Opinion Magazine
Number of visits: 9552424
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિસ્તરતાં અને વિકસતાં શહેરો : કેટલાક પડકારો

રોહિત શુક્લ|Opinion - Opinion|10 May 2015

ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણીમાં વ્યાખ્યાન આપતાં રોહિત શુક્લ

૧. પ્રાસ્તાવિક

નગર શબ્દની સાથે તેની આગવી સાંસ્કૃિતક ઓળખ જોડાવામાં આવે છે. આ સંસ્કૃિતને ગ્રામ-સંસ્કૃિત અને જંગલની સંસ્કૃિત કરતાં વધુ ઊંચી, અનુકરણીય અને સ્વીકારવા જેવી પણ ગણવામાં આવે છે. આપણી ભાષામાં પણ ‘નગર’-‘નાગર’, ગ્રામ-ગ્રામ્ય-ગામડિયું અને ‘જંગલ’-‘જંગલી’ જેવા શબ્દો આ મનોભાવને સ્પર્શે છે. સાચું છે કે ‘આરણ્યક’ સંસ્કૃિતના ગુણગાન કરનારાને પણ ‘જંગલી’ ગમશે નહીં ! જ્ઞાનપ્રદ એવા બોધિ-વૃક્ષ હેઠળ બેસવાને બદલે આરામપ્રદ એવી એરકન્ડિશન્ડ આઊડી મોટરગાડીમાં ફરવું તે સૌની પસંદ છે.

સવાલ એ છે કે આ કોઈ પૌર્વાત્ય અને પશ્ચિમી સંસ્કૃિત વચ્ચેની અથડામણ નથી ? અલબત્ત, નગર કે શહેરો માત્ર પશ્ચિમની દેણ નથી જ. હસ્તિનાપુર, પાટલીપુત્ર, પુષ્પપુર (હાલનું પેશાવર) વગેરે તેનાં ઉદાહરણો છે. પણ માનવ વસવાટોમાં કદ વિસ્તરે અને તે નગર, શહેર અને મહાનગર બને તે માટેનાં કારણો સમય સાથે બદલાતાં રહ્યાં છે. રાજધાની (લખનૌ, દિલ્હી વગેરે), આવાગમનની સગવડ (મુંબઈ, કલકત્તા વગેરે), ધાર્મિક સ્થળ (વેટિકન, ડાકોર, મથુરા, વગેરે) ઉદ્યોગો (જમદેશપુર, કાનપુર, વગેરે) જેવા કારણોસર નગર અને શહેરો બનતાં પણ હવે આ કારણોમાં આર્થિક અને રાજકીય પાસાં મહત્ત્વના બન્યાં છે.

‘અર્બન’ એટલે કે શહેરી વિસ્તારની આપણે ત્યાં સ્વીકૃત વ્યાખ્યા પ્રમાણે ૫,૦૦૦ કરતાં વધુ માનવ વસતી ધરાવતો એક એવો પ્રદેશ કે જેમાં એક વર્ગ કિલોમિટર દીઠ ૪૦૦ અથવા વધુ માનવ વસતી રહેતી હોય અને જેમાં શ્રમિકોનો લગભગ પંચોતેર ટકા હિસ્સો ખેતી સિવાયની કામગીરીમાં સંકળાયેલો હોય. આમ ગીચ વસ્તી અને આર્થિક ઉપાર્જન વાસ્તે ૭૫ ટકા વધુ વસતી ખેતી સિવાયની પ્રવૃત્તિમાં રોકાયેલી હોય તે નગર વિસ્તારની અગત્યની લાક્ષણિકતા બને છે.

૨.૦ આકર્ષણ-અપાકર્ષણ અને સ્થળાંતર

શહેરો માટેનું આકર્ષણ – શહેરોનું ચુંબકત્ત્વ લોકોને ગામડાં છોડીને શહેરોમાં ખેંચી લાવવા માટેનું અગત્યનું કારણ છે. શહેરોની સુવિધાઓ અને ચમક-દમક અનેકોને આકર્ષે છે. આ આકર્ષણના કારણે થતાં સ્થળાંતરની એક ક્રમિકતા પણ નજરે ચઢે છે. નાનાં ગામોમાંથી નાનાં નગર, શહેર અને મહાનગરથી માંડીને અન્ય દેશોમાં જઈને વસવાનો આ પ્રવાહ છે. અલ્હાબાદના અમિતાભ બચ્ચનને મુંબઈમાં વસવાનું બને છે. અમદાવાદ, વડોદરા, સુરત કે અન્ય અનેક શહેરોના લાખો યુવક-યુવતીઓ ઇંગ્લૅન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોનાં શહેરોમાં જઈને વસે છે. આવી ક્રમિકતા હંમેશા જળવાય જ તે જરૂરી નથી.

બીજી તરફ ગામડાં તરફ ભારે અપાકર્ષણ પ્રવર્તે છે. ગામડાંના વાડાબંધ અને ફળિયાવાળા મકાનને બદલે શહેરનો માત્ર એક શયનખંડનો ફ્લેટ પણ વધુ પસંદગીપાત્ર બન્યો છે. કોઈ પણ ભણેલી છોકરી સમૃદ્ધ ખેડૂતના પુત્રને પરણીને ગામડાંમાં વસવાનું ભાગ્યે જ પસંદ કરે. ભારતની ખેતી ઘણે બધે અંશે હવે વૃદ્ધો અને સ્ત્રીઓના હાથમાં આવી ગઈ છે. શિક્ષણના વધતા વ્યાપ અને ઊંડાણને કારણે પણ ખેતી-વ્યાપક રીતે કહીએ તો-ગામડાંમાંથી નીકળતી યુવા વસતી ‘બાપના કૂવામાં ડૂબી મરવા’ રાજી નથી.

ગામડાંનું અપાકર્ષણ થવા માટે આર્થિક તેમ જ સામાજિક કારણો છે. આ કારણોને વ્યાપક ધોરણે નીચે મુજબ જોઈ શકાય :

૨.૧ વિકલ્પની શક્યતા : ગામડાંની તુલનાએ શહેરોમાં વધુ વિકલ્પો સાંપડતા હોય છે. શિક્ષણની અનેક પ્રકારની સંસ્થાઓ, અનેક પ્રકારના વ્યવસાયો અને અનેક પ્રકારના મનોરંજનનાં સાધનો શહેરોમાં હોય છે.

૨.૨ ગુમનામી અને ઓળખ : તુલસીદાસે કહ્યું હોવાનું કહેવાય છે,

‘તુલસી અપને બાપ કે ગાવ કભી મત જાના,
દાસ ગયો, તુલસી ગયો, રહા તુલસિયા નામ’ !

તુલસીદાસને પોતાના ગામમાં ‘સંત કવિ તુલસીદાસ’ કહેનારા ભાગ્યે જ કોઈ નીકળે. ગામમાં તો તેમની સાત પેઢીઓને ઓળખનારા બેઠા હોય અને કહે – ‘અરે, પેલો ફલાણા ફલાણાનો આપણો તુલસિયો હવે મોટો કવિ બની ગયો છે.’ ગામડાની આ અતિ નીકટતાની સામે શહેરની ‘ક્લબના સભ્યશ્રી’ની ઓળખમાં જે ગુમનામી છુપાઈ છે તે – ખાસ કરીને દલિત જેવી ઓળખમાંથી બચવામાં ઉપયોગી છે. પોતાની પરંપરિત અને જૂની ઓળખને ઓળંગી જઈએ એક નવી જ ઓળખ મેળવવામાં આ શહેરી વસવાટ ઘણો ઉપયોગી બને છે.[એચ.જી. વેલ્સની ‘મેયર અૉવ્ કાસ્ટરબ્રિજ’ નવલકથામાં આ ‘ઓળખ’ના મુદ્દાને સ્પર્શમાં આવ્યો છે.] ડૉ. બાબાસાહેબ આંબેડકરે પણ ‘શિક્ષિત બનો, સંગઠિત બનો’ની સાથે શહેરો તરફના સ્થળાંતરને પણ જરૂરી માન્યું હતું.

૨.૩ પારસ્પરિકતા : સાર્ત્રને પેરિસ વગર, માર્ક્સને લંડન (બ્રિટિશ લાઇબ્રેરી) વગર, હેબરમાસને ફ્રાન્કફુર્ત વગર કલ્પી શકાતા નથી. શહેરો વિકલ્પો પૂરા પાડવાની સાથે જ આવશ્યક વ્યાવસાયિકતા સાથેનું પારસ્પરિકતાનું એક વિશાળ ક્ષેત્ર પણ ખોલી આપે છે. ૧૮૫૭ પછી દેશમાં સ્થપાયેલી ત્રણ યુનિવર્સિટીઓ (મુંબઈ, મદ્રાસ અને કલકત્તા) પૈકી મુંબઈમાં ભણેલા કરસનદાસ મૂળજી, નર્મદ, મહીપતરામ રૂપરામ વગેરેએ સામાજિક સુધારના ક્ષેત્રે કરેલા પ્રદાનમાં આવી મ્યુચ્યુઆિલટી – પારસ્પારિકતાનો ફાળો પ્રચ્છન્ન સ્વરૂપે હતો તેમ જણાય છે. ગામડાંમાં ખેતી અને જમીન-પાણી-પ્રકાશ-આબોહવા સુધીનાં ક્ષેત્રોમાં સીમિત રહેતા વિચારોને અર્થકારણ, રાજ્યશાસ્ત્ર, ફિલસૂફી વગેરે જેવા – જ્ઞાનના ક્ષેત્રોમાં પ્રવેશવાનું શક્ય બને તે માટે આ પારસ્પરિકતા ઉપયોગી બને છે.

પર્યાવરણના અર્થશાસ્ત્રમાં પ્રયોજાતો એક વિચાર ‘એકસ્કર્સનાલિટી’ – બાહ્યતાનો છે. દા.ત. એક શિક્ષિત સ્ત્રી માત્ર નોકરી કરે કે કુટુંબને જાળવે તેટલું જ હોતું નથી. સ્ત્રીના શિક્ષણને કારણે સમગ્ર સમાજને લાભ થાય છે. શિક્ષણ માત્ર વ્યક્તિગત લાભ જ નથી આપતું તેની બાહ્યતાની ક્ષમતા ગામડાં કરતાં શહેરોમાં વધુ રહે છે. આથી વ્યક્તિ પોતાના વિકાસની સાથે સમગ્ર સમાજ ઉપર પણ અસર પાડી શકે છે.

૩.૦ શહેરીકરણ અને પડકારો :

ગાંધીજીએ ભારતને ‘ગામડાંઓનો દેશ’ કહ્યો અને ગ્રામ સ્વરાજ્યની જે સમજ વિકસાવી તે સ્વીકારીને સાવ છેવાડાનાં ગામો, લોકો અને વિસ્તારો વચ્ચે જઈને કામ કરનારા પણ કેટલાક લોકો છે. જુગતરામ દવે, ‘દર્શક’, અભય બંગ, બાબા આમટે, પ્રકાશ આમ્ટે કે નકસાલ વિસ્તારોમાં પણ કામ કરનારા હિમાંશુ અને વિનાયક સેન જેવા કેટલાંક નામો જરૂર જડી આવે. પણ આ બધા અપવાદો છે; નિયમ નથી. ‘હિંદ સ્વરાજ’ની દૃષ્ટિ (વિઝન) અનુસાર જીવનારા ગાંધીવાદીઓ પણ સદ્દનસીબ હોય તો દર્શને ચઢે ! આનો સીધો સાદો અર્થ જ એ છે કે સમગ્ર જગત હવે શહેરોમાં ઠલવાતું જવાનું છે. લોર્ડ બેડિંગ્ટન માને છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં આ પ્રવાહોને લીધે જગતમાં ‘સંપૂર્ણ સુનામી’ સર્જાશે. [લોર્ડ બેડિંગ્ટન ઇંગલૅન્ડના વડા પ્રધાનના પર્યાવરણીય બાબતોના સલાહકાર છે. તેમણે કરેલી આગાહી માટે જુઓ, રોહિત શુક્લ (2011), ‘ચોથા વાંદરાનું ચિંતન’, (પૃ. 43), યજ્ઞ પ્રકાશન, વડોદરા] હવેના દોઢેક દાયકામાં જગતની કુલ વસતીમાંથી લગભગ અડધોઅડધ વસતી શહેરોમાં રહેતી થઈ ગઈ હશે. જનમેદનીનો એક વિશાળ પ્રવાહ શહેરોમાં વસવા માટે નીકળી ચૂક્યો છે. શહેરીકરણના પડકારો આ વિશાળ જનસંખ્યા અને તેની ઝડપી નગર પ્રવેશની પ્રક્રિયા સાથે સંબંધિત છે.

૩.૧ શહેરી વસતી :

૨૦૧૧ની સેન્સસ ગણતરી અનુસાર દેશની કુલ વસતીનો લગભગ ત્રીજો ભાગ ૩૭.૭૨ કરોડ લોકો, લગભગ આઠેક હજાર શહેરોમાં વસે છે. આ શહેરોમાં દ્વિઘટીત ભારત – ડાયકોટોમી – ઠેર ઠેર નજરે ચઢે છે. મુંબઈમાં એક તરફ ‘ક્વીન્સ નેકલેસ’ છે તો બીજી તરફ ધારાવી પણ છે. દિલ્હીમાં પણ ડ્રેનેજની સગવડ વગરના હજારો મકાનો છે. પેય જળ, રસ્તા રહેઠાણનું ખુલ્લાપણું અને મોકળાશ, શુદ્ધ હવા, વાહન-વ્યવહાર, શિક્ષણ સંસ્થા સ્વાસ્થ્ય કેન્દ્ર, મેદાનો વગેરે બાબતો કોઈ પણ વસવાટ માટે આવશ્યક ગણાય. શહેરોમાં કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની વત્તીઓછી સગવડો હોય છે પણ મોટા ભાગના વિસ્તારોમાં આ સગવડો આજે પણ નથી. શહેરોની આ પરિસ્થિતિ માટે અત્યાર સુધીની સરકારોની નિષ્ક્રિયતા અને ઉદાસીનતા પણ જવાબદાર છે. અગિયારમી પંચવર્ષીય યોજનાથી જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશન હેઠળ કેટલીક યોજનાઓ શરૂ થઈ પરંતુ વસવાટ, આંતરમાળખાકીય સગવડો, ડ્રેનેજ, ઘન કચરાનો નિકાલ વગેરે જેવી અસંખ્ય જરૂરિયાતોની સામે સરકારી કામગીરી ઘણી ધીમી રહી. ૨૦૦૫-૧૪ દરમિયાન આ ક્ષેત્રે માત્ર રૂ. ૧૨૦૦ કરોડનું ખર્ચ થયું છે. વર્તમાન સરકારે પણ ‘૧૦૦ સ્માર્ટ શહેરો’નો વિચાર વહેતો મૂક્યો છે પરંતુ જૂનાં શહેરોના ઘણા વિસ્તારો પાણી, સંડાસ, મકાન વગેરે જેવા પાયાની સગવડો પણ ધરાવતાં નથી.

સેન્સસની માહિતી અનુસાર વર્ષ ૨૦૦૧માં, શહેરોમાં ખુલ્લામાં સંડાસ જનારાનું પ્રમાણ શહેરી વસતીના ૧૮ ટકા હતું. જે ૨૦૧૧માં ઘટીને ૧૨.૬ ટકા થયું. કેન્દ્ર સરકાર, ૨૦૧૯ સુધીમાં રૂ.૧.૩૨ લાખ કરોડ ખર્ચીને ગામડાંના તમામ ઘરોમાં સંડાસની સુવિધા કરી આપવા વિચારે છે, પરંતુ શહેરોની સમસ્યા પણ નાની સૂની નથી.

૩.૨ જળસંકટ : શહેરો વિસ્તરતાં જાય છે તેમ તેમ આજુબાજુનાં ગામો તેમાં સમાતાં જાય છે. આ ગામોના પોતાના તળાવો હતાં પણ તે શહેરી વસવાટ હેઠળ આવતાં જાય છે. હાલના અમદાવાદમાં જ આવી રીતે લગભગ ૨૦૦ તળાવડીઓ ગૂમ થઈ ગઈ છે. ૧૯૧૧ અને ૨૦૧૪ના લગભગ સો વર્ષના ગાળામાં ભારતે પોતાનાં તળાવોના લગભગ ૫૦ ટકા ગુમાવી દીધા છે. આનાં બે પરિણામો આવ્યાં છે. એક તરફ ભૂગર્ભ જળની પ્રાપ્યતા ઘટતી જાય છે તો બીજી તરફ ભારે વરસાદ થાય ત્યારે પાણીનો નિકાલ થઈ શકતો નથી. ૨૦૦૬માં ભારે વરસાદને કારણે ૨૨ શહેરોમાં પૂર આવેલા તો ૨૦૧૪માં તેની સંખ્યા વધીને ૩૫ થઈ.[સુનિતા નારાયણ તથા અન્ય, (સં.) (2015) ‘અ ડાઉન ટુ અર્થ એન્યુઅલ : સ્ટેટ અૉવ્ ઇન્ડિયાઝ એન્વારન્મેનટ, 2015,’ નવી દિલ્હી.]

બીજી તરફ વર્ષ ૨૦૨૫ સુધીમાં વધી ચૂકેલી વસતીને મળી શકે તેવા પેયજળનો જથ્થો સરાસરી ધોરણે પણ માંડ પહોંચી વળે તેટલો હશે, ૨૦૨૫ પછી પાણીનો જથ્થો ઓછો પડવા માંડશે. [2025 સુધીમાં ભારતની કુલ વસતી 134 કરોડ થશે અને પાણીના જથ્થાની માથાદીઠ પ્રાપ્યતા વાર્ષિક 1,394 ઘન મિટર થશે. 2025માં વસતી 164 કરોડ થશે અને પાણીની પ્રાપ્યતા 1,140 ઘન મિટર થશે. જુઓ, એજન.]

પાણીની સમસ્યા માત્ર પૂરતાપણાની જ નથી. ઉદ્યોગોના કારણે તેમ જ અન્ય કારણોસર પણ પેયજળમાં રાસાયણિક સહિતની વિવિધ અશુદ્ધિઓનું મોટું પ્રમાણ, ખાસ કરીને શહેરોમાં જોવા મળે છે.

૩.૩ શહેરો અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓ :

શહેરો વિકસે તેમ ઝૂંપડપટ્ટીઓમાં પણ વધારો થતો જાય છે. ગીચ વસવાટ અને ગંદકીને કારણે સ્વાસ્થ્યની સગવડો ભારે તાણ હેઠળ આવતી જાય છે. તાજેતરમાં જ વિદાય લઈ રહેલો ‘સ્વાઇન ફલ્યુ’ અને ઉત્તર પ્રદેશમાં શરૂ થયેલો ‘બર્ડ ફલ્યુ’ અને જાપાની ફલુ આનાં ઉદાહરણો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વ્યક્ત કરેલી ચેતવણી અનુસાર, એન્ટિ બાયોટિક દવાઓની અસરકારકતા ઘટતી જાય છે અને તેથી સંક્રમણને કારણે થનારા મૃત્યુનું પ્રમાણ પણ વધતું જાય છે.

પણ વિસ્તરતાં શહેરીકરણને કારણે એક અન્ય સમસ્યા પણ ઊભી થઈ છે. ૨૦૧૪ના પાછલા મહિનાઓમાં  પશ્ચિમ આફ્રિકામાં ‘ઈબોલા’નો રોગચાળો ફેલાયો. આ રોગના અન્ય કારણોની સાથે એક કારણ જંગલોમાં વિનાશનું પણ હતું. જંગલો નાશ પામવાથી માત્ર હાથી, વાઘ, ગેંડા કે હરણનો જ નાશ નથી થતો, તેની સાથે સંકળાયેલી સજીવ સૃષ્ટિની શૃંખલા પણ વિચ્છેિદત બને છે અને એવા રોગો ફેલાવા માંડે છે કે જે હજુ સુધી માનવ સંજ્ઞાનની બહાર હોય. વળી શહેરો હેઠળ આવતી જતી જમીનોના કારણે જંગલો કપાતાં જાય છે. ગામના ગોચરો પણ ઉદ્યોગોની માલિકીના બનતા જાય છે. આ બંનેને કારણે એક તરફ ‘ઈબોલા’ જેવા રોગચાળા ફેલાતા જાય છે બીજી તરફ દેશનું પશુધન પણ નાશ પામતું જાય છે. [રોહિત શુક્લ, ‘2013’ ‘ચિંતનનો ચબૂતરો’, પૃ. (૪), યજ્ઞ પ્રકાશન, વડોદરા.]

૩.૪ ઘન કચરો :

શહેરોમાંથી ઉત્પન્ન થતા ઘન કરચાના નિકાલની વ્યવસ્થા ખામી ભરી છે. આથી ભારતમાં લગભગ તમામ મહાનગરોમાં આ સમસ્યા વિકટ બનતી ચાલી છે. ખરેખર તો આ સમસ્યા વિશ્વભરમાં શહેરીકરણની સાથે જોડાયેલી છે. ઇટાલીના નેપલ્સ શહેરમાં ૨૦૧૧માં ‘રબિશ રાયટ્સ’ ઉકરડા યુદ્ધ થયા હતા. [જુઓ, રોહિત શુક્લ, (2013) ‘ચિંતનનો ચબૂતરો’, યજ્ઞ પ્રકાશન, વડોદરા]. ભારતમાં કેન્દ્ર સરકારના પર્યાવરણ અને વનમંત્રાલયે છેક હમણાં, ઈ.સ. ૨૦૦૨માં – મ્યુિનસિપલ સોલિડ વેસ્ટ (મેનેજમેન્ટ એન્ડ હેન્ડલિંગ) રૂલ્સ બનાવ્યા. જો કે તેના અમલમાં પુષ્કળ મર્યાદાઓ છે. ૨૦૧૪થી સરકારે ‘સ્વચ્છતા અભિયાન’ શરૂ તો કર્યું છે પણ ઘર, શેરીઓ કે ગામોને સ્વચ્છ કરીને તે કચરો ક્યાં નાંખવો અને તેનો યોગ્ય નિકાલ કેવી રીતે કરવો તે કામ હજુ વિચારવાનું બાકી છે. ઘણાં શહેરોમાં તેને કારણે કોર્ટ કેસ પણ થયા છે. [એજન (2015)]

• શ્રીનગર, સોલન, ચંદીગઢ, દિલ્હી, પટણા, જમશેદપુર, મુંબઈ, ચેન્નાઈ, બેંગાલુરુ, શિલોંગ, ભોપાલ અને કોચીમાં હાઈકોર્ટોએ મ્યુિનસિપલ તંત્રોને યોગ્ય કામગીરીની તાકીદ કરવી પડી છે.

• સપ્ટેમ્બર ૨૦૧૪માં શ્રીનગરમાં પૂરના કારણે ભારે નુકસાન થયું. એ માટે ઠેરઠેર જળમાર્ગોને અવરોધતો કચરો પણ જવાબદાર હતો. [માર્ચ, 2015માં પણ કાશ્મીર ઘાટીમાં પૂરે તબાહી મચાવી છે. કુદરતી જળમાર્ગો અવરોધાયા છે, તેનું આ પરિણામ છે.]

• દેશમાં ફેંકાતા આવા કચરાના માત્ર ૭૦ ટકાને જ એકઠો કરાય છે અને માત્ર ૧૨ ટકાની જ શુદ્ધિ (ટ્રીટમેન્ટ) થઈ શકે છે.

• સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બૉર્ડના અંદાજ મુજબ વર્ષ ૨૦૧૧-૧૨માં ભારતમાં રોજનો ૧૨.૭ કરોડ કિલો ગ્રામ કચરો નીકળતો હતો.

કચરાના જથ્થાને જીવન ધોરણ અને શહેરીકરણ સાથે તેમ જ વપરાશની પદ્ધતિ સાથે નિકટનો સંબંધ છે. ભારતમાં આ ત્રણે બાબતોથી નકારાત્મક અસરો પડી રહી છે.

૪.૦ સ્માર્ટ શહેરો :

૨૦૧૪થી સત્તા ઉપર આપેલી કેન્દ્ર સરકારે શહેરીકરણની બાબતમાં ‘સ્માર્ટ સિટીઝ’ બનાવવાનો કાર્યક્રમ વિચાર્યો છે. હાલના આડેધડ ફાલેલા મેદસ્વી નગરોને સ્થાને આ મેધાવી નગરો તેના રહેવાસીઓ માટે ઉત્તમ રહેઠાણોની ચિત્તાકર્ષક કલ્પના ધરાવે છે. અલબત્ત નવી સરકાર સત્તા સંભાળ્યે હજુ ખાસ સમય વીત્યો નથી તેથી આ યોજનાનો પરિચય અને તેના આધારે સંભવિતતાથી વિશેષ કશું ભાગ્યે જ વિચારી શકાય. ભારતમાં વધતી જતી વસતી અને વિસ્તરતા જતા મધ્યમ વર્ગને કારણે શહેરીકરણ અનિવાર્ય બન્યું છે. વર્ષ ૨૦૦૧ અને ૨૦૧૧ વચ્ચે દેશમાં ૨,૭૭૪ નવાં નગરો ઉમેરાયાં છે. તેથી આડેધડ વિસ્તરતાં શહેરોને બદલે આધુનિક સગવડો-સુવિધાઓ સાથેનાં નગરો કે શહેરો જરૂરી જ ગણાય.

પણ આ સંદર્ભમાં સૌથી પ્રથમ મુશ્કેલી એ છે કે સરકારે હજુ સુધી મેધાવીનગરની કોઈ વ્યાખ્યા, લક્ષણ નક્કી કર્યા નથી. વળી આ નગરો કોઈક નવી જ જગ્યાએ, (લ્હવાસાની જેમ) કોઈક એકસ્લૂિઝવ વસવાટ તરીકે વિકસશે કે જૂનાં શહેરોના કોઈક વિસ્તારો ઉપર મેધાનો પૂટ ચઢાવાશે તે પણ સ્પષ્ટ નથી.

આમ, આ કામ દા.ત. જૂના અમદાવાદ વિસ્તારનાં મકાનોને પાડી નાંખી સર્વત્ર ઊંચા દસ-બાર કે વીસ-પચીસ માળના મકાનો બાંધીને પણ થઈ શકે. અલબત્ત, તેથી અમદાવાદ ‘સ્માર્ટ’ થશે કે કેમ તે વિચારવું રહ્યું.

સ્માર્ટ શહેર બાબતે સ્પષ્ટ વ્યાખ્યા ન હોવા છતાં તેની કેટલીક બાબતો વિશે ઉલ્લેખો થતા રહે છે. તેમાં :

• ઈ-ગર્વર્નન્સ હશે.

• વીજળી અને પાણી જેવી સવલતો અનવરત મળશે.

• બ્રોડ-બેન્ડની જોડાણ વ્યવસ્થા હશે.

• ઝડપી પરિવહન સેવા હશે.

અલબત્ત, આ ચારે ય મુદ્દા જૂના કોઈ પણ નગર કે શહેરને ઝડપથી લાગુ પાડી દઈ શકાય પણ તેથી નવી અને ઝડપથી વધતી જતી શહેરી વસતીના વસવાટનો પ્રશ્ન ઉકલતો નથી.

આવા મેધાવી નગરોનો વિચાર સમગ્ર વિશ્વમાં ઠીક ઠીક ફેલાયો છે. યુ.એ.ઈ.ના મઝદર શહેરનો દાખલો આ બાબતે મહત્ત્વનો છે. આ શહેર સમગ્ર વિશ્વનું સૌ પ્રથમ સ્માર્ટ શહેર હોવાનો વિક્રમ ધરાવે છે. આમ તો ૨૦૧૫ સુધીમાં તે પૂર્ણ થઈ જવાનું હતું, પરંતુ અનેક કારણોસર તેની તારીખો લંબાતી રહી છે. હવે ૨૦૨૫ સુધીમાં તે પૂરું થશે તેવી ધારણા છે. આ મેધાવી નગર બનાવવાનો ખર્ચ ૨૨ બિલિયન (અબજ) યુ.એસ. ડૉલર્સનો અંદાજાયો છે. અને તેમાં ૫૦,૦૦૦ લોકો વસી શકશે. હવે જો ભારતે પોતાના હાલના ૩૮ કરોડ લોકો માટે મઝદર જેવા મેધાવી નગરો બનાવવા હોય તો કેટલી રકમ જોઈશે ? આ રકમ લગભગ ૮૩,૬૦,૦૦૦ કરોડ યુ.એસ. ડૉલર્સ જેટલી થશે. જો કે હજુ આવનારાં ૧૫-૨૦ વર્ષોમાં અન્ય ૩૦ કરોડ લોકો પણ શહેરોમાં આવશે. તે હિસાબે આ સ્વપ્ન સિદ્ધ કરવા વાસ્તે કોઈક અદ્દભુત ચમત્કારનો આશરો લેવો રહ્યો.

અલબત્ત, સામે પક્ષે એક અન્ય વિચાર પણ કરવો રહ્યો. જો મઝદર શહેર બાવીસ અબજ ડૉલરના ખર્ચે બનતું હોય, તો તેમાં વસનારા પેલા ૫૦,૦૦૦ લોકોની આર્થિક ક્ષમતા કેટલી હશે ? ૫૦,૦૦૦ લોકો વસવાટની જે કિંમત ચૂકવી શકે તે જ કિંમત ભારતના લગભગ ૬૭ કરોડ લોકો ચૂકવી શકશે ?

૪.૧ સ્માર્ટ શહેરો અને પર્યાવરણ :

એવી એક સામાન્ય છાપ પ્રવર્તે છે કે પર્યાવરણનું નુકસાન માત્ર ઉદ્યોગોને કારણે થાય છે અને ઉદ્યોગ મુક્ત વિસ્તારોમાં વસવાથી તેનાં દુષ્પરિણામોથી રાહત મળશે. પરંતુ માનવ વસવાટનું પ્રત્યેક ઘર પોતે પણ પર્યાવરણને નુકસાન કરે તેવા પ્રદૂષણો પેદા કરે જ છે. ઘન કચરો તેનું એક ઉદાહરણ ગણાય.

તાજેતરમાં બેંગાલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સિઝના સેન્ટર ફોર ઇકોલોજિકલ સાયન્સિઝનો એક અભ્યાસ ગૃહસ્થીઓના હરિત વાયુ પ્રદૂષણ (ગ્રીન હાઉસ ગેસીસ) વિષે મહત્ત્વનાં તારણો રજૂ કરે છે. [જુઓ, ટાઇમ્સ અૉવ્ ઇન્ડિયા, ઇન્ટરનેટ એડિશન, તા. 23 માર્ચ 2015].

૨૦૦૯-૧૦માં હાથ ધરાએલો પ્રસ્તુત અભ્યાસ ભારતના સાત મહાનગરોને આવરી લે છે. આ અભ્યાસ જણાવે છે કે ખરેખર તો આ હરિત વાયુ પ્રદૂષણમાં ગૃહક્ષેત્ર સૌથી વધુ પ્રદૂષકો પૈકીનું એક છે. આ અભ્યાસના તારણ મુજબ :

• દિલ્હીમાં દર વર્ષે ૩.૯ કરોડ ઘન મેટ્રિક ટન ગેસ ફેંકાય છે.

• અમદાવાદમાં તે સૌથી ઓછો ૯૦ લાખ ઘન મેટ્રિક ટન છે.

આ ગેસ રસોઈ, વીજળી અને ઉપકરણોનો ઉપયોગ, વાહન-વ્યવહાર, વિવિધ પ્રકારના કચરા વગેરેમાંથી પેદા થાય છે.

હવે સવાલ એ છે કે પેલા મેધાવી નગરોમાં પણ માણસો હશે જે રસોઈ બનાવશે, વીજળી વાપરશે અને પરિવહન સેવાઓનો ઉપયોગ પણ કરશે ત્યાં પણ આ હરિત વાયુ પ્રદૂષણો તો સર્જાશે જ ને ! [એપ્રિલ 2015માં નક્કી કરાયા મુજબ હવેથી ભારતના વિવિધ શહેરોની હવાના પ્રદૂષણની વિગતો પણ બહાર પડાશે. આ સમયે થયેલી રજૂઆત અનુસાર દુનિયાના સૌથી પ્રદૂષિત 20 શહેરો પૈકી 12 ભારતનાં છે.]

૪.૨  ગામડાં ભાંગે અને શહેરો વસે તે પ્રક્રિયામાં જમીન, જાનવર, જળ, જંગલ, વાયુ વગેરે કુદરતી કે અન્ય પરિબળો ઉપર ભારે દબાણ ઊભું થાય છે. દા.ત. ઉદ્યોગ કે શહેરના કારણે ખેતી કે જંગલની જમીનનો ઉપયોગ બદલાય ત્યારે સમગ્ર માનવ જીવનમાં સંસ્કૃિતગત ફેરફારો આવે છે. ૨૦૦૭-૧૨ના પાંચ જ વર્ષના ગાળામાં ચોપગાંની સંખ્યામાં થયેલા ઘટાડાના આંકડા આ પ્રમાણે છે. [એજન] 

પશુની જાત             ટકાવારી ઘટાડો

દૂધાળા ઢોર                ૩.૮

ઘેટાં                        ૯.૧

ભૂંડ                        ૭.૫

ઊંટ                        ૩.૩

જમીન, ગામ, ખેતર અને ગોચરને વિસ્તરતાં કે વિકસતાં શહેરો ગળી જાય ત્યારે પશુપાલક, ખેતમજૂર, ગ્રામ-વ્યાવસાયિકો વગેરેનો આધાર જ તૂટી જાય છે. જ્યારે પણ નવી રોજગારીના સર્જનની વાત થાય ત્યારે આવી રોજગારીમાં કેટલો ઘટાડો થયો તે વિશે પણ વિચારવું જોઈએ.

૪.૩ વહીવટ અને નીતિગત સંદિગ્ધતાઓ :

ગામડાંથી શહેરો તરફની આ ગતિની સામે બીજો મોટો પડકાર દેશના વહીવટ અને નીતિઓનાં કારણે ઊભો થાય છે. સરકારોએ શહેરો માટે યોગ્ય ભૂમિકાઓથી સુસ્પષ્ટ વિચારો કર્યા નથી. નીતિના અભાવે વહીવટની બિનઅસરકારકતા પણ વધે છે. તેમાં ભ્રષ્ટાચાર અને વિલંબને ઉમેરીએ. છેવટે નાણાંની અછતને લક્ષમાં લઈએ. આ તમામ પરિબળોને એકત્રિત કરીએ તો જે સંપુટ બને છે તે કાંઈ આશા જન્માવે તેમ નથી.

૫.૦ સમાપન :

શહેરોનો વસવાટ એક આકર્ષણ પેદા કરે છે. તેની ઉપયોગિતા પણ છે. ગામડાનાં ‘પુશ ફેક્ટર્સ’ અને શહેરોના ‘પુલ ફેક્ટર્સને’ પરિણામે ગામડાં તૂટીને શહેરો બનતાં જ જાય છે. ગાંધીજીના ‘હિંદ સ્વરાજ’ કે ‘મારા સ્વપ્નના ભારત’ સાથે હવેના વિશ્વમાં કોઈને ખાસ દિલચશ્પી રહી નથી.

વસતીમાં થતો વધારો પણ આ સમસ્યાને વધુ વકરાવે છે. દેશના ૬૭ કરોડ લોકો – કદાચ ૨૦૨૫ કે ૨૦૩૦ની કુલ વસતીનો અડધોઅડધ ભાગ શહેરોમાં વસશે તેથી જે સમસ્યાઓ સર્જાશે તે કલ્પવી મુશ્કેલ છે. છતાં થોડોક વિચાર કરીએ :

• ઉદ્યોગો, શહેરો તથા આંતર્ માળખાકીય સગવડો વિકસાવવાના હેતુથી ઘણી બધી ખેતીલાયક જમીનોનું અધિગ્રહણ થઈ ચૂક્યું હશે, તેથી તમામ ખેતપેદાશોની તીવ્ર અછત અનુભવાશે.

• જંગલ અને ચરિયાણ જેવી ગામની સામૂહિક સંપત્તિ (કોમન પ્રોપર્ટી રિસોર્સ) ઉપલબ્ધ ન રહેતા દૂધ અને તેની પેદાશો જંગલની ગૌણ પેદાશો, તથા તદ્આધારિત વ્યવસાયો નાશ પામશે.

• પ્રદૂષણ ખૂબ વ્યાપક બનશે વળી નવા રોગ અને તેની સંક્રામકતા સામે એન્ટિબાયોટિક દવાઓની અસરકારકતા ઘટશે.

આ પ્રકારની અન્ય અનેક સમસ્યાઓ વિશે વિચાર કરવાનો થશે. ભારત અત્યારે એક તરફ ડેમોગ્રાફિક ડિવિડંડને અંકે કરવા ચાહે છે પરંતુ બીજી તરફ ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘મેન્યુફેક્ચરિંગ હબ’ બનવા વાસ્તે ભૂમિ અધિગ્રહણના મુદ્દાને સર્વસમાવેશી ઢબે ઉકેલી શકતું નથી. આથી ઊભી થતી ચિંતા એ બાબતે છે કે દેશ ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ને બદલે ક્યાંક ‘ડેમોગ્રાફિક ડિઝાસ્ટર’નો ભોગ બની ન બેસે.

શહેરીકરણની સમસ્યા હાલના ભારતની આ પ્રકારની તમામ સમસ્યાઓ વિશે તત્પરતાથી વિચારવા પ્રેરે છે. આર્થિક વૃદ્ધિ, સામાજિક – આર્થિક વિકાસ, સાંસ્કૃિતક પરિવર્તન અને ઝડપથી બદલાતા જીવનની એક ઝલક આ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે.

આ સમસ્યા ખરેખર તો રાજકારણી ક્ષેત્રે પણ વધુ ને વધુ મુશ્કેલ બને તેમ છે. વળી, સ્થળાંતર, વૈશ્વિકીકરણ અને શહેરીકરણના પ્રવાહો પણ સંકળાયેલા છે. આ ઘટના માત્ર ભારતની નથી બલકે વૈશ્વિક છે. [જુઓ, રોહિત શુક્લ, ઉ.ક. (2011)]. આ વૈશ્વિક સંદર્ભમાં જ્યોર્જિયો આગમબેન કેટલાક અતિ મહત્ત્વના વિચારો રજૂ કરે છે. [આદમબેન, જ્યોર્જિયો (2005), ‘સ્ટેટ અૉફ એક્સેપ્શન’ અનુવાદક કેવિન એટ્ટલ, યુનિવર્સિટી અૉફ શિકાગો પ્રેસ, શિકાગો અને લંડન]. શહેરીકરણ અને રાજકીય પ્રવાહોના સંદર્ભમાં તેનું વિશેષ મહત્ત્વ છે.

આ વિચારો મુજબ, સત્તામાં ટકી રહેવા મથતાં રાજ્યોને પોતાના કથિત ઉદ્દેશો સિદ્ધ કરવામાં પ્રવર્તમાન કાનૂન વ્યવસ્થા અડચણરૂપ લાગે છે. આથી ‘કાયદા વડે જ કાયદાનો નિષેધ’ થવા લાગે છે. ભારતમાં બંધારણીય જોગવાઈ અનુસાર જ કટોકટી લદાય તેને આદમબેનની પરિભાષામાં ‘એક્સેપ્શન’ કહેવામાં આવે છે. અમેરિકન તંત્રે પણ લોકશાહી માટે ઈરાક કે અફઘાનિસ્તાન ઉપર હુમલા કર્યા. ક્યુબા પાસેના ‘ગ્યુન્ટેનનામો બે’ ખાતે ‘આંતકવાદીઓ’ને પકડીને લઈ જવાયા અને તેમને કાયદાનું કોઈ જ રક્ષણ અપાયું નહીં. આમ લોકશાહીનો પ્રભાવ વધારવા વાસ્તે થઈને લોકશાહીનો જ ભોગ લેવાયો.

આ ઇંગિતો સૂચવે છે કે શહેરીકરણને કારણે ઊભા થનારા સંઘર્ષો અને તનાવોને પણ ભારત જેવા દેશોના સંદર્ભોમાં ‘મિસા-પાસા’ વગેરે દ્વારા પહોંચી વળવાનો પ્રયાસ રાજ્ય કરી પણ શકે. આવા પ્રયાસો વ્યક્તિ સ્વાતંત્ર્ય, માનવ અધિકારો, અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય વગેરે જેવી લોકશાહી વ્યવસ્થા માટે અતિ આવશ્યક પદ્ધતિઓની સામેનો જબરદસ્ત કઠુરાઘાત સર્જી શકે તેમ છે. આ એક અતિ વ્યાપક અને પરોક્ષ સંભવિતતા છે પરંતુ તેને નકારી શકાતી નથી.

આમ શહેરીકરણ પર્યાવરણીય સાંસ્કૃિતક, આર્થિક તેમ જ રાજકીય પરિણામો ધરાવતી એક સંકુલ ઘટના બની રહે છે.

e.mail  : shuklaswayam345@gmail.com

(ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટના ઉપક્રમે ‘ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-દીપક વ્યાખ્યાન’ શ્રેણી અંતર્ગત તારીખ 25 માર્ચ 2015ના રોજ રજૂ કરેલું વ્યાખ્યાન)

Loading

જો ભણેલા હશો તો અમેરિકામાં સુખી થશો. અને નહીં હો તો પૈસાવાળા થશો.

હરનિશ જાની|Opinion - Opinion|9 May 2015

હું મજાકમાં, કાયમ કહું છું કે "તમે જો ભણેલા હશો તો અમેરિકામાં સુખી થશો. અને નહીં હો તો પૈસાવાળા થશો." વાત સાવ સીધી છે. તમે એન્જીિનયર હો કે ડોક્ટર હો, અમેરિકામાં નોકરી તો મળી રહે. આજે નહીં તો કાલે. અને તમારી પાસે કોઈ પણ જાતની ડિગ્રી બિગ્રી ના હોય, તો તમારા માટે અમેરિકામાં કમાવાના ઢગલાબંધ રસ્તા છે. જાત જાતના ધંધા કરી શકાય. સ્કાય ઈઝ ધ લિમીટ. તમે માનશો, એક ગુજરાતી બંદો વર્લ્ડ ટ્રેડ સેન્ટરના લોખંડનો ભંગાર ખરીદીને ભારતમાં અને ચીનમાં વેચે છે. નોકરીમાં તો રોજ એકના એક લોકો જોડે તમારે વ્યવહાર કરવાનો હોય. એટલે તેમના સ્વભાવથી ટેવાઈ જવાય. હવે ધંધો કરવાનો હોય એટલે તમારે નવા નવા  અમેરિકન  જોડે સંપર્કમાં આવવું પડે. અને આ લોકોમાં જાત જાતના સ્વભાવવાળા  હોય. એમાં જ જોખમ વધારે હોઈ શકે. નવા આવનારા દરેક ઇમિગ્રંટસે ભય સ્થાનો સમજવા પડે. રાતની નોકરીઓથી દૂર રહેવું જોઈએ. ધંધામાં બે વસ્તુ છે. તમે પોતાનો ધંધો કરો છો કે કોઈ ધંધાવાળાને ત્યાં નોકરી કરો છો. હવે તેવા ધંધામાં. લિકર સ્ટોર, સેવન–ઈલેવન સ્ટોર (ફૂડ–મિલ્કનો સ્ટોર જે આખી રાત ખુલ્લા રહે છે.) પેટ્રોલ પંપ. જે મોડી રાત સુધી ખુલ્લા હોય. અને મોટેલો પણ ૨૪ કલાક ખુલ્લી રહે.

થોડા વખત ઉપર એક ગુજરાતી યુવાનનું ન્યૂ જર્સીના એક લિકર સ્ટોરમાં ખૂન થયું. તે કૅસ રજિસ્ટર પર બેસતો હતો. આ બનાવ પર કોમેન્ટ કરવી છે. આ બનાવ પહેલો નથી અને છેલ્લો પણ નહીં હોય. ત્યાર પછી અમેરિકામાં બીજા સો ખૂન થઈ ગયા હશે. આ તો અમેરિકાનું કલ્ચર છે. સ્વભાવ છે. પત્નીને પતિ પર ગુસ્સો થાય તો ય ગોળી મારી દે છે. (ફરીથી વાંચો, પત્ની પતિને પતાવી દે.)

આ દેશનો પાયો જ ખૂનામરકીનો છે. યુરોપની ગોરી પ્રજા આ નવા પ્રદેશમાં આવી તો પહેલું કામ એ કર્યું કે અહીંના મૂળ રહેવાસીઓનું – રેડ ઇન્ડિયનોને જડમૂળથી નિકંદન કાઢવાનું. અને ત્યાર પછી અઢારમી સદીમાં અને ઓગણીસમી સદીમાં બંદૂક એ કાયદાનું પ્રતિક થઈ ગયું. જેની લાઠી તેની ભેંસ. કોઈ પણ ઝગડાનો નિવેડો પળવારમાં બંધૂકથી લાવી દેવાતો. આજની મિનિટે ૪૭ ટકા લોકો પાસે ગન છે. કોને ખબર આપણા ઇન્ડિયનો પાસે પણ હોઈ શકે. આ નવપરણિત ગુજરાતી યુવાન, આ લિકર સ્ટોર કે જ્યાં વ્હિસ્કી, વાઈન, રમ, બિયર મળે, તે સ્ટોરમાં કામ કરતો હતો. અમેરિકામાં લિકરનો ધંધો એટલે કૅસનો ધંધો. ક્રેડિટ કાર્ડ કે ચેક ન ચાલે. ત્યાં ફક્ત કૅસ આપો તો જ દારુની બોટલ મળે એટલે આવા સ્ટોરને લૂંટતા ફાવે. ખાસ કરીને ડ્રગ્ઝની લતવાળા લોકોની નજર આવા સ્ટોર પર પહેલી પડે. તેમાં આવી લૂંટફાટમાં કાળા લોકોનું પ્રમાણ વધારે હોય છે. અને સૌથી વધારે એ લોકો જ ઘરાક બનતા હોય છે. અમારે ત્યાં સામાન્ય રીતે કહેવાય કે લિકર સ્ટોર એટલે ગોલ્ડ માઈન. સાંજ પડે ઘેર કૅસ લઈને જવાનું. એટલે કેટલા ય સ્ટોર-કીપર સ્ટોર બંધ કરતી વખતે લૂંટાય છે. અમેરિકનો વિવેકી તો એટલા કે રવિવારે હોલી ડે (પવિત્ર દિવસ ) ગણાય એટલે તે દિવસે લિકર ન વેચે. ઈલેક્સન ડે પર લિકર ન વેચાય. નહીં તો કોઈ ખોટાને વોટ આપી દેવાય. જો કે એ કામ હવે પીધા વિના થાય છે. મારા ત્રણ ખાસ મિત્રોના લિકર સ્ટોર્સ હતા. તે ત્રણે જૈન છે. પોતે ના પીએ પણ પોતાને પૈસા મળતા હોય તો બીજાને પીતા ન રોકે એ વાણિયો. ત્રણે સ્માર્ટ છે. હવે તે વેચી દીધા છે. અને ઢગલો પૈસા ભેગા કર્યા છે. તે પોતે સ્ટોરમાં નહોતા બેસતા. તેઓ લિકર સ્ટોર્સના પ્રોબ્લેમ્સ જાણતા હતા. સ્ટોર ચલાવવા બીજા માણસો રાખ્યા હતા.

હવે વાત એમ છે કે જો માણસ રાખે તો માણસો વેચાણના પૈસા રજિસ્ટરમાં મૂકે એવું કાંઈ નહીં. એટલે એ લોકો બોટલ વેચીને પૈસા ગજવામાં મૂકે. પરંતુ પાછલા વરસોમાં કમ્પ્યુટરનો ઉપયોગ વધ્યો, સાથે સાથે ઈન્વેન્ટરી પર બરાબર કાબૂ રહેવા લાગ્યો. આ માણસો ત્યાં તમારો સ્ટોર ચલાવે એટલે એ બિચારા જોખમમાં. એ રોકડ રકમ પર બેસે. અને એને લૂંટવા આવનારા પાસે ગન હોય કે મોટો ચાકુ હોય અને બે ત્રણ જણ પણ હોઈ શકે.

આ વાત કરવાનો અર્થ એ નહીં કે અહીં દરેક લિકર સ્ટોરમાં લૂંટફાટ જ ચાલતી હોય છે. એનો અર્થ એટલો જ કે આ લિકર સ્ટોર લૂંટાવાની શક્યતા વધારે. તેમાં પણ મોડી રાત સુધી સ્ટોર ખુલ્લો હોય તો તે પહેલો લૂંટાય. હવે કોઈ લોભીઓ ઇન્ડિયન માલિક હોય તો તે જાતે ન ઊભો રહે પણ બીજા કોઈ નવા આવેલા ઇમિગ્રંટને ઓછા પૈસે નોકરી આપી અને વધારે સમય સ્ટોર ખુલ્લો રાખી, પેલા પાસે વધુ કામ કરાવે. (દેવયાની ખોબ્રાગડે અને એની મેઈડનો દાખલો તો યાદ હશે જ.)

પેલા બિચારાને આ જોખમની જાણ તો હોય જ, છતાં ન છૂટકે એ નોકરી કરે; રાતની નોકરી પણ. લૂંટફાટમાં પેલો નવો ઇમિગ્રંટ મરે. સામાન્ય રીતે આ લિકરવાળા આવી પ્રેકટિસ કરતા હોય છે. પેલા બિચારા નવા આવનાર પૈસા માટે કોઈ પણ નોકરી લેવા તૈયાર હોય છે. એમને નોકરી દેખાય છે. પણ એ નોકરીનું મોટું જોખમ નથી દેખાતું.

અને અમેરિકાનું બીજું કલ્ચર છે આલ્કોહોલનું. અમેરિકામાં અમેરિકનો કોઈ પણ જાતની ઉજવણી આલ્કોહોલથી કરે છે. ન્યૂ યર, કે કોઈ પણ જાતની એનિવર્સરી, બર્થ ડે, વેડિંગમાં તો કેટલી ય બોટલો જોઈએ. અને ન્યૂ યરમાં તો વેચાણમાં આખા વરસનું કમાઈ લેવાય.

આવો બીજો ધંધો છે મોટેલનો. જે પટેલભાઈઓ ભણેલા હતા તેમણે મોટી મોટી નોકરીઓ લઈ લીધી અને સગાં સંબંધીઓ આવ્યાં તેમને મોટેલોમાં ગોઠવી દીધાં. હવે આ મોટેલોનો બિઝનેસ પટેલોએ ખૂબ જ ટ્રીકથી લેવા માંડ્યો. આ ઓપન સિક્રેટ હતું. આ મહેનતુ અને સંપીલી કોમે એકમેકને મદદ કરીને લાભ લેવા માંડ્યો. મોટેલની રૂમો જાતે સાફ કરે અને ચાદરો જાતે ધૂએ અને પૈસા બચાવે. એમને ખબર પડી ગઈ કે આ મોટેલમાં તો લોકો એકાદ રાત માટે ટૂંક સમય માટે જ આવતા હોય છે. એટલે એનો પણ લાભ લેવા માંડ્યો. કોઈક વાર એકનો એક રૂમ એક રાતમાં બે વાર પણ ભાડે આપી દે. આજે અમેરિકાની મોટા ભાગની મોટેલોના માલિકો મીલિયોનર પટેલભાઈઓ જ છે. હા, અહીં પણ લૂંટફાટના બનાવો બને છે. એટલે મોટા ભાગના પટેલ બિઝનેસમેન હવે ફાઈવ સ્ટાર હોટલો જ ખરીદીને ચલાવે છે. અમે, બામણભાઈએ – મેં અને મારા ભાઈએ સ્ટેશનરી અને વેરાયટી (કપડાં લત્તા, મેગેઝિનો ગ્રિટીંગ્સ કાર્ડસ) સ્ટોર ખરીદ્યો. પણ મૂળ બામણભાઈ એટલે સ્ટોર પાંચ વાગે બંધ કરી દેતા હતા. અમે એ ભૂલી ગયા કે અમે બેંક નથી. બેંકના ટાઈમે બેંકો જ બિઝનેસ કરે. વેરાયટી સ્ટોર નહીં. કહેવાની જરૂર ખરી કે એ સ્ટોરનું શું થયું?

પેટ્રોલ પંપવાળા તો બિચારા બે રીતે રિબાય. એક તો પૈસા ઓછા મળે. એમને લૂંટવાવાળા તો પોતાની કારમાં બેઠાં બેઠાં લૂંટે. અને બીજું વેધરથી પણ રિબાય. વરસાદ પડતો હોય. ઝીરો ડિગ્રી ટેમ્પરેચર પણ હોઈ શકે કે ૪૦ ડિગ્રી સેટી. પણ હોઈ શકે. અમારા ન્યૂ જર્સીમાં સૌથી વધારે પેટ્રોલ પંપ સરદારજીના છે.

હું તો જ્યારે જ્યારે પેટ્રોલ લેવા જઉં તો, કાર ઊભી રાખી "સત્ શ્રી અકાલ"નો ઘોષનાદ કરું. આ સરદારો જ આવી ઠંડી કે ગરમીમાં બહાર ઊભેલા મળે. અમેરિકામાં મેં એ જોયું છે કે જે નવી ઇમિગ્રંટ પ્રજાને મેઈન સ્ટ્રીમમાં જલદી સ્થાન નથી મળતું, તે આગળ આવે છે. એમને જલદી નોકરીઓ ન મળે એટલે જીવન નભાવવા ધંધો કરવો પડે. અને યોગ્ય રીતે ધંધો કરનારને હમેશાં લક્ષ્મી અને કીર્તિ વરે છે.

તમે ધ્યાનથી જોશો તો જગતમાં જ્યુઈશ લોકો ધંધામાં રોકાયલા હોય છે. તેમાં પણ કહેવાય છે કે અમેરિકા તો તેમણે કબજે કરી લીધું છે. અને તેમના બાળકો ડોક્ટર અને સાયન્ટીસ્ટ બને છે. અને હા. મોટા ભાગના બેંકિંગમાં છે. અને  બ્રોકરેજ કંપનીઓ એમના બાપની નહીં પણ એમના છોકરાઓની હોય છે. ૧૮૬૫ના સિવીલ વોર પછી યુરોપમાંથી જ્યુઈશ લોકો અમેરિકામાં આવવા માંડ્યા. તેઓ અમેરિકન પ્રજાને નહોતા ગમતા. અને તેમને માટે નોકરીના ચાન્સીસ ઓછા હતા. તેથી ધંધામાં પડ્યા અને જોત જોતામાં અહીંનું અર્થતંત્ર હાથમાં લઈ લીધું. આપણાં લોકોના સ્વભાવ જ્યુઈશ જેવા બની શકે. પરંતુ  આપણી ભાષા જુદી છે. અને શરીરનો રંગ જુદો છે. 

આ લૂંટ અને ખૂનની વાતો સાંભળી ચિંતા કરવા જેવું નથી. અમેરિકામાં સામાન્ય જન જીવન ચાલુ જ રહે છે. બાકી મૃત્યુનો ડર રાખીને લોકો જીવતા હોત તો બેડમાં કોઈ સૂએ જ ના ને!  

‘સ્કાય ઈઝ ધ લિમીટ – અમેરિકા’નામક લેખકની કોલમ, “ગુજરાતમિત્ર”.

e.mail   harnishjani5@gmail.com

Loading

‘અચ્છે દિન’ : સુટબુટ, સૂઝબૂઝ અને અરુણ શૌરિ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|9 May 2015

વરસ વીતવામાં છે ત્યારે બીજું શું કહેવું, સિવાય કે આંબે આવશે મહોર ને વાત કરીશું પહોર …

વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી આનંદીબહેન પોતપોતાનાં કાર્યકાળના પ્રથમ વર્ષ પૂરું થવાના ઉંબરદિવસોમાં આવતે અઠવાડિયે ચીનની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યાં છે ત્યારે કમબખ્ત ‘વધામણી’ પણ કેવી મળે છે! વણઝારા બીજા લેટરબોમ્બ કે પત્રપ્રસ્ફોટ સાથે પડમાં હાજરાહજૂર છે અને કહે છે કે તમે (ગુજરાત સરકારે) આઈ.પી.એસ. જોહરીને એટલા વાસ્તે બઢતી આપી છે કે અમિત શાહ અને પી.સી. પાંડેને બચાવી શકો. વણઝારા અલબત્ત મોદી મહિમા મંડનને મોરચે ક્યારેક દંતકથાના તો ક્યારેક લોકગીતના નાયક રહ્યા છે. એમણે તે સારુ શો ઉજમ કીધો હશે તે જાણવાનું ગજું આ રાંક બાપડું નાગરિકડું ક્યાંથી લાવી શકવાનું હતું? માત્ર, તેઓ જ્યારે જેલમાં હતા ત્યારે એમણે ‘ભગવાન ભગવાન ન રહા’ની તરજ ઉપર તેમ જ ગુરુ પણ ઝડપાયાની આક્રોશભરી વેદના સાથે પહેલો પત્રપ્રસ્ફોટ કર્યો હતો તે આપણે જરૂર જાણીએ છીએ.

રક્તરંજિત વિજયગાથા હવે અશ્રુસિક્ત બનવા લાગી છે, અને આ આંસુ તીખાં પણ છે. ભ્રમનિરસનની શક્યતાના એક દોરમાં તેઓ પસાર થઈ રહ્યા હોય એમ બને. બેશક, એ કોઈ ખાતરી નથી કે વીરનાયકવશ ગુજરાતને માટે એથી ભ્રમનિરસન અનિવાર્યપણે થશે જ. એક કાળે ગુજકોક, ગુજકોક એવું ડમરુ ત્રિકાળસંધ્યા પેઠે ધૂણતું હતું. હવે ગુજસીટોક નામે એક નવ્ય અવતારે દેખા દીધી છે. જો કે, વિધિવૈચિત્ર્ય એ છે કે પૂર્વે યુ.પી.એ. સરકાર ગુજરાતની ભા.જ.પ. સરકારના આ પ્રકારના કાયદાને તપાસલાયક માનતી હતી એવા જ હાલ કદાચ એન.ડી.એ. સરકાર હસ્તક પણ છે … આ કડક કાયદા કોવિદોની સૂઝબૂઝ વિશે તો શું કહેવું! અક્ષરધામ કેસમાં પરબારા પકડી પાડેલા લોકો અગિયાર અગિયાર વરસના કારાવાસ પછી ‘નિર્દોષ’ પુરવાર થઈને છૂટી શકે છે. અલબત્ત, કુદરત કને પણ કવિન્યાય સરખી સૂઝબૂઝ છે એ તો કહેવું જ પડે: નમોની શપથઘટના અને આ મુક્તિઘટના બેઉ સાથોસાથ બનેલી બીના છે.

અહીં કોઈ આ કલીમઘસીટુને રોકી શકે, ટોકી પણ શકે કે તમે જૂની ગતમાં જ ક્યાં સુધી ચાલશો. હશે ભાઈ, જૂનીનો છેડો પકડીને થોડી નવી વાત કરીએ. વીર વણઝારા જ્યારે જામીન પર છૂટ્યા ત્યારે પ્રાયોજિત ટોળું ખાસું જમા થયું હતું, અને ‘અચ્છે દિન આ ગયે’ની રણહાક સાથે એમણે એન્ટ્રી મારી હતી. ત્યારની ધડબડાટીથી ઈડિયટ બોક્સનો નાનો પડદો બચાડો ફાટુંફાટું હતો. ‘અચ્છે દિન’ની મોદી શૈલી અને વણઝારા શૈલી વચ્ચેનું સામ્ય અગર તો તત્રલુપ્તા સરસ્વતીનું રહસ્ય, ફરીથી કહું, રાંક બચાડું નાગરિકડું તો ક્યાંથી જાણી શકે. પણ આવું આવું ‘અચ્છે દિન’ની અસલિયત વર્ષાન્તની અણીએ શું છે એનો અચ્છો ઊહાપોહ આ દિવસોમાં ખુદ નમો ભા.જ.પ. છાવણીમાંથી જ ઊઠ્યો છે, અને તે પણ એ ત્રિમૂર્તિ મારફતે ઊઠ્યો છે જેણે ભા.જ.પ.ની સત્તાવાર જાહેરાતના ઠીક ઠીક સમય અગાઉથી વડાપ્રધાનપદે મોદી-પક્ષે પણની ખુલ્લંખુલ્લા હિમાયત બેબાકપણે કરવા માંડી હતી.

અરુણ શૌરિ, રામ જેઠમલાની અને સુબ્રમણ્યમ સ્વામીની આ ત્રિમૂર્તિ વિશે, બને કે, કોઈ કમારપટા તળેની ટીકા પણ કરે કે આ સાહેબોને દ્રાક્ષ ખાટી લાગે છે. જેઠમલાની અને સ્વામીનો ટ્રેક રેકોર્ડ સંમિશ્ર તરેહનો છે એમ કહેવામાં વાસ્તવકથન માત્ર છે. પણ શૌરિ જ્યારે ટીકાવચનો ઉચ્ચારે છે ત્યારે એને કેવળ ‘દ્રાક્ષામ્લ ન્યાય’ની રીતે ખતવી શકાય એમ સ્વાભાવિક જ નથી. ભલે, ‘વન્સ અપોન અ ટાઈમ’ જેવી એમની સૂરતમૂરત તાજેતરનાં વરસોમાં રહી હોય, શૌરિની બૌદ્ધિક પ્રતિભા અને જેહાદી પત્રકારિતાની એક પૃષ્ઠભૂ ચોક્કસ જ છે. એમને કશું એડ્વાઈઝરું અગર એવુંતેવું ન અપાયું. એથી એ યદ્ધાતદ્ધા બોલે છે એમ કહેવું ઉતાવળું લેખાશે. આજની તારીખે પણ મોદી જ ‘ધ લીડર’ની ગુંજાશ ધરાવે છે તે વિધાનને એ પૂર્વવત્ વળગી રહ્યા છે. 2009માં અડવાણી સત્તાવાર ધોરણે ‘પ્રાઈમ મિનિસ્ટર ઈન વેઈટિંગ’ હતા ત્યારે પણ શૌરિએ અમારી પાસે અડવાણી ઉપરાંત મોદીનો પણ સક્ષમ વિકલ્પ છે એવું કહેતાં સંકોચ નહોતો કર્યો. પણ શૌરિના મતે જેટલે ‘ગાજોવાજો’ છે એની સામે જમીન સચ્ચાઈ ખાસી ઓછી છે.

વચ્ચે એકના એક અરુણ જેટલી અને આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રણ્યન ભારતની સિદ્ધિઓ અને શક્યતાઓના નવ્ય નમો યુગના લોબીઈંગ વાસ્તે વોશિંગ્ટન જઈ આવ્યા ત્યારે જેટલીએ જે વાતો કરી એને શૌરિએ નકરી ‘લોયરલી’ એટલે કે વકીલબહાદુર એમને જે બાજુની ફી મળી હોય તેની બ્રીફ તથ્યનિરપેક્ષપણે ભારી જમાવટથી કરે એવી રજૂઆત તરીકે ઓળખાવી છે. જેટલીનું બજેટ, શૌરિના મતે, ચિદમ્બરમની પરંપરામાં કાતર ને ગુંદરના કસબ ઉર્ફે ‘કટ એન્ડ પેસ્ટ જોબ’થી વિશેષ નથી. ફાઈલોની થપ્પીઓ અને વિલંબાતા નિર્ણયો તેમ જ સિનિયર મંત્રીઓની નિ:સહાયતાનું દુર્દૈવ વાસ્તવ શૌરિએ બેબાક બોલી બતાવ્યું છે. આખું ચિત્ર, મેઘનાદ દેસાઈના શબ્દોમાં, ‘લુઝિંગ ધ પ્લોટ’ જેવું ઉભરી રહ્યું છે. બને કે હવેના દિવસોમાં ‘કલ્યાણ પર્વ’ પ્રકારનાં આયોજનો દરમિયાન વિશેષ નિરીક્ષા ને નુક્તેચીનીના નિમિત્તો મળી રહે પણ ઈવેન્ટ મેનેજમેન્ટ અને ઈમેજ પ્રોજેક્શન એ સુશાસનનો અવેજ નથી એટલું અવશ્ય કહેવું રહે છે.

પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર  છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 09 મે 2015

Loading

...102030...3,7613,7623,7633,764...3,7703,7803,790...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved