીએ તો રોજના 60,000 પ્રેક્ષકો નાટક કે ઓપેરા જુએ છે. તમે પ્રવાસીની ઋતુ સમયે લંડનમાં હો તો પ્રવાસે આવેલા પ્રવાસીઓ થિયેટરોમાં ઉભરાતા જોવા મળે! લાગે છે, શેકસપિયરનો જન્મ ઈંગ્લેન્ડમાં એટલે જ થયો હશે!

લંડનના થિયેટરની સૌથી મોટી ખૂબી એ છે કે, આ થિયેટરોમાં વ્યાપારિક અને પ્રયોગાત્મક નાટકોનું અદ્દભુત મિશ્રણ જોવા મળે છે. પ્રયોગાત્મક રંગભૂમિ એ નફો કમાવાની નથી. આવું સમન્વય વિશ્વમાં લંડન સિવાય ક્યાં ય જોવા મળતું નથી. 2013માં જ્યારે લંડનના નાટકના પ્રેક્ષકોની સંખ્યા ન્યૂયોર્કને વટાવી ગઈ ત્યારના સમયગાળાને લંડન એનો સુવર્ણયુગ માને છે. કારણ આ સંખ્યા બતાવે છે કે, લંડનમાં નાટકો જોનાર પ્રેક્ષકો સિનેમા જોનાર કરતાં વધુ છે. આ અહેવાલે એ હકીકતને બહાર આણી છે કે, વિશ્વભરમાં પારિતોષિક મેળવનાર નાટકો લંડને વધુ આપ્યા છે. લંડનના થિયેટરની ખૂબી એ છે કે, આ થિયેટરોમાં 30 બેઠકોના પબ થિયેટરથી માંડી ‘વેસ્ટ એન્ડ’ જેવા ઐતિહાસિક થિયેટરનો સમાવેશ થાય છે. ખામી એક જ છે કે, ઘણા થિયેટરો એટલા જૂના થઈ ગયા છે કે, હવે મોટા રોકાણની રાહમાં છે. 2013માં એપોલો થિયેટરની છત તૂટી પડ્યા પછી આ વાત વધુ મહત્ત્વની બની છે. થિયેટર પ્રેમીને પણ અકસ્માતનો ભય તો હોય જ ને? લંડનના કેટલાક મોટા અને જાણીતા થિયેટરો પણ જર્જરીત થયા છે. મોટાભાગના એટલા જૂના છે કે, અસંખ્ય પગથિયા ચડી ગેલેરીમાં પહોંચવું પડે. એવા જૂના અને એવી મોખરાની જગાએ આજે પણ લિફટ બેસાડવી લગભગ અશક્ય છે.

આ નાટયઘરો 3000 કલાકાર અને 6000 અન્યને થિયેટરને લગતી કામગીરીમાં પૂરો સમય પોષે છે. આમાં મોટા નાટયગૃહો અને મોટા મ્યુિઝકલ થિયેટર છે, પણ બે ઓપેરા હાઉસીઝ અને શેકસપિયરનું ગ્લોબ થિયેટર અસામાન્ય મહત્ત્વ ધરાવે છે. આ બે ડઝન નાટયગૃહો 900 કલાકારો અને કુલ આવકના 35 ટકા કમાય છે. આટલા બધા વૈવિધ્ય અને પ્રેક્ષકો મળવા છતાં કોઈ પણ નાટકને એક વાર એક નાટકગૃહમાં રજૂ કર્યા પછી એ નાટયગૃહ સિવાય બીજે લઈ જવાનું જરૂરી અને લાભદાયી હોવા છતાં લંડનમાં નિર્માતાઓ માટે શકય નથી બનતું. કારણ કે બીજું નાટયગૃહ મળવું લગભગ અશક્ય છે. 241 થિયેટરોમાંથી 85 ટકા લંડનના મધ્યમાં છે. જ્યારે એકલા વેસ્ટ મિન્સ્ટર વિસ્તારમાં 39 ટકા બેઠકોવાળા 53 થિયેટરો આવેલા છે. લંડનના થિયેટરોમાં રોજ ભજવાતા નાટકો વિશ્વના નામી નાટય લેખકોના લખેલા અને નાટકના ઇતિહાસમાં વિશ્વરંગભૂમિનું સાચું પ્રતિનિધિત્વ ધરાવતા હોય છે. ટૂંકમાં, લંડનનું થિયેટર વિશ્વરંગભૂમિને જીવંત રાખે છે અને નવી દિશાઓ ખોલે છે. શેકસપિયરને એણે અમરત્વ અર્પ્યું છે.

લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 02 અૅપ્રિલ 2015

Loading

...102030...3,8653,8663,8673,868...3,8803,8903,900...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved