Opinion Magazine
Number of visits: 9552937
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સદ્‌ગત માવજી સાવલા

અભિજિત વ્યાસ|Opinion - Literature|16 December 2015

છેલ્લા થોડા દિવસથી મનમાં એવું થતું હતું કે માવજીભાઈ સાથે વાત નથી થઈ. ફોન કરવો છે, પણ કેટલાંક કારણોસર રહી જતું હતું. ત્યાં શૈલેષભાઈ(માવજી સાવલાના પુત્ર)ના ઇમેઇલથી સમાચાર મળ્યા કે માવજીભાઈએ ૮૫ વર્ષની ઉંમરે વિદાય લીધી. (તા. ૧૫ નવેમ્બર, ૨૦૧૫)

માવજીભાઈને સૌપ્રથમ વખત મળવાનું બનેલું ‘વિચારવલોણું’ના તંત્રી સુરેશ પરીખના ષષ્ટિપૂર્તિ સમારોહમાં. અમારી વચ્ચે ઉંમરનો ઘણો તફાવત હોવા છતાં અનેરી મૈત્રી હતી. અને એક પ્રેમાળ મિત્ર તરીકેના માવજી સાવલાનો સ્નેહ મારી જેમ અનેકને મળ્યો હશે. એમને ગુજરાત દાર્શનિક એમ કહું તો પણ ખોટું નથી જ. એમણે અભ્યાસ પણ ફિલોસૉફીનો કરેલો અને પીએચ.ડી.નું કાર્ય પણ એમાં જ કર્યું જે એમણે કેટલાક કારણસર છોડી દીધેલું. બહુ મોટા વાચક અને તેટલા જ મોટા વિચારક. લખ્યું પણ ઘણું જ – પાંસઠ (૬૫) જેટલાં એમનાં પુસ્તકો. વિવેચનમાં અત્યંત નિખાલસ અભિપ્રાય આપે. અને એમના સાચા અભિપ્રાયથી પણ કોઈ નારાજ થાય તો તેનુંયે દુઃખ વ્યક્ત કરે.

માવજીભાઈએ સર્જનાત્મક સાહિત્ય સાથે અનુવાદનું પણ ખાસ્સું કામ કરેલું. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના મોટા વાચક અને એમના ઉપર ટાગોરનો પ્રભાવ પણ ખરો. ‘ગીતાંજલિ’નો સારાનુવાદ પણ કરેલો. વિદેશી – અંગ્રેજી સાહિત્યના પણ અનેરા વાચક. જર્મન લેખક હરમાન હેસના બહુ મોટા ચાહક. હેસની ‘સિદ્ધાર્થ’ એમની પ્રિય કૃતિ. આ નવલકથાનો અનુવાદ અને નાટ્યરૂપાંતર પણ એમણે કરેલાં. પણ કોઈ કારણસર એમને આ નવલકથા ઉપરથી સર્જાયેલી ફિલ્મ ‘સિદ્ધાર્થ’ જોવાની રહી ગઈ હતી. એની વાત એમણે કરેલી અને મેં એમને આ ફિલ્મની સીડી મોકલી ત્યારે બહુ પ્રસન્ન થયેલા. કેટલાક મિત્રોને પણ બતાવેલી અને તેના વિશે લેખ પણ કરેલો. મેં શુદ્રકના ‘મૃચ્છકટિકમ્‌’ ઉપરથી સર્જાયેલી ફિલ્મ ‘ઉત્સવ’ ઉપર એક પ્રવચન આપેલું, જે પછીથી ‘શબ્દસૃષ્ટિ’માં પ્રગટ થયેલું. તે વાંચીને તરત જ મને તે ફિલ્મ તેમને જોવાની ઇચ્છા છે તેવો ફોન કરેલો. આ માવજીભાઈ ફિલ્મો જોવાના બહુ શોખીન હતા અને એમના યુવાનીના દિવસોમાં એમની એક ફિલ્મ સર્જવાની-દિગ્દર્શિત કરવાની ઇચ્છા પણ હતી. ગુર્જીફનો પરિચય પણ ગુજરાતી વાચકોને માવજીભાઈએ કરાવેલો.

એક સાચા ફિલોસૉફરની જેમ એમણે અળગા રહીને કેટલાં ય કાર્યો કરેલાં. જન્મે જૈન ધર્મના હોવા છતાં અન્ય જૈનોની જેમ જૈનવિચારના પ્રચારમાં નહીં. એટલું જ નહીં, મન અને હૃદયથી પણ અત્યંત ખુલ્લા. અળગા એટલે કેવા અળગા કે પુત્રના લગ્નની જાનમાં પોતે જ નહોતા ગયા. ફિલોસૉફીના ક્ષેત્રમાં પોતાનું આગવું પ્રદાન આપી શકે તેવા સક્ષમ હોવા છતાં એમણે ખાસ કશું જ ન લખીને ગુજરાતી વાચકોને થોડો અન્યાય કર્યો છે તેવું મારું માનવું છે. આ વાત એમને કરેલી ત્યારે એમણે ફક્ત સ્મિત કરેલું. એ ‘ઍપ્લાઇડ ફિલોસૉફી સેન્ટર’ પણ ચલાવતા. જીવનના છેલ્લા દિવસો સુધી એમનું લેખન ચાલુ રહેલું. એટલું જ નહીં, પત્રો લખવાના પણ શોખીન. એમનો મિત્રવર્ગ બહુ બહોળો હતો. એ બધા સાથે એમનો જીવંત સંપર્ક. એમણે લખેલા અને એમના ઉપર આવેલા પત્રો વિશે ‘ઓળખ’માં તેઓ નિયમિત લખતા. એક મોબાઇલ ફોન પણ સાથે રાખતા – ફોન કરવા નહીં, પણ એમને ગમતાં જૂના ગીતોને સાંભળવા માટે. મિત્રો એમને ‘નાલંદા-ગાંધીધામ વિદ્યાપીઠ’ તરીકે ઓળખતા હતા. એમના માટે આ અત્યંત યોગ્ય ઓળખાણ છે. એવું જ એક મહત્ત્વનું કાર્ય તે કચ્છી ભાષાને બંધારણના આઠમા પરિશિષ્ટમાં સ્થાન અપાવવાનું એમણે કરેલું.

માવજી સાવલા નામની વ્યક્તિએ દેહ છોડ્યો છે, પણ એમનો અક્ષરદેહ સદા આપણી વચ્ચે રહેશે. એમનાં પુસ્તકો, પત્રો અને હૂંફ ભરેલો સ્નેહ સદા સ્મરણીય રહેશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2015; પૃ. 16

Loading

‘સ્વાયત્તતા’ને પગલે પગલે

મીરાં ભટ્ટ|Opinion - Literature|16 December 2015

હમણાં ‘નિરીક્ષક’માં સાહિત્ય-જગતની સ્વાયત્તતા વિષે મંથન ચાલી રહ્યું છે, ત્યારે મને પણ બે વાત લખવાનું મન થઈ આવ્યું છે.

‘શબ્દ’નું ઉગમસ્થાન અંતરતર છે. આ અંતરતરના આકાશપટ પર કદાચ બાહ્ય સ્તરે રહેતાં મન-બુદ્ધિનો પડછાયો પણ નહીં પડતો હોય. ‘શબ્દ’ સ્વાયત્ત છે, પોતાની-અંતરતરની કમાણી છે, એના પર કોઈ પણ બાહ્ય સત્તાનું શાસન ન ચાલી શકે.

એટલે સ્વાયત્તતા આપણને શાસનમુક્તિની દિશામાં લઈ જનારું પરિબળ છે અને જ્યારે માણસ ઇચ્છે કે કોઈની પણ સત્તા એના પર ન ચાલે, ત્યારે એમાંથી સહેજે નિષ્પન્ન થતી સંહિતા આ છે કે પોતાની સત્તા પણ કોઈના પર ન ચાલે, એવી વૃત્તિ. આમ સ્વાયત્તતા આપણને સત્તામુક્તિ ભણી દોરી જતું પરિબળ છે.

પરંતુ જ્યારે આપણે ‘સંસ્થા’ દ્વારા સંગઠિત થવા ઇચ્છીએ છીએ, ત્યારે એમાં વ્યવસ્થા-વહીવટ આવે છે. સંગઠનમાં ગાંઠ છોડવાની નથી હોતી, ગાંઠ બાંધવાની હોય છે. ‘શબ્દ’ને ગ્રંથના બે પૂઠાં વચ્ચે સીમિત થવું હોય તો સુગ્રથિત થવું પડે છે. બોલાયેલા શબ્દને હવામાં વહેતો મૂકી શકાય, પરંતુ લખાયેલા શબ્દને ગ્રંથસ્થ થવું પડે. એટલે આપણે વ્યવસ્થા માટે ‘ઓછામાં ઓછી સત્તા’ ભણી વળીએ છીએ. પરંતુ સત્તાનો સ્વભાવ જ પગ પહોળા કરવાનો. આમાંથી છૂટવું કેમ, એ આપણો કોયડો છે.

ગાંધીએ ઉપાય બતાવ્યો છે – સત્તાના વિકેન્દ્રીકરણનો સત્તાને વહેંચી લેવાથી સત્તાનું જોર નરમ પડે છે. કદાચ સત્તાનો ડંખ તૂટી જતો હશે. સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે સામંતશાહી નહીં, પણ સૌનું પ્રતિનિધિત્વ પ્રતિબિંબિત કરતી શાસન-વ્યવસ્થા.

કામ અઘરું છે. સારું પ્રતિબિંબ પડે તે માટે સામેનું દર્પણ તો સ્વચ્છ જોઈએ જ, પણ તેથી વધુ ‘બિંબ’ પોતે જ દેખાવડું હોવું જોઈએ અને કમબખ્તી આ છે કે સારો દેખાવ કરવા માટે સારા થવું પડે છે. સ્વાયત્તતામાં સારા થવું એટલે સત્તાની શૂન્યતા સાધી, કોઈક નવા વિકલ્પની ખોજ કરવી. સત્તાને જ્યારે કોઈક સમૂહમાં વિકેન્દ્રિત કરવા જોઈએ છીએ ત્યારે સમૂહની પારસ્પરિકતાને કોઈ નવા તખ્તા પર લઈ જવી પડે છે.

વર્તમાન સાહિત્ય સંગઠનોમાં ધીરે ધીરે સાહિત્ય ગૌણ બનીને પુરસ્કારો-પારિતોષિકો-પ્રમુખ મંત્રીપદ પ્રધાન બનતાં રહ્યાં છે. વર્ષાન્તે, પરિષદના સભ્યોને કોઈ નવા શબ્દ-ધ્વનિની પ્રાપ્તિને બદલે પારિતોષિકોની જાહેરાત અને પ્રમુખની ચૂંટણીમાં વધારે રસ પડે છે. સાહિત્ય પરિષદ પાસે વર્ષો જૂના પ્રમુખ-મંત્રીની યાદી તૈયાર મળી શકે, પરંતુ દર વર્ષ ધરતીમાંથી ફૂટેલા કોઈ કુંવારા શબ્દની ભાળ મેળવવી અઘરી થઈ પડે છે. સાહિત્યની સ્વાયત્તતા માટે સાહિત્યકારોની ગણશક્તિ પ્રગટ થાય તે જરૂરી છે. આ ‘શક્તિ’ સત્તાની નહીં, ‘શાસન’ની નહીં, સમૂહના આંતરિક ચેતનાપટ પરથી ઉઠેલી શક્તિ હશે.

આ ‘આંતરિક ચેતનાપટ’ એટલે સ્થૂળમાંથી સૂક્ષ્મમાં ગતિ. એ માટે કીર્તિ, પદ, પારિતોષિક, ચંદ્રકોને વિદાય આપવી પડશે. મકરંદભાઈએ ગાયું તેમ ચંદ્રક તો ચાર દી’ના આપે ઘણાં ય, કોઈ ‘સૂર્યક’ આપે તો વાત જામે.

આ સ્વાયત્તતા એટલે સૂર્યકની ઉપાસના છે. એમાં પરપ્રકાશે ઝળહળવાનું નથી, સ્વયં પ્રકાશ પ્રગટ કરવાનો છે. એટલે જ સૂર્ય ‘સ્વરાટ્‌’ બન્યો. સ્વયંની સત્તા સિદ્ધ કરી શક્યો. સાહિત્ય જગતને સ્વરાટ્‌બનવું પડશે. એની પાસે પદ-પારિતોષિક ‘ગૌણ’ નહીં, શૂન્ય બનાવવા પડશે. તેમાંય આ તો સાહિત્યિક ગણની સ્વાયત્તતા, એટલે ‘આકાશમાં પૂનમની રાતે આકાશને પ્રકાશથી ભરી દેતા પૂર્ણિમાના ચંદ્રનું સામ્રાજ્ય નહીં, આ તો અભ્યાસની રાતે સમગ્ર આકાશને ઝબૂક-ઝબૂક અજવાળે ભરી દેતા અસંખ્ય તારલાઓનું રાજ! હવે કોઈ ‘એક’ને ભૂલી જવાનો. ‘સર્વ’ની ઉપાસના આદરવાની.

આપણા આર્ષ દૃષ્ટાઓએ આ શૂન્ય થવાની સર્વોપાસના સિદ્ધ કરી બતાવી છે. વેદ-ઉપનિષદ કોઈ એક ઋષિના નામે નથી ચઢ્યાં. એ અનેક ઋષિઓનાં મંત્રગાન છે. ‘નામના’નો મોહ ન છૂટે ત્યાં સુધી પૂર્ણ શાસનમુક્તિ શક્ય ન બની શકે. પણ આ જ ‘સાહિત્ય’નો, ‘શબ્દ’નો લય છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2015; પૃ. 12

Loading

એક હતો મોતી બહારવટિયો [પાવક સ્મરણ]

બદરીભાઈ જોષી|Opinion - Opinion|16 December 2015

અમારા તણછા ગામનું યુવક મંડળ ગામસફાઈ, ગામ રચના, વ્યસનમુક્તિ, ગ્રામરક્ષણના રચનાત્મક કાર્યક્રમો અને નાટકો ભજવવાનું કામ કરે. તણછા યુવક મંડળનો આમોદ તાલુકામાં પ્રભાવ ઊભો થતાં તણછાએ આદર્શ ગામ તરીકેની ખ્યાતિ મેળવી. નાટક પ્રવૃત્તિના દિગ્દર્શક સ્વ. હિંમતસિંહ રાજ અને સહાયક દિગ્દર્શક તરીકે હું હતો.

તા. ૧-૫-૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત જુદુ થયું. તેનું ઉદ્દઘાટન રવિશંકર મહારાજના હસ્તે થયું. અને ગુજરાતના તાલુકા જિલ્લાઓમાં સાંસ્કૃિતક કાર્યક્રમો થયા.

જે તે વખતના આમોદ તાલુકાના મામલતદારશ્રીએ યુવકમંડળને કહેણ મોકલાવ્યું કે તા. ૧-૫-૧૯૬૦ના રોજ આમોદ તિલક મેદાનમાં તમારે નાટકનો સાંસ્કૃિતક કાર્યક્રમ કરવાનો છે. સરકાર તરફથી યુવક મંડળને રૂ. ૨૦૦/- મળશે. અમે હા પાડી. મામલતદારશ્રીએ તાલુકાના ગામોમાં જાહેરાત કરી. અમારી માંગણી મુજબનુ સ્ટેજ તૈયાર થયું.

તે દરમિયાન એક અફવા ફેલાવવામાં આવી કે આમોદ ગામમાં યુવક મંડળ છે. તેને મામલતદારે નાટક કરવાનું ના કહ્યું અને તણછા યુવક મંડળને કહ્યું તેથી નાટકના કાર્યક્રમો વખતે વિરોધ વ્યક્ત કરીશું અને શ્રોતાઓમાં ભય ઊભો કરીશું, તેમ છતાં અમોએ મામલતદારશ્રીને બાંહેધરી આપી કે ગમે તેવા કપરા સંજોગોમાં પણ નાટક ભજવીશું જ. નાટક હતું ‘મોતી બહારવટિયો’ ગામડાનાં સ્થાપિત હિતોનો હાથો બનેલા મોતીએ લૂટફાટ ધાક-ધમકી અને ખૂનોની પરંપરા ચાલુ કરી, વિસ્તારમાં આતંક ફેલાવ્યો. એ નાટકમાં મોતી બહારવટિયાનું મુખ્ય પાત્ર મારું હતું તાલુકા સ્થળે પાંચ હજાર ભાઈ-બહેનો વચ્ચે નાટક-ગરબા, પ્રદર્શન, દેશભક્તિ ગીતોના કાર્યક્રમો પૂરા થયા. લોકો ખુશ થયા. તાળીઓના ગડગડાટ સતત ગુંજતા રહ્યા.

આમોદ, તાલુકાનું મોટું બજાર અને સરકારી, અર્ધસરકારી, સહકારી બેંકોના કામે અવાર-નવાર જવાનું થાય. ત્યારે મને જોઈને બજારના વેપારીમિત્રો કહે ‘અલ્યા! દુકાનો બંધ કરો, પેલો મોતી બહારવટિયો બદરી આવ્યો છે. આમ પ્રત્યક્ષ ભજવાઈ ગયેલા નાટકનો પ્રતિભાવ વ્યક્ત કરતા.

૧૯૬૭માં હું તણછા ગ્રામપંચાયતનો પાંચ વર્ષ માટે બિનહરીફ સરપંચ બન્યો. તે સમયમાં ૧૯૬૭થી ૧૯૭૨માં વડનગરના સર્વોદય કાર્યકર ડૉ. દ્વારકાદાસ જોશી અને અમદાવાદના અંબાલાલ શાહ ભૂદાન અને ગ્રામસ્વરાજના વિચારપ્રચારના રચનાત્મક કામો કરવા આવતા. (આમોદ-વાગરા જંબુસર અને ભરૂચ તાલુકામાં) તેઓની સાથે ગામે ગામ જતો. ગૃપચર્ચાઓ અને સભાઓ થતી રહી. સર્વોદય વિચાર, ગ્રામસ્વરાજનું પ્રશિક્ષણ સારુ એવું થયું. તે દરમિયાન આમોદ તાલુકાના બાજુના આદિવાસી ગામો રાણીપુર, કાંકરિયા, વાડિયા, ભીમપુરામાં ગયા ત્યારે જાણવા મળ્યું કે આદિવાસી, નાના સીમાંત ખેડૂતોની જમીનો આમોદના વહેપારીઓને ત્યાં ગીરો હતી. સ્ટેમ્પ પર ગીરોખત કરેલા અને ગાંધી કરિયાણા, કાપડ વગેરેના વેપારીઓએ સો-બસો રૂપિયાનું ઉધાર આપેલું તેના વ્યાજના બદલામાં તેમની જમીનો લઈ વેપારીઓ પોતે ખેડે, આવું ઘણાં વર્ષોથી ચાલે. જેથી જમીનવિહોણા થયેલા ખેડૂતો ખેતમજૂરી અને ચોરીચપાટી કરતા. આ માહિતી જાણ્યા પછી લેણદાર-દેવાદાર વચ્ચેની રકમની યાદી બનાવી લેણદાર વેપારીઓને મળ્યા અને સમજાવ્યાઃ તમોએ  ઘણાં વર્ષોથી જમીનની ઉપજ લીધી છે. આદિવાસી ખેડૂતો છે. કોઈ પણ વળતર વગર જમીનો પાછી આપી દો, તો અમારે ખરેખર મોતી બહારવટિયાનો ખેલ કરવો ન પડે! ડૉ. દ્વારકાદાસ જોષીની લાગણીસભર વાત કરવાની રીતથી બધા લેણદારો સમજ્યા અને દસ્તાવેજો ફાડી જમીનો જે તે આદિવાસી ખેડૂત મિત્રોને પાછી આપી.

ડૉ. દ્વારકાદાસ જોશીની સમન્વયકારી ભૂમિકા અને મોતી બહારવટિયા નાટકથી ઊભા થયેલા પ્રભાવથી અને પાયાનું રચનાત્મક હૃદયપરિવર્તનનું કામ થયું. મૈત્રીપૂર્ણ વાતાવરણમાં ગરીબ આદિવાસી ખેડૂતોને જમીન પરત મળી.

આ એક વિસરાઈ ગયેલો મહત્ત્વનો પ્રસંગ યાદ આવ્યો જેથી મિત્રોની જાણકારી માટે પ્રગટ કર્યો છે.

તણછા

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2015; પૃ. 19

Loading

...102030...3,6423,6433,6443,645...3,6503,6603,670...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved