Opinion Magazine
Number of visits: 9768181
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાશ્મીરની પ્રજાનો વિશ્વાસ જીતવો હોય તો વિનાયક દામોદર સાવરકરનું ઇતિહાસવિવેચન કામમાં આવે એમ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|12 April 2017

ભારત સરકારે એટલી હદે અંગ્રેજોની ધૂર્તતા કાશ્મીરમાં બતાવવી જોઈએ કે આવતી કાલે કોઈ કાશ્મીરી સાવરકર ભારત સરકારને ગાળો આપતાં વિવેચન કરે કે દિલ્હીના શાસકોએ ધૂર્તતા દ્વારા અમને પરાસ્ત કર્યા, બાકી અમે તો જાનફેસાની માટે થનગનતા હતા.

શ્રીનગરમાં યોજાયેલી લોકસભાની પેટાચૂંટણીમાં માત્ર સાત ટકા મતદાન થયું છે અને હિંસામાં આઠ જણ માર્યા ગયા છે. રાજ્યના અનંતનાગ મતદારક્ષેત્રમાં પણ લોકો ચૂંટણીનો વિરોધ કરી રહ્યા છે અને એને પરિણામે ૧૨ એપ્રિલે યોજાનારી લોકસભાની પેટાચૂંટણી ૨૫ મે સુધી મુલતવી રાખવામાં આવી છે. અનંતનાગમાં લોકોએ બે મતદાનકેન્દ્રોને સળગાવ્યાં હતાં. ચૂંટણી મુલતવી રાખવાનું મુખ્ય કારણ શ્રીનગરમાં થયેલું પાંખું મતદાન છે, જ્યાં સાત ટકા લોકો મતદાનમાં ભાગ લેતા હોય એને ચૂંટણી ન કહેવાય.

ગયા વર્ષે બુરહાન વાનીના સલામતી દળોના હાથે થયેલા મૃત્યુ પછી કાશ્મીરની ખીણમાં સ્થિતિ ઠેકાણે પડતી નથી અને આશ્ચર્યની વાત એ છે કે લોકોનો વિશ્વાસ પુન: સંપાદન કરવા ભારત સરકાર તો ઠીક, જમ્મુ અને કાશ્મીરની સરકાર પણ નક્કર પહેલ કરતી નથી. હજી પખવાડિયા પહેલાં વડા પ્રધાને કાશ્મીરની મુલાકાત લીધી હતી, પરંતુ તેમણે કાશ્મીરના યુવકોને સલાહ આપવા સિવાય તેમનો વિશ્વાસ જીતવાનો કોઈ પ્રયાસ નહોતો કર્યો. અનેક જાગૃત નાગરિકોએ અને ત્યાં સુધી કે જમ્મુ અને કાશ્મીર હુરિયત કૉન્ફરન્સના નેતાઓએ સુધ્ધાં કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે કાશ્મીરના દરેક વિચારના જૂથો સાથે ચર્ચા કરીને સ્થિતિ થાળે પાડવી જોઈએ. વાતચીત કરવાથી ભારત સરકારની પ્રતિષ્ઠાને આંચ આવવાની નથી. ઊલટું વાતચીત નહીં કરવાની જીદને કારણે ડોનલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રને પણ નુક્તેચીની કરવાનો મોકો મળે છે. ટ્રમ્પ તો એકંદરે સખત શાસનના પુરસ્કર્તા છે અને એમ છતાં તેમના વિદેશપ્રધાને કાશ્મીર વિશે નિવેદન કર્યું છે.

આ વખતની ચૂંટણીએ બતાવી આપ્યું છે કે માત્ર ચૂંટણી યોજવાથી લોકતંત્ર વિકસતું નથી. એને માટે લોકોની ભાગીદારી જરૂરી છે અને લોકોની ભાગીદારી વિનાનું લોકતંત્ર અધૂરું છે. ૧૯૮૩ની સાલમાં આ જ રીતે ઇન્દિરા ગાંધીએ લોકોના વિરોધ છતાં આસામમાં વિધાનસભાની ચૂંટણી યોજી હતી. એ ચૂંટણીનો લોકોએ બહિષ્કાર કર્યો હતો. પરાણે યોજવામાં આવેલી ચૂંટણીમાં ભીષણ હત્યાકાંડ થયો હતો અને નેલી નામના ગામમાં ૬૪ બાળકો સહિત અનેક લોકોનાં મૃત્યુ થયાં હતાં. બંગલા દેશનું યુદ્ધ જીતી આપનારાં અને દુર્ગાનું બિરુદ પામનારાં ઇન્દિરા ગાંધીને આસામ અને પંજાબ માટે અલગ રીતે યાદ કરવામાં આવે છે. છેવટે કેન્દ્ર સરકારે હાર માનવી પડી હતી. આસામની કઠપૂતળી સરકારને હટાવવી પડી હતી અને નવેસરથી ચૂંટણી યોજવી પડી હતી. દરેક અર્થમાં ઇન્દિરા ગાંધીને અનુસરી રહેલા નરેન્દ્ર મોદીએ ઇન્દિરા ગાંધીની ભૂલોમાંથી બોધપાઠ લેવો જોઈએ.

રાષ્ટ્રવાદીઓનો પ્રજા કરતાં બંદૂક પર વધારે ભરોસો હોય છે. અહીં વિનાયક દામોદર સાવરકરનું ઇતિહાસદર્શન યાદ આવે છે. તેમણે તેમની આત્મકથામાં લખ્યું છે કે હિંસક ક્રાન્તિ વિના કોઈ પ્રજા કાંઈ પામતી નથી. આઝાદી જોઈતી હોય તો સશસ્ત્ર પ્રતિકાર કરવો જ રહ્યો. એ પછી તેમણે ૧૮૫૭માં લોકોએ આઝાદી માટે કરેલી હિંસક ક્રાન્તિની અને વાસુદેવ બળવંત ફડકેની વાત કરી છે. અહીં સુધી તો જાણે ઠીક છે, પરંતુ એ પછી તેમણે જે વિવેચન કર્યું છે એ રમૂજી છે. તેઓ પોતે જ પોતાના તર્કનું ખંડન કરે છે.

તેઓ તેમની આત્મકથામાં કહે છે કે ધૂર્ત અંગ્રેજો ૧૮૫૭ જેવી ઘટના ફરી વાર ન બને અને સશસ્ત્ર ક્રાન્તિ ન થાય એ માટે પ્રયત્નો કરતા હતા અને નપુંસક ભારતીયો તેમને એમાં મદદ કરતા હતા. તેમણે ભારતીય પ્રજાનું સરકાર વિશેનું મન જાણવા કૉન્ગ્રેસની સ્થાપના કરી હતી. કૉન્ગ્રેસમાં દરેક પ્રાંતના અને દરેક કોમના ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું હતું. મુસલમાનોને સુધ્ધાં કૉન્ગ્રેસની છત્રીમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એમાં હિન્દુ નેતાઓ પાસે પહેલ કરાવવામાં આવી હતી. જ્યારે એ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો ત્યારે ભાગલા પાડો અને રાજ કરોની ચાલાકી કરવામાં આવી હતી. ધૂર્ત અંગ્રેજોએ ભારતમાં પાશ્ચત્ય શિક્ષણ દાખલ કર્યું હતું અને શિક્ષિત મધ્યમવર્ગ પેદા કર્યો હતો. આ શિક્ષિત મધ્યમવર્ગને સરકારી નોકરીઓ આપવામાં આવી હતી અને એ રીતે તેમને સરકારપરસ્ત બનાવાયા હતા. નવા સામાજિક સુધારાઓ દાખલ કરવામાં આવ્યા હતા અને એનું શિક્ષિત ભારતીયોમાં આકર્ષણ પેદા કરવામાં આવ્યું હતું. કેટલાક શિક્ષિત ભારતીયો આઝાદી પછી પહેલાં સામાજિક સુધારાઓ એવી વકીલાત કરતા થઈ ગયા હતા. આવી બધી ચાલાકીઓ દ્વારા અંગ્રેજો ભારતમાં હિંસક ક્રાન્તિ થવા નથી દેતા.

સાવરકર નસીબદાર હતા કે તેઓ વગર હિંસાએ આઝાદી ભોગવીને ગયા અને એ પણ એવા માણસોએ અપાવી હતી જેમને તેઓ અંગ્રેજપરસ્ત અને નપુંસક સમજતા હતા, પરંતુ ચર્ચાનો મુદ્દો એ નથી. ચર્ચાનો મુદ્દો અંગ્રેજોની ધૂર્તતાનો છે. ૧૮૫૭ પછીથી અંગ્રેજોએ ભારતીયોને એવી એક પણ તક નહોતી આપી કે ૧૮૫૭નું પુનરાવર્તન થાય. એકાદ-બે ઘટનાઓ અપવાદરૂપ છે અને એ પણ બે-ચાર જણની ભૂગર્ભ હિંસક પ્રવૃત્તિ હતી, સામૂહિક પ્રજાકીય હિંસક ક્રાન્તિ નહોતી. ૧૮૫૭ પછીથી હિંસક સામૂહિક ક્રાન્તિની તો ભારતમાં એક પણ ઘટના નહોતી બની. સાવરકર પોતે જ નિરાશ થઈને લખે છે, કહો કે કબુૂલાત કરે છે કે ધૂર્ત અંગ્રેજોએ ભારતમાં હિંસક ક્રાન્તિ થવા ન દીધી, જ્યારે કે આઝાદી માટે ક્રાન્તિ અનિવાર્ય છે.

તો સરવાળે જીત કોની થઈ? ગરમ લોહી ધરાવનારા સાવરકરોની કે ધૂર્ત અંગ્રેજોની? અંગ્રેજોનો ગાંધીજી સામે પરાજય થયો એ જુદી વાત છે, પરંતુ સાવરકરો સામે તો અંગ્રેજોની ધૂર્તતાનો જ વિજય થયો એમ ખુદ સાવરકર કબૂલ કરે છે. કેટલીક વાર નિંદાના નશામાં આવા છબરડા વળે છે. પોતે જ પોતાની થીસિસને નિરસ્ત કરી દેતા હોય છે અને દુશ્મનની બાજુને સ્થાપિત કરી આપતા હોય છે. એટલે તો સાવરકરનું ક્રાન્તિચિંતન રમૂજી છે.

વાચકના મનમાં કદાચ પ્રશ્ન થતો હશે કે સાવરકર અને કાશ્મીરને શું સંબંધ છે? બહુ દેખીતો સંબંધ છે. ભારત સરકારે કાશ્મીરમાં અને ઈશાન ભારતના બીજા પ્રદેશોમાં અંગ્રેજો જેવી ધૂર્તતાની નીતિ અપનાવવી જોઈએ અને એ રીતે હિંસક ક્રાન્તિ કરીને આઝાદી માગનારાઓને પરાસ્ત કરવા જોઈએ. જો અંગ્રેજો આખા ભારતની પ્રજાને ધૂર્તતાની નીતિ અપનાવીને ૯૦ વરસ સુધી હિંસક ક્રાન્તિ કરતાં રોકી શકે તો ભારત સરકાર કાશ્મીરમાં એ ન કરી શકે? બસ, એ જ માર્ગ અપનાવવાનો છે જે અંગ્રેજોએ અપનાવ્યો હતો. શિક્ષણ, નોકરી, વિકાસ અને ભાગીદારી એ હિંસાને રોકવાનો અકસીર ઉપાય છે એમ દસ્તુર ખુદ સાવરકરે અંગ્રેજોને ગાળો દેતાં કહ્યું છે. ભારત સરકારે એટલી હદે અંગ્રેજોની ધૂર્તતા કાશ્મીરમાં બતાવવી જોઈએ કે આવતી કાલે કોઈ કાશ્મીરી સાવરકર ભારત સરકારને ગાળો આપતાં વિવેચન કરે કે દિલ્હીના શાસકોએ ધૂર્તતા દ્વારા અમને પરાસ્ત કર્યા બાકી અમે તો જાનફેસાની માટે થનગનતા હતા. કાશ્મીરમાં કોઈ ગાંધી પેદા થાય એ પહેલાં ભારત સરકારે ધૂર્તતા દ્વારા કાશ્મીરી સાવરકરોનો ફુગ્ગો ફોડી નાખવો જોઈએ.

નરેન્દ્ર મોદી અને સંઘપરિવારે તેમના ગુરુ સાવરકરના આવેશ કરતાં આવેશમાં બોલાઈ ગયેલી સાચી વાતને કાને ધરવી જોઈએ. શું લાગે છે?

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 12 અૅપ્રિલ 2017

Loading

નવું રાજકારણઃ ભૂતકાળ એ જ ભવિષ્યકાળ?

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|11 April 2017

આર્યો પહેલાં થયેલી સિંધુ સંસ્કૃિતની પરંપરા સુધીના ભૂતકાળમાં કોઈને જવું હોય તો એ દેશદ્રોહી ગણાય?

‘ધ વર્લ્ડ ઇઝ ફ્લેટ’ – આ નામ હતું ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના વિખ્યાત કટારલેખક થોમસ ફ્રીડમેનના પુસ્તકનું. 2005માં તે આવ્યું ત્યારે ઇન્ફર્મેશન ટેક્નોલૉજી (આઇ.ટી.) ક્ષેત્રમાં ભારતનો સિતારો બુલંદીએ પહોંચ્યો હતો. ફેસબુક, ગૂગલ, ટ્વિટર જેવી તોતિંગ અને મૌલિક વિચાર ધરાવતી અનેક કંપનીઓ ભારતમાં ન સર્જાઈ, પણ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, ઇન્ફોસીસ, વિપ્રો જેવી સોફ્ટવેરનું કામ કરતી ભારતીય કંપનીઓ અમેરિકામાં પહોંચી, ત્યાંથી તગડા કોન્ટ્રાક્ટ મેળવવા લાગી અને આઇ.ટી. ઉદ્યોગમાં ભારતની સફળતાની ગાથાના પ્રતીક જેવી બની. ઇન્ફર્મેશન ટેક્નોલૉજીના પ્રતાપે ભૌગોલિક અંતર ગૌણ બની ગયાં, એ સ્થિતિને વર્ણવવા માટે ફ્રીડમેન સાથેની વાતચીતમાં નંદન નીલેકણીએ ‘વર્લ્ડ ઇઝ ફ્લેટ’ એવો પ્રયોગ કર્યો હતો. (દુનિયા જાણે ગોળ નહીં, સપાટ થઈ ગઈ અને બધા માટે સરખી તક, લેવલ પ્લેઇંગ ફિલ્ડ, ઊભું થયું.)

એ વાતના એક દાયકા પછી, અમેરિકામાં ટ્રમ્પની જીત સહિતના વૈશ્વિક પ્રવાહો જોતાં લાગે છે કે દુનિયા ફરી ભૌગોલિક વાડાબંધીની દિશામાં આગળ વધી રહી છે — પેલો શબ્દપ્રયોગ ઉલટાવીને કહેવું હોય તો, તે ફરી ગોળ બની રહી છે. અમેરિકાના પ્રમુખ અને તેમના ટેકેદારસમૂહમાંથી ઘણાને વૈશ્વિકીકરણ અકારું લાગે છે. કારણ કે (તેમના મતે) ભારતીય સહિતના બીજા લોકો અમેરિકામાં આવે છે અને સ્થાનિક લોકોની નોકરીઓ છીનવે છે. આવું ‘ફ્લેટ’ વિશ્વ તેમને ખપતું નથી. મેક્સિકો-અમેરિકાની સરહદે કરોડો ડોલરના ખર્ચે ઊંચી દીવાલ બાંધવાનો તઘલઘી તુક્કો આપનાર ટ્રમ્પને તે પ્રમુખપદે ચૂંટી શકે છે. એ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી ત્રાસવાદના પ્રતિકારના નામે અને અમેરિકનોની નોકરીઓ બચાવવાના નામે, દરવાજા ભીડી રહ્યા છે.

કેટલાક ઇતિહાસકારો અને આઇ.ટી.ક્ષેત્રના અભ્યાસીઓ માને છે કે અમેરિકનોની નોકરીઓ છીનવવામાં અને તેમની બેકારી વધારવામાં પરદેશથી આવતા લોકો કરતાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ જેવી ટેક્નોલૉજી અનેક ગણી વધારે ભારે પડવાની છે. આવું માનનારા નિષ્ણાતોમાં ઇઝરાઇલના અભ્યાસી પ્રોફેસર હરારીનો પણ સમાવેશ થાય છે. ‘સેપિઅન્સ’ નામના પુસ્તકમાં માનવજાતનો 70 હજાર વર્ષનો ઇતિહાસ થોડા સો પાનાંમાં લખનાર અને ત્યાર પછીના ‘હોમો ડેઅસ’ પુસ્તકમાં આગામી સો વર્ષનો ચિતાર આપનાર પ્રો. હરારી માને છે કે દુનિયાભરમાં રાજકીય નેતાગીરી પાસે ભવિષ્યનું કોઈ મોડેલ નથી. ભવિષ્ય માટે તેમનો એક જ નારો છેઃ ચાલો, ભૂતકાળમાં હતા તેવા બની જઈએ.

ટ્રમ્પનું પ્રચારસૂત્ર હતું, ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન.’ રશિયાના વડા પુતિનના મનમાં રશિયાના સદીઓ જૂના ભૂતકાલીન ગૌરવનું છે – અને પ્રો. હરારીને એ તો ખબર પણ નથી કે ભારતમાં ગોરક્ષાના રાજકારણની કેવી બોલબાલા છે અને જેના મોડેલ દેશવિદેશમાં ચર્ચા છે, તે ગુજરાતના મુખ્યમંત્રી મંચ પર વાછરડાને હાર પહેરાવે છે. ભારતના વડાપ્રધાન ટેક્નોલૉજીનો મહત્તમ ઉપયોગ કરનારા છે. પરંતુ ટેક્નોલૉજી અને વૈજ્ઞાનિક માનસિકતા બન્ને જુદી જણસો છે. એટલે જ, સ્ટાર્ટ અપ ને સ્માર્ટ સિટી ને મેક ઇન ઇન્ડિયાના પ્રચારની વચ્ચે ગોરક્ષાના નામે ગુંડાગીરી માથું ઊંચકી રહી છે – શીંગડાં ઉલાળી રહી છે.

ખેડૂત કે પશુપાલક પોતાની ગાયને કે ગોવંશને કે બધાં દૂધાળાં ઢોરને પ્રેમ કરતો જ હોય છે. તેના માટે એને હિંદુ સંસ્કૃિતના ઠેકેદાર બની બેઠેલાં સંગઠનોના પ્રચારની જરૂર પડતી નથી. પરંતુ છેલ્લા થોડા વખતથી ઉભરાઈ રહેલા ગોરક્ષાના ઉત્સાહ અને ગોહત્યાના વિરોધમાં ગોપ્રેમ નહીં, ગાયના નામે ચાલતું રાજકારણ દેખાય છે. આ રાજકારણના ઘટકો છેઃ મુસ્લિમવિરોધ, (તક મળ્યે) દલિતવિરોધ અને પ્રાચીન ભારતના ગૌરવના નામે સનાતન ધર્મની સ્થાપનાનો મુગ્ધ ઝનૂની ઉત્સાહ. ટૂંકમાં, મેક ઇન્ડિયા ગ્રેટ અગેઇન. પ્રાચીન કાળમાં અમારી ભૂમિ બહુ મહાન હતી, એવી માન્યતા ફક્ત ભારતીયો જ નહીં, અમેરિકનો સહિત બીજા લોકો પણ ધરાવતા હોય છે. આ માન્યતા ભ્રમ નથી, એવું સિદ્ધ કરવા માટે તેમની પાસે નક્કર પુરાવા પણ હોય છે.

ભારતની વાત કરીએ તો, સુશ્રુત-ચરક કે આર્યભટ્ટ-બ્રહ્મગુપ્ત-ભાસ્કર જેવા અનેક વિદ્વાનોએ પોતપોતાનાં ક્ષેત્રોમાં માતબર પ્રદાન કર્યું હતું. અમેરિકનોને બીજા વિશ્વયુદ્ધ પછી ઊભી થયેલી અમેરિકાની સુપરપાવર તરીકેની છબી અને તાકાતનું ખેંચાણ હોઈ શકે છે. પરંતુ ભૂતકાળનો મહિમા કરવામાં વાત હંમેશાં આટલી સીધીસાદી હોતી નથી. અમેરિકાને ફરી ગ્રેટ બનાવવાની વાત સાચી, પણ કયા સમયગાળા જેવું ગ્રેટ? સ્થાનિક આદિવાસીઓને ધોળા લોકોના આગમન પહેલાંનું અમેરિકા ગ્રેટ લાગી શકે, ધોળાપણાનું અભિમાન ધરાવનારા લોકોને ચામડીનો રંગ તેમના ચઢિયાતાપણાનું પ્રતીક હતો અને કાળા લોકો સાથે તે મનમાન્યો વ્યવહાર કરી શકતા હતા, એ સમય ગ્રેટ લાગી શકે. કાળા લોકોમાંથી ઘણાને લાગી શકે કે અમેરિકા તેમના માટે તો હજુ પહેલી વાર ગ્રેટ બનવાનું જ બાકી છે. એટલે ફરીથી ગ્રેટ બનાવવાની વાત અપ્રસ્તુત છે.

એટલે પાયાનો સવાલ ઊભો રહે છેઃ ભૂતકાળમાં ક્યાં સુધી પાછા જવું? ભારતમાં ગોરક્ષાના નામે ઉશ્કેરણીનું રાજકારણ આચરતા લોકો ધર્મ ને સંસ્કૃિતના ઓઠા તળે આ બધું કરે છે. પરંતુ ધર્મ અને સંસ્કૃિતની તેમની કટ ઓફ લાઇન કઈ? કયા સમયનો ધ ર્મ- કયા સમયની સંસ્કૃિત તેમને શ્રેષ્ઠ લાગે છે? સનાતન ધર્મમાં પાછળ ને પાછળ જતાં લોકો ગોમાંસભક્ષણ કરતા હોવાના આધારભૂત ઉલ્લેખ મળે છે. ઋગ્વેદમાં ફક્ત ગાયોને જ નહીં, તમામ દૂધાળાં ઢોરને ન મારી શકાય એવું કહેવાયું છે, તો ગાય સહિતનાં દૂધાળાં ઢોર બીજી રીતે નિરુપયોગી બની જાય, તો તેમને મારવામાં અને તેમના ભક્ષણમાં કશો બાધ નથી, એવા ઉલ્લેખ પણ અભ્યાસીઓએ આધારભૂત રીતે વેદમાં મેળવ્યા છે. સનાતન ધર્મનું પાલન કરનારા માટે વેદ આખરી સત્તા જેવો ધર્મગ્રંથ ગણાય. તો સમયનો કયો ખંડ સાચી ભારતીય સંસ્કૃિત કહેવાય, એ કોણ નક્કી કરે? અને બધા હિંદુઓ વતી કોઈ એ કેવી રીતે નક્કી કરી શકે? અને આ જ ભૂમિ પર આર્યો પહેલાં થયેલી સિંધુ સંસ્કૃિતની પરંપરાઓ સુધી કોઇને જવું હોય તો, એ દેશદ્રોહી ગણાય?

ધર્મ-રાષ્ટ્રના ભૂતકાળના ગૌરવના નામે પોતાના સ્વાર્થનો વેપલો કરનારા સામે આવા અનેક પાયાના, પ્રાથમિક સવાલ થઈ શકે. પરંતુ સવાલ કરીને કકળાટ વહોરવાને બદલે પોતાની કલ્પના પ્રમાણેના ભૂતકાળમાં છબછબિયાં કરવા-કરાવવાની જુદી મઝા છે. દેશને-દેશવાસીઓને ગ્રેટ બનાવવા નીકળેલા પક્ષો ને નેતાઓ મંત્રેલા પાણીથી કેન્સર મટાડવાનો દાવો કરનારા લેભાગુઓ જેવા હોય છે. મેડિકલ સાયન્સ પાસે જેનો ઇલાજ ન હોય એવો રોગ ધરાવનાર દર્દી અને તેનાં સગાંવહાલાં વાક્ચતુર બાબાની જાળમાં હોંશે હોંશે ફસાય અને પોતે ખાટી ગયાનું ગૌરવ લે, એવી આ વાત છે. તેને માનવસહજ નબળાઈ તરીકે સમજી-સ્વીકારી શકાય, પણ તેને વાજબી, આવકાર્ય કે ઇચ્છનીય સુદ્ધાં ગણી ન શકાય.

સૌજન્ય : ‘પાયાનો સવાલ’, “દિવ્ય ભાસ્કર”, 11 અૅપ્રિલ 2017

Loading

સ્ત્રી શોષણમાં પીડિતા પણ સ્ત્રી અને આરોપી પણ સ્ત્રી ?

મેઘા જોશી|Opinion - Opinion|11 April 2017

હારબંધ ઊભેલી એ સિત્તેર છોકરીઓ સહેમી ગયેલી, કારણ કે હોસ્ટેલમાં એમનાં મેડમની હાકલ પડે છે. એ કરડાકીભર્યા ચહેરામાંથી રુક્ષ અવાજ સંભળાય છે – ચાલો બધાં કપડાં ઊતારો.

સાંભળીને માન્યામાં આવે તેવી વાત નહોતી. અવાચક, હતપ્રભ, ગભરાહટ, ધ્રુજારી, ધિક્કાર એ છોકરીઓની સાથે એ જ હારમાં આવીને ઊભા રહી ગયાં. મેડમ, કપડાં ઊતારવાનો આદેશ આપે છે અને જો નહિ ઊતારે તો મારવાની ચીમકી આપવામાં આવે છે.

ઉત્તર પ્રદેશના મુઝ્ઝફરનગરની કસ્તૂરબા ગાંધી નિવાસી શાળામાં વોર્ડન દ્વારા વિદ્યાર્થિનીઓને માસિકની તપાસ કરવાનાં કારણસર કપડાં ઊતારવાનું કહેવામાં આવે છે.

છોકરીઓનાં વાલી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ નોંધવામાં આવી તથા કેબિનેટ મિનિસ્ટર શ્રીકાંત શર્માએ તપાસનો આદેશ આપ્યો છે. જેના પર આરોપ લગાડવામાં આવ્યો છે તે વોર્ડન શાળાનાં અન્ય શિક્ષકોનું ષડ્યંત્ર છે તથા બાથરૂમમાં દેખાયેલ લોહીના ડાઘને કારણે દીકરીઓની સ્વાસ્થ્યની ચિંતા હોવાને કારણે તપાસ કરેલ એમ કહી આખી ઘટનાને રદિયો આપે છે, પરંતુ એ પણ હકીકત છે કે ઘટનાને બીજે જ દિવસે કુલ પાંત્રીસ વિદ્યાર્થિનીઓએ ચાલુ શૈક્ષણિક સત્ર હોવા છતાં શાળા છોડી છે. હવે એ ગુનાની તાપસ થશે, કદાચ કંઇક બીજી અથવા કંઇક નવી વાત બહાર આવી પણ શકે. વાત જે હોય તે પણ આખી ઘટનાની સૌથી શરમજનક વાત એ છે કે એક મહિલા આ ગુના સાથે જોડાયેલી હોવાની ફરિયાદ છે. ખરેખર તો એક સ્ત્રી તરીકે આ ઘટના સાચી જ ના લાગવી જોઈએ, પરંતુ આવા અનેક ઘૃણાસ્પદ કિસ્સા આપણી શંકાને મજબૂત કરે છે.

એક સ્ત્રી બીજી સ્ત્રીની ઈર્ષા કરે, પીઠ પાછળ પંચાત કરે, અકળાઈ જાય, અરે, ચોટલા ખેંચીને બાધે એ બધું સમજાય, પરંતુ તે બળાત્કાર કે જાતીય સતામણી જેવા જઘન્ય ગુનાની પીડિતા માટે જવાબદાર હોય એ માનવું અઘરું અને પીડાદાયક છે. પરંતુ નવું નથી, આપણા દેશમાં આજ સુધી જેટલા બાપુ-ધર્મગુરુઓ જાતીય સતામણીના ગુના સબબ પકડાયા છે એ દરેક પાસે એક કે એકથી વધુ "સેવિકા'નો સહકાર જોવા મળ્યો છે. જોધપુરની નાબાલિગ કન્યા, સુરતની મતિમંદ છોકરી કે પરણિતા પર જાતીય શોષણ કરનાર “બાપુ – સાઈ"ને હિંમતપૂર્વક પડકારીને પકડનાર પણ સ્ત્રી જ હતી, અને મદદગાર પણ સ્ત્રી હતી. વડોદરા નજીક શૈક્ષણિક સંકુલમાં મુખ્ય ટ્રસ્ટીના બ્લુ ફિલ્મના શોખને પોષનાર પણ મહિલા હોવાનું બહાર આવ્યું.

લોહીના વેપારમાં ધમધોકાર ધંધો ચાલે છે. છોકરીઓ વેચાય છે,ખરીદા ય છે, દેશ -વિદેશ બિલકુલ એક "માલ"ની માફક જ સપ્લાય થાય છે. આ દરેક પગલે માત્ર પુરુષો નથી હોતા, સ્ત્રીઓની સંખ્યા વધુ જોવા મળે છે. બૉલીવુડની અનેક પિક્ચરમાં આપણને જમણા ગલોફે પાન ભરાવીને ઘૂંઘરુંનો છુટ્ટો ઘા કરતી મુન્નીબાઈઓ, સાવ નાબાલિગ છોકરીને મારપીટ કરીને કુટણખાનામાં ધકેલતી મહિલા દલાલો આપણે જોઈ છે. એમાં તો "ધ એન્ડ” લખાઈ એ આવે ત્યારે આપણને રાહત થાય છે કે આ બધું જ ખોટ્ટું હોય, પણ કમ્બખ્ત જે અયોગ્ય છે, સતત ચાલે છે એને જ મોટા પરદે બતાવે છે, એ કોઈ નથી સ્વીકારતું.

શા માટે એક સ્ત્રી બીજી સ્ત્રી માટે છેક આટલી કક્ષાએ એ જઈ શકે ? અંગત કારણો સિવાય જે મુખ્ય કારણો છે તે મજબૂરી અને મનોવિકૃતિ. પૈસા અને પુરુષ માટે મોહાંધ થયેલી સ્ત્રીને મૂલ્યો બાજુ પર મૂકી દેતાં વાર નથી લાગતી. પોતાના ગમતા પુરુષ માટે એક સ્ત્રી બીજી સ્ત્રી પર જાતીય દમન પણ ગુજારી શકે. અને બીજો સમજવા જેવો મુદ્દો માનસિક પરિસ્થિતિનો છે. સેક્સ રેકેટમાં પીડિતા અને આરોપી બંને સ્ત્રી હોય ત્યારે કોની માટે લડીશું ? મહિલા સશક્તિકરણ અને મહિલા ઉત્કર્ષની વાતો કરતી મહિલાઓ જો મહિલાશોષણની “સેવા” કરતી મહિલાને અટકાવી શકે તો એથી મોટું બીજું કોઈ કામ નથી .. જ્યાં મજબૂરી છે ત્યાં હિમ્મત આપીએ અને જ્યાં માનસિક બીમારી છે ત્યાં સારવાર આપીએ તો કંઇક ઠોસ કામ થાય. બાકી છાપામાં સમાચાર તો છપાશે અને અરેરાટી બોલાશે, પણ એથી સમાજની નગ્નતાને કોઈ કપડું નહિ ઢંકાય.

સૌજન્ય : ‘વુમનોલોજી’ નામક લેખિકાની કોલમ, ’મધુરિમા’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 11 અૅપ્રિલ 2017 

Loading

...102030...3,4723,4733,4743,475...3,4803,4903,500...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved