Opinion Magazine
Number of visits: 9691582
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૂળગામી માનવવાદના મશાલચી ચંદ્રકાન્ત દરુને શતાબ્દી સલામ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|21 June 2016

સન સિત્તોતેરના જાન્યુઆરીની ૨૧મી કે ૨૨મી હશે. બે-ત્રણ દિવસ પહેલાં જ ચૂંટણીની જાહેરાત સાથે કટોકટી હળવી થઈ હતી, અને અમે સૌ મિસાબંદીઓ છૂટવા લાગ્યા હતા. વડોદરા જેલમાંથી છૂટવામાં દરુસાહેબ, હું, હસમુખ પટેલ, મંદાકિની અમે સૌ સાથે હતાં. ભાઈલાલભાઈ કૉન્ટ્રાક્ટર સામે આવ્યા હતા. કદાચ, વાહનની વ્યવસ્થા પણ એમણે જ કરી હતી. મેં સહજ સૂચવ્યું કે અમદાવાદ જતા પહેલાં આપણે રામજી મંદિરની પોળે થઈ ભોગીભાઈને હલ્લો કહેતા જઈએ. દરુસાહેબ અને સૌ રાજી જ હોય.

ગુજરાતમાં જયપ્રકાશના આંદોલનની આબોહવામાં લોકસ્વરાજ આંદોલન લોકશાહી સંગઠન  લોકસંઘર્ષ સમિતિ જનતા મોરચા લગી જતી જે રચના બની આવી હતી એમાં અગ્રનિમિત્ત ભોગીલાલ ગાંધી હતા. સુંદરમે એક અન્ય સંદર્ભમાં એમનાં શારીરિક કદ-કાઠીને ઉપયોજીને કહ્યું હતું તેમ ગુજરાતનો એક ‘નાનો’ પણ ‘મોટો’ માણસ! (પેટલીકર મને કહે – હું તો આ ભોગીલાલની દયા ખાઈને તમારી જોડે લડતમાં પડ્યો. પણ પછી મેં જોયું કે એની તબિયત તો આને કારણે જ સારી ચાલે છે!) અમને સૌને ભોગીભાઈને મળ્યે વરસ કરતાં વધુ ઝોલો પડી ગયો હતો. બાબુભાઈની સરકાર પડી કે આગમચ જ એ અંતર્ધાન જેવા થઈ ગયા હતા. માંદગી અને અંડરગ્રાઉન્ડના એ દિવસોમાં એ.બી. શાહ મારફત એમની પાસે જેપીની જેલ ડાયરી પહોંચી અને જીજી(સુભદ્રા ગાંધી)એ એનું ગુજરાતી પણ કરી નાખ્યું હતું એ તો અમે હજી હવે જાણવામાં હતા. ગમે તેમ પણ માંડ બે મહિનાને અંતરે આવી રહેલી શકવર્તી ચૂંટણી માટે ઝુંબેશના વિધિસર શ્રીગણેશ પૂર્વે નોળિયાને જેમ નોળવેલ તેમ અમ સૌને સારુ ભોગીભાઈ સહિતનું આ અલપઝલપ ચૈતન્ય મિલન હતું.

ભાઈલાલભાઈ સાથે રામજી મંદિરની પોળે, ‘ગોપાળઘરે’ પહોંચ્યા ત્યાં ભોગીભાઈ નીચે આવી ભેટ્યા ન ભેટ્યા, ને શું વિસ્મય! ચુનીકાકા પણ આવી પહોંચ્યા હતા. અમે જાણ્યું કે એ સાબરમતી જેલમાંથી છૂટીને વડોદરા હજુ હમણાં જ આવ્યા હશે અને અમે સૌ પણ છૂટીને ભોગીભાઈને મળવા પહોંચીએ છીએ એવા ખબર ભૂમિપૂત્ર કાર્યાલયને મળતાં એ પણ આવી લાગ્યા હતા. ઓરિજિનલ સિનર (ભોગીભાઈ અને અંશતઃ મારા જેવા), વકીલ (ચંદ્રકાન્ત દરુ), અસીલ (ચુનીભાઈ વૈદ્ય) ત્રણે મળ્યા એવી એ પ્રયાગક્ષણ હતી.

૧૩ જૂન, ૨૦૧૬ના દરુ શતાબ્દી પર્વ નિમિત્તે અગ્રલેખનો આરંભ કરવા બેઠો ન બેઠો અને અતીતરાગમાં સરી જવાયું. પણ ગોપાળઘરની તળેટીનું એ ચંદ મિનિટોમાં મિલન આજે સાંભરે છે. ત્યારે જેપી આંદોલન આસપાસનાં વરસોની એક આખી પટ્ટી મનોમન દોડી જાય છે. દરુ ધારાશાસ્ત્રી, બંધારણીય કેસોના નિષ્ણાત, રેડિકલ હ્યુમેનિસ્ટ. પણ આંદોલન અવતારમાં અમારા પરિચયની શરૂઆત આત્મીય છતાં કંઈક અંતરપૂર્વક થઈ હતી. નવનિર્માણ દિવસોથી અમારું એક નાનકડું લોકસ્વરાજ જૂથ સક્રિય હતું. ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન કેન્દ્ર અને એચ.કે. આટ્‌ર્સ કૉલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત પરંપરાગત સર્વોદય કાર્યકરો એમાં મુખ્ય હતા. દિલ્હીમાં જયપ્રકાશ અને તારકુંડેએ દેશમાં ઘેરાતાં વાદળ સંદર્ભે ચિંતિત લોકોને એકત્ર કર્યા. અને ‘સિટિઝન્સ ફૉર ડેમોક્રસી’(જનતંત્ર સમાજ)ની સ્થાપનાનો નિર્ણય કર્યો તારકુંડેના અનુજ અગર અભિન્ન સખા શા કર્મબાંધવ દરુ તો એમાં હોય જ. અમે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં એમને નિમંત્ર્યા, દિલ્હી મિલન વિશે જાણવા સમજવા એ વખતે મારા મનમાં થોડુંક એવું હતું કે જેપીને વારતહેવારે નવી નવી ચૂસણીઓ જડી આવે છે. એમાં વળી કાળાં ડગલાં ભળ્યાં. સીએફડી એક લૉયર્સ ક્લબથી વધુ શું હશે. આત્મીય છતાં અંતરપૂર્વક એમ મેં હમણાં કહ્યું તે આ અર્થમાં પણ દરુસાહેબે સરસ રીતે, સ્વસ્થ, ધીરગંભીર, વિના આરોહઅવરોહ આખી વાત મૂકી ત્યારે કૉંગ્રેસ એના આરંભિક વર્ષોમાં કોરટકચેરીના નાતાલ વેકશનમાં કાળાં ડગલાનાં ગોરપીટ મેળાવડા રૂપે મળતી એમાંથી કેવી લડાકુ સ્થિતિએ આગળ ચાલતાં પહોંચી હશે એ પ્રત્યક્ષ થયું.

ખરું જોતાં, ૧૯૭૧-૭૨ના વર્ષોથી જેપીમાં જે બદલાવ આવી રહ્યો હતો એને અંગે ગુજરાતમાં ઠીક ઠીક સભાન એવા સ્વલ્પ તબકાના એક જણ તરીકે મને સમજાવું જોઈતું હતું કે જેવી એ તારકુંડેના ‘રેડિકલ હ્યુમેન્સ્ટ’માં ઇંદિરાઈ ઓથારની સંભાવના દર્શાવતો લેખ લખીને જે ઇંગિત આપ્યું હતું એમાં માનવતાવાદીઓ સાથેની એમની પૂર્વચર્ચાનો ખાસ્સો હિસ્સો હતો. તેથી દરુનું એમાં જોડાવું કે સિટિઝન્સ ફૉર દરુનું એમાં જોડાવું કે સિટિઝન્સ ફૉર કેમોક્રસીનું રચાવું એ લૉયર્સ ક્લબને વહી જતી વાત હોઈ શકતી હતી. બને કે અમારા જેટલું એક્સ્ટ્રાકૉન્સ્ટિટ્યુશનલ સંઘર્ષતત્પર વલણ એમનું ન હોય, પણ એ નકરું કાળું ડગલું તો ક્યાંથી હોઈ શકે. અલબત્ત, કાયદાનું શાસન અને બંધારણીય મૂલ્યો એમનાં સંવિતમાં અગ્રપદે વિરાજતાં હતાં. પણ સ્વતંત્રતા માટે કોઈ પણ કિંમત ચૂકવવાની, કશો કડદો નહીં કરવાની એમની પ્રતિબદ્ધતા એક રોયિસ્ટ અગર માનવતાવાદી તરીકે પાકી હતી. એક વાર, જિતુભાઈ મહેતાને ત્યાં મારી રૂબરૂ એમણે જેપી જોડેની વાતચીતમાં જેપીને ખુદને આ સંદર્ભમાં ટાંક્યા હતા તે સાંભરે છે.

દરમિયાન, દેશમાં અને ગુજરાતમાં બનાવો ઝડપથી બનતા જતા હતા. અહીં એ આખી દાસ્તાંમાં નથી જતો. માત્ર, એટલું જ સંભારતાં કે ૧૯૭૫ના જૂનની ૧૨મીએ બે ઐતિહાસિક ચુકાદા આવ્યા, એક અમદાવાદથી – ને બીજો અલાહાબાદથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતા મોરચો અને બીજા મળીને કૉંગ્રેસ પર સરસાઈ સાથે બહાર આવ્યા હતા. અલાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો સંસદસભ્ય તરીકે ઇંદિરા ગાંધીને ગેરલાયક ઠરાવતો હતો. જેપી આંદોલનની આબોહવામાં સત્તાકાંક્ષી ઇંદિરાજીને આ ઘટનાક્રમ જમ ઘર ભાળી જતો લાગ્યો અને ૨૫/૨૬ જૂને કટોકટીરાજ જાહેર થયું. એ સવારે અમે ભદ્રના કૉંગ્રેસ હાઉસમાં (હસમુખના શબ્દોમાં એક નંબરના કૉંગ્રેસ હાઉસમાં) મળ્યા ત્યારે દરુસાહેબ સામે મેં કંઈક પૃચ્છક, કંઈક મજાકી નજરે જોયું હતું : કેમ, હવે શું કરશે તમારી કાયદાની કલમો! જો કે, દરુએ આ જ કલમો અને બંધારણીય સમજના ઉજાસમાં આગળ ચાલતાં કામ લીધું અને ‘ભૂમિપુત્ર’ના ચુકાદા સાથે પ્રતિમાન કાયમ કીધું … ગોપાળઘર કને એ ઢળતી, રાતઢૂંકતી સાંજે ઓરિજિનલ સિનર, વકીલ અને અસીલની પ્રયાગક્ષણો!

જૂન ૧૯૭૫-જૂન ૧૯૭૬ના એ ગાળામાં દરુસાહેબની કામગીરીનો પહેલો મોટો પરિચય એમણે જે રીતે તારકુંડે સાથે પરામર્શપૂર્વક કટોકટી અંતર્ગત પ્રી-સેન્સરશિપ હુકમ છતાં કેટલું બધું પ્રસિદ્ધ કરવાની છૂટ શક્ય છે તે ચર્ચતી અને સમજાવતી વિશદ નોંધ તૈયાર કરી એથી થયો. અલબત્ત, મોટા ભાગના દૈનિકોમાં એ હિંમત અને તૈયારી નહોતી કે તેઓ આનો રચનાત્મક કસ કાઢી શકે. મીનુ મસાણીના ‘ફ્રીડમ ફર્સ્ટને મુંબઈ બજાર થકી નહીં પણ દરુ થકી હૂંફ મળી હતી’. ‘ભૂમિપુત્ર’ અને ‘સાધના’ જેવાં સામયિકો કે ‘જન્મભૂમિ’ અને ‘જનસત્તા’ જેવાં દૈનિકો અપવાદરૂપ હતાં જેમ અંગ્રેજીમાં ‘એક્સપ્રેસ’. બીજી મોટી કામગીરી ચાગલાની વિશેષ ઉપસ્થિતિમાં ‘લોકશાહી બચાવો’ પરિષદની તો ત્રીજી ‘બંધારણીય બચાવો’ પરિષદની હતી. (એ દિવસો જ જુદા હતા. જનતા મોરચા હસ્તક ગુજરાત ‘સ્વાધીનતાનો ટાપુ’ હતું. મને યાદ છે, મોરચાની સંકલ્પ સમિતિ બાબુભાઈના અમદાવાદના નિવાસસ્થાને પંચશીલમાં મળી ત્યારે દરુસાહેબે એમને લોકશાહી બચાવો પરિષદની આગોતરી જાણ કરી હતી. બાબુભાઈએ અવાજના લગારે થડકા વિના, રોજમર્રાની કેઝ્‌યુઅલ ઢબે કહ્યું – આપણે ત્યાં લોકશાહી રાહે બધી છૂટ છે. વીરકર્મનો વહેમ માર્યો ફરે. કહ્યું છે ને કે ઉત્તમા સહજાવસ્થા.)

સહજેલવાસમાં એમનો સરસ, ન્યારો નિકટ પરિચય થયો. જેપી આંદોલનના સાથીરૂપે પકડાઈ આવેલા સંઘ સોબતીઓ સાથે, અને આ ‘સોબત’થી માઠી અસર બાબતે ચિંતા સેવતા સાથી રેડિકલ હ્યુમેનિસ્ટ પ્રસન્નદાસ પટવારી સાથે, ‘ટીચેબિલિટી ઑફ મેનકાઈન્ડ’માં અનન્ય આસ્થા સાથેના એમના સંવાદો સંભારું કે પ્રેમિકા જોગ પત્ર લખાવ્યા સહિતની હોંશ સેવતા અંડરટ્રાયલ મનિયા સાથેની વાતચીત, અમારા અભ્યાસવર્ગોમાં આગામી વર્ષોને અનુલક્ષીને રાજકીય ચિંતનના મુદ્દાઓમાં એમનું અર્પણ, કે એમનું વાચન અમને ‘એસેન્ટ ઑફ મૅન’(બ્રોનોવસ્કી)નો ચટકો એમણે લગાડ્યો. એક વાર ‘આઇડિયા ઑફ હિસ્ટરી’ની ચર્ચામાં રામલાલ પરીખ, દરુસાહેબ અને હંુ ચાળીસપચાસ મિનિટના ચર્ચાદોરમાં ચાલી ગયા એ ગાળો મારે સારુ મારા વિચારવિશ્વને સંકોરવાનો તો રામલાલભાઈના નવા પરિચયનો અને દરુપરિચયના દૃઢાવાનો હતો.

ઇંદિરાઈ હસ્તક બંધારણીય તોડમરોડને અનુલક્ષીને એમણે જેલમાં જ પુસ્તક કરવા માંડ્યું હતું. ૧૯૭૭માં એ સિટિઝન્સ ફૉર ડેમોક્રસી તરફથી પ્રગટ થયું અને વાંસોવાંસ બીજી આવૃત્તિ પણ થઈ. એ અંગ્રેજીમાં લખાતું હતું ત્યારે જોડાજોડ ગુજરાતીમાં ઊતરતું હતું, ચુનીકાકા થકી. આ અનુવાદના વરાયેલા પ્રકાશક ભાઈદાસ પરીખ પણ સહમિસાબંદી અને પ્રથમ બેત્રણ વાચકોમાં, હી-ઑલ્સો-રેન એવો આપનો આ સેવક પણ …

અનેક રીતે મજાના દિવસો એ હતા. બ્રહ્મકુમાર ભટ્ટે જૂનો સંગીતશોખ સજીવન કર્યો. કશુંક સુંદર ગાયું, પણ એમાં રાગ ‘દેસ’ની મિલાવટ એ તો દરુએ પારખી બતાવી. સંઘ પરિવારને કારણે અને અન્યથા ‘વંદે માતરમ્‌’-ભક્તોની જેલમાં ખોટ નહોતી. પણ એ બપોરના રાગમાં – ‘સારંગ’માં ગવાય છે. એમ અમને સમજાવ્યું દરુએ. સરખામણી એક હદથી વધુ ખેંચી શકાય એવી નથી, પણ એમને વિશે મને પ્ર.લ.નો એ પ્રયોગ સાંભરતો, જે એમણે લોહિયા વિશે કર્યો છે – રસિક તાપસ.

શતાબ્દી પર્વનું નિમિત્ત ઝડપીને આજે આપણે દરુસાહેબને સવિશેષ કેમ સંભારીએ છીએ ? છેલ્લાં થોડાં વર્ષોમાં ઉમાશંકર જોશી, ભોગીભાઈ ગાંધી, બાબુભાઈ જશભાઈ, દર્શક એ શતાબ્દી પુરુષોને ચોક્કસ કારણસર જરી વિશેષરૂપે સંભારવાનું બન્યું છે; કેમ કે ગુજરાતનો જાહેર વિમર્શ અત્યારે ચાટુકારિતાના પાસ (અને પાશ) પૂર્વક કંઈક વિષયાગમન તો વિખંડનની અભિશપ્ત નિયતિ પામેલ છે. એમાં નીરક્ષીરવિવેક અને સંસ્કરણ તેમ વારણરૂપે આ સૌ શતાબ્દીપુરુષોની વિચારયાત્રા, અક્ષરદેહ અને વ્યવહાર મથામણની ભૂમિકા છે.

જ્યાં સુધી દરુના વિચારાંગ અને આચારંગનો સવાલ છે, આજની તારીખે મને સવિશેષ શું સમજાય છે તે કહું અને સંસ્મરણોએ રસ્યો આ લંબાતો અગ્રલેખ સંકેલું. ઇંદિરાઈ એકાધિકારની લડતમાં જેપીના નેતૃત્વમાં લિબરલ લોકશાહી, સર્વોદય, માનવવાદ પ્રકારનાં ગોત્રોની અમારી મિલીજૂલી બિરાદરીમાં જનસંઘનો પ્રવેશ એ એક પ્રશ્ન હતો. પણ ઇંદિરા ગાંધીના રાજકારણ સાથે (ખાસ કરીને ૨૬ જૂન ૧૯૭૫થી) જે એક જનસંઘ(સંઘ પરિવાર)નું સાથે હોવું સમજી શકાય એવું હતું. સંદર્ભ લોક આંદોલનનો હતો અને એણે આ આંદોલનની આણ ઠીક ઠીક સ્વીકારી હતી. (છેવટે તો, એક અર્થમાં જેપી જનસંઘ જોડે નહોતા, જનસંઘ જેપી જોડે હતો.) રણનીતિ કે ટેક્સિસની અને એનાં લેખાંજોખાંની ઝાઝી ચર્ચામાં નહીં જતાં અહીં રહેલા વિચારધારા મુદ્દાની જ જિકર કરું તે લાજિમ લેખાશે.

રેડિકલ હ્યુમેનિઝમને અભિમત માનવનિષ્ઠ દૃષ્ટિકોણથી જોતાં રાષ્ટ્રવાદ માત્ર સાથે નાઝીવાદ-ફાસીવાદનું ભયસ્થાન રહેલું છે. જનસંઘની મુખ્ય ઓળખ રાષ્ટ્રવાદની રહી છે – અને તે પણ ખાસ પ્રકારના રાષ્ટ્રવાદની, હિંદુત્વની આજે (૧૯૭૫-૭૭માં) અસ્તિત્વની લડાઈ રૂપે તે લિબરલ લોકશાહી બળોની સાથે હોય અને લિબરલ લોકશાહી સાથીઓ, સર્વોદયીઓ એને સહજક્રમે સ્વીકારતા હોય તે સમજી શકાય એવું છે. પણ જ્યારે એનો (જનસંઘનો) રાષ્ટ્રવાદી ઉપાડો માઝામાં નહીં રહે ત્યારે શું થશે? અમારો રાષ્ટ્રવાદ, એક જમાનામાં જવાહરલાલ વગેરે પ્રબુદ્ધ યુરોપને સમજાવાતા, હાડે કરીને આક્રમક નથી. આ સમજૂત ૧૯૭૫-૭૭ના ભારતમા, માનો કે, સંઘ પરિવાર સબબ નભી ગઈ. પરંતુ ૧૯૮૯ અને રામ જન્મભૂમિ આંદોલન, જુવાળ ને જવર વચ્ચેની અળવાતી રેખા, ૧૯૯૨, ૨૦૦૨ના ઉજાશમાં દરુએ શું કહ્યું હોત? શું કર્યું હોત? સેક્યુલર લોકશાહી આંદોલનથી માંડી તીસ્તા સેતલવડને વિસારો ન પડ્યો હોત. માનવનિષ્ઠ વૈચારિક અભિગમે એમનાં ઓજારો એવાં સજેલાં હતાં કે ઇંદિરા ગાંધી રાજકારણને તેમ અયોધ્યાજ્વરના કથિત રાષ્ટ્રકારણને પકડવામાં ગોથું ખાવાનો સવાલ જ નહોતો.

આ લખું છું ત્યારે યાદ આવે છે કે ઑક્ટોબર ૧૯૮૯માં મુંબઈમાં અમે સૌ ‘ફ્રેન્ડ્‌ઝ ઑફ જેપી’ એ નાતે એકત્ર થયા હતા. દરુને ગયે ખાસો દસકો થઈ ગયો હતો. પણ એમના અગ્રજ શા તારકુંડે સદ્‌ભાગ્યે સ્વસ્થ અને સક્રિય હતા. એમણે ગૃહનું ધ્યાન ખેંચ્યું કે અડવાણીની રથયાત્રા ભયાવહ સંકેતોએ ભારેલી છે. આપણે, એ રોકવા માટેની લાગણી પહોંચાડવી જોઈએ. સિદ્ધરાજ ઢઢ્ઢા, ઠાકુરદાસ બંગ, ગોવિંદરાવ દેશપાંડે, દર્શક સૌ એમાં સંમત હતા. જેમણે ૧૯૭૭થી ૧૯૮૦ લગી જનસંઘ સમેતના જનતા પક્ષની સમર્થન કરવાપણું જોયું હતું તે જ આ સૌ હતા. બલકે, ૧૯૮૪ની લોકસભાની ચૂંટણી વખતે પણ તારકુંડેએ કટોકટીવાદના વિરોધરૂપે કૉંગ્રેસની સામે મત આપવાની  અસંદિગ્ધ હિમાયત કરી હતી. ‘રેડિકલ હ્યુમેનિસ્ટ’ના તંત્રી લેખતાં એમણે એમ પણ કહ્યું હતું કે જ્યાં જનતા પક્ષનો ઉમેદવાર ન હોય ત્યાં ભાજપના ઉમેદવારને મત આપવો, પણ તમારો મત કૉંગ્રેસની સામે જવો જોઈએ. પણ ૧૯૮૪માં બે બેઠકોમાં સમેટાઈ ગયેલા ભાજપે અડવાણીની પહેલથી સાંસ્કૃિતક રાષ્ટ્રવાદને નામે જે પલટી ખાધી એનાં પરિણામોનો આગોતરો અંદાજ તારકુંડે અને બીજા વરિષ્ઠોને હતો. દરુનો પ્રતિભાવ પણ આ જ હોત, એ સાદી વાત ૧૯૭૫-૭૭ની જનસંઘ-રેડિકલ હ્યુમેનિસ્ટ મૈત્રીવશ વ્યામોહને કારણે જો કોઈ ન સમજી શકે તો તે કાં તો કારુણિકા છે, કે પછી જોતે છતે નહીં જોવાનો કલાસિક કિસ્સો.

ગુજરાતમાં રૉયિસ્ટ ચળવળનાં પંચોતેર વરસ નિમિત્તે જે બધી દસ્તાવેજી સામગ્રી ગૌતમ ઠાકરે આ પૂર્વે ગ્રંથબદ્ધ કરેલી છે એમાંથી પસાર થનારને આ નાની પણ રાઈના દાણા શી રૉય મંડળીના અર્પણનો ખયાલ આવશે. દુર્ગાશંકર ત્રિવેદી અને દશરથલાલ ઠાકરનાં શતાબ્દી વર્ષો થોડાં વરસ પર જ ગયાં. સ્વાભાવિક જ એમને યત્કિંચિત્‌ યાદ કરવાનું બન્યું હતું. રાવજી મોટાના બે ગ્રંથો બિપિન શ્રોફના સક્રિય મનોયોગથી અને બીરેન કોઠારીની અતોનાત જહેમતથી સુલભ થયા છે. પ્રસન્નદાસ પટવારીનું ‘નાગરિક સ્વાવલંબનની દિશામાં’ પણ અહીં યાદ કરવું જોઈએ. હરિભાઈ શાહ તો હજુ હમણાં સુધી આપણી વચ્ચે હતા. અરુણકાન્ત દિવેટીઆના સંસ્મરણનો પણ પ્રકાશિત થયેલાં છે. આ બધું જોઈએ, જાણીએ, સંભારીએ ત્યારે સામે પ્રવાહે તરી જાણનારી અને દુન્વયી લાભોથી ઉફરી રહી શકનારી એક વાઇલ્ડ લાઇફ વન્ડર મંડળી વિશે મન અપાર કૃતજ્ઞતાથી ઉભરાઈ જાય છે.

સદ્‌ભાગ્યે, ‘વૈશ્વિક માનવવાદ’ સાથે બિપિન શ્રોફ, રમેશ કોરડે, જે. કે. પટેલ, ધવલ મહેતા વગેરે આપણી વચ્ચે છે. એમની સાખે દરુને શતાબ્દીની સલામ પાઠવવી એટલે ન્યાયમંડિત અને સ્વાતંત્ર્યઅધિષ્ઠિત સમાજની અભિપ્સાને પુનઃ સમર્પિત થવું. કટોકટી દિવસના પર્વપખવાડિયે આથી વિશેષ શું કહેવાનું હોય.                             

જૂન ૧૩, ૨૦૧૬

સોજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2016; પૃ. 01, 02 & 14

Loading

બંધારણ, મજૂર કાયદા અને સેવાક્ષેત્રના નિષ્ણાત

ઇલા ભટ્ટ|Samantar Gujarat - Samantar|21 June 2016

સ્મૃિત તો નબળી છે પણ તેમના જીવનકાર્યનું આકર્ષણ જોરદાર રહ્યું છે, તેથી આ લખવા હિંમત કરી છે. દરુસાહેબનું નામ સાંભળતા જ આદરથી માથું નમી જાય છે. તેમને હું દૂરથી ઓળખતી હતી પણ એટલું બધું દૂરથી ય નહીં. મજૂર મહાજન સંઘના કાયદા વિભાગમાં વકીલની ડિગ્રી અને બાર કાઉન્સિલનો છાપસિક્કો લઈને કામે રહ્યા હોઈએ (૧૯૫૫થી) અને દરુસાહેબનાં ગુણગાન (સાચાં-ખોટાં) ન સાંભળીએ એવું તો બને નહીં ને! હું તો મહાજનમાં હજુ નવી હતી મિલોની મૅનેજમેન્ટની ગૂંચ સમજવામાં જ હજુ અટવાતી હતી. પણ વખત જતાં, લેબર-કમિશનરની ઑફિસના ધક્કા ખાતાં-ખાતાં લેબરકોર્ટમાં એપિયર થવા સુધીનું સ્નાતકપદ મેળવ્યું. ત્યાર પછી તો મારું વકીલાતનું લક્ષ જ બદલાઈ ગયું. દેશમાં જે વિશાળ વર્કફૉર્સ (૯૦ ટકા) અને તેમાંથી શ્રમિક બહેનો (૫૦ ટકા) કોઈ પણ લેબર કાયદાથી વંચિત રહ્યાં, અરે, જેને ‘વર્કર’ની વ્યાખ્યામાંથી ય બાકાત રાખ્યા – ઇન્ડિયન સેન્સસે  પણ બિનકામદાર / નૉનવર્કર તરીકે નોંધ્યાં છે (૧૯૯૦ સુધી) તેમનાં યુનિયન બનાવવા તરફ મારું લક્ષ્ય કેન્દ્રિત કર્યું. ટૂંકમાં, ફૉર્મલ /ઑર્ગેનાઇઝ્‌ડ લેબરમાંથી ઇન્ફોર્મલ / અન-ઓર્ગેનાઇઝ્‌ડ સેક્ટરમાં જ કામ કરવું તેવું મેં દૃઢ પણે વિચાર્યું. ફોર્મલ સેક્ટર એટલે કે જ્યાં માલિક-મજૂરનો સંબંધ હોય, જેને બોમ્બે ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ ઍક્ટ લાગુ થતો હોય તેમાંથી મારો રસ જ ઊડી ગયો. પરિણામે ‘સેવા’ યુનિયન બાંધ્યું (૧૯૭૨).

કદાચ તેથી જ દરુસાહેબના લડેલા બે કેસ મને યાદ રહી ગયા છે, મારા મનમાં આજે પણ બરાબર ઠસેલા છે.

• પહેલો કેસ મારી સ્મૃિતમાં છે તે બ્લીચ-ફોલ્ડરનો. મજૂરકાયદા હેઠળ મિલમાં જે બે કલાક સળંગ ટેબલખુરશી પર બેસીને લખવાનું કામ કરતા હોય, જેને સેમીક્લાર્ક કહેવાય તેને તે મુજબ સેમીક્લાર્કનો પગાર મળી શકે. મિલમાં બ્લીચ-ફોલ્ડરને લખવાનું કામ વધુ રહેતું, તેથી તેમણે સેમીક્લાર્કનો પગાર માંગ્યો. મિલે ના પાડી. કેસ કર્યો. મિલમાલિકમંડળ સામે કામદાર વતી દરુસાહેબ ઊભા રહ્યા, હાર્યા. હાઈકોર્ટમાં ગયા ત્યાં પણ હાર્યા.

આ કેસ બાબત મહાજન કોઈ રીતે સંકળાયેલું નહોતું છતાં ય અમારા લિગલ ખાતામાં રોજરોજ આ કેસ ચર્ચાતો. કેસની યોગ્યાયોગ્યતા કોઈના મનમાં સ્પષ્ટ નહોતી. મને પણ નહોતી. તો પણ મને એ ખાસ યાદ રહી ગયો છે, કારણ કે એ મારો દરુસાહેબની વકીલાતનો પહેલો પરિચય હતો. ત્યારે તો શબ્દો નહોતા પણ આજે કહું કે આ તેમની ‘ઇનોવેટિવનેસ’ હતી, જેને હું બિરદાવું છું. આજ લગી જે કામને મજૂરકાયદાના મધ્ય પ્રવાહમાં નહોતું ગણાયું તે કામને તે કાયદાની અદાલત સુધી લઈ ગયા. અંતે ૧૯૭૦માં કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો. મજૂર મહાજન સંઘે પણ સુપ્રીમમાં ટેકો આપ્યો. (વિરોધ છતાં) કેસ જીત્યા. તેમાંથી ‘સેમીક્લાર્ક’નું એક લિગલ સ્ટેટસ જન્મ પામ્યું. બ્લીચ-ફૉલ્ડરોને મોટી સંખ્યામાં લાભ મળ્યો.

મજૂરમહાજન તથા દરુસાહેબ વચ્ચેના સમુધુર સંબંધો ત્યારે પહેલી વાર હું સમજી. અમે/તમેનો સંબંધ હોવા છતાં મજૂરસેવાનો પથ તો બેઉનો એક જ હતો.

બીજો કેસ જે મને બહુ યાદ છે, જે હું મારા ‘સેવા’ના સાથીદારોને કદીક સંભળાવું છું તે ઇચ્છાબહેનનો કેસ.

• સોમા ટેક્ષટાઇલ મિલમાં ઇચ્છાબહેન લક્ષ્મીશંકર, વાઇન્ડર તરીકે કામ કરે. સુવિદિત છે કે વાઇન્ડિંગખાતું આખું સ્ત્રી-કામદારોનું વસેલું (દિવસપાળીમાં) અને તમામ, એક-બે અપવાદ (જૉબર) સિવાય બધા જ કામદારો કૉન્ટ્રેક્ટ પર કામ કરે. તેમને કૉન્ટ્રેક્ટર પગાર ચૂકવે. મિલના કાયદેસરના પગાર કરતાં લગભગ બેથી ત્રણ હજાર રૂપિયા એકંદરે ઓછા ઊતરે. તો આ ઇચ્છાબહેને, મિલકામદાર સમકક્ષ પગાર માટે માંગણી કરી. મહાજન ત્યારે વ્યક્તિગત કેસ લડવા દેતી અને વાંધો નહીં ઉઠાવતી તે મહાજનની ઉદારતા કહેવાય અને દરુને એ ગમતું.

દરુએ ઇચ્છાબહેનનો કેસ લડી આપ્યો. ફી વગર. એ તેમની મોટાઈ. આ કેસ લેબરકોર્ટમાં ગયો ત્યારે જજે કૉન્ટ્રેક્ટ લેબરને રેગ્યુલર લેબરની વ્યાખ્યામાં બંધ બેસાડ્યા. સ્વીકાર્યા. ત્યારની દરુસાહેબની દલીલો કઈ હતી તે જાણવા આજે હું ઘણી જ ઉત્સુક છું. હાઈકોર્ટમાં ય જીત્યા. આથી વાઇન્ડિંગ ખાતાના તમામ મિલકામદારોને ફાયદો થયો. ઇચ્છાબહેનની ઇચ્છા પૂરી થઈ (આજની મારી ઇચ્છા પૂરી થઈ.) ‘ Workman engaged through and agency is also workman.’ આ મતલબનું જજમેન્ટમાં નોંધ્યું તેવું જાણમાં આવ્યું છે.

આ બેઉ કેસમાં મારું કહેવું એ છે કે ખરેખર તો કાયદામાં વાંધો નથી, પણ કાયદાને ઇન્ટરપ્રીટ કરનારના પરસેપ્શનમાં વાંધો છે એ પરસેપ્શન બદલતાં અમને-‘સેવા’ને વર્ષોનાં વર્ષો જઈ રહ્યાં છે. જો કે હાલના નવા લેબર-રિફોર્મમાં તો પ્રિન્સિપલ ઍમ્પ્લોયરનો તો છેદ જ ઉડાડી દીધો છે !

ખરેખર તો ફોર્મલ-ઇન્ફોર્મલ વર્કની સમજ જ મૂળમાંથી ખોટી છે. શ્રમ એ શ્રમ. લેબર એ લેબર જ છે – એ સૌ રાષ્ટ્રીય આવકમાં તથા જીડીપીમાં ઉમેરો કરે છે, જે દીવા જેવી ચોખ્ખી હકીકત છે. આવી ‘સેવા’ની અમારી લડત સાથે આ બેઉ કેસ સીધો સંબંધ ધરાવે છે, તેથી જ મારી એ સ્મૃિત આજ લગી કાયમ રહી છે અને અહીં નોંધવાનું મને યોગ્ય લાગ્યું.

એમ તો દરુસાહેબ અન્ય બાબતો માટે પણ યાદ આવે છે. મિસાના કાયદા હેઠળ આપણા નજીકના સાથીઓના હાથ સીલ થઈ ગયેલા, તેના કેસો લડેલા અને બધાને છોડાવેલા. મારી યાદદાસ્ત બરાબર ન હોય તો માફ કરશોજી. યાદ છે, જસ્ટિસ સાકળચંદ શેઠની (કદાચ) આ જજમેન્ટને પરિણામે ટ્રાન્સફર થઈ ત્યારે ત્રિવેન્દ્રમમાંથી એચ. એન. સીરવાઈએ આ ટ્રાન્સફરને ગેરબંધારણીય છે તેવું સ્ટેટમેન્ટ આપેલું. સાંભળ્યું’તું ત્યારે દરુસાહેબે જસ્ટિસ સાકળચંદને મળીને પૂછેલું કે શ્રી સીરવાઈને રોકી લઈએ? શેઠ સંમત થયા. દરુ કેસ લડ્યા. યુ.એસ.-કૅનેડાનાં બંધારણને ક્વોટ કર્યાં. ‘જજની કન્સેન્ટ વગર તેની ટ્રાન્સફર ન થાય.’ તેવું જજમેન્ટ ગુજરાત હાઈકોર્ટે આપ્યું. ત્યારે દરુ જેલમાં હતા. દેશના બંધારણની પવિત્રતા માટે લડ્યા અને જીત્યા. એવા હતા દરુ.

હું દરુસાહેબને ત્રણ-ચાર વાર રૂબરૂ મળેલી. તેમની ઑફિસમાં અને એક વાર કોર્ટમાં. દેખાવે શ્યામ, ઊંચા નહીં, સાદા મલમલનો લેંઘો-ઝભ્ભો ને હાથમાં સિગાર, વાતચીત બે-ચાર વાક્યોથી વધારે થઈ નહોતી. હું તેમની પ્રશંસક થતી જાઉં છું. મહાજનમાં રહીને, ખાદીધારી રહીને, છતાં ય તેની તેમને ક્યાં ખબર હતી ?! આજે તેમને યાદ કરવાનો લાભ મળ્યો તે માટે પ્રકાશ[ન.શા]ભાઈની આભારી છું.

આ લખાણની ચોકસાઈ માટે મારા મહાજનસાથી શ્રી ધીમંત વસાવડાને મારું લખાણ વંચાવ્યું છે, વિગતમાં તેમણે સુધારો કર્યો છે તે માટે તેમની આભારી છું. તેમણે મને એક સરસ વાત કરી. ધીમંતભાઈએ એક પિટિશનનો ડ્રાફ્ટ કરેલો અને તે દરુસાહેબને બતાવ્યો. તેમણે કહ્યું, ‘ધીમંત, આટલું ભારે અંગ્રેજી લખાતું હશે ? … જજને આપણે ભાષાથી ઇમ્પ્રેસ કરવાના નથી … તું વસાવડાનો દીકરો ? હું તને ધીમંત જ કહીશ.’

મેં દરુને સાંભળ્યા છે. તે કહેતા કે ‘વકીલાતનો પહેલો નિયમ કે શું ન બોલવું, તે પોતે સાદું અને ટૂંકું બોલતા તેથી જ તો આટલા અસરકારક નીવડ્યા !’

દરુ તેમના પ્રોફેશનલ એથિક્સ માટે પણ જાણીતા છે. મેં સાંભળ્યું છે કે એક વાર, મિલમાલિકમંડળના એક જાણીતા વકીલે ‘સીકનોટ’ મોકલી. સામે પક્ષે દરુ હતા. જજે કહ્યું કે જાઓ તે વકીલના ઘેર ને જુઓ કે તે માંદા છે? દરુસાહેબે તરત જ કહ્યું. ‘ના, મુદત આપો, સાહેબ.’

દરુસાહેબના મહાજન સાથેના સંબંધો બહુ રસપ્રદ હતા. મહાજનમાં અમે બધા ગાંધીવિચારવાળા, શિસ્તબદ્ધ. દરુસાહેબને ખાદી, દારૂબંધી, ગાંધીભક્તિ જેવાં બંધનો અમાન્ય તેમને તો જોઈએ ‘ફ્રીડમ’! બીજો મહારાજનો વિરોધ જે આજીવન રહ્યો તે પણ ફ્રિડમની બાબતનો જ. મજૂરમહાજન સંઘ અમદાવાદમાં રેપ્રિઝેન્ટેટિવ યુનિયન. તેના સિવાય અન્ય કોઈ યુનિયનને મજૂરના કેસ લડવાનો અધિકાર નહીં (‘નો લોક્સ સ્ટેન્ડી’). દરુસાહેબને આ ધરાર મંજૂર નહીં. તે તો માને કે રાઈટ ટુ ડિફેન્ડ ઇઝ કૉન્સ્ટિચ્યૂશનલ રાઇટ – પોતાને ડિફેન્ડ કરવાનો દરેકને બંધારણીય અધિકાર છે. દરુસાહેબ આ બાબતમાં છેવટે સુધી નિરાશ રહ્યા. તેમનો આગ્રહ જેટલો વ્યક્તિગત સ્વાતંત્ર્યનો એટલો જ સંસ્થાકીય સ્વાતંત્ર્યનો. તેમાં જ તો તેમણે જીવન સમર્પિત કર્યું.

છેલ્લે, પેંડા ખાઈને આ સ્મૃિતમાળાને પૂરી કરું. મહાજનમાં અમે બેઠાં હતાં. અને એક ખોખામાં બે પેંડા આવ્યા. શાના ? ક્યાંથી ? લેબર કોર્ટમાંથી. ઇન્દિરા ગાંધીની હાર પછી નવી સરકાર બની. નવા પ્રધાનમંત્રી (મોરારજી દેસાઈ) આવ્યા. તેના પેંડા. બનેલું એવું કે દરુ લેબર કોર્ટમાં આવી પહોંચ્યા. ખુશમાં હતા. બાર એસોસિએશને સૌને પેંડા વહેંચ્યા. ધીમંત વસાવડા પણ હાજર હતા. દરુએ કહ્યું. ખુશાલીની ઘડી છે. ‘આજે ડે ઑફ ડીલિવરન્સ’!

‘ઇન્ડિવિડ્યુઅલ ફ્રીડમ ઍન્ડ સિવિલ લીબર્ટીઝ’નું મૂલ્ય તેમના દિલમાં વસ્યું હતું, જેમાં તેમણે તેમનું જીવન ખપાવી દીધું.  બીમાર પડ્યા અને વિદેશ ગયા અને સ્વદેશ પાછા ન આવી શક્યા. સ્વધામ પહોંચી ગયા (૧૯૭૯). બંધારણ, મજૂર કાયદા અને સેવા ક્ષેત્ર, આ ત્રણ કાયદાના નિષ્ણાત તરીકેની તેમની અવિસ્મરણીય સ્મૃિત ઇતિહાસમાં કાયમ રહેશે.

ઉસ્માનપુરા, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2016; પૃ. 03-04

[ચંદ્રકાન્ત દરુની જન્મ શતાબ્દી (2૩ જૂન 2016) ઉજવણી પ્રસંગે 16 જુલાઈ, 2016ના રોજ ફલી નરીમાન અને ઉપેન્દ્ર બક્ષીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રકાશિત થનારા સ્મૃિતગ્રંથમાંથી ચૂંટેલો લેખ]

Loading

Happy Father’s Day

Bharat Shah|English Bazaar Patrika - Features|20 June 2016

In our father-son relationship, clicking "like" button would have been rare, if we had Facebook when I was growing up. And I would not have dared to click "dislike" button even if one was available.

I grew up in a time when the rules were not written or psychologically researched for father-son relationship. They were just understood. I could neither "friend" my father nor could I "unfriend" him. Question of "blocking" him was out of question.

We did not have direct connection with each other. We both used a "server" which actually was at home, not at some remote location. My mother, she was always accessible without any "user ID" or "Password". She was the intermediary facilitating our communication. Honestly, life was so simple, usage of the word communication had not yet picked up its present day prominence.

In a way, that was the best arrangement. He was one of those persons who saw either white or black. Nothing in between. Every little misdeed of mine at the school, social or sports venues would be a big deal for him. Known for his short fused temper, he would explode even over a small matter like hanging out with a friend who smoked or stole fruits or vegetables from other people's farms for thrills. Characteristics, behavioral or otherwise that would blot the family name in the small town was not tolerable.

Mother knew him inside out. So when he would ask her after fourteen hours of hard work and busy schedule, how was I doing, she would "delete"or "trash" most of the annoying but normal teenage behavioral information and "forward" only "need to know" information required to discuss parental matters. She was a great "filter".

I felt at the time that my father could have used "Alternate, Control and Delete" buttons effectively to start all over. However, such thoughts about elderly were considered ill conceivable and disrespectful. A disciplined relationship demands a certain distance was the belief of the time.

We lived in a time when need to "update" the nature of the relationship in general and father son in particular was not yet recognized. The "version" of that relationship was updated for the whole life from day one. It was assumed to be unassailable by any "virus" or "spy wares".

When I think about those days, I look up, smile and say thank you father !

Thank you.

Because, my wife says I have turned out to be very much like my father. I take that as a compliment not criticisim and wear it as a badge of honor. What I am today is not because of his words, but because of the lessons he taught me in silence by his actions. His silence defined the words or phrases like hard work, honesty, integrity, self respect, loyalty to family and friends… And so on.

I have miles to go before I reach where he was as a human being. But on this Father's Day I would like to tell him.. Father, I still remember what you said the day I got married.

"I feel sorry for this poor girl. She does not know what kind of idiot she is marrying."

Not much has changed since, father. Just that I miss you. Miss you very much. Love you.

Loading

...102030...3,6043,6053,6063,607...3,6103,6203,630...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved