Opinion Magazine
Number of visits: 9771032
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મેઘાણીના મનોભાવ મિષે મહેન્દ્રભાઈનાં મનોયત્ન

રસેશ જમીનદાર|Opinion - Literature|21 August 2015

મહેન્દ્રભાઈ મેઘાણી છેલ્લા ઘણા દાયકાથી વિચારવાહક તરીકે કાર્યરત છે. વિદ્વાનોના પોષક અને ઉપયોગી વિચારોને લોકગત કરવામાં મહેન્દ્રભાઈ માહેર છે. નાની પુસ્તિકાઓ મારફતે તેઓએ વિચારોને લોકો સુધી પહોંચાડી તેમના મનારોગ્યને નિરામયતા બક્ષવાનું એક મિશન ઉપાડ્યું છે. તેઓ મિશનરી અવશ્ય છે પણ મર્સિનરી નથી. ખૂબ જ વાંચતાં રહે છે અને અન્યોને એમના મંથન પહોંચાડતાં રહે છે.

તાજેતરમાં એમણે ‘ઝવેરચંદ મેઘાણીની વિચારકણિકા અને ઝવેરચંદ મેઘાણી : સ્મરણાંજલિ’ નામની ૩૨ પૃષ્ઠીય પુસ્તિકા પ્રગટ કરી છે. ત્રણ હજાર નકલ છાપી છે અને કિંમત માત્ર ૧૦ રૂપિયા રાખી છે. ખોડીદાસ પરમારનાં મુખપૃષ્ઠ અને છેલ્લા પૃષ્ઠ ઉપરનાં આવરણચિત્ર ઝવેરચંદ મેઘાણીના લોકસાહિત્યને પોષક છે.

મેઘાણી પ્રથમ તો સાહિત્યકાર છે, લોકસાહિત્યના આરૂઢ ઉપાસક પણ છે. એમનાં લખાણ મહદંશે, લોકપ્રયોગશાળામાં ચકાસાઈને ચળાઈને તૈયાર થયાં છે અને તેથી તેમનાં લખાણમાં એક તરફ સત્યનો રણકાર સંભળાય છે, તો બીજી બાજુ લોકસમસ્તને શું પ્રેય અને શ્રેય છે, તેની જાગૃત સૂઝ પણ એમાં વર્તાય છે. આ સૂઝ જ એમને ઇતિહાસ – લેખક બનાવે છે. કઈ વસ્તુ ચારિત્ર્યઘડતરમાં ઉપયોગી છે અને કઈ જ્ઞાનદીપક તરીકે ઉપયોગી છે, એમાંથી લોકોને કેવાં પ્રેરણા અને પ્રકાશ ઉપલબ્ધ થવાં જોઈએ, એ દૃષ્ટિ નજર સમક્ષ રાખી મેઘાણીએ ઇતિહાસમાં વૃત્તાંત આલેખ્યાં છે. (જુઓ રસેશ જમીનદાર, તવારીખ કિતાબોના લેખક મેઘાણી, મેઘાણી વિવેચનસંદોહ-૨, પૃષ્ઠ ૪૨૬થી ૪૩૧, અલબત્ત મૂળ આ લખાણ પ્રતિભા દવે સંપાદિત ‘રેલ્યો કસુંબીનો રંગ’, ૧૯૯૬માં પ્રગટ થયું હતું.)

પ્રસ્તુત પુસ્તિકામાં પ્રથમ પંદર પૃષ્ઠમાં ઝવેરચંદ મેઘાણીના સમગ્ર વિચારવૈભવના સોનેરી થાળમાંથી ચૂંટેલી વિચારકણિકા છે, તો શેષ પંદર પૃષ્ઠમાં ઝવેરચંદ વિશે સમકાલીન સાહિત્યકારોએ અભિવ્યક્ત કરેલાં મૂલ્યાંકનમાંથી થોડાક અંશ પ્રસ્તુત છે. સંપાદકનો મુખ્ય ઉદ્દેશ ‘મેઘાણીની પછીની પેઢીના લેખકોને, ભાષા અને સાહિત્યના અભ્યાસીઓને તેમાં રસ પડશે એવી આશા છે’ રહેલો છે. મહેન્દ્રભાઈનો હેતુ આ પુસ્તિકાના વાચનથી સફળ રહેલો ખસૂસ જણાય છે.

પ્રથમ સમકાલીન સાહિત્યજ્ઞોના મૂલ્યાંકનમાંથી થોડાંક વિધાનવાક્ય પ્રસ્તુત કરીશું :

એમણે કબર ખોદી કાઢીને મૈયતોને ઉઠાડ્યાં અને જિવાડ્યાં એમણે મસાણે માણસ જગાડ્યાં, હજારો પ્રેતોને કપડાં પહેરાવ્યાં. (દુલા ભાયા કાગ) ગાંધીજીએ લોકજીવનના વિશાળ ક્ષેત્રમાં જે કાર્ય કર્યું તે જ કાર્ય ભાઈ મેઘાણી સાહિત્યના ક્ષેત્રમાં આદરી ગયા. (પરમાનંદ કું. કાપડીઆ) લોકમાનસ, લોકજીવન અને લોકસાહિત્યની એકાગ્ર નિષ્ઠાથી ભક્તિ ઝવેરચંદ મેઘાણીનો જોટો હિંદુસ્તાનમાં મળવો મુશ્કેલ છે. (કાકા કાલેલકર) શહેરનો પવન ત્યાં ઘૂસ્યો છે, છતાંય આ અજ્ઞાન પ્રજામાં કળા, સૌંદર્ય વગેરે ઘણું ભર્યું છે. એ સાહિત્યની શોધખોળ પાછળ મેઘાણી ગાંડા હતા. (મો.ક. ગાંધી) એમના જીવનમાં પરમ પ્રસન્નતા દેખાતી. (ઉમાશંકર જોશી). નિરક્ષર જનતાના ગળામાં ડૂકી ગયેલી લોકવાણીને એમણે સજીવન કરી (મનસુખલાલ ઝવેરી). શ્રમની તલમાત્ર સૂગ નહીં, કોઈ કામનો સંકોચ નહીં. તસુભાર અન્યાયને સાંખી ન શકે એવો નિર્ભય મિજાજ (રસિક ઝવેરી). ગુલામીમાં સબડતી પ્રજાની  વેદનાને હૈયાસોંસરી ઊતરી જાય એવી આર્તવાણીમાં ગુજરાત ખાતે કોઈએ ઉતારી હોય, તો તે એક મેઘાણીએ (ધીરુભાઈ ઠાકર). મેઘાણીભાઈ કુશળ બાજીગરની અદાથી વિરાટ જનમેદની ઉપર ભૂરકી પાથરી દેતા અને કંઠની મોરલીએ સભાઓને મણિધરની જેમ ડોલાવતા. (બાલમુકુંદ દવે). મેઘાણીને નારીવૃંદે આપ્યાં તાજાં ફૂલોની જેમ મઘમઘતા લોકગીતો. ખવાસણો, કાઠિયાણીઓ, વણિક ને બ્રાહ્મણ એમ અનેક કોમની સ્ત્રીઓએ ગીતોની છાબ છલકાવી દીધી. (મકરન્દ દવે) મહાત્મા ગાંધીએ ભણેલા લોકોને લોકાભિમુખ થવાને પ્રેર્યા. પણ મેઘાણીએ લોક શું છે તેને સજીવ કરી બતાવ્યું (મનુભાઈ પંચોળી). સૂતેલાને જગાડે અને જાગેલાને ગુલામીની શૃંખલાને તોડવા પ્રેરે તેવી બળબળતી વાણીમાં સ્વાતંત્ર્યની ઝાલર મેઘાણીએ એમની કવિતામાં વગાડી છે (ઉપેન્દ્ર પંડ્યા). મેઘાણી જનતાના લાડકવાયા સાક્ષર હતા (રામનારાયણ વિ. પાઠક). ગાંધીજી એટલે લોક, ન્હાનાલાલ એટલે સાહિત્ય, મેઘાણી એટલે લોકસાહિત્ય. આ ત્રણ મનુષ્યોએ ગુજરાતને જેટલો પ્રેમ આપ્યો છે, એટલો અન્ય કોઈ મનુષ્યે આપ્યો નથી. (નિરંજન ભગત). માહિતી-દાતાનું હૈયું ખોલવાની શક્તિમાં મેઘાણી અદ્વિતીય છે. વિશ્વાસ જગાડવાની એમનામાં શક્તિ છે (હસુ યાજ્ઞિક). ગુજરાતી સાહિત્યમાં ગદ્યમાં તથા પદ્યમાં આજપૂર્વે ન જોવામાં આવેલી એવી રંગમયતા, મીઠાસ અને વેગ મેઘાણી લઈ આવ્યા છે (સુન્દરમ્).

હવે મેઘાણીના કેટલાક વિચારમૌતિક જોઈએ :

જનતા મારી જનેતા બની. * શરીરને ઘડે, સ્વજનોને રાહત આપે, પૈસાનો દુર્વ્યય બચાવે, એવો ગૃહવ્યાયામ એ સર્વોપરિ વ્યાયામ છે. * તમારા ગામનો ઇતિહાસ તમારા છોકરાને તમે કદી શીખવ્યો છે ? * જન્મભૂમિ  તો જીવે છે એના શૌર્યના ઇતિહાસમાં. * ક્યાં ગયા પેલા પુનિત દિવસો, જ્યારે હિંદુને આંગણે અક્કેક દુઝાણું બંધાતું ? * ચોરો માટીની ચાર દીવાલો ને છાપરું નથી. એના પરમાણુ-પરમાણુએ ગામનો ઇતિહાસ પડ્યો છે. * જે કાંઈ આપો તે તમારા ૧૦૦ ટકા શ્રમનું પરિણામ હોવું જોઈએ. પરિશ્રમ મને પ્રિય છે. * હું કંઈ વિદ્વાન નથી ! આવા બચાવોમાં છલ રહેલું છે. * એક વાત સર્વ ચંદ્રકો પરત્વે કહેવા જેવી છે. ચંદ્રક એની વિરલતાએ કરીને વધુ શોભે કે વિપુલતાએ ? ચંદ્રક તો એક ગૌરવચિહ્ન છે. ચંદ્રકો વધારવાથી સાહિત્યની પ્રગતિ વધારી શકાય તેવું નથી. * બુકસેલર તો પોતાના શહેરનો જ્ઞાનમાળી બની શકે છે. તે તો મોટો સાહિત્યસેવક છે. * જે ગામને પાદર નદી નથી એ ગ્રામ કુગ્રામ છે, એની મિસાલે જે ગામમાં સાહિત્યની સરિતાને આજીવન રાખનાર એક સારો બુકસેલર નથી તે ગામ કુગ્રામ છે. * કલમની પછવાડે પણ જોર છે અણથક ઉદ્યમનું. * લેખિની પોતાનું સ્થાન જે દિવસે કોશ-પાવડીની સંગાથે લેશે તે દિવસે સાહિત્યમાં પણ ચમકશે. * સાહિત્ય તો જીવનના વિશાળ ક્ષેત્રને પ્લાવિત કરી મૂકે.

અને છેલ્લે : સભાઓનાં પ્રમુખસ્થાનો, જાહેર ચર્ચાઓની વાંઝણી કડાકૂટ, મોખરે સ્થાન મેળવવાની મહત્ત્વાકાંક્ષા, બંધારણોના ઝઘડા – એ બધી સાહિત્ય તપોવન પર ત્રાટકનારી અપ્સરાઓનાં રૂપોમાં હું અંજાયો નથી. એને મેં સાહિત્યકારની તપશ્ચર્યાને ધૂળમાં મેળવનાર ગણી છે.

સરવાળે સમકાલીન સાહિત્યકારોનાં વિધાન અને ઝવેરચંદ મેઘાણીની સ્વયંની વિચારકણિકા પ્રસ્તુત કર્યા પછી અવલોકનકારને કશું કહેવાની જરૂર નથી. માત્ર મહેન્દ્રભાઈ મેઘાણીને અભિનંદન. આવી રીતે લોકભોગ્ય પુસ્તિકાઓથી ગુજરાતને રળિયાત રાખે તેવું નિરામય દીર્ઘાયુ ઈશ્વર તેમને બક્ષો.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2015; પૃ. 16-17

Loading

‘વ્યાપમ્’ : ભ્રષ્ટાચારથી પણ ગંભીર પ્રશ્નો, કૌભાંડમાં આશરે 2 હજાર લોકો સળિયા પાછળ

સનત મહેતા|Samantar Gujarat - Samantar|20 August 2015

મધ્યપ્રદેશમાં બનેલા વ્યાપમ્-વ્યાવયસાયિક પરીક્ષામંડળ-ના ગોટાળાએ  સંસદની ચોમાસુ બેઠક કશા કામકાજ વગર ધોઈ નાખી. રાજકારણને લીધે વ્યાપમને ભ્રષ્ટાચારની નજરે જ દેશભરમાં જોવાયું છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં તેની તપાસમાં આશરે બે હજાર વ્યકિતઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ છે. પણ વ્યાપમ સાથે એક યા બીજી રીતે સંડોવાયેલી વ્યકિતઓના મોતનો આંકડો પચાસ પર પહોંચ્યો ત્યારે રાષ્ટ્રે એની ગંભીરતા પીછાણી. પણ, બે મૃત્યુ એવાં થયાં કે ગુનાઇત હત્યા સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર તરીકે તેણે બધાંને થથરાવી મૂકયા. કેટલાંક મોત તો ‘ડાયલ એમ ફોર મર્ડર’ની કથા જેવાં હતાં. એટલે કેટલાક કટારલેખકોએ આ બનાવને ‘ડાયલ એમ ફોર મધ્ય’ જેવાં મથાળાં આપ્યાં. સર્વોચ્ચ અદાલતે આ બધાં મોતની તપાસ સી.બી.આઈ.ને સોંપી છે.

વ્યાપમ મધ્યપ્રદેશમાં મેડિકલ કે ઈન્જિનિયરીંગની સરકારી કોલેજોમાં કે ભરતી માટે પરીક્ષા લેતી સંસ્થા છે. આખું પ્રકરણ વ્યાપમ મારફત લેવાતા પ્રિ-મેડિકલ ટેસ્ટના બનાવોમાંથી જન્મ્યું છે. તે ભ્રષ્ટાચાર કે મધ્યપ્રદેશના ભાજપી મુખ્યપ્રધાન શિવરાજસિંહના સ્વચ્છ વહીવટ સંબંધિત પ્રશ્ન પૂરતું મર્યાદિત નથી. લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવીને શાસન કબજે કરનાર ભા.જ.પ. માટે તે ગંભીર પદાર્થપાક શીખવે એવો બનાવ છે. ૨૦૧૪ની ચૂંટણી ઝૂંબેશમાં ભારતનાં યુવકોને રોજગારી આપવાની ખાતરી સૌથી વધુ ભા.જ.પે.  આપી છે. નરેન્દ્ર મોદીએ તો આગળ વધીને આ સવાલને સરકાર માટે “ડેમોગ્રાફિક ડિવિડન્ડ” (જનસંખ્યા-જન્ય ફાયદો) ગણાવ્યો હતો. એ કહેતા કે ભારતમાં દર વરસે એકસો વીસ લાખ વ્યકિત નોકરીને લાયક બને છે અને એ બધાને રોજગારી આપવા એ વચનબદ્ધ છે. આવું વચન એ આપતા હતા, ઊંચું મસ્તક કરીને આપતા હતા. કારણ એમને ભરોસો છે કે એકવાર ’મેઈક ઈન ઇન્ડિયા’ અને વિદેશી મૂડીરોકાણ હકીકત બનશે, એટલે થોકબંધ રોજગારી પેદા થશે.

વિશ્વના અર્થશાસ્ત્રીઓ, શાસકોએ અને ખૂદ વિશ્વબેંકે છેલ્લા દસ વરસના વિશ્વના ઔદ્યોગિક વિકાસને રોજગારી વગરનો (જોબલેસ) અને વ્યકિત-વ્યકિતની આવકમાં અસમાનતા વધારનારો ગણાવ્યો છે. ભારતમાં પણ દસ વરસમાં રોજગારી વગરનો અને આર્થિક અસમાનતામાં વધારો કરનાર વિકાસ થયો છે. જાહેર અને ખાનગી ક્ષેત્રે રોજગારીમાં નહીંવત્‌ વધારો થયો. પરિણામે શહેરોમાં શિક્ષિત કે અશિક્ષિત યુવાનોનાં કીડિયારાં ઉભરાયાં હોય એવી સ્થિતિ છે. રેલવેમાં ભરતી થવાની હોય તો સો-બસો પોસ્ટ માટે  હજારો યુવકોની  લાઈન લાગે છે. આ બેરોજગારીની પીડા ઓછી હોય એમ મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના મરાઠી યુવકોની અગ્રિમતા માંગી ધાંધલ મચાવે છે અને સવાલને વધુ ગૂંચવે છે.

નોકરી વેચાય છે, એટલે કે, અમુક રકમ આપી સંસ્થાનું ફોર્મ ભરો તો રેલવેમાં કે કોઈ કેન્દ્રિય સાહસમાં નોકરી અપાવનારી સંસ્થાઓ અનેક જગાએ ફૂટી નીકળી છે. લાખો રૂપિયા  કમાઈ લીધા પછી સંસ્થા જ ગાયબ થઈ જાય છે. ગુજરાતમાં ખુદ સરકારે હજારો તલાટીની ભરતીનો  પ્રયોગ કર્યો, તો ભરતીમાં કરોડ કમાઈ જનાર વચેટિયો પકડાઈ જતા હજારો તલાટીની ભરતી રદ કરવી પડી છે. ફરી ભરતી કરતાં સરકાર ગભરાય છે. બેરોજગારીની આવી પરિસ્થિતિનો લાભ લેનાર રાજકીય આગેવાનોનો આપણે ત્યાં તોટો નથી. જે શિક્ષણ બજારમાં તરત નોકરી અપાવે તેવું હોય, તેને લગતી શિક્ષણસંસ્થામાં પ્રવેશ મેળવી આપવા આ બધા  દલાલનું કામ કરતા હોય છે. બીજી તરફ શિક્ષણમાં ખાનગી ક્ષેત્રના પ્રવેશ પછી ઊભી થયેલી. ખાનગી મેડિકલ કે ઈજનેરી સંસ્થાઓની ફી મધ્યમ વર્ગની શકિત બહારની થઈ ગઈ છે. પરિણામે ભારતીય યુવકને માટે નોકરીને લાયક થવાના દરવાજા પણ બંધ થયા છે. 

આવી પરિસ્થિતિનો અંત આર્થિક સુધારામાં વધુને વધુ તેજી લાવવાથી આવશે, એવી ધારણા ધરાવનારા ઘણા લોકો ભૂલી જાય છે કે, જાહેર ક્ષેત્રમાં ૧૯૯૯માં ૧૯૪ લાખને રોજગારી મળતી હતી, તે ૨૦૧૦માં વધવાને બદલે ઘટીને ૧૭૯ લાખ થઈ ગઈ છે. અલબત્ત, એ ગાળામાં ખાનગી ક્ષેત્રમાં રોજગારી ૮૭ લાખમાંથી વધીને ૧૦૮ લાખ થઈ છે. દસ વરસમાં ૨૧ લાખનો વધારો એ તો નહીંવત્‌ છે. ખાનગી અને જાહેર ક્ષેત્રની  રોજગારીની આ પરિસ્થિતિથી સરકાર વાકેફ છે. વધુમાં એ સમજે છે કે ભારતમાં ૯૦ ટકા રોજગારી તો સેવા અને લઘુ—ઉદ્યોગ ક્ષેત્રમાંથી મળે છે. દર વરસે ૧૨૦ લાખ નવા રોજગારને લાયક બનતા યુવકોનો અસંતોષ અને લાચારી વ્યાપમના મૂળમાં છે, એ જેટલું વહેલું સમજીએ તેટલું સારું. હકીકતમાં મધ્યપ્રદેશમાં વ્યાપમમાં જે બન્યું છે તે ભારતમાં રોજ બને છે. પણ મધ્યપ્રદેશમાં ગુનાઇત બળોએ પણ એમાં ઘૂસણખોરી અને ભાગીદારી કરી. એટલે તે વધારે મોટું અહિત કરનાર પ્રકરણ બન્યું. વળી એક પોસ્ટ ગ્રેજયુએટ બેઠક માટેના પ્રવેશની રકમ અઢી લાખ ડોલરે પહોંચી ત્યારે બધી હદ વટાવાઈ ગઈ હોય એવું લાગ્યું.

વિશાળ બેરોજગારી અને કમ નોકરી એક તરફ અને બીજી તરફ સારી નોકરી મળે એવાં શિક્ષણ માટેની અમર્યાદ ઊંચી ફીએ મધ્યમ વર્ગના યુવકોમાં વ્યાપક નિરાશા જન્માવી છે. આ વિષમ પરિસ્થિતિ વ્યાપમ જેવા અનિષ્ટની જન્મદાત્રી છે, એમ ઉઘાડું સમજાય તેવું છે. છતાં ભારતના મધ્યમ વર્ગની મૂંગા મોઢે સહન કરી લેવાની આદત આગળ જતાં કેવા વિસ્ફોટ જન્માવશે, એનો આપણને ખ્યાલ છે ખરો? જયાં સુધી સરકારી અને ખાનગી શિક્ષણ સંસ્થાના ફીના ધોરણમાં સામાન્ય ફરક હતો, ત્યાં સુધી આવી બદી જન્મતી ન હતી. અત્યારે આ ફરક કલ્પના બહારનો છે. પણ હવે કંઈક જૂદું જ બનવાની ભીતિ દેખાઈ રહી છે. કારણ કે આ વરસે ગુજરાત જેવા રાજયમાં ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરીંગની હજારો જગાઓ સેલ્ફ ફાયનાન્સ ક્ષેત્રે ખાલી પડી છે. સરકારી મેડિકલ કૉલેજમાં પ્રવેશ માટે તીવ્ર હરીફાઈ જન્મી છે. એકથી ત્રણ માર્કથી રહી જનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે.

હવે આ પ્રવેશ માટે પોતાના સંતાનને ટયુશન કલાસમાં વધારાનું ભણતર આપવા મધ્યમ વર્ગનો વાલી દેવું કરીને પાંચ લાખનો બોજ ભોગવે છે. પાંચ લાખનાં ટયુશનનો બોજ ભોગવ્યા અને આઠથી બાર કલાકની મહેનત  પછી એ વિદ્યાર્થી બે માર્ક માટે રહી જાય અને બીજી તરફ વ્યાપમને રસ્તે કે બીજે રસ્તે ઓછા માકર્સે પ્રવેશ મેળવી જવાના કિસ્સા વધે, ત્યારે વ્યાપમ સ્ફોટક બને છે. ટૂંકમાં વ્યાપમકાંડે અત્યારે ભલે રાજકીય ભ્રષ્ટાચારરૂપે દેશવ્યાપી આક્રોશ જન્માવ્યો, પણ, સરકાર, સમાજ અને રાજકીય નેતાઓએ એના મૂળમાં જે બાબાતો છે એનો ઉકેલ શોધવો પડશે. ગુજરાતમાં સુખી ગણાતા સમાજના યુવાવર્ગના વ્યાપક બનતા જતા અનામત આંદોલનમાં આ બાબતે  ભાગ ભજવ્યો હોય તો નવાઈ પામવા જેવું નથી.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 20 અૉગસ્ટ 2015

Loading

નાતજાત બનામ સરકારી ભીંતડાં

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|20 August 2015

સાત દાયકાના ઉંબર વરસે, આઝાદીદિનનું ચિત્ર શું છે? આનંદી માર્ગની કૉફી ટેબલબુકમાં સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાની સંહિતા શોધી જડતી નથી. સ્વચ્છતા અભિયાન સરખું કાંક કશુંક જોણું લાલ કિલ્લાની રાંગેથી ખાબકી પડવાનું હોય તો પડશે. પણ અત્યારે તો આ અભિયાન સંદર્ભે બહાર આવેલા સર્વેક્ષણને એક અખબારી મથાળે ટૂંકમાં મૂકવ્યું મૂલવ્યું છે તેમ ‘ડર્ટી પિક્ચર’ જોવા મળે છે.

અગ્રલેખનો આ ઉઘાડ, બને કે, કોઈને નાસ્તિક ને નિઃસારવાદી લાગે. ફિલગુડને ચશમે જોઈએ અને પોઝિટિવ ઘેલાં કાઢવાની કોશિશ કરીએ તો પણ તંત્રી મુવા તે વાંકદેખાપણાનું વરદાન અને ઝટ પીછો છોડે શાનું.

આનંદી માર્ગથી લગાર હરીને જોઉં તો ગુજરાતમાં પટેલ અનામત એક મોખરાના મુદ્દા પેઠે છવાયેલ માલૂમ પડે છે. ચરોતરનો પાટીદાર અને સૌરાષ્ટ્રનો પટેલ બે જુદા છે અથવા તો આ આંદોલનના સગડ પક્ષમાં માંહોમાંહેના હિસાબને ચૂકતે કરવા લગી પહોંચે છે. ગઈ સદીમાં, બીજા સ્વરાજ પછીના દસકામાં ઉજળિયાતોએ અનામતવિરોધી ઉત્પાત મચાવ્યો હતો કે એક તબક્કે સત્તા-પ્રતિષ્ઠાનો એને કોમી વળાંક આપી આત્મસંતુષ્ઠિનો ઓડકાર ખાધો હતો એવું કંઈક હશે કે થશે? કદાચ, કોઈ એક સરળ સપાટ સમજૂતી શક્ય નયે હોય.

જ્યાં સુધી અરધી રાતે આઝાદીનાં સંતાનોનો સવાલ છે, સ્વરાજ સાત દાયકાનું થવા આવ્યું અને પ્રજાસત્તાક સાઠી વટી ગયું પણ આઇડેન્ટિટી પોલિટિક્સ થકી વમળાતો અમળાતો એથી અણઓળખાતો નાગરિક એક દુર્દૈવ વાસ્તવ છે. ગાંધીએ તિલકને ખભો દીધો અને આખી જે એક યુગસંક્રાન્તિ થઈ એની સાથે સરેરાશ હિંદવાસી હજુ સમાધાન સાધી શક્યો નથી. જન્મસિદ્ધ અધિકાર તે નાગરિક તરીકેનો, નહીં કે નાતજાતગત, એ વાનું કેમ પકડાતું નથી? દલિત મસીહા નવી સ્મૃિત કહેતાં બંધારણ ઘડે છે ત્યારે સૌની જિકર કરે છે. વર્ણવિશેષની નિશાન તાકે છે. આ તત્ત્વ પકડવાનું ન હોય તો આઇડેન્ટિટી પોલિટિક્સ સામે આઇડેન્ટિટી પોલિટિક્સ લટકા કરશે … અને પ્રજાસત્તાક બ્રહ્મ? ભ્રમ બની રહેશે.

જે વિમર્શ સવા વરસ પર દિલ્હીનશીન થયો એ ઓબીસી ઉદ્દેકી હિંદુવાદ અને કથિત વિકાસની કોકટેલથી વધારે નહોતો. બિહારમાં જે મુકાબલો થવામાં છે એમાં મંડલ-કમંડલ માનસિકતાથી થોડુંકે ઊંચે ઉઠાય તો સારું, પણ ત્યાં પણ એક કે બીજા પ્રકારે આઇડેન્ટિટી પોલિટિક્સ જ ખેલાશે એવું લાગે છે. સોનિયા-રાહુલ કૉંગ્રેસ વખાના માર્યા વિપક્ષનો વેશ ભજવતી હોય તો પણ લાલબાલપાલથી ગાંધીનેહરુપટેલ સંક્રાન્તિના અગ્રચરણની એને રગ છે કે કેમ, દૈવ જાણે.

કુસુમાગ્રજની કવિતાથી વાત પૂરી કરું : રાત પડે ચોપાટી પર મુંબઈ સમસ્તના બાવલાં ભેળાં મળ્યાં ને સુખ દુઃખની વાતે વળ્યાં. તિલકે કહ્યું કે ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્કવાળો’, પણ મારી પાછળ અત્યારે તો ચિત્તપાવન બ્રાહ્મણોનું કોઈ ટોળું હોય તો હોય. આંબેડકરે કહ્યું કે હું બંધારણકાર ખરો, પણ મારી પાછળ દલિતો હોય તો હોય. ફૂલેએ કહ્યું કે મેં સૌ શુદ્રોને ઉપલી પંગતમાં આણ્યા, પણ મારી પાછળ પાંચપંદર ફૂલવાળા કે માળીઓ હોય તો હોય. હવે ગાંધીનો વારો છેક છેલ્લે (પોતે આમેય ‘અનટુ ધ લાસ્ટ’વાળો રહ્યો ને). એણે કહ્યું કે તમારી પાસે તો નાતજાતનું ઘાડિયું પણ છે, મારી પાછળ તો સરકારી ભીંતો સિવાય કશું નથી.

સ્વરાજને સાત દાયકે આટલું પકડાયપમાય તો પણ ઘણું.                             

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2015; પૃ. 01

Loading

...102030...3,7923,7933,7943,795...3,8003,8103,820...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved