Opinion Magazine
Number of visits: 9552431
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કચ્છનો ચર્મોદ્યોગ સમેટાઈ ગયો છે

શશિકાન્ત આચાર્ય|Samantar Gujarat - Samantar|29 August 2016

કચ્છ જિલ્લામાં વીજળીકરણ થયું ન હતું ત્યારે, આજથી ચાર દાયકાપૂર્વે, ચર્મોદ્યોગ ખૂબ જ ધીકતો હતો. ગામડે-ગામડે એના કુશળ કારીગરો હતા. ચામડાંમાંથી વિવિધ પ્રકારની અનેક બનાવટો બનતી હતી એ સમયે, ગામડાંઓમાં પશુધન વધુ પ્રમાણમાં હોવાથી મૃતક ઢોરોનાં ચામડાં ઉતારી મીઠાનાં પાણીની ભરેલી કુંડીમાં ડુબાડીને અને બાવળની છોડીથી સાફ કરી રોગાન કરી તડકામાં સૂકાવીને વેચાણ કરતા હતા. આમ, ચામડાંનો ગૃહઉદ્યોગ ધમધમતો હતો.

બકરાનું ચામડું પાતળું હોતાં એનો ઉપયોગ વાદ્યસાધનો ઢોલ, નગારાં, તબલાં, ખંજરી, તંબૂરો મઢવામાં આવતો હતો.

ચામડાનો ઉપયોગ જ કેમ?

ચામડું વજનમાં હલકું, સુંવાળું, ઠંડું, ટકાઉ ઉપરાંત સહેલાઈથી પ્રાપ્ત થતું હતું. જેથી સર્વત્ર એનો ગૃહઉદ્યોગ ફૂલ્યોફાલ્યો હતો. સીવવામાં, કોતરવામાં, વાળવામાં પણ સહેલું હોતાં એનો ઠેરઠેર ઉપયોગ કરવામાં આવતો.

કચ્છ-કાઠિયાવાડમાં ચામડું પકવતા નથી

ત્રણ પેઢીના જૂના ચામડાના વિક્રેતા બળવંતભાઈ ઝાલાએ માહિતી આપતાં જણાવ્યું કે બે દાયકાથી કચ્છ કાઠિયાવાડમાં ચામડું પકવવાની પ્રક્રિયા સદંતર બંધ થઈ જતાં અને ચેન્નાઈમાં ચામડાંની મોટી બજાર હોઈ ત્યાંથી ચામડું મગાવવું પડે છે. આ ચામડું રૂ. ૩૫૦ કિલોના ભાવે વેચાય છે. પણ આટલું મોંઘું ચામડું પોષાતું નથી એટલે હવે ચર્મકારો બૂટ-ચપ્પલ બનાવતા નથી બજારમાં પ્લાસ્ટિક અને રેક્ઝિનનાં બૂટ ચપ્પલ સસ્તાં વેચાઈ રહ્યાં છે. ચામડાંની વિદેશમાં નિકાસ થાય છે. આથી દેશને કરોડોનું હૂંડિયામણ મળે છે. ઘરના કારીગરો બેકાર બની ગયા છે.

ખેડૂતો સૌથી વધુ ઉપયોગ કરતા

એ સમયે કૂવામાંથી પાણી ઉલેચવા મોટરપંપ ન હતા, જેથી ખેતી માટે કૂવામાંથી પાણી બહાર કાઢવા ચામડાના આઠ ફૂટ મોટા કોસનો ઉપયોગ થયો હોઈ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાધન હતું. બળદને ગાડામાં જોડવા માટે જોતર પણ ચામડાંમાંથી બનતાં, જેથી એના ચામડાની ખપત વધુ રહેતાં એની બનાવટના ખાસ કારીગરોની માંગ રહેતી.

ઘોડા પર બેસવાના આસનમાં પણ ચામડું

એ જમાનામાં ઘોડા મારફતે પરિવહન થતું હતું, જેથી ઘોડાના જીન (ઉપર બેસવાનું આસન) તેમ જ જોગાણ (દાણા ખવડાવવાની કોથળી) પગનાં પેડ, મોયડો અને રાસ (લગામ) ચામડાંમાંથી બનાવવામાં આવતાં, જેથી એના ખાસ કારીગરો હતા.

જીવનજરૂરિયાતમાં ચામડાંની બનાવટો

રબારી તેલ, ઘી, પાણીના સંગ્રહ માટે એક મોઢાવાળી ચામડાની ધભ્ભી (કોથળી) વાપરતાં જે ઊંટ પર બંને બાજુ સમતોલ, સલામત બાંધી શકાય, તો લુહારની ધમણ, સિલાઈ મશીનના પટ્ટા, કટારની મ્યાન, વાળંદનો અસ્ત્રો ઘસવાનો પટ્ટો, સાઇકલની સીટ, પ્રાઇમસમાં હવા ભરવાના પંપનાં વાઇસર, ફૂટવાલની જીસ્સી, ડૉક્ટરબૅગ, સૂટકેસ, મનીપર્સ, ટપાલખાતામાં રૂપિયાની હેરાફેરી માટે બૅગ, ટપાલી અને પોલીસનાં સેન્ડલ વગેરે વિવિધ બનાવટોમાં ચામડાંનો ઉપયોગ વ્યાપક હતો. બૂટ, ચપ્પલ, કમ્મરપટ્ટા ચામડામાંથી બનતા હતા.

ધર્મમાં ચામડાં પર પ્રતિબંધ

મૃતક ઢોરનાં ચર્મને અશુભ માનવામાં આવતું હોઈ ધર્મકાર્યોમાં વપરાશ માટે નિષેધ છે. સંતો, મહંતો એનાં બુટ-ચપ્પલ પહેરતા નથી. જીવદયામાં માનનારો વર્ગ ચામડાંની વસ્તુ વાપરતો નથી.

કલાને જીવંત રાખી છે

વડીલોપાર્જિત ચર્મકલાને ટકાવી રાખવા જમાના પ્રમાણે પરિવર્તન લાવીને દેશવિદેશમાં કચ્છની ચર્મકલાને પ્રખ્યાતિ અપાવનાર હોડકોન નૅશનલ ઍવૉર્ડ પ્રાપ્ત ચર્મકાર ભસરભાઈ ભૂરા મારવાડા તેમ જ ગુજરાત હરિયાણા રાજ્યનો ઍવૉર્ડ પ્રાપ્ત કરનારા સુમાર ભૂરા મારવાડા આ ઉદ્યોગમાં ભરત ભરેલી મોજડી, પંખા, લેટરબોક્સ, વૉલપીસ, નાના ભૂંગા, મોબાઇલ કવર, મઢેલા અરીસા જેવી અનેક વસ્તુઓ બનાવતા છ ભાઈનો પરિવાર આ કલામાં માહિર છે. એમ ને વેચાણ કે માર્કેટ માટે ક્યાં ય જવાની જરૂર પડતી નથી. રણોત્સવમાં કે પ્રવાસીઓ દ્વારા જ આ વસ્તુઓ ખરીદાઈ જાય છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2016; પૃ. 05 

Loading

સંત શિરોમણી જીવણ સાહેબની ઓળખ

—, રાજેન્દ્ર શુક્લ|Samantar Gujarat - Samantar|29 August 2016

જિલ્લાના ગોંડલ તાલુકામાં ઘોઘાવદર નામનું ગામ આવેલું છે. આ ઘોઘાવદર ગામમાં પટેલ જ્ઞાતિના તથા અન્ય જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. ગામમાં મેઘવાળ ચમાર જ્ઞાતિનાં કુટુંબો પણ વસવાટ કરે છે.

મેઘવાળ જ્ઞાતિનાં કુટુંબોમાં જગા દાફડા નામનું એક કુટુંબ રહેતું હતું. આ કુટુંબ મેઘવાળ જ્ઞાતિમાં સુખી-સંપન્ન તથા મોભાદાર ગણાતું હતું. આ ગામના જગા દાફડા ચમાર જ્ઞાતિના હોવાથી ચામડાંનો ધંધો કરતા હતા. ગામનાં મરેલાં પશુઓનાં ચામડાં ઉખેળી તેને કુંડમાં નાખી અને તેને પકવીને વેચવાનો ધંધો કરતા હતા. આ ચામડાંના ધંધામાંથી તેમને તેના કુટુંબના ભરણપોષણ માટે જરૂરિયાત મુજબની રકમ મળી રહેતી હતી. જગા દાફડા ગામની ભામ રાખતા અને તેને લીધે તેને ચામડાંનો કાચો માલ મળી રહેતો હતો.

ભામ રાખવી એટલે મરેલાં પશુઓને ગામમાંથી બહાર કાઢીને ગામથી દૂર તેને લઈ જઈ ઢોરના શબ ઉપરથી ચામડું લઈ લેવાનો ગામની ગ્રામપંચાયત અથવા ગામનો વહીવટ સંભાળનારા દરબારો આ કામગીરી માટે અમુક રકમ આપવાની શરત કરીને ઇજારો આપવામાં આવતો હતો અને આ ઇજારો રાખનાર પાસેથી ઇજારાની રકમ વસૂલ કરવામાં આવતી તેને ભામ કહેવામાં આવે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2016; પૃ. 05

Loading

અમદાવાદનું દલિત-સંમેલન : આસપાસ અને આરપાર

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|29 August 2016

ઇન્દિરા ગાંધીની હત્યા પછી, દિલ્હી સમેત, દેશભરમાં શીખોની કત્લેઆમ ચાલી, ત્યારે વડાપ્રધાન રાજીવ ગાંધીનો પ્રતિભાવ, ‘કોઈ વિરાટ વૃક્ષ પડે ત્યારે થોડી ધરતી હાલે’નો હતો. ૨૦૦૨માં ગોધરાકાંડ પછી મુસ્લિમોની કત્લેઆમ ચાલી તો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેને ‘બહુમતી પ્રજાનો ગુસ્સો કે ઍકશન સામેનું રિઍક્શન’ ગણાવેલું. ગઈ તારીખ ૧૧મી જુલાઈ, ૨૦૧૬ના રોજ ઉના નજીકના મોટા સમઢિયાળાની ઘટનાનો લોકશાહી રાહે શાંત, અહિંસક અને સંગઠિત વિરોધ કરતાં અમદાવાદના દલિતોને ૨૦ દિવસ લાગ્યા! અમદાવાદમાં દલિતોની વિરોધરેલીને મંજૂરી ન મળી કે બંધની અસર મર્યાદિત રહી, તે પછી અસરકારક વિરોધ માટેનું દલિત મહાસંમેલન ૩૧મી જુલાઈ, ૨૦૧૬ના મધ્યાહ્ને અમદાવાદના સાબરમતી વિસ્તારમાં યોજાયું હતું. આ સંમેલન અમદાવાદના દલિત-આંદોલનના ઇતિહાસમાં અક્ષરશઃ ઐતિહાસિક લેખાશે.

છેલ્લા એક-દોઢ દાયકાથી ગુજરાતના દલિત આંદોલનમાં સ્થગિતતા જોવા મળી છે. યોગ્ય નેતૃત્વ અને સંઘર્ષ બંનેનો અભાવ રહ્યો છે. દલિતોમાં કામ કરતી વિદેશી સહાય પર નભતી પ્રોજેક્ટ બેઇઝ્ડ એન.જી.ઓ.ની મર્યાદાઓ સ્વયંસ્પષ્ટ છે, પરંતુ તે સિવાયની દલિત – પ્રવૃત્તિમાં પણ સલામતી અને સુંવાળપ જોવા મળે છે. એકંદર દલિત-આંદોલન એટલે સમૂહલગ્નો, તેજસ્વી તારલા(એટલે?)નાં સન્માનો, લગ્ન-પસંદગી અને પરિચયમેળાઓ અને સન્માન સમારંભો. (૭૫ વર્ષનાને અને ઍવૉર્ડવિજેતાને પહેલી પસંદગી). બીજી જે દલિત પ્રવૃત્તિને દલિત-આંદોલન તરીકે ખપાવાય છે, તે સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના ક્લાસિસ અને માર્ગદર્શક શિબિરો. શહેરે- શહેરે અને લત્તે-લત્તે દલિત ચાણક્યો, ચન્દ્રગુપ્તો તરીકે દલિત યુવાનોમાં તલાટીઓ, કારકુનો, લોકરક્ષકો, નાયબ સેક્શન અધિકારીઓ અને તેથી આગળ વધીને વર્ગ ૧-૨ના અધિકારી જોતા-શોધતા ફરે છે. આ બધું કરતાં એ વાત સગવડપૂર્વક ભૂલી જાય છે કે આપણો બાપ બાબો આંબેડકર કહી ગયો છે કે, “પોયલાવાડી ચોકી પાસે ૪૮ અને ૫૦” નંબરની ખોલીમાં મેં કણકી અને રોટલા પર દહાડા ટૂંકા કર્યા છે. પણ સમાજસેવા છોડીને તગડા પગારવાળી નોકરી ભણી જોયું નથી. નોકરી કરવાનું મને પસંદ નથી.”

કારકુનો જ પેદા કરતો રહેલો દલિત સમાજ કર્મશીલો પેદા કરવાનું અને રાજુ સોલંકી જેવા વિરલ કર્મશીલોને નિભાવવા-ટકાવવાનું ભૂલી ગયો, એટલે ૧૯૮૧ અને ૧૯૮૫નાં અનામત-વિરોધી રમખાણો વખતે એણે પ્રતિ આંદોલનો જ કર્યાં. એટલે જ મોટા સમઢિયાળાની રૂંવે-રૂંવે ઝાળ લાગે એવી ઘટનાનો લોકશાહી ઢબે વિરોધ કરતાં એને ત્રણ અઠવાડિયાં લાગ્યાં. જિજ્ઞેશ મેવાણી અને તેમના વિરલા સાથીઓનો આભાર કે તેમણે દલિત-આંદોલનનો આ ઠરાવ તોડ્યો અને અમદાવાદમાં દલિતોના અસરકારક વિરોધનું નિમિત્ત બન્યા.

અમદાવાદના દલિત-સંમેલન અંગે કેટલાક વિચારણીય મુદ્દા

૧. ‘ઉના અત્યાચાર લડત-સમિતિ’ અને તેના સૌ સંયોજકો એક રીતે અમદાવાદ અને ગુજરાતના દલિત-આંદોલનમાં ‘ફેસલેસ લીડર્સ’ હતા. તેમના પ્રયત્નને મળેલી સફળતા દલિત આંદોલનના નેતૃત્વમાં રહેલા શૂન્યાવકાશનું પરિણામ છે. હવે આ સૌ સાથીઓએ શૂન્યમાંથી સર્જન કરવાનું છે. ગાંધી-સરદારના ગુજરાતમાં તેમનો એકડો ભૂંસી આંબેડકરનો એકડો માંડવો કે ગાંધી-સર્વોદય સહિતની સઘળી માનવઅધિકાર ચળવળો સાથે સંવાદ સાધી દલિત – આંદોલનને એક ઊંચાઈએ લઈ જવું. સાથે જ દલિતોની જૂની પેઢીના નેતાઓનો અનુભવ તો નવી પેઢીના જોમ અને નવતર વિચારોને જોડી રાખવા,  તે ખાસ્સું પડકારજનક કામ છે.

૨. સંમેલનમાં આરંભે સમિતિના કન્વીનર જિજ્ઞેશ મેવાણીના વક્તવ્યમાં અભ્યાસ, પ્રોઢી અને પ્રતિબદ્ધતા ભારોભાર હતાં. હવે માધ્યમોએ ગુજરાતના નવા યુવા નેતૃત્વમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની જોડાજોડ જિજ્ઞેશ મેવાણીને મૂક્યા છે, ત્યારે તેમની પાસેની આશા-અપેક્ષા અનેકગણી વધી જાય છે.

૩. આ સંમેલનમાં ઘણાં ‘બુધ્ધિશાળી’ (કટ્ર્સી સભાસંચાલક સુરેશ આગજા) વક્તાઓ હાજર હતા. અમૃતપર્વી દલિત દીપડા વાલજીભાઈ પટેલથી માંડી પચીસીના સુબોધ પરમારનાં વક્તવ્યો થયાં. પરંતુ શ્રોતાઓનો એકંદર મૂડ લોકરંજક અને તાળીપડાવ વક્તવ્યો સાંભળવાનો જ હતો. એટલે કોઈ ગંભીર વક્તવ્યોને અવકાશ ન રહ્યો.

૪. સમિતિ અને સભામાં દલિતોની બંને પ્રભુત્વશાળી જ્ઞાતિઓની સામેલગીરી તો સભામાં ૮૦ થી ૯૦ ટકા  દલિત યુવાનોની હાજરી નોંધપાત્ર હતી.

૫.  જિજ્ઞેશ મેવાણીએ પ્રભાવશાળી હિંદીમાં વક્તવ્ય કર્યું ! એનું રહસ્ય ત્યારે સમજાયું ‘જ્યારે એમણે હિંદી વક્તવ્યના અંતે કહ્યું, ‘હવે હું બે મિનિટ ગુજરાતી ચૅનલો માટે ગુજરાતીમાં બોલીશ.’

૬. દલિતોની સભાઓમાં ધર્મપરિવર્તન અને સત્તાની ગુરુકિલ્લીની વાત અચૂક થતી હોય છે. આ સભામાં પણ વક્તાઓએ હિંદુ ધર્મ, મનુવાદ અને હિંદુત્વની ભારોભાર ટીકાઓ કરી. પણ કોઈએ દલિત-સમસ્યાનો ઉપાય હિંદુ ધર્મ છોડી ધર્મપરિવર્તન કરવામાં જ છે, તેવું ન કહ્યું. રામરાજ ઉદિતરાજ બન્યા પછી પોતાનો ઉગારો હિંદુત્વવાદી બી.જે.પી.ના એમ.પી. બનવામાં શોધે, ત્યારે બાબાસાહેબના ધર્મપરિવર્તનના વિચારની દશાની આ અસર હશે?

૭. સંમેલનના યોજકો એવા યુવા કર્મશીલોએ સંમેલનના સ્થળ અંગે સમાધાનકારી માર્ગ અપનાવીને ‘મવાળ’નું બિરુદ રળી લીધું. પણ ‘જહાલો’ ક્યાં ગયા? શું જહાલો કાયમ મવાળોથી દબાયેલા જ રહેશે કે તેમની જહાલગીરી સોશિયલ મીડિયા પર લાઇક મેળવવા પૂરતી જ સીમિત છે?

૮. આ સંમેલનમાં જેમ ધર્મપરિવર્તનની વાત સાંભળવા ન મળી, તેમ ‘જય ભીમ’ની જોડાજોડ ‘લાલ સલામ’ અને ‘ઈન્કલાબ ઝિંદાબાદ’ પણ સંભાળાતું રહ્યું. દલિતોની સભામાં જેમ આવા છૂટથી બોલાતાં ડાબેરી સૂત્રોની નવાઈ રહી તેમ દલિતોના માનવ-અધિકાર આંદોલનમાં પૂર્વે કદી ન જોવા મળેલાં નિર્ઝરી સિન્હા, શમશાદ અને રાહુલ શર્મા(પૂર્વ આઈ.પી.એસ.)નાં વક્તવ્યો પણ સાંભળવા મળ્યાં.

૯. ગુજરાતના નંબર-૧ અખબારનો દાવો કરતા ગુજરાતી દૈનિક ‘ગુજરાત સમાચાર’ના પ્રથમ પાને આઠ કૉલમમાં ‘અમદાવાદમાં દલિતોનો દરિયો’ એવાં મુખ્ય હેડિંગ, તસવીરો અને દલિત વક્તાઓનાં નામો સાથે આ સંમેલનના સમાચાર પ્રગટ થયા. ૧૯૮૧નાં અનામતવિરોધી રમખાણો વખતે દલિતવિરોધી અને જૂઠ્ઠા સમાચારો છાપી ‘એડિટર્સ ગીલ્ડ’નો ઠપકો સાંભળી ચૂકેલા ‘ગુજરાત સમાચાર’નો આ દલિતપ્રેમ આનંદ એટલા જ ચિંતાનો વિષય બનવો જોઈએ. ‘ગુજરાત સમાચારે’ આ સંમેલનમાં ૩૦થી ૩૫ હજારની હાજરીનો દાવો કર્યો. ભા.જ.પ.નાં દલિત નેતા દર્શનાબહેન વાઘેલાએ એક ટી.વી. ડિબેટમાં ૩,૦૦૦ દલિતો હાજર હતા તેમ જણાવ્યું. જિજ્ઞેશ મેવાણીએ ૨૦,૦૦૦ દલિતોએ સંમેલનમાં શપથ લીધા એમ જણાવ્યું. તો સંમેલન-સ્થળે પાણીનાં પાઉચ-સપ્લાયર બે વ્યક્તિઓએ અનુક્રમે ૧૫,૦૦૦ અને ૭,૦૦૦ પાઉચ પહોંચાડ્યાનું કહ્યું, તેના પરથી સંમેલનની હાજરીનો તાળો મળે છે.

૧૦. થાનગઢ હત્યાકાંડના વિરોધમાં એક લાખ કરતાં વધુ દલિતોની  સભામાં તમામ પક્ષોના દલિત રાજકારણીઓ (નિવૃત્ત સુધ્ધાં) હાજર હતા. જ્યારે આ સંમેલનમાં  કોઈ દલિત રાજકારણી ફરક્યો નહોતો. એટલું જ નહીં, અહીં તો દલિત રાજકારણીઓની ટીકાને ભારે દાદ મળતી  હતી. એના ઉત્સાહમાં, ચૂંટાયેલા દલિત પ્રતિનિધિઓને કુરિયરમાં ચણિયા મોકલવા અંગેની સ્ત્રીવિરોધી વાતો પણ થઈ અને સારી તાળીઓ અને સમાચારની બૉક્સ આઇટમ મળી.

૧૧. સરકારના આંબેડકર, ગાંધી અને દલિત સાહિત્યના ઍવૉર્ડ પુરસ્કૃત (હવે એમને વિજેતા જ કહેવા જોઈએ) કર્મશીલો અને સાહિત્યકારો સભામાં ખાસ જોવા મળ્યા નહીં. અમૃત મકવાણાની જેમ ઍવૉર્ડ વાપસી નહીં તો એમના સર્જક-પ્રતિભાવની સહજ અપેક્ષા જરૂર રહે.

૧૨. સભામાં મૃત પશુના નિકાલ, મળ અને ગટર સહિતની ગંદકી સાફ કરવાના દલિતોના માથે મરાયેલાં જાતિગત કામો દલિતોએ નહીં કરવાના સંકલ્પો લેવડાવવામાં આવ્યા તે ખૂબ જ મહત્ત્વની બાબત છે. સંકલ્પ લેવામાં વ્યક્તિગત સામેલગીરી હોય છે, તેની મોટી અસર જરૂર થશે.

૧૩. આનંદીબહેન પટેલના મુખ્યમંત્રી તરીકેના રાજીનામા અને રમણભાઈ વોરાની નવા પ્રધાનમંડળમાંથી બાદબાકીનાં અન્ય કારણો ઉપરાંત દલિત-આંદોલન પણ કારણ છે. પરંતુ આવા રાજકીય ફેરફારોથી દલિત આંદોલનને કેવો અને કેટલો લાભ થશે, તે વિચારવું રહ્યું. દલિતોના વ્યાપક સવાલો માટે આવા ફેરફારો બહુ નગણ્ય જ ગણાવા જોઈએ.

૧૪. આયોજકોની વારંવારની વિનંતીઓ અને ચેતવણીઓ છતાં કેટલાક લોકો આ છોકરડાઓને નહીં ગાંઠીને ધરાર સભામંચ પર ચડી બેઠા હતા. તો શ્રોતાઓમાંથી પણ સતત ‘મને કે ફલાણાને બોલવા દો’ની ચિઠ્ઠીઓ આવતી હતી.

૧૫. સભામંચ પર જિજ્ઞેશ મેવાણીના પપ્પાનું હોવું, સમિતિના સૌથી નાની વયના સભ્ય સુબોધ પરમાર દ્વારા પોતાના વક્તવ્ય દરમિયાન પ્રયોજિત ભીડ દ્વારા સુબોધ તરફી સૂત્રોચ્ચાર કરાવવા અને ચાલુ ભાષણે તેમને સામંતશાહીના પ્રતીક જેવો સાફો કોઈ ઉત્સાહી પ્રશંસક દ્વારા પહેરાવવો-આવી ચેષ્ટાઓથી બચવું જોઈતું હતું.

અંતે જય ભીમ કોમરેડ સાથે જિજ્ઞેશ મેવાણી અને સાથીઓની સેવામાં માઓની સુખ્યાત ઉક્તિ – “નેતા તો મોજું છે, પ્રજા જ સમુદ્ર છે.” આ રખે ભુલાય.

થોડો દૂરનો ભૂતકાળ નજીકથી

સમઢિયાળા પૂર્વે પણ ગાયને કારણે દલિતોની રંજાડ થઈ છે. ગુજરાતનો તાજેતરનો રાજુલા કાંડ ખાસ ચર્ચાયો નથી કે વિરોધ થયો નથી. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ હતો, ત્યારે ૧૫મી ઑક્ટૉબર, ૨૦૦૩ના રોજ હરિયાણાના ઝજ્જરમાં પાંચ દલિતોની હત્યા કહેવાતા ગૌરક્ષકોએ ગાયનું ચામડું ઉતારવાના આળથી જ કરી હતી. એ વખતે કેન્દ્રમાં બી.જે.પી.ની અને હરિયાણામાં બી.જે.પી. સમર્થિત ઓમપ્રકાશ ચૌટાલાની સરકાર હતી. લાલકૃષ્ણ અડવાણી દેશના ગૃહમંત્રી હતા.

ઉદિતરાજના સંગઠન ઑલ ઇન્ડિયા કન્ફેડરેશન ઑફ એસ.સી.એસ.ટી. ઑર્ગેનાઇઝેશન દ્વારા ઝજ્જર હત્યાકાંડના વિરોધમાં દસ જ દિવસ બાદ દલિતોના ધર્માંતરનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં દલિતોએ બૌદ્ધ, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યા હતા. ઇસ્લામ અંગીકાર કરનાર એક દલિતે પોતાનું નામ સદામ હુસેન રાખ્યું હતું. વિશ્વ હિંદુ પરિષદના ઉપપ્રમુખ આચાર્ય ગિરિરાજ કિશોરે હિંદુ ધર્મશાસ્ત્રોનો હવાલો આપીને એ સમયે કહ્યું હતું કે,“ ગાય અમારા માટે દલિત કરતાં વધુ કીમતી છે.” વી.એચ.પી.ના આ નિવેદનના વિરોધમાં રામવિલાસ પાસવાને સંસદ માથે લીધી હતી. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ હતો અને ગોધરાકાંડ પછી હિંદુત્વનો મુદ્દો ચૂંટણીમુદ્દો હતો, એટલે ગુજરાત કૉંગ્રેસે પણ હિંદુઓના મત ગુમાવવા ન પડે એટલે ઝજ્જરકાંડને મુદ્દો બનાવ્યો નહોતો. ૨૦૦૩ના  ઝજ્જરકાંડના આ વિરોધીઓ ઉદિતરાજ, રામવિલાસ પાસવાન આજે  ક્યાં છે અને ૨૦૧૬ના સમઢિયાળાના બનાવ વખતે દલિતોના હામીઓ બની રહેલા આવતી કાલે ક્યાં હશે તે સમજવું અઘરું નથી.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2016; 06-07

Loading

...102030...3,5043,5053,5063,507...3,5103,5203,530...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved