Opinion Magazine
Number of visits: 9456816
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્તાનો કબજો અને રાજ્યનો કબજો એ બંને અલગ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|7 November 2024

કાઁગ્રેસ સીસ્ટમનું સાધ્ય સત્તા હતું જ્યારે બી.જે.પી. સીસ્ટમનું સાધ્ય હિંદુ રાજ્ય છે

રમેશ ઓઝા

એક પ્રશ્ન વિચારવા જેવો છે અને હિન્દુત્વવાદીઓને કવરાવનારો પણ છે. ૧૯૪૭માં દેશ આઝાદ થયો અને કેન્દ્રમાં તેમ જ દેશભરનાં રાજ્યોમાં કાઁગ્રેસની સરકારો રચાઈ ત્યારે તે સરકારોએ પ્રજાની અંદર ભારતીય રાષ્ટ્રને સ્વીકાર્ય બનાવવા અને તેને ટકાવી રાખવા માટે એ બધું નહોતું કરવું પડ્યું જે હિન્દુત્વવાદીઓને હિંદુરાષ્ટ્રની કલ્પનાને સ્વીકાર્ય બનાવવા માટે અને તેને ટકાવી રાખવા માટે કરવું પડે છે. આ ગંભીર અને પાયાનો પ્રશ્ન છે જે સમજવાનો પ્રયાસ કરો.

કાઁગ્રેસે યેનકેન પ્રકારેણ સત્તાને પકડી રાખવા માટે અને બીજાને સત્તા સુધી નહીં પહોંચવા દેવા માટે ચૂંટણીઓ જીતવા માટેની જ્ઞાતિનાં સમીકરણો, પ્લસ કુબેરપતિઓ પ્લસ બાહુબલીઓ આધારિત કાઁગ્રેસ સીસ્ટમ વિકસાવી એ તો પાછળથી પેદા થયેલી જરૂરિયાત હતી, પહેલા દિવસની જરૂરિયાત નહોતી. એ જરૂરિયાત એટલા માટે પેદા થઈ કે તેમને સત્તા છોડવી નહોતી. તેનાં મૂળમાં માત્ર સત્તાભૂખ હતી. બીજા શબ્દોમાં કહીએ તો ભારતીય રાષ્ટ્રને પ્રજાની અંદર સ્વીકાર્ય બનાવવા માટે અને તેને બને એટલો સમય ટકાવી રાખવા માટે કાઁગ્રેસનાં શાસકોને અનીતિનો કે તાનાશાહીનો માર્ગ અપનાવવાની જરૂર નહોતી પડી. એ અપનાવવા પાછળનું એક માત્ર કારણ સત્તાભૂખ હતું.

કાઁગ્રેસથી બરાબર સામેના છેડે બી.જે.પી.ને સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવ્યા પછી પહેલા દિવસથી, આય રિપીટ પહેલા દિવસથી, હિંદુરાષ્ટ્રને સ્વીકાર્ય બનાવવા માટે અને તેને ટકાવી રાખવા માટે રાજકીય અનીતિ અને તાનાશાહીનો માર્ગ અપનાવવો પડે છે. બી.જે.પી.એ તેની શાસકીય યાત્રાનો પ્રારંભ જ બી.જે.પી. સીસ્ટમ વિકસાવીને કરવો પડ્યો છે. કાઁગ્રેસ સીસ્ટમના પાયામાં માત્ર સત્તાભૂખ હતી, જ્યારે બી.જે.પી. સીસ્ટમના પાયામાં તેમની હિંદુરાષ્ટ્રની કલ્પનાની સ્વીકૃતિ અને તેને ટકાવી રાખવા માટેનો પડકાર છે. આ પાયાનો ભેદ છે એ સમજવાનો પ્રયાસ કરો.

આને કારણે કાઁગ્રેસ સીસ્ટમ અને બી.જે.પી. સીસ્ટમનાં સ્વરૂપમાં ફરક છે. કાઁગ્રેસ સીસ્ટમ વિરોધ પક્ષોને ચૂંટણીમાં પરાજીત કરવા માટેની હતી, તેને નેસ્તનાબૂદ કરવા માટેની નહોતી. કાઁગ્રેસ સીસ્ટમ દેશને વિકલ્પશૂન્ય બનાવવા માટેની નહોતી. કાઁગ્રેસ સીસ્ટમ ભારત વિશેની વૈકલ્પિક કલ્પનાઓ(નેરેટિવ)ને રુંધવા માટેની નહોતી. કાઁગ્રેસ સીસ્ટમ સત્તા કબજે કરવા માટેની હતી, રાજ્યને કબજે કરવા માટેની નહોતી. સત્તાનો કબજો અને રાજ્યનો કબજો એ બે અલગ ચીજ છે. કાઁગ્રેસ સીસ્ટમથી ઊલટું બી.જે.પી. સીસ્ટમ રાજ્યને કબજે કરવા માટેની છે અને સત્તા તો તેમાં એક સાધન માત્ર છે. ટૂંકમાં કાઁગ્રેસ સીસ્ટમનું સાધ્ય સત્તા હતું જ્યારે બી.જે.પી. સીસ્ટમનું સાધ્ય હિંદુરાજ્ય છે અને સત્તા તો એક સાધનમાત્ર છે. આ પાયાનો ફરક છે. ભારતીય રાષ્ટ્રને સાધવા માટે કાઁગ્રેસીઓને કાઁગ્રેસ સીસ્ટમ નહોતી વિકસાવવી પડી.

આવું કેમ બન્યું?

હજુ તો હિંદુરાષ્ટ્રનું બીજ વાવ્યું ન વાવ્યું અને તેનાં અંકુર પણ નથી ફૂટ્યાં ત્યાં તેને જીવાડવા માટે રાજ્ય કબજે કરવું પડે? કાઁગ્રેસીઓને તો ભારતીય રાષ્ટ્રનાં વાવેતર પછી આવી કોઈ જહેમત નહોતી ઊઠાવવી પડી અને તેને જીવાડવા માટે આખે આખા રાજ્યનો કબજો કરવો પડે એ તો બહુ દૂરની વાત છે. ભારતીય રાષ્ટ્ર રાજ્યાશ્રિત નહોતું જ્યારે હિંદુરાષ્ટ્ર તેનાં જન્મ સાથે જ રાજ્યાશ્રિત છે. જેમ અધૂરા મહીને જન્મેલા બાળકને ગર્ભબાહ્ય વાતાવરણથી બચાવવા માટે કાચની પેટી(ઇન્ક્યુબેટર)માં રાખવું પડે એમ હિંદુરાષ્ટ્રને રાજ્ય નામનાં ઇન્ક્યુબેટરની જરૂર પડી રહી છે. તો પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સો વરસ કર્યું શું? સો વરસનું ગર્ભાધાન એ કોઈ ઓછો સમયગાળો કહેવાય? સો વર્ષના ગર્ભાધાન પછી જન્મેલા હિંદુરાષ્ટ્રને રાજ્ય નામનાં ઇન્કયુબેટરમાં રાખવું પડે અને તેને પડકારોથી બચાવવા માટે ઉપર કહી એવી બી.જે.પી. સીસ્ટમ વિકસાવવી પડે તો સંઘનાં સો વરસ પાણીમાં ગયાં કહેવાય!

ભારતીય રાષ્ટ્રનાં પુરસ્કર્તાઓએ ભારતીય રાષ્ટ્રને પ્રજામાન્ય કરાવ્યું હતું, તે પ્રજા-આશ્રિત હતું અને એટલે તેને રાજ્યાશ્રયની જરૂર નહોતી પડી. હિન્દુત્વવાદીઓ હિંદુરાષ્ટ્રને પ્રજામાન્ય નથી કરાવી શક્યા, પ્રજા-આશ્રિત નથી એટલે તેને રાજ્યાશ્રયની જરૂર પડી રહી છે. પણ આવું ક્યાં સુધી ચાલે? કાઁગ્રેસે કાઁગ્રેસ સીસ્ટમ વિકસાવી અને તેનો નિર્લજ્જપણે ઉપયોગ કર્યો એટલે લોકોની આંખમાંથી કાઁગ્રેસ ઊતરતી ગઈ. કાઁગ્રેસીઓએ પ્રતિષ્ઠા ગુમાવી દીધી અને એક દિવસ પ્રજાએ તેને સત્તા પરથી ઊતારી દીધા. જે પક્ષો મોટા દાવાઓ સાથે કાઁગ્રેસના વિકલ્પે સ્થપાયા હતા તેણે શરૂઆતનાં સૈધાંતિક વર્ષો પછી સમાધાનો કરવા માંડ્યા અને કાઁગ્રેસનો માર્ગ અપનાવ્યો એટલે તે પણ લોકોની નજરમાંથી ઊતરી ગયા. કાઁગ્રેસને અને બીજા મધ્યમમાર્ગી પક્ષોને જે જાકારો મળ્યો એ તેમણે અપનાવેલા માર્ગનું અને તેમણે કરેલાં સમાધાનોનું પરિણામ હતું, ભારતીય રાષ્ટ્રની કલ્પનાનો અસ્વીકાર નહોતો. સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાઈટીઝ(સી.એસ.ડી.એસ.)ના તાજા સર્વેક્ષણ મુજબ માત્ર ૧૧ ટકા હિંદુઓ જ એમ માને છે કે ભારત હિંદુરાષ્ટ્ર હોવું જોઈએ. ૮૯ ટકા હિંદુઓને ભારતીય રાષ્ટ્ર જોઈએ છે.

તો વાત એમ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સો વરસ પછી પણ હિંદુરાષ્ટ્રની કલ્પના હિંદુઓની અંદર સ્વીકાર કરાવી શક્યો નથી અને તેને લોકાશ્રય મળ્યો નથી એટલે તેને લાગુ કરવા માટે અને ટકાવી રાખવા માટે રાજ્ય પર કબજો કરવો પડે છે. રાજ્ય પર કબજો કરવા બી.જે.પી.એ સીસ્ટમ વિકસાવી છે જે કાઁગ્રેસ સીસ્ટમ કરતાં પણ વધુ લોકશાહી તેમ જ માનવીય મૂલ્યોની વિરુદ્ધ છે. પણ સવાલ એ છે કે આવું કેટલો સમય ચાલે? લોકાશ્રય વિના કોઈ વિચાર, કોઈ કલ્પના, કોઈ વ્યવસ્થા કેટલો સમય ટકે? સત્તાની તાકાત અને રાજ્ય પરનો કબજો લોકસ્વીકારની જગ્યા લઈ શકે?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 07 નવેમ્બર 2024

Loading

‘વિલ ડ્યુરાં : અનોખું દામ્પત્ય, અનોખું જીવન, અનોખું ચિંતન’

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|7 November 2024

પુસ્તક નિર્દેશ  

અસાધારણ ગ્રંથરાશિ રચનારા ઇતિહાસકાર અને તત્ત્વવેત્તા વિલ ડ્યુરાં(Will Durant)નો આજે જન્મ દિવસ છે.                         

એંશી વર્ષ પાર કરી ચૂકેલા સક્રિય સાહિત્ય રસિક  ઑટોમોબાઇલ એન્જિનિયર નિરંજન શાહનું વિલ ડ્યુરાં (5 નવેમ્બર 1885 – 7 નવેમ્બર 1981) પરનું પુસ્તક ગુજરાતીમાં થયેલું એક ખૂબ મૂલ્યવાન કામ છે. 

‘વિચારવલોણું’ની વિચારસમૃદ્ધ પ્રકાશનશ્રેણી હેઠળ બાસઠ પાનાનું આ પુસ્તક ઑક્ટોબર 2021માં પ્રસિદ્ધ થયું છે, અને સંભવત: અત્યાર સુધી તે એકમાત્ર છે. 

નિરંજનભાઈને ડ્યુરાં વિશે લખવાની પ્રેરણા આ જ્ઞાનસાધકના The Pleasures of Philosophyના વાચનથી થઈ. તેઓ લખે છે : ‘ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં આ પુસ્તક હાથમાં આવ્યું ત્યારથી માંડીને આજ સુધી વખતોવખત એનો વાચન ઉપરાંત કેટલા ય લેખો લખવા માટે, કેટલા ય વિષયોની ચર્ચામાં વિષયોની વધુ સમજ  કેળવવા માટે, વ્યક્તિગત જીવન તેમ જ વૈશ્વિક પ્રવાહોનું આપણા સ્તરેથી ઉપયોગ કર્યો છે. પુસ્તકના સંમોહનમાંથી હજુ છૂટી શકાયું નથી.’ 

વિલ ડ્યુરાંનું નામ The Story of Civilization નામની ગ્રંથશ્રેણીનો પર્યાય છે. વિશ્વનો આ ઇતિહાસ ડ્યુરાંએ ‘ભગવદ્દગોમંડલ’ના કદના અગિયાર ખંડોમાં લખ્યો જે 1934થી લઈને ચાર દાયકા દરમિયાન પ્રસિદ્ધ થયો છે. દરેક ખંડ એક હજાર જેટલા પાનાંનો છે. સાતમા ખંડથી સહલેખક તરીકે વિલનાં પત્ની એરિયલ (મે 1898 – 25 નવેમ્બર 1981) છે. 

એરિયલ બે સંતાનોનાં માતા હોવાં ઉપરાંત વિલના સચિવ, સંશોધન સહાયક અને સહલેખક પણ હતાં. ગત કાળના સંશોધન માટે એરિયલ અને વિલે ભારત સહિત દુનિયાના અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો. 

તેમનો જીવનપ્રવાસ પણ દુનિયાની દૃષ્ટાન્તરૂપ દામ્પત્યકથાઓમાં સ્થાન પામે છે. એરિયલે સવા ચારસો પાનાંમાં લખેલી આત્મકથાનું નામ પણ A Dual Autobiography (1978) છે.

વિલને આખરી માંદગીમાં હૉસ્પિટલમાં દાખલ કર્યા બાદ એરિયલે ખાવાનું છોડી દીધું અને જીવનસાથીના અગિયાર જ દિવસ પહેલાં દેહ છોડ્યો. 

વિલ-એરિયલ વિશે કૉલેજના પહેલાં વર્ષમાં કોઈક મરાઠી લખાણમાં પહેલવહેલું વાંચ્યું. પછી વિલનું ખૂબ જાણીતું પુસ્તક The Pleasures of Philosophy જોવા મળ્યું. 

ત્યાર બાદ ઘણું કરીને સેન્ટ ઝેવિયર્સ કૉલેજ(જેમાં ભણ્યો)ની લાઇબ્રેરીમાં Civilizationના ખંડો જોવા મળ્યા. સાત-આઠ વર્ષ પહેલાં આદરણીય જયંત મેઘાણીએ આખી ગ્રંથશ્રેણી અમૂલ્ય ભેટ તરીકે આપી છે. 

આ ગ્રંથો વાંચવાની ક્ષમતા તો મારી પાસે ભાગ્યે જ છે. પણ તેના રચનારા વિશે જાણવાનું કુતૂહલ હંમેશાં રહ્યું છે. ઇન્ટરનેટ પહેલાંના જમાનામાં પણ મારા કોઈ વિશેષ પ્રયત્નો ન હતા. જીવનચરિત્ર લખાયું નથી એટલું જાણવા મળ્યું. પછી ઘણાં વર્ષે એક ગ્રંથાલયમાંથી Dual Autobiography મળી, અધૂરીપધૂરી વંચાઈ, જે પૂરી કરવી રહી. 

ત્યાર બાદ ઘણાં વર્ષે અચાનક નિરંજન શાહની પુસ્તિકા વિશે ઘણું કરીને ‘ભૂમિપુત્ર’માં રજનીભાઈ દવેના પુસ્તક-નોંધોના વિભાગમાં વાંચવા મળ્યું. તેના થોડા સમય બાદ મુનિભાઈ દવેના ઘરે જઈને આ પુસ્તક મેળવી લાવ્યો ત્યારે ખૂબ આનંદ થયો.

‘વિલ ડ્યુરાં: અનોખું દામ્પત્ય, અનોખું જીવન, અનોખું ચિંતન’ પુસ્તિકા નિરંજન શાહે ‘સંક્ષિપ્ત પરિચય’ તરીકે લખી છે. એમાં એમના જીવન વિશેની માહિતીનો રસપ્રદ સ્રોત ડ્યુરાંનું પોતાનું Transition (1927) નામનું 352 પાનાંનુ પુસ્તક છે. લેખકે પેટાશીર્ષકમાં તેને A Mental Autobiography ગણાવ્યું છે. તેમાં તેમના જીવનના પહેલાં ચાળીસ વર્ષનો આલેખ નવલકથાના આછાં આવરણ હેઠળ મળે છે. તેનો સાર નિરંજનભાઈએ અઢાર પાનાંમાં આપ્યો છે. 

પુસ્તકના બીજા હિસ્સામાં તેમણે વિલના ‘ઊંડાણભર્યા ચિંતનના નમૂનારૂપે’ The Plesures of Philosphy ના ‘બે અગત્યના પ્રકરણનો સારાનુવાદ’ મૂક્યો છે. 

ડ્યુરાંના ચોવીસ પ્રકરણોમાંથી Reconstruction of Charater નામનું સત્તર પાનાનું બારમું  પ્રકરણ ‘ચારિત્ર્યનું પુન:નિર્માણ’ નામે ચોવીસેક પાનાંમાં આવે છે. About Childhood : A Confession નામનું ચૌદેક પાનાંનું અગિયારમું પ્રકરણ ‘બાળકો વિશે – એક કબૂલાત’ તરીકે લગભગ તેટલાં જ પાનાંમાં મળે છે. 

નિરંજનભાઈએ સારલેખન મહેનત અને સમજથી કર્યું છે. એનો એક દાખલો Elements of Characters મથાળું ધરાવતાં કોષ્ટકમાં તેમણે યોજેલા ગુજરાતી શબ્દો છે. જેમ કે, વૃત્તિઓ (instincts), પલાયન (flight), પરિગ્રહ (acquisition), જાતીય સંકોચ (blushing), બાળસંભાળ (parental care) વાત્સલ્ય (parental love).

આ પ્રકરણમાં દરેક વૃત્તિ સાથે જોડાયેલી લાગણી વિશેનો એક ફકરો છે, જેને નિરંજનભાઈએ એ જ સ્વરૂપે ગુજરાતીમાં મૂકવાને બદલે કોષ્ટક તરીકે મૂકીને વધુ વાચનીય બનાવ્યો છે. ધોરણસરના સંક્ષેપના આવા દાખલા અગિયારમાં પ્રકરણમાંથી પણ આપી શકાય. 

અલબત્ત, નીવડેલા સંપાદક ગદ્યને વધુ વાચનીય બનાવી શકે. જો કે, દેખિતી રીતે ટેક્નોલોજિ જેમનું વ્યવસાયક્ષેત્ર છે તેવા નિરંજનભાઈની આવા પડકારરૂપ કામ માટેની રુચિ અને તેની પાછળનો તેમનો વ્યાસંગ આદરપાત્ર છે. 

ડ્યુરાંનાં છવ્વીસ પુસ્તકોની યાદી પણ અહીં મળે છે. પહેલાં પરિશિષ્ટ તરીકે વિલ ડ્યુરાંના નેવુંમા જન્મદિને ‘ધ ન્યુયૉર્ક ટાઇમ્સે’ આ જ્ઞાનવૃદ્ધ ઉમા-મહેશ્વરની રૂબરૂ મુલાકાતને આધારે પ્રસિદ્ધ કરેલો  લેખ ગુજરાતીમાં રજૂ થયો છે. 

બીજું પરિશિષ્ટ વધુ મહત્ત્વનું છે. તેનું મથાળું છે ‘The Case for Indiaનું પૂરોવચન : લેખકના શબ્દોમાં’. ડ્યુરાંનું The Case for India નામનું પુસ્તક 1932માં તેમણે ઇતિહાસલેખન માટેના સ્વાધ્યાયના ભાગ રૂપે ભારતની જે મુલાકાત લીધી તેને આધારે લખાયું. 

ભારતમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ પ્રવાસમાં બારેક શહેરો અને કેટલાક પ્રદેશોની દૃશ્યાવલિઓએ ડ્યુરાંને સમજાયું કે બ્રિટિશ શાસકોએ ભારતને અત્યંત દારૂણ હાલતમાં ધકેલ્યો છે. 

આઘાતથી હચમચી ઊઠેલા ડ્યુરાંએ અંગ્રેજોએ કરેલી ભારતની દુર્દશા વિરુદ્ધ અને લોકશાહી સ્વાતંત્ર્ય માટેની તેની જરૂરિયાતની તરફેણમાં પોતાની વાત દુનિયામાં સમક્ષ મૂકવા માટે The Case for India નામનું દોઢસો પાનાનું પુસ્તક લખ્યું. 

તેના માટે તેમણે ભારતનાં ઇતિહાસ, સંસ્કૃતિ અને તેનાં સામજિક આર્થિક પાસાંનો અભ્યાસ કર્યો. તે  પુસ્તકમાં કરવામાં  વિષયના  વિવરણ  ઉપરાંત તેની સંખ્યાબંધ વિસ્તૃત નોંધોમાં પણ મળે છે. 

આ પુસ્તક મહેન્દ્ર ચોટલિયા ‘એક  મુકદ્દમો : ભારતની તરફેણમાં’ નામે આપણે ત્યાં લાવ્યા છે. તેનું પ્રકાશન ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘે (અમૂલ-GMFF) 2008માં કર્યું છે. અનુવાદકને ધન્યવાદ આપવાની સાથે આ પુસ્તક વિશે પણ ક્યારેક લખવાનું મનમાં રાખ્યું છે. 

જ્ઞાનની દુનિયાના એક શિખર સમા ડ્યુરાં દંપતીનો વાચનીય પરિચય આપતું પુસ્તક ગુજરાતી ભાષાને આપવા બદલ નિરંજન શાહને ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે.         

[આભાર : મુનિ દવે]

5 નવેમ્બર 2024
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

અરુણ ભટ્ટ અને મીરાં ભટ્ટ|Profile|6 November 2024

અરુણભાઈ ભટ્ટ

મારે તો મારા સમગ્ર જીવન પર મારા પિતાનો કેવો પ્રભાવ પડ્યો, તેમનું જીવન મારી નજર સમક્ષ કેવા સ્વરૂપે ઉપસ્થિત થયું, તેમના જીવનનાં કયાં પાસાંઓ મારા ચિત્ત-તંત્ર ઉપર અમીટ અંકાઈ ગયાં, કયા પ્રસંગો આજે પણ હું અબઘડીનાં તાજાં જ હોય તેમ અનુભવું છું, અને એમના પ્રત્યક્ષ જીવને જ અમારું કઈ રીતે ઘડતર કર્યું તે બધું લખવું છે. આમ છતાં હું જાણું છું કે આ તો એક પ્રયાસ માત્ર રહેવાનો છે.

હું મારી જાતને ભાગ્યવાન સમજું છું કે ઉત્તમ માતા-પિતા મળ્યાં. પિતાજીનું સમગ્ર જીવન પોતે જ એક ક્રાંતિકારી પ્રેરણા સમું હતું. પારસના સ્પર્શથી લોઢું સોનું બની જતું તો નથી જોયું પણ સદ્દપુરુષોના તપસ્યામય જીવનમાંથી ટપકેલા શબ્દના સ્પર્શથી થતો વિસ્ફોટ જોયો છે અને થોડો અનુભવ્યો પણ છે. બાપુજીનું જીવન પણ એ શબ્દ-બાણથી વીંધાયેલું, વીંધાઈને પરિવર્તિત થયેલું જીવન હતું.

મારા બાપુજીનો જીવન-સાર માત્ર ત્રણ શબ્દોમાં જ રજૂ કરવો હોય તો હું સત્યાગ્રહ, નિર્ભયતા અને રામનામમાં રજૂ કરું. એમણે જીવનભરમાં કેટલા સત્યાગ્રહો કર્યા તેનો કોઈ હિસાબ જ નથી. પોતાની જાત તેમ જ પરિવારજનો સામેના સત્યાગ્રહથી માંડીને રાષ્ટ્રીયકક્ષા સુધીના સંખ્યાબંધ સત્યાગ્રહોનો અખંડ પ્રવાહ જ જાણે એમનું જીવન બની ગયું હતું. ‘સત્યાગ્રહી’એ એમનું સ્થાયી વિશેષણ બની ગયું હતું. ગુલામી, ગરીબી, શોષણ, અન્યાય, બળાત્કાર, જુગાર, શરાબ, કાળાબજાર, ભ્રષ્ટાચાર, ગુંડાગીરી વગેરે અનિષ્ટો સામે સીધી ટક્કર તેઓ લેતા.

અમારે મન એમનું સ્થાન હંમેશાં મોતના મુખમાં જ રહેતું. સીધી મોત સાથે જ બાથ ભીડવાનું એમને ફાવતું. છુટપુટિયામાં, સુરસુરિયામાં એમને રસ જ ન હતો. નાનપણમાં અમે અનેક વખત એમના મોઢે મસ્તીલા મિજાજમાં બોલાતું એક વાક્ય સાંભળતા, ‘બંદો કાં મેડીએ ને કાં બેડીએ.’

મારાં બા પણ બાપુજી સાથે સ્વરાજય આંદોલનમાં જોડાયેલાં હતાં. જો કે એમનો પિંડ ઘણો સૌમ્ય હતો. એમની ભાષા પણ અહિંસક હતી. એમનાં હૃદયમાં અમ બાળકોની સવિશેષ ચિંતા રહેતી. છતાં એમણે પણ બાપુજીનાં સાર્વજનિક કાર્યોમાં પૂરેપૂરો સાથ આપ્યો. મારાં બાને જેલમાંથી એટલા માટે મુક્ત કરવામાં આવેલાં કારણ કે મારો જન્મ થવાનો હતો. પણ જેલમાં પ્રસૂતિ માટેની કોઈ વ્યવસ્થા નહોતી તેથી તેમને મુક્ત કરવાં પડેલાં. આ યોગ હું કદી ભૂલી શક્યો નથી. ‘ગર્ભાવસ્થાથી જ અમને સ્વાતંત્ર્ય’ મળેલું હતું. ગર્ભશ્રીમંત તો ઘણા જોયા છે પણ અમારી સ્વતંત્રતા તો જન્મસિદ્ધ હતી. સ્વરાજ્ય આંદોલનના એ તીવ્ર કાર્યક્રમોના વાતાવરણમાં અમારું બાળપણ વીત્યું. તે વખતના દૃશ્યો આજે પણ નજર સામે તરવરે છે.

મને યાદ છે એક પ્રસંગ. હું ખૂબ નાનો હતો. ગામડામાં ગરીબ ખેડૂતોની જમીન કોઈ દરબારે છીનવી લીધેલી. ઉપરાંત ખેડૂતોને સારી પેઠે મારેલા. બાપુજી પાસે ફરિયાદ આવી. બાપુજી બીજે જ દિવસે તે ગામે જવા નીકળ્યા. હું પણ સાથે જવા તૈયાર થઈ ગયો. પહોંચ્યા સીધા દરબારની ડેલીએ જઈને અટકયા. ‘આવો આવો, આત્મારામભાઈ, ધન ઘડી ધન ભાગ અમારાં, અમારે આંગણે આપ ! એલા ઢોલિયો ઢાળો.’ કહીને દરબારે સ્વાગત કર્યું. ફટાફટ ઢોલિયા ઢળાઈ ગયા. ગાદી-તકિયા પથરાઈ ગયા. ‘લો, બિરાજો, આત્મારામભાઈ!’ માટલાનું ઠંડું પાણી આવી ગયું. દરબારે કહ્યું કે, ‘આજે રોટલા ભેળા જમીએ. રોટલા વગર તો નહિ જવા દઈએ.’ ઉત્તરમાં બાપુજી કહે કે, ‘ઈ વાતો પછી, પહેલાં તો તમે આ કોળીઓની જમીન લઈ લીધી છે ઈ પાછી આપી દ્યો અને આ લોકોને માર્યા છે તે બદલ …’

‘અમારે આંગણે આપ આવો એટલે આપ જે કહો તે અમારે કરવાનું જ હોય. પણ આપે અમારી વાતે ય સાંભળવી તો જોઈએ જ. બસ એક વાર આપ અમારી વાત સાંભળી લો અને પછી આપ જે નિર્ણય આપો તે અમારે કબૂલ મંજૂર. આપ કહો તે પહેલાં કોરા કાગળે અમે સહીઓ કરી આપીએ. આવો, આપણે મેડી ઉપર બેસીએ. બધી વાતો બધાની વચ્ચે ન થાય.’

દરબાર, તેમના બે-ત્રણ સાગરીતો અને બાપુજી ડાયરામાંથી ઊભા થયા અને ઉપરની મેડીએ જઈને બેઠા. હું અને અમારી સાથે આવેલા બીજા એક ભાઈ ગામ લોકો વચ્ચે નીચે જ બેઠા. ઉપર ગુફતેગો શરૂ થઈ. થોડીવાર તો અમારું ધ્યાન ઉપર જ મંડાયેલું રહ્યું પણ છાની વાતડિયુંનો એક પણ શબ્દ કોઈને કાને ન પડ્યો. પંદરેક મિનિટ થઈ હશે ત્યાં તો ઉપરથી અચાનક વીજળીના કડાકા જેવો તીક્ષ્ણ અવાજ સંભળાયો : ‘દરબાર, ઈ ઘર બીજા, શું તમે મને ખરીદી લેવા માંગો છો ?’ મેડી ઉપરની ગોઠડી વીંખાઈ ગઈ. ધમધમ પગ પછાડતો જુવાન આખી ડેલીને ધણ-ધણાવીને દાદરો ઊતરી ગયો.

‘આત્મારામભાઈ, તમે સમજ્યા નહીં. આપની ગેરસમજ થઈ છે. અમે આપને શું નથી ઓળખતા? આ તો એમ કે અમારે આંગણે પહેલી વાર બાબાભાઈ આવ્યા છે એટલે એમના હાથમાં અમારે કંઈ મૂકવું જોઈએ.’ બાજી સુધારવાનો દરબારે પ્રયત્ન કર્યો પણ તેનો કઈ અર્થ નહોતો. નીચે ઊતરતાં જ બાપુજી કહે, ‘ચાલો, ભાઈ ચાલો. દરબાર મને લાંચ આપવા ઈચ્છે છે. હવે તો ગામસભામાં જ બધી વાતો કરીએ.’

બીજી એક  યાદ આવે છે – બા બાપુજી બંને જેલમાં હતા. મારા મોટાભાઈ અનિલભાઈ અને હું બહાર હતા. જેલમાં બાપુજીની તબિયત બગડેલી. પણ આવા જોખમી માણસને જેલમાંથી છોડવા કરતાં જેલમાં જ રાખીને બીજી વિશેષ સગવડો આપવી રાજ્યને ડહાપણભરી લાગતી હતી. એ સગવડોમાં એક એ પણ હતી કે જેલમાં જ બાપુજી સાથે મારાં બા અને અમે બંને ભાઈઓ સાથે રહી શકીએ તેવી વિશેષ ગોઠવણ કરી આપવામાં આવી. બે રૂમ અને વરંડાવાળી જગ્યા અમને ત્યાં મળી. અમે બંને ભાઈઓ ભણતા હતા, એટલે જેલમાંથી નાહી-ધોઈ-જમીને દફતર લઈને નિશાળે ભણવા જતા અને નિશાળેથી ભણીને પાછા જેલમાં એટલે કે અમારા ઘરે આવી જતા. આ વ્યવસ્થાના શરૂઆતના દિવસો હતા તે વખતે એક નાનકડો પ્રસંગ બન્યો. અમે નિશાળેથી પાછા આવ્યા, પણ જેલની અંદરનો બીજો દરવાજો ખોલે તે પહેલાં અમારાં દફ્તરોને અનુલક્ષીને સંત્રી કહે, ‘આમાં શું છે? બતાવો.’ અનિલભાઈ કહે, ‘શું કામ? શું અમે કંઈ ચોરબોર છીએ ? નહીં બતાવીએ. જાઓ થાય તે કરી લો.’ એમ કહીને અમે અમારાં દફ્તરો પાછાં ખેંચ્યાં. સંત્રી સાથેની અમારી રકઝક અંદર બેઠેલા જેલરના ધ્યાનમાં આવી એટલે તેઓ બહાર આવ્યા. વાત સમજી લીધા પછી પેલા ચોકીદારને કહે, ‘જવા દે આ છોકરાઓને, એમના થેલાઓ તપાસવાના નહીં.’ તરત જ અંદરનો દરવાજો ખૂલી ગયો! જાણે મોટો વિજય થયો હોય તેમ અમે તો કૂદતા, ઊછળતા બા-બાપુજી પાસે પહોંચી ગયા. ભારે ગર્વ અને અધીરાઈ સાથે બાપુજીને વાત કરી સંભળાવી. મને યાદ છે – ત્યારે બાપુજીની આંખમાં શાબાશીનો પ્રકાશ છવાઈ ગયેલો!

વેકેશનમાં અમારે અમારા નાનાને ત્યાં નવલખી જવું હતું. તેઓ ત્યાં પોર્ટ ઓફિસર હતા. રાજકોટથી નવલખી ટ્રેઇનમાં જવાનું ગોઠવાયેલું. મારાં નાના ભાઈ-બહેન મહેન્દ્ર અને કુમુદ પણ સાથે હતાં. અમે ત્રણ જણાં રાજકોટ જેમને ઘરે ઊતરેલાં તેમના હાથમાં રેલવે મિનિસ્ટ્રી હતી. હવે રેલવે મિનિસ્ટરના ઘરનાં સભ્યો ટ્રેઇનમાં મુસાફરી કરવાનાં હોય ત્યારે તેમની વ્યવસ્થા-સગવડ આતિથ્યમાં રેલવે તંત્ર કસર રહેવા દે જ નહિ! અમને સ્ટેશને પહોંચાડવા માટે મોટર આવી, સ્ટેશન માસ્ટર જાતે સ્વાગત કરે, પહેલા વર્ગની મુસાફરી … બધું ટીપટોપ! રજાના દિવસો નવલખી ગાળીને જ્યારે અમે ભાવનગરના ઘેર ગયાં ત્યારે બાપુજીને અમે આ વાત કરી. બાપુજીને લાગ્યું કે અમે ટિકિટ વગર જ મુસાફરી કરી હોય. આ સાંભળીને બાપુજીને ખૂબ દુ:ખ થયું. ‘તું હવે નાનો નથી. તારે ટિકિટ લીધા બાબતની ખાત્રી કરી લેવી જોઈતી હતીને !’ મને લઈ સીધા રેલવે સ્ટેશને ગયા. ભાવનગરથી નવલખીની પહેલા વર્ગની બે ટિકિટો ખરીદી. મારી આખી અને મહેન્દ્ર-કુમુદની અડધી અડધી. મને બતાવી અને પછી ફાડી નાખી. અમે મુસાફરી કરી હતી રાજકોટથી નવલખીની; ટિકિટ લીધી ભાવનગરથી નવલખીની. દંડ પણ જાતે જ નક્કી કરી લીધો. હું તો ઊંડો ઉતરી ગયો !

બાપુજી સ્વભાવે સત્યાગ્રહી હતા એટલે આગ્રહી પણ હતા. પરંતુ તેમના આગ્રહનો બોજ અમને ભાઈ-બહેનોને લાગ્યો નથી, બલકે એમની નિષ્ઠાનો જ સ્પર્શ અમે હંમેશાં અનુભવ્યો છે. અમારા નાનપણથી જ અમે પૂર્ણ સ્વાતંત્ર્યનો અનુભવ કર્યો છે. ‘મને આ બરાબર લાગતું નથી છતાં તમારે જે કરવું હોય તેમ કરો’ની બહુ જ અનાગ્રહી ભૂમિકા. આગ્રહ બધો સત્યને જ સમર્પિત થઈ ગયેલો. તેથી વ્યાવહારિક બાબતોમાં અનાગ્રહનું બળવત્તર તત્ત્વ જ કામ કરતું. આગ્રહમાં બળ માનવામાં આવે છે, પણ અનાગ્રહ તો વધુ બળવાન છે – તે વાત અમને મોટા થયા પછી સમજાઈ.  અમને આગ્રહ અને અનાગ્રહ બંનેના લાભો મળ્યા. ડગલે ને પગલે અમારે આગ્રહના ખડકો સાથે અથડાવાનું આવ્યું હોત તો અમારા સૌમાં જબરી પ્રતિક્રિયા આવી હોત, પણ તેવું અમારા કોઈના જીવનમાં ન થયું. અમે સૌ સ્વતંત્ર રીતે વૈચારિક નિર્ણય કરી શકીએ તેવા થયા ત્યાર પછી બાપુજીની વિચાર-પદ્ધતિ કે તેમની કાર્યશૈલી બાબત અમારા મતભેદો જરૂર રહ્યા, તેમ છતાં અમારા સૌનાં ચિત્ત પર તેમની સો ટચની નકકર ખણખણતી નિષ્ઠાનો પ્રભાવ જ મુખ્યરૂપે રહ્યો.

બાપુજી જીવનભર એકલવીર પ્રવાસી જ રહ્યા, છતાં ‘આખો ય પંથ અમે જોયું ન કોઈ, છતાં કોઈ હતું, સાથે ને સાથે’નો અનુભવ એમને અને અમને પણ થતો ગયો! અને વાત પણ સાચી છે કે તે વિના આટલું સાહસ અને આટલી નિશ્ચિતતા ક્યાંથી આવત? ‘રામ રાખે તેમ રહીએ’ની ભાવના તેમના જીવનમાં અખંડ વહેતી અમે જોયેલી. એમનું નામ – સ્મરણ ચાલ્યા કરતું. સત-સાહિત્ય પઠન અને હરિનામ સ્મરણ એ એમની આંતર-ઉર્જા હતી!

(૧૯૯૧માં પ્રકાશિત ‘મારા પિતા’, સંપાદક – પુ.ગ. માવળંકર-માંથી સારવીને)

•

મારી મુગ્ધાવસ્થા

જુગતરામકાકા પાસે કેળવણી લેવા ગયો તો ઘણું શીખવા મળ્યું. બીજું બધું તો ઘણું સારું, પણ સવારની પ્રાર્થના માટે હું ઊઠતો નહીં. જુ’કાકા પાસે ફરિયાદ ગઈ. કાકાએ કહ્યું, આજથી મારી સાથે સૂવાનું.

સૂતો ય ખરો પણ જેવો પ્રાર્થનાનો ઘંટ વાગે એટલે બિસ્તરો લઈ બીજે જઈને સૂઈ જવાનું ! પછી તો મને ઘંટ પાસે સૂવાડ્યો, પ્રાર્થનાના સ્થળે સૂવડાયો, પણ જેવી બધાની આંખો બંધ થાય એટલે હું બીજે જઈને સૂઈ જાઉં. મને વહેલો ઊઠાડવામાં એ સફળ ન થયા. પણ વિનોબા પાસે આવીને વહેલો ઊઠવા માંડ્યો!

હું સેવાગ્રામમાં ઉત્તર બુનિયાદી તાલીમ માટે થોડાં વર્ષ રહ્યો. ત્યારે વિનોબાજીને જોયા હતા. ૧૯૫૩માં ભૂદાનયાત્રા વખતે બાબા પાસે આવ્યો. આવ્યો તે આવ્યો! પાછો ગયો જ નહિ! હું પાછો જવા માંગતો જ ન’તો! બસ, હું તો તેમની પાસે જ રહેવા માંગુ છું. હું તો એમ કહેવા માગું છું કે હું એમની પાસે નથી ગયો પણ એ મારી પાસે આવ્યા. એમના આવવાથી મારા જીવનની દિશા નક્કી થઈ ગઈ ! એને હું ઈશ્વર પરની સૌથી મોટી કૃપા માનું છું કે હું બાબા પાસે પહોંચ્યો ! મને લાગે છે કે મારા ભવિષ્યના બધા જન્મારા પૂરા થઈ ગયા. બાબા ઉપર હું એકદમ મુગ્ધ છું, આજે પણ એ જ મુગ્ધાવસ્થામાં રહું છું.

મારું માનવું છે કે બાબાની સૌથી મોટી વિશેષતા એમની મૌલિકતા છે. એ ભલે ગાંધીજીની વાત કરે છે. પણ ભૂદાન, ગ્રામદાન, સર્વોદયપાત્ર વગેરે કાર્યક્રમ એમની મૌલિક દેણ છે. જનતા જડ બનીને સૂતી રહે છે, લોકશક્તિ જગાડવી સહેલી નથી. બાબા પાસે મેં એકવાર વાત મૂકી કે, ‘આજના શિક્ષણમાં કોઈ દમ નથી.’ મને એમ કે બાબા આજના શિક્ષણની જોરદાર ટીકા કરશે. પણ મારી વાત શાંતિથી સાંભળ્યા પછી તેમણે લોખંડની બે પેટીઓ તરફ ઈશારો કરીને કહ્યું, ‘એમાં વેદ, ઉપનિષદ, શબ્દકોષ છે. બાબાનો એકે ય દિવસ અધ્યયન વિનાનો નથી હોતો, તું પણ અધ્યયન કર !’

આજકાલ મને કાંઈ સાંભળવા, બોલવા, વાંચવાની ઈચ્છા જ થતી નથી (૨૦૨૦ના મે માસની આસપાસ અરુણભાઈ વિનોબાજીના પવનાર ખાતેના આશ્રમમાં રહેવા ગયેલા). ઈશાવાસ્થ ઉપનિષદમાં ‘विद्यां च अविद्यां च’ આવે છે. જે વિદ્યામાં ડૂબેલો રહે છે તે ઘોર અંધકારમાં જાય છે. બસ અંદર ‘રામહરિ’ ચાલ્યા કરે છે. કોઈ સાથે વાત કરું છું તો ‘રામ-હરિ’ બોલું છું, એવું લાગે છે. કોઈ બહેને પૂછયું કે, ‘આ વખતે આપ મૌન કેમ છો?’ હું કહું છું, ‘હું ભીતરમાં ડૂબેલો રહું છું.’ કોઈએ પૂછ્યું, ‘તમને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો છે?’ મેં કહ્યું, ‘એવું તો ન કહેવાય પણ જે ઈશ્વરમાં ડૂબેલા રહેતા તેવા બાબામાં હું હંમેશાં ડૂબેલો રહું છું !’

(‘मैत्री’ના જુલાઈ, ૨૦૨૦ના અંકમાં પ્રકાશિત ‘मेरी मुग्धावस्था’માંથી સારવીને)

                                       – અરુણ ભટ્ટ

•

અમારું  સહજીવન

મીરાંબહેન – અરુણભાઈ ભટ્ટ

ભલે હું અમારા લગ્નને ‘સ્વયં-વરણ’ કહું, પરંતુ મારા અંતરતરનું એમના માટેનું સંબોધન છે – દેવદત્ત! મારા માટે એ દેવના દીધેલ છે. દેવાધિદેવ તરફથી થતી ઉપલબ્ધિને આપણે ‘પ્રસાદી’ કહેતા હોઈએ છીએ, અને ‘પ્રસાદી’ના રંગ-રૂપ-સ્વાદની કદી આલોચના ન થઈ શકે.

એકંદરે મને એમના વ્યક્તિત્વમાં સહજ સ્વીકારની ભૂમિકા જ કામ કરતી દેખાઈ છે. છૂટકો ન હોય,  ત્યાં જ નકારો સાંભળવા મળે. બાકી સમગ્ર જીવનાકાશમાં ‘ૐ-ૐ’નો હકારાત્મક ધ્વનિ જ સાંભળવા મળે! એમની સહજવૃતિ સદાય છેલ્લે રહેવાની. કોઈને હડસેલો મારીને આગળ થઈ જવાનું તો સ્વપ્ને ય ન સૂઝે. વિનોબા પદયાત્રામાં પણ ક્યારેક સરસ ચર્ચા ચાલતી હોય, ત્યારે મારી નજર એમને આમતેમ શોધે! પણ બાબા સાથે થઈ જવાની હોડ ચાલતી હોય, ત્યાં એમના દર્શન કેવા?

પિતા આત્મારામભાઈથી સાવ વિપરીત એમનો અભિગમ. પણ અનાગ્રહ એટલે પાછી મૂલ્યોમાં ઢીલાશ નહીં! ગાંધીજીના ત્રણે ય વાંદરાને એ ય પાળી રાખે! રખે ને, કશું અજુગતું થતું-થતું બચી જાય, તો પણ અંતરપટ આખ્ખું વિનોબા સમક્ષ ખુલ્લુંખમ! એની મોટી છત્રછાયા! એકવાર કાર્યકરોના નિર્વાહ અંગે વિનોબા સમક્ષ સંવાદ ચાલ્યો, ત્યારે વચ્ચે અરુણ કહે, ‘બાબા, મને પોતાને મારા માટે માંગતા કદી સંકોચ નથી થતો. જરૂર પડે હું મિત્રોને નિ:સંકોચ કહી શકું છું!’

ગળ્યું ખૂબ ભાવે, પોતાના રસાસ્વાદના બચાવમાં ભગવાન શ્રીકૃષ્ણનો ભગવદ્ગીતા કથિત સધિયારો મેળવી લે, ‘આહાર કેવો હોવો જોઈએ?’ તો ભગવાન કહે, ‘રસાળ, સ્નિગ્ધ અને મધુર!’ આ ગીતાભક્તે ત્રિગુણી વાનગી શોધી કાઢી! બંગાળના રસગુલ્લાં! કપડાનાં રંગની પણ પસંદગી – ના પસંદગી! ભડકામણા રંગનું હું કે અમી કાંઈ પહેરીએ તો કોમેન્ટ્સ આવે અને કપડાં બદલાવે છૂટકો થાય! પરંતુ ‘અંતિમ પર્વ’માં ન કોઈ આગ્રહ, ન કોઈ પસંદગી, ન કોઈ ના-પસંદગી ! પહેલાં અમુક જ રંગના ઝભ્ભા જોઈએ, હવે જે હોય તેનાથી ચાલ્યું જાય.

સુવા અંગેની સૂગ તો એવી કે અડખે-પડખે કશું પણ નડે તે ન ચાલે! એક વાર ગમ્મત થઈ. મુંબઈમાં દેવનારના કતલખાને ગોરક્ષા માટેના સત્યાગ્રહ વખતે પોલીસે સૌ સત્યાગ્રહીઓને એક રાત પોલીસ-કસ્ટડીમાં રાખવાની સજા કરી. પચાસ-સાઠ સત્યાગ્રહીઓને એક મોટા ઓરડામાં હકડેઠઠ ભરી દીધા. ખટારાના બળદોની જેમ સ્તો ! રાત પડી, બધા સત્યાગ્રહીઓ તો અડખે-પડખે કાયા લંબાવી ઊંઘી ગયા! પણ આ ‘ટચ મી નોટ’નું શું થયું એ જાણવામાં અમને ખૂબ રસ! ‘શું વળી, આખી રાત ટૂંટિયું વાળીને બેસી રહ્યો!’ મચ્છરનો ગણગણાટ પણ ન ચાલે. પ્રવાસમાં, એક જોડી કપડાં ઓછાં લઈ જાય, પણ મચ્છરદાની તો સાથે હોય જ! રૂમમાં કોઈ વડીલ પણ મચ્છરદાની વગર સૂતા હોય તો આંખ આડા કાન કરે! પણ ‘માણસ નામે નબળું પ્રાણી, એને એની ઊંઘ બહુ વહાલી!’ જોઈએ તો એક ટંક ભૂખ્યા રાખો, પણ નિંદર તજે એ બીજા! વડોદરામાં સંગીતના કાર્યક્રમ તો છાશવારે યોજાય, પણ નવ વાગ્યા પછી પથારીમાં પડી જવું એ જ સાંસ્કૃતિક કાર્યક્રમ!

અરુણભાઈ – મીરાંબહેન

ભજન તો એમની રગોમાં રક્તની જેમ વહે. મકરંદભાઈને ઘણી હોંશ હતી કે ભજન-વિદ્યાપીઠ ઊભી કરવામાં અરુણ સમય આપે! પરંતુ સ્વધર્મ સર્વોદય-કાર્યનો હતો. એટલે એ તો શક્ય ન બન્યું. મકરંદભાઈને હૃદય પર પહેલો હુમલો આવ્યો ત્યારે મુંબઈની હોસ્પિટલમાં અરુણ કુન્દનિકાબહેનની મદદાર્થે પહોંચી ગયા. પંદરેક દિવસ રહ્યા હશે. ત્યાર પછી કુન્દનિકાબહેનનો પત્ર આવ્યો, અરુણભાઈના વ્યક્તિત્વનો નવો પરિચય થયો. તદ્દન સહજ અને નિરાડંબરી! નિ:સંકોચ ગમે તે કામ સોંપી શકાય. એ પોતે તો બોજો ન જ અનુભવે, આપણને પણ બોજો અનુભવવા ન દે!

તમામ પ્રકારનાં કામો કરી છૂટવાની દાનત. રસોઈ તો ઠીક, કપડાં-વાસણ-સફાઈ બધું કરે! અમારું સહજીવન બે મિત્રો જેવું. તમામ મોરચે એ સાથે ને સાથે! મિત્રો તો મજાકમાં કહે, ‘ભલે બાળકોને પેદા કર્યા મીરાબહેને, પણ ઊછેરીને મોટા કરવામાં બૃહદ્દ ભાગ ભજવ્યો અરુણભાઈએ!’ મારી બીજી સુવાવડ વખતે ખડે પગે એમણે મારી ચાલીસ દિવસ સેવા કરી. ખબર કાઢવા આવતા મહેમાનો સહજ પ્રશ્ન પૂછે, ‘સુવાવડ માટે કોણ આવ્યું છે ?’ બાપુજી એટલી જ સહજતાથી કહે, ‘અરુણ છે ને!’ અમારું સહજીવન યથાર્થમાં બે મિત્રોનું સહજીવન બની શક્યું એનું મહદ્દ શ્રેય અરુણને ફાળે જાય છે. શું ઘરકામ કે શું બાળકોનો ઉછેર – તમામ પારંપરિક મોરચે એમનું સહજ અને નિરાડંબરી વ્યક્તિત્વ જ પ્રગટ થતું રહ્યું. એક તબક્કે તો, મારે સર્વોદયનાં કામ માટે ત્રણેક મહિના સુદૂર બિહાર – આસામ જવાનું થયું ત્યારે કાલુંઘેલું બોલતાં શીખતો થયેલો અનિકેત અરુણને જ ‘મા’ કહીને બોલાવતો !

મુખ્ય ચીજ જીવન! જીવનમાં ન ઊતરી હોય તેવી કોઈ ડહાપણ ડાહી વાતો નહીં! માત્ર પારિવારિક સંબંધોમાં જ નહીં, સામાજિક ક્ષેત્રે પણ કોઈ મજૂરોને ટોપલા ઉપાડતાં કે ઈંટો સરકાવતાં જુએ તો એ જોડાઈ જાય. એક તો, કોઈ વોલીબોલ ખેલતું હોય અથવા તો રાસ રમતું હોય તો એમના પગ ઝાલ્યા ના રહે, બીજું કોઈ શ્રમિકને પરસેવે રેબઝેબ થતો કોદાળી લઈને ખોદતો જુએ તો એ વાર્યા વરે નહીં. સૌની સાથે હળવા-ભળવામાં દૂધમાં સાકર ભળે તેમ ભળી જાય. છતાં ય એમની મૂળભૂત પ્રકૃતિમાં એક પ્રકારની અસંગવૃત્તિ દેખાય! ઘણી વિકટ પરિસ્થિતિમાં અને ઘણા દિલદાર સંબંધોમાં પણ એક પ્રકારની તટસ્થતાનો અણસાર સાંપડે! સૌના સંગમાં રાજી રાજી તો ખરા, પરંતુ સહેલાઈથી કોઈના સંગનો રંગ ન લાગે. પોતાની અસ્મિતા અકબંધ રાખે! વિરહ-વેદના શું એ ન જાણે ! છતાં ય કાળજી-નિસ્બત પૂરેપૂરા ! મૃત્યુના સમાચારથી હાલી ન ઊઠે, બલકે કશુંક સારું થયાનો ભાવ અનુભવે! આવા માણસને શું કહેવો? રાગી – અનુરાગી કે વૈરાગી?  બીજા માટે કરી છૂટવામાં સહેજ પણ ખામી ન રાખે, પરંતુ જેવા out of sight એવા out of mind! એમને કશું ચોંટી, વળગી ન શકે. હાજરાહજૂર માણસ ભગવાન જેવો! પણ જાય પછી પડછાયાને પોતાના સુધી લંબાવા ન દે !

જોવું-જાણવું, હરવું-ફરવું ગમે, ખૂબ ગમે. પણ એના માટેના પ્રયત્નોમાં આંગળી પણ ઊંચી ન કરે! સામે આવે તે સોનાથી પણ વધારે, પણ કશાની ય પાછળ પડી જવાની ઘેલછા નહીં! એટલે જ એ મહિનાઓ સુધી એકનું એક ગીત ગાતા રહ્યા કે ‘સહજ મળ્યું તે લીધું, મેં તો સહજ મળ્યું તે લીધું!’ મમત નહીં, મમત્વ પણ નહીં, ગામડે બેસીને સર્વોદયનું કામ કરવાની ઊંડી લગન, પણ મારા વલણમાં નગરવાસ સહજ જણાયો, તો કદી ય એની રાવ-ફરિયાદ નહીં ! ‘રામ રાખે તેમ રહીએ’નો અભિગમ! આગ્રહ-અભિનિવેશ નહીં! હા, નજર સામે કશું ખોટું આચરાતું જુએ તો સત્યાગ્રહી પિતાનો પુત્ર સિંહની જેમ ગર્જી ઊઠે !

બાળપણથી જ ભગવાનની મૂર્તિના પાઠ-પૂજા-આરતી વગેરેના કાંઈ સંસ્કાર નહીં, ઘરની હવામાં જ ગાંધી વ્યાપી રહેલો,  છતાં મન થાય ત્યારે મંદિરે જઈ આવે. કહે, ‘ઈશ્વરે મારી કશી જ લાયકાત ન હોવા છતાં ઘણું બધું આપ્યું છે, એની કૃપા હું કેમ ભૂલી શકું?’

આમે ય, સ્વભાવમાં ક્યારેક આગ્રહ, મમત, ધાર્યું કરવાની વૃત્તિ હતી જ નહીં, પરંતુ હવે તો જો પહેનાવે, સો હી પહનૂંની વૃત્તિ છે, કશા ય પ્રયાસ વગર અમારું સહજીવન ‘મિલે સૂર મેરા તુમ્હારા ! તો સૂર બને હમારા !’ જેવું થઈ ગયું છે.

(૨૦૧૬માં પ્રકાશિત ‘મિલે સૂર મેરા તુમ્હારા’માંથી)

•

પતિ ‘પતાવન’ અરુણભાઈ

એક વાર અમે ચૌદ જણા સાબરમતી આશ્રમમાં ગોરક્ષાર્થ એકવીસ દિવસના ઉપવાસ પર બેઠાં. અરુણભાઈ બે-ચાર દિવસ માટે આવેલા. એક સાંજે પ્રાર્થનાનો સમય થવા આવ્યો હતો પણ છાવણીની છોકરીઓ હજુ વાસણોમાંથી પરવારી નહોતી. સહજ ભાવે અરુણે ત્યાં પહોંચીને મદદ માટે હાથ લંબાવ્યો, પણ સૌ બહેનો ‘ના-ના-ના’ કહીને ચિત્કારી ઊઠી. છતાં અરુણે તો પરાણે વાસણો માંજવાનું ચાલુ જ રાખ્યું. એ સહન ન થતાં બેત્રણ જણે ખેંચીને વાસણ લઈ લીધા અને બોલી, ‘તમને વાસણ માંજવા દઈએ તો લોક અમને એમ ન કહે કે ‘છોડિયું બધી મરી પરવારી હતી કે ભાઈને વાસણ માંજવા પડયાં ..’ ત્યારે ફરી હાથમાં વાસણ ખેંચી લેતાં અરુણે કહ્યું, જો તમને કોઈ આવું કહેને તો એમને કહેજો કે છોડિયું બધી તો પહેલાં પણ જીવતી હતી અને હજુ આજે પણ જીવે છે, પરંતુ પુરુષો બધાં મરી પરવાર્યા હતા, તેમાંથી એક ભાઈ પાછો જીવતો થયો છે!’

બહારનો સમાજ પતિપણું સચવાઈ રહે તે માટે ઘણી ચિંતા રાખે, પણ એને કોઈ ગાંઠે તો વાત બને ને! ઊલટું એક વાર ગામડાના એક છોકરાએ નવો પાઠ ભણાવ્યો, તે જ ગાંઠે બંધાઈ ગયો. એકવાર શાળામાં વાર્તા કહેવા ગયા. શરૂની પ્રાર્થનામાં એક છોકરો પોતાની આંખો સજ્જડ ભીડી, ધૂન આ રીતે ઝીલે – “રઘુપતિ રાઘવ રાજારામ, પતિ ‘પતાવન’ સીતારામ!” ધ્યાન ગયું પછી તો હસવું હાથમાં ન રહે, પણ પ્રાર્થના પછી અરુણભાઈએ કહ્યું, “અત્યારે સુધી અમે ધૂન ગાતાં કે, પતિત-પાવન સીતારામ! રામજી પતિતોને પણ પાવન કરે છે. પરંતુ આજે તમારી શાળાના આ નાનકડા બાળે નવો અર્થ સમજાવ્યો કે, રામજી ‘પતિ-પતાવન’ હતા, એટલે કે પોતાનું પતિપણું, માલિકીપણું, સ્વામિત્વ એમણે પતાવી દીધું હતું. સમાજનું પતિત્વ પણ પતાવી શકે એવા છે આ રામજી!”

     – મીરા ભટ્ટ

(“અખંડ આનંદ”, સપ્ટેમ્બર, ૨૦૦૩માંથી સારવીને)

સૌજન્ય : “ભૂમિપુત્ર”’ 16 ઑક્ટોબર 2024; પૃ. 12-15 તેમ જ 23

Loading

...102030...365366367368...380390400...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved