
રમેશ ઓઝા
૨૦૨૪ના વર્લ્ડ હંગર ઇન્ડેક્સ (ડબલ્યુ.એચ.આઈ.) મુજબ જગતમાં કુલ ૧૨૭ દેશોમાં ભૂખની સમસ્યા છે અથવા પૂરતું પોષણ મળે એટલો ખોરાક મળતો નથી. જે બાળકો જન્મે છે તે કુપોષણનાં કારણે તન્દુરસ્તી ભોગવતાં નથી અને કેટલાંક કમનસીબ બાળકો પાંચ વરસની ઉંમર ભાળતાં નથી. ડબલ્યુ.એચ.આઈ.એ ભૂખથી લઈને અપૂરતા પોષણ સુધીના કેટલાક માપદંડો વિકસાવ્યા છે અને તેને આધારે ગુણાંક આપે છે અને ગુણાંકના આધારે ઇન્ડેક્સમાં સ્થાન આપે છે. ભારતનું સ્થાન ૧૨૭ દેશોમાં ૧૦૫મું છે અને તેને મળેલા ગુણાંક ૨૭.૩ છે. ૨૦૦૦ની સાલમાં ભારતનાં ગુણાંક ૩૮.૪ હતા. ૨૦૦૮માં ૩૫.૨ હતાં અને ૨૦૧૬માં ૨૯.૩ હતા. ૧૨૭ દેશોમાં ૧૦૫મું સ્થાન એ શરમની વાત છે.
જો ગુણાંક ઘટાડવા હોય અને ઈન્ડેક્સમાં ઉપરના ક્રમે જવું હોય તો સારું હંગર મેનેજમેન્ટ જરૂરી છે. ભારતને ૨૦૦૦ની સાલમાં હંગર મેનેજમેન્ટમાં જે ગુણાંક મળ્યા હતા તેમાં ૧૧નો ઘટાડો કરવામાં ૨૪ વરસ લાગ્યાં. હજુ તો આપણે ૨૭ પર છીએ. શૂન્ય પર પહોંચતા કેટલાં વરસ લાગશે એનો અડસટ્ટો તમે માંડી લો. મને નથી લાગતું કે આપણે આપણી આઝાદીની શતાબ્દી ભૂખ વિના ઉજવી શકીશું. હજુ એક હકીકત નોંધવા જેવી છે. ગુણાંકમાં જે ૧૧નો ઘટાડો થયો છે તેમાં ત્રણનો ઘટાડો ૨૦૦૦થી ૨૦૦૮ સુધીનાં વર્ષોમાં થયો હતો. છનો ઘટાડો ૨૦૦૮થી ૨૦૧૬નાં વર્ષોમાં થયો છે અને ૨૦૧૬થી ૨૦૨૪ સુધીનાં આઠ વરસમાં માત્ર બેનો ઘટાડો થયો છે. છની જગ્યાએ માત્ર બે. ભારત રફતાર પણ જાળવી નથી શક્યું. સ્થિતિમાં સુધારો થવાની જગ્યાએ બગડી રહી છે. જો આ રફતારે આપણે ભૂખનો સામનો કરીશું તો શૂન્ય પર પહોંચતા આખી ૨૧મી સદી વીતી જશે અને બાવીસમી સદીમાં આપણે કેટલાક લોકોને ભૂખ્યા સુવડાવીને પ્રવેશીએ તો આશ્ચર્ય નહીં!
૨૦૦૦ની સાલમાં ચીનના ગુણાંક ૧૩.૪ હતા જે અત્યારે પાંચની અંદર છે. શ્રીલંકાનાં ગુણાંકમાં ૨૪ વરસમાં દસ(૨૧.૭થી ૧૦.૯)નો ઘટાડો થયો છે અને ડબલ્યુ.એચ.આઈ. ઈન્ડેક્સમાં ભારતથી ક્યાં ય ઉપર ૫૬માં ક્રમે છે. નેપાળનાં ગુણાકમાં ૨૩(૩૭.૧થી ૧૪.૭)નો ઘટાડો થયો છે. હંગર મેનેજમેન્ટમાં નેપાળ પાસેથી ધડો લેવા જેવું છે. નેપાળનો ક્રમ ૬૮મો છે. આવું જ મ્યાનમારનું. ૨૦૦૦ની સાલમાં મ્યાનમાર ૪૦.૨ ગુણાંક ધરાવતું હતું જે અત્યારે નીચે આવીને ૧૫.૭ ધરાવે છે. નેપાળના ગુણાંકમાં ૨૩નો ઘટાડો થયો તો મ્યાનમારના ગુણાંકમાં ૨૫નો. મ્યાનમાર હંગર ઇન્ડેક્સમાં ૭૪મા ક્રમે છે. ૨૦૦૦ની સાલમાં બંગલાદેશ ૩૩.૮ ગુણાંક ધરાવતું હતું જે આજે ૧૯.૯ સુધી નીચે આવી ગયું છે અને ડબલ્યુ.એચ.આઈ.ના હંગર ઈન્ડેક્સમાં ૮૪માં ક્રમે છે. અંદાજે ૧૫નો ઘટાડો બંગલાદેશ કરી શક્યું છે. પાકિસ્તાન આપણી પાછળ ૧૦૯માં ક્રમે છે અને એનો રાજીપો જો કોઈએ અનુભવવો હોય તો અનુભવી શકે છે. પાકિસ્તાનની હંગર મેનેજમેન્ટની યાત્રા તો આપણા કરતાં પણ બદતર છે. ૨૦૦૦થી ૨૦૧૬નાં વર્ષોમાં ગુણાંકમાં ૧૨(૩૬.૬થી ૨૪.૬)નો ઘટાડો, પણ ૨૦૧૬થી ૨૦૨૪નાં વર્ષોમાં ત્રણ(૨૪.૬થી ૨૭.૯)નો વધારો થયો. આપણે માત્ર બેનો ઘટાડો કર્યો અને પાકિસ્તાને ત્રણનો વધારો કર્યો. અફગાનિસ્તાન ૧૧૬માં ક્રમે છે અને તેણે પણ ૨૪ વરસમાં ૪૯.૯થી ૩૦.૮ એમ લગભગ વીસ ગુણાંકનો ઘટાડો કર્યો છે.
તમારા મનમાં કદાચ પ્રશ્ન થતો હશે કે આ ગુણાંક શું સૂચવે છે? ડબલ્યુ.એચ.આઈ.ના અહેવાલ મુજબ જો ગુણાંક ૫૦ કરતાં વધુ હોય તો તેવા દેશોની સ્થિતિ અત્યંત ચિંતાજનક (એક્સ્ટ્રીમલી એલાર્મિંગ) ગણાય. જો ગુણાક ૩૫થી ૫૦ની વચ્ચે હોય તો એ ચિંતાજનક (એલાર્મિંગ) ગણાય. જો ગુણાક ૨૦થી ૩૫ની વચ્ચે હોય તો તેને ગંભીર સ્થિતિ ગણાય. જો ગુણાંક ૧૦થી ૨૦ની વચ્ચે હોય તો તેને બહુ ગંભીર નહીં એવી હળવી (મોડરેટ) સ્થિતિ ગણાય. અને જો દસની અંદર હોય તો રાહતરૂપ કહેવાય. હવે તમે જોઈ શકો છો કે ભારત ભૂખની ગંભીર સ્થિતિ ધરાવતા દેશોમાં સ્થાન ધરાવે છે, તથા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને છોડીને ભારતના પાડોશી દેશોમાંથી કોઈ દેશ આપણી સાથે નથી, ઘણા આગળ નીકળી ગયા છે. ભારત અને પાકિસ્તાન જ એવા દેશો છે જે હંગર મેનેજમેન્ટમાં આગળ જવાની જગ્યાએ પાછળ ગયા છે. ભારતે ૨૦૦૮થી ૨૦૧૬નાં વર્ષોમાં ગુણાંકમાં છનો ઘટાડો કર્યો હતો અને તેની તુલનામાં ૨૦૧૬થી ૨૦૨૪નાં વર્ષોમાં માત્ર બેનો ઘટાડો કર્યો.
આવું કેમ બન્યું? જગતમાં ૧૨૭ દેશોમાંથી માત્ર દસ દેશો એવા છે જેનું હંગર મેનેજમેન્ટ નબળું છે. કાં તો તેની સ્થિતિ વણસી છે, અથવા યથાવત્ છે અથવા નહીંવત ઘટાડો થયો છે. આવા દેશોમાં પાકિસ્તાન અને ભારતનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં સ્થિતિ વણસી છે અને ભારતમાં નહીંવત સુધારો થયો છે. પણ સવાલ એ છે કે આવું કેમ બન્યું?
આનું કારણ છે વિકાસલક્ષી ધોરણસરના શાસનનો અભાવ અને ધર્મ અને ધર્મ આધારિત રાજકારણનો અતિરેક. બન્ને દેશોમાં આવું થઈ રહ્યું છે. હિંદુ-મુસલમાન અને ભારત-પાકિસ્તાન સિવાય કોઈ બીજી ચર્ચા જ નથી થતી. વિકાસનો વિમર્શ તો હવે મુઠ્ઠીભર સરોકાર ધરાવતા માણસો સુધી સમિત થઈ ગયો છે. દેશની સૌથી મોટી સમસ્યા ભૂખ નથી, મુસલમાન છે. જ્યાં પ્રાથમિકતા બદલાય ત્યાં પરિણામ બદલાય. એટલે તો ૨૦૦૮થી ૨૦૧૬નાં વર્ષોમાં ગુણાંકમાં છનો ઘટાડો કરનાર દેશ એ પછીનાં આઠ વર્ષમાં માત્ર બેનો ઘટાડો કરી શક્યો છે. પ્રાથમિકતા બદલાઈ ગઈ છે. અને એ પણ ત્યારે જ્યારે વર્લ્ડ ફૂડ ઓર્ગેનાઈઝેશન કહે છે કે આ ધરતી અને આ ધરતી પર ખેતી કરતા ખેડૂતો એટલું ધાન ઉગાડે છે જેટલી જગતને આજે જરૂર છે. ઉત્પાદન પૂરતું છે, પુરવઠાની અને ક્રયશક્તિની સમસ્યા છે. ૧૬મી ઓક્ટોબરે વર્લ્ડ ફૂડ ડે ઉજવવામાં આવે છે અને એ નિમિત્તે આ વાત તમારા વાંચવામાં આવી હશે. ભારત પણ અન્નની બાબતે આત્મનિર્ભર છે. જે સમસ્યા છે એ ગરીબીની છે અને પુરવઠાની છે. એક તો લોકો સુધી અન્ન પહોંચતું નથી અને પહોંચે છે તો લોકો પાસે ખરીદવા માટે પૈસા નથી.
મહાનતાની ગુલબાંગ હાંકવાનો કોઈ અર્થ નથી જ્યારે વાસ્તવિકતા લજાવનારતી હોય.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 20 ઑક્ટોબર 2024