Opinion Magazine
Number of visits: 9552594
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગંગુરામ પાનવાળો

પ્રવીણા કડકિયા|Opinion - Short Stories|27 July 2015

મુંબઈની ચૌપાટી પર જો ગંગુરામ પાનવાળાનું પાન  ન ખાધું હોય તો 'પાન' એટલે શું એ તમને ખબર નથી ! તેનાં પાનના અનેક પ્રકાર. મસાલાવાળું, બનારસી, ઠંડાઈવાળું , કાથા અને ચૂનાવાળું, અંતે ગુટકાવાળું. તેની એક ખાસિયત, કોઈ પણ પાન ખાવ પાંચ રૂપિયા. હવે આ ભાવ તેને કેમ કરી પોષાતો હતો એ ગુઢ રહસ્ય ભલભલા તેના ઘરાક ન સમજી શક્યા. જેવું તેનું પાન મોઢામાં મૂકે કે દરેક વ્યક્તિ જાત જાતનું બકે ! લોકો પાન ખાઈને બહેકી જતાં. ખ્યાતનામ ગંગુરામના હાથમાં હતો, 'જાદુ, અને પાનમાં હતી જાદુની છડી.'

આજુબાજુના પાનવાળા તેની જલન કરતાં. કોઈ હિસાબે તેનો ભાવ તેમને પરવડતો નહીં. એમાં ગંગુરામ ફાવી જતો. બધા કરતાં તેનો ધંધો ત્રણગણો ચાલતો. વાત ખાનગી છે.

આ તો તમે રહ્યા ઘરના એટલે કહું છું ! ગંગુરામ ઈનકમટેક્સવાળાનો 'ખબરી હતો'. લોકો પાન ખાઈને ચોપાટીની ઠંડી હવા માણતા હોય. બહેકેલાને તો કોઈ વાર બીજું પાન મફત પણ આપતો. તેમાં જરા ભાંગ વધારે નાખે એટલે પેલો આદમી પૂરપાટ જતી ગાડીની જેમ પોતાના ધંધાનું 'બકવા' માંડે. બે નંબરના કેટલા? પૈસા રાખવાની ગુપ્ત જગ્યા. કાળા ચોપડા ઘરમાં ક્યાં સંતાડે. વગેરે વગેરે. મુંબઈનો એક વર્ગ છે જેની સાંજ રાતના ૧૦ વાગ્યા પછી પડે. ચૌપાટી પર જઈ કુલ્ફી ખાય, અને છેલ્લે ચોટીવાળા ગંગુરામનું મસાલેદાર પાન ખાય.

ગંગુરામ દ્વારા મળેલી ખબર ઈનકમ ટેક્સવાળાને મળે એટલે બીજા અઠવાડિયે તેને ત્યાં ધાડ એકી સાથે બધી જગ્યાએ પડે. પૈસા ખસાડવાના કે ચોપડા સંતાડવા માટે સમય ન હોય ! ધાડ પડે અને બધું રંગે હાથે પકડાય ત્યારે ગંગુરામને '૫ ટકા' કમિશન મળે. આમ ગંગુરામ પૈસાદાર થતો ગયો.

એક વાર ગંગુરામે આપેલી બાતમી ખોટી નીકળી. ઈનકમ ટેક્સવાળા રોષે ભરાયા. તેની ધૂળ કાઢી નાખી. ગંગુરામ ના-ઈલાજ હતો. આવું ઉપરાઉપરી ત્રણવાર બન્યું. આવક ઘટી ગઈ. મુખ પરથી નૂર ઊડી ગયું. 'ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રડે', એવા હાલ થયા.  આ વખતની ખબર એકદમ પાકી હતી. પેલો વાણિયો પાનખાઈને ખૂબ વાટી ગયો હતો. પાકું સરનામું આપ્યું. બનવા જોગ એ ગલીમાં બે જણા એક નામવાળા  રહેતાં હતા. તેમનાં નામ સરખા નહીં. અંગ્રેજીમાં ઇનીશિયલ લખવાની ફેશનમાં સત્યપ્રકાશ ચંપકભાઈ  દેસાઈ, શાંતિલાલ ચિમનભાઈ દોશી. બન્ને એસ.  સી.  ડી. વાળા. હવે ગોટાળો ક્યાં થયો. શાંતિલાલનું નામનું પાટિયું ટૂટેલું હતું . તેથી ત્યાં નામ ન હતું. 'રેડ' પાડવાવાળા સત્યપ્રકાશને ત્યાં પહોંચ્યા.

નામ તેવા ગુણ. ઈનકમટેક્સના ઓફિસરોને જોઈ સત્યપ્રકાશ ગભરાયા. તેઓ શાળામાં વર્ષોથી શિક્ષક હતા. ઈનકમટેક્સવાળાને થયું આ 'પંતુજી' આટલો સાદો રહે છે. તેના ઘરમાં શું હશે ! ખેર હવે ધાડ પાડી જ છે તો આખું ઘર ફેંદી વળ્યા. કશું હાથ લાગ્યું નહીં. હાથ કાંઈ ન આવ્યું એટલે ઘરને ખેદાન મેદાન કરી નાખ્યું. 'ભાંગ્યું તો યે ભરૂચ' જેવા હાલ હતા. સત્યપ્રકાશના દાદા ધની હતા. અને બાપ સટોડિયો. સત્યપ્રકાશમાં દાદીમાનાં ધર્મિકતાનાં ગુણ ઉતર્યા હતા. ઈનકમટેક્સવાળાએ એક જૂનો ભંગાર હાલતનો પટારો જોયો. ઉપર અગાસીમાં ડામચિયું બનાવ્યું હતું. પટારો ખોલ્યો, ફંફોળ્યો. અંદરથી ત્રણ સોનાની ઈંટ નીકળી. સત્યપ્રકાશ ફાટી આંખે જોઈ રહ્યો.

ઈનકમટેક્સવાળાને લાખ સમજાવે કે આ પટારામાં 'ભૂત' રહે છે એમ મનાતું, તેની ચાવી પણ ખબર નથી ક્યાં છે. આ તો ડામચિયું બનાવવામાં વપરાતો હતો. ઘરમાં કોઈને ખબર નથી આમાં શું છે. ઈનકમટેક્સવાળા પોતાની ફરજ બજાવતા હતા. સત્યપ્રકાશનો નાનોભાઈ વિવેક બહુ સીધો. કહે ,'ભાઈ, આપણને ક્યાં ખબર હતી આમાં શું છે?' ભલેને લઈ ગયા ! સત્યપ્રકાશને તો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવાનું મન થયું. શિક્ષકની આવી નાલોશી ? જિંદગી ઝેર થઈ ગઈ. પેલો વાણિયો બચી ગયો ને પંતુજી ફસાઈ ગયો.'

સત્યપ્રકાશના ભાઈ વિજયના તો પેટનું પાણી પણ ન હલ્યું. એને તો નામ છાપામાં આવ્યું તે ખૂબ ગમ્યું. બન્ને ભાઈઓના સ્વભાવમાં આસમાન જમીનનો તફાવત હતો. સત્યપ્રકાશ આકાશ પાતાળ એક કરવા માંડ્યો. તેને પોતાની જાતને નિર્દોષ સાબિત કરવી હતી. તેના ઘરમાં નોકર એના બાપાના સમયથી કામ કરતો હતો. ઘરના માણસ જેવો હતો. તેના મારફત ખબર પડી કે એની બૈરી પેલા ઈનકમટેક્સવાળાને ત્યાં વર્ષોથી કામ કરે છે. નોકરની પત્નીને બોલાવી ને કહ્યું , 'તું તારા માલિકને સમજાવ મને એકલો મળે. હું તેને બધું સમજાવીશ '.

સત્યપ્રકાશથી આ નાલોશી સહન થતી ન હતી ! સત્યપ્રકાશના બાપ જુગારી હતા અને દાદા સટોડિયા. સટ્ટામાં તો ભલભલા કરોડપતિ રોડપતિ થઈ જાય. ખબર ન પડે. દાદાનો એવો વખત આવ્યો કે ધીરે ધીરે ઘસાવા માંડ્યા. તેમના સોની મિત્રએ સલાહ આપી બધું જાય એ પહેલાં આ ત્રણ સોનાની પાટ મારી પાસેથી ખરીદી લે તો તારા છોકરાંના છોકરા ખુશ થાય. દાદાને ગળે વાત ઊતરી અને વર્ષો જૂના પટારામાં રસિદ સાથે મૂકી. ઉપર જૂના કપડાં, ગોબાવાળાં વાસણ અને જરી પુરાણો સામાન ભર્યો. તેમના બાપે પણ જુગારમાં ઘણું ખોયું. બનવા કાળ બાપ પહેલા ગયા. દાદાએ આ વાત કોઈને કહી નહીં. પટારાનું તો ઘરમાં કશું કામ ન હતું. દાદા ગભરાવવા કહેતા તેમાં 'ભૂત' છે. સમય થયે દાદા પણ મરી ગયા. સત્યપ્રકાશની બૈરીને ભૂતથી ડર લાગતો. દાદા ગયા પછી કાકલૂદી કરી વરને મનાવ્યા.

ભૂવો આવ્યો, ધુણી ધખાવી, ખૂબ ધુણ્યો. બધાનાં દેખતા ભૂતને બાટલીમાં ઘાલી અરબી સમુદ્રમાં પધરાવી આવ્યો. છતાં સત્યપ્રકાશની બૈરી તે 'પટારો' કદી ખોલે નહીં. ડામચિયા માટે વપરાતો તે પટારો પાછળના ભાગમાં હતો. તેની હસ્તી વિસરાઈ ગઈ હતી. આ તો ધાડ પડી એટલે આખું ઘર ખેદાન મેદાન થયું અને આ સોનાની ત્રણ ઈંટ હાથમાં આવી. જેની હયાતીની કોઈને ખબર સુદ્ધાં ન હતી. કેવી રીતે નિર્દોષ પુરવાર થવું ? સત્યપ્રકાશની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેના વફાદાર નોકર ન કહેવાય, તેનાથી મોટો હતો. 'રંગાકાકા, કેવી રીતે આ લાંછન ધોવું ?'

જેમ રંગાકાકા અહીં વર્ષોથી કામ કરતા હતા તેમ રમાકાકી બનવા કાળ આ ઈનકમટેક્સવાળાને ત્યાં કામ કરતી હતી. સ્ત્રી હોવાને નાતે ઘરનો બધો કારભાર તેના હાથમાં હતો. તેને અહીં ખૂબ માન મળતું. જેને કારણે તેના બન્ને છોકરાં ભણી ગણી મોટા સાહેબ બન્યા હતા. સંતોષી પતિ પત્ની વફાદારીપૂર્વક પોતાનું ગુજરાન ઈજ્જતભેર ચલાવતા. બન્નેએ સાથે મળી સત્યપ્રકાશને મદદ કરવાનું વિચાર્યું.

રમાકાકી ઈનકમટેક્સવાળા સાહેબને પૂછી રહ્યા. 'સાહેબ, હું તમારે ત્યાં છેલ્લા ૨૦ વર્ષથી કામ કરું છું. ધારો કે એક દિવસ ઘરના દાગીના લઈને ભાગી જાઉં તો ?

એક મિનિટ સાહેબ ચમક્યા ,પછી હસીને કહે, 'હું લોકોને એમ કહું કે મારી બૈરી દાગીના વેચી આવી, પણ તારા પર શંકા ન કરું'.

કેટલો વિશ્વાસ !  આ છે ખાનદાની ! ભારતમાં તે આજે પણ હયાત છે.

'તો, સાહેબ મારી એક અરજ સ્વીકારશો'! હવે સાહેબને થયું કે વાતમાં માલ છે.

'હા બોલ, અચકાતી નહીં.'

સાહેબ તમે જેમ સજ્જન છો, તેમ પેલા સત્યપ્રકાશ પણ ખૂબ સજ્જન છે. તેમને ત્યાં મારા પતિ તેના બાપના વખતથી નોકરી કરે છે. મારા બાળકો ભણીને આગળ આવ્યા હોય તો તમારા અને તેમના બાપના પ્રતાપે. ખરેખર તેમને આ સોનાની ઈંટ વિશે કાંઈ ખબર ન હતી. તમે એક વાર તેમને મળી સત્ય જાણો. તેમનું જીવન ધૂળધાણી થઈ ગયું છે '!

સાહેબ પિગળ્યા, કહે તેમને ઘરે તો મારાથી ન જવાય. જો તેઓ મને વરલી સી ફેસ પર મળે તો હું વાત કરવા તૈયાર છું. વરલી સી ફેસ પર સાંજના માણસોનો ધસારો ઓછો હોય. સાધારણ કપડાંમાં કોઈ તેમને ઓળખી ન શકે. બરાબર બધું ચોક્કસ કરી બન્ને મળ્યા.

સત્યપ્રકાશે ખુલાસાવાર વાત કરી. મારા બાપ સટોડિયા હતા. કદાચ મારા દાદાએ આ લીધી હોય. મારા પિતાજી શ્રીજી ચરણ પામ્યા પછી અમારે ત્યાં સોની કાકા આવતા હતા. જે મારા દાદાના મિત્ર હતા. એ સોનીકાકા હજુ જીવે છે. બધી તપાસ કરી તો વાત સાચી નીકળી.

જે પટારામાં રાખી હતી તેમાં રસિદ પણ હતી જે કોઈએ જોઈ ન હતી. સોનીકાકાએ કબૂલ કર્યું. એક શરતે, તેની બજાર પ્રમાણે કેટલી કિમત છે તે આંકવી અને પોતાને ૧૦ ટકા કમિશન આપે. સત્યપ્રકાશને આ વાત કબૂલ કર્યા વગર છૂટકો ન હતો. વળી ખટારાની નીચે ઉંદરનું દર હતું . ઉંદરો રાતે નીકળે ત્યારે ખટારો ખખડે અને અવાજ આવે. તેથી ઘરમાં બધા ભૂત માની ડરે ! દાદીના રાજમાં ભૂવો બોલાવ્યો હતો. સત્યપ્રકાશની વહુ એકદમ નાની ઉમરનાં, ભૂતના નામથી થથરે.

ભૂવાને આ વાતની ખબર હતી. ખૂબ ડીંડવાણું કર્યું. સારા એવા પૈસા પડાવ્યા. ધુણી ધખાવી ધુમાડાના ગોટેગોટા કરી નીચેનું દર પૂરી દીધું. ઘરમાં બધાને કહ્યું,' હવે ભૂત હેરાન નહીં કરે. બાટલીમાં પૂરી અરબી સમુદ્રમાં પધરાવી દીધું'.

તે સમયે સત્યપ્રકાશને ખબર ન હતી પટારામાં શું છે? તેમની પત્નીએ તો આખી જિંદગીમાં તેની અંદર શું છે તે જાણવાની ઉત્કંઠા ન બતાવી ! પટારો ભૂલાઈ ગયો. વધારાના ગાદલાં, ઉશિકાને ધાબળાનો ભાર તેના પર સહી રહ્યો. ભૂવાને પણ શોધી કાઢ્યો. મુંબઈની એક બલિહારી છે. મોંઘવારીને કારણે સામાન્ય જનતા બે કે ત્રણ પેઢી સુધી એક જ ઘરમાં જીવતી હોય. ભૂવો ઘરડો થઈ ગયો હતો.  મરવાને વાંકે જીવી રહ્યો હતો. ખબર હતી આજના જમાનામાં સોનાના ભાવ આસમાને છે, ૧૫,૦૦૦ હજાર આપો તો સાહેબને સાચી વાત કહું. સત્યપ્રકાશને તો કોઈ પણ ભોગે સત્ય પ્રકાશમાં લાવવું હતું . બાપાની બાંય ઝાલીને હા પાડવી પડી.

ઈનકટેક્સવાળા સાહેબને લાગ્યું આંધળે બહેરું કુટાયું હતું. પોતાની ભૂલ તો કોઈ કબૂલ ન કરે. સોનું સત્યપ્રકાશના ઘરમાંથી મળ્યું હતું. ભલે તેની રસિદ હતી. પણ દાદાએ તેના પર ટેક્સ ભર્યો હોય તેવી કોઈ લખાપટ્ટી સહી સિક્કા સાથે દસ્તાવેજમાં હતી નહીં.

સત્યપ્રકાશની સ્થિતિ આ બધો ટેક્સ, તેમ જ ભૂવાને અને સોનીને પૈસા આપી શકે તેવી ન હતી. સોનીને કહ્યું ભાઈ તું બજારભાવે એક ઈંટ ખરીદી લે. તેમાંથી તારા પૈસા બાદ લઈ, બાકીના રોકડા આપ. ભુવાને તેનો ભાગ આપ્યો. ૨૧મી સદીમાં ટેક્સ દ્વારા ખૂબ પૈસા ઈનકમટેક્સવાળાને મળ્યા. તેમણે તો  પછી ગંગુરામને તેનું '૫ ટકા' કમિશન આપવાનું હતું.

ભલું થજો સોનાના ભાવનું સત્યપ્રકાશનું કુટુંબ તરી ગયું. સહુ સુખી થયા. સત્યપ્રકાશ મનોમન દાદાનો ઉપકાર માની રહ્યા. સત્યને વળગી રહેવાની તેમની નિષ્ઠા વધુ દૃઢ બની.

e.mail : pravina_avinash@yahoo.com

Loading

કારગિલ વિજયની સિદ્ધિ અને શીખ

દિવ્યેશ વ્યાસ|Samantar Gujarat - Samantar|26 July 2015

ભારતની પ્રતિષ્ઠા એક શાંતિપ્રિય દેશ તરીકેની છે, પણ તેને એવા પાડોશી મળ્યા છે, જેને નથી શાંતિની કદર કે નથી યુદ્ધની શરમ. પાકિસ્તાન અને ચીન એવા બે પાડોશી છે, જેને ભારત શાંતિથી રહે, એ સહન થતું નથી. આ બન્ને પાડોશી સાથે આપણે યુદ્ધો લડી ચૂક્યાં છીએ. આજે ભારતની લશ્કરી તાકાત ઉપરાંત પરમાણુ શસ્ત્રોની શક્તિને કારણે તેમને આપણી સાથે પંગો લેવો પોષાય એમ નથી, પરંતુ તેઓ સરહદ પર નાનાં-મોટાં છમકલાં કરીને ભારતની કનડગત ચાલુ રાખતા હોય છે.

પાકિસ્તાન જાણે છે કે ભારત સાથે યુદ્ધ કરીને જીતી શકાશે નહીં એટલે તેણે છેલ્લાં કેટલાંય વર્ષોથી કાશ્મીરના ખભે બંદૂક રાખીને ભારતમાં આતંક ફેલાવવાનો માર્ગ અપનાવ્યો છે. ભારત સાથે પ્રોક્સી વોર કરવા તે આતંકવાદીઓની ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરાવે છે. પાકિસ્તાનનું આખું પોલિટિક્સ જ ભારતદ્વૈષ પર ટકેલું હોવાથી આઈએસઆઈ અને તેના સૈન્યને ભાવતું મળી જતું હોય છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ લશ્કરી વડા પરવેઝ મુશર્રફે પોતાના દેશમાં હીરો બની જવા માટે ઈ.સ. ૧૯૯૯માં ભારતના કારગિલ ક્ષેત્રમાં મોટા પાયે ઘૂસણખોરી કરીને કાશ્મીરનો અમુક પ્રદેશ પડાવી લેવાનું ષડયંત્ર રચ્યું હતું. જોકે, ભારતના વીરજવાનોએ દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા હતા. પાકિસ્તાન કોઈ પણ સંજોગોમાં ભારતને હરાવી શકે નહીં, તેનો પરચો તેને ત્રીજી વાર મળ્યાને આજે ૧૬ વર્ષ થશે.

આજે એટલે કે ૨૬ જુલાઈના રોજ સમગ્ર ભારતમાં ૧૬મો કારગિલ વિજય દિવસ મનાવાશે. પાકિસ્તાનને બોધપાઠ ભણાવ્યાનો અને વિજયનો હરખ ચોક્કસ મનાવીએ, દેશ માટે જાન ન્યોછાવર કરનારા વીરજવાનોને સો સો સલામ ચોક્કસ કરીએ, પણ કારગિલ સર્જાયું તેની પાછળની આપણી ભૂલોને ભૂલી જવા કે નજરઅંદાજ કરવાની મૂર્ખામી કરવા જેવી નથી. એક તરફ તત્કાલીન વડાપ્રધાન વાજપેયી પાકિસ્તાન સાથે દોસ્તીનો હાથ લંબાવીને લાહોર ગયા હતા તો બીજી તરફ પાકિસ્તાને કારગિલમાં ઘૂસણખોરી કરાવીને પીઠમાં ખંજર ભોંક્યું હતું. આજના સમયમાં યુદ્ધ વાહિયાત વિકલ્પ છે અને સંવાદ-મંત્રણાનો માર્ગ જ હિતાવહ છે, એની ના નહીં. પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની તમામ કોશિશ કરવી જ જોઈએ, પણ સરહદ કે સૈન્યની તાકાતના મામલામાં ગાફેલ રહેવાની ભૂલ કરવા જેવી નથી. આશરે ૫૦૦૦ જેટલા પાકિસ્તાનના સૈનિકો અને આતંકીઓ આપણી સરહદોમાં ઘૂસી આવ્યા હતા અને આપણને મોડી જાણ થઈ હતી, એ ખરેખર તો આપણી સરહદ સુરક્ષા અને ગુપ્તચર તંત્રની મોટી ચૂક-નિષ્ફળતા જ હતી. આ નિષ્ફળતામાંથી દેશ ઘણું બધું શીખ્યો છે, છતાં વધારે સુધારા જરૂરી છે. કારગિલના યુદ્ધમાં ભારતીય સેનાની ત્રણેય પાંખ વચ્ચેના તાલમેળની ખામીઓ પણ નજરે પડી હતી, તેની દુરસ્તીની સાથે સાથે સરહદ પર આધુનિક શસ્ત્રો અને ઉપકરણોનો મુદ્દો મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. વૈશ્વિક માહોલ જોતાં યુદ્ધની શક્યતા નથી, છતાં ઘૂસણખોરીની ઘટનાઓ નાનું-મોટું કારગિલ સર્જી શકે છે ત્યારે સક્ષમ અને સજ્જ રહેવું જરૂરી છે.

હવે વાત કરીએ શહીદોના સન્માનની. કારગિલ યુદ્ધમાં ભારતના ૫૨૭ જવાનો શહીદ થયા હતા અને ૧૩૬૩ જવાનો ઘાયલ થયા હતા. કારગિલ વિજયને એક દાયકો પૂરો થયો ત્યારે પણ અમુક શહીદોના પરિવાર સુધી જાહેર થયેલી સહાય પહોંચી નહોતી અને એમાં પણ કૌભાંડ થયાં હતાં. આજે પણ કારગિલના સૌરભ કાલિયા જેવા શહીદ સાથે ન્યાય થયો નથી, એ દુઃખદ બાબત છે.

કારગિલ યુદ્ધે પાકિસ્તાનની પોલ ખોલી હતી તો ભારતની નબળાઈઓ પણ બહાર આવી હતી. ભારતે સરહદ, સેના અને શહીદોના મામલે જરાય ગાફેલ રહેવું પોષાય એમ નથી. કારગિલનું ષડયંત્ર રચીને મુશર્રફે ખોટું કર્યું હોવાનો એક મત પાકિસ્તાનમાં ઊભો થયો છે, છતાં પાકિસ્તાન ક્યારે સુધરશે, એ કોઈ કહી શકે એમ નથી, કારણ કે પાકિસ્તાનનું સમગ્ર રાજકારણ ભારતદ્વૈષ પર રમાય છે. ભારતમાં પણ પાકિસ્તાન-દ્વૈષનો રાજકીય લાભ લેવાના પ્રયાસો થાય છે. સરહદ કે રાષ્ટ્રીય સુરક્ષાના મામલે રાજકારણ ન જ રમાવું જોઈએ, પણ આપણા નેતાઓની માનસિકતા કોણ બદલે?

સૌજન્ય : ‘સમય સંકેત’ નામક લેખકનિ કૉલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, July 26, 2015

e.mail : divyeshvyas.amd@gmail.com

Loading

વરવી વાસ્તવિકતા : ગામડાં નહીં બચે તો ભારત પણ બચશે નહીં

સનત મહેતા|Samantar Gujarat - Samantar|23 July 2015

2011ની જાતિ, સામાજિક અને આર્થિક ગણતરી બતાવે છે કે, ભારત હજુ ય મુખ્યત્વે ગ્રામીણ અને ગરીબ છે

આધુનિક ભારતના સર્જનાત્મકાળમાં આપણે ગાંધીની ગેરહાજરીના કારણે ભારતના લાખો ગામડાંની પ્રાથમિક જરૂરતો પર પૂરતુ ધ્યાન ન આપ્યું. ખેતીની અનદેખી કરી અને ગ્રામ્યવસ્તીની સાવ ઓછી ટકાવારી વાળા યુરોપ અને અમેરિકા જેવાં રાષ્ટ્રોની જેમ ઔદ્યોગિક વિકાસની આંખમીંચી પાછળ પડ્યા. ડો. સ્વામીનાથન જેવાં અનેક કૃષિ અર્થશાસ્ત્રીઓના અહેવાલોને અલમારી પર ચડાવ્યા. માત્ર અનાજની ખાધ પુરવા માટે હરિતક્રાંતિ કરી ભારત અન્ન ઉત્પાદન(ઘઉં, ચોખા)માં સ્વાવલંબી જ નહીં પણ નિકાસ કરતું થયું.

બસ સ્વાર્થ સર્યો કે વેરી થઈ ગયા. એના કારણે ભારતનાં લાખો ગામડાંનું અર્થતંત્ર સ્વરાજ પછી કેવું ખોખરું થઈ ગયું છે. એનું સાચું દિલ હચમચાવી નાખે એવું ચિત્ર તાજેતરની જાતિ આધારિત વસ્તી ગણતરીના પરિણામોમાંથી બહાર આવ્યું છે. આજે આપણે ચીનના વિકાસની હરીફાઈ કરવા માગીએ છીએ પણ ભૂલી જઈ રહ્યાં છીએ કે, ચીન આઝાદ થયા પછી માઓ ત્સે તુંગે ચીનની ખેતીની કાયાપલટ કરી, ગામડાને સો ટકા સાક્ષર બનાવ્યા.

મહિલાઓને પુરુષ સમોવડી બનાવી એના કારણે જ ચીન અત્યારની સફળતા મેળવી શક્યું. ચીને ખેતી માટે પાણી, ગ્રામ્ય પ્રદેશમાં બસો પાંચસો મિટરને અંતે ખેતરોને શેઢે ખાતરના કૂવા, છાણ આધારિત ગેસ પ્લાન્ટો, ગામડાને ઘર આંગણે જ સિમેન્ટ મળી રહે. એટલે મીની-સિમેન્ટ પ્લાન્ટો બનાવી માઓએ ગ્રામ નવરચનાનો- ગ્રામ જાગૃતિનો પાયો નાખ્યો હતો. જમીનની માલિકી ખેડૂતોની નહોતી તો ય હેક્ટર દીઠ અન્ન પ્રદેશમાં ચીન ભારત કરતાં ય ક્યાં ય આગળ નીકળી ગયું છે. ભારતમાં આમાં ય એન.ડી.એ. સરકાર આવ્યા પછી તો ખેતીની જમીન પડાવી ત્યાં કારખાનાના ભૂંગળા ઊભા કરવામાં ગૌરવ લેવાય છે. આ રહી એની નગ્ન હકીકતો. ગ્રામીણ ગરીબ, કોણ, કેટલા, કેવી હાલતમાં જીવે છે?

1. ભારતના 24 કરોડ કુટુંબોના 73.5 ટકા કુટુંબો આજે ય ગામડામાં વાસ કરે છે.

2. આમાંથી અડધાથી થોડા ઓછા પોતાના જીવન માટે ખેતી પર આધાર રાખે છે. આ પૈકી માત્ર 30 ટકા ખેતી જોડા જોડાયેલા છે. આ બતાવે છે કે, ભારતનાં ગામડાંમાં આપણે ધારીએ છીએ એટલી ખેતી નામશેષ થઈ નથી. આ બતાવે છે કે, રાષ્ટ્રે જે લોકો ગામડાં છોડી આવે છે તેને માટે જ નહીં પણ જે ખેતી પર ભાર ઘટાડવા ચાહે છે એને ગામડાંમાં રોજગારી પૂરી પાડવાની રહેશે.

3. ગામડાંના આ કુટુંબોના અડધા 51 ટકા, ખેતીને લગતા વાવણી, કાપણી વગેરે કામો કે બીજા છુટક કામ પર નભે છે.

4. આ પૈકી 74.5 ટકા કુટુંબોની સરેરાશ આવક માત્ર મહિને રૂ. પાંચ હજાર છે.

5. આ પૈકી 38.3 ટકા કુટુંબો એવા છે કે, જેની પાસે તસું જમીન નથી. જે મજૂરી પર નભે છે. બીજા 30 ટકા પાસે સિંચાઈ વગરની સૂકી ખેતીની જમીન છે. જો અછત કે દુકાળ પડે તો આ બંનેને રોટલા માટે ગામડાંથી બીજે જવું પડે છે.

6. પિરામીડનો ઉપરનો ભાગ કેટલો પાતળો છે. એ વાત એના પરથી સમજાશે કે, આ પૈકી માત્ર 12.6 ટકા કુટુંબો પાસે સરકારી કે ખાનગી નોકરી, અથવા સરકારને ચોપડે નોંધાયેલ ધંધો રોજગાર છે. આ વર્ગ હકીકતમાં જે કુટુંબોની આવક મહિને રૂ. 10,000 છે તેવા 8.3 ટકા પછી આવે છે.

7. સરેરાશ પાંચ વ્યક્તિનું કુટુંબ હોય જેમાં બાળકો અને વૃદ્ધ મા-બાપના કારણે વધારો પણ હોય અને કુટુંબને ખોરાક, શિક્ષણ, માંદગી પાછળની લઘુત્તમ જરૂરિયાત ગણીએ તો, ગામડાંના એ જ કુટુંબો દરિદ્ર ન ગણાય જેની માસિક આવક દસ હજાર રૂપિયા હોય.

8. બીજી તરફ ગામડાંના 17 ટકા પાસે દ્વિ-ચક્રી વાહન અને 11 ટકા પાસે ફ્રિઝ છે. આનો અર્થ એમ છે કે, ભારતનાં ગામડાંઓના કુટુંબોમાંથી બિન-ગરીબનું પ્રમાણ દસ ટકાથી વધુ હશે.

આ હકીકતો એ સત્યને ઉજાગર કરે છે કે, ભારતનો વિશાળ ગ્રામીણ પ્રદેશ વ્યાપક ગરીબીમાં જીવે છે અને જે તત્કાળ ઉકેલ માગે છે. આ ગરીબી પર અસર પહોંચાડવા માટે જાહેર આરોગ્ય અને શિક્ષણ પરનું ખર્ચ વધારવું એ જ અસરકારક ઉપાય છે.

સારા શિક્ષણયુક્ત અને તંદુરસ્ત કામ કરનારાઓ જ ઊંચો વિકાસદર લાવી શકે. સામાજિક વિકાસ પાછળ વધુ અને સમજ ભર્યો જાહેર ખર્ચ અનિવાર્ય છે. આ વાત જોડે સમાધાન થવું ન જોઈએ. અત્યંત હૃદયવેધક હકીકત એ છે કે, એન.ડી.એ. સરકારે આવા સામાજિક વિકાસ પાછળના ખર્ચમાં જબરો કાપ મૂકવાનું મુનાસિબ માન્યું છે. ગામડાંની આવી સ્થિતિ નવ કે દસ ટકાનો વિકાસ દર હાંસલ થતાં આપોઆપ સુધરી જશે. એ ગ્રામીણ ગરીબીનું પ્રમાણ જોતા મૂર્ખાના સ્વર્ગમાં રાચવા જેવું છે. ટૂંકી જમીન ધરાવનારા સરકારના વલણના કારણે અર્ધભૂખમાં જીવે છે તો જે જમીનવિહોણા છે. એની હાલત કેવી હશે? વધુમાં ગણતરી બતાવે છે કે, ભારતનાં ગામડાંમાં આજે ય 23 ટકા કુટુંબો એવાં છે. જેના ઘરમાં 25 વરસથી વધુ ઉંમરની શિક્ષિત વ્યક્તિ નથી.

ગરીબી+નિરક્ષરતા એટલે બધી રીતે વંચિત!

આ હકીકતો પછીએ આપણે ખેતી, ખેડૂત અને ગામડાંમાં વસતાં ભારતીયો વિષે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભારત જ નહીં બચે!

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 23 જુલાઈ 2015

http://www.divyabhaskar.co.in/news/ABH-varavi-reality-not-to-save-the-villages-of-india-will-also-be-saved-5061132-PHO.html?seq=2

Loading

...102030...3,7203,7213,7223,723...3,7303,7403,750...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved