૨૯ ઑગસ્ટ : દર્શક સંવત્સરી
દર્શકે ગુજરાત સાહિત્ય અકાદમીનું અધ્યક્ષપદ સંભાળ્યું એના પછીના વર્ષની વાત છે. ત્રણેક દાયકાના વ્યાપ ઉપર પથરાયેલાં દર્શક સાથેનાં સ્મરણોમાં આ પ્રસંગ જાણે હજુ ગઈ કાલે જ બન્યો હોય એમ જુદો તરી આવે છે.
સવારનાં ચાપાણી પતાવી અમે નિરાંતે બેઠા હતા. બીજો કાર્યક્રમ છેક સાંજે હતો. સામાજિક, શૈક્ષણિક, ઐતિહાસિક એમ ઘણાં બધાં ક્ષેત્રોની વાતોના દોર ગૂંથાતા જતા હતા અને વાતચીતનું પોત ઘટ્ટ થતું જતું હતું. ત્યાં અચાનક દર્શક તરફથી વાતમાં થોડીક ક્ષણોનો વિરામ આવ્યો અને એમણે વાતનો એક નવો જ દોર શરૂ કર્યો.
એમણે કહ્યું કે ગયા વરસ દરમિયાન મારે હાથે એક મોટું કામ સિદ્ધ થયું છે અને એ કામ હતું ગુજરાત સાહિત્ય અકાદમીનું બંધારણ ઘડવાનું. એમણે ફોડ પાડીને સમજાવ્યું કે આ કામ પોતે મોટું એટલા માટે માને છે કે બંધારણ ઘડવામાં ખાસ કાળજી લેવામાં આવી છે. આજ પછી શાસક કોઈ પણ આવે અને શાસનતંત્ર કોઈ પણ પ્રકારનું આવે તો પણ બંધારણમાં એટલી ચોકસાઈપૂર્વકની ગોઠવણી છે, જેને અનુસરતાં ભવિષ્યમાં કોઈ પણ સરકાર અકાદમીની સ્વાયત્તતા ઉપર પોતાનો પંજો પાડી શકશે નહીં. એમણે કહ્યું કે પોતે પોતાના આ કાર્યથી ખૂબ સંતોષ અનુભવે છે. વધુમાં, ગુજરાત સાહિત્ય અકાદમીનું આ બંધારણ દેશની અન્ય ભાષાઓના પ્રદેશોને પણ દાખલો પૂરો પાડી શકશે અને ગુજરાતમાં સાહિત્યેતેર સંસ્થાઓ સાથે શાસનતંત્રના સંબંધો માટે એક નૈતિક ભૂમિકા બાંધી આપી શકશે.
એમનું આ કથન પૂરું કરવામાં એમણે સમય ઝાઝો લીધો નહોતો. પરંતુ એમની દૃષ્ટિએ આ કાર્ય અત્યંત મહત્ત્વનું હતું, તેવી દૃઢ છાપ મારા મન ઉપર પડી હતી. તેનાં કારણોમાં તત્કાલીન મારા ધ્યાન ઉપર જે મુદ્દા આવેલા, અને મને આજે ય જે સ્પષ્ટ રીતે યાદ છે, તે આ પ્રમાણે છે.
દર્શક સાથે શૈક્ષણિક ક્ષેત્રમાં એમના હાથે હાંસલ થયેલી સિદ્ધિઓ વિશે તથા એમની સાહિત્યકૃતિઓ વિશે એમના વિચારો સાંભળવાના અને એના અનુસંધાનમાં એમની સાથે ચર્ચા કરવાના સંજોગો મને મળ્યા છે. ગાંધીચિંધ્યા માર્ગે સ્વાતંત્ર્યસંગ્રામ વિશેનાં એમનાં સ્મરણોનું અનુશીલન કરવાની તક મળી છે. આવા અન્ય કોઈ પ્રસંગે ન જોયો હોય એવો આત્મસંતોષનો અને આત્મગૌરવનો ભાવ એમના મુખ ઉપર આ પ્રસંગે મેં જોયો હતો, એમની વાણીમાં મેં સાંભળ્યો હતો. આ કારણને લીધે મારી યાદમાં આ પ્રસંગ હજુ ય તાજો છે. મેં ત્યારે વિચાર કર્યો હતો કે સ્વાતંત્ર્યની લડત વિશે, સાહિત્યના સર્જન વિશે, શિક્ષણના પ્રણેતા તરીકે ‘પોતે જાતે’ કશુંક હાંસલ કર્યાનો દાવો કરતા મેં જેમને કદી સાંભળ્યા નથી, તેમણે સામે ચાલીને અકાદમીના બંધારણના ઘડતરમાં પોતાના પ્રદાન વિશે આટલા આત્મગૌરવપૂર્વક કેમ વાત કરી હશે! આ વાતચીત થઈ તે સમયે મારી સૂઝસમજ મુજબ મને જે ઉત્તર સાંપડ્યો હતો, અને જે ઉત્તર આજે ય મને ખરો લાગે છે, આ મુજબ છે. ગુજરાત સાહિત્ય અકાદમીનું બંધારણ ઘડવામાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ નામની વ્યક્તિએ સ્વાતંત્ર્યસૈનિક યુવાન મનુભાઈ, શિક્ષણવિદ્દ મનુભાઈ પંચોળી અને સાહિત્યસર્જક દર્શક, એ સૌના જીવનઅનુભવની સમૃદ્ધિનો, જીવંત અનુભવની સામગ્રીનો, વિનિયોગ કર્યો હતો. અર્થાત્ એક જાગરૂક નાગરિકની મનસા વાચા કર્મણા થકી મેળવેલી સમ્યક્જ્ઞાનની એક ઉપલબ્ધિ એટલે એ સંવિધાનનું ઘડતર, એવી છાપ મારા માનસપટ પર છે.
એક સાહિત્યસંસ્થાની સ્વાયત્તતાનું રક્ષણ કરતું બંધારણ ઘડવાનું યશપ્રદ કાર્ય દર્શક તથા અન્ય વિધાયકોએ કર્યું હતું. પરંતુ કોઈ પણ બંધારણની રક્ષાનું ઉત્તરદાયિત્વ હંમેશાં અનુજોને માથે હોય છે.
બૉસ્ટન
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2015; પૃ. 01
![]()


આ સમયે ગુજરાતને દિલોજાનથી ચાહનારા એક વિદેશી અને એમાં ય બ્રિટિશર એવા એક સજ્જનની યાદ આવી જાય છે. યાદ આવવાનું એક નિમિત્ત એ પણ છે કે આવતી કાલે ૩૧મી ઓગસ્ટે આ માનવરત્નની ૧૫૦મી પુણ્યતિથિ છે. આ સજ્જન એટલે એલેક્ઝાંડર કિન્લોક ફાર્બસ.
બરાબર ચૌદ વરસ થયાં એને. બાર વરસને એક તપ કહેવાનો ચાલ છે એ હિસાબે તપ ઉપર બે વરસ કહો કે પછી ચૌદ ચૌદ વરસ અસાંગરાનાં કે વીસારાનાં : 2001ની 29મી ઓગસ્ટે દર્શક ગયા. આ લખું છું ત્યારે સાંભરે છે કે તિથિ પ્રમાણે એ દિવસ પરિવર્તિની એકાદશીનો હતો. દર્શક જેનું નામ એ ઇતિહાસમાં રમ્યા પણ કોઈ રાજસામન્તી સપનાં જોતું ઝોકું એમણે કદાપિ ન ખાધું. સંક્રાન્તિ અને પરિવર્તનની રગ જેને પકડાતી હતી એવા એ એક સિપાહી હતા, સમાજનવરચનાના સિપાહી.