Opinion Magazine
Number of visits: 9768186
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી એ માનવતા સામેનો અપરાધ હતો અને ભારતીય રાષ્ટ્ર સાથેનો વિશ્વાસઘાત હતો

રમેશ ઓઝા|Opinion - Opinion|23 April 2017

ગુજરાતનાં તોફાનો વખતે જીવ બચાવવા કાકલૂદી કરતો મુસ્લિમ યુવક અને બાબરી મસ્જિદ તોડી પડાઈ એ પછી ખુશીથી છલકાતી મુરલી મનોહર જોશી અને ઉમા ભારતીની તસવીર જોઈને કોઈ પણ સાચો માનવતાવાદી ભારતીય શરમ અનુભવશે.

૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે માનવસભ્યતા અને ભારતીય રાષ્ટ્ર સાથે અપરાધ તેમ જ વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સર્વોચ્ચ નેતાઓની હાજરીમાં, તેમના માર્ગદર્શન હેઠળ, તેમની નજર સામે અને તેમના રાજીપા વચ્ચે હિન્દુત્વવાદીઓએ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડી હતી. ગુજરાતનાં તોફાનો વખતે જીવ બચાવવા કાકલૂદી કરતો મુસ્લિમ યુવક અને બાબરી મસ્જિદ તોડી પડાઈ એ પછી ખુશીથી છલકાતી મુરલી મનોહર જોશી અને ઉમા ભારતીની તસવીર જોઈને કોઈ પણ સાચો માનવતાવાદી ભારતીય શરમ અનુભવશે. આ એ જમાત છે જેનું દેશને આઝાદી અપાવવામાં શૂન્યવત્‌ યોગદાન છે અને આધુનિક ભારતના નિર્માણમાં નેગેટિવ યોગદાન છે.

દેશ અને વિદેશમાં સતત સવાલ પુછાઈ રહ્યો હતો કે શું માનવસભ્યતા અને ભારતીય રાષ્ટ્ર સાથે આવડો મોટો અપરાધ તેમ જ વિશ્વાસઘાત કરનારા લોકોને કોઈ સજા કરવામાં નહીં આવે? શું ભારતીય રાજ્ય એટલી હદે દુર્બળ છે અને ભારતમાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ એટલી હદે ખોખલી થઈ ગઈ છે કે કોઈનો વાળ પણ વાંકો નહીં થાય? સ્થિતિ તો એવી જ છે. ૧૯૮૪માં દિલ્હી અને અન્યત્ર સિખોનો નરસંહાર કરવામાં આવ્યો એના અપરાધીઓને કોઈ સજા નથી થઈ. ૧૯૮૪માં ભોપાલની ગૅસદુર્ઘટનાના આરોપીઓને કોઈ સજા નથી થઈ અને માર્યા ગયેલા લોકોના વંશજોને સરખું વળતર પણ નથી મળ્યું. ૧૯૯૩માં મુંબઈમાં કરવામાં આવેલાં આયોજનબદ્ધ હુલ્લડોના અપરાધીઓને કોઈ સજા કરવામાં નથી આવી. ૨૦૦૨માં ગુજરાતમાં મુસલમાનોના કરવામાં આવેલા નરસંહારના મુખ્ય આરોપીઓને કોઈ સજા નથી થઈ. ઊલટું છેલ્લા એક મહિનાથી તો માનવસભ્યતા અને ભારતીય રાષ્ટ્ર સાથે અપરાધ અને વિશ્વાસઘાત કરનારા લોકોમાંથી બે વ્યક્તિઓનાં નામ રાષ્ટ્રપતિપદ માટે ચર્ચાતાં હતાં.

લાલ કૃષ્ણ અડવાણી માટે મને દિલસોજી છે. પહેલાં હોઠ સુધી આવી ગયેલું વડા પ્રધાનપદ છીનવાઈ ગયું અને હવે હોઠ નજીક દેખાતું રાષ્ટ્રપતિપદ છીનવાઈ રહ્યું છે. આ એ માણસ છે જેણે BJPને રાજ્યોમાં અને રાષ્ટ્રીય સ્તરે શાસક પક્ષ બનાવ્યો છે. જે પક્ષ ભારતીય રાજકારણમાં હાંસિયામાં માંડ સ્થાન ધરાવતો હતો એ પક્ષ આજે સંપૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં શાસન કરે છે. એ ન ભૂલવું જોઈએ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ અડવાણીના ખભા પર ચડીને દિલ્હી પહોંચ્યા છે. જે માણસે પક્ષને હાંસિયામાંથી કાઢીને કેન્દ્રમાં સ્થાન અપાવ્યું હતું એ માણસને નરેન્દ્ર મોદીએ દિલ્હી પહોંચ્યા પછી હાંસિયામાં ધકેલી દીધા હતા. વાત તો એવી પણ થઈ રહી છે કે સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં કેન્દ્ર સરકારનો હાથ છે. કોઈનું સપનું રોળાઈ જાય તો આપણને દુ:ખ થવું જોઈએ, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે રામજન્મભૂમિ આંદોલને પેદા કરેલા કોમવાદી ઉન્માદે હજારો માતાઓની કૂખ ઉજાડી નાખી હતી અને સપનાં રોળી નાખ્યાં હતાં. પ્રારંભમાં જ કહ્યું એમ એ માનવતા સામેનો અપરાધ હતો અને ભારતીય રાષ્ટ્ર સાથેનો વિશ્વાસઘાત હતો.

વિશ્વાસઘાત એ અર્થમાં કે આંદોલનકારોએ અને આંદોલનના નેતાઓએ કહીને બાબરી મસ્જિદ નહોતી પાડી, જે રીતે ગાંધીજીએ સો વરસ પહેલાં ચંપારણમાં કહીને કાયદો તોડ્યો હતો. ગળીની ખેતી અમે નથી કરવાના; એમાં જો કાયદાનો ભંગ થતો હોય તો અમે સજા ભોગવવા તૈયાર છીએ, પણ ખેતી તો અમે નહીં જ કરીએ અથવા અમારી શરતે કરીશું એમ ગાંધીજીએ અંગ્રેજ સરકારને મોઢામોઢ કહી દીધું હતું. ગાંધીજીની માફક સંઘપરિવાર પણ એમ કહી શક્યો હોત કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે અને અમને હિન્દુઓને એમ લાગે છે કે બાબરી મસ્જિદની જગ્યાએ મંદિર હતું એટલે અમે મસ્જિદ તોડીને એ જગ્યાએ મંદિર બાંધીને જંપીશું. સરકારને અમારી સાથે જે કરવું હોય એ કરી શકે છે. જે ખુમારી માટે હિન્દુઓ ગવર્‍ લે છે અને એ જો અસ્તિત્વ ધરાવતી હોય તો એ આવી હોય. ગાંધીજીમાં આવી ખુમારી આપણને જોવા મળી હતી.

ગાંધીજીથી ઊલટું સંઘપરિવારના નેતાઓએ દેશની જનતાને કહ્યું હતું કે આદોલન પ્રતીકાત્મક હશે. આંદોલનનો હેતુ હિન્દુઓની એકતા, અપેક્ષા અને હતાશાનું પ્રદર્શન કરવાનો છે. સંઘના નેતાઓએ વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવને મળીને કહ્યું હતું કે ચિંતા ન કરતા, અમે મર્યાદા જાણીએ છીએ અને એ ઓળંગવામાં નહીં આવે. એ સમયે ઉત્તર પ્રદેશની BJPની સરકારે સર્વોચ્ચ અદાલતમાં સોગંદનામું રજૂ કરીને બાંયધરી આપી હતી કે મસ્જિદનું રક્ષણ કરવું એ રાજ્ય સરકારની જવાબદારી છે અને એનું વહન કરવામાં આવશે. રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલતમાં સોગંદનામું રજૂ કર્યું એના પર કેન્દ્ર સરકારે ભરોસો મૂક્યો હતો અને સરકારને બરતરફ કરવાનું પગલું નહોતું લીધું. એ પછી જે બન્યું એ રાષ્ટ્રીય શરમનો ઇતિહાસ છે. મસ્જિદ તોડી નાખવામાં આવી હતી. સંઘપરિવારના કેટલાક નેતાઓ એક ધક્કા ઔર દો કહીને ઉશ્કેરતા હતા, કેટલાકે મોં ફેરવી લીધું હતું અને બીજા કેટલાક હરખાતા હતા. સંઘપરિવારના કોઈ નેતા ટોળાંને વારતા હોય એવી એક પણ તસવીર જોવા નથી મળી, ઊલટું મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી હરખાતાં હોય એવી તસવીર જોવા મળે છે.

બે સંભાવના છે. જૂઠું બોલીને, ત્યાં સુધી કે સર્વોચ્ચ અદાલતને સુધ્ધાં ગેરમાર્ગે દોરીને મસ્જિદ તોડી પાડવાનું કાવતરું રચવામાં આવ્યું હોય અથવા સંઘપરિવારના નેતાઓના હાથમાંથી અંકુશ છૂટી ગયો હોય. બીજી સંભાવનાને નકારી ન શકાય; પરંતુ એના માટે આઘાતના, આશ્ચર્યના, હતપ્રભતાના ભાવ સાથે ટોળાને રોકવાની કોશિશ કરતા હોય એવી તસવીરો અને વીડિયો-ફુટેજ હાથ લાગવા જોઈતાં હતાં. જે તસવીરો સંગ્રહાયેલી છે એ ઉશ્કેરવાની અને રાજીપાની છે. તો આનો અર્થ એ થયો કે પહેલી સંભાવનાને નકારી શકાય એમ નથી અને બીજી સંભાવનાને નકારે એવા કોઈ પુરાવાઓ નથી.

તો શું એ કાવતરું હતું? જે લોકો સામે સર્વોચ્ચ અદાલતે આદેશ બહાર પાડ્યો છે તેઓ કાવતરાખોર હતા? જો એ કાવતરું હતું તો એનો અર્થ એવો ન થયો કે કાવતરું રાજ્ય અને કાયદાના રાજ્ય વિરુદ્ધ હતું? એ જ તો પ્રશ્ન છે અને સર્વોચ્ચ અદાલતે એની ગંભીર નોંધ લીધી છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, “ગુજરાતી મિડ-ડે”, 22 અૅપ્રિલ 2017

Loading

The Saffron Beacon

EP Unny|Opinion - Cartoon|22 April 2017

courtey : "The Indian Express", 22 April 2017

Loading

પ્રોફેસર આર.એલ. રાવલ : થોડું અંગત, ઝાઝું વિષયગત

અરુણ વાઘેલા|Samantar Gujarat - Samantar|18 April 2017

ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના પૂર્વ અધ્યક્ષ પ્રોફેસર રવિકાન્ત એલ. રાવલનું તાજેતરમાં અવસાન થયું. રાવલસાહેબ તરીકે તેમની ઓળખ. તેમનું નામ સાવ અજાણ્યું તો નહીં પણ એમના વ્યવસાયી સંબંધો ઘણાં મર્યાદિત, સાથે નક્કર પણ ખરા.

સને ૧૯૯૧માં ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાં હું દાખલ થયો, ત્યારે વિભાગ રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતો હતો. અમારો પ્રથમ વર્ગ ૧૨ જુલાઈએ ૧૨ વાગ્યે અને ૧૨ નંબરના વર્ગખંડમાં શરૂ થયો. પ્રથમ તાસમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓની ઓળખવિધિ થઈ. એક અધ્યાપક સિવાય, અમે તેમના પરિચયનો આગ્રહ રાખ્યો. તેઓ બોલ્યા હું આર. એલ. રાવલ’ (ડૉક્ટર-પ્રોફેસર-વિભાગીય અધ્યક્ષ જેવાં પૂંછડાંઓ વગર) આ પ્રોફેસર આર. એલ. રાવલનો પ્રથમ પરિચય અને દર્શન. પછી તો તેમની નિવૃત્તિ પહેલાંનાં બે વર્ષનો ઇતિહાસજ્ઞાનલાભ મળતો રહ્યો. રાવલસાહેબ આંતરરાષ્ટ્રીય સંબંધો, યુરોપીય રાજનીતિ, ગુજરાતમાં સામાજિક પરિવર્તન અને સમાજસુધારાના ઇતિહાસના નિષ્ણાત. નાની ચબરખીમાં થોડા મુદ્દાઓને આધારે એક-બે કલાક સુધી આ બધાં વિષયો પર ચર્ચા કરે. ઉનાળાનો દાહાડો હોય, વર્ગબહાર ધોમધખતો હોય તે સ્થિતિમાં રાવલસાહેબના જ્ઞાનવિસ્ફોટ સામે બહુ ઓછા વિદ્યાર્થીઓ ઝીંક ઝીલી શકતા. કેટલાક વિદ્યાર્થીઓ સાહેબ બૉર્ડ પર કંઈક લખવા રહે તેટલા સમયમાં તો પાછલા બારણેથી અલોપ થઈ જતા, તો કેટલાક વામકુક્ષીમાં સરી પડતા. તેમના તરફ ધ્યાન જતાં રાવલસાહેબ કહેતાં ‘મોં પર પાણી છાંટવું હોય, તો છાંટતાં આવો.’ અધ્યાપક બન્યા પછી એમની રજૂઆતશૈલી વિશે હું મજાકમાં કહેતો કે ‘સાહેબ, તમને સાંભળવાની બહુ મજા આવે છે પણ તમે સમજાતા નથી.’ ‘હું  તમને સમજાવી તો શકું છું ને?’ આ વાક્ય તેમનું તકિયાકલામ હતું.

આર્નોલ્ડ ટૉયન્બી(ઇતિહાસના અભ્યાસના રચયિતા)નો રાવલસાહેબ પર ગાઢ પ્રભાવ. મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે ૭૦ના દાયકામાં ટૉયન્બીનું વ્યાખ્યાન યોજાયેલું, તે સાંભળવા ઠેઠ મુંબઈ ગયેલાં. પાછા કહે પણ ખરાં કે એ ઉંમરે ભાષણમાં સમજાય તો શું પણ ટૉયન્બીને જોયાનો આનંદ ! ટૉયન્બીનો ફોટૉ પર્સમાં રાખતા હોવાનું પણ તેઓ કહેતા.

રાવલસાહેબને ઓળખતા સહુ કોઈ એકીઅવાજે કહેશે, ‘રાવલસાહેબ એટલે ધીરગંભીર, પ્રામાણિક, કાર્યદક્ષ. ટૂંકમાં, એક સારા માણસ માટે જેટલાં વિશેષણો વાપરીએ, તેટલાંના રાવલસાહેબ પણ હક્કદાર. જાહેરમાં અંતર્મુખી, ઓછાબોલા લાગતા આર.એલ. રાવલ તેમના અંતરંગ વર્તુળમાં વસંતની જેમ ખીલતા. સેન્સ ઑફ હ્યુમર પણ ઉચ્ચ દરજ્જાની. એનો એક નમૂનો : ૧૯૯૨-૧૯૯૩માં રાવલસાહેબ ઇતિહાસ વિભાગના અધ્યક્ષ, એ દિવસોમાં શિષ્યવૃત્તિવાંચ્છુ વિદ્યાર્થીઓએ તેના આવક અને જાતિના દસ્તાવેજોની ચકાસણી માટે વિભાગીય વડાને મળવું પડે. એ દિવસોમાં લક્‌ઝરી ગણાય તેવા ૮૦૦ રૂપિયાના મોંઘાદાટ બૂટ પહેરેલો એક વિદ્યાર્થી વાર્ષિક ૮૦૦૦ રૂપિયાની આવકના દાખલા સાથે રાવલસાહેબને ચકાસણી અર્થે મળ્યો. તેના બૂટ સામે જોઈ રાવલસાહેબ મરક મરક હસતાં બોલ્યા, ‘ભાઈ, રોજ ચા-પાણી તો કરો છો ને?’

એ સમયે અધ્યાપકો સાથે બેસી મોજથી ટી-ક્લબમાં જ્ઞાનવિજ્ઞાનની ચર્ચા કરી શકતા. એક વિભાગમાં બધા અધ્યાપકો એકસરખી વિચારસરણીવાળા ન હોય, ઇતિહાસ વિભાગમાં પણ એવો વિરોધાભાસ ખરો! પણ રાવલસાહેબ એટલે, ખરા અર્થમાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ’.

રાવલ સાહેબ કાયમ ટાપટીપ, ભપકાદાર કાર્યક્રમો, વ્યક્તિગત માન-સન્માનોથી જોજનો દૂર રહ્યાં.

૧૯૯૩માં સાહેબ સેવાનિવૃત્ત થયા. અમે વિદ્યાર્થીઓએ તેમના વિદાયમાનનું વિચારેલું, પણ તે તો ગાંઠે જ શાના? છેવટે અમને રાજી રાખવા છેલ્લા દિવસે એક નાનકડો બૂકે સ્વીકારી તરત જ સન્માન કરનાર વિદ્યાર્થીને બૂકે પરત કરી ચાલતી પકડી. તેમના જવા સાથે મને ઇતિહાસ વિભાગમાંથી નમ્રતા, પ્રામાણિકતા, કાર્યદક્ષતાનો મોટો હિસ્સો જતો હોય તેવું લાગેલું. ૧૯૬૯માં ઇતિહાસ વિભાગમાં જોડાયેલા રાવલસાહેબ ૨૪ વર્ષ સુધી (૧૯૬૯-૧૯૯૩) કાર્યરત રહ્યા હતા.

હવે તેમની વિદ્યાકીય-સંશોધન તરફની પ્રતિબદ્ધતાની વાત. તેમણે ઝાઝું લખ્યું નથી, પણ જેટલું લખ્યું એ નક્કર અને સુદૃઢ. ‘Socio religious Reform Movements in Gujarat during the Nineteenth Century (Sess Publication, Delhi, 1984)’ અને આંતરરાષ્ટ્રીય સંબંધો ભાગ-૧ (ગુજરાત યુનિવર્સિટી, ગ્રંથનિર્માણ બૉર્ડ, અમદાવાદ, ૧૯૭૩) અને વીસથી વધુ નહીં તેટલા લેખો Indian Historical Quarterly સામીપ્ય, વિદ્યાપીઠ, અર્થાત્‌, પથિક વગેરે સામયિકોમાં તેમણે લખ્યા છે. અંગ્રેજી પુસ્તક તેમના પીએચ.ડી. શોધનિબંધનું સંવર્ધિત સ્વરૂપ છે. જ્યારે ગુજરાતના ઇતિહાસકારો (?) શિલ્પ, સ્થાપત્ય, મંદિરોના ગવાક્ષ અને મસ્જિદોની મિનારા તથા રાજા-રજવાડાંઓના ઇતિહાસલેખનમાં મસ્ત હતા, ત્યારે તેમણે આ નવતર સંશોધનક્ષેત્રમાં યોગદાન આપેલું. પણ પુસ્તક અંગ્રેજીમાં હોવાથી ગુજરાતના ઇતિહાસલેખનમાં તેની વિશેષ નોંધ લેવાઈ નથી. આ લખનારની દૃષ્ટિએ અખિલ ભારત સ્તરના સામાજિક ઇતિહાસલેખનમાં સ્થાન પામે તે બરનુું આ પુસ્તક છે (કોઈ પ્રકાશક કે સંસ્થાએ તેના બહોળા વાચન હેતુસર તેના ગુજરાતી અનુવાદનું બીડું ઝડપવા જેવું છે.) તો આંતરરાષ્ટ્રીય સંબંધો ભાગ-૧ ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થીઓ-અધ્યાપકોને ખાસ્સું ખપમાં લાગ્યું છે. ઉપરાંત ૧૯મા સૈકામાં સમાજપરિવર્તન અને ગોવર્ધનરામ ત્રિપાઠી વિશે સ્તરીય લેખો લખ્યા છે. આ બધાં એક થીમ પર હોવાથી સ્વતંત્ર પુસ્તક થાય તેટલાં છે. છેલ્લે ‘પથિક’ સામયિકમાં ‘સ્થળકાળના પિંજરમાંથી’ શીર્ષક તળે પોતાના ઇતિહાસ સંશોધનની કેફિયત પણ આપેલી. આવું નક્કર અને દિશાસૂચક લેખન એમનું રહ્યું.

નિવૃત્તિ પછી તેઓ સેમિનારો વગેરેમાં જવાનું પણ ટાળતા. તેમના ઇતિહાસદર્શન અને આજના ઇતિહાસવાળાની જમાત વચ્ચે રહેલી ઊંડી ખાઈ તેના માટે જવાબદાર હોઈ શકે ! તેમનાં શોધપત્રો, વ્યાખ્યાનોમાં એક વાત અવશ્ય કહેતા કે ‘વ્યક્તિનો ‘સ્વ’ સાથેનો સંબંધ, વ્યક્તિનો ‘સમાજ’ સાથેનો સંબંધ, અને વ્યક્તિનો ‘પ્રકૃતિ’ સાથેનો સંબંધ અને આ પારસ્પરિક સંબંધો અને સમય અને સ્થાન પરિપ્રેક્ષ્યમાં ઇતિહાસનું નિર્માણ થાય છે. તેઓ ઇતિહાસને સમાજવિજ્ઞાન અને એથી વધુ માનવવિદ્યાના  સંદર્ભે જોઈ-તપાસી બોલી અને લખી શકતા. અને એ સંદર્ભમાં તેઓ ગુજરાતના ઇતિહાસના અધ્યાપકોમાં બિનહરીફ હતા. આપણે તેમને ‘ફિલોસૉફર હિસ્ટોરિયન’ની કક્ષામાં મૂકી શકીએ. રાવલસાહેબ દુર્બોધ પણ ખાસ્સા, અક્ષયકુમાર દેસાઈની હરીફાઈમાં ઊતરે એવા, પણ એનું કારણ ઉપર કહ્યું તે.

શુદ્ધ ઇતિહાસ(?)ના સેમિનારોમાં જતાં કતરાતા રાવલસાહેબ આંતરશાસ્ત્રીય પરિસંવાદો, વ્યાખ્યાનોમાં અચૂક હાજર રહે. બસમાં અથડાતા-કુટાતા સાહિત્ય પરિષદ, એલ.ડી. ઇન્ડોલૉજી, વિશ્વકોષભવન, ગુજરાત વિદ્યાસભા, એએમએમાં આવે. મને એમની ચાલવાની સ્ટાઇલ પણ બેહદ પસંદ હતી. અનુસ્નાતક કક્ષાની કૉલેજ, હૉસ્ટેલ આગળ રાવલસાહેબને ચાલતા જોયાં છે. એકધારું ખાસ્સું નીચું જોઈ ચાલ્યા પછી થોડીક જ વાર માટે માથું ઊંચું કરે, રાવલસાહેબને ખરા અર્થમાં ઓળખનારા એકીઅવાજે કહેશે, તેમણે કાયમ નીચી મૂંડીએ જ કામ કર્યું છે. અત્યારે આ લખી રહ્યો છું, ત્યારે દૃષ્ટિસમક્ષ રસ્તે ચાલતાં રાવલસાહેબ તરવરે છે, થાય છે કે બોલાવું ….

E-mail : arun.tribalhistory@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2017; પૃ. 14-15

Loading

...102030...3,4673,4683,4693,470...3,4803,4903,500...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved