Opinion Magazine
Number of visits: 9552200
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અબ્દુલ સત્તાર એધી દરેક ઇન્સાનમાં અલ્લાહને જોતા

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|23 July 2016

વિદેશી નાણાં દ્વારા સેવા ન કરવાનો અબ્દુલ સત્તાર એધીએ સંકલ્પ કર્યો હતો અને પાકિસ્તાનના મુસ્લિમોએ, ખાસ કરીને ગુજરાતી મુસ્લિમોએ ક્યારે ય એધીસાહેબનો સંકલ્પ તૂટવા નથી દીધો. શરૂઆત બે લાખ રૂપિયા અને એક અૅમ્બ્યુલન્સ સાથે થઈ હતી. આજે એધી ફાઉન્ડેશન પાસે 1,800 અૅમ્બ્યુલન્સ છે અને સેવાનાં અનેક ક્ષેત્રોમાં કામ કરે છે

પાકિસ્તાનમાં માત્ર આતંકવાદીઓ જ વસે છે એમ માનવામાં ઘણા હિન્દુઓને આનંદ આવે છે. પાકિસ્તાનમાં આબિદા પરવીન જેવાં સૂફી ગાયકો પણ વસે છે અને હમણાં જ જન્ન્તનશીન થયેલા અબ્દુલ સત્તાર એધી જેવા જીવતા પીર કે ફકીરો પણ વસે છે. તેમણે પોતાની જિંદગી દુ:ખી લોકોની સેવા કરવામાં ઘસી નાખી હતી અને આજીવન પોતે એક નાનકડા ઓરડામાં સાદગીપૂર્વક જીવ્યા હતા. પાકિસ્તાનમાં આતંકવાદી હિંસાની ઘટના વખતે કે કુદરતી આફતો વખતે એધી ફાઉન્ડેશનની ઍમ્બ્યુલન્સો અને વૈદકીય રાહત પહોંચાડવા દોડદોડી કરતા સ્વયંસેવકો જોયા હશે. પાકિસ્તાનમાં એવી કોઈ દુ:ખદ ઘટના ઘટી નહીં હોય જ્યાં એધી કે એના માણસો આંસુ લૂછવા ઉપસ્થિત ન હોય. તેઓ પાકિસ્તાનના ફાધર ટેરેસા કે એન્જલ ઑફ મર્સી તરીકે ઓળખાતા હતા અને આપણે ગર્વ લેવો જોઈએ કે તેઓ ગુજરાતી મુસ્લિમ હતા.

અબ્દુલ સત્તાર એધીનો જન્મ 1928માં ગુજરાતમાં જૂનાગઢ નજીક બાંટવામાં થયો હતો. જો જૂનાગઢના નવાબે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનો નિર્ણય ન લીધો હોત અને એ પછીથી જૂનાગઢ રિયાસતમાં જે ઘટનાઓ બની એ ન બની હોત તો કદાચ એધી બાંટવા છોડીને પાકિસ્તાન ન ગયા હોત. બને કે એ પછીનાં લોહિયાળ વર્ષોમાં પાકિસ્તાનને ફાધર ટેરેસાની જરૂર પડવાની હતી એટલે એધીના નસીબમાં પાકિસ્તાન જઈને વસવાનું લખાયું હશે. એધી જેવા માનવતાવાદીઓને પોતાનું માદરે વતન છોડવું પડે એ શરમની વાત છે અને એનાથી પણ મોટી શરમની વાત એ છે કે તાલિબાનો એધી જેવા એન્જલ ઑફ મર્સીની હત્યા કરવાનો પ્રયાસ કરે. માણસ બહુ ધીમી રફતારે સુધરે છે અને એધી જેવાઓ આપણને યાદ અપાવતા રહે છે કે આપણે હજી માનવતાની મંઝિલથી ઘણા દૂર છીએ. પાકિસ્તાનમાં મુસ્લિમોની એક જમાત એધીને કાફિર તરીકે ઓળખાવતી હતી, કારણ કે તેઓ દરેક ઇન્સાનમાં અલ્લાહને જોતા હતા. એક વાર કોઈ ધર્મઝનૂની માણસે એધીને સવાલ કર્યો કે તમે તમારી ઍમ્બ્યુલન્સમાં કાફિરોને શા માટે લઈ જાઓ છો ? એધીએ તેમને જવાબ આપ્યો હતો કે ઍમ્બ્યુલન્સ તમારા કરતાં સાચી મુસલમાન છે એટલે.

અબ્દુલ સત્તાર એધી 11 વર્ષના હતા ત્યારે તેમની માતાને પક્ષાઘાતનો હુમલો આવ્યો હતો. 11 વર્ષના અબ્દુલને સેવાના સંસ્કાર માતાની સારવાને કારણે મળ્યા હતા. એધી કહેતા પણ ખરાં કે માતાની માંદગી માનવીની પીડાને સમજવા માટેનો અવસર બનીને આવી હતી. એધી 19 વર્ષના હતા ત્યારે ભારતનું વિભાજન થયું હતું. જૂનાગઢ નવાબને કારણે કોમવાદી વમળમાં ફસાયું હતું, મુસ્લિમોની સ્થિતિ નોધારા જેવી થઈ ગઈ હતી અને અમ્મી જિંદગીના છેલ્લા દિવસો ગણી રહ્યાં હતાં. લકવાગ્રસ્ત માતાને લઈને સ્થળાંતર મુશ્કેલ હતું અને બાંટવામાં જિંદગી વસમી થતી જતી હતી. એ યાતનામય દિવસોમાં જ માતાનું અવસાન થયું હતું અને પછી તરત જ એધી કરાચી ચાલ્યા ગયા હતા.

અબ્દુલ સત્તાર એધીએ કરાચી જઈને પ્રારંભમાં પોતાને અને પોતાના પરિવાને થાળે પાડવાની જદ્દોજહદ કરવી પડે એમ હતી તો સામે વિભાજન પછી કરાચી શહેર પણ લોહીલુહાણ હતું. ભારતથી પાકિસ્તાન ગયેલા ગરીબ નિરાશ્રિતો ઘરની ફાળવણીના અભાવમાં છાવણીઓમાં અને કેટલાક તો રસ્તા પર પડ્યા હતા. મલેરિયા અને કૉલેરા જેવી બીમારીઓમાં લોકો મરતા હતા ત્યારે પોતાના માટે છાપરું શોધનારા એધીએ નિરાશ્રિતો માટે આઠ બાય આઠનું પતરાનું છાપરું બાંધીને સેવા કરવા માંડી હતી. કરાચીમાં એધી ફાઉન્ડેશનની સેવાપ્રવૃત્તિની આ રીતે શરૂઆત થઈ હતી. અબ્દુલ એધીએ પોતાના ગુજારા માટે કપડાંની દલાલી શરૂ કરી હતી, પરંતુ બહુ જલદી તેમને જીવનનું મિશન હાથ લાગી ગયું અને એ પછી તેઓ પોતાના માટે જીવ્યા નથી એમ કહી શકાય.

અબ્દુલ સત્તાર એધી મેમણ હતા તથા પાકિસ્તાનમાં અને ખાસ કરીને કરાચીમાં મેમણોનું આર્થિક સામ્રાજ્ય છે. એધીએ સેવાની શરૂઆત કરી અને મેમણ જમાતની મદદ મળવા લાગી. સંકટ સમયે સંકટગ્રસ્તોના પડખે ઊભા રહેવાની ગુજરાતની મહાજન-પરંપરા ગુજરાતી મેમણોએ પાકિસ્તાનમાં જાળવી રાખી છે. હવે વતન તો પાછળ છૂટી ગયું હતું, પરંતુ ઔરંગી આકાર લઈ રહ્યું હતું. ઔરંગી નામથી કેટલાક વાચકો પરિચિત હશે. ઔરંગી પાકિસ્તાનનું ધારાવી છે અને ધારાવી કરતાં ઘણી મોટી ઝૂંપડપટ્ટી છે. બાવીસ ચોરસ કિલોમીટરમાં પથરાયેલા અને વિશ્વના બીજા નંબરના શેન્ટી ટાઉન તરીકે ઓળખાતા ઔરંગીમાં મુહાજિરો રહે છે જેમનું જીવન વિભાજનને સાત દાયકા થવા આવ્યા છતાં થાળે નથી પડ્યું. એ ઉપરાંત ભારતની માફક પાકિસ્તાનમાં પણ ગામડાં તૂટી રહ્યાં છે અને શહેરીકરણ થઈ રહ્યું છે એટલે ગ્રામીણ સિંધી મુસલમાનો પણ ઔરંગીમાં મોટી સંખ્યામાં રહે છે. જો દિલમાં હમદર્દી હોય અને કાન કોઈના ઊંહકારા સાંભળવા જેટલા સરવા હોય તો આ યુગમાં ચારે બાજુ દુઃખનો દરિયો છે.

વિદેશી નાણાં દ્વારા સેવા ન કરવાનો અબ્દુલ સત્તાર એધીએ સંકલ્પ કર્યો હતો અને પાકિસ્તાનના મુસલમાનોએ, ખાસ કરીને ગુજરાતી મુસલમાનોએ ક્યારે ય એધીસાહેબનો સંકલ્પ તૂટવા દીધો નથી. શરૂઆત બે લાખ રૂપિયા અને એક ઍમ્બ્યુલન્સ સાથે થઈ હતી. આજે એધી ફાઉન્ડેશન પાસે 1,800 ઍમ્બ્યુલન્સ છે અને સેવાનાં અનેક ક્ષેત્રોમાં કામ કરે છે. એધીસાહેબે તેમની સાથે કામ કરતી બિલ્કિસબાનુ નામની નર્સ સાથે લગ્ન કર્યાં હતાં અને તેમણે મળીને ઝૂલાની યોજના બનાવી હતી. આજે પાકિસ્તાનમાં દરેક જગ્યાએ એધી સેન્ટરની બહાર ઝૂલો લટકતો જોવા મળશે. જેને અનૌરસ કે ઔરસ નવજાત શિશુ ન જોઈતું હોય તે કોઈને જાણ ન થાય એમ બાળકને ઝૂલામાં મૂકી જઈ શકે છે. એધી પરિવાર તે બાળક કોઈને દત્તક આપે છે અને જો કોઈ દત્તક લેનાર ન મળે તો પોતે તેને ઉછેરે છે. પાકિસ્તાનમાં અનેક લોકોનાં મા-બાપ એધી દંપતી છે.

એધીસાહેબે ક્યારેય કોઈ હોદ્દો ભોગવ્યો નથી, પરંતુ અબ્દુલ સત્તાર એધી પહેલા પાકિસ્તાની ખાનગી નાગરિક છે જેમને સરકારી સન્માન સાથે દફનાવવામાં આવ્યા હતા. પાકિસ્તનમાં સ્ટેિડયમમાં તેમના માનમાં યોજાયેલા નમાજ-એ-જનાજામાં લાખો લોકો ઊમટ્યા હતા. નવાઝ શરીફ લંડનમાં બાયપાસ સર્જરી પછી આરામ કરી રહ્યા છે એટલે તેઓ આવી શક્યા નહોતા; પરંતુ તેમના ભાઈ, પ્રાંતોના મુખ્ય પ્રધાનો, ગવર્નરો, કેન્દ્રીય પ્રધાનો વગેરે સુરક્ષાની ચિંતા કર્યા વિના હાજર રહ્યા હતા.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 12 જુલાઈ 2016

Loading

પૂર્વ-પશ્ચિમને જોડતી ‘લક્ષ્મી’

મીરાં ભટ્ટ|Profile|22 July 2016

ભારતભૂમિમાં સૌથી પહેલો સૂરજ ઊગે એ ઉત્તર પૂર્વ પ્રદેશની એ કન્યા, પણ જ્યાં છેલ્લો પશ્ચિમ આથમે તે ગૂજરાતનાં અનેક મિત્રો સાથે એનો હાર્દિક ઘરોબો. નામ એનું લક્ષ્મી ફૂકન. સદાય હસતી-હસાવતી, પ્રસન્નવદના, હસમુખી આસામકન્યા.

આસામ પ્રદેશમાં સ્ત્રી-જાગૃતિનું જે પ્રમાણ છે તે ભારતમાં બીજે ક્યાં ન જડે. આસામની સ્ત્રીશક્તિની ખૂબી એ કે સાર્વજનિક સેવાના કામમાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે. આવું થવાનો પ્રથમ જશ મા કસ્તૂરબાને અને બીજો જશ આસામની પ્રભા સમાન અમલપ્રભા બાયદેવને ! અખિલ ભારતીય કસ્તૂરબા ટ્રસ્ટના નેજા હેઠળ આસામમાં જે નારી-જાગરણનું કાર્ય થયું, તેવું બીજે ક્યાં ન થયું. આપણી લક્ષ્મી પણ આ જ મોસમનો ફાલ. મૂળ વતન દિબ્રૂગઢ જિલ્લાનું નાનકડું ગામ. ૧૯૩૨માં પિતા નવીનચંદ્ર તથા માતા યોગેશ્વરીને ત્યાં જન્મ. સરહદી વિસ્તાર, સૈનિકોની સતત અવરજવર રહે, એટલે છોકરીઓ માટે નિશાળની દિશા બંધ ! પરંતુ ઘરમાં જ, આસામની સંસ્કૃિતના અધિષ્ઠાન સમું ‘નામઘર’ ચાલે, એટલે ભક્તિના સંસ્કાર સહજ લોહીમાં જ વહેતા થાય. તદુપરાંત, આસામમાં ઘેરઘેર ચાલતો રેશમના કીડાના ઉછેરનો ગૃહોદ્યોગ અને ઘરમાં જ વસ્ત્રો વણી આપતી સાળ – આ કબીરાઈ વારસામાં જ મળી. ભલે નિશાળે નહીં, પણ આસામની ગાંધીકન્યા અમલપ્રભા બાયદેવ પાસે તો કોઈ પણ કન્યાને મોકલી શકાય. આપણી લક્ષ્મી પણ એ રીતે કસ્તૂરબાની છત્રછાયામાં પહોંચી ગઈ. આરંભે ગૌહાટીના શરણિયા આશ્રમમાં ચણતર-ઘડતર થયું, પછી પહોંચી ગઈ દૂર-સુદૂરના કોઈ નાનકડા ગામમાં, જ્યાં બાળકો-સ્ત્રીઓથી માંડી સમગ્ર ગ્રામસેવાનો મોરચો સંભાળ્યો.

પણ વિધાતા કોને કહેવાય ? માણસને ક્યાંથી ઉપાડી ક્યાં પહોંચાડી દે ! ૧૯૬૨માં વિનોબાની પદયાત્રા આસામમાં પહોંચી અને યાત્રીદળમાં જોડાયેલી, પદયાત્રાની છેલ્લી હરોળમાં ચાલતી આ લક્ષ્મી ક્યારે આગળ આવી, વિનોબાનો હાથ પકડી, પદયાત્રા કરતાં કરતાં વિનોબા પાસેથી મરાઠી ગીતાઈના શ્લોક શીખવા માંડી, તે ખબરે ય ના પડી. હજુ તો એને પૂરું હિન્દી પણ આવડતું નહોતું, પણ વિનોબાએ એક કાંકરે બે પક્ષી સાધ્યાં. ગીતાનો સ્વાધ્યાય તો ખરો જ, સાથે ભારતની એક ભાષા-મરાઠીનું શિક્ષણ ! વિનોબા કહેતા – રાષ્ટ્રીય એકતા માટે દરેકે માતૃભાષા ઉપરાંત ભારતના અન્ય પ્રદેશની કોઈ ભાષા શીખવી જોઈએ.

વિનોબાજીની પદયાત્રા આસામમાં બે અઢી વર્ષ ચાલી, તે દરમ્યાન ભૂદાન-ગ્રામદાનનું કામ તો થતું રહ્યું, પરંતુ વિનોબાના સર્વોદય એજન્ડામાં બીજું ઘણું બધું સમાવાતું હતું. રાજસ્થાનની પદયાત્રા દરમ્યાન, ૧૯૫૯માં ‘બ્રહ્મવિદ્યા-મંદિર’ની સ્થાપના દ્વારા સેન્ટ્રલ-પાવર-હાઉસ સમા આશ્રમની સ્થાપનાનું કામ પણ આરંભાયું. ઇન્દોરમાં ‘વિસજર્ન આશ્રમ’ સ્થપાયો અને હવે વારો આવ્યો આસામનો. આસામની એક વિશેષતા આ કે તે સમસ્ત રાષ્ટ્રની પૂર્વીય સરહદનો ભૂભાગ હતો. એટલે ભારત-ચીનની સરહદે, શિવસાગર જિલ્લાના લખીમપુર વિસ્તારમાં પદયાત્રા દરમ્યાન, સમસ્ત વિશ્વને મૈત્રીનો સંદેશ આપતા ‘મૈત્રી-આશ્રમ’ની સ્થાપના કરી, જેના મંત્ર-તંત્ર, ઉદ્દેશ-કાર્યક્રમ બધું જ એક માત્ર मैत्री – ભગવાન બુદ્ધને સાંપડેલી પ્રથમ સંબોધિ.

મૈત્રી-આશ્રમમાં સદસ્યારૂપે પણ ત્રણ બહેનોની વરણી થઈ, જેમાં ગુણદા-બાયદેવ ઉપરાંત લક્ષ્મીનો પણ સમાવેશ થયો. ત્રીજી સદસ્યા, વિનોબાએ પોતાના તરફથી પ્રતિનિધિ રૂપે કુસુમ દેશપાંડે પર કળશ ઢોળ્યો અને ત્રણેયનું સંયુક્ત નામ – गुकुल રાખ્યું. ત્યાંથી વિનોબાને પાકિસ્તાન (વર્તમાન બાંગ્લાદેશ) જવાનું થયું. મૈત્રી આશ્રમ હજી પા પા પગલી ભરી રહ્યો હતો, ત્યાં નિયતિએ લક્ષ્મીની ભાવિ દિશા ફરી પાછી બદલી. રાષ્ટ્રીય એકતાના અનુસંધાને વિનોબાનું સતત ચિંતન-મનન ચાલતું રહ્યું અને એમણે એક કાંકરે બે પંખીને સાધવા ‘અખિલ ભારત મહિલા પદયાત્રા’નો વિચાર મૂક્યો. મહિલા પદયાત્રા એટલે સ્ત્રી-શક્તિ-જાગરણનું કાર્ય તો થાય જ, તદુપરાંત, ઠેઠ આસામ પ્રદેશની બહેનો ભારતભરમાં બાર-બાર વર્ષ સુધી અખંડ પદયાત્રા કરતી રહે અને લોકોને સર્વોદયનો સંદેશો આપતી રહે, એ એક અભૂતપૂર્વ ઘટના હતી. જૈન સાધ્વીઓ એક-બેની મંડળીમાં વચ્ચે વચ્ચે પદયાત્રા કરતી રહે, પરંતુ આ તો અખંડ બાર વર્ષની વાત અને સર્વોદય વિચાર પ્રચારના ઉદ્દેશમાં રાષ્ટ્રીય એકતા, સર્વ-ધર્મ સમન્વય, સ્ત્રી-શક્તિ-જાગરણ જેવા મુદ્દા સમાવી યાત્રાને નામ આપ્યું – અખિલ ભારત મહિલા લોકયાત્રા.

યાત્રાનો શુભારંભ માતા કસ્તૂરબાની સ્મૃિતમાં ૧૯૬૨માં કસ્તૂરબાગ્રામ-ઇન્દોરથી જ થયો અને યાત્રાનું સુકાન સોંપાયું – લક્ષ્મી તથા હેમા ભરાલી બાયદેવને. હેમાબહેન આસામનાં ધૂંવાધાર મિજાજનાં અગ્રગણ્ય સેવિકા હતાં, અમલપ્રભા બાયદેવના જમણા હાથ સમાં. આવડી મોટી જવાબદારી નિભાવી શકે તેવાં ખમતીધર. ઇન્દોરના શુભારંભે જ બીજી બે બહેનો જોડાઈ. પંજાબનાં નિર્મલ વેદ અને ઇન્દોરનાં શ્રીદેવી રિઝવાની – આમ, લોકયાત્રામાં ભારતના વૈવિધ્યનું પ્રતિનિધિત્વ પ્રગટ થયું અને ઇતિહાસની એક અજોડ અભૂતપૂર્વ ઘટનાનો મંગળ આરંભ થયો.

બાર-બાર વર્ષ કાંઈ નાની સૂની વાત નથી. હિમ-આતપ-વર્ષાના માર-પ્રહાર ઝીલતી, લોકોના કાને સર્વોદય-વિચારનો સંદેશો પહોંચાડતી ભારતના ચારે ય ખૂણે ફરતી રહી. ભારતના ભવ્ય ઇિતહાસમાં સીતામૈયા-લક્ષ્મણ સાથે રામજીએ ચૌદ ચૌદ વર્ષનો વનવાસ માણ્યો, શંકરાચાર્ય જેવા પ્રકાંડ પંડિતે ભારતના ચારે ય ખૂણે પહોંચી શંકર-મઠની સ્થાપના કરી. આધુનિક કાળમાં વિનોબાની તેર વર્ષ અને તેર માસની સમસ્ત ભારતભરમાં પદયાત્રા થઈ. પરંતુ આ ‘મહિલા લોકયાત્રા’ ‘એકમેવ અદ્વિિતયમ્‌’ હતી. આ યાત્રા દરમ્યાન, વિશાળ ભારત દેશના અનેક પ્રકારના વૈવિધ્યનાં દર્શન તો થયાં જ, અનેક ભાષાઓ શીખવા-સમજવા મળી અને મુખ્ય વાત તો એ કે વ્યાપક લોકહૃદય સાથે આત્માનુસંધાન જોડાયું.

પૂરાં બાર વર્ષે, પવનારના બ્રહ્મવિદ્યા-મંદિરમાં આ લોકયાત્રાની પૂર્ણાહુતિ વિનોબાજીના સાંનિધ્યમાં થઈ. એ જ અવસરે, અખિલ વિશ્વ મહિલા સંમેલનનું પણ આયોજન થયું હતું. સમસ્ત ભારતભરમાં વહેતી વહેતી આવેલી એક નદી જાણે મહાસાગરમાં ભળી ગઈ અને જાણે એક ભવ્ય સંગમતીર્થ નિર્માણ થયાનો સૌને અનુભવ થયો.

એક વખતે, પવનારમાં અમે થોડી બહેનો એક ઓટલા પર બેસીને સમી સાંજની થોડી ગપસપ ચલાવી રહી હતી. લક્ષ્મી પણ એમાં હતી, એણે કહેલો એ પ્રસંગ આજે પણ મને યથાતથ યાદ છે, કહે – હજી આશ્રમમાં પાકાં મકાન નહોતાં થયાં, ત્યારની વાત છે. હું આશ્રમના એક ખૂણે બાંધેલી ઘાસફૂસની ઝૂંપડીમાં રહેતી હતી. આમ તો અમે બેત્રણ જણ સાથે હોઈએ, પણ તે રાતે હું સાવ એકલી હતી. હું તો મારો રોજનો સ્વાધ્યાય-પ્રાર્થના વગેરે પતાવી સૂઈ ગઈ. રાત-મધરાત થઈ હશે અને મને ઝૂંપડીની બહાર થોડો સળવળાટ સંભળાયો. થોડી વાર કાન માંડીને સાંભળવાનો પ્રયાસ કર્યો તો લાગ્યું કે બે ત્રણ માણસો છે. થોડી વાર તો હું ગભરાઈ. ગમે તેટલી બૂમો પાડું તો પણ આશ્રમના મુખ્ય ખંડમાં મારો અવાજ પહોંચે તેમ નહોતું. પેલા લોકો હવે ઝૂંપડીને તોડી-ફોડી રહ્યા હતા. નશો કરીને આવેલા, એટલે બોલવાનું ય ઠેકાણું નહોતું. થોડી વાર તો શું કરવું, સૂઝ ન પડી, દિલ તો ધડક ધડક ધડકવા માંડેલું. ‘રામ-હરિ’નો નામ જપ શરૂ કર્યો. બસ, હવે ઝૂંપડીમાં દાખલ થવાય તે ટલી તોડફોડ થવામાં જ હતી, ત્યાં મને અચાનક સૂઝ્યું, ‘‘અરે ! આશ્રમનો ઘંટ તો અહીં જ છે ! ઘંટની દોરી પણ અંદર પડે. તરત હાથમાં દોર લીધો અને હતી તેટલી શક્તિ વાપરીને જોરશોરથી ઘંટ વગાડવા લાગી. શાન્ત-મધરાતે ઘંટનો ટન-ટન અવાજ ચોમેર ફેલાઈ ગયો અને આશ્રમવાસીઓ લાઠી-ફાનસ લઈને આવી પહોંચે એ પહેલાં પેલા નશામાં ચકચૂર આગંતુકો ભાગી ગયા.

આ તો થોડો ખટમધુરો અનુભવ, પણ જ્યારે સરહદના સૈનિકો અવારનવાર મુલાકાત લેતા રહે ત્યારે એમની સાથે ‘યુદ્ધ અને શાન્તિ’ની વાતો કરવાનો અપૂર્વ લહાવો પણ મળતો. એ બધા સશસ્ત્ર સૈનિક, તો આશ્રમમાં અહિંસક શાન્તિ-સૈનિક ! પ્રેમ અને ભાઈચારો એ જ એમનાં શસ્ત્રાસ્ત્ર ! આ નિર્વ્યાજ પ્રેમના બળે તો ઠેઠ પૂર્વની સરહદે વસેલા ‘મૈત્રી આશ્રમ’ની બહેનો સૌરાષ્ટ્રના પશ્ચિમ દરિયે દર વર્ષે રાખડી બાંધતી સહોદરા-સમી બહેનો બની ગઈ હતી. ધોરાજી-ઉપલેટાના કરશનભાઈ વાઘાણીના કુટુંબ સાથે લક્ષ્મી એવી એકરૂપ થઈ ગયેલી કે વર્ષમાં એક વાર તો એને આવવું જ પડે. એ ન આવે તો કરસનભાઈ આસામ પહોંચે – બહેનની ભાળ લેવા ! કરશનભાઈ તો સર્વોદય-પરિવારના, પરંતુ ભાવના-પ્રજ્ઞેશ જેવા સર્વસામાન્ય નાગરિકો પણ દર વર્ષે રક્ષાબંધનની રાહ જુએ ! ‘આર્થિક સહાય’ એ તો નાચીજ બાબત છે. પૂર્વ-પશ્ચિમના સ્નેહ-સખ્યનું જે મીઠું-મધુરું અને મંગળકારી તોરણ બંધાય છે, તેનું જ મહત્ત્વ છે. એક જમાનામાં, સુદૂરપૂર્વની ‘રૂક્ષ્મણી’ દ્વારકાધીશની પટરાણી બનીને ગુજરાતમાં વસે. આ યુગની ‘લક્ષ્મી’ ભગિની બનીને રાખડી બાંધતી રહી.

આવી આપણી એક લાડકી બહેન મે માસની બીજી તારીખે [2016] પૃથ્વી પરથી વિદાય થઈ છે, ત્યારે દેશભરની અસંખ્ય ભાવાંજલિ સાથે ગુજરાતના અનેક સ્નેહી-સુહૃદોની સ્મરણાંજલિ જોડાઈ રહી છે. આમ તો, લક્ષ્મીને છેલ્લાં વર્ષોમાં મધુપ્રમેહનો રાજરોગ લાગેલો અને ઓળખી ન શકાય એ હદે એ કૃશકાય થઈ ગઈ હતી. છતાં ય, શક્ય બન્યું ત્યાં સુધી દર વર્ષે એક વાર પૂ. બાબાની સમાધિ પાસે, પવનારમાં એ આવતી રહી. છેલ્લે-છેલ્લે, મુંબઈ સર્વોદયના શાન્તાશ્રમના તુલસી સોમૈયા એની ખબર કાઢવા પહોંચી ગયેલા. ફોન પર એ કહેતા હતા – ‘બહેન ! છેવટ સુધી એ પૂરા ભાનમાં હતી. બસ, ‘રામ-હરિ’નું રટણ ચાલતું હતું અને અત્યન્ત શાન્તિ-સ્વસ્થ મનોસ્થિતિમાં જ એણે છેલ્લો શ્વાસ મૂક્યો.’

આવી વિશ્વમિત્રા સમી, જીવનના મંગળપથની શ્રેયાર્થી, દેશના પ્રથમ પરોઢનાં કિરણો ઝીલી ઠેઠ પશ્ચિમ સુધી પહોંચાડી ધન્ય થતી રાષ્ટ્ર-લક્ષ્મી આપણી વચ્ચેથી વિદાય થઈ છે ત્યારે એના ચરણોમાં સમસ્ત સુહૃદજનોની શ્રદ્ધાંજલિ સમર્પિત છે.

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 જૂન 2016; પૃ. 09-10

Loading

શબ્દ શક્તિ

વિનોબા|Opinion - Literature|22 July 2016

શબ્દની મારે મન બહુ કિંમત છે. શબ્દમાં જે શક્તિ છે, તે હું બીજી કોઈ ચીજમાં નથી જોતો.

હું ઠર્યો વિશ્વસાહિત્યનો વિદ્યાર્થી. સાહિત્ય અને સાહિત્યકારો માટે મારા મનમાં અપાર આદર છે. મરાઠી ભાષાનું મેં ઝીણવટભર્યું અધ્યયન કર્યું અને એ જ પ્રવાહમાં, આત્માના સમાધાન માટે સંસ્કૃતનું અધ્યયન કર્યું. પણ ત્યારે મને નિરુક્તિ અને વ્યુત્પત્તિમાં ભારે રુચિ હતી. શબ્દો કેવી રીતે બન્યા, એની કુળપરંપરા શું છે, આ જોવાનો મને શોખ હતો. વિચારોનું અનુસંધાન કરતી વખતે શબ્દોની પણ પરંપરા જોવી પડે. એ માટે પણ અનેક ભાષાઓનું અધ્યયન જરૂરી હતું. પરંતુ મુખ્યત્વે તો જનતાના હૃદય સાથે સંપર્ક સાધવાના હેતુસર હિન્દુસ્તાનની તમામ ભાષાનું અધ્યયન મેં કર્યું. ઉપરાંત ચીની-જાપાની, જર્મન, અને એસ્પરન્ટો ભાષા પણ શીખી લીધી. આ બધું શીખવામાં શબ્દો સાથે સંપર્કમાં અવાય છે. અને શબ્દોની શક્તિનું મને પૂરેપૂરું ભાન છે. શબ્દ પ્રગટ કરવા માટે શબ્દને બાજુમાં રાખી, અંદરના તત્ત્વને પકડવું જોઈએ.

આપણા જીવનની જે અંત:સૃષ્ટિ છે, તે શબ્દોની બનેલી છે. શબ્દો આપણાં રત્નો છે અને શબ્દો આપણાં શસ્ત્રો છે. તેનાથી અદકેરું રત્ન કોઈ નહીં હોય, શસ્ત્ર નહીં હોય. પ્રાચીનકાળથી આજ સુધી શબ્દની જે અખંડ ધારા વહેતી આવી છે, તે એક મજાની મનોરમ્ય સૃષ્ટિ છે.

ભારતની અને બહારની અનેક ભાષાઓનું મારું અધ્યયન છે એના આધારે કહી શકું છું કે દસ હજાર વર્ષથી ય જૂની ભાષા સંસ્કૃત સિવાય બીજી નથી. સંસ્કૃતનો પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ છે. તેના પહેલા મંત્રમાં જે શબ્દો છે, તે જેવા ને તેવા આજે પણ હિન્દી, મરાઠી, બંગાળી, ગુજરાતી વગેરે ભાષામાં ઉપયોગમાં લેવાય છે. જેમકે અગ્નિ, પુરોહિત, દેવ, યજ્ઞ વગેરે. એવી કોઈ ભાષા નથી જેમાં ગ્રીક, લૅટિનના જેવા ને તેવા શબ્દોનો ઉપયોગ કરાતો હોય. આપણી ભાષાઓના આશરે 50% શબ્દો ઋગ્વેદના જમાનાથી ઊતરી આવ્યા છે. આવું શી રીતે બન્યું હશે? આની પાછળ અહિંસાની પ્રક્રિયા છે. પુરાણા શબ્દોને નવો અર્થ આપી આગળ વધવાની પ્રક્રિયા અહિંસક ક્રાંતિ-વિચારની પ્રક્રિયા છે. પુરાણા શબ્દો છોડવા નહીં પણ તેમાં નવા નવા અર્થો ભરતા જવા, આવી પ્રક્રિયા બીજા દેશોમાં નથી ચાલી. ત્યાં તો પુરાણા શબ્દોનું ખંડન કરે છે, તેને તોડે છે. જ્યારે ભારતમાં જે વિચાર-ક્રાંતિઓ થઈ તેમાં એક સ્વતંત્ર પ્રક્રિયા હતી. તેમાં પુરાણા શબ્દો કાયમ રખાયા અને તેમાં નવા નવા અર્થની કલમ કરવામાં આવી. પુરાણા શબ્દોની તાકાત અને નવા અર્થની મધુરતા આ બંને મળીને ભારતને એક નવો જ વિચાર મળતો થયો. પુરાણા શબ્દો કાયમ રહ્યા, સમાજને નવી નવી પ્રેરણા મળતી રહી.

‘યજ્ઞ’ શબ્દને લો. એક જમાનામાં પશુનું બલિદાન દઈને બ્રાહ્મણ પણ તેના પ્રસાદનું સેવન કરતા. પરંતુ માંસાહાર ત્યાગનો જમાનો આવ્યો, તો કરોડો લોકોએ માંસાહાર છોડ્યો. તેની સાથે પશુનું બલિદાન દેવાનું બંધ થયું. અને તેમ છતાં ‘યજ્ઞ’ શબ્દ ખંડિત ન થયો. એક નવો વિચાર તેમાં આવ્યો, તેણે જૂના અર્થને તોડીને સમાજને આગળ વધાર્યો. આને બદલે જો શબ્દ ખંડિત થઈ જાત, તો જ્ઞાન પરંપરા અખંડ ન ચાલત.

આમ, યજ્ઞ શબ્દનો વિસ્તાર થતો રહ્યો. સમાજસેવા માટે જે ત્યાગ કરવો પડે છે, તે યજ્ઞ છે. મનુષ્યમાં કેટલોક પશુ-અંશ પણ હોય છે. કામ-ક્રોધ-લોભ-મોહ એ માનવતા નહીં, પશુત્વ છે. એવા પશુત્વનું બલિદાન જ સાચું બલિદાન છે. એ રીતે યજ્ઞમાં ‘પશુ’ને બદલે આવા ‘પશુત્વ’નું બલિદાન આપવાનું સ્વીકારાયું. આમાં સમાજ આગળ વધ્યો, અને જીવનનો પ્રાણરસ પણ ખંડિત ન થયો. વૃક્ષ સાથે જોડાયેલી રહીને જ શાખાઓ સજીવ રહી શકે છે. વૃક્ષ છે પ્રાચીન પરંપરાઓ અને શાખાઓ છે નવા સંસ્કાર. આપણે નવા નવા સંસ્કાર ગ્રહણ કરતા રહીએ, પણ પ્રાચીન પરંપરાનો નાતો તોડી નવા સુધારા કરવા જઈએ છીએ તો તેનાથી તાકાત નથી વધતી અને મૂળ ઊંડા ન રહેવાથી સ્થિર બુદ્ધિને બદલે માનસિક ચંચળતા પેદા થાય છે. પ્રાચીન પરંપરાનો સ્પર્શ શક્તિ પ્રદાન કરે છે અને નવો સંસ્કાર માધુર્ય ઉત્પન્ન કરે છે. ભારતમાં બેઉનો સમન્વય થયો છે.

જૂના શબ્દોમાં નવા અર્થ ભરીને એમનો વિકાસ કરતા રહેવો, એ અહિંસક ક્રાંતિની પ્રક્રિયા જ છે. ‘ભૂદાન’ના ‘દાન’ શબ્દને લઈને લોકો કહેવા લાગ્યા કે વિનોબા તો ભિક્ષા માંગવા નીકળ્યા છે. પણ મેં શંકરાચાર્યનું ભાષ્ય આગળ ધર્યું – ‘દાનં સંવિભાગ:’ દાન એટલે સમ્યક્‌ વિભાજન. શંકરાચાર્યે જ નહીં, બુદ્ધે પણ કહ્યું છે, ‘યમાહુ દાનં પરમં અનુત્તરં. યં સંવિભાગં ભગવા અવણ્ણયી.’ આ રીતે બે હજાર વરસોમાં ‘દાન’ શબ્દના અર્થનો વિસ્તાર થતો રહ્યો.

સારાંશ, આપણી આ જે પરંપરા રહી છે, તેમાં જૂના શબ્દોને કાયમ રાખવાની સ્થૂળ કલ્પના નથી પણ અર્થ બદલતા રહેવાની, અર્થનો વિસ્તાર કરતા રહેવાની જ આખી પ્રક્રિયા છે. પ્રાચીન કાળની જ્ઞાનધારા ને વિચારધારાને અખંડિત રાખી તેનો વિકાસ કરતા રહેવાની આ પ્રક્રિયા છે. આને લીધે શબ્દ-શક્તિ પુષ્ટિ થતી રહે છે.

સંસ્કૃતના શબ્દો બોલે છે. હસ્ત એટલે હસાવનાર. અરે! તમે કામ કરો તો હસશો. આખી સૃષ્ટિમાં જે હાસ્ય છે તે હાસ્ય આ હાથમાં સમાયેલું છે. દુનિયા હસે છે, જો આપણે કામ કરીશું તો. લક્ષ્મી પેદા થાય છે તો આખી સૃષ્ટિ હસે છે. નદી એટલે જે નિનાદ કરે છે. ગંગા ગં ગં ગં અવાજ કરનારી. સરિતા સર સર વહેનારી. આમ બોલકા શબ્દ નવી દ્રષ્ટિ આપે છે. પૃથ્વીનું નામ એટલા માટે ધરા છે કે તે ધારણ કરે છે. તે પૃથ્વી ક્યારે કહેવાશે? જ્યારે તે ફેલાયેલી હશે. જ્યારે તેનું વજન – ભાર ધ્યાનમાં લેશું ત્યારે તે ગુર્વી કહેવાશે. ઊર્વી એટલે વિશાળ. ‘ભૂમિ’ એટલે જાતજાતના પદાર્થો પેદા કરનારી. ‘ક્ષમા’ એટલે સહન કરનારી. આપણે લાત મારીએ તો ય એ સહન કરી લે. આ પૃથ્વીના પાંચ દસ નામ છે, તે નકામો પરિગ્રહ નથી. એક એક શબ્દ ગુણવાચક છે. એક એક શબ્દની સાથે તેના એક-એક ગુણ ધ્યાનમાં આવશે.

અશ્વ એટલે ‘ઘોડો’ આ અર્થ રૂઢ છે. પરંતુ આરંભમાં તે એવો અર્થ નહીં હોય. એક ઝડપથી દોડનાર પ્રાણી જોયું. તેની તે ક્રિયા તરફ ધ્યાન ગયું. તેથી કોઈએ ‘અશ્વં અશ્વ:’ એટલે કે ‘તેજ દોડનાર’ એવું કહ્યું હશે. કોઈકનું ધ્યાન તે બહુ ખાય છે તે તરફ ગયું હશે તેથી ‘અશ અશ’ એટલે કે બધું ખાનારો, એવું કહ્યું હશે. જ્યારે સ્ફૂિર્ત, ચપળતા જેવા ગુણો તરફ ધ્યાન ગયું હશે ત્યારે ‘ખાવાવાળો’ એ અર્થ છોડવો પડ્યો હશે. શબ્દોને અર્થનો ભાર નથી લાગતો. પરંતુ પછીથી એક રૂઢ સામાન્ય અર્થ આવી મળે છે. પણ વૈદિક શબ્દ સૂક્ષ્મ અર્થથી ભરેલા હોય છે. અને આગળ જતાં લૌકિક અર્થ નીકળે છે. સૂક્ષ્મમાંથી સ્થૂળ, અવ્યક્તમાંથી વ્યક્ત એ તો સૃષ્ટિનો નિયમ છે. એક એક શબ્દ તરફ જોવાની એક એક દ્રષ્ટિ છે. તેથી દરેક શબ્દ જાનદાર, પ્રાણવાન, જોરદાર છે અને તે બોલકો બને છે.   

જે ચીજ જે ભૂમિમાંથી નીકળે છે તેને સમજવા માટે એ ભૂમિના હૃદય સાથે જોડાયેલા રહેવું જોઈએ. એ શબ્દ કયા વાતાવરણથી, કઈ ભૂમિમાંથી નીકળ્યો છે તેને સમજવું જીએ.

આમ, સંસ્કૃત શબ્દોમાં વિચાર ભર્યો છે. એટલા વાસ્તે દરેક શબ્દ આપણી સાથે વાત કરે છે. અંગ્રેજી શબ્દ આવી રીતે વાત નથી કરતો. દાખલા તરીકે ‘વોટર’ શબ્દ આપણી સાથે વાત નથી કરતો. પરંતુ સંસ્કૃત શબ્દ આપણી સાથે વાત કરવા લાગે છે. ‘પય:’ એટલે પોષણ કરનારો. ’પાનીયમ્‌’ એટલે તૃપ્ત કરનારો. ‘ઉદક’ એટલે અંદરથી બહાર આવેલો. ‘સમુદ્રમ્‌’ એ નાનો અમથો શબ્દ જણાય છે, પણ તે વાત કરે છે. ‘સમ’ એટલે ચારે તરફ સમાન રૂપે ફેલાયેલો. ‘ઉદ્‌’ એટલે ઊંચો ઉઠેલો, ઊંચે ઊઠેલું પાણી. ‘રમ’ એટલે આહ્લાદક જે ખેલી રહ્યો છે, રમી રહ્યો છે, આનંદ આપી રહ્યો છે. તો, ‘સમુદ્રમ્‌્’ એટલે સમ+ઉદ+રમ. ‘સમુદ્રાત્‌્ ઊર્મિ: મધુમાન ઉદારત્‌્’. વેદમાં કહ્યું છે: આ હૃદયમાં સમુદ્ર સમાન અસંખ્ય ભાવનાઓ ઊઠે છે. આ હૃદય જાણે સમુદ્ર જ છે. સમુદ્રનું દ્રશ્ય આ હૃદયમાં પ્રગટ થાય છે. આની સામે ‘સી’ (sea) શબ્દ કેવો ફિક્કો લાગે છે! છે એક પદાર્થ, બસ એટલું જ. તે શબ્દ બોલતો નથી. મૂંગો છે.

‘ઉદ્યાન’ શબ્દ લો. સામાન્ય બગીચો ઉદ્યાન ન કહેવાય. ‘ઉદ્યાન’ એટલે ‘ઉદ્દ + યાનમ્‌’ – વસ્તીથી જરા દૂર, ઊંચા સ્થાને બનાવેલ બાગ. ઊંચાઈએ આવેલ હોવાથી સારી હવા આવશે, ત્યાં ચઢીને જતાં આનંદ આવશે.

‘ચિત્ર’ શબ્દ લો. ‘પિક્ચર, તસ્વીર’ એ શબ્દો તો કાંઈ બોલતા નથી. સાવ ચૂપ છે! પણ ‘ચિત્ર’ એટલે? ચિત્તને રામાડનારું, ચૈતન્યને રામાડનારું. ‘ચિત્ર’ શબ્દ સાંભળતાં જ એક વિરાટ રૂપ નજર સામે ખડું થઈ જાય છે.

‘દુગ્ધમ્‌’ એટલે દોહન કરનારું, સારરૂપ. ‘ધૃતમ્‌’ એટલે અત્યંત પવિત્ર, નિર્મળ, કચરો કાઢી નાખેલું. ‘ધૃતં મે ચક્ષુ:’. વિશ્વામિત્ર બોલી રહ્યા છે: મારી આંખ એટલે ઘી છે. અંગ્રેજી કે બીજી કોઈ ભાષામાં મેં આ નથી જોયું કે કોઈ કહે, મારી આંખ ઘી છે! ‘ધૃતં મે ચક્ષુ:’ કહ્યું તો તેનો અર્થ એ છે કે મારાં ચક્ષુ એટલાં પવિત્ર છે કે તેમાં કોઈ પ્રકારનું પાપ ગ્રહણ કરવાની શક્તિ નથી, તે અત્યન્ત નિર્મળ ને સ્વચ્છ છે.

સંસ્કૃતના શબ્દકોશમાં ય કાવ્ય રહેલું છે. એક શબ્દની કેટલી બધી રીતે વ્યુત્પત્તિ થાય છે! એક જ શબ્દના અનેક અર્થ અને એક અર્થના અનેક શબ્દ. આને લીધે સંસ્કૃતમાં નિર્મળતાથી વાક્‌-પ્રકાશન જેટલું થઈ શકે છે તેટલું ભાગ્યે જ કોઈ બીજી ભાષામાં થતું હશે.

‘ઘટ’ શબ્દ છે. ઘટ એટલે ઘડો. પરંતુ ઘટ એટલે શરીર, એવો ય અર્થ થાય છે. પાણીથી ભરાયેલા ઘડાથી, પૂર્ણ કુંભથી આપણે સ્વાગત કરીએ છીએ ત્યારે આપણે શું બતાવવા માગીએ છીએ? એ જ કે અમારું આખું હૃદય ભક્તિભાવથી ભર્યું છે. આ અર્થમાં ય ‘ઘટ’ શબ્દ કામ આપશે. નાનકે કહ્યું છે, “પ્રભુ ઘટ-ઘટમાં ભર્યો છે.” કહેવાનો મતલબ એ કે ‘ઘટ’ શબ્દમાં આ જે ખૂબી છે, તે ખૂબી ‘પોટ’ (pot) શબ્દમાં નથી. અંગ્રેજી, ફ્રેન્ચ વગેરે શબ્દો આપણને એમની અંદર પ્રવેશવા નથી દેતા.

‘ચક્ષુ’ શબ્દ છે. ‘ચક્ષ’ ધાતુ નિર્મળતા ને સ્વચ્છતાની દ્યોતક છે. આંખથી આપણે જેટલું બોલીએ છીએ તેટલું મોંથી નથી બોલતા. આપણને ગુસ્સો આવે છે, તો આંખ બોલે છે. અંદર કરુણા હોય છે, તો આંખ બોલે છે. શબ્દ કરતાં ય વધારે પ્રકાશ આંખ પાડે છે. એવી રીતે ‘વાચક્ષતે’ એટલે વ્યાખ્યાન આપવું. ચક્ષુ પરથી જ વ્યાખ્યાન શબ્દ નીકળ્યો છે. હિન્દુસ્તાનના લોકોને વ્યાખ્યાન કરતાં મહાપુરુષોના દર્શન પર શ્રદ્ધા છે. એમની આંખ દ્વારા જે દેખાય છે, તે બીજા કશાથી પ્રગટ નથી થતું. મહાપુરુષોની આંખોમાં કારુણ્ય ભર્યું હોય છે.

‘કારુણ્ય’ એટલે શું? ‘મર્સી’, ‘કાઈન્ડનેસ’ ગમે તે કહો, અર્થ પ્રગટ નથી થતો. પરંતુ ‘કરુણા’ શું કહે છે? તે કાઈં ને કાઈં કરવાની પ્રેરણા આપે છે. હૃદયમાં પ્રેમ છે, પણ કરવાની પ્રેરણા નથી, તો તે કરુણા નથી. કરુણા ચૂપ નથી બેસતી. તે કંઈ ને કંઈ કરવા પ્રેરે છે. તે બેસવા નથી દેતી. હવે, આપણી ‘બુદ્ધિ’ છે, તે બોધ આપે છે. તે તેનું વિશેષ લક્ષણ છે. ‘કરુણા’નું વિશેષ લક્ષણ છે, કાંઈ ને કાંઈ કરી છૂટવાની પ્રેરણા આપવી.

શુભ્ર વસ્ત્ર છે. ‘શુભ્ર’ એટલે શું? શુભ્ર એટલે પવિત્ર, માત્ર ‘વ્હાઇટ’ નહીં. ‘શુભ’ શબ્દ સાથે તેને સંબંધ છે. શોભા સાથે તેને સંબંધ છે. તો, ‘શુભ્ર’માં સૌંદર્ય તેમ જ પાવિત્ર્યને એક કરી દીધાં છે. આકાશમાં શુક્ર તારાનો ઉદય થાય છે. શુક્ર પવિત્ર છે. ‘શુચિ’ શબ્દથી ‘શુક્ર’ થયો છે. તેને જોઈએ છીએ, તો પવિત્રતાની ભાવના પ્રગટ થાય છે.

સૂર્ય છે તે પ્રેરણા આપે છે. ‘સૂ’ ધાતુ પરથી ‘સૂર્ય’ શબ્દ બન્યો છે. ‘સૂ’ એટલે પ્રેરણા આપવી. ’મિત્ર’ શબ્દ છે. મિત્ર શું કરે છે? પ્રેમ કરે છે. સૂર્યને આપણે ‘મિત્ર’ સંજ્ઞા આપીએ છીએ. સૂર્ય પ્રખર હોવા છતાં આપણે તેના કિરણોથી ગભરાતા નથી. મિત્ર તો તે છે, જે આપણી પાસે કામ કરાવે છે. આપણે સૂતા રહેતા હોઈએ તો, તે જગાડે છે; બેઠા હોઈએ, તો ચલાવે છે, ક્રિયાશીલ બનાવે છે. સૂર્ય આવું બધું કરનારો આપણો મિત્ર છે. ‘પ્રેમથી સહુની સેવા કરનારો’ એવો ય અર્થ તેમાં આવે છે.

તાતપર્ય કે, આવી સાહિત્ય શક્તિ, શબ્દ-શક્તિ ભારતમાં છે. તેના તરફ હજી સુધી ધ્યાન નથી ગયું, પણ જવું જોઈએ. શબ્દની શક્તિ આપણે ઓળખવી જોઈએ. આપણે સમ્યક્‌ શબ્દનો ઉપયોગ કરીએ. શબ્દ-શુચિત્વનું ય ધ્યાન રાખીએ. શુદ્ધ શબ્દથી આચાર-વિચાર પણ શુદ્ધ થશે અને ચિંતન પણ શુદ્ધ થશે.

[સંકલિત]

સહયોગ : “ભૂમિપુત્ર”, 16 જૂન 2016; પૃ. 01-02 & 17

મુદ્રાંકન સૌજન્ય : આશાબહેન બૂચ

Loading

...102030...3,5203,5213,5223,523...3,5303,5403,550...

Search by

Opinion

  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318
  • બાલદિને જાગતો સવાલ : ગિજુભાઈનું ‘દિવાસ્વપ્ન’ સાકાર થશે? 
  • વૈશ્વિક સ્તરે નારી-હત્યા નાં ચોંકાવનારા આંકડા

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved