Opinion Magazine
Number of visits: 9771032
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જય સોમનાથ : સવાયા માણસ બનવાની જરૂર

ઓમપ્રકાશ ઉદાસી|Opinion - Opinion|19 June 2015

તા. ૨૦-૫-૨૦૧૫ના રોજ હું ઉજ્જૈનમાં હતો. પ્રાતઃ કાળમાં ૪થી ૬ સુધી મહાકાળની ભસ્મઆરતી પૂર્ણ થઈ ચૂકી હતી. દર્શનની પરીક્ષામાં હજારોની સાથે હું પણ કતારમા હતો. ઊભા પગે અઢી કલાક સુધી પ્રતીક્ષા કરવાની હતી. પગ જવાબ આપી રહ્યા હતા. છતાં આશ્વાસન હતું. મારે બે પગે ઊભા રહેવાનું છે. જ્યારે ભૂતકાળમાં ભક્તોએ એક પગ ઉપર ઊભા રહીને તપસ્યા કરી છે.

આવા વિચારે પાછળ જોયું. મારી પાછળ જ એક મુસ્લિમ દરવેશ ઊભા હતા. નખ-શીખ લીલો લિબાસ. હાથમાં તસબી, ગળામાં અનેક જાતની સ્ફટિકની માળાઓ આદાબ કરીને હું બોલ્યો, ‘બાબાજી આપ કો દેખકર બડી ખુશી હુઈ હૈ.’ માનપૂર્વક એ દરવેશને ઊભા રહેવા જવા જગ્યા કરી આપી. બાબાએ લાલ મહેંદીથી રંગેલી દાઢી ઉપર હાથ ફેરવતા કહ્યું. ‘છત્તીસગઢ સે આયા હું. મેરે સાથ દો ઔર શાર્ગિદ હૈં. હમ તીનોં દેશ કે સભી તીરથ કે દર્શન કો નિકલે હૈ’ આશ્ચર્ય થોડું વધ્યું ત્યાં એક સુખદ વાક્ય એ ફકીરના મોંએથી સાંભળ્યું, ‘સબ એક હૈ અગર વહ એક હૈ તો હમ જુદા કૈસે? અગર હમ જુદા હૈ તો વહ એક કૈસા?’

ભારે ભીડ-ધક્કામુક્કી વચ્ચે દર્શન કરીને અમે બહાર નીકળ્યા. મેં ચઢાવેલો પ્રસાદ એ ફકીરને આપ્યો. મંદિરના પરિસરમાં બીજા કેટલાક દેવતાઓના પણ એ ફકીરે દર્શન કર્યાં. ભારતના તીર્થસ્થાનોએ નીકળ્યા છે એટલે ગુજરાત અને એમાં પણ સોમનાથનાં દર્શન કરવા એ ફકીર આવશે જ એવું ત્યારે મનમાં હતું.

અમદાવાદ આવ્યા પછી જ જૂનમાં જ સોમનાથના સમાચાર આવ્યા. હા, હન્તે! હન્તે! મહાકાળ જ્યોતિર્લિંગના દર્શન કરનારે એ ઉત્સાહી દરવેશને સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન માટે પરવાનગી લેવી પડશે!

આતંકવાદના માહોલમાં પૂરતી તકેદારી રાખવી જરૂરી છે. પણ કસાબ તો ‘ક્લિનસેવ’ હતો ! હિંદુ ધર્મની ઓળખ રૂપની નહીં, સ્વરૂપની રહી છે. સૂકા ભેગું લીલુ ન બળી જાય એ જ જોવાનું છે. જે મંદિરોમાં વિધર્મીઓ કે વિદેશીઓને પ્રવેશ નથી તેનો દાખલો લઈને નવી કુપરંપરાઓ દાખલ કરવાની જરૂર નથી. ગઝની અને ઔરંગઝેબની સામે અમીરખુશરો અને રસખાન જવાબ છે. સંગીતકાર નૌશાદ કહેતા કે સંગીતનો જન્મ આદિદેવ ભગવાન શંકરના ડમરુંના ધ્વનિમાંથી થયો છે. ‘છછિયાબર છાછ’ માટે નચાવનાર ગોપીઓના કૃષ્ણના દીવાના રસખાનની ઇચ્છા પુર્નજન્મમાં ગોવર્ધન પર્વતના પથ્થર બનવાની છે !

ઝંડા બિરાદરી, ઉપદેશ-પ્રવચનો, સેમિનારો-ચિંતનો, સેક્યુલરો – નોન સેક્યુલરો, રાજકારણીઓ – સંસ્થાઓ વગર જ જોજનો દૂર સદીઓથી સમાજમાં અનઆયાસે પ્રેમ અને માનવીય સંબંધોની રેશમીડોરની ગાંઠ બંધાયેલી છે. ધર્મ મઝહબની બાબતમાં ‘ગોડ’ ખુશ થાય એ જોવું, ‘ગોડફાધર’ની ચિંતા ન કરવી.

સોમનાથ મંદિર ટ્રસ્ટ કે વહીવટ સાથે સંકળાયેલા મહાનુભાવ કે ગુજરાત સરકારના સર્વોચ્ચ વડા પાસે મંદિર પ્રવેશની સંકીર્ણ માનસિકતા મુદ્દે વિશેષ કાળજીની અપેક્ષા છે.

હું પ્રયાગ કુંભ મેળામાં ૨૦૧૩માં પંદરેક દિવસ હતો. રોજ દસ-પંદર કિલોમિટર ચાલવાનું બનતું. ત્રીજા દિવસે ખબર પડી કે કુંભ હાઈ એલર્ટ પર છે. કારણ કે અફઝલ ગુરુને ફાંસી થઈ હતી. સરકારે અલાહાબાદ શહેરમાં મુસ્લિમ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધેલો. ‘ચપ્પે ચપ્પે’ પર નજર હતી. પરંતુ સેક્યુલર સરકારોના અનુમાન ખોટા નીકળેલા !

૧૦ ફેબ્રુઆરી ૨૦૧૩. મૌની અમાવસ્યાનું શાહી સ્નાન. કરોડોની સંખ્યાથી બધું પૅક. બજાર બંધ હતા. શહેરની ગુલામ મોહમ્મદી કમિટી તરફથી તીર્થયાત્રીઓ માટે ખાણીપીણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. કમિટીના નૌશાદ અહેમદ નુરૂલહસન, હાજી મુજાહિદ ઈસ્લામ, હાજી ફરિદ અહમદે સેવાની આગેવાની લીધી હતી. બીજી બાજુ બજ્મ પૈગામે વૈહદાનિયત કમિટી તરફથી કવીન્સ હૉસ્પિટલ સામે ભોજનાલય (લંગર) અને યાત્રીઓને ગંગાસ્નાન માટે લાલ ગમછા વહેંચવાનું શરૂ કર્યું. અલાહાબાદના ઉલેમાઓએ આ કામ સંભાળી લીધું. કમિટીના સદર મુક્તિ મોહસિને એલાન કર્યું, યાત્રિકોની શ્રદ્ધાનો પૂરો ખ્યાલ રાખવો. કેટલાક મુસ્લિમોએ ઘરના દરવાજા ખોલી નાંખેલા. ખુરશી, ગાદલા, રજાઈની વ્યવસ્થા થઈ. કેટલાક મુસ્લિમ વેપારી મંડળો તરફથી આરોગ્યકેમ્પ લગાવ્યા હતા. ખોયા-પાયા કેન્દ્ર શરૂ કરીને ભૂલેલાઓ માટે માર્ગદર્શન અપાતું હતું.

કુંભમાં તુર્કસ્તાનના સિત્તેર મુસ્લિમ યુવક-યુવતીઓએ વિહંગમયોગની દીક્ષા લીધી હતી. ગાયત્રી મંત્રના ઉચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિઓ અપાઈ રહી હતી. તુર્કી ટીમના નેતા હાજી મોહમ્મદના મત પ્રમાણે યોગ થકી મન ઉપર નિયંત્રણ થતાં જીવનની ઘણી સમસ્યાઓનું સમાધાન થાય છે.

ફ્રાંસની મેકલિન, જર્મીનીની ફેરિયદ (પતિ-પત્ની), ઇઝરાયલના ૬૦ વર્ષીય ચિત્રકાર ઇરોડ અને અમેરિકા, ઇટાલી તથા ઓસ્ટ્રેલિયાના કેટલાક નાગરિકો પણ ભસ્મ ચોળીને આનંદ માણતા જોવા મળ્યા. બધા વિદેશી અને વિધર્મી !! આ ઉત્તરાખંડ અને હિમાલયના મંદિર વિદેશી અને વિધર્મીઓથી ધમધમે છે.

હિન્દુની થોડીક વ્યવહારિક મર્યાદાઓ છે, જે કલંક છે છતાં તેનો વિચારપટ એટલો વિશાળ છે કે તેનો પનો ટૂંકો પડે એમ નથી. સમયને અનુકૂળ થવાની તેની સ્થિતિસ્થાપકતા છે.

સોમનાથ ટ્રસ્ટે સવાયા હિન્દુ નહીં, સવાયા માણસ બનવાની હિંદુ પરંપરાને આગળ લઈ જવાની જરૂર છે.

તા. ૧૦-૬-૨૦૧૫, ગુરુકુળ રોડ, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2015; પૃ. 16

Loading

ન યયૌ ન તસ્થૌ

આશા બૂચ|Opinion - Opinion|19 June 2015

ફેબ્રુઆરી 1979માં બ્રિટન આવી. એ વાતને ત્રણ દાયકાને માથે છ વર્ષ પૂરાં થયાં. જીવન રાહ પર ચાલતાં-દોડતાં, પડતાં-આખડતાં હવે જ્યારે ગતિ થોડી ધીમી પડી છે, ત્યારે ‘નિવૃત્તિ પછી ક્યાં જશું અને શું કરશું?’ એ વિચારોએ ઘેરો ઘાલ્યો છે. વિદેશને ક્યારથી ‘પોતાનું બીજું ઘર’ માનતી થઈ, એનું ઓસાણ નથી પણ અનેક વખત ‘ન યયૌ ન તસ્થૌ’ (નથી રહી, નથી ગઈ) જેવી દ્વિધા અનુભવ્યાનું યાદ છે. મહાકવિ કાલીદાસે એમની કૃતિ ‘કુમારસંભવ’માં શિવ-પાર્વતી વચ્ચેના સંવાદ દરમ્યાન પાર્વતીજી શિવજી પ્રત્યે રોષપૂર્ણ નજર નાખતાં જવા લાગ્યાં ત્યારે શિવજીને ભ્રમ થયો કે પાર્વતીજી ગતિ પણ કરી રહ્યાં છે અને સ્થિર પણ છે; એ ન ઊભાં છે કે ન જાય છે.

મારા નિકટના કુટુંબીજનો અને ગાઢ પરિચયમાં આવેલા મિત્રો પાસેથી ‘તમે આખેઆખાં આ દેશમાં આવીને વસ્યાં હો તેમ લાગતું નથી’, એવું અનેક વખત સાંભળ્યું છે તો સાથે સાથે મેં પશ્ચિમનાં સારાં મૂલ્યોને આધારે કરેલ બાળ ઉછેર, મને ઉપલબ્ધ થયેલ કારકિર્દીને સુપેરે નિભાવવાની બજાવેલ ફરજ અને તમામ સામાજિક તથા સાંસ્કૃિતક પ્રવૃત્તિઓમાં જાતે સ્વીકારેલ મર્યાદાઓમાં રહીને શક્ય તેટલો ભાગ લીધો છે, એટલું જ નહીં યથાશક્તિ પ્રદાન પણ કર્યું છે. એનાથી હું અહીં કેટલે અંશે હળીમળીને રહી છું એ પુરવાર થાય છે.

હું જાતે અભ્યાસાર્થે કે કારકિર્દી પર ચાર ચાંદ ઉમેરવા માટે નહીં, પણ લગ્ન કર્યા પછી, પતિની સાથે જોડાવા માટે આ ધરતી પર આવી. માદરે વતનમાં પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ સફળતાપૂર્વક આગળ વધી ચુકેલી એટલે એવું ધારેલું કે બે-પાંચ વર્ષ એ નવા દેશમાં ટૂંકા અભ્યાસ બાદ કામનો અનુભવ લેશું, ત્યાંની પ્રજાની અને તેમની જીવન પદ્ધતિની ઓળખ થશે અને જોવાલાયક સ્થળો જોઈને વિસ્તરેલી ક્ષિતિજો ભાથામાં બાંધીને સ્વદેશ પોતાના પરિવારજનોની શીળી છાયામાં પોતાનો માળો રચવા પરત થઈ જઈશું. એમ કરતાં સંતાનોને પરિચિત સાંસ્કૃિતક વાતાવરણમાં ઉછેરવાનો અને દેશવાસીઓને ખાતર કામ કરવાનો હેતુ પણ અનાયાસ સાધી શકાશે. પરંતુ કંઈક અંશે આ દેશની જોઈતી તકો પૂરી પડવાની ક્ષમતાનો અભાવ અને કંઈક અંશે ભારતની બદલાતી જતી કામની પરિસ્થિતિને પરિણામે સ્વદેશ પાછા જવા માટેની ઇચ્છાને અમલમાં મુકવા માટે પ્રેરક બળ ન મળ્યું, અને એમ મહિનાઓ વર્ષોમાં અને વર્ષો દાયકાઓમાં ગુણાકાર પામતા રહ્યા અને ભારતનો કિનારો દૂર ને દૂર જતો રહ્યો.

અહીં આવ્યાને માત્ર થોડા જ દિવસ થયા હશે, અને લોકો પૂછતાં, ‘અહીં ગમે છે? ઘર યાદ આવે છે? અહીંની આબોહવા કેવી લાગે છે? અહીં રહેવું ગમશે કે પાછા જવાનું મન છે?’ નવાઈ તો એ વાતની છે કે હજુ આજે 35 વર્ષ બાદ પણ કેટલાક પૂછે છે, ‘રહેવાનાં કે જવાનાં?’ એ હકીકત ધર્શાવે છે કે અહીંની પ્રજાને મન અમે કદાચ ક્યારે ય આ દેશના કાયમી રહેવાસી છીએ તે સ્વીકાર્ય નથી. તે વખતે મૂળમાંથી તાજેતાજા ઉખડેલા મનનો ઉપરોક્ત પ્રશ્નોનો જવાબ હતો, ‘અહીં ગોઠવાતી જાઉં છું, ઘર તો ખૂબ જ યાદ આવે છે, આબોહવા બિલકુલ નથી ફાવતી અને થોડા વખતમાં વતન પાછા જવાની ગણતરી છે.’ આજે કોઈ પૂછે છે ત્યારે કહેવું પડે છે, ‘હવે તો અહીં રહેવું એટલું જ ગમે જેટલું મારા દેશમાં રહેવું ગમે, ઘરની યાદ તો હજુ એટલી જ તીવ્રતાથી સતાવે, આબોહવા હજુ પણ એટલી જ રંજાડે છે અને હા, થોડા વખતમાં વતન પાછા જવાની ગણતરી છે.’ મારી આ લાગણી માટે આ દેશના લોકોનો આપ્રવાસી લોકો માટેનો અણગમો જવાબદાર લગીરે નથી, તેમાં તો માત્ર મારી સ્વજનો માટેની મમતા, સૂર્યવંશી કુળમાં થયેલ જન્મ અને ઉછેર અને વતનની માટીમાંથી મળતી અબાધ સ્નેહ સરવાણી કારણભૂત છે.

મારો અનુભવ છે કે વિદેશ જાઓ ત્યારે શરૂઆતમાં મા-બાપ, ભાંડરું, વિના ન ગમે, પછી પ્રેગ્નન્સી દરમ્યાન માના હાથની રોટલી વિના ટળવળવા વારો આવે. છોકરાંને પોતાના નાનપણની વાતો કરતાં ઘર ઘંટીએ દળેલો બાજરાના લોટના રોટલા, ઉપર ઘરના માખણનો લોંદો, શિયાળામાં ખાધેલ રીંગણાનો ઓળો, તડકે બેસીને ફોલેલાં જીંજરાં, બોર, ખજૂર, શેરડી અને જમરૂખનો સ્વાદ યાદ આવે. ઉનાળો બેસતાં જ ખાટી કેરીનું કચુંબર, પાકી કેરીના રસ ભરેલા વાટકા, ઊની ઊની લૂને ભૂલાવવા પીધેલાં કાચી કેરી અને તરબૂચનાં શરબત અને રાયણની ચીકાશ હજુ મોંમાં છે. અરે, ક્યારેક તો મોગરા, રાતરાણી અને ચંપાનાં ફૂલોની સુવાસ અને જાસુદનાં લાલ ચટ્ટક રંગની યાદ રાતે સુવા ન દે. હોળી આવતાં જ કેસૂડાની યાદ આંખ ભીંજવે. કેસૂડાનાં એક ફૂલમાં રંગોનું વૈવિધ્ય તો અજોડ. ડાળીને પકડી રાખતો ઘેરો કથ્થાઈ રંગનો ગોળ મજાનો મખમલી રંગ, પછી આછા પીચ રંગની બંધ પાંખડીઓ ઉપર જતાં ખુલતી જાય અને હળવા નારંગી રંગ કે લાલ બદામી રંગની પોપટની ચાંચ જેવા આકારની, એ બધું એવું તો યાદ આવે. વળી એ ફૂલોને ગરમ પાણીમાં પલાળીએ એટલે તેમાંથી એક વિશિષ્ટ પ્રકારની સોડમ છૂટે જે તેના નારંગી રંગને વધુ સોહામણો બનાવે અને તે રંગની પીચકારીઓથી સહુને રંગવાની જે મજા આવે તેની સરખામણી અહીંના કોઈ તહેવાર સાથે ન કરી  શકાય.

હોળી પછી આવ્યાં નવરાત્રી. તે ટાણે હજુ લંડનમાં હતી તેથી કોઈ વિશાળ ભવનમાં ભારતથી આવેલા ગાયકોને સથવારે રાસ ગરબા લેવાની તક મળી એ તો અહોભાગ્ય છે એમ લાગેલું. એટલે જ તો અમે શેરીએ શેરીએ પડોશીઓ સાથે મળીને ગરબી રમતાં એની ખોટ થોડી વિસરાઈ. એવું જ દિવાળીના આગમન વખતે અહેસાસ થયો કે હોસ્પિટલ તરફથી મળેલ ઘરમાં ન તો રંગોળી કરી શકાય, ન તો ફટાકડા ફોડી શકાય અને મીઠાઈ બનાવો તો પણ ખાનારાં માત્ર અમે બે ચકલો અને ચકલી. આ વિષાદને ધક્કો મારીને દિવાળી નિમિત્તે યોજાયેલ એક મેળાવડામાં હોંશે હોંશે ભાગ લીધો અને સહુ પરિચિતોને મળીને ભાવતાં ભોજન લીધાં જેથી બાકી રહેલ રંગોળી, ફટાકડા, નૂતન વર્ષની વહેલી સવારે ‘સાલ મુબારક’ કહેતી નીકળતી યાત્રા એ બધું જાણે યાદોની ગર્તામાં એક બાજુ હડસેલાઈ ગયું.

નવા દેશમાં નવાં નવાં જોવાં લાયક સ્થળોની મુલાકાતોથી મન ભર્યું ભર્યું હતું. ઉનાળાની ઋતુ પૂરી થતાં પાનખરની બધાના જીવન પર આટલી ઘેરી અસર થાય એનું ભાન થયું. જો કે તેવામાં જ એક પછી એક એવા સીને ગાયક કલાકારો આવ્યા, ગુજરાતી સુગમ સંગીતની રસલ્હાણ લીધી અને સહુના શિરમોર સમા પંડિત રવિશંકર-અલ્લારખા અને નિખિલ બેનર્જી-સ્વપન ચૌધરી જેવા વિશ્વવિખ્યાત કલાકારો કે જેમને ભારતમાં સાંભળવાની તક નહોતી મળી તેમને સાંભળવા મળ્યા એટલે તો જાણે ઘરનો ઝુરાપો સદંતર ગાયબ!

એક વર્ષના સુખદ વસવાટ બાદ એક પછી એક કસોટીઓ પાર કરવાની આવી. પશ્ચિમની આધુનિક વ્યવસ્થાનો અનુભવ લેવાની મધલાળનાં ટીપાં ચાટવા આવેલ કુશળ વ્યવસાયમાં પડેલાઓને પણ નોકરી માટેની પસંદગીમાં બીજે, ત્રીજે કે ચોથે પાટલે બેસીને રાહ જોવી પડતી અને ક્યારેક તો પાટવી કુંવરને ન ભાવતું ભોજન રાજ મહેલના ચોકીદારના છોકરાંને મળે એ ન્યાયે આ દેશના કાયમી વસાહતીઓને ન રુચે એવાં ક્ષેત્રમાં કામ કરવાની ફરજ પડી તે ય નિભાવી. આમ છતાં સંતાનોના આગમનથી જીવન લીલું છમ્મ બની ગયું અને સમય જાણે હવામાં ઉડતો રહ્યો. એ દરમ્યાન બે ચાર મિત્રો અને સંબંધીઓએ સ્વદેશ પરત થવાના પ્રયાસો કરેલા એના સાક્ષી બન્યાં, જેમાંથી કોઈ સફળ થયાં તો કોઈનાથી તાપ સહન ન થવાથી એર કંડીશનની સગવડ છોડીને સેન્ટ્રલ હિટીંગની ગરમી મેળવવા અહીં પાછાં આવી ગયાં એ પણ જાણ્યું. નોંધ એ બાબતની લીધી કે સ્વદેશમાં ફરી સ્થાઈ ન થઈ શકનારાઓને સંતાનો હતા અને તે પણ હાઇ સ્કૂલમાં ભણતાં. કુમળો ધરુ નવી જમીનમાં જલદી ચોપાય એ હકીકત વધુ એક વખત સાબિત થતી જોઈ અને એના પરથી ધડો લીધો કે આપણે એ ભૂલ જાણી જોઈને ન કરવી.

આ દેશમાં ઠરી ઠામ થવાનો નિર્ણય કરી લીધો એટલે જાણે નવ નિરાંત થઈ એમ કદી નહોતું ધાર્યું. મારી આસપાસ નજર નાખતાં જાણવા મળ્યું જ હતું કે જ્યાં સુધી પોતાનો દીકરો/દીકરી પ્રાથમિક શાળામાં કે હાઇ સ્કૂલના પહેલા-બીજા વર્ષમાં હોય અને પોતાના વર્ગમાં ભણતા નાન્સી કે ડેવિડ જેવા મિત્રો સાથે જન્મદિવસની પાર્ટીમાં જાય કે પર્યટન પર જાય તો કોઈ માતા-પિતાને હરકત નહોતી થઈ, એ જ દંપતીને મેં પોતાનાં 14-15 વર્ષનાં સંતાનો શુક્રવારે રાત્રે મિત્રો સાથે ક્લબમાં જવાની, મિત્રો સાથે હોલીડે પર જવાની અને અમુક પ્રકારના પહેરવેશ અને રંગ-ઢંગ અપનાવવાની વાત કરે તેનો વિરોધ કરતાં જોયાં. અરે, કેટલાંકે તો ઉચાળા ભરી દેશ ભણી દોટ પણ મૂકી જોઈ. આમ છતાં સંતાનો બ્રિટનની ઉચ્ચ કોટિની યુનિવર્સિટીમાં ભણી ગણીને પોતાનું નામ રોશન કરે તેવી ખેવના હોવાથી ગમે તેમ કરી એ કપરો સમય મા-બાપ અને સંતાનો સાથે મળીને હેમખેમ પાર ઉતારે એવા કિસ્સાઓ વધુ જોવા મળે.

એક બાજુથી સંતાનો પુખ્ત વયનાં થાય અને બીજી બાજુ દંપતીની નિવૃત્તિના ભણકારા વાગવા માંડે. પોતાના પુત્ર કે પુત્રી માટે યોગ્ય સમયે ભારતમાં જન્મેલ યુવતી કે યુવક સાથે લગ્ન ગોઠવાઈ જાય એવાં મા-બાપને તો સ્વર્ગ હાથવેંત જ દૂર રહે. મૂળ ભારતનાં હોય અને જેમના સમૂહના ઘણા લોકો આ દેશમાં સ્થાઈ થયા હોય તેમની ઓળખાણની જાળ મોટી હોવાને કારણે તેમનાં સંતાનો પણ પોતાની જ જ્ઞાતિ કે છેવટ ભારતના બીજા કોઈ પ્રાંત અને ભાષા બોલનાર સાથે ઘર માંડે એમને પણ થોડું ઘણું સમાધાન કર્યા પછી વિદેશ આગમનનાં મીઠાં ફાળો ચાખવા મળે. દયાજનક સ્થિતિ એવા લોકોની થાય છે જેમને ઉપર કહી તેમાંની એક પણ લોટરી ન મળે. પુરુષ પોતાના ઉચ્ચ અભ્યાસ અને પછી વિકસતી કારકિર્દીમાં અને સ્ત્રી પણ મોટે ભાગે નોકરી ઉપરાંત બાળ ઉછેરમાં એટલાં વ્યસ્ત હોય છે કે જ્યારે પોતાનો દીકરો/દીકરી લક્ષ્મણ રેખા ઓળંગીને ‘વિધર્મી’ સાથે જીવન જીવવાનો પોતાનો નિર્ધાર જણાવે ત્યારે તેમને પોતાના વિદેશાગમનના બૂરાં પરિણામોનો ધક્કો વાગે છે અને એમને કદાચ રાતોરાત ભારત જતા રહેવાનું ય મન થાય. મારી જીવનકથા આમાં અપવાદ નથી.

જીવન સમુંદરમાં આવેલ તોફાનને મહાપ્રયત્ને પાર ઉતારી, મોટા ભાગનાં દંપતીઓ નિવૃત્તિ આનંદે વિતાવે છે. પશ્ચિમી સમાજની ‘તમે તમારે ઘેર સુખી અમે અમારે ઘેર સુખી’ એ નીતિ આધારિત સંતાનો સાથેના નિભાવી લેવાતા સંબંધોને મને કમને પણ તેઓ સ્વીકારી લે છે. હવે ખરી મજા શરૂ થાય. સવાર પડે નહીં અને ‘મારી વહુ રોજ રસોઈ ન કરે, મારી સાથે વાત કરવાનો સમય નથી એને, રોજ ઊઠીને પિયર જતી રહે પણ અહીં આવતાં પેટમાં દુ:ખે, એ તો બસ ઇંગ્લિશમાં જ બોલે, વાર તહેવારે પણ કપડાં તો બસ વેસ્ટર્ન જ પહેરે’ વગેરે જેવી ફરિયાદોનું રટણ ચાલ્યા કરે, અને ‘ઇન્ડિયાની છોકરી હોત તો આવું ન થાત.’ એ વાક્યથી પતિ-પત્ની વચ્ચેની વાતચીત પૂરી થાય. જ્યારે ભારત જાય અને પોતાનાં કુટુંબીઓ પાસેથી પણ એવા જ અફસોસના ઉદ્દગારો સાંભળવા મળે, ત્યારે ‘હશે ત્યારે, આ નવી પેઢી દુનિયા આખીમાં સાવ બદલાઈ ગઈ, આપણા જેવું કંઇ થોડું છે જે સાસરિયાને પોતાનાં કરીને રાખે?’ એમ કહી આશ્વાસન મેળવે.

જો કે એ લોકો એક હકીકત ભૂલી જાય છે કે જેમ તેમની વહુ પોતાની અપેક્ષા પ્રમાણે નથી વર્તતી તેમ જ તેમની પોતાની દીકરી, કે જે બીજાની પુત્રવધૂ છે એ પણ સ્વતંત્રતાને નામે એનાં સાસરિયાં સાથે એવો જ વર્તાવ કરે છે અને તેને સો એ સો ટકા ટેકો આપનાર આપણે જ હોઈએ છીએ. અસ્તુ. ફરી આવા સંયોગોમાં ન યયૌ ન તસ્થૌની લાગણી બળવત્તર બને.

અંગત વાત કરું તો પતિની કારકીર્દીની ચડતી ભાંજણી અને બંને પુત્રોના ઉછેર અને અભ્યાસ સાથે ઈતર પ્રવૃત્તિથી ધમધમતા જીવનનો રસ માણતી હતી ત્યાં મારી ત્રીસીના અંતકાળે એક એવો આઘાત સહન કરવાનો આવ્યો કે જેણે અમ સહુનું જીવન તદ્દન ડામાડોળ કરી નાખ્યું. ‘ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે’ ! 1989માં મારી નાની બહેનનું અકાળ અવસાન થયું અને તે પછી તો 1996માં મારા પિતાજીની વિદાય અને માને કેન્સરની બીમારીની જાણ એ બધી કસોટી વખતે ન તસ્થૌ, ન તસ્થૌની (ન રહું ન રહું) લાગણી જ પ્રધાન પણે રહી, પણ એક મા અને પત્ની તરીકે મારી ફરજો મને આ દેશમાં રહેવા માટે પકડીને રાખે છે.

હવે જ્યારે બંને સંતાનોએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો અને મારા પતિ પણ નિવૃત્તિ ઢુકડી આવતી ભાળે છે ત્યારે ‘અહીં કે ત્યાં રહેશું?’ની ચર્ચા જોર પકડે એ સ્વાભાવિક છે. મારું એવું અવલોકન છે કે પશ્ચિમની સુંવાળી જિંદગીમાં બાળકો ઉછરે અને ભણે એ હકીકત મા-બાપને જેટલી વહાલી લાગે છે એટલી જ પોતાના મા-બાપ પ્રત્યેનું તેમનું ઔપચારિક વલણ, ઉષ્માનો અભાવ, એક ઘરમાં કે નજીક નજીક રહેવાના સ્વપ્નની વિફલતા એમને કઠે છે. તેવે સમયે અમારું બુઢાપામાં કોણ? એ પ્રશ્ન સતાવે. કેટલાક લોકોને ‘એ મારો દીકરો છે, કેમ બુઢાપામાં ન સાચવે?’ એવી દલીલ કરતા સાંભળવા મળે, પછી ભલે ને પોતે પોતાના મા-બાપને દેશમાં તેમના ભત્રીજા કે પાડોશીને આધારે મુકીને પોતાનો ‘વિકાસ’ કરવા ગયા હોય. તેમને આ દેશની સામાજિક સંસ્કૃિત અને ધોરણોનો ખ્યાલ નથી હોતો અથવા હકીકતનો સ્વીકાર નથી કરતા.

જોવાનું એ છે કે ઉચ્ચ અભ્યાસ કરીને કારકિર્દીના ટોચે ચડી ચુકેલા લોકો વિદેશની ધરતીના મીઠાં ફળ ટોપલો ભરીને ખાય પણ સાથે સાથે ભારતીય સમાજ અને કુટુંબ વ્યવસ્થાના લાભ પણ અહીં બેઠે મળે તેવું ઇચ્છે. ભલા ભાઈ, જ્યાં રહો ત્યાની વાડીનાં રીંગણની હારે તેનાં નિંદામણમાં ય તમારો ભાગ હોય જ ને? એમને બાળકો આધુનિક જગતમાં પેદા કરીને પોતાના મા-બાપના જગતમાં મોકલી દેવાની અપેક્ષા હોય છે, જેથી પોતાની દેખભાળ જેમ એમના દાદા-દાદીની એમના મા-બાપે રાખેલી તેમ પોતાની રહે. ‘હું મારા અભ્યાસ અને નોકરી અર્થે વિદેશ જાઉં એ મારો સંતાન તરીકેનો અધિકાર છે, પરંતુ મારાં સંતાનોએ અમારી કાળજી અમારાં મૂલ્યો અને રિવાજ પ્રમાણે કરવી જોઈએ એ અમારો માતા-પિતા તરીકેનો અધિકાર છે.’ એવું કહેતાં પણ સાંભળ્યા છે. મારી દ્રષ્ટિએ એક તરફથી અધિકાર મળે તો બીજી તરફ ફરજ પણ બજાવવાની હોય. વિદેશી ધરતીનું લૂણ ખાઈને ઉછરેલ પ્રજા પાસેથી પૂર્વના અને તે પણ મારી પેઢીના સંસ્કારોની અપેક્ષા રાખવી એ ઘઉંને અનુકૂળ જમીનમાં આંબા પકવવા જેવી વાત છે.

જ્યારે પણ સ્વદેશ જઈને સ્થાઈ થવાની ઇચ્છા બળવત્તર બને ત્યારે પોતાનું જૂનું ઘર, એ ઘરમાં રહેતાં સ્વજનો, તેમની રહેણી કરણી, ખાન પાનની રૂઢી, પડોશીઓ સાથેના ખાટા મીઠા સંબંધો અને ત્યાં ઉજવાતા તહેવારો અને પ્રસંગોની લ્હાણ જ નજર સામે તરવરે તે સ્વાભાવિક છે, કેમ કે તેનાથી જ આપણી સુખદ અનુભૂતિઓ સંકળાયેલી છે. અનેક વખત દેશ જતાં આવતાં હોઈએ તો નોંધી શકાય કે પોતાના મા-બાપ કે સાસુ-સસરાએ ઘર બદલ્યું છે, તેમાંનાં કોઈ હવે હયાત પણ નહીં હોય, ભાંડરું પરણીને કે નોકરીને કારણે દૂર સુદૂર રહેવા ચાલ્યાં ગયા છે અને એમને પણ પોતાનો ઘર સંસાર સંભાળવાનો હોવાને કારણે પહેલાની જેમ તમારી સાથે સમય ન વિતાવી શકે.

ભારત જાણે હાઇ વે પરની ઝડપી લાઈનમાં હોય તેમ અતિ તીવ્ર ગતિથી વિકસી રહ્યું છે જેને પરિણામે પાડોશીના ટાણે કટાણે થતા ટહુકા, વાટકી વહેવાર અને સુખ-દુઃખમાં આવીને પ્રસંગને શોભાવવાનું કે તકલીફમાં ટેકો આપવાનું સંભવ નથી રહ્યું. જે એકલતાથી ભાગી છૂટીને ભારત જવાનો વિચાર કરે છે તેમને આજના ભારતનો સાચો ખ્યાલ નથી. વધારામાં તમારા દિલમાંથી ભારત નથી નીકળી ગયું પરંતુ દેશના લોકોના મનમાં તમે પરદેશી થઈ ગયા છો, તમારી બોલવાની ઢબ-છબ, સ્વતંત્રતા અને બીજા સાથે બધી વાત વહેંચવાના ખ્યાલો બદલાયા છે એ તો દેશમાં છ-બાર મહિના રહી જુઓ ત્યારે જ ખબર પડે. આમ તમે જે વાતાવરણ, સગવડતાઓ, કુટુંબ અને સમાજની હૂંફ અને પશ્ચિમના દેશોમાં ન મળતો લાગણી સભર સહવાસ મેળવવા દોડી જવા સ્વપ્ન સેવો તે કદાચ ભાંગી પણ પડે. વિદેશ જઈને પોતાના મા-બાપ અને સ્નેહીઓથી વિખૂટા પડ્યાનો, તેમની સેવા ન કરી શક્યાનો અને પોતાની ફરજો ભૂલ્યાનો રંજ હજુ તો માંડ વિસરાયો હોય, ત્યાં પોતાના વહાલસોયા સંતાનો અને તેમનાં ય સંતાનોને રમાડવાની, વાર્તાઓ કહેવાની પળ આવી હોય ત્યાં ફરી ઉચાળા ભરવા પગ દોડે પણ મન ભારે થાય એવું બને ખરું. અને ફરી તે વખતે ‘ન યયૌ ન તસ્થૌ’ની વિમાસણ ભોગવવા વારો આવે.

તાજેતરમાં બિમલ મુખી નામના શખ્સની લખેલ એક કવિતા હાથ લાગી જે વિદેશી આપ્રવાસીઓને કંઈક અંશે લાગુ પડે તેવી છે.

ભગવાન થોડી જિંદગી બાકી રાખજે કે મારા દેશમાં મારે જીવવું છે.
કોણ જાણે કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ કે હું ફાવી ગયો છું.
અહીં કોઈ કોઈને બોલાવતાં ડરે છે, મારા દેશમાં લોકો એકબીજાને જોઇને જીવે છે.
અનહદ ઠંડીમાં લાપટોપ સાથે એક રૂમમાં પુરાઈ ગયો છું, ‘ને બધાંને એમ કે હું ફાવી ગયો છું.
અહીં માણસમાંથી દોસ્ત નીકળી ગયો છે, ‘ને ઢોલિયાનો સ્વભાવ બધાંને ભરખી ગયો છે.
લાગણી વગરના માણસો સાથે ફસાઈ ગયો છું, ‘ને બધાંને એમ કે હું ફાવી ગયો છું.
ખાઉં છું ‘ને ઓફિસ જાઉં છું, માણસમાંથી મશીન બની ગયો છું,
આઝાદ ભારતમાંથી અહીં આવી ગયો છું, ‘ને ફરી ગુલામ બની ગયો છું, ‘ને બધાંને એમ કે હું ફાવી ગયો છું.
ભગવાન થોડી જિંદગી બાકી રાખજે કે મારે મારા દેશમાં જીવવું છે,
ફરી ટોળે વળી પેલા ગલ્લે બેસવું છે, બાઈક પર ત્રણ સવારી રખડવું છે.
ભગવાન પોતાના લોકોથી છુટ્ટો પડી ગયો છું, ‘ને બધાંને એમ કે હું ફાવી ગયો છું.

− બિમલ મુખી

આ કવિની માફક દેશમાં રહેવા માટે થોડી જિંદગી બાકી રાખવાની યાચના કરું કે મારા બાળપણનો સમાજ અને જીવનરીત એવાંને એવાં જ રહ્યાં હશે કે બધું બદલાયું તે ખબર નથી, માટે એ ખેવના છોડી દઉં એવી દુવિધા થાય. અમે પોતે અહીં રહી કેવા બદલાયાં છીએ તે ય જાણતા નથી એટલે ટોટલ મિસફીટ થઈએ અને ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો, એવા ઘાટ થવાની શક્યતાએ ઘર ભણી વળેલા મનને ત્રણ ત્રણ દાયકા સુધી જે ધરતીનું લૂણ ખાધું છે તેવા તનનો ભાર આ દેશમાં પલાંઠી વાળીને બેસી જવાનું કહી રહ્યું છે.

હરનિશ જાની કહે છે તેમ,

“અન્ન આ ધરતીનું, શ્વાસ આ આકાશનો, સુજલામ સુફલામ બનાવો અમેરિકામાં,
આજે જાશું, કાલે જાશું રટ હવે તો છોડો, કબર ખોદાઈ ગઈ છે તમારી અમેરિકામાં.”

જો કે હજુ પણ ‘ન યયૌ ન તસ્થૌ’ની સ્થિતિ મારા મનમાંથી તદ્દન દેશ નિકાલ નથી પામી !

e.mail : 71abuch@gmail.com

Loading

શબ્દના શાગિર્દ

તુષાર ભટ્ટ|Profile|19 June 2015

ગુજરાતી ભાષાની અનોખી સેવા કરનાર મહેન્દ્ર મેઘાણી રિટાયર થવાના મુડમાં લાગે છે. અરધી સદીની વાચન યાત્રાના ચોથા ભાગના પ્રકાશન પછી નાદુરસ્ત તબિયતના કારણે કલમ ટેબલ પર મૂકી દેવાની લાગણી વ્યક્ત કરી છે. એમને 84 વર્ષ થયા છે, આંખે તકલીફ છે. (પાંચેક સાલ પહેલાં લેખકે અા લેખ લખ્યો હોય. : તંત્રી) સતત પ્રવૃત્તિશીલ આયખું વટાવ્યા પછી મહેન્દ્રભાઈ વાંચન, લેખન, પ્રકાશનની રજા માંગવાના પૂરા અધિકારી છે.

પણ, પછી વાંચન વિમુખ થતા જતા આપણા જેવાનું શું ? જો કે આશાનું એક કિરણ તો છે જ. હમણાં જ એમણે સંપાદન કરેલો વિવિધ લેખકોના ગાંધીજી વિષેના ત્રીસેક લેખોનો સંગ્રહ, ‘ગાંધી ગંગા’ પ્રકાશિત થયો. ‘ગાંધી ગંગા’નો આ પહેલો ભાગ છે એવું કહેવાયું છે. આથી એવું ઈગિત થાય કે બીજો ભાગ કે ભાગો આવશે. (તા.ક. બીજો ભાગ ગત સપ્તાહે પ્રકાશિત થઈને ઉપલબ્ધ થઈ ગયો છે.)

વિશ્વમાં સેટેલાઈટ ટેલિવિઝનના આગમન સાથે છપાયેલા શબ્દનું મહત્ત્વ ઘટવા લાગ્યું છે એવું મનાય છે. છપાયેલા શબ્દ પર થયેલા સાંસ્કૃિતક આક્રમણને ખાળવા તે એકલવીર વર્ષોથી અવિરત ઝઝૂમતા રહ્યા છે. આમ તો એ સુંદર ગુજરાતી લખી શકે છે, મૌલિક વિચારણા કરી શકે છે. વિશ્વવ્યાપી દ્રષ્ટિબિંદુ રાખે છે અને 84 વર્ષે પણ સ્ફૂિતથી કામ કરે છે. એના પિતા ઝવેરચંદ મેઘાણી પેઠે શબ્દને સમર્પિત શાગિર્દનું જીવન ગાળે છે.

સફેદ પાયજામો, રંગીન કુર્તા અને ભૂરી ટોપીમાં સજ્જ એવા આ માણસ જીવનના 84મા વર્ષમાં પ્રવેશ કર્યો છે, પણ હજુ આજેય 500 જણ સાંભળવાના હોય કે પાંચ, વિશ્વના ને ગુજરાતીના  સારામાં સારાં પુસ્તકોનું રસપાન કરાવવા તે સતત પ્રવૃત્તિશીલ રહ્યા છે. 1923ની 20મી જૂને જન્મેલા મહેન્દ્ર મેઘાણીની બચપણમાં ખૂબ ભણવાની ખ્વાહિશ હતી. ભણવા માટે અવિરત વાંચવું પડે, પચાવવું પડે. આજે પણ ખંતીલા વિધાર્થીની અદાથી વાંચવામાં અને વાંચન માધુકરીમાંથી ગુજરાતીઓને સદ્દવાંચનની ટેવ પડે તે માટે શાળા, કૉલેજો અને યુનિવર્સિટીઓમાં પુસ્તકપઠન ગુજરાતભરમાં કરે છે. શાળાઅભ્યાસ ભાવનગર અને મુંબઈમાં કર્યો અને અમદાવાદમાં બે વર્ષ કોલેજ કર્યા પછી સ્કોરલરશીપ મળી એટલે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં ભણવા ગયા. આ સાલ હતી 1942ની. જૂનમાં કૉલેજમાં દાખલ થયા અને ઓગસ્ટમાં ભારત છોડોની હાકલના પડઘામાં એ કૉલેજ છોડી નીકળી ગયા. નિખાલસપણે મહેન્દ્રભાઈ કહે છે, ‘દેશ ખાતર નીકળ્યો, દેશ ખાતર ભણતર છોડ્યું એ ખરું, પણ મને ભણવામાં રસ ન રહ્યો. વાચવામાં ખરો. આથી હું પાછો કોલેજમાં ન ગયો અને પછીના છ વર્ષે ઝવેરચંદ મેઘાણી જોડે એમના પત્રકારત્વનો મદદગાર રહ્યો.

1948માં એમણે એક અન્ય ભાવનગરી, કૃષ્ણલાલ શ્રીધરાણી અમેરિકામાં કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યાં છે એમ જાણ્યું. શ્રીધરાણી પાસે પ્રેરણા મેળવી હું અમેરિકા પત્રકારત્વનો અભ્યાસ કરવા ગયો. અમેરિકામાં હું યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનું જેટલું ભણ્યો તેનાથી ય વધુ ત્યાંના ત્રણ પત્રોમાંથી શીખ્યો. આ હતા “રીડર્સ ડાયજેસ્ટ”, “ક્રિશ્ચિયન સાયન્સ મોનિટર” અને “ન્યુયોર્ક ટાઈમ્સ”. હું કચેરીએ જતો, ચર્ચાઓ સાંભળતો અને વિશ્વ નાગરિક બનવાનાં શમણાં સેવતો.

મહેન્દ્રભાઈ કહે છે, ‘હું મારી જાતને વિશ્વનો નાગરિક માનું છું. હું ભૂરા રંગની ખાદીની ટોપી કેમ પહેરું છું, તેની પાછળ એક રહસ્ય છે. ‘સંયુક્ત રાષ્ટ્રસંઘ’ના ધ્વજનો રંગ ભૂરો છે અને વિશ્વ નાગરિકત્વ માટે તરસતા મેં પણ મારી ટોપીમાં આ રંગ અપનાવ્યો છે. “રીડર્સ ડાયજેસ્ટ”, “મોનિટર” અને “ન્યુયોર્ક ટાઈમ્સ”નું મને લગભગ બંધાણ થઈ ગયું હતું. આ પત્રોમાંથી હું શીખ્યો કે, ‘સારું પત્રકારત્વ કોને કહેવાય, જે વાચકને માનથી જુએ. જે સમજે કે વાચક બુદ્ધિશાળી છે, તેની પાસે જાતજાતની વૈશ્વિક વાતો સમજવાની આવડત છે. પણ સમય, નાણાં, કે બીજી સગવડો નથી. પત્રકારત્વનું કામ સારી વાતોનું દોહન કરી વાચકને પહોંચાડવાનું છે, જેથી આમઆદમીની જિંદગી વધારે વિચાર સમૃદ્ધ બને.’

આવા વિચારો લઈ મહેન્દ્રભાઈ 50મા મુંબઈ આવ્યા અને “રીડર્સ ડાયજેસ્ટ” ઢબનું “મિલાપ” શરૂ કર્યું. વિવિધ સામાયિકો અને દૈનિકોમાંથી સુંદર સાહિત્ય પસંદ કરી “મિલાપ” મારફત ગુજરાતીઓને પહોંચાડ્યું. આ યજ્ઞ 1978 સુધી ચાલ્યો. પછી નાણાકીય અને બીજી અગવડોને કારણે “મિલાપ” બંધ થયું. આમ તો મહેન્દ્રભાઈ નિસ્પૃહી છે, પણ આ વાત કરતાં એમના મૃદુ અવાજમાં વિષાદની થોડી છાંટ પડે છે. “મિલાપ” શરૂ થયું ,ત્યારે એના બે હજાર ગ્રાહક હતા. બંધ થયું ત્યારે પણ બે હજાર ગ્રાહક હતા.’ આપણી પ્રજાની સંસ્કારીરૂચિ પર આનાથી વધારે કરૂણ અને વેધક કોમેન્ટ બીજી કોઈ હોઈ શકે ?

વિશ્વના દેશો અને ભારતના લોકો એકબીજાને વધુ સારી રીતે સમજી શકે એ હેતુથી યુવાનોના આંતરરાષ્ટ્રીય આદાનપ્રદાનનો કાર્યક્રમ એમણે ઘણાં વર્ષ સુધી ચલાવેલો. 1951માં એ મુંબઈ છોડી ભાવનગર આવેલા. ‘મારી ઈચ્છા તો ભાવનગર જિલ્લામાં કોઈ રેલવે સ્ટેશનવાળા ગામમાં રહેવાની હતી, પણ એ બર આવી જ નહિ.’

એમણે એક પુસ્તક ભંડાર પણ શરૂ કર્યો, જ્યાં વાચકોની અભિરૂચિને પોસે તેવાં ઉત્તમ પુસ્તકો મળે. પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિના મંડાણ પણ કર્યા. આજે ‘લોકમિલાપ’ પુસ્તક ભંડાર ગુજરાતના ઉત્તમ પુસ્તકભંડારમાંનો એક છે. લોક મિલાપ પ્રકાશનનું ગુજરાતી પ્રકાશનમાં સૌથી મોટું પ્રદાન એ છે કે એણે શિષ્ટ વાચનનાં પુસ્તકો ઓછી કિંમતે લોકોને પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ઉત્તમ ગુજરાતી સાહિત્યની સસ્તા દરની આવૃત્તિ ઓ લાખોની સંખ્યામાં પ્રકાશિત કરી એમણે વિક્રમ સર્જ્યો છે. 1972માં ઝવેરચંદ મેઘાણીની 75મી જયંતી નિમિત્તે ‘કસુંબીનો રંગ’ નામે મેઘાણી સાહિત્યનાં ત્રણ પુસ્તકોનો એક સેટ એમણે પ્રગટ કર્યો. આની એક લાખથી પણ વધુ નકલોની આગોતરી વરદી નોંધાયેલી. તે પછી તો ચૂંટેલાં પુસ્તકો અને સંક્ષિપ્તીકરણ પાછળ મકસદ હતી. 1989માં એમણે ગુજરાતી સાહિત્યના પાંચ ચરિત્રગ્રંથોને ટૂંકાવીને ચંદનના ઝાડ નામે એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું, જેની એક લાખ નકલો પ્રિન્ટ ઑર્ડર હતો. મહેન્દ્રભાઈ માને છે કે ઉત્તમ સાહિત્યની મૂળ આવૃત્તિનાં મોટાં પુસ્તકો વાંચવાનો આજે લોકો પાસે સમય નથી કે નથી એની મોંઘી કિંમત ચૂકવવાની તાકાત. આથી ટૂંકાવેલ સંક્ષિપ્ત આવૃત્તિ સસ્તા દરે પ્રગટ થાય તો લાખો લોકો સુધી એ પહોંચે. પછી ઘણા મૂળ ગ્રંથ તરફ પણ વળે.

તેઓ માને છે કે સારાં પુસ્તકોને લોકો સુધી લઈ જવાં હોય તો પુસ્તક પ્રદર્શનો યોજવા પડે. વર્ષો સુધી એમણે પુસ્તક મેળાઓ કર્યા છે અને બાકીના સમયમાં ગુજરાતભરની શાળા કૉલેજોમાં પસંદગીનાં પુસ્તકોનાં પઠન માટે એ ખૂંદી વળે છે. સાહિત્ય પ્રચારના એ એવા તો ભેખધારી છે કે ભાવનગરમાં થોડાં વર્ષ બાળ સાહિત્ય ભરેલી હાથલારી પણ એ ચલાવતા. બીજા લારીવાળાઓની જેમ સાંજે જ્યાં જ્યાં લોકોની ભીડ હોય ત્યાં એ લારી લઈને ઊભા રહેતા. અંગત જીવનમાં એ ચુસ્ત ગાંધીવાદી રહ્યા છે. વર્ષો સુધી એમના કુટુંબને જરૂરી અનાજ એ જાતે જ દળતા. ‘ઘંટી ચલાવવી એ મારા માટે ગાંધીજીના રેંટિયાની જેમ ધ્યાનનો એક પ્રયોગ હતો. મને ઘણા સારા સારા પ્રોજેક્ટો દળતાં દળતાં સૂઝેલાં.’ સાદગીના આગ્રહી આ માણસને અંગત જિંદગીમાં એક જ શોખ છે, આઈસ્ક્રીમ ખાવાનો.

સંક્ષિપ્તીકરણ ઉપરાંત મહેન્દ્રભાઈની અનુવાદો કરવાની હથોટી છે. વિક્ટર હ્યુગોના નાઈન્ટી થ્રી, થોર હાયરડાલના કોન્ટિકી એક્સપિડિશ અને હેનરિક હેરરના સેવન યર્સ ઈન તિબેટના ગુજરાતી અનુવાદો એમણે કરેલા છે. એમણે ઘણાં પુસ્તકોનાં સંપાદન પણ કરેલાં છે. સાહિત્ય અંગે વાતો કરો તો મહેન્દ્રભાઈ ખુલ્લા દિલે વાત કરે, પણ વ્યક્તિ તરીકે એમના જીવન વિષે કુતૂહલ દાખવો તો એ કાચબાની જેમ જાતને સંકોરી લે. ‘મારામાં કશું અદ્વિતિય નથી કે તમને જાણવામાં રસ પડે.’ પણ એમનામાં ઘણું અદ્વિતિય છે. સાહિત્ય પ્રેમને એમણે સામાન્ય જનતાને પોતે જે અનુભવે છે તે અનુભવવાની તાલાવેલી લગાડી છે. એમણે જે લખ્યું છે તે પરથી એટલું તો ચોક્કસ છે કે એ ઘણું સારું લખી શકે છે, પણ એમણે મૌલિક લેખનની બહુ તમા રાખી નથી, કેમ ? ‘મારી હેસિયત જ નથી. મારી સામે કેવા કેવા આદર્શ પડ્યા છે. કાકા સાહેબ કાલેલકર, સ્વામી વિવેકાનંદ, ઉમાશંકર જોષી, દર્શક અને મારા પિતા ઝવેરચંદ મેઘાણી. આ બધા હિમાલયના ઉત્તંગુ શિખરો જેવા સર્જકો જે ભાષામાં હોય તેમાં મારી કેટલી ગુંજાઈશ ?’

આ શરમાળપણું છે કે સ્વને ઓગાળી નાખવાની સભાન પ્રક્રિયા છે એ વિશે કોઈ ખુલાસો તમે મહેન્દ્રભાઈ પાસે નહિ મેળવી શકો. ‘આ જન્મે તો ઉત્તમ સાહિત્ય વાંચવું જ છે અને બીજાને વંચાવવું છે. પૂરતું ભાથું બંધાઈ જાય આ જન્મે તો કદાચ આવતા જન્મે મૌલિક લખવાની હિંમત કરીશ.’

ગુજરાતી ભાષા ટકી જશે તો તેની પાછળ આવા નિષ્કામ શાગિર્દોના ઋષિકાર્યો જ હશે.

(દિવંગત લેખકની કલમે લખાયેલાં રેખાચિત્રોની એક પ્રસાદિ)

સૌજન્ય : “ઓપિનિયન”, 26 એપ્રિલ 2012, પૃ. 23-24

Loading

...102030...3,8313,8323,8333,834...3,8403,8503,860...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved