Opinion Magazine
Number of visits: 9694409
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું મૂલ્ય છે કવિતાનું ?

પ્રવીણ પંડ્યા|Opinion - Opinion|1 July 2015

ડઘાઈને સ્તબ્ધ ઊભો છું

કવિઓની ભીડમાં
શબ્દક્ષેત્રે
મરતાં પહેલાં
મારે માત્ર જાણવું છે એટલું જ
કે
શું મૂલ્ય છે કવિતાનું?

કેવા મેધાવી
મહાજ્ઞાની
અવિચળ
દૃઢહૃદયી
આ કવિઓ
રાખે
એક નહીં.
બે-બે જોડી નેત્ર
અને
કરે કવિતા.

ક્યારેક લખતી વખતે
એવી મજબૂત રીતે
ભીડે ચર્મચક્ષુ
કે
એહ –
એમના સ્થિર ચિત્તને
સહેજ પણ ખટકે નહીં
બહાર ચોમેર ધખતો ધોમ,
મનુષ્યના પડછાયાને પણ
કચડીને ચાલતું પાશવી જોમ
સ્લૉટરહાઉસની બહાર ઊભેલાં પશુઓની કતાર,
માણસ જેવા માણસને મળેલો ભૂંડનો અવતાર.
એકાગ્રચિત્ત અર્જુન
તુલાનાં બંને પલ્લાંમાં પગ રાખી
જેમ
શરસંધાન કરે મત્સ્યની આંખનું
એમ
આ કવિ
કરે શબ્દવેધ
મંચસ્થ અંધકાર પર
પાથરે સૌંદર્યનું તેજ
અને જયઘોષ સાથે પામે
અનેક વિજયોનું નૈવેદ્ય.
હું શબ્દક્ષેત્રે
વૈધ-અવૈધની દ્વિધામાં ઝૂલતો
વિચારું
શું મૂલ્ય છે કવિતાનું?

(જોકે એમને મન કશાયનું મૂલ્ય નથી)
મૂલ્ય
હોય લોકતંત્રનાં
કે
સ્વાયત્તતાનાં
કે પછી માનવતાનાં
કે કહો મહાત્માઓની વિચારધારાનાં
એમને મન  ક્યાંક પહોંચવાનાં સાધન માત્ર.

ક્યારેક કવિ,
સફાળા જાગી એકાએક
ખોલે બંને જોડી  નેત્ર
પ્રતિ ચક્રવાતની જેમ
કરે પોતાની ઇર્દગિર્દ બધું એકત્ર
એમની નજરથી અછાનું રહે નહીં એકેય ક્ષેત્ર,
ઘડીમાં દૃષ્ટિ કરે વક્ર
કીકીઓ તો એમ ફેરવે જાણે સુદર્શનચક્ર
બુલંદ સ્વરે ગાય શિવતાંડવસ્તોત્ર અને
એહ –
કવિના પુણ્યપ્રકોપનો તાપ તો એવો
જાણે
શિવના ત્રીજા લોચન જેવો.
થાય
હમણાં ભસ્મીભૂત કરશે બધું
શબ્દાયુધો ફેંકી-ફેંકી
– ને પછી
કરી મૂકશે બધું સમુંનમું
નહીં રહેવા દે
નંદ કે પાલકનો વંશ
બે-બે જોડી નેત્રમાં જે છે
તે તો છે
નર્યા સૂર્યનો અંશ.
હમણા ઝળહળશે શુભથી ગુજરાતી ભાષાના નવેનવ ખંડ
– ને
એહ ….
પણ ત્યાં તો
રૂડા પ્રસંગોનાં
વાગે ઢોલ-ત્રાંસાં
પ્રસરે ચોમેર મંગલ ગાન
કવિનો પ્રણ્યપ્રકોપ ક્યાં?
સુદર્શનચક્રની જેમ ઘૂમતી કીકીઓના સ્થાને
નૃત્યાંગનાની જેમ ગોળગોળ ઘૂમે સ્થિર ઊભેલા કવિનું અચકન
શિવતાંડવસ્તોત્રના સ્થાને
કવિકંઠેથી વહે ઠૂમરી ….
ઉગામેલાં શબ્દાયુધો ક્યાં?
એ તો છોડો
પણ
કવિ પોતે ક્યાં?
અહીં તો દેખાય કુર્નિશ બજાવતો હાથ
ઝૂકેલી કમર
ઊપસેલી પૃષ્ઠભૂમિ!
મૂખ ન દેખાય-
દેખાય કેવળ મનમોહક સ્મિત,
આજુબાજુ દેખાય માત્ર આભામંડળ,
(કે પછી બજવૈયામંડળ?)
રૂમઝૂમ થાતી
પવનપાવડી જેવી
પાલખીઓ આવે.
પલાણે એમાં આખેઆખું આભામંડળ
પાલખીઓ રવાના થયા પછી
મારા મનમાં રચાય,
પ્રસંગ પત્યા પછીના ખલીપાથી ભરેલું વાતાવરણ
આંખમાં ધસી આવે પાણી
અને
ત્યાં જ રસ્તા પરની ધૂળમાં દેખાય
આથમતા તારા જેવાં
બે-બે જોડી નેત્ર
જે પૂછતા હોય
શું મૂલ્ય છે કવિતાનું?

૧ માર્ચ,૨૦૧૫

જે રીતે સાહિત્યકારો સ્વાયત્તતા માટે ઠરાવ કરતી પરિષદની કારોબારીમાં રહીને અસ્વાયત્ત અકાદમીમાં પણ હોદ્દા ગ્રહણ કરી રહ્યા છે એ દયનીય સ્થિતિ જોઈને સ્વાયત્ત અકાદમી-આંદોલન દરમિયાન વારંવાર થયેલી અનુભૂતિ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2015; પૃ. 09 

Loading

દૂધ-દહીંમાં કેવી મઝા ?

મનીષી જાની|Opinion - Opinion|1 July 2015

 

દૂધ-દહીંમાં તે કેવી મઝા?
મઝા જ મઝા,
દૂધ-દહીંમાં છબછબિયાંની કેવી મઝા?!
એક પગ દૂધમાં,
એક પગ દહીંમા,
છબછબ દૂધ! છબછબ દહીં!
દહીંમાં છબછબ
ને
કાનમાં કાનુડાની વાંસલડી
સળવળી ઊઠે,
દહીંની મટકી,
માખણ કટકી ! 
જે’શી કૃષ્ણ સર !
                    પાયલાગણ !
                    જે’શી કૃષ્ણ મૅડમ !
                    પાયલગણ !
મૅડમ, ચરણસ્પર્શ, અહો-અહો !
સર, ચરણસ્પર્શ, અહો-અહો !
પવિત્ર નમ્રતા ! ધન્ય ! ધન્ય !

દૂધ પવિત્ર, દહીં પવિત્ર,
પવિત્રતાનું પંચામૃત,
બધું જ અમૃત-અમૃત
અમૃત અમૃત પીતા હૈ ઇન્ડિયા!
શુદ્ધ કવિતા
ખીલે પ્યોર કવિતા
તેંત્રીસ કરોડ દેવતાઓને ધારણ કરીને
ઊભેલી
ગૌમાતાના દૂધની ધાર જેવી શુદ્ધ કવિતા.
એક પગ દહીંમાં,
એક પગ દૂધમાં.
પ્રેમની કવિતા કરું છું.
કવિતા સનાતન,
કવિતા ચિરંતન,
માતાની કવિતા, ગૌમાતા કવિતા લખું છું.
વિશેષ કવિતા, વિશેષ વાત, વિશુદ્ધ કવિતા.

એક પગ દૂધમાં, એક પગ દહીંમાં.
દહીં-દૂધ કંઈ દ્વેત ન ભાળ,
અદ્વૈતની કવિતા માંડું છું.
શૂન્યમાંથી શૂન્ય બાદ કરો તો શૂન્ય રહે,
શૂન્યમાં શૂન્ય ઉમેરો તો શૂન્ય.
શૂન્યને ભાગો, ગુણો, બાદબાકી,
બધું શૂન્ય!

ત્યારે મેલને પૈડ! જલસા કર!
ના.
કવિતા તો પરમ આનંદ !
દૂધમાંથી દહીં બનવું શૂન્ય?
ક્યારે દૂધ?
ક્યારે દહીં?
કિસને દેખા? કિતના દેખા?
ઉપરવાળાની કરામત છે સાહેબજી!
બડા સાહબ!
એકમાત્ર-એક માત્ર એક
ઉપરવાળા
રાધેકૃષ્ણ કે જે’શી કૃષ્ણ?
જે કહો તે,
એક કૃષ્ણ,
એક જ આંગળી
એક ચક્ર,
સર સર સર સર સુદર્શનચક્ર!
કોની હત્યા? કેવી હત્યા?
આત્મામાં કંઈ છિદ્રો ન પડે.
શરીર છેદાય કે ન છેદાય.
યુદ્ધમાં હજારો હણાય કે ન હણાય,
વિશ્વયુદ્ધ થાય કે ન થાય.
શું ફેર પડે છે?

એક પગ દૂધમાં, એક પગ દહીંમાં,
              એકત્વની આરાધના
              એક સિવા કછુ નાહીં!
ઊંચું-નીચું, લાંબુ-પહોળું, નાનું-મોટું, કાળુ-ધોળું,
ધર્મ-અધર્મ-વિધર્મ, સ્પૃશ્ય-અસ્પૃશ્ય;
માયા રે ભાઈ માયા!
              આભડછેટમાં નથી માનતા ભઈલા!
હકડેઠઠ, બસમાં ફરતાં રામ!
ને
આપણે અનામતમાં ય નથી માનતા!
શું ફેર પડે છે ?
ગલીએ, ગલીએ શંખ ફૂંકો
માયા છે રે માયા!
માયામાં રમમાણ રહો ને
માયાના શંખ ફૂંકો રે શંખ ફૂંકો
સર્વ ફૂંક
સર્વ શંખ
પંચજન્યને મળે,
સૂનો રે ભઈ સૂનો રે,
પંચજન્યનો શંખ ફૂંકાય.

એક જ શંખ
પંચજન્ય!
એક પગ દહીંમાં, એક પગ દૂધમાં,
આંખનાં કમાડ વાસો સરજી!
પછી જુઓ, સામે જુઓ,
માયા તો માયાના ઘરે!
મળ્યાનો ઘેર મારો ખંભાતી તાળું.
સત્ય-અસત્ય બધું જ માયા,
એક જ સત્ય,
સત્ય તો નિરંતર ગબડતી લખોટી
સત્યના પ્રયોગો તે કંઈ લૅબોરેટરીમાં થાય?
થાય કે ન થાય! શું ફેર પડે?
શું ફેર પડે? શું ન પડે?
સત્ય-અસહ્ય બધું જ માયા.
ગાંધીજીનું મને આ ગમે
ગાંધીજીનું મને પેલું ન ગમે,
પાંચસો રૂપિયાની નોટ પર તો,
બંને બાજુ ગાંધીજી!
આ બાજુ હસતા ગાંધી,
પેલી બાજુ જનતા સાથે,
કૂચ કરતા ગાંધી!
આ પગ દૂધમાં, પેલો પગ દહીંમાં.

નોટ ગમે
બંધારણે આપેલો વોટ ગમે.
‘બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર’,
– હાઈસ્કૂલમાં એવું બધું ભણેલા.
બાકી બંધારણનું આ ન ગમે
બંધારણનું પેલું પણ ન ગમે
આવું ગમે કે ન ગમે?
શું ફેર પડે?
વાદ નહીં વિવાદ નહીં,
એકહથ્થુવાદ સિવા કછુ નહીં! દિલ માંગે મોર!
આવું ન ગમે કે ન જ ગમે,
શું ફેર પડે?
મારા રે માયા,
ઘરના બારણે કંકુવર્ણું સ્વસ્તિક
ચારે દિશામાં ફેલાતાં
સ્વસ્તિકનાં પાંખડાં
પાંખડે-પાંખડે વર્ણ
ચતુવર્ણનાં પાંખડાં
સ્વસ્તિકના ચાર રસ્તાની વચ્ચોવચ્ચ,
ખુરશી,
મોટી ખુરશી,
સૌથી મોટી ખુરશી,
ખુરશીમાં બેઠા દેવ,
એકમાત્ર દેવ,
દેવાધિદેવ.
બીજું કછુ ના ભાયે!
માંસાહાર વિરોધી શાકાહારી હિટલર ગમે
ગમે એટલે ગમે!

એક નેતા,
એક પ્રાણ,
એક અખંડ દેશ,
એક જ ગણવેશ,
બીજું કછું ન ભાયે પ્રીતમ!

કાયાની માયા
ને
માયાની કાયા
કાયામાં મહાલિયે
ને
ખુદ ખુદ કો પ્યાર કરો,
ખુદ ખુદ કો યાર કરો,
ખીસામાં પીસા ને પીસા ને પ્યાર,
નિજકાયા પ્રીતકાયા, હિતકાયા,
બાકી સબ માયા !
આ પગ દહીંમાં, પેલો પગ દૂધમાં.
ના.
આ પગ દૂધમાં, પેલો પગ દહીંમાં.

આ દહીંપુરી
કે
આ દૂધપુરી ?
મારી વાત પૂરી!
પૂરીનો પ્રાસ કેવો મસ્ત લાવ્યો?
દહીંપુરી ખા કે દૂધપુરી આ?
બે યાર! જે પગ જ્યાં
રાખવો હોય ત્યાં રાખ!
બાકી
શુદ્ધ કવિતાનું સત્ય એક જ
અમારું સત્ય એક જ
દૂધ ને દહીં
કે
દહીં ને દૂધ!
બાકી સબકી ઐસી કી તૈસી!

e.mail : manishjani@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2015; પૃ. 10-11 

Loading

વાત આપણા સૌની

શિરીષ પંચાલ|Opinion - Literature|1 July 2015

રાષ્ટ્રીય સ્તરની કે રાજ્ય સ્તરની સાહિત્ય અકાદમીઓ સાહિત્યના પ્રસાર માટે શુદ્ધ હેતુથી કામ કરી રહી છે એમ માની લઈએ. દેશભરમાં પરિસંવાદો યોજાય છે એનાં પરિણામોની તપાસ કદાચ વ્યક્તિગત સ્તરે કોઈ કરતું હશે, કેટલીક વખત આપણા પરિસંવાદો મેળાવડા જેવા બની જતા હોય છે. શબ્દે-શબ્દે મેળાવડા થતા હોય, તો તો કોઈ પ્રશ્ન ન હતો.

થોડાં અઠવાડિયાં પર સિક્કિમના ગંગટોકમાં અખિલ ભારતીય વાર્તાકારોનું એક મિલન ગોઠવાયું હતું પરંતુ વાર્તાકારને કે વાર્તાવિવેચકને માત્ર પંદરથી વીસ મિનિટ ફાળવવામાં આવી હતી. વાર્તાકાર સ્વરચિત વાર્તા વાંચે અને વિવેચક પોતાની ભાષામાં લખાતી વાર્તા વિશે વક્તવ્ય આપે. આ પ્રકારનાં મિલન પાછળ આશય બહુ સારા હોય છે, પણ અનુભવ તો એમ કહે છે કે દર વખતે સમયની તાણ પડતી હોય છે, એટલે ચા-પાણી કે ભોજન સિવાય પરસ્પરને મળવાનો જાણે સમય જ રહેતો નથી. અંગત રીતે માનું છું કે આના કરતાં હિંદી-અંગ્રેજીમાં પ્રગટ થતાં અકાદમીનાં સામયિકોમાં વિશેષાંક રૂપે આ બધી સામગ્રી આવે, તો સૌ કોઈને વધારે કામ લાગે. જેટલાં નાણાં આવાં મિલનો પાછળ ખર્ચાય છે, તેના કરતાં ઓછા પૈસે વિશેષાંકો પ્રગટ થઈ શકે. આનો અર્થ એવો નથી થતો કે પરિસંવાદો કે એવાં કોઈ વિશિષ્ટ આયોજનો થવાં જ ન જોઈએ. રાજેન્દ્ર શાહ કે પ્રેમાનંદની ઊજવણી વખતે સિતાંશુ યશશ્ચંદ્રની રાહબરી હેઠળ થયેલાં આયોજનો ચિરસ્મરણીય અને અનુકરણીય પ્રકારનાં હતાં જ ને!

અત્યારે એક ભયસ્થાન ક્ષિતિજે ડોકિયાં કરી રહ્યું છે. સાહિત્ય-કળા-તત્ત્વજ્ઞાન-ઇતિહાસ વગેરેથી નવી પેઢી દૂર-દૂર જઈ રહી છે, અને એનાથી ખરાબ હકીકત તો એ છે કે આ પેઢી જીવનથી પણ દૂર દૂર સરી રહી છે. એક પ્રકારની ઘેરી ઉદાસીનતા જાણે ઘર કરવા માંડી છે. પોતાની નિરક્ષરતાનું ગૌરવ જાણે-અજાણે તે અનુભવે છે. આમે ય શાસન તો ઇચ્છે જ કે પ્રજા નિરક્ષર રહે. કદાચ શાસકો કોઈ સરમુખત્યારની જેમ બધી જ સાહિત્યસંસ્થાઓનો, શૈક્ષણિક સંસ્થાઓનો ગ્રાસ કરી જાય તો નવાઈ નહીં. જે દેશમાં રાજકીય પક્ષ અને સરકાર વચ્ચેનું અંતર સાવ ભૂંસાઈ જતું હોય તે દેશમાં કશું પણ બનવાની શક્યતા હોય છે. આપણું લોકતંત્ર આભાસી લોકતંત્ર થઈ રહ્યું છે અને એનાં ચિહ્નો ઉઘાડેછોગ દેખાવાં માંડ્યાં છે. એનો સૌથી પહેલો ભોગ શિક્ષણક્ષેત્ર બની રહ્યું છે. વાણીસ્વાતંત્ર્ય હોવા છતાં તેનો અનુભવ થતો નથી. પ્રજાજનોને શાસકોની કઠ પૂતળીઓ બનીને જીવવાની જાણે ફરજ પડી રહી છે. અને એ બનવામાં પ્રજા પોતાના જીવનની સાર્થકતા અનુભવતી હોય એમ પણ લાગે છે. આવા વાતાવરણમાં આલ્બેર કૅમ્યૂની કૃતિ ‘કાલીગુલા’ કે યુજિન આયોનેસ્કોની કૃતિ ‘રાઇનોસરોસ’ યાદ આવ્યા વિના ન રહે.

જો એકહથ્થુ શાસનવાળા દેશમાં વિદ્રોહ થઈ શકતો હોય, તો લોકતંત્રવાળા દેશમાં તો વિદ્રોહ, વિરોધને કેટલો બધો અવકાશ છે! પોતાને જે તક મળે તેનો ઉપયોગ કરતાં આવડવું જ જોઈએ.

દેશભરમાં કળા, સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટક સંલગ્ન અનેક અકાદમીઓ છે. એમની વચ્ચે કશીક સંવાદિતાનો અભાવ છે. એક સર્વસામાન્ય નિયમ એ પ્રવર્તવો જોઈએ કે આવી સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાને પ્રથમ પંક્તિમાં સર્જકો હોવા જોઈએ. દિલ્હીની સાહિત્ય અકાદમીનો આરંભ થયો ત્યારે, જો હું ભૂલતો ન હોઉં તો, તેના અધ્યક્ષપદે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ હતા. અહીં યાદ રહેવું જોઈએ કે તેઓ પૂર્વકાળમાં ઇતિહાસકાર અને ઉત્તમ ગદ્યકાર હતા, વડાપ્રધાન પછીથી થયા. રશિયન શાસક નિકિતા ખ્રુશ્ચેવ ભારત આવ્યાં ત્યારે નેહરુએ ઉમાશંકર જોશીની ઓળખાણ તેમની સાથે કરાવી હતી. આ શાલીનતા અને કદરદાની આજે તો દુર્લભ થઈ ગયાં છે.

અત્યારે પણ કેન્દ્રીય અકાદમીના અધ્યક્ષ તેમની ભાષાના ઉત્તમ સર્જક છે. પરંતુ જો વર્તમાન સિલસિલો ચાલુ રહ્યો, તો એવો ડર લાગે છે કે આવી સાહિત્યસંસ્થાઓમાં પ્રમુખ તરીકે સરકારી અધિકારીઓ, રાજકીય પક્ષના હોદ્દેદારો આવશે અને આ સજ્જનોને મોટે ભાગે કળા, સાહિત્ય, સંસ્કૃિત સાથે ખાસ કશો સંબંધ નથી હોતો. તેઓ શિક્ષણ-સાહિત્યની સંસ્થાઓમાં પોતાના વફાદાર માણસોને ગોઠવી દેશે. ઉત્તમ સર્જકો દેશના પ્રતિનિધિઓ, રાજદૂતો બની શકે છે. દા.ત., ઓક્તાવિયો પાઝ (મેક્સિકો) કે ગગનવિહારી મહેતા.

દેશને, દેશની સંસ્કૃિતને જો ખરેખર ઊંચે લાવવાની દાઝ હોય, તો નર્મદાશંકર દવે પાસે જવું જોઈએ. તે વેળા શિક્ષણનો સ્તર હતો, તેના કરતાં અનેક-ગણો નીચે ઊતરી ગયો છે. અનેક રીતે પછાત અને છતાં સુધારકયુગ અનેક રીતે સમૃદ્ધ હતો, જ્યારે આજે વિજ્ઞાન-ટેક્નોલૉજીની રીતે ઘણો પ્રગતિશીલ આપણો સમય અને છતાં બેહાલ. આવી પરિસ્થિતિની સામે વિરોધ કરવો જ પડે. ગુલામમોહમ્મદ શેખ અને મિત્રો સાથે મળીને જે ‘વૃશ્ચિક’નું પ્રકાશન કરતા હતા, તેના દ્વારા લલિતકળા અકાદમી સામે વિદ્રોહ કર્યો જ હતો ને! પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી ઘટે કે વિદ્રોહ કરનારા પણ પારદર્શી, પ્રામાણિક, નિષ્ઠાવાન હોવા જોઈએ. સૌથી પહેલાં શિક્ષણનું જગત સુધારવાની જરૂર છે. હવે શાસનતંત્ર પર ભરોસો રાખવાને બદલે કેટલાક સમદુખિયાઓએ આગળ આવવાની જરૂર છે અને આજની તારીખે આવા માણસોની ખોટ નથી, આ બધાંની પોતપોતાની અંગત મહત્ત્વાકાંક્ષાઓને બાજુ પર મૂકીને ખભેખભા મિલાવીને વર્તમાન તંત્રને ફરી એક વાર સરખું કરી આપવાની જરૂર છે.

તો આવો, આપણે સૌ શક્ય તેટલો ફાળો આપીને વાતાવરણમાં નવો પ્રાણસંચાર કરીને તેને ધબકતું કરી દઈએ.

(‘સમીપે’ના સદ્દભાવથી)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2015; પૃ. 08

Loading

...102030...3,7933,7943,7953,796...3,8003,8103,820...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved