Opinion Magazine
Number of visits: 9690215
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિકલાંગ દયા નહીં, અધિકાર માગે છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 January 2017

વિકલાંગતાના પ્રકાર સાતથી વધારીને એકવીસ કરવામાં આવ્યા છે, પણ તેમના અસરકારક અમલનો પ્રશ્ન ઊભો છે

સંસદના હંગામેદાર શિયાળુ સત્રની મહત્ત્વની લબ્ધિ 2014નું વિકલાંગ અધિકાર બિલ પસાર થવું તે છે. આર.પી.ડી. કહેતાં ‘રાઇટ્સ ઑફ પર્સન વિથ ડિસેબિલિટીઝ’ બિલ 2014 પર હવે તો રાષ્ટ્રપ્રમુખની મંજૂરીની મહોર લાગી ગઈ છે અને વિકલાંગોના અધિકારો સ્થાપિત કરતો કાયદો અમલી બન્યો છે.

1995ના દાંત-નહોર વગરના વિકલાંગ ધારાના સ્થાને આ જે નવો કાયદો આવ્યો છે તે વિકલાંગોના અધિકારોની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ છે. 1995ના કાયદામાં વિવિધ સાત પ્રકારની વિકલાંગતાઓને આવરી લેવામાં આવી હતી. જ્યારે હાલના કાનૂનમાં વિકલાંગતાની કેટેગરી ત્રણ ગણી વધારીને એકવીસ કરવામાં આવી છે. એસિડ એટેકની પીડિતાઓ, પાર્કિન્સન, હિમોફિલિયા, થેલેસેમિયા, કુષ્ઠરોગ મુક્તિ પછીની વિકલાંગતા સહિતની શારીરિક-માનસિક–સામાજિક વિકલાંગતાઓને આ કાયદામાં આવરી લેવામાં આવી છે.

જીવનનાં તમામ ક્ષેત્રોમાં વિકલાંગોને સમાન તક, અવસર અને માનવીય ગરિમા મળે, તે તો આ કાયદાનો ઉદ્દેશ છે જ, પરંતુ જે વ્યક્તિ 40 ટકા વિકલાંગતા ધરાવતી હોય તેને શિક્ષણ અને રોજગારમાં 4 ટકા અનામત આપવાની જોગવાઈ છે. વિકલાંગો માટે જાહેર સ્થળોનો ઉપયોગ સરળ બને તે પ્રકારના મકાનનિર્માણની જોગવાઈ છે. વિકલાંગો સાથે ભેદભાવ આચરનારને જેલથી દંડ સુધીની સજા, સમાજ સુરક્ષાની અનેક યોજનાઓના લાભની બાંહેધરી ઉપરાંત મહિલા અને બાળકો માટે વિશેષ સગવડો આપવામાં આવી છે.

લોકબોલીમાં આંધળા, બહેરા, બોબડા, લૂલા, લંગડા કહેવાતા જન્મથી કે અકસ્માતે શારીરિક-માનસિક અપંગતા ધરાવતો મોટો ઉપેક્ષિત માનવસમૂહ દેશમાં છે. તેની ઓળખ બદલાતી રહે છે, પણ સ્થિતિ ઝાઝી બદલાતી નથી. પહેલાં તે અપંગ કહેવાતા, પછી વિકલાંગ કહેવાયા, તો વડાપ્રધાને તેમને દિવ્યાંગ કીધા. માધ્યમોએ દિવ્યાંગ નામ જાણીતું કર્યું, પણ નવા કાયદામાં આ ઓળખ નથી! જેવાં ગુજરાતી કે પ્રાદેશિક તેમ અંગ્રેજી ભાષામાં પણ તેમના નામ-ઓળખ બદલાતાં રહ્યાં છે. હેન્ડિકેપ, ફિઝિકલી ચેલેન્જ્ડ, ડિફરન્ટલી એબલ, ડિસેબલ અને સ્પેિશયલ પ્રિવિલેજ્ડ જેવા શબ્દો વપરાતા રહ્યા છે.

દેશમાં વિકલાંગો કે દિવ્યાંગોની કેવી હાલત છે અને સમાન તક અને અવસર તેમના માટે કેવા જોજનો દૂર છે તે 2010માં યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં 60 ટકા વિકલાંગતા છતાં ઉત્તીર્ણ થયેલા ઇરા સિંઘલને નિમણૂક ન મળી ત્યારે ઉજાગર થયું હતું. કુલ ઉમેદવારોમાંથી 0.30 ટકા જ ઉત્તીર્ણ થાય છે તેવી સિવિલ સર્વિસ એક્ઝામ તે વરસે નવ વિકલાંગોએ પાસ કરી, પણ તેમની વિકલાંગતા તેમની નિમણૂકમાં આડે આવી. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યૂનલ અને તત્કાલીન વડાપ્રધાન સમક્ષ ધા નાખ્યા બાદ જ નવમાંથી સાતને નિમણૂક મળી હતી.

યાદ રહે કે અથાક મહેનત અને બુલંદ લગનથી ઇરા સિંઘલ 2014માં યુ.પી.એસ.સી. ટોપર બન્યાં હતાં. જો દેશની સર્વોચ્ચ નોકરીમાં વિકલાંગોની આ હાલત હોય તો સામાન્ય નોકરીઓ મેળવવી કેટલી મુશ્કેલ હશે? હજુ પણ દેશના ઘણાં રાજ્યોના પંચાયત કાયદાઓમાં અમુક પ્રકારની વિકલાંગતા ધરાવતા લોકો પંચાયતના સભ્ય ન થઈ શકે તેવી જોગવાઈ છે. આવું ઘણી શૈક્ષણિક સંસ્થાઓ અને રોજગારમાં પણ છે. તેના પરથી વિકલાંગોએ કેટકેટલા મોરચે અધિકાર અને ન્યાય માટે લડવાનું બાકી છે તે સમજાય છે.

આરંભે વિકલાંગ ધારો પસાર થઈ શક્યો તેને સંસદના શિયાળુ સત્રની મોટી ઉપલબ્ધિ ગણાવી, તેમાં પણ અર્ધસત્ય છે. આઝાદીના લગભગ પાંચ દાયકા પછી દેશના નીતિનિર્ધારકોનું ધ્યાન વિકલાંગોની સ્થિતિ તરફ ગયું હતું અને છેક 1995માં વિકલાંગ ધારો આવ્યો. તેની નબળી જોગવાઈઓ અને અમલમાં અખાડાને લીધે જ હવે તેના સ્થાને નવો કાનૂન લાવવો પડ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાના સંયુક્ત સંમેલને 13મી ડિસેમ્બર, 2006માં વિકલાંગોના અધિકારો માટેનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું.

ભારતે 1લી ઓકટોબર, 2007માં તેનું અનુમોદન કર્યું હતું. હાલના વિકલાંગ અધિકાર ધારાનાં મૂળ અહીં રહેલાં છે. ભારત સરકારે 2010માં વર્તમાન આર.પી.ડી. વિધેયક તૈયાર કરવા માટે સુધા કૌલ સમિતિની રચના કરી હતી. સમિતિએ 2011માં તેનો અહેવાલ સરકારને આપ્યો. 7મી ફેબ્રુઆરી, 2014માં યુ.પી.એ.-2 સરકારે હાલનું બિલ સંસદમાં રજૂ કર્યું ત્યારે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની પાર્લામેન્ટરી સ્ટેિન્ડગ કમિટીને આ બિલ સોંપવામાં આવ્યું હતું. સમિતિની બેઠકો અને અનેક સુધારાઓ પછી તે લાંબા સમયથી સંસદની મંજૂરીની રાહ જોતું અટક્યું હતું. આખરે 2016ની 14મી ડિસેમ્બરે રાજ્યસભાએ અને 16મી ડિસેમ્બરે લોકસભાએ તે પસાર કર્યુ હતું. એ રીતે કાયદો ઘણા વિલંબથી આવ્યો છે.

દીર્ઘ પ્રક્રિયામાંથી પસાર થયેલો વિકલાંગ અધિકાર ધારો સર્વાંગસંપૂર્ણ તો નથી જ. 2011ની વસ્તી ગણતરી મુજબ 1995ના વિકલાંગ ધારા મુજબની સાત પ્રકારની વિકલાંગતા ધરાવતા લોકોની વસ્તી દેશમાં 2.68 કરોડ (ગુજરાતમાં 10.92 લાખ) હતી. નવા કાયદામાં વિકલાંગતાના પ્રકારો ત્રણ ગણા વધારીને 21 કરવામાં આવ્યા છે તે સ્વાગતાર્હ છે, પરંતુ તેને કારણે વિકલાંગોની વસ્તીમાં જે વધારો થવાનો છે તે મુજબની જોગવાઈઓ આ કાયદામાં નથી. 1995ના ધારામાં વિકલાંગો માટે શિક્ષણ અને રોજગારમાં 3 ટકા અનામતની જોગવાઈ હતી.

આરંભના બિલમાં 5 ટકા અનામતની જોગવાઈ હતી, પરંતુ સરકારે માત્ર એક ટકો જ અનામત વધારીને 4 ટકા કરી છે. વિકલાંગોની કેટેગરીમાં ત્રણ ગણો અને અનામતમાં માત્ર એક જ ટકાનો વધારો ન્યાયસંગત નથી. શિક્ષણ અને રોજગારમાં વિકલાંગોના યોગ્ય પ્રતિનિધિત્વ માટે ચાર ટકા અનામત પર્યાપ્ત નથી. ખુદ સરકારે તેના એક અહેવાલમાં કબૂલ્યું છેકે 2011ની વસ્તી ગણતરી મુજબના 2.68 કરોડ વિકલાંગોમાંથી તે 49.5 ટકાને જ શોધી શકી છે અને તબીબી પ્રમાણપત્ર આપી શકી છે. ‘નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એમ્પાવરમેન્ટ ઑફ પર્સન વિથ મલ્ટિપલ ડિસેબિલિટીસ’ના સર્વે અનુસાર 58 ટકા વિકલાંગ દલિત આદિવાસી બાળકો શાળાનું પગથિયું ચડ્યાં નથી. જાહેર સંસ્થાઓનાં મકાનો વિકલાંગોના ઉપયોગ માટે સરળ બને તેવી સુવિધાઓનો દેશમાં મોટો અભાવ છે. લાખો એ.ટી.એમ.ને વિકલાંગોના ઉપયોગલાયક બનાવવાનો પડકાર ઊભો જ છે.

જુલાઈ 2016માં આધુનિક ગણાતા જાપાનમાં એક ક્રૂર ઘટના બની હતી. પાટનગર ટોકિયો નજીકના એક વિકલાંગ ગૃહ પર 26 વર્ષીય યુવકેે હુમલો કરી, 19 વિકલાંગોને ચાકુ વડે રહેંસી નાંખ્યા હતા. આ યુવાન કોઈ હત્યારો નહોતો, પણ વિકલાંગોને મારી નાખવા જોઈએ તેવું માનનારો હતો. આ માટે તેણે જાપાનની સંસદને પણ પત્રો લખ્યા હતા. વિકલાંગોની હત્યા એ જેમ તેમની મુક્તિનો માર્ગ નથી, તેમ કોરી સહાનુભૂતિ કે દયા પણ માર્ગ નથી. વિકલાંગો પણ નાગરિક તરીકે સમતા, ન્યાય, અને ભાગીદારીના હકદાર છે. તે દિશાના નક્કર પ્રયાસો જરૂરી છે.

સૌજન્ય : ‘પરિવર્તન’, “દિવ્ય ભાસ્કર”, 12 જાન્યુઆરી 2017

Loading

લખવું એટલે જાતને, જીવનને સમજવાની-પામવાની મથામણ

અંકિત દેસાઈ|Opinion - Literature|12 January 2017

(આ મુલાકાત, વર્ષ 2013માં, “ગુજરાત ગાર્ડિયન”માં પ્રકાશિત થઈ હતી. તેમાં આજના સંદર્ભે કોઈ ફેરફાર કરાયો નથી. − અંકિત દેસાઈ)

અંકિત દેસાઈ અને હિમાંશી શેલત

અંકિત દેસાઈ : લેખનની શરૂઆત ક્યારે કરી?

હિમાંશી શેલત : બહુ મોડી. લગભગ ૧૯૮૦ પછી. જ્યારે મારું થિસીસનું કામ પત્યું પછી મેં મારા લેખનની શરૂઆત કરી.

અં : સર્જનનું માધ્યમ વાર્તા જ કેમ?

હિ : વાર્તા મને પહેલેથી જ બહુ આકર્ષતી. મને પહેલેથી જ વાર્તાઓ વાંચવાનો ખૂબ શોખ હતો. હું જ્યારે ભણતી, ત્યારે પણ ખૂબ અંગ્રેજી વાર્તાઓ વાંચતી. આમ, મારા એ શોખમાંથી જ મેં વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. જો કે હું વાર્તાઓ લખીશ જ એવો મને બહુ ખ્યાલ ન હતો. વાર્તાઓ લખવી મને ઘણો મોટો પડકાર લાગતો, કારણ કે વાર્તામાં તમારે ખૂબ જ થોડાં પાનાંઓમાં અને ઓછા શબ્દોમાં વાચકો આગળ તમારી વાત મૂકવાની હોય છે. આ આખી પ્રકિયા જ મને ખૂબ ગમતી. આથી મને જ્યારે લખવાનો વિચાર આવ્યો, ત્યારે મેં વાર્તામાં જ વ્યકત થવાનું પસંદ કર્યું.

અં : તમારા માટે વાર્તા એટલે શું?

હિ : મારા માટે વાર્તા એટલે હું જે સમયમાં જીવું છું એ સમયગાળાને પૂરોપૂરો સમજીને અને તેને આત્મસાત કરીને તેમાં જે કંઈ પણ બને છે તેને અનુભવીને પકડવાનો પ્રયત્ન કરવો. એટલે કે સાંપ્રતની કેટલીક ક્ષણોને પકડવાનો અને એ સંવેદનોને ભાવક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો. આમ, ભાષા દ્વારા કલાનાં ધોરણો સાચવીને તમારી સામાજિક નિસ્બતને વ્યક્ત કરવી એટલે વાર્તા. વાર્તા એ કેવળ ચબરાકી હોય તેની તરફેણમાં હું ક્યારે ય રહી નથી. પૂરી સ્માર્ટનેસથી કે ભાષાનાં ખેલથી સપાટી ઉપરનું લખાયેલું હોય અને તેમાં કોઈ પણ સંવેદન વ્યકત ન થયું હોય, એ બધું સાહિત્ય બહુ લાંબા ગાળા સુધી ટકતું નથી. આમ, વાર્તા વાંચવાનો રસ સૂકાઈ જાય ત્યાં સુધીની સ્વરૂપની મથામણ અને ગોઠવણ કે ચબરાકીમાં હું માનતી નથી.

અં : તમારી સર્જન પ્રકિયા વિશે થોડું જણાવશો?

હિ : આ વિશે જણાવવું થોડી અધરી વાત છે. પણ મને એક વાર વાર્તાનું બીજ મળે તો મને મળેલી તે કાચી સામગ્રીનું વાર્તામાં કેવી રીતે રૂપાંતર કરવું એ વાતમાં મને ખૂબ રસ પડે છે. મને કાચી સામગ્રી મળતાં જ હવે તેનું રૂપાંતર કેવી રીતે થશે કે કેવું થશે અને કલાત્મક થશે કે નબળું થશે તે અંગેનાં વિચારોમાં હું જોતરાઈ જાઉં છું. આ ઉપરાંત મને પાત્રોનું પણ ખૂબ આકર્ષણ. મારી મોટા ભાગની વાર્તાઓ પાત્રોમાંથી જ મળી છે. મને એક વાર પાત્ર મળે પછી તેની આસપાસ ગોઠવવા જેવી વસ્તુઓને હું ગોઠવી દઉં છું. જો કે હું માનું છું કે મારી વાર્તાનાં મૂળ તો બે તબક્કા છે એટલે કે હું સામાજિક કામ નહોતી કરતી તે પહેલો તબક્કો અને બીજો ‘એ લોકો’ પછીનો તબક્કો એટલે કે હું સામાજિક કામો કરતી થઈ એ પછીનો તબક્કો. આ બે તબક્કા વચ્ચેનો ભેદ પણ તરત ખબર પડે એવો છે.

અં : આપે હંમેશાં રઝળતાં બાળકો અને મૂંગા પ્રાણીઓ માટે કામ કર્યું છે. શોષિતો અને નિરાશ્રિતો માટેની આ સંવેદનશીલતાનાં બીજ ક્યાંથી રોપાયાં?

હિ : હું ભણતીથી ત્યારથી જ. મારા ઘરનું વાતાવરણ ગાંધીવાદી હતું એટલે ઘરમાં ખૂબ જ સંવેદનશીલ વાતાવરણ હતું. ઉપરાંત મારી સ્કૂલ ‘જીવનભારતી’નું વાતાવરણ પણ એ માટે જવાબદાર રહ્યું. કારણ કે, ત્યાં દર વર્ષે એક શ્રમ સપ્તાહનું આયોજન થતું. આ દરમિયાન અમે એક અઠવાડિયા સુધી વિવિધ સામાજિક કાર્યો કરતાં. એટલે કદાચ ત્યાંથી જ આ બીજ રોપાયાં હશે. અને પ્રાણીઓ તો મને પહેલેથી જ બહુ ગમતાં. કોઈ માણસ કોઈ પ્રાણીની હત્યા કરે અથવા તેને કનડે તે ક્યારે ય મને ગમતું નથી. મને ક્યારે ય પ્રાણીઓનો ભય નથી થયો. હું માનું છું કે અહીં આપણો જેટલો અધિકાર છે એટલો જ અધિકાર પ્રાણીઓનો પણ છે. એટલે કોઇ પ્રાણીઓને મારે અથવા મારી નાંખે એ બધું મને ખૂબ જ ત્રાસદાયી લાગ્યું છે. મને આ પૃથ્વી પર સૌથી ઉપદ્રવી પ્રાણી માણસ જ લાગ્યો છે, પ્રાણીઓનો તો કોઈ જ ઉપદ્રવ નથી.

અં : પ્રાણીઓ અને બાળકો સાથેનાં અનુભવો કેવા રહ્યાં? એમની સાથેની ક્ષણોને વર્ણવી શકો?

હિ : બાળકો અને પ્રાણીઓની વૃત્તિ હંમેશાં ઘણી સાફ હોય છે. મેં ‘પ્લેટફોર્મ નં ૪’માં તેમના વિશે કહ્યું છે કે મેં તેમને કંઈ જ આપ્યું નથી, તેમણે જ ઘણું બધું આપ્યું છે. હું બાળકો પાસેથી ઘણું બધું શીખી છું. તેમનાંમાં આનંદ મેળવાની અનહદ ક્ષમતાઓ રહેલી હોય છે. મેં મારી આસપાસનાં જે ભદ્ર વર્ગનાં લોકોને જોયાં છે, તેમનાંમાં મને લાલસા સિવાય બીજું કંઈ દેખાયું નથી. તેમનામાં આનંદ મેળવવાની કોઈ ક્ષમતા જ નથી.  આમ, બાળકોની અને પ્રાણીઓની સહજતા જ મને બહુ આકર્ષી છે. આથી હું તેમનાં તરફ ઘણી ખેંચાઈ છું.

અં : ટૂંકી વાર્તાઓમાં કથાની અદ્દભુત ગૂંથણી કરતાં હિમાંશી શેલતે નવલકથાઓ આંગળીને વેઢે ગણાય એટલી જ લખી છે. એનું કોઈ કારણ?

હિ : લાંબુ લખવાનું મને બહું નથી ફાવતું. નવલકથામાં કથાની જે ગૂંથણી કરવી જોઇએ એ દિશામાં મારી શક્તિઓ વળી નથી અથવા મારી એ શક્તિ છે પણ નહીં. ‘આઠમો રંગ’ મેં અમૃતા શેરગીલ પ્રત્યેનાં અત્યંત પ્રેમને કારણે લખી. અમૃતાની વાત ટૂંકી વાર્તામાં મૂકી શકાય એમ પણ ન હતી આથી મેં નવલકથા લખી. અને આઘાતથી પીડાતા બાળપણ વિશે હું સતત અજંપ રહેતી અને આ વાત પણ ઓછા શબ્દોમાં કહીં શકાય એમ ન હતી, એટલે મેં ‘સપ્તધારા’ લખી. મારી આ બન્ને નવલકથાઓથી મને બહુ સંતોષ નથી થયો. જો કે મેં લાંબી વાર્તાઓનાં (‘કાળાં પતંગિયાં અને ક્યારીમાં આકાશપુષ્પ’, ‘પંચવાયકા’, ‘ગર્ભગાથા’) પ્રયોગો કર્યાં છે, જેમાં મને લાગ્યું છે કે મેં સારું કામ કર્યું છે. આમ લાંબી વાર્તાઓ લખવી મને ફાવે છે પરંતુ નવલકથાનાં પોતને વણવાની મારામાં આવડત નથી.

અં : વાર્તાનાં સ્વરૂપમાં કેવા બદલાવ આવ્યા છે? આ બદલાવો અંગે તમારું શું કહેવું છે?

હિ : ગુજરાતી સાહિત્યમાં વાર્તાઓ ઘણી સારી લખાય છે. આપણી મુશ્કેલી એ જ છે કે આપણી વાર્તાઓ બહાર ઓછી પહોંચે છે. આધુનિક વાર્તાની વાત કરીએ તો સુરેશ જોષીએ આપણને મનુષ્યની ચેતનાનાં વિશ્વમાં પ્રવેશ કરવાનું શીખવ્યું. ત્યાર બાદ પણ વાર્તામાં જુદાં જુદાં તબક્કા આવ્યાં. પછી પરિસ્કૃત વાર્તાનો તબક્કો આવ્યો જેમાં લોકજીવન તરફ આપણે પાછાં ફર્યાં. ભાષાની દૃષ્ટિએ પણ તેમાં ઘણાં ફેરફારો થયાં. આ તમામ ફેરફારોનું આગવું મૂલ્ય છે. આજે દરેક જણ કોઈની અસર હેઠળ આવ્યાં વિનાં પોતાની પ્રતીતિથી વાર્તા લખે છે, જે આજની વાર્તાની સૌથી મોટી ફલશ્રુતિ છે.

અં : તમને કયા પ્રકારનું વાંચન ગમે છે? તમારા પ્રિય સર્જકો અને પ્રિય પુસ્તકો કયાં?

હિ : આમ તો હું બધું જ વાંચું. તો પણ ફિકશન અને આત્મકથાઓ સૌથી વધુ ગમે. મને ઉત્તમ કવિતાઓ પણ વાંચવી ગમે છે જો કે ગઝલોનો મને બહુ શોખ નથી. સાત્રનાં મિત્ર સિમોન દ બુવાની આત્મકથા મને અત્યંત પ્રિય છે. તેમની આત્મકથા વાંચ્યા પછી જ મને આત્મકથાઓ પ્રત્યે ખૂબ ખેંચાણ રહ્યું. ઉપરાંત નવલકથાઓ પણ વાંચવી ગમે છે. પરંતુ ગુજરાતીમાં મેં પ્રમાણમાં ઓછી નવલકથાઓ વાંચી છે કારણ કે આપણે ત્યાં નવલકથામાં એટલું સંતોષકારક કામ નથી થયું. મારા પ્રિય વાર્તા સર્જક કેથરીન મેન્સફિલ્ડ છે જેમની વાર્તાઓ મને આજે પણ ખૂબ ગમે છે. ઉપરાંત મને મહાશ્વેતા દેવી, આશાપૂર્ણા દેવી, મનુ ભંડારી જેવાં પ્રાદેશિક સર્જકો પણ ઘણાં ગમ્યાં છે. તો ગુજરાતીમાં જયંત ખત્રીથી લઈ અત્યાર સુધીનાં વાર્તાકારોનું કંઈ ને કંઈ ગમ્યું છે.

અં : વિનોદ મેઘાણી સાથે પરિચય કેવી રીતે થયો? તેમની સાથેની સફર કેવી રહી?

હિ : હું વિનોદ મેઘાણીને બહુ મોડી મળી. એટલે કે લગભગ ૧૯૯૫માં મળી. ચારેક મહિનાનાં પરિચય પછી અમે લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. ત્યારે હું નંદીગ્રામ સાથે સંકળાયેલી હતી એટલે મકરંદભાઈની સલાહથી 1995માં અમે રજિસ્ટર્ડ લગ્ન કરી લીધાં. હું નંદીગ્રામની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી હતી અને વિનોદ પણ મકરંદભાઈ સાથે સંકળાયેલા હતા. આથી તેમની સાથે કામ થઈ શકે એ માટે તેમણે મુંબઈ છોડ્યું અને મેં સુરત છોડ્યું. અને અમે બન્ને વલસાડ આવી ગયાં. તેમની સાથેની સફરની વાત કરું. અમે બન્ને અહીં બહુ કામમાં રહેતાં. હું મારાં કામોમાં વ્યસ્ત હતી, તો તેઓ પણ સંપાદનોમાં અને અનુવાદોમાં રોકાયેલા રહેતા. જો કે અમારું કામ ભાષાનું અને પુસ્તકોનું હતું એટલે એ રીતે અમને સાથે કામ કરવાની મજા પણ આવી. અમે સાથે મળીને બાપુજી(ઝવેરચંદ મેઘાણી)નાં બે પ્રોજેક્ટ્સ પર પણ કામ કર્યુ. આમ, અમારી સફર પ્રમાણમાં ઘણી સારી રહી. પરંતુ અમારી સફર બહુ ટૂંકી રહી અમને જો વધુ સમય મળ્યો હોત, તો થોડું સારુ થાત, કારણ કે કોઈ પણ સંબંધ માટે ચૌદ વર્ષનો ગાળો ઘણો ટૂંકો કહેવાય. આ ઘરમાં આવ્યાં પછી અમે બન્નેએ અમારું મેજર વર્ક અહીં જ કર્યું.

અં : વાંચન અને લેખન સિવાયનાં આપનાં કોઈ શોખ?

હિ : આમ તો વાંચન-લેખન મારું મૂળ કામ. પરંતુ ત્યાર પછીનું મારું કામ મારી સામાજિક નિસ્બત છે. મેં મારાં જીવનનાં ઘણાં વર્ષો સામાજિક કામો માટે આપ્યાં છે. અને આ કામો મેં કોઈ સેવાનાં આશયથી નથી કર્યાં. પણ આ કામો કરવાં મને ગમે છે એટલે હું તે કરતી હતી.

અં : આજની ગુજરાતી ટૂંકી વાર્તાઓ તમને કેવી લાગે છે? નવા વાર્તાકારોમાં કોને વાંચવા ગમે?

અત્યારની ગુજરાતી વાર્તા ચોક્કસ સારી જ છે. પણ છતાં ભાષાની એક કમનસીબી છે કે હાલમાં સાહિત્યનાં કોઈ પણ સ્વરૂપમાં ગજાનો યુવા સાહિત્યકાર મળવો મુશ્કેલ છે. હા, સારું લખવાની શક્યતા ધરાવતા એકાદ બે આપણને મળી આવે ખરા. આપણે ત્યાં રિસર્ચનાં કામોમાં ભરત મહેતા કે હેમંત દવે જેવાં માણસો મળી રહ્યાં છે પરંતુ કવિતા કે સાહિત્યનાં અન્ય સ્વરૂપોમાં ગજાનાં માણસો મળી રહેવા થોડાં મુશ્કેલ છે. હા, જો કે નીવડેલા વાર્તાકારો આપણી પાસે ઘણાં છે, જેમાં મોહન પરમાર કે વિનેશ અંતાણી જેવાં વાર્તાકારોનો સમાવેશ કરી શકાય છે.

અં : આજની પેઢીના વાચકો વિશે તમારું શું કહેવું છે? ગુજરાતીઓ પુસ્તકો ખરીદતાં નથી અથવા વાંચતા નથી તેવી ફરિયાદ તમને કેટલી સાચી લાગે છે?

હિ : ગુજરાતીઓ પુસ્તકો નથી ખરીદતાં એ વાત સાવ સાચી. કારણ કે કોઈ પણ સારા વાર્તાકારોની કૃતિઓ એટલે કે જેને ખરા અર્થમાં સાહિત્ય કહી શકાય એવી કૃતિઓની ૧૨૦૦-૧૫૦૦ નકલ વેચાવામાં જો ઘણો લાંબો સમય જતો હોય તો એનો અર્થ એ થાય છે કે આપણે વાચક તરીકે એટલા બધા સારા નથી. ઉપરાંત જે લોકો પુસ્તકો ખરીદે છે તે લોકો કેટલું વાંચે છે અને શું વાંચે છે તે પણ મોટો પ્રશ્ન છે. જો કે આમાં અન્ય માધ્યમો એ પણ ઘણી અસર કરી છે કારણ કે હવે લોકોને પુસ્તકો ખરીદવાની બહુ જરૂર રહી નથી. ગુજરાતી સાહિત્યની વાત કરું તો ઉસનશ્‌ સાહેબના અવસાન વખતે બહુ જુજ કહી શકાય એટલાં લોકો આવ્યાં હતાં. આટલા ગજાનાં સર્જક માટે જેટલાં લોકો હોવા જોઇતા હતાં એટલાં લોકો ત્યાં ન હતાં. આમ, ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જક હોવું એટલે તમારી આ જ સ્થિતિ થાય એ પણ તમારે સ્વીકારી લેવું. પણ છતાં થોડાં મુઠ્ઠીભર લોકો એવાં છે જે તમને વાંચે છે અને એ વર્ગ ભલે નાનો હોય પણ તમને લખતા પણ રાખે છે.

અં : તમને ગુજરાતી કથા સાહિત્યનું ભવિષ્ય કેવું લાગે છે?

ગુજરાતી કથા સાહિત્યનું ભવિષ્ય સારું છે. જો કે નવલકથા બાબતે થોડી મુશ્કેલી લાગી રહી છે. કારણ કે છેલ્લાં એક દાયકાની ઉત્તમ નવલકથા યાદ કરવી હોય તો એ મુશ્કેલીભર્યુ કામ છે. ‘કૃષ્ણાયન’ જેવી એકાદ નવલકથા મળી આવે કે આપણે કહી શકીએ કે હા, થોડુંક સરખું કામ થયું છે. જયંતભાઈ ગાડીત હતા ત્યાં સુધી એ નવલકથામાં થોડું સારુ કામ કરી શક્યા હતા. પરંતુ ગુજરાતી વાર્તાઓનું ભવિષ્ય ઉજળુ છે.

અં : તમારાં માટે લખવું એટલે?

હિ : મારે માટે લખવું એટલે જાતને અને જીવનને સમજવાની અને પામવાની મથામણ. હું કથાસાહિત્ય લખું છું એટલે મને એક સાથે ઘણાં બધાં જીવન જીવવાની તક મળે છે. મારા સર્જન દરમિયાન કેટલીક ક્ષણો સુધી હું પોતે હું રહેતી નથી. આમ, લખવું એટલે પોતાની જાતને ભૂંસી કાઢવી અને બીજાનાં જીવનની નજીક આવવું. આમ, મારે માટે લખવું એટલે જીવનને વધારે ઊંડાણથી પામવું.

અં : એવોર્ડ વિશે આપ શું માનો છો?

હિ : 2002 પછી મેં કોઈ પણ એવોર્ડ લીધા નથી. પરંતુ એક વાત સાચી કે એવોર્ડ મળે તો તમને સારા પ્રકાશકો મળી રહે છે. કારણ કે ગુજરાતી સાહિત્યમાં પ્રકાશકો સરળતાથી મળી રહેતા નથી. મને ઘૂમકેતુ એવોર્ડ અને સાહિત્ય અકાદમીના એવોર્ડ પછી ઘણાં સારા પ્રકાશકો મળી રહ્યા હતા.

અં : આપનાં આગામી કોઈ પ્રોજેક્ટ અથવા વિશેષ કામ?

હિ : હા, હાલમાં હું મારા જીવન ઉપર લખી રહી છું, જેનાં ત્રણેક હપ્તાઓ ‘સમીપે’માં છપાઈ પણ ગયાં છે. મારે મારી આત્મકથાનું કામ જલદીથી પૂરું કરવું છે. કારણ કે મારે એ કામ ઘણું પહેલાં પતાવવાનું હતું.

e.mail : ankitdesaivapi@gmail.com

Loading

સર્જકોત્સવ અને ભાવકોત્સવ

અંકિત દેસાઈ|Opinion - Literature|10 January 2017

ગયા રવિવારે [08 જાન્યુઆરી 2017] એટલે કે હજુ બે દિવસ પહેલાં જ સુરતમાં એક મજાનો ‘સર્જકોત્સવ’ ઉજવાયો.

સર્જક હતાં આપણી ભાષાના ટોચનાં વાર્તાકાર હિમાંશી શેલત અને ઉત્સવ હતો એમના સીત્તેરમાં જન્મ દિવસનો, જેમાં હિમાંશી શેલતનાં ભાવકો, વિદ્યાર્થીઓ અને કેટલાંક અન્ય સર્જકો ભેગા મળ્યાં અને હિમાંશીબહેનની વાર્તાઓ, આંગળીને વેઢે ગણાય એટલી નવલકથાઓ, ઉત્તમ કક્ષાના સંપાદનો અને એમની આત્મકથા ‘મુક્તિ વૃત્તાંત’ વિશે સંવાદો થયાં, બેઠકો થઈ… જાણીતા લેખિકા શરીફા વીજળીવાળા, લેખક- પત્રકાર બકુલ ટેલર અને હિમાંશી શેલતના ભાઈ ડૉ. કેતન શેલત જેવા સહૃદયીઓએ આખા કાર્યક્રમનું આયોજન કર્યું અને મીનળ દવે, બિન્દુ ભટ્ટ, શિરીષ પાંચાલ, ઈમરાન સુરતી, કિરીટ દૂધાત કે રમણ સોની જેવા સુજ્ઞજનોએ વિવિધ વિષયો પર એમના વક્તવ્યો આપ્યાં.

સુરતનો એ સર્જકોત્સવ કેટલો મજાનો રહ્યો અને હિમાંશી શેલતનાં ભાવકોએ એમની સાથે કેટલો ઉત્તમ સમય વીતાવ્યો એના પુરાવા નથી આપવા કારણ કે, આવાં મુઠ્ઠી ઊંચેરાં સર્જકનો સત્કાર સમારંભ હોય એટલે અમસ્તા ય ભાવકો – વિદ્યાર્થીઓ ઉત્સવમાં સામેલ થાય. પણ રજાને દિવસે છેક સુરતમાં કાર્યક્રમ યોજાવાનો હોય ત્યારે મુંબઈ તરફથી યામિની પટેલ કે અમદાવાદ ભણીથી ચંદ્રમોલિ શાહ કે વલસાડ બાજુથી બકુલા ઘાસવાલા જેવાં લોકો એમની ઉંમર-તબિયત કે પ્રવાસ દરમિયાન થતી કોઈ હાડમારીની ચિંતા કર્યા વિના સુરત લગણ લાંબા થાય તો એની નોંધ તો લેવી જ પડે! જો કે હિમાંશી શેલતનું સર્જન, એમનું વ્યક્તિત્વ અને એમનાં કાર્યો જ એવા ઉમદા છે કે, એમને રૂબરૂ મળવાનો લાભ મળતો હોય તો એમનો ચાહક બધું ય વેઠીને એમના સુધી પહોંચે!

ખૈર, હિમાંશી શેલતનો મેં ‘ગુજરાત ગાર્ડિયન’ માટે ઈન્ટરવ્યૂ કરેલો, ત્યારે એમણે એક કબૂલાત કરેલી કે, એમની પેઢીના અન્ય વાર્તકારોની સરખામણીમાં એમણે લખવાનું ઘણું મોડું શરૂ કરેલું. 8મી જાન્યુઆરી 1947ના દિવસે એમનો જન્મ. પણ એમની વાર્તાઓ છેક એંસીના દાયકામાં પ્રકાશિત થવાની શરૂ થઈ. જો કે એમણે લખવાની શરૂઆત ભલે મોડી કરી હોય, પરંતુ જે લખ્યું એ શ્રેષ્ઠત્તમ લખ્યું. અહીં અન્ય વાર્તાકારો સાથે સરખામણી કે કોઈના પ્રદાનનું મૂલ્યાંકન નથી કરવું, પરંતુ એક વાત બહુ સ્પષ્ટ રીતે કહી શકાય કે, આપણી ભાષામાં હિમાંશી શેલત જેવાં વાર્તાકાર થાય એ આપણી ભાષાનું ભાગ્ય કહી શકાય! બાકી, હિમાંશીબહેન અંગ્રેજીનાં ખૂબ ઉત્તમ અધ્યાપક રહ્યાં અને આપણી પ્રજા તો હજુ હમણાં હમણાં જાણતી થઈ, પણ વી.એસ. નાયપોલને સાહિત્યનું નોબલ પ્રાઈઝ એનાયત થયેલું એના વર્ષો પહેલાં એમણે નાયપોલના લેખન પર Ph.D સુદ્ધાં કરેલું. અંગ્રેજીના આવા અભ્યાસુ એ જ ભાષામાં લખતે તો?

પેલા ઈન્ટરવ્યૂ પર ફરી આવીએ. એ જ ઈન્ટરવ્યૂમાં એમને પૂછયેલું કે, ‘ટૂંકી વાર્તાના સ્વરૂપમાં તમે કથાની ગૂંથણી અત્યંત ઉત્તમ રીતે કરી શકો છો, પણ વાર્તાની સરખામણીએ તમે નવલકથા માત્ર બે-ત્રણ લખી છે … આવું કેમ?’ ત્યારે એમણે કહેલું, ‘કળાનો એ પ્રકાર એટલે કે નવલકથાનું માળખું મને ઝાઝું માફક નથી આવ્યું. અથવા તો નવલકથામાં કથાની જે ગૂંથણી કરવી જોઈએ એ દિશામાં મારી ક્ષમતાઓ વળી નથી.’ હિમાંશીબહેને પોતે એ કહ્યું કે, પોતાનાં સર્જનમાં એમને ‘આઠમો રંગ’ અને ‘સપ્તધારા’ બાબતે થોડો અસંતોષ છે. એમનું માનવું છે કે, જે રીતે એ નવલકથાઓ લખાવી જોઈતી હતી એ રીતે એ લખી શકાઈ નથી.

અહીં વાચકોને જણાવવાનું થાય છે કે, ‘આઠમો રંગ’ હિમાંશી શેલતની પહેલી નવલકથા છે, જેમાં નાની ઉંમરે મૃત્યુ પામેલાં અને મૃત્યુ પછી જેમનું કામ ખૂબ વખણાયું હતું એવા વિખ્યાત ભારતીય ચિત્રકાર અમૃતા શેરગીલના જીવનની કશ્મકશ વિશેની વાતો આલેખવામાં આવી છે. તો ‘સપ્તધારા’માં આઘાતથી પીડાતા બાળપણની વાત આલેખવામાં આવી છે.

જો કે હિમાંશીબહેન પોતે ભલે કહે કે, નવલકથાનું સ્વરૂપ એમને માફક નથી આવ્યું, પરંતુ લઘુનવલ કહી શકાય એવી ‘ક્યારીમાં અકાશપુષ્પ અને કાળાં પતંગિયાં’ એમનું ઉત્તમ સર્જન છે. દાઢીધારી સાહિત્યકારોની જેમ વાર્તા કે નવલકથાનું પીંજણ નથી આવડતું, પણ એટલું જરૂર કહી શકાય કે, ‘કાળાં પતંગિયાં’ એક ઉત્તમ કૃતિ છે જ, જેમાં હિમાંશીબહેને આપણને એવી દુનિયા સાથે રૂબરૂ કરાવવાનો પ્રયત્ન કર્યો છે, જે દુનિયામાં જીવતા લોકો બાબતે આપણે સૌએ આપણી આંખ આડા કાન નહીં, પણ ગાંધારીને શરમ આવે એવાં સૂપડાં ધરી દીધાં છે.

રૂપજીવિનીઓનાં જીવન વિશે અનેક વાર્તાઓ વાંચવા મળી છે. મન્ટો જેવો મન્ટો સુગંધીના ઈગોની કે બીજી કેટલીક બાબતોની વાત વાર્તામાં રજૂ કરી ગયો છે. જો કે હિમાંશી શેલતની રૂપજીવિનીઓના સંદર્ભની વાર્તાઓમાં વિશેષતા એ કે, એમાં દેહવિક્રય કરીને જીવતી સ્ત્રીઓને બિચારી કે શોષિત તરીકે નહીં, પણ અનેક અભાવો વચ્ચે પણ ગરદન ઊંચી રાખીને જીવતી દર્શાવવામાં આવી છે. ‘કાળાં પતંગિયાં’ હોય કે એ જ વિષયની જુદી વાર્તાઓ હોય એમાં વાર્તાકાર તરીકે હિમાંશી શેલતે સમાજ સામે ફરિયાદનો સૂર ઉચ્ચાર્યો હોય, પણ એ બધાં પાત્રો લગભગ ફરિયાદ નથી કરતાં. એ બધીઓ તો જાણે એમની ઓછપનો ઉત્સવ ઉજવતી હોય એમ ખુશખુશાલ જણાય!

આ ઉપરાંત હિમાંશી શેલતે ‘ગર્ભગાથા’ અને ‘પંચવાયકા’ જેવી કથાઓ પણ આલેખી છે, જેને નવલકથા નહીં શકાય, પરંતુ એમને વાર્તા કહેવી કે કેમ એ પણ પ્રશ્ન છે. પરંતુ ટૂંકી વાર્તા કરતાં સહેજ નોખી કહી શકાય એવી વાર્તાઓ પણ છે તો ઉત્તમ જ. ‘ગર્ભગાથા’નું તો પોત જ એવું અદ્દભુત છે કે, એનું જે પડ ઉખેળીએ એમાંથી વાર્તા નીકળે!

હિમાંશી શેલત અને એમનું લેખન કે જીવનભર એમણે આદરેલાં કાર્યો વિશે એક લેખમાં વાત થાય જ નહીં. એ બધી વાતો બે-ચાર લેખોમાં થાય અને આપણે એમ જ કરવાના છીએ, જેથી મને પણ ફરીથી એ વાર્તાઓ-સમરણો – વર્ણનોમાંથી પસાર થવાની તક મળશે. આજે વાતવાતમાં હિમાંશી શેલતની નવલકથા અથવા લઘુનવલ વિશે ઉપરછલ્લી વાત માંડવાનું થયું.

પણ મને અંતરની ઈચ્છા છે કે, હું મારા દિલની સૌથી નજીક એવા એમનાં બે પુસ્તકો ‘પ્લેટફોર્મ નંબર ચાર’ અને ‘વિક્ટર’ વિશે કંઈક લખું. તો હવે પછીની ‘ટેક ઈટ ઓર લીવ ઈટ’માં એ વિશેની વાતો માંડીશું.

ફીલ ઈટઃ

રામ મ્યુિનસિપાલિટીનો બગીચો છે, જ્યારે કૃષ્ણ આપોઆપ ઊગી નીકળેલું જંગલ છે.

– સર્જકોત્સવ દરમિયાન બાજુના હૉલમાં નગીનદાસ સંઘવીના વકતવ્યમાં સાંભળેલું વાક્ય.

સૌજન્ય : https://khabarchhe.com/magazine/celebration-of-creation

Loading

...102030...3,5123,5133,5143,515...3,5203,5303,540...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved