Opinion Magazine
Number of visits: 9456615
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શીલા : અધઃપતન અને પુનરુત્થાનની ગાથા

સુરેશ જાની|Opinion - Opinion|17 November 2024

પ્રારંભ 

 પર્વતના ઉત્તુંગ શિખર ઉપર તે પોતાના ગર્વમાં મુસ્તાક મલકી રહી હતી. ભૂમિ પરનાં બધાં તત્ત્વો દૂર તળેટીમાં સાવ વામણા લાગતાં હતાં. સૌથી નજીકનાં લીલાં શંકુદ્રુમ વૃક્ષો પણ નાના છોડવા જેવા ઘણે દૂર, નીચે મગતરાં જેવાં લાગતાં હતાં. એ કાળમીંઢ ચટ્ટાન આખા જગતના છત્રપતિ જેવો ભાવ ધારણ કરી પોતાની એકલતાના સામ્રાજ્યમાં રમમાણ હતી. તેને કશાનો ડર ન હતો. કોઈ તેની પાસે ઢુંકી શકે તેમ ન હતું. એક મહાન ઈશ્વર જેવા તેના હોવાપણાના ગર્વમાં તે શીલા મહાલી રહી હતી. કોની મગદૂર છે તેના એક કણને પણ ચળાવી શકે? ઓતરાદા પવન હોય કે દખણાદા; હમ્મેશ ધવલ બરફના વાઘા તે હમ્મેશ ધારણ કરી રાખતી. કોઈ ઉષ્માની, સૂર્યના કોઈ કિરણની મગદૂર ન હતી, તેના આ વાઘાને લવલેશ ઊતારી શકે. ધવલગિરિનું આ સૌથી ઊંચું શિખર સંસારનું સર્વોચ્ચ બિન્દુ હતું તેવો તેને દર્પ હતો.

એક કાજળકાળી, ઘનઘોર રાતે નભોમંડળમાં કાળાંડિબાંગ વાદળો આ શિખરથી ઘણે ઊંચે ઘેરાયેલાં હતાં. શીલા તેની એકલતામાં એક નાનો શો ભય દિલમાં ધારણ કરીને બેઠી હતી. કાંઈક છુપો અણસાર તેના દર્પને પડકારી રહ્યો હતો. આ પોચાં ગાભાં જેવાં વાદળ  તેનાથી ઘણે ઉપર જાણે તેની હાંસી ઉડાવી રહ્યાં હોય તેવો તેને આભાસ થતો હતો. તે ઘણે ઊંચે હતાં અને તેનાથી ઘણાં મોટાં હતાં. પણ વાયરો તેમને હમણાં તાણી જશે તેની તેને ખાતરી હતી. હમ્મેશ આમ જ બનતું આવ્યું હતું. વાદળો વિખેરાઈ જતાં, અને શીલા પોતાની મગરૂરીમાં પાછી મહાલવા માંડતી. પણ આજની રાત વિલક્ષણ હતી. કાંઈક અણધાર્યું બનવાનું છે તેવા ભયનો ઓથાર તેના ચિત્તને કોરી રહ્યો હતો.

અધઃ પતન

અને એ વાદળાં ટકરાયાં. વિદ્યુતનો એક કડાકો થયો. પહેલાં પણ આમ ઘણી વાર બનતું હતું અને શીલા થરથરી ઉઠતી. એ વીજળીની ક્રોધભરી નજર અચૂક પેલાં વામણાં વૃક્ષો  ઉપર પડતી અને તે સળગી ઉઠતાં. બસ એવા સમયે શીલાને તેમના માટે ઘડી બે ઘડી કરુણા ઉપજતી. પણ આજે આ વીજળીબાઈના મગજમાં શું થયું કે, તેણે પોતાનો ગુસ્સો ઠાલવવા આ શીલાને લક્ષ્ય બનાવી. આજે એ કડાકો શીલાના મસ્તક ઉપર તાટક્યો. પણ એ કાંઈ થોડી જ પેલાં નિર્માલ્ય વૃક્ષો જેવી હતી? એક ક્ષણ એ થથરી અને પછી બધું હતું તેમનું તેમ.

બધાં તોફાન શાંત થઈ ગયાં. બીજા દિવસના સવારના ઉજાસમાં શીલાએ પોતાના દેહ પર નજર કરી. એક નાનીશી તરડ તેના ઉત્તુંગ શિખરની એક કિનારી ઉપર સર્જાઈ હતી. ક્ષણ બે ક્ષણ માટે પોતાની અજેયતા ઉપર શીલાને શંકા પેદા થઈ. પણ તેણે તે વિચાર ખંખેરી નાંખ્યો. પણ ગઈ રાતના તોફાની વરસાદે એ તરડમાં થોડું પાણી જમા કરી દીધું હતું.

‘ઠીક, હશે! આ ક્ષુદ્ર જીવડાં જેવું પાણી મારું શું બગાડી દેવાનું હતું?’ – શીલાએ વિચાર્યું.

હવે દિવસમાં પાછું ઠંડીનું મોજું આવ્યું અને બરફ વર્ષા શરૂ થઈ ગઈ. પાણીનાં એ થોડાં ટીપાં પણ બરફ બની ગયાં. શીલાને અકળામણ થઈ. આ ક્ષુદ્ર જંતુઓ તેને દબાવી રહ્યાં હતાં. છટ્. આવાની તો એસી તેસી. પણ તેણે જોયું કે પેલી તરડ તો થોડી લાંબી બની હતી. બીજો વરસાદ અને થોડું વધારે પાણી ‘માન ન માન પણ હું તારો મહેમાન’ કરીને આ તરડમાં ઘૂસી ગયું. ફરી બરફ અને ફરી એ અકળામણ.

તરડ તો મોટી ને મોટી થતી જતી હતી. અજેય, અવિચળ એ શીલાના દર્પભંગનો  પ્રારંભ થઈ ચૂક્યો હતો.

ફરી વાદળ ઘેરાયાં અને ફરી વીજળી તાટકી. આ વખતે તેની ટોચના બીજા પડખે બીજી તરાડ ઊભરી આવી. કાળક્રમે તે પણ વધતી ચાલી. ચાર પાંચ વરસ વીતી ગયાં અને ઉત્તુંગ શીલાને પહેલી વાર ઘડપણ આવ્યું હોય તેમ લાગવા માંડ્યું. તેના દેહ પર પાંચ છ તરાડો હવે ઘર કરી બેઠી હતી અને દિન પ્રતિદિન તે વધતી જતી હતી. તેના દર્પને સ્થાને હવે એક અજ્ઞાત ભય ઘર ઘાલી બેઠો હતો. કશુંક અમંગળ બનવાનું છે તેવી ધાસ્તિ તેને લાગી રહી હતી.

અને એવા જ એક અમંગળ દિવસે ધવલગિરિ ધણહણી ઉઠ્યો. આખી ધરતી કંપી રહી હતી. એ કંપનો એક ઉલાળો અને શીલા તહસ નહસ થઈને ધવલગિરિથી છૂટી પડી ગઈ. પર્વતના ઢોળાવ પર તે ગબડવા લાગી. કોઈ તેને બચાવી શકે તેમ ન હતું. પર્વતની કોર આગળ આવીને તે ઊભી. પેલાં ક્ષુદ્ર વૃક્ષોએ તેને ટેકો આપ્યો. તેની અધઃપતનની ગતિ રોકાણી. તે વૃક્ષોને ચગદી શીલા અટકી ગઈ હતી.

તેની ભયમાં બંધ થયેલી આંખો ખૂલી. અને એક પ્રચંડ ભય તેના સમગ્ર હોવાપણાને થરથરાવી ગયો. જેનું ઊંડાણ કળી ન શકાય તેવી ભયાનક ખીણની ઉપર, પર્વતની એક કોર ઉપર તેનો નવો મુકામ હવે થયો હતો. જે તળેટીઓની તે હાંસી ઉડાવતી આવી હતી, તે તળેટીઓ તેને નીચે આવવા આમંત્રણ આપી રહી હતી.

પોતાના વિતેલી ઉત્તુંગતાના મહાન દિવસો યાદ કરી, શીલા પોશ પોશ આંસુડાં સારી રહી હતી.

કંઈ કેટલાં ય વર્ષ  વીતી ગયાં – આમ પર્વતની કોરે લટકતા રહીને. શીલાને આધાર આપી પોતાના પ્રાણની આહૂતિ આપનાર વૃક્ષો તો ક્યારના ય નામશેશ થઈ ગયા હતા. પર્વતની જે કોરને શિખર પર બિરાજેલી શીલા તુચ્છકારથી મગતરા જેવી ગણતી હતી; તે જ કોર આજે તેના અસ્તિત્વનો આધાર બની રહી હતી. પણ તેની નીચેની ધરતી દર સાલ વરસાદને કારણે ધોવાતી રહી. જે આધાર પર શીલા ટેકવાઈને બેઠી હતી, તે આધાર પણ હવે નિર્બળ થવા માંડ્યો. કોક દુર્ભાગી પળે એ ધરતીના કણ સરકવા માંડ્યા. મોટું પોલાણ થઈ ગયું. શીલાના વજનને ટેકો આપી રહેલી માટી જ ન રહી. રહીસહી માટી સાગમટે ધસી પડી. શીલાએ પોતાનું સમતુલન ગુમાવ્યું. એક પ્રચંડ ધડાકા સાથે શીલા હજારો ફૂટ ઊંડી ખીણમાં ફંગોળાઈ ગઈ. હર ક્ષણે તેના પતનનો, વિનિપાતનો વેગ વધવા માંડ્યો. છેવટે જ્યારે તે ખીણના દુર્ગમ પાતાળ સાથે  અફળાઈ, ત્યારે તેના સહસ્ર ટુકડા થઈ ગયા. એક ટુકડો આમ પડ્યો તો બીજો તેમ.

તેનું શિખર પરના ભૂતકાળનું ગૌરવ નામશેષ થઈ ગયું.

એ સલ્તનત સંકેલાઈ ગઈ.

એ દર્પ સમયના વહેણમાં ક્યાં ય ઓગળી ગયો.

એ ઉન્મત્તતાનો કોઈ અવશેષ ન બચ્યો.

તેનો કોઈ ઇતિહાસ ન લખાયો.

હવે તો તેના વારસ જેવી ભેખડો પરથી પર્વતનાં ઝરણાંથી પુષ્ટ બનેલી જલધારાઓ પ્રચંડ પ્રપાત બનીને અફળાતી રહી. શીલાના ફરજંદ નાના મોટા પથ્થરો આ પ્રપાતમાં ઘસાતા રહ્યા, આમથી તેમ અફળાતા રહ્યા. જે કોઈ નાના ટુકડાઓ હતા તે, પાણીના પ્રવેગમાં ખેંચાઈ આગળ ધકેલાતા ગયા, હડસેલા ખાઈ ખાઈને તેમની તીવૃ ધારો ઘસાતી રહી. તેનાં મૂળ પ્રતાપના બધા અવશેષ નામશેશ થતા રહ્યા. લાખો વરસની આ સતત પ્રક્રિયાએ મોટાભાગના ટુકડાઓનું રૂપ જ જાણે બદલી નાંખ્યું. એ સૌ ધવલગિરિના શિખરે બેઠા હતા તે યાદો પણ ભુલાવા માંડી. પવનના સુસવાટા સિવાય જ્યાં કોઈ અવાજ શીલાને સંભળાતો ન હતો; ત્યાં સતત જલપ્રપાતનો ઘોર રવ દિન રાત તેના શ્રવણને બધીર બનાવતો રહ્યો. ક્રૂર વર્તમાનની થાપટો ખાતાં ખાતાં દુર્દશા જ તેમની દશા બનતી રહી.

‘સગાં દીઠાં મેં શાહઆલમનાં,

ભીખ માંગતાં શેરીએ..’

પુનરૂત્થાન

જ્યારે શીલાના આ સંતાનો નદીના પ્રવાહની સાથે તણાતા મેદાનો સુધી આવી પહોંચ્યા, ત્યારે તે સૌ માંહોમાંહે બાખડીને ચળકતી રેતીના સાવ નાનાં કણ જ બની ગયા હતા. હવે તેનો પ્રતાપ ઓસરી ગયો હતો, જે શીલાની ઉપર એક તરણું પણ ઊગવાની હેસિયત કરી શકતું ન હતું, તેની અંદર ભાતભાતની વનસ્પતિ ઊગવા લાગી. વિવિધ કિટકો તેમાં પોતાનો આવાસ બનાવી રહ્યા. તેમના રેશમ જેવા નાજુક પોતમાં પશુ પંખીઓ કિલ્લોલ કરવા માંડ્યાં. બાળકો રેતીના કિલ્લા બનાવી મોજ માણવા લાગ્યા. તેના ઢગલાઓમાં માટી કે ચુનો ભેળવી માણસો પોતાના નિવાસો બનાવવા લાગ્યા. જે શીલા ઉત્તુંગ શિખરે પોતાના એકલવાયા, એક્દંડિયા મહેલમાં મદમાં ચકચૂર બની મહાલતી હતી, તેના વારસોની વચ્ચે માનવજીવન ધબકવા લાગ્યું. સંસ્કૃતિના પાયાની ઈંટો શીલાના આ શત શત વિન્યાસ પર ચણાવા લાગી.

કોઈ સુભગ પળે, નદીના ઉપરવાસમાં રખડતા કોઈ માનવને હાથે હજુ મેદાન સુધી ન પહોંચેલો શીલાનો એક ટુકડો આવી ગયો. તેની હેરતભરી આંખો આ ચળકતા, લિસ્સા પથ્થરને જોઈ રહી. તેણે એ ટુકડાને ઊઠાવ્યો અને વસ્તીમાં પોતાના મિત્રોને બતાવવા લઈ ગયો. અણિશુદ્ધ અંડાકાર અને ચમકતા નખશીષ કાળા આ પથ્થર માટે સૌને અહોભાવ ઉપજ્યો. કદી કોઈએ આટલો મોટો અને અણિશુદ્ધ ગોળાકાર અને ચળકતા રંગનો પથ્થર જોયો ન હતો.

વસ્તીના મુખિયા જેવા વયોવૃદ્ધ વ્યક્તિએ કહ્યું, ‘અરે, આ તો ઉપરવાળાની મહેરબાની છે. આ તો સાક્ષાત પ્રભુ સ્વયંભૂ પ્રગટ્યા. ચલો આપણે તેમનું સન્માન અને અભિવાદન કરીએ.’

એ ગોળમટોળ પથ્થર દેવ બનીને ગામના મંદિરમાં બિરાજ્યો. મંગળ ગીત ગવાણાં અને આબાલ વૃદ્ધ સૌ અહોભાવથી ઈશ્વરના આ અવતારને નમી રહ્યા.

શીલાનો આ નવો અવતાર મનોમન વિચારી રહ્યો,

કયું ગૌરવ સત્ય?

પર્વતની ટોચ પરનું,

રેતીમાંનું

કે

આ સિંહાસને બિરાજેલા

કહેવાતા દેવનું?’

અને ઉપરવાળો શીલાની, આ ગોળ પથ્થરની, રેતીના કણોની અને માણસોની આ બાલિશતા પર મંદ મંદ સ્મિત કરી રહ્યો.

e.mail : surpad2017@gmail.com

Loading

ભારતીય હવાઇ ઉદ્યોગનું પરિવર્તનશીલ આકાશઃ મર્જર, પડકારો અને સરકારી નીતિઓ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|17 November 2024

2025 સુધીમાં ભારત ઉડ્ડયન ઉદ્યોગ વિશ્વનું સૌથી મોટું ત્રીજું એવિએશન માર્કેટ બની શકે છે પણ એ ત્યારે જ શક્ય છે કે સરકારી નીતિઓ અને ખાનગી એરલાઇન્સ વ્યૂહાત્મક નિર્ણયો લઇ તેના અમલીકરણ માટે સાથે મળીને કામ કરે

ચિરંતના ભટ્ટ

‘એર ઇન્ડિયા’ અને ‘વિસ્તારા’નું મર્જર થયાને અઠવાડિયું થયું છે. તાતા સન્સે એર ઇન્ડિયા કેરિયરને ખરીદ્યાના ત્રણ વર્ષ જાન્યુઆરીમાં થશે અને તેની પહેલાં જ વિસ્તરણ યોજના રૂપે એર ઇન્ડિયા અને વિસ્તારા એક થયા. વિસ્તારાની સર્વિસ હંમેશાં વખણાઇ, પણ નવ વર્ષ ચાલ્યાં પછી, પ્રિમિયમ ઇકોનોમી ક્લાસ ટ્રાવેલનો અનુભવ ભારતીય ફ્લાયર્સ લાવનાર એક માત્ર એરલાઇન હોવા છતાં પણ બિઝનેસ મોડલમાં ફેરફાર કર્યા વિના ટકી જવું વિસ્તારા માટે અઘરું થઇ પડ્યું. નવ વર્ષમાં વિસ્તારાની ઑપરેશનલ રેવન્યુ કૉસ્ટ 69 કરોડથી 15,191 કરોડ થઇ. ફ્લાઇટ સર્વિસ વધારી પણ ખોટ ભરપાઇ કરવું મુશ્કેલ જ હતું. નવ વર્ષના ગાળામાં વિસ્તારાના પ્રમોટર્સ તાતા સન્સ અને સિંગાપોર એરલાઇન્સે 10,020 કરોડનો ટેકો આપ્યો પણ સ્ટેક હોલ્ડર્સ માટે સારો અનુભવ સાબિત થયેલી વિસ્તારા શૅર હોલ્ડર્સ માટે નફાકારક ન રહી. એક ફૂલ કોસ્ટ કેરિયર તરીકેની સ્વતંત્ર ઓળખ જતી કર્યા પછી એર ઇન્ડિયા સાથે ભળી જઇને વિસ્તારાના શ્રેષ્ઠ અનુભવ એર ઇન્ડિયાના ગ્રાહકોને મળશે તેમ તો કહેવાઇ રહ્યું છે. જો કે સોશ્યલ મીડિયા પર એર ઇન્ડિયાની મોડી પડતી ફ્લાઇટ્સના દેકારાની વચ્ચે ખરેખર શું થશે એ તો વખત આવ્યે જ ખબર પડશે.

આમ જોવા જઇએ તો આ તાતાની જ બે એરલાઇન્સનું મર્જર છે જે તાતા ગ્રૂપના દેશી અને વિદેશી બન્ને ઉડ્ડયન માર્કેટને અને એર ઇન્ડિયાની બ્રાન્ડને મજબૂત કરવા માટે જરૂરી હતું. અત્યારે એર ઇન્ડિયા હવાઇ ક્ષેત્રે એક માત્ર ફુલ સર્વિસ એરલાઇન છે. ભારતના હવાઇ ક્ષેત્રે ઘણી એરલાઇન્સના ટેક ઑફ જોયા પણ પછી એરપોર્ટ હેંગરમાં કાયમ માટે પાર્ક થઇને અંતે બંધ થઇ જતી એરલાઇન્સ પણ જોઇ. કિંગ ફિશર, એર ડેક્કન, એર સહારા, જેટ એરવેઝ – આમાંથી જેટ એરવેઝ તો એક સમયે ભારતની સૌથી મોટી પ્રાઇવેટ એરલાઇન હતી – આ તમામ પ્રિમિયમ એવિએશન સેક્ટરે વેઠેલી મુશ્કેલીના દૃષ્ટાંત છે. તાતા ગ્રૂપે 2021માં સરકાર પાસેથી ખોટમાં ચાલનારી એર ઇન્ડિયા એરલાઇન્સને હસ્તગત કરી. વળી તાતા જૂથ માટે આ એક ઇમોશનલ નિર્ણય પણ હતો કારણ કે ભારતમાં હવાઇ ક્ષેત્રે પહેલી ઉડાન –  ભલેને એર મેલ સર્વિસ તરીકે હતી – પણ તાતા એરલાઇન્સ તરીકે 1932માં એર ઇન્ડિયાએ જ ઉડાન ભરી હતી.  એર ઇન્ડિયાનું રાષ્ટ્રિયકરણ 1953માં થયું અને તે ભારતનું ફ્લેગશીપ કરિયર બની રહી. ઇન્ડિયન એરલાઇન્સ સાથેના નિષ્ફળ મર્જર, ખોટનાં વર્ષો પછી સરકારે ફરી એર ઇન્ડિયાના ખાનગીકરણનો નિર્ણય લીધો ત્યારે એર લાઇન તાતા ગ્રુપ પાસે પાછી ફરી.

શરૂઆતથી આજ સુધી ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રે સરકારી નીતિઓ, ગ્રાહકોની માંગ અને કોર્પોરેટાઇઝેશનની અસર રહી છે. સરકારી નિયંત્રણ અને ખાનગી કેરિયર્સના દિવસોમાં ઉડ્ડયન ક્ષેત્રમાં થયેલી ચડતી-પડતી ઉદારીકરણથી એકીકરણના યુગમાં ઘણા બદલાવ થયા છે. ભારતીય એર સ્પેસમાં જે પણ એરલાઇન્સ હતી, ખાસ કરીને ખાનગી એરલાઇન્સ તેમને માથે ઑપરેશનલ કૉસ્ટનો સૌથી વધુ બોજો રહ્યો જેને પગલે દેવું મોટું થતું ગયું અને આર્થિક અસ્થિરતાએ ભલભલી એરલાઇન્સને ક્રેશ લેન્ડિંગ કરવા મજબૂર કરી. જો કે અત્યારની વાત કરીએ તો ભારતીય ઉડ્ડયન ઉદ્યોગ વિશ્વનું ત્રીજું સૌથી મોટું ડોમેસ્ટિક માર્કેટ છે. મધ્યમ વર્ગની ખર્ચો કરવાની ક્ષમતા વધી છે અને માટે જ ઇન્ડિગો, સ્પાઇસ જેટ અને ગો-એર જેવા લો કોસ્ટ કેરિયર્સનું પ્રભુત્વ છે. લો કોસ્ટ કેરિયર્સ એ ફુલ સર્વિસ એરલાઇન્સનો ઓછી કિંમતનો વિકલ્પ છે.  ફુલ સર્વિસ એરલાઇનમાં એર ઇન્ડિયા અને વિસ્તારા બે જ વિકલ્પો હતા જે હવે એક થઇ ગયા છે.

આપણા ઉડ્ડયન ક્ષેત્રના પડકારો સમજવા અનિવાર્ય છે. માર્કેટનો 85 ટકા હિસ્સો લો-કોસ્ટ એરલાઇન્સ પાસે છે અને તેઓ જે રીતે ભારતીય ગ્રાહકોને પકડી રાખે છે તેમાં ફુલ સર્વિસ એરલાઇન્સ માટે ટકવું અઘરું થઇ પડે છે.

સરકારની પહેલી UDAN – Ude Desh Ka Aam Naagrik – યોજના 2017માં લૉન્ચ થઇ. આ યોજના હેઠળ જ્યાં હવાઇ સેવાઓ નથી ત્યાં તે ખડી કરી, લોકલ કનેક્ટિવિટી વધારવાનો હતો. જો કે અમલીકરણના પડકારોને કારણે ‘ઉડાન’નો પ્રભાવ નહીં જેવો રહ્યો. બીજી તરફ ઇંધણની વધતી કિંમતો, એરપોર્ટ ફીઝ અને ટેક્સિઝની પણ એરલાઇન્સ પર ઘેરી અસર પડી જેને કારણે આર્થિક સ્થિરતા જાળવવી ઉડ્ડયન ઉદ્યોગ માટે અઘરું થઇ પડ્યું.

એવિએશન ઇન્ડસ્ટ્રી સામેના પડકાર

એવિએશન ટ્રિબ્યુનલ ફ્યુઅલ પર અત્યારે હાઇ ટેક્સ છે જેનો લગભગ 30-40 ટકા બોજો એરલાઇન્સને વેઠવો પડતો હોવાથી તેઓ ધાર્યો નફો નથી મેળવી શકતા તથા આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ સાથે સ્પર્ધા કરવામાં ભારતીય એરલાઇન્સ કાચી પડે છે.  સિવિલ એવિએશનમાં લાઇસન્સ, રુટ એપ્રુવલ્સ, કિંમતોની મર્યાદાઓ કાં તો બદલાતી રહે છે અથવા તો તેને લગતા નિર્ણયો બહુ જ મોડા લેવાય છે. વાંરવાર બદલાતી નીતિઓ અને અચોકસાઇને કારણે એરલાઇન્સનો વિકાસ રૂંધાય છે. મુંબઈ અને દિલ્હી જેવા એરપોર્ટ્સ પોતાની ક્ષમતા કરતાં વધુ કામ કરતાં હોવાથી ત્યાં વિલંબની અને યોગ્ય સેવાઓ ન હોવાની બૂમ પડતી રહે છે. એરપોર્ટની માળખાંકીય સેવાઓ અપૂરતી હોવાથી સ્થાનિક એવિએશન યોજનાઓ ટેક ઑફ વિનાની – માત્ર કાગળ પર રહી જાય છે. સરકારના નિયમોને આધિન રહેવામાં એરલાઇન્સની ઑપરેશનલ કોસ્ટ વધી જાય છે. સર્વિસને લગતી વાટાઘાટો ધીમી હોવાથી ભારતીય એરલાઇન્સને આંતરરાષ્ટ્રીય રૂટ્સ સરળતાથી નથી મળતા અને તેઓ કમાવાની તકો ખોઇ બેસે છે. એરપોર્ટ ફીઝને કારણે મોંઘી પડતી ટિકિટ્સ ગ્રાહકોની સંખ્યા પર અસર કરે છે. દેશની મેઇન્ટેનન્સ સર્વિસ પર તગડા જી.એસ.ટી.ને કારણે એરલાઇન્સને વિદેશી સેવાઓનો લેવી પડે છે જે પણ તેમના ગજવાં પર ભારે પડે છે. એરપોર્ટ પ્રાઇવેટાઇઝેશનની મોટી મોટી વાતો, અનેક નવા એરપોર્ટ શરૂ કરવાના દાવા પછી માળખાંકીય સુવિધાઓ ઝડપથી નથી ખડી થતી જેને કારણે એવિએશન ક્ષેત્રે ધાર્યો વિકાસ નથી થઇ શકતો.

2025 સુધીમાં ભારત ઉડ્ડયન ઉદ્યોગ વિશ્વનું સૌથી મોટું ત્રીજું એવિએશન માર્કેટ બની શકે છે પણ એ ત્યારે જ શક્ય છે કે સરકારી નીતિઓ અને ખાનગી એરલાઇન્સ વ્યૂહાત્મક નિર્ણયો લઇ તેના અમલીકરણ માટે સાથે મળીને કામ કરે. UDAN યોજના હમણાં તો બહુ ઊડી નથી રહી પણ નાના શહેરોમાં એરપોર્ટ્સની યોગ્ય જાળવણી, કનેક્ટિવિટીનો વિસ્તાર કરાય તો એરલાઇન્સ માટે પણ આવકના નવા સ્રોત ખડા થાય. વળી બદલાતા સમયને ધ્યાનમાં રાખી ભારતીય કેરિયર્સે સસ્ટેનેબલ ઇંધણ, હાઇબ્રિડ એરક્રાફ્ટ અને કાર્બન ઑફસેટ પ્રોગ્રામ્સની દિશામાં જોવું જોઇએ. એવિએશન ઇન્ડસ્ટ્રીને પર્યાવર્ણ લક્ષી બનાવવાની દિશામાં નીતિઓ ઘડાય તે પણ જરૂરી છે. ઉડ્ડયન ઉદ્યોગને બહેતર બનાવવા માટે એકીકરણ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, એર ઇન્ડિયા અને વિસ્તારા જેવા વ્યૂહાત્મક મર્જર્સના રન-વે પર દોડવું પડશે. સરકાર અને ઉદ્યોગ ક્ષેત્રના ભાગીદારીઓ એક થઇને ઉડ્ડયન ઉદ્યોગના પડકારોને ઉકેલવા કામ કરવું રહ્યું નહીંતર વૈશ્વિક સ્તરે ત્રીજા નંબરે સૌથી મોટા એવિએશન માર્કેટની ઓળખ બનાવવાની ફ્લાઇટ આપણે ચૂકી જઇએ એમ બને. આપણે વૈશ્વિક સ્તરે આર્થિક રીતે સક્ષમ દેશની ઓળખ ઘડવા માટે એક પ્રેક્ટિકલ અને વ્યવસાયી અભિગમથી નિર્ણયો લેવાય તે જરૂરી છે. વ્હાલાં દવલાં કરવાથી આપણા હવાઇ ઉદ્યોગનો વિકાસ અટકશે, રાષ્ટ્ર વિકસે તે માટે કોઇ એક જૂથના હાથમાં ધૂરા આપી દેવાની ભૂલ સરકારે ન કરવી જોઇએ અને બજારમાં મોકળાશ હશે, બીજા ભાગીદાર હશે તો સ્પર્ધાને સારી રહેશે અને ફાયદો ટેક્સ ભરનારા અને પૈસા ખર્ચનારા ગ્રાહકોને મળશે.

બાય ધી વેઃ 

ભારતમાં ઉડ્ડયન ઉદ્યોગનો ઇતિહાસ પણ તાતા જૂથે શરૂ કર્યો અને ભવિષ્યનું સુકાન પણ તેમના જ હાથમાં છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તાજેતરમાં થયેલું મર્જર ગ્રાહકો માટે ફાયદાકારક સાબિત થશે તેમ એક્સપર્ટ્સનું માનવું છે અને તાતા જૂથ પણ આ મર્જરથી 2027 સુધીમાં 1,800 કરોડની બચત કરી શકશે તેવો અંદાજ છે. ભારતમાં અત્યારે 486 એરપોર્ટ, એર સ્ટ્રીપ અને એરોડ્રમ્સ છે, તેમાંથી અંદાજે 145 એરપોર્ટ્સ પૂરી રીતે ચાલુ છે. બાકીના નોન-ઑપરેશનલ એરપોર્ટ્સ ડિફેન્સ કે તાલીમના હેતુથી વપરાય છે. અદાણી જૂથ પાસે છ મોટા એરપોર્ટ છે, જેને કારણે ઇજારાશાહીના જોખમ સામે અંગૂલીનિર્દેશ થયો છે. વળી બિડિંગ પ્રોસેસમાં પારદર્શિતા ન હોવી, એરપોર્ટની બિડ્ઝ જીતનાર અદાણી જૂથ બિનઅનુભવી છે તો કઇ રીતે છ મોટા એરપોર્ટને ચલાવવામાં ગુણવત્તા જાળવશે તેવા પ્રશ્નો પણ કરાયા છે. સરકારે એક આખા ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાની દિશામાં ટેક ઑફ કરવું જરૂરી છે, ખાનગીકરણનો વાંધો નથી તેનો લાભ મેળવનારા સિમિત ન હોવા જોઇએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 નવેમ્બર 2024

Loading

વિશ્વપ્રજા ઊંધી દિશામાં કેમ જઈ રહી છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|17 November 2024

રમેશ ઓઝા

જે માણસને બબે વાર ઇન્પીંચ કરવામાં આવ્યો હોય, જે માણસ અદાલતમાં ગુનેગાર સાબિત થઈ ચુક્યો હોય (અમેરિકન અદાલત ૧૭મી સપ્ટેમ્બરે સજા સંભળાવવાની હતી, પણ કોઈ કારણસર જજે સજા સંભળાવવાનું ૨૬મી નવેમ્બર સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો.) જે માણસે ખુલ્લેઆમ પોતાના સમર્થકોને ઉશ્કેરીને અમેરિકન લોકતંત્રના મંદિર સમાન કેપિટોલ હિલ પર હુમલો કરાવીને અમેરિકન લોકતંત્રનું અપમાન કર્યું હોય, જે માણસનો પ્રમુખ તરીકેનો કાર્યકાળ ફૂહડ જેવો હોય, જે માણસના નેતૃત્વમાં કોવીડ મહામારીના મેનેજમેન્ટમાં અમેરિકાનું નાક કપાયું હોય અને દસ લાખ અમેરિકનોએ પ્રાણ ગુમાવ્યા હોય, જે માણસ સ્ત્રીઓ માટે હલકા વિચારો ધરાવતો હોય અને વ્યક્ત પણ કરતો હોય અને જે માણસને શાસક તરીકે અને માણસ તરીકે અમેરિકન પ્રજાએ દરેક રીતે અને સારી રીતે ઓળખી લીધો હોય, એ પછી પણ જો પ્રજા ૨૦૧૬ કરતાં વધુ ભવ્ય રીતે ચૂંટે ત્યારે એનો અર્થ એ જ થાય કે અમેરિકન નાગરિકોએ ડોનાલ્ડ ટ્રમ્પ નામના ઉમેદવારને પસંદ નથી કર્યો પણ, ટ્રમ્પ વિચારધારા, ટ્રમ્પ મૂલ્યો અને ટ્રમ્પ શૈલી પસંદ કરી છે. તેમને તે જોઈએ છે. લંડનથી પ્રકાશિત થતાં વિશ્વ પ્રતિષ્ઠિત અખબાર ‘ધ ગાર્ડિયને’ ટ્રમ્પઘટનાને “This is an exceptionally bleak and frightening moment for the United States and the world” તરીકે ઓળખાવી છે, પણ અમેરિકન નાગરિકોને તેમ નથી લાગતું.

ડોનાલ્ડ ટ્રમ્પને સાર્વત્રિક વિજય મળ્યો છે. અમેરિકાનાં ૫૦ રાજ્યો વોટીંગ પેટર્નની દૃષ્ટિએ ત્રણ વર્ગમાં વહેંચાયેલા છે. કેટલાંક રાજ્યોમાં બહુમતી મતદાતાઓ રિપબ્લિક પક્ષના સમર્થકો છે તો કેટલાંક રાજ્યોમાં ડેમોક્રેટિક પક્ષનું સમર્થન કરનારા મતદાતાઓ બહુમતીમાં છે. સાત રાજ્યો એવાં છે જ્યાં ચૂંટણીએ ચૂંટણીએ મતદાતાઓ પોતાનો મત બદલતા રહે છે. એ રાજ્યોને સ્વીંગ સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. ટ્રમ્પે સ્વીંગ સ્ટેટ તો ઠીક, ડેમોક્રેટિક પાર્ટીનું વર્ચસ્વ ધરાવનારા રાજ્યોમાં પણ વિજય મેળવ્યો છે. અમેરિકન બંધારણ વિચિત્ર છે. તેમાં દરેક રાજ્યને તેની વસ્તીના આધારે કોલેજિયમ (જે તે રાજ્યનાં મતની સંખ્યા) ફાળવવામાં આવી છે. જેમ કે ફ્લોરીડા નામનાં રાજ્ય પાસે ૩૦ કોલેજિયમ છે. હવે જો ટ્રમ્પને ૫૦.૧ ટકા મત મળ્યા હોય અને તેનાં પ્રતિસ્પર્ધી કમલા હેરિસને ૪૯.૯૯ ટકા મત મળ્યા હોય તો ટ્રમ્પને ફ્લોરીડાના ૧૬ કોલેજિયમ મત ન મળે, પણ ત્રીસે ત્રીસ મત મળે. આ રીતે અમેરિકાના કુલ ૫૩૮ કોલેજિયમ મતમાંથી ટ્રમ્પને ૩૧૨ અને કમલા હેરિસને ૨૨૬ મત મળ્યા છે. અમેરિકન ચૂંટણીની ખાસ વિશેષતાને કારણે ઘણીવાર એવું બને છે કે પોપ્યુલર વોટ(કુલ મેળવેલા મત)માં સરસાઈ હોવા છતાં તે ઉમેદવારનો પરાજય થાય અને ઓછા મત મેળવાનારા ઉમેદવારનો વિજય થાય. ૨૦૧૬ની સાલમાં આવું જ બન્યું હતું. હિલેરી ક્લીન્ટનને ટ્રમ્પ કરતાં ૨૯ લાખ મત વધુ મળ્યા હતા અને છતાં ટ્રમ્પનો વિજય થયો હતો. પણ આ વખતે ટ્રમ્પની એક સરખી અને સાર્વત્રિક સરસાઈ છે. પોપ્યુલર વોટમાં પણ ટ્રમ્પ કમલા હેરિસ કરતાં ૪૬ લાખ મત વધુ મળ્યા છે. આ સિવાય હાઉસ ઑફ કૉંગ્રેસમાં અને સેનેટમાં પણ ટ્રમ્પનો વિજય થયો છે.

ડૉનાલ્ડ ટૃમ્પ

૨૦૧૬ કરતાં પણ વધુ ભવ્ય અને સાર્વત્રિક વિજય. આગળ કહ્યું એમ ટ્રમ્પને માણસ તરીકે અને શાસક તરીકે અમેરિકન પ્રજા જાણતી હોવા છતાં પણ અમેરિકન પ્રજાએ વિજય અપાવ્યો. અમેરિકન પ્રજાએ ટ્રમ્પ વિચારધારા, ટ્રમ્પ મૂલ્યો અને ટ્રમ્પ શૈલી પસંદ કરી છે. તેને સ્વીકૃતિ આપી છે. અને આવું માત્ર અમેરિકામાં નથી બની રહ્યું, જગત આખાના લોકશાહી દેશોમાં બની રહ્યું છે. પ્રજા માણસાઈનો તેના દરેક અર્થમાં અસ્વીકાર કરી રહી છે અને સ્વાર્થનો મહિમા કરી રહી છે. તેમને એવી વ્યવસ્થા જોઈએ છે જે માત્ર પોતાનાં (એટલે કે ખાસ વગ ધરાવનારી પ્રજાવિશેષનાં) હિત માટે કામ કરે. વ્યાપક હિત ગયું ભાડમાં. જો એમ ન હોય તો ડોનાલ્ડ ટ્રમ્પ જેવો આવડત વિનાનો અને લોફર કહી શકાય એવો માણસ પહેલાં કરતાં પણ વધારે સ્વીકાર પામે? ‘ગાર્ડિયન’ અખબાર કહે છે એમ જો આ વિશ્વસમાજ માટે frightening moment છે તો આત્મનિરીક્ષણ માટેની પણ પળ છે. માનવીય મૂલ્યોમાં અફર શ્રદ્ધા ધરાવનારા માનવતાવાદીઓએ વિચારવું જોઈએ કે વિશ્વપ્રજા ઊંધી દિશામાં કેમ જઈ રહી છે?

આનાં અનેક કારણો છે અને અનેક પરિબળો છે, પણ સૌથી મોટું કારણ એ છે કે જગતે જે વિકાસનું મોડેલ અપનાવ્યું છે એ હવે પરિણામ આપતું અટકી ગયું છે. વિકાસની યાત્રા થંભી ગઈ છે. બીજી બાજુ આધુનિક લોકતાંત્રિક રાજ્યોએ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના લોકોને ખૂબ બધા અધિકારો આપ્યા છે અને તેને બંધારણમાં સુરક્ષિત પણ કરી આપ્યા છે. ત્રીજું, વૈશ્વિકરણને કારણે જગત નાનું અને કોસ્મોપોલિટન બની ગયું છે. સ્થળાંતર અને વસાહતીકરણ ૨૦મી સદીની તુલનામાં અનેક ગણું વધી ગયું છે. અને ચોથું જગતમાં એવા કેટલાક નાગાઈ કરનારા દેશો છે જેને નૈતિકતા અને મર્યાદા સાથે કોઈ લેવાદેવા નથી. એક તો વિકાસ અટકી ગયો અને એમાં આપણા દેશમાં આવીને વસનારા અજાણ્યા સાથે ભાગ પડાવવાનો. આપણે માનવીય અને બંધારણીય એમ બને પ્રકારની મર્યાદામાં જીવવાનું અને ચીન, રશિયા જેવા નાગાઓને ભયોભયો. આને કારણે લોકોની અંદર પ્રતિક્રિયા પેદા થઈ રહી છે અને નાગરિકો લોકતાંત્રિક અને માનવીય મૂલ્યો ફગાવતા થયા છે. લાંબે ગાળે આમાં તેમને નુકસાન થવાનું છે એ નક્કી વાત છે, પણ અત્યારે લોકો સાંભળવાના મૂડમાં નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે વસાહતીઓના પ્રશ્નને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. તેઓ અમેરિકાના સ્વાર્થની વાત કરતા હતા અને બાકીની બધી મહાન વાતોની ઠેકડી ઉડાડતા હતા. બીજી બાજુ કમલા હેરિસ અધિકારો, લોકશાહી મૂલ્યો, માનવીય મૂલ્યો વગેરેની વાત કરતાં હતાં. એક બાજુ રોકડો અને અને ઊઘાડો સ્વાર્થ અને બીજી બાજુ આદર્શવાળની શાબ્દિક રંગોળીઓ. શબ્દિક રંગોળી કહેવા પાછળનું કારણ એ છે કે અમેરિકાનું બાયડન વહીવટીતંત્ર ઇઝરાયેલને વારવામાં નિષ્ફળ નીવડ્યું છે અને તેને મદદ કરી રહ્યું છે. જો કથની અને કરણીમાં ફરક હોય અને મૂલ્યો એક વરખ માત્ર હોય તો ઉઘાડી ભાષામાં આપણા સ્વાર્થની વાત કરવામાં શા માટે શરમાવું જોઈએ? ટ્રમ્પ વિચાર, ટ્રમ્પ મૂલ્યો અને ટ્રમ્પ શૈલી આ છે.

ભારતને આમાં લાભ થશે કે નુકસાન એની ચર્ચા થવી સ્વાભાવિક છે. નરેન્દ્ર મોદીએ ઉત્સાહમાં આવીને અભિનન્દન આપ્યાં એનું કારણ એ નથી કે ભારતને ફાયદો થવાનો છે, પણ એનું કારણ એ છે કે તેમને ફાયદો થવાનો છે. ભારતમાં લોકશાહીનું હનન કરવા માટે અને તાનાશાહી આચરણ કરવા માટે હવે અમેરિકાનો ઠપકો નહીં સાંભળવો પડે. કોઈ નુક્તેચીનીઓ નહીં થાય અને કોઈ ભારતનો કાન નહીં આમળે. ભારતની વાત કરીએ તો અમેરિકામાં વસતા અને અમેરિકા જવા માગતા ભારતીયોને નુકસાન થવાનું છે. ટ્રમ્પ ભારતથી કરવામાં આવતી આયાતને નિયંત્રિત કરવાનો પણ પ્રયાસ કરશે. તેમણે તો ચૂંટણી પ્રચારમાં ભારત સાથેના અસમાન વ્યાપારનો મુદ્દો ઉઠાવ્યો હતો અને અમેરિકન પેદાશ પર ભારતની ટેરીફ પોલીસીની ટીકા કરી હતી. આમ ભારતે બહુ ખુશ થવા જેવું નથી. નરેન્દ્ર મોદી ખુશ થાય એ તો સ્વાભાવિક છે. જો કે નરેન્દ્ર મોદી સામે પણ એક જોખમ તો છે જ. ડોનાલ્ડ ટ્રમ્પ બેશરમ અને આખાબોલો માણસ છે. એ કાંઈ પણ બોલી-કરી શકે છે. ચીને ભારતની ભૂમિ કબજે કરી છે એને કારણે નરેન્દ્ર મોદી બહુ નર્વસ છે એમ તેમણે ૨૦૨૦માં જાહેરમાં કહ્યું હતું. આખરે તો નાદાન કી દોસ્તી!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 નવેમ્બર 2024

Loading

...102030...351352353354...360370380...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved