Opinion Magazine
Number of visits: 9552589
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Modi SarkarnuM Andaajpatra : Aane Aayojan Kahevay Kharun ?

સનત મહેતા|Samantar Gujarat - Samantar|27 August 2015

મોદી સરકારનું અંદાજપત્ર : આને આયોજન કહેવાય ખરું ?

નોંધ :- લેખ મોકલવામાં વિલંબ કે ચૂક ન થાય, તેની ભારે ચીવટ રાખતા સનતભાઈએ તેમની વિદાય પહેલાળ આ લેખ તૈયાર કરી રાખ્યો હતો, જે તેમના અવસાન પછી તેમના છેલ્લા લેખ તરીકે પ્રગટ થઈ રહ્યો છે. સનતભાઈની નિસબતને-ચીવટને આખરી સલામ.

શિક્ષણ અને આરોગ્યની બાબતમાં લોકો જાહેર સેવાઓને બદલે ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ તરફ વળી રહ્યા છે

ભારતના અંદાજપત્રનો પ્રથમ ત્રિમાસિક ગાળો પૂરો થઈ ગયો છે. એટલે હવે એનાં પરિણામો આવવાં શરૂ થશે. મોદી સરકારનાં પ્રથમ બે અંદાજપત્રનું પૃથક્કરણ બતાવે છે કે તેમાં સામાજિક વિકાસનાં પાસાંને નજરઅંદાજ કરવામાં આવ્યું છે. ભારત, આમ પણ  સામાજિક વિકાસ માટે વિશ્વના પ્રગતિશીલ રાષ્ટ્રોની  તુલનામાં ઓછો ખર્ચ કરતું આવ્યું છે. વર્ષ 2012માં ભારતે શિક્ષણ અને આરોગ્ય પાછળ એના જી.ડી.પી.ના  માત્ર 7.4 ટકા ખર્ચ કર્યો હતો. અફઘાનિસ્તાન આરોગ્ય અને શિક્ષણ પાછળ 8 ટકા ખર્ચ કરે છે અને નેપાળનો  જાહેર આરોગ્ય અને શિક્ષણ માટે માટેનો ખર્ચ 10 ટકા છે.

આવા વૈશ્વિક સંદર્ભમાં, આ વરસના અંદાજપત્રકમાં પાછલાં વરસોની તુલનામાં સમાજકલ્યાણના વિવિધ પાસામાં મૂકાયેલા કાપ ન સમજાય તેવા અને ભારતના વિકાસના ઘડિયાળના કાંટાને પાછા મૂકવાની પ્રક્રિયા  સમાન છે. આરોગ્યનો દાખલો લઈએ. 2011-12 માં આરોગ્ય માટેની ભારતની બજેટ જોગવાઈ રૂ.17,840 કરોડ હતી, જે ગયે વરસે રૂ.22,000 કરોડ કરાઈ હતી. આને ઘટાડી આ વરસે આ રૂ.18,000 કરોડ કરાઈ છે. ટકાવારીની દૃષ્ટિએ સૌથી મોટો કાપ આ વરસના બજેટમાં સર્વશિક્ષા અભિયાનની જોગવાઈમાં કરાયો છે. આ માટે રૂ.22,000 કરોડની કરાયેલી જોગવાઈ 22 ટકાનો કાપ બતાવે છે. મધ્યાહ્ન ભોજન માટેની આ વરસની જોગવાઈ 2009-10ના વરસ જેટલી છે. બજેટમાં થયેલ ખર્ચની જોગવાઈ સાથે કરવેરાના ફેરફારોનો કયાસ કાઢીએ તો ચાલુ વરસે બજેટની 98 દરખાસ્તો એવી છે કે જેમાં કસ્ટમ ડયુટીમાં એના વપરાશકારોને લાભ અપાયો છે. આમાં કેટલીક રાહત ઉદ્યોગ અને ખનિજને લગતી છે. ધારો કે આવી રાહત રોજગારી વધારવા અપાઈ હોય. આ સિવાય કેટલાંક પ્રાણીઓ, વૃક્ષો, છત્રી, કૃત્રિમ ફૂલો, તમાકુને અપાયેલી છૂટછાટ ન સમજાય તેવી છે. 

સૌથી વધુ આશ્ચર્ય અને આઘાત પહોંચાડે તેટલી રાહત સોનું અને હીરા-ઝવેરાત ઉદ્યોગને રૂ.75,000 કરોડની અપાઈ છે. આ રાહત સર્વશિક્ષા અભિયાન, મધ્યાહ્ન ભોજન અને આરોગ્ય માટે કરાયેલ કુલ ખર્ચની જોગવાઈ કરતાં વધુ છે. કદાચ આની પાછળનું રોકાણ આ ક્ષેત્રમાં મળતી રોજગારી અને નિકાસ કરાણભૂત હોય. પણ, સવાલ એ થાય છે કે રોજગારી અને નિકાસમાં આના જેવું જ યોગદાન આપનાર બીજા આવા ઉદ્યોગધંધાને આવો કરલાભ કેમ નથી મળ્યો? દાખલા તરીકે કાપડઉદ્યોગ ૪૫૦ થી ૬૦૦ લાખને રોજગારી આપે છે અને નિકાસમાં એવો જ હિસ્સો આપે છે. એને માત્ર રૂ 16,000 કરોડની રાહત મળી. રોજગારીમાં હીરા ઝવેરાત ઉદ્યોગ ૩૦ લાખને રોજગારી આપે છે એ નોંધવુ રહ્યું. સાક્ષરતા, આરોગ્ય, શિક્ષણ વગેરે સામાજિક વિકાસની જોગવાઈ બજેટમાં કમી કરવા પાછળ એક કારણ નાણાંમંત્રીએ એ આપેલું  કે આ વખતે કેન્દ્ર સરકારે નાણાં પંચની ભલામણોનો સ્વીકાર કરી મોટી રકમની ગ્રાન્ટ રાજય સરકારોને ફાળવી છે. ઉપરાંત નાણાંમંત્રી માને છે કે આમાંની કેટલીક યોજનાઓમાં કરાયેલ  કાપ, રાજય સરકારો નાણાંપંચની ભલામણોના કારણે મળેલ ગ્રાન્ટમાંથી ખર્ચ કરી સરભર કરશે.

આમાં એવું બન્યું છે કે, વડાપ્રધાને આયોજનપંચને વિખેરી નીતિ આયોગની રચના કરી છે. નીતિ આયોગે કેન્દ્રિય યોજનાઓ ઘટાડી રાજયને એ યોજના સોંપવા માટે, કઈ યોજના કેન્દ્રિય અને રાજયહસ્તક રાખવી એનો નિર્ણય કરવા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના અધ્યક્ષપદે રાજયોના મુખ્યમંત્રીઓની સમિતિ  બનાવી છે.  સમિતિની એકાદ બેઠક થઈ છે. પણ આખરી નિર્ણય થયો નથી. એટલે નાણાંમંત્રીને પૂરક માગણીઓ મૂકી વધારાના રૂ.19,000 કરોડ ફાળવવા પડયા છે. આ પૂરક માગણીમાં ‘મનરેગા’ને વધારાના રૂા.7 હજાર કરોડ; સ્વચ્છ ભારત મિશનને રૂ.1,500 કરોડ, પીવાના પાણી માટે વધારાના રૂ.1,000 કરોડ, યુનિસેફની આઈ.સી.ડી.એસ.-બાળવિકાસ યોજના માટે રૂ.3,600 કરોડ અને પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજના માટે રૂ.4,495 કરોડ મુખ્ય છે. ત્રણ વાત આમાંથી સમજવા જેવી છે. એક. મનરેગા યોજના, જેને વિશ્વબેંકે  દુનિયાની સૌથી મોટી રોજગાર યોજના ગણાવી, પણ જેને વડાપ્રધાને કોંગ્રેસ શાસનની નિષ્ફળતાની પ્રતીક ગણાવી હસી કાઢી તે જ યોજનાની બજેટ મંજૂર થયાના ત્રણ માસમાં જ જોગવાઈ વધારવી પડી. બે. જેને વડાપ્રધાને પોતાની નવી યોજના ગણાવી છે તે સ્વચ્છ ભારતમાં જોગવાઈ વધારવી પડી છે. સ્વચ્છ ભારત માટે ભા.જ.પ.ના પહેલાં અંદાજપત્રમાં રૂ.2,850 કરોડ ફાળવાયેલા. પછી 2015-16ના બીજા બજેટમાં નજીવો વધારો કરી રૂ.3625 કરોડ કરાયા અને બજેટ પછી હમણાં વધારો કરી સ્વચ્છ ભારત માટે રૂ.5,125 કરાયા. આને આયોજન કહેવાય ખરું ?

ત્રણ. ’બેટી બચાવ, બેટી ભણાવ’ એ માટે 2014-15 ના બજેટમાં રૂ.628 કરોડ ફાળવાયા હતાઃ પણ, 2015-16 ના બજેટમાં કોઈ ફાળવણી જ નહોતી કરાઈ. હવે, પૂરક માગણીમાં માત્ર રૂ.400 કરોડ ફાળવાયા છે. બાકીનું કામ મોદીજીની ઘોષણામાંથી થઈ જશે? આ બધી કરરાહત, ખર્ચની જોગવાઈ જેવી સવાલ જન્માવે છે કે, નાણાંમંત્રીએ રજૂ કરેલ અંદાજપત્રક કોને માટે ઘડાયું છે અને કયાં લક્ષ્યાંકો પાર પાડવા માગે છે? તાજેતરનાં રાષ્ટૃીય સર્વેક્ષણ સંસ્થાનાં સર્વેક્ષણ બતાવે છે કે શિક્ષણ અને આરોગ્યની બાબતમાં લોકો જાહેર સેવાઓને બદલે ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ તરફ વળી રહ્યા છે. શિક્ષણક્ષેત્રે આવું વલણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ સરખું છે. આરોગ્યસેવામાં લગભગ 70 ટકા લોકો ખાનગી ક્ષેત્ર તરફ ઝૂકી રહ્યાં છે. આ પસંદગીના કારણે હોસ્પિટલની આંતરિક સેવાનો લાભ લેનાર સરકારી સેવાની તુલનામાં ચાર ગણાં વધુ નાણાં ખર્ચે છે. આ નાણાં લાભ લેનારને પોતાના ગજવામાંથી ખર્ચવા પડે છે. કારણ માંડ 13 ટકા લોકો આરોગ્ય વીમા યોજના નીચે આવરી લેવાયા છે. આવો વધારાના ખર્ચનો બોજ ધીમે ધીમે સામાન્ય માનવીના ભરણપોષણના કાપમાં પડી રહ્યો છે.

પરિણામે વિશ્વના આફ્રિકા સહિતનાં કેટલાંક રાષ્ટ્રો કરતાં ભારતમાં પાંચ વરસની ઉંમરના બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘણું વધતુ જાય છે. એનું સીધું પરિણામ એ આવે છે કે, આર્થિક સમૃદ્ધિ વધવાને કારણે ગરીબીની રેખાથી ઉપર ઊઠનારાં કુટુંબો અચાનક આવેલી માંદગીના ખર્ચના બોજના કારણે ફરી ગરીબીની રેખા નીચે ધકેલાઈ જઈ રહ્યાં છે. અંદાજપત્રકમાં સામાજિક સેવાઓ માટેના નાણાંની ફાળવણીમાં કાપ મૂકવાની નીતિ અંતે રાષ્ટ્રમાં ગરીબીનું પ્રમાણ વધારવામાં પરિણમી રહી છે. આરોગ્યની સેવાઓ ખાનગીક્ષેત્રને સોંપવાની  નીતિના  વિશ્વમાં કે ભારતમાં જયાં જયાં પ્રયાસો થયા એ બધા નિષ્ફળ નીવડયા છે. ખાનગીક્ષેત્રને કોઈ પણ ક્ષેત્રે દાખલ થવાનું મૂળભૂત આકર્ષણ નફો હોય છે.

આખરે આપણે જ સમજવાનું રહ્યું કે બજેટ કોના કલ્યાણ માટે ઘડાયું છે?

સૌજન્ય : ‘સર્વેક્ષણનું તારણ’, “દિવ્ય ભાસ્કર”, 27 અૉગસ્ટ 2015

Loading

Janataani PrivacymaM DNAnI Daraa

રાજ ગોસ્વામી|Opinion - Opinion|26 August 2015

જનતાની પ્રાઇવસીમાં DNAની દરાર

જંગલી જીવનમાં આ જ તફાવત છે. જંગલમાં બધું જ સાર્વજનિક હોય છે. નિજતા, ગોપનીયતા અથવા પ્રાઇવસી એ સામાજિકતાની નિશાની છે.

આધાર યોજના હેઠળ દેશના તમામ નાગરિકોનો જે બાયોમેટ્રિક્સ ડેટા એકઠો કરવામાં આવશે તેમાં સંવૈધાનિક નિજતા અધિકાર(ફંડામેન્ટલ રાઇટ ટુુ પ્રાઇવસી)નો ભંગ થાય છે કે નહીં તે અંગે સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહેલા કેસમાં બાયોમેટ્રિક્સ યોજનાનો બચાવ કરતા નરેન્દ્ર મોદીની સરકારે તાજેતરમાં અદાલતને એવું કહ્યું હતું કે સંવિધાનના મૂળભૂત અધિકારોમાં પ્રાઇવસીના અધિકારનો સમાવેશ થતો નથી.

આધાર બાયોમેટ્રિક્સ યોજનાની કાનૂની યોગ્યતાને પડકારતી અરજીઓની સામૂહિક સુનાવણી દરમિયાન દેશના એટર્ની જનરલ મુકુલ રોહતગીએ 1950માં સર્વોચ્ચ અદાલતનો એક આદેશ ટાંક્યો હતો જેમાં નિજતાનો અધિકાર એ સંવૈધાનિક મૂળભૂત અધિકાર નથી એવું ઠરાવવામાં આવ્યું હતું.

સંવિધાનમાં નિજતાના અધિકાર(રાઇટ ટુ પ્રાઇવસી)નો કોઇ ઉલ્લેખ નથી તે વાત સાચી છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા, જીવન, દેશની અંદર સ્થળાંતર, ધાર્મિક માન્યતા વગેરે જેવા મૂળભૂત અધિકારો જેમ અમુક મર્યાદાઓને અધીન હોય છે તેવી જ રીતે રાઇટ ટુ પ્રાઇવસી પણ અમુક દાયરાઓને અધીન છે એવી સરકારની દલીલ છે. સર્વોચ્ચ અદાલતના છેલ્લા બે દાયકાના (1950ના પેલા ચુકાદા પછીના) અનેક ચુકાદાઓ કે તારણોમાં રાઇટ ટુ પ્રાઇવસીને મૂળભૂત અધિકાર માનવામાં આવ્યો છે. સરકારે આ તમામ નિષ્કર્ષ પર પુન:વિચારણા કરવાની પણ માગણી કરી છે.

કર્ણાટકની ઉચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ કે.એસ. તુદ્રાસ્વામી અને સિટિઝન્સ ફોરમ ફોર સિવિલ લિબર્ટીસ જેવા અરજદારોએ આધાર યોજનાની કાનૂની વૈધતાને સર્વોચ્ચ અદાલતમાં પડકારીને કહ્યું કે બાયોમેટ્રિક્સ ડેટા એકઠો કરવાનું કામ નાગરિકોની પ્રાઇવસીમાં દખલઅંદાજી કરવા સમાન છે. બાયોમેટ્રિક્સ યોજના સામે એવો ડર વ્યક્ત થઈ રહ્યો છે કે લોકોનો વ્યક્તિગત ડેટા સરકારના અમુક વિભાગો અને પ્રાઇવેટ સેક્ટર પાસે જઈ રહ્યો છે. આ ડેટા પર કોઈ નિગરાની નથી અને એના ગેરઉપયોગની સંભાવના છે.

આધાર યોજના આમ તો સ્વૈચ્છિક છે પરંતુ સરકારની ઘણી યોજનાઓમાં આધાર નંબર ફરજિયાત છે જેથી આધાર કાર્ડ મેળવવું એક રીતે ફરજિયાત બની ગયું છે. આ કાર્ડ માટે માહિતી એકઠી કરવા એન.જી.ઓ., પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ રોકવામાં આવી છે. આ ડેટા કોઈના પણ હાથમાં જઈ શકે છે. ટેક્નોલોજીના વિકાસ અને વહીવટી અડચણોને લઈને સરકાર એની યોજનાઓ અને કાર્યક્રમો માટે ઇન્ટરનેટ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહી છે. નાગરિકોનો અંગત કહી શકાય એવો વિશાળ ડેટા આવા પ્લેટફોર્મ પર પડેલો હોય છે. જન્મતિથિથી લઈને બ્લડ ગ્રૂપ જેવી અંગત માહિતીની પ્રાઇવસીનો નાગરિકને અધિકાર નથી એવી મોદી સરકારની દલીલ જોખમી એટલા માટે છે કે સરકાર હ્યુમન ડી.એન.એ. પ્રોફાઇલિંગ બિલ પસાર કરવાનો પ્રયાસ કરી રહી છે. અદાલતી અને પોલીસની કાર્યવાહીમાં ઓળખ સાબિત કરવા માટે આ હ્યુમન પ્રોફાઇલિંગ એક સશસ્ત્ર ટેક્નોલોજી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગત રસ લઈને આ બિલને કાનૂની સ્વરૂપ આપવા પ્રયાસ કરી રહ્યા છે.

ક્રિમિનલ ફોરેન્સિક અને બિન ફોરેન્સિક કાર્યવાહીમાં સંબંધિત વ્યક્તિ કે વ્યક્તિઓનો ડેટા સરકારી એજન્સીઓ માટે ખાસ્સો હાથવગો સાબિત થાય તેમ છે. સરકાર આ બિલ મારફતે નેશનલ ડી.એન.એ. ડેટાબેંક ઊભી કરવા માગે છે. અકસ્માત કે દુર્ઘટનાનો શિકાર થયેલા કે ખોવાઈ ગયેલા લોકોની ઓળખાણ, અદાલતમાં ચાલતા વિવિધ દાવાઓ, વાલી-વારસદાર વિવાદ, સ્થળાંતરને લગતા મુદ્દાઓ, વસ્તીના આંકડા કે આઇડેન્ટિફિકેશન રિસર્ચ જેવી બાબતોમાં આ ડેટાબેંકની મદદ લેવાનો સરકારનો હેતુ છે. આ ડેટાબેંકના સેમ્પલમાં વ્યક્તિનાં જનનાંગોના ટિસ્યુથી લઈને વિડિયોફોટોગ્રાફી જેવા ડેટા પણ હશે.

આધાર કાર્ડ, ડી.એન.એ. પ્રોફાઇલિંગ અને સરકારની ત્રીજી એક મહત્ત્વાકાંક્ષી યોજના નેશનલ ઇન્ટેિલજેન્સી ગ્રીડને તમે જો સરકારની દલીલ ‘રાઇટ ટુ પ્રાઇવસી એ સંવૈધાનિક અધિકાર નથી’ સાથે જોડો તો દાખલો એવો બેસે કે તમારી આંખના રંગથી લઈને તમારા શરીરમાં કેવા પ્રકારના જીન્સ છે તે તમામ માહિતી સરકારની 11 જેટલી એજન્સીઓ, જેવી કે રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ, ઇન્ટેિલજન્સ બ્યુરો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ, નેશનલ ઇન્વેિસ્ટગેશન એજન્સી, સી.બી.આઇ., ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેિલજન્સ અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો પાસે હશે.

એટલે તમે રેલ કે હવાઈ મુસાફરી કરો, ઇન્કમટેક્સ ભરો, ફોન કોલ્સ કરો, બેંક ટ્રાન્ઝેક્શન કરો, ક્રેડિટ કાર્ડ વાપરો, સંપત્તિની આપ-લે કરો, ઇમિગ્રેશન પેપર્સ ભરો કે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવો તે તમામ ગતિવિધિ આમાંની કોઈપણ એજન્સીની નજરમાં હશે. નાગરિકોની તમામ ગતિવિધિઓ પર નિગરાની રાખતી આ એજન્સીઓ કોને અને કેવી રીતે જવાબદેહ હશે એની કોઈ સ્પષ્ટતા નથી. 2010માં નેશનલ ગ્રીડની યોજના માટે કેબિનેટની સિક્યુરિટી કમિટીની બેઠક મળી ત્યારે તેમાં આ માહિતીઓનો રાજકીય હેતુસર ગેરઉપયોગ થવાનો ભય વ્યક્ત કરાયો હતો. તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહે ત્યારે નાગરિકોની પ્રાઇવસીનું રક્ષણ કરવા માટે પૂરતો બંદોબસ્ત કરવાનું સૂચન કર્યું હતું.

ત્યારથી લઈને આજ સુધી લોકોના સંવેદનશીલ ડેટાની ગુપ્તતા અને સુરક્ષા અંગેના સવાલો અનુત્તર રહ્યા છે. ચિંતા એ વાતની છે કે ટેક્નોલોજિકલ પ્લેટફોર્મ પર પડેલી માહિતી ક્યારે ય નાબૂદ થતી નથી એટલે તમે 25 વર્ષની ઉંમરે કોઈક ખોડ ખાંપણથી પીડાયેલા હો (અને તમે 50 વર્ષની ઉંમરે સંપૂર્ણપણે ફિટ હો) તો એ વાત ‘મેરા બાપ ચોર હૈ’ની જેમ કાયમ માટે જડાયેલી રહે. તમે ભૂતકાળમાં સાઇક્યિાટ્રિક સારવાર લીધી હોય કે એક્સ્ટ્રા મેરિટલ સંબંધ માટે કોર્ટનાં ચક્કર કાપી આવ્યા હો તો એ માહિતી પણ એજન્સીઓના ખિસ્સામાં હશે.

તમારી અને સરકાર વચ્ચે આ પ્રકારનો સંબંધ હોય, જ્યાં તમારી તમામ ગોપનીય માહિતી એજન્સી પાસે હોય અને તમને એના ઉપયોગ (કે ગેરઉપયોગ) અંગે કશી જ ખબર ન હોય, એ હકીકત જ અકળાવનારી છે. આ યોજના પર સરખી ચર્ચા થાય તે પહેલાં સરકારે આ ડી.એન.એ. ડેટા વિશ્લેષણ માટે અમેરિકાની તપાસ સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેિસ્ટગેશન પાસેથી એક વિશેષ પ્રકારનું સોફ્ટવેર ખરીદવાની સમજૂતી પણ કરી લીધી છે.

ડી.એન.એ. ટેક્નોલોજીના વિશેષજ્ઞ, વૈજ્ઞાનિક અને કાનૂની નિષ્ણાતો ડી.એન.એ. સેમ્પલની સચ્ચાઈ વિશે પણ સંદેહ વ્યક્ત કરી રહ્યા છે. આમાં સૌથી મોટું ઉદાહરણ દિલ્હીનો આરુષિ હત્યાકાંડ છે જેમાં ડી.એન.એ. સેમ્પલ લેતી વખતે થયેલી ગરબડના કારણે પૂરી તપાસ અધ્ધર લટકી ગઈ હતી. અમેરિકા અને બ્રિટનમાં ડી.એન.એ. પ્રોફાઇલિંગની ગોપનીયતા અને સચ્ચાઈને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે. ભારતમાં એને લઇને ઢંગની ચર્ચા પણ થઈ નથી.

આમાં ગોપનીયતા ઉપરાંત પૂરી યોજનાનું બજેટ કેટલું છે અને એમાં કેટલી અને કેવી ટેક્નોલોજીનો ઉપયોગ થશે તે પણ સ્પષ્ટ નથી. આધાર કાર્ડની યોજનાના ચાર વર્ષ પછી પણ એના બજેટથી લઈને એની વ્યવસ્થા સંબંધી કેટલા ય સવાલો અનુત્તર છે. દુનિયાભરમાં આવી યોજનાઓ પર બહુ વિરોધ અને વિવાદ થયા છે. માનવાધિકાર સંગઠનો આને લોકતંત્ર માટે જોખમી માને છે. અમેરિકાએ સુરક્ષા માટે થઈને આવી સખત યોજનાઓ બનાવી તે પછી પણ આતંકવાદ પર નિયંત્રણ આવી શક્યું નથી. સુરક્ષાનાં કારણોને આગળ ધરીને સરકાર પોતાના જ લોકોની જાસૂસી કરે એવી વ્યવસ્થા જ લોકોમાં અસુરક્ષા અને ભય પેદા કરવા પૂરતી છે. ભારતમાં રાજનૈતિક હેતુઓ માટે વિરોધીઓના ફોન ટેપ કરવાની ‘ગૌરવશાળી’ પરંપરા બહુ જૂની છે. તેવા સંજોગોમાં સત્તાધારી સરકાર ડી.એન.એ. પ્રોફાઇલિંગ હેઠળના વિશાળ ડેટાબેંકનો રાજકીય આશયથી ઉપયોગ કરે તેવી સંભાવના અસ્થાને નથી.

ભારતમાં આઇ.ટી. એક્ટ, 2008 હેઠળ શંકાના આધારે કોઈ પણ વ્યક્તિના ફોનને સીમિત સમય સુધી ટેપ કરી શકાય છે. મઝાની વાત એ છે કે બ્રિટિશ શાસનના સમયમાં બનાવાયેલા ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટમાં આમ લોકોની પ્રાઇવસીની પૂરતી તકેદારી રખાઈ હતી. એ કાનૂન પ્રમાણે સુરક્ષા અથવા તો કટોકટી જેવી સ્થિતિમાં જ ફોનથી જાસૂસી કરી શકાતી હતી. 2008માં સુધારિત એક્ટ પ્રમાણે સરકાર હવે કોઈ પણ બાબતની તપાસમાં શંકા પડે તો ફોન ટેપ કરાવી શકે છે.

મશહૂર અમેરિકન લેખક એન રેન્ડે કહ્યું હતું કે સમાજ જ્યારે પ્રાઇવસી તરફ પ્રગતિ કરે ત્યારે એની સભ્યતા વધુ ઘનિષ્ઠ થતી જાય. સંગઠિત સમાજ અને જંગલી જીવનમાં આ જ તફાવત છે. જંગલમાં બધું જ સાર્વજનિક હોય છે. નિજતા, ગોપનીયતા અથવા પ્રાઇવસી એ સામાજિકતાની નિશાની છે. સરકાર, પછી તે ગમે તે પક્ષની હોય, હંમેશાં પોલીસ સ્ટેટના પક્ષમાં હોય છે જેમાં આમ લોકોની તમામ બાબતો પર સરકારની નજર કે નિયંત્રણ હોય. પ્રાઇવસીનો મતલબ એ કે વ્યક્તિ ખુદ નક્કી કરે કે કેટલી હદ સુધી એ પોતાને બીજી વ્યક્તિ સાથે વહેંચે અથવા શેર કરે. સરકારને જે રીતે લોકોના ડી.એન.એ.થી લઈને પરિવાર સુધીની માહિતી પોતાના નિયંત્રણમાં લેવા માગે છે તેમાં આપણે સાર્વજનિક, જંગલ જીવન તરફ આગળ વધતા હોઈએ તેવું લાગે છે.

e.mail : rj.goswami007@gmail.com

http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5092262-NOR.html

Loading

Greeceni Behaali : Aarthik-Rajkiya SammishranonuM Du:swapna

રોહિત શુક્લ|Opinion - Opinion|25 August 2015

ગ્રીસની બેહાલી : આર્થિક-રાજકીય સંમિશ્રણોનું દુઃસ્વપ્ન

——————————————————————————

પ્લેટો, એરિસ્ટોટલ, સોક્રેટિસ, સિકંદર વગેરે જેવાં કેટકેટલાં ભવ્ય નામો, વિચારો અને કર્મો ગ્રીસ સાથે સંકળાયેલા છે! ઈ.સ. પૂર્વે ચારેક હજાર વર્ષના કાળથી એથેન્સ, જગતના પ્રવાહોને ઓળખી અને નાણી રહ્યું છે. આ દેશના પાટનગર એથેન્સમાં ઈ.સ. પૂર્વે પાંચમા સૈકાનાં સ્થાપત્યો આજે પણ ઊભાં છે. ભારતની જેમ ગ્રીસમાં પણ અનેક દેવી-દેવતાને પૂજવામાં આવતા અને તેમનાં ચમત્કારોથી ભરપૂર અનેક કહાનીઓ છે. પરંતુ આ ગ્રીસ અકલ્પ્ય એવી આર્થિક તાણમાંથી ગુજરી રહ્યું છે. જ્યાં આર્થિક તાણ હોય ત્યાં રાજકીય અને સામાજિક પ્રતિભાવો જન્મે એ સાવ સ્વાભાવિક જ ગણાય.

૧૯૭૪માં ગ્રીસ લશ્કરી શાસનમાંથી મુક્ત બન્યું તે પછી તેનો આર્થિક વૃદ્ધિનો દર સારો એવો ઊંચો રહ્યો. ૧૯૯૯માં તે યુરોપિય સંઘનું સભ્ય બન્યું. તે પછી લગભગ એક દાયકા સુધી તેનો આર્થિક વૃદ્ધિનો દર ઊંચો જ રહ્યો.  છેક ૨૦૦૯ સુધી તે લગભગ ૪.૨ ટકાના દરે વધતું રહ્યું. યુરોઝોનના અન્ય સાથી દેશોની વૃદ્ધિ આટલી ઊંચી ન હતી.

આવા ગ્રીસમાં આજે અકલ્પ્ય હાલાકી પ્રવર્તે છે. તેના યુવાધનના લગભગ ૬૦ ટકા લોકો બેકાર છે. એથેન્સ જેવા ભવ્ય અને પૌરાણિક શહેરમાં દર અગિયારે એક વ્યક્તિ સદાવ્રત ઉપર નભે છે. બે લાખ લોકોના માથે છાપરું નથી. ૨૦૦૯થી ૨૦૧૫ સુધીમાં એઈડ્‌ઝના દરદીઓની સંખ્યામાં બસો ટકાનો વધારો થયો છે. સ્વાસ્થ્ય અને શિક્ષણ સહિતની વ્યવસ્થાઓ લગભગ ભાંગી પડી છે. ગ્રીસ જેવા યુરોપના એક વિકસિત દેશની આવી હાલત કેમ થઈ ? ૨૦૦૯ સુધી ઝડપથી વધતું અર્થતંત્ર આટલું બધું અને આટલી ઝડપથી કેમ કથળી ગયું તે પ્રશ્ન વિચારવાનો થાય છે.

છેક ૧૯૮૯માં મિલ્ટન ફ્રીડમેન અને પોલ ક્રુગમાન જેવા અર્થશાસ્ત્રીઓએ યુરોઝોનની રચના સામે ચેતવણી ઉચ્ચારી હતી. તેમનો મુદ્દો એ હતો કે વિવિધતા ધરાવતા યુરોપીય દેશોને યુરો જેવા એક જ ચલણમાં, સાંકળવાની નીતિ ભૂલભરેલી છે. મિલ્ટન ફ્રિડમેન તો તેમની શિકાગો સ્કૂલ દ્વારા નવ્ય મૂડીવાદના મુખ્ય મઠાધીશ તરીકે જાણીતા હતા. આમ છતાં, યુરોપમાં ઉભરેલા નવ્ય મૂડીવાદમાં પણ એક જ ચલણના વિચારનો તેમણે વિરોધ કર્યો હતો.

તાજેતરનાં કેટલાક બનાવો અંગે ઉપર ટપકે વિચાર કરવા જઈએ તો ગ્રીસની આ કમનસીબી નવ્યમૂડીવાદ – ખાસ કરીને વૈશ્વિકીકરણ સંદર્ભમાં એક જ ચલણ લાગુ કરવાના સંમિશ્રણનો એક બનાવ જણાય છે. આ બનાવને કારણે મૂડીવાદની ભવ્યતા ઝાંખી પડતી નથી એમ દલીલ થઈ શકે. પરંતુ આ તાત્ત્વિક ચર્ચા ઉપર આવતા પહેલા ગ્રીસમાં કટોકટી ઊભી કરનારા કેટલાક બનાવો ભણી નજર નાંખીએ :

ગોલ્ડનમેન સાખ્સ અમેરિકાના નાણાં વર્તુળોનું એક પ્રચંડ નામ છે. ૨૦૦૮ની અમેરિકન મંદીમાં આ કંપની તો ડૂબી જ પણ તેણે અન્ય અનેકને ડૂબાડ્યા પણ ખરા. પણ ગ્રીસ અને યુરોપના અન્ય કેટલાક દેશો જેવા કે સ્પેન, ઈટાલી, લેટીવિયા વગેરેમાં આ નામ એક જુદા જ કારણસર કુખ્યાત બન્યું છે. ગ્રીસને તેણે ખોટા હિસાબો કેવી રીતે રજૂ કરાય તે શીખવ્યું. (અન્ય કેટલા દેશોને આવું શીખવ્યું છે તે હજુ બહાર આવ્યું નથી.) આવા ખોટા હિસાબોને કારણે નાણાવર્તુળોમાં શરૂઆતમાં ગ્રીસની શાખ જળવાયેલી રહી. આ શાખને કારણે તે ઓછા વ્યાજે ધિરાણ પણ મેળવતું રહ્યું. યુરોપના અન્ય દેશોની તુલનાએ ગ્રીસમાં વ્યાજ વધારે હોવાથી યુરોપની અનેક નાણાં સંસ્થાઓએ ગ્રીસમાં પૈસા રોક્યા.

બીજી તરફ ગ્રીસમાં ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપક છે, જેને કારણે સરકારને કરવેરા દ્વારા જે આવક થવી જોઈતી હતી તે થતી નથી. ગ્રીસના ધનવાનોના સ્વીસ બૅંકોના ખાતાઓમાં કદાચ ૮૦ અબજ યુરો કે તેથી વધુ રકમ ધરબાયેલી પડી છે. (જો આ રકમ પાછી આવે તો દરેકના ખાતામાં પંદર લાખ યુરો જમા થાય કે નહીં તેની કોઈ ચર્ચા ત્યાં, ચૂંટણીઓમાં પણ થતી નથી. ગ્રીસની ‘બ્લેક ઇકોનામી’ – કાળાંનાણાંનું સમાંતર અર્થકારણ તેની જી.ડી.પી.ના ૨૪.૩ ટકા હોવાનો અંદાજ છે.) સરકારને કરવેરા દ્વારા પૂરતી આવક થતી ન હોવાથી બજેટમાં ખાધ રહે છે. આ ખાધનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ગયું છે. ૧૯૯૯માં ગ્રીસની બજેટ ખાધ તેની જી.ડી.પી.ના પાંચ ટકા હતી તે ૨૦૦૮-૦૯માં વધીને પંદર ટકા થઈ.

ત્રીજી બાબત એ બની કે યુરો જર્મની કે ફ્રાંસ જેવા દેશો માટે કદાચ ઉચિત આંતરરાષ્ટ્રીય મૂલ્ય ધરાવનારું ચલણ હશે પણ ગ્રીસ માટે તે અધિમૂલ્યિત છે. અર્થશાસ્ત્રના નિયમાનુસાર જ્યારે ચલણનું અવમૂલ્યન થાય ત્યારે નિકાસો વધતી હોય છે અને આયાતો ઘટતી હોય છે. ચીન જાણી જોઈને પોતાના ચલણનું મૂલ્ય નીચું રાખે છે જેથી તે વિદેશોમાં સસ્તા ભાવે વધુ નિકાસ કરી શકે. પણ ગ્રીસ માટે યુરો અધિમૂલ્યિત હોવાથી તેની નિકાસો ઓછી અને આયાતો વધુ રહેતી. આ વેપાર ખાધને પહોંચી વળવા વાસ્તે પણ ગ્રીસે દેવું કરવું પડ્યું. વિદેશી બૅંકોએ શરૂમાં આ નાણાં ધીર્યા.

ચોથું, ૨૦૦૭-૦૯ દરમિયાન અમેરિકામાં અને તેને પગલે યુરોપમાં પણ મંદી પ્રસરી. આ સંજોગોમાં ગ્રીસની નિકાસો વધે નહીં અને વેપારના ચાલુ ખાતાની ખાધ વધે તેવી સ્થિતિ સર્જાઈ. જો ગ્રીસ યુરો ચલણ સાથે સંકળાયેલું ન હોત તો તેની પાસે પોતાના ચલણના અવમૂલ્યનનો રસ્તો હતો. ગ્રીસે અવમૂલ્યન કર્યું હોય તો તેની નિકાસો વધી હોત અને એટલા પ્રમાણમાં દેવું ઘટ્યું હોત.

૨૦૦૯માં ગ્રીસના હિસાબોના ગોટાળા બહાર પડ્યા તેની સાથે જ તેની શાખ ઘટી ગઈ. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓએ ગ્રીસના બોન્ડના રેટીંગનું ‘જન્ક’ – કચરો નામ પાડ્યું. આની સાથે જ લોકો બોન્ડ વેચવા દોડ્યા. ૨૦૦૭માં બોન્ડ ઉપરનું વ્યાજ ૪.૫૩ ટકા હતું તે ૨૦૦૯ સુધીમાં ૧.૭૮ ટકા થયું હતું. પરંતુ તે પછી શાખ ગુમાવવાને કારણે જાન્યુઆરી ૨૦૧૨માં ૧૨૯.૯૭ ટકા અને જુલાઈ, ૨૦૧૨માં ૧૭૭.૩૭ ટકાએ પહોંચ્યું. બોન્ડની કિંમત જેમ ઘટે તેમ વ્યાજનો દર વધારે થતો જાય છે. બોન્ડ એક કાગળ છે. દા.ત. ભારતમાં સો રૂપિયાનો બોન્ડ વર્ષે છ રૂપિયા વ્યાજ આપે તો તે છ ટકા વ્યાજ થયું. હવે જો આ જ કાગળિયું રૂ. ૧૦૦ને બદલે માત્ર રૂ. ૧૦માં મળતું થાય તો હવે દસ રૂપિયા ઉપર છ રૂપિયા એટલે કે સાઠ ટકા વ્યાજ બેસશે.

યુરોઝોનના આર્થિક ક્ષેમકુશળની ચિંતા કરનારી ત્રણ ત્રણ સંસ્થાઓ છે. તે છે યુરોપિયન સહિયારી બૅંક (ઈ.સી.બી.), યુરોપિયન કમિશન (ઈ.સી.) અને આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (આઈ.એમ.એફ.). આ ત્રણે – ટ્રોઈકા કે ત્રેખડ – ગ્રીસની વહારે દોડી આવ્યા. તેમણે બેઈલ આઉટ પેકેજ જાહેર કર્યા. મે, ૨૦૧૦માં આ ત્રેખડે ૧૧૦ અબજ યુરોની લોન આપી. જો કે આ માટેનો વ્યાજનો દર, યુરોપના પ્રવર્તમાન દરોના પ્રમાણમાં ઘણો ઊંચો-સાડા પાંચ ટકા-રખાયો. આ ધિરાણની સાથે આ ત્રેખડે શરત મૂકી કે ગ્રીસે હવે કસર કરવી. આ કસરનો અર્થ પેન્શનમાં કાપ, વેતનમાં કાપ, સરકારી ખર્ચામાં કાપ ઉપરાંત જાહેર સંપત્તિનું ખાનગીકરણ કરવું એવો થતો હતો. આ તમામ પગલાં લોકવિરોધ હતા અને તેની સામે સમગ્ર દેશમાં વ્યાપક અને સજ્જડ હડતાળો પડી.

આ કરકસરના સખત પગલાંને લીધે વેતનોમાં ૨૦ ટકા સુધીનો કાપ આવ્યો. બજેટ ખાધ, જે ૨૦૦૯માં જી.ડી.પી.ના ૧૧ ટકાએ પહોંચી હતી તે ૨૦૧૧માં ઘટીને માત્ર ૨.૪ ટકાએ આવી ગઈ. પણ આટલી ઝડપથી આટલાં કડક પગલાં ભરાયાં તેથી મંદી ફરી વળી. ૨૦૧૧માં જી.ડી.પી. ૭.૧ ટકા ઘટી ગઈ. બે લાખ કારખાના બંધ થઈ ગયા. ૨૦૦૫ની તુલનાએ ઔદ્યોગિક ઉત્પાદન ૨૮.૪ ટકા ઘટી ગયું. ૧,૧૧,૦૦૦ કંપનીઓ નાદાર થઈ ગઈ. જે ૨૦૧૦ની તુલનાએ ૨૭ ટકા વધુ હતી.

આ મંદીમાં બેકારી પણ વધે જ. ૨૦૦૮ના સપ્ટેમ્બરમાં બેકારીનો દર ૭.૫ ટકા હતો; તે મે, ૨૦૧૨માં ૨૩.૧ ટકા થયો. યુવા બેકારીનો દર ૫૪.૯ ટકા થયો. ૨૦૧૫માં એકંદર બેકારીનો દર ૨૫ ટકાથી વધુ છે. અમેરિકામાં ૧૯૨૯માં શરૂ થયેલી વિશ્વમંદી વખતે પણ આવી જ બેકારી હતી. આજે એથેન્સ જેવાં શહેરોમાં ૨૦ ટકા દુકાનો ખાલી છે. બૅંકો બંધ છે અને એ.ટી.એમ.માંથી પણ માત્ર પેન્શનધારકોને દૈનિક ૬૦ યુરો જેટલી જ રકમ ઉપાડવાની છૂટ છે.

આ સ્થિતિમાં લોકજુવાળ ફાટી ન નીકળે તો જ નવાઈ કહેવાય. પરિણામે ૨૦૧૪ની આખરે ફરીથી ચૂંટણીઓ થઈ. ૨૦૧૫ના જાન્યુઆરીમાં ત્યાં સીરીઝા નામનો સામ્યવાદી પક્ષ સારી એવી બેઠકો મેળવી ગયો. તેના નેજા હેઠળની સંવિદ સરકાર હાલ ત્યાં સત્તા ઉપર છે.

આ ગાળા દરમિયાન પેલા ત્રેખડે ગ્રીસને બીજી ત્રણ વાર મોટી મોટી રકમોની લોનો આપી. આનું પરિણામ એ આવ્યું કે ગ્રીસની કથળતી હાલત જોઈ ચૂકેલી યુરોપિયન બૅંકોએ પોતાનાં ધિરાણો પાછાં મેળવી લીધાં. આમ ત્રેખડની લોન જાણે કે આ બૅંકો તથા અન્ય માલેતુજારોને બચાવી લેવા વાસ્તે અપાઈ હોય તેવું બન્યું. ત્યાંના સામાન્ય માણસના ભાગે તો બેકારી, વેતનકાપ, ભૂખમરો અને એઈડ્‌ઝ જ આવ્યા. બે લાખ લોકો ઘરવિહોણાં બન્યા અને માત્ર એથેન્સ શહેરમાં જ દસ ટકા વસતી અન્નક્ષેત્રો ઉપર ગુજારો કરનારી બની. આર્થિક નીતિની અસરો કોઈક યુદ્ધ કરતાં ઓછી ભયાનક નથી. આ પગલાંને લીધે ગ્રીસની જી.ડી.પી. ૨૫ ટકા ઘટી ગઈ છે.

૨૫મી જૂને જે હપતો પાકતો હતો તે ગ્રીસ ભરી શક્યું નહીં. પણ સામે તેણે એક રાજકીય પગલું ભર્યું. તેણે લોકો સમક્ષ આ મુદ્દો એક જનમત – રેફરન્ડમ – તરીકે રજૂ કર્યો. ગ્રીસની ૨૦૧૪ની આખરની ચૂંટણી પછી વડા પ્રધાન બનેલા સામ્યવાદી પક્ષના સિપ્રાઝ કહે છે કે યુરોપીય સંઘ અમને વારેવારે હલકા પાડે છે અને બ્લેકમેલ કરે છે. તે અમને વારેવારે ‘હજુ કસર કરો – હજુ કસર કરો’ એમ કહ્યા કરે છે. અમે જાણે કે યુરોપનું કોઈ ગુલામ રાજ્ય હોઈએ તેવો વર્તાવ કરે છે. આ યુરોપિય સંઘ કહે છે, હજુ વધુ કસર કરો તો વધુ ધિરાણ આપીએ. જનમત સંગ્રહમાં ૬૧ ટકા લોકોએ યુરોપિયન સંઘની આ માંગણીઓ વિરુદ્ધ મત આપ્યો. આટલા મોટા પ્રમાણમાં જનમત વિરુદ્ધમાં જશે તેવું  યુરોપે ધાર્યું ન હતું.

સવાલ એ છે કે હવે શું ? ૩૦મી જૂન ૨૦૧૫ સુધીમાં ગ્રીસનું દેવું ૩૨૩ અબજ યુરોએ પહોંચ્યું છે. ૨૦૦૮માં દેવા : જી.ડી.પી. ગુણોત્તર ૧૦૯ હતો તે ૨૦૧૦માં ૧૪૬ થયો છે. અત્યાર સુધી લીધેલા ધિરાણના વ્યાજ સહિતના હપતા પણ નજીકના ભવિષ્યમાં ભરતા જવાનું છે.

સમસ્યા એ પણ છે કે ગ્રીસના ભારે જનમતે વધુ કરકસરને જાકારો તો આપ્યો પણ હવે બધો વ્યવહાર ચાલશે કઈ રીતે? ભારત સહિતના અનેક દેશો નવું દેવું કરીને જૂનું ચૂકવતા હોય છે. પણ ગ્રીસ માટે આ માર્ગ હવે બંધ થાય છે. હપતા ભરી ન શકવાને કારણે તે નાદાર પણ જાહેર થશે. સંભવ છે કે તેને યુરોપીય સંઘમાંથી હાંકી પણ કઢાય. આમે ય તે નવ્ય મૂડીવાદના ગઢ સમાન યુરોપમાં ઉગ્ર ડાબેરી એવા સીરીઝા પક્ષનો ઉદય વેઠાતો નથી. આમ છતાં ગ્રીસે ત્રેખડની શરતો સ્વીકારી હજુ વધુ કરકસર કરવાનું કબુલ્યું છે. સિપ્રાઝને પોતાના સામ્યવાદી સાંસદોનો પણ પૂરતો ટેકો ન મળતા વિપક્ષોનો ટેકો મેળવ્યો. ગ્રીસને લગભગ ૯૮ અબજ ડોલરની સહાય ત્રણ હપ્તામાં આપવાનું નક્કી થયું. આ રકમનો પ્રથમ હપ્તો ૧૩ બિલિયન યુરોનો આપવામાં આવ્યો છે. તેમાંથી ૩.૨ અબજ યુરો તો ઈ.સી.બી.એ દેવા પેટે મેળવી લીધા છે. બાકીની રકમો પણ લેણદારો લઈ જશે અને નવા રોકાણ વાસ્તે કશું જ બચશે નહીં!

સિપ્રોઝે નવેસરથી ચૂંટણીની માગ કરી છે. એક મૂડીવાદી રચનાએ દેશના આમ આદમીનું જીવન તોફાનોથી ભરી દીધું છે.

• ગ્રીસની આ ટ્રેજડીમાંથી જગત માટે કોઈ બોધપાઠ ખરા ?

• ગ્રીસના જ્યારે ‘અચ્છે દિન’ હતા ત્યારે આ જ ફ્રાંસે તેને લલચાવીને શસ્ત્રો વેચ્યાં. (ભારતના વડાપ્રધાનશ્રીએ પણ તાજેતરના ફ્રાંસ પ્રવાસ દરમિયાન લડાકુ વિમાનોની ફોજ ખરીદીને પોતાની ઉદારતાનો પરિચય કરાવ્યો છે.) જર્મનીએ બિનજરૂરી સબમરિનો પધરાવી ગ્રીસ પાસેથી નાણાં ખંખેરી લીધા.

• નવ્ય મૂડીવાદને દેશોની અંદરના ‘નાના’ ભ્રષ્ટાચાર નહીં પણ ગોલ્ડમેન શાખ્સ જેવા દેશાંતરી ભ્રષ્ટાચારો ચાલે તેની ખબર રહેતી નથી.

• ગ્રીસને જો પોતાનું અલગ ચલણ મળે તો તે અવમૂલ્યન કરીને નિકાસો વધારવા પ્રયાસ કરશે.

• ગ્રીસની યુરોપીય સંઘમાંથી હાંકી કઢાયા બાદ અન્ય નબળાં અને દેવાદાર દેશો, જેવા કે ઇટલી, આયર્લૅન્ડ, પોર્તુગાલ, લેતવિયા વગેરે પણ ભાગ્યે જ ટકી શકે.

• ગ્રીસ આખરે અસ્થિર બનશે અને તેનું ભાવિ ધૂંધળું છે તેવો મત ઈકોનોમિસ્ટે વ્યક્ત કર્યો છે.

ભારતે આ ટ્રેજડીમાંથી ઘણું શીખવાનું છે. ફ્રાંસ, જર્મની વગેરે દેશો શસ્ત્ર સરંજામ, વિમાનો વગેરેની નિકાસ કરીને આપણા જેવા ગરીબ દેશોમાંથી અબજો ડૉલર પડાવી જવા આતુર છે. ફ્રાંસ પાસેથી લેવાયેલા વિમાનો તેનું તાજું ઉદાહરણ છે. આંતરરાષ્ટ્રીય વેપારના ક્ષેત્રે ભારતના એન્જિનિયરિંગ સામાન અને સોફ્ટવેરની નિકાસો ઉપર અસર પડશે. અલબત્ત ગ્રીસનું પતન અન્યત્ર કેટલું ફેલાય છે તેની ઉપર તેનો આધાર છે.

નવ્ય મૂડીવાદના વિમર્શમાં ઊતરીએ તો જણાય છે કે આ વિચાર કોઈક સૈદ્ધાંતિક અને પાઠ્યપુસ્તકો પ્રમાણે ચાલનારો નથી. મુક્ત વેપાર અને બજારવાદ કે હરીફાઈ અને કાર્યક્ષમતા જેવા શબ્દોને પૂરી શંકા સાથે એને ગ્રીસ જેવા દેશોના અનુભવોના સંદર્ભે જોવા જોઈએ. નવ્ય મૂડીવાદના પાઠ્ય પુસ્તકોમાં વર્ણવાએલી આ સ્પર્ધાત્મકતામાં તમામ દેશો એક સમાન શક્તિથી ભાગ ન લઈ શકે. રમતના બધા ખેલાડીઓને ‘લેવલ પ્લેયિંગ ફિલ્ડ’ મળતું નથી. આથી દરેક દેશે પોતાના હિત સમજીને મેદાનમાં ઉતરવું રહ્યું. આ મુદ્દો જ બતાવે છે કે ‘બજાર’ની કામગીરી નિર્દોષ હોતી નથી. તેની અસરો કેવી વિઘાતક હોઈ શકે તેનો એક નમૂનો ગ્રીસે રજૂ કર્યો છે.

ગ્રીસના આ અનુભવથી વૈચારિક જગતમાં ખાસ કરીને નવ્ય મૂડીવાદની આગેકૂચ ઉપર કેવી અસરો પડશે તે વિચારવું રહ્યું :

• યુરોપિયન સંઘ વિવિધ દેશોમાં વડા પ્રધાનો અને ચૂંટાયેલી સરકારોના મતોને લક્ષમાં લીધા વગર સૈદ્ધાંતિક મૂડીવાદમાં શ્રદ્ધા ધરાવતા બાબુઓ દ્વારા ચાલે છે તે સાબિત થયું છે. મૂડીવાદ લોકશાહીથી વિખૂટો પડી ચૂક્યો છે.

• ગ્રીસના બનાવમાં જગતના માલેતુજારો, જેમ કે ગોલ્ડમેન સાખ્સ, લેહમાન બ્રધર્સ વગેરેના પણ મોટા કારસા ચાલ્યા છે. આ ગઠિયા મૂડીવાદને કારણે અતિ ધનિકો તથા ભ્રષ્ટાચારીઓ સિવાયનો સમગ્ર સમાજ ભારે હાલાકીમાં મુકાઈ ગયો છે.

• વૈશ્વિકીકરણને બદલે દેશના આંતરિક અર્થકારણનું અને તેમાં ય નાના અને લઘુ ઉદ્યોગો તથા ખેતીનું મહત્ત્વ વિશેષ છે. નિકાસો પાછળ દોડનારા દેશો પાયમાલી નોંતરી રહ્યાં છે.

નયા માર્ગ’, ૧૬-૭-૨૦૧૫

Loading

...102030...3,7003,7013,7023,703...3,7103,7203,730...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved