Opinion Magazine
Number of visits: 9664534
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુ.સી.સી.નો ઉત્તરાખંડ નમૂનો સુધારચળવળને સ્વીકાર્ય નથી   

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 March 2025

યુનિફોર્મ સિવિલ કોડ એ સુધારેલા હિન્દુ કાયદાની બેઠ્ઠી નકલ ન હોઈ શકે: મુદ્દો કથિત ધર્મસ્વાતંત્ર્યનો નહીં પણ ‘જેન્ડર જસ્ટિસ‘ જેવાં નવ્ય મૂલ્યોને ધોરણે નવવિધાનનો છે

પ્રકાશ ન. શાહ

ગઇ ચોથી ફેબ્રુઆરીએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વડા પ્રધાન મોદીના દર્શન’ મુજબ ગુજરાતમાં પણ ઉત્તરાખંડની વાંસોવાંસ યુ.સી.સી. કહેતાં યુનિફોર્મ સિવિલ કોડનું ભર્યું નાળિયેર રમતું મૂક્યું છે. ઉત્તરાખંડમાં આ મુદ્દે ન્યાયિક ક્ષેત્રે અગ્રભૂમિકા ભજવનાર, સર્વોચ્ચ અદાલતનાં સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ રંજનાકુમારીના જ નેતૃત્વમાં ગુજરાતમાં પાંચ સભ્યોની સમિતિએ યુ.સી.સી. મુદ્દે તાગ લેવાનો ને તોલ બાંધવાનો તેમ કાનૂન વાસ્તે જરૂરી ખરડો ઘડી કાઢવાનો હવાલો સંભાળ્યો છે. યુ.સી.સી.ના ક્ષેત્ર વિશે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આરંભે જ સ્પષ્ટતા કરી દીધી છે કે આદિવાસીઓની રૂઢિપરંપરાનો આદર થશે, એમાં કોઈ દખલ કરવામાં નહીં આવે. ઉત્તરાખંડમાં પણ આ જ વલણ હતું. હવે, રાજ્ય વિધાનસભાની 182 બેઠકોમાંથી 27 આરક્ષિત મળી અંદાજે 40 જેટલી બેઠકોમાં વર્ચસ ધરાવતા આદિવાસી મતદારો બાબતે આશ્વસ્ત થયા પછી સદરહુ સમિતિએ, રાજ્ય સરકારે  અને સવિશેષ અલબત્ત સત્તાપક્ષે આશરે નવ ટકે પહોંચતી મુસ્લિમ વસ્તે બાબતે કદાચ ઝાઝી ચિંતા કરવા જેવું ન હોય કેમ કે વિશાળ હિંદુ બહુમતી વત્તા 14 ટકા આદિવાસી વસ્તીને તો આ બાબતમાં સરવાળે કશું નવેસર ના’વાનીચોવાનું ક્યાંથી હોય. 

પ્રગતિશીલ કાનૂનસુધારની ચર્ચા કરતી વેળાએ ગુજરાતની વસ્તીની ટકાવારીને ધોરણે વાત કરવી આપણે સામાન્યપણે પસંદ નયે કરીએ. પણ શું ઉત્તરાખંડમાં કે શું ગુજરાતમાં, હરીફરીને આ મામલો જાડી રીતે એક યા મુસ્લિમ લઘુતમી તો બીજી પા બિનમુસ્લિમ કહેતાં હિંદુ બહુમતી એવો બની રહે છે તે એક વાસ્તવિકતા છે. 

એક અવાજ આછોપાતળો પણ આ દિવસોમાં ગુજરાતમાં સંભળાવા લાગ્યો છે – રિજેક્ટ યુ.સી.સી.. અહીં પ્રામાણિકતાથી ભલે પ્રાથમિક સ્તરે પણ મારે એક વિધાન કરવું જોઈએ કે સિવિલ કોડ કહેતાં, કુટુંબકાયદાઓમાં સમાનતા અગર સમરૂપતા આણવાનો વિચાર ચોક્કસ સંદર્ભમાં તત્ત્વતઃ ખોટો નથી. આંબેડકરે જ્યારે હિંદુ કોડ બિલની દિશામાં પ્રારંભિક કામગીરી હાથ પર લીધી ત્યારે જેમ બંધારણ બાબતે તેમ હિંદુ કુટુંબકાયદે પણ મનુસ્મૃતિ શું ખોટી એ પ્રકારની દલીલ આજે આગળ કરાતા ‘દર્શન’ના તત્કાલીન આગેવાનોની હતી. નેહરુના નેતૃત્વમાં જે પ્રક્રિયા ચાલી તેણે આ આગેવાનોની હતી. નેહરુના નેતૃત્વમાં જે પ્રક્રિયા ચાલી તેણે આ આગેવાનોથી ઉફરાહે પ્રગતિશીલ કાનૂનસુધારનો રાહ 1955માં લીધો એ ઇતિહાસવસ્તુ છે. એ જ ધોરણસર આજે હિંદુ-સ્તર તબક્કામાં કાનૂની સુધારની વાત મુદ્દલ ખોટી નથી. તેમ છતાં, રૂઢિચુસ્ત વર્તુળોની બહારથી પણ ‘રિજેક્ટ યુ.સી.સી.’ એવો પ્રતિભાવ ઊઠતો હોય તો વિપળવાર થંભીને એ બાબતે વિચાર કરવો રહે છે. 

ઉત્તરાખંડમાં ભા.જ.પ. સરકારે પસાર કરેલ યુ.સી.સી.ની વિગતોમાં નહીં જતાં એક સામાન્ય અવલોકન ખસૂસ નોંધીશું કે હિંદુ-ઇતર નાગરિકો પર બહુધા હિંદુ મુદ્રાનો આ નવો કાયદો છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાને પગલે જેમ ‘તીન તલાક’નો ચાલ ગયો તેમ બહુપત્નીત્વનો ખયાલ પણ ધર્મસ્વાતંત્ર્યનું ઓઠું લઈને ન ચાલી શકે તેમ પણ સમજાય એવો મુદ્દો છે. પણ યુ.સી.સી. અંગે આ તો એક તરેહનું સમલીકરણ ને સપટબયાની છે. આંબેડકર-નેહરુ પ્રક્રિયામાં આવેલ હિંદુ સિવિલ કોડમાંયે હજુ સુધારાને અવકાશ છે, અને હાલની યુ.સી.સી. ઉડ્ડાનમાં એને ખાસો અવકાશ છે, કેમ કે યુ.સી.સી. એટલે હિંદુ સિવિલ કોડ બધે ફિટ કરી દેવો એવું નથી. ‘જેન્ડર જેસ્ટિસ’ જેવાં નવ્ય મૂલ્યોના ઉજાસમાં સ્ત્રીપુરુષ સમાનતાને મુદ્દે હાલનો હિંદુ સિવિલ કોડ પણ તપાસને દુરસ્તી માગી લે છે. શાહબાનું ચુકાદા વખતથી મુસ્લિમ પર્સનલ લૉ બાબતે નાગરિક પુનર્મૂલ્યાંકનની તાકીદ સમજાઈ છે એ તો ઠીક જ છે. પણ યુ.સી.સી. જો મુસ્લિમ પર્સનલ લૉમાં નવ્ય સુધાર ઇચ્છે છે તો સુધરેલો હિંદુ કોડ પણ જ્યાં જ્યાં ખોડંગાય છે ત્યાં સુધારો અનિવાર્ય છે. 

‘રિજેક્ટ યુ.સી.સી.’ એ પ્રતિભાવ અગર પ્રતિક્રિયાને ઉપરટપકે નહીં જોતાં વ્યાપક સંદર્ભમાં જોવાપણું છે એટલું જ કહીશું.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 19 માર્ચ 2025

Loading

પ્યારા બાપુ

નિર્મળાબહેન શાહ|Gandhiana|18 March 2025

ગાંધીજીને આપણે પુત્ર, પતિ, પિતા અને નેતાના સ્વરૂપમાં જોયા હોય; પણ એમનું સાચું સ્વરૂપ તો બાપુના રૂપમાં જોવા મળતું.

પિતા પોતાના કુટુમ્બને માટે જે પ્રમાણે કાળજી રાખે છે અને દૂર રહેવાનું થાય તે અકળાઈ જાય છે, તેમ ગાંધીજીને પણ આશ્રમથી દૂર રહેવાનું બનતું તો તેમને ગમતું નહીં. દૂર રહે તો પણ તેમનું મન તો આશ્રમમાં ને આશ્રમમાં જ રહેતું હતું.

એક વાર ગાંધીજી દિલ્હી આવ્યા હતા, પણ સેવાગ્રામ પાછા ફરવાની તેમને તાલાવેલી લાગી હતી. જ્યારે એમણે જોયું કે જલદી પાછા નહીં જવાય, ત્યારે તેમણે મહાદેવભાઈને ઝટ સેવાગ્રામ પાછા ફરવા કહ્યું. કામ તો ખૂબ જ પડેલ હતું અને વિકટ પ્રશ્ન પણ સામે હતા, છતાં ય તેઓ જવા માટે આટલી બધી ઉતાવળ શા માટે કરે છે એ બિરલાજીને સમજાયું નહીં. તેમણે કહ્યું. “આટલું બધું કામ હોવા છતાં તમે મહાદેવભાઇને મોકલવાની ઉતાવળ કરો છો તે મને ગમતું નથી.” 

ગાંધીજીએ કહ્યું: “પણ મારી જવાબદારીનો તો ખ્યાલ કરો?! હું તો સેવાગ્રામમાં એક ટોળું લઈને બેઠો છું. ત્યાં દરદીઓ તો છે જ, પણ ગાંડપણે ય છે. કોઈ કોઈ વાર તો મનમાં થાય છે કે બસ હવે બધાંને છોડી દઉં અને કેવળ મહાદેવને જ પાસે રાખું. બા ઈચ્છે તો તે પણ રહે. પણ જ્યાં સુધી આ ટોળાની જવાબદારી લઈને બેઠો છું ત્યાં સુધી તો મારે જવાબદારી નભાવવી જ જોઈએ. આથી જ મારું શરીર તો દિલ્હીમાં છે પણ મારું મન સેવાગ્રામમાં છે.”

બાપુ તો આશ્રમના પ્રાણ હતા. બાપુજી વહાલસોયા પિતાની માફક બધા આશ્રમવાસીઓ તરફ પ્રેમ દાખવતા. જ્યારે અમારી બુદ્ધિ કામ ન કરતી ત્યારે અમે થાકીને શ્રદ્ધાથી તેમનાં ચરણોમાં બેસતાં અને જ્ઞાન શ્રવણ કરતાં. જ્યારે બાપુ સૂવા જતા કે જમવા જતા અથવા તો એકલા હોય ત્યારે પાસે બેસતાં અને પગ દાબતાં, તે વખતે અમને લાગતું કે અમે અમારા બાપુ પાસે છીએ. અનેક મીઠી મશ્કરીઓ પણ કરતાં. આવે સમયે બાપુ પાસે રહેનારને બાપુને મીઠો પ્રેમ મળતો. ગાંધીજીનાં બે રૂપ હતાં – એક મહાત્મા ગાંધીનું અને બીજું  અમારા વહાલસોયા બાપુનું.

બાપુજી જેટલો પ્રેમ પોતાના પુત્રો પર દાખવતા હતા તેટલો બીજાં પર પણ દાખવતા હતા.  ફિનિકસ આશ્રમનો આ પ્રસંગ છે. એક રવિવારે વાદળાં ઘેરાયેલા હતા અને ઝરમર ઝરમર વરસાદ પડતો હતો. આવે વખતે આશ્રમનાં નાનાંમોટાં સર્વે નાના ધોધ જોવા નીકળ્યા હતા. બાપુજી ત્યાં નહોતા આવ્યા. ત્યાં એવો નિયમ હતો કે એક વાર નિશ્ચય કરે એટલે તેનો અમલ કરવો જ જોઈએ, અને ન કરે તો કાયર ગણાય. આથી વરસાદ હતો છતાં ય ધોધ જોવા માટે સર્વે ગયાં. પહાડી રસ્તો હતો અને સાથે બોજો હતો તેથી નાના વિદ્યાર્થીઓને કેટલીક વાર ઊંચકી લેવા પડતા. પાછું આવતા અંધારું થઈ ગયું તેથી બાપુજીને ચિંતા થઈ અને તેઓ સૌને શોધવા માટે નીકળ્યા. આશ્રમથી માઈલ દૂર અમારો ભેટો થઈ ગયો. છોકરાં બાપુને વળગી પડ્યાં. બે નાના વિદ્યાર્થીઓને તો બાપુએ તેડ્યા પણ ખરા. છોકરાઓએ ના પાડી પણ બાપુ શેના માને? અને માને તો બાપુ શેના?

બાપુજી ભલે મહાત્મા તરીકે કે પ્રખર રાજ્યકર્તા તરીકે વિખ્યાત હોય, પરંતુ તેઓ તો સૌના વહાલસોયા બાપુ બનવા જ ઈચ્છતા હતા અને એ આપણા સૌના બાપુ બની પણ શક્યા ખરા. જુહૂ તટ પરનો પ્રસંગ છે. કમળાદેવી ચટ્ટોપાધ્યાય પ્રાર્થના પૂરી થયા પછી બાપુની પાસે ગયાં. બાપુ એ વખતે બાળકોને ફળ વહેચતા હતા.

વાર્તાલાપ પૂરો થયા પછી કમળાદેવીએ વંદન કર્યાં. બાપુએ એમને એમને એક ફૂલનો હાર ને કેરી આપ્યાં. કમળાદેવી હસતાં હસતાં ધીમે સાદે બોલ્યાં, “શું હું પણ નાની બાળક છું?” બાપુ બોલ્યા : “આપ બચ્ચી નહીં, મગર બાપુ તો બાપુ હૈ!”

[‘ગાંધીજી બાપુ તરીકે’]
18 માર્ચ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 258

Loading

સાત સદીઓ પછી પણ દિલ્હીની વાસંતી હવામાં ગુંજતી ખુસરોની વિરાસત 

રાજ ગોસ્વામી|Opinion - Opinion|17 March 2025

રાજ ગોસ્વામી

તાજેતરમાં, નવી દિલ્હીમાં જહાન-એ-ખુસરો નામનો એક સુંદર કાર્યક્રમ થઇ ગયો. એ પાછો યોજાયો હતો હુમાયુના મકબરાને અડીને આવેલા 16મી સદીના મુઘલ હેરિટેઝ પાર્ક ‘સુંદર નર્સરી’માં (જે અગાઉ ‘અઝિમ બાગ’ તરીકે ઓળખાતો હતો). આ કાર્યક્રમમાં ઉપસ્થિત વડા પ્રધાને ત્યાં એક ગહન વાત કરી હતી કે ગુલામીના લાંબા કાલખંડ છતાં આજે આપણે અતીતથી પરિચિત છીએ, તો તેમાં હજરત ખુસરોની રચનાઓની મોટી ભૂમિકા છે.

જહાન-એ-ખુસરો કાર્યક્રમમાં, ખુસરોની વિરાસતનો જશ્ન મનાવવા માટે દુનિયાભરના કલાકરોને એક સાથે લાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત 2001માં પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા મુજફ્ફર અલીએ કરી હતી. 2025માં તેની 25મી વર્ષગાંઠ હતી. ખુસરો ભારતની એ સૂફી ગીત-સંગીત પરંપરાની મહત્ત્વની કડી છે, જે કોઈ એક ધર્મના વાડામાં બંધાઈને રહી નથી, બલકે દરેક ધર્મએ તેને સમાન રીતે અપનાવી છે. 

મજાની વાત એ છે કે આ કાર્યક્રમ એ જગ્યાએ યોજાય છે, જ્યાંથી અમીર ખુસરોએ 13મી સદીમાં કવ્વાલી સંગીતની પરંપરાની શરૂઆત કરી હતી. ખુસરોના સમયને વીતી ગયે સાત સદીઓ થઇ ગઈ હોવા છતાં, દિલ્હીની વાસંતી હવામાં તેમની વિરાસત આજે પણ ગુંજતી રહે છે. 

સુંદર નર્સરીથી નજીકમાં જ સૂફી સંત ખ્વાજા નિઝામુદ્દીન ઔલિયાની દરગાહ છે. બરાબર તેની સામે જ અમીર ખુસરોનો મકબરો છે. ખુસરો તેમના શિષ્ય હતા અને તેમણે જીવતે જીવ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમના અવસાન પછી ઔલિયાની પડોશમાં જ તેમને દફનાવામાં આવે.

એવું કહેવાય છે કે હઝરત નિઝામુદ્દીનને પોતાનું કોઈ સંતાન નહોતું. એટલે તેઓ તેમની બહેનના પુત્ર ખ્વાજા તકીઉદ્દીન નૂહને ખૂબ ચાહતા હતા. ખ્વાજા નૂહનું એક દિવસ માંદગીને કારણે મૃત્યુ થયું પછી ઔલિયા ખૂબ દુઃખી થયા હતા અને તેમણે તેમના નિવાસસ્થાન ચિલા-એ-ખાનકાહમાંથી બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું.

તેમની આ સ્થિતિથી વ્યથિત થઈને તેમના શિષ્ય અમીર ખુસરો વસંતના પીળા રંગની સાડી પહેરીને ઔલિયાના દરવાજે પહોંચ્યા હતા અને હાથમાં સરસવનું ફૂલ લઈને નાચતાં-નાચતાં રાગ બહારમાં ‘સકલ ફૂલ બન રહી સરસોં’ ગીત ગાયું હતું. તેમની આ હરકતથી નિઝામુદ્દીન ઔલિયાના મોઢા પર તે દિવસોમાં પહેલીવાર સ્મિત ઝળક્યું હતું.

તે સમયથી અહીં વસંત પંચમીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. ત્યારથી, હઝરત નિઝામુદ્દીન ઔલિયાની દરગાહ દર વર્ષે વસંત પંચમીના રોજ શણગારવામાં આવે છે. તેમના તમામ અનુયાયીઓ વસંત પંચમીની ઉજવણી કરવા માટે પીળાં કપડાં પહેરે છે. તેઓ સરસવના ફૂલો સાથે દરગાહ પર જાય છે અને કવ્વાલી ગાઈને વસંતના આગમનની ઉજવણી કરે છે. આ તહેવાર હઝરત નિઝામુદ્દીન ઔલિયાની દરગાહમાં 800 વર્ષથી પણ વધુ સમયથી આ રીતે ઉજવવામાં આવે છે.

મધ્ય એશિયાની લાચન જાતિના તુર્ક સૈફુદ્દીનના પુત્ર અમીર ખુસરોનો જન્મ ઇસ્વી સન 1253માં ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના પટિયાલી નામના કસ્બામાં થયો હતો. તેમણે કિશોર વયે કવિતા લખવાનું શરૂ કર્યું હતું અને 20 વર્ષની વયે કવિ તરીકે પ્રસિદ્ધ થયા હતા.

તેમનો પરિવાર ઘણી પેઢીઓ સુધી શાહી દરબાર સાથે સંકળાયેલો હતો. અમીર ખુસરોએ પોતે 8 સુલતાનોનું શાસન જોયું હતું. અમીર ખુસરો પહેલા મુસ્લિમ કવિ હતા જેમણે ખુલ્લેઆમ હિન્દી શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ખડી બોલીને પ્રચલિત કરવાનું શ્રેય તેમને આપવામાં આવે છે. તેઓ તેમની ભાષા માટે હિંદવીનો ઉલ્લેખ કરનારા પ્રથમ વ્યક્તિ હતા. તેઓ ફારસી કવિ પણ હતા. 

તેમને દિલ્હી સલ્તનત દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો. તેમણે આખું જીવન શાહી આશ્રયમાં વિતાવ્યું હતું. શાહી દરબારમાં હોવા છતાં, ખુસરો હંમેશાં કવિ, કલાકાર, સંગીતકાર રહ્યા. કવિઓ તો તે વખતે બીજા પણ ઘણા હતા, પરંતુ અમીર ખુસરો જેવા લોકો જન્મે છે ખરા પણ ક્યારે ય મરતા નથી. તેમના કાલાતીત વ્યક્તિત્વ અને સર્જનાત્મકતા દ્વારા તેઓ હંમેશાં સાહિત્યના આકાશમાં ઝળકે છે. 

અમીર ખુસરોએ બે જુદી જુદી સંસ્કૃતિઓ, ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ વચ્ચે પરસ્પર પ્રેમ, સંવાદિતા અને સંવાદિતાનું વાતાવરણ ઊભું કરવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની એક રચનામાં તેમણે પોતાને “તુતી-એ-હિંદ” (ભારતનો પોપટ, એટલે કે ભારતનો અવાજ) કહ્યા હતા.

તેમની ભાષાકીય કુશળતા અને વિદ્વતામાં તેઓ બેજોડ હતા. ખુસરો વાત કરવાના વિવિધ અંદાઝનું અનુકરણીય અને અપ્રતીમ ઉદાહરણ છે. જેમ કે તેમની એક પ્રસિદ્ધ રચનામાં તેઓ લખે છે;

છાપ તિલક સબ છીની રે મોસે નૈના મિલાઇકે

બાત અગમ કહ દીની રે મોસે નૈના મિલાઈકે

આ ગીત ભારતમાં પણ લોકપ્રિય છે. દિગ્ગજ ગાયિકા લતા મંગેશકર, નુસરત ફતેહ અલી ખાન, આબિદા પરવીન, ઉસ્તાદ વિલાયતી ખાન, ઉસ્તાદ શુજાત ખાન, ઉસ્તાદ રાહત ફતેહ અલી ખાન અને વારસી બ્રધર્સ સહિત અનેક નામી-અનામી ગાયકોએ પોતાનો અવાજ આપ્યો છે. લોકો તેના શબ્દ-સૂરને આધ્યાત્મિક માને છે.

ખુસરોએ મૂળ વ્રજભાષામાં આ કવિતા લખી હતી. સૂફીમાં બહુ કવિઓ ખુદા પ્રત્યેના તેમના પ્રેમને છોકરીઓના ઇશ્ક તરીકે વ્યક્ત કરે છે. અમીર ખુસરો લખે છે, મોહે સુહાગન કીની રે, મોસે નૈના મિલાઈકે. અર્થાત, આંખ મળી અને હું તારી વહુ બની ગઈ. અસલમાં ખુસરોનો આ કૃષ્ણ પ્રેમ છે, અને તેઓ ખુદને કૃષ્ણની પ્રેમિકા તરીકે જુવે છે; છાપ એટલે કપાળમાં લટકતું ઝૂમર. તિલક એટલે લાલ બિંદી.

છાપ તિલક સબ છીની રે મોસે નૈના મિલાઇકે

બાત અગમ કહ દીની રે મોસે નૈના મિલાઈકે

મતલબ એ કે, ઈશ્વર સાથે આંખ મળી, અને વહુ તરીકે પતિના ઘરમાં જે કરવાનું હતું એ કુરબાન થઇ ગયું. તેં મારી લૌકિક ઓળખ જ ઝૂંટવી લીધી. 

બાત અગમ કહ દીની રે …

મારી સાથે આંખ મિલાવીને તે મને અગોચર દુનિયાની એ વાત કરી કે આ દુનિયાનો મારો મોહ છૂટી ગયો. 

આઠસો વર્ષ પછી આજે પણ આ કવિતા એનો જાદુ જાળવી રહી છે, એ સાબિત કરે છે કે જીવાતા જીવનમાંથી આવેલું સર્જન કાલાતીત હોય છે. 

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 16 માર્ચ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...349350351352...360370380...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved