Opinion Magazine
Number of visits: 9552195
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાક્‌-શક્તિ

વિનોબા|Opinion - Opinion|26 July 2016

એક જાણીતી વાર્તા છે. ધ્રુવ તપસ્યા કરતો હતો. તે બાળક હતો. ભગવાનનું ધ્યાન વગેરે કરતો હતો. ભગવાન પ્રસન્ન થયા. તેઓ તેની સામે ઊભા રહ્યા, પરંતુ તેણે જોયા નહીં. આંખો મીંચેલી હતી. ચિંતન કરતો હતો. પ્રભુએ શંખથી તેના ગાલે સ્પર્શ કર્યો. તો એકદમ તેની વાણી પ્રગટી અને બોલ્યો: योऽन्त: प्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीवयति …, नमो भगवते पुरुषाच तुभ्यम्‌ − જેણે મારી અંદર પ્રવેશીને મારી સૂતેલી વાણીને જાગૃત કરી તેવા પરમ પુરુષ આપને હું પ્રણામ કરું છું.

આમ મનુષ્ય જ્યારે મન:પૂર્વક ચિંતન કરે છે ત્યારે પરમ વાક્‌-શક્તિ સ્ફૂર્ત થાય છે. અને તેને ખબર પણ પડતી નથી કે તે ક્યાંથી આવી. તે ઈશ્વરના સ્પર્શથી આવી. આમ જ્યાં ઈશ્વરનો સ્પર્શ થાય ત્યાં સાહિત્ય-શક્તિ, કાવ્ય-શક્તિ પ્રગટે છે તેવો આજ સુધીનો અનુભવ છે.

વાણી ઈશ્વર દ્વારા મનુષ્યને મળેલી એક મોટી દેણ છે. મનુષ્યના ચિંતનનું એ ફલિત છે અને ચિંતનનું સાધન પણ એ જ છે. ચિંતન વગર વાણી નહીં અને વાણી વગર ચિંતન નહીં અને બન્ને વગર મનુષ્ય નહીં.

બીજાં પ્રાણીઓ પાસે પણ પોતાની વાણી છે; પણ તે એટલી સ્ફુટ નથી, સ્પષ્ટ નથી, જેટલી મનુષ્ય પાસે છે. અન્ય પ્રણીઓની વાણીને આપણે સમજી નથી શકતા. કીડી, મકોડા, મધુમાખી વગેરે પણ હળીમળીને સમૂહમાં કામ કરે છે, એટલે સંભવ છે કે એમની પાસે પણ પોતાની કોઈક વાણી હોય. વાણી એટલે વિચાર પ્રકાશનનું સાધન. મનુષ્યને એક વિશેષ પ્રકારની વાણી પ્રાપ્ત થઈ છે. આ એક ભગવાનની દીધેલી બહુ મોટી શક્તિ છે. તેનો ઉપયોગ સારી રીતે થાય, તો તે શક્તિ મનુષ્યની ઉન્નતિ માટેનું સાધન બની શકે છે.

વાણી અને ભાષામાં ફરક છે. ભાષા ભગવાનની દીધેલી નથી, વાણી ભગવાનની દીધેલી છે. ભાષા બદલાય છે, વાણી નહીં. દુનિયામાં જેટલા મનુષ્ય છે, તે બધાને ભગવાને આંખ એટલે કે દર્શનની શક્તિ દીધી છે. તેનું રૂપાંતર ભાષામાં થાય છે. ભાષાઓ અનેકવિધ છે. તે ભાષાઓમાં સાહિત્ય રચાય છે, જે ‘વાડ્‌મય’ કહેવાય છે. તે બધું ગૌણ છે, મુખ્ય વાણી છે. વાણીને આપણે કલ્યાણકારી શક્તિના રૂપમાં પરિણત કરી શકીએ છીએ.

સરસ્વતી કે વાણી બ્રહ્મશક્તિ છે. વાણી બ્રહ્મની બરોબરી કરે છે. તેથી ‘બ્રહ્મ’ શબ્દનો અર્થ વાણી પણ થાય છે. ઋગ્વેદમાં વાક્ય છે કે બ્રહ્મ જેટલું વ્યાપક છે, તેટલી વ્યાપક વાણી છે – यावद्‌ ब्रह्म विष्ठितं तावती, वाक्। અહીં ‘વાણી’ શબ્દનો અર્થ કેવળ તે સ્થૂળ વાણી નથી જેને આપણે બોલીએ છીએ, પરંતુ એ એક બ્રહ્મશક્તિ છે, જેના આધારે મનુષ્ય ચિંતન કરે છે, તેને પ્રકાશિત કરે છે અને તેને સમજે છે. આ ત્રણેય વાણી દ્વારા થાય છે, મન ચિંતન કરે છે, વાણી બોલે છે અને કાન સાંભળે છે. મન, વાણી અને કાન આ ભેદ તો સ્થૂળ જ છે, પરંતુ અહીં તો ‘વાક્‌’ શબ્દનો પ્રયોગ કર્યો છે. તેમાં મન, વાણી અને કાન ત્રણેય સમાયેલાં છે.   

શંકરાચાર્ય પૂછે છે – केषां अमोघ वचनम ? ये च पुन: सत्य-मौन-शम-शीला: − જેનામાં સત્ય છે, જે મૌન રહે છે, જેઓ શન્તિ રાખે છે તેમની વાણી અમોઘ છે.

જો વાણીમાં સત્ય હશે તો તે વાણીનું ફળ પ્રત્યક્ષ પ્રગટે છે. જ્યાં નથી બોલવાનું ત્યાં મૌનની શક્તિ હોવી જોઈએ. એ શક્તિ નથી હોતી ત્યાં શબ્દ વ્યર્થ જાય છે. જે અવસરે ક્ષોભ પેદા થાય, ત્યારે ચિત્તમાં શાન્તિ નથી રહેતી, પરિણામે વાણી ગરબડ કરે છે, સમ્યક્‌ નથી રહેતી. વાણી તો રામબાણ જેવી છે. રામ બાણ બે વાર નથી છોડતા. એક બાણ છોડ્યું કે સફળ જ થવું જોઈએ !

કાળીદાસે ‘રઘુવંશ’માં એક સૂત્ર આપ્યું છે. सत्याय मितभाषिणाम्‌ − સત્યના સંરક્ષણ માટે મિતભાષી બનીએ. આમ તો મુત્સદ્દી લોકો પણ મિતભાષી હોય છે. તેઓ સત્યના સંરક્ષણ માટે નહીં, અસત્ય છુપાવવા માટે મિતભાષી હોય છે. તે અયોગ્ય ભાવ-પ્રકાશન સંયત હોય, તે સત્યાર્થ-પ્રકાશન માટે જરૂરી છે. તેનાથી સમય પણ ખૂબ બચે છે – અને થોડા શબ્દોમાં વિચાર અધિક ખૂલે છે.

અવ્યક્તમાં જે શક્તિ છે, તેનાથી ભિન્ન શક્તિ વ્યક્તમાં છે. અવ્યક્તમાં જે અશક્તિ છે તેનાથી ભિન્ન અશક્તિ વ્યક્તમાં છે. સંયત વાણી વ્યક્ત અને અવ્યક્તની અશક્તિને દૂર કરે છે તથા વ્યક્ત અને અવ્યક્ત શક્તિનો સરવાળો કરે છે. માટે સંયત વાણી. આમ જોઈએ તો પતંજલિના યોગસૂત્રમાં કુલ 195 સૂત્ર છે – નાના અક્ષરે એકાદ પાનામાં બધાં લખી શકાય. પણ આજે અઢી હજાર વર્ષ થયાં છતાં તેનું જોર ઘટ્યું નથી! તે દુનિયા પર અસર કરી રહ્યું છે. એક નાનકડું ‘ઈશાવાસ્યોપનિષદ’. 18 મંત્રોનું ઉપનિષદ છે. કારણ કે બહુ થોડામાં લખીને સંતોષ માન્યો છે.

ધર્મનો સહુથી પહેલો આદેશ છે, ‘સત્યં વદ’. મનુષ્યના બધા વ્યવહાર વાણી ઉપર અવલંબિત છે, અને સત્યનિષ્ઠા જ વાણીના સામર્થ્યનો મૂળ આધાર છે. સત્યપૂત વાણીમાંથી અમોઘ વીર્ય પેદા થાય છે. ‘સત્ય હોય એ જ બોલવું’ – એવા નૈષ્ઠિક સત્યાચરણમાંથી ‘જે બોલવામાં આવશે તે સત્ય થશે’ – એવું સામર્થ્ય પ્રગટ થાય છે. ‘યદ્દ યદ્દ વદતિ તત્તદેવ ભવતિ.’ જેની વાણી સિદ્ધ છે, તે મનુષ્ય જે બોલશે તેવું થશે. ત્યાં સુધી અનુભવ પહોંચ્યો છે કે વાણીની સિદ્ધિ સાક્ષાત્‌ ફળદાયી થાય છે. જે માણસને વાણીની સિદ્ધિ થઈ જાય છે, તે જે શબ્દ બોલે છે, તદનુસાર દુનિયામાં થાય જ છે, એટલી બધી શક્તિ તેનામાં આવે છે. આને આશીર્વાદશક્તિ કહે છે. આ એક સિદ્ધિ છે. જે મનુષ્ય વાણીનો ઉપયોગ વિશેષ પ્રકારે કરે છે, તેને તે સિદ્ધિ મળે છે. જ્વલંત સત્યનિષ્ઠામાંથી કાવ્યનો જન્મ થાય છે. સૃષ્ટિનાં ગૂઢ રહસ્યો અથવા સમાજ-હૃદયની સૂક્ષ્મ ભાવનાઓ ઉકેલી બતાવવાનું સામર્થ્ય જોઈતું હોય, તો સત્યપૂત બોલવું જોઈએ. જે વાચાશુદ્ધ હોય છે, તે વાચાસિદ્ધ થાય છે.

જે સમાજની વાણી દૂષિત છે તે સમાજની ઉન્નતિ નથી થતી. આપણે ત્યાં કહેવાય છે કે જ્યાં  લક્ષ્મી હોય ત્યાં સરસ્વતી નથી હોતી, અને જ્યાં સરસ્વતી હોય ત્યાં લક્ષ્મી નથી રહેતી.

પરંતુ વેદમાં આવે છે – सक्तुमिव तितउना पुनन्त: । यत्र धीरा मनसा वाचमक्रता अत्रा सखाय: सख्यानि जानते। भद्रेषां लक्ष्मीर्निहिताधि वाचि। જે દેશના લોકો ગરણે ગાળીને વાણી બોલે છે, અર્થાત્‌ મનનપૂર્વક અને બુદ્ધિપૂર્વક, શાંતિપૂર્વક વાણી બોલે છે ત્યાં તે સમાજમાં લક્ષ્મી રહે છે – તેવું વર્ણન કર્યું છે. લક્ષ્મી એટલે પૈસો નહીં. લક્ષ્મી અને પૈસાનો ભેદ લોકો સમજતા નથી. લક્ષ્મી એટલે શોભા, શ્રી, કાંતિ, ઉત્પાદન, સૃષ્ટિનું ઐશ્વર્ય, નિર્માણ. પૈસા તો કૃત્રિમ છે. ઋગ્વેદ જે વાત કરે છે તે લક્ષ્મીની આ વાત છે.

સૃષ્ટિ અને માનવની વચ્ચે પડદો નથી. માનવ સૃષ્ટિ પાસેથી સીધો બોધ ગ્રહણ કરી શકે છે, આજ સુધી તેમ કરતો રહ્યો છે. એ જ બોધ વાણીમાં ઊતરીને વાંગ્મય અને સરસ્વતીની કૃપાથી સારસ્વત બને છે.

વિચારનું પ્રકાશન વાણીથી થઈ શકે છે, પરંતુ વાણી કરતાં ય કિમતેરી ચીજ છે જીવન અને આચરણ. તેના દ્વારા વિચારનું પ્રકાશન થાય છે. વાણી તો સારું સાધન છે જ પરંતુ તેનાથી ય સૂક્ષ્મ સાધન છે, જીવન.

બધાં શાસ્ત્રોનો આધાર છે આચાર. આચારમાંથી જ ધર્મની ઉત્પત્તિ થાય છે. અને ધર્મના સ્વામી છે પરમેશ્વર. એ ધર્મ-સ્વામી પરમેશ્વરના નામ-સ્મરણ અને તેમના ગુણોનું ચિંતન કરવાથી સદાચારની પ્રેરણા મળે છે. સ્વાભાવિક જ આ ગુણ-સ્મરણ માટે મનુષ્યએ નિત્ય જાગરૂક રહેવું જોઈએ.

વાણી વિજ્ઞાનથી પણ આગળ વધીને સીધી હૃદય પર અસર કરે છે. આત્મજ્ઞાન અંદર પ્રકાશ પાથરે છે. વિજ્ઞાન બહાર રહે છે, આત્મજ્ઞાન અંદર જાય છે. એ બન્ને વચ્ચે વાણી પુલ રચે છે. સેતુ બાંધે છે. બંને તટનો સંયોગ કરે છે અને બંને કિનારે પ્રકાશ પાથરે છે. તુલસીદાસ કહે છે

राम नाम मनि दीप धरा जीह देहरी द्वार
तुलसी मीतर बाहेरहुँ जौं चाहसि उजिआर।

અગર તું અંદર અને બહાર બંનેને ઉજ્જવળ કરવા ઈચ્છતો હો તો આ રામનામરૂપી દીપ જીહ્વારૂપી દ્વાર પર મૂક. રામનામરૂપી દીવીને પ્રગટાવતા જ અંદર અને બહાર સર્વત્ર પ્રકાશ ફેલાઈ જશે.

વાણીનો સદુપયોગ

ભક્તિમાર્ગની મુખ્ય શીખવણી છે કે વાણીથી હરિનામ લેતા રહો. શરીર સંસારમાં ભલે કામ કરતું રહે પણ વાણીમાં સંસાર ન હોય. વાણીનો મન પર બહુ મોટો સંસ્કાર ઊઠે છે. કોઈ સુંદર ભજન સાંભળીને સૂતા હોઈએ તો સવારે ઊઠતાં જ તે ભજન આપોઆપ યાદ આવી જશે. એવો નાદ એ ઊંઘમાં પણ મનમાં ઘૂમ્યા કરે છે.

આવું જ મૌન પણ એક સાધન છે. આ મૌન એટલે મૂંગા રહેવું એમ જ નહીં. મનનપૂર્વક મૌન સેવવાનું છે. મૌન રાખીને અંદર સતત સદ્ભાવના સેવતા રહેવાની છે. આવા મનનપૂર્વકના મૌનથી વાણીની તાકાત વધે છે. આવી કેટલીક મર્યાદાઓ પાળીએ તો વાક્‌-શક્તિ પ્રબળ થાય છે.

વાણી દ્વારા સખ્ય પણ સાધી શકાય છે અને વેર પણ બાંધી શકાય છે. વાણીનું વેર જેટલું ટકે છે તેટલું શસ્ત્રનુંયે વેર નથી ટકતું. એટલા વાસ્તે આખા વિશ્વની મૈત્રીની ઈચ્છા રાખનાર વિશ્વામિત્રની પ્રાર્થના છે, ‘અમૃતમં મે આસન્‌’ − મારી વાણીમાં અમૃત હો! ક્યારેક એવો અનુભવ થાય છે કે સહૃદય વ્યક્તિના શબ્દો પણ કટુ હોય છે. સાચી વાત તો એ છે કે ઉતાવળા લોકો જ કટુ વાણી બોલી નાખે છે. સાચા માણસોને જ્યારે અક્કલ નથી હોતી, ત્યારે તેઓ ઉતાવળા થઈ જાય છે અને પછી કટુ બોલી નાખે છે. અક્કલ હોય, તે તેઓ મિત અને મધુર બોલે. મધુરતા સત્યનું અનુપાન છે અને મિતતા એનું પથ્ય છે. જેને આપણે નિશ્ચિત વાણી કહીએ છીએ, તે સત્ય, મિત અને મધુર હોય છે, અને એ જ પરિણામકારક પણ નીવડે છે. સમાજનું હિત નિશ્ચિત વાણીથી જ સધાશે. વાણી વિચારનું શરીર છે. અમુક વિચાર અમુક કોઈ ખાસ શબ્દમાં જ સમાય છે. એટલા વાસ્તે ગંભીર ચિંતન કરનારા નિશ્ચિત વાણીની શોધમાં રહે છે.

વાણીના અવગુણો વર્જ્ય

જ્ઞાનદેવે સાહિત્યકારોને સૂચના આપી છે. તેમણે સાહિત્યના વિચારે વાણીના અવગુણોને વર્જ્ય માન્યા છે. વિરોધ, વાક્પટુતા, પ્રાણીમાત્ર સાથે છળ-કપટ, ઉપહાસ, મર્મસ્પર્શી વાતચીત, આવેગયુક્ત વાર્તાલાપ વગેરેને આજે કૌશલ્યો ગણવામાં આવે છે, તેને જ્ઞાનદેવે વાણીના અવગુણો ગણાવ્યા છે. તેમણે એક જગ્યાએ કહ્યું છે કે સંસારમાં થતી લેણદેણ સુખરૂપ થવા દો. મુખમાંથી મંગળ શબ્દો જ સરવા દો. જેમ કોઈ મહામલ્લની સામે નાનું બાળક મલ્લકુસ્તી કરવા ઊભું રહી જાય, ત્યારે તે મહામલ્લ બાળકને કેવી રીતે રમાડતો હોય છે, લડતો નથી હોતો, તેવી રીતે સાહિત્યકારોએ જાણવું જોઈએ કે તેઓ મહામલ્લ છે અને તેની સામે થતો વિરોધ ઉપરછલ્લો હોય છે.

જ્ઞાનદેવે તો કહેલું કે મારો આ જે વાક્‌-યજ્ઞ થઈ રહ્યો છે, તેનાથી તો આ વિશ્વાત્મક પ્રભુની પૂજા થઈ રહી છે. અને તેનાથી તે પ્રસન્ન છે. સાહિત્યકારો આવા વિરાટ કાર્યના દર્શન કરે. અને પ્રશ્નો, ઝઘડા, વાદો તથા તેને લઈને ઉદ્દભવતા અનેક મતભેદોની ઉપેક્ષા કરીને જોવું. નામ-સંકીર્તન, સત્ય વચન, સ્વાધ્યાય વગેરે દ્વારા વાણીને શુદ્ધ કરી શકાય છે, તેનાથી ચિંતન અને આચરણ બેઉનું નિયમન કરવું સરળ બને છે.

વાણીનું સામર્થ્ય

લોકો મને છે કે તપથી શરીર ક્ષીણ થાય. પણ તે ખોટી ધારણા છે. શરીર તો ભોગથી ક્ષીણ થાય છે. તપથી તો શરીર પુષ્ટ થાય છે. તપનું ધ્યેય શરીરને પુષ્ટ, મજબૂત કરવાનું છે. શરીરમાં મન અને બુદ્ધિ છે. શરીર, વાણી અને મનને મજબૂત બનાવવા માટે ગીતાએ શારીરિક, વાચિક અને માનસિક એવા ત્રિવિધ તપનો ઉલ્લેખ કર્યો છે. તે ત્રણેય અલગ ક્રિયાઓ છે પણ આ ત્રણેયને સ્થૂળ અર્થમાં મજબૂત બનાવવાની અહીં વાત નથી. ત્રણેયને સામર્થ્યવાન બનાવવાની અહીં વાત છે. શરીરનું સામર્થ્ય તનના આરોગ્ય અને સ્ફુિર્તમાં છે. મનનું સામર્થ્ય તેની નિર્મળતામાં છે. વાણીનું સામર્થ્ય જ્ઞાન પ્રાપ્ત કરવામાં અને સત્ય બોલવામાં છે. તપસ્વીની વાણીમાંથી જે પ્રગટે તે સત્ય જ હોય. તેની વાણીમાંથી અસત્ય નીકળે જ નહીં. સત્યનિષ્ઠા એક મહાન શક્તિ છે.

[સંકલિત]

સહયોગ : “ભૂમિપુત્ર”, 16 જુલાઈ 2016; પૃ. 01-02 & 19

મુદ્રાંકન સૌજન્ય : આશાબહેન બૂચ

Loading

દરુ : માનવવાદના કર્મશીલ સિપાહી

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|25 July 2016

મહેનકશ માણસ ગૌરવપૂર્ણ જિંદગી બસર કરી શકે તે આપણા તરુણ રૉયિસ્ટની નિસબત હતી.

સુપ્રતિષ્ઠિત કાનૂનચિંતક ઉપેન્દ્ર બક્ષી અને એવા જ સુપ્રતિષ્ઠ કાનૂનવિદ-ભૂતપૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજી આજે મહાનગર અમદાવાદમાં માનવીય ગૌરવના ઝુઝારુ સિપાહી, ગુજરાતમાં એક તબક્કે તો સિપેહસાલાર સરખા ચંદ્રકાન્ત દરુની જન્મશતાબ્દી નિમિત્તે હોવાના છે. જન્મે ગુજરાતી (સૌરાષ્ટ્રી) બક્ષી ઝાઝો સમય ગુજરાત બહાર રહ્યા છે – ઠીક ઠીક વરસો દિલ્હી અને લાંબા કાળથી વૉરિક યુનિવર્સિટી (યુકે) પણ ગુજરાતને એમનો પ્રત્યક્ષ પરિચય નહીં જ હોય એવું તો કહી શકાય એમ નથી, કેમ કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે એમની કીર્તિદા કામગીરી રહી છે.મહેનદ્ર

ડાબેથી જમણે, મહેન્દ્ર આનંદ, ગિરીશ પટેલ, ઉપેન્દ્ર બક્ષી, સોલી સોરાબજી તેમ જ  ગૌતમ ઠાકર                                                                                                                [છબિ સૌજન્ય : બિનીત મોદી]

છબિ સૌજન્ય : તેજસ વૈદ્ય

વચલા સમયમાં કૉમન યુનિવર્સિટી ઍક્ટ અને હાલ હાયર એજ્યુકેશન કાઉન્સિલ બિલ આસપાસના આપણા અનુભવ વચ્ચે તેમ જ સ્વાયત્તતા વિરોધી માહોલના આજના દિવસોમાં એ સંભારવું સ્ફૂિર્તપ્રદ શૂળ જેવું થઈ પડશે કે પાંત્રીસ વરસ પર આ એક મરદ ગુજરાતી શિક્ષણકાર અને વિધિવેત્તા હતો જેણે સ્વાયત્તતાલક્ષી જોગવાઈ અને ખોળાધરીને ધોરણે જ પોતે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જવાબદારી સ્વીકારી શકે એ સાફ કરી દીધું હતું. રાજ્ય સરકાર અને સંબંધિત સૌએ જ્યારે આ વાત અંકે કરી ત્યારે જ બક્ષીને નર્મદ જેવા જુસ્સાથી ઉતરાણ કીધું હતું. દરુ સાહેબને યાદ કરતે કરતે બક્ષીનામાનો રસ્તે ચઢી ગયો છું તો ભેગંભેગા એક જાહેર અંગત સાંભારણ પણ જોડી દઉં. બક્ષીનું નામ પહેલવહેલું કદાચ ત્યારે ગાજ્યું હતું જ્યારે એમની પહેલથી મથુરા કેસ ખૂલ્યો. ગુજરાતમાં એ 1982માં આવ્યા, પણ આ વાત 1979ની છે. એમણે અને બીજા બે ત્રણ જાગ્રત મિત્રોએ સુપ્રીમ કોર્ટને પત્ર લખ્યો હતો કે બળાત્કારના કેસમાં ભોગ બનેલી સ્ત્રીને, કેમ કે આ એક સ્ત્રીપુરુષ સંબંધી વાત છે, તમે બારોબાર સંમતિપૂર્વકના કિસ્સામાં ઘટાવો તે બરાબર નથી. યૌન સંબંધમાં પક્ષકાર તો બેઉ હોય છે, પરંતુ આ પક્ષકારિતામાં સંમતિનું નહીં પણ બળજોરીનું તત્ત્વ કામ કરી ગયું હોય એનું શું. આ કેસ ફેર ખૂલ્યો અને ન્યાયની દિશામાં એક નવો ચીલો પડ્યો.

કટોકટી સામેના લડવૈયા તરીકે ઉચિત રીતે જ વધુ સંભરાતા દરુના જન્મશતાબ્દી વર્ષે થોડાંક પૂર્વરંગ કે કંઈક પિછવાઈરૂપે આ બે દાખલા, એક શૈક્ષણિક સ્વાયત્તતાનો ને બીજો નારીગૌરવનો, એટલા માટે સંભાર્યા કે આપણને ખયાલ આવે કે જેપી આંદોલન અને કટોકટી પ્રતિકાર(1974-1977)ને પગલે સમજ અને સંકલ્પનો જે એક અરુણોદય થયો તે શો હતો. માર્ચ 1977ના જનતા રાજ્યરોહણને બીજું સ્વરાજ કહેવાનો ચાલ છે તે એક અર્થમાં ઠીક જ છે. લોકશાહી અધિકારીઓની ગાડી ખડી પડી હતી તે પાછી પાટે ચડાવવાનું રૂડું કામ એથી થયું હતું. પણ કમબખ્ત સ્વરાજ જેનું નામ એ પણ જાલીમ પ્રેમની પેઠે સતત સાધ્ય કરતા રહેવું આપણને લમણે લખાયેલ છે. આ જાગૃતિનો અને લોકશાહીના ઔપચારિક માળખાને વટી જઈ બાકી સઘળાં ક્ષેત્રોમાં ય સમતા અને સ્વતંત્રતાના સાર્વત્રિક સંચારનો ધક્કો, કહો કે પહેલીબીજી નહીં પણ સળંગ સ્વરાજલડતનો ધક્કો માર્ચ 1977એ આપ્યો છે.

કોણ હતા આ દરુ? જૂન 1975માં કટોકટી જાહેર થઈ અને મૂળભૂત અધિકારો સસ્પેન્ડ થઈ ગયા ત્યારે દેશમાં બે સરકારો હતી, ગુજરાતમાં બાબુભાઈના નિવાસસ્થાને પ્રવેશતા જ એ દિવસોમાં અશ્વમેઘના ઘોડાને આંતરતા લવકુશનું ચિત્ર ધ્યાન ખેંચતુ.) પણ બે રાજ્યો પૈકી ગુજરાત વિશેષરૂપે સ્વાધીનતાનો ટાપુ હતું એ ત્યારે સમજાઈ રહ્યું જ્યારે જયપ્રકાશ-તારકુંડે આદિ સ્થાપિત જનતંત્ર સમાજે યોજવા ધારેલ ઑલ ઇન્ડિયા સિવિલ લિબર્ટિઝ કન્વેન્શન માટે તમિળનાડુની આનાકાની હતી પણ ગુજરાત સરકારે આવું કંઈ યોજવા વિશે સંમતિ બાબતે પૂર્વચર્ચાની જરૂર જોઈ નહોતી. જે અર્થમાં અને જે ઉત્કટતાથી જનતા મોરચો જેપી આંદોલનમાં સંકળાયેલો હતો એ અર્થમાં દ્રમુકનું સંધાન ઓછું ને ઔપચારિક જેવું હતું.

ઑક્ટોબર 1975માં મળેલા આ સંમેલનનો સંદેશો છેક આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં ગાજ્યો હતો. ગુજરાતમાં એના યશસ્વી આયોજનનું દાયિત્વ નભાવવા બદલ કોઈ એક જ વ્યક્તિનું નામ લેવાનું હોય તો તે દરુ અને દરુ જ હતા. એમની ફરતે સૂત્રરૂપ બની આવેલી કામગીરીમાં સાથીઓનો ફાળો અલબત્ત ચોક્કસ હતો. એ પછી થોડે મહિને બંધારણ બચાવો પરિષદ મળી ત્યારે પણ પાયારૂપ કળશ-કામગીરી દરુની હતી.

આ દરુ મૂળે તો સ્કૂલમાં શિક્ષક પછી રૉયની રેડિકલ ડેમોક્રેડિક પાર્ટીના હૉલ ટાઇમર. રૉય આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ક્રાંતિકારી અને કૉમિન્ટર્ન (કૉમ્યુિનસ્ટ ઇન્ટરનેશનલ) પર એક તબક્કે લેનિન અને બીજાઓની હારોહાર, પણ વૈચારિક વલણવિકાસે છૂટા પડ્યા અને ભારતમાં પુન: સક્રિય થયા. અહીં એ આખી દાસ્તાંમાં નહીં જતા એટલું જ કહીશું કે સ્વરાજ પછી ગાંધીએ જેમ કૉંગ્રેસ વિખેરી લોકસેવક સંઘનું સપનું જોયું હતું તેમ રૉયે વિધિવત્‌ પક્ષ વિસર્જિત કરી સ્વરાજલાયક માનવમૂલ્યો માટેની શૈક્ષણિક-સાંસ્કૃિતક ચળવળ(રેનેસાં)નો રાહ લીધો.

નવી રેનેસાંના આ સિપાહીઓ કેવળ બૌદ્ધિક નહોતો, નવા સમાજના વિચારને વરેલા કર્મશીલ હતા. દરુ એ નાતે મજૂર ચળવળમાં વળ્યા અને લેબર કોર્ટમાં પ્રૅક્ટિસ કરતા થયા. મહેનતકશ માણસ ગૌરવપૂર્ણ જિંદગી બસર કરી શકે તે આપણા તરુણ રૉયિસ્ટની (કહો કે માનવવાદીની) નિસબત હતી. 1947ના ઔદ્યોગિક ધારાના પ્રગતિશીલ ને માનવીય અર્થઘટનની દૃષ્ટિએ એમની મજૂર વકાલત નવી ભોં ભાગનારી હતી. કંત્રાટી મજૂરને કાયમી મજૂરનો દરજ્જો અપાવી શકતા દરુ, બલકે સમગ્ર રૉય મંડળી, મૂડીવાદ અને સામ્યવાદ-રાજ્યવાદથી ઉફરાટે કોઈ ત્રીજા રસ્તામાં આઝાદ રોટી ને માનવીય ગૌરવની ખોજમાં હતી. બંધારણના મૂળભૂત અધિકારો (અને એથી પણ આગળ જતા માનવ અધિકારો) માટેની મથામણ દરુને બંધારણી પ્રૅક્ટિસ ભણી લઈ ગઈ, અને એ કોળ્યા. પ્રૅક્ટિસ સાથે આજે જેને નાગરિક સમાજ સક્રિયતા (સિવિલ સોસાયટી ઍક્ટિવિઝમ) કહેવાય છે તે પણ અભંગ અવિરત હતી જ.

સિવિલ લિબર્ટીઝ કૉન્ફરન્સના હેવાલ સબબ ‘ભૂમિપુત્ર’ પર પ્રીસેન્સરશિપ ઑર્ડરને ધોરણે સરકારી તવાઈ ઊતરી ત્યારે દરુએ આપેલી યાદગાર કાનૂની લડાઈ પછી ગુજરાત હાઇકોર્ટે આ ઑર્ડરને ખુદને જ રદબાતલ ઠરાવ્યો. અલબત્ત, મિસા હેઠળ જેલ રાહ જોતી જ હતી, એ જુદી વાત છે.

માર્ચ 1977ના જનતા આરોહણ પછી પણ, માનવમૂલ્યોને ધોરણે, ‘પોતાની’ સરકાર સામે પણ લડવાનો પ્રસંગ આવે તો તે માટેની તૈયારી રૉય-ગાંધીના માણસોની રહી છે. એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ હોઈ શકતી આ ભૂમિકા, કેમ કે તે મિલકત અને સત્તાના કેન્દ્રીકરણથી ઉફરાટે ત્રીજા રસ્તાની ખોજમાં છે, ‘વિકાસ’થી વધી શકતી વિષમતા અને વંચિતતા કે પછી સંઘર્ષસાથી તરીકે જનસંઘ લોકશાહીની મર્યાદામાં રહ્યો હતો તે અતિરાષ્ટ્રવાદી ઉપાડા સાથે નાઝી-ફાસી સંકેતો આપતો હોય ત્યારે દરુ અને આ મંડળી ચૂપ રહી શકે? પૂછો સોલી સોરાબજીને સિવિલ લિબર્ટીઝ કૉન્ફરન્સના ચાર દાયકા પર સામેલ થનાર તરીકે તે સૂર પુરાવશે કે આજે પણ એવી ભૂમિકા રાહ જોઈ રહી છે.

સૌજન્ય : ’મૂલ્યોના મશાલચી’, “દિવ્ય ભાસ્કર”, 16 જુલાઈ 2016

Loading

‘પચાસ સેન્ટમાં આપ’

ગાંડાભાઈ વલ્લભ પટેલ|Opinion - Opinion|25 July 2016

ઘણાં વર્ષો પહેલાંની – લગભગ ચોવીસેક વર્ષો પહેલાંની આ વાત છે. અમારાં એક સમ્બન્ધી પાસે વેલિંગ્ટનમાં શૉપ હતી. એ શૉપ વેલિંગ્ટનના એક પરામાં, અમે રહીએ છીએ ત્યાંથી લગભગ ૩૦થી ૩૫ કિલોમીટર દૂર છે. એ લોકો હોલીડે કરવા કેટલાક સમય માટે સ્વદેશ જવાનાં હતાં. આથી એ શૉપ સંભાળવાનું અમને કહ્યું.

જે વિસ્તારમાં એ શૉપ હતી ત્યાંની લોકાલિટી કંઈ બહુ સારી તો ન હતી; પણ અમારાં એ સમ્બન્ધીઓને હેલ્પ થાય એટલા માટે અમે, એટલે કે મેં અને મારાં પત્નીએ શૉપ સંભાળવાનું સ્વીકાર્યું હતું. હા, કુદરતી સૌંદર્યની દૃષ્ટિએ તો સ્થળ ઘણું જ રળિયામણું છે. એક ડુંગર પાર કર્યા પછી આ નાનકડો કસ્બો શરૂ થાય છે. કંઈક અંશે થોડો ઉચ્ચ પ્રદેશ કહી શકાય એવો એ એરિયા છે. આથી જ કદાચ વેલિંગ્ટન કરતાં ત્યાં ઠંડી વધુ હોય છે. વેલિંગ્ટનમાં સ્નો ભાગ્યે જ પડે છે – અમારા ચાળીસ વર્ષના અહીંના વસવાટમાં માત્ર એક જ વાર સાવ નજીવો સ્નો પડેલો અમે જોયો છે; પણ જે સ્થળની હું વાત કરું છું, ત્યાં કોઈ કોઈ વાર શિયાળામાં સ્નો પડે છે.

શૉપમાં આવનારાં મોટા ભાગનાં લોકો બહુ ફ્રેન્ડલી હોવા છતાં પણ; કોઈ કોઈ ચોરી કરી જતા. નાની વસ્તુ બાંયમાં સંતાડીને લઈ જતા અમુક લોકોને અમે જોયેલા. એટલું જ નહીં; અમે શૉપ સંભાળી ને થોડા સમયમાં રાત્રીના સમયે શૉપનું તાળું તોડીને ચોરી પણ થયેલી.

એક દિવસ એક ભાઈ આવ્યા. ચિપ્પીઝ(પોટેટો ચિપ્સ)ની નાની બેગ એને જોઈતી હતી.

એણે ભાવ પૂછ્યો, ‘આનું શું લેવાના?‘

મેં કહ્યું, ‘૮૦ સેન્ટ.’

એ કહે, ‘કેમ એટલા બધા ?’

‘ભાઈ, આ પ્રકારની શોપમાં એનો બધે આ જ ભાવ હોય છે.’

‘તમે લોકો અમને લૂંટો છો. મને એ ૫૦ સેન્ટમાં આપ.’

‘ના, ૫૦ સેન્ટમાં તે તમને ન મળી શકે, તમારે લેવી જ હોય તો ૮૦ સેન્ટ આપીને લઈ જાઓ.’

આ રીતે એમણે ઘણી જીભાજોડી કરી.

છેવટે એને મેં કહ્યું, ‘તમારા માગેલા ભાવે તમને એ મળી શકશે નહીં. તમને જોઈતી હોય તો ૮૦ સેન્ટ આપીને લઈ જાઓ.’

ત્યારે એ મારા પર ખૂબ જ ગુસ્સે ભરાયો અને મને કહે, ‘તું બહાર આવ, તને બતાવી આપું.’

આમ કહેવા પાછળનું કારણ અહીંના કાયદા પ્રમાણે એ મારી મારપીટ દુકાનમાં જ, એટલે કે મારી જ પ્રોપર્ટીમાં કરે, તો એ ઘણો મોટો ગુનો ગણાય.

મેં એને કહ્યું, ‘જુઓ, હું કંઈ જંગલમાં નથી રહેતો, જંગલી નથી. હું કાયદાને અનુસરીને ચાલનારો છું. વસ્તુ તમારે ખરીદવી હોય તો એનો અમારો જે ભાવ છે, તે આપીને લઈ જાઓ.’

‘સારું હું તમને જોઈ લઈશ. અને એ ચિપ્પીઝ લીધા વિના ચાલી ગયો.

આ પછી શૉપમાં દૂધની ડિલિવરી કરનારું કપલ આવ્યું. એ લોકોએ કદાચ અમારી વચ્ચેની વાતચીત–જીભાજોડી ઘણીખરી સાંભળી હશે. એ બન્ને જણાં ઘણાં ઓલ્ડ હતાં. ઓલ્ડ લેડી મને કહે, “મિ. પટેલ, તમે જાણો છો કે તમારી સાથે દલીલ કરનાર કોણ હતો? એ અહીંનો નામચીન અને પહેલા નંબરનો ગુંડો છે. પોલીસ પણ એને કશું ન કરે.”

દેખીતું છે કે અમે એ વિસ્તારથી અજાણ્યાં હતાં, આથી અમને તો કશી જ ખબર ન હતી, કે એ કોણ હતો અને કેવો હતો. પણ મારા સ્વભાવ મુજબ કોઈ ગેરવ્યાજબી માગણી કરે તો તેને તાબે ન થવું, એ રીતે મેં એની સાથે દલીલ કરી હતી. શારીરિક રીતે તો મને એ ચપટીમાં ચોળી–રોળી નાખે તેવી હાઈટવાળો અને કદાવર દેખાતો હતો.

શૉપમાં તે દિવસે અમે બંને જણાં હતાં. બાકી કેટલીક વાર શૉપમાં મારાં પત્ની એકલાં જ હોય, કેમ કે મારે શોપ માટે ખરીદી કરવા જવાનું હોય. તો કોઈક વાર હું પણ શૉપમાં એકલો હોઉં. વળી શૉપ સાથે રહેઠાણની વ્યવસ્થા ન હતી. એટલે કે એ લોકઅપ શૉપ હતી. આથી રાત્રે શૉપ બંધ કરીને ઘરે જવાનું થાય.

પણ મને નવાઈ એ વાતની લાગી કે એ માણસ ફરી મને કદી રસ્તામાં મળ્યો નથી અને નડ્યો નથી કે ફરી કદી અમારી એ શૉપમાં પણ આવ્યો નથી. જે મને ધમકી આપીને ગયેલો અને નંબર વન ગુંડાગીરી કરનાર હતો એમ કહેવાતું હતું, તો પછી એણે કેમ કશું કર્યું નહીં હોય?

હા, એ ખરું કે મેં એનું કશું બગાડ્યું ન હતું. જે સત્ય હકીકત હતી, તે જ મેં એને વિનયથી; પણ મક્કમતાથી કહી હતી, કે પચાસ સેન્ટમાં એ વસ્તુ આપવાનું અમને પરવડે નહીં તેથી પચાસ સેન્ટમાં એને આપવામાં આવશે નહીં.

બસ, આટલું જ !

પણ આ પ્રસંગે મને વિચારતો કરી મુક્યો. મને લાગે છે કે ના પાડવામાંયે આપણી મક્કમતા, વિનમ્રતા, ગ્રાહક પ્રત્યે સદ્ ભાવ; તોછડાઈ કે તુચ્છકારનો સદન્તર અભાવ જ કારણભૂત હશે.

બાકી, કેમ તેણે અમને જવા દીધાં હશે ?

વેલિંગ્ટન, ન્યુઝીલેન્ડ

લેખક-સમ્પર્ક : Gandabhai Vallabhbhai Patel, 77 Freyberg Street, Lyall Bay, WELLINGTON – 6022 – New Zealand

સૌજન્ય :  ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ બારમું – અંકઃ 353 – July 24, 2016; અક્ષરાંકનઃ  ઉત્તમ ગજ્જર

Loading

...102030...3,5183,5193,5203,521...3,5303,5403,550...

Search by

Opinion

  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318
  • બાલદિને જાગતો સવાલ : ગિજુભાઈનું ‘દિવાસ્વપ્ન’ સાકાર થશે? 
  • વૈશ્વિક સ્તરે નારી-હત્યા નાં ચોંકાવનારા આંકડા

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો
  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved