Opinion Magazine
Number of visits: 9552440
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રેમાનંદને પગલે-પગલે

જયંત ઉમરેઠિયા|Opinion - Literature|24 April 2015

ભલે પ્રેમાનંદના પેંગડામાં આપણો પગ ન જાય, પણ એને પગલે પગલે ચાલીને એને તથા એની ઉપલબ્ધિઓના ભંડારને તો જરૂર પામી શકાય. આપણા સમયમાં એને મૂકીને જોઈ-જાણી મૂલવી તો શકાય જ. કંઈક આવા જ ઉદ્દેશ સાથે આ પરિકલ્પનાને સાહિત્ય અકાદેમી, દિલ્લીના ગુજરાતી ભાષાના કન્વીનર સિતાંશુ યશશ્ચંદ્રે સાહિત્ય અકાદેમી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, આકાશવાણી વડોદરા, ત્રિવેણી, વડોદરા, બળવંતરાય પારેખ સેન્ટર ફૉર સિમેન્ટિક્સ અને વડોદરા, સુરત અને નંદુરબાર શહેરના નાગરિકો, એમ સહુને સાથે લઈને કાર્યરૂપ આપ્યું. તારીખ સાત ફેબ્રુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધી ‘પ્રેમાનંદ મહોત્સવ’નું આયોજન કર્યું.

વડોદરા શહેરની સ્વાગત-સમિતિની રાહબરી હેઠળ આ મહોત્સવનો આરંભ મ.સ. યુનિવર્સિટીના પ્રેમાનંદ હૉલમાં થયો. શરૂઆતમાં પ્રેમાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ અને પછી કેટલાક બાળ- પ્રેમાનંદો (શાળાનાં બાળકો પ્રેમાનંદ બનીને આવ્યાં હતાં.) સાથે સહુ આખ્યાનનાં કડવાંઓ ગાતાં-ગાતાં યુનિવર્સિટી કૅમ્પસમાં ફર્યા. ઉદ્દઘાટન સત્રમાં લૉર્ડ ભીખુભાઈ પારેખ તથા કેતન મહેતાએ ટૂંકાં વ્યાખ્યાન આપ્યાં. ભીખુભાઈએ કહ્યું કે : ‘વ્યક્તિ કરે તે વ્યાખ્યાન અને આખ્યાન એટલે સમગ્ર પ્રજાની અભિવ્યક્તિ. આ સમય વ્યાખ્યાનનો છે.’ કેતન મહેતાએ કહ્યું કે મને કોઈ વિદેશમાં ભારતની ઓળખાણ પૂછે, તો હું કહું છું : ‘આ સ્ટોરી ટેલર્સનો દેશ છે. અહીં કેટકેટલી કથાઓ જનમાનસમાં રમે છે.’ સિતાંશુભાઈએ ‘પ્રેમાનંદને પગલે-પગલે’ મહોત્સવ અંગેની ભૂમિકા આપી તથા એ વિશે એમણે રાજેશ પંડ્યાએ તૈયાર કરેલી પિસ્તાલીસ પૃષ્ઠની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું, જેમાં પ્રેમાનંદનાં જીવન, કવન અને સંશોધન વિશે રસપ્રદ માહિતી કડવાંઓ સાથે છાપવામાં આવી છે.

ઉદ્દઘાટન બેઠકમાં ચંદ્રકાંત ટોપીવાળાએ બીજવક્તવ્યમાં પ્રેમાનંદનાં આખ્યાનોમાં આજની જે સિનેમેટોગ્રાફી, ક્લોઝ અપ્સ સાથે જોવા મળે છે, તેની વાત કરી. પ્રથમ બેઠકમાં ભીખુભાઈ પારેખની   અધ્યક્ષતામાં હેમંત દવેએ કવિનો સાંસ્કૃિતક સંદર્ભ તે વખતના બજાર સાથે જોડી આપ્યો. રાજેશ પંડ્યાએ પ્રેમાનંદ તથા એમના પુરોગામીઓના સુદામા ચરિત વિશે વાત કરી. આ ઉપરાંત આ ત્રિદિવસીય મહોત્સવમાં ચંદ્રકાંત શેઠે કુંવરબાઈનું મામેરું, ચિનુ મોદીએ નળાખ્યાન, જયદેવ શુક્લે પ્રેમાનંદની કાવ્યબાની તથા ભરત મહેતાએ પ્રેમાનંદનો સમાજ – ત્યારનો, આજનો એ વિષય પર ચર્ચા કરી.  હિમાંશી શેલતે પ્રેમાનંદની કવિતામાં માનવ-વેદનાનું નિરૂપણ વિષય પર વાત કરતા એમાં વ્યક્ત થતી દમયંતી જેવાં  સ્ત્રી-પાત્રોની પીડા અંગેના સંદર્ભો ખોલ્યા – તો શરીફા વીજળીવાળાએ પ્રેમાનંદનાં આખ્યાનોમાં નારીનાં જે વિવિધ રૂપો જોવા મળે છે, તેની વાત કરી.

આ ઉપરાંત ગુજરાતની વૈકલ્પિક કથનકળાઓ જેવા વિષય પર દલપત પઢિયારે પાટપરંપરાની વાત કરી, તો ભગવાનદાસ પટેલે ભીલી લોકાખ્યાનોનો પરિચય આપ્યો. ભીમજીભાઈ ખાચરિયાએ સૌરાષ્ટ્રના  લોકજીવનમાં વણાયેલી કથનકલા અંગે વિગતે વાત કરી. કથનકલાનો ભારતીય પરિપ્રેક્ષ્ય એ વિષય પર જ્યોતીન્દ્ર જૈને દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુિત સાથે વ્યાખ્યાન આપ્યું, એમાં એમણે બંગાળના પોટૂઆ – (ચિત્ર દ્વારા કથા કહેનારા) વિશે રસપ્રદ વાતો કરી, એમણે કહ્યું કે આ પોટૂઆ ચિત્ર દ્વારા ગામડાંઓમાં ૨૬-૧૧ જેવી ત્રાસવાદી ઘટનાનું પણ નિરૂપણ કરે છે. આ ઉપરાંત પ્રો. રતન પારીમુએ કથનકલાનાં અન્ય પાસાઓ પર પ્રકાશ પાડ્યો. મનપસંદ પદ, મનપસંદ કડવું વિષય પરની બેઠક અત્યંત જીવંત અને રસપ્રદ રહી. મહેન્દ્રસિંહ પરમારે કુંબરબાઈનું મામેરુંની નાટ્યાત્મકતા સાસુ જે પહેરામણી લખાવે છે તે લખો .. લખો … લખોનાં આવર્તનો સાથે રજૂ કરી. આ ઉપરાંત અજય રાવલ, કિશોર વ્યાસ, વસંત જોશી, મીનળ દવેએ પોતપોતાને ગમતાં પદ અને કડવા અંગે રસાળ શૈલીમાં વાત કરી.

પ્રેમાનંદ પર મહોત્સવ હોય અને સંગીતમય નાટ્યપ્રસ્તુિત ન હોય એવું કેમ બને. સાત ફેબ્રુઆરીની સાંજે વાસ્વિક હોલ ખાતે ઉદયન ઠક્કરે પ્રેમાનંદનાં આખ્યાનોમાં હાસ્ય અને શૃંગાર વિશે રજૂઆત કરી. અમદાવાદના કલાકારો કમલેશ ચૌહાણ, નિરાલી જોશી, હર્ષિલ રૉય, ભાવેશ ગજ્જર, ઉર્વશી શ્રીમાળી તથા પ્રવીણ પંડ્યાએ ‘પહેલો પર્ફૉર્મર પ્રેમાનંદ’ની ગીત-સંગીત અને વાચિક સાથે પ્રસ્તુિત કરી, જેમાં પ્રમાનંદનાં ઓખાહરણ, સુદામા ચરિત તથા નળાખ્યાનનાં રસસ્થાનોને રેખાંકિત કરવામાં આવ્યાં. આઠ ફેબ્રુઆરીએ ચં.ચી. મહેતા નાટ્યગૃહમાં માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યાએ પરંપરાગત શૈલીમાં પ્રેમાનંદનાં આખ્યાનોમાંથી ગાન પ્રસ્તુત કર્યું, જે અદ્દભુત હતું. મંજરી પટવર્ધન-મૂળેએ કથકનૃત્યના માધ્યમથી ‘કુંવરબાઈનું મામેરું’ રજૂ કર્યું, અંતે ફણિશાઈ ચારીના દિગ્દર્શનમાં પ્રવીણ પંડ્યા લિખિત ‘પછી સુદામાજી બોલિયા’ ભજવાયું જેમાં પ્રેમાનંદ પાત્ર સ્વરૂપે તખ્તા પર આવી સુદામાને અને પોતાને આજ સાથે જોડે છે, સોનાની દ્વારિકાની બહાર દ્વારિકાધીશને મળવા આવતો સુદામો આજે પણ ક્યાં શાસક સુધી પહોંચ્યો છે – આ સમસ્યા સુદામાના પાત્રમાં મહેશ ચંપકલાલે ભાવનાત્મક રીતે ઊપસાવી.

દસ તારીખે આ પ્રેમાનંદને પગલે-પગલે ચાલતી યાત્રા સુરત પહોંચી. અહીં ભગવતીકુમાર શર્માના માર્ગદર્શન હેઠળ સુરત શહેરનાં સાહિત્યકારો, કલારસિકો અને નગરજનોએ આ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો. એક દિવસીય પરિસંવાદમાં હિમાંશી શેલત, શરીફા વીજળીવાળા, રવીન્દ્ર પારેખ, જનક નાયક, બકુલ ટેલર, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દક્ષેશ ઠાકર સહુએ ઉત્સાહભેર ભાગ લીધો. ત્યાંથી આ યાત્રા અગિયાર ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રના નંદુરબાર પહોંચી. અહીંના ગુજરાતી સમાજે સાહિત્યકારોનું હેતભર સ્વાગત કર્યું. શહેરની લાઇબ્રેરીમાં કાર્યક્રમ યોજાયો. સિતાંશુ યશશ્ચંદ્રે અહીંના નાગરિકોને અહીં પણ પ્રેમાનંદ સાહિત્યસભા રચવા સૂચન કર્યું. અમદાવાદના કલાકારોએ ‘પહેલો પર્ફોર્મર પ્રેમાનંદ’ની રજૂઆત કરી .. પ્રેમાનંદે જ કહ્યું હતું :

ઉદર નિમિત્તે સુરત સેવ્યું, સેવ્યું, ને ગામ નંદુરબાર,
નંદીપુરામાં કીધી કથા, યથા બુદ્ધિ અનુસાર.
બુદ્ધિમાને કથા કીધી, કરનારે લીલા કરી,
ભટ પ્રેમાનંદ નામ મિથ્યા, શ્રોતા બોલો જે હરિ.

આમ, સાહિત્ય અકાદેમી, દિલ્લી, મ.સ. યુનિવર્સિટી, ત્રિવેણી, આકાશવાણી વડોદરાના માધ્યમથી કન્વીનર સિતાંશુ યશશ્ચંદ્ર તથા ગુજરાતના સાહિત્ય સમાજ તથા પીયૂષ ઠક્કર, બિજલ ઠક્કર, નિખિલ મોરી, ઇંદુ જોશી જેવા કાર્યકરોએ આ કાર્યક્રમ સુપેરે પાર પાડ્યો, મહાકવિ પ્રેમાનંદને ફરી સાંપ્રતમાં મૂકી આપ્યા.

પ્રાચ્યવિદ્યા મંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2015; પૃ. 11

Loading

લૉ-લેસ ગુજસીટૉક

ગિરીશ પટેલ|Samantar Gujarat - Samantar|23 April 2015

ગુજરાત કન્ટ્રોલ ઑફ ટેરરિઝમ ઍન્ડ ઑર્ગેનાઇઝ્‌ડ ક્રાઇમ બિલ(ગુજસીટૉક)ની જોગવાઈઓ તમે જોશો તો આ મિટિંગ પણ ગેરકાયદેસરની ગણાશે, હું અને તમે આસિસ્ટન્સ ટુ ટૅરરિઝમના નામે અટકાયતમાં આવી જઈશું.

આ પ્રકારનો કાયદો લાવવાની ૨૦૦૩માં કેન્દ્રમાં એન.ડી.એ.ની સરકાર હતી, ત્યારે કોશિશ થઈ હતી. ત્યાર પછી બીજી બે વખત ગુજરાતની ધારાસભાએ પ્રયત્નો કર્યા, પણ સેન્ટરમાં યુ.પી.એ.ની સરકાર હતી. આ કાયદો ૨૦૦૩થી ૨૦૧૫ દરમિયાન ન બની શક્યો હોય, તેના વિના પ્રૉબ્લેમ ન થયો હોય, તો હવે ધારાસભાના છેલ્લા દિવસે કોઈ પણ જાતની ચર્ચા વિના તે શા માટે પસાર કરવામાં આવ્યો તે સવાલ છે. વિરોધપક્ષોએ વૉકઆઉટ કર્યો. આ કાયદાને કન્સેન્ટ મળી જશે એમ મને લાગે છે. આ કાયદાનાં વિવિધ પાસાં ગંભીર ચર્ચા માગી લે છે. આ પહેલાં ઍડ્‌વોકેટ મુકુલ સિન્હાએ પણ આ પ્રકારના કાયદાઓ અંગે અનેક પ્રવચનો કર્યાં છે.

સહુ પહેલાં આપણે આપણી પોઝિશન ક્લિયર કરવી જોઈએ. કોઈ પણ જગ્યાએથી ઊભો થતો આતંકવાદ માનવતા સામેનો અપરાધ છે. એને માફ ન કરી શકાય, પણ એને સમજવાની કોશિશ કરી શકાય. અને આમ છતાં આપણે બધા પ્રકારના આતંકવાદ વિરોધી કાયદાનો વિરોધ કરીએ છીએ, પછી એ પાકિસ્તાનમાં હોય, અમેરિકામાં હોય કે ભારતમાં. આવા પ્રકારના કાયદા સ્ટેટ ટેરરિઝમ – રાજ્યનો આતંકવાદ ઊભો કરે છે. આટલી પોઝિશન ક્લિયર કર્યા પછી હવે આ કાયદાની સમજ આપણે મેળવીએ.

પહેલી વાત તો એ કે આપણે આ કાયદાનો વિરોધ શા માટે કરવો જોઈએ. એક જમાનામાં ક્રિમિનલ લૉ બહુ જ અમાનુષ અને ક્રૂર હતો. સમય જતાં તે વધુ ને વધુ હ્યુમનાઇઝ થતો ગયો, માનવીય બનતો ગયો. આજે આપણે જેને મૉડર્ન ક્રિમિનલ લૉ કહીએ છીએ તે હ્યુમનાઇઝ્‌ડ છે. તે રાજ્ય, વ્યક્તિ અને આરોપી ત્રણેયના અધિકારોને સંતુલિત કરે છે. દરેક આરોપીને માનવી ગણવો જરૂરી છે. આરોપી ગુનેગાર છે એ પુરવાર કરવાની જવાબદારી રાજ્યની છે. આરોપીને મોં ખોલવાની ફરજ પાડી શકાય નહીં. યોગ્ય મુકદ્દમો, બચાવ, ઊલટતપાસ, તટસ્થ અદાલત અને સપ્રમાણ (પ્રપોર્શનેટ) સજા એવી પ્રક્રિયા હોવી જોઈએ.

આપણે આ કાયદાનો વિરોધ એટલા માટે કરીએ છીએ, કારણ કે એ ક્રિમિનલ લૉના પાયાના સિદ્ધાન્તોનો વિરોધ કરનાર કાયદો છે. ક્રિમિનલ લૉનો સિદ્ધાન્ત છે કે અપરાધ અંગે અસ્પષ્ટતા ના હોવી જોઈએ. તમને ખબર ન હોય કે તમે ગુનો કરી રહ્યા છો એવું ન ચાલે. આતંકવાદી સંગઠનનું સાદું સભ્યપદ ગુનો નથી. આતંકવાદી સંગઠન સાથે કમ્યુિનકેશન કરવું, મૅસેજ કરવો એમાં પણ આ નવા કાયદા મુજબ પોલીસ તમને પકડી શકે.

આતંકવાદ વિરોધી કાયદાઓની કેટલીક ગંભીર ખામીઓ છે. પોલીસની હાજરીમાં કરેલ કન્ફેશન – કબૂલાત તેમાં પુરાવા તરીકે વપરાય છે. તે ન વપરાય એવો ઇન્ડિયન પીનલ કોડ(આઇ.પી.સી.)નો મૂળભૂત સિદ્ધાન્ત છે. એ ટૉર્ચરની સામેનો સેઇફગાર્ડ છે જે બહુ ઉપયોગી નથી. સોમાંથી નવ્વાણું કેસેસમાં ન્યાયાધીશની સામે ટૉર્ચર કબૂલ કરવામાં આવતું હોતું નથી. બીજો મુદ્દો એ કે આઇ.પી.સી. પ્રમાણે ડિટેન્શન પાવર એટલે કે આરોપીને અટકાયતમાં વધુમાં વધુ ચોવીસ કલાક રાખવાની સત્તા છે. આ કાયદા હેઠળ કોઈ પણ પ્રક્રિયા વગર આરોપીને એકસો એંશી દિવસ અટકાયત થઈ શકે છે. વળી એન્ટિસિપેટરી બેઇલ પણ લાગુ પડતો નથી. સર્વોચ્ચ અદાલત તો કહે છે કે ‘બેઇલ ઇઝ ધ રૂલ, જેઇલ ઇઝ ધ એક્સેપ્શન’. આ કાયદામાં બેઇલ મેળવવા માટે તમારે નિર્દોષતા પુરવાર કરવાની છે. એટલે સાબિતીનું ભારણ રાજ્ય પરથી આરોપી પર ફેરવી દેવામાં આવ્યું છે. આવી અનેક જોગવાઈઓ છે. ટાડા ઍક્સ્પાયર થયો, પોટા રિપિલ થયો. તો પછી આ ઍક્ટ શા માટે ? ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિ નથી, ઑર્ગનાઇઝ્‌ડ  ક્રાઇમ દેખાતો નથી. તો પછી સરકાર શા માટે આવા કાયદામાં પડે છે ? તે આવા કાયદાની  સ્પર્ધામાં છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને આન્ધ્રમાં આવા કાયદા બનેલા છે. પણ આવો કાયદો બનાવવો નહીં એવું નક્કી કર્યું તે પહેલાંના આ કાયદા છે. પણ હવે એક એવું મંતવ્ય ઊભું થયું છે કે જે રાજ્યમાં ઍન્ટિ-ટૅરરિસ્ટ લૉ ન હોય તે મૉડર્ન રાજ્ય ન કહેવાય.

કોઈ પણ કાયદાની બાબતમાં પાંચ બાબતો જોવાની હોય છે : તેની જરૂરિયાત છે કે નહીં, તેનું વાજબીપણું (જસ્ટિફાયેબિલિટી) છે કે નહીં, તેની નૈતિકતા-મૉરાલિટી છે કે નહીં, તે અમલમાં મૂકી શકાય તેમ છે કે નહીં, તેનાં પરિણામો શું આવી શકે. આ કાયદાની બાબતમાં પણ પૂછી શકાય કે તેની જરૂર છે કે કેમ. આતંકવાદ વિરોધી કાયદાઓની બાબતમાં હ્યુમન રાઇટ્‌સ કમિશને પણ આ પ્રશ્ન પૂછ્યો છે. ખરેખર તો અત્યારના આઇ.પી.સી.ની બધી જોગવાઈઓ પૂરતી છે, પણ એ અમલમાં મૂકી શકાતી નથી. તેનાં કારણો આ મુજબ છે : રાજ્ય સ્પાઇનલેસ અને કરપ્ટ છે, અદાલતો નબળી છે, અત્યારના કાયદા અમલમાં મૂકવાની ઇચ્છાશક્તિ નથી. રાજ્યો વિચારે છે કે બીજું કંઈ ન થઈ શકે, તો કાયદો બનાવો. દરેક કાયદો ભ્રષ્ટાચાર માટેની તક પૂરી પાડે છે.

ટાડા, પોટા, યુ.એ.પી.એ. જેવા અત્યાર સુધીના આતંકવિરોધી કાયદા કેટલા સફળ છે એ એક સવાલ છે, કારણકે એ કાયદા હોવા છતાં આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ જ છે. એનો અર્થ એ થયો કે એ કાયદાની બાબતમાં પાયાની ખામીઓ છે. આ લૉ-લેસ કાયદો છે એવું આ લૉના કન્ટેન્ટને જસ્ટિસની દૃષ્ટિએ તપાસતાં જણાય છે. આ કાયદામાં પોલીસને બધી સત્તા આપવામાં આવી છે, એટલે કે ક્રિમિનલ લૉનું પોલીસીકરણ કરવામાં આવ્યું છે. પોલીસની પાસે ઇન્ટરસેપ્શન, એંશી દિવસની અટકાયત જેવી સત્તાઓ છે. વળી, આ કાયદો પ્રિઝમ્શન ઑફ ગિલ્ટ એટલે કે નાગરિક ગુનેગાર છે, એવી ધારણા પર રચાયેલો છે. તેના આ સ્વરૂપને કારણે તે નાગરિકને કબૂલાત કરવાની ફરજ પાડે છે. આ કાયદો બંધારણના પાયાના સિદ્ધાન્તોનો ભંગ કરે છે. એ પૅરલલ ક્રિમિનલ લૉ બનતો જાય છે. અત્યારના જે કાયદા છે, જે વર્ષોથી પ્રૂવન એટલે કે યોગ્ય સાબિત થયેલા છે, તેને આ કાયદો હાનિ પહોંચાડી રહ્યો છે. સવાલ એ છે કે કાયદો પોતે જ અબ્યુઝ હોય તો શું કરવાનું ? આ સવાલ ૬૬એ કલમની બાબતમાં પણ આવ્યો હતો. તે વખતે ન્યાયાધીશોએ કહ્યું હતું  : ‘ગવર્નમેન્ટ્‌સ મે કમ ઍન્ડ ગો …’ એ જ વાત બધા કાયદાને લાગુ પડે છે. કેટલાક આંકડા જોઈએ. ‘ટાડા’હેઠળ ૧૯૯૪માં આતંકગ્રસ્ત પંજાબમાં ૧૪,૪૫૭ કેસેસ થયા હતા, અને જ્યાં આતંકવાદી પ્રવૃત્તિ  ન હતી, તે ગુજરાતમાં પંજાબ કરતાં વધારે એટલે કે ૧૭,૫૪૬ કેસેસ થયા હતા. એક વર્ષે આખા દેશમાં ટાડા હેઠળ ૭૬,૦૦૦ કેસેસ થયા હતા તેમાંથી ૩૫% પડતા મુકાયા હતા. જે ૩૫% પર સુનાવણી થઈ હતી, તેમાંથી ૯૫% નિર્દોષ જાહેર થયા હતા. એક તબક્કે ૫૦,૦૦૦ કેસેસનો રિવ્યૂ કરવામાં આવ્યો, ત્યારે કન્વિક્શન રેઇટ ૦.૮% હતો.  જો આમ હોય તો કાયદાનો આશય શું રહ્યો એવો સવાલ થાય છે.

દરેક કાયદાના બે હેતુઓ હોય છે. એક, રિઅલ પર્પઝ અને બીજો લેટન્ટ પર્પઝ. જ્યાં પુરાવા પુરતા ન મળતા હોય અને છતાં સજા કરવી હોય, તો આ કાયદો વપરાશમાં લઈ શકાશે. એમાં માણસને જામીન ન આપીને વર્ષો સુધી ગોંધી રાખી શકાય છે. ગુજરાતમાં ૧૯૮૬માં ટાડા હેઠળ પકડાયેલા પાંચ મુસ્લિમોને ૧૯૯૬માં નિર્દોષ તરીકે છોડી મૂકવામાં આવ્યા હતા. અક્ષરધામ કેસમાં આરોપીઓ બાર વર્ષ પછી નિર્દોષ છૂટ્યા હતા. તેમની જિંદગીનાં મૂલ્યવાન વર્ષો બરબાદ થયાં હતાં.

આ કાયદો મૂળભૂત રીતે જ ખામીયુક્ત છે. તેમાં ટૅરરિઝમ અને ઑર્ગનાઇઝ્‌ડ ક્રાઇમને એક ગણવામાં આવ્યાં છે. ખરેખર તો એ અલગ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીના કાયદામાં ટૅરરિઝમ શબ્દ નથી, આપણે ત્યાં એ મૂકવામાં આવ્યો છે. એટલે આ કાયદો આતંકવાદ વિશેની સમજનો અભાવ બતાવે છે. ટેરરિસ્ટ મોતથી ડરતો નથી. ઑર્ગનાઇઝ્‌ડ ક્રાઇમવાળો મરવા માગતો નથી, તે વધુ પૈસો મેળવીને જીવવા માગે છે.

આતંકવાદ શા માટે એ આપણે સમજવું જોઈએ. જ્યારે વ્યક્તિ હડધૂત થાય છે, તેની નાગરિકતા અને ઓળખની સામે સવાલ ઉઠાવવામાં આવે છે, ત્યારે એ એલિયેનેશન એટલે કે અલગાવ  અનુભવે છે અને તેમાંથી ટૅરરિઝમ જન્મે છે. આતંકવાદી પ્રવૃત્તિ માટે ક્રાઇમ કન્ટ્રોલનો અભિગમ લાગુ પાડી શકાય નહીં. ટૅરરિઝમની વ્યાખ્યા કરવી અઘરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેની કોઈ પણ વ્યાખ્યા કરો, તો એ અમેરિકાને લાગુ પડે છે. કૅનેડામાં ટૅરરિઝમ વિશેની એક કૉન્ફરન્સમાં ઠરાવ કરવામાં આવ્યો કે કમ્યુિનટી સિક્યૉરિટીના  વિચાર અને નીતિ પર કામ કરવું. કમ્યુિનટી  એટલે કે લોકો પાસે જવું, તેમને સામેલ કરવા, ઇન્કલુઝિવ ડેવલપમેન્ટ, ઇક્‌લુઝિવ સિટિઝનશિપ વિકસાવવી. આ  કન્સેપ્ટનો જ્યાં ઇન્કાર કરવામાં આવે છે ત્યાં ટૅરરિઝમ વિકસે છે. ટૅરરિસ્ટ વિરુદ્ધ સરકાર એમ નહીં પણ ટૅરરિસ્ટ વિરુદ્ધ કમ્યુિનટી એવી પરિસ્થિતિ ઊભી કરવાની જરૂર છે. આ કાયદાથી આપણે વિકરાળ ફ્રૅન્કેસ્ટાઇન ઊભું કરી રહ્યા છીએ. જેમજેમ લોકોમાં અસંતોષ ઊભો થાય, વિકાસ સામેના પ્રશ્નો ઊભા થતા જાય તેમતેમ રાજ્યસત્તા વધુ હાર્ડ બને છે. હવે ડિસેન્ટ એટલે કે વિરોધ ટૅરરિઝમ લેખાશે. વિરોધનો અવાજ ઊભો થતો રોકવા માટે આ કાયદાનો ઉપયોગ કરવામાં આવશે.

આ કાયદો આવતો અટકે તે માટે રાજ્યપાલ કે રાષ્ટ્રપ્રમુખ પર દબાણ લાવવા જેવા પ્રિવેન્ટિવ સ્ટેપ્સ મુશ્કેલ છે. હાઈકોર્ટ કે સુપ્રીમકોર્ટમાં ચૅલેન્જ કરી શકાય, પણ કોર્ટો પણ ટૅરરિઝમથી ઘેરાયેલી છે. આપણો કાયદો લગભગ આખો મહારાષ્ટ્રના કાયદા પરથી લીધો છે, અને મહારાષ્ટ્રનો એ કાયદો સુપ્રીમે જ મંજૂર  રાખ્યો છે. ગુજરાતમાં જે જનઆંદોલનો ચાલે છે, તેમની સામે આ કાયદાનો ઉપયોગ થશે. એટલે આ કાયદો અમલમાં આવ્યા પછી હો-હા કરવી, આંદોલન કરવું, પકડાઈ જવું અથવા લડવું.

(પિપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝ અને મૂવમેન્ટ ફૉર સેક્યુલર ડેમૉક્રસીના નેજા હેઠળ ગુજસીટૉકના વિરોધ માટે ૯ એપ્રિલે મહેંદી નવાઝ જંગ હૉલમાં યોજવામાં આવેલી બેઠકમાં વરિષ્ઠ કર્મશીલ ધારાશાસ્ત્રી  ગિરીશ પટેલે આપેલા વક્તવ્યનું સંજય શ્રીપાદ ભાવેએ કરેલું શબ્દાંકન)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2015; પૃ. 01-03

Loading

પોતડી v/s કોટ

ભરત મહેતા|Opinion - Opinion|22 April 2015

આનંદો ભારતવાસીઓ

હવે અર્ધનગ્ન પોતડી નથી કરતી પ્રતિનિધિત્વ ભારતવર્ષનું

હમે તો ઝગમગે છે નવલખો કોટ !

કોકે પેલી પોતડીને

‘રાજકારણીઓમાં સંત’ કહેલી, તો શું થયું ?

કોટના ઓવરકોટમાં તો

નામચીન સંતો, મહંતો, જોગી, સાધ્વી થોકબંધ છે !

પોતડીએ રાષ્ટ્રસેવા માટે

રામે ‘કર્યોતો એમ કર્યો’તો સીતાનો ત્યાગ ?

મારો રાષ્ટ્રભક્ત કોટ

એ બાબતે પોતડીથી આગળ છે.

પોતડીને ઉપવાસ, સત્યાગ્રહ અને ઝાડુ કાઢવા સિવાય

બીજું આવડતું’તું શું ?’

ફોટું પડાવ્યા વિના ઝાડુ કઢાય ? એ ય પાછું પાછું રોજરોજ ?

કંપની સરકાર સામે બાથડી પડાય ? એ ય પાછું રોજરોજ ?

પણ હવે તો પ્રૉબ્લેમ જ નથી, બૉસ

કોટ તો કંપનીનો જ ડ્રેસ ગણાય.

હવે તો કંપની જ કંપની સરકાર છે !

હા, ભાઈ હા, તમારી વાત સાચી છે કે

કોટની સાથે પાટલૂન નથી.

આંધળા છો ? દેખાતી નથી આવડી મોટી ચડ્ડી ?

આ અમારી ખાસ ખાસિયત છે … કોટ અને શૉટ્‌ર્સ !

મૂરખના સરદારો જરા સમજો તો ખરા

આને ગ્લોકલાઇઝેશન કહેવાય !

શું કહ્યું ?

એ પોતડી પર કવિતાની કવિતાઓ લખાતી એમ ?

એ બધી જૂની વાતો છે, સાહેબ

હવે તો કોટ ખુદ જ કવિતા લખે છે

અને કવિગણ ગણગણે  છે !

સમજ્યા હવે,

તમારી પેલી પોતડી ‘રાષ્ટ્રપિતા’ ગણાય છે તે

સાહેબ, આ બજારનો યુગ છે.

રાષ્ટ્રપિતાના પાશેર ચણા ય ન આવે.

જ્યારે મારો કોટ તો ‘રાષ્ટ્રવેપારી’ છે ! ‘રાષ્ટ્રવેપારી’ !

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2015; પૃ. 18

Loading

...102030...3,7683,7693,7703,771...3,7803,7903,800...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved