Opinion Magazine
Number of visits: 9690869
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક સવાલ, તમે કયા ભારતમાં રહો છો?

પ્રીતીશ નાંદી, પ્રીતીશ નાંદી|Opinion - Opinion|24 June 2016

એક તરફ જરીપુરાણો ઐતિહાસિક એજન્ડા છે અને બીજી તરફ વૈશ્વીક આર્થિક મહાસત્તા બનવાનું સ્વપ્ન

એક ભારત એવું છે જે હાલ મોજુદ છે અને એક એવું પણ ભારત છે જેનું આપણે સ્વપ્ન જોઈ રહ્યા છીએ. એક ત્રીજું પણ ભારત છે જેને દુનિયા જુએ છે. ત્રણે ભારત તદ્દન અલગ છે. આપણે વાત એક ભારતની કરીએ છીએ પણ વિચારીએ છીએ અન્ય ભારત વિશે. આપણે એક ભારત માટે બજેટ તૈયાર કરીએ છીએ અને બીજા ભારત પર ખર્ચી નાખીએ છીએ. આપણે એક ભારતની ચિંતા કરીએ છીએ અને બીજા ભારતની શેખી મારીએ છીએ. એક અન્ય ભારત છે જે ભૂતકાળમાં ક્યારેક હતું. તેને લઈને આજે પણ ઘણા લોકો વ્યાકુળ છે અને એ ભારતમાં પાછા ફરવા માટે ઉત્સુક છે.

વાસ્તવમાં આ એશિયન મૂંઝવણ છે. આપણે પોતાના ઝાંખા પડી ગયેલા ભૂતકાળને ભૂલી શકતા નથી. આપણે વર્તમાનથી ખુશ નથી અને આપણે કાયમ ભવિષ્યના સપના જોઈ રહ્યા છીએ. આપણા વિશે લોકો શું વિચારે છે એની પણ ચિંતા કરવાની છે. માત્ર ચિંતા જ નહીં પ્રતિક્રિયા પણ આપવાની છે. ઘણી વખત આપણે ગુસ્સાથી છલોછલ પ્રતિક્રિયા આપીએ છીએ અને ઘણી વખત તેમને બિઝનેસની તક તરીકે લઈએ છીએ. આપણે મુઘલોના શાસનને નકારી કાઢીએ છીએ પણ હા, પર્યટનનું આપણું સૌથી મોટું આકર્ષણ તો તાજ મહાલ જ રહેશે.

મારા જેવા લોકો જે વર્તમાન ભારતમાં રહેતા હોય છે તેમને મોટે ભાગે રોદણાં રડ્યા કરનારા માનવામાં આવે છે.

મને ટ્વીટ કરીને લોકો પૂછે છે કે શું તમને આસપાસ કશું સારું દેખાતું જ નથી? તેમને એ સમજાવવું મુશ્કેલ હોય છે કે તેઓ જે ભારતની શેખી મારી રહ્યા છે તે હું રહું છું એ ભારત નથી. મને પણ મારા ભારત પર ગર્વ છે પણ તેને સુધારવાની જરૂર છે. તેને પાણીની જરૂર છે. તેના જંગલોને બચાવવાની જરૂર છે. પ્રજાતિઓને મારવાની નહીં પણ તેનું પોષણ કરવાની જરૂર છે. સૌથી અગત્યની વાત. જીવતા રહેવા માટે જેમને સંઘર્ષ કરવો પડી રહ્યો છે એ દરેક પ્રત્યે તેમણે કરુણા દાખવવાની જરૂર છે. આ ભારતે વિશ્વની સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર હોવાના દાવા કરવાની પણ જરૂર નથી. ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર હોઈ શકે છે પણ જ્યાં સુધી તે સૌથી ગરીબ, સૌથી નબળા વર્ગ માટે જીવન જીવવા લાયક નહીં બનાવે ત્યાં સુધી વિકાસનો કોઈ મતલબ નથી.

વૃદ્ધિદર તો માત્ર મૂર્ખામીભર્યા આંકડા છે. પણ હું એ લોકોને દોષ આપવા માગતો નથી જેઓ મને કાયમ ફરિયાદો કરતી વ્યક્તિ તરીકે જુએ છે. કારણ કે તેઓ એક અલગ જ ભારતમાં રહે છે, જેનું ઘડતર અદ્દભુત રાજકીય વચનો અને એ મીડિયાએ કર્યું છે જે તેમાં સતત ઈંધણ ઝીંક્યા કરે છે. સાચું કહું તો તમે આસપાસ જોઈ રહ્યા છો એ મારું ભારત છે. આ એ ભારત છે જ્યાં હું અને તમે રહીએ છીએ. થોડો તૂટેલો, થોડો વિખેરાયેલો, થોડો ડરામણો ભારત દેશ. આ તમામ કાયમ ખોટા કારણોસર જ મથાળામાં ચમકે છે. આ ભારત અપાર ગરીબી, દુ:ખ, આત્મહત્યા, દુષ્કર્મના ઓછાયા હેઠળ જીવે છે. મારા ભારતના હિરો તો એ લોકો છે જેઓ આ બધામાંથી પસાર થયા પછી પણ માથું ઊંચું રાખીને જીવી રહ્યા છે.

શું માત્ર સરકારને જ દોષ આપવો જોઈએ? કદાચ નહીં. દરેક દેશમાં વિકસતો-વિસ્તરતો મધ્યમ વર્ગ છે. જે અપેક્ષાઓના આધારે જીવે છે અને રાજકીય નેતાઓ તેમની અપેક્ષાઓ-આકાંક્ષાઓને હવા આપે છે. નેતાઓ ખોટું બોલે છે. તેઓ આકાંક્ષાઓને ઉશ્કેરે છે. અને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરે છે. પણ આ સમગ્ર પ્રક્રિયામાં તેઓ એક અત્યંત મહત્ત્વનું કામ કરે છે. તેઓ લોકોનાં સપનાંને પોષે છે. જેમના જીવનમાં એવું કશું નથી જેને જોઈને આગળ વધી શકાય. તેઓ લોકોને નારા આપે છે. રાજકારણીઓ લોકોને એકમેકને ધિક્કારવાના કારણો આપે છે.

રાજકારણ અને ઇતિહાસે વારંવાર પુરવાર કર્યું છે કે પ્રેમ કરતાં ક્રોધ વધારે લોકોને એકત્ર કરે છે. પ્રેમ તો એક એવી બાબત છે જેને આપણે આદર્શ તરીકે દેખીએ છીએ. નફરત એવી ભાવના છે જેના પર આપણું અસ્તિત્વ ટકેલું છે. લોકોને ધિક્કારવાનું એક કારણ આપશો તો તેઓ તરત એને ઝડપી લેશે. ભલે પછી તેમને ખબર હોય કે તમે પોતાના હિત ખાતર એમને ગેરમાર્ગે દોરી રહ્યા છો. પ્રેમ અને રાજકારણ બન્નેમાં લોકોને પોતાનો ઉપયોગ થાય એ ગમતું હોય છે.

પણ જે લોકો તમને બહારથી જોઈ રહ્યા છે તેમનો ઉપયોગ કરવો કે તેમને પોતાની મરજી પ્રમાણે ઢાળવા અઘરું હોય છે. આ જ કારણોસર એક તરફ ભારતનું અસ્તિત્વ છે. એવું ભારત જે સ્વરૂપે અન્ય લોકો તેને જોવા માગે છે. ના, હું એન.આર.આઈ. કે અપ્રવાસી ભારતીયોની વાત કરતો નથી. તેમની વિશ્વદૃષ્ટિ તો અતીતના મોહથી ગ્રસ્ત છે. હું તો વ્યાપક સ્તરે દુનિયાની વાત કરી રહ્યો છું. તેઓ એ‌વા ભારતને જોઈ રહ્યા છે જે તદ્દન અલગ છે. શક્ય છે કે આપણે ભારત વિશેના તેમના વિચારોથી સંમત ન હોઈએ. પણ આપણે તેમની અવગણના પણ કરી શકતા નથી. કારણ કે આપણા વિશેની તેમની ધારણાને કારણે આપણો વેપાર ચાલે છે.  

વિશ્વમાં આપણું કદ નક્કી થાય છે અને (સૌથી મહત્ત્વપૂર્ણ) આપણી આત્મપ્રતિષ્ઠાનો બોધ સ્પષ્ટ થાય છે. આપણને ગમે કે ના ગમે પણ આપણે કાયમ પોતાની જાતને બીજાઓની નજરે જોવાનો આગ્રહ રાખીએ છીએ. આ જ કારણોસર આપણે વેન્ડી ડોનીગર કે લેસ્લી યૂડવિન અથવા જેમ્સ લૅન જેવા લોકો પર ભડકી ઉઠીએ છીએ. આપણે દાવો તો એવો કરીએ છીએ કે આપણા વિશેના તેમના પૂર્વગ્રહના લીધે ગુસ્સો આવે છે. પણ સાચી વાત તો એ છે કે તેમની વાતોના કારણે પોતાની છબિ વિશે આપણા મગજમાં જે શંકા ઉભરે છે તેના કારણે આપણને ગુસ્સો આવે છે.

આ સાથે જ આપણે એવા ભારતમાં પણ રહીએ છીએ જે અનેક સદીઓથી એકમેકની પડખે જીવે છે. તેના કારણે સ્થિતિ વધુ જટિલ થઈ જાય છે. લોકો અલગ અલગ રીતે પૂજા-અર્ચના કરે છે. જુદી-જુદી રીતે વિચારે છે. જે બાબતો પર તેઓ ભરોસો કરે છે તે ભૂતકાળનો હિસ્સો છે. પણ આપણે તેને સ્વીકારવા તૈયાર જ નથી. આપણે પોતાના ભૂતકાળની સાથે એ રીતે જોડાયેલા રહીએ છીએ જાણે તે વર્તમાન હોય અને તેના આધારે આપણે ભવિષ્યને ઘડી શકીશું. આ જ કારણેસર ઉત્તર પ્રદેશમાં રામ મંદિર, તામિલનાડુમાં જલીકટ્ટુ મહત્ત્વપૂર્ણ છે. ત્રણ વખત તલાક ધાર્મિક ઓળખનો અભિન્ન અંગ છે.

પરિવારના સન્માનના નામે થતી હત્યાઓ, જ્ઞાતિ આધારિત પૂર્વગ્રહો, મહિલાઓ વિરુદ્ધની હિંસા, અલગ પંથમાં માનનારાઓનો બહિષ્કાર, લઘુમતિની સતામણી, તર્કવાદીઓની હત્યા. આ બધું જ સડી ગયેલા ઐતિહાસિક એજન્ડાના અંગ છે. જેને આપણે સૌ અજમાવવા લાગ્યા છીએ. બીજી તરફ સપનું તો આપણે વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવાનું જ જોઈએ છીએ. તમે કયા ભારતમાં રહો છો? તમે કેવા ભારતમાં રહેવા માગો છો ? તમે જે ધ્વજની નીચે ઊભા છો તે કયા ભારતમાં ફરકી રહ્યો છે? શક્ય છે કે આ સવાલોના કોઈ જવાબ ન હોય. પણ પોતાના હૃદયમાં જોશો તો તમને એ ભારત જડી આવશે જેને તમે બેહદ પ્રેમ કરો છો.

સૌજન્ય : ‘દેશાંતર’, “દિવ્ય ભાસ્કર”, Jun 24, 2016

http://www.divyabhaskar.co.in/news/ABH-one-question-what-country-do-you-live-5356718-NOR.html      

Loading

વિચારપત્ર : એક વિશિષ્ટ સાહિત્ય સ્વરૂપ

કિશોર એમ. શુક્લ|Opinion - Literature|23 June 2016

ભારતીય બહુશઃ ભાષાઓમાં સાહિત્યસ્વરૂપ તરીકે કાવ્ય, નાટક, નવલકથા, નવલિકા (ગદ્યસાહિત્ય) પત્રસાહિત્ય, નિબંધ અને પ્રવાસ, હાસ્ય અને કટાક્ષસાહિત્ય જેવાં વિવિધ સાહિત્ય સ્વરૂપો સ્વીકારાયાં છે. નવા અભિગમ તરીકે સાહિત્ય જેવાં સ્વરૂપો પણ સ્થાન પામ્યાં છે. આ બધામાં વિચારપત્ર (દા.ત., નિરીક્ષક અને અન્ય) જેવા સાહિત્યને પણ એક અલાયદા, ખાસ સાહિત્ય સ્વરૂપ તરીકે સ્વીકારવું ઘટે. વિચારપત્ર પ્રકારનું સાહિત્ય હવે ઘણી બધી ભાષાઓમાં, ઘણાં બધાં પુસ્તકો-સામયિકોમાં પ્રકાશિત થાય છે. આ સાહિત્યસ્વરૂપ વિષે આપણે સૌ વિચારીએ, એ પહેલાં જણાવવું રહે કે આ પ્રકારનું સાહિત્ય વર્ષોથી લખાય છે. છપાય છે અને વંચાય છે. આ સ્વરૂપને સાહિત્યશાસ્ત્રના, માનક ધોરણો લાગુ પાડીને આ સ્વરૂપને અલગ રીતે સ્વીકારવું જોઈએ. આ સ્વરૂપના ઉદ્‌ભવ અને વિકાસનો ઇતિહાસ લખાય અને સંશોધનો થાય, વિશિષ્ટ માવજત દ્વારા આ સ્વરૂપને સાહિત્યની પરિભાષામાં અલગ સ્થાન મળે, સમાવેશ થાય તે ઇચ્છનીય છે.

– આ સાહિત્યસ્વરૂપ વર્તમાન પ્રવાહોને, સમસામયિક સમસ્યાઓને વધુ સારી રીતે સાહિત્ય રજૂ કરનાર વાસ્તવિક ભૂમિકાવાળું હોય છે.

– આ વિચારપત્ર સાહિત્યસમાજનાં વિવિધ ક્ષેત્રોને આવરી લેતું. અદ્યતન અભિગમવાળું હોય છે.

– આ સ્વરૂપમાં કલ્પનાશીલ ભાષાપ્રયોગને બદલે પ્રસંગોનું પરિસ્થિતિઓનું, વ્યવહારુ સમસ્યાઓનું યથાતથ વર્ણન હોય છે.

– આ સ્વરૂપમાં સર્વગ્રાહી માન્યતાઓનું પ્રતિબિંબ હોય છે. વ્યક્તિગત માન્યતાઓ રજૂ થાય, તો તેનો આધાર કે સંદર્ભ (વજૂદ) પણ હોય છે, તેથી આ વિચારપત્ર-સાહિત્ય સ્વરૂપ પૂર્ણ આધારવાળું હોય છે.

– લોકશાહી દેશમાં વિચારપત્રોને મહત્ત્વ અપાય, તે સમૃદ્ધ અને તંદુરસ્ત લોકશાહી માટે પ્રશસ્ય ગણાય. તે રીતે જોતાં વિચારપત્રના સાહિત્યસ્વરૂપની અગત્ય વધી જાય.

– વિચારપત્રમાં મોટી સાહિત્યસાધનાની જરૂર હોતી નથી, તેથી સમાજના બધા વર્ગના લોકો પોતાનો પ્રતિભાવ વિચારપત્ર દ્વારા રજૂ કરી શકે છે. આમ, સહજ રીતે સર્જાતું આ સાહિત્ય મૌલિક, સરળ, હૃદયની ભાષા રજૂ કરતું ભાવવાહી અને સ્નિગ્ધ હોય છે.

– વિચારપત્રમાં લખનાર લેખક સામાજિક, રાજકીય, શૈક્ષણિક ઇત્યાદિ બાબતોમાં જાગૃતિ રાખતો સક્રિય નાગરિક હોય છે. તે માત્ર તેના માટે (નિજાનંદ માટે) લખતો નથી. સમાજ માટે પોતાનું દૃષ્ટિબિંદુ રજૂ કરે છે.

– સમીક્ષા-સાહિત્યથી જુદું પડતું આ સાહિત્યસ્વરૂપ વિચારધારાથી બંધાયેલ હોય છે.

– આ સ્વરૂપમાં શબ્દવ્યંજના અન્ય ગદ્યસાહિત્ય જેવી જ હોય છે. વ્યવહારની ભાષામાં લખાતા વિચારો રજૂ કરવાનું ઉત્તમ માધ્યમ બને છે, તેથી તે વિશિષ્ટ સાહિત્યસ્વરૂપ છે.

આ રીતે વિચારપત્ર સાહિત્યસ્વરૂપ એ અન્ય ગદ્યસાહિત્ય સ્વરૂપથી જુદું ન પાડી શકાય, તેવું સાહિત્ય હોવા છતાં તેની રજૂઆતની શૈલી, તેની પ્રભાવક અસર, સંભવિત પરિવર્તનોની દૃષ્ટિએ એક અસરદાર સાહિત્યસ્વરૂપ તરીકે નિખાર પામ્યું છે, આકાર પામ્યું છે.

‘નિરીક્ષક’ના સુજ્ઞવાચકો આ અલાયદા અને વિશિષ્ટ સ્વહિત્યસ્વરૂપને આવકારશે અને તેનું સમર્થન કરશે, તેવી અપેક્ષા છે. દરેક ભાષાસાહિત્ય સ્વાગતશીલ છે. સમયાંતરે થતાં સાહિત્યિક ખેડાણોને આવકારીને આ નવીન સાહિત્યસ્વરૂપને પ્રમાણિત સાહિત્યસ્વરૂપ તરીકે સ્વીકારાશે અને વિચારપત્ર સાહિત્યસ્વરૂપનો નવો સાહિત્યક ઇતિહાસ લખાશે, તેવી શ્રદ્ધા છે.

ઍજ્યુકેશન કૉલેજ, મોડાસા

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2016; પૃ. 09

Loading

ચુકાદાનો તકાજો અને બેનકાબ ચહેરા

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|23 June 2016

ઐતિહાસિક ગુલબર્ગ ચુકાદાને કેવી રીતે જોશું વારુ? ભારતરત્ન અટલબિહારી બાજપેયીની એમની કોઈક સોજ્જી સહૃદય ક્ષણોમાં કરેલો પદ્યઉદ્દગાર, બને કે ૨૦૦૨ના સંદર્ભમાં હોયઃ

ગીત નહીં ગાતા હૂં
બેનકાબ ચેહરે હૈ
તૂટા તિલિસ્મ આજ,
સચ સે ભય ખાતા હું …

ગુજરાતના તે વખતના ઘટનાક્રમને, રાજ્યના શાસને પ્રગટ કરેલા નિઃશાસન / દુઃશાસન સ્વરૂપ અંગે બડે ભૈયા(દુર્યોધન)ની ભૂમિકાથી પરહેજ કરવા ઇચ્છતા બાજપેયીની લાગણી હતી. વેદના હતી કે ‘બેનકાબ ચહેરે હૈ’ પ્રતિક્રિયામાં શું બન્યું તો કહ્યું કે ‘દાગ બડે ગહરે હૈ.’ ડાઘ (કલંક) ભૂંસ્યાં કેમ ભુંસાય? સરકારને પક્ષે ખરી ને પૂરી તપાસથી, અને ન્યાયથી.

કેમ કે ‘સચ સે ભય ખાતા હું’, અઘરું તો હતું જ. એક તો આપણી અદાલતો, પુરાવાની અદાલતો રહી, નહીં કે ન્યાયની અને પુરાવાતંત્ર બચાડું સત્તાપક્ષને આધીન, સ્વાધીન, પરાધીન! ગોધરા-અનુગોધરામાં જવાબદારોને નસિયત પહોંચાડવામાં ગુજરાતનું નિઃસંતાન/દુઃશાસન આરંભથી બેતમા અને બેપરવા હતું. રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલત સમક્ષ કબૂલ્યા પ્રમાણે આશરે સત્તર હજારથી પણ વધુ કેસ નોંધ્યા નહોતા. સર્વોચ્ચ અદાલતની દરમિયાનગીરી પ્રક્રિયા ફેરઊઘડી અને કેટલાક મોટા કેસોમાં કેસોમાં એની સીધી દેખરેખ નીચે એસઆઈટી મારફતે કામ શરૂ થયું એને પરિણામે નરોડા પાટિયા સહિતના સાત ચુકાદા પછીનો આઠમો છે. હવે નરોડા ગામના ચુકાદાની રાહ જોવાય છે.

દેશનાં કોમી રમખાણોના સિલસિલામાં નાગરિક સમાજ કર્મશીલોની જાગૃતિથી ગુનેગારોને સજા કરાવી શકાઈ હોય તે ઠીક ઠીક પ્રમાણમાં પહેલી વાર બની રહ્યું છે. અપેક્ષા કરતાં ઓછું બન્યું હોય તો પણ પૂર્વે કદાપિ નહોતું તે હદે શક્ય બન્યું છે. ગુજરાતમાં નેતૃત્વનો મુદ્દો તો ખેર ક્ષણવાર છોડો. પણ પબ્લિક પ્રોસિક્યુટરો વિશ્વ હિંદુ પરિષદના સક્રિય કાર્યકરો હોય અને તે વિહિંપ પ્રેરિત કોમ હુમલાખોરોને ‘ન્યાયિક પ્રક્રિયા’નો લાભ આપી શકે એવો ઉઘાડે છોગ અભિગમ હતો. ગુલબર્ગ ચુકાદા પછી પણ ગુજરાત વિહિંપની સત્તાવાર પ્રતિક્રિયા છે કે અમે જેઓ દોષિત ઠર્યા છે એમને બચાવવા સઘળું કરીશું. કેમ કે તે સૌ હિંદુ રાષ્ટ્ર માટે લડ્યા છે. ગુજરાતના ઘટનાક્રમ વિશે સંઘ પરિવારના એક વગદાર હિસ્સાનો સત્તાવાર અભિગમ છે કે ગોધરા-અનુગોધરા હિંદુરાષ્ટ્રનો સવાલ હતો. કાયદો, વ્યવસ્થા, ન્યાય બધું માર્યું ફરે!

ગુજરાતમાં સરકાર અને સત્તાપક્ષના અનવતર અવરોધ છતાં જો એક સો પચાસ જેટલા ગુનેગારોને સજા ફરમાવી થઈ શકી હોય તો સામાન્ય વાત નથી તે સંદર્ભમાં ગુલબર્ગ ચુકાદાને જોવો જોઈએ. ૧૯ મકાનો અને ૮ ફ્લેટના રહેવાસી પર (સાથી નાગરિકો પર) મચાવાયેલા બેરહમ આતંક સબબ ૧૪ દોષિત અને ૩૬ નિર્દોષ હોય કે હોય પણ શંકાનો લાભ રળ્યા. મૂળે આલા પોલીસ અફસર અને નવધારાશાસ્ત્રી રાહુલ શર્માએ કહ્યું છે કે અદાલતે તો તેની સામે જે રજૂ થયું તેને આધારે કહ્યું પણ રાઘવનના વડપણ હેઠળની એસઆઈટીએ જો તપાસમાં કચાશ છોડી હોય તો શું કરી શકાય. અહીં મનોજ મિટ્ટાની ભરી બંદૂક કિતાબ ‘ધ ફિક્શન ઑફ ફૅક્ટફાઇન્ડિંગ ઇન ગોધરા’ – તપાસને નામે કલ્પનાવિલાસનું સ્મરણ થઈ આવે છે. ગુલબર્ગ ઘટના વિશે એણે સાદો પણ બુનિયાદી વિગતમુદ્દો ઉઠાવ્યો હતો કે મુખ્યમંત્રી નમો, એમના કહેવા પ્રમાણે રમખાણ પર ઝીણી નજર રાખી રહ્યા હતા. તો ગુલબર્ગમાં શરૂ થયેલા આતંકના પાંચ કલાક પછી પણ બેખબર હતા. આવું કેમ.

અહીં જરી દૂરાકૃષ્ટ લાગે તો પણ જલિયાંવાલા ઘટનાનું સ્મરણ થઈ આવે છે. જનરલ ડાયરે જનસમુદાય સાથે બેછૂટ ગોળીદાવ ખેલ્યો ત્યારે અંગ્રેજ સરકારે હંટર કમિશન નીમ્યું હતું. કમિશન પરના ત્રણ હિંદી સભ્યોએ અલગથી પોતાનો ‘માઇનોરિટી રિપોર્ટ’ આપ્યો હતો. એમાં ડાયરની (બે)જવાબદારીથી માંડીને દેશના વડા તરીકે ચેમ્સફોર્ડની જે મર્યાદાઓ સંદર્ભમાં જણાઈ આવી તે બતાવવામાં પણ કસર છોડી નહોતી. રિપોર્ટ લખવામાં અગ્રકામગીરી સર ચિમનલાલ સેતલવાડની હતી, અને તેમ કરતાં તેમણે વાઇસરોયની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ પર લૉ મેમ્બર તરીકે બેસવાનો મોકો ખોવાની ચિંતા કરી નહોતી. (જોગાનુજોગ, સર ચિમનલાલ તે તીસ્તાબહેનના પ્રપિતામહ – ગુજરાત ગૌરવ પરંપરામાં કેવી રીતે જોશું આ બીનાને?) ગમે તેમ પણ, એસઆઇટીનો તપાસ હેવાલ ઇપીસી ૧૨૦ (બી) એટલે કે આયોજિત કાવતરાને મુદ્દો ઊલોઅલૂણો તો રહ્યો જ. એને કોઈ સર ચિમનલાલ જેવું જુદું પડતું જણ, કમનસીબે, મળી શક્યું. હશે, સ્વરાજ એટલું ઢૂંકડું નયે હોય.

મુદ્દે, ગુલબર્ગ કેસમાં ૨૦૧૦માં સ્પેિશયલ પ્રૉસિક્યુટરે રાજીનામું આપેલું. એમનો મુદ્દો હતો કે જજસાહેબ બાયસ્ડ (પૂર્વગ્રહદૂષિત) છે અને એસઆઇટી આખી પ્રક્રિયામાં અમારી સાથે સંકલન સાચવતી નથી. તે પછી બે વરસે એસઆઇટીએ ‘કૉન્સપિરસી ઍંગલ’થી કિનારો કરતું (કહો કે સેનિટાઇઝ્‌ડ) તારણ આપ્યું. મેટ્રોપોલિટન કોર્ટે એસઆઇટીનો હેવાલ પ્રકાશિત કરવાની તેમ જ ક્લોઝર સામેની રજૂઆતને ફગાવી. ગુલબર્ગ કેસ સંદર્ભે, કેમ કે એમાં પૂર્વસાંસદ અહેસાન જાફરીનોયે ભોગ લેવાયો હતો, ખાસી ચર્ચા થતી રહી છે. જાફરીને કેવળ પૂર્વસાંસદ કહેવા અપૂરતું થશે. ૧૯૬૯માં ભોગ બની રાહત છાવણીમાં ઓશિયાળો આશરો લેવાના અનુભવમાંથી પસાર થયા હતા, પણ કોમી એકતાનો અભિગમ એમણે કદાપિ ન છોડ્યો. ઉમદા ખવાસનું સાહિત્યરસિક જણ હતા.

ગુલબર્ગ સોસાયટી અને સ્થળપસંદગી પાછળ પણ સહિયારા વારસાનો ધક્કો હતો. આજે ઝકિયા જાફરી ચૌદ વરસની તાવણી અને કંઈ કેટલી દુવા-ઈબાદત-ખેરાત પછી પણ પૂરા ન્યાયના ધ્રુવતારક ભણી જોઈ જિંદગી બસર કરે છે. ઉલટ પક્ષે, ચિંતાનો મુદ્દો છે કે, કસુરવારોને સજા બાબતે અગાઉ કરતાં ઠીક કામગીરી છતાં, લોકદરબારમાં વાનું કેમ જાણે નહીંવાનું છે.

વણઝારાની વીરકથા અને વીરનો રાગ આસારામ … ને સંઘ શિબિરની મુલાકાત, કોઈને કશો થડકો નથી.

ચેહરે બનેકાબ હૈ, બીજું શું.

લખ્યા તા. ૩ જૂન, ૨૦૧૬

સૌજન્ય : “નિરીક્ષક”, 23 જૂન 2016; પૃ. 15

Loading

...102030...3,6013,6023,6033,604...3,6103,6203,630...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved