Opinion Magazine
Number of visits: 9689856
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભોગીલાલ ગાંધી જન્મ શતાબ્દી ગ્રંથ : પુસ્તક પરિચય

મનોજ રાવલ|Opinion - Literature|13 January 2017

ભોગીલાલ ગાંધી જન્મ શતાબ્દી ગ્રંથ. પ્રકાશન – પ્રાપ્તિસ્થાન : ગુજરાત સાહિત્ય પરિષદ, નદી તટે, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પાછળ, આશ્રમમાર્ગ, અમદાવાદ – 380 009.

લગભગ આઠેક જેટલા સંપાદકોમાંથી અડધાથી વધારે સંખ્યાના મિત્રો વિવિધ સામયિક-ગ્રંથ સંપાદનનો અનુભવ ધરાવતા પ્રખ્યાત નામો છે. જેમ કે પ્રકાશ ન. શાહ (નિરીક્ષક), રમણ સોની (પ્રત્યક્ષ), વિપુલ કલ્યાણી (ઓપિનિયન), યોગેશ જોષી (પરબ), વગેરે. પૃષ્ઠ સંખ્યા ૮+૫૫૪ છે. કિંમત રૂપિયા ૫૨૫=૦૦. ત્રણસો પ્રત જ આ કર્મશીલને ઓળખવા માટે ગુજરાતમાં પૂરતી છે, તેવું અનુભવ આધારે વિચાર્યું હશે !

૨૦૧૧ની ભોગીભાઈની જન્મ શતાબ્દી વેળા ભોગીભાઈના ગ્રંથોમાંથી ઉત્તમ લેખો સંચિત કરીને તેમના વિશે અન્ય અભ્યાસીના લેખો મેળવી ગ્રંથ પ્રગટ કરવા ધારેલું. અડધા દશકામાં તો લગભગ દસેક લેખ નવા મેળવી પણ લીધા. તેમાનાં પાંચેક તો પરિવારની સ્મરણાંજલિ રૂપ છે. કદાચ ૨૦૧૧નો રાજેન્દ્ર પટેલનો શતાબ્દી વંદના પ્રકારનો અને ૨૦૧૩નો લેખ ગુલામ મહમ્મદ શેખના નવાં લખાણો કહી શકાય. બાકીનામાં – ૧૯૬૯માં લખાયેલ આશરે ૪૭ પાનાંનો સુમન શાહનો લેખ ૨૦૦૬માં પ્રગટ થયેલો (લખાણો ક્યારે હશે?) પ્રકાશ ન. શાહનો લેખ. જયંત પંડ્યાનું ૧૯૯૮માં પુનઃમુદ્રિત થયેલ તે લખાણ અન્ય ૨૦૧૧ના પ્રાસંગિક કે તારીખ વગરના જૂના માનવા કારણ પ્રેરે તેવાં લખાણો અત્રે પ્રસ્તુત કરાયાં છે.

‘વિશ્વ માનવ’નો સંપાદક આ રીતે કામ કરતો હોત તો ? લેખોની ગુણવત્તા કે મહત્ત્વ ઓછા આંકવાનો પ્રયત્ન નથી, પરંતુ કોઈ સંસ્થા દ્વારા આવડી મોટી ફોજથી સાહિત્ય-સંસ્કૃિતની બોલાવતી હોય ત્યારે પુનઃવિચાર, પુનઃમૂલ્યાંકન શતાબ્દી વરસમાં ન થાય તો ક્યારે થાય ?

ભોગીલાલ ગાંધીની જિંદગીની સાલવારી પ્રમાણેનાં કાર્યો, (ભલે અંદાજે) તેમનાં લખાણોની સૂચિ, તેમના વિશેનાં લખાણોની સૂચિ (નેમ એન્ટ્રી) આ બધાનો અભાવ આઠમાંથી એકેય સંપાદકને ન નડ્યો ? ખેર, ગ્રંથમાં જે ન હોય તેની વાત ન કરાય એ પરંપરાને આત્મસાત્‌ કરીને જે સારું લાગ્યું તેનો ઉલ્લેખ કરીએ.

પ્રથમ તો ખુદ ભોગીલાલ ગાંધીનાં લખાણો આશરે ૪૦૬ પાના સુધી મળે છે. ગાંધી, માર્ક્સ, હર્બટરીડ, તોલ્સતોય, શરદબાબુ વગેરે વિશે ભોગીલાલ ગાંધીની વિચારણા ઉપલબ્ધ થાય છે. પરિષદને આ કામ બદલ અભિનંદન.

આપણે ત્યાં આજકાલ માર્ક્સવાદી દૃષ્ટિએ સાહિત્યનું મૂલ્યાંકન કે ગુજરાતી વિવેચન સાહિત્યમાં માર્ક્સવાદની અસર ઝીલતી પ્રવૃત્તિ ઓછી દેખાય છે. તે વલણ ભોગીલાલ ગાંધીમાં કઈ પ્રગતિશીલ રીતે પ્રગટ થતું રહેલું એ પ્રગટ કર્યું છે. સાથોસાથ ભોગીલાલ ગાંધીનું લખાણ ભક્તિ પ્રણાલીની અવિરત ધારા પણ અપાયું છે. આમ વિવિધ પાસાં વ્યક્તિનો આંતરવિરોધ નથી દર્શાવતા પણ વ્યક્તિત્વની અખિલાઈ માટેના પૂરક પાસાં દર્શાવે છે.

બીજા વિભાગમાં ભોગીલાલ ગાંધી અને એમનાં પુસ્તકો વિશેનાં લખાણો દ્વારા તેમની કલા અને વિદ્યા-પ્રીતિ દર્શાવી છે.

રઘુવીર ચૌધરી, રાજેન્દ્ર પટેલ, ડંકેશ ઓઝા, યોગેશ જોષી, હરિકૃષ્ણ પાઠક, જયંત પંડ્યા વગેરે પરિષદના આંગણમાંથી જ પ્રાપ્ત થતા લખનારા હોય તેનો રાજીપો સર્વને હોય જ. પણ આ નિમિત્તે કેટલાક મુદ્દા નવા સંદર્ભમાં ચર્ચી શકાત. દા.ત. કોઈ વિચારધારા-આદર્શને વરેલ કર્મશીલનું તેનું વૈચારિક સંગઠન દા.ત. આર.એસ.એસ., સામ્યવાદીપક્ષ, ધર્મ-સંપ્રદાય કઈ રીતે શોષણ સામગ્રીમાં તબદીલ કરે છે ? વ્યક્તિની બુદ્ધિ પ્રતિભાનો ખપ જે-તે સંગઠન માટે પૂરો થાય ત્યારે સામાજિક સલામતી માટે તેમના અંગે શું વિચારે છે ? વિચારધારા બદલાઈ તો રુચિ પ્રમાણે કામ કરવાની તક જે-તે પૂર્વ સંગઠન તેની સારપમાં વિશ્વાસ રાખીને સુવિધા આપશે ? ભોગીલાલ ગાંધીના સમાન કેટલા ય કર્મશીલોએ ગુજરાતી પ્રજાના ઘડતર માટે કામ કર્યું છે. તેવી વ્યક્તિ અંગે સમૂહ (સંગઠન) કઈ રીતે વર્તે છે ? અન્ય ક્ષેત્રના કર્મશીલો સ્વાન્ત સુખાય કે સેવા ભાવનાથી અથવા બહેતર સમાજ રચના માટે કામ કરે તો તેમની માત્ર ફરજ કે તેમના પક્ષનો હરખ માનતા સમાજની ચર્ચા અંગે આવા ગ્રંથમાં સ્થાન હોય કે ન હોય તે સંપાદકોની પસંદગીનો મામલો છે. પણ આવા ઘણા મુદ્દા ભોગીલાલ ગાંધી શતાબ્દીગ્રંથ નિમિત્તે ચર્ચવાની તક હતી.

ત્રીજા વિભાગમાં સિદ્ધાર્થ નરહરિ ભટ્ટ, દશરથ ગાંધી, વીરેન્દ્ર ગાંધી, કમલેશ ગાંધી, કૃષ્ણવદન હ. ગાંધી, નંદિની ગાંધી, અમિતાભ ગાંધીનાં લખાણોમાં કુટુંબગત ભોગીલાલ ગાંધી સંકળાયેલા પ્રાપ્ત થાય છે. ઉપરાંત તેમના દાર્શનિક-વ્યવહારિક વલણો પણ પ્રગટ થાય છે. અહીં બિનજરૂરી પ્રશંસા ટાળી વ્યક્તિની મહત્તા ઉપસાવવામાં આ લખાણો ઉપકારક છે. ભલે પાંચ વરસ મોડું આ પુસ્તક આવ્યું પણ યોગ્ય વ્યક્તિ અંગેનું તેમનાં લખાણોનું પ્રતિનિધિત્વ ધરાવતું આ પુસ્તક આવકારદાયક છે. ભોગીલાલ જેવા કર્મશીલથી ગુજરાત ગુણવંતી અને રળિયાત છે.

(ગુજરાતીના નિવૃત્ત પ્રોફેસર, ઉપલેટા)

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક : 110; વર્ષ : 11; જાન્યુઆરી 2017; પૃ. 16- 17

Loading

છીછરાં પાણીનાં માછલાં

પ્રહ્લાદ જોશી|Samantar Gujarat - Samantar|13 January 2017

જે યુવાન વિદ્યાર્થી તરીકે ગણિત અને વિજ્ઞાનમાં સ્કોટલૅન્ડમાં શ્રેષ્ઠમાં ગણાયો હોય. ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર, રાજકારણ, અને ફિલોસોફી ભણ્યો હોય. ત્રીસ વર્ષની વયે લિબરલ ડેમોક્રેટ પક્ષનો પ્રવક્તા બન્યો હોય. શેડો સેક્રેટરી* ફોર વર્ક એન્ડ પેન્શન નિમાયો હોય. બ્રિટનને યુરોપમાં જોડવાનું અભિયાન કરતી રાષ્ટ્રવ્યાપી સંસ્થાનો પૂરા આઠ વર્ષ ડાયરેક્ટર ઓફ કોમ્યુિનકેશન રહી ચુક્યો હોય. તેત્રીસ વર્ષની વયે બ્રિટનની સંસદમાં સભ્ય તરીકે ચૂંટાયો હોય. અને રાણીમાની તિજોરીનો સેક્રેટરી** નિમાયો હોય. એટલું જ નહીં, લિબરલ ડેમોક્રેટ પક્ષના સંસદમાં ચૂંટાયેલા સભ્યોનો પ્રમુખ પણ હોય. અને હા. સમાજજીવનમાં એના યોગદાનની કદર રૂપે રાણીમા એને નાઇટહૂડ પણ આપે, એટલે એ યુવાન ત્યાર પછી કહેવાય ‘સર’ ડેનિયલ એલેકઝાન્ડર. સર ડેનિ.

તો એના મગજમાં કેટલી રાઈ હશે?

નાગરિકોને એ પોતાના કરતાં કેટલા નીચા માનતો હશે?

નાગરિકો કરતાં પોતાને કેટલો ઊંચો માનતો હશે?

ત્રણે પ્રશ્નોનો જવાબ છે ‘જરા ય નહીં'.

ડેનિના મગજમાં જરા ય રાઈ નથી કે પોતે કેટલો પહોંચેલો રાજકારણી છે. જસ્ટ ધ મેન નેક્સ્ટ ડોર.

સાબિતી આ બે ફોટોગ્રાફ્સ. હું સ્કોટલેન્ડવાસી હતો ત્યારે ઇન્વરનેસના એક રસ્તા પર સામો મળ્યો. એની દીકરીને સરકારી દવાખાને ડોક્ટરને દેખાડીને ઘર ભણી આવી રહ્યો હતો. હું ઓળખી ગયો એટલે “હેય ડેનિ!” કહી રસ્તામાં ઊભો રાખ્યો. “નાઇસ ટુ સી યુ” સિવાય બીજી તો કોઇ વાત કરવાનો મારો હેતુ ન હતો, પણ આ જ તો વિશેષતા એક બ્રિટિશ રાજકારણીમાં, કે ઊભા રહી એણે પ્રેમથી મને પૂછ્યું કે હું ક્યાંથી આવી રહ્યો છું અને ઇન્વરનેસમાં શું કરી રહ્યો છું (એ વિસ્તારમાં ટુરિસ્ટ સિવાય ભારતીયો ન જોવા મળે જ્યારે હું ટુરિસ્ટ જેવો જરા ય દેખાતો ન હતો). એણે જ એ કહ્યું અને સાથે આમંત્રણ આપ્યું કે હું એની ઓફિસે એક વાર આવું. એક હાઇલેન્ડસ્ નિવાસી ભારતીય સાથે વાત કરવી એને ગમશે.

‘ચોક્કસ, ચોક્કસ’ કહી મેં વિદાય લીધી. જતાં જતાં એનો એક ફોટો લઈ લેવાનું મન થયું. એટલે એણે ચાલતા થતી વખતે આવજો કહેવા હાથ ઊંચો કર્યો હતો, ત્યારે એક ફોટો ક્લિક કરી લીધો. થોડો જ આગળ ગયો હશે ને બીજો એક નાગરિક મળ્યો, એની પણ સાથે થોડી વાર વાત કરવા ઊભો રહ્યો હતો ત્યારે મેં બીજો ફોટો ક્લિક કરી લીધો.

આ વાતને હું અઢી પોણા ત્રણ વર્ષમાં ભૂલી પણ ગયો હતો અને કોઈને તે વાત કહી પણ નહતી. પણ આજે ખાસ યાદ આવી.

ત્રણ દિવસથી રોજ વાઈબ્રન્ટ ગુજરાત મહોત્સવની મુલાકાત લઉં છું. પહેલા દિવસે પ્રદર્શન જોવા ગયો હતો, બીજા અને ત્રીજા દિવસે સેમિનાર્સમાં ગયો હતો અને આવતી કાલે ફરીથી પ્રદર્શનમાં જાવું છે.

સેમિનાર્સમાં સરકારી અધિકારીઓની ભરમાર છે. સુધારાને ઘણા અવકાશ છે (સહુથી વધુ તો, સરકારી અધિકારીઓમાં ખૂટતી સ્માર્ટનેસ) છતાં આવડું મોટું આયોજન સફળતાથી કરવા માટે સરકારને અભિનંદન આપવાં જ પડે (ભલે વિદેશી નિષ્ણાતોની સલાહ પ્રમાણે જ મોટાભાગનું આયોજન થયું હોય). પણ, એક વાત બહુ ખૂંચી.

આવા પ્રસંગો હોય છે જ નેટવર્કીંગ માટે. અજાણ્યા માણસને મળો, તમારો પરિચય આપો. શું કામ કરો છો એ કહો. પછી સામો માણસ શું કામ કરે છે તે પૂછો અને એના વ્યવસાયમાં તમે કોઈ પણ રીતે મદદ કરી શકો એ કહો (ભલે, એ કોઇની ઓળખાણ જ કરાવી આપવાની હોય). અને જો કોઇ રીતે તમારા વ્યવસાય અને એના વ્યવસાયમાં કોઈ મેળ બેસતો ન હોય તો ‘નાઇસ મિટીંગ યુ’ કહી છૂટા પડવાનું હોય. આ કોર્પોરેટ વિશ્વનો સીધો સાદો રિવાજ છે.

બ્રિટનમાં આ રીતે ચમરબંધીઓને અને અબજપતિઓને પણ મળેલો છું. એમના વ્યવસાયમાં આપણે કાંઈ કહેતાં કાંઈ પણ ન કરી શકીએ એમ હોય તો પણ એ લોકો આપણી સાથે પ્રેમથી વાત કરે છે અને છૂટા પડે છે. અને અમુક તો આપણે શું કરીએ છીએ એ યાદ પણ રાખીને એમને કોઈ મળે જેમને મળવાથી એનું કે આપણું ભલું થઈ શકવાનું હોય, તો આપણી સાથે ઓળખાણ કરાવવા લઈ પણ આવે છે. આવા પ્રસંગોમાં ન એ ઊંચા, કે ન આપણે નીચા.

અરે, આ જ ઉત્સવમાં આજે જ રોટરડેમ પોર્ટ ઓથોરિટીના અધિકારીએ પ્રેમથી સવા દોઢ મિનિટ સાથે ઊભીને વાત કરી છે. અમેરિકાની અલામો યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે પણ સારી રીતે વાત કરી. યુરોપિયન ચેમ્બર ઓફ કોમર્સના સ્થાપક સદસ્ય અને આજીવન ટ્રસ્ટીએ પૂરી છ મિનિટ મારી સાથે વાત કરી. વોપાક જેવી જાયન્ટ કંપનીના આંતરરાષ્ટ્રીય સંબંધોના જનરલ મેનેજરે પૂરા સૌહાર્દ સાથે ગઈ કાલે મારી સાથે વાત કરી હતી અને આજે એમની કંપનીના સેમિનારમાં મને ઓળખી ગયા તો સ્ટેજ પરથી મારી સામે હાથ ઊંચો કરી ઇશારાથી અભિવાદન પણ કર્યું.

પણ ભારતીયો! એમની વાત ન્યારી.

વાત જાણે એમ થઈ કે ત્યાં વાઈબ્રન્ટ ગુજરાત મહોત્સવમાં ભાગ લેવા આવનારા નાગરિકો, વિદેશીઓ, સરકારી અધિકારીઓ, આમંત્રિતો, વક્તાઓ, પ્રદર્શનમાં ભાગ લેવા આવેલા વ્યાપારગૃહોના પ્રતિનિધિઓ, આયોજકોના કર્મચારીઓ, સેવકો, બધાના ‘પરિચય બેજ’ લગભગ સરખા છે. સાવ છેડે આઠ મિલિમીટરની પટ્ટીમાં એ ભાઈ કે બહેન શું છે એ લખ્યું હોય. અને જો એ બેજ અવળો ફરી ગયો હોય તો ખબર ન પડે કે સામે વાળો કે વાળી અહીં શું લેવા (કે કાંદો કાઢવા) આવ્યાં છે.

સારાં કપડાં પહેરેલા એક ભાઈ સામેથી આવતા હતા, એટલે હું એમની સામે મલક્યો અને શેક હેન્ડ કરવા હાથ લંબાવ્યો. તો એ ભાઈ તો જાણે મેં કોઈ ભૂલ કરી નાંખી હોય એ રીતે મારી સામે એક ક્ષણ માટે જોયું અને બીજી ક્ષણે મને સાવ અવગણીને મારી સાવ પાસેથી જ નીકળી ગયા.

એ જાણે ઓછું હોય, એમ એમની સાથે થોડાં પાછળ ચાલી રહેલાં એક મહિલા મારી પાસેથી નીકળ્યાં ત્યારે મને સંભળાવતાં ગયાં, ‘એક્સક્યૂઝ મી, હી ઇઝ અ જોઇન્ટ સેક્રેટરી’.

મારા મોઢેથી નીકળી ગયું ‘સો વોટ!’; પણ સાંભળવા એ ઊભાં ન રહ્યાં. જાણે એમણે જે કહ્યું એ ચુપચાપ સાંભળી અને સમજી લેવાની મારી ફરજ હતી, પણ હું જે કહું એ એમને મન નગણ્ય હતું.

આવું જ બીજીવાર થયું જ્યારે એક યુવા મહિલા સાથે વાત કરવા ઊભો રહ્યો. મારો પરિચય આપ્યો પછી એમનો પૂછ્યો. એમણે એટલું જ કહ્યું ‘ચીફ સેક્રેટરી, ફલાણું ઢીંકણું ડિપાર્ટમેન્ટ’; અને એક પણ અક્ષર આગળ બોલ્યા વિના ચાલી નીકળ્યાં. પછી જે ખોટા હાસ્ય સાથે મારી સામે જોયું, એનો અર્થ મેં તો એવો કર્યો કે ‘તું કોણ મને તારી ઓળખાણ આપવા વાળો! ખબર નથી પડતી હું કોણ છું! ફલાણા ઢીંકણા ખાતાની ચીફ સેક્રેટરી! તું મારી સાથે વાત કરે! સમજે છે શું તારા મનમાં! તારી લાયકાત શું! વગેરે વગેરે …'

યાદ રાખો, સરકારી ઉચ્ચાધિકારીઓ, તમારી આ તુમાખીની ગુજરાત બહાર ફાટેલા જોડા જેટલી ય કિંમત નથી. પ્રજા ભોટ અને નિસ્તેજ છે એટલે તમારા જેવા લવિંગિયાઓ ટ્રાઈ નાઇટ્રો ટોલ્વીનના બોમ્બ હોવાની ટણી રાખી શકે છે. બાકી તમારામાં ખરેખર આવડત ને તેવડ હોત તો સરકારને પ્રજાના પૈસે ટિકિટ ખર્ચીને વિદેશી નિષ્ણાતોને હાથ જોડીને બોલાવવા ના પડત. દેશને કોરી ખાતી ઉધઈ છો તમે. તમારામાં ખરેખર હીર હોત ને, તો તમે તમારા આયોજેલા ઉત્સવમાં આવેલા મહેમાન સાથે પ્રેમથી વાત કરી હોત. તમને થોડી ખબર હતી કે હું ભારતમાં રહું છું કે વિદેશમાં! વિદેશવાસી હોત તો તમારી તો કદર જ લઈને ગયો હોત ને! પણ તમને ક્યાં શરમ જેવું કશું છે! ભારતીય હાઇકમિશનની લંડન ઓફિસમાં પણ તમારો વહીવટ નજરે જોયો છે. સાલું, ભારત આવવા માંગતા વિદેશી મિત્રને ભારતીય હાઇકમિશનનું સરનામું ય આપવામાં શરમ આવતી હતી. એ તો ત્યાંની પ્રજાએ સામૂહિક આંદોલન કરી વિઝાની પ્રક્રિયા આઉટસોર્સ કરાવી એટલે વહીવટ સુધર્યો. શરમાવ જરા. તમારી તો ત્યાં ય ઇજ્જત નથી.

અને મારી સામે તુચ્છકારથી જોયું એનાથી મને કોઈ જ ફેર નથી પડ્યો. મારા જીવનના ખરાબમાં ખરાબ દિવસે પણ તમારી સહુથી મોટી લાયકાત મારી બરાબર હશે, પણ વધારે તો નહીં જ. प्रासादशिखरस्थोऽपि काकः न गरुडायते (મહાલયના શિખર પર બેઠો હોય તો પણ કાગડો ગરુડ બનતો નથી) એ તમારા જેવાઓ માટે લખાયેલી કહેવત છે. અને હું જ્યાં બેઠો હોઇશ એ સિંહાસન જ છે કારણ કે “स्वयमेव मृगेन्द्रता”.

આ છીછરાં પાણીનાં માછલાંઓના કારણે આજે ડેની – સર ડેનિયલ એલેકઝાન્ડર યાદ આવ્યો અને ફરી એક વાર યાદ આવ્યું ધિસ ઇઝ વોટ મેક્સ બ્રિટન બ્રિટન અને ભારતવર્ષ ઇન્ડિયા.

અસ્તુ

* (શેડો સેક્રેટરી એટલે જે પક્ષ સત્તામાં ન હોય એ પણ મંત્રીમંડળના પ્રતિબિંબ જેવું એક મંત્રીમંડળ નીમે. અને સત્તાધારી પક્ષના મંત્રી જે કામ કરે તેના વિષે નિષ્ણાત મંતવ્ય આપે. સત્તાધારી પક્ષના મંત્રીઓને જાગતા રાખે અને જો એ પક્ષ સત્તામાં આવે તો જે તે ખાતાના શેડો સેક્રેટરી જ એ ખાતાના મંત્રી બને. ખાતાંઓની વહેંચણીની સાઠમારી ત્યાં ન જ થાય)

** (વિત્ત મંત્રાલયમાં વિત્તમંત્રી પછીનું સ્થાન)

સૌજન્ય : https://www.facebook.com/prahlad.joshi/posts/10210206839799399

Loading

વિકલાંગ દયા નહીં, અધિકાર માગે છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 January 2017

વિકલાંગતાના પ્રકાર સાતથી વધારીને એકવીસ કરવામાં આવ્યા છે, પણ તેમના અસરકારક અમલનો પ્રશ્ન ઊભો છે

સંસદના હંગામેદાર શિયાળુ સત્રની મહત્ત્વની લબ્ધિ 2014નું વિકલાંગ અધિકાર બિલ પસાર થવું તે છે. આર.પી.ડી. કહેતાં ‘રાઇટ્સ ઑફ પર્સન વિથ ડિસેબિલિટીઝ’ બિલ 2014 પર હવે તો રાષ્ટ્રપ્રમુખની મંજૂરીની મહોર લાગી ગઈ છે અને વિકલાંગોના અધિકારો સ્થાપિત કરતો કાયદો અમલી બન્યો છે.

1995ના દાંત-નહોર વગરના વિકલાંગ ધારાના સ્થાને આ જે નવો કાયદો આવ્યો છે તે વિકલાંગોના અધિકારોની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ છે. 1995ના કાયદામાં વિવિધ સાત પ્રકારની વિકલાંગતાઓને આવરી લેવામાં આવી હતી. જ્યારે હાલના કાનૂનમાં વિકલાંગતાની કેટેગરી ત્રણ ગણી વધારીને એકવીસ કરવામાં આવી છે. એસિડ એટેકની પીડિતાઓ, પાર્કિન્સન, હિમોફિલિયા, થેલેસેમિયા, કુષ્ઠરોગ મુક્તિ પછીની વિકલાંગતા સહિતની શારીરિક-માનસિક–સામાજિક વિકલાંગતાઓને આ કાયદામાં આવરી લેવામાં આવી છે.

જીવનનાં તમામ ક્ષેત્રોમાં વિકલાંગોને સમાન તક, અવસર અને માનવીય ગરિમા મળે, તે તો આ કાયદાનો ઉદ્દેશ છે જ, પરંતુ જે વ્યક્તિ 40 ટકા વિકલાંગતા ધરાવતી હોય તેને શિક્ષણ અને રોજગારમાં 4 ટકા અનામત આપવાની જોગવાઈ છે. વિકલાંગો માટે જાહેર સ્થળોનો ઉપયોગ સરળ બને તે પ્રકારના મકાનનિર્માણની જોગવાઈ છે. વિકલાંગો સાથે ભેદભાવ આચરનારને જેલથી દંડ સુધીની સજા, સમાજ સુરક્ષાની અનેક યોજનાઓના લાભની બાંહેધરી ઉપરાંત મહિલા અને બાળકો માટે વિશેષ સગવડો આપવામાં આવી છે.

લોકબોલીમાં આંધળા, બહેરા, બોબડા, લૂલા, લંગડા કહેવાતા જન્મથી કે અકસ્માતે શારીરિક-માનસિક અપંગતા ધરાવતો મોટો ઉપેક્ષિત માનવસમૂહ દેશમાં છે. તેની ઓળખ બદલાતી રહે છે, પણ સ્થિતિ ઝાઝી બદલાતી નથી. પહેલાં તે અપંગ કહેવાતા, પછી વિકલાંગ કહેવાયા, તો વડાપ્રધાને તેમને દિવ્યાંગ કીધા. માધ્યમોએ દિવ્યાંગ નામ જાણીતું કર્યું, પણ નવા કાયદામાં આ ઓળખ નથી! જેવાં ગુજરાતી કે પ્રાદેશિક તેમ અંગ્રેજી ભાષામાં પણ તેમના નામ-ઓળખ બદલાતાં રહ્યાં છે. હેન્ડિકેપ, ફિઝિકલી ચેલેન્જ્ડ, ડિફરન્ટલી એબલ, ડિસેબલ અને સ્પેિશયલ પ્રિવિલેજ્ડ જેવા શબ્દો વપરાતા રહ્યા છે.

દેશમાં વિકલાંગો કે દિવ્યાંગોની કેવી હાલત છે અને સમાન તક અને અવસર તેમના માટે કેવા જોજનો દૂર છે તે 2010માં યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં 60 ટકા વિકલાંગતા છતાં ઉત્તીર્ણ થયેલા ઇરા સિંઘલને નિમણૂક ન મળી ત્યારે ઉજાગર થયું હતું. કુલ ઉમેદવારોમાંથી 0.30 ટકા જ ઉત્તીર્ણ થાય છે તેવી સિવિલ સર્વિસ એક્ઝામ તે વરસે નવ વિકલાંગોએ પાસ કરી, પણ તેમની વિકલાંગતા તેમની નિમણૂકમાં આડે આવી. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યૂનલ અને તત્કાલીન વડાપ્રધાન સમક્ષ ધા નાખ્યા બાદ જ નવમાંથી સાતને નિમણૂક મળી હતી.

યાદ રહે કે અથાક મહેનત અને બુલંદ લગનથી ઇરા સિંઘલ 2014માં યુ.પી.એસ.સી. ટોપર બન્યાં હતાં. જો દેશની સર્વોચ્ચ નોકરીમાં વિકલાંગોની આ હાલત હોય તો સામાન્ય નોકરીઓ મેળવવી કેટલી મુશ્કેલ હશે? હજુ પણ દેશના ઘણાં રાજ્યોના પંચાયત કાયદાઓમાં અમુક પ્રકારની વિકલાંગતા ધરાવતા લોકો પંચાયતના સભ્ય ન થઈ શકે તેવી જોગવાઈ છે. આવું ઘણી શૈક્ષણિક સંસ્થાઓ અને રોજગારમાં પણ છે. તેના પરથી વિકલાંગોએ કેટકેટલા મોરચે અધિકાર અને ન્યાય માટે લડવાનું બાકી છે તે સમજાય છે.

આરંભે વિકલાંગ ધારો પસાર થઈ શક્યો તેને સંસદના શિયાળુ સત્રની મોટી ઉપલબ્ધિ ગણાવી, તેમાં પણ અર્ધસત્ય છે. આઝાદીના લગભગ પાંચ દાયકા પછી દેશના નીતિનિર્ધારકોનું ધ્યાન વિકલાંગોની સ્થિતિ તરફ ગયું હતું અને છેક 1995માં વિકલાંગ ધારો આવ્યો. તેની નબળી જોગવાઈઓ અને અમલમાં અખાડાને લીધે જ હવે તેના સ્થાને નવો કાનૂન લાવવો પડ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાના સંયુક્ત સંમેલને 13મી ડિસેમ્બર, 2006માં વિકલાંગોના અધિકારો માટેનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું.

ભારતે 1લી ઓકટોબર, 2007માં તેનું અનુમોદન કર્યું હતું. હાલના વિકલાંગ અધિકાર ધારાનાં મૂળ અહીં રહેલાં છે. ભારત સરકારે 2010માં વર્તમાન આર.પી.ડી. વિધેયક તૈયાર કરવા માટે સુધા કૌલ સમિતિની રચના કરી હતી. સમિતિએ 2011માં તેનો અહેવાલ સરકારને આપ્યો. 7મી ફેબ્રુઆરી, 2014માં યુ.પી.એ.-2 સરકારે હાલનું બિલ સંસદમાં રજૂ કર્યું ત્યારે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની પાર્લામેન્ટરી સ્ટેિન્ડગ કમિટીને આ બિલ સોંપવામાં આવ્યું હતું. સમિતિની બેઠકો અને અનેક સુધારાઓ પછી તે લાંબા સમયથી સંસદની મંજૂરીની રાહ જોતું અટક્યું હતું. આખરે 2016ની 14મી ડિસેમ્બરે રાજ્યસભાએ અને 16મી ડિસેમ્બરે લોકસભાએ તે પસાર કર્યુ હતું. એ રીતે કાયદો ઘણા વિલંબથી આવ્યો છે.

દીર્ઘ પ્રક્રિયામાંથી પસાર થયેલો વિકલાંગ અધિકાર ધારો સર્વાંગસંપૂર્ણ તો નથી જ. 2011ની વસ્તી ગણતરી મુજબ 1995ના વિકલાંગ ધારા મુજબની સાત પ્રકારની વિકલાંગતા ધરાવતા લોકોની વસ્તી દેશમાં 2.68 કરોડ (ગુજરાતમાં 10.92 લાખ) હતી. નવા કાયદામાં વિકલાંગતાના પ્રકારો ત્રણ ગણા વધારીને 21 કરવામાં આવ્યા છે તે સ્વાગતાર્હ છે, પરંતુ તેને કારણે વિકલાંગોની વસ્તીમાં જે વધારો થવાનો છે તે મુજબની જોગવાઈઓ આ કાયદામાં નથી. 1995ના ધારામાં વિકલાંગો માટે શિક્ષણ અને રોજગારમાં 3 ટકા અનામતની જોગવાઈ હતી.

આરંભના બિલમાં 5 ટકા અનામતની જોગવાઈ હતી, પરંતુ સરકારે માત્ર એક ટકો જ અનામત વધારીને 4 ટકા કરી છે. વિકલાંગોની કેટેગરીમાં ત્રણ ગણો અને અનામતમાં માત્ર એક જ ટકાનો વધારો ન્યાયસંગત નથી. શિક્ષણ અને રોજગારમાં વિકલાંગોના યોગ્ય પ્રતિનિધિત્વ માટે ચાર ટકા અનામત પર્યાપ્ત નથી. ખુદ સરકારે તેના એક અહેવાલમાં કબૂલ્યું છેકે 2011ની વસ્તી ગણતરી મુજબના 2.68 કરોડ વિકલાંગોમાંથી તે 49.5 ટકાને જ શોધી શકી છે અને તબીબી પ્રમાણપત્ર આપી શકી છે. ‘નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એમ્પાવરમેન્ટ ઑફ પર્સન વિથ મલ્ટિપલ ડિસેબિલિટીસ’ના સર્વે અનુસાર 58 ટકા વિકલાંગ દલિત આદિવાસી બાળકો શાળાનું પગથિયું ચડ્યાં નથી. જાહેર સંસ્થાઓનાં મકાનો વિકલાંગોના ઉપયોગ માટે સરળ બને તેવી સુવિધાઓનો દેશમાં મોટો અભાવ છે. લાખો એ.ટી.એમ.ને વિકલાંગોના ઉપયોગલાયક બનાવવાનો પડકાર ઊભો જ છે.

જુલાઈ 2016માં આધુનિક ગણાતા જાપાનમાં એક ક્રૂર ઘટના બની હતી. પાટનગર ટોકિયો નજીકના એક વિકલાંગ ગૃહ પર 26 વર્ષીય યુવકેે હુમલો કરી, 19 વિકલાંગોને ચાકુ વડે રહેંસી નાંખ્યા હતા. આ યુવાન કોઈ હત્યારો નહોતો, પણ વિકલાંગોને મારી નાખવા જોઈએ તેવું માનનારો હતો. આ માટે તેણે જાપાનની સંસદને પણ પત્રો લખ્યા હતા. વિકલાંગોની હત્યા એ જેમ તેમની મુક્તિનો માર્ગ નથી, તેમ કોરી સહાનુભૂતિ કે દયા પણ માર્ગ નથી. વિકલાંગો પણ નાગરિક તરીકે સમતા, ન્યાય, અને ભાગીદારીના હકદાર છે. તે દિશાના નક્કર પ્રયાસો જરૂરી છે.

સૌજન્ય : ‘પરિવર્તન’, “દિવ્ય ભાસ્કર”, 12 જાન્યુઆરી 2017

Loading

...102030...3,5113,5123,5133,514...3,5203,5303,540...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved