Opinion Magazine
Number of visits: 9767887
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચંપારણ સત્યાગ્રહ: 1917-2017 સંઘર્ષની શતાબ્દી

લલિત ખંભાયતા|Gandhiana|17 April 2017

બ્રિટિશ સત્તા સામે ગાંધીજીની પ્રથમ અહિંસક લડત

ગળીની ખેતી કરતા ખેડૂતોની દશા અને અવદશા એ સમયની આ તસવીરમાં રજૂ થાય છે. ગળીના છોડ કારખાનાં સુધી લઈ જવા માટે ગાડાંમાં ભરાઈ રહ્યાં છે

૧૯૭૮માં બિહાર સરકારે મોતિહારીમાં ગાંધી મેમોરિયલ સંગ્રહાલય ખુલ્લુ મૂક્યું. જગવિખ્યાત ચિત્રકાર નંદલાલ બોઝે તેની ડિઝાઈન તૈયાર કરી હતી. ૪૮ ફીટ ઊંચો આ પિલ્લર એ જગ્યાએ જ ઉભો કરવામાં આવ્યો છે, જ્યાં ૧૯૧૭માં કોર્ટ ભરાઈ હતી અને ગાંધીજી સામે કેસ ચાલ્યો હતો

એક સદી પહેલાંના ગુલામ ભારતની આ સંઘર્ષગાથા છે, જ્યારે ભારત પર અંગ્રેજોનું રાજ હતું. આજના બિહારમાં નેપાળને સ્પર્શતા ચંપારણ પ્રદેશમાં અંગ્રેજો ઉપરાંત સ્થાનિક જમીનદારો ખેડૂતો પાસે ધરાર ગળીની ખેતી કરાવીને તેમનું શોષણ કરી રહ્યા હતા. એ વખતે દક્ષિણ આફ્રિકાથી પરત આવેલા ૪૮ વર્ષના વકીલ મોહનદાસ કરમચંદ ગાંધીએ કેસ પોતાના હાથમાં લીધો. પરિણામ એ  આવ્યું કે નવખંડ ધરતીમાં જેનાં તેજ તપતા હતાં એ અંગ્રેજોને પહેલી વખત સત્યાગ્રહ સામે હથિયાર હેઠાં મુકવા પડયાં. એ સાથે ભારતના જાહેર જીવનમાં ગાંધીજી નામના સેનાપતિનો ઉદય થયો. ૧૫મી એપ્રિલે ગાંધીજીએ આરંભેલી એ લડતને સદી પૂરી થઈ રહી છે, ત્યારે વાત કરીએ ગઈ કાલના ચંપારણની અને આજના ચંપારણના ખેડૂતોની વાસ્તવ સ્થિતિની ..

વીસમી સદીની શરૂઆતનો એ સમય. નાનકડા દેશ બ્રિટનમાંથી આવેલા અંગ્રેજોને ભારત પર રાજ કરવા માટે ફાવતું મળી ગયું હતું.

એ વખતના બિહાર-ઓરિસ્સા સંયુક્ત પ્રાંતનો ઉત્તરી હિસ્સો ચંપારણ નામે ઓળખાતો હતો. રાજા જનકની ભૂમિ ગણાતા એ પ્રદેશની ધરતી એટલી બધી સમૃદ્ધ કે ખેતરમાં દાણા નાખ્યા નથી કે પાક પેદા થયો નથી. બીજી તરફ ગંગા-ગંડક-સોન સહિતની ડઝનબંધ નદીઓનું પાણી. આ પ્રદેશમાં ૧૯મી સદીથી ગળીની ખેતી થતી હતી. સફાઈદાર વસ્ત્રોના શોખીન અંગ્રેજોને ગળી કપડે વળગી હતી. કેમ કે ગળી કરવાથી પોશાકનો ઝગમગાટ વધી જતો હતો. એ ગળીની વ્યાપક પેદાશ અહીંના ખેતરોમાં થતી હતી. ચંપારણમાં આવેલા બેતિયા શહેરના રાજાનું આ વિસ્તાર પર રાજ હતું. રાજાએ સ્થાનિક જમીનદારોને ઠેકેદારી આપી રાખી હતી. ખેડૂતો પાસેથી ઠેકેદારો નિશ્ચિત કરેલો કર ઉઘરાવતા હતા. એ વખતે ત્યાં મર્યાદિત માત્રામાં ગળીની ખેેતી થતી હતી.

ચંપારણમાં અંગ્રેજોનું આગમન થયું. અંગ્રેજોએ ઠેકેદારી લેવાની શરૂ કરી અને ગળીની ખેતી વધારવા પર ભાર મૂક્યો. અંગ્રેજોએ ગળીના છોડમાંથી ગળીનું ઉત્પાદન કરવા માટે ગળીનાં કારખાનાં (સ્થાનિક ભાષામાં કોઠી) સ્થાપવાની શરૂઆત કરી. કર્નલ હિક્કીએ અહીં પહેલી કોઠી સ્થાપી શરૂઆત કરી. વેપાર કરવામાં માસ્ટર અંગ્રેજોએ ૧૮૭૫ સુધીમાં મોટા ભાગની ઠેકેદારી (કોન્ટ્રાક્ટ) પોતાના હાથમાં લઈ લીધા. ઠેકેદારીમાં ગામ અને ખેડૂતો પર રાજ કરવાનું ઠેકેદારને લાઈસન્સ મળી જતું હતું. એ સમયે જ બેતિયા રાજ ભારે દેવામાં ડૂબ્યું. અંગ્રેજોએ તેમને આર્થિક મદદ કરી પણ શરત એ રાખી કે કોઠીનો મેનેજર અંગ્રેજ જ રહેશે. ત્યારથી જ ચંપારણના ખેડૂતોની માઠી દશા શરૂ થઈ.

શું હતી તીન કઠિયા પ્રથા?

કોઈ પણ ગામ ઠેકેદારના કબજામાં આવે એટલે સૌથી પહેલો પ્રયાસ એ થતો હતો કે ત્યાં ગળીની ખેતી શરૂ થાય. સમજાવીને અને પછી ધમકાવીને ગળીની ખેતી કરવા માટે ખેડૂતોને મજબૂર કરવામાં આવતા હતા. કેમ કે ગળી ઉત્પાદન થાય એ અંગ્રેજોની જરૂરિયાત હતી. ઠેર ઠેર કોઠીઓ સ્થપાઈ રહી હતી. તેમાં ચોવીસે કલાક ગળી બનતી રહે એટલા માટે ખેતરો ગળીના છોડથી લહેરાતાં રહે એ જરૂરી હતું. બીજી તરફ ખેડૂતો ગળી વાવવા ઈચ્છૂક ન હતા. કેમ કેે અત્યંત ફળદ્રૂપ જમીનમાં ચોખા, ઘઉં અને શેરડી જેવા પાક લેવાથી ખેડૂતોને ફાયદો થતો હતો. પરંતુ ઠેકેદારોએ ફરજિયાતપણે દરેક ખેતરના ૧૫ ટકા ભાગમાં ગળી જ ઉગાડવી એવો નિયમ બનાવી દીધો હતો. આ પ્રથા 'તીન કઠિયા' તરીકે ઓળખાતી હતી. આવા ઠેકેદારો એટલે તો 'નિલહા' તરીકે ઓળખાતા હતા કેમ કે હિન્દીમાં ગળીનેે 'નીલ' કહેવાય. ગળીની ખેતીને કારણે જીવનજરૂરી અનાજનું ઉત્પાદન ઓછુ થતું હતું અને અનેક લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા હતા.

ખેતર ખેડૂતોનું પણ મરજી ઠેકેદારોની. કેટલો પાક લેવો, શેનો લેવો, લીધા પછી કેટલા ભાવે વેચવો .. વગેરે ઠેકેદારો નક્કી કરતાં હતા. પાક નબળો થાય તો ખેડૂતે નુકસાન ભોગવવાનું, સબળો થાય તો ઠેકેદારને એ નક્કી કરે એ ભાવે વેચી દેવાનો. ખેડૂતો પાસેથી વિવિધ પ્રકારના કરાર તેમની મરજી વિરુદ્ધ કરાવી લેવામાં આવતા હતા. મોંઘવારી વધે પરંતુ, ખેડૂતોને મળતું વળતર વર્ષો સુધી સ્થિર રહેતું હતું. વચ્ચે ક્યારેક એવો પણ સમય આવતો હતો, જ્યારે ગળીનું ઉત્પાદન ઓછું થતું હતું. એ વખતે નિલહાઓની આવક ન ઘટે એટલા માટે ખેડૂતો પર વિવિધ જાતના કર નાખી દેવામાં આવતા હતા.

કોઠીધારી અંગ્રેજોએ ખેડૂતો માટે ઓર આકરા નિયમ બનાવી રાખ્યા હતા. જેમ કે પોતાના ખેતરમાંથી ઝાડ કાપવું હોય તો કોઠીની પરવાનગી લેવી પડે! ગામના ગૌચર પર ખેડૂતોના માલ-ઢોર ચરતાં હોય તો તેના માટે પણ ખેડૂતોએ ઠેકેદારોને કર ચૂકવવો પડે. ખેડૂતો પોતાનાં પશુ કોઈને વેચે તો તેનો પણ કર કોઠીધારીઓને ચૂકવવાનો થતો હતો. કેટલાક ખેડૂતોએ મક્કમતાપૂર્વક ખેતી કરવાની ના પાડી તો તેમને ખેતી માટે મળતું મફત પાણી બંધ કરી દેવામાં આવ્યુ હતું. આવા ડઝનબંધ પ્રકારના રસ્તાઓ અખત્યાર કરીને ખેડૂતોનું શોષણ થતું હતું. અને એ સમયે જ ચંપારણની ધરતી પર ગાંધીજીનાં પગલાં પડયાં.. એ પગરવ સાથે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો હતો અને અંગ્રેજોને તેની જાણ ન હતી.

ચંપારણથી અજાણ ગાંધીજી

દક્ષિણ આફ્રિકામાં ગઢ જીતીને ૧૯૧૫માં ભારત આવેલા મોહનદાસને હજુ દેેશમાં કેવી ગરબડો ચાલી રહી છે, તેની ખબર ન હતી. ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહ મુજબ ગાંધીજી તો દેશ ફરીને આંખે દેખ્યો અહેવાલ મેળવી રહ્યા હતા. ત્યારે ભારતમાં આઝાદીની લડત માટે કોંગ્રેસ નામનું સંગઠન સ્થપાયું હતું. (આજનો કોંગ્રેસ પક્ષ, એ આઝાદી માટે લડતી કોંગ્રેસ કરતાં અલગ છે.) અગ્રણી નેતાઓ સાથે ગાંધીજી પણ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા.

ભારતના ઈતિહાસમાં ચંપારણ નામના પ્રકરણની શરૂઆત ૧૯૧૬ના લખનૌ કોંગ્રેસ અધિવેશન વખતે થઈ. ચંપારણથી આવેલા ખેડૂત આગેવાન રાજકુમાર શુક્લ અધિવેશનમાં એક પછી એક નેતાઓને મળ્યા અને તેમને વિનંતી કરી કે ચંપારણની રૈયત પીડાઈ રહી છે. મહેરબાની કરીને એક નજર તેમન પર પણ નાખો. શુક્લ સાથે બ્રજ કિશોર બાબુ (બિહારમાં બાબુ એટલે સન્માન આપવા લગાડાતો શબ્દ), રામ દયાલ સાહ, ગોરખ બાબુ, હરવંશ સહાય, પીર મહમ્મદ મુનિશ, સંત રાઉત સહિતના સાથીદારો હતા.

અહીં તેમની મુલાકાત ગાંધીજી સાથે થઈ. મંડળી ગાંધીજીના તંબુમાં પહોંચી ત્યારે તેઓ દાતણ કરી રહ્યાં હતા. ગાંધીજીએ મૌન જાળવીને ચંપારણ ટુકડીની વાત સાંભળી અને પછી ગંભીર સ્વરે કહ્યું : 'હું ચંપારણમાં આવીને જાત-તપાસ કર્યા વગર કશું કરી ન શકું. પરંતુ તમે આ મુદ્દે મારો પીછો છોડો અને કોંગ્રેસ સમક્ષ રજૂઆત કરો.' ગાંધીજી સાથે મુલાકાતનું પરિણામ એ આવ્યું કે લખનૌ અધિવેશનમાં ચંપારણ અંગે ચર્ચા થઈ. રાજેન્દ્ર પ્રસાદે ચંપારણ સત્યાગ્રહના ઈતિહાસમાં લખ્યુ છે : 'એ કદાચ પહેલો પ્રસંગ હતો, જ્યારે કોંગ્રેસની મહાસભામાં ખેડૂતોની સમસ્યા ચર્ચાઈ હતી.' બાકી તો કોંગ્રેસની ગણતરી હાઈ-પ્રોફાઈલ નેતાઓના પક્ષ તરીકે થતી હતી, જેમને આવી નાની માથાકૂટો કરતાં દેશને ઝટ આઝાદ કરાવવામાં રસ હતો.

રાજકુમાર શુક્લને ગાંધીજીએ વચન આપ્યું કે હું ચંપારણ આવીશ ખરો. પણ ક્યારે એ નક્કી નથી. એ પછી ગાંધીજી કાનપુર ગયા તો શુક્લ ત્યાં પણ હાજર હતા. થોડા વખત પછી રાજકુમારે ચંપારણ જઈને ગાંધીજીને પત્ર લખ્યો હતો કે ચંપારણની ધરતી તમારી રાહ જુએ છે. ૧૯૧૭ની ૩જી એપ્રિલે કલકત્તામાં કોંગ્રેસની બેઠક હતી. ગાંધીજી ત્યાં પહોંચ્યા તો રાજકુમાર ત્યાં પણ હાજર હતા. એટલે આખરે ગાંધીજીએ તેમને કહ્યું કે હું અહીંથી જ તમારી સાથે આવીશ.

ચંપારણમાં મહાત્માનું આગમન

કલકત્તાથી ૧૦મી એપ્રિલે ગાંધીજી પટના આવ્યા. ચંપારણ પ્રાંત પટનાથી થોડો ઉત્તરમાં હતો. રાજકુમારે પટનામાં (બાદમાં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બનેલા) રાજેન્દ્ર બાબુના ઘરે ગાંધીજીના રહેવાની વ્યવસ્થા કરી. રાજેન્દ્ર બાબુ ત્યારે કલકત્તાની બેઠકમાં હતા, પરંતુ ગાંધીજી તેમને ઓળખતા ન હતા. વળી ગાંધીજી કલકત્તાથી બિહાર જવાના છે એવી પણ રાજેન્દ્ર બાબુને ખબર ન હતી. એટલે ગાંધીજી તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેમના નોકરને લાગ્યું કે કોઈ ખેડૂત આવ્યો છે, જે અસીલ હોવો જોઈએ. ગાંધીજીનો પોશાક ત્યારે ખેેડૂત જેવો ગામઠી હતો. માટે નોકરે ગાંધીજીને કોઈ સુવિધા વગર ત્યાં થોડો વખત રહેવા દીધા. તેનાથી વ્યથિત થયા વગર ગાંધીજીએ પોતાનું કામ કરી દીધું. એક તબક્કે જો કે ગાંધીજીને ચંપારણને પડતું મુકી દેવાનો પણ વિચાર આવ્યો હતો.

લંડનમાં ગાંધીજી સાથે પટનાના મૌલાના મઝહરૂલ હક ભણતા હતા. ગાંધીજીને એ યાદ આવ્યા અને તેમને પત્ર લખ્યો. એટલે હક તરત મોટર લઈને આવ્યા અને ગાંધીજીને પટનાથી ટ્રેનમાં મુઝ્ઝફરપુર મોકલી આપ્યા. ત્યાં પ્રોફેસરી કરતાં આચાર્ય કૃપાલાણીએ ગાંધીજીના રહેવાની સગવડ કરી દીધી.

ગાંધીજી આવ્યા એવી જાણ થઈ એટલે ચંપારણમાં ચો-તરફથી લોકો તેમને મળવા આવવા લાગ્યા. ઘણા-ખરા ખેડૂતો જો કે જોઈને ગાંધીજીને ઓળખતા ન હતા, તો વળી તેમને એ પણ ખબર ન હતી કે આફ્રિકામાં મોહનદાસે સત્યાગ્રહ દ્વારા સફળતાના વાવટા ખોડી બતાવ્યા છે. ખેડૂતોને એમ હતું કે કોંગ્રેસના કોઈ નેતા મદદે આવી પહોંચ્યા છે.

સ્થાનિક આગેવાન બ્રિજ કિશોર બાબુએ આપેલી માહિતી પરથી ગાંધીજીને સમજાયું કે મુઝ્ઝફરપુરથી ઉત્તરમાં આવેલા મોતિહારી શહેર સુધી જવુ પડશે. ગળીના ઠેકેદારો અને અંગ્રેજોનો આતંક ત્યાં વધારે હતો.

૧૫  એપ્રિલ, ૧૯૧૭ : ઐતિહાસિક દિવસ

ટ્રેન દ્વારા ગાંધીજી અને સાથીદારો ૧૫મી એપ્રિલે મોતિહારી પહોંચ્યા. ૩ વાગ્યે ટ્રેનમાંથી ઊતર્યા ત્યારે તેમને આવકારવા સેંકડો ખેડૂતો એકઠા થઈ ગયા હતા. ગાંધીજીનું આગમન થયું એટલે અંગ્રેજ સરકાર સચેત થઈ. ગાંધીજીને પણ ખબર પડી ગઈ હતી કે તેમની ધરપકડ થઈ શકે છે. એ તૈયાર જ હતા. મોતિહારીમાં તેમને ખબર પડી કે થોડા દિવસ પહેલાં જ બાજુના જસવલીપટ્ટી ગામે એક ખેડૂત પર નિલહોએ ત્રાસ વર્તાવ્યો છે. જાત-તપાસ કરવા ગાંધીજીએ ત્યાં જવાનું નક્કી કર્યું. વૈશાખ મહિનાનો તડકો હતો અને ધૂળની ડમરી ઊડતી હતી. પરંતુ એવા કોઈ અવરોધ ગાંધીજીની મક્કમતાને અવરોધી શકે એમ ન હતા. જસવલીપટ્ટી જવા માટે હાથીની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરિવહનની બીજી કોઈ સગવડ ન હતી. ગાંધીજી માંડ માંડ હાથી પર ચડયા, તેમની સાથે એ હાથી પર બીજા બેે સાથીદારો પણ હતા. સવારી આગળ ચાલી.

મિ. ગાંધી, ચંપારણમાંથી બહાર નીકળો

કાફલો જસવલીપટ્ટી પહોંચે એ પહેલાં જ રસ્તામાં ગાંધીજીને જિલ્લા મેજિસ્ટ્રેટ ડબલ્યુ.બી. હિકોકની સરકારી નોટીસ મળી. એમાં કહેવામાં આવ્યું હતું : 'મિસ્ટર ગાંધી, ચંપારણમાં તમે રહેશો તો જાહેર શાંતિ જોખમાશે. જાન-માલને નુકસાન થવાની શક્યતા છે. માટે હું તમને આદેશ આપું છું કે જે પહેલી ટ્રેન મળે તેમાંથી ચંપારણ બહાર નીકળી જાઓ.'

ગાંધીજીએ નોટીસનો જવાબ આપી દીધો : 'જિલ્લો છોડીને હું જઈ શકું એમ નથી. તમે મારા વિરુદ્ધ કાનૂનભંગની કાર્યવાહી કરી શકો છો.' એ રાતે જ ગાંધીજીએ સંખ્યાબંધ પત્રો દેશ-વિદેશમાં લખ્યા અને સ્થિતિની જાણકારી આપી દીધી. અંગ્રેજોને એ પ્રતિભાવની અપેક્ષા ન હતી, પરંતુ ગુજરાતી વણિકના માસ્ટર સ્ટ્રોકની તો હજુ શરૂઆત હતી. ગાંધીજીએ વાઈસરોય ચેમ્સફોર્ડને પત્ર લખીને કહી દીધું કે દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશરોએ મને જે 'કૈસર-એ-હિન્દ'નો ખિતાબ આપ્યો છે એ હું પરત કરું છું. કેમ કે આફ્રિકામાં બૂઅર યુદ્ધ વખતે માનવતાપૂર્ણ કામગીરી માટે મને એ એવોર્ડ મળ્યો હતો. હવે ભારતમાં એવી જ માનવતાપૂર્ણ કામગીરી કરતાં મને રોકવામાં આવી રહ્યો છે. માટે તમારો એવોર્ડ મારે નથી જોઈતો! ગાંધીજી ચંપારણના મુદ્દે આવો મોરચો ખોલીને અંગ્રેજોને ઘેરી લેશે એવી બ્રિટિશ સરકારને અપેક્ષા ન હતી. પરંતુ ગાંધીજી સરપ્રાઈઝ આપીને બાજી જીતી લેવાના એક્સપર્ટ હતા. આમે ય મૂળ સંસ્કૃતમાંથી આવેલા શબ્દ સત્યાગ્રહના અર્થની અંગ્રેજોને ક્યાંથી ખબર હોય!

ઇતિહાસે આવી લડત ક્યારે ય જોઈ ન હતી ..

૧૬ (એપ્રિલ ૧૯૧૭) તારીખે ગાંધીજીને નોટીસ મળી. ૧૭ તારીખે આસપાસની રૈયત શોષણ અંગે પોતાનું નિવેદન નોંધાવવા માટે હજારોની સંખ્યામાં મોતિહારી ખાતે એકઠી થઈ. દરમિયાન આફ્રિકામાં ગાંધીજીના સાથીદાર રહી ચૂકેલા મિસ્ટર પોલોક સહિતના લડવૈયાઓ ચંપારણ આવી ચૂક્યા હતા. ગાંધીજીનો પત્ર મળ્યા પછી મેજિસ્ટ્રેટે વળતો કાગળ લખ્યો કે કાલે તમારા પર મુકદમો ચાલશે, સબ-ડિવિઝનલ ઓફિસમાં હાજર રહેજો. ગાંધીજીએ તૈયારી આરંભી. પોતે જેલમાં જાય તો શું કરવુ તેની રૂપરેખા તૈયાર કરી.

૧૮મી એપ્રિલે સવારે ગાંધીજી કોર્ટમાં હાજર થયા. કોઈને કહેવામાં આવ્યુ ન હતું કે ગાંધીજી પર કલમ ૧૪૪ હેઠળ કામ ચાલવાનું છે. છતાં પણ દૂર-સુદૂરનાં ગામો સુધી ખબર પહોંચી હતી અને લોકો કોર્ટના પ્રાંગણમાં ઊમટી પડયાં હતાં. એ બધાને કાબૂમાં રાખવા હથિયારધારી પોલીસને બોલાવવી પડી. કોર્ટ કાર્યવાહી આરંભાઈ. ગાંધીજીએ કહ્યું કે તેમનો કોઈ વકીલ નથી, પોતે જ જવાબ આપશે. કોર્ટે વધુ સવાલ કર્યા તો ગાંધીજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હુું મારો ગુનો કબૂલ કરું છું. માટે કોર્ટનો અને મારો સમય બરબાદ ન કરતા મને સજા જાહેર કરો.

ચંપારણના લોકોએ કે અંગ્રેજોએ અગાઉ આવો આરોપી જોયો ન હતો, જે ગુનો કબૂલ કરી સજાની માંગણી કરે. રાજેન્દ્ર પ્રસાદે લખ્યું છે કે અંગ્રેજો સાથે કામ પાડવાની ગાંધીજીની પદ્ધતિ આખા દેશ માટે નવી હતી. ઇતિહાસમાં ક્યારે ય કોઈએ આવી લડત જોઈ ન હતી.

હું મારા અંતઃકરણના કાનૂનને માનું છું

એ પછી કોર્ટની મંજૂરીથી ગાંધીજીએ પોતાનું બયાન વાંચી સંભળાવ્યું : 'માનવીય ભાવના અને રાષ્ટ્રની સેવા કરવા માટે હું અહીં આવ્યો છું. અહીં ગળીના ઠેકેદારોનો ખેડૂતો સાથેનો વ્યવહાર સારો નથી. માટે એ પ્રશ્નનો અભ્યાસ કર્યા વગર હું અહીંથી જવાનો નથી. મારો કોઈ બીજો ઉદ્દેશ નથી અને મારા આગમનથી જાહેર શાંતિનો ભંગ થશે એ વાત હું માનતો નથી. આ કામગીરી દરમિયાન તમારા કાયદાનો મેં ભંગ કર્યો છે અને મને તેની સજા મંજૂર છે. મેં તમારા કાનૂનને તોડયો છે કેમ કે હું મારા અંતઃકરણના કાનૂનને માનું છું.'

આ નિવેદનથી સૌ કોઈ સ્તબ્ધ થયા. કોર્ટ સહિત બધાને એમ હતું કે વકીલાત ભણેલા મિસ્ટર ગાંધી કાયદાની કલમો ટાંકીને હમણાં દલીલો-પ્રતિદલીલો કરશે … પણ ગાંધીજીએ એક જ ઝટકામાં અંગ્રેજોનો છેદ ઉડાડી દીધો. હવે શું કરવુું એ અંગ્રેજોને સમજાતું ન હતું. માટે પહેલાં ૩ વાગ્યાની મુદત પડી. ૩ વાગે કોર્ટ ફરી ભરાઈ તો કહ્યું કે પાંચ-છ દિવસ પછી નિર્ણય આવશે. ગાંધીજી જઈ શકે છે. ગાંધીજી સહિતની ટુકડી ત્યાંથી રવાના થઈ. એ પછી દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે પ્રથમ ઔપચારીક મુલાકાત પણ થઈ.

સરકારે કેસ પાછો ખેંચી લીધો

થોડા સમયમાં જ સરકારને સમજાયું કે ગાંધીજી સામે કાયદાનું શસ્ત્ર ઉગામવા જતાં ખુદ સરકારની જ નામોશી થઈ છે. માટે સરકારે ગાંધીજી વિરુદ્ધનો કેસ પાછો ખેંચી લીધો. પછી લોકોની ભીડ વધી એટલે ગાંધીજી મોતિહારીમાં ગોરખ બાબુના ઘરે રહેતા હતા એ જગ્યા નાની પડવા લાગી. ગાંધીજીનું આગમન થયું ત્યારે ચંપારણમાં ૭૩ ગળીનાં કારખાનાં ધમધમતાં હતાં. ગાંધીજીએ એ કોઠી માલિકોને પણ મળવાની શરૂઆત કરી. કેટલાક કોઠી માલિકોએ ગાંધીજીને ભીંસમાં લેવા કાવતરાં પણ કર્યાં, પરંતુ તેમની કારી ફાવી નહીં.

ગાંધીજીએ માંગણી કરી હતી કે ખેડૂતોની સમસ્યાની તપાસ માટે સમિતિ રચવામાં આવે. સરકારે એ ડિમાન્ડ તો મંજૂર કરી એટલું જ નહીં, સમિતિમાં ગાંધીજીને પણ શામેલ કર્યા. સમિતિની તપાસ ન થાય ત્યાં સુધી સ્થિતિ જેમની તેમ રાખવાની હતી. માટે ખેડૂતો ખુશ હતા. ગાંધીજી સાથે સમાધાન કર્યા સિવાય સરકાર પાસે છૂટકો ન હતો.

આખરે તીન કઠિયા પ્રથા રદ થઈ..

સરકારે નિયુક્ત કરેલી સમિતિએ તપાસ આરંભી દીધી. સમિતિમાં મોટા ભાગના અંગ્રેજ અધિકારીઓ હતા. વિવિધ સ્થળોએ ફરીને લોકોના બયાન લેવામાં આવ્યાં. અન્યાય સહન કરી રહેલા ખેડૂતોની ફરિયાદોનો સમિતિ સમક્ષ ગંજ ખડકાયો હતો. એ બધાની તપાસને અંતે ૧૯૧૭ની ૩જી ઓક્ટોબરે સમિતિએ ભલામણ કરી કે તીન કઠિયા પ્રથા અન્યાયકારી છે, રદ કરો. સરકારે એ પ્રથા રદ કરી ત્યારે ૧૯૧૮ની ૪થી માર્ચ આવી હતી. ગાંધીજીએ ચંપારણમાં પગ મૂક્યો તેને એક વર્ષ પૂરું થાય એ પહેલા ચંપારણનો જંગ જનતા જીતી ચૂકી હતી. બીજી તરફ ચંપારણથી બે હજાર કિલોમીટર પશ્ચિમે બીજી લડતનો આરંભ થયો હતો, તેનું નામ ખેડા સત્યાગ્રહ.

ચંપારણ એ ભારતમાં અહિંસક લડતની, સત્યાગ્રહની શરૂઆત હતી. પછી તો આઝાદીની લડાઈ ૩ દાયકા ચાલી, પરંતુ લડતની કેન્દ્રીય રણનીતિ સત્યાગ્રહ જ રહી, જેનાં બીજ ચંપારણની ધરતી પર ગળીના છોડ ઉખેડીને તેની જગ્યાએ વવાયાં હતાં.

સમસ્યાનું મૂળ અજ્ઞાનતા

ગાંધીજીએ લડત દરમિયાન જોયું કે અહીં શિક્ષણનો અભાવ છે અને એ જ દરેક સમસ્યાનું મૂળ છે. માટે તેમણે સૌથી પહેલાં તો બેતિયા પાસે ભીતિહરવા ગામે આશ્રમની સ્થાપના કરી. કસ્તૂરબા, દેવદાસ ગાંધી, દુર્ગાબહેન દેસાઈ, મણિબહેન પરીખ સહિતનાં અંતેવાસીઓ દેશભરમાંથી આવી પહોંચ્યાં હતાં. આ વિસ્તારમાં લોકો ભારે ગંદા રહેતા હતાં. તેમને સૌથી પહેલાં સફાઈનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું. કેટલીક શાળાઓની સ્થાપના થઈ. આશ્રમો થયા. લોકોમાં જાગૃતિના પ્રયાસો થયા. પરિણામ એ આવ્યું કે સદીઓથી દબાતી-પિસાતી ચંપારણની પ્રજાનું આત્મગૌરવ ફરી જાગૃત થયું. આત્મગૌરવ જાગૃત ન હતું ત્યાં સુધી ઠેકેદારો-અંગ્રેજોની દાદાગીરી ચાલતી હતી. હવે એ સમય પૂરો થવા આવ્યો હતો.

ચંપારણને જરૂર છે વધુ એક મોહનદાસની?

ત્યારે અંગ્રેજો અને ઠેકેદારોની તીન કઠિયા પ્રથા હતી, આજે બિહાર સરકાર અને સુગર મિલના માલિકોની તીન કઠિયા જેવી પ્રથા ચંપારણના ખેડૂતોનું શોષણ કરી રહી છે. અહીં શેરડીનું વ્યાપક ઉત્પાદન થાય છેે. એ શેરડી ઉગાડવા માટે ખેડૂતોએ ક્યાંથી બીજ ખરીદવા એ સરકાર નક્કી કરે છે. શેરડીનું ઉત્પાદન થયા પછી દરેક ખેડૂત તેના વિસ્તારમાં નક્કી થયેલી સુગર મિલને જ શેરડી વેચી શકે. બીજી કોઈ મિલ વધુ ભાવ આપતી હોય તો પણ તેને વેચી ન શકે. ખેડૂત શેેરડીનું ઉત્પાદન કરી જથ્થો લઈ સુગર મિલ સુધી પહોંચે ત્યારે માત્ર સુગર મિલના તોલમાં જ તેનું વજન થાય. વજનમાં સરેરાશ વીસેક ટકા જેટલી ઘાલમેલ થાય એટલે ખેેડૂત ૧૦૦ મણ શેરડી લઈને આવ્યો હોય તો વજનમાં ૮૦ જ મણ બતાવે! પૈસા પણ એટલા મણના જ મળે. ૨૦ ટકાની સીધી ઉચાપત!

ખેડૂતોએ મિલ માલીકો પાસેથી શેરડીના પૈસા લેવાના હોય તો એ પણ પૈસા તરત ન મળે. મિલનું મન પડે ત્યારે નાણાં છૂટ્ટા થાય. પરંતુ કોઈ મિલ ખેડૂતના નીકળતા પૈસા બહુ મોડા આપે તો તેના પર વ્યાજ ચૂકવવાનો નિયમ છે. અલબત્ત, એ નિયમ મિલ માલિકો માટે હોવાથી સરકારને તેનો કડકાઈપૂર્વક અમલ કરતા આલ આવે છે. બીજી તરફ ખેડૂતોએ લોન લઈને ખેતી કરી હોય અને એ લોનનું ખેડૂતે નિયમિત વ્યાજ ચૂકવવું પડે. બાકી ખેડૂત પર તરત સરકાર સખ્તાઈથી કાર્યવાહી કરે.

બિહારમાં જમીન અંગેનો કાયદો એવો છે, કે ખેડૂતો અમુક હદથી વધુ જમીન રાખી શકે નહીં. ખેડૂતોના જમીન અધિકાર માટે કામ કરતાં બેતિયાના પ્રોફેસર પ્રકાશ કહે છે, કે સરકારે હજારો એકર જમીન પોતાના કબજામાં રાખી છે, જે ખરેખર જમીન વિહોણા ખેડૂતોને વહેંચવાની છે. પરંતુ સરકાર દાયકાથી તેની ફાઈલો દબાવીને બેઠી છે. માટે આજે ય અમારે અહીંના ખેડૂતોના જમીન અધિકાર માટે લડત આપવી પડે છે. એટલે એક સદી પછી પણ ચંપારણના ખેડૂતોને તો કોઈ મોહનદાસ આવે તેની રાહ છે જ.

ગાંધીજીની કર્મભૂમિ

બિહારના ઉત્તર-પશ્ચિમ છેડે આવેલા બે જિલ્લા પૂર્વ અને પશ્ચિમ ચંપારણ ગાંધીજીની પ્રથમ કર્મભૂમિ રહી હતી. ત્યારે જોકે ચંપારણ આખો એક જ વિસ્તાર હતો.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/shatdal/shatdal-magazine-12-april-2017-champaran-satyagrah-century

સૌજન્ય : ‘શતદલ’ પૂર્તિ, “ગુજરાત સમાચાર”, 12 અૅપ્રિલ 2017

Loading

‘જ્યાં પહોંચીને ગાંધી મહાત્મા બન્યા’

રામચંદ્ર ગુહા|Gandhiana|17 April 2017

આજથી ૧૦૦ વર્ષ પહેલાં તે આ જ અઠવાડિયું (લેખ છપાયા તારીખ ૧૫ એપ્રિલ ૨૦૧૭) હતું કે જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ચંપારણ પહોંચ્યા હતા. તેઓ અહીં ચંપારણમાં ઘણા મહિનાઓ સુધી રોકાયા હતા. તેમણે ચંપારણના ખેડૂતોની સમસ્યાઓ વિશેની જાણકારી પ્રાપ્ત કરી હતી. તે સમયગાળા દરમિયાન ચંપારણના ખેડૂતોને જબરદસ્તીથી ગળીની ખેતી કરવી પડતી હતી. જે ખેડૂતો ગળીની ખેતી કરવા માટે ના પાડતા હતા તે ખેડૂતોની જમીન જપ્ત કરી લેવામાં આવતી હતી. ગાંધીજીએ આ બાબતમાં હસ્તક્ષેપ કર્યો અને કોલોનિયલ (વસાહતી) હકૂમત સાથે વાતચીત કરીને ખેડૂતોને જરૂરી રાહત અપાવવામાં તેઓ સફળ રહ્યા. જબરદસ્તીથી ગળીની ખેતી કરાવવાનું તંત્ર પણ બદલાઈ ગયું. હવે ત્યાંના ખેડૂતો તેઓની ઈચ્છા પ્રમાણે ગળીની ખેતી કરી શકતા હતા. ખેડૂતો માટે આ બહુ મોટી જીત હતી જ્યારે ગાંધીજી માટે પણ આ ખૂબ મોટી સફળતા હતી. આ જીત થકી ગાંધીજીને દક્ષિણ આફ્રિકાથી અલગ, ભારતમાં એક વિશ્વસનીય નેતાનાં રૂપમાં ઓળખ પ્રાપ્ત થઇ.

આ આલેખ તે કુલ છ વિશિષ્ટ સ્થિતિઓને જણાવવાનો અને સમજાવવાનો પ્રયાસ છે કે જે મહાત્મા ગાંધીને લાંબા ચંપારણ પ્રવાસ અને ભારતમાં તેમનું ભવિષ્ય સ્થાપિત કરવામાં મહત્વનું પાસું સાબિત થઇ. આ સમયગાળા દરમિયાન ગાંધીજીને સૌ પ્રથમ વખત પોતાની માતૃભૂમિ પર કૃષિ જીવનની વિવિધ શૈલીઓનો સીધો અનુભવ થયો. ચંપારણમાં મોતીહારી અને બેતિયા ગાંધીજીના નિવાસસ્થાન બન્યા. ગાંધીજી ગામડાંઓથી લઈને શહેર સુધી વિવિધ પ્રકારના લોકોને મળ્યા. પરંતુ, ચંપારણમાં ગાંધીજી જ્યાં પણ જતા હતા ત્યાં પોલીસવાળા સાદા કપડાંમાં પડછાયાની માફક તેમની પાછળ લાગ્યાં રહેતા હતા અને ગાંધીજીની બેઠકો અને મુલાકાતોની તમામ વિગતોની નોંધ રાખતા હતા. ચંપારણમાં જ ગાંધીજીને કૃષિની કઠિન પરિસ્થિતિઓનો પ્રથમ વખત પરિચય થયો. બીજું કે અહીં સહયોગીઓના એ પ્રકારના નેટવર્ક બનવાની શરૂઆત થઇ કે જે ભવિષ્યમાં તેમના માટે ખૂબ જ કામણગારું સાબિત થવાનું હતું. ચંપારણમાં જ ગાંધીજીની જે.બી. કૃપાલાણી સાથે બીજી મુલાકાત થઇ. તે વખતે કૃપાલાણી એક સરકારી કોલેજમાં ઇતિહાસ શીખવાડતા હતા. કૃપાલાણી ગાંધીજીને મળવા માટે મુઝફ્ફરપુર સ્ટેશન પહોંચ્યા અને યુવાઓની અપાર ભીડની વચ્ચે એક ગાડીમાં તેઓ ગાંધીજીને પોતાની સાથે ઘરે લઇ ગયા. ચંપારણમાં જ ગાંધીજીને કૃપાલાણી સિવાય પટણાથી આવેલું વકીલોનું એક સમૂહ પણ મળ્યું જેમાં ચંપારણના ખાસ જાણકાર બ્રિજકિશોર પ્રસાદ અને વકીલ રાજેન્દ્રપ્રસાદ પણ સામેલ હતા. ત્રીજું, ચંપારણમાં કરેલા કાર્ય થકી ગાંધીજીને પ્રથમ વખત તેમના ગૃહક્ષેત્ર ગુજરાતની બહાર અને તે પણ આટલા દૂર આવેલા સ્થળે માન્યતા મળી. પોતાના મિત્રને લખેલા એક પત્રમાં ગાંધીજીએ કહ્યું કે ‘અહીં મને દરરોજ એક નવું અને અદભુત સુખ મળી રહ્યું છે. જે રીતે ગરીબ ખેડૂતો મારી પાસે બેસવાથી એટલા ખુશ જોવા મળી રહ્યા છે તે જોતાં મને લાગી રહ્યું છે કે આ ગરીબ ખેડૂતો હવે મારા પર ભરોસો કરી શકે છે.’ હું આશા રાખું છું કે તેઓની આકાંક્ષાઓ પર ખરો સાબિત થઇ શકીશ. ચોથું, ચંપારણની ઉપલબ્ધિઓ થકી ગુજરાતમાં પણ ગાંધીજીની શાખમાં વધારો થયો. આ એ સમયગાળો હતો કે જ્યારે ગુજરાત સભા પર મધ્યમમાર્ગી વકીલો, અંધભક્તો અને યથાસ્થિતિવાદીઓનું વર્ચસ્વ હતું જે પૈકી કેટલાક લોકો ગાંધીજીને એક ‘ગુમરાહ ધાર્મિક’ માનતા હતા. અને આ લોકોનો ભ્રમ અચાનક ત્યારે તૂટ્યો કે જ્યારે ગાંધીજીએ અંગ્રેજોનો તેમને (ગાંધીજીને) ચંપારણ છોડવા માટેનો આદેશ નકારી કાઢ્યો. આ વાત જ્યારે અમદાવાદ પહોંચી ત્યારે ત્યાંના વકીલોએ ગુજરાત ક્લબ પહોંચીને આ ‘બહાદુર વ્યક્તિ’ને પોતાનો આગામી અધ્યક્ષ જાહેર કરી દીધો. લંડનથી પરત આવેલા વકીલ વલ્લભભાઇ પટેલ પણ તે દિવસો દરમિયાન ગુજરાત કલબના પ્રમુખ સદસ્ય હતા અને જ્યારે એવા સમાચાર આવ્યા કે અંગ્રેજોના આદેશને ગાંધીજીએ પડકાર આપ્યો છે ત્યારે વલ્લભભાઇ પટેલ ગુજરાત ક્લબમાં બ્રિજ રમી રહ્યા હતા. વલ્લભભાઇ પટેલે જલદી જ ગાંધીજી સાથે જોડાઈ જવા માટે પોતાની ધીકતી પ્રેક્ટિસ છોડી દીધી. બે અન્ય ગુજરાતી વકીલ મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખ અને પણ આ વર્ષે ગાંધીજી સાથે જોડાયા. વલ્લભભાઇ પટેલની માફક આ બંને પણ ધીરે-ધીરે ગાંધીજીના રાષ્ટ્રીય અને સામાજિક પુનરુદ્ધારના કાર્યક્રમ માટે અપરિહાર્ય બની ગયા. પાંચમી વાત, ચંપારણ પ્રવાસમાં જ પ્રથમ વખત ગાંધીજીનો બ્રિટિશરાજની નોકરશાહી પ્રથા સાથે સતત પરિચય થતો રહ્યો. પરંતુ, દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ગોરા ઓફિસરો અને નેતાઓની સાથે ગાંધીજીનો સામનો થયો હતો અને તે દરમિયાન ગાંધીજીને ઘણી મુશ્કેલીઓ પણ વેઠવી પડી હતી. હવે ગાંધીજી ભારતમાં આ ગોરા અધિકારીઓનો નિયમિતપણે સામનો કરી રહ્યા હતા.

જૂન ૧૯૧૭માં ગાંધીજી દ્વારા ખેડૂતોની સમસ્યાઓની રજૂઆત કરતાં કેટલાંક કાગળિયાં બિહાર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યાં અને તે સાથે જ ચંપારણ કૃષિ તપાસ સમિતિનું નિર્માણ થયું. સાત સભ્યોની આ તપાસ સમિતિમાં ગાંધીજી સિવાય અન્ય ચાર આઈ.સી.એસ. પણ સામેલ હતા જ્યારે તેના ચેયરમેન મધ્યપ્રાંતના એક સરકારી ઓફિસર હતા. કમિટીની બેઠકોનો સૌથી મોટો લાભ એ થયો કે ગાંધીજી આ કોલોનિયલ (વસાહતી) રાજ્યની ઝીણામાં ઝીણી વિગતોને નજીકથી સમજી શક્યા. અંતમાં, ચંપારણના પ્રવાસની સૌથી મોટી અસર એ થઇ કે ચંપારણના પ્રવાસ બાદ ગાંધીજીને એ વાતનો વિશ્વાસ થયો કે તેઓ ભારતીય સમાજના વિવિધ વર્ગોના દિલ અને દિમાગને જીતી શકવાની ક્ષમતા ધરાવે છે. ખેડૂતોનું દિલ તો તેઓ પ્રથમ વખતમાં જ જીતી ચૂક્યા હતા. અમદાવાદ પરત આવતા પહેલાં ગાંધીજી એક અઠવાડિયા માટે મોતીહારી અને પછી બે દિવસ માટે બેતિયામાં પણ રહ્યા. બેતિયામાં તેમના ભવ્ય સ્વાગત અંગે એક ગુપ્ત પોલીસ રીપોર્ટ જણાવે છે કે ‘જેવી ટ્રેન બેતિયા સ્ટેશન પહોંચી કે તરત જ ‘ગાંધીજીની જય’, ‘ગાંધી મહારાજની જય’ એવા નારા ગૂંજવા લાગ્યા. હાથમાં ઝંડા અને બિલ્લા લગાવેલા આસપાસના અને દૂરનાં ગામડાંઓના હજારો ખેડૂતો, સ્કૂલના બાળકો ત્યાં એ વખતે હાજર હતાં. ગાંધીજી પર પુષ્પોની વર્ષા કરવામાં આવી રહી હતી. તેમને માળાઓ પણ પહેરાવવામાં આવી રહી હતી. ગાંધીજીના સ્વાગત માટે સ્ટેશનના પ્લેટફોર્મ પર લાલ રંગનું કપડું બિછાવવામાં આવ્યું હતું. બેતિયાના મારવાડી સૂરજમલ પોતાની ઘોડાગાડી લઈને આવ્યા હતા અને સાથે ઈજનેર પૂરણબાબુ રાજનો ઘોડો પણ લાવી રાખવામાં આવ્યો હતો. એ વાતની જાણકારી નથી કે પૂરણ બાબુએ તેમનો ઘોડો કેવી રીતે આપ્યો અને રેલ અધિકારીઓએ સ્ટેશન પર આટલા મોટા ને ભવ્ય જમાવડા અથવા શો માટેની પરવાનગી કેમ આપી? બેતિયા સ્ટેશન પર થયેલું આ સ્વાગત ભારતમાં ગાંધીજીના સંઘર્ષની શાનદાર શરૂઆત હતી. જો કે ખરેખરમાં ચંપારણના ખેડૂતોને ગાંધીજી પાસેથી જેટલું પ્રાપ્ત થયું તેનાં કરતાં અનેકગણું વધારે ગાંધીજીને ખેડૂતો થકી મળ્યું હતું. ખેડૂતોની સાથે કાર્ય કરવાના કારણે જ ગાંધીજી ભારતના કૃષિ સંકટને નજીકથી અનુભવી શક્યા. અહીં જ તેઓને સૌ પ્રથમ વખત વિશ્વસનીય રાજનૈતિક સહયોગીઓ મળ્યા. ગાંધીજીને એ વાતનો ભરોસો બેઠો કે તેઓ એ લોકોનું પણ નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવે છે કે જેઓ તેમની પોતાની જાતિ, સમુદાય, બિરાદરી, વર્ગ અથવા ક્ષેત્રના નથી. વર્ષ ૧૯૧૭ના આ દિવસો ગાંધીજીના ભવિષ્ય માટેની લાંબી અને કઠિન લડાઈ માટે તાકાત આપનાર એક બળરૂપ સાબિત થયા. ચંપારણ એ ભારતમાં ગાંધીજીનો પ્રથમ રાજનૈતિક અનુભવ માત્ર નહોતો પરંતુ ગાંધીજીના રાજનૈતિક જીવનની સાથે-સાથે ભારતીય સ્વાધીનતા સંગ્રામનું પ્રસ્થાનબિંદુ પણ હતું. ચંપારણ આંદોલન જ અસહયોગ આંદોલન, મીઠાનો સત્યાગ્રહ અને ભારત છોડો જેવા આંદોલનો તેમ જ ભારત પર વિદેશી શાસનના અંતનું પ્રસ્થાનબિંદુ પણ સાબિત થયું.

[અનુવાદ – નિલય ભાવસાર]

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

ચંપારણ એક સદી પછી – સ્મારકોની દુર્દશા, ખેડૂતોની અવદશા

ધૈવત ત્રિવેદી|Opinion - Opinion|17 April 2017

આજે પૂર્વી ચંપારણ અને પશ્ચિમ ચંપારણ એમ બે જિલ્લા છે. પશ્ચિમ ચંપારણનું મુખ્ય મથક બેતિયા છે, જ્યારે પૂર્વ ચંપારણનું મોતિહારી. ચંપારણ સત્યાગ્રહ સાથે સંકળાયેલા અનેક સ્મારકો અહીં વેરવિખેર પડયાં છે. ૧૦૦ વર્ષ પછી એમની સ્થિતિ શું છે?

ચંપારણ વિસ્તારની ૭૩ કોઠી પૈકી બેતિયા પાસે આવેલી એક માત્ર હરદિયા કોઠી આજે ખંડેર સ્વરૂપે હયાત છે. ગળીનાં પાંદડાં એકઠાં કર્યાં પછી કેવી રીતે ગળીની ગોળીઓ બનતી હશે, તેનો આછો-પાતળો ખ્યાલ અહીંથી મળી શકે છે. આ કોઠી હાલ ખાનગી માલિકી હેઠળ છે. ખાલી પડેલી કોઠીની બાજુમાં અંગ્રેજ અમલદારનો વિશાળકાય બંગલો પણ ભેંકાર પડયો છે. એ જમાનાનું એક દુર્લભ ટ્રેકટર પણ અહીં પડયું છે.

ભીતિહરવા આશ્રમ : ગાંધીજીના નામની એકમાત્ર જમીન!

બેતિયા પાસે આવેલા ભીતિહરવા ગામે ગાંધીજીએ નવેમ્બર ૧૯૧૭માં આશ્રમની સ્થાપના કરી હતી. ભારતમાં આજે ઘણી ગાંધી સંસ્થાઓ છે, પરંતુ ભીતિહરવા એકમાત્ર એવો આશ્રમ છે, જેની જમીન ખુદ ગાંધીજીના નામે હોય. ત્યારે ભારતમાં હજુ ગાંધીજીની શરૂઆત હતી, માટે કદાચ તેમણે જમીન પોતાના નામે રાખી હશે. કસ્તૂરબા અને અન્ય મહિલાઓ વાપરતી હતી એ કૂવો, અનાજ દળવાની ઘંટી વગેરે અહીં સાચવી રખાયાં છે.

ચંપારણની લડત : ક્યારે શું થયું?

ચંપારણ સત્યાગ્રહ ૧૯૧૭થી લઈને ૧૯૧૮ સુધી ચાલ્યો એમ કહી શકાય. એ દરમિયાન ગાંધીજી ચંપારણમાં કુલ ૧૭૫ દિવસ રહ્યા હતા. એ દરમિયાનની કેટલીક નોંધપાત્ર તવારીખો ..

૧૯૧૭

૧૦ એપ્રિલ  ગાંધીજી પટણા પહોંચ્યા. રાજકુમાર શુક્લ તથા અન્ય સાથીદારો સાથે તેઓ ચંપારણ જઈ રહ્યા હતા.

૧૫ એપ્રિલ બપોરે ૩ વાગ્યે ગાંધીજી મોતિહારી પહોંચ્યા. ચંપારણની ધરતી પર તેમનું આગમન થયું.

૧૬ એપ્રિલ સરકારે ગાંધીજીને નોટીસ પાઠવી કે ચંપારણ છોડીને પહેલી ટ્રેનમાં રવાના થઈ જાઓ.

ગાંધીજીએ જવાની ના પાડી દીધી.

૧૮ એપ્રિલ ગાંધીજી કોર્ટમાં રજૂ થયા, પોતાનો ગુનો કબૂલ કર્યો, કોર્ટ સમક્ષ બયાન વાંચી સંભળાવ્યુ. ગાંધીજીની મક્કમતાને કારણે સરકાર મુશ્કેલીમાં મુકાઈ અને કેસની મુદત પડી.

૨૦ એપ્રિલ  ગાંધીજી સામે બધા હથિયારો નિષ્ફળ જતાં સરકારે કેસ પાછો ખેંચી લીધો.

૨૨ એપ્રિલ  ગાંધીજી બેતિયા પહોંચ્યા, હજારીમલ ધર્મશાળામાં રહ્યા.

૨૫ એપ્રિલ ખેડૂતોએ પોતાને થતા અન્યાય અંગેના નિવેદનો ગાંધીજી સમક્ષ નોંધાવવાની શરૂઆત કરી

૫ મે ગળી ઉત્પાદક એસોસિયેશને ગાંધીજીની કામગીરી વિરૂદ્ધ ઠરાવ પસાર કર્યો અને સરકારને  ફરિયાદ કરી.

૨૪ મે બ્રિટિશ સરકારે ચંપારણના ખેડૂતો માટે તપાસ સમિતિ નિમવાનું નક્કી કર્યું.

૧૪ જૂન ગાંધીજીએ સરકારને જણાવ્યુ કે તેમની પાસે ૮૫૦ ગામના દસેક હજાર ખેડૂતોએ પોતાના નિવેદનો નોંધાવ્યા છે. નિવેદનોમાં ગળીના ૬૦ માલિકો વિરુદ્ધ ફરિયાદ હતી.

૧૫ જુલાઈ તપાસ સમિતીના તમામ સભ્યો બેતિયા પહોંચ્યા.

૧૦ ઓગસ્ટ તીન કઠિયા પ્રથા સમાપ્ત થવી જોઈએ એવું તારણ સમિતિએ રજૂ કર્યું.

૭ ઓક્ટોબર ગાંધીજીએ બેતિયામાં ગૌશાળાની સ્થાપના કરી

૧૮ ઓક્ટોબર સરકારે તીન કઠિયા પ્રથા સમાપ્ત કરવાની ભલામણ કરતો તપાસ-પંચનો અહેવાલ મંજૂર કર્યો. આફ્રિકાથી આવ્યા પછી ગાંધીજીની ભારતમાં એ પહેલી નોંધપાત્ર સફળતા હતી.

૮ નવેમ્બર કસ્તૂરબા સાથે ગાંધીજી મોતિહારી આવ્યા અને અહીંના લોકોને શિક્ષિત કરવા અભિયાનનો આરંભ કર્યો

૧૪ નવેમ્બર ઢાકા પાસેના બહડરવા લખનસેન ગામે ગાંધીજીએ શાળાની સ્થાપના કરી.

૧૯૧૮

૧૨ જાન્યુઆરી ગાંધીજી ચંપારણથી અમદાવાદ પરત ફર્યા

૪ માર્ચ ભારતના ગવર્નર જનરલે તીન કઠિયા પ્રથા રદ કરતા કાનૂનને મંજૂરી આપી.

સફળતા પછી ગાંધીજી ઘણી વખત બિહાર ગયા હતા. ૧૯૩૪ની ૧૪મી માર્ચે ફરી મોતિહારી અને આસપાસના વિસ્તારો ફર્યા હતા. ૧૯૩૩માં ચંપારણમાં ભૂકંપ આવ્યો હતો, માટે ગાંધીજીએ ત્યાં રાહત કામગીરી શરૂ કરાવી હતી.

બાપુ ઉતર્યાં એટલે બાપુધામ

મોતિહારીનું ઐતિહાસિક રેલવે સ્ટેશન આજે બાપુધામ મોતિહારીના સત્તાવાર નામે ઓળખાય છે. રોજની લગભગ વીસેક ટ્રેનો અહીં આવન-જાવન કરતી રહે છે. ગાંધીજી ઉતર્યાં હતા એ સ્થળે આજે પ્લેટફોર્મ નંબર ૧ છે, જ્યારે પ્લેટફોર્મ નંબર ૨ પર ગાંધીજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. ગાંધીજી સાથે સંકળાયેલી કેટલીક ચીજો અહીં સાચવી રાખવામાં આવી હતી, પરંતુ અનામતના આંદોલન વખતે થયેલી તોડફોડમાં એ બધી યાદગીરી નષ્ટ થઈ ગઈ છે. નવા રૂપ-રંગ સાથે બાપુધામ સ્ટેશન બાપુનો વારસો સાચવીને અણનમ ઊભું છે.

ગાંધી શિક્ષણની શાળા

બેતિયા નજીક વૃંદાવન ખાતે ગાંધીજીએ બુનિયાદી શાળા શરૂ કરી હતી. આજે કેટલાક સ્વયંસેવકો અને સંસ્થાઓ ભારે આર્થિક ભીંસ વચ્ચે પણ આ વિસ્તારમાં ૨૭ જેટલી બુનિયાદી શાળાઓ ચલાવે છે. વૃંદાવન ખાતે ગાંધીજી આવ્યા હતા, ત્યારે તેમણે રજિસ્ટરમાં હસ્તાક્ષર કર્યા હતા.

મિટિંગની રાહ જોઈ રહેલું ટેબલ

ગાંધીજી સહિતની સમિતિના સભ્યો જે કદાવર ટેબલ ફરતે બેસીને મિટિંગ કરતા હતા એ ટેબલ આજે ય મોતિહારીના ગાંધી સ્મારક સંગ્રહાલયમાં સચવાયેલું છે. ચંપારણના (અને બિહારના પણ) ખેડૂતોની અવદશા અંગે આજે સમિતિ મળે તો પણ તેની બેઠક આ ટેબલ ફરતે કરી શકાય છે.

૧૦૦ વર્ષની ઊજવણી છે, આયોજન નથી

બિહારમાં ચંપારણ સત્યાગ્રહની શતાબ્દીની ઉજવણી સર્વત્ર થઈ રહી છે. ઠેર ઠેર તેના વિશાળકાય પોસ્ટરો લગાવાયા છે. ખેડૂતોનું સન્માન, રાષ્ટ્રપતિ-વડા પ્રધાનની હાજરી સહિતના કાર્યક્રમો છે. પરંતુ ચંપારણ સત્યાગ્રહ સાથે સંકળાયેલા સ્થળોની નથી જાળવણી થઈ રહી કે નથી સાફ-સફાઈ થઈ રહી. ઉજવણી માત્ર બિહાર સરકાર કરવા ખાતર કરી રહી હોય એવી હાલત છે. અનેક નાની-મોટી સંસ્થાઓ પણ પોતાની રીતે કાર્યક્રમો કરી રહી છે. તો વળી વિવિધ ગાંધી સંસ્થાઓ એકબીજાં સાથેના મતભેદો યથાવત રાખીને પોતપોતાના કાર્યક્રમો કરી રહી છે. ગાંધીજીએ ૧૦૦ વર્ષ પહેલા ચંપારણમાં સફાઈ પર ભાર મૂક્યો હતો અને આજે પણ ચંપારણની ધરતીને પગતળે કરીએ તો ખબર પડે કે સફાઈ-શિક્ષણની એટલી જ જરૂર છે, જેટલી ત્યારે હતી.

ગળીઃ ઇતિહાસના દરેક વળાંક પર છંટાયેલો ભૂરો રંગ

ગળીની ખેતી હવે તો થતી નથી, પણ મોતિહરીના સ્મારક ખાતે ગળીનો એક છોડ નમૂના સ્વરૂપે રાખવામાં આવ્યો છે

ઉડિયા કવિ સત્યાનંદ રાઉતરાયે ગળી વિશેની એક કવિતામાં સમયદેવતાની ‘ગળીના ભૂરા રંગમાં સમયદેવતાની છબી સ્પષ્ટ દેખાય છે’

પ્રથમ સત્યાગ્રહ તરીકે ગળીની પસંદગી કરવાનો ગાંધીજીનો નિર્ણય યોગ્ય જ હતો. આર્યો અને દ્રવિડોના સંઘર્ષમાં પણ ગળી કારણભૂત બની હતી. પાંચમી સદીમાં સમ્રાટ સ્કંદગુપ્તને પણ ગળીના કારણે જ પ્રજા સમક્ષ ઝુકવું પડયું હતું.  

ઉડિયા ભાષાના વિખ્યાત કવિ સત્યાનંદ રાઉતરાયે ગળી વિશેની એક કવિતામાં સમય દેવતાને સંબોધીને લખ્યું છે, 'નીલ ટોહો છવી લેય … ગળી તો તારી (ઈશ્વર)ની છબી છે … ચોખ્ખા આકાશની ભૂરાશની અમને ઈર્ષ્યા થતી હતી ત્યારે તેં (ઈશ્વરે) અમને ગળીની ભેટ આપી … પારદર્શિતાનો એ રંગ હવે ધરતી પર પણ અમને તારું સ્મરણ કરાવે છે …'  

કપડાંને ભૂરા રંગે રંગતી ગળી પહેલી નજરે મુદ્દલ એક નૈસર્ગિક રસાયણ છે પરંતુ એક આખા ય પ્રદેશના લોકજીવનને મન એ પરંપરા છે. ગળીનો મહિમા એટલો અનેરો છે કે સદીઓ સુધી ગળી એ માનવ સભ્યતાનું અર્થકારણ, સમાજકારણ અને યુદ્ધકારણ પણ બનતી રહી છે. ગળીને ભારત સાથે સીધો સંબંધ રહ્યો છે. તેનું અંગ્રેજી નામ 'ઈન્ડિગો' એ 'ઈન્ડિયા' સાથેનો તેનો નાતો સૂચવે છે, અને ભારતના ઇતિહાસના દરેક વળાંક પર ગળીના ભૂરા રંગની ઝાંય જોવા મળે છે.

ગળીના મૂળ જૈવવૈજ્ઞાનિક રીતે સાત-આઠ ફૂટથી ખાસ ઊંડા નથી હોતાં, પરંતુ તેના ઐતિહાસિક મૂળિયાં આજથી આઠ-દસ હજાર વર્ષ પૂર્વે છેક માનવ સભ્યતાના આરંભને અડે છે. સિંધુ કાંઠાની સમાંતરે પાંગરેલી સભ્યતાના લોકો ગળીના રંગથી કપડાં રંગતાં હોવાના પૂરાતત્વિય પ્રમાણો પ્રાપ્ત થયા છે. આર્યોના આગમન પહેલાંની એ સભ્યતા ગળીના છોડ, ઉછેર અને ઉપયોગિતાથી સુપેરે માહિતગાર હતી અને ગળીના રંગને સૂકવવામાં માહેર પણ હતી.

ઈસવી સન ૬૦૦૦ વર્ષ પૂર્વે સિંધુ ખીણની નગર સંસ્કૃિતના વેપાર કેન્દ્રો થકી સિલ્ક રૂટ તરીકે ઓળખાતા માર્ગ દ્વારા આજના મધ્ય એશિયા થઈને પૂર્વે છેક ચીન અને પશ્ચિમે ગ્રીસ સુધી ગળીના ભૂકાનો વેપાર થતો હતો. સિંધુ ખીણની સભ્યતાની આર્થિક ઉન્નતિમાં ગળીના વેપારનો એટલો મોટો ફાળો હતો કેે નવી જમીનની શોધમાં ખૈબરઘાટના માર્ગે સિંધુ પ્રદેશમાં પ્રવેશેલા આર્યોએ દ્રાવિડોને નમાવવા માટે સૌ પ્રથમ ગળીના વાવેતર પર જ હુમલો કરવાનું પસંદ કર્યું હતું.

પ્રાચીન નગર સભ્યતાના લોકો ઉત્પાદન અને તાંત્રિક બાબતોમાં નિષ્ણાત હતા, જ્યારે આર્યો ખેતી, પશુપાલન અને સિંચાઈમાં માહેર હતા. આર્યોએ દ્રવિડ વસાહતના ખેતરોમાં પહોંચતા પાણી રોકવા માટે નદીના ઉપરવાસમાં આડબંધ બાંધવા માંડયા અને એ રીતે ગળીના ખેતરો સૂકાવા લાગ્યા. આર્યો અને દ્રાવિડો વચ્ચેના સંઘર્ષનો એ આરંભ અને તેનું નિમિત્ત બની હતી ગળી.

આર્ય અને દ્રવિડ વચ્ચેના સંઘર્ષના કારણે ક્રમશઃ સિંધુ ખીણની સભ્યતાઓ પીછેહઠ કરતી ગઈ અને ગંગા-જમુનાના દોઆબ તરીકે ઓળખાતા મેદાની વિસ્તારોમાં આર્યો ફરી વળ્યા. અનુ, દ્રુહ્યુ, તુત્સુ, ભરત, યયુ એવા આર્ય જનપદો ખેતી, પશુપાલન પર આધારિત સમાજરચના ધરાવતા હતા અને ખેતીમાં પણ અનાજની સાથે ગળીના વાવેતરનું પણ એટલું જ મહત્ત્વ હતું. દ્રાવિડો પાસેથી શીખેલી ગળીની ખેતી આર્યોએ તો જાળવી જ, દ્રાવિડો પણ કાળક્રમે સહ્યાદ્રીની નૈસર્ગિક દિવાલ ઓળંગીને કાવેરીના સામા કાંઠે સ્થાયી થયા અને ત્યાં પણ ગળીની ખેતી જાળવી રાખવી.

બ્રહ્મવૈવર્ત પુરાણમાં આર્યોની ખેતઉપજ તંદુરસ્ત રહે, માફકસરની વૃષ્ટિ થાય અને જીવાતરૂપી ઉપદ્રવ નાબૂદ થાય એ માટે જે પ્રાર્થનાઓ છે તેમાં પણ દૂધ, ધન, ધાન્ય, આયુર્વનસ્પતિની સાથેસાથે ગળીનો પાક સલામત રહે એવો ઉલ્લેખ દર્શાવે છે કે ગળીના વાવેતર આર્થિક રીતે પણ એટલાં જ મહત્ત્વપૂર્ણ હતા.

બંગાળમાં બર્દવાન નજીકથી પ્રાપ્ત થયેલા એક અભિલેખમાં બહુ રસપ્રદ ઉલ્લેખ છે. સમ્રાટ સ્કંદગુપ્તના સમયમાં (ઈસ્વી સનની પાંચમી સદીમાં) હુણ આક્રમણને ખાળવા માટે રાજ્યની ઘણી ખરી શક્તિ ખર્ચાઈ રહી હતી ત્યારે સ્કંદગુપ્તના પ્રધાન વૈવદત્તે ગળીના વાવેતર રાજ્ય હસ્તક લઈ લેવાનું અને એ રીતે આવક વધારવાનું સુચન કર્યું હતું. પ્રજામાં તેની સામે ભારે રોષ પ્રગટયો હતો. અમુક વર્ષ સુધી ગળીના ઉત્પાદન લોકો પાસે કરાવીને તેની તમામ આવક રાજકોષમાં જમા કરાવવામાં આવતી હતી. આખરે પ્રજાની નારાજગી એટલી વધી કે સમ્રાટ સ્કંદગુપ્તે ગળીના વાવેતર પરનો કર વધારીને સંતોષ માન્યો હતો.

સ્કંદગુપ્તના સમયની આ ઘટના ભારતના (આજના) બંગાળમાં બની હતી, હવે એવી જ બીજી ઘટનાને સાંકળો તો ખ્યાલ આવશે કે ગળીના ભૂરા આકર્ષણને સમય કે સરહદના કોઈ સીમાડા નડયા નથી. વાત છે ૧૮૭૯ના અમેરિકાની. અમેરિકાએ સરકારી તિજોરીની ખાધ પર અંકુશ મૂકવા આયાત પર ટેક્સ ખાસ્સો વધારી દીધો. ભારતથી મોટા પ્રમાણમાં આયાત થતી ગળી પણ તેમાં અડફેટે ચડી ગઈ.

એ સમય એવો હતો કે આજે આધુનિક પહેરવેશ તરીકે અત્યંત લોકપ્રિય બની ચૂકેલા જીન્સનો એ આરંભકાળ હતો. ગળીના રંગે રંગાયેલું જાડું, ખદ્દડ કાપડ મહેનતકશ લોકોના પહેરવેશ તરીકે ભારે ઉપયોગી સાબિત થઈ ચૂક્યું હતું. મૂળ તેનો આવિષ્કાર ફ્રાન્સના નિમ્સ શહેરમાં, એટલે તે 'સર્જ ડી નિમ્સ' (નિમ્સના પાટલૂન) તરીકે ઓળખાતું હતું અને પછી અંગ્રેજીમાં અપભ્રંશ થઈને તે 'ડેનિમ' થઈ ગયું હતું. ગળી પરનો ટેક્સ વધ્યો એટલે આયાત ઘટી ગઈ. આયાત ઘટી ગઈ એટલે ડેનિમનું ઉત્પાદન ઘટતું ઘટતું ક્રમશઃ બંધ થવા આવ્યું. પરંતુ નાવિકો, મજૂરો, ખાણિયાઓ જેવા કારીગર વર્ગમાં જિન્સ એટલાં લોકપ્રિય થઈ ગયા હતા કે આવા મહેનતકશ લોકોએ ડેનીમના બેકાર થયેલા કામદારો સાથે વણાટના કારખાનાઓ પર જનતારેડ પાડવા માંડી. છેવટે સરકારે ગળી પરનો ટેક્સ ઘટાડયો ત્યારે જ લોકોના લીલાછમ આક્રોશને શાંતિની ભૂરાશ સાંપડી હતી.

ઈસ્વી સન પૂર્વે ૭૦૦૦ વ ર્ષ … ઈસ્વી સન ૪૭૦ … ઈસ્વી સન ૧૯૧૭ …

ઇતિહાસના દરેક વળાંક પર ગળીનો રંગ છંટાયેલો છે. આફ્રિકાથી પરત આવ્યા પછી ગાંધીજી દેશવ્યાપી આંદોલન માટે યોગ્ય મુદ્દાની તલાશમાં હતા. એ જ વખતે તત્કાલીન બંગાળ પ્રાંતના આગેવાનો દ્વારા તેમને ગળીના મજૂરોના શોષણની માહિતી મળી. સેંકડો એકરમાં ફેલાયેલા ગળીના ખેતરો ધરાવતા નીલ જમીનદાર યાને મોટા ખેડૂતો ગળી કામદારો, ખેતમજૂરોને પૂરતી મજૂરી ચૂકવતા નથી, બરડાફાડ કામ કરાવે છે અને બદલામાં પૂરતું વેતન પણ આપતાં નથી એવી ફરિયાદોને ગાંધીજીએ ગંભીરતાથી લીધી. પોતે ચંપારણની મુલાકાત લઈને જાતતપાસ કરી અને અંગ્રેજો સામે સત્યાગ્રહ કરવા માટે તેમને પહેલો મુદ્દો અહીં જડ્યો.

નેતા તરીકે મુદ્દો પારખવાની એ ગાંધીજીની કાબેલિયત ગણવી કે હિન્દના ઇતિહાસના દરેક વળાંક પર હાજર રહેવાની ગળીની તકદીર ગણવી? માત્ર ચાર-પાંચ ફૂટનો છોડ, સાધારણ વનસ્પતિ જેવો જ દેખાવ અને નિસર્ગે આપેલો સંમોહક, આસમાની ઝાંય ધરાવતો ભૂરો રંગ …

ઉડિયા કવિએ યોગ્ય જ કહ્યું છે, 'નીલ ટોહો છવી લેય … ગળીના ભૂરા રંગમાં સમયદેવતાની છબી સ્પષ્ટ વર્તાય છે'

હજારીમલ ધર્મશાળા : ગાંધીના નામે ચાલતો વેપાર

બેતિયામાં ગાંધીજી આવ્યા ત્યારે ૧૮૯૨માં સ્થપાયેલી હજારીમલ ધર્મશાળામાં રહ્યા હતા. એ ધર્મશાળાનો ઘણો-ખરો ભાગ આજે તૂટી પડયો છે અને ત્યાં શોપિંગ કોમ્પલેક્સ બંધાઈ ગયુ છે. ધર્મશાળાનો થોડોક ઢાંચો બાકી રહ્યો છે, જે ગમે ત્યારે પડે એમ છે.

ગાંધી ન હોત તો, દુનિયા આટલી ખુબસૂરત ન હોત!

* ગાંધીજીના સત્યાગ્રહની તાકાતથી પ્રભાવિત થયેલા વાઈસરોય વિલિંગ્ડને લખ્યું હતું : જો ગાંધી ન હોત તો દુનિયા આજે છે, એટલી સુંદર પણ ન હોત!

* ચંપારણ સત્યાગ્રહની યાદમાં સરકારે દિલ્હીથી મોતિહારી વચ્ચે ખાસ ચંપારણ સત્યાગ્રહ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે. અલબત્ત, ગાંધીજી સમય પાલનના ચુસ્ત આગ્રહી હતા, પરંતુ આ ટ્રેન ભાગ્યે જ સમયસર મોતિહારી પહોંચે છે.

* રાજેન્દ્ર પ્રસાદ, બ્રજ કિશોર, ધરણીધર બાબુ વગેરે એ વખતના બિહારના પ્રથમ હરોળના વકીલો હતા. ત્યારે તેઓ કેસની દસ હજાર રૂપિયા જેવી માતબર ફી લેેતા હતા. પરંતુ ગાંધીજી સાથે જોડાયા પછી પોતાનાં કામો હાથે કરતાં થઈ ગયા હતા. કેટલાક વકીલ સત્યાગ્રહ વખતે પોતાના નોકર-ચાકર સાથે લઈને આવ્યા હતા. ગાંધીજીને ખબર પડી ત્યારે તેમણે બધાના નોકર પરત મોકલાવી દીધા હતા.

* ચંપારણમાં ભોજપુરી, મૈથિલી વગેરે ભાષા વપરાય છે. ગાંધીજી પહોંચ્યા ત્યારે પણ એ જ ભાષાઓ હતી, જે ગાંધીજીને સમજાતી ન હતી. ત્યાંના ખેડૂૂતો હિન્દી જાણતા ન હતા. માટે ગાંધીજીએ દુભાષિયાઓની મદદ લેવી પડતી હતી.

* લડત શરુ થઈ એટલે તરત ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં મગનલાલ ગાંધીને પત્ર લખ્યો અને તેમાં લખ્યું : રામચંદ્ર, ભરત, જનક, સીતાજીએ જે મુલકમાં વિહાર કર્યો છે તે બિહારમાં હું જેલમાં જઈશ એવું તો આપણે કોઈએ નહીં ધાર્યુ હોય (જો કે પછી ગાંધીજીને ત્યાં જેલમાં જવું પડયું ન હતું).

ગાંધીજીએ શરૂ કરેલી પ્રથમ શાળા

૧૯૧૭ની ૧૪મી નવેમ્બરે ગાંધીજીએ ઢાકા પાસે આવેલા બહડરવા લખનસેન ગામે સ્કૂલની સ્થાપના કરી. ભારતમાં ગાંધીજીએ સ્થાપેલી એ પ્રથમ સ્કૂલ. ૧૦૦ વર્ષ પછી મૂળ સ્કૂલ ખખડધજ થઈ ગઈ છે, એટલે તેનું રિપેરિંગ કાર્ય ચાલી રહ્યું છે. આસપાસ બંધાયેલા નવા મકાનોમાં જો કે શાળા ચાલુ જ છે.

ચંપારણ : રાજા જનકની ભૂમિ

ચંપારણને રાજા જનકની ભૂમિ ગણવામાં આવે છે. સીતા અહીંની ધરતીમાંથી પેદા થઈ હતી. માટે જ કદાચ આજે ય ત્યાંની ધરતી અત્યંત ઉપજાઉ છે. આ તસવીર ચંપાના છોડની છે, જેનાં નામે વિસ્તાર ચંપારણ કહેવામાં આવે છે.

કેટલાં નૂર કપડાં?

ચંપારણ આવ્યા ત્યારે ગાંધીજી આવા દેહાતી પોશાકમાં સજ્જ હતા. એક કોઠી માલિકે તો ગાંધીજીના પોશાક અંગે ટીકા ટિપ્પણી કરતો લેખ પણ અખબારમાં લખ્યો હતો. મોતિહારીના સ્મારકમાં ગાંધીજીની આ પ્રતિમા ઊભી રાખવામાં આવી છે.

ગોરખ બાબુનું ઘર, આજે થયું બેઘર

મોતિહારી આવ્યા ત્યારે તેમને જોવા સૌ કોઈ આવ્યા હતા, પણ કોઈ ગાંધીજીને રાખવા તૈયાર ન હતા. અંગ્રેજ સત્તાનો સૌને ડર હતો. એ વખતે વકીલ ગોરખ બાબુ આગળ આવ્યા અને પોતાને ત્યાં ગાંધીજીને લઈ ગયા. એ ઘર આજે ખાનગી હાથોમાં છે. બહાર કોઈ માહિતીનું બોર્ડ નથી, એટલે ત્યાંથી પસાર થતા પ્રવાસીઓને ખબર પડે જ નહીં કે આ દેશી નળિયાથી ઢંકાયેલું ઘર ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. ગાંધીજીને સાચવનારા મકાનને બિહાર સરકાર સાચવી શકી નથી.

ચંપારણ સત્યાગ્રહમાં ગાંધીજી સાથે કોણ કોણ હતા?

રાજકુમાર શુક્લએ સતત પગેરું દાબીને ગાંધીજીને ચંપારણ સુધી આવવા મજબૂર કર્યા હતા. ત્યાં આવ્યા પછી તેમની મદદ કરવા માટે ડો. રાજેન્દ્ર પ્રસાદ સહિતના અનેક નેતાઓ હતા. રાજેન્દ્ર પ્રસાદે જ સત્યાગ્રહ પછી તેનો ઇતિહાસ લખ્યો હતો. બ્રજ કિશોર બાબુ નામના વકીલ ગાંધીજીના આગમન પહેલાથી જ અંગ્રેજો સામે લડત આપી રહ્યા હતા. શેખ ગુલાબ, પીર મહમ્મદ મુનિશ, સીતલ રાય વગેરે સ્થાનિક અગ્રણીઓ ચંપારણ સત્યાગ્રહ સફળ બનાવવા ખડે પગે હાજર રહ્યા હતા. આચાર્ય કૃપાલાણી ત્યારે મુઝ્ઝફરપુરમાં પ્રોફેસર હતા. તેમણે અહીં ગાંધીજીના ઉતારાની સગવડ કરી હતી. ગાંધીજીનું આગમન રાતે થયું ત્યારે તેમના સ્વાગત માટે કૃપાલાણીજી પોતે નાળિયેરી પર ચડીને નાળિયેર તોડી લાવ્યા હતા. ગાંધીજી સાથે ઈંગ્લેન્ડમાં ભણતા મૌલાના મઝહરૂલ હક બિહારના એ સમયના મહાજન હતા. ગાંધીજીના આગમન સાથે મદદ કરવા દોડી આવ્યા હતા. ગાંધીજીને મોતિહારીમાં કોઈ આશરો આપવા તૈયાર ન હતા, ત્યારે ગોરખ પ્રસાદે પોતાનું ઘર ફાળવી આપ્યું હતું.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/shatdal/shatdal-magazine-12-april-2017-champaran-satyagrah

[ફોટા-સામગ્રીનું સૌજન્ય : લલિત ખંભાયતા]

સૌજન્ય : ‘શતદલ’ પૂર્તિ, “ગુજરાત સમાચાર”, 12 અૅપ્રિલ 2017

Loading

...102030...3,4693,4703,4713,472...3,4803,4903,500...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved