મારી પૌત્રી અનુષ્કાની ‘ઇફ ટાઇમ થિંક્સ’ નામની કવિતાની ચોપડી એપ્રિલ, ૨૦૧૫માં પ્રકાશિત થઈ. તેમાં ‘બ્રુન્ડીબાર’ નામની એક કવિતા છે. હોલોકાસ્ટ દરમિયાન પરીકથા પર આધારિત એક ઓપેરા નાઝી પ્રોપેગેન્ડા ફિલ્મ તરીકે થેરેકીયન્સ્ટડટ કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં બતાવવામાં આવ્યો હતો. બીજા કોન્સનટ્રેશન કેમ્પની સરખામણીમાં આ કેમ્પમાં થોડુંક સારું હતું. આ ચિત્રીકરણ થયા પછી સંગીતકારો અને બાળકોને સોશ્યવિટ્ઝ લઈ જવાયાં હતાં અને પછી ગૅસચૅમ્બરમાં! અલબત્ત, આ સહુ યહૂદી સંગીતકાર અને બાળકો હતાં.
આ કવિતા વાંચ્યા પછી અભિજાતના, મારા પુત્રના કેટલાક સાથી પ્રોફેસરોએ ઓટરબિન કૉલેજમાં તેને જણાવ્યું કે આ ઓપેરામાં જેણે કૅટનું પાત્ર ભજવ્યું હતું, તે સેલા હજુ હયાત છે અને ન્યુયોર્ક પાસેના એક ગામમાં રહે છે! અભિજાત અનુષ્કાને લઈને સેલાને મળ્યો. અત્યારે તે ૮૬ વર્ષનાં છે. તેમણે કહ્યું કે મારી સાથે હેલ્ગા હતી તે પણ અત્યારે પ્રાગમાં છે. અભિયાન અનુષ્કાને લઈને પ્રાગ ગયો. ત્યાં હેલ્ગાને તેઓ મળ્યાં. તે પણ આ જ ઉંમરનાં. બાળકો તરીકે પંદર હજારમાંથી જે ૧૦૦ બાળકો બચી ગયાં તેમાંનાં બે! હેલ્ગાની ડાયરી, ઍન ફ્રૅન્કની વિશ્વવિખ્યાત ડાયરીથી સહેજ જુદી એ રીતે પડે છે કે ઍન ફ્રૅન્કનું મૃત્યુ પહેલાંનું અસહ્ય જીવન અથવા જીવતાં મરણ વર્ણવાર્યું છે, જ્યારે હેલ્ગાનું કૉન્સન્ટ્રેશન કૅમ્પનું અને તે પહેલાંનું પણ જીવન ડાયરીમાં વર્ણવાયું છે.
નીલ બર્મેલે હેલ્ગાનો ઇન્ટરવ્યૂ ૨૦૧૧માં પહેલી ડિસેમ્બરે તેના પ્રાણના ઘરમાં જ લીધો છે. તે વાર્તાલાપને ડાયરીના અંતભાગમાં આવરી લેવામાં આવ્યો છે. તેનો થોડાં તારણો –
હેલ્ગાના પિતા ઑટોવિઝ સંગીતના અભ્યાસુ, ચાહક અને માણનારા હતા. તેઓ કવિતા પણ લખતા. બૅંકમાં ક્લાર્ક હતા. પહેલા વિશ્વયુદ્ધ વખતે ૧૮ વર્ષના હતા, ત્યારે તેમના જમણા હાથને ઈજા થઈ હતી. માતા ડ્રેસ બનાવતાં હતાં. ઘરે રહીને જ કામ કરતાં હતાં.
હેલ્ગાના ફ્રૅન્ડ્ઝ રિલેટિવ્ઝ વગેરેનો કરુણ અંત આવ્યો. પિતા ગૅસચૅમ્બરમાં માર્યા ગયા હોવા જોઈએ, એમ હેલ્ગા માને છે. હેલ્ગાના કૉન્સનટ્રેશન કૅમ્પમાં એક ઑટો નામનો મિત્ર હતો. ૨૫ વર્ષનો હતો. તેની ભાળ કાઢવાનો તેણે પ્રયત્ન કર્યો. અંતે ટેરેઝીનમાં માર્યા ગયેલા ૮૦,૦૦૦ લોકોની નોંધ પ્રાગમાં હતી, તેમાં તેનું નામ જોયું. હેલ્ગાની મિત્ર ફ્રૅન્કાની ભાળ પણ ના મળી. ટેરેઝાન કૅમ્પમાં લશ્કરના જવાનોને રહેવા માટેની જગ્યામાં આ લોકોને રાખવામાં આવેલા. ૭૦૦૦ માણસો રહી શકે તેટલી જગ્યામાં ૬૦,૦૦૦ માણસો રહેતા હતા. શરૂઆતમાં હેલ્ગા તેની માની સાથે હતી. પછી દસથી સત્તર વર્ષની છોકરીઓને જુદે સ્થળે રાખવામાં આવી, જ્યાં તેની મૈત્રી ફ્રૅન્કા સાથે થઈ.
હેલ્ગા કહે છે કે કૉન્સન્ટ્રેશન કૅમ્પ પર કેટલીક ફિલ્મો બની છે, પણ તેમાં કાલ્પનિક બાબતો ઉમેરવામાં આવી છે, જ્યારે મારી ડાયરીમાં અનુભવાયેલ હકીકતોનું બયાન છે. હેલ્ગા માને છે કે કોન્સન્ટ્રેશન કેમ્પમાં રહેલા એક-એક માણસની એક-એક કથની છે, હેલ્ગા કહે છે, મારી ડાયરીમાં બાળબુદ્ધિ હશે પણ ક્યાં ય કલ્પના નથી. છૂટ્યા પછી હેલ્ગા પ્રાગના ઘરમાં રહે છે. તેણે લગ્ન કર્યા પણ તેનો પતિ કૅથલિક કુટુંબમાંથી આવતો હતો. સામ્યવાદના નેજા હેઠળ દિયર તેર વર્ષ, નણંદ ૧૨ વર્ષ જેલમાં હતાં, એમ આ જિંદગીમાં જેલવાસે ભાગ ભજવ્યો.
અત્યારે હેલ્ગાનો દીકરો વિખ્યાત સંગીતકાર છે. પૌત્રી વાજિંત્ર વગાડે છે. જ્યુઇશ સંગીતના પ્રોગ્રામ્સ આપે છે. હેલ્ગા કૅમ્પમાં ચિત્રો દોરતી. તેણે જ્યારે ‘આઇસ મૅન’નું ચિત્ર દોર્યંુ – ક્યારેક કેદીઓને તેમની બારી પાસેથી લઈ જતા, ત્યારે તેની મા અને હેલ્ગા આતુરતાથી હેલ્ગાના પિતાને જોવા બારીમાં ઊભાં રહેતાં. આ ચિત્ર તેમને મોકલ્યું, તો તેમણે વળતા જવાબમાં એટલું જણાવ્યું, ‘તું જે જુએ છે તેનાં ચિત્રો દોર.’ (Draw what you see) આ આઇસમેન અને પછી પપ્પાની સલાહ મુજબ અનુભવાયેલ ભીષણે હકીકતોને બહાર લાવતાં ચિત્રો આ નાનકડી બાળકીએ દોર્યા જે આ ડાયરીમાં છે.
કેટલીક નક્કર હકીકતો :
શિક્ષિત લોકો મજૂરી ના કરી શકે, તેથી તેમને તરત જ મારી નાંખવામાં આવતા. તદ્દન નાનાં બાળકો અને વૃદ્ધાને તરત જ મારી નાંખવામાં આવતાં. એલાની મા બગીચાનું કામકાજ ખૂબ સુંદર જાણતાં હતાં તેથી તેઓને માર્યા નહીં. બંને સાથે રહેતાં ત્યારે મા-દીકરી છે, તે બતાવતા ન હતાં. એક રૂમમાં એટલા બધા લોકોને રાખવામાં આવતાં કે બધાં માંડ-માંડ ગોઠવાઈને સૂતાં તે જ્યારે છોકરીઓના જૂથમાં ગઈ, ત્યારે સૂવા માટે બંક મળ્યો, જેમાં પગ ઉલાળીને બે સખીઓ હેલ્ગા અને ફૅન્કા વાતો કરતાં. આ વાત એલાના ઇન્ટરવ્યૂમાં એલાએ કરી છે કે હેલ્ગા ચિત્રો દોરતી, ડાયરી લખતી વગેરે. હેલ્ગાના કાકાએ મકાન ચણવાની મજૂરીનું કામ કરતી વખતે હેલ્ગાની ડાયરી બિલ્ડિંગમાં ચણી લીધી, જેથી આ દસ વર્ષની છોકરીની વ્યથાનાં વીતક છતાં થયાં.
ક્યારેક તેમને એક કૅમ્પમાંથી બીજા કૅમ્પમાં ખસેડવામાં આવતાં. મોથોસેન નામના કૅમ્પમાં હેલ્ગાને લઈ જતા હતા. સોળ દિવસે ત્યાં પહોંચ્યાં. બસમાં ઓછો ખોરાક, ગળામાં શોષ, જીભ સૂકી, નાહવાધોવાનું નામ નહીં. પણ મોથોસેન પહોંચ્યાં ત્યારે મોટા મગમાં કૉફી, ૩૦૦ ગ્રામ જેટલી બ્રેડ, આરાનો બરાડવાનો અવાજ નહીં. બસમાંથી ઊતરતી વખતે જ વાતાવરણ બદલાયેલું લાગ્યું. આ બસમાંથી ઊતરીને જતાં લોકોને રહેવાસીઓ બારીઓમાંથી જોતા હતા. આ લોકોને પણ તેમને જોવાથી સારું લાગ્યું. ખુલ્લું આકાશ જોયું. વૃક્ષ ને હરિયાળી જોઈ. બાકી તેમની રૂમ કે બસમાંથી કુદરત જોવી પણ મુશ્કેલ હતી. હેલ્ગા મનોમન બોલી, ‘કુદરત કેટલી સુંદર છે, ઈશ્વર ! તું અમારી સાથે રહેજે.’ પણ થોડી જ વારમાં તેને ખબર પડી ગઈ કે મોથોસેનના ઑફિસરો સારાથી જુદા ન હતા. ભલા તો બિલકુલ નહોતા – બધાંને ફટકારતાં – ફટકારતાં લાઇનમાં ઊભા રાખ્યાં. હેલ્ગાને પકડીને હવામાં ફંગોળી ત્યારે તેને થયું કે હવે બચવાનો ચારો નથી. પછી લખે છે, ‘અમે માણસો નહોતા! વસ્તુઓ હતા! બ્રેડ ખેંચાઈ ગઈ, કૉફીના મગ ખેંચાઈ ગયા! ગંદા બ્લૅંકેટ્સ અપાયા. તેની પર જીવાત હતી. ડાયેરિયાની ને વૉમિટની દુર્ગંધ હતી. કેટલાક જણાએ ઓઢ્યા હતા એને હવે આ લોકોએ ઓઢવાના હતા! આ લોકો પણ એક વખત મજબૂત હતા. તંદુરસ્ત હતા. તેમની ઇચ્છાઓ હતી. તેમના વિચારો હતા. લાગણીઓ હતી. જીવનને ચાહતા હતા. હવે આંખો નિસ્તેજ! ઝળહળિયાંથી ભરી-ભરી! અત્યારે છે આત્મા વિનાનું હાડપિંજર!’
૧૯૪૫માં સ્વાતંત્ર્ય મળ્યું તે પહેલાંના ચાર દિવસ પહેલાં ૧૦૦૦ લોકોને ગૅસચૅમ્બરમાં ધકેલાયા હતા. હેલ્ગાને પોતાના ભાવિની ખબર નહોતી. ગૅસચૅમ્બર કે જીવન? “May be” શબ્દ ડાયરીમાં વારંવાર ડોકાય છે. બહાર આવ્યા પછી તે એક કૅથલિક સંગીતકારને પરણી. અત્યારે તેના પૌત્રને નવો દાંત ફૂટ્યાનો ફોન આવ્યો, ત્યારે તેમાં તેણે હિટલરની હાર અનુભવી.
કેન્ટનાં ત્રણ સૂત્રો અત્રે સ્મરીએ :
તમે એવું વર્તન કરો કે બધાં તેવું વર્તન કરે એવું તમે પોતે જ ઇચ્છો. તમને કે અન્યને હંમેશાં સાધ્ય તરીકે જુઓ, સાધન તરીકે ક્યારે ય નહીં. હંમેશાં કલ્યાણરાજ્યના સભ્ય તરીકે વર્તો.
અંતે જ્ઞાનદેવની ઓવીની આ એક પંક્તિ –
આણિ જગાચિયા સુખોદ્ેશે, શરીરવાચામાનસે
રહાટણે તે અહિંસે રૂપ જાણ ।।
જગતના સુખોદેશને ધ્યાનમાં રાખીને મનવચનશરીરથી રહીએ તે જ અહિંસાનું સાચું રૂપ.
૨-એ, પુષ્પદંત ઍપાર્ટમેન્ટ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2016; પૃ. 07-08
![]()


વહીવટની વાતો : કુલીનચંદ્ર યાજ્ઞિક : વિતરક – ‘રંગદ્વાર’, G-15, University Plaza, Navrangpura, Ahmedabad – 380 009 : પ્રથમ આવૃત્તિ 2015 : પાનાં 410 : કિંમત રૂ. 400
ભારતના કેટલાક બૌદ્ધિકો પણ ઘાતક રાષ્ટ્રવાદની પકડમાં આવી ગયા હોવાનો વધુ એક દાખલો એક પ્રકાશનશ્રેણીને લગતા અત્યારના વિવાદ વિશે વાંચતાં મળે છે. આપણા પ્રાચીન સાહિત્યના અંગ્રેજી અનુવાદની એક ગ્રંથમાળા ‘મૂર્તિ ક્લાસિકલ લાઇબ્રેરી ઑફ ઇન્ડિયા’ નામે બહાર પડી રહી છે. જાણીતા સખાવતી ઉદ્યોગપતિ એન.આર. નારાયણમૂર્તિના હાર્વર્ડમાં અભ્યાસ કરી રહેલા પુત્ર રોહને આ ગ્રંથશ્રેણી માટે હાર્વર્ડ યુનિવર્સિટીને 5.2 મિલિયન ડૉલરનું દાન આપ્યું છે. તેના ઉપક્રમે સંસ્કૃત સહિત દસ ભારતીય ભાષાઓનાં પ્રાચીન સાહિત્યના મૂળ પાઠ અને અંગ્રેજી અનુવાદની પાંચસો ખંડની ગ્રંથમાળાનું આયોજન છે. તેમાંથી કુલ પાંચેક હજાર પાનાનાં દસ પુસ્તકો ગયાં બે વર્ષ દરમિયાન બહાર પડી ચૂક્યાં છે. તેમાં તુલસી રામાયણ, બુલ્લે શાહની રચનાઓ, અબુલ ફઝલના અકબરનામા, બૌદ્ધ કવયિત્રીઓનાં પદ્ય ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ દુષ્કર કાર્યના મુખ્ય સંપાદક તરીકે અમેરિકન વિદ્વાન શેલ્ડન પોલૉકની વરણી અંગે વિવાદ ચાલ્યો છે. કોલંબિયા યુનિવર્સિટીના સંસ્કૃત અને ફિલોલૉજીના અધ્યાપક પોલૉકને ૨૦૧૦માં પદ્મપુરસ્કાર મળેલો છે.
જી.એ. તરીકે ઓળખાતા મરાઠી સાહિત્યના જાણીતા વાર્તાકાર ગુરુનાથ આબાજી કુલકર્ણી (૧૯૨૩-૮૭) તેમના ચાહકો-અભ્યાસીઓ માટે એક કોયડો રહ્યા છે. તેમના નવ સંગ્રહોની વાર્તાઓમાં ક્રૂરતા અને શોક, દૈવ અને દંતકથા, અપાર્થિવ અને અગોચર, ગૂઢ અને રમ્ય જેવાં તત્ત્વો વાચક પર છવાઈ જાય છે. વિવેચકોએ જી.એ. અને કાફકા તેમ જ બોર્જેસ વચ્ચે સામ્ય જોયાં છે. ધારવાડની કૉલેજના અંગ્રેજી સાહિત્યના આ અધ્યાપકે વિલિયમ ગોલ્ડિંગની ‘લૉર્ડ ઑફ ધ ફ્લાઇઝ’ ઉપરાંત અમેરિકન લેખક કૉનરૅડ રિચ્ટરની પાંચ નવલકથાઓનો અનુવાદ કર્યો છે. ‘કાજળમાયા’ વાર્તાસંચય માટે ૧૯૭૩માં મળેલા કેન્દ્રિય સાહિત્ય અકાદમીના પુરસ્કાર અંગે વિવાદ થતાં તેમણે ઇનામી રકમ અને પ્રવાસખર્ચ સહિત પુરસ્કાર પાછો આપ્યો હતો. પોતાનો ઠીક મોટો વાચકવર્ગ ઊભો થયો હોવા છતાં જી.એ. હંમેશાં લોકોથી સાવ અળગા રહેવાનું પસંદ કરતા. અપરિણીત અંગત જીવન વિશે કોઈને માહિતી ન મળે તેની પૂરી તકેદારી રાખતા. એટલે તેમના જીવનનાં રહસ્યો ઉકેલવામાં ચાહકો-અભ્યાસીઓ સતત મથતા રહ્યા છે. એકંદરે બિનઅંગત એવાં સાહિત્યિક-વૈચારિક પત્રોનાં ચાર સંચયો અને સંપર્કમાં આવેલા માણસોનાં સંભારણાં થકી તેમના વ્યક્તિગત જીવન પર પ્રકાશ પાડવાની કોશિશો ચાલતી રહી છે. આવી જ એક જંગમ કોશિશ વિ.ગો.વડેર નામના અભ્યાસીના ‘અર્પણપત્રિકાંતૂન જી.એ. દર્શન’ (રાજહંસ પ્રકાશન, પુણે, રૂ.૪૦૦) નામના પુસ્તકમાં મળે છે. જી.એ.એ નવ કથાસંગ્રહો માતા, પિતા, ત્રણ મામા, ત્રણ બહેનો, એક માશી એમ તેમના પરિવારની વિવિધ વ્યક્તિઓને અર્પણ કર્યા છે. તેમાંથી દરેક પર વડેરે એક-એક પ્રકરણ લખ્યું છે. સહુથી લાંબું પ્રકરણ ‘રમલખુણા’ નામનો વાર્તાસંગ્રહ, જે વતન બેળગાવ અને તેમાં વસતા જી.એ. પરનો છે. કુલ ત્રણસો નેવું પાનાંમાં જી.એ.ના ભેદી જીવનનો ચિતાર આલેખાયો છે. તેના માટે લેખકે ૨૦૦૬થી આઠેક વર્ષ છ-સાત હજાર કિલોમીટરનો પ્રવાસ કરી પચીસેક ગામોની સો વ્યક્તિઓની મુલાકાત લીધી છે. સંશોધકે પોતાના પ્રિય લેખકના માનવસંબંધોની કરેલી શોધયાત્રાની બહુ રસપ્રદ વિગતો પ્રસ્તાવના અને પરિશિષ્ટોનાં પાંત્રીસ પાનાંમાં છે. આ પૂર્વે અરધા તપની આવી જ મહેનતથી વડેરે ‘જી.એં.ચી કથા પરિસરયાત્રા’ નામના ગ્રંથનું સહલેખન પણ કર્યું છે.