Opinion Magazine
Number of visits: 9584724
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોદીના ભાઈબંધ જાદુગરે કંપની વધારવાની જગ્યાએ મૂંઝવણમાં વધારો કર્યો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|8 February 2017

હવે સમસ્યા એ થઈ છે કે પેલો અમેરિકન જાદુગર ખરેખર ૫૬ ઇંચનો સીનો ધરાવે છે અને ખરેખર પોતાને જાદુગર સમજે છે. જુમલાઓ ફેંકીને, ખેલ પાડીને, ઇવેન્ટો યોજીને, મીઠાં સપનાં વહેંચીને, જરૂર પડે તો જાહેરમાં બે ડૂસકાં ભરીને દિવસો ગબડાવતા જવાની અને સત્તાનો આનંદ લૂંટવાની જગ્યાએ પેલો તો ખરેખર એજન્ડા લઈને આવ્યો છે અને એજન્ડા લાગુ કરી રહ્યો છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સાથે કરવામાં આવે છે. હવે એમ લાગે છે કે વડા પ્રધાન ખુદ અને તેમના ભક્તો સરખામણી જોઈને પોરસાવા કરતાં ભોંઠપ તેમ જ મૂંઝવણ વધુ અનુભવતા હશે. ટ્રમ્પે સત્તા ગ્રહણ કરી છે એને પખવાડિયું માંડ થયું છે, પરંતુ તેમણે આવતાંની સાથે તરખાટ મચાવ્યો છે. ટ્રમ્પ જે વિચારે છે એ ખોટું છે, તેઓ આજની સ્થિતિનું જે નિદાન કરે છે એ ખોટું છે, તેઓ જે ઉપાય સૂચવે છે એ ખોટો છે, તેમની રીતભાત અને ભાષા અમેરિકન પ્રમુખને શોભે એવી નથી; આમ છતાં એટલું તો તેમના દુશ્મનોએ પણ કબૂલ કરવું પડશે કે તેઓ જે વિચારે છે એ કહે છે અને જે કહે છે એ કરે છે. ખરેખર ૫૬ ઇંચની છાતી આજે જગતમાં કોઈ ધરાવતું હોય તો એ ડોનલ્ડ ટ્રમ્પ છે. હવે પછી ટ્રોલ (સાઇબર સેલના ભાડૂતી ચારિત્ર્યહનન કરનારાઓ) અને ભક્તો નાની છાતીનું મહિમામંડન કરવા લાગે તો આશ્ચર્ય નહીં પામતા.

શું મેસેજ આપ્યો હતો ચૂંટણીપ્રચાર દરમ્યાન નરેન્દ્ર મોદીએ અને ડોનલ્ડ ટ્રમ્પે? આજની વિકટ સ્થિતિનું મેં ઊંડું આકલન કર્યું છે અને એનો સચોટ ઇલાજ મારી પાસે છે (અંગ્રેજીમાં કહીએ તો ઍનૅલિસિસ, વિઝન ઍન્ડ રોડમૅપ). એ ઇલાજને લાગુ કરવા માટે જરૂરી દૃઢ સંકલ્પ હું ધરાવું છું. આકલન, નિદાન, ઉપાય અને સંકલ્પ પછી જોઈએ હિંમત તો એ માત્ર મારામાં છે. સત્તાવાંછુઓ વચ્ચે સરખામણી કરી જુઓ અને કોને સત્તા આપવામાં તમારું ભવિષ્ય સુરક્ષિત તેમ જ ઉજ્જ્વળ છે એ વિચારી જુઓ. આવી દલીલ ૨૦૧૩-’૧૪ના વર્ષમાં નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન કરી હતી અને ડિટ્ટો એવી જ દલીલ ૨૦૧૫-’૧૬ના વર્ષમાં ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના પ્રચાર દરમ્યાન કરી હતી. ડિટ્ટો એટલે માત્ર શબ્દો જ નહીં, પોઝ તેમ જ બૉડી-લૅન્ગ્વેજ સહિત ડિટ્ટો અને એટલે તો નરેન્દ્ર મોદીની ટ્રમ્પ સાથે અને ટ્રમ્પની નરેન્દ્ર મોદી સાથે તુલના કરવામાં આવે છે. નરેન્દ્ર મોદી પછી ડોનલ્ડ ટ્રમ્પ પણ જાદુગર તરીકે કે દૈવી શક્તિ લઈને ધરતી પર અવતરેલા દેવદૂત તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

જગતમાં ૯૫ ટકા પ્રજા ઘેટાં જેવી હોય છે જે પોતાની બુદ્ધિથી વિચારતી નથી અને ગોવાળ કે ભરવાડ જેમ દોરવે એમ દોરવાય છે. આમાં ખૂબી એ છે કે દરેકને એમ લાગે છે કે તેનો સમાવેશ ૯૫ ટકામાં નથી થતો. આ જે સામૂહિક અને સાર્વત્રિક ભ્રમ છે એમાં માર્કેટિંગની સફળતાનું રહસ્ય છે. નેતાઓ, બાવાઓ અને ઉત્પાદકો આ સાર્વત્રિક ભ્રમનો લાભ લે છે. ૯૫ ટકા લોકો બેવકૂફ છે, પરંતુ મારો નિર્ણય બુદ્ધિપૂર્વકનો છે એમ તે માને છે અને પોતાના કહેવાતા બુદ્ધિપૂર્વકના નિર્ણયનો પ્રચાર કરે છે. બસ, આ જ તો નેતાઓને, બાવાઓને અને ઉત્પાદકોને જોઈએ છે. માર્કેટિંગવાળાઓ અને એનો લાભ લેનારાઓ પણ કહે છે કે બેટા તું જ એકમાત્ર આવતી કાલનું વિચારી શકનારો તેમ જ દૂરનું જોઈ શકનારો વિચક્ષણ છે અને બાકીના ૯૫ ટકા લોકો તો બેવકૂફ છે. જે લોકો કરવામાં આવતા દાવાઓને દલીલપૂર્વક પડકારે છે તેઓ દેશદ્રોહી કે ધર્મદ્રોહી છે.

ભારતમાં અને અમેરિકામાં ભાડૂતી ભરવાડોને રોકવામાં આવ્યા હતા જેનું કામ બુદ્ધિશાળી, વિચક્ષણ અને દેશપ્રેમી નાગરિકોને અન્યત્ર જતા કે ભટકતા રોકવાનું હતું. જન્નતનો માર્ગ અહીંથી અને માત્ર અહીંથી જ પસાર થાય છે અને જો અન્યત્ર જશો તો નરક હાથ લાગવાનું છે. ધર્મશાસ્ત્રો અને ધર્મગુરુઓ પણ આમ જ કહે છે. ઇલેક્ટ્રૉનિક મીડિયા અને સોશ્યલ મીડિયાના પ્રાદુર્ભાવ પછી લોકતાંત્રિક રાજકારણમાં ભરવાડો ભાડે રાખવાનું નવું પરિમાણ ઉમેરાયું છે, કારણ કે લોકતંત્રને પ્રચાર (માર્કેટિંગ) સાથે સીધો સંબંધ છે.

આઘાતજનક ડેવલપમેન્ટ એ હતું કે અમેરિકાની ચૂંટણીમાં રશિયન ભરવાડોએ કામ કર્યું હતું. અમેરિકાની જેની સાથે સાત દાયકા જૂની દુશ્મની છે એ દેશના ભરવાડોએ પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પને મદદરૂપ થવા ભાંગફોડ કરી હતી. એક સાર્વભૌમ રાષ્ટ્રની મુક્ત અને ન્યાયી ચૂંટણીમાં પારકો દેશ હસ્તક્ષેપ કરે એ ટ્રમ્પ અને રશિયન પ્રમુખની જાણકારી સાથે બન્યું હોય તો એ ગંભીર ઘટના હતી અને જો જાણકારી વગર બન્યું હોય તો વધુ ગંભીર બાબત હતી. ભાડૂતી ભરવાડો રોકીને માર્કેટિંગ કરવાની લોકતાંત્રિક બીમારીનો ઇલાજ નહીં શોધાય તો આવતી કાલે ભારતની ચૂંટણીમાં પાકિસ્તાની કે ચીની ભરવાડો રસ લેશે એ લખી રાખજો. તમે તેમના હાથમાં રમતા હશો અને ઉપરથી પાછા પોતાને ર્દીઘદૃષ્ટિ ધરાવનારા વિચક્ષણ પણ સમજતા હશો.

ખેર, પહેલાં ભારતમાં અને પછી અમેરિકામાં હાથમાં જાદુની છડી અને ૫૬ ઇંચનો સીનો ધરાવનારા જાદુગરો સત્તા સુધી પહોંચી ગયા. હવે સમસ્યા એ થઈ છે કે પેલો અમેરિકન જાદુગર ખરેખર ૫૬ ઇંચનો સીનો ધરાવે છે અને ખરેખર પોતાને જાદુગર સમજે છે. જુમલાઓ ફેંકીને, ખેલ પાડીને, ઇવેન્ટો યોજીને, મીઠાં સપનાં વહેંચીને, જરૂર પડે તો જાહેરમાં બે ડૂસકાં ભરીને દિવસો ગબડાવતા જવાની અને સત્તાનો આનંદ લૂંટવાની જગ્યાએ પેલો તો ખરેખર એજન્ડા લઈને આવ્યો છે અને એજન્ડા લાગુ કરી રહ્યો છે. તરખાટ તો આપણો જાદુગર પણ મચાવી શકે છે, પરંતુ એ માટે ગાંધીની કાવડની જગ્યાએ સાવરકરની કાવડ ઊંચકવા જેટલી હિંમત જોઈએ જે નરેન્દ્ર મોદીમાં નથી. નવ દાયકા દરમ્યાન સંઘે એટલી હિંમત દાખવી નથી ત્યાં નરેન્દ્ર મોદીની ક્યાં વાત કરવી! ટ્રમ્પને ઇમેજની ચિંતા નથી. તેઓ જે માને છે એ બોલે છે અને કરે છે. ખરેખર મરદનો દીકરો છે. નરેન્દ્ર મોદીના ભાઈબંધ જાદુગરે કંપની વધારવાની જગ્યાએ મૂંઝવણમાં વધારો કર્યો છે, નહીં?

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામની લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 ફેબ્રુઆરી 2017

Loading

વીસમી સદીની વિચારધારાઓને અલવિદા

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|7 February 2017

સામ્યવાદ હોય કે મૂડીવાદ, આખરે વાદ પ્રમાણે દેશ ચાલતો નથી, દેશ પ્રમાણે વાદ ઊભા થાય છે

માનવ ઇતિહાસમાં સદીઓ સુધી લોકો ધાર્મિક, સામ્રાજ્ય સંબંધિત કે મર્યાદિત પ્રાદેશિક ઓળખ ધરાવતા હતા. ભારતની વાત કરીએ તો, રામાયણ-મહાભારત જેવાં મહાકાવ્યો થકી જુદા જુદા પ્રજાસમૂહો વચ્ચે સાંસ્કૃિતક જોડાણ ઊભું થયું હતું, પણ તે જોડાણમાં રહેલી ભાવના રાષ્ટ્રભાવના કરતાં જુદી અને ધાર્મિક ભાવનાથી વધારે નજીક હતી. ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મોમાં પણ ભૌગોલિક એકતા અને તેની વફાદારીને બદલે ધાર્મિક ઓળખની અને તેના આધારિત એકતાની બોલબાલા હતી. અઢારમી સદીથી યુરોપમાં રાષ્ટ્રનું ભૌગોલિક એકમ, તેના પ્રત્યેની વફાદારી-ભક્તિ અને અંગત હિત કરતાં રાષ્ટ્રહિતને ચડિયાતું ગણવાનો આદર્શ પેદા થયાં. યુરોપનો રાષ્ટ્રવાદ (નેશનલિઝમ) 19મી-20મી સદીમાં એશિયામાં પણ આવ્યો. કવિઓ-લેખકો-આગેવાનોએ તેને અપનાવ્યો, એટલું જ નહીં, તેને ભૂતકાળના ઇતિહાસમાં લાગુ પાડ્યો. એટલે કે ભૂતકાળના ઇતિહાસને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાના વર્તમાન માળખામાં બેસાડીને રજૂ કર્યો. ગુલામીની બેડીમાં જકડાયેલા દેશોના થોડા લોકોને રાષ્ટ્ર માટે ન્યોચ્છાવર થવામાં જીવનની સાર્થકતા જણાવા લાગી.

રાષ્ટ્રવાદની આ લાગણીમાં બીજી વિચારધારાઓ પાંગરવા માટે પ્રતિકૂળતા નહીં, બલકે ઘણી વાર અનુકૂળતા હતી. માટે, વીસમી સદીમાં જોવા મળેલી સામ્યવાદ, ફાસીવાદ, નાઝીવાદ, ગાંધીવાદ, સમાજવાદ જેવી અનેક વિચારધારાઓ કે રાજકીય વાદો રાષ્ટ્રવાદના છત્ર નીચે પાંગરી. તેમાંથી કેટલાકે રાષ્ટ્રવાદને વિકૃતિ સ્વરૂપ આપવામાં – તેને બદનામ કરવામાં મોટો ફાળો આપ્યો. જેમ કે, લાખો યહૂદીઓની ઠંડા કલેજે હત્યા કરનારા હિટલરનો નાઝીવાદ એ વખતે જર્મનીના બહુમતી લોકોના રાષ્ટ્રવાદને પૂરક હતો. વીસમી સદીના બીજા દાયકામાં રશિયાની ઝારશાહીને લોહિયાળ ક્રાંતિ દ્વારા દૂર કરીને રશિયામાં સામ્યવાદ સ્થપાયો. તેણે વીસમી સદીના મોટા હિસ્સા પર અને દુનિયાના ઘણા દેશો પર પોતાની અસર પાડી. વીસમી સદીના અંત ભાગમાં સોવિયેત રશિયાના વિઘટનથી સામ્યવાદનાં વળતાં પાણી થયાં. ત્યાર પહેલાં ચીન સામ્યવાદ અને મૂડીવાદના વિચિત્ર મિશ્રણ જેવું આર્થિક-રાજકીય મોડેલ અપનાવી ચૂક્યું હતું, જેમાં એક જ પક્ષ (સામ્યવાદી પક્ષ) પાસે સત્તા હોય. ચીની સરકાર રશિયાના સામ્યવાદની જેમ લોખંડી સકંજો ધરાવતી હતી અને મૂડીવાદી કંપનીઓની જેમ ધંધાદારી હતી.

સામ્યવાદીઓની સરખામણીમાં સમાજવાદીઓ આત્યંતિકતાથી દૂર અને મિજાજની રીતે વધારે લોકશાહીવાદી હતા. પણ તેમને તોડફોડ-હિંસાનો બાધ ન હતો. તે રાજ્યના હાથમાં બધી મિલકત રહે તેને બદલે, મિલકતની સમાન ધોરણે ફેરવહેંચણી થાય તેમાં માનતા હતા. ભારતમાં ગાંધીજીએ બધા વાદોથી અલગ પોતાનો ચીલો ચાતર્યો. તેમના અનુયાયીઓએ તેને ‘ગાંધીવાદ’ નામ આપ્યું. વર્તમાન ભારત સરકારે જેમ સ્વચ્છતા જેવી નિર્દોષ બાબતને ગાંધીવાદ તરીકે ખપાવી દીધી છે, તેમ જૂના વખતના ઘણા ગાંધીવાદી આગેવાનોએ દંભી સાદગી, ખાદીનો દૂરાગ્રહ અને દંભી બ્રહ્મચર્યને ગાંધીવાદનો પર્યાય બનાવી દીધા. સ્વાવલંબન, તેમાંથી પેદા થતી રોજગારી, તેમાંથી નીપજતું ગ્રામસ્વરાજ, ગામડાંને જ્ઞાતિવાદથી ખદબદતાં બનાવતી અસ્પૃશ્યતાનો વિરોધ, હિંદુ-મુસ્લિમ એકતા પર ભાર, સાધનશુદ્ધિ, જાહેર જીવનમાં મહિલાઓની સક્રિય સામેલગીરી … આ બધાં ગાંધીજીનાં – અથવા કહો કે, ગાંધીવાદનાં – પ્રમુખ લક્ષણ ગણાય, પરંતુ એવા ગાંધીવાદના લેવાલ ઓછા જ રહ્યા – અને એ પણ સરકારી સ્તરે તો નહીં જ.

મૂડીવાદી ગણાતા અમેરિકામાં રૂઢિચુસ્ત અને પ્રગતિશીલ પરિબળો વચ્ચેનો સંઘર્ષ મુખ્ય રહ્યો. બે રાજકીય પક્ષો પણ એ આધારે વહેંચાયેલા રહ્યા. જેમ કે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી (GOP) તરીકે ઓળખાતા રિપબ્લિકન પાર્ટીના સરેરશ સભ્યો સજાતીય લગ્નો, ગ્લોબલ વોર્મિંગ, ઉત્ક્રાંતિવાદ વગેરેનો વિરોધ કરતાં હોય, જ્યારે સરેરાશ ડેમોક્રેટ્સનો આ બાબતો પ્રત્યેનો અભિગમ નવા જમાના પ્રમાણેનો હોય. રૂઢિચુસ્તોમાં પણ વળી જે એકદમ આત્યંતિક હોય તેવું જૂથ દસેક વર્ષ પહેલાં ‘ટી પાર્ટી’ તરીકે ઓળખાતું હતું. આ ‘ટી પાર્ટી’ના મુખિયા હોઈ શકે એવા ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક તો ઠીક, રિપબ્લિકન પક્ષના હરીફોને પણ મહાત કરીને, અમેરિકાનું પ્રમુખપદું મેળવી લીધું. તેમનો દાવો છે કે તે ‘અમેરિકા ફર્સ્ટ’માં માને છે. આ અભિવ્યક્તિ મૂડીવાદ-મુક્ત બજાર સાથે સુસંગત હોય કે ન હોય, તેની ટ્રમ્પને પરવા નથી. આખરે વાદ પ્રમાણે દેશ ચાલતો નથી, દેશ પ્રમાણે વાદ ઊભા થાય છેે.

ભારતમાં જવાહરલાલ નેહરુએ અમેરિકાને બદલે રશિયાનું આર્થિક મોડેલ અપનાવ્યું. પોતાના સમાજવાદી-આદર્શવાદી ખયાલોને કારણે, 1930ના દાયકાથી કૉંગ્રેસમાં અલગ ચોકો ધરાવતો થયેલો સમાજવાદ નહેરુના જમાનામાં ચરમ સીમાએ પહોંચ્યો. હિંદી પટ્ટાના ઘણા વર્તમાન નેતાઓ લોહિયા-જયપ્રકાશ જેવા સમાજવાદી નેતાઓનાં આંદોલનોની નીપજ છે, પરંતુ તેમને સમાજવાદના હાર્દ કે તેના સિદ્ધાંત સાથે એટલી જ લેવાદેવા છે, જેટલી (પેલા પ્રખ્યાત અવતરણ પ્રમાણે) માછલીને સાયકલ સાથે હોય. ભારતના સ્વતંત્રતા આંદોલનના અગ્રસ્થાને ગાંધીજી રહ્યા અને તેમના અનુયાયીઓએ સરકાર બનાવી, છતાં સત્તાવાર ઢબે ભારતને ગાંધીવાદ સાથે — તેનાં મૂળભૂત તત્ત્વો સાથે કશી લેવાદેવા ન રહી. પંડિત નેહરુએ સોવિયેત આર્થિક મોડેલ પ્રમાણે દેશને દોર્યો. તેમાં જાહેર સાહસો તરીકે ઓળખાતી મોટી કંપનીઓ સરકારની માલિકીની રહી અને ખાનગી ઉદ્યોગોને – મુક્ત બજારને – સ્પર્ધાને પ્રોત્સાહન આપવામાં આવ્યું નહીં. ઇંદિરા ગાંધીએ જૂની આર્થિક નીતિઓ અને સમાજવાદનો દંભી અમલ આગળ વધાર્યાં.

સોવિયેત રશિયાના વિઘટન પછી સામ્યવાદની ખોખલી દીવાદાંડી આખરે ધ્વસ્ત થઈ. ભારતને આર્થિક ઉદારીકરણ માટે અર્થતંત્રના ભીડાયેલા દરવાજા ખોલવાની ફરજ પડી. સામ્યવાદના પતન પછી અમેરિકાના મોડેલની સર્વોપરિતા સ્થાપિત થયાનું ગણી લેવાયું, પરંતુ એક-દોઢ દાયકામાં અમેરિકાનું મોડેલ પણ પડી ભાંગ્યું. 2008ની મંદી અને પરદેશની ભૂમિ પર આક્રમણો કરીને વહોરેલી દેવાદારીને લીધે અમેરિકાનો સુપરપાવર વૈશ્વિક સ્તરે નબળો બન્યો. મુક્ત બજારમાં ગુણવત્તા અને ભાવની સ્પર્ધાથી સૌ સારાં વાનાં થશે, એવી મુક્ત બજારવાદીઓની આશા ફળી નથી. આર્થિક અસમાનતામાં થતો વધારો – અને આઈ.ટી.ની શોધો પછી, મર્યાદિત ક્ષેત્રોને બાદ કરતાં વધતી જતી બેરોજગારી, એ બધી વિચારધારાઓને વળોટીને સામે આવી ઊભેલા સવાલ છે. તેના જવાબમાં ફરી કટ્ટર રાષ્ટ્રવાદ, પ્રોટેક્શનિઝમ (ખુલ્લાપણાના ભોગે દેશનાં આર્થિક હિતોના રક્ષણનો દાવો) અને બધી સમસ્યાઓનો ટોપલો એકાદ પરાયા જનસમૂહ(‘ધ અધર’)ના માથે ઢોળવાની બોલબાલા ભારત-અમેરિકા જેવી લોકશાહીમાં પણ વધી રહી છે. આ વિશ્વવ્યવસ્થામાં વીસમી સદીના વાદો હવે દેખાડા પૂરતા પણ ઉપયોગી રહ્યા નથી અને અઢારમી સદીના યુરોપનો રાષ્ટ્રવાદ એકવીસમી સદીના મંચ પર ફરી મુખ્ય ભૂમિકામાં આવ્યો છે.

સૌજન્ય : ચલતી કા નામ ગાડી’, “દિવ્ય ભાસ્કર”, 07 ફેબ્રુઆરી 2017

Loading

ખાનાબદોશી: આંખોમાં વિઝા અને સપનાંની સરહદો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 February 2017

અંગ્રેજી શબ્દ માઇગ્રેશનનો પર્યાયવાચી શબ્દ યાત્રા અથવા યાયાવરી અથવા ખાનાબદોશી અથવા દેશાંતર થાય છે. માનવજીવનની જે કેટલીક નૈસર્ગિક ખૂબસૂરતીઓ છે તે પૈકીની એક આ માઇગ્રેશન અથવા યાયાવરી છે. એનો એક નાનકડો પહેલુ આ શબ્દમાં જ છે. સંસ્કૃત ધાતુ ‘યા’નો અર્થ થાય છે જવું, પસાર થવું અથવા પ્રયાણ કરવું. યા ઉપરથી યાત્રા બને છે અને યાત્રા પરથી યાયાવર. ‘જીવન ચલાયમાન છે’ એ અથવા ‘પરિવર્તન એ પ્રકૃતિનો ક્રમ છે’ તે બંને વિધાનોમાં યાયાવરીનો ભાવ નિહિત છે. પ્રકૃતિમાં રહેતાં પશુ-પંખી અને માનવજીવ યાયાવરી કહેવાયાં છે.  યાયાવરી એટલે એક સ્થાનેથી બીજા સ્થાને પ્રયાણ કરવું તે.

હિન્દી યાતાયાત અથવા અંગ્રેજી ટ્રાન્સપોર્ટમાં પણ આ યાયાવરીનો જ ભાવ છે. લેટિનમાં ફરવા માટે, ટ્રાન્સપોર્ટ માટે મિગ્રો શબ્દ છે, તેના ઉપરથી પશુ-પંખી કે માણસોના સ્થળાંતર માટે માઇગ્રેશન શબ્દ આવ્યો છે. માઇગ્રેશન એ માણસની આદિમ પ્રવૃત્તિ છે. આદિ માણસ લગભગ 100 કરોડ વર્ષોથી દેશાંતર કરતો રહ્યો છે, જ્યારે એણે પહેલીવાર આફ્રિકામાંથી યુરોશિયામાં સ્થળાંતર શરૂ કર્યું હતું. અમેરિકામાં 20 હજાર વર્ષ પૂર્વે માઇગ્રેશન શરૂ થયું હતું, અને 2 હજાર વર્ષ પૂર્વે પ્રશાંત મહાસાગરના તમામ દ્વીપો (જેમાં અમેરિકા એક છે) માણસોથી ભરાઇ ગયા હતા.

ગયા સપ્તાહે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રએ 7 દેશોના મુસ્લિમો ઉપર અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો તે સાથે માણસની ખાનાબદોશીની કહાનીએ, છાપાળવી ભાષામાં કહીએ તો, એક વર્તુળ પૂરું કર્યું છે. અમેરિકાના પ્રતિબંધના પગલે ઇરાને અમેરિકનોના ઇરાન પ્રવેશ પર મનાઇ ફરમાવવાની ધમકી આપી છે. ઇરાને કહ્યું છે કે અમેરિકાએ સામે ચાલીને આતંકવાદીઓને ‘રમવા’ માટે ભેટ ધરી છે. પ્રતિબંધના બીજા જ દિવસે બે ઇરાકી મુસ્લિમો ન્યૂ યૉર્કની સ્થાનિક કોર્ટમાંથી મુસ્લિમો પરના પ્રતિબંધ ઉપર એવું કહીને કામચલાઉ મનાઇ હુકમ લઇ આવ્યા કે આ પ્રતિબંધથી અમેરિકન સંવિધાને આપેલી જીવન અને આઝાદીની રક્ષાની ખાતરીનો ભંગ થાય છે.

અમેરિકન સિવિલ લિબર્ટી યુનિયને અને કાઉન્સિલ ઓન અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સે ટ્રમ્પની સરકાર સામે નાગરિકોના મુક્ત સ્થળાંતરના સંવિધાનિક અધિકાર ભંગ બદલ અદાલતમાં દાવો માંડવાની તૈયારી કરી છે. મુસ્લિમોના માઇગ્રેશન પર પ્રતિબંધ હોવો જોઇએ કે ન હોવો જોઇએ એની બે અંતિમ ચર્ચાઓ વચ્ચે માનવ જાતના કથિત વિકાસની ટ્રેજેડી એ હકીકતમાં છે કે ઇશુ પછીની ત્રીજી સદીમાં રોમન સામ્રાજ્ય હેઠળ યુરોપમાં પહેલીવાર કૃષિ-ગુલામો પર પ્રતિબંધ મુકાયા તે પછી વિઝા નિયમો, સરહદો પર કાંટાળી વાડ અને હવે દીવાલો ચણવાની વાતો વચ્ચે માણસના માઇગ્રેશનના વળતાં પગલાં શરૂ થયાં છે.

મેક્સિકોની સરહદે દીવાલ ચણવાની કે માઇગ્રેશન નિયંત્રણો મૂકવાની ટ્રમ્પની યોજના ઉપર આપણે ભલે રોકકળ કરીએ પરંતુ તાત્ત્વિક રીતે સરહદ, દીવાલ કે વિઝા વચ્ચે કોઇ ભેદ નથી. જેવી રીતે પશુ-પંખી કે આદિ માનવ ખોરાકની કે આરામદાયક રહેઠાણની તલાશમાં દેશાંતર કરતાં રહ્યાં હતાં તેવી જ રીતે આધુનિક જગતના વંચિત લોકો સમૃદ્ધ દેશમાં સ્થળાંતર કરતા રહ્યા છે. વિશ્વ બેન્કના એક અભ્યાસ પ્રમાણે સંસારમાં આજે 100 કરોડ જેટલા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખાનાબદોશી છે.

200 કરોડ જેટલા લોકો રોજના અઢીસો રૂપિયા ઉપર જીવે છે. માની લો કે તમે આ 200 કરોડ લોકો પૈકીના એક છો અને બહેતર જીવનની તલાશમાં અમેરિકા કે યુરોપમાં જવા ઇચ્છો છો. 1600મી સદીમાં અમેરિકામાં જવાનું એટલું જ આસાન હતું જેટલું એક રસ્તા પરથી બીજા રસ્તા પર જવાનું. આજે? આજે ત્યાં જવા માટે વર્ક કે પરમેનન્ટ વિઝા જોઇએ. એ વિઝા માટે અમેરિકામાં તમારી લોહીની સગાઇ હોવી જોઇએ, અથવા તમારામાં ચકચકતું કૌશલ હોવું જોઇએ. આવું કશું ન હોય અને છતાં ય અમેરિકા જતા વિમાનમાં બેસવું હોય તો તમારે એ સાબિતી આપવી પડે કે તમે ત્યાં નહીં રહી જાવ અને પાછા સ્વદેશ આવશો.

વધતા ઓછા અંશે તમામ સમૃદ્ધ દેશમાં વિઝાની આવી દીવાલો છે જેને લાંઘવાનું ગરીબ દેશોના 100 કરોડ લોકો માટે આસાન નથી, અને આવતાં 40 વર્ષમાં આ સંખ્યા ડબલ થવાની ધારણા છે. 21મી સદી એટલા માટે જ ખાનાબદોશીની સદી ગણાય છે, અને સરહદો પર દેખીતી કે ન દેખીતી દીવાલો ચણવાની ‘જરૂરિયાત’ એક પછી એક ઘણા દેશોમાં ઉદ્દભવી રહી છે. છેલ્લાં 20 વર્ષમાં જ, વિશેષ કરીને 2001માં ન્યૂ યૉર્કમાં આતંકી હુમલા પછી, દુનિયામાં જાત-ભાતની અનેક નવી ‘દીવાલો’, ઇલેક્ટ્રિક કે કાંટાળી વાડ, નજરબંધ કરવાના સેન્ટર, બાયોમેટ્રિક્સ પાસપોર્ટ, ડેટાબેઝ અને સિક્યુરિટી ચેકપોસ્ટ ઊભાં થઇ ગયાં છે.

એક તરફ માણસોની વિના રોકટોક અવરજવરનો હિમાયતી વર્ગ છે ત્યારે બીજી તરફ આવી અવરજવર પર સખત પાબંધી મૂકવાવાળો વર્ગ મોટો થઇ રહ્યો છે. અમેરિકામાં 62 પ્રતિશત લોકો એમની દક્ષિણ સરહદે દીવાલ બનાવવાના વિરોધમાં છે, પરંતુ બાકીના લોકોનો સહમતીનો સૂર પણ મોટો થઇ રહ્યો છે. અમેરિકામાં મેક્સિકન ખાનાબદોશોના આક્રમણનો ‘ભય’ તોળાઇ રહ્યો છે. યુરોપમાં, રોમના બાર્બેરિયનોની જેમ, સીરિયન રેફ્યુઝીઓ ‘દરવાજા’ ખખડાવી રહ્યા છે. ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ચૂંટણીની ફેવરાઇટ મરિન લે પેને એવી ભવિષ્યવાણી ભાખી છે કે 4થી સદીમાં બાર્બેરિયનોના ધાડાએ ફ્રાન્સની જે હાલત કરી હતી તેવી સ્થિતિ ફરી આવી રહી છે. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ડોનાલ્ડ ટસ્કે પણ ‘રેફ્યુઝીઓના સૈલાબ’ની ચેતવણી ઉચ્ચારી છે.

અમેરિકા ખાનાબદોશનો દેશ કહેવાય છે. અમેરિકામાં પહેલું સ્થળાંતર ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડથી થયું હતું. 1924માં અહીં પહેલીવાર ઇમિગ્રેશન જાતિ આવી હતી. અમેરિકાના 35મા રાષ્ટ્રપ્રમુખ જ્હોન કેનેડીએ અ નેશન ઑફ ઇમિગ્રંટ્સ નામની ચોપડી લખી હતી. એના 45મા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘અમેરિકા ફર્સ્ટ’ની જાહેરાત કરીને એ લેબલ દૂર કરવાનું નક્કી કર્યું છે. સમૃદ્ધિ અને વિકાસની સાથે સાથે નિવાસીઓ અને પ્રવાસીઓ વચ્ચેનું અસંતુલન પણ એની ચોટી પર પહોંચ્યું છે. એક સમયે બંધ સરહદો એ માનવ જાતની સૌથી મોટી નૈતિક ત્રુટિ ગણાતી હતી. આજે, સૌથી મોટી આર્થિક આઝાદી હોવા છતાં, ખુલ્લી સરહદો માનવ જાત સામે સૌથી મોટો ખતરો બની ગઇ છે.

સમૃદ્ધ દેશો એમની સરહદો ખોલવા ઇન્કાર કરી રહ્યા છે. એની પેલે પાર માણસોના એક સૈલાબની આંખોમાં‘નો વિઝા’નાં બોર્ડ લટકી રહ્યાં છે, અને એનાં સપનાંની સરહદો સંકોચાઇ રહી છે.

ગુલઝારની સરખામણીમાં ફ્રેન્ચ ચિંતક રુસો કદાચ વધુ ‘વ્યવહારુ’ હતો, જેણે કહ્યું હતું ‘માણસ આઝાદ જન્મે છે, પણ એ સર્વત્ર બંદી છે.’

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 05 ફેબ્રુઆરી 2017

Loading

...102030...3,4543,4553,4563,457...3,4603,4703,480...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved