Opinion Magazine
Number of visits: 9664533
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોહનમાંથી મહાત્મા

નારાયણ દેસાઈ|Gandhiana|8 March 2025

ગાંધીજી અને નારાયણ દેસાઈ

એક માનવી તરીકે ગાંધીજીને હું જોઉં છું ત્યારે તેમનું સતત વિકાસ પામતું વ્યક્તિત્વ મને સૌથી વધુ અસર કરે છે. સત્યના આ પ્રયોગી વીર હંમેશાં એક સત્યથી બીજા સુધી સમૃદ્ધ થતા રહ્યા છે અને તે વાત જાહેર કરવામાં ક્યારે ય જડ રહ્યા નથી. જ્યારે જ્યારે તેમને સમજાયું છે કે એમનાં બે નિવેદનો એકબીજાથી વિરુદ્ધ થયાં છે, ત્યારે ત્યારે એમણે લોકોને એમના છેલ્લા નિવેદનને જ સ્વીકારવા કહ્યું હોવાનું નોંધાયું છે. જેમ કે :

‘મારાં લખાણોના ખંતીલા વાચકને અને બીજાઓ, જેમને એમાં રસ છે, તેમને હું કહેવા માંગું છું કે સત્યની મારી ખોજમાં જડભરત દેખાવા હું જરા પણ વ્યાકુળ નથી. મેં ઘણા વિચારો ફગાવ્યા છે અને ઘણી નવી વાતો શીખી છે. ભલે વયમાં હું વધતો હોઉં પણ મારો આંતરિક વિકાસ રુંધાયો છે યા તો મારી સ્થૂળ હયાતી સાથે મારો વિકાસ પણ અટકી જશે, એમ હું માનતો નથી. મારી ચિંતાનો વિષય મારા ઇશ્વર એવા સત્યના સાદને સમયે સમયે સાંભળી શકવાની મારી તૈયારી અંગેનો છે. અને એટલે જ કોઈને મારાં બે લખાણોમાં વિસંગતતા જણાય અને જો એને મારી વિવેકબુદ્ધિમાં થોડી પણ શ્રદ્ધા હોય તો બહેતર છે કે તેણે એક જ વિષય પરનાં મારાં બે લખાણોમાંથી છેલ્લાને પસંદ કરવું.’ (‘હરિજન’, તા. ૨૯-૪-૩૩, પૃ.૨)

એકથી વધારે વિષયોમાં તેમના સતત સમૃદ્ધ થતાં દૃષ્ટિકોણનો હું સાક્ષી છું. ક્યારેક એમણે તાડનાં વૃક્ષોને કાપી નાંખવાના કાર્યક્રમોને ટેકો આપેલો કેમ કે એમાંથી નીકળતા રસમાં આથો લાવી નશીલું પીણું (તાડી) તૈયાર કરાતું. પણ જ્યારે તેમણે જાણ્યું કે એ જ તાજા રસમાંથી સારી જાતનો ગોળ (તાડગોળ) તૈયાર કરી શકાય છે ત્યારે તેમણે ગોળ બનાવવાના ગ્રામોદ્યોગને પોત પૂરો ટેકો જાહેર કર્યો. હું નાનો હતો ત્યારે ગાંધી એક જ જ્ઞાતિમાં પરણતા યુગલને આશીર્વાદ આપતા. પણ જ્યારે મારા લગ્નનો પ્રસંગ આવ્યો, ત્યારે એમના વિચારો ધરમૂળથી બદલાયા હતા.

અસ્પૃશ્યતા અને વર્ણાશ્રમમાંના અનિષ્ટને ઓળખી તેમણે એવાં યુગલોને આશીર્વાદ નહીં આપવાનું નક્કી કર્યું, જેમાં એક સવર્ણ હોય અને બીજું ‘હરિજન’ ન હોય. મારા કિસ્સામાં તેઓ લગ્નને ‘બીજી કક્ષા’નું જ ગણવા રાજી થયા કેમ કે મેં જુદી જ્ઞાતિ અને ભાષાની કન્યા પસંદ કરી હતી. છતાં હું અને મારી પત્ની – અમે બન્ને ‘સવર્ણ હિંદુ’ હતાં. એટલે અમારાં લગ્નમાં સામેલ થવા તેમણે ઈન્કાર કર્યો હતો, જો કે મારાં એ ‘દ્વિતીય કક્ષા’નાં લગ્ન હોવાને કારણે મને એમના પત્રરૂપી આશીર્વાદ મેળવવાનો હક મળ્યો અને મારે મારાં લગ્નમાં એમની હાજરીની અપેક્ષાએ એટલાથી જ સંતોષ માનવો પડ્યો.

સત્ય અને અહિંસા પરત્વે જ ગાંધીની એકવાક્યતા રહી, પણ આ સિદ્ધાંતોનાં પાલન સુધ્ધાંમાં તેઓ દરેક સત્યના સ્તરે સ્તરે વિકસતા રહ્યા. પૂણે નજીકના આગાખાન પેલેસની એમની છેલ્લી જેલયાત્રા દરમિયાન તેઓ ‘અનશન’ પર હતા ત્યારે એમના ભક્ત એવા બીજા મંત્રી પ્યારેલાલે ‘ભારત છોડો’ આંદોલનમાં અહિંસા બાબતે એમની સાથે ચાલતા મારા સતત સંવાદ વિશે ગાંધીને જાણ કરી. ઉપવાસના સાતમા કે આઠમા દિવસે શય્યા પર સૂતેલા ગાંધીજીએ મને નજીક બોલાવ્યો અને છેક નિર્બળ સ્વરે વાત શરૂ કરી, “પ્યારેલાલ પાસેથી જાણતાં મને આનંદ થયો કે તું અહિંસાના પ્રશ્ન પર ગંભીર વિચાર કરી રહ્યો છે.” આરોગ્યની એવી નબળી હાલતમાં પણ અઢાર વર્ષના એક યુવાનને વધાવવાની તક ગાંધી ખોવા માગતા નહોતા.

“જ્યારે અહિંસા વિશે તું વિચારે છે,” તેમણે કહ્યું, “ત્યારે હંમેશ ધ્યાનમાં રાખજે કે અહિંસા વિશેની મારી સમજ સમયની સાથે સાથે વધતી જ રહે છે. ૧૯૨૨માં ચૌરીચૌરામાં હિંસા થઈ ત્યારે મેં બારડોલીમાં કરવા ધારેલી સવિનય કાનૂનભંગની ચળવળ મોકૂફ રાખી હતી. કેમ કે મને લાગ્યું હતું કે દેશ હજી અહિંસક સવિનય કાનૂનભંગ આંદોલન માટે તૈયાર નહોતો. પણ હવે મને લાગે છે કે આપણી આજુબાજુના હિંસાના વંટોળ વચ્ચે પણ અહિંસાની મશાલ સળગતી રહેશે.”

જિંદગીના દરેક ક્ષેત્રમાં ગાંધીવિચાર સતત ખીલતો જ રહ્યો છે. હકીકતમાં, ભૂલો કરતા એક સામાન્ય ‘મોહન’માંથી મહાત્માપદ સુધીના એ ઉદય પાછળ એ જ એક રહસ્ય હતું.

08 માર્ચ 2025 
‘મારા ગાંધી’
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 248

Loading

શું મહિલા સશક્તિકરણની જરૂર છે ખરી? 

હિતેશ રાઠોડ|Opinion - Opinion|8 March 2025

આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ નજીક આવે એટલે સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી અધિકારીતાની વાતો ગાઈ વગાડીને કરવામાં આવે. ખૂણે ખાંચરેથી સ્ત્રી સશક્તિકરણના દૃષ્ટાંતો શોધી કાઢીને એને રૂપાળા શબ્દોમાં રજૂ કરવામાં આવે અને ચિત્ર એવું રજૂ કરવામાં આવે જાણે કે બધી સ્ત્રીઓ હવે સશક્ત થઈ ગઈ છે અને આ દિશામાં હવે વધુ કંઈ કરવાનું રહેતું નથી. પણ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ છે.

સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી-પુરુષ સમાનતાની વાતોના વડા વર્ષોથી થઈ રહ્યા છે અને દેખાડા ખાતર એ દિશામાં પ્રયત્નો પણ થયા છે આમ છતાં મહિલાઓની સ્થિતિમાં કોઈ સંતોષકારક પરિવર્તન જોવા મળે એવા કોઈ એંધાણ નથી. સ્ત્રીઓની સ્થિતિમાં નોંધપાત્ર પરિવર્તનોથી આપણે જોજનો દૂર છીએ. જે કાંઈ જોવા મળે છે અથવા તો એમ કહો દેખાડવામાં આવી રહ્યું છે એ માત્ર ઉદાહરણો સુધી જ સીમિત છે એનું સામાન્યીકરણ કરવામાં હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. 

પ્રશ્ન થાય કે આટલા પ્રયત્નો છતાં સ્ત્રીઓની એકંદર સ્થિતિ બહુધા ઠેર ઠેરની કેમ? ઘણીવાર તો મહિલા સશક્તિકરણની વિભાવના અંગે જ નવેસરથી વિચારવાની જરૂરિયાત જણાતી હોય એમ લાગે છે.

ખરેખર આ મહિલા સશક્તિકરણ શું છે? 

સ્ત્રી વિના તો માનવ-અસ્તિત્વની કલ્પના પણ ના કરી શકાય અને મહિલા એ માનવસંસ્કૃતિનો લગભગ અડધો-અડધ હિસ્સો છે ત્યારે કોઈપણ સમાજ, સમુદાય કે રાષ્ટ્રને પોતાનો સર્વાંગીણ અને સમરસ વિકાસ કરવા માટે એની લગભગ અડધા જેટલી વસતીને નજરઅંદાજ કરી તે અંગે સાવ બેપરવા રહેવું કે લક્ષ્ય ન આપવું એ કોઈપણ સંજોગોમાં પાલવે નહીં કે પોષાય પણ નહીં. 

મહિલા સશક્તિકરણને સમજતા પહેલા ‘સશક્તિકરણ’ની વિભાવના સમજવી જરૂરી છે. ‘સશક્તિકરણ’ શબ્દપ્રયોગ ‘સશક્ત’ શબ્દ પરથી આવ્યો છે. સશકત એટલે શક્તિ ધરાવતું, શક્તિવાળું, સબળું, બળુકું, જોરાવર, ઉદ્યમી, પ્રવૃત્તિ કરનારું વગેરે. આના પરથી સમજી શકાય કે કોઈને શક્તિવાન, સબળ, જોરાવર, બળુકું કે ઉદ્યમી કરવાની સમગ્ર પ્રક્રિયા અને કાર્યવિધિ એટલે સશક્તિકરણ.

આના પરથી બીજી એક બાબત એ પણ તારવી શકાય કે કોઈને સશકત કરવાની જરૂર પણ ત્યારે જ પડે જ્યારે તેનામાં શક્તિ, જોર, સામર્થ્ય, તાકાત, બળ કે ઉદ્યમ ન હોય. કોઈ વ્યક્તિ જાતે કંઈક કરવા શક્તિમાન ન હોય ત્યારે તેને અમુક પ્રકારે મદદ કે સહયોગ પૂરા પાડી સશક્ત કરવાની જરૂર પડે છે.

ગમે તે પરિસ્થિતિમાં જીવતી હોય તેમ છતાં એ સ્ત્રી પોતાની વિભિન્ન ભૂમિકાઓ ભજવવા માટે પૂર્ણ રૂપે સક્ષમ હોય છે. આજથી નહિ પણ સદીઓથી સ્ત્રીઓ ઘણા સામાજિક-આર્થિક અને બીજા અન્ય પડકારોનો સામનો કરતાં કરતાં, આકરા આર્થિક અભાવો વચ્ચે પણ બાળકોને ઉછેરવા, પતિની દેખરેખ રાખવા સહિત પરિવારની વિવિધ સામાજિક-આર્થિક જવાબદારીઓનો બોજ વહેતી આવી છે. આટલો બોજ વહેતી સ્ત્રીને સશક્ત કરવી પડે એ વાત જ વધુ પડતી લાગે છે. 

જો આમ હોય તો મહિલા સશક્તિકરણને લઈને કેટલાક પ્રશ્નો ઉઠવા સ્વાભાવિક છે, જેમ કે:

શું મહિલાઓ શક્તિશાળી નથી?

શું મહિલાઓ સાચે જ અબળા કે નિર્બળ છે?

શું મહિલાઓ શારીરિક રીતે કમજોર છે?

શું મહિલાઓ ઉદ્યમી કે પ્રવૃત્તિશીલ નથી?

શું મહિલાઓમાં પોતાની આગવી નિર્ણયશક્તિનો અભાવ છે?

શું મહિલાઓ વહીવટ કરવા સક્ષમ નથી?

શું મહિલાઓ સાહસિક નથી?

શું મહિલાઓ બહાદુર કે શૂરવીર નથી?

ઉપરોક્ત તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે વર્તમાનની સાથે સાથે જો થોડી ઝીણી નજર કરી અવલોકન કરીએ તો ભૂતકાળમાં પણ એના અસંખ્ય ઉદાહરણો અને દાખલા-દૃષ્ટાંતો આપણને ઇતિહાસમાં અને આપણી પ્રાચીન સંસ્કૃતિમાં જોવા મળશે, પછી એ સૌરાષ્ટ્રના એક નાનકડા નેસડામાં રહેતી ચારણ કન્યાની વાત હોય, વીરાંગના રાણી લક્ષ્મીબાઈની વાત હોય, સ્વાતંત્ર્ય સેનાની અરુણા અસફઅલીની વાત હોય કે પછી સાવિત્રીબાઈ ફૂલે, સરોજિની નાયડુ, મણિબહેન પટેલ, કસ્તૂરબા ગાંધી, વિદ્યાગૌરી નિલકંઠ, મેડમ કામા, હંસાબહેન મહેતા, અનસૂયાબહેન સારાભાઈ, લક્ષ્મી સહગલ, રાજકુમારી અમૃત કૌર, મીઠુબહેન પિટિટ, મૃદુલા સારાભાઈ, બેગમ હજરત મહાલ, પુષ્પાબહેન મહેતા, ઉદાદેવી, ઝલકારીબાઈ, પંડિત રમાબાઈ સરસ્વતી, રુકમાબાઈ, સરલાદેવી ચૌધરાની, રુકૈયા સખાવત હુસૈન, પ્રીતિલતા વાડેદર, કમલાદેવી ચટોપાધ્યાય, હોમાઈ વ્યારાવાલા, શાંતિ ઘોષ, સુચેતા કૃપાલાણી, રીટા ફારિયા, બચેન્દ્રી પાલ, પી.ટી. ઉષા, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, ઇન્દિરા ગાંધી કે પ્રતિભા પાટીલની પોતપોતાના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાનની વાત હોય, … સ્ત્રી-શક્તિને ઉજાગર કરતું આ લિસ્ટ તો સદા લંબાતું જ રહ્યું છે.

સ્ત્રીઓના સશક્ત હોવાની આ યાદી એ દર્શાવે છે કે સ્ત્રીઓ પોતે જન્મજાત સશક્ત, સામર્થ્યવાન અને કાબેલ છે એ પુરવાર કરવા માટે કોઈ ક્ષેત્ર બાકી રાખ્યું નથી, પછી એ સ્વાતંત્ર્ય-સંગ્રામની વાત હોય, શુરવીરતા કે બહાદુરીની વાત હોય, શિક્ષણ-કલા-સાહિત્યની વાત હોય, વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રની વાત હોય, અવકાશી સંશોધન, સાહસિક ખેડાણની વાત હોય કે જાહેર સેવાઓ કે દેશના વહીવટની વાત હોય. સ્ત્રીઓ હંમેશાં અગ્રેસર હતી, છે અને રહેતી આવી છે. જ્યારે સામાજિક જાગૃતિ બહુ ઓછી હતી, શિક્ષણનું પ્રમાણ અને એમાં ય વળી સ્ત્રી-શિક્ષણ જ્યારે સાવ નહિવત હતું અને મહિલા સશક્તિકરણ માટે કોઈ જ પ્રયાસો નહોતા થયા અને પરિસ્થિતિઓ અત્યંત પ્રતિકૂળ હતી ત્યારે પણ સ્ત્રીઓ તો એટલી જ સશક્ત અને સામર્થ્યવાન હતી અને જ્યારે જ્યારે એમને મોકો મળ્યો છે ત્યારે એમણે એ પુરવાર પણ કરી આપ્યું જ છે. જો એમ ન હોત તો ઉપર દર્શાવેલ લિસ્ટ કદાચ આપણી પાસે ન હોત.

વળી, શારીરિક દૃષ્ટિએ પણ જો વાત કરવામાં આવે તો ઉપરથી નાજુક કે સુકોમળ લાગતી સ્ત્રીઓની દેહયષ્ટિ અનેક પ્રકારના શારીરિક કષ્ટોને ખમવા, વેઠવા કે સહન કરવા માટે પણ એટલી જ સશક્ત અને જોરાવર છે. વળી સ્ત્રીઓમાં એક વિશેષ શક્તિ એ પણ છે કે એ થાક્યા વિના અવિરત કામ કરી શકે છે, પુરુષો માટે એ થોડું મુશ્કેલ હોય છે, એમને વચ્ચે વચ્ચે થોડા આરામની જરૂર પડતી રહે છે. આના દૃષ્ટાંતો ખાસ કરીને આપણા ગામડાઓમાં હજી આજે પણ આપણે જોઈ શકીએ છીએ. સ્ત્રીઓ એકલા હાથે ઘરની અને બહારની બંને જવાબદારીઓ બખૂબી નિભાવતી જોવા મળે છે પછી દેહથી ભલે તે ગમે તેટલી દુબળી-પાતળી કેમ ન હોય. મકાનો અને મોટી મોટી ઈમારતોનું બાંધકામ ચાલતું હોય ત્યારે થોડી વાર માટે ત્યાં થોભીને અવલોકન કરશો તો ખ્યાલ આવશે કે વધુ મહેનતનું કામ મોટે ભાગે સ્ત્રીઓ જ કરતી હોય છે. ઘણા પરિવારમાં તો પુરુષની ગેરહાજરીમાં સ્ત્રીઓ પર જ ઘરની સઘળી જવાબદારી અને મદાર હોય છે જે તેઓ સુપેરે નિભાવતી જોવા મળે છે. ઘરની જવાબદારીની બાબતમાં પણ જ્યારે જ્યારે તક મળી છે ત્યારે ત્યારે સ્ત્રીઓએ એમનું સામર્થ્ય પુરવાર કર્યું જ છે. જેટલી સહજતાથી સ્ત્રીઓ ઘરની અને બહારની બંને જવાબદારીઓ નિભાવી શકે છે એટલી સહજતાથી પુરુષ એ જવાબદારી નથી નિભાવી શકતો એમાં પણ સ્ત્રીઓ સશક્ત હોવાનું પુરવાર થાય છે.

આમ આ રીતે જોઈએ તો સ્ત્રી સશક્તિકરણનો ખ્યાલ ગળે ઉતરે એવો નથી. સ્ત્રીઓ તો આપણે આઝાદ થયા એ પહેલા પણ સશક્ત અને સામર્થ્યવાન હતી જ અને એના અનેક પુરાવાઓ ઇતિહાસમાં અને વર્તમાનમાં પણ આપણી નજર સમક્ષ છે. આમ છતાં આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ જો આપણે મહિલા સશક્તિકરણની વાત કરવી પડતી હોય તો એનો સીધો અર્થ તો એ થયો કે સ્ત્રીઓ તો સશક્ત જ છે પણ આપણો પુરુષ પ્રધાન સમાજ સ્ત્રીઓને એમના સામર્થ્ય અને શક્તિને પુરવાર કરવાની તક આપવામાં ક્યાંક ને ક્યાંક ઉણો ઉતર્યો છે.

એક બાજુ આપણે નારીને શક્તિનો અવતાર કહીએ છે અને એ પણ આજકાલથી નહિ વર્ષોથી એ કહેવામાં આવી રહ્યું છે જે દર્શાવે છે કે સ્ત્રીઓમાં શક્તિ અને સામર્થ્ય છે એ વાત તો આપણે સ્વીકારીએ જ છીએ, જ્યારે બીજી બાજુ એ જ સ્ત્રીઓને આપણે સશક્ત કરવાની હિમાયત કરી એમના માટે અનેકાનેક કાર્યક્રમો અને યોજનાઓ ચલાવી એમના ઉત્થાન અને ઉદ્ધારની વાત કરીને આપણે જ એમના શક્તિ અને સામર્થ્યને ઓછા આંકવાની ભૂલ કરીએ છીએ. આમ છતાં આપણે એ વાતનો પણ ઈન્‌કાર કરી શકીએ એમ નથી કે જન્મજાત સશક્ત હોવા છતાં આપણે સ્ત્રીઓની એકંદર સ્થિતિમાં ગૌરવ લઈ શકાય એવું સમગ્રતયા આમૂલ પરિવર્તન હજી આજે પણ આણી શક્યા નથી. કદાચ આનું એક કારણ એ પણ હોઈ શકે કે આપણે એમની શક્તિમાં વિશ્વાસ મૂકી એમને પૂરતી તકો આપી નથી. થાય છે એવું કે સ્ત્રીઓને આપણે લડવા માટે હથિયાર આપવા તો તૈયાર છીએ પણ લડવા માટે રણમેદાન આપવા તૈયાર નથી તો સ્ત્રીઓ લડશે ક્યાં અને કેવી રીતે, અને લડશે નહિ તો એમના શક્તિ અને સામર્થ્યને પુરવાર કેવી રીતે કરશે? સ્ત્રીઓના કહેવાતા સશક્તિકરણ માટે આપણે (એટલે કે આપણી સરકારોએ) ઘણી બધી યોજનાઓ, કાર્યક્રમો, કાયદાઓ, કાયદાકીય જોગવાઈઓ, સ્ત્રી અનામત વગેરે અમલમાં તો મૂક્યા પણ એના અસરકારક અમલીકરણમાં ક્યાંક ને ક્યાંક ઉદાસીનતા હજુ પણ જોવા મળે છે. સરપંચ બનેલી સ્ત્રીનો પતિ ઈચ્છતો હોય છે કે ગામનો વહીવટ પોતે જ કરે! આ વૃત્તિ જ્યાં સુધી ન બદલાય ત્યાં સુધી આ અનામત કારગર સાબિત થઈ શકતી નથી.

વાસ્તવમાં સ્ત્રીઓને સશક્ત કરનારા આપણે (એટલે કે પુરુષો) કોણ! ભગવાનને પણ એ ખબર છે કે પુરુષપ્રધાન દુનિયામાં સ્ત્રીઓએ એકલા હાથે અને પોતાના બાવડાના બળે એકસાથે ઘણા મોરચે એકલપંડે લડવાનું છે એટલે ભગવાને એમને સશક્ત બનાવીને જ મોકલી છે પણ તક નહિ આપીને કે એમની શક્તિમાં વિશ્વાસ નહિ મૂકીને આપણે જ સ્ત્રી-શક્તિને કુંઠિત કરી છે. જે સ્ત્રીના દૂધમાં એટલી તાકાત છે જે નરબંકાઓ અને શૂરવીરોને પેદા કરી શકતી હોય એ સ્ત્રીને નિર્બળ કે અબળા ગણવાની ભૂલ કદાપિ ના કરવી જોઈએ.

આ સ્થિતિ બદલવા આપણે હવે એક નવા દૃષ્ટિકોણથી વિચારવું જ રહ્યું. એ માટે સ્ત્રીઓને ન્યાયિક અને સમાન ધોરણે સહિયારી તકો આપી સ્ત્રી-શક્તિમાં વિશ્વાસ મૂકી પુરુષોએ સ્ત્રીઓ પ્રત્યેની એમની રૂઢિચુસ્ત દૃષ્ટિને હવે થોડી ઉદાર બનાવવાનો સમય આવી ગયો છે. સ્ત્રીઓમાં એટલી શક્તિ છે કે કોઈપણ પ્રકારની સહાય કે યોજનાઓ ન હોય એ સ્થિતિમાં પણ જો સમાન ધોરણે તક આપવામાં આવે તો કોઈપણ ક્ષેત્રમાં કાઠું કાઢી શકે એમ છે. સ્ત્રીઓ માટે માત્ર બેઠકો અનામત કરીને, યોજનાઓ બનાવીને કે કાયદાકીય જોગવાઈઓ કરીને એમનું સશક્તિકરણ ક્યારે ય નહિ કરી શકાય, જ્યાં સુધી એ માટેનું વાતાવરણ આપણે તૈયાર કરવામાં આપણે સક્રિય નહિ થઈએ. માત્ર તકો જ નહિ એ માટે ઉદાર દૃષ્ટિકોણની સાથે સાથે એવા પ્રેરક વાતાવરણનું પણ નિર્માણ કરવું પડશે.

સરગાસણ, ગાંધીનગર
ઇમેલ: h79.hitesh@gmail.com

Loading

જ્યાં ગૃહમંત્રી જ ગુલામ હોય ત્યાં પોલીસ પાસે શું અપેક્ષા  રાખવી?

રમેશ સવાણી|Opinion - Opinion|7 March 2025

સુરતમાં વડાપ્રધાન 7 માર્ચ 2025ના રોજ આવતા હોઈ, આગલા દિવસે પોલીસ બંદોબસ્ત નિમિત્તે રીહર્સલ હતું. તે દરમિયાન એક 15 વર્ષનો નેપાળી છોકરો સાયકલ લઈને નીકળ્યો. પોલીસ સબ ઈન્સ્પેકટર ગઢવીએ તેના વાળ પકડીને માર્યો, અપમાનિત કર્યો. આ છોકરો વડા પ્રધાનનો બંદોબસ્ત એટલે શું એની સમજ ધરાવતો ન હોય તે સ્વાભાવિક છે. 

પોલીસ પણ ટેન્શનમાં હોય. રીહર્સલ લાંબા સમય સુધી ચાલે. ગુજરાત આખામાંથી પોલીસને સુરત ખડકી હોય. પોલીસ પણ કંટાળી ગઈ હોય. એટલે ઝપટે ચડ્યો તેના પર ગુસ્સો ઊતારે. આ છોકરાની જગ્યાએ કોઈ વૃદ્ધ હોત તો પણ પોલીસ આવું જ ગેરવર્તન કરત. 

સવાલ એ છે કે પોલીસ આવું ગેરવર્તન કેમ કરે છે? આ એ પોલીસ છે જેની પાસે કાયદા મુજબ કામ લેવાતું નથી. પોલીસે કાયદાનું શાસન જોયું નથી. પોલીસે તો રાજસત્તા / આર્થિક સત્તા / ધર્મસભાનું રાજ જોયું છે અને તેમની ઈચ્છા મુજબ કાયદાઓને ઝૂકતા જોયા છે. એટલે પોલીસનો ગુસ્સો નબળા / લાચાર લોકો પર ઊતરે છે. સક્ષમ પર નહીં. 

સવાલ એ પણ છે કે આપણે પોલીસમાં માણસાઈ રહેવા દીધી છે? શું પોલીસનો ઉપયોગ પપેટની જેમ થતો નથી? શું પોલીસનો ઉપયોગ રાજકીય ચાપલૂસી માટે થતો નથી? સુપરવાઈઝરી પોલીસ અધિકારીઓએ ક્યારે ય તાબાના પોલીસ કર્મચારીઓ માટે વિચાર કર્યો છે? સીનિયર પોલીસ અધિકારીઓએ ક્યારે કાયદાના શાસનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે? તાબાના પોલીસ કર્મચારીઓ જાણે વેઠિયા મજૂર હોય તે રીતે કામ લેવાતું નથી? શા માટે તેમને ફિક્સ પગાર અપાય છે? શા માટે તેમના કલ્યાણની ચિંતા કરવામાં આવતી નથી? શું રાજ્યના પોલીસ વડાએ ક્યારે ય આ બાબતે ધ્યાન આપ્યું છે? પોલીસ રોજેરોજ જોઈ રહી છે કે સીનિયર પોલીસ અધિકારીઓ કેવી રાજકીય ભક્તિ કરે છે? કેટલું ખોટું કરે / કરાવે છે? આ સ્થિતિમાં તાબાના પોલીસ કર્મચારીઓ નાગરિકો સાથે સારું વર્તન કરે ખરાં?

યૂટ્યૂબર જ્યોત્સના આહિરે ગુસ્સો વ્યક્ત કર્યો છે કે “નબળો ધણી બૈરી પર શૂરો ! ત્રેવડ હોય તો જાવ જેના લીધે હેરાન થાવ છો, એની સામે પડો તો ખરા બહાદુર કહેવાવ ! પણ ત્યાં તો અવાજ નીકળશે નહીં ગુલામ પ્રજાતિનો !”

પત્રકાર પ્રશાંત દયાળે કહ્યું કે “છોકરાને મારે છે તે વીડિયો એક વખત વડા પ્રધાનને જોઈ લેવો જોઈએ, આ પોલીસને માનસિક સારવારની જરૂર છે !”

પણ આ એ વડા પ્રધાન છે જે પોતાને પ્રધાનસેવક કહીને ગર્વ કરે છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમણે ગુજરાત પોલીસને જ નહીં, ખુદ ગૃહ મંત્રીને ગુલામ બનાવી દીધા હતાં ! ગુલામ બનાવી દીધી હતી ! એટલે વડા પ્રધાન આ વીડિયો શા માટે જૂએ? એમણે જ તો પોલીસની આ સ્થિતિ કરી મૂકી છે ! PSI ગઢવી મોરબીથી સુરત બંદોબસ્તમાં આવ્યા હતા. આખા રાજ્યમાંથી પોલીસને બોલાવવી પડે તે સ્થિતિ કરનાર તો મોદીજી છે ! પોલીસ બોલી શકે તેવી સ્થિતિ રહેવા દીધી છે? જ્યાં મોટા મોટા પોલીસ અધિકારીઓ જ બોલી શકતા ન હોય ત્યાં નાના પોલીસ કર્મચારીઓ કઈ રીતે મોં ખોલે? 

ગુજરાતમાં ગૃહ મંત્રી હરેન પંડ્યા હતા ત્યારે મેં અનુભવ્યું હતું કે પોલીસ સ્વતંત્ર રીતે કામ કરી શકતી હતી. પરંતુ મોદીજી મુખ્ય મંત્રી થતાં ગોરધન ઝડફિયા અને અમિત શાહ ગૃહ મંત્રી બન્યા. આ બન્નેની સ્થિતિ જ ગુલામ જેવી હતી. એમાં ય અમિત શાહે તો પોલીસતંત્રને બિલકુલ સ્વામાનહીન બનાવી દીધું હતું. હાલ કેન્દ્રીય ગૃહ મંત્રી તરીકે અમિત શાહ ખુદ તથા ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ખુદ બિલકુલ ગુલામની જેમ કામ કરી રહ્યા છે, ત્યારે પોલીસ માનવીય ચહેરાવાળી બને તેવી અપેક્ષા કઈ રીતે રાખી શકાય?

જ્યાં સુધી પોલીસતંત્રમાંથી સામંતશાહી માનસિકતા દૂર નહીં થાય; જ્યાં સુધી પોલીસ સત્તાપક્ષની ગુલામ રહેશે ત્યાં સુધી બાળકોના / મહિલાઓના / વૃદ્ધોના વાળ ખેંચાતા રહેશે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...359360361362...370380390...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved