Opinion Magazine
Number of visits: 9552950
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વાધ્યાય અને સંઘર્ષનો ગુણાકાર઼ એટલે સનત મહેતા

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|8 August 2015

સ્વાધ્યાય અને સંઘર્ષનો ગુણાકાર઼ એટલે સનત મહેતા

સનત મહેતાની ઓળખાણ ‘વિકાસ માટે રાજકારણ’ અને ‘ગરીબો માટે અર્થકારણ’ એવી રીતે પણ આપી શકાય

ભરરાજકારણે પણ મોકો મળે તો હાર્વર્ડ સ્કૂલમાં ભણું, એથી હેઠ કંઈ નહીં એવી જિદ સાથે વિશ્વપ્રવાહોનો તાગ મેળવવો પસંદ કરે એવી એક સ્વતંત્રતા-સૈનિક એટલી જ સમાજવાદી કહેતાં વિકાસકર્મી ગુજરાત પ્રતિભા તો એ કે'દીના હતા જ : વિશ્વ ગુજરાત સમાજ આજે એમને ‘ગુજરાત પ્રતિભા’ લેખે પોંખે છે એ તો નેવું નાબાદ સનત મહેતાના કિસ્સામાં એક ઔપચારિકતા માત્ર છે. અલબત્ત, એક એવી ઔપચારિકતા જેનાથી સન્માન અને સન્માનિત બેઉ સાર્થકપણે શોભી ઊઠે. 

બને કે યોજકોએ કદાચ શનિવારની કે એવી કોઈ સગવડ જોઈ હશે, પણ તારીખનો જે જોગાનુજોગ બની આવ્યો છે એય મજાનો છે : 1956ની એ આઠમી ઓગસ્ટ જ તો હતી, જ્યારે મહાગુજરાત આંદોલનનો સૂત્રપાત થયો હતો અને આંદોલનના અવાજ લેખે જૈફ ઇન્દુલાલની વાંસોવાંસ એક યુવા અવાજ, નામે સનત મહેતા, ગુજરાતના જાહેર જીવનના મંચ પર છવાઈ ગયો હતો. હાર્વર્ડ સ્કૂલ અને મહાગુજરાત આંદોલન, સ્વાધ્યાય અને સંઘર્ષ, બેઉનું સાથે લગું સ્મરણ એક રીતે સનત મહેતાનું આખું વ્યક્તિત્વ સુરેખપણે ઉપસાવી આપે છે. વિદ્યાર્થી કાર્યકર તરીકે સન બયાલીસ બાદ ઉભરેલા સનતભાઈનો બાયોડેટા છે પણ ખાસ્સો મજબૂત. બબ્બે વાર રાજ્યના મંત્રીમંડળ પર હોવું, એકાધિક વિધાનગૃહો ગજાવવાં, લોકસભે ઝળકવું, નર્મદા નિગમનું અધ્યક્ષીય સુકાન સંભાળવું. જો કે કોઈ હોદ્દાકીય ઓળખના ખાનામાં એમને નાખવા સહેલ નથી. અને માત્ર આવી ઓળખે જ ખતવાતું હોય તો સનત મહેતાને નિમિત્ત કરીને કોલમકારી હંકારવાનો ય મતલબ નથી.

કદાચ (અગર, કાશ) એ મુખ્યમંત્રી થઈ શક્યા હોત … હયાતીમાં જ શોકપ્રશસ્તિ જેવી તરજ પર એમને વિશે વાત કરવી પણ હું પસંદ ન કરું. 1975ના જૂનની 25મી સરખી જળથાળ રેખા પછી પણ ‘તમે કોંગ્રેસમાં કેમ હતા’ એવી પૃચ્છા લગભગ ટોણાની ઢબે ક્યારેક કરી હોત – અને એમાં કશું ખોટું પણ નહોતું – પરંતુ આજે આ નેવું નાબાદ શખ્સિયતને જરી જુદેસર જોવા મૂલવવાનો અને એ રીતે એમની સન્માનાર્હતાને સમજવાનો ખયાલ છે. ગાંધીનો સાચો વારસ કોણ એ પ્રશ્નના ઉત્તરમાં સનતભાઈ જયપ્રકાશમાં લાંગરતા રહ્યા છે એમાં એમની પોતાની કાર્યભૂમિકાને સમજવાની એક ચાવી રહેલી છે.

સ્વરાજ પછી સમાજવાદીઓએ વિકલ્પની રાજનીતિના ધોરણે વિચાર્યું, અને હાથમાં હોઈ શકતી સત્તાથી કંઈક પરહેજ કરીને ચાલ્યા. સમાજવાદની એમની સમજમાં જો માર્કસનું યોગદાન હતું તો ગાંધીની સુષમા પણ કમ નહોતી.

સત્તાપ્રતિષ્ઠાન સાથે કામ પાડતી વેળાએ એમનાં વૈચારિક વલણો સ્વાતંત્રતાની લડતે સિંચિત અને ગાંધીમાર્કસે સંમાર્જિત રહ્યાં. હવે જાહેર જીવનના સહેજે સાત દાયકે, ચોક્કસ પક્ષમાળખા બહાર સનત મહેતાની ઓળખાણ એમના પોતાના શબ્દોમાં ‘વિકાસ માટે રાજકારણ’ અને ‘ગરીબો માટે અર્થકારણ’ એવી પણ આપી શકાય. સનતભાઈ જે તે પ્રશ્નોને જે રીતે તપાસતા અને યથાપ્રસંગ ઉપાડતા જણાય છે તેમાં તેમને એની ઝલક મળશે. વિદર્ભમાં એક મહિનામાં 125 ખેડૂતોની આત્મહત્યા એ અ‌વશ્ય હેડિંગહાહાકાર ઘટના છે. પણ આપણા ચરિત્રનાયક મથાળે અગર કેવળ સંવેદનકથાએ નહીં અટકતાં ભીતર અને આરપાર જશે. કિસાનને સારુ ધિરાણના સવાલો, કપાસના ખરીદવેચાણના પ્રશ્નો, દેશની કૃષિનીતિની મર્યાદાઓ – તમને વૈચારિક એટલો જ નીતિવિષયક એક સમગ્ર અભિગમ એમની લેખનચર્યામાંથી મળશે.

ખરું જોતાં કોઈ પણ પ્રકારની જાહેર બહસ અને દિલખુલાસ તપાસ વગર દેશ જે રીતે ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના દોરમાં પ્રવેશ્યો છે તે જોતાં આવી સતત ચિંતા અને નિસબતની જરૂરત છે. છેલ્લાં વર્ષોના એમના લેખો કે મહુવા આંદોલનમાં કલસરિયા સાથે સીધી સંડોવણી અને માર્ગદર્શન જેવી સક્રિયતા, આ બધું ધ્યાનથી જોઈએ તો જણાશે કે વૈશ્વિકીકરણની વાસ્તવિકતા પકડીને ગરીબ માણસની ચિંતાયુક્ત આર્થિક વિચારણા અને નીતિઘડતરનું કંઈકે વલણ હાલ ગુજરાતને તખતે એમનું એમ છે. લંડન ઇકોનોમિસ્ટે જેનામાં ‘ધ અધર ગવર્નમેન્ટ ઇન બાંગલાદેશ’નું વિત્ત જોયું તે યુનુસ અને એમની ગ્રામિણ ધિરાણ બેન્કથી ગુજરાતને પરિચિત કરાવવાનો એમનો ઉત્સાહ આ સંદર્ભમાં તરત સાંભરશે.

કોર્પોરેટ માહોલ વચ્ચે પૂર્વ પટ્ટીના આદિવાસીઓને કેન્દ્રમાં મૂકીને વિચારનારા કેટલા ઓછા લોકો હશે? વડોદરાના કવાંટ તાલુકાના આંબાડુંગર પાસેના પહોડામાંથી ફ્લોસ્પાર નામનું ખનિજ નીકળ્યું. ગુજરાત રાજ્ય ખનિજ નિગમ (એ પણ સરકારી કોર્પોરેટ!) ફ્લોસ્પારના કારખાનામાંથી કરોડો કમાયું. એક સનત મહેતાએ પૂછ્યું કે આ વિકાસનો રેલો પેલા કારખાનાની સાવ નજીક આવેલા આંબાડુંગર ગામ સુધી પણ ન પહોંચ્યો એવું કેમ. સહભાગી અને સંપોષિત વિકાસની નવી રાજનીતિ તેમ જ પરંપરાગત રાજકીય અર્થનીતિ વચ્ચે કડીરૂપ હોઈ શકતી એમની સમજ એમને બાકીના ઘણાથી જુદા તારવી આપે છે. એક રીતે, ઔદ્યોગિક ક્રાંતિના બીજા મોજા અને ટેકનોટ્રોનિક ક્રાંતિના ત્રીજા મોજાની સંક્રાન્તિ જાણનારા જૂજ લોકો પૈકી એ છે.

વાત એમ છે કે કોમવાદનો મુદ્દો બાદ રાખો તો રંગઢંગની રીતે કોંગ્રેસ અને ભાજપ એકબીજાનાં રાજકીય અડધિયાં પુરવાર થવાની જીવલગ હોડમાં પડેલાં છે. નવયુગી રાજકારણ માટે એ બંનેની પાત્રતા પ્રશ્નાર્થે ગ્રસ્ત છે. કટોકટી પછીના નવઉઘાડમાં જયપ્રકાશ નામે મેગા માહોલના મેળમાં આપણે ત્યાં ચાલુ રાજકારણની બહારથી ઊભરેલું પરિબળ એનજીઓનું હતું. રજની કોઠારી જેવાઓએ એક તબક્કે એમાંથી નવી રાજકીય પ્રક્રિયાઓ વાટે વિકલ્પ પ્રગટશે એવી આશા પણ સેવી હતી. ફંડિંગ સહિતનાં કારણવશ એનજીઓ પરિબળોએ રાજકીય પ્રક્રિયાઓથી સલામત અંતરનો વ્યૂહ લીધો. પણ એમનું ચોક્કસ અર્પણ હોઈ શકતું હતું તેને આત્મસાત્ કરવાની રગ જેમની કને હોઈ શકે એવા એક રાજકારણી સનતભાઈ છે. 

કેમ કે, એમની ઇનિંગ્ઝ હજુ, પૂરી નથી થઈ, દાવ લેતે લેતે અગર તે લેવાની રીતે જ હૃદયના હક્કથી જાહેર જાસાની પેઠે બે માંગ : જાહેર જીવનના સાત દાયકાના સંસ્મરણોની કથા ઝટ આપો! અને હા, વૈશ્વિકીકરણની દુર્નિવાર પ્રક્રિયા વચ્ચે ‘જોબલેસ ગ્રોથ’ અને હાંસિયામાં મુકાતાં આયખેઆયખાંને અનુલક્ષીને અપેક્ષિત અર્થનીતિ વિશે ગુજરાતને એક હાથપોથી આપો. બંને વાનાં ગુજરાતના હાલના વિમર્શભટકાવમાં કંઈક દુરસ્તીની શક્યતામાં પાથેયરૂપ બની રહેશે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 08 અૉગસ્ટ 2015

Loading

અંતરપટ અવશેષ કરીને

પંચમ શુકલ|Poetry|7 August 2015


ઝીણું પણ ઝડપાઈ જવાનું, ઝીણવટ આવે ત્યારે સાચું,
આચાર અને ઉપચારના ચીલે ચીવટ આવે ત્યારે સાચું.
હાથ હથેવાળો કરવાથી જામોકામી ક્યાં જોડાતું?
ઉછરંગ ભર્યા આ ઉર-મોઝારે ઊલટ આવે ત્યારે સાચું.
અક્ષત, કપૂર, અબીલના રંગે, પંચામૃતે કે રૂ-વાટે,
ખુલ્લા આ આકાશો જેવી ચોખટ આવે ત્યારે સાચું .
ગેરીલા-છાપાઓ જેવું ફાસફૂસિયું કવરાવે છે,
લાગ જોઈને છો આવે પણ લાગટ આવે ત્યારે સાચું.
ઝલક, ક્લ્પના, ગેબીવાણી, રોમહર્ષ સૌ અપરસ જેવાં,
અંતરપટ અવશેષ કરીને પરગટ આવે ત્યારે સાચું.

5/8/2015

હથેવાળોઃ પાણિગ્રહણ, વરકન્યાના જમણા હાથની હથેળી એકબીજાની હથેળીમાં મૂકી ઉપર વસ્ત્ર વીંટવાની ક્રિયા

જામોકામીઃ ચિરંજીવી, અમર, યાવચ્ચંદ્રદિવાકરૌ, કાયમી પ્રકારનું

ઉછરંગઃ ઉમંગ, ઉત્સાહ, ઉલ્લાસ, આનંદ

મોઝારે : અંદરના ભાગમાં, મધ્યે

ઊલટઃ હેત, હોંશ, હરખ, આતુરતા, ઉત્સુકપણું

ચોખટઃ ચોખ્ખાઈ, પવિત્રતા, સ્પષ્ટતા

કવરાવવુંઃ હેરાન કરવું, સતાવવું, થકવી દેવું, કવિતા કરાવવી, વર્ણન કરાવવું

લાગટઃ સતત, અવિરત, એકસામટી રીતે, લગાતાર

અંતરપટ: આડું રાખેલું કપડું, પડદો, કનાત , ભેદ, જુદાઈ

અપરસ : કોઈને અડાય નહિ એવી સ્થિતિમાં હોવું તે, પૂજામાં બેસવા માટે નાહી ધોઈને સ્વચ્છ થયેલ, યથાસ્થાન જે રસ આવવો જોઇયે તે ન આવતાં એને સ્થાને ખોટી રીતે નિરૂપાયેલો રસ

Loading

ઘર એટલે શું ?

પ્રવીણા કડકિયા|Opinion - Opinion|7 August 2015

બે અક્ષરનો  બનેલો આ શબ્દ કેટલો પ્યારો છે. ન તેને કાનાની જરૂર, ન માત્રાની, ન માગે  હ્રસ્વ ઇ કે દીર્ઘ ઈ અરે અનુસ્વારની પણ આવશ્યકતા નહીં. હ્રસ્વ ઉ કે દીર્ઘ ઊની ક્યાં વાત કરવી ! માનવ માત્રનો સ્વભાવ છે, 'ઘર' જે તેનું નિવાસસ્થાન છે. તે તેને અતિ પ્યારું છે. પછી ભલે એ ઝૂંપડી હોય કે મહેલ, બંગલો હોય કે બે ઓરડાનું સાદું રહેઠાણ. નાનપણથી સાંભળતી આવી છું, 'ધરતીનો છેડો ઘર'. આટલાં વર્ષોના અનુભવનો નિચોડ કહે છે , 'ધરતીનું ઉદ્દભવ-સ્થાન ઘર'. જ્યાંથી જીવન યાત્રા શરૂ થાય છે. જીવનના અંતિમ શ્વાસ પણ ત્યાં છૂટે તેવી દરેક મનુષ્યના મનની એષણા હોય છે.

ઘરની વ્યાખ્યા કરવી ખૂબ કપરું કામ છે. જ્યાં વાસ કરીએ તેને ઘર કહેવાય. હવે દરેકને સ્થળ પવિત્ર મતલબ ચોખ્ખું ગમે. આવનાર વ્યક્તિને અંતરના ઉમળકાનો અહેસાસ થાય. જ્યાં ભલે ભભકો ન હોય. સાદગીમાં સત્કાર જણાય. અરે ભલેને જમવામાં બાસુંદી પૂરી ન હોય ! પ્રેમેથી ખીચડી, પાપડ અને અથાણું ભાણાંમાં પિરસાય.

એક વાત યાદ આવી ગઈ, કહ્યા વગર નહીં રહી શકું. એક મિત્ર અમેરિકામાં અઢળક ડૉલર કમાયા. હવે મિત્ર હતા, બીજા શહેરમાં રહેતા હતા. જોગાનુજોગે તેને ત્યાં જવાનો અવસર સાંપડ્યો. હું સામાન્ય વ્યક્તિ. તેમાં પાછી એકલી. આરામથી ફરીને મને ઘર બતાવ્યું. ખૂબ સુંદર અને વિશાળ 'મેન્શન' હતું. ઘરમાં સ્વિમિંગ પુલ, ટેનિસ કૉર્ટ, સાત બેડરૂમ, ૪ ગાડીઓનું મોટું ગરાજ, નોકર માટેનું નાનું મકાન પાછળના ભાગમાં, બે કૂતરા, નાનું માછલી ઘર, મંદિર વગેરે વગેરે. જોવાની મઝા આવી. સાંજ પડી હતી એટલે કહે હવે જમીને જા. મારી પત્ની ધંધા પરથી આવી ગઈ છે. મારે લીધે કૉલેજ મિત્ર વહેલા નીકળી ગયા હતા. જમવાનો ડાઈનિંગ રૂમ ભવ્ય હતો. બાળકો  રજાને કારણે મિત્રો સાથે બહાર મુવીમાં ગયા હતા.

સુંદર ચાઈના, ક્રિસ્ટલના ગ્લાસમાં પાણી આવ્યું. બધી તૈયારી થઈ ગઈ અને અમે ટેબલ પર ગોઠવાયાં. જમવાની શરૂઆત કરી. થાળીમાં પિરસાયેલી વાનગી જોઈ મેં કહ્યું , મિત્ર, આ ઘર તારું ઘણું મોંઘું લાગે છે. તેની પત્ની ટહૂકી, વાત જ ન પૂછો. મારા હિસાબે આ ટાઉનમાં મોંઘામાં મોંઘું ઘર અમારું છે. લોકો જોવા આવે છે.

હવે મારાથી કહ્યા વગર ન રહેવાયું, 'શાક લાવવાના પૈસા તો રાખવા હતાં. 'જમવાની થાળીમાં શાક ગેરહાજર હતું. હવે શું આને ઘર કહીશું હા, ભવ્ય મકાન જરૂર કહીશું . (મેન્શન)

અહીંથી ઘરની યાત્રા શરૂ કરીએ. ઘર માટી, ચૂનો, સિમેન્ટ અને ભીંતોનો મકબરો નથી ! ત્યાં હાલતી ચાલતી, ભાવના ભરેલી વ્યક્તિઓનો વસવાટ છે. જ્યાં પ્યારનો દરિયો લહેરાતો હોય ! જ્યાં આંખમાંથી અમી સરતાં હોય ! વદન પર હાસ્ય યા સ્મિત વિલસી રહ્યું હોય. આવનાર આંગતુકને તેનો અહેસાસ થાય. જ્યાં શુષ્કતાનો સદંતર અભાવ હોય. 'ઘર એટલે મંદિર', મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાવાળા ભગવાન બિરાજ માન છે. જ્યારે ઘરમાં પ્રાણવાળી હાલતી, ચાલતી, લાગણી સભર વ્યક્તિઓનો વાસ છે. જે સવારથી સાંજ સુધી તેમાં વસે છે. રાતે નિશ્ચિંત પણે પથારીમાં યા પલંગ પર લંબાવી શાંતિની નિદ્રામાં પોઢે છે.

જે ઘરમાં 'હનુમાન હડી કાઢે અને ભૂત ભૂસકા મારે' એ ઘરમાં જવાનું કોઈને દિલ નહીં થાય. પછી ભલેને એ ઘર સ્વનું હોય, તેના કરતાં અનેક ઘણું મોટું યા ભવ્ય કેમ ન હોય ? ઘર હોય મ્યુિઝયમ જેવું. માત્ર દેખાવનું સુંદર. સોફા પર બેસવા જઈએ તો કહેશે, 'આ ફોર્મલ સિટિંગ રૂમ છે. આપણે ફેમિલી રૂમમાં બેસીએ.'.

યાદ કરો આપણા તુલસીદાસજીને જેમણે સદીઓ પહેલાં સનાતન સત્ય ઉચ્ચાર્યું હતું,

"આવ નહીં આવન નહીં, નહીં નૈનમેં નેહ
તુલસી વહાં ન જાઈએ ચાહે કંચન બરસે મેહ" !

ઘરની શોભા જેટલી સાદગીમાં છે તેટલી અતિ ભપકામાં નથી. છતાં પણ આ વિષય છે, અપની અપની પસંદગીનો તેમાં બે મત નથી. અમેરિકાથી મુંબઈ જાઉં ત્યારે અચૂક ગામડામાં જવાનો પ્રસંગ ઊભો કરું. ભલે મુંબઈમાં જન્મી, મુંબઈના રસ્તાની ધૂળમાં ખરડાઈ બાળપણ ગુજાર્યું, ગાડીમાં ફરી, સરસ મજાની ફેલોશિપ સ્કૂલ અને વિલ્સન કૉલેજમાં ભણી અમેરિકા આવી. છતાં ગામડાંના ઘરો અને ઝૂંપડાં ખૂબ ગમે છે. ત્યાં વસી રહેલી પ્રજાનો પ્રેમ અને આતિથ્ય સત્કારની ભાવના ઊડીને આંખે વળગે તેવી છે. જઈએ એટલે ઓસરીમાં ખાટલો ઢાળી, કપ રકાબીમાં ચહા પીવડાવે ત્યારે, મુંબઈના 'રેશમ ભવન'ની ચહા તેની આગળ ફીકી લાગે.

બનેલી વાત છે. ભાવનગરના કુંભારવાડામાં ગઈ હતી. જે ત્યાંનો પ્રખ્યાત ઝૂંપડપટ્ટીનો વિસ્તાર છે. આખી જિંદગીનો સ્મરણમાં અંકિત થયેલો પ્રસંગ છે. દીકરી સોનાલીને શાળામાંથી આવવાની વાર હતી. તેના માતા પિતા સાથે વાત કરી રહી હતી. ઝૂંપડપટ્ટીમાં પણ ચોક્ખાઈ અને સુઘડતા આંખે ઊડીને વળગે તેવા હતાં. સોનાલીએ પ્રાપ્ત કરેલી સિદ્ધિઓની તેની માતા ગૌરવભેર વાત કરી રહી હતી. પિતાની આંખોમાં દીકરી પ્રત્યેનો પ્યાર નિતરતો જણાયો. દીકરો કૉલેજમાં અભ્યાસ કરવા શહેરમાં રહેતો હતો. તેમના ઘરમાં જે ઉષ્માનો અનુભવ થયો તેની શું વાત કરું. હૈયે ખૂબ શાતા વળી. ખરેખર 'ઘર' કોને કહેવાય તે જાણ્યું.

ઘરમાં સુસંગતા, ચોખ્ખાઈ વિષેની સભાનતા એ દરેક ઘરમાં રહેતી વ્યક્તિનું કર્તવ્ય છે. આપણા ભારતમાં અને હવે તો અમેરિકામાં નોકરોની છૂટ છે. છતાં પણ નોકર તેની રીતે સાફ સફાઈ કરે અને ઘરની વ્યવસ્થા તેમ જ આકર્ષક ઢબ એ દરેક વ્યક્તિ પર આધાર રાખે.

હવે જ્યારે ઘરની વાત કરીએ ત્યારે માત્ર સજાવટ નહીં ઘરમાં રહેતી દરેક વ્યક્તિનું એક બીજા સાથેનું વર્તન, ઘરના વડીલોનું આગવું સ્થાન એ પણ એટલાં જ મહત્ત્વનાં છે. સાચું કહું તો એ સહુથી અગત્યના છે. ઘરના વડીલોનું માન ન સચવાય એ ઘરને ઘર કહેવું શોભાસ્પદ નથી. ઘરમાં પ્રાણી, નોકર સમાય અને માતા પિતા ઘરડાં ઘરમાં ! જો ભૂલે ચૂકે સાથે રહેતાં હોય તો તેમને જેલમાં રહેવાનો અનુભવ થાય એવા ઘર પણ જોયાં છે.  ખેર, આ વિષય પર દસેક દિવસ પહેલાં એક મિત્ર સાથે વિચાર વિનિમય કર્યો.

'હવે જમાનો બદલાયો છે. ઘરડાં માબાપ ભારે પડે છે. તેમની સેવાચાકરી કરવાનો સમય નથી!'

મારાથી રહેવાયું નહીં, 'માબાપ ભારે પડે છે ? આપણે નાનાં હતાં ત્યારે માબાપે ઘણું કર્યું. કોઈ દિવસ તેમેને ભાર નહોતો લાગ્યો. પ્રેમ આપ્યો હતો'.

'હા, પણ' !

'પણ શું? તેમને સમયની ખેંચ નહીં લાગી હોય ? મારી મમ્મી પાંચ વાગ્યયામાં ઊઠીને ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી.'

'અરે, યાર, મૂકને માથાઝીક, સમય બદલાયો છે !'

'એ જ તો તારી ભૂલ છે. સમય કેવી રીતે બદલાયો છે મને સમજાવીશ, સાંભળ, દિવસ ૨૪ કલાકનો તેમાં ક્યાં ફેર પડ્યો છે ? '

'ના.'

'બરાબર, સૂરજ પૂર્વમાં ઊગે પશ્ચિમમાં આથમે છે રોજ !'

'યાર, સાચી વાત છે'.

'નદી પર્વતમાંથી નીકળી સમુદ્રને મળે.'

'હા, ભાઈ, હા,'

'એ ય, હું ભાઈ નથી, બહેન છું !  બન્ને જણા ખડખડાટ હસી પડ્યાં. વાત આગળ ચાલી. દરેક માતા બાળકને નવ મહિના ઉદરે સાચવે, દીકરો હોય યા દીકરી કોઈ ફરક પડતો નથી.'

'તો શું ?'

'તો મને કહે સમય ક્યાં બદલાયો છે. ૨૧મી સદીના માનવીની 'સોચ' બદલાઈ છે. સમયને બદનામ ન કર. માનવી સ્વાર્થમાં અને આધુનિકતાની દોડમાં અટવાયો છે. જેને કારણે ઘર અને ઘરમાં રહેતી વ્યક્તિઓનું મૂલ્યાંકન કરવામાં થાપ ખાઈ ગયો છે.

મને ખભે ઠપકારીને કહે, 'તારી વાતમાં દમ છે'.

દમને માર ગોલી. ઘર એ એવું સ્થાન છે જ્યાંથી દરેક માનવી બાળ સ્વરૂપે આવી જીવનની દોટમાં શામિલ થાય છે. મુસાફરીનો શુભારંભ ઘરમાંથી શરૂ થઈ પૂરા જગત ભરમાં વિસ્તરે છે. અંતિમ ક્ષણે તે પાછો ઘરના ઉંબરા પર આવીને પ્રાણ ત્યજવાની તમન્ના રાખે છે. ઘર પ્રત્યે માયા અને મમતા બંધાય છે. તેને લાગે છે, જગતમાં જો ક્યાં ય ખરેખર સ્વર્ગ હોય તો તે પોતાના ઘરમાં છે.

ઘરમાં પ્રવેશતા તેને 'હાશકારા'નો અનુભવ થાય છે. જો એ ઘરની ગૃહિણી અને બાળકો સુંદર સંસ્કારમાં ઉછર્યાં હશે તો ? બાકી ઘણી એવી વ્યક્તિઓનો સમાગમ થયો છે. કામ પરથી ઘરે જવાનું નામ આવે એટલે હાંજા ગગડી જાય. ઘરમાં મામલતદાર જેવી પત્ની આખા દિવસનો હિસાબ માગે !

અરે, ભાઈ કામે ગયા છે. બે પૈસા રળશે તો તમને જ જલસા છે. પછી ભલેને પત્ની, પતિને કારણે લાખોમાં ખેલતી હોય. પતિ જાણે પૈસા કમાવાનું મશીન કેમ ન હોય? તેની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો એ ખૂબ ભારે કામ લાગે ! બાળકોની પ્રગતિની વાત કરવી. પત્ની પણ કમાતી હોય તો પોતાના દિવસભરના કાર્યની ચર્ચા કરવી. સાથે બેસી ચહાની મસ્તી માણવી. આ બધા સુખી ઘરનાં લક્ષણ છે. તેને માટે ઘરનું ક્ષેત્રફળ કેટલું છે તે કોઈ મહત્ત્વ ધરાવતું નથી !

ઘરમાં આવીએ ને મુખડું મલકે. સોફા પર બેસીએ ને દિવસ ભરનો થાક ગાયબ. આ છે સુખી ઘરની નિશાની. એમાં પતિ શું કમાય છે તે મહત્ત્વનું નથી. ઘરમાં પ્રેમભર્યું, ઉષ્માસભર વાતાવરણ અગત્યનું છે.

હવે ભલેને ઘરમાં બધું જ હોય, છતાં પણ એ 'ઘર' પ્રત્યે અનાસક્તિ રાખવી તે પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. સનાતન સત્ય છે, જે જીવ આ ધરતી પર પદાર્પણ કરે છે તેને એક દિવસ, વહેલાં કે મોડાં વિદાય થવાનું છે. જેટલી ઘર પ્રત્યે આસક્તિ વધારે તેટલી દુનિયા ત્યજતી વખતે યાતના વધારે. આ દુનિયા મુસાફરખાનું છે. સહુએ અહીંથી ઉચાળા ભરવાના છે. મને કે કમને એ અગત્યનું નથી.

'જબ તક સાંસ તબ તક આશ'. જ્યાં સુધી આ જીવન છે. ઘરમાં શાંતિથી જીવીએ છીએ. જીવન યથાર્થ બનાવીએ છીએ. ત્યાં સુધી આ 'ઘર' આપણને પ્યારું છે. રહેશે તે હકીકત સ્વીકારી તેનો ખુલ્લા દિલે એકરાર કરીએ.

અંતમાં, 'ઘરને ઘર જેવું બનાવીએ ! જેમાં પ્યારનો પવન વાતો હોય. આનંદનો અવધિ લહેરાતો હોય.  મિત્રતાની મહેક ફેલાતી હોય. પ્રગતિનાં પગથિયાં પર પ્રયાણ હોય. ઉન્નતિના ઊંચા મીનારા હોય. અતિથિને આદર મળતું હોય. વડીલો વહાલ પામતાં હોય. પતિ અને પત્નીમાં પાવન રિશ્તો હોય. બાળકો બધાંને સંવારતા હોય' !

e.mail : pravina_avinash@yahoo.com

Loading

...102030...3,7123,7133,7143,715...3,7203,7303,740...

Search by

Opinion

  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?
  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved