Opinion Magazine
Number of visits: 9770128
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બુકર ટી. વોશિંગ્ટન (આત્મકથા) – એક અનુવાદ

હરનિશ જાની|Opinion - Opinion|27 November 2015

હાલમાં વિચારવલોણું પરિવાર પ્રકાશનની પુસ્તિકા "બુકર. ટી. વોશિંગ્ટન"ની આત્મકથા, સંક્ષેપ્તમાં – ગુજરાતીમાં વાંચવામાં આવી. બુકર. ટી.ના નામથી બહુ ઓછા ગુજરાતીઓ પરિચિત હશે. તેમણે અમેરિકાના ગુલામોના ઇતિહાસ સંબંધક ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. પ્રેસિડન્ટ લિંકને ગુલામોને આઝાદી તો અપાવી, પણ તેમાંના એક ગુલામ બુકર ટી. વોશિન્ગ્ટને ગુલામોને તેમના ગુલામ વિચારોમાંથી મુક્તિ અપાવી હતી. બુકર ટી. વોશિંગ્ટન ગુલામીમાં ૧૮૫૬માં જન્મ્યા હતા. ત્યારે હજુ કાળા લોકોને ગુલામીમાંથી મુક્તિ નહોતી મળી. તે એક ગોરા અમેરિકન અને કાળી ગુલામ માતાના સંતાન હતા. તે સમયના ગુલામોની સ્થિતિ એક ઢોર કરતાં પણ બદતર હતી. માલિક કંતાનનાં કપડાં પહેરાવતા. જે શરીર પર ઘસાતાં. ખાવામાં મકાઈ અને ડુક્કરનું માંસ અને રહેવા માટે ભીંતો વિનાના છાપરાં. અને ભૂલ થાય તો માલિકો ચાબખા મારતા.

પ્રેસિડન્ટ લિંકનના પ્રયત્નોથી, સિવિલ વોરના અંતે, ૧૮૬૩માં ગુલામોને મુક્તિ મળી. ત્યારે બુકર. ટી, સાત વરસના હતા. તેમને  વાંચવા, લખવાની ખૂબ તમન્ના હતી. એ જ શિક્ષણની તીવ્ર ઈચ્છાએ એમને શિક્ષક, કેળવણીકાર અને અવ્વલ નંબરના ભાષણકર્તા બનાવ્યા. કાળા લોકોના લિડર બનાવ્યા, એટલી હદે કે એમના સમયના અમેરિકન પ્રેસિડન્ટ કાળા લોકોના પ્રશ્નોની ચર્ચા માટે બુકર ટી.ની સલાહ લેતા. હાર્વર્ડ યુનિવર્સિટીએ ૧૮૯૬ ડોક્ટરેટની માનદ્દ ડિગ્રી પણ એનાયત કરી. અને પ્રોફેસર વોશિન્ગટને, પત્ની  સાથે યુરોપની લેકચર ટુર પણ કરી.

"બુકર ટી વોશિંગ્ટન" ની આત્મકથાનો અનુવાદ ઈંગ્લિશ પરથી કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે અનુવાદ કોણે કર્યો છે. એ બહુ અગત્યનું હોય છે. અનુવાદક મૂળ કૃતિને કેટલા વફાદાર રહી શકે છે, તે પણ જોવું પડે. અને તે માટે મૂળ કૃતિની ભાષા અને અનુવાદની ભાષાનું જ્ઞાન જરૂરી છે. જ્યારે બુકર ટી.ની આત્મકથાનો ગુજરાતી અનુવાદ તો  વાંચ્યો પણ અનુવાદકે ગુજરાતી શબ્દનો પ્રયોગ કયા અંગ્રેજી  શબ્દ પરથી લીધો હશે. તેની  રમત પણ મગજમાં ચાલતી હતી.

આ પુસ્તકમાં અનુવાદકને બે ચેલેન્જ હતી. એક તો મૂળ આત્મકથનનું સંક્ષિપ્તીકરણ કરવાનું અને તેનું ભાવાનુવાદ કરી ગુજરાતી વાચકના મનમાં પ્રવેશવાનું હતું. આ પુસ્તકનો ભાવાનુવાદ અશોક વિદ્વાંસે કર્યો છે. અશોકભાઈ ગોપાલરાવ વિદ્વાંસના સુપુત્ર થાય. ગોપાલરાવે મારા જેવા લાખો ગુજરાતીઓને મરાઠી સાહિત્યનો પરિચય કરાવ્યો છે. વિ.સ.ખાંડેકરનાં પુસ્તકો ગામની લાયબ્રેરીમાંથી મેળવી, વાંચી, અમે મોટા થયા. મારા માટે ગોપાલરાવ નામ તો પુણ્યશ્લોક છે.

હું વિવેચક નથી. પણ ધ્યાનપૂર્વક વાંચતો વાચક જરૂર છું. પુસ્તક જે રીતે સમજ્યો છું. તેની વાત કરીશ. મારે કહેવું પડશે કે અશોક વિદ્વાંસે આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરી આ મહાન વ્યક્તિનો પરિચય ગુજરાતી વાચકોને કરાવી બહુ મોટું કામ કર્યું છે. ખાસ કરીને જેઓને અમેરિકન ગુલામોનો ઇતિહાસ જાણવો હોય તેને માટે પુસ્તક ખૂબ અગત્યનું છે. અમેરિકાના ઇતિહાસમાં કાળા લોકોની પ્રગતિ કેવી રીતે થઈ તે સમજવા માટે આ પુસ્તક વાંચવું રહ્યું. અને આ અદ્દભુત વ્યક્તિને ઓળખવી બહુ જરૂરી છે. એકદમ જ આઝાદ થયેલા ગુલામોને આઝાદીના પહેલા દિવસે શું કરવું, તેની જ ખબર નહોતી એટલે "ઈક્વલ રાઈટસ્ – સમાન હકો"ની તો વાત જ ક્યાંથી હોય? આઝાદ થયા. હવે શું કરવાનું? એની કેટલી દ્વિધા થઈ હશે!

આ આઝાદી પહેલાં જુદા જુદા માલિકને ત્યાં ગુલામી કરતાં તેમના માતા અને ગુલામ ઓરમાન પિતા હવે ભેગા થયા અને તે લોકોએ ૩૦૦ માઈલ પગપાળા માલ્ડેન, વેસ્ટ વર્જિનિયા જવાનું નક્કી કર્યું. નાના બુકર ટી.ને જો એક માત્ર ધૂન ભરાઈ હોય તો તે ભણતરની. કોઈપણ હિસાબે આંકડા અને અક્ષર શીખવા હતા. પરંતુ પિતાએ માલ્ડેન ગામમાં તેમને કોલસાની ખાણમાં નોકરીએ લગાડ્યા બપોરે સ્કૂલ પતાવી સાંજે સ્કૂલમાં જતા, ત્યાં નાના બુકર કોલસાના પીપડાં પર લખેલા આંકડાઓ પરથી આંકડા શીખ્યા. માતાએ તેમને એક ડિક્ષનરી લાવી આપી. જેનાથી તે વાંચતા લખતા થયા.  સ્કૂલમાં ભણતા  ભણતા તેમણે ‘બુકર ટેલિફાનો વોશિંગ્ટન" નામ અપનાવ્યું. માલ્ડેન, વેસ્ટ વર્જિનિયાથી ૫૦૦ માઈલ પૂર્વમાં દૂર વર્જિનિયા સ્ટેટના હેમ્પટન ગામમાં ભણવા ગયા. ત્યાં જનરાલ આર્મસ્ટ્રોંગની દેખભાળ હેઠળ તેમણે હાઈસ્કૂલ પૂરી કરી. આ જનરલે સિવિલ વોર વખતે કાળા લોકોની બ્રિગેડની આગેવાની લીધી હતી. એ બુકર ટી.ના જીવનભરના હિતેચ્છુ રહ્યા. જ્યારે ટસ્કેજી, અલાબામાના ગોરા લોકોએ કાળા ગુલામો માટે સ્કૂલ ચાલુ કરી, ત્યારે જનરલ આર્મસ્ટ્રોન્ગના સૂચનથી બુકર ટી.ને સ્કૂલ ચાલાવવા નિયુક્ત કર્યા.

હવે બુકર ટીએ નક્કી કર્યું કે સ્કૂલનું બિલ્ડીંગ વિદ્યાર્થીઓ બનાવશે. તેમની પાસે ૩૦ વિદ્યાર્થીઓ હતા. આખો દિવસ તેઓ સ્કૂલ બાંધવાની ઈંટો બનાવવાથી માંડીને સુથારી કામ પણ જાતે કરતા. અને રાતે બુકર ટી ભણાવતા.

તેઓ માનતા કે દરેક વિદ્યાર્થીએ ભણ્યા પછી ગોરા લોકો સાથે ભળવું હોય તો કોઈ હુન્નર શીખવો જોઈએ. એ જ સાચું ભણતર હતું. તેમની સ્કૂલમાં લુહારીકામ કડિયાકામ, સુથારીકામ શીખવાડવામાં આવતું. તે માનતા કે ગોરી પ્રજાની સામે બળવો કરવા કરતાં તેમને "મોટા ભા" કરીને ઈકોનોમિક સ્ટેટસ વધારવું જોઈએ. તેમણે આખી જિંદગી સ્કૂલ ચલાવવા ગોરા લોકો પાસેથી ફાળો ઉઘરાવ્યો છે.

તેમણે ગોરા લોકોનો સહકાર  સહેલાઈથી મળતો. તે માનતા કે જો કાળી પ્રજા ભણેલી ગણેલી હશે તો પૈસે ટકે સુખી થશે. પછી બીજા પ્રશ્નો હલ કરતાં વાર નહીં લાગે.

આત્મકથામાં ક્યાં ય લખ્યું નથી. પરંતુ મારા અમેરિકન અનુભવથી કહું તો બુકર ટી. વોશિંગ્ટનને ગોરા પિતા તરફથી વારસામાં સફેદ ચામડી અને માંજરી આંખો મળી હતી. તેથી સ્કૂલ ચલાવવા માટે ફાળો ઉઘરાવવામાં તે વાત મદદ રૂપ રહેતી હશે. એમને આખી જિંદગી ગોરા લોકોએ પુષ્કળ પ્રેમ અને સહકાર આપ્યા છે. એટલી હદે કે એગ્રીકલચર મેળામાં ૧૮૯૫માં આપેલા પ્રવચનથી પ્રભાવિત થઈને પ્રમુખ ગ્રોવર ક્લિવલેન્ડે એમને મુલાકાત પણ આપી. એ પ્રવચનમાં તેમણે કાળા લોકોને ગોરાઓને મદદ કરવાની અને ભાઈભાઈ બની રહેવાની શીખામણ આપી હતી.

ટસ્કેજીમાં એક ઓરડાના બિલ્ડીંગવાળી સ્કૂલમાં ત્રીસ વિદ્યાર્થી સાથે ચાલુ કરેલી સ્કૂલમાં એમના મૃત્યુ ટાણે, તેની ૨,૩૦૦ એકર જમીન પર ૬૦થી વધુ બિલ્ડીંગોવાળી જાત જાતના વિષયો શીખવતી ૧૧૦ ના સ્ટાફવાળી યુનિવર્સિટી બની ગઈ હતી. ૧૦૦૦ એકર પર વિદ્યાર્થીઓ ખેતી કરતા અને જે આવક થાય તેમાંથી યુનિવર્સિટીનો ખર્ચો કાઢતા.

આત્મકથા લખવામાં મોટામાં મોટું ભયસ્થાન એ છે કે વ્યક્તિને પોતાના વખાણ કરવા હોય તો ન કરાય. અને ન કરે તો એ આત્મકથા અધૂરી ગણાય. તો બુકર ટી.ની એક વાત મને ગમી કે તેમણે પોતે આપેલું પ્રવચન કેટલું સરસ હતું અને લોકોએ કેવી રીતે વધાવ્યું. તે માટે તેમણે બીજા દિવસના સમાચાર પત્રોમાં તેમના વિષે કેવું અને શું લખાયું હતું. એ જણાવીને પોતાના વિષેની સારી વાતો જણાવી  છે. મને એ ગમ્યું.

બીજી એમની મર્યાદા મને સમજાઈ નહીં. તેમણે પોતાના વિરોધીઓ વિષે એકે શબ્દ નથી લખ્યો. તે સમયમાં W.E.B. Du Bois નામના બીજા કાળા લિડર હતા. એ પહેલી કાળી વ્યક્તિ હતી, કે જેણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ૧૮૯૫માં ડોકટરેટ ડિગ્રી મેળવી હતી. તે માનતા કે જ્યાં સુધી કાળા લોકોને "સમાન હક્કો" અને "મતાધિકાર" ન મળે ત્યાં સુધી બધું નકામું. તેમણે બીજા લિડરોને મળીને કાળા લોકો માટે ૧૯૦૯માં'NAACP'  National Association  for  the Advancement of  Colored People. જે આજ સુધી કાર્યરત છે.

જ્યારે બુકર ટી. કાળા લોકો માટે એજ્યુકેશન અને ઈકોનોમી પર ભાર મુકતા.

અશોક વિદ્વાંસને ખૂબ ખૂબ અભિનંદન. ઇતિહાસમાં છુપાયેલા રત્ન ઉપર પ્રકાશ ફેંકવા બદલ. અને સીધી અને સરળ ભાષાના સામાન્ય વાચક સમજી શકે એવા આ ગુજરાતી અનુવાદ બદલ ધન્યવાદ.

10th June 2015.

E mail-  harnishjani5@gmail.com

Loading

ઝેરનાં વાવેતર ક્યાં સુધી ?

હિમાંશી શેલત|Opinion - Opinion|27 November 2015

સમાજનાં સત્કાર્યો કરનારી વ્યક્તિઓને વિશિષ્ટ સ્થાન-સન્માન મળતાં ત્યારે થોડી ઉમદા પરંપરાઓ પણ હતી

વિદેશમાં કે દેશમાં આપણે ભૂંડા ન દેખાઈએ એ માટે એક હાથવગો બચાવ આપણી પાસે છે. ‘આપણું’ બંધારણ સહુને સમાન અધિકાર આપે છે, અને આપણી પહેલી પ્રતિબદ્ધતા આ બંધારણ માટે છે’ એવું વખતોવખત, જરૂર પ્રમાણે બોલાતું રહે છે. આમ છતાં ઘરઆંગણે બંધારણનું બંધન આ દેશના નિવાસીઓને કેટલું સ્વીકાર્ય છે, અને એને કેવોક આદર મળે છે, એ બહુ જાહેર કરવા જેવું નથી.

કર્ણાટકના કોલાર જિલ્લાની એક શાળામાં મધ્યાહ્ન ભોજનયોજના અંતર્ગત રસોઈ માટે એક દલિત મહિલા રાધામ્માને રોકવામાં આવી. આ હકીકતને પગલે છોકરાંઓએ રાંધેલી ચીજોને ખાવાનો વિરોધ કર્યો. સ્પષ્ટ છે કે બાળકોનાં ચિત્તમાં આ ભેદભાવનાં બીજ વડીલોએ, કે અન્ય શિક્ષકો, કે પછી ગામ લોકોએ વાવ્યાં. અખબારી અહેવાલને પહલે શિક્ષણતંત્ર જાગ્યું અને કાર્યરત થયું. જ્ઞાતિભેદની આ ઘટનાનાં માઠાં પરિણામ આવે એ પહેલાં સંબંધિત અગ્રેસરોની યોગ્ય દરમિયાનગીરી પછી છોકરાંઓએ મધ્યાહ્નન ભોજનને સ્વીકાર્યું અને બહિષ્કારનો અન્યાય અટકાવી શકાયો.

શાળામાં વર્ગભેદને પ્રોત્સાહન આપવાનો અપરાધ હજી સુધી બેરોકટોક આચરવામાં આવે છે એ બાબતથી આશ્ચર્ય થવું જોઈએ, છતાં થતું નથી. પોતે કઈ જ્ઞાતિના છે એ દેખાડવા કાંડે અમુક તમુક રંગના દોરા બાંધવા, શાળાના પૂજા અથવા પ્રાર્થના જેવા કાર્યક્રમોમાંથી દલિત વર્ગનાં બાળકોને બાકાત રાખવાં, કેટલાક ખાસ પ્રસંગો વખતે એમને સામેલ ન કરવાં ઇત્યાદિ ઘટનાઓ આ વિશાળ દેશને ખૂણેખાંચરે બનતી રહે છે, અને ઘણીવાર તો એ નોંધાતી પણ નથી. ભેદભાવની ઘટનાનાં કેન્દ્રો જ્યારે નિશાળ ખાતે હોય ત્યારે ચોંકવું જોઈએ. મોટેરાંઓની સંકુચિત મનોદશા અને પ્રતિષ્ઠા કે મોભાવિષયક વાહિયાત ખ્યાલો ઉછરતાં બાળકોને લેશ પણ ન અડે એટલું સ્વચ્છ વાતાવરણ હજી સુધી તો આ સમાજમાં સર્જાયું નથી. પુરાવાઓ મળતા રહે છે, એમાંનો એક તે કર્ણાટકના ગામે રાધામ્માનું રસોડું. જે વિચાર બાળકોના મનમાં પ્રવેશી ન શકે એને એમના પર લાદવા માટે, ઠોકી બેસાડવા માટે, જવાબદાર લોકોને અટકાવવા માટે છે આપણી પાસે કશી કાયદાકીય વ્યવસ્થા? વર્ગભેદનો સડેલો કચરો બાળકોનાં ચિત્તમાં ઠાંસી દેવાનું હીન કૃત્ય કરનારને આપણે કઈ શિક્ષા કરીશું? સામે બેસાડીને બંધારણે આપેલા સમાન અધિકારની માહિતી આપીશું?

એક અન્ય ઘટના તો આથીયે ભયાનક છે. તમિલનાડુનાં મહિલા ડીએસપી વિષ્ણુિપ્રયાને ભાગે ગોકુલરાજ નામના દલિત યુવકની હત્યાની તપાસનું કામ આવ્યું. ગોકુલરાજની હત્યાને આત્મહત્યામાં ખપાવી દીધેલી, પણ પ્રાથમિક તપાસમાં જ સાફ થઈ ગયેલું કે આ ખૂનનો કિસ્સો હતો. પોસ્ટમોર્ટમના અહેવાલે પણ આ હકીકતને સમર્થન આપ્યું. એક તો દલિતવર્ગની મહિલા ને વળી પોલિસ અધિકારી. વિષ્ણુિપ્રયાની કનડગતમાં કશું બાકી ન રહ્યું. ઉપરથી વકરેલા જાતિવાદના રાજકારણે પણ આ ઘટનામાં વરવો ભાગ ભજવ્યો. વિષ્ણુિપ્રયાના પરિવારની રજૂઆત મુજબ એ મજબૂત ઇચ્છાશક્તિ ધરાવતી સ્ત્રી હતી, ત્રાસીને મોત વહાલું કરે એ એના સ્વભાવમાં નહીં. છતાં એ સાચું કે એ ફાંસો ખાઈને મરી ગઈ. આ પણ આત્મહત્યા કે કશીક મેલી રમત, તપાસમાં જે બહાર આવે તે, અને એયે વળી તપાસ સરખી, એટલે કે તટસ્થ થાય તો.

વિદ્યાર્થીકાળથી જ સમાનતાનાં મૂલ્યો દૃઢ થવા જોઈએ. કોઈ એક સમયે, જ્યારે સમાજનાં સત્કાર્યો કરનારી વ્યક્તિઓને વિશિષ્ટ સ્થાન અને સન્માન મળતાં ત્યારે થોડી ઉમદા પરંપરાઓ પણ હતી. ઉદાહરણ તરીકે વિનોબાજીની ભૂદાનયાત્રા વખતે એ જ્યાં રોકાણ કરતાં ત્યાંની શાળાઓનાં વિદ્યાર્થીઓની સભામાં એ વિદ્યાર્થીઓ પાસે વ્રત લેવડાવતા. કોઈ દુરાગ્રહ નહીં, દબાણ નહીં, માત્ર સદ્દવર્તન અને માનવીય ગુણોને પ્રેરી શકે એવાં વ્રત. સરળતાથી આચરણમાં મૂકી શકાય તેવાં. એ વ્રત યાદીમાં એક ‘ભેદભાવરહિત મન કર્મ અને વાણીને જાળવવાનું’ પણ હતું. યાદ છે ત્યાં સુધી વિદ્યાર્થીઓ હોંશેહોંશે વ્રત લેતાં, અને એનો મહિમા કરતાં. વિનોબાજી સામે વ્રત ગ્રહણ કર્યું હોય, એમણે માથે હાથ મૂકીને વ્રત લેવડાવ્યું હોય તો એને જીવનભર સાચવવાનું વિદ્યાર્થીઓના કોરા અને દૂષણમુક્ત મનમાં આલેખાઈ જાય એમાં નવાઈ નહીં. એ દિવસોમાં આવું બધું થતું, થઈ શકતું, શિક્ષણ સાથે સંકળાયેલાં લોકો આવા ઉત્તમ વિચારો પણ આવતા. સદાચારની આવી સામાન્ય બાબતો જીવનમાં વણાઈ જાય તો આસપાસની માઠી અસરો વ્યક્તિને લેશ પણ પલટી શકતી નથી. સજાગ રહેવું એને માટે સહજ બની જાય છે, શ્વાસ લેવા જેટલું સહજ.

શિક્ષિત વ્યક્તિઓને પણ આપણે ન્યાતજાતમાં ભારે ભરોસો રાખતી જોઈ છે. આપણા અનેક ગમા અણગમા અને નિરીક્ષણો જ્ઞાતિ અધારિત નથી હોતા? આ પ્રકારની વૃત્તિ સર્વથા છોડવાનું અથવા એનાથી સંપૂર્ણપણે મુક્ત રહેવાનું બહુ ઓછાને ફાવે છે. ક્યારેક ભેદભાવયુક્ત અભિગમ સૂક્ષ્મ અને નિર્દોષ રીતે, સાવ અજાણતાંમાં જ પ્રગટ થઈ જાય છે. કોઈ મહાનુભાવ જ્ઞાતિબંધુ કે જ્ઞાતિભાગિની છે, એમ જાહેર કરતી વખતે અવાજમાં પારખતાં મુશ્કેલી પડે એવો અહંકાર પેસી જાય છે. આ બારીક અહંકાર ચડતી ઊતરતી પાયરીની આપણી સમજ સાથે સીધો સંબંધ ધરાવે છે, ભલે એ કબૂલ કરવામાં આપણને આપણું કદ બે ઈંચ ઘટી જતું લાગે!

શોષણ અને અત્યાચારના ચક્રમાંથી બહાર આવવા માટે જ્ઞાતિવાદનાં વલણો મૂળસોતાં ખેંચવા પડે. આ પ્રયાસો પ્રાથમિક શિક્ષણ, પરિવારના વાતાવરણથી અને સામાજિક નેતૃત્વથી થઈ જ શકે, પણ એને માટે સમય અને ધીરજ જોઈએ. મૂલ્યનિષ્ઠ વ્યક્તિઓ જોઈએ, પ્રયત્નો ઠરે એવું સાનુકુળ વાતાવરણ જોઈએ. આમાનું કશુંયે આપણા ભંડોળમાં ન હોય તો કાયદાનો કડક અમલ-બંધારણ મુજબ એ એકમાત્ર ઉપાય. હૃદયપરિવર્તન કરવાની આપણી તાકાત નથી, યા હોમ કરીને પડે એવાં ભેખધારી વ્યક્તિત્વો ઓછાં છે એટલે કાયદાના શાસન પર જ આધાર રાખવો પડે. પરંતુ દલિતો માટે આ પણ સહેલું નથી. એમનો આર્થિક અને સામાજિક બહિષ્કાર થાય ત્યારે જીવન દુષ્કર બની જાય છે. જ્ઞાતિપ્રથા અને વર્ગભેદની દારુણ અવદશામાંથી બહાર આવવા માટે શિક્ષણ અને કાયદાએ ભેગાં થવું જોઈએ. પોલીસતંત્રને માત્ર ઉપર ઉપરથી નહીં, પાયાથી અને ઊંડાણપૂર્વક સંવેદનશીલ બનાવવું જોઈએ. દલિતવર્ગ કે લઘુમતિ સમુદાય એનાથી ડરીને અવળો ભાગે એવી સ્થિતિને બદલે એ વિશ્વાસપૂર્વક એની પાસે જઈ શકે એમ બનવું જોઈએ. શિક્ષણ સાથે સંકળાયેલાં, વર્ગભેદ અને જાતિભેદ સદંતર ભૂલી શકેલાં તમામને સંવેદનશીલતાની સઘન તાલીમ આપવા માટે પ્રોત્સાહિત કરવાં જોઈએ. પલટો ત્વરિત નથી આવવા, ભેદભાવના જડત્વને નાથવામાં સમય, શ્રમ અને ઇચ્છાશક્તિની જરૂર પડવાની. એ સાથે સવર્ણો માટેનો અકારણ અણગમો પણ નકારવો પડશે. ઉજળિયાત એ શોષકનો પર્યાય નથી. એને પણ પોતાનો જન્મ પસંદગીથી નથી મળ્યો. અને ઝેર તો ઝેર જ છે, એ જે વર્ગનું હોય એ ઝેરનાં વાવેતર અટકાવવાં જ પડે, તાકીદે પોતપોતાની રીતે.

સૌજન્ય : ‘પ્રેરક સ્મૃિત’, “દિવ્ય ભાસ્કર”, 20 નવેમ્બર 2015

Loading

હિંદુના હાડનું કૅન્સર

સ્વામી આનંદ|Opinion - Opinion|27 November 2015

હિંદુ-મુસલમાન એકતા એ ગાંધીજીના જીવનની એક અતિ જોરાવર તાલાવેલી અને લગની હતી અને એની વેદી ઉપર જ અંતે એમણે પોતાના પ્રાણની આહુતિ આપી, એ બીના સર્વ વિદિત છે. આફ્રિકાથી હિંદ આવી વસ્યા બાદ શરૂના દસકામાં જ સને 1921ની આસપાસ એમણે પોતાના ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન’ પત્રોમાં ‘હિંદુ-મુસ્લિમ તંગદિલી, એનું નિદાન અને ચિકિત્સા’ એવે નામે એક જબ્બર લેખ લખેલો. એ લેખમાં એમણે લખ્યું કે ‘સરેરાશ હિંદુ સ્વભાવે જે બાયલો ને મુસલમાન લાંઠ છે.’ આ લેખ લખીને તે કાળના અસંખ્ય આર્યસમાજીઓનો તેમ જ બીજા આગેવાન હિંદુઓનો વસમો રોષ એમણે વહોરી લીધેલો. આમ છતાં આ અભિપ્રાયને પાછળથીયે એમણે કદિ બદલ્યાનું કે મૉળો કર્યાનું જાણમાં નથી.

કાપ્યો કપાય નહિ, બાળ્યો બળે નહિ એવા અમર અનાદિ આત્માનું અને પાર્થિવ દેહની નશ્ચરતાનું શિક્ષણ ને સંસ્કાર ગળથૂથીમાંથી મળ્યા છતાં હિંદુમાં મરણભય ભારોભાર છે એ બીના ગાંધીજીને બહુ સાલતી. એ મરણભય ટાળવાની તક અને તાલીમ આપણા જુવાનોને મળે તે ખાતર પહેલા વિશ્વયુદ્ધ વખતે એમણે લોકમાન્ય જેવા વડીલ દેશનેતાની ઇચ્છા વિરુદ્ધ જઈને પણ અંગ્રેજી સલ્તનતને સારુ લશ્કર-ભરતીનું કામ કરેલું. દયાનંદે પણ હિંદુઓને પ્રાણવાન બનાવવા સારુ પોતાની ઉગ્ર પ્રચાર પદ્ધતિથી પોતાના અનુયાયીઓને સ્વધર્મી-વિદ્યર્મી પોથી પંડ્યા પાખંડીઓ સામે મિશનરી ધગશથી ઝઝૂમતાં ને મરણભેટ કરતાં શીખવ્યું, જેને પરિણામે શરૂના દાયકાઓમાં અસંખ્ય મેધાવી તેજસ્વી આર્યસમાજીઓ શહાદતને વર્યા. વિવેકાનંદે હિંદુસંસ્કૃિતની રજૂઆતમાં નવો પ્રાણ પૂરીને ચારેછેડે દેશની આખી શિક્ષિત હિંદુઆલમને પ્રભાવિત કરી અને અરવિંદ ઘોષથી માંડીને રાધાકૃષ્ણન સુધીના બધા અનુગામી રજૂઆતદારોને નવી દૃષ્ટિ તેમ જ પ્રેરણાનું ભાતું બંધાવ્યું. આમ છતાં એ બધાના કળશરૂપે એમનો જીવન સંદેશ એક જ શબ્દમાં Man-Making રહ્યો. નિવેદિતાએ પોતાના ગુરુચરિત્રમાં લખ્યું છે કે વિવેકાનંદની આરાધ્યમૂર્તિ 1857ના બળવાના દિવસોનો એક મુનિવ્રતધારી બાવો હતો જેને પોતાને સંગીનથી ભોંકી મારનાર ટૉમી કટકિયાને ‘તુંયે નારાયણ’ કહીને પ્રાણ છોડેલા.

આવાં ઊંચાણો સર કરનારી, આવું ગૌરવવંતું તત્ત્વજ્ઞાન, આભ ઊંચા આદર્શો અને અપરંપાર અંતરસમૃદ્ધિના વારસવાળી હિંદુ પ્રજા દુન્યવી વહેવારના કે પુરુષાર્થના તખ્તા ઉપર દુનિયાની પ્રજાઓના ઇતિહાસમાં ઊણી ઠરી. દુનિયાની ઈતર પ્રજાઓ અને જાતિઓ જોડે જ્યાં ક્યાંયે અથડામણનો પ્રસંગ એને આવ્યો ત્યારે લગભગ હંમેશાં પાછી પડીને પરાજિત થઈ. વ્યક્તિગત શૌર્યઔદાર્ય, ઊંચાણ કે ચાતુર્યમાં કોઈથી ગાંજ્યા ન જાય એવા છતાં સમગ્ર દર્શનમાં અને સંગઠન-ક્ષમતામાં હિંદુઓ હંમેશાં ઊણાવામણા ઠર્યા. બીજી પ્રજાઓ તેમ જ કોમો વચ્ચે રહેવા-વસવા-વિચરવાનો પ્રસંગ આવતાં સદાયનાં સૂતક પડ્યા હોય એવી આભડછેટિયા વૃત્તિથી જીવી વરતીને બીજાઓની ખોફખફગી, નફરતને પાત્ર ઠર્યા. એમના બ્રાહ્મણ (જૈનાદિ અને શ્રવણ) અગ્રણીઓના પુરુષાર્થ કે જ્ઞાનપાંડિત્ય મોટે ભાગે ઘરઆંગણે નાતજાતનાં ટચુકડાં વર્તુળોમાં શેખી મોટપનાં પ્રદર્શનો પૂરતાં અગર તો બાલની ખાલ કાઢનારી પોકળ શસ્ત્રચર્ચાઓમાં બંધિયાર રહ્યાં. એમના શ્રેષ્ઠતાના દાવા પોલા કે પાખંડ ઠર્યા ને એમનાં ત્યાગ, વૈરાગ્ય, ભાવશક્તિ, ભજનપૂજન એમની વેવલાઈ કે ખંધાઈનાં મોન્યુમેન્ટ બન્યાં.

અગસ્ત્ય, ભગીરથ જેવા વિશાળ વ્યાપક દષ્ટિવાળા સમર્થ શોધકો અને સાહસિકો ભલે એમનામાં પાક્યા હોય, પણ દુનિયા દેશાવર જવા-વસવા-ફેલાવા અંગે હિંદુજાતિ સદાય અનિચ્છુક અને વિરોધી રહી. અને જ્યારે ક્યારેય ગઈ જ, ત્યારે આગંતુક ભાવે સરાઈના મુસાફરની જેમ ચિડિયા રેનબસેરા (રાતવાસો રહેવા આવનાર પંખીની) વૃત્તિથી વસી. હરહંમેશ મૂળવતનનું ગામ, ન્યાત ન્યાતીલા કે ઘરઆંગણેનાં અવસરટાણાં ઉપર જ મીટ માંડીને સદાય જીવી. પેઢીઓ વીતી તો ય નવા દેશને કે ત્યાંની પ્રજાને અપનાવવાની કલ્પના તેમનામાં કદી જન્મી નહિ.

આવી આ હિંદુ જાતિના સંપર્કમાં જે કોઈ આવ્યું તે પણ કાં તો હિંદુઓને રાંકડા જોઈ તેમના પર શિરજોર થઈ જીવતાં શીખ્યું, કાં હિંદુઓની તંગદિલી અને ઊંચનીચપણું પકડી લઈ પોતાની આસપાસ વાડાવંડી-વર્તુળ કરીને ઘરઘૂસિયા જિંદગી ગાળતાં શીખ્યું. સમાનતાની ને સાહસ-પુરુષાર્થની વૃત્તિ એનામાંથી આથમી ગઈ.

આ પ્રજાકીય રાજરોગનું નિદાન ઇતિહાસના તેમ જ પ્રજાઓના પતન-ઉત્થાનના અભ્યાસી વિચારવંતો અનેક રીતે કરતા હોય છે ને કર્યું છે. એ બધા વચ્ચે પોતાની સામુદાયિક કે પ્રજાકીય સિદ્ધિઓ બદલ માનમગરૂબી કે ગૌરવ હોય એ પણ સ્વાભાવિક છે. પણ સાથે સાથે પ્રજાના હાડમાં કંઈ વિકારવ્યાધિ જોવામાં આવ્યાં હોય તો તેની પણ નોંધ-નિદાન ને ચિકિત્સા કરવાં, એ કોઈ પણ તંદુરસ્ત પ્રજામાનસને માટે તેટલું જ જરૂરી છે. સામાન્ય માણસ કનેથી આવી સમજણની કે ઇંતેજારીની આશા ભાગ્યે રાખી શકાય. સમાજના કે પ્રજાના હિતચિંતક વિચારકો પાસેથી જ એવી સમજણ અને ચીવટ-ધગશની અપેક્ષા રાખી શકાય.

તાજેતરના કાળના ગુજરાતના એક પીઢ અને અસાધારણ સંતુલનવાળા વિચારક સ્વ. મશરુવાળાએ પોતાની પાછલી અવસ્થાએ ‘સમૂળી ક્રાંતિ’ નામે એક નાનકડો પ્રેરક ગ્રંથ લખીને આપણા આ રાજરોગનું નિદાન શોધવાનો પ્રયાસ કરેલો, જેમાં એમણે આપણી પ્રજાના હાડમાં હજારો વર્ષથી ઘર કરી બેઠેલી જન્મજાત ઊંચનીચની ભાવના અને અધિકારવાદ, આપણી સંકીર્ણતા (Exclusiveness) એ જ આપણાં તમામ પ્રજાકીય અનિષ્ટોના મૂળમાં છે એવું નિદાન કરેલું. આ જન્મજાત ઊંચનીચપણાની ભાવનામાંથી નાતજાતનાં બંધારણોની એવી વાડાવંડીઓ ઊભી થઈ કે જે ચાહે તેવા પુરુષાર્થ કરો તો પણ આ જન્મ દરમ્યાન કદિ તૂટી ન જ શકે. ( આ જન્મે સુકૃત કરો તો આવતે જન્મે એમાં સુધારો થવાની એટલે કે ચડિયાતી જાતિમાં જન્મ મળવાની આશા રાખી શકાય. માટે નીચલી હરોળના ગણાતા હિંદુએ નમ્રપણે અને શ્રદ્ધાભક્તિપૂર્વક ગોબ્રાહ્મણની સેવા કરીને આવતો ભવ સુધારવાની ઉમેદ રાખવી, એવી જ) આ ભાવના આખા સમાજમાં પેઢી દર પેઢી ચાલુ રહીને પ્રજાના હાડમાં વણાઈ ગઈ.

આમાંથી જે પ્રજાકીય અનિષ્ટ ઊભું થયું તેનો સંસારના સામાજિક ઇતિહાસમાં ભાગ્યે ક્યાં ય જોટો જડે. આમાંથી ધીમે ધીમે માણસનું ચરિત્ર કે વહેવાર ચાહે તેવાં સારાંનરસાં હોય તેમ છતાં તે બીજા કરતાં જિંદગીભરને માટે ઊંચો કે હલકો છે એમ સમજવાની મૂઢતા અને સંકીર્ણતા ઊભી થઈ. સમાજનો એક વર્ગ જ્ઞાનવિજ્ઞાન, વિદ્યાકળાચાતુર્ય, માનવીને ઉન્નત કરનારાં તમામ ક્ષેત્રોની તકોનો હંમેશને માટે હકદાર ને ઠેકેદાર થઈને બેઠો; અને બાકીના સમાજમાંથી માનવીય ગૌરવ હણાઈ જઈને તમામ આશા ઉમેદ અને પુરુષાર્થ આથમી ગયાં.

ઇતિહાસના આરંભકાળથી માંડીને પોતાની બુદ્ધિશક્તિને જોરે સામાજિક પ્રતિષ્ઠાની હાયરાર્કિઓ અને નબળા વર્ગોનું શોષણ કરનારી ધણિયામા પ્રથાઓ દુનિયાભરમાં ઓછીવત્તી ચાલતી આવી છે એ સાચું. પણ એક માત્ર જન્મના પાયા પર માનવીને દુન્યવી-અદુન્યવી પુરુષાર્થનાં કે માનવીય ગૌરવ પ્રતિષ્ઠાનાં તમામ ક્ષેત્રોમાં જિંદગીના છેડા સુધી વંચિત અને તુચ્છ, તિરસ્કૃત લેખવાનું શીખવનારી હિંદુઓની આ સિદ્ધિ અજબ છે.

સ્વ. મશરૂવાળા માનતા કે જન્મજાત ઊંચનીય અધિકારની આ ભાવના જ આખા ઇતિહાસકાળ દરમ્યાન હિંદુઓના હાડના કૅન્સર રૂપનું જ કામ કરી રહી છે. ‘સમૂળી ક્રાંતિ’માં એમણે આને જ આપણી ઘણીખરી રાજદ્વારી, કોમી, સમાજિક તેમ જ આર્થિક સમસ્યાઓના મૂળમાં ગણાવી અને તેના ઉકેલો સારુ આજે આપણી સામે બે જ વિકલ્પો છે, ત્રીજો માર્ગ છે જ નહીં એમ કહ્યું. એ વિકલ્પોની ચર્ચા કરતાં ગ્રંથના આરંભમાં જ એમણે લખ્યું :

‘કાં તો …. આપણે સમજી લેવું જોઈએ કે હિંદુ સમાજમાંથી જ્ઞાતિભાવના એ કદી ન ટળનારો સંસ્કાર અને સંસ્થા છે. જ્ઞાતિવિરહિત હિંદુ સમાજની રચના થાય એમ કદી બની શકવાનું નથી માટે દેશની રાજકીય વગેરે વ્યવસ્થાઓ એ હકીકત સ્વીકારીને જે વિચારવી જોઈએ … આ વસ્તુ આપણા રોમેરોમમાં રહેલી છે એમ સમજી એમાંથી જ માર્ગ કાઢવાનો નિશ્ચય કરો. એટલે એક નહિ પણ અનેક, એકબીજાથી સામાજિક વહેવારોમાં અસ્પષ્ટ રહેનારી નાનીનાની કોમો અને જ્ઞાતિઓને અનિવાર્ય માનો, અન બધાની આકાંક્ષાઓ સંતોષાય એ માટે અનેક જાતનાં પાકિસ્તાનો, જુદાં જુદાં મતદાર મંડળ, સંખ્યાનુસારી પ્રતિનિધિઓ વગેરે રચો.

‘આમ ન જ થઈ શકે એવું નથી. પણ એનાં પરિણામો માટે પણ તૈયાર રહેવું જોઈએ. એમાંથી બહુ બળવાન સંગઠિત દેશ ન થઈ શકે અને નાનાં નાનાં રાજ્યોમાં દેશને વિભક્ત રહેવું પડે એ સમજી લેવું જોઈએ. ઉપરાંત, તેમાંથી કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓનું ભાવિ યહૂદીઓના જેવું જ કાળાંતરે થાય. મોડી વહેલી નીચ ગણાતી જ્ઞાતિઓ ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મમાં ભળી જવામાં જ પોતાનું હિત જોશે. ઉચ્ચ જ્ઞાતિઓ રાજકીય મહત્ત્વાકાંક્ષા છોડી દઈ કેવળ બુદ્ધિબળ પર, કેટલીક વાતો કરવામાંઅને વેપાર ખેડવામાં સંતોષ માનશે તો સુખેથી પોતાના અલગ ચોકામાં અને દેવપૂજાઓમાં બીજાઓની કનડગત વિના જીવી શકાશે, જેમ ઈરાન, અરબસ્તાન વગેરેમાં આજે પણ કેટલાય હિંદુઓ રહે છે તેમ. અને તેમ નહિ કરે તો યહૂદીઓની જેમ તિરસ્કૃત સમાજ તરીકે ભટકશે. જેમ જેમ નીચેના થરો જાગૃત થતા જશે તેમ તેમ જાત્યભિમાની લોકોને પાછળ હઠવું જ પડવાનું છે.

‘અથવા ઉચ્ચ જ્ઞાતિઓને માટે બીજો માર્ગ રહેશે. બળવાન પ્રયત્ન કરી ફાસીસ્ટ સંસ્થા બનવાનું. બીજી સર્વે કોમો, જ્ઞાતિઓ, ધર્મો વગેરેને દાબી દઈ ત્રિવર્ણશાહી સ્થાપવાનું. ઊંડે ઊંડે આવી વૃત્તિ રાખનારો વર્ગ આપણામાં છે એમ હું માનું છું. રાજાઓ, બ્રાહ્મણ-પંડિતો, વેપારીઓ અને મોટા ખેડૂતો, એ ચારેનું ચાલે તો આવું જરૂર કરે.

‘જે આ વિકલ્પ સ્વીકારવા અને તેને અનુરૂપ જ હિંદુસ્તાનની રચના કરવા તૈયાર છે તેમનો માર્ગ તે રીતે સ્પષ્ટ છે. એમને એ ધ્યેય પ્રત્યે નેમ રાખી બીજા કશાનો વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરવી સૂઝી શકે એમ છે.

‘પણ જેને આ વિકલ્પ અને તેનાં પરિણામો પર પહોંચવું માન્ય ન હોય, તેમણે બીજી રીતે પણ એટલા જ નિશ્ચિત થઈ જવાની અને તેના ઉપાયોમાં સ્થિર પગલે લાગી જવાની જરૂર છે, તે આપણા લોહીમાંથી જ્ઞાતિભાવનાનો સંસ્કાર અને સમાજમાંથી જ્ઞાતિસંસ્થા નાબૂદ કરવાની; અને સમગ્ર હિંદુ જનતા પોતાને એક અને સમાન માનવજાતિ માનતી થાય અને તેવી રીતે વ્યવહાર કરતી થાય એવી ક્રાંતિ નિર્માણ કરવાની.’

આવી ક્રાંતિ લાવવા શું કરવું અનિવાર્ય છે તે વિચારી લેવું ઘટે છે.

હિંદુજાતિના ઘડવૈયા બ્રાહ્મણોને હજારો હજારો વર્ષ લગણ એક જ સંસ્કાર પ્રજાને આપ્યો કે ખુદ પરમેશ્વરે જ માનવસમાજને વરણા-વરણીવાળો સરજ્યો છે. એમાં કોઈથી મીનમેખ ન થઈ શકે. ઈશ્વરે બ્રાહ્મણોને પોતાના મુખમાંથી, ક્ષત્રિયને બાહુથી, વૈશ્યોને ઉદરથી અને શુદ્રોને પગેથી પેદા કર્યા. તમામ જ્ઞાનવિજ્ઞાન, તપતેજ, વિદ્યાકળા, શોધસંશોધન સદગુણોને ખેડવા, કેળવવાનો હક બ્રાહ્મણો એકલાનો, સમાજનું સંરક્ષણ કરવાની ફરજ ક્ષત્રિયની, પોષણ કરવની વૈશ્યની અને બાકીનાં બધાં હળવાં-નીચાં-ગંદાં હલકામાં હલકાં સુધીનાં કામો કરીને ત્રણે ઉપલા વર્ગોની સેવા કરવાની ફરજ શુદ્રોની. શુદ્રોમાં કડિયા સૂતાર, લુહાર, કુંભાર, તમામ શિલ્પી-શ્રમજીવી અને અંત્યજ લેખાતી કોમો આવી ગઈ.

આમ હિંદુ અગ્રણીઓએ નરા જન્મના પાયા પર જે રીતે માણસના જીવનધર્મ અંગે, એના હકો અને તક અંગે એની જિંદગી આખીને આવરી લેનારો ફેંસલો આપી દઈને એના જન્મભરના-કદાચ જનમોજનમ સુધીના-ભાવિ પર તાળું માર્યું. સમાજની ધારણાપોષણાને સારુ અનિવાર્ય એવાં વિવિધ કામો બજાવનારા આ શુદ્ર વર્ગોની કદર-ગૌરવ કરવાનું તો દૂર રહ્યું પણ સમાજના વિધાતા(Law Giver)–ઓએ એમને રગતપિતિયાં જેવાં અસ્પૃશ્ય ઠરાવ્યાં અને દુન્યવી અભ્યુદયના કે પરમાર્થના ક્ષેત્રમાં ત્રૈવર્ણિકોની બરોબરી તો શું પણ અનુકરણ સુધ્ધાં કરવા માટે અનફીટ ઠરાવ્યાં ! એમણે જ હિંદુને દુન્યવી પુરુષાર્થમાં ઉદાસીન, સ્વરક્ષણની શક્તિ-વિહોણો અને પરલોક ઉપર મીટ માંડીને આવતો ભવ સુધારવાના કાલ્પનિક પુરુષાર્થોમાં ગૂંથાતો કરી મૂક્યો. વળી પરલોક-પરમાર્થનાં આવાં સ્વપ્નાં સેવવાં આડે રોજિંદા વહેવાર-વર્તનમાં સદાચાર (Rectitude) જાળવવાની ચીવટ કે આગ્રહ એના અગ્રણીઓમાં રહ્યાં નહિ અને હિંદુ પામર બની બીજી જાતિઓના નિંદાઉપહાસનું ટારગેટ થઈ પડ્યો. બલ્કે એથીયે કરુણ બીના તો એ કે ભદ્ર વર્ગનો હિંદુ જન્મજાત ઊંચપણાના હીન કાલ્પનિક માનસમાં પેઢી દર પેઢી ઘૂંટાઈ ઘૂટાઈને એવો તો રીઢો બની ગયો કે એને એની આજની દીન દશાની સમજ રહી નહિ અને આજે પણ એ મોટેભાગે પોતાની કાલ્પનિક શ્રેષ્ઠતા-ઊંચાઈનાં ચિત્રો દોરી મનનાં ખાજાં ખાવામાં અને પોતાના ભૂતકાળના વડવાઓની સિદ્ધિઓના વારસા અને વૈભવનાં ગીત ગાવામાં જે ગુલસાન રહેતો જોવા મળે છે. કોઈ એક જૂના વિદેશી લેખકની ચોપડીમાં એક વાર ક્યાંક વાંચ્યાનું મને યાદ છે કે વાઈસરોયની ડોઢીએ બેઠેલ દરવાન પૂરબિયો વાઈસરોયના ગોરા કારકૂન કે બેરાબટલરની ‘જી હુજૂર’ કહીને તહેવાન ભરવામાં નામ નહિ માને, છતાં મનથી એવા એ ‘ગોમાંસભક્ષક’ મ્લેચ્છયવનની નફરત સેવવામાં અને એના હાથનું અડેલું પાણી પીવાની આભડછેટ માનવામાં એને કશો આંચકો વિસંગતિ કે નીચાજોણું નહિ લાગે !

આ Contradiction કે દંભ હિંદુની નસનસમાં એવો તો વ્યાપ્યો છે કે તેને કારણે એ આજે આખી દુનિયાની નિંદા-નફરત અને ઉપહાસનું પાત્ર બન્યો છે. સાવ સાંકડી બનીને મૂઠીમાં આવી ગયેલી આજની દુનિયાના તખ્તા ઉપર રોજેરોજના વહેવારોમાં એના એ દંભે આજે ડગલે ને પગલે એને વામણો ને અળખામણો બનાવી મૂક્યો છે. ઘર આંગણે પણ આજના લોકશાહી તંત્ર હેઠળ રાજદ્વારી તરીકે, શિક્ષક, નોકરિયાત કે નાગરિક તરીકે હિંદુ કેવો Wily, સ્વાર્થપટુ અને ઘૃણાપાત્ર તરીકે ઓળખાય છે એનું એને ભાગ્યે જે ભાન છે. અને ક્વચિત ક્યારેક એવું ભાન એને થાય છે તો પણ એના વારસાગત શિક્ષણસંસ્કાર એને ખાસો રીઢો રાખે છે. જાડી ચામડી જાળવવી એ દુનિયાના વહેવારમાં જરૂરી ચતુરાઈનું લક્ષણ છે એવી શેખી પણ એ મારે છે ને બીજાઓની નજરમાં વધુ હાંસીપાત્ર બને છે.

આને જ સ્વ. મશરુવાળા હિંદુની સંકીર્ણતા (Exclusiveness) કહેતા. હું એને હિંદુના હાડનું કેન્સર કહું છું.

હિંદુજાતિના આ હાડરોગનું બીજું પણ એક કુલક્ષણ આપણા વિચારવંતોની ગંભીર વિચારણા માગી લે છે. હિંદુ પુનર્જન્મ અને ભવોભવના વારસાગત સંસ્કારોમાં માનનારો હોઈ વર્તમાન જિંદગીને મોટેભાગે પાછલા જન્મોમાં સારાંમાઠાં કર્મોના સમુચ્ચય કે બંડલ રૂપે ગણે છે. આ પાર્શ્વભૂમિકાને નજર સામે રાખીને આપણી પ્રજાનો ઇતિહાસ તપાસીએ તો એમાં એક એવી અજાયબે જડશે કે જેનો ખુલાસો નથી મળતો. એ અજાયબી એ કે કોઈપણ કારણસર એક વાર હિંદુજાતિમાંથી વટલાઈને પરધર્મમાં દાખલ થયેલો હિંદુ ત્યાર પછીના એના આખા જીવન અને કારકિર્દી દરમ્યાન હિંદુજાતિ, હિંદુધર્મ, હિંદુ સમાજ-સંસ્કૃિત-જીવનદર્શન, વિધિ, સંસ્કાર, રીતરસમ તમામનો હાડોહાડ વેરી બનીને જ પોતાનું આયુષ્ય પૂરું કરે છે. વટલાઈને પરધર્મમાં ગયા પછી હિંદુના નામે ઓળખાતી કોઈપણ ભાવના, વિચારણા કે વ્યક્તિ-વિભૂતિ માટે, હિંદુ લેબનવાળા કક્ષાને માટે પણ, રજમાત્ર આદર કદર કે સહાનુભૂતિ એનામાં રહેતા નથી અને કેમ જાણે હિંદુજાતિ અને સમાજ સામે ભવોભવનાં વેરની વસૂલાત કરવા સારુ જ પોતાનું બાકીનું આયુષ્ય ગીરો મૂક્યું હોય એ રીતે જ એ બાકીનું આયુષ્ય ગાળતો જોવામાં આવે છે. એના વંશપરંપરાના સંસ્કાર એક જ ફટકે ક્યાં વરાળ થઈ ઊડી જાય છે એનો ખુલાસો મળતો નથી.

વળી આવો વટલેલો માણસ હિંદુ સમાજ બંધારણ જેટલા ઊંચા થરમાંથી ઠેકીને પરધર્મમાં ગયો હોય તેટલો જ પછીની જિંદગીમાં તે હિંદુઓનો વધુ કટ્ટો ને વધુ ઝનૂની હાડવેરી થઈને ઊભો રહેતો માલમ પડશે.

આ Phenomenon લગભગ નિરપવાદ માલમ પડશે.

ટૂંકમાં, હિંદુના હાડરોગનું નિદાન કરવામાં આ સર્વસામાન્ય ઐતિહાસિક બીના પણ આપણા વિચારવંતોને હાથે ગંભીર વિચારણા માગી લે છે. એ કરવા સારુ હું આપણા અગ્રણી વિચારકોને નોતરું છું.

તા. 25-9-1964                                                                       

સાભાર ‘સમાજચિંતન અને બીજા લેખો’

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 નવેમ્બર 2015; વર્ષ : 63, અંક : 05; પાન 03-05

Loading

...102030...3,7403,7413,7423,743...3,7503,7603,770...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved