Opinion Magazine
Number of visits: 9689320
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડૉ. દક્ષા પટેલઃ સમન્વયી ભાવબુદ્ધિની સેવા યાત્રા

સુદર્શન આયંગાર|Profile|15 December 2016

જીવનના સંધ્યાકાળે પણ ખૂબ જીવંત રીતે જીવતી વ્યક્તિઓ અચાનક અલવિદા કહી દે તો તેમની આસપાસ જીવતા લોકોને અતિ વસમું થઈ પડે છે. વિશેષ કરીને એવી વ્યક્તિ જે જાહેરજીવનમાં હોય.

ડૉ. દક્ષા પટેલ એવાં જ એક વિલક્ષણ વિભૂતિ હતાં. દર વર્ષની જેમ ‘આર્ચ’ સંસ્થાની પ્રવૃત્તિઓનો અહેવાલ આપવા અને તેના માટે સહાય મેળવવા ‘ફ્રૅન્ડસ ઑફ આર્ચ’ની સભા માટે અમેરિકા જવા રવાના થયા હતાં. ઑગસ્ટ મહિનાના આરંભે નીકળેલાં; બધું જ સહજ, હંમેશની જેમ. જતાં પૂર્વે કાર્યકરો સાથે બેઠકો કરી આવનાર વર્ષમાં શું નવું કરીશું અને કયા કાર્યક્રમો નિયમિત ચલાવીશું એ તમામ બાબતોની વિગતે ચર્ચા કરીને ગયાં હતાં. તેઓ પહોંચે અને ત્યાર બાદ સપ્ટેમ્બર મહિનાની પચીસમીએ વાર્ષિક બેઠક માટે અહીંથી ખૂટતી માહિતી, દૃશ્ય-શ્રાવ્ય માધ્યમની વિગતો વગેરે પહોંચાડવા માટેનાં સૂચનો આપીને ગયાં. બધું સહજ અને સામાન્ય અને દક્ષાબહેનના ગુણભાવ મુજબ જ હતું. પણ વિધિને કઈં બીજું જ મંજૂર હતું! પચીસ સપ્ટેમ્બરની બેઠકની પહેલા અસામાન્ય થાકનો અનુભવ કર્યો હતો, પણ તે તો સતત કામ અને અમેરિકાની અને ત્યાંના વિવિધ સ્થળોની મુસાફરીનો થાક હશે એવું માનેલું. પણ પચીસમીની બેઠક માંડ પૂરી કરી શક્યા અને ખૂબ થાકી ગયા. એમનાં તબીબ બહેન જ્યોતિબહેને તબીબી નજરે તપાસતાં કમળો જણાયો. પછી શરૂ થયો તબીબી તપાસનો ઊંડો અને લાંબો દોર. દક્ષાબહેન વિવિધ આહારનાં શોખીન, બહારનું પણ આરોગે. એમને થયું કે દેશમાં દૂષિત ખોરાક-પાણી કારણભૂત હશે. પણ તબીબી તપાસે ચોંકાવનારું નિદાન કર્યું. યકૃતના કેટલાક ભાગોમાં અને તેમાં બનેલા પિત્તને ગૉલબ્લૅડરમાં લઈ જનાર નળીઓમાં કેન્સરના કોષો અતિ ઝડપથી વૄદ્ધિ પામી રહ્યા હતા. આ વ્યાધિ જીવલેણ નીવડી અને નિદાનના બે મહિનાની અંદર જ ૩૦ નવેમ્બર ૨૦૧૬ના રોજ દક્ષાબહેનની જીવનલીલા સંકેલાઈ ગઈ. દુનિયાના શ્રેષ્ઠ તબીબો પણ ઉપાયવિહીન થઈ રહ્યા. આમ ‘આર્ચ’નાં સંસ્થાપક ટ્રસ્ટી અને ધરમપુર પરિસરનાં સ્થાપક ૬૬ વર્ષનું આયુષ્ય ભોગવીને વિદાય થયાં.

દક્ષાબહેન ૨૦ માર્ચ ૧૯૫૦ના રોજ મૂળ માંડવી-કચ્છના જૈન વણિકના એક મોટા કુટુંબમાં મુંબઈમાં જન્મ્યાં હતાં. પછી આ કુટુંબે વલસાડ વસવાટ કર્યો હતો. બાળપણ વલસાડમાં વીત્યું. તેઓ બહુ રમતિયાળ હતાં અને એમના જણાવ્યાં પ્રમાણે પોતાના ઉંમરની છોકરીઓ કરતાં સમવયસ્ક છોકરાઓ જોડે વધુ રમે. ભમરડા, લગ્ગી વગેરેમાં તો એક્કાં; છોકરાઓને હંફાવે. ઘરે ભાગ્યે જ હોય. નિશાળેથી આવી રમવા જતાં જ રહે. બુદ્ધિ તીવ્ર અને તે વખતે નિશાળોમાં શિક્ષકો સારું ભણાવતા પણ ખરા. એટલે ટ્યુશન વગેરેની જરૂરિયાત ન હતી. પરીક્ષામાં સારાં પરિણામ લાવતાં. મેટ્રિકની પરીક્ષા પાસ કરી, સાઈન્સમાં દાખલ થયાં અને પછી સુરત મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ. કરવા દાખલ થયાં. બધું સહજ થયું. બાળપણથી જ ધીર-ગંભીર રહી ડૉક્ટર થવાના કોડ સમ્મુખ રાખી, ‘નહીં માફ નીચું નિશાન’ એવા કોઈ પણ લક્ષ-આદર્શ રાખ્યા વિના, જિંદગી ભરપૂર જીવી લેવા વિધેયાત્મક વિચારોથી આગળ વધ્યાં હતાં.

એક વખત હળવી પળોમાં તેમણે જણાવ્યું હતું કે મેડિકલ કૉલેજના શરૂઆતના વર્ષોમાં એવું વિચારતા હતાં કે ભણીને કોઈ સમૃદ્ધ વ્યક્તિ સાથે પરણી આરામનું જીવન ગાળશું. પણ સુરત મેડિકલ કૉલેજનાં વર્ષોમાં સમાજનો પરિચય વધ્યો, ગરીબી અને બીમારીને નજીકથી જોઈ, સમસ્યાઓનો પરિચય થયો અને તેઓ પોતે પોતાની સંવેદનશીલતા અંગે સભાન થયાં. ડૉકટર બનીને સામાન્ય અને ગરીબ લોકોને મદદરૂપ થવું એવું મનોમન નક્કી કર્યું.   

એ જ અરસામાં તેઓ પ્રિવેન્ટિવ એન્ડ સોશ્યલ મેડિસિન વિભાગમાં રજિસ્ટ્રાર અને શિક્ષક તરીકે નવા જોડાયેલા ડૉ. અનિલ પટેલ જોડે પરિચયમાં આવ્યાં. અનિલભાઈ પુસ્તકોનો જીવ, નવા વિદ્યાર્થીઓ સાથે જુદા-જુદા વિષયો પર એકદમ લિપ્ત થઈ ઓજપૂર્ણ ચર્ચાઓ આદરે. તે વિભાગના વડા ડૉ. એન. આર. મહેતા વિષય નિષ્ણાત અને વિદ્યાર્થીઓને વિવિધ સમુદાયોમાં પ્રવર્તમાન આરોગ્યના પ્રશ્નો વિશે ક્ષેત્રકાર્ય કરાવીને ખ્યાલ આપે, તેની ઊંડાઈઓમાં લઈ જાય. દક્ષાબહેન આ નવા યુવા શિક્ષક તરફ આકર્ષાયાં અને સમય જતાં બેઉએ જીવનસાથી બનવાનો નિર્ધાર કર્યો. તબીબી વિષયોમાં પબ્લિક હેલ્થ (જાહેર આરોગ્ય) અને કમ્યુિનટી મેડિસિન (સમુદાય તબીબી) અગત્યના હોય છે, તેની સભાનતા સુપેરે થઈ. ૧૯૭૦ના દાયકામાં પ્રિવેન્ટિવ એન્ડ સોશ્યલ મેડિસિન વિષય પરત્વે આટલી સભાનતા તત્કાલીન વિદ્યાર્થીઓને ભાગ્યે જ થતી. ફરજિયાત ભણાવાતા આ વિષયના વર્ગોમાં વિદ્યાએર્થીઓ જવલ્લે જ હાજરી આપે. સહુ વિષયની પરીક્ષામાં યેનકેન પ્રકારેણ પાસ થઈ જવાની કાળજી રાખે. પણ દક્ષાબહેનને આ વિષય પરત્વે જુદો રસ જાગ્યો, અને તેમનાં ભાવિ જીવનસાથી તો આ જ વિષયમાં ઊંડા ખૂંપી, ગુજરાતના ગ્રામ વિસ્તારોમાં જાહેર આરોગ્યના કામ કરવાનો નિર્ધાર કરી રહ્યા હતા. ૧૯૭૨માં દક્ષાબહેનનું તબીબી ભણતર પૂરું થયું અને અનિલભાઈ સાથે લગ્ન કરવાનો નિર્ધાર કર્યો ત્યારે અનિલભાઈએ ફરી એક વાર દક્ષાબહેન જોડે પાકું કર્યું કે તેઓ તો ગામડામાં જઈને કામ કરવા ઇચ્છે છે અને જો દક્ષાબહેનનું મન મોળું પડતું હોય તો લગ્ન માંડી વાળવા સારા. પણ ત્યાં સુધી દક્ષાબહેન પણ મક્કમ થઈ ગયા હતાં.

દક્ષાબહેન અને અનિલભાઈના પરિવારો મધ્યમ વર્ગના ગણાય. સંતાનો માટે યુગપ્રચલિત મૂલ્યો પ્રમાણેની સામાન્ય અપેક્ષાઓ હતી જ. ડૉક્ટર થવું તે ગૌરવની વાત અને આર્થિક રીતે સુખી જીવન ગાળી સમૄદ્ધિ પામે તેવી અપેક્ષા દક્ષાબહેનનાં પરિવારનાં સભ્યોને તો હતી જ. તેમના પરિવારમાં બહેનોએ અમેરિકા તરફ પ્રયાણ શરૂ કરી દીધું હતું. નાનો ભાઈ પણ એ જ દિશામાં. બીજી તરફ અનિલભાઈના વડિલો તો મૂળે પૂર્વ આફ્રિકામાં વસેલા અને ત્યારબાદ વડોદરા આવ્યા હતા. બધા બ્રિટિશ નાગરિકો. ભાઈઓ બહેનો ઇંગ્લેંડ વસતા થયા હતા્ં. એવા પરિવારોની આ બે વ્યક્તિઓ ગુજરાતના ગામડામાં અને તેમાં પણ વધુ ગરીબ અને અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકોમાં જઈ કામ કરવાની ખેવના રાખી તેના પર અમલ કરવાનું કહે તો ધક્કો લાગે તે સ્વાભાવિક હતું. પણ બેઉની મક્કમતા જોઈ પરિવારના વડિલોએ હકીકતને ખેલદિલીથી સ્વીકારી. ત્યાર બાદ તો પરિવારના સભ્યોએ આર્થિક સહાય પણ કરી, એટલું જ નહીં, પણ સગાં અને ઓળખીતાઓનો એક સરસ મજાનો સમૂહ ‘ફ્રેન્ડ્સ ઑફ આર્ચ’ બનાવ્યો. વર્ષોથી આ સ્વજન-મિત્ર વર્તુળ ‘આર્ચ’ની નાણાકીય જરૂરિયાતો મહદ઼્ અંશે પૂરી પાડે છે. ‘આર્ચ’ છેલ્લાં ૩૫ વર્ષથી એકધારું કોઈની શેહશરમમાં આવ્યા વગર સ્વાયત્ત રીતે કાર્યરત છે તેનો મુખ્ય શ્રેય ‘આર્ચ’ના કેન્દ્રસ્થ સભ્યોના મિજાજ ઉપરાંત આ વર્તુળ દ્વારા પૂરી પાડવામાં આવતી સહાય અને હૂંફને છે.

ડૉ. અનિલ પટેલ અને ડૉ. દક્ષા પટેલ ગુજરાતના અંતરિયાળ ગામમાં જઈને વસ્યાં તે માત્ર ગરીબો અને આદિવાસીઓ પ્રત્યેની અપાર કરુણાને વશ થઈને નહીં. તેમનાં આ પગલાં પાછળ એક મજબૂત બૌદ્ધિક ભૂમિકા અને સમાજદર્શન પણ હતાં. જાહેર આરોગ્યના મુદ્દાઓ અંગે તલસ્પર્શી સમજ કેળવ્યા વિના સેવાભાવનાથી તબીબી સેવાઓ પૂરી પાડવી તે વૈજ્ઞાનિક પગલું ન થાય. પ્રાધ્યાપક ડૉ. એન.આર. મહેતાસાહેબે આ મુદ્દા પર ભાર મૂકીને કહ્યું હતું કે પબ્લિક હેલ્થ અને કમ્યુિનટી મેડિસિનનો અભ્યાસ ઇંગ્લેંડ-અમેરિકામાં કરાય, તો વિષય પર પકડ મજબૂત બનશે. ઇંગ્લેંડમાં અનિલભાઈને પરિવાર અવલંબન હતું તેથી પરણીને આ યુગલ સીધા ગામડામાં ન બેસી જતા ઇંગ્લેંડ આગળ ભણવા ગયું. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન, લંડન, જે આજે પણ પબ્લિક હેલ્થના અભ્યાસ માટે વિખ્યાત છે, તેમાં જોડાઈને તૈયાર થયાં. ૧૯૭૫થી ૧૯૭૯ સુધીનાં ચાર વર્ષનો સમય અનિલભાઈએ તો ભણવામાં જ કાઢ્યો, પરંતુ દક્ષાબહેને ભણીને ગૃહસ્થી ચલાવવા લંડનની હૉસ્પિટલમાં નોકરી કરી. લંડનવાસ દરમિયાન ૧૯૭૮માં દક્ષાબહેન એક બાળક આકાશના મા બન્યાં. ૧૯૭૯માં આ યુગલે મૂળ નિર્ણય પ્રમાણે દેશ તરફ પ્રયાણ કર્યું.

દક્ષાબહેન અને અનિલભાઈ જ્યારે જાહેર આરોગ્ય અંગે વધુ ભણવા ઇંગ્લેંડ ગયા્ં, ત્યારે પાછા આવીને કયા વિસ્તારમાં જઈને બેસવું છે તે અંગેની કોઈ સ્પષ્ટતા ન હતી. પરંતુ જ્યારે પાછા આવવાનું થયું, ત્યાર સુધીમાં અનિલભાઈના મિત્ર ડૉ. અશ્વિન પટેલ તત્કાલીન ભરૂચ જિલ્લાના (હાલ નર્મદા) રાજપીપળા શહેરથી ૧૬ કિલોમીટરના અંતરે નર્મદા કાંઠે માંગરોલ ગામે ગાંધી-વિનોબાના વિચારોને અનુરૂપ ગ્રામ નવનિર્માણના રચનાત્મક કાર્ય કરવા પ્રયાસશીલ તેમના અન્ય મિત્રો સાથે જોડાયા હતા. તેમણે અનિલભાઈ અને દક્ષાબહેનને આમંત્રણ આપ્યું હતું. આમંત્રણને સ્વીકારી અનિલભાઈ અને દક્ષાબહેને તેમના બાળક સાથે ૧૯૭૯માં રાજપીપળા પહોંચી પ્રાથમિક આરોગ્યનાં કામો શરૂ કર્યાં. થોડો સમય પસાર થયો ત્યારે જણાયું કે પ્રાથમિક આરોગ્યનાં કામ માટે વધુ મોકળાશ જોઈએ અને ૧૯૮૨માં ‘ઍક્શન રિસર્ચ ઇન કમ્યુિનટી હેલ્થ ઍન્ડ ડેવલપમેંટ (આર્ચ)’ની સ્થાપના કરી અને માંગરોલ ગામમાં સ્થાયી થવા વિચાર કર્યો.

માંગરોલ ગામ તે સમયમાં અંતરિયાળ ગણી શકાય તેવું હતું. ગરીબી ડોકિયા કરે, સાક્ષરતા અભિયાન હજી આવા નાના ગામ સુધી પહોંચવાની કોશિશમાં જ હતું. વીજળી હજી પહોંચી ન હતી. આવા ગામમાં જઈને વસી પડવાનું શરૂઆતમાં તો દક્ષાબહેનને રુચ્યું ન હતું. તેઓએ રાજપીપળામાં વિજય પ્રસૂતિ – ગૃહમાં નોકરી સ્વીકારી જેથી ગૃહસ્થી ચાલે. અનિલભાઈ માંગરોલ આવ-જા કરે, ચર્ચાઓ કરે, ગામમાં અશ્વિનભાઈ પટેલ આરોગ્યનું કામ ચલાવતા તે જુએ. પછી એક વખત એવું નક્કી થયું જ કે કામ કરવું જ છે અને ત્યારે દક્ષાબહેન અનિલભાઈ સાથે બાળક આકાશને લઈ માંગરોલ ગામમાં ઘર ભાડે રાખીને રહ્યાં અને આ ઘર જોતજોતામાં એક નાનકડો સમુદાય બન્યું. સારી અને યોગ્ય તબીબી તાલીમ પ્રાપ્ત ડૉ. દક્ષા પટેલ વ્યવસાયે દક્ષ હોવાની સાથે એક સંયુક્ત પરિવારની માતાસમ બનવા જઈ રહ્યાં હતાં તેની ખબર ત્યારે તો એમને પણ નહીં હોય કે માતૃત્વભાવમાં સમાયેલાં વ્યાપક પ્રેમ અને અન્નપૂર્ણા હોવાના ગુણો તેમનામાં અખૂટ હતા. નર્મદા નદી પર એક વિશાળકાય યોજના સરદાર સરોવર ડૅમ સ્વરૂપે આકાર લેવા જઈ રહી હતી અને તેની અસરમાં આદિવાસી બહુલ ગામો ડૂબમાં જઈ રહ્યાં હતાં. તેમના પુનર્વસન અંગે રાજ્ય પાસે કોઈ યોગ્ય યોજના તો દૂર પણ કોઈ નિસ્બત પણ ન હતી. સુરતમાં જયપ્રકાશ નારાયણ આંદોલન પ્રેરિત ગુજરાતના યુવાઓ પૈકી અંબરીષ મહેતા, તૃપ્તિ પારેખ અને રશ્મિ કાપડિયા અને વડોદરામાં ભણતા રાજેશ મિશ્રા અને કૌમુદી શેલત આ મુદ્દે અત્યંત સંવેદનશીલ હતાં અને તેઓની અવરજવર પહેલા રાજપીપળા અને પછી માંગરોલ શરૂ થઈ. થોડાક જ સમયમાં આ સૌ માંગરોલના માટી-ગારા અને ટીન-પતરાનાં ઘરમાં વસવા આવી પહોંચ્યાં. ડૉ. અશ્વિનભાઈ પટૅલ, ભાઈ અશોક ભાર્ગવ અને નિમિત્તાબહેન ભટ્ટ તો પહેલેથી માંગરોલના પ્રયાસ જૂથ જોડે હતાં જ. આ સર્વેનો એક કેન્દ્રસ્થ સમૂહ બન્યો. આ સમૂહનો આદર્શ તો ગાંધી-વિનોબા-જયપ્રકાશની વિચારધારાઓ. એકસૂત્રમાં પરોવ્યા હતા જયપ્રકાશ નારાયણના આંદોલને. પણ માત્ર આદર્શને વળગીને સેવાના કામો કરે એવી ભૂમિકામાં આમાંના એકની પણ નહીં. ચર્ચાઓ ભરપૂર ચાલે. ભિન્નાભિપ્રાયો આવે, દરેક તેને ટકાવવા પ્રયત્નો કરે, પણ બીજાંના અભિપ્રાયને સમજે અને સમજાવે. સમજ સાથે એકમત થાય ત્યારે ક્રિયા નક્કી થાય. આટલાં વર્ષે આજે પણ ‘આર્ચ’ની આ કાર્યપદ્ધતિમાં વિચલન થયું નથી. ગાંધી-વિનોબા-જયપ્રકાશ વિચારવલોણાથી નીકળેલા જે નવનીતના આધારે ગામડામાં બેસીને કામ કરવાનું ઠરાવાયું હતું તે નવનીત આ હતું.

‘આર્ચ’ કેન્દ્રસ્થ જૂથની સમજ પ્રમાણે ‘આર્ચ’ સમાજપરિવર્તનની પ્રક્રિયા માટે કટિબદ્ધ અને ક્રિયાશીલ છે. આ જૂથ એ પ્રચલિત માન્યાતાને નકારે છે કે સર્વાંગીણ સમાજપરિવર્તન અને ગરીબોને મુક્ત કરવા માટે ક્રાંતિ જ કરવી પડે અને જરૂર જણાયે તે હિંસક પણ હોઈ શકે. ‘આર્ચ’ માને છે કે સમાજપરિવર્તન તીવ્ર અને ત્વરિત ક્રાંતિથી નથી આવતું, પણ અહિંસક અને લોકતાંત્રિક પ્રક્રિયાઓ દ્વારા અને ટુકડે ટુકડે આવે છે. કેન્દ્રમાં વ્યક્તિ છે અને અંતે તો તેની સ્વાયત્તતા, સ્વતંત્રતા અને તેની સુખાકારી જ છે. ગ્રામ આરોગ્યના કાર્યક્રમ હેઠળ માંગરોલનું દવાખાનું અને લોકો સાથેના આરોગ્યલક્ષી કાર્યક્રમો એ ઉપરોક્ત વિચાર પરિપ્રેક્ષ્યમાં શરૂ થયા. તબીબે લેવાની હિપ્પોક્રેટિક પ્રતિજ્ઞામાં નિહિત નૈતિક મૂલ્યને આધીન રહી આરોગ્યસેવા દ્વારા માનવસેવામાં જોડાઈ જવું- એવી માત્ર સેવાભાવનાથી પર જઈ ગામસમુદાયોમાં આરોગ્ય સેવાઓ વૈજ્ઞાનિક સમજ અને સૂઝથી ગોઠવાય તેની અગત્ય સ્વીકારી ડૉ. અનિલભાઈ અને ડૉ. દક્ષાબહેન ગામડાંઓમાં જવાં પ્રેરાયાં હતાં. આ વિચારના સહયાત્રી ડૉ. અશ્વિન પટેલ, અશોક ભાર્ગવ અને નિમિત્તા ભટ્ટ. ગામડામાં જઈને જ રહેવાની ફરજ કેમ પડી તેનો જવાબ આપતા દક્ષાબહેને થોડાક સમય પહેલાં ભાવનગરમાં આપેલા એક ઇંટરવ્યુમાં કહ્યું હતું કે જાહેર આરોગ્ય અંગેના અભ્યાસમાં તેઓ એવું શીખેલાં કે જાહેર અને સમુદાય આરોગ્યના ક્ષેત્રે કામ કરવું હોય તો તેનો સ્થાપિત મંત્ર હતો, ‘ગો વિથ ધેમ, લિવ વિથ ધેમ અને લર્ન ફ્રૉમ ધેમ.’

વર્લ્ડ હેલ્થ ઑરગનાઇઝેશન દ્વારા સ્વીકૃત પ્રાથમિક આરોગ્ય સંભાળની રણનીતિને અપનાવી, ગુજરાતના ગામોમાં આરોગ્ય સેવા ગોઠવવાવાળી પહેલી સંસ્થા ‘આર્ચ’ હતી એવી સમજ ‘આર્ચ’ ધરાવે છે. કાર્યક્રમની નવીનતા ગામ સમુદાયમાંથી જ પસંદ કરી ગામ સ્તરે ગ્રામ આરોગ્ય કાર્યકર મૂકવાની હતી. કાર્યક્રમનો મુખ્ય ભાર માતૃ અને બાળ આરોગ્ય પરનો હતો. કાર્યક્રમનો હેતુ નાનાં બાળકોમાં વ્યાપક કુપોષણના ગંભીર પ્રશ્ન અને તેના લીધે બાળકોમાં ચેપી રોગોના પ્રમાણ અને તેના ઝડપી પુનરાવર્તનને ખાળવા પ્રયત્નો કરવાનો હતો. તેથી કુપોષણ દૂર કરવાના કાર્યક્રમો સાથે નાનાં બાળકોમાં રસીકરણનું પ્રમાણ વધારી બાળમરણનો દર ઘટાડવો જાહેર આરોગ્યના કાર્યક્રમનો મુખ્ય હેતુ બન્યો. તેવી જ રીતે દાયણોને સુરક્ષિત પ્રસવની સઘન તાલીમો આપી માતૃમરણનું પ્રમાણ ઘટાડવાનો હેતુ નક્કી થયો. આ હેતુ અને તેને અનુરૂપ કાર્યક્રમોને લોકો ખરેખર આવકાર આપતા હતા કે કેમ તે પ્રશ્ન આવ્યો પરંતુ, અહીં તેની ચર્ચા અસ્થાને છે. દક્ષાબહેન તે વખતની સમજને અનુરૂપ ગામોમાં કામ ગોઠવાવા લાગ્યાં. લોકો પાસેથી શીખવાનું શરૂ થયું અને દક્ષાબહેન સહિત સમૂહના અન્ય સભ્યોને જ્ઞાન થયું કે લોકો સામે બોલે નહીં પણ તેમની ખરી જરૂરિયાત માંદગીમાંથી સાજા થવા માટે સારી તબીબી સેવાની છે. માંગરોલ દવાખાનામાં લોકોની હાજરી વધવા માંડી. દક્ષાબહેન, અને અનિલભાઈએ દવાખાનામાં પ્રાથમિક આરોગ્ય કાર્યકરોની કામ પર તાલીમ શરૂ કરી. થોડાક જ સમયમાં ગામનાં ઓછું ભણેલાં અને નિશાળોમાંથી ધકેલાઈ ગયેલાં કેટલાક લોકોની પ્રાથમિક અને સામાન્ય રોગોના નિદાન અને ઉપચાર પરની પકડ ચોક્કસ રીતે વધી. તેવી જ રીતે માંગરોલના નજીકના ગામોમાં પણ થોડાક પ્રાથમિક આરોગ્ય કાર્યકરો તૈયાર થયા.

સુરક્ષિત પ્રસૂતિનો પ્રશ્ન તો રહ્યો જ. અને તેના માટે દક્ષાબહેને પ્રયત્નો શરૂ કર્યા. પહેલા તો ગામોમાં જઈ દાયણો દ્વારા કરાવવામાં આવતી પ્રસૂતિઓનું અવલોકન શરૂ કર્યું. એમ કરવા જતાં ઘણી ભયાવહ હકીકતો બહાર આવી. માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ અને અણસમજમાં અપનાવવામાં આવતી રીતોના દુષ્પરિણામો પ્રસૂતા અને નવજાત શિશુ પર આવતા. આને ખાળવા માટે દાયણોની તાલીમ અને સગર્ભાઓનું અને તેમની સાસુઓનું શિક્ષણ અનિવાર્ય થઈ પડ્યું. દક્ષાબહેને આ પડકાર બરાબર ઝીલ્યો. સુરક્ષિત પ્રસવ માટેની તાલીમ શરૂ કરી. થોડા વર્ષો પછી તેમની જોડે એક આયુર્વેદિક તબીબ લક્ષ્મીબહેન જોડાયાં. આ બેઉની જોડીએ, મળી, રાજપીપળા અને દેડિયાપાડાની બહેનોને એક તબક્કામાં અને ધરમપુર-કપરાડાની અનેકો દાયણોની બીજા તબક્કામાં તાલીમ આપી, આ વિસ્તારોમાં સુરક્ષિત પ્રસવો માટેનું વાતાવરણ ઊભું કર્યું. આજે ધરમપુર-કપરાડાના કાર્યક્ષેત્રમાં આ બેલડીએ સહકર્મીઓ સહિત ૫૦ દાયણોની સતત તાલીમ કરી છે. તે ઉપરાંત જુદી-જુદી સંસ્થાઓ માટે આયોજિત કાર્યક્રમોમાં આશરે ૨૦૦ જેટલી દાયણબહેનોને તાલીમ આપી તૈયાર કરી છે. ધરમપુર ક્ષેત્રમાં કાર્યરત થયાં બાદ દાયણોની તાલીમમાં વિશેષ ભાર પ્રસૂતિ પહેલાં જોખમ ઓળખવાની તાલીમ મુખ્ય હતી અને તેની સાથે એ સ્પષ્ટ સૂચના કે આવી જોખમકારક પ્રસૂતિઓ દવાખાનાઓમાં જ થાય. છેલ્લા એક દાયકામાં દવાખાનામાં પ્રસૂતિ પર સરકારી આરોગ્ય તંત્રને લક્ષ્યમાં લઈ તાલીમોમાં તેના પર વધુ ધ્યાન આપવાનું થયું.

૧૯૮૨થી ૨૦૦૦ સુધી દક્ષાબહેન ‘આર્ચ’ સમૂહ સાથે માંગરોલ ગામમાં રહ્યાં. આ સમયમાં માંગરોલના દવાખાનામાં દર્દી તપાસ અને તેમાં પણ બહેનોના રોગો પર વિશેષ ધ્યાન રહ્યું. ૧૯૮૪થી ૧૯૯૭ સુધી ડૉ. અનિલ પટેલ લગભગ પૂરા સમય માટે નર્મદાના ડૂબાણ અને પુનર્વસન તેમ જ દેડીયાપાડાના રીંછ અભયારણ્ય ક્ષેત્રમાં રહેતા આદિવાસીઓના પ્રશ્નોમાં ગરકાવ થયા. અંબરીષ, તૃપ્તિ અને રાજેશ ૧૯૮૦-૮૨ના વર્ષોથી જ એ કામમાં ખૂંપેલાં. હું પણ ૧૯૮૯થી ૯૪ સુધી આ કામમાં જોડાયો હતો. નર્મદા યોજનાના પ્રશ્નોમાં પડ્યા બાદ, આરોગ્ય સેવાઓનાં કામમાં દક્ષાબહેન પર દવાખાના અને તાલીમ અને જાગૃતિના કામોની પૂરી જવાબદારી આવી પડી. આ સમયમાં માંગરોલ જૂથમાં આરોગ્યનાં કાર્ય સદંર્ભે, આરોગ્ય શિક્ષણનાં કામ માટે ઉપયોગી વૈજ્ઞાનિક અને નવીન સામગ્રી નિર્માણનો દોર પણ ચાલ્યો. અશોક ભાર્ગવે શિક્ષણના પ્રશ્ને ઊંડુ ખેડાણ કર્યું. બાળકો કઈ રીતે શીખે છે અને તેમના માટે કયા પ્રકારનું નિશાળતંત્ર ગોઠવી શકાય તે અંગેનું મહત્ત્વપૂર્ણ કામ તેમણે વિકસાવ્યું. શિક્ષણનાં આ કાર્યમાં રશ્મિભાઈને પણ ઊંડો રસ હતો અને આમ દક્ષાબહેને એમની સાથે રહી પ્રાદેશિક વિસ્તારો માટે કિશોર-કિશોરી, પરિણિત સ્ત્રીઓ, સગર્ભાઓ, પ્રસવ પછીની સંભાળ, બાળ ઉછેર વગેરે પર આરોગ્ય શિક્ષણ માટે નવીન સામગ્રી તૈયાર કરી. ભાઈ અશોક ભાર્ગવે કાલાંતરે ‘આઈડિયલ’ નામની સંસ્થા સ્થાપી, આ કામને તેમની રીતે પણ ખૂબ આગળ લઈ ગયા. તેમના આ શરૂઆતના સહવાસનો લાભ લાંબા ગાળા સુધી મળ્યો. દક્ષાબહેને આરોગ્ય શિક્ષણ સામગ્રીનું કામ ધરમપુરના કેન્દ્રમાં રહીને પણ સુપેરે કર્યું.

માંગરોલ વાસ દરમિયાન પરિવાર ક્ષેત્રે તેમણે પુત્ર આકાશ પર ધ્યાન કેન્દ્રિત કરી તેના પાલન પર ખૂબ ધ્યાન આપ્યું. દસમા ધોરણ સુધી આકાશ મુખ્યત્વે તેમની દેખરેખમાં જ વધુ રહ્યો એવું કહીયે તો અતિશયોક્તિ નહીં થાય કારણ કે અનિલભાઈ એ અરસામાં પુનર્વસન અને જંગલના પ્રશ્નોમાં સહયોગીઓ સાથે ગળાડૂબ હતા. ૨૦૦૦ની સાલમાં દીકરાનું કોલેજનું ભણતર પર પૂરું થવા આવ્યું અને દક્ષાબહેને દક્ષિણ ગુજરાતના હજી ઊંડાણના વિસ્તારો ભણી નજર કરી. માંગરોલ નિવાસ અને કાર્યકાળ દરમિયાન પહેલાં આઠ વર્ષ ગામના કાચા ઘરમાં અને ત્યારે પછીના દસેક વર્ષ નળીયાંવાળા પાકા મકાનમાં, જે ઓછા ખર્ચ અને નવીન સૂઝબૂઝથી સામૂહિક અને ખાનગી રહેઠાણ માટે બનાવવામાં આવ્યો, તેમાં ‘આર્ચ’ જૂથના તમામ સાથેના સામૂહિક જીવન ગાળવામાં આ સયુંક્ત ગૃહસ્થીનો મુખ્ય ભાર દક્ષાબહેને વહન કર્યો હતો. ગામના કાચા ઘરમાં રહેતી વખતે તો સ્ટવ અને યદા કદા ચૂલ્હાની રસોઈ થાય ત્યારે રાજેશ, અંબરીષ અને તૃપ્તિ ડૂબાણના ગામોમાં રખડી વેળ-કવેળ આવે સાથે એક બે ગામના લોકો પણ હોય અને તે સિવાય મહેમાનોની અવરજવર પણ હોય, તે બધાં માટે ભોજન-બિસ્તરની વ્યવસ્થા મહદઅંશે દક્ષાબહેન પર જ રહેતી. આમ, માંગરોલ નિવાસ દરમિયાન દક્ષાબહેને ત્રેવડી ભૂમિકા થાક કંટાળા વગર નિભાવી હતી. વ્યક્તિત્વની ખૂબી એ કે આટલાં કામો વચ્ચે પોતાના માટે સમય કાઢતાં, ફૂલ-ઝાડ-પાન ઉગાડવાનો શોખ અને તે પૂરો કરતાં. ગીતો ગાવાં અને સાંભળવાંનાં શોખીન. ‘આર્ચ’ જૂથના નાની વયના મિત્રોએ કેટલા ય જૂનાં ગીતો પહેલી વાર દક્ષાબહેન થકી સાંભળેલા અને પાછળથી માણતા થયા હતા.

૧૯૯૦ના આખરનાં વર્ષોમાં ‘આર્ચ’ જૂથના સભ્ય ભાઈ રશ્મિએ ધરમપુર-કપરાડા વિસ્તારના ગામોમાં શિક્ષણની ગુણવત્તા વિશેના કામોની જરૂરિયાત જોઈ. આપણે આગળ જોયું કે આરોગ્ય કાર્યકરો અને દાયણોની તાલીમ માટે અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાના કાર્યકરો અને દાયણોને મોકલતી. તેમને તાલીમ આપતા-આપતા એ શીખવા મળ્યું કે નિશાળે ગયેલા ભાઈઓ અને બહેનોમાં વાંચવા, લખવા અને સમજવા અંગેની અપાર સમસ્યાઓ છે. આરોગ્યલક્ષી પ્રશ્નો તો હતા જ. આમ ૨૦૦૦ની સાલથી દક્ષાબહેનનાં જીવન અને કામનો બીજો તબક્કો શરૂ થયો. અર્ધી સદી વટાવ્યા બાદ મન-શરીરનો થાક હોય જ. બૌદ્ધિક ભૂમિકાને પ્રાધાન્ય આપી ‘આર્ચ’ જૂથના દરેક સભ્ય પોતાના વિચાર અને કાર્યશૈલીમાં પૂરા સજ્જ, એટલે ભિન્નાભિપ્રાયો તો હોય જ અને તેના લીધે ખૂબ ગહન ચર્ચા, વિવાદ બધું ય થાય. તેનો થાક ઓછો નથી હોતો તે અનુભવીઓ જાણે. પણ થાકીને બેસી પડે એ બીજાં. દેશમાં પાછા આવી ૨૦ વર્ષનાં કામના અને જીવનના અનુભવનું ભાથું લઈ દક્ષાબહેન ૨૦૦૦માં ધરમપુર પહોંચ્યાં. ભાઈ રશ્મિ તો હતા જ. નવી યાત્રા એકડે એકથી શરૂ થઈ. વલસાડની ગલીઓમાં કિશોરાવસ્થા સુધી છોકરાઓ સાથે લખોટી રમતી, ભમરડા ફેરવતી છોકરી પોતાની આધેડ અવસ્થામાં પૃથ્વીનો ગોળો ઘુમી, જીવનનો ઉત્તરાર્ધ ગાળવા ૨૭ કિલોમીટર દૂર પાછી ફરી! ભાડાના ઘરમાં રહી નાનકડા દવાખાનાથી શરૂઆત કરી. નવા આરોગ્ય કાર્યકરોને તૈયાર કરવાનું શરૂ કર્યું. સાથે-સાથે તાલીમના કાર્યક્રમો પણ આગળ ચલાવ્યા. રશ્મિભાઈએ શાળાકીય શિક્ષણમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પ્રશ્નો સમજવાનું અને તે અંગે તાલીમ અને અનુભવ શિબિરોનો દોર આરંભ્યો.

૨૦૦૫ની સાલમાં ધરમપુર શહેરની પાસે નગારિયા ગામે જમીન વેચાણમાં મળી, જમીન વધુ હતી તો સમવિચારના મિત્રોને બોલાવ્યા અને આમ ‘આર્ચ-ધરમપુર’ પરિસરના પાયા નખાયા અને તે વિકસ્યું. આજે ૨૩ વ્યક્તિગત જમીનમાલિકો સાથે ‘આર્ચ’, ‘રક્ષા ટ્રસ્ટ’ અને ‘કૈવલ્ય ટ્રસ્ટ’ એમ ત્રણ સંસ્થાઓ આ પરિસરમાં વસે છે અને કાર્યરત છે. મિત્રોએ પ્લૉટ તો ખરીદ્યા પરંતુ પરિસર વિકાસનું કામ મુખ્યત્વે દક્ષાબહેન અને રશ્મિભાઈ પર આવ્યું. બેઉએ ભારે જહેમત લીધી. દક્ષાબહેન સ્વભાવે પહેલ અને નેતૃત્વ લેનાર. રશ્મિભાઈ મૂંગુ બળ. જુગલબંધી જામી અને જોતજોતામાં ‘આર્ચ’-દવાખાના નામનું એક ઉપવન ખીલી ઉઠ્યું. મૂળ રાજાપુરી કેરીનો બાગ. જમીન લીધી ત્યારે ૧૫૦ જેટલા આંબા હશે. માત્ર જરૂરી વૃક્ષો જ છેદાયા અને પરિસરમાં કેટલાંક માલિકીનાં ખાનગી મકાનો, કૈવલ્ય ટ્રસ્ટ સંચાલિત કેડી નિવાસી શાળાના બાંધકામો, ‘આર્ચ’ દવાખાના અને તાલીમ કેન્દ્ર માટેના જરૂરી મકાનો અને નાનાં બાળકો માટે રમતા રમતા શીખવા માટે બાલવાડીનો ભુંગો અને બીજા સાધન, બધું સુરુચિપૂર્ણ રીતે નિર્મિત થયેલું છે. આવા બાંધકામ સાથે પરિસરમાં ફૂલઝાડ અને લેન્ડસ્કેિપંગ મનમોહક વાતાવરણ ઊભું કરે છે. કેડી નિશાળ સંકુલને બાદ કરીએ તો એકેએક વસ્તુ પર દક્ષાબહેનની પસંદગી અને આયોજનની છાપ છતી થાય છે. આજે ધરમપુરના એસ ટી સ્ટૅન્ડ પર કોઈ ખાદી અથવા સાદા પોષાકમાં એક બે થેલા સાથે ઊતરે તો આટોરિક્ષાવાળા પૂછે શ્રીમદરાજચન્દ્ર મોહનગઢ કે ‘આર્ચ’ દવાખાના? અને ‘આર્ચ’ દવાખાના કહો તો સાચવીને લઈ જઈ ઉતારે અને વધુ પૈસા ન માગે. માંગરોલ દવાખાનાની પેઠે ‘આર્ચ’ દાવાખનાની ‘સાજા થવાય અને ઓછા ખર્ચે’ ની સુવાસ પ્રદેશ આખામાં પ્રસરી ગયી છે. આજે દવાખાનામાં નવા કાર્યકરો સેવા આપી રહ્યા છે. દરદીની તપાસ, લેબોરેટરી તપાસ, નિદાન અને તપાસ એ તમામ કામોમાં ધરમપુર અને આસપાસનાં ગામોનાં ભાઈ બહેનો તૈયાર થઈ ગયાં છે. રોજના સરેરાશ ૫૦ જેટલા દરદીઓ વિભિન્ન ગામોમાંથી સારવાર લેવા આવે છે. ધરમપુર કપરાડાની સરહદ પાર મહારાષ્ટ્રના ગામોમાંથી પણ દરદીઓ આવે છે. છેલ્લાં સાત-આઠ વર્ષથી દક્ષાબહેન ‘બાળક આપનારી બાઈ’ તરીકે ખ્યાતિ પામ્યાં. બહેનોના આરોગ્યના પ્રશ્નો હાથ પર લેતા લગ્નજીવનને ત્રણ વર્ષ ઉપર થઈ ગયા હોય અને બાળક ન થયાં હોય તેવા કિસ્સાઓ પણ આવવા લાગેલા અને સરખી વૈજ્ઞાનિક તપાસ કરવાથી અને અનેક કિસ્સાઓમાં પુરુષ અને સ્ત્રી બેઉને સરખી અને સાચી સલાહ આપી જરૂરી દવા કરવાથી પરિણામ આવ્યાં અને તેથી બહેન જાણીતાં થઈ ગયાં.

૨૦૦૦ની સાલ સુધીમાં માંગરોલમાં કરેલા પ્રાથમિક આરોગ્ય અંગેના પ્રયોગથી એ જાણવા મળેલું કે વર્લ્ડ હેલ્થ ઑર્ગનાઇઝેશન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ૧૯૭૦-૮૦ના દશકની વિકસતા દેશોના ગ્રામ વિસ્તારોમાં રહેલા આરોગ્ય અંગેના પ્રશ્નોની સમજ સાચી હોવા છતાં લોકોની આરોગ્ય તંત્ર પાસેની અપેક્ષાઓ જુદી હતી. વધુમાં અનુભવે લોકોની સાથે રહીને એમ પણ સમજાયું કે આરોગ્યમાં નોંધપાત્ર સુધારા આવક વધવાથી અને બજારમાં ખરીદી શકાય તેવા ભાવે દવાઓ અને વિશેષ કરીને એન્ટીબાયોટિક દવાઓથી થવા પામે છે. ગામના લોકો ચેપી અને બિન ચેપી ગંભીર માંદગીઓ મટે તેવી અપેક્ષા આરોગ્ય સેવાઓથી રાખે છે. એ તરફ વિશેષ લક્ષ્ય આપવાથી માંગરોલ અને ધરમપુરના દવાખાનાઓમાં દરદી સામાન્ય રોગો સિવાયના ગંભીર રોગો લઈને પણ આવવા લાગ્યા અને તેની સારવાર મેળવતા થયા. પરંતુ, ધરમપુર વિસ્તારમાં માતા ને બાળકનાં સ્વાસ્થ્યના પ્રશ્ને અને સામાન્ય રોગો માટેના નિદાન અને સારવારની જરૂર પણ જણાઈ અને દક્ષાબહેને ધરમપુર વિસ્તારમાં ૪૦ જેટલાં ગામોમાં આરોગ્ય કાર્યકરોને સારી અને સતત તાલીમ આપીને રાખ્યા. સાથે દાયણોની તાલીમ પણ માતબર પ્રમાણમાં ગોઠવી. દાયણબહેનોને દાઈ પેટી આપવાની વ્યવસ્થા કરી અને તેઓ બધી પ્રસૂતિઓ આરોગ્ય કેન્દ્રો કે દવાખાનામાં કરાવતા થાય તે માટે અભિમુખ કર્યા. આરોગ્ય કાર્યકરો દ્વારા સગર્ભાબહેનોની તપાસ અને સંભાળ, પ્રસવ પછીની સંભાળ, બાળકોનું રસીકરણ, માતાનાં ધાવણ અંગેની સભાનતા, પોષણ અંગેની જાગૃતિ અને સરકારી આરોગ્ય તંત્રના કાર્યક્રમો અને કાર્યકરો સાથે જોડાઈ સેવાઓ મજબૂત કરવાના પ્રયાસો કર્યા. સમાજોપયોગી કામ લઈને ઈમાનદારી થી બેસીએ તો સમર્થન મળે જ છે તે વિશ્વાસ ફળ્યો. ‘ફ્રેન્ડ્સ ઑફ આર્ચ’ની મદદ તો હતી જ પણ બીજા દાતાઓ પણ આગળ આવ્યા. આમાં સૌથી વિશેષ મુંબઈના એક જૂથનો ઉલ્લેખ યોગ્ય છે. ધરમપુર-કપરાડા વિસ્તારના લોકોના કલ્યાણ અર્થે મુંબઈના મહાજનોનું એક જૂથ બન્યું, ‘ફ્રેન્ડ્સ ઑફ ધરમપુર’. ‘આર્ચ’, ધરમપુરને ઉદાર મને અને હાથે આ જૂથે માતૃ અને બાળઆરોગ્યનાં કામોમાં મદદ આપતા રહ્યા છે.  

ધરમપુર વિસ્તારમાં લોકો સાથે રહીને દક્ષાબહેનને એક બાબત એ પણ સમજાઈ કે કિશોરીઓને શરીરતંત્ર, પ્રજનન તંત્ર અને જાતીય વ્યવહાર અને સ્વાસ્થ્ય અંગે માહિતગાર કરવાની તાતી જરૂર છે. તાલીમ વર્ગોની જાણીતી પદ્ધતિ ઉપરાંત દક્ષાબહેને ધરમપુરમાં એક નવીન કાર્યક્રમ શરૂ કર્યો અને તે કિશોર-કિશોરી અને નવ પરિણીત યુગલોનો મેળો. આ મેળામાં જુદા જુદા સ્ટૉલ પર ચિત્ર, મોડૅલ અને સાધનોની વડે કિશોર-કિશોરીઓને શિક્ષણ આપ્યું અને નવદંપતીને પણ અભિમુખ કર્યા. આ નવીન પ્રયોગ ખૂબ સફળ રહ્યો. આ પ્રયોગની રજૂઆત પરથી તેની નવીનતાની ભારત સરકારના કિશોરાવસ્થાના પ્રશ્નો વિશે જાગૃતિ અને તાલીમ માટે રાષ્ટ્રીય સંસ્થાના જાણકારોએ પણ નોંધ લીધી અને બિરદાવ્યો. અને તેને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાની ભલામણ કરવાની ખાતરી આપી. આરોગ્ય શિક્ષણ માટે સામગ્રી બનાવવાનું જે માંગરોલમાં રહીને શરૂ કર્યું હતું તે ધરમપુરમાં પણ આગળ ચલાવ્યું. સામાન્ય રોગો, વિસ્તારના બાળકોમાં થતા વિશિષ્ટ રોગો અને બહેનોના રોગો તથા તમામ પ્રશ્નો પર દક્ષાબહેને માહિતીસભર અને સૂચનોયુક્ત અનેક પુસ્તિકાઓ લખી અને પ્રકાશિત કરી.

રશ્મિભાઈએ પોતાની આગવી પહેલ અને દક્ષાબહેનના સમર્થનથી સાથે રહી શિક્ષણ વિશેનાં કામો પણ હાથ પર લીધાં. દક્ષાબહેનનાં બહેન રક્ષાબહેનના અવસાન બાદ, પરિવારે રક્ષા ટ્રસ્ટ સ્થાપ્યું અને એના નેજા હેઠળ એક બાલવાડી અને બાળકકેન્દ્રી અન્ય પ્રવૃત્તિઓ દક્ષાબહેને ધરમપુર કેન્દ્રમાં શરૂ કરી. રમત, ચિત્રકામ, ગીત અને પ્રકૃતિના ખોળે ફરવાની પ્રવૃત્તિઓ દ્વારા બાળકની જિજ્ઞાસા ખીલવી એને ભાષા અને ગણિતનાં જ્ઞાન તરફ લઈ જવાય તે પ્રયોગ ચલાવ્યો છે. વિજ્ઞાનના પ્રયોગો અને રમતો અને સાધનો વડે વિજ્ઞાન અને ગણિત શીખી શકાય તેવા પ્રયોગો એક્લવ્ય ભોપાલ, આયુકા, અને દેશ-દુનિયાની અન્ય ઉચ્ચ કક્ષાની પ્રયોગશીલ સંસ્થાઓ જોડે જોડાણ કરી, વાંચી અને શીખીને શિખવાડાય છે. વિજ્ઞાન ગણિત શીખવા માટેના ઊંચી ગુણવત્તા ધરાવતા સાધનોનું નિર્માણ કરી શાળાઓને પડતર કિંમતે પૂરા પાડવામાં આવે છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના શિક્ષકોની તાલીમ કરી તેઓ વધુ સજ્જ થાય તે કાર્યક્રમો સાતત્યપૂર્ણ રીતે ચાલે છે. ધરમપુર-કપરાડા વિસ્તારથી શરૂ કરી નવસારી-સુરત જિલ્લામાં કાર્યરત સંસ્થાઓ સમર્થિત શિક્ષણ સંસ્થાઓ અને શાળાઓના શિક્ષકોને તાલીમ અપાય છે. આ વિસ્તારોમાં ‘આર્ચ ધરમપુર’માં તાલીમ પામેલા શિક્ષકોની સંખ્યા મોટી છે.

દક્ષાબહેનની અડધી સદી બાદ શરૂ થયેલી જીવનયાત્રાના ૧૬ વર્ષોમાં ધરમપુર પરિસર આજે ૨૫ જેટલા સહકાર્યકરો અને ગામડાંમાં ૪૦ જેટલા આરોગ્ય કાર્યકરો સાથે ધમધમે છે. દક્ષાબહેન આટલું માતબર કામ કરી શક્યાં તેમાં તેમનો સ્વભાવ ખૂબ સહાયક રહ્યો છે. મહેનતુ, મળતાવડા, પ્રેમાળ અને કરુણામય. દવાખાનામાં બપોરે બે અઢી વાગે પણ કોઈ દરદી આવી ચઢે અને હજી જમવા ન ગયાં હોય તો લક્ષ્મીબહેન ટકોર કરે ‘બેન, ચાલો હવે, જમીને જોઈશું’, તો કહે કે ‘ના, તું જા હું આટલું જોઈ લઉં, કેટલા ય દૂરથી આવ્યા હશે એટલે જ મોડા પડ્યા હશે, જોઈ લઈશ તો છૂટા થાય તો પાછા જવાની બસ મળી જાય’. સંસ્થાની એકે એક વ્યક્તિને એમ જ લાગે ‘દક્ષાબહેન તો મારા જ’, દરેક સાથે સીધો સબંધ. એનું મુખ્ય કારણ એ કે દરેક વ્યક્તિને મળે ત્યારે તેના અવગુણ ચિત્ત ન ધરે પણ તેમાં રહેલી શક્તિ ઓળખે અને તેને બિરદાવે-વિકસાવે. એમનું ઘર સહુ માટે મોટું ઘર. જે મહેમાન આવે તે મોટા ઘરમાં એક ટંક તો સાથે જમે જ. કોઈના ઘરે પણ કશું ખૂટે તો મોટા ઘરમાં મળી જ રહેશે તેવી ખાતરી. ઘરે બધાને હસીને પ્રસન્નતાથી આવકારે, સત્કારે અને રાખે. સાથે સમૂહમાં આનંદ કરવામાં માને. ધરમપુર પરિવાર વર્ષમાં એક કે બે વાર સાથે સહેલગાહ પર જાય અને તે પણ એક શૈક્ષણિક પ્રવાસ જેવું હોય. કાર્યકરો પાસેથી યોગ્ય ફાળો લે અને બાકી સંસ્થાના ખર્ચે અને તે પણ દાતાને ખબર પાડીને. પ્રકૃતિના ખોળે એને રગદોળ્યા વગર મધમાખીની જેમ ખપ પૂરતું મધ લઈ મજા કરે-કરાવે અને એટલી જ માવજત કુદરતની કરી તેને વિકસવા મદદરૂપ થાય.

આવી દક્ષાબહેનને કાળ અચાનક ગળી ગયો તેનું દુઃખ સૌને અપાર. પણ ઇહલોકમાં આવેલી આ જીવાત્માની આંતરિક શક્તિ વિશિષ્ટ અને ગતિ ઉર્ધ્વ હોવી જ જોઈએ. જીવ પર આવી પડેલા અચાનક આઘાતને જીરવી જીવી જવું એ વાણીશૂરતામાં ભલે પ્રકટ્યા કરે, પણ ભેટો થાય ત્યારે જે થાય તે જ માનસિક સાહસ અને ઉર્ધ્વગામી અંતરયાત્રાની ઓળખ. ઓક્ટોબરના પહેલા અઠવાડિયાના અંત સુધી નિદાન થયું અને પછી ઉપચારની સંભાવનાઓ વિચારાવા લાગી. દુનિયાના શ્રેષ્ઠ તબીબોની ટુકડી દક્ષાબહેનને તપાસે. નિદાન પછીના બે અઠવાડિયામાં ખ્યાલ આવ્યો કે લિવર કેન્સર એટલું વકરેલું છે કે સર્જરી કે દવા કશું પણ સંભવ નથી. તબીબી દુનિયા પાસે કોઈ ઉપાય નથી. પણ તેમ છતાં પ્રયાસો કરવા ફરજબદ્ધ આ ટુકડીએ દક્ષાબહેન સાથે ઔપચારિક મીટિંગ કરી. અમેરિકામાં આરોગ્ય સેવાના દુનિયાનો નિયમ કે દરદીને પૂછે અને તેની સંમતિ વગર કશું કરે નહીં. દક્ષાબહેન પોતે તબીબ, ગંભીરતા અને આખરના પરિણામનું ભાન તો થઈ જ ગયેલું. તબીબી ટુકડીએ જણાવ્યું કે અંત તો આવો જ છે અને દક્ષાબહેનની સંમતિ હોય તો કેટલીક આક્રામક ઉપચારની કોશિશ કરે, જીવન થોડું લંબાવે. અનિલભાઈએ જણાવ્યા મુજબ દક્ષાબહેને એવી મતલબનું કહેલું કે ‘જો હું સાજી થઈ મારા દરદીઓને ન તપાસી શકવાની હોઉં અને મારું કામ ન કરી શકું, તો મારો ઉપચાર બંધ કરવો અને હું વિદાય લઉં. હું ‘પૅલિયેટિવ કેર’માં (કેન્સરના દરદીઓ માટે દુખાવા રહિતની આખરની સેવા) મારા દીકરા અને પરિવાર વચ્ચે બાકીનો સમય રહીશ.’

તબીબોની ટુકડીએ દક્ષાબહેનને અભિનંદન આપ્યા અને કહ્યું હતું કે આવા નિર્ણયો આટલી સભાનપણે અને આટલી સ્વસ્થતાથી લેનારા એમણે ભાગ્યે જ જોયા છે. આવો નિર્ણય ઉર્ધ્વ ગતિ ધરાવનાર જીવાત્મા લઈ શકે એ નિઃસંદેહ. સામાન્ય સમજ પ્રમાણે નાસ્તિક, પણ માનવમાત્રમાં શ્રદ્ધા ધરાવનારા આસ્તિક અને જન્મે જૈન એવાં દક્ષાબહેને કોઈ ઔપચારિક દીક્ષા વગર અનાસક્ત થઈ સંથારો લીધો એમ કહેવાય. સહજ જીવનમાં ભોગમાં આનંદ લેનારાં કામમાં જીવ પરોવીને અથાક કર્મ કરનારા આટલી સહજતાથી અનાસક્ત થઈ પરલોક યાત્રાની સભાન હામ ભરી અંતર્યાત્રા આરંભ કરી દેશે એવું માનવું અઘરું પણ તે સત્ય છે. ‘આર્ચે’ તેનો સંનિષ્ઠ અને કર્મઠ સંસ્થાપક સભ્ય ખોયો છે; ધરમપુર પરિસર અને વિસ્તારે તેનો બાગબાન ગુમાવ્યો છે. તેમને સર્જન કરેલા બાગને એટલો અને એવો જ કુસુમિત રાખીએ તો તેમની ફોરમ આવનાર સમયમાં ફેલાતી રહેશે.

e.mail : sudarshan54@gmail.com

Loading

બ્રેકસીટ : વૈશ્વિક વંટોળિયાનો સંકેત ?

રોહિત શુક્લ|Opinion - Opinion|14 December 2016

1914થી 1945નાં વર્ષો યુરોપ માટે ભારે તબાહીનાં વર્ષો હતાં. આ બે વિશ્વયુદ્ધોમાં કરોડોની જાનહાનિ થઈ. પૂર્વ યુરોપના દેશોમાં સામ્યવાદનું શાસન આવ્યું. જ્યાં કદી સૂર્ય આથમતો ન હતો તેવા બ્રિટનનો સૂર્યાસ્ત થયો. શાહીવાદે જગતમાંથી લગભગ વિદાય લીધી અને ભારત સહિત અનેક દેશો આઝાદ થયા.

યુરોપના ડાહ્યા લોકોએ વિચાર્યું કે આપસમાં લડતા રહેવાનો બદલે એક થઈ જીવીએ. સૌ પ્રથમ 1951માં લોખંડ-પોલાદ માટેના સંગઠનરૂપે તેનો પ્રારંભ થયો. વિચાર આગળ ચાલતો ગયો; બિન સામ્યવાદી એવા પશ્ચિમ યુરોપના તેર દેશોમાં તે બાબતે થોડીક હવા બંધાઈ. આ પૈકી પ્રથમ છ દેશોએ એક સંગઠન રચ્યું. આ છ દેશો એટલે બેલ્જિયમ, ફ્રાંસ, પશ્ચિમ જર્મની, ઈટાલી, નેધરલેન્ડ્સ અને લક્સમબર્ગ . આ છ દેશોને ‘ઇનરસિક્સ ‘ કહેવાયા – સાત દેશોએ બહાર રહીને, અનુકૂળ સમયે જોડાવાનું વિચાર્યું. આ સાત દેશો એટલે ઓસ્ટ્રિયા, ડેન્માર્ક, નોર્વે, પોર્તુગાલ, સ્વીડન, સ્વિત્ઝરલેન્ડ અને યુનાઇટેડ કિંગ્ડમ. આ સાત દેશોએ યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન રચ્યું.

આ દેશોએ શાંત અને સંગઠિત યુરોપનો આદર્શ સેવ્યો. 1956-57માં સોવિયત સંઘે હંગેરીને જે રીતે કચડ્યું તે જોઈને તેમને સંગઠિત થવાનું માહાત્મય સમજાયું. 1958માં યુરોપિયન ઇકોનોમિક ક્મ્યુિનટી(EEC)ની રચના થઈ. 1960માં સઘળા દેશો માટેનું એક જ સાંઝા બજાર સ્થપાયું. યુરોપના દેશો આયાત-નિકાસની જકાતો વગર મુક્ત વેપાર કરે તે તેનો પ્રથમ કાર્ય પડાવ બન્યો. 1989માં બર્ટિક્નની દીવાલ તૂટી અને 1991 સુધીમાં સોવિયત સંઘનો પણ અસ્ત થયો. આખરે 1993માં ચાર સ્વતંત્રતાઓ સાથેનો યુરોપીય સંઘ અસ્તિત્વમાં આવ્યો. આ ચાર સ્વતંત્રતા એટલે : વસ્તુઓ (2) સેવાઓ (3) નાણું અને (4) માણસોને આ સંઘના દેશોમાં મુક્ત હેરફેરની સ્વતંત્રતા.

આ દેશોની સંખ્યા વધતી ગઈ. 2016 સુધીમાં તેના સભ્ય દેશોની સંખ્યા 28 થઈ. આ દેશો પોતે આંતરિક બાબતોમાં સાર્વભૌમ હતા પણ તેમણે પોતાની સાર્વભૌમિકતાને પરસ્પર માટે વત્તે-ઓછે અંશે ઓછી કરી. આ વિચારને 1990ના દશકમાં ‘પુલ્ડ સોવરનિટી’ કહેવાયો. આ દેશોએ પોતાના કેટલાક સાર્વભૌમ અધિકારોને સમૂહ સાથેના જીવનના લાભ માટે ત્યજી દીધા.

આ પ્રક્રિયાને કારણે આ સંઘટનની પોતાની એક પાર્લામેન્ટ બની. વળી દરેક દેશના વડાઓને પણ એક યુરોપિયન કાઉન્સિલમાં સ્થાન મળ્યું. સંગઠનમાં કુલ 7 સંસ્થાઓ બની જેમાં ન્યાયાલય, મધ્યસ્થ બેંક વગેરેનો પણ સમાવેશ થયો. આ બધું નવેસરથી રચવા માટે વિવિધ કરારો-ટ્રીટી થઈ. આ અઠ્ઠાવીસ પૈકી યુનાઇટેડ કિંગ્ડમ સિવાયના (બહૂધા) સત્યાવીસ દેશોએ એક જ ચલણ પણ સ્વીકાર્યું, જેને ‘યુરો’ કહેવાય છે.

અઠ્યાવીસ દેશો ભેગા થયા એટલે એક મોટી આર્થિક શક્તિ પેદા થઈ. ઈયુની કુલ જી.ડી.પી. (2015) 14.3 ટ્રિલિયન યુરો એટલે કે 18.5 ટ્રિલિયન યુ.એસ. ડોલર જેટલી છે. આ રીતે તે જગતનો સૌથી ઊંચી જી.ડી.પી. ધરાવનાર સમૂહ બને છે. WTOની દૃષ્ટિએ સમગ્ર ઈયુ એક જ દેશ છે.

યુરોપિય યુનિયન લગભગ 44.25 લાખ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. તેની વસ્તી લગભગ 51 કરોડ છે. આટલી સમૃદ્ધિ છતાં ત્યાં લગભગ નવ ટકા લોકો બેકાર છે. આ સંઘના વિવિધ દેશોને તાજેતરનો વાર્ષિક વૃદ્ધિદર પણ અલગ અલગ છે. ગ્રીસમાં તે 18.8 ટકા અને પોર્તુગાલમાં 0.0 ટકા છે, જ્યારે બલ્ગેિરયામાં 2.8 ટકા અને જર્મની અને યુનાઇટેડ કિંગ્ડમમાં 1.4 ટકા છે.

ઈયુના અર્થતંત્રનો મોટો ભાગ માત્ર ચાર જ દેશોના હાથમાં છે. જર્મની 20 ટકા, યુનાઇટેડ કિંગ્ડમ 17 ટકા, ફ્રાંસ 14 ટકા અને ઈટાલી 11 ટકા હિસ્સો ધરાવે છે. આ સમૃદ્ધ દેશોના નાગરિકોની માથાદીઠ આવક પણ વધુ છે. સમગ્ર યુરો વિસ્તારની માથાદીઠ આવક 28,700 યુરો છે. જ્યારે જર્મનીની 37,100, યુનાઇટેડ કિંગ્ડમ ની 39,600 અને ફ્રાંસની 32,800 છે.

આર્થિક ક્ષેત્રની જેમ જ માનવ વિકાસના આંકની બાબતમાં પણ આ દેશો વચ્ચે મોટા તફાવતો છે. રોમાનિયા (54) અને બલ્ગેિરયા (58) સૌથી પાછળના ક્રમો ધરાવતા દેશો છે. અન્ય દેશોમાં માનવ વિકાસનો આંક ઘણો ઊંચો છે.

શાંતિ અને સમૃદ્ધિના ઊંચા આદર્શો, પરસ્પરના સહયોગ અને આધાર દ્વારા આગળ વધવાની સગવડ અને વિશાળ સમજશક્તિ તથા બુદ્ધિ પ્રતિભા ધરાવતા આવા સમૂહમાંથી બહાર નીકળી જવાનું બ્રિટને (યુનાઇટેડ કિંગ્ડમ) કેમ વિચાર્યું ? ભારત, પાકિસ્તાન, અફધાનિસ્તાન કે શ્રીલંકા જેવા દેશોનો સંઘ કાશીએ ન પહોંચે તેમ સરળતાથી ધારી શકાય પણ ફ્રાંસ, જર્મની, યુનાઇટેડ કિંગ્ડમ, ઈટલી વગેરે દેશોનો બનેલો સંઘ પણ તૂટવા માંડે તો તે અંગે વધારે ગંભીરતાપૂર્વક વિચારવું પડે. વળી, યુનાઇટેડ કિંગ્ડમનો નિર્ણય રેફરન્ડમ દ્વારા – સવિશેષ પ્રજામત દ્વારા લેવામાં આવ્યો છે તે પણ નોંધવું રહ્યું. 2012માં આ બાબતે યુનાઇટેડ કિંગ્ડમમાં ચર્ચા ઊપડી હતી ત્યારે તે સમયે ત્યાંના તે વખતના વડાપ્રધાન ડેવિડ કેમરૂને વચન આપ્યું હતું કે યુનાઇટેડ કિંગ્ડમે ઈયુમાં રહેવું કે કેમ તે બાબતે પોતે જનમતસંગ્રહ કરાવશે. આ મુજબ 24મી જૂન, 2016ના દિવસે લોકમત લેવાયો. આ મતદાનની બાબતમાં ડેવિડ કેમેરૂને કોઈ ‘પાર્ટી-વ્હીપ’ આદેશ જાહેર કર્યો ન હતો. સરકારના પ્રધાનોને પણ સ્વ-ઇચ્છા મુજબ પ્રચાર કરવાની અને મત ઉપર પ્રભાવ પાડવાની છૂટ અપાઈ હતી. ઘણાને એમ જ લાગતું હતું કે ઈયુમાં બની રહેવાની તરફેણમાં બહુમતિ મત પડશે. પણ પરિણામો કાંટાની ટક્કર સમાન – 48/52 જેવાં આવ્યાં. માત્ર બે જ ટકા મતો નિર્ણાયક નીવડ્યા.

મતદાનનાં પરિણામોથી આર્થિક જગતમાં ઊથલપાથલ મચી ગઈ અને રાજકીય તથા સાંસ્કૃિતક અને વૈચારિક ક્ષેત્રે પણ વમળો સર્જાયાં છે. પણ સૌથી પ્રથમ ગણતરી કે ગણિત મુકાયા તે ઈયુથી છૂટા પડવા માંગનાર લોકોની લાક્ષણિકતાને ખોજવા બાબતે એવું એકંદર ચિત્ર ઊપસ્યું કે લંડન, સ્કોટલેન્ડ, આર્યલેન્ડ અને વેલ્સના અમુક હિસ્સાના લોકો ઈયુની સદસ્યતા ચાલુ રાખવાનો મત ધરાવતા હતા. દક્ષિણ ઇંગ્લેંન્ડ, ઇંગ્લેન્ડનો કારખાના વિસ્તાર, પ્રમાણમાં ઓછી આવક ધરાવનારા અને મધ્યમ ઉપરના વર્ગના લોકો અલગ થવા માંગતા હતા. ઈયુથી અલગ થવા માટેના મત-બાહુલ્ય માટે કેટલાંક કારણો આગળ કરવામાં આવ્યાં છે, જે ટૂંકમાં આ પ્રમાણે છે :

  • (1) પૂર્વ યુરોપના, પ્રમાણમાં ઓછા સમૃદ્ધ દેશના વતનીઓ, પેલી ‘ચાર સ્વતંત્રતા’ના આધારે અન્ય દેશોમાં બે-રોકટોક આવાગમન કરી શકે છે. આથી આવા વસાહતીઓનું મોટું દબાણ ઊભું થતાં સ્થાનિકોમાં બેકારી વધી એવું તેમનું માનવું હતું.
  • (2)  આ વસાહતીઓના કારણે યુનાઇટેડ કિંગ્ડમની સ્વાસ્થ્ય સંબંધી તથા અન્ય સેવાઓ ઉપર ભારે દબાણ આવ્યું અને સ્થાનિકોને સારવાર મેળવવી મુશ્કેલ બનતી લાગી.
  • (3)  ઈયુના સભ્યપદ પેટે દર વર્ષે કરોડો – અબજો ડોલર ફી રૂપે આપવા પડે છે.
  • (4)  એક મુદ્દો પોતાની સાર્વભૌમતા – સોવરેનિટી-નો પણ થયો. અમારા દેશમાં અમારા કાયદા નહીં પણ ઈયુના કાયદા ચાલે? યુનાઇટેડ કિંગ્ડમને આટલાં વર્ષે, રહી રહીને પેલા ‘પુલ્ડ સોવરેનિટી’ની વ્યવસ્થા સામે વાંધો પડ્યો.

આ ચારેય મુદ્દામાં હકીકતો અને તર્કનું એક વિચિત્ર મિશ્રણ છે. તેને મુદ્દાસર અને ટૂંકમાં જોઈએ.

(1) વસાહતીઓનો મુદ્દો કંઈક અંશે મહારાષ્ટ્રના શિવસેનાના મુદ્દા જેવો છે. બિહારી, ઓડિશી કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશના કામદારો પ્રત્યે શિવસેનાનો વર્તાવ જાણીતો છે. પણ હકીકત એ છે કે ‘બહારના’ કામદારોના આગમનથી સ્થાનિક અર્થતંત્રને વેગ પણ મળે છે. (ભારતના કિસ્સામાં શિવસેના જેને ‘બહારના’ ગણે છે તે આ દેશના જ છે. ઈયુની બાબતમાં તેમને બહારના ગણી શકાય) ગ્રાહકની જરૂરિયાતની વસ્તુઓ, વાહન-વ્યવહાર, રહેઠાણ, શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ વગેરેમાં તેમના કારણે માંગ વધે છે જે અર્થતંત્રને વિશેષ વેગ પૂરો પાડે છે.

(2) યુનાઇટેડ કિંગ્ડમની અને વધુ વ્યાપક રીતે તો યુ.એસ., કેનેડા વગેરે દેશોમાં સ્વાસ્થ્ય સેવાઓના સંચાલન, કાર્યક્ષમતા તથા ફેલાવાની બાબતમાં સમસ્યાઓ છે. તેનો ઉકેલ દરદીઓની સંખ્યા ઘટાડવામાં હોઈ શકે નહીં. કારણ કે આ સંખ્યા અન્ય અનેક પરિબળોનું પરિણામ હોય છે. તેનો ઉકેલ વધુ દવાખાનાં, સ્વાસ્થ્ય સંબંધી વધુ કામદારોની ભરતી તથા વધુ સારા સંચાલનમાંથી નીકળી શકે. અલબત્ત, યુનાઇટેડ કિંગ્ડમને આ બધું કરવા માટે જે પૈસાની જરૂર પડે તેની ખેંચ રહે છે.

(3) ઈયુના બંધારણ અનુસાર સભ્ય દેશોએ મોટી ફી ભરવાની હોય છે તે સાચું પણ તેમાંથી સામે ઘણા લાભ પણ સાંપડે છે. જેમ કે સમગ્ર ઈયુના પછાત વિસ્તારોને વિશેષ રોકડ સહાય આપવામાં આવે છે અને તે રીતે યુનાઇટેડ કિંગ્ડમના પશ્ચિમ-દક્ષિણ વેલ્સ વિસ્તારોમાં પણ મદદ મળે જ છે.

(4) ‘પુલ્ડ સોવરેનિટી’નો ખ્યાલ છેક 1970ના દશકના અંત ભાગથી ચર્ચાતો આવ્યો છે. માર્ગારેટ થેચરના સમયથી, અનેક વાટાઘાટો અને કરારો દ્વારા સભાન અને સ્વતંત્ર મરજીથી આ વ્યવસ્થા સ્વીકારાઈ છે. આમ છતાં યુનાઇટેડ કિંગ્ડમને આની સામે વાંધો પડ્યો છે તેનું એક કારણ ઈયુના પર્યાવરણ અંગેના કાયદા છે. એક વ્યાપક અને વિશ્વમત પ્રત્યે જવાબદાર સંગઠન તરીકે ઈયુ પર્યાવરણમાં વધુ બગાડ ન થાય તે માટે કડક માટે વલણ ધરાવે છે. આપણા દેશમાં તેમ જ અન્યંત્ર બને છે તેમ કોર્પોરેટ જગતને આ બાબત માફક આવતી નથી. દુનિયાભરનું કોર્પોરેટ વિશ્વ એક હવસખોરી ધરાવે છે. કુદરતી સંપત્તિનો નફાખોરી માટે વધુ ને વધુ વિનિયોગ કરો – માનવજાતનું જે થવાનું હોય તે થાય ! યુનાઇટેડ કિંગ્ડમના કોર્પોરેટ જગતે પણ આવી જ માનસિકતા દાખવી છે.

આ બનાવનાં આર્થિક, રાજકીય અને વૈચારિક વમળો પણ ઊઠ્યાં છે. કેટલાકનું માનવું છે કે આ એક શકવર્તી ઘટના છે. બહુ ટૂંકમાં તેના મુખ્ય ઇંગિતો ઉપર નજર નાંખીએ :

(1) આર્થિક અસરો : આ સંગઠન મુખ્યત્વે એક વિશાળ બજારરૂપે અને વિશ્વીકરણ તથા નવ્ય મૂડીવાદી રચના તરીકે અસ્તિત્વમાં આવ્યું છે. આથી તેની આર્થિક અસરો મોટી હોવાની. આ પરિણામ જાહેર થતાંની સાથે જ ઇંગ્લેન્ડનું ચલણ મૂલ્ય તૂટ્યું. વળી આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓએ યુનાઇટેડ કિંગ્ડમનું રેટિંગ પણ ઘટાડ્યું. તાત્કાલિક પ્રત્યાઘાત રૂપે વપરાશી માલસામાનનું બજાર તૂટ્યું અને મોટા પાયે છટણી પણ થઈ. યુનાઇટેડ કિંગ્ડમમાં કારખાનું સ્થાપીને યુરોપના દેશોમાં નિકાસ કરનારી મોટરકાર કંપનીઓએ પણ મોટી છટણી કરી. સામાન્ય અર્થશાસ્ત્રીય તર્ક એવો છે કે જો વિનિમયનો દર ઘટે તો નિકાસો વધે પરંતુ આ કેસમાં બંને ઘટ્યા. ઘણાં કારખાનાં તેમ જ બેંકીંગ, વીમા વગેરે જેવી સેવા-સંસ્થાઓ હવે યુનાઇટેડ કિંગ્ડમથી ઉચાળા ભરવામાં છે. આ સંસ્થાઓ યુનાઇટેડ કિંગ્ડમમાં બેસીને સમગ્ર યુરોપમાં કામકાજ કરતી તે હવે શક્ય બનશે કે કેમ તે સવાલ છે.

કેટલાકે આ ઘટનાને લેહમાન કે બેર સ્ટર્ન કટોકટી સાથે સરખાવી છે. અલબત્ત, આ ક્ષેત્રે ખરેખર કેટલી અને કેવી અસર પડશે તે તો માત્ર આવનારો સમય જ કહી શકશે. આનું કારણ એ છે કે યુનાઇટેડ કિંગ્ડમ ઈયુને કઈ શરતોએ છોડે છે અને ઈયુ પોતે કઈ શરતો સ્વીકારે છે તે એક લાંબી-બે વર્ષ ચાલનારી પ્રક્રિયાને અંતે સ્પષ્ટ થઈ શકે તેવો મુદ્દો છે.

(2) રાજકીય અસરો : 1960-70 દરમિયાન યુનાઇટેડ કિંગ્ડમે ઈયુમાં પ્રવેશ મેળવવા ઘણા પ્રયાસો કરેલા. તે સમયે ફ્રાંસના પ્રમુખ ‘દ ગોલ હતા. તેમણે આ પ્રયાસો સામે વીટો વાપરતા કહેલું કે યુનાઇટેડ કિંગ્ડમ તો અમેરિકાનો ‘ટ્રોજન હોર્સ’ છે. અલબત્ત તે પછી યુરોપીય દેશોમાં સહકાર વધ્યો પણ યુનાઇટેડ કિંગ્ડમના આ પગલાંએ વળી પાછી શંકાની સંભાવનાઓ વધારી દીધી છે. એક શક્યતા એ પણ છે કે ઈયુના સભ્ય હોય તેવા અન્ય અનેક દેશો પણ હવે બહાર નીકળવા માંડશે. આ માટે ઈયુના પાંચ (PIIGS) દેશોની ડામાડોળ આર્થિક સ્થિતિ અને દેવાદારપણું જવાબદાર છે.

યુનાઇટેડ કિંગ્ડમનો પોતાનો ઘર આંગણાનો રાજકીય મુદ્દો આયરલેન્ડ અને સ્કોટલેન્ડ અંગેનો છે. આયરલેન્ડ સાથેનું ગોરીલા યુદ્ધ ઘણું લાંબું ચાલ્યું અને તેને અટકે માંડ દોઢ દાયકાનો સમય થયો છે. સ્કોટલેન્ડે પણ 2014માં યુનાઇટેડ કિંગ્ડમથી અલગ થવા વાસ્તે જનમતસંગ્રહ કરાવેલો. યુનાઇટેડ કિંગ્ડમના આ બંને વિસ્તારો ઈયુમાં જોડાઈ રહેવા માંગે છે. આથી જ એક છાપાએ મથાળું બાંધ્યું હતું : ‘ગ્રેટ બ્રિટન હેજ બીકમ લિટલ ઇંગ્લેંડ.’

(3) વૈચારિક વમળો : યુનાઇટેડ કિંગ્ડમના બ્રેકસીટના કારણે જગતની વૈચારિક ભૂમિકા બાબતે અનેક પ્રકારનાં આંદોલનો જન્મ્યાં છે. તેને ટૂંકમાં જોઈએ :

ક) વિભાજનની નવી રચના :  અત્યાર સુધીના વિશ્વમાં સમાજવાદ કે મૂડીવાદ એવી એક વિસ્તૃત પ્રકારના વિભાજનની રચના પ્રવર્તતી હતી. મૂડીવાદને નવા સ્વરૂપના બજારવાદ તરફ વાળી લેવાયો. સમાજવાદનું હવે મૃત્યુ થયું છે એમ કહીને સમૃદ્ધ દેશોમાં સામાજિક સલામતિની યોજનાઓમાં પણ અંગ સંકોચ કરાયો.

પણ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનાં ઉચ્ચારણો તથા બ્રેકસીટ એક નવા જ પરિપ્રેક્ષ્યની ઓળખ છતી કરે છે. આ સ્થિતિ આગવાપણા અને એકલાપણાની છે. માકર્સે ‘એલિએનેશન’ – સમાજથી વિખૂટા પડી જવાનો મુદ્દો કરેલો. તેની સામે ગાંધીનો મુદ્દો વર્તમાન અને ભવિષ્યના સમગ્ર સમાજના સંવાદી જીવનનો હતો. વિનોબાએ તો ‘દિલોં કો જોડને કા કામ’ માટે જીવન આપ્યું. પણ આ નવો દિશાનિર્દેશ સ્વની ઓળખ અને સ્વના સ્થાપનનો છે.

ખ) ઉદારમત અને લોકશાહી : પશ્ચિમી જગત હંમેશાં લોકશાહી અને ઉદારમતની દુહાઈ દેતું ફરે છે. આ બાબતો માત્ર પોતાની જ છે એમ પણ તે પ્રસ્થાપિત કરવા તાકે છે. (આની સામે આમર્ત્ય સેને ભારતીય વિવાદ પરંપરા દર્શાવતું પુસ્તક ‘એન આરગ્યુમેન્ટેિટવ ઇન્ડિયન’ લખ્યું છે) પણ જો આ દેશો લોકશાહી અને માનવ અધિકારોમાં ખરેખર શ્રદ્ધા ધરાવતા હોય અને તેને સામાજિક નીતિમત્તા ગણતા હોય તો સ્થળાંતરિત વસાહતીઓ કે શરણાર્થીઓ પ્રતિ તેમનું વલણ – જર્મનીના એન્ગેલા મર્કલની જેમ – વધુ સંવેદનશીલ હોવું જોઈતું હતું.

ગ) ગાંધી-વિનોબાની પ્રસ્તુતતા : આ બનાવ દ્વારા એક વ્યાપક દૃષ્ટિએ જોતાં સ્પષ્ટ થાય છે કે આધુનિક કે નવ્ય મૂડીવાદ અને વિશ્વીકરણ જેવી રચનાઓ મૂળભૂત રીતે અસમાનતા પ્રેરક અને પોષક છે. જગતના સમૃદ્ધ દેશોએ વિશ્વીકરણના લાભો માટે કુદરતી સંસાધનો અને આર્થિક સંસાધનો પડાવી જવાં છે પણ અલ્પ વિકસેલા દેશોના માનવસમૂહોને સ્વીકારવા નથી ! જળ, જમીન, જંગલ, પાણી, હવા એ બધું જોઈએ ત્યારે વિશ્વીકરણના યશોગાનનાં કીર્તન કરવાનાં પણ માનવસમૂહોને વસવાટ માટે સ્વીકારવાની ઘડી આવે એટલે તેમને ક્યાં તો ગંદા, અસંસ્કારી કે છેવટે આતંકવાદી પણ ગણાવવાની મનોવૃત્તિ આ નૂતન મૂડીવાદના સાંસ્કૃિતક અને વૈચારિક પાસે જમા બોલે છે.

બ્રેકસીટ એક મહત્ત્વની અને દૂરગામી અસરો નીપજાવી શકે તેવી ઘટના છે. તેનાં ખરેખર કેવાં પરિણામો આવશે તે તો આવનારો સમય બતાવશે. પરંતુ નવ્ય મૂડીવાદ રચનાઓમાંથી જગતનો વિશ્વાસ ઝડપથી ડગતો જાય છે તે આ મુદ્દે ખાસ જોવા મળતી બાબત છે. 

e.mail : shuklaswayam345@gmail.com

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 04, 05 & 14

Loading

નોટબંધી કાયદેસરની સત્તા વિના કરવામાં આવી છે

ઇન્દિરા જયસિંગ|Opinion - Opinion|14 December 2016

ઇન્દિરા જયસિંગ મહિલાઓ અને માનવધિકારના પ્રશ્નો માટે ગયા ચારેક દાયકાથી સતત ઝઝૂમનારાં ધારાશાસ્ત્રી છે. તે ભારતનાં પહેલાં મહિલા  સૉલિસિટર જનરલ હતાં અને અત્યારે તે સર્વોચ્ચ અદાલતમાં વકીલાત કરે છે. પદ્મશ્રી સન્માનિત જયસિંગે સ્થાપેલી વર્ષોથી કાર્યરત એન.જી.ઓ. ‘લૉયર્સ કલેક્ટિવ’ પર અત્યારની સરકારની તવાઈ છે. પંચોતેર વર્ષનાં જયસિંગે વિમુદ્રીકરણ વિશે ‘નૅશનલ હેરલ્ડ’માં અઢારમી નવેમ્બરે લખેલો લેખ ઇન્ટરનેટ પરથી મળ્યો છે. વિમુદ્રીકરણના લેખના કેન્દ્રબિંદુ તરીકે જયસિંગ કહે છે : ‘ઇટ ઇઝ કમ્પ્લીટલી વિધાઉટ એની ઑથોરિટી ઑફ લૉ’. અહીં એ પણ કહેવું જોઈએ કે નોટબંધીનો નિર્ણય ગેરકાનૂની છે એ મતલબની વાત આપણા મોટા ધારાશાસ્ત્રી ગિરીશ પટેલે પણ ચોવીસ નવેમ્બરે સેક્યુલર લોકશાહી આંદોલન અને નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના ઉપક્રમે, ‘અવાજ કુંજ’માં યોજાયેલી ચર્ચાસભામાં, તેમની હંમેશની સ્પષ્ટતા સાથે કરી હતી.

નોંધ અને અનુવાદ : સંજય શ્રીપાદ ભાવે

સરકારે લીધેલા ડિમોનેટાઇઝેશનના પગલા અંગે ઘણું લખાઈ અને બોલાઈ રહ્યું છે ત્યારે આ પગલું કાયદેસર છે કે કેમ તે તરફ બહુ ઓછું ધ્યાન અપાયું છે. જો કે અહીં મારો મુદ્દો વિમુદ્રીકરણના નિર્ણયની ઇચ્છનીયતા કે અર્થશાસ્ત્રીય વ્યાવહારિકતાનો નથી. આ નિર્ણયથી બેશકપણે જનતાનું અને દેશનું જે હિત સધાય છે તેની પણ અહીં વાત નથી. કાળાં નાણાંને ચલણમાંથી દૂર કરવાનું  ધ્યેય જાહેર હિતમાં છે તેમાં કોઈ શંકા નથી. જેમના હાથમાં કરચોરીથી ભેગો કરેલો કાળો પૈસો છે તેને તેમની પાસેથી તે દૂર કરવાની નીતિને હું પૂરેપૂરો ટેકો આપું છું. પણ આ પગલું જે રીતે લેવામાં આવ્યું છે તેની કાયદેસરતાની સામે મને સવાલ છે.

સહુ પહેલાં તો આપણે હાથમાં જે ચલણી નાણું પકડીએ છે તેના સ્વરૂપ(સ્ટેટસ)ને તપાસીએ. રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા ઍક્ટ ૧૯૩૪ (આર.બી.આઇ. ઍક્ટ) આ મુજબ જણાવે છે : ‘પેટા કલમ ૨ને આધીન રહીને દરેક બૅંકનોટ એ એમાં દર્શાવેલી રકમ માટેનું ભારતમાં કોઈ પણ જગ્યાએ ચાલનારું અને ખાતામાં જમા થઈ શકે તેવું કાયદેસર ચલણ (લીગલ ટેન્ડર) હશે અને તેની બાંહેધરી ભારતની કેન્દ્ર સરકાર આપશે.’

આનો અર્થ એ કે તમે અને હું જે પૈસા હાથમાં પકડીએ છીએ અથવા બૅંકમાં રાખીએ છીએ એ ભારત સરકારની બાંહેધરી ધરાવતું, આપણું સરકાર પરનું બાંહેધરીપૂર્વકનું દેવું છે (ઇઝ અ ડેટ ગૅરેન્ટીડ ટુ અસ બાય ધ ગવર્નમેન્ટ). આ રીતે ચલણી નાણું એ સરકારે એ નોટો હાથમાં લેનારાને – એટલે કે તમારા અને મારા જેવાની બનેલી જનતાને – ચૂકવવાના ‘જાહેર દેવા’નું પ્રતીક છે.

આઠમી નવેમ્બર ૨૦૧૬ના રોજ સરકારે આ નોટિફિકેશન કથિત રીતે આર.બી.આઈ. ઍક્ટની કલમ ૨૬(૨) હેઠળ બહાર પાડ્યું છે તે કલમ ૨૬(૨) આ મુજબ છે : ‘સરકાર ગૅઝેટ ઑફ ઇન્ડિયામાં નોટિફિકેશન દ્વારા જાહેર કરી શકે છે કે નોટિફિકેશનમાં જણાવવામાં આવેલી તારીખથી  કોઈ પણ કિંમતની નોટની કોઈ પણ શ્રેણી લીગલ ટેન્ડર બનતી અટકી જશે.’

પહેલો કાનૂની સવાલ એ ઊભો થાય છે કે ઉપર્યુક્ત પેટા કલમમાં ‘કોઈ પણ શ્રેણી’ એવો જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે તેનો અર્થ શો ગણવો. ‘શ્રેણી’ શબ્દ સાદી ભાષામાં માત્ર બૅંકની નોટો પરના ક્રમનો નિર્દેશ કરી શકે. આ અર્થ મુજબ આગળ વધીએ તો, સરકાર પોતાની સત્તા હેઠળ કોઈ પણ કિંમતની બૅંક નોટની એક શ્રેણીનું જ લીગલ ટેન્ડર રદ્‌ કરી શકે. જો આ વિધેયકનો હેતુ સરકારને કોઈ એક રકમની બધી જ બૅંક નોટોને પાછી ખેંચવાની સત્તા આપવાનો હોય તો તો ‘કોઈ પણ શ્રેણી’  શબ્દ પ્રયોગ સાવ વધારાનો અને નકામો બની જાય છે.

એટલા માટે હું એમ તારવું છું કે કલમ ૨૬(૨)નો હેતુ અર્થતંત્રમાંથી કાળો પૈસો પાછો ખેંચવાનાં પગલાં તરીકે કરવાનો કે કોઈ એક રકમની બધી જ નોટોનું લીગલ ટેન્ડર રદ્‌ કરવાનો હતો જ નહીં. કદાચ આ જ કારણસર વિમુદ્રીકરણના આ પહેલાં થયેલા પ્રયત્નો વટહુકમ અને ત્યાર બાદ કાયદો ઘડવાના માર્ગે કરવામાં આવ્યા હતા. પાંચસો અને હજાર રૂપિયાની નોટોનું કારોબારીતંત્રના હુકમ દ્વારા વિમુદ્રીકરણ એ પહેલવહેલ વાર થયેલી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાથી  સંસદે (લેજિસ્લેચરે) જેને મંજૂરી આપી નથી તેવું પગલું ભરવાની કારોબારીતંત્રની સત્તા તેમ જ તેના અધિકારક્ષેત્ર અંગે પાયાના સવાલ ઊભા થયા છે.

આ બાબતને બીજા એક દૃષ્ટિકોણથી પણ જોઈ શકાય. બંધારણની કલમ ૩૦૦ એ  જણાવે છે કે ‘કાયદેસરની સત્તા વિના કોઈ વ્યક્તિને એની મિલકતથી વંચિત રાખી શકાય નહીં’. અર્થાત્‌ કાયદેસરની સત્તા વિના કોઈ વ્યક્તિ પાસેથી એની સ્થાવર અને જંગમ મિલકત છિનવી શકાય નહીં. એટલે આઠમી નવેમ્બરનું નોટિફિકેશન સર્વોચ્ચ અદાલતે કરેલા કાયદાથી (લૉ લેઇડ ડાઉન બાય ધ સુપ્રીમ કોર્ટ) સંપૂર્ણપણે બહાર હોવાનું જણાય છે. આ નોટિફિકેશન પૂરેપૂરું કાયદાની કોઈ મંજૂરી વિનાનું છે તેમ જ તેને કાયદેસરની કોઈ સત્તા નથી.

વિમુદ્રીકરણ દ્વારા સરકાર રદ્‌ થયેલી નોટના ધારક તરફ પોતાનું જે દેવું છે તે રદ્‌ કરી રહી છે તેમ કહેવાય. ચલણી નોટ એ ધારકના હાથમાં રહેલી જંગમ મિલકત છે. સર્વોચ્ચ અદાલતે એક પછી એક આપેલા ચુકાદાઓ મુજબ વ્યક્તિને મિલકતથી વંચિત કરવાના,  દંડવિધાનની રીતે ત્રણ પાસાં છે (અ) જમીન સંપાદનમાં બને છે તેમ સરકાર મિલકત ‘લઈ લે’. (બ) જમીન સુધારા વખતે બન્યું હતું તેમ ખેડનાર માલિક બને અને મિલકતનો હક રદ્‌ થાય. (ક) કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં મિલકતના હકમાં ફેરફાર પણ મિલકત છિનવી લેવા સમાન બની શકે.

રસપ્રદ બાબત એ છે કે સર્વોચ્ચ અદાલતે જયંતિલાલ શાહ વિરુદ્ધ આર.બી.આઈ. એ.આઇ.આર. ૧૯૯૭ એસ.સી. ૩૭૦ ચુકાદામાં ‘હાઇ ડિનોમિનેશન બૅંક નોટસ (ડિમોનેટાઇઝેશન) ઍક્ટ ૧૯૭૮’ને સમર્થન આપ્યું હતું. પણ સાથે એ પણ કહ્યું હતું કે ડિમોનેટાઇઝેશન જાહેર દેવું રદ્‌ કરવા બરાબર છે કે જે વળી મિલકતથી વંચિત રાખવાને સમકક્ષ છે અને એટલા માટે એ માત્ર કાયદો ઘડવાથી  જ થઈ શકે.

વધુમાં સરકારનું નોટિફિકેશન કાયદેસરના ચલણના ઉપાડ પર જે નિયંત્રણ લાદે છે તેને પણ કાયદાની સત્તા નથી. આપણે કલ્પનાને ગમે તેટલો છૂટો દોર આપીએ તો પણ આર.બી.આઈ. ઍક્ટની કલમ ૨૬(૨) કારોબારી તંત્રને નાગરિકોના પોતાના યોગ્ય કર ભરેલા પૈસાને ઉપાડવાના અધિકાર પર નિયંત્રણ લાવવાની મંજૂરી આપતી નથી. એટલે બૅંકમાંથી પૈસા ઉપાડવાના વ્યક્તિના અધિકારને નિયંત્રિત કરવો એ વાતને કાયદાની મંજૂરી નથી એમ જણાય છે.

બરાબર આ જ કારણસર ૧૯૭૮માં પહેલા વટહુકમ (ઑર્ડિનન્સ) અને પછી તેની પાછળ કાયદો આવ્યો. આવું અત્યારે કેમ ન કરવામાં આવ્યું તે સ્પષ્ટ થતું નથી. સંસદનું સત્ર ચાલુ ન હતું અને આ ઉત્તમ પરિસ્થિતિ (ક્લાસિક કેસ) હતી કે જેમાં વટહુકમને યોગ્ય ઠેરવી શકાય. વટહુકમ કર્યો હોત તો પણ આશ્ચર્યનું તત્ત્વ જાળવી શકાયું હોત અને એ કાયદેસરનું પણ ગણાત.પણ આ કરવામાં ન આવ્યું, કદાચ એટલા માટે કે વટહુકમને કાનૂનમાં બદલવો પડે અને તેના માટે સંસદમાં ચર્ચા અને કાયદો બનાવવા માટે મતોની જરૂર પડી હોત.

વળી નોટબંધીનું આ પગલું દેશના હિતમાં હતું તો પછી આ વિષયને કેબિનેટ સુધી અને પછી વટહુકમ તરીકે રાષ્ટ્રપતિ સુધી લઈ જવામાં સરકારની નામરજીનો શું અર્થ થાય? લોકસભામાં ચર્ચા ટાળવાની ખ્વાહિશ શા માટે? કે પછી આ ખોટી કાનૂની સલાહનો મામલો હતો ? દોસ્તો, આ સવાલોના જવાબો અત્યારે હવામાં હોવા જોઈએ (લેખક બૉબ ડિલનના વિરોધ ગીતના મુખડાના શબ્દો પ્રયોજે છે ‘બ્લોઇન્ગ ઇન ધ વિન્ડ’).

આપણે કરકસર માટે કમર કસી છે અને પૈસાના ઉપાડ બાબતે માપમાં રહીને  જીવીએ છીએ. તો પેલી બાજુ જગતના જનાર્દન રેડ્ડીઓ સંપત્તિનું ભદ્દું પ્રદર્શન કરી રહ્યા છે. તેને કારણે સરકાર તેના ખુદના સભ્યો, ભિલ્લુઓ  અને સાથીઓ પર ચોંપ રાખવા અંગે કેટલી પ્રામાણિક છે તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.

આઠમી નવેમ્બરનું  વિમુદ્રીકરણ કાનૂની સત્તા વિનાનું છે એવી દલીલ મેં કરી છે. અર્થશાસ્ત્રીઓએ એ નક્કી કરવાનું છે કે આ પગલાંનું ઇચ્છિત પરિણામ મળશે કે નહીં. ફરી એક વાર હું સ્પષ્ટ કરું છું કે કાળું નાણું બજારમાંથી દૂર કરવાનું પગલું એવી બાબત છે કે જેને હું દિલથી ટેકો આપું છું, પણ મુદ્દો એ નથી. કાળું નાણું દૂર કરવાનું કામ કાયદેસરની સત્તા દ્વારા થવું જોઈએ. આજે આપણા દેશમાં ‘કાયદાનું રાજ’ એ દુર્લભ બાબત બની ગઈ છે, અને મને ચિંતા એની છે.

૨૭ નવેમ્બર ૨૦૧૬

E-mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2016; પૃ. 03-04

Loading

...102030...3,5293,5303,5313,532...3,5403,5503,560...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved