Opinion Magazine
Number of visits: 9664569
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પિતાની સેવા

કવિ દલપતરામ|Poetry|20 March 2025

છડો હું હતો છોકરો છેક છોટો,
પિતા પાળી પોષી મને કીધ મોટો.
રૂડી રીતથી રાખતા રાજી રાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

ચડી છાતીએ જે ઘડી મૂછ તાણી,
કદી અંતરે રીસ આપે ન આણી;
કહ્યું મેં મુખે તે કર્યું હાજી હાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

મને સારી શિક્ષા શિખાવી સુધાર્યો,
વળી આપી વિદ્યા વિવેકે વધાર્યો;
ભલી વાતના ભેદ સીધા દીધાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

કદી કોટી કોટી સહી કષ્ટ કાયા,
મને છાતીમાં લૈ કરી છત્રાછાયા;
અતિ પ્રાણથી પ્યાર જે આણતાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

મને દેખી અત્યંત આનંદ લેતા,
મુખે માગી વસ્તુ મને લાવી દેતા;
પૂરો પાડ તે તો ભૂલે પુત્ર પાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

વડા વાંકમાં આવું તો રાંક જાણી,
દીધો દંડ દેતાં દયા દિલ આણી;
તજી સ્નેહ દેહે ન દીધી પીડાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

ભણાવી ગણાવી કીધો ભાગ્યશાળી,
તથા તુચ્છ જેવી બૂરી ટેવ ટાળી;
જનો મધ્ય જેથી રહી કીર્તિ ગાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

લીધો લાવ ને લૈશ જે લાવ સારો,
ગણું ગુણ હું તાત તે તો તમારો,
સદા સુખ સારુ ઉપાયો સજ્યાજી
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

મને નિર્ખતા નેત્રામાં નીર લાવી,
લઈ દાબતા છાતી સાથે લગાવી;
મુખે બોલતા બોલ મીઠા મીઠાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

હતો બાળ હું આજ સુધી અજાણ્યો,
ઉરે આપનો ગુણ એકે ન આણ્યો;
હવે હું થયો જાણીતો આજ આ જી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

જગંનાથજી જીવતો રાખશે જો,
હયાતી તમારી અમારી હશે જો;
કરું સેવના દિલ સાચે સદાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી….

 

 

 

 

 

 

 

દલપતરામ ડાહ્યાભાઇ ત્રવાડી

(૨૧ જાન્યુઆરી ૧૮૨૦ – ૨૫ માર્ચ ૧૮૯૮)

વાંચતા વાંચતા અનાયાસે ગવાઇ જતી ‘પિતાસ્તોત્ર’ જેવી ભાસતી, કવિ દલપતરામની ગુજરાતી ભાષાની પિતા વિશેની કદાચ આ પ્રથમ કવિતા હશે … જેને કોઈ પણ જાતનાં પિષ્ટપેષણની જરાયે જરૂર જણાતી નથી!

ભુજંગી છંદ(લગાગા લગાગા)ની ચાલમાં ચાલતી આ કવિતા મોટેથી ગણગણાવવાની વધુ મજા આવશે.

Loading

જાતીય અને વ્યવસ્થાના અત્યાચારની ફિલ્મ ‘ઈન્સાફ કા તરાઝુ’

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 March 2025

રાજ ગોસ્વામી

2016માં, અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ અભિનીત ફિલ્મ ‘પિંક’ રિલીઝ થઇ ત્યારે એ વાતની બહુ ચર્ચા હતી કે બોલીવુડમાંથી પહેલી વાર એક એવી ફિલ્મ આવી છે જે જાતીય અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીને ન્યાય મળવાનો તો બાજુએ રહ્યો, તેને તેની સાથે થયેલો અન્યાય સાબિત કરવા જતાં કેવી રીતે પુરુષપ્રધાન વ્યવસ્થામાં સહન કરવું પડે છે તેનું સટીક ચિત્રણ કરે છે. 

રસપ્રદ વાત એ છે કે 40 વર્ષ પહેલાં આવેલી ઝીનત અમાનની ફિલ્મ ‘ઇન્સાફ કા તરાઝુ’માં પણ આ જ બાબત ઉજાગર કરવામાં આવી હતી. તે બતાવે છે કે ભારતીય સમાજમાં સ્ત્રીઓ અનેક ક્ષેત્રોમાં અનેક પ્રકારની પ્રગતિ કરી છે છતાં ‘સારી’ સ્ત્રી કોને કહેવાય તે પુરુષોની દૃષ્ટિએ નક્કી થાય છે.

જેમ ‘પિંક’ ફિલ્મમાં જાતીય સતામણીનો ભોગ બનેલી યુવતીને અદાલતમાં ખુદના વર્તન અંગે સવાલોના જવાબો આપવા પડે છે, તેવી રીતે ‘ઇન્સાફ કા તરાઝુ’માં વકીલ પુરવાર કરે છે કે ટૂંકા કપડાં પહેરેલી સ્ત્રી ‘ચાલુ’ હતી અને તેની સાથે જે થયું હતું તે પરસ્પર સહમતીથી થયું હતું.

‘ઇન્સાફ કા તરાઝુ’ની ગણતરી 1980ના દાયકાની સફળ ફિલ્મોમાં થાય છે. બળાત્કાર જેવા સામાજિક મુદ્દા પર લાંબી અદાલતી ચર્ચા દર્શાવતી તે ભારતની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મનું નિર્દેશન બી.આર. ચોપરાએ કર્યું હતું. ફિલ્મની પ્રેરણા 1976માં આવેલી હોલીવુડની ફિલ્મ ‘લિપસ્ટિક’ હતી, જેમાં અસલ જીવનમાં બે સગી બહેનોએ કામ કર્યું હતું. 

ફિલ્મમાં, રમેશ ગુપ્તા (રાજ બબ્બર) નામનો ઉદ્યોગપતિ મોડેલ ભારતી સક્સેના (ઝીનત અમાન) સાથે મિત્રતા કરે છે અને એ નિકટતાનો ફાયદો ઉઠાવીને એક દિવસ તેના પર બળાત્કાર કરે છે. ભારતી તેની ફરિયાદ લઈને કોર્ટમાં જાય છે, પરંતુ કોર્ટ રમેશને છોડી મુકે છે કારણ કે તેનો વકીલ મિ. ચંદ્રા (શ્રીરામ લાગૂ) ભારતીને બદચલન સાબિત કરે છે અને કહે છે તેની સહમતીથી સેક્સ થયો હતો. 

ન્યાયાધીશ ઇફ્તેખાર પણ એવું કહીને એ દલીલ માન્ય રાખે છે કે કાયદો હંમેશાં પુરાવો માંગે છે, અને આ કિસ્સામાં બળાત્કારનો કોઈ પુરાવો નથી, એટલે આરોપી દોષિત ઠરે તેમ નથી. ભારતી, અલબત્ત, કોર્ટને પૂછે છે કે બંધ રૂમમાં થઈ રહેલા આવા ઘોર ગુનાનો કોઈ સાક્ષી કેવી રીતે હોઈ શકે, પરંતુ કોર્ટ પર તેની કોઈ અસર થતી નથી.

તે પછી, લોકોની ટીકા સહન કરવામાં અસમર્થ ભારતી તેની નાની બહેન નીતા (પદ્મિની કોલ્હાપુરી) સાથે શહેર છોડી દે છે, અને નવેસરથી જીવન પાટે ચડાવાનો પ્રયાસ કરે છે. એકાદ વર્ષ પછી, નાની બહેન નોકરીની શોધમાં બહાર જાય છે અને નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં તેનો સામનો એ જ ઉદ્યોગપતિ રમેશ સાથે થાય છે, જે તેની બહેનનો બળાત્કારી છે.

‘નિર્દોષ’ છૂટેલો ઘમંડી રમેશ નીતાને ભારતીની બહેન તરીકે ઓળખી જાય છે, કારણ કે તેને પણ સાક્ષી તરીકે કોર્ટમાં ઊભી કરવામાં આવી હતી. રમેશ હવે નીતાને તેની હવસનો શિકાર બનાવે છે અને નિર્દયી રીતે તેના પર બળાત્કાર કરે છે.

જ્યારે ભારતીને આ કૃત્યની જાણ થાય છે, ત્યારે તે નિર્ધાર કરે છે કે તે તેની બહેનને તેની જેમ ફરીથી અપમાનિત થવા દેવા માટે કોર્ટમાં નહીં જવા દે. બહેન પર થયેલા અત્યાચારથી આઘાત પામેલી અને ગુસ્સે થયેલી ઝીનત, જે દેખીતી રીતે ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ ગુમાવી ચૂકી છે, રાજ બબ્બરની ઓફિસમાં જાય છે અને તેના શરીરમાં છ ગોળીઓ ચલાવે છે. તેનો ગુસ્સો એવો છે કે ગોળીઓ પૂરી થયા પછી પણ તે ખાલી પિસ્તોલ ચલાવતી રહે છે.

આ ફિલ્મથી ઝીનત અમાન એક મજબૂત એક્ટ્રેસ તરીકે સ્થાપિત થઈ હતી, પણ સાથે સાથે રાજ બબ્બર માટે પણ ફાયદાકારક પુરવાર થઇ હતી. રાજ બબ્બર નાટકની દુનિયાથી આવ્યા હતા, અને તેમને મુંબઈમાં ખાસ કામ મળતું નહોતું. 

આ ફિલ્મમાં તેમનું પાત્ર જોખમી પણ ખૂબ જ મજબૂત હતું. કોઈ અભિનેતા આ ભૂમિકા માટે તૈયાર નહોતા. બી.આર. ચોપરાએ ‘ઇન્સાફ કા તરાઝુ’ની પટકથા લઈને તે સમયના તમામ મોટા અભિનેતાઓ પાસે ગયા, પરંતુ નકારાત્મક ભૂમિકાને કારણે બધાએ ના પાડી દીધી. 

રાજ બબ્બર કહે છે, “કિસ્સા કુર્સી કા પછી ત્રણ વર્ષ સુધી મારે ઘરે બેસવું પડ્યું. કોઈ કામ નહોતું. જો બી.આર. ચોપરા મને ‘ઇન્સાફ કા તારાઝુ’ આપવા આગળ ન આવ્યા હોત તો મારી કારકિર્દી પણ દાવ પર લાગી ગઈ હોત. જ્યારે તેમણે કહ્યું કે તે બળાત્કાર કરનારની ભૂમિકા છે, ત્યારે હું અચકાતો હતો. 

‘ઇન્સાફ કા તરાઝુ’ મારી બીજી ફિલ્મ હતી અને મહિલા સંગઠનો મારી નિર્દયી ભૂમિકા માટે મારી પર ચઢી બેઠાં હતાં. પણ આ ફિલ્મ મારી કારકિર્દી માટે વરદાન સાબિત થઈ હતી.”

દીપક પરાશરને (જેમણે ભારતીના બોયફ્રેન્ડની ભૂમિકા કરી હતી) આ ભૂમિકા કરવી હતી, પણ બી.આર. ચોપરા તેને સકારાત્મક પાત્રમાં લેવા માંગતા હતા અને ના પાડી દીધી હતી. જ્યારે રાજ બબ્બરને આ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી, ત્યારે તેમની પાસે કોઈ મોટા પ્રોડક્શન હાઉસ સાથે કોઈ ફિલ્મ નહોતી. ઉપરાંત, તેને એક અલગ પાત્ર ભજવવાની તક મળી રહી હતી. તેથી તેમણે આ ફિલ્મ કરવાનું નક્કી કર્યું.

મજાની વાત એ છે કે બી.આર. ચોપરાએ રાજ બબ્બર અને દીપક પરાશરને હા પાડતાં ઝીનતને વિશ્વાસમાં લીધી હતી. ઝીનત તૈયાર થઇ, પછી તેમણે રાજ બબ્બરને કહ્યું હતું કે ઝીનત સાથે વાત થઇ છે અને તે નવા કલાકાર સાથે કામ કરવા માટે તૈયાર છે, હું તમને તેની સાથે મુલાકાત કરાવીશ.

રાજ બબ્બરે એક ઇન્ટરવ્યુમાં મજાક કરતાં કહ્યું હતું કે એ પછી તે અને દીપક ઝીનતને મળવા ગયા હતા અને એ મુલાકાત એવી હતી જાણે છોકરી છોકરાને પસંદ કરવા આવવાની હોય તેવી હતી.

ફિલ્મમાં, ભારતી અને નીતાના બળાત્કારનાં દૃશ્ય બહુ વિવાદાસ્પદ સાબિત થયાં હતાં અને અનેક મહિલાઓએ તેનો વિરોધ કર્યો હતો. આ મામલો ન્યાયમૂર્તિ ભગવતી પાસે ગયો હતો. તેઓ ફિલ્મની પડખે ઊભા રહ્યા હતા. તેઓ ફિલ્મના નિર્દેશક બી.આર. ચોપરાના મિત્ર હતા અને ફિલ્મ જોવા માટે સંમત થયા હતા. ફિલ્મ જોયા પછી તેમણે કહ્યું હતું કે આ વાર્તા બળાત્કાર વિરોધી છે અને સૌએ જોવી જોઈએ. તેમણે આ ફિલ્મનું સમર્થન કરતો પત્ર પણ લખ્યો હતો. 

બી.આર. ચોપરાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “હું અગાઉ પત્રકાર હતો, એટલે હું જ્યારે નિર્માતા-નિર્દેશક બન્યો ત્યારે મને લાગ્યું હતું કે સમાજ પ્રત્યે મારી અમુક જવાબદારી છે, એટલે હું જે ફિલ્મો બનાવું તે મનોરંજક તો હોવી જોઈએ, પણ લોકો માટે તેમાં સંદેશ પણ હોવો જોઈએ. મારી ફિલ્મોમાં સ્ત્રીઓની વાત પ્રમુખ હોય છે, પણ હું તેમને ‘સેક્સની વસ્તુ’ તરીકે નથી બતાવતો. આપણા સમાજમાં મોટા ભાગની સમસ્યાઓ સ્ત્રીઓને લગતી જ છે. મેં જાતે તે અનુભવ્યું છે.”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 19 માર્ચ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વાત સલૂણી સાંજની 

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|19 March 2025

નેહા ઘણા સમય પછી અમદાવાદ કાકાને ત્યાં લગ્ન પ્રસંગે આવી હતી. નેહા આઈ.ટી. એન્જિનિયર હતી અને કાકાનાં ઘરે રહીને અભ્યાસ પૂર્ણ કર્યો હતો. નેહાને લો ગાર્ડનમાં જવું બહુ ગમતું. એક રીતે એ પ્રકૃતિ પ્રેમી હતી. જ્યારે અમદાવાદ અભ્યાસ કરતી હતી, ત્યારે સમય મળે લો ગાર્ડનમાં અચૂક જતી અને પ્રકૃતિ સાથે એકરૂપ થઈ જતી. આજે પણ લો ગાર્ડનમાં લટાર મારવા નીકળી હતી. તેના નિયત બાંકડા ઉપર બેઠી અને અતીતમાં ખોવાઈ ગઈ.

એક વખત નેહા સાંજનાં સમયે લો ગાર્ડનમાં ફરી રહી હતી, ત્યારે તેણે જોયું કે એક સમવયસ્ક યુવાન તેને ક્યારનો નિરખી રહ્યો છે. પહેલા તો નેહાએ કાંઈ ધ્યાન ન આપ્યું, પણ પછી નેહાને વિચાર આવ્યો કે ચાલને પૂછી જોઉં કે આમ એકીટશે મને નિરખવાનો મતલબ શું છે.

“તમે મને ક્યારનાં એકીટશે નિરખી રહ્યા છો. આમ તો તમે કપડાં ઉપરથી અને વર્તનથી સંસ્કારી કુટુંબના હો એવું લાગે છે. તો આમ કરવાનું મને કારણ કહેશો?”

“જુઓ, તમે જે વિચારથી મને પ્રશ્ન પૂછી રહ્યા છો, એવો મારો કોઈ ઈરાદો નથી. હું આપને એક પ્રકૃતિ પ્રેમી તરીકે નિરખી રહ્યો હતો. આમ જોઈએ તો તમારો પ્રશ્ન પણ ખોટો નથી. તમે ગમે તેને પસંદ પડી જાવ એવી સુંદરતા ધરાવો છો.”

નેહાનું વદન શરમથી ફૂલ ગુલાબી થઈ ગયું.

“મારું નામ નીરવ છે. હું પણ એન્જિનિયરિંગ કૉલેજમાં આઈ.ટી.માં અભ્યાસ કરું છું. આપને મેં કૉલેજમાં ઘણી વખત જોયાં છે. આજે આ લો ગાર્ડનમાં મુલાકાત થઈ, એટલે તમારી સાથે વાત કરવાનું વિચારી રહ્યો હતો, પણ સંકોચને લીધે ખાલી તમને દૂરથી નિરખીને મનને મનાવી લીધું.”

નેહા, નીરવની વાતથી ઈમ્પ્રેસ થઈ ગઈ. 

“ના, ના. મારો એવો કોઈ અર્થ નથી. પણ કોઈ અજાણી વ્યક્તિ આવી હરકત કરે ત્યારે કારણ જાણવાની ઈચ્છા થાય. હું તો લો ગાર્ડનમાં  સમય મળે ચક્કર મારી જઉં છું અને પ્રકૃતિ સાથે થોડુંક તાદામ્ય સાધી લઉ છું. તમને મેં આજે જ જોયા એટલે પૂછ્યું.”

પછી તો નેહા, નીરવની  મિલનની શરૂઆત લો ગાર્ડનમાં મળવાથી લઈને હોટલ, રેસ્ટોરેન્ટની મુલાકાત સુધી ગઈ. બંને ક્યારે એક બીજાની નજીક આવી એક બીજાંને ચાહવા લાગ્યાં એ ખબર ન રહી અને સમયના સથવારે એક બીજાના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયાં.

“નેહા, આપણો અભ્યાસ પૂરો થઈ ગયો છે. આપણે આપણા પેરેન્ટ્સને વાત કરવી જોઈએ. મને લાગે છે કે આપણા પેરેન્ટ્સ ચોક્કસ સંમતિ આપશે. પછી સારી જોબ મળે એટલે લગ્ન કરી લઈએ.” નસીબ જોગે બંનેના પેરેન્ટ્સની સંમતિ પણ મળી ગઈ. એક સારી પ્રાઇવેટ કંપનીમાં સાથે જોબ પણ મળી ગઇ.

લગ્ન પછી નેહા અને નીરવ બંને ખૂબ ખુશ હતાં. જોબમાં સેટલ થવા માટે પાંચ વર્ષ પછી બાળક માટે પ્લાનિંગ કર્યું હતું.

નેહા અને નીરવ એક જ કંપનીમાં જોબ કરતાં હતાં. નેહા નીરવ કરતાં આઈ.ટી. ક્ષેત્રમાં વધુ  કુશળ હતી. એટલે પ્રાઇવેટ કંપનીમાં બંને છે એમ નેહાને પ્રમોશન મળતાં ગયાં નેહા કંપનીમાં અગળને આગળ વધતી ગઈ. નીરવ અને નેહા વચ્ચે અહમ્‌નો ટકરાવ શરૂ થઈ ગયો. નેહા કંપનીમાં નીરવની બોસ બની ગઈ હતી. નીરવને નેહાની સૂચનાઓનું પાલન કરવું પડતું હતું. નીરવને એ જરા પણ ગમતું નહોતું. બીજું નીરવ કંપની બદલે તો પણ નેહાનું આઈ.ટી. ક્ષેત્રમાં નામ, અને તેને પ્રખ્યાતિ મળી ગઈ હતી. એટલે કોઈ પણ લેવલે આમનો સામનો તો થવાનો જ હતો.

નેહા અને નીરવ વચ્ચે મતભેદો વધતા ગયા. નેહા નોકરી છોડવા તૈયાર નહોતી જ્યારે નીરવ કંપની બદલવા તૈયાર નહોતો. અંતે નેહાએ તેની બદલી અમદાવાદથી મુંબઇ કરવી નાખી. અમદાવાદ, મુંબઇ વચ્ચેના અંતરની જેમ નેહા, નીરવ વચ્ચે અંતર થઈ ગયું. બંને અલગ રહી પોતાની જિંદગી જીવવા લાગ્યાં.

નેહા ઘણી વખત વિચારતી કે ભૂલ ક્યાં થઈ. શું સ્રી દાક્ષિણ્યની વાત કરતા સમાજમાં સ્રી આગળ વધે એ ગુનો છે કે પછી પુરુષપ્રધાન સમાજમાં પુરુષના અહમ્‌નું પ્રભુત્વ તૂટે એ ગુનો છે. એટલે સ્રીએ આગળ વધવું હોય તો પરિસ્થિતિનો સામનો અને સહન કરવું પડે.

નેહા બીજી રીતે વિચારતી તો નેહાને એમ લાગતું કે આટલો પ્રેમ આપનાર પતિ ક્યાં મળે. ક્યાંક મેં આગળ વધવાની મહેચ્છામાં સુખી સંસાર અને પ્રેમનો ભોગ તો નથી લઈ લીધો ને? નેહાને નીરવની બહુ યાદ આવતી, પણ સ્રી સહજ અહમ્‌ નીરવને મળવા કે ફોન કરવા માટે આડે આવતું હતું.

તો, નીરવ પણ ઘણી વખત પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતો. કે નેહા ક્યાં ખોટી હતી. તેને જે કંઈ કંપની લેવલે પોઝિશન મળી હતી કે મળતી હતી એ તેની કુશળતાનું ફળ અને મૂલ્યાંકન હતું. મારે તો નેહાની પ્રગતિથી ખુશ થવું જોઈતું હતું. તેના બદલે પુરુષલક્ષી અહમ્‌ને પ્રાધાન્ય આપી પરિસ્થિતિ બગાડી બેઠો.

 નીરવને પણ નેહાની બહુ યાદ આવતી. ક્યારેક તો નેહા આમ કર, નેહા તેમ કર બોલી ઊઠતો પણ પછી પોતાની જાતે જ ભોઠપ અનુભવતો. નીરવે નક્કી કર્યું હતું કે નેહાનો ફોન આવે કે મળી જાય તો માફી માગીને નેહાને મનાવી લઈશ.

નેહા અતીતમાંથી જાગી, ત્યારે નેહાએ જોયું કે દૂર બાંકડા ઉપર કોઈ બેઠું છે. એ નીરવ જેવું લાગે છે. ના, એ નીરવ જ છે, પણ અહીં ક્યાંથી હોય? શું એ પણ મારી જેમ લો ગાર્ડનમાં લટાર મારવા આવતો હશે? કે પછી મારી જેમ અતીતને વાગોળતો હશે?

નીરવે જોયું કે દૂર બાંકડા ઉપર એક યુવતી બેઠી છે. એ નેહા જેવી લાગે છે. અરે! એ નેહા જ છે. શું નેહા પાછી અમદાવાદ આવી ગઈ હશે? કે પછી મારી જેમ અતીતને ફંફોળવા અહીં આવતી હશે?

નીરવ અને નેહાએ એક બીજાં સામે જોયું, પણ બેમાંથી કોઈ ઊભું ન થયું. અચાનક બંને ઊભા થયાં ને અને એક બીજાં તરફ જવાનું શરૂ કર્યું. બંને લાલ ગુલાબનાં છોડ પાસે ભેગા થઈ નિઃશબ્દ ઊભા રહી ગયાં.

“નીરવ …..”

“નેહા …..”

બંને એક સાથે બોલ્યાં.

“નેહા, આપણે એક બીજાંને કાંઈ જ નથી કહેવું. પરિસ્થિતિએ બધું જ કહીને સમજાવી દીધું છે. નેહા, આપણે પ્રથમ વખત અહીં લો ગાર્ડનમાં મળ્યાં, ત્યારે જેવી સલૂણી સાંજ હતી એવી જ આજે આ સલૂણી સાંજ છે. આ ગુલાબનું ફૂલ આપી, તારી માફી માંગી, તારા પ્રેમનો સ્વીકાર કરું છું. તું મારા પ્રેમને સ્વીકારે છે ને?”

નેહાએ નીરવને બાથભીડીને કહ્યું, “હા, હા, અને હા.” “આપણે આપણા અહમ્‌ને આ ગુલાબની ખુશ્બૂમાં ભેળવીને ખુશ્બૂદાર બનાવી દઈએ.”

લો ગાર્ડનનાં વૃક્ષો, પર્ણો અને ફૂલો ખુશીથી ઝૂમી ઉઠ્યાં જાણે આ મિલન ક્ષણની જ રાહ જોતા હોય એમ.

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

...102030...347348349350...360370380...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved