
ગાંધીજી અને નારાયણ દેસાઈ
એક માનવી તરીકે ગાંધીજીને હું જોઉં છું ત્યારે તેમનું સતત વિકાસ પામતું વ્યક્તિત્વ મને સૌથી વધુ અસર કરે છે. સત્યના આ પ્રયોગી વીર હંમેશાં એક સત્યથી બીજા સુધી સમૃદ્ધ થતા રહ્યા છે અને તે વાત જાહેર કરવામાં ક્યારે ય જડ રહ્યા નથી. જ્યારે જ્યારે તેમને સમજાયું છે કે એમનાં બે નિવેદનો એકબીજાથી વિરુદ્ધ થયાં છે, ત્યારે ત્યારે એમણે લોકોને એમના છેલ્લા નિવેદનને જ સ્વીકારવા કહ્યું હોવાનું નોંધાયું છે. જેમ કે :
‘મારાં લખાણોના ખંતીલા વાચકને અને બીજાઓ, જેમને એમાં રસ છે, તેમને હું કહેવા માંગું છું કે સત્યની મારી ખોજમાં જડભરત દેખાવા હું જરા પણ વ્યાકુળ નથી. મેં ઘણા વિચારો ફગાવ્યા છે અને ઘણી નવી વાતો શીખી છે. ભલે વયમાં હું વધતો હોઉં પણ મારો આંતરિક વિકાસ રુંધાયો છે યા તો મારી સ્થૂળ હયાતી સાથે મારો વિકાસ પણ અટકી જશે, એમ હું માનતો નથી. મારી ચિંતાનો વિષય મારા ઇશ્વર એવા સત્યના સાદને સમયે સમયે સાંભળી શકવાની મારી તૈયારી અંગેનો છે. અને એટલે જ કોઈને મારાં બે લખાણોમાં વિસંગતતા જણાય અને જો એને મારી વિવેકબુદ્ધિમાં થોડી પણ શ્રદ્ધા હોય તો બહેતર છે કે તેણે એક જ વિષય પરનાં મારાં બે લખાણોમાંથી છેલ્લાને પસંદ કરવું.’ (‘હરિજન’, તા. ૨૯-૪-૩૩, પૃ.૨)
એકથી વધારે વિષયોમાં તેમના સતત સમૃદ્ધ થતાં દૃષ્ટિકોણનો હું સાક્ષી છું. ક્યારેક એમણે તાડનાં વૃક્ષોને કાપી નાંખવાના કાર્યક્રમોને ટેકો આપેલો કેમ કે એમાંથી નીકળતા રસમાં આથો લાવી નશીલું પીણું (તાડી) તૈયાર કરાતું. પણ જ્યારે તેમણે જાણ્યું કે એ જ તાજા રસમાંથી સારી જાતનો ગોળ (તાડગોળ) તૈયાર કરી શકાય છે ત્યારે તેમણે ગોળ બનાવવાના ગ્રામોદ્યોગને પોત પૂરો ટેકો જાહેર કર્યો. હું નાનો હતો ત્યારે ગાંધી એક જ જ્ઞાતિમાં પરણતા યુગલને આશીર્વાદ આપતા. પણ જ્યારે મારા લગ્નનો પ્રસંગ આવ્યો, ત્યારે એમના વિચારો ધરમૂળથી બદલાયા હતા.
અસ્પૃશ્યતા અને વર્ણાશ્રમમાંના અનિષ્ટને ઓળખી તેમણે એવાં યુગલોને આશીર્વાદ નહીં આપવાનું નક્કી કર્યું, જેમાં એક સવર્ણ હોય અને બીજું ‘હરિજન’ ન હોય. મારા કિસ્સામાં તેઓ લગ્નને ‘બીજી કક્ષા’નું જ ગણવા રાજી થયા કેમ કે મેં જુદી જ્ઞાતિ અને ભાષાની કન્યા પસંદ કરી હતી. છતાં હું અને મારી પત્ની – અમે બન્ને ‘સવર્ણ હિંદુ’ હતાં. એટલે અમારાં લગ્નમાં સામેલ થવા તેમણે ઈન્કાર કર્યો હતો, જો કે મારાં એ ‘દ્વિતીય કક્ષા’નાં લગ્ન હોવાને કારણે મને એમના પત્રરૂપી આશીર્વાદ મેળવવાનો હક મળ્યો અને મારે મારાં લગ્નમાં એમની હાજરીની અપેક્ષાએ એટલાથી જ સંતોષ માનવો પડ્યો.
સત્ય અને અહિંસા પરત્વે જ ગાંધીની એકવાક્યતા રહી, પણ આ સિદ્ધાંતોનાં પાલન સુધ્ધાંમાં તેઓ દરેક સત્યના સ્તરે સ્તરે વિકસતા રહ્યા. પૂણે નજીકના આગાખાન પેલેસની એમની છેલ્લી જેલયાત્રા દરમિયાન તેઓ ‘અનશન’ પર હતા ત્યારે એમના ભક્ત એવા બીજા મંત્રી પ્યારેલાલે ‘ભારત છોડો’ આંદોલનમાં અહિંસા બાબતે એમની સાથે ચાલતા મારા સતત સંવાદ વિશે ગાંધીને જાણ કરી. ઉપવાસના સાતમા કે આઠમા દિવસે શય્યા પર સૂતેલા ગાંધીજીએ મને નજીક બોલાવ્યો અને છેક નિર્બળ સ્વરે વાત શરૂ કરી, “પ્યારેલાલ પાસેથી જાણતાં મને આનંદ થયો કે તું અહિંસાના પ્રશ્ન પર ગંભીર વિચાર કરી રહ્યો છે.” આરોગ્યની એવી નબળી હાલતમાં પણ અઢાર વર્ષના એક યુવાનને વધાવવાની તક ગાંધી ખોવા માગતા નહોતા.
“જ્યારે અહિંસા વિશે તું વિચારે છે,” તેમણે કહ્યું, “ત્યારે હંમેશ ધ્યાનમાં રાખજે કે અહિંસા વિશેની મારી સમજ સમયની સાથે સાથે વધતી જ રહે છે. ૧૯૨૨માં ચૌરીચૌરામાં હિંસા થઈ ત્યારે મેં બારડોલીમાં કરવા ધારેલી સવિનય કાનૂનભંગની ચળવળ મોકૂફ રાખી હતી. કેમ કે મને લાગ્યું હતું કે દેશ હજી અહિંસક સવિનય કાનૂનભંગ આંદોલન માટે તૈયાર નહોતો. પણ હવે મને લાગે છે કે આપણી આજુબાજુના હિંસાના વંટોળ વચ્ચે પણ અહિંસાની મશાલ સળગતી રહેશે.”
જિંદગીના દરેક ક્ષેત્રમાં ગાંધીવિચાર સતત ખીલતો જ રહ્યો છે. હકીકતમાં, ભૂલો કરતા એક સામાન્ય ‘મોહન’માંથી મહાત્માપદ સુધીના એ ઉદય પાછળ એ જ એક રહસ્ય હતું.
08 માર્ચ 2025
‘મારા ગાંધી’
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 248