Opinion Magazine
Number of visits: 9552618
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાકિસ્તાનના માનવધર્મી ગુજરાતી સેવક: અબ્દુલ સત્તાર એધી

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|17 July 2016

સાંપ્રદાયિક હિંસા, ત્રાસવાદી ગતિવિધિઓ અને કટ્ટરતાથી ખદબદતા પાકિસ્તાનમાં છ દાયકાથી કોઈ એક હકારાત્મક બાબત અવિચળ અને અફર રહી હોય, તો એ હતી એધીસાહેબની સેવાપ્રવૃત્તિ

કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીનના યુવા આતંકવાદી બુરહાનની અંતિમ યાત્રામાં હજારો લોકો ઊમટ્યા અને લાહોરના ગદ્દાફી સ્ટેિડયમમાં રખાયેલી અબ્દુલ સત્તાર એધીની અંતિમ વિધિમાં હજારો લોકો આવી પહોંચ્યા. માંડ બે-ત્રણ દિવસના આંતરે જોવા મળેલાં આ બન્ને દૃશ્યો વચ્ચે સંખ્યાત્મક તફાવત ખાસ નહીં હોય, પણ ભાવનાત્મક તફાવત બહુ મોટો હતો. બુરહાન પ્રત્યેનો લોકોનો ભાવ ભારતીય સૈન્ય-ભારત સરકાર તરફના ધિક્કારની ફસલ હતો, જ્યારે એધીસાહેબ પ્રત્યેનો લોકોનો આદર શુદ્ધ સેવાભાવ-માનવપ્રેમનો પરિપાક હતો.

સાંપ્રદાયિક હિંસા, ત્રાસવાદી ગતિવિધિઓ અને કટ્ટરતાથી ખદબદતા પાકિસ્તાનમાં છ દાયકાથી કોઇ એક હકારાત્મક બાબત અવિચળ અને અફર રહી હોય, તો એ હતી એધીસાહેબની સેવાપ્રવૃત્તિ. પાકિસ્તાની સરમુખત્યાર જનરલ ઝિયા પ્રેરિત કટ્ટરવાદ હોય કે કરાચીની સ્થાનિક ગુંડાટોળકીઓ વચ્ચેની લડાઈ, અબ્દુલ સત્તાર એધી અને તેમની વ્યાપક સમાજસેવાને સૌ તરફથી વણલખ્યું અભયવચન હતું. પાકિસ્તાની અખબારોમાં પ્રગટ થયેલા અહેવાલો પ્રમાણે, હિંસાખોરી ચાલતી હોય ત્યારે પણ લાલ રંગના અક્ષરમાં, ઉર્દૂ અને અંગ્રેજીમાં ‘એધી’ લખેલી ઍમ્બ્યુલન્સ રસ્તા પર નીકળે ત્યારે એ હેમખેમ પસાર થઈ જાય ત્યાં સુધી હિંસા થંભી જતી હતી.

આફતો કુદરતી હોય કે કૃત્રિમ, એધી ટ્રસ્ટના કાર્યકરો અને એધી-દંપતી રાહતપ્રવૃત્તિમાં લાગી પડતું હતું – અને રાહતકાર્યો દ્વારા મેળવેલા સદ્‌ભાવનો તેમણે કદી અંગત સ્વાર્થ માટે કે રાજકીય-ધાર્મિક હેતુ માટે ઉપયોગ ન કર્યો. ચંદ્રકાન્ત બક્ષીએ ‘મહાજાતિ ગુજરાતી’ પુસ્તકમાં મેમણો વિશેના પ્રકરણમાં ‘કહેવાય છે’ની રીતે ઉલ્લેખ કર્યો છે કે એધીસાહેબને જનરલ ઝિયાએ રોકડ સહાય આપવાની વાત કરી, ત્યારે તેમણે નમ્રતાપૂર્વક ઇન્કાર કર્યો હતો. તેમનું કામ સમાજ તરફથી મળતા દાન થકી જ ચાલ્યું અને અકલ્પનીય રીતે વિસ્તર્યું.

ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયેલી ભારતની મૂકબધિર યુવતી ગીતાની એધી ટ્રસ્ટે સંભાળ રાખી અને તેને સલામતીપૂર્વક ભારત પરત મોકલી આપી. વળતા વ્યવહારે વડાપ્રધાન મોદીએ એધી ટ્રસ્ટને એક કરોડ રૂપિયા દાનપેટે આપવાની જાહેરાત કરી, ત્યારે પણ એધીસાહેબે વિવેકપૂર્વક સરકારી સહાયનો ઇન્કાર કરીને, એ રકમ મૂકબધિરો માટે વાપરવા વિનંતી કરી હતી.

પાકિસ્તાન સાથે સંકળાયેલી અનેક નકારાત્મક બાબતો સામે હકારાત્મકતાની અડીખમ મિસાલ બની રહેલા અબ્દુલ સત્તાર એધીનો જન્મ જૂનાગઢ સ્ટેટના બાંટવામાં ૧૯૨૮માં થયો હતો. (સૌરાષ્ટ્રમાં આ અટક ‘એંધી’ તરીકે લખાય છે) નાનપણમાં માતાની બીમારી વખતે અબ્દુલ સત્તારે મન દઈને માની ચાકરી કરી. માએ શીખવ્યું કે બેટા, તારી પાસે બે પૈસા હોય, ત્યારે એક પૈસો તારા માટે વાપરજે અને એક પૈસો એવા કોઈ પાછળ ખર્ચજે, જેની સ્થિતિ તારાથી પણ ખરાબ હોય. માના સેવાભાવે બાળવયથી અબ્દુલ સત્તારના મનમાં ઊંડી અસર પાડી. ત્યારે તેમને કલ્પના પણ નહીં હોય કે ભવિષ્યમાં તે દેશભરનાં ગરીબગુરબાં, વંચિતો, નશામાં બરબાદ થયેલાઓ, તજી દેવાયેલાં બાળકો, વૃદ્ધો, આફતોનો ભોગ બનેલા લોકો જેવાં અનેક જરૂરતમંદોની ચાકરી કરવાનું આખું તંત્ર ઊભું કરી શકશે.

માંડ ત્રીજું ધોરણ પાસ થયલા એધી વિભાજન પછી પાકિસ્તાન ગયા, શરૂઆતમાં કાપડની ફેરી પણ કરી. પરંતુ બહુ ઝડપથી સેવાપ્રવૃત્તિનું જીવનકાર્ય તેમને ખેંચી ગયું અને છેવટ સુધી એ તેને સમર્પિત રહ્યા. શરૂઆતમાં બાંટવાના મેમણોએ પાકિસ્તાનમાં શરૂ કરેલી ‘બાંટવા મેમણ ડિસ્પેન્સરી’માં તે જોડાયા, પણ ત્યાંની સેવામાં મેમણો-બિનમેમણો વચ્ચેનો ભેદભાવ તેમને રુચ્યો નહીં. તેમણે એ સંસ્થા છોડીને ‘મેમણ વોલન્ટરી કોર’ નામે સેવાપ્રવૃત્તિની શરૂઆત કરી, જેમાં તમામ ધર્મના લોકોને એકસરખા ગણવામાં આવતા હતા.

૧૯૫૭માં એક ઍમ્બ્યુલન્સથી લોકસેવાની શરૂઆત કરનાર એધીસાહેબે ૧૯૭૪માં અબ્દુલ સત્તાર એધી ટ્રસ્ટની સ્થાપના કરી અને ૧૯૯૪માં એધી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન પણ સ્થપાયું. પાકિસ્તાનનું સૌથી મોટું સેવાભાવી ઍમ્બ્યુલન્સ નેટવર્ક ચલાવનાર એધી ફાઉન્ડેશન માત્ર કરાચીમાં આઠ હોસ્પિટલ અને બે બ્લડબૅન્ક ચલાવે છે. તેમની સંસ્થાઓએ હજારોની સંખ્યામાં અનાથોને અપનાવ્યા, હજારો નવજાત બાળકોને ઉછેર્યાં, હજારો સ્ત્રીઓને નર્સની તાલીમ આપી, જેનો મહિમા કેવળ આંકડાથી પામી શકાય એમ નથી.

એધીસાહેબને અંજલિ આપતાં ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ સહિતનાં ઘણાં અખબારોએ તેમને ‘ફાધર ટેરેસા’ અથવા ‘પાકિસ્તાનના મધર ટેરેસા’ તરીકે ઓળખાવ્યા છે. આવી બાબતોમાં સરખામણી ઇચ્છનીય કે ઉચિત નથી હોતી. એક પાકિસ્તાની લેખકે નોંધ્યું છે કે એધીસાહેબનો અભિગમ મધર ટેરેસાની જેમ ગરીબીનો મહિમા કરવાનો ન હતો. તેમાં ઉમેરો કરીને કહી શકાય કે, એધીસાહેબે ધર્મપ્રચાર-પ્રસારને કે ધાર્મિક ઉત્સાહને કદી સેવા સાથે ન જોડ્યો. તેમના માટે ધર્મમાં સેવા નહીં, સેવામાં જ ધર્મ હતો. પરંપરાગત અર્થમાં તે રૂઢિચુસ્તોની અપેક્ષા જેટલા ધાર્મિક ન હતા. એ બાબતે તેમની ટીકા પણ થતી હતી. છતાં, પોતાની સેવાના પ્રતાપે તે ‘મૌલાના એધી’ તરીકે ઓળખાયા.

તે પાકિસ્તાનમાં લઘુમતી ગણાતા ખ્રિસ્તી અને હિંદુઓની પણ કોઈ ભેદભાવ વિના, એટલા જ પ્રેમથી સેવા કરતા હતા. તેને કારણે એધીસાહેબની અંતિમવિધિના દિવસે પાકિસ્તાનનાં કેટલાંક ચર્ચમાં પણ તેમના માટે પ્રાર્થનાઓ યોજાઈ. આખી જિંદગી સાદગીપૂર્વક વિતાવનાર આ લોકસેવકની અંતિમવિધિ ક્રિકેટના સ્ટેિડયમમાં પૂરા રાજકીય સન્માન સાથે યોજાઈ. તેમની દફનવિધિ કરાચીથી થોડે દૂર આવેલા ‘એધી વિલેજ’ નામના વિશાળ સેવાસંકુલમાં, વર્ષો પહેલાં ખોદી રાખેલી પોતાની કબરમાં જ કરવામાં આવી. (ખોદાઈ રખાયેલી કબરની અંદર સૂઈ જઈને અહેવાલ આપવા બદલ એક ઉત્સાહી ટીવી પત્રકાર ભારે હાંસી અને ટીકાને પાત્ર પણ બન્યા.)

આખા પાકિસ્તાનમાં એધીસાહેબ અને તેમનાં પત્ની બિલ્કીસનું ભારે માનપાન હોવા છતાં અને તેમને અઢળક દાન મળતું હોવા છતાં, એધી-દંપતીનું જીવન એકદમ સાદગીભર્યું રહ્યું. દાન ઉઘરાવવા માટે તે રસ્તાની કોરે પાથરણું પાથરીને બેઠા હોય, એવાં દૃશ્યોની પણ પાકિસ્તાનવાસીઓ માટે નવાઈ ન હતી. પાકિસ્તાનમાં રસ્તા પર તજી દેવાયેલાં બાળકોની સમસ્યા બહુ મોટી હતી. એવાં બાળકો માટે અનાથાશ્રમો ખોલીને તેમને ઉછેરવા ઉપરાંત, એધી ટ્રસ્ટે રસ્તા પર ઠેકઠેકાણે પારણાં મુકાવ્યાં હતાં, જેથી બાળકને તજી દેનાર તેને ગમે ત્યાં ફેંકી દેવાને બદલે પારણામાં મૂકી શકે.

આ પગલાંનો વિરોધ થયો અને રૂઢિચુસ્તો તરફથી એવા આરોપ પણ થયા કે એધી ટ્રસ્ટ અનૈતિક સંબંધોથી બાળકો પેદા કરવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે. પરંતુ મનુષ્યમાત્રની સેવાની લગની ધરાવતા એધીસાહેબ કે તેમના ટ્રસ્ટને કોઈ નુકસાન કરી શક્યું નહીં. બે વર્ષ પહેલાં એધી ટ્રસ્ટની ઑફિસમાંથી ધોળા દિવસે લૂંટ થઈ ત્યારે તેમને જ નહીં, પાકિસ્તાનમાં ઘણા લોકોને પણ આંચકો લાગ્યો હતો. તાલિબાની કટ્ટરતાને લીધે છેલ્લાં થોડાં વર્ષોમાં એધીસાહેબ પર હુમલાની નિષ્ફળ કોશિશો થઈ હતી, પણ તેમના સેવાસંકલ્પને એ ડગાવી શકી નહીં.

બહુચર્ચિત પુસ્તક ‘માય ફ્‌યુડલ લૉર્ડ’નાં લેખિકા તેહમિના દુરાનીએ લખેલી એધીસાહેબની જીવનકથા ‘અ મિરર ટુ ધ બ્લાઇન્ડ’ ૧૯૯૮માં પ્રગટ થઈ. પરંતુ અબ્દુલ સત્તાર એધીનું સેવાકાર્ય તેમના વિશે લખાયેલા તમામ શબ્દોને ક્યાં ય આંબી જાય એટલું મોટું છે. લાહોરના ‘ગદ્દાફી સ્ટેિડયમ’ને ‘એધી સ્ટેિડયમ’ નામ આપવાથી માંડીને બીજાં અનેક સૂચન થઈ રહ્યાં છે, પણ તેમનું સાચું તર્પણ અને સાચું સ્મારક તેમનાં કાર્યોને યથાશક્તિ આગળ વધારવામાં છે.

ઇસ્લામને અત્યારે અબ્દુલ સત્તાર એધી જેવા રોલમોડેલની તાતી જરૂર છે.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 17 જુલાઈ 2016

http://www.divyabhaskar.co.in/news/MAG-article-of-nava-juni-by-urvish-kothari-in-sunday-bhaskar-5374422-NOR.html

Loading

દારૂબંધી: આબકારી નહીં, સુખાકારી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 July 2016

રાજ્યોની કુલ આવકમાં આબકારી આવકનો હિસ્સો 15-20 ટકા હોવાથી સરકારો દારૂબંધીને તડકે મૂકે છે

પહેલી એપ્રિલ ૨૦૧૬થી બિહારમાં દારૂબંધી અમલી બની છે. બિહારના બંને વિધાનગૃહોએ અભૂતપૂર્વ એકમતીથી મુખ્યમંત્રી નીતિશ કુમારના આ નિર્ણયને મંજૂરીની મહોર મારી હતી. એક સદી જૂના ૧૯૧૫ના લિકર બિલમાં સુધારા કરીને બિહાર વિધાનસભાએ બિહાર એકસાઈઝ (સુધારા) બિલ, ૨૦૧૬ મારફત દારૂબંધી દાખલ કરી છે. આ કાયદા મુજબ દારૂનું ઉત્પાદન સદંતર બંધ કરવામાં આવ્યું છે. ગેરકાયદે દારૂ ગાળનાર, વેચનાર અને પીનારને પાંચ લાખ રૂપિયાના દંડ અને ૧૦ વરસથી આજીવન કારાવાસ અને મૃત્યુદંડ સુધીની ભારે સજાની જોગવાઈ નવા કાયદામાં છે.

આ સાથે દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું ત્રીજા નંબરનું રાજ્ય બિહાર પૂર્ણ દારૂબંધી ધરાવતા ગુજરાત અને નાગાલેન્ડ પછીનું ત્રીજું રાજ્ય બન્યું છે. બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં દારૂબંધીની જોગવાઈ છે અને તે રાજ્ય યાદીનો વિષય છે. હાલમાં ગુજરાત, નાગાલેન્ડ અને બિહારમાં પૂર્ણ, તો કેરળ, લક્ષદીપ, મણિપુર અને મિઝોરમમાં આંશિક દારૂબંધી છે. તમિલનાડુ, આંધ્ર અને હરિયાણામાં અગાઉ કેટલાક વરસો દારૂબંધી દાખલ કરવામાં આવી હતી.

આઝાદી આંદોલન દરમિયાન ગાંધીજીના રચનાત્મક કામોમાં જ દારૂનિષેધનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દારૂના સેવનની સીધી અસર વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર તો પડે જ છે, પણ તે કુટુંબ ખાસ કરીને મહિલા સભ્યો પર સવિશેષ અસર કરે છે. દારૂનું વ્યસન ગરીબોમાં મોટા પ્રમાણમાં હોવાથી તેને કારણે ગરીબી પણ વધે છે. કુટુંબની આવક નકામા વ્યસનમાં ખર્ચાય છે. દારૂડિયા પુરુષો પત્ની-બાળકોની મારઝૂડ કરે છે અને કમાણીના પૈસા ઘરમાં આપતા નથી. ઘરમાં કાયમ કજિયાકંકાસ રહે છે અને બાળકોનું શિક્ષણ બગડે છે. રાષ્ટ્રીય મહિલા પંચ અંતર્ગત ઈલાબહેન ભટ્ટના અધ્યક્ષસ્થાને ભારતની ગરીબ શ્રમજીવી સ્ત્રીઓની સ્થિતિ અંગેના ૧૯૮૭ના ‘શ્રમશક્તિ’ રિપોર્ટમાં દારૂબંધીની સ્પષ્ટ અને અગ્ર ભલામણ કરવામાં આવી હતી. જો કે એ દિશામાં હજુ ઝાઝુ કામ થયું નથી.

તમિલનાડુ દેશમાં દારૂની સૌથી વધુ (વાર્ષિક રૂ. ૨૧,૮૦૦ કરોડ) આવક ધરાવતું રાજ્ય છે. પરંતુ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં જયલલિતાને દારૂબંધીનું વચન આપવું પડ્યું છે અને તે અમલ માટે પ્રયત્નશીલ છે. તો કેરળમાં કોંગ્રેસે દાખલ કરેલી આંશિક દારૂબંધી દૂર કરવા નવી ડાબેરી મોરચા સરકાર કૃતનિશ્ચય છે. જે અન્ના હજારેએ પોતાના ગામમાં દારૂબંધીથી જાહેર કાર્યો આરંભ્યાં હતાં, તેમના ભૂતપૂર્વ સાથી અરવિંદ કેજરીવાલની આમઆદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં મહિલા બાર ખોલી રહી છે. ઉત્તર પ્રદેશના યુવા સમાજવાદી મુખ્યપ્રધાન અખિલેશસિંઘે દારૂ સસ્તો બનાવ્યો છે. ગુજરાતમાં એના રચનાકાળ પૂર્વેના મુંબઈ રાજ્યથી જ દારૂબંધી છે, પણ અનેક બાબતોમાં અગ્રસર હોવાનો દાવો કરતું ગુજરાત એના દારૂબંધી મોડેલ અંગે મૌન જ રહે છે.

માંડ ત્રણ મહિનાનો ગાળો બિહારની દારૂબંધીના લેખાંજોખાં માટે બહુ નાનો ગણાય. નીતિશ કુમાર તબક્કાવાર દારૂબંધી દાખલ કરવાના હતા, પણ તેમ કર્યાના ચાર જ દિવસમાં લોકોનો, ખાસ કરીને મહિલાઓનો જે પ્રતિસાદ મળ્યો તેનાથી પોરસાઈને સરકારે ચાર જ દિવસમાં પૂર્ણ દારૂબંધી દાખલ કરી. એટલું જ નહીં તાડીના સેવનને પણ તેમાં સામેલ કર્યું. દારૂબંધીના અમલના મહિનાઓમાં જ પંચાયતની ચૂંટણીઓ થઈ. તેમાં દારૂબંધીને કારણે હિંસા ઓછી થઈ અને ઉમેદવારોનો ચૂંટણી ખર્ચ ઘટ્યો.

લગ્નસરામાં સરા જાહેર દારૂડિયાઓના નાગિન-ડાન્સ જોવા ના મળ્યા! રાજ્યની મહિલાઓએ નિરાંત અનુભવી છે. અન્ય રાજ્યોની જેમ બિહારમાં પણ સરકારને પોલીસ મારફત દારૂબંધીનો અમલ કરવાનો છે. જો કે આ મહિનાઓમાં વહીવટીતંત્ર અને પોલીસે સારું કામ કર્યાના અહેવાલો છે. પોલીસે મોટા પાયે દારૂ અને દારૂડિયાને પકડ્યા છે. બિહાર સરકાર દારૂબંધીના અમલ માટે માત્ર કાયદો અને પોલીસના દંડાને જ પર્યાપ્ત માનતી નથી. એટલે  જેમ કાયદામાં કડક સજા સાથે માનવતાનો અભિગમ રાખ્યો છે, તેમ જનજાગૃતિને પણ પ્રાથમિકતા આપી છે. શેરીનાટકો, જાહેરાતો, જાગૃતિસભાઓ અને શાળાઓમાં બાળકો પાસે વાલીનાં દારૂ નહીં પીવાનાં સંકલ્પપત્રો અને દારૂના વ્યવસાય સાથે સંકળાયેલાઓના વૈકલ્પિક રોજગાર જેવાં આયોજનો છે.

વિધાનસભા ચૂંટણીપૂર્વે અને દરમિયાન બિહાર સરકારને મહિલાઓની દારૂને કારણે પડતી મુશ્કેલીઓની મોટા પાયે ફરિયાદો મળી હતી. જો કે ખુદ નીતિશ કુમાર પણ આ પ્રશ્નની આટલી ગંભીરતાથી વાકેફ નહોતા. દારૂની આવક વધારીને જ તેમણે શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સાઈકલો આપવાની યોજના ઘડી હતી. પરંતુ જ્યારે ખુદ આ દીકરીઓએ ‘નીતિશઅંકલ અપની સાઈકલ વાપસ લે લીજિએ, લેકિન શરાબકી દુકાન બંધ કીજિયે’નો નારો રમતો મૂક્યો, ત્યારે સરકારને દારૂબંધીની આવશ્યકતા સમજાઈ હતી. હવે તો સહયોગીપક્ષ રાષ્ટ્રીય જનતા દળનાં નેત્રી, લાલુપ્રસાદ યાદવનાં પુત્રી ડો. મીસા ભારતીનો નારો છે કે : ‘લેટ્સ મૂવ ફ્રોમ વાઈન ટુ ડિવાઈન.’ (દારૂ છોડીને દિવ્યતા ભણી)

દેશની ટોચની ઉદ્યોગસંસ્થા એસોચૈમના અંદાજ મુજબ દેશમાં દારૂનો કારોબાર વાર્ષિક રૂ. ૧.૪૫ લાખ કરોડનો છે. દેશમાં ૪૮ ટકા દેશી દારૂ, ૩૬ ટકા ભારતમાં નિર્મિત વિદેશી દારૂ (IMFL) અને ૧૩ ટકા બિયરનું વેચાણ થાય છે. રાજ્યોની આબકારી આવકનો હિસ્સો કુલ આવકનો ૧૬ થી ૨૦ ટકા જેટલો છે. એટલે આબકારી અને આરોગ્યમાંથી સરકારો આબકારી પસંદ કરી દારૂબંધીને તડકે મૂકે છે. બિહારમાં એક જ દાયકામાં આબકારીમાં અગિયાર ગણો વધારો થયો છે. ૨૦૦૫-૦૬માં બિહારને દારૂના ઉત્પાદન અને વેચાણથી રૂ.૩૨૦ કરોડ મળ્યા હતા, જે ૨૦૧૪-૧૫માં રૂ. ૩,૬૬૫ કરોડ અને ૨૦૧૫-૧૬માં રૂ. ૪,૧૦૦ કરોડ થયા હતા. પરંતુ નીતિશ કુમારની દલીલ છે કે બિહારીઓ વરસે ૧૫ થી ૨૦ હજાર કરોડ રૂપિયા દારૂ પાછળ ખર્ચે છે, તેની સરખામણીમાં સરકારની રૂ. ૪,૦૦૦ કરોડની આવકની કોઈ વિસાત નથી.

દેશમાં દારૂબંધીના તરફદારો અને વિરોધીઓ મોટા પ્રમાણમાં છે. અને તેમની પાસે તર્કબદ્ધ દલીલો પણ છે. ખાણીપીણી જેવી પાયાની બાબતમાં લોકશાહી દેશમાં સરકારની દખલ ના ચાલે તેવી પાયાની અને પહેલી નજરે બહુ વાજબી લાગે તેવી દલીલ થાય છે ત્યારે લીંબુઉછાળ સમય માટે જો સત્તા મળે તો પહેલાં દારૂબંધી જ દાખલ કરવાનું કહેનાર ગાંધીજી કહેતા : ‘પ્રજા પાસે પરાણે દારૂ કેમ છોડાવાય? જેમને પીવો છે તેમને સારુ સગવડ હોવી જ જોઈએ — એ દલીલથી તમે રખે ભરમાતા. પોતાની પ્રજામાંના દુર્ગુણોને પોષવાનું રાજ્યનું કામ નથી.

વ્યભિચારખાનાંઓને આપણે વ્યભિચારના ઈજારા દઈને કે નિયમો બાંધી આપીને સગવડો કરી આપતા નથી. ચોરને આપણે તેની ચોરી કરવાની વૃત્તિને સંતોષવાની સોઈ નથી કરી આપતાં. દારૂ તો મારે હિસાબે ચોરી કે કદાચ વ્યભિચાર કરતાં પણ બૂરી ચીજ છે. કારણ ઘણી વાર આ બંને કુકર્મનું પિતૃપદ દારૂને જ હોય છે.’ જનતાની સુરક્ષાની જ નહીં, સુખાકારીની પણ જવાબદારી રાજ્યની છે. જો તે વ્યાપક લોકશિક્ષણથી થઈ શકે તો સારું છે. નહીં તો રાજ્યે દારૂબંધી જેવા પગલાં લેવાં જ જોઈએ અને જ્યાં એ પગલાં ભરાયેલાં હોય, ત્યાં તેનો ચુસ્તીથી અમલ થાય તે પણ જોવું જોઇએ. 

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘ઉદાસીનતાનું મૂળ’, “દિવ્ય ભાસ્કર”, 14 જુલાઈ 2016

Loading

અરાજકીય બૌદ્ધિકો

Diaspora - Reviews, Poetry|16 July 2016

આપણા દેશના અરાજકીય બૌદ્ધિકો
એક દિવસ
સામાન્ય માણસના પ્રશ્નોથી ઘેરાશે.
પુછાશે એક જ પ્રશ્ન
જ્યારે દેશ સળગતો હતો – મરતો હતો,
ત્યારે તમે શું કર્યું ?
ચમકદાર આર્થિક તારણો વિશે
કોઈ નહીં પૂછે,
નહીં પૂછે કોઈ તેમનાં મોંઘા વસ્ત્રો વિશે,
કલમનો શ્વાસ રૂંધીને રચેલાં
જુઠ્ઠાણાંઓ વિશે કોઈ નહીં પૂછે,
નહીં પૂછે કોઈ મહાકાવ્યોની રચના વિશે.
એક દિવસ
એ સામાન્ય માણસ આવશે,
જેને નહોતી મળી જગ્યા –
અરાજકીય બૌદ્ધિકોની રચનામાં
છતાં તેમને દૂધ પહોંચાડતો રહ્યો,
હળ ચલાવતો રહ્યો બારે માસ,
તેમની ગાળીઓ અને બગીચામાં સાચવતો રહ્યો.
એ સામાન્ય માણસ પૂછશે,
જ્યારે ભૂખ્યાં જનોનાં ક્રંદનો
વિશ્વ ગુંજવતા’તા
ત્યારે તમે શું કર્યું ?
એ દિવસે તમે નિરુત્તર બની
શરમમાં ડૂબી જશો,
તમારી મૂંગ્ધતા
તમારો જ અંત લાવશે.

વડોદરા

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2016; પૃ. 15

Loading

...102030...3,5273,5283,5293,530...3,5403,5503,560...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved