Opinion Magazine
Number of visits: 9688306
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બેન, હું તો એક સાધારણ ઔરત

આશા બૂચ|Opinion - Opinion|12 June 2017

"બે'ન, હું તો એક સાધારણ ઔરત."

આ વિધાન છે એક મહિલાનું કે જેને હું દર અઠવાડિયે, એક દિવસ, ફોન કરું છું.

છેલ્લા ચારેક વર્ષથી બ્રિટનની ‘સિલ્વર લાઈન’માં વોલન્ટિયર તરીકે કામ કરું છું. એસ્થર રાન્ટ્ઝન – આ દેશની એક જાણીતી હસ્તી, કે જેણે નાના બાળકો પર થતા અન્યાય અને અત્યાચારને વાચા મળે તે માટે ‘ચાઈલ્ડ લાઈન’ શરૂ કરેલી. આ ‘સિલ્વર લાઈન’ પણ તેમનું જ સર્જન છે. આવાં ટેલિવિઝન પ્રેઝન્ટર તરીકેની સફળ કારકિર્દી ધરાવનાર સન્નારીના પતિનું અવસાન થયા બાદ ખુદને એક પ્રેમાળ કુટુંબ હોવા છતાં તેઓ એકદમ એકલતાનો અનુભવ કરવા લાગ્યાં અને એસ્થરને વિચાર આવ્યો કે જેઓને પોતાનાં સંતાનો નહીં હોય કે દૂરના સ્થળે રહેતાં હશે, જેમણે લગ્ન નહીં કર્યાં હોય કે કુટુંબમાં ખાસ કોઈ સંભાળ રાખનાર નહીં હોય, જેઓનું સ્વાસ્થ્ય સારું ન હોવાને કારણે ઘરની બહાર નીકળીને પાસ પડોશ કે મિત્રો સાથે સંપર્ક રાખી નહીં શકતાં હોય તેમની શી હાલત થતી હશે? એકલા રહેવું અને એકલતા સાલવી એ પરિસ્થિતિમાં ફરક છે.

એકલતાનો અનુભવ કરનારને ભૂખ ન લાગવી, સતત ડરનો અનુભવ થવો, કંટાળો આવવો, પોતાનું કોઈ નથી માટે આ જીવનનો કોઈ અર્થ નથી એવી લાગણીઓ થતી હોય છે જેને પરિણામે તેમનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધુ નબળું પડતું હોય છે.

‘સિલ્વર લાઈન’ના વોલન્ટિયર તરીકે અઠવાડિયે એક દિવસ આવા એકલતાનો ભોગ બનેલ સ્ત્રી-પુરુષો સાથે પંદર-વિસ મિનિટ વાત કરીને તેમની સાથે મૈત્રી કેળવવાનું કામ મને ઘણું રોચક લાગે  છે.

આજે જે મહિલાની વાત માંડવી છે તે દક્ષિણ ગુજરાતના સુરત પાસેના સંજાણ નામના એક નાનકડા ગામમાં જન્મેલાં. એમને આપણે રાઝિયા તરીકે ઓળખીશું (આ એમનું ખરું નામ નથી). શાળાકીય શિક્ષણને નામે એમની પાસે ખાસ કશું જમા નહોતું થયેલું. તેમનાં નાના-નાની પાસે બદામ, અંજીર વગેરેની વાડીઓ હતી એટલે ખાધે પીધે બહુ સુખી હતાં. ચૌદ વર્ષની ઉંમરે રાઝિયાનાં ફઈના દીકરા સાથે લગ્ન કરી દેવામાં આવ્યાં. જો કે પોતે માને છે કે આદમી અને ઔરત મોટાં થાય પછી પોતાની મરજીની વ્યક્તિ સાથે પરણે તે સુખી થાય. આ તો નાની ઉંમરમાં લગ્ન થાય તે જબરદસ્તી કહેવાય, તે સારું નહીં. લગ્ન પછી આઠ-નવ વર્ષ પતિ સાથે રહ્યાં તે દરમ્યાન ચાર સંતાનોને જન્મ આપ્યો. ત્રણ દીકરી અને એક દીકરો. રાઝિયા કહે, “અમારે દીકરા-દીકરીમાં કાંઈ ભેદ નહીં. જો કે બધી ધાર્મિક વિધિ મરદો જ કરે. તમે તો દીકરીને લક્ષ્મી માનોને? મારા વર યુનાઇટેડ કિંગ્ડમ આવ્યા અને પછી હું ચારથી અગિયાર વર્ષનાં ચાર બચ્ચાંને લઈને અહીં (યુ.કે) આવી. આજે એ વાતને 45 વર્ષ થયાં.”

પતિ કોઈ ફેક્ટરીમાં કામ કરતા અને તેઓ પોતે પણ કપડાં સીવવાની પેઢીમાં કામ કરતાં. થોડા સમય બાદ પતિ બીમાર રહેવા લાગ્યા. એ કોમના રિવાજ મુજબ રાઝિયાને પાડોશી, કુટુંબીઓ કે મિત્રો કોઈની સાથે હળવા મળવાની છૂટ નહોતી એટલે જીવતે જીવત કબ્રસ્તાનમાં રહેતાં હોય તેવું લાગતું. આ બધો ગમ દિલમાં લઈને અલ્લાહની બંદગી કર્યા કરે. 26 વર્ષ પહેલાં પતિનું અવસાન થયું. ચારે ય સંતાનોને ભણાવ્યાં અને પરણાવ્યાં, પણ કમનસીબે એક પણ સંતાન તેમની સાથે સંબંધ નથી રાખતા. જ્યારે મેં રાઝિયા સાથે વાત કરવાની શરૂઆત કરી, ત્યારે હંમેશ પોતાની પુત્રવધૂ અને જમાઈની બદદાનત અને ગેર વર્તણૂકની વાતો કરે અને તેમના પાડોશીઓ તેમને કઈ કઈ રીતે હેરાન કરે છે, તેની માંડીને વાતો કરતાં. રાઝિયાના મનમાં અશ્વેત અને શ્વેત લોકોની રહેણી કરણી માટે આદરનો અભાવ છે. ઘરની બહાર જવાનું ન બને, કોઈ સાથે વાતચીત ન થાય તેથી તેમની પાસે વાતોના વિષયોની મર્યાદા હોય તે સ્વાભાવિક છે. તેમના દિલમાં હતાશા, બીજા માટે અવિશ્વાસ અને નારાજગી ઘર કરી ગયેલી જણાઈ. સહુથી વધુ તો તેમને પોતાના વિષે ખાસ ઊંચો અભિપ્રાય ન હોવાને કારણે અન્યો પ્રત્યે પણ નકારાત્મક ભાવ પીડતો રહે. પરંતુ સમય જતાં પોતાના સંતાનો વિશેની ફરિયાદ ઘટી, પાડોશીઓની રંજાડ વિશેના ઉલ્લેખોનું સ્થાન પોતાના બાળપણની મીઠી યાદોએ લીધું.

હું ચાલાકીથી દર વખતે અલગ અલગ મુદ્દાઓ વિષે વાત છેડું. એક અશિક્ષિત એવી મહિલાના પ્રત્યાઘાતો જાણવા રસપ્રદ થશે. એક દિવસ મારાં આ નવાં મિત્ર કહે, “તમારી દિવાળી નજીક આવે છે ને? તમારાં રામ અને સીતાની વાર્તામાં આવે છે તેમ આદમીએ ઔરતની ઈજ્જત સાચવવી જોઈએ, મને એ વાતો બહુ ગમતી.” આ બધું ક્યાંથી જાણવા મળ્યું એમ પૂછવાથી કહ્યું કે ટેલિવિઝન, ફિલ્મો જોવાથી અને દેશમાં હતાં ત્યારે ઘરના લોકો તથા પાસ પાડોશીઓ પાસેથી સાંભળેલી વાતો પરથી ઘણું જાણવા મળતું.

‘સિલ્વર લાઈન’ની માર્ગદર્શિકાને અનુસરતી હોવાને કારણે આ એકાકી મહિલા પોતાનો આત્મ વિશ્વાસ પાછો મેળવે અને દેશ-દુનિયાના પ્રવાહો વિષે વાત કરીને ઘરના બંધ બારી-બારણાં ખોલી બાહ્ય જગત સાથે અનુસંધાન કરે, એ હેતુથી એક દિવસ મેં ‘દંગલ’ ફિલ્મમાંની કથાની વાત કરી અને મલાલાનું પુસ્તક વાંચું છું તેના પરથી ઇસ્લામ ધર્મ અને સ્ત્રી શિક્ષણ, સ્વાધીનતા અને કુરિવાજોની ચર્ચા કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે રાઝિયાના વિચારો કંઈક ઉદાર મતના છે. અચાનક ભારતના રાજકારણ વિષે તેમણે વાત ઉપાડી અને કહ્યું, “આજની સરકાર આપણા ગુજરાતીની છે ને? એ તો આપણા ગાંધી બાપુનો દેશ, તો પછી આ હિન્દુ-મુસ્લિમ વચ્ચે દરાર વધે એવું કેમનું કરે, ભલા?”

મિડલ ઇસ્ટ, આફ્રિકન દેશો અને અન્ય દેશોમાંથી આવેલ લોકો તેમનાં પાડોશીઓ છે જેમના તરફથી થતી હેરાનગતિ અને પોતાની તબિયત વિશેની વાતો કર્યા બાદ રાઝિયાએ જાતે જ કુરાનમાં લખેલ કેટલાક ઉસૂલોની વાત કરી. કહે, “ઇન્સાન બધા સરખા, બધા અલ્લાહના બંદા, તો પોતાના પરાયાનો ભેદ કરીને ઝઘડવું કે મારવું એ તેના હુકમની ખિલાફ, મને ન ગમે.” એમ તો રાઝિયાનો એવો દાવો છે કે પોતે ભારતમાં રહેતાં એટલે ગુજરાતી તો એમની પોતાની જ ઝુબાન, પણ સાથે સાથે હિન્દી, મરાઠી અને બાંગ્લા પણ સમજતાં અને થોડી બોલી પણ લેતાં, વળી અરબી તો કુરાન પઢવાને કારણે જાણે જ. મુંબઈના તાબૂતને સોના-ચાંદી ચડાવે અને અજમેરની મીરા દાતારની દરગાહની વાતો કરતાં એકદમ ઉત્સાહમાં આવી ગયાં।.પછી કહે, “હું કુરાન પઢુને, ત્યારે ગીતા પઢીએ ત્યારે મળે તેવું સકૂન મળે.”

સામાન્ય રીતે એમ મનાય છે કે દરેકને ભાગે પડતું સુખ-દુઃખ ભોગવવું પડતું હોય છે, પણ કેટલાકને ભાગે દુઃખનો કટકો સુખના કટકા કરતાં ખાસ્સો મોટો હોય છે. સંતાનોએ મોં ફેરવી લીધા પછી સાલતી એકલતા ટાળી ન શકવાથી, રાઝિયાને મજબૂરી લાગે, પણ ઉપરવાળા પર ભરોસો રાખી એ લોકોને માફ કરે એટલે જીવ્યે જાય. હવે આ કેવી ફિલોસોફી? કોઈ અભ્યાસુ કે સિદ્ધ વ્યક્તિ જ આનો અમલ કરી શકે. મને કહે, “હું કોઈ પર નારાજ નથી થતી, ગલત કામ કરનારને અલ્લાહ હિસાબ કરીને ન્યાય કરશે. આપણે તો સમુન્દર જેવા થવું જોઈએ, ખરાબ વસ્તુ કિનારા પર ફેંકી દેવી, તો જ મોતી મળે.” એવું નથી કે ‘સિલ્વર લાઈન’ કોલર રાઝિયા સાથે માત્ર આવી ગંભીર વાતો જ થાય છે. ખુશ હોય તો ક્યારેક હિન્દી ફિલ્મનાં ગીતો અને સંવાદ બોલવા લાગે. કોઈ વખત ખીર, લાડુ, ભજિયાં, મેથીના લાડુ અને ચેવડો કેવા ભાવે એની યાદમાં સરી પડે. મેં આ એક વર્ષ દરમ્યાન નોંધ્યું કે આવી ઘરેલુ વાતો કરવાથી એમના અવાજમાં હતાશા દૂર થતી જતી હોવાનું અને હાસ્ય, મશ્કરી અને કટાક્ષ કરવાની તેમની આદત પાછી આવતી હોવાની સાબિતી મળવા લાગી, જે તેમના માનસિક સ્વાસ્થ્ય માટે સારી નિશાની છે.

જે માતા-પિતાને પોતાનાં જ સંતાનો તથા કુટુંબીજનો કોઈને કોઈ કારણસર તરછોડી જાય કે કાળજી ન કરે તેમના મનમાં પોતે તદ્દન નકામાં છે અને અન્યને મન તેમનું કોઈ મૂલ્ય નથી એવું માનવા લાગે અને તેથી કરીને તેમનો આત્મવિશ્વાસ સાવ શૂન્યવત્‌ બની જતો હોય છે. એવા સંયોગોમાં જીવન બોઝિલ લાગવા માંડે, કશી બાબતમાં રસ ન પડે અને પોતાની જાત માટે કાળજી લેવાનું કોઈ કારણ ન રહે. રાઝિયાની બાબતમાં કઇંક એવું જ બન્યું છે. આથી જ તો હું તેમની વાતો પરથી તેઓ કેવાં સમજુ છે, શાણાં છે, તેમને કેટલી બધી વાતોમાં રસ છે તેમ કહું જેથી કરીને તેઓ હતાશાની ગર્તામાંથી બહાર આવે. આ યુક્તિ સફળ થવા લાગી છે. દેશ છોડીને આવ્યાં બાદ, પાંચ વર્ષે, કુટુંબને મળવા ગયેલાં અને તે પછી માંડ ચાર-પાંચ વખત ભારત જઈ શક્યાં હોવા છતાં એ ધરતીની ખુશ્બુ, ત્યાંનો ખોરાક, લોકોનો માયાળુ સ્વભાવ અને સામાજિક રીત રિવાજોની વાત કરે ત્યારે ખુશ થઇ જાય. આ હમવતની રાઝિયાને વતનની યાદ સતાવે ત્યારે વરસાદની ઋતુ આવે, ખેડૂતો ધરુ કરે, દેશનાં શાક અને ફળો તાજાં હોય એટલે તેનો સ્વાદ બહુ સારો હોય એની વાતો કરે. ભારતના લોક મહેનતુ બહુ. ઘરની ચક્કીના પીસેલા લોટની રોટી મીઠ્ઠી લાગે. પોતે ચક્કી પીસતાં, અનાજ દળતાં એ બધું યાદ કરે. તેઓ આ દેશમાં આવ્યાં ત્યારે પોતાના ખાધા ખોરાકીની બધી વસ્તુઓ ન મળતી, હવે બધું મળે તે ગમે પણ તો ય વતન બહુ યાદ આવે. મને કહે, ચાલો આપણે બંને સાથે દેશ જઈએ. આમ, તેમને કોઈ પોતાનું છે એવો અહેસાસ થવા લાગ્યો છે.

ધીરે ધીરે રાઝિયા મને ઇસ્લામના ઉસુલો, તહેવારોની ઉજવણી અને રિવાજોની વાત પણ કરવા લાગ્યાં છે. કેમ કે ‘મને તમારી પાસેથી આજે ઘણું શીખવા મળ્યું’ તેમ હું કહું તેથી પોરસ ચડે જ ને? એક દિવસ મને કહે, “અરે બહેન, તમને ખબર છે, સાઉદી અરેબિયામાં મક્કા છે ને, ત્યાં લોક હજ કરવા જાય. રસુલલ્લા સૈયદ એ પથ્થર ઊંચકીને લાવેલા. કાબાને ફરતે બધા હજ કરનારા ચાલે; જેમ તમે મંદિરમાં દર્શન કરીને તેને ફરતે આંટો મારોને એમ જ. હજ કરે તે ઔરતને હાજિયાણી કહેવાય (હવે મને આ વિષે જરા પણ માહિતી નહોતી). જુઓની આ બધા દુઃખમાં અલ્લાહને યાદ કરે, સુખમાં નહીં, આપણે તો હર વખત યાદ કરવામાં માનીએ, નહીં?” આ વાત જાણે કોઈ એક શિક્ષિકા પોતાના વિદ્યાર્થીને કહે તે રીતે કહેવા લાગ્યાં. મેં કહ્યું, “તમે, આપણે તો હર વખત યાદ કરવામાં માનીએ નહીં?” એમ કેમ કહ્યું, આપણે ક્યાં સરખો ધર્મ પાળીએ છીએ? હવે એમનો જવાબ વાંચો, રાઝિયા કહે, “બહેન, આપણા મઝહબ જુદા પણ સંસ્કૃિત તો સરખી ને? આ જુઓની હું તો કેઉં કે શરીરમાંથી રૂહ જાય પછી આ બોક્સનું શું કામ? તો તમે પણ એમ જ કેવાના કે ની?” પછી અચાનક મને હું સ્વર્ગમાં માનું છું, કયામતમાં માનું છું વગેરે ગંભીર પ્રશ્નો પૂછ્યાં. મેં માનવ શરીર પંચ તત્વનું બનેલું છે, કેમ જન્મે અને મૃત્યુ પછી શરીરનું શું થાય એ જાણ્યા પછી સ્વર્ગ-નર્ક વિષે મારી માન્યતા અલગ છે, તેમ કહ્યું તો કહે, “તમે ભણેલા ની એટલે ચાલે, અમારે કુરાનમાં કહે તે સાચું.”

આમ અંગત કુટુંબીઓના બુરા વર્તાવ, પાડોશીઓની પજવણી અને પોતાની તબિયત વિશેની સતત ફરિયાદ કરનારી એક ‘અશિક્ષિત’ ગણાતી મહિલા ધીરે ધીરે વકરેલો આતંકવાદ, બ્રેકસીટ, સીરિયાના સંઘર્ષ વગેરે જેવા વિષયો પર બોલવા લાગ્યાં છે. મને કહે, “આ સરકાર આપણને મોંઘવારી વધે ત્યારે ખરચમાં ધ્યાન રાખવાનું કહે, પણ પોતે પગ પહોંચે તેટલી ચાદર  બિછાવે તો ગરીબને સહાય થાયને? અમારે તો વ્યાજ ખવાય પણ નહીં અને દેવાય પણ નહીં, જે કાંઈ મુનાફો થાય તે ગરીબોને આપી દેવો જોઈએ, પણ હવે એવું કોણ કરે છે? મને તો આ સરકાર વાલા બુરી વાત કરે તે પણ ના ગમે. આ જુઓ ઇન્ડિયામાં પેલો નવો મોટો માણસ આદિત્યનાથ છે તે કેવું બોલે છે? બે કોમના લોકોને જુદા ગણે અને તેની બુરાઈ કરે તે સારું કહેવાય? બધા ઇન્સાન જ છે અને દરેક કોમમાં સારા અને બુરા ઇન્સાન હોવાના વળી. આજે તો અંધેરી નગરી અને ચોપટ રાજા એવો ખેલ છે. આપણે તો પહેલાં આપણો ઈશ્વર સાચો અને બીજા આપણા મા-બાપ એમ માનીએ.”

બોલો હવે મારે એમને શું કહેવું? જ્યારે હવામાન અને પોતાની તબિયતની રામાયણ ન હોય ત્યારે રાઝિયા કોઈ હિન્દી ફિલ્મના સંવાદો બોલે, ગીતોની કડી ગાય અથવા પોતાના મઝહબની વાત કરે. એક દિવસની વાત, મને કહે, “આજે તમને ગમે એવી વાત કરું. તમે સૂરજને માનો ને? અમે પણ સૂરજને ખૂબ માનીએ. મહંમદ પયગંબરે સૂરજને નીચે ઉતારીને તેના તાપથી ગોશ્ત પકવી આપેલું. અલ્લાહે જે આપ્યું છે તે સાચવવાનું કામ આપણું (તેઓ પર્યાવરણની સંભાળ રાખવાનું કહેતાં હતાં). આ દુનિયાના બધા સવાલો બહુ બાળ બચ્ચાં થાય એટલે થયા છે. કેટલાં બાળબચ્ચાં કરવા તે આદમી અને ઔરતે નક્કી કરવાનું, ઓપરેશન કે બીજી વસ્તુ વાપરવી સારી નહીં, જાતે સમજવું જોઈએ. ઈન્દિરાબહેને કેવું કરેલું? એવું ના કરાય, બધાને સમજાવાય.”

લંડન અને માન્ચેસ્ટરમાં થયેલ આતંકી હુમલાઓની વાત કરીને વ્યથિત થતાં રાઝિયા કહે, “એવા માણસો બધાને પોતાના ગણે તો આવી કત્લ ન કરે, આ તો અલ્લાહનું નામ બદનામ કરે છે. કાલા હોય કે ગોરા, પણ બધાના દિલ તો સરખા હોય ને? આવા કમ અકલ વાળાને પૈસા આપીને કોઈના જાન લેવા કહે. ઘરકા ભેદી લંકા જાય એવું છે. કોઈનું ભલું ન કરી શકો તો બૂરું શા સારું કરવું? ખાડો ખોદે તે પડે, ઉપરવાળો બધું જુએ છે. કેટલાક માણસો તો છોકરીઓને ઉપાડીને લઇ જાય, બળાત્કાર કરે અને મારી પણ નાખે. બીજાની મા અને બહેનને પોતાની મા-બહેન ગણીએ તો ગુનાહ કેમ કરીએ? ગોરા લોક આપણને આ મુલ્કમાં કેટલી મદદ કરે છે? તેને માટે તો દુવા કરવી જોઈએ, એ લોકો આપણા રિશ્તેદાર નથી તો પણ કેવા સારા છે કે બીમારીમાં દવા આપે, ઘર આપે, તો એને તો વફાદાર રહેવું જ જોઈએ. જે મુલ્કમાં રહીએ તેના કાનૂન પાળવા જોઈએ. કોઈ મઝહબના લોક મુલકના કાનૂનથી પોતાના મઝહબનો કાનૂન જુદો હોય તેમ કહે તે તો બકવાસ છે.”

આમ સાવ અભણ એવી એક મહિલા, કે જેના સંતાનો તેનાથી મોં ફેરવીને નજીક રહેતા હોવા છતાં પોતાની ફરજ ચૂકી ગયાં હોવાથી સાવ એકાકી જીવન જીવે છે, તેનામાં કોઠા સૂઝ કેવી છે તેનો અહેસાસ તેની સાથેના અઠવાડિક વાર્તાલાપ પરથી થાય.

અત્યારે રમઝાન મહિનો ચાલે છે એટલે મેં તેને રમઝાન મુબારક કહ્યું, ત્યાં તો એકદમ દ્રવી જઈને બોલ્યાં, “તમે નજદીક હોતે તો તમને ઈદની દાવત આપતે (અહીં નોંધવું રહ્યું કે તેઓ જાતે રસોઈ નથી કરી શકતાં, દીકરી ભાણું આપી જાય તે ખાય છે), કંઈ નહીં, તમારે માટે દુવા કરીશ.” આવી પોતાની જાતને સાવ સાધારણ ઔરત માનતી સ્ત્રી પણ કહેવાતા આગેવાનો અને રાજકારણીઓ કરતાં પાયાની છતાં અસાધારણ આંતરસૂઝ ધરાવતી હોય એવું બને ખરું. અલ્લાહ તેને સલામત રાખે.

e.mail : 71abuch@gmail.com

Loading

‘અ’ ફોર આંદોલન, ‘બ’ ફોર બુલેટ, ‘ક’ ફોર કિસાન!’ સંજય છેલ

સંજય છેલ|Opinion - Opinion|11 June 2017

સાવ ખાલી અને બહુ ભરેલું પેટ અવાજ કરે જ! (છેલવાણી)

રોમન સમ્રાટ નીરોના અતિભ્રષ્ટ શાસનમાં લોકો ભૂખે મરતા હતા. ભ્રષ્ટાચારને કારણે જન્મેલ અરાજકતાવાળી હિંસાએ માઝામૂકેલી .. લોકો સડક પર ઊતરી આવીને બ્રેડનાં એક ટુકડા માટે ખૂનામરકી કરતાં હતાં .. આખું શાસનતંત્ર, રાજ્ય લગભગ ખત્મ થઇ ગયેલું. તેવામાં નફફટ નીરો મોટી મોટી પાર્ટીઓ, રથોની રેસ, નગ્નનૃત્યો, સંગીતના જલસા ગોઠવતો અને શહેરનાં મહાનુભાવો, લેખકો, કવિઓ, સમાજશાસ્ત્રીઓ, ચિત્રકારો અને શેઠિયાઓ નીરોનાં દરબારમાં બેશરમીથી જતાં અને આ બધું માણતાં! આવા પ્રજાવિદ્રોહના સમયમાં વહાણવટાનો મંત્રી નીરો પાસે આવ્યો અને કહ્યું, ‘સમ્રાટ, દેશમાં હાલત બહુ ખરાબ છે, અન્નનાં દાણાદાણા માટે લોકો મરી રહ્યાં છે’.

નીરોએ પૂછયું, ‘તો હું શું કરું?’

મંત્રી બોલ્યો, ‘પરદેશથી આયાત બંધ થઇ છે કારણ કે બંદરગાહ પર જહાજોને લૂંટવા લોકો તલવારો લઇને ઉભા છે. એવામાં આપણે માત્ર એક જ વહાણને લાંગરી શકીએ એવી જેમ તેમ મેં વ્યવસ્થા કરી છે. પણ સમસ્યા એ છે કે અત્યારે બે વહાણો કિનારા તરફ આવી રહ્યાં છે. એક વહાણમાં અનાજ છે અને બીજામાં મુલાયમ રેતી. એ રેતી જે ધોડાના રથોની રેસમાં મેદાનમાં પાથરવા માટે તમે મંગાવી છે. તો શું કરું? કોઇ એક જ વહાણને ઉતારી શકાય એમ છે. તો રેતીવાળાં વહાણને આવવા દઉં કે અનાજવાળાં વહાણને?’

નીરો હસ્યો અને કહ્યું ‘બેવકૂફ, તને મંત્રી કોણે બનાવ્યો કે આવો સવાલ પૂછે છે? અનાજનાં વહાણને લાવીને શું કરીશું?’

મંત્રી બોલ્યો, ‘..પણ પ્રજા ભૂખી છે!’

નીરોએ સમજાવ્યું, ‘અરે, પ્રજા ભૂખી છે એટલે અનાજ આપવાનું? ગાંડા, રેતીના વહાણને બોલાવ. એ મુલાયમ રેતીને સ્ટેિડયમમાં પાથરશું. ઘોડાની ખતરનાક રેસ થશે. લોકો હજારોની સંખ્યામાં આવશે. નાચશે કૂદશે. હર્ષોલ્લાસ કરશે અને ભૂખનું દુ:ખ ભૂલી જશે. પ્રજાને આવા તમાશાઓમાં રચ્યાપચ્યા રાખ, બીઝી રાખ!’

નીરો ખંધો રાજકારણી હતો. એ જાણતો હતો કે પ્રજાને અફીણ જોઇએ છે: ઉન્માદનું અફીણ, ઉત્સાહનું અફીણ, દુશ્મનો સામે વિજયનો નશો, નાનીમોટી ઉજવણીનો કૈફ! લોકોની માત્ર ભૂખ દૂર કરવાથી કાંઇ નહીં વળે, પણ એમને સુખની ભ્રાંતિ પણ આપવી પડશે.

આપણે ત્યાં પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં લાચાર ખેડૂતો આંદોલનો ભૂખ હડતાળો કરી રહ્યા હતા, પણ આપણા માટે એની કોઇ ખાસ ન્યૂઝ વેલ્યૂ નહોતી! હમણાં લંડનમાં રમાયેલ ભારત-પાક વન-ડે મેચના નશામાં આપણે ઘડીભર ભૂલી ગયાં સમાજના, દેશના પ્રશ્નોને. આપણાં ઘરોમાં કે હોટેલો કે બિયરબારોમાં ચારેકોર હતો એક રોમાંચ, ભારતમાતા કી જય, ટોળાંઓનાં હાથમાં ધજા, પાક-પ્લેયરો સામે જીતવાની મજા, બીયરની ખાલી બાટલીઓ, ચીખતી પોકારતી પીપૂડીઓ, ચહેરાં પર તિરંગાનાં નિશાનો સ્ટેિડયમની ચિચિયારીઓનાં કોરસગાનમાં આખો દેશ ડૂબી ગયો. હજી થોડા સમય પહેલાં જે પાકિસ્તાની કલાકારો કે ખેલાડીઓને ભારતમાં ના ઘૂસવા દેવા માટે સૌ દેશદાઝ દેખાડતા હતાં એ પાકિસ્તાનીઓની જ સામે રમાતી મેચ સૌ ચૂપચાપ માણી રહ્યાં હતાં!

કારણ? કારણ એ જ જેમ એક સંસ્કૃત સુભાષિત કહે છે કે લોકોને ઉત્સવ, તમાશા ગમે છે! ચેંપિયન ટ્રોફીની સિરીઝ ગઇ, હવે બીજી કોઇ સિરીઝ આવશે, પછી પંદરમી ઓગસ્ટ, પછી ગણેશોત્સવ, પછી નવરાત્રી, દિવાળી, ક્રિસમસ, ઇદ કે સરકારી ખેલાઓનાં અફીણમાં આપણે સૌ મસ્ત થઇ જશું! ખેડૂતની લાચારી હોય તો હોય – આપણે બધું આસાનીથી ભૂલી જઇએ છીએ! અને રાજકારણીઓને આની એ બરોબર ખબર છે. જેમ પેલા નીરોને ખબર હતી કે ભૂખ સાથે સુખનાં આભાસી ફૂડ પેકેટો મૂર્ખ જનતાને કઇ રીતે ફેંકતા રહેવું. ખેલ, ઉત્સવ, સરકારી તમાશાઓને લીધે ‘આપણું રાષ્ટ્ર જ મહાન છે’ એવા ખયાલોની હૂંફાળી બ્લેન્કેટ ઓઢીને આપણે સૌ ૬૮ વરસોથી સૂઇ જવાનું શીખી ગયાં છીએ. ગન અને સ્લોગનથી આપણે ખુશ છીએ!

ઇન્ટરવલ:

ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે,
ખંડેરની ભસ્મકણી ન લાધશે! (ઉમાશંકર જોષી)

મધ્યપ્રદેશના માંદસૌરમાં આદોલન કરતાં ખેડૂત પર પોલિસે ગોળી ચલાવી અને ૪ કે ૬ ખેડૂત ગુજરી ગયા! એક જમાનામાં ભારત ખેતીપ્રધાન દેશ હતો આજે બુલેટપ્રધાન છે! જે ખેડૂત આપણને સૌને કોળિયા ખવડાવે છે એને સરકારો ગોળી ખવડાવે છે! અને મધ્યપ્રદેશની સરકારે કહ્યું એ આંદોલનમાં અસામાજિક તત્ત્વો હતાં! કયા અસામાજિક તત્ત્વને ખેડૂત માટે લડવાની ઇચ્છા થાય એ રિસર્ચનો વિષય છે! શાસકોને કિસાન આંદોલનોમાં હમણાં વિપક્ષની સાઝિશ દેખાય છે કાલે કદાચ પાકિસ્તાનનો હાથ પણ દેખાઇ શકે! હમણાં થોડા સમય પહેલાં સાઉથના ખેડૂતો જંતરમંતર પર માથાનાં વાળ ઉતારીને કે પોતાનું પેશાબ પીને આંદોલન કરી રહ્યા હતા! અન્નદાતા કિસાન, અન્નજળ ત્યાગીને પોતાની જ સરકાર સામે લડે એવા લાચાર કલાઇમેકસની જરૂર શા માટે પડે છે? ક્યારેક ગન તો ક્યારેક સ્લોગનથી આપણે ચૂપ થઇ જઇએ છીએ!

શહેરના સ્વાર્થી મિડલક્સને આ બધાની કોઇ જ પડી નથી. એમને તો માત્ર લાંબા હાઇવે, મોટા ઉદ્યોગો અને સિમેંટ કોંક્રીટનો વિકાસ જ દેખાય છે. ‘ખેડૂતો તો ટેક્સ આપ્યાં વિના લાખો રૂપિયા કમાય છે’ – એવી ભ્રમણાંમાં મોટાભાગના લોકો રહે છે! અમુક સરકારી લેખકો તો ત્યાં સુધી લખવા પર ઊતરી આવ્યાં છે કે ખેડૂતો દારૂની આદત કે ઘરેલુ ઝગડા કે પેમલાપેમલીના પર્સનલ કારણે જ આત્મહત્યા કરે છે! ખેડૂત પરનું દેવું, એમની લાચારી વગેરે તો મીડિયાએ ફેલાવેલી મિથ છે! એવામાં હિંદી કવિ ‘ધૂમિલ’ની એક અજરામર કવિતા યાદ આવે છે-

‘એક આદમી હૈ જો રોટી બેલતા હૈ.
દૂસરા આદમી હૈ જો રોટી સેકતા હૈ.
એક તીસરા આદમી હૈ જો ના રોટી બેલતા હૈ ના હી સેકતા હૈ,
વો રોટી સે ખેલતા હૈ ..
વો તીસરા આદમી કૌન હૈ? મેરે દેશકી સંસદ મૌન હૈ!’

આ દેશની સંસદ એટલે માત્ર રાજકારણીઓ નહીં પણ આપણે સૌ, જેણે અત્યાર સુધીની સરકારો રચી છે!

ગુજરાતી સાહિત્યના ચેખોવ ગણાતા વાર્તાકાર ‘ધૂમકેતૂ’એ એમની પરાધિન ગુજરાત – નામની ઐતિહાસિક નવલકથામાં સુંદર ઘટના લખેલી કે રાજ્યને દુશ્મનોથી બચાવવા એક શૂરવીર ગુર્જર સ્ત્રી પતિની જોડે યુદ્ધમાં ઊતરે છે. રાજ્યનો રાજા મરી જાય છે, એ સ્ત્રીનો પતિ પણ શહીદ થાય છે. દુશ્મનો રાજ્યને કબજે કરી લે છે..પેલી સ્ત્રી તો બચી જાય છે અને એનાં પેટમાં બાળક છે. દુશ્મનોથી એ બાળકને બચાવવાં સ્ત્રી પોતાનું નામ-ઠામ-કામ-વેષ બદલીને જંગલોમાં છૂપાઇને બાળકને મોટું કરે છે. બાળક જ્યારે જુવાન થાય છે ત્યારે માતાને લાગવા માંડે છે કે એના દીકરામાં એક યોદ્ધાનાં સંતાનના હોય એવાં શૂરત્વનાં લક્ષણ નથી રહ્યાં. કદાચ એનાં ઉછેરને લીધે એને એ છોકરાંને એ વાતની જાણ નથી કે એ એક શૂરવીરનું સંતાન છે. એક દિવસ જુવાન દીકરાને ખૂબ આનંદ હસતો ગાતો જોઇને પેલી માતાથી રહેવાતું નથી અને પૂછી બેસે છે: ‘બેટા, તને ક્યારે ય સપનાં આવે છે?’ તો દીકરો કહે છે, ‘હાં, મા સપના તો સૌને આવે, મને ય આવે છે, રોજ રાત્રે આવે છે!’ ત્યારે માતાએ કહ્યું, ‘બેટા, રાતનાં સપનાં નહીં .. દિવસનાં સપનાં આવે છે કે નહિ? એની વાત કરું છું. દિવસે તને કોઇ વખત એમ થાય છે કે હું કોણ છું .. કોણ હોઇશ? મારે કેવો બનવું જોઇએ?’

દીકરાએ પૂછ્યું, ‘એટલે? કોઇને દિવસે સપનાં થોડા આવે? ના મા, મને દિવસે તો કોઇ સ્વપ્નાં નથી આવતા .. દિવસે તો આપણે જાગતાં જ હોઇએ છીએને!’

ત્યારે મા બોલી, ‘બેટા, જેને દિવસે સપનાં નથી આવતા, એવો જુવાન કાંઇ કરી શકતો નથી. જેને દિવસે સપનાં ના આવે એવી જુવાની વૃદ્ધાવસ્થા કરતાં ય વધારે નમાલી સમજવી.’

કદાચ આપણે સૌ ૧૨૦ કરોડ લોકોએ પણ હવે સમાનતાવાળાં સમાજના કે અન્યાય વિનાના વાતાવરણનાં કે આદર્શ લોકશાહીવાળા દેશ વિશે સ્વપ્નો જોવાનાં છોડી દીધાં છે!

એન્ડ ટાઇટલ્સ:

ઇવ: મૂરખ અને વિદ્વાનમાં શું સામાનતા છે?
આદમ: બેઉ એમ જ માને છે કે પોતે બધું જ જાણે છે!

સૌજન્ય : ‘મિજાજ મસ્તી’ નામક લેખકની કોલમ, ‘રવિવારસમય’ પૂર્તિ, “નવગુજરાત સમય”, 11 જૂન 2017

Loading

પ્રણોય રૉય આપણા યુગના રામનાથ ગોએન્કા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|11 June 2017

વો જો આપસે પહલે ઇસ સિંહાસન પર બૈઠા થા, ઉસે ભી યહી યકીન થા કિ વહ ખુદા હૈ

NDTVની, ખાસ કરીને NDTV હિન્દીની અને એમાં પણ રવીશ કુમારના પ્રાઇમ ટાઇમની TRP વધી રહી છે. આમાં રવીશ કુમારના પ્રાઇમ ટાઇમની TRP તો કૂદકે ને ભૂસકે વધી રહી છે. બન્યું છે એવું કે સાઇબર સેલે આક્રમક બનીને ટીવી-ચૅનલોના ન્યુઝરૂમનો કબજો લઈ લીધો અને ટીવી-ચૅનલોના માલિકોએ વેચાઈ જઈને ન્યુઝરૂમનો કબજો આપી દીધો એ પછીથી બુદ્ધિશાળી સમજદાર દર્શકો NDTV તરફ વળી રહ્યા છે

બહુ આશ્ચર્ય થયું કે આમ કેમ! NDTVના સ્થાપક ડૉ. પ્રણોય રૉય અને રાધિકા રૉયના ઘરે તેમ જ NDTVની ઑફિસો પર CBIએ રેઇડ પાડી એ પછી સોશ્યલ મીડિયા શાંત કેમ છે? અપેક્ષા એવી હતી અને ઇતિહાસ પણ એમ કહે છે કે જ્યારે પણ કેન્દ્ર સરકાર ભૂંડી લાગે એવી કોઈ ઘટના બને એટલે સોશ્યલ મીડિયા પર ભક્તોનું કટક ઊતરી આવે અને વિરોધ કરનારા લોકોને ગાળો આપવાનું શરૂ કરી દે. તેમના આક્ષેપોનું સાધારણીકરણ કરો તો આટલા આક્ષેપો જોવા મળશે : એક, વિરોધ કરનારાઓ દેશદ્રોહી છે. બે, તમે કૉન્ગ્રેસ વખતે ક્યાં હતા? ત્રણ, કાશ્મીરમાં જવાનો મરે છે એ વિશે કેમ કંઈ નથી બોલતા? ચાર, આ દેશમાં હિન્દુઓ બહુમતીમાં છે તો હિન્દુઓની તરફેણ કરવામાં આવે તો એમાં ખોટું શું છે? પાંચ, પાંચમી દલીલ આજ સુધી વાંચવા મળી નથી. તમે જો વાંચી હોય તો ધ્યાન દોરવા વિનંતી.

એ પછી ચારિત્ર્ય હનનનો, ગંદી ઇશારતોનો, પુરાવા વિનાના વાહિયાત આરોપોનો, ફોટોશૉપમાં મૉર્ફ કરવામાં આવેલી વીડિયો-ક્લિપોનો, કોઈકના અવાજમાં કોઈક બોલતું હોય એવા વૉઇસ-ઓવરનો મારો શરૂ થાય. ઉદ્દેશ બે હોય છે. એક, વાડામાંથી ઘેટાં નાસી ન જાય એનો અને બીજો, વિરોધીઓને ડરાવવાનો. આવતી કાલે આ લોકો આપણને આંટામાં લે એના કરતાં ચૂપ રહેવું સારું એમ માનીને લોકો ડરી જશે એમ માનવામાં આવે છે; પણ યાદ રહે, એવા કેટલાક લોકો છે જે ડરતા નથી. તેમના અવાજમાં આરતીની ઘંટડીના અવાજ કરતાં લાખ ગણો મોટો ઘંટારવ હોય છે. બીજું, એવા કેટલાક લોકો છે જે વેચાતા પણ નથી. આ ઉપરાંત સત્તા પાસે શાણપણ ન ચાલે એમ માનીને જે લોકો ચૂપ રહે છે એ લોકો ડરપોક હોય છે, અબુધ નથી હોતા. તેઓ શાણપણ નથી બતાવતા, પરંતુ સત્તાનો સ્વભાવ જાણે છે; બલકે સત્તાનો સ્વભાવ જાણે છે એટલે શાણપણ નથી બતાવતા. તેઓ સત્ય-અસત્યનો વિવેક કરવા જેટલી સમજણ ધરાવે છે, માત્ર બોલવાની હિંમત નથી ધરાવતા; પરંતુ તેમને જ્યારે સલામત મોકો મળી જાય છે ત્યારે તેઓ સત્યના પક્ષે ઊભા રહી જાય છે.

તો આ વખતે બન્નેમાંથી એકેય મોરચા ન ખૂલ્યા એનું શું કારણ? ન લેબલ, ન ઇશારતો; ન ધમકી, ન ગાળો. પાકિસ્તાન મોકલી આપવાની વાત પણ કોઈએ નથી કરી. કારણ બહુ સાદું છે. સાઇબર સેલને કહેવામાં આવ્યું છે કે આ ઘટનાને ભૂલવાડી દેવાની છે, જેમ નરેન્દ્ર દામોદરદાસ મોદી લખેલો સૂટ પહેરવાના સાહસને એક તૂરી-ખાટી ઘટના તરીકે ભુલવાડી દેવામાં આવે છે એ રીતે. કેટલીક ઘટનાઓ કાઉન્ટર-પ્રોડક્ટિવ હોય છે જેની ચર્ચા કરવામાં ફાયદા કરતાં નુકસાન વધુ થાય છે. એન.ડી.ટી.વી.વાળી ઘટના આવી છે.

તો આનો સ્પષ્ટ સૂચિતાર્થ એ છે કે ભક્તો તો બિચારા સાધનમાત્ર છે, હૅન્ડલ છે. તેઓ દેશને ચાહનારા ભલા-ભોળા ઇન્સાન છે જે કૉન્ગ્રેસનાં પાપોને કારણે ગુસ્સામાં છે. નવમૂડીવાદે આર્થિક, સામાજિક અને શારીરિક-માનસિક પ્રશ્નો પેદા કર્યા છે જેને કારણે તેઓ હતાશ છે. તેમને તેમની આશાને ફળીભૂત કરી આપે એવા જાદુગરની જરૂર હતી. સાઇબર સેલે મીડિયા અને સોશ્યલ મીડિયાને સાથે લઈને નરેન્દ્ર મોદીને જાદુગર તરીકે પ્રોજેક્ટ કરવાનું શરૂ કર્યું હતું. જરૂર લાગતી હોય તો એ સમયના કન્ટેન્ટ પર એક નજર નાખો. કૉન્ગ્રેસની નાદારી, કૉન્ગ્રેસીઓનો ભ્રષ્ટાચાર, ત્રાસવાદ અને પાકિસ્તાનના મોરચે કૉન્ગ્રેસની નિર્બળતા, સેક્યુલરિસ્ટો તેમ જ ઝોલાવાલાઓનો હિન્દુિવરોધી પક્ષપાત તો બીજી બાજુ ગુજરાતમાં થયેલો અસાધારણ વિકાસ અને નરેન્દ્ર મોદીની છપ્પનની છાતી એ સમયના વિષયો હતા. આશાવંતો હરખે-હરખે એ કન્ટેન્ટ આગળ ધકેલતા જતા હતા.

એ પછી બીજો દોર શરૂ થયો જેમાં આખા દેશમાં ગુજરાતની જેમ સુવર્ણ યુગ બેસી ગયો છે અને દેશે વિકાસ તરફ હરણફાળ ભરી છે એ બતાવવાનું હતું. એન.ડી.એ. સરકારના કાર્યકાળના પહેલા વરસના કન્ટેન્ટને યાદ કરશો તો ખ્યાલ આવશે કે ત્યારે તમારા સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શું ઠલવાતું હતું? જુઓ વડા પ્રધાન વિદેશમાં કેવા છવાઈ ગયા છે. જુઓ અમેરિકન પ્રમુખ વાઇટ હાઉસની પરસાળમાં આવીને નરેન્દ્ર મોદીને રિસીવ કરવા આવ્યા હતા અને એટલું માન તો નેહરુને પણ આપવામાં નહોતું આવ્યું; પછી ભલે અમેરિકાનો આવો પ્રોટોકૉલ હોય. અથવા મોદી-મોદીના નારાઓની વીડિયો-ક્લિપ્સ મોકલવામાં આવતી હતી અને વિકાસની દરેક જાહેરાત વખતે કૉન્ગ્રેસ એના શાસનકાળમાં શું નથી કરી શકી એના ખોટા આંકડા આપવામાં આવતા હતા. કેટલીક વાર આગલી સરકારની યોજનાઓને મોદી સરકારની યોજના તરીકે પ્રોજેક્ટ કરવામાં આવતી હતી. યાદ આવે છે ૨૦૧૫નું વરસ? ઉદ્દેશ હતો જાદુગર જાદુ કરી રહ્યો છે એ બતાવવાનો અને ભક્તોની આશા ટકાવી રાખવાનો. તમે આવા અનેક મેસેજિસ રિસીવ કર્યા હશે અને આગળ ફૉર્વર્ડ કર્યા હશે.

હવે જાદુગરની ઇમેજ ટકાવી રાખવી મુશ્કેલ છે એટલે દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે તમારી થાળીમાં જે વાનગી પીરસવામાં આવી રહી છે એમાં દેશદ્રોહીઓ સામે મોઢામાંથી ધુમાડા નીકળે એવી તીખીતમતમતી વાનગીઓ પીરસવામાં આવી રહી છે. ફૉર અ ચેન્જ ભારતના અતીતની ભવ્ય વાતો (એ પણ મૅન્યુફૅક્ચર્ડ) કહેવાય છે જેના દ્વારા ભોળિયા ભક્તને મીઠાઈનો સ્વાદ મળે છે. એવા-એવા મેસેજિસ ઠલવાય છે કે એ જોઈને એમ લાગે કે પાકિસ્તાન સામેની લડાઈ ભારતીય લશ્કર નથી લડવાનું, ભક્તો લડવાના છે. દેશભક્તોને સરહદે જતા રોકવા પડે એવી સ્થિતિ એક દિવસ પેદા થવાની છે. ઉદ્દેશ ધ્યાન અન્યત્ર દોરવાનું છે અને દેશપ્રેમ તેમ જ ધર્મપ્રેમ લોકોને નશામાં રાખવાનું સારું અફીણ છે. આજકાલ તમે આવા મેસેજિસ મેળવતા હશો અને તમારામાંના કેટલાક એને ફૉર્વર્ડ પણ કરતા હશે.

તો વાત એમ છે કે સોશ્યલ મીડિયા પર અને ટીવી મીડિયા પર જે કન્ટેન્ટ પ્રસારિત કરવામાં આવી રહ્યું છે એ એક જગ્યાએથી આવે છે. એને ખાસ ઉત્પાદિત કરવામાં આવે છે. ઉત્પાદિત માલ ભોળિયા ભક્તોને મફતમાં વહેંચવા માટે આપવામાં આવે છે અને તેઓ મહેનતાણું માગ્યા વિના એ માલને ફૉર્વર્ડ કરે છે. બીજો માલ ન્યુઝના સ્વરૂપમાં પેદા કરવામાં આવે છે જે મીડિયાને (પ્રિન્ટ અને ઇલેક્ટ્રૉનિક બન્ને) નાણાં ચૂકવીને વેચવામાં આવે છે. તેઓ માલિકના હાથમાં હાડકું જોઈને પૂંછડી પટપટાવવા માંડે છે. તેમને એ હાડકામાં કદાચ હન્ટર પણ નજરે પડતું હશે. ઉત્પાદનનો એક ત્રીજો થર નહીં વેચાનારા અને નહીં ડરનારાઓ માટેનો છે. એ કામ સોએક જેટલા ટ્રોલ્સ(ભાડૂતી ચારિત્ર્ય હનન કરનારાઓ)ને સોંપવામાં આવે છે. તેઓ આ ધરતી પર થયેલા તમારી નજરમાંના પવિત્રમાં પવિત્ર માણસને પણ કુકર્મ કરતા બતાવી શકે છે. આવા ટ્રોલ્સને વડા પ્રધાન ફૉલો કરે છે એમ ટ્રોલ્સ પોતે સગર્વ દાવો કરે છે અને વડા પ્રધાનના મંત્રાલયે આ જ સુધી એનો અસ્વીકાર નથી કર્યો. ટેક્નૉલૉજી એવી છે કે અસ્વીકાર થઈ શકે એમ નથી. ઇલેક્ટ્રૉનિક મીડિયા બેધારી તલવાર છે, એ સગડ પણ મૂકીને જાય છે. આની સદસ્તાવેજ વિગત જોઈતી હોય તો સ્વાતિ ચતુર્વેદીનું ‘આઇ ઍમ અ ટ્રોલ’ નામનું પુસ્તક વાંચવાની ભલામણ છે.

તો NDTVની ઘટના વિશે સાઇબર સેલને અને આર્મી ઑફ ટ્રોલ્સને કહેવામાં આવ્યું હોવું જોઈએ કે આ ઘટનાને પેલા સૂટની જેમ ભુલવાડી દેવાની છે. એટલે તમે NDTVની અને એના સમર્થકોની નિંદા કરનારા, ગાળો દેનારા કે ચારિત્ર્ય હનન કરનારા મેસેજિસ ભાગ્યે જ જોયા હશે. ફૅક્ટરીને આ એક ઇશ્યુ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. શા માટે? એવી કઈ મજબૂરી છે કે સરકાર એને ખરાબ સપનાની જેમ ભૂલી જવા અને ભુલવાડી દેવા માગે છે.

જે કારણ આપવામાં આવી રહ્યું છે એ સુખદ છે, આશા જગાડનારું છે. NDTVની, ખાસ કરીને NDTV હિન્દીની અને એમાં પણ રવીશ કુમારના પ્રાઇમ ટાઇમની TRP વધી રહી છે. આમાં રવીશ કુમારના પ્રાઇમ ટાઇમની TRP તો કૂદકે ને ભૂસકે વધી રહી છે. બન્યું છે એવું કે સાઇબર સેલે આક્રમક બનીને ટીવી-ચૅનલોના ન્યુઝરૂમનો કબજો લઈ લીધો અને ટીવી-ચૅનલોના માલિકોએ વેચાઈ જઈને ન્યુઝરૂમનો કબજો આપી દીધો એ પછીથી બુદ્ધિશાળી સમજદાર દર્શકો NDTV તરફ વળી રહ્યા છે.

જે લોકોની આંખ ખુલ્લી રહી છે એવા દર્શકો NDTV તરફ વળી રહ્યા છે. જે લોકો ખોટા પ્રચારથી કંટાળી ગયા છે અથવા દેશભક્તિના ગોકીરાથી જેમના કાન બહેરા થઈ ગયા છે એ લોકો NDTV તરફ વળી રહ્યા છે. કોઈ ઇશ્યુ સાથે આપણને લાગતુંવળગતું ન હોય ત્યારે એ ઇશ્યુની જગ્યાએ બીજા દેશભક્તિના કોઈ ભળતા જ ઇશ્યુ પર ચર્ચા થતી હોય ત્યારે આપણને કોઈ ફરક પડતો નથી, પરંતુ જ્યારે ઇશ્યુ આપણો પોતાનો હોય અને ચૅનલવાળાઓ તારસ્વરે દેશભક્તિની પાખંડી ચર્ચા કરતા હોય ત્યારે આપણને ગુસ્સો આવે એ સ્વાભાવિક છે. ઊના કે સહારનપુર જેવી ઘટના બને ત્યારે દલિતો દેશભક્ત દર્શકોની જમાતમાંથી બહાર નીકળી જાય, મંદસૌરની ઘટના બને ત્યારે ખેડૂતો બહાર નીકળી જાય. આ સ્વાભાવિક છે. દેશભક્ત એ કોઈ સાંચામાંથી બનાવેલી મૂર્તિ નથી પણ જીવતો-જાગતો માણસ છે જેનો પોતાનો સ્વાર્થ છે અને બદલાતો મૂડ છે.

આમાં NDTV એક એવી ચૅનલ છે જ્યાં પાખંડી ચર્ચા કરવામાં આવતી નથી. NDTV એક એવી ચૅનલ છે જ્યાં સરકારની ભાટાઈ કરવામાં આવતી નથી અને સરકારને ન ગમે એવા પ્રશ્નો પૂછવામાં આવે છે. આ એક ચૅનલ એવી છે જ્યાં કોઈ પણ પ્રશ્ને વિગતે ચર્ચા કરવામાં આવે છે અને પૅનલિસ્ટને બોલવાનો મોકો આપવામાં આવે છે. આ એક ચૅનલ એવી છે જે ગરીબોના અને મૂળભૂત માનવીય મૂલ્યોના પક્ષે ડર્યા વિના ઊભી રહે છે. આ એક ચૅનલ એવી છે જ્યાં અન્ય પૅનલિસ્ટો બોલી ન શકે એ માટે જાણીબૂજીને ખલેલ પહોંચાડનારા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબીત પાતરાને સભ્ય ભાષામાં સ્ટુડિયોમાંથી જતા રહેવાનું કહેવાની હિંમત બતાવવામાં આવે છે. આ ઘટના પહેલી જૂને બની હતી અને ચોથી જૂને NDTV પર રેઇડ પાડવામાં આવી હતી. આ એક ચૅનલ એવી છે જે નિર્મલબાબાના સમોસા-જ્ઞાનની, સેક્સ-પાવર વધારવાની, માથાના વાળ ઉગાડવાની, વજન ઘટાડવાની કે સાંધાના દુખાવાની દવાઓ વગેરેનું પ્રસારણ કરતી નથી. આ એક ચૅનલ એવી છે જ્યાં રાતના બાર વાગ્યાથી સવાર સુધી ટેલીશૉપિંગની ઍડ્વર્ટાઇઝમેન્ટ આવતી નથી. દર્શક એક વાર NDTV પર જાય છે ત્યારે તેને ચૅનલની હિંમત, પ્રામાણિકતા, પ્રોફેશનલિઝમ, શાલીનતા અને જેને અન્યાય થતો હોય તેમના માટેના સરોકારનો પરિચય થાય છે.

NDTV પાસે બહુ મોટી સંખ્યામાં દર્શકો છે એવું નથી. સોમાંથી દસ માંડ હશે. ફરક એ છે કે એ દસ દર્શકો લૉયલ છે. પ્રાઇમ ટાઇમના આરંભથી અંત સુધી બુલેટિન જુએ છે. આ બાજુ બાકીના ૯૦ દર્શકો ૯૦ ચૅનલોમાંથી કઈ ચૅનલ પર ડાકલાં વાગી રહ્યાં છે એ શોધતા ફરે છે. વળી આગળ કહ્યું એમ ધીરે-ધીરે NDTVના દર્શકોની સંખ્યા વધી રહી છે. ઑક્યુપાઇડ ચૅનલોના માલિકોએ સરકારને કહ્યું હશે કે રેઇડને બચાવવામાં બહુ બોલવાથી અન-ઑક્યુપાઇડ ફ્રી ચૅનલોને લાભ થશે અને એને વધારે દર્શકો મળશે. અતિની ન હોય ગતિ એમ કહેવાય છે. ઊબકો આવે એ રીતે પ્રચારનો અને એ પણ જૂઠાણાનો પ્રચાર કરવામાં આવે તો બેવકૂફમાં બેવકૂફ માણસ પણ સચ્ચાઈ પામી જાય. અંગ્રેજીમાં આને કાઉન્ટર પ્રોડક્ટિવ કહેવામાં આવે છે. દેશની અન-ઑક્યુપાઇડ ફ્રી ચૅનલને વધારે લાભ ન મળે એ માટે સાઇબર સેલનું NDTV સેલ અત્યારે શટડાઉન કરી નાખવામાં આવ્યું છે.

હવે NDTV સામેનો કેસ શું છે એ સંક્ષિપ્તમાં સમજી લઈએ. NDTVએ ૨૦૦૮માં એક પ્રાઇવેટ બૅન્ક પાસેથી લોન લીધી હતી. ૨૦૧૦માં બૅન્કના એ સમયના ઘટાડેલા વ્યાજે લોન પરત કરવામાં આવી હતી. વ્યાજના મૂળ દરમાં ઘટાડો કરવા બૅન્ક સંમત થઈ હતી. આમ NDTVએ પૈસા નથી ચૂકવ્યા એવું નથી. બૅન્કને જે નુકસાન થયું છે એ વ્યાજનું નુકસાન થયું છે. હવે પહેલી વાત તો એ કે ઘટાડેલા વ્યાજે સેટલમેન્ટ બૅન્કે કર્યું છે. આમ છતાં જો ફરિયાદ કરવી જ હોય તો ફરિયાદ કરવાનો અધિકાર બૅન્કનો છે. વધુમાં વધુ બૅન્કનો ઑડિટર બૅન્કને પહોંચાડવામાં આવેલા નુકસાન વિશે શેરો મારી શકે. હજી રિઝર્વ બૅન્ક ફરિયાદ કરી શકે. આમાંથી કોઈએ CBI સમક્ષ જઈને ફરિયાદ નથી કરી કે નથી કોઈ નુકસાન અંગે નુક્તેચીની કરી. સાદો નુકસાન ભરપાઈનો પત્ર પણ લખવામાં નથી આવ્યો. જેને કોઈ લેવાદેવા નથી એવો અજાણ્યો માણસ CBI સમક્ષ ફરિયાદ કરે અને CBI રેઇડ પાડે એવું આજ સુધી ક્યારે ય બન્યું નથી. પાછો સંજય દત્ત નામનો તે માણસ CBI પાસે જતાં પહેલાં અદાલતમાં ગયો હતો અને અદાલતે તેનો કેસ દાખલ કર્યો નહોતો. સંબંધિત પક્ષો જ્યારે ફરિયાદ કરતા નથી તો કયા અધિકારથી CBIએ કેસ દાખલ કર્યો અને રેઇડ પાડી એ વિશે CBI કોઈ ખુલાસો કરતી નથી. NDTVના માલિક પ્રણોય રૉયે પડકાર ફેંક્યો છે કે એક પણ તારીખ માગ્યા વિના સર્વોચ્ચ અદાલતમાં એક મહિનો કેસ ચલાવવામાં આવે અને CBI જીતી બતાવે.

મૂળમાં NDTVની તટસ્થતા અને નીડરતા સરકારને પરેશાન કરે છે. એમાં સંબીત પાતરાને સ્ટુડિયોમાંથી જતા રહેવાનું કહ્યું એને કારણે સરકાર સમસમી ગઈ હતી. પ્રણોય રૉય આપણા યુગના રામનાથ ગોએન્કા છે.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કટાર, ‘સન્ડે સરતાજ’, “ગુજરાતી મિડ-ડે”, 11 જૂન 2017

‘પ્રેસ ક્લબ અૉવ્ ઇન્ડિયા’ની નવી દિલ્હીમાં મળેલી તાજેતરી સભામાં “ઇન્ડિયન અૅક્સપ્રેસ”ના પૂર્વ મુખ્ય તંત્રી તેમ જ અટલવિહારી બાજપાઇના વર્ચસ્‌વાળી એન.ડી.એ. સરકારના એક પ્રધાન અરુણ શૌરીનું પ્રવચન

http://www.ndtv.com/video/news/news/arun-shourie-s-speech-on-media-freedom-at-press-club-of-india-459703?fb

Loading

...102030...3,3993,4003,4013,402...3,4103,4203,430...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved