Opinion Magazine
Number of visits: 9688293
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારું ગુજરાત

ધનિક ગોહેલ|Opinion - Opinion|25 June 2017

આ મારું ગુજરાત છે, જ્યાં માત્ર ગુજરાતીપણું નહિ પણ ગુજરાતી હૃદય વસે છે.

આ મારું ગુજરાત છે, જ્યાં માત્ર ગુજરાતી ભાષા નહિ પણ ગુજરાતી સાહિત્ય વસે છે.

આ મારું ગુજરાત છે, જ્યાં માત્ર ગુજરાતી માણસ નહિ પણ ગુજરાતી પરિવાર વસે છે.

આ મારું ગુજરાત છે, જ્યાં માત્ર ગુજરાતી ભોજન નહિ પણ ગુજરાતી સ્વાદ વસે છે.

આ મારું ગુજરાત છે, જ્યાં માત્ર ગુજરાતી ઇતિહાસ નહિ પણ ગુજરાતી વર્તમાન વસે છે.

આ મારું ગુજરાત છે, જ્યાં માત્ર ગુજરાતી વગ નહિ પણ ગુજરાતી સંસ્કારો વસે છે.

હા, આ મારું ગુજરાત છે, જ્યાં માત્ર એક ગુજરાતી નહિ પણ સમગ્ર ગુજરાત વસે છે.

જૂનાગઢ

Loading

નેતાઓ સવાલોથી કેમ ભાગે છે ?

રાજદીપ સરદેસાઈ|Opinion - Opinion|24 June 2017

કમનસીબે વાતાવરણ એવું બની રહ્યું છે કે જવાબદાર લોકોને પ્રશ્ન પૂછવાને ‘રાષ્ટૃવિરોધ’ તરીકે જોવામાં આવે છે

મીડિયા અથવા વિરોધપક્ષ અમને ન કહે કે ખેડૂતો માટે અમારે શું કરવાની જરૂર છે. અમે છીંડા શોધનારાઓ, નકારાત્મક વિરોધીઓ અથવા ‘બધું જાણનારાં મીડિયા’ જેમને વાસ્તવિકતાઓનો સહેજ પણ ખ્યાલ નથી, તેમની સાથે વાત કરવાના બદલે ખેડૂતો સાથે વાત કરવાનું પસંદ કરીશું.’ ભાજપના પ્રવક્તા જી.વી.એલ. નરસિંહા રાવે 12મી જૂને ટીવીની ચર્ચામાં કહ્યું. અત્યંત સરળ પ્રશ્ન હતો કે શું નોટબંધીએ ગ્રામ્ય અર્થતંત્રને અસર પહોંચાડી છે? અને શું ખેડૂતોમાં વધતી ચિંતાનું કારણ એ છે? તો સત્તાધારી પક્ષના મીઠાબોલા અને હંમેશાં સરળતાથી ઉપલબ્ધ રહેતા નેતાઓમાંથી એક મીડિયાની વિરુદ્ધનુ઼ વલણ અપનાવી લે, એટલે તમે સરળતાથી સમજી શકો છો કે સત્તા અહંકારી બનાવી દે છે, અસંમતિનો દૃષ્ટિકોણ સાંભળતા રોકે છે.

રાવને દોષ શા માટે આપીએ? તેમનું કામ જ પ્રાઇમ ટાઇમ ટીવી પર સરકારનો બચાવ કરવાનું છે. વડાપ્રધાને તો મુખ્ય પ્રવાહના મીડિયાને કોરાણે મૂકીને ટ્વિટરને, સોશિયલ મીડિયા મેસેજને અને રેડિયોના માસિક વાર્તાલાપ ‘મનકી બાત’ના એકપક્ષીય સંવાદને મહત્ત્વ આપ્યું છે. જાહેર પત્રકાર પરિષદ નહીં, વિદેશયાત્રાઓમાં પત્રકારોને સાથે લઈ જવાના નહીં, જો કંઈ શક્ય છે તો એ માત્ર અપવાદરૂપ કિસ્સામાં, અગાઉથી નક્કી કરેલી પટકથા પ્રમાણેના ઇન્ટરવ્યૂ. એક સમયે અત્યંત લોકપ્રિય અને સંવાદપ્રિય ભાજપી પ્રવક્તા રહી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે પોતાની અને મોટા ભાગના મીડિયા(જેને તેમણે તિરસ્કારથી ‘સમાચારોના વેપારી’ કહ્યાં છે)ની વચ્ચે અંતર વધારવાનું પસંદ કર્યું છે. 

પરિણામે આજ સુધી તેમની સરકાર દ્વારા લેવાયેલાં મહત્ત્વનાં પગલાં પર ક્યારે ય ગંભીર સવાલો નથી ઉઠાવી શકાયા. દેશના નેતૃત્વને નોટબંધીની નકારાત્મક અસરો વિશેના આકરા પ્રશ્નોના જવાબ આપવાની જરૂર ન જણાઈ. જેમ કે, આપણે હજી પણ ખબર નથી કે નોટબંધીવાળાં કેટલાં નાણાં બૅંકના માધ્યમથી પરત આવ્યાં? કાળાં નાણાં અથવા નકલી નોટોની સામેના ‘યુદ્ધ’નું શું થયું? શું નોટબંધી અંગે શ્વેતપત્રની માગણી વ્યાજબી નહોતી? કમનસીબે વાતાવરણ એવું બની રહ્યું છે કે જવાબદાર લોકોને પ્રશ્ન પૂછવાને ‘રાષ્ટ્રવિરોધ’ તરીકે જોવામાં આવે છે. મીડિયાને બચાવનો માર્ગ અપનાવવા માટે મજબૂર કરી દીધું છે. તેને સેલ્ફ-સેન્સરશિપના અથવા શાસકોના ચીઅરલીડર્સની ભૂમિકાની વચ્ચે ઝૂલવા માટે મજબૂર કરી દેવામાં આવ્યું છે.

પરંતુ ફક્ત વડાપ્રધાનને જ શા માટે દોષ દેવો? કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી આશરે બે દાયકાથી જાહેર જીવનમાં છે, પરંતુ તેમણે બોફોર્સ અથવા કૉંગ્રેસને પરેશાન કરનારાં બીજાં અનેક કાંભાંડો પર અકળાવતા પ્રશ્નોના જવાબ આપવાની ઇચ્છા ક્યારે ય દર્શાવી નથી. ગયા નવેમ્બર મહિનામાં મને સોનિયા ગાંધીનો ઇન્ટરવ્યૂ લેવાની દુર્લભ તક મળી. ઇન્ટરવ્યૂ પહેલાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું કે ઇંદિરા ગાંધીની જન્મશતાબ્દી સમારોહના અનુસંધાને માત્ર તેને લગતા સવાલો જ પૂછવાના છે. તદ્દન સ્પષ્ટ હતું કે, ‘કોઈ રાજકીય પ્રશ્ન નહીં!’ દેશના ટોચના નેતાઓમાંથી એક જ્યારે ‘રાજકીય પ્રશ્ન નહીં’ એમ કહે, તે સાંભળીને શું તેઓ આપણી લોકશાહીના વિકૃત સ્વરૂપને ઉજાગર નથી કરતા?

જાહેર જીવનમાં રહેલા લોકોની જવાબદારી સ્વીકારવા પ્રત્યેની આ અનિચ્છા હવે વાઇરસની જેમ સમગ્ર રાજકીય પ્રણાલીમાં ફેલાઈ ચૂકી છે. 2015માં જ્યારે હું મમતા બેનર્જીનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો, ત્યારે તેઓ વચ્ચેથી જ ઊઠીને ચાલ્યાં ગયાં, કારણ કે મેં શારદા ચિટ ફંડ કૌભાંડ મુદ્દે પ્રશ્ન પૂછી નાખ્યો હતો. પણ મમતા કમ સે કમ ઇન્ટરવ્યૂ માટે તો તૈયાર થયાં. માયાવતીએ તો એક દસકા સુધી એક પણ ઇન્ટરવ્યૂ નહોતો આપ્યો, એટલા માટે તેમની પાસે બેહિસાબી સંપત્તિ હોવાના આરોપોનો કોઈ પણ જવાબ આજ દિન સુધી નથી. મહારાણીની જેવાં અભિમાની જયલલિતાએ પોતાના કિલ્લા પોએસ ગાર્ડનની બહાર આવીને પ્રેસને મળવાનો ઇન્કાર કરી દીધો હતો, નવીન પટનાયક પણ ઓરિસ્સામાં આવી જ પદ્ધતિને અનુસરે છે, જ્યારે કેરળમાં પિનારાયી વિજયને મીડિયા પ્રત્યેનો દ્વેષ ક્યારે ય છુપાવ્યો નથી.

આના પરથી હવે હું મૂળ પ્રશ્ન પર આવું છું: શું આપણે એવા યુગમાં આવી ગયા છીએ, જ્યાં ‘લોકશાહી સત્તાધીશો’એ લોકશાહીના ચોથા સ્તંભને બાજુ પર રાખીને મતદારો સાથે વાત કરવાનું નક્કી કરી લીધું છે? સત્તાધીશોને સાચેસાચું કહી દેવાની પત્રકારની મહત્ત્વની ભૂમિકા માટે કોઈ ગુંજાશ જ ક્યાં રહી છે? એવું જાણીને કે રોજિંદા પત્રકારત્વને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે નેતાઓ સુધી પહોંચી શકવાની નિર્ણયાક ભૂમિકા છે સત્તાના બારણે કડક સુરક્ષાનો ચોકીપહેરો છે. આ માત્ર દિલ્હીની વાત નથી. અનેક રાજ્યોનાં પાટનગરોમાં પણ આ જ હાલત છે.

રાજ્ય સચિવાલય પત્રકારોને પ્રવેશ જ નથી આપતાં. અનેક વખત તો રાજ્યમાન્ય પત્રકારોને પણ હાંકી કાઢવામાં આવતા હતા. દુ:ખની વાત એ છે કે મીડિયાના વ્યાવસાયિક અધિકારોને બચાવવાના બદલે વાચકો અને દર્શકોનો એક મોટો વર્ગ આ અપારદર્શી, એકાધિકારવાદી નેતૃત્વને તાળીઓ પાડીને પ્રોત્સાહન આપી રહ્યો છે. પહેલેથી આવું નહોતું. 1970ના દાયકામાં ઇંદિરા ગાંધીએ માધ્યમો પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે જે લોકો વિરોધમાં ઊભા થયા તેમની પ્રશંસા કરવામાં આવી અને તેમને સન્માનિત કરવામાં આવ્યા. 1980ના દાયકામાં જ્યારે રાજીવ ગાંધી મીડિયાનું મોં બંધ કરવા બદનક્ષીના કાયદાની વાત લાવ્યા ત્યારે મીડિયાએ એક અવાજે તેનો વિરોધ કર્યો હતો.

માધ્યમોની વિરુદ્ધમાં સત્તાના મનસ્વી ઉપયોગની લગભગ દરેક ઘટનામાં આમજનતા અમારી સાથે રહેતી. પણ, હવે એ વાત નથી રહી: હવે જ્યારે કોઈ નેતા મીડિયા પર ગુસ્સે ભરાય છે, તો ખૂબ મોટો શ્રોતાવર્ગ એવો હોય છે, જે રાજી થઈને તાળીઓ પાડે છે. કદાચ મીડિયામાં અમારે લોકોએ પણ આત્મ-પરીક્ષણ કરવાની જરૂર છે કે અમે આવું શા માટે થવા દીધું. જ્યારે ટેલિવિઝનમાં ‘સેન્સ’(સમજ)ની જગ્યા ‘સેન્સેશન’ (સનસનાટી) લઈ લે છે, જ્યારે રાજકારણ અને વિચારધારાકીય જોડાણના આધારે સમાચારોને પ્રાથમિકતા નક્કી કરવામાં આવે છે, માલિકીપણાનો પ્રકાર સ્પષ્ટ નથી હોતો, ત્યારે રાજકીય વર્ગ અને તેમના ભાડૂતી લશ્કરો માટે અમને ‘પેઇડ મીડિયા’ કહીને ધક્કે ચઢાવવાનું સરળ બની જાય છે. હકીકત તો એ છે કે રાવે ભલે કહ્યું, અમે ‘બધું જાણનારા મીડિયા’ નથી, બનવાજોગ છે કે અમે કરોડરજ્જુ ગુમાવી બેઠેલા મીડિયા બનીને રહી ગયાં હોઈએ.

છેલ્લે, આ મહિનાની શરૂઆતમાં બીબીસી પ્રમુખે બ્રિટનના વડાપ્રધાનપદની સામાન્ય ચૂંટણીના બંને ઉમેદવારોને કોઈ પૂર્વનિર્ધારિત પ્રશ્નો વિના લોકોનો સામનો કરવા માટે આમંત્રિત કર્યા. આપણે ત્યાં આવા કેટલા નેતાઓ છે જે આ પ્રકારની સ્વતંત્ર પૂછપરછનો સામનો કરવા તૈયાર હશે?

e.mail : rajdeepsardesai52@gmail.com

સૌજન્ય : ‘સ્તંભમાં તિરાડો’, “દિવ્ય ભાસ્કર”, 24 જૂન 2017

Loading

નીરખ્યું ‘નીરખે તે નજર’ને

અભિજિત વ્યાસ|Opinion - Literature|23 June 2017

ગુલામમોહમ્મદ શેખ એ એક એવું વ્યક્તિત્વ છે, જે બે માધ્યમમાં કાર્ય કરે છે, જે ચિત્રકલા અને સાહિત્ય. એક ચિત્રકાર તરીકે એઓ જેટલા જાણીતા છે, તેટલા જ તેઓ એક કવિ અને નિબંધકાર તરીકે પણ વાચકોમાં જાણીતા છે. એમનાં કાવ્યસંગ્રહો ‘અથવા’ અને ‘અથવા અને’ ગુજરાતીમાં એક સીમાચિહ્ન સમો સંગ્રહ છે. ગુલામમોહમ્મદ શેખ મુખ્યત્વે એક ચિત્રકાર છે. પણ એમના વડોદરા નિવાસ દરમિયાન તેઓ સુરેશ જોષીના પરિચયમાં આવ્યા અને સાહિત્યના રંગે રંગાયા. એમના સંસર્ગે ભોગીભાઈ ગાંધીનો પરિચય થયો. અને શેખના હાથમાં ફક્ત ઇશિતા જ હતી તે કલમ પણ ઉમેરાઈ. ગુજરાતી ભાષાનો આ એક અત્યંત સુભગ સંયોગ આમ સર્જાયો. એમનું આરંભિક લેખન અલબત્ત, ચિત્રકલાથી શરૂ થયું. એ સમયને યાદ કરતાં શેખસાહેબ લખે છે, “ભોગીભાઈએ એમના નવા સામયિક ‘માનવ’(જે પછી ‘વિશ્વમાનવ’ થયું)માં સુરેશભાઈને કવિતાનો આસ્વાદ લખવા નોતર્યા, ત્યારે મને ય દશ્યકળા વિશે લખવા નોતર્યા ત્યારે મને ય દૃશ્યકલા વિષે લખવા કહ્યું.” (પૃ.૨) આમ, ગુજરાતને એક ચિત્રકાર મળ્યાની સાથે એક લેખક પણ મળ્યા. પછી જે યાત્રા શરૂ થઈ, તેનું પરિણામ એ ‘નીરખે તે નજર’.

‘નીરખે તે નજર’ એ સંચય ચિત્રકાર ગુલામમોહમ્મદ શેખે એમના ચિત્રકલાના ભાવનમાં જે નીરખ્યું તેનો આલેખ આપે છે. ૧૯૫૫થી લેખનની જે શરૂઆત એમણે કરી એ દરમિયાન લખાયેલા લેખોને આ સંચયમાં સમાવવામાં આવ્યા છે. કુલ ત્રેવીસ સચિત્ર લેખોમાં અગિયાર લેખો એમણે જોયેલાં અને માણેલાં ચિત્રોનાં ભાવન અંગે છે, પાંચ લેખો એમણે અન્યો સાથે મળીને અનુવાદ કર્યા તે છે, એક લેખ એમનો જ લખેલો પણ ફ્રેન્ચ ફિલ્મ દિગ્દર્શક ગોદાર્દ વિષે છે (ફિલ્મ પણ દૃશ્યકળા તો ખરીજને), પાંચ લેખો વિવિધ કલાકારો અને લેખકો સાથે એમણે કરેલા સંવાદના રૂપમાં છે અને છેલ્લો લેખ એમના એક ચિત્રની સર્જનયાત્રા વિષે છે.

જેમ ચિત્રનો હેતુ પામવાનો પ્રયત્ન કરતાં આપણે ઘણી વાર સર્જનપ્રક્રિયાના ભાગીદાર થઈ જઈએ છીએ, એમ આ સંચયને વાંચતાં તેમાંના આસ્વાદના વાચકો પણ ભાગીદાર થઈ જાય છે. લેખક જે ચિત્રાત્મકતાથી રજૂઆત કરે છે, તે ભાવકનાં ચક્ષુઓમાં ઊભરી આવે છે. તેમાં પણ વાચક જો એ વ્યક્તિને જાણતો હોય કે જોયા હોય, તો તો એ નજરોનજર તરવા લાગે. જેમ કે ભૂપેન ખખ્ખર, સુનિલ કોઠારી અને પ્રદ્યુમ્ન તન્ના વિષે વાંચતાં તેઓ જ આંખ સામે તરવરવા લાગે છે. તેવું જ વર્ણન મકબૂલ ફિદા હુસેનનું પણ, ‘ઊંચું, લાંબું, ચીનાઓ જેને સદ્‌ગૃહસ્થની ઉપમા આપે છે, તેવું વાંસ જેવું શરીર, કાળી દાઢીમાં એટલા જ ધોળા વાળ, ઓછાબોલી જીભ અને ઝાઝું કહે તેવી આંખો.’ (પૃ. ૨૦૭) આમ, ચિત્રકાર કોઈનું પોટ્રેઇટ જેમ કૅનવાસ પર દોરે છે, તેમ શબ્દો કાગળ પર ઊતરી આવ્યા છે.

‘ભેરુ’માં ભૂપેન ખખ્ખર વિષે પ્રત્યેક વાચકને તેમની નજર સમક્ષ ભૂપેનને તેઓ તાદૃશ કરી આપે છે. ‘સ્વભાવે શરમાળ, જાડાં ચશ્માંને કારણે થોડો ભોટ લાગ્યો હતો.’ (પૃ.૨૩૫) મિત્રોના વિષે તો લખે તેના કુટુંબ વિષે પણ લખે એટલે ભૂપેન ખખ્ખરનાં માનો પણ પરિચય થાય. શેખસાહેબ લખે છે, ‘મા મહાલક્ષ્મી જબરાં. આખું ઘર એમની આંગળીએ. એમની ધાકે સોપો પડે પણ ભૂપેનની સાખે મને એમનું વહાલ મળ્યું. (માતૃપ્રેમનો પરચો એ બે ભાઈબંધોની માએ બેવડો કરી દીધો.) : એ ય ખૂબ પ્રેમથી પીરસી જમાડે. રસોઈમાં એટલાં પાવરધાં કે આંગળાં કરડી જઈએ. હું આવવાનો હોઉં તો ભાવતાં રસાદાર આખાં રીંગણ અચૂક બનાવે (વરસો લગીનો એ શિરસ્તો).’ (પૃ.૨૩૫) પણ માનો પ્રેમ જેમ વર્ણવે છે તેમ તેમના વિચારોને પણ જણાવે છે, ‘મોડા કે નહીં પરણવા પાછળ કોઈ ‘અપૂર્વ સુંદરી’ની તલાશ હોય, તો મા કહેતાં કેઃ બાયડી બધી સરખી, દીવો હોલવો, એટલે બધી હેમામાલિની! (પૃ.૨૩૬)

‘ઍક્સ્પ્રેશનિષ્ટ’ અને તક્‌નિકી પ્રવાહોથી કંટાળીને નવી દિશામાં જવાના ગડમથલ વિશે લખે છે : ‘લઘુચિત્રકળાએ અમને ઝીણું ચીતરતા કર્યા તેથી કળાવર્ગના મિત્રો મૂંઝાયેલા. કેટલાકને એમાં ‘આધુનિક’ની તિલાંજલિ દેખાઈ. સ્થળ-સમયનાં બંધનોથી મુક્ત વિષય-વસ્તુ અને આકૃતિઓને બદલે અમે જિવાતા જીવન અને સ્થાનિક પરિવેશનું ચિત્રણ કરતા થયા તે એમને ‘ઇસ્ટ્રેટિવ’ લાગ્યું. શરૂઆતના ગાળે અમારે મન મનુષ્યાકૃતિ અને પરિવેશની પુનઃ શોધ મુખ્ય ઉદ્દેશો હતા અને ચિત્રભાષા ઘડવામાં લઘુચિત્રો કામે લાગ્યાં-લગાડ્યાં.’ (પૃ. ૨૪૬) આમ, તેઓ આધુનિકતાના રંગે રંગાયા બાદ પણ ફરી ભારતીયતા તરફ વળે છે. એમના લખાણમાં પણ અનેક પૌરાણિક સંદર્ભો મળે છે. ગુલામમોહમ્મદ શેખની સર્જન-પ્રક્રિયા જાણવા માટે એમનો ‘વિધાનપરિષદ (ભોપાલ) : પ્રવેશદ્વારનું ચિત્ર’ (પૃ. ૩૪૩) વાંચવો રહ્યો.

ગુલામમોહમ્મદ શેખની આસ્વાદકશૈલીનું ઉદાહરણ જોઈએ. ‘ઝાઁ-લુક ગોદાર્‌’ લેખમાં લખે છે, ‘આ બધી ઇમેજ-કલ્પનો દ્વારા જાણે ગોદાર્‌ ચકમકનો પથ્થર જુદા-જુદા પદાર્થો સાથે ઘસવાનો પ્રયત્ન કરતો જણાય છે. ક્યાં ય સાચો પથ્થર એ જાણીજોઈને મૂકે છે, તો ક્યાંક બે પથ્થરની વચ્ચે આડખીલી મૂકીને ચકમક નહીં ઝરવાની વ્યર્થતા બતાવવામાં પણ એ રાચે છે છતાં, અકસ્માત અને અર્થહીનતા આપણા જીવનને પડછાયા જેવાં વળગી રહ્યાં છે, તેની ભયાનકતા પણ એ બતાવે છે. આખરે તો આપણે તક અને તકદીરની વચ્ચે સદાકાળ ઝૂલી રહ્યા હોઈએ છીએ, તેનું ભાન કરાવે છે. પણ જો આપણે એણે રજૂ કરેલ ચિત્રને આખરી ફેંસલા તરીકે ગણી લઈએ, તો આપણી મૂર્ખાઈ પર ગોદાર્‌ક્રૂર પણે હસી ઊઠે છે. એના આ હાસ્યને રોકવું કે ઉપેક્ષવું પણ મુશ્કેલ છે. અને એ ખ્યાલ આવતાં જ ગોદાર્‌નાં ચિત્રોમાંથી પ્રગટતી ભીષણતાનો અનુભવ થાય છે. ચિત્ર પૂરું થયે સાચાખોટાનો ભેદ ભૂલી જવો પડે છે. માત્ર, ગોદાર્‌ને અભિનંદવા સિવાય આપણે કશું કરી શકતા નથી.’ (પૃ. ૩૦૦) કોઈ ફિલ્મદિગ્દર્શકની કૃતિ પર આવો સુંદર આસ્વાદ ગુજરાતીમાં અન્ય કોઈએ કરાવ્યો નથી.

રમણ સોનીના એક પ્રશ્નના ઉત્તરમાં સુરેશ જોષી વિશે ગુલામમોહમ્મદ શેખ લખે છે, ‘સુરેશ જોષીને સર્વાંગી સાહિત્ય હંમેશાં અભિપ્રેત રહ્યું : સંપાદનમાં કે સ્વલેખનમાં સર્જન-વિવેચનના વાડા ભૂંસવા એ પ્રવૃત્ત રહ્યા. કળા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજદર્શનના પણ એ નવોન્મેષને નવાજતા રહ્યા.’ સાહિત્ય-સામયિક’ પ્રત્યેના એમનોે અનુરાગ જાણીતો છે : સામયિક વગર એ જાણે એકલા પડી જતા : સામયિકો જ જાણે એમનો સંસાર-પરિવાર હતાં. એમનો મને સ્પર્શતો ગુણ એ કે એ હંમેશાં પ્રવૃત્ત રહેતા. લેખકોને પત્રો, લેખોની પસંદગી, પ્રકાશકો સાથેની માથાકૂટમાં ખૂબ સમય જતો હશે, પણ એનો ભાગ્યે જ ઉલ્લેખ કરતા; વાત માત્ર કૃતિની, એની ગુણવત્તાની, એમાં રહેલા નવોન્મેેષની. આજે એવું ઓછું દેખાય છે. એ તો લગભગ સાહિત્ય શ્વસતા અને સામયિકો દ્વારા સાહિત્યિક સમુદાય સાથે દૂર નજીકનો દોર બાંધી રાખતા.’ (પૃ. ૩૩૨) – ‘આજે વાતાવરણ બદલાયું છે અને નવાં, સારાં સામયિકો નીકળ્યાં છે, પણ એમનાં સર્વાંગી (હોલિસ્ટિક) દર્શનની ખોટ સાલે છે.’ (પૃ. ૩૩૩)

ગુજરાતીમાં લખાતાં કળાવિષયક લખાણોના સંદર્ભમાં એમનું નિરીક્ષણ પણ નોંધનીય છે, શેખ લખે છે, ‘આપણે ત્યાં કળા વિષે મૌલિક લખાણો ભાગ્યે જ લખાય છે, તેથી સંપાદનમાં અનુવાદ પર આધાર રાખવો પડતો. અનુવાદ સહજ થતા નથી, તેથી સમસ્યાઓ વધે છે. મૂળ તો કળામાધ્યમની પરિચિતતા ઓછી અને લખાણો યાંત્રિક ઢબનાં એટલે ઘણુંબધું ટૂંકમાં કે મઠારીને જ મૂકવું પડે. ઉપરાંત આવું-આવું વાચનારવર્ગ નહિવત્‌ સાહિત્યકારો ય અન્ય કળાઓ વિશેષ તો દૃશ્યકળા વિશેનાં લખાણો જોતા નથી, તેથી પ્રયત્ન અવકાશમાં તાકેલા તીર જેવો પ્રશ્નાર્થસૂચક બની રહે. સુરેશભાઈએ હવા જગવેલી, તેથી સાહિત્યમાં સળવળાટ થયા ને નવી પેઢી નવું સાહિત્ય પિછાણતી થઈ. ચિત્ર પણ આંખની સાથે કાને જોવાની ય ટેવ પડે તો કળા વિશેનાં લખાણોમાં ‘કંઈક લક્ષ્ય સધાય’ (પૃ.૩૩૫) તો અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં કહે છે, ‘પ્રકાશનો પાછળના ઉત્સાહમાં કળાકાર-વર્તુળોમાં વ્યાપેલી ચર્ચાવિચારણાની હવા જ જવાબદાર હતી પણ ગુજરાતમાં એવી હવા જામી નહીં તે સખેદ નોંધવું ઘટે કળાશિક્ષણ દ્વારા પણ ગુજરાતીમાં કળા પર લખનારા નહિવત્‌ નીકળ્યા. સાહિત્યકારો કળા તરફ બહુ વળ્યા નહીં અને દૃષ્ટિ કેળવી નહીં તે પણ દુઃખદ લાગે અને નિરાશા પણ થાય, આજે ય ગુજરાતીમાં કળા પર સ્વતંત્ર રીતે વિચારો રજૂ કરવાનો ઉપક્રમ ભૂમિકાના અભાવે ઉદ્‌ભવે નહીં. ગુજરાતીને કળા વિશેના વાચક અને લેખકની, ખરે તો કળારસિકની ખોટ છે.’ (પૃ. ૩૩૭)

સમગ્ર સંચયમાં શેખસાહેબની ભાષા અત્યંત પ્રવાહી અને અદ્‌ભુત છે. બોલચાલનો રણકો ધરાવતી હોવાથી પુસ્તક વાંચતાં હોઈએ તેવું નહીં પણ ખુદ શેખસાહેબને સાંભળતાં હોઈએ તેવું લાગે. પ્રસ્તુત સંચયમાં અનેક કલર અને મોનોક્રમ ચિત્રો અને ફોટોગ્રાફ્‌સને સામેલ કરવામાં આવ્યાં છે, જે પુસ્તકને શોભાવે છે અને અધિકૃતતાને વધારે છે. ગુજરાતીમાં આ પ્રકારનું કળાવિષયક [પુસ્તક : નીરખે તે નજર, લે. ગુલામમોમમ્મદ શેખ પ્રકાશક : સંવાદ પ્રકાશન (વડોદરા) અને ક્ષિતિજ સંશોધનન પ્રકાશન કેન્દ્ર (મુંબઈ) પૃ. ૮ + ૩૭૬, કાચું પૂઠું રૂ. ૫૦૦] પ્રથમ જ પુસ્તક છે, જેને આવકારતાં આનંદ થાય છે. ફક્ત કળારસિકોને જ નહીં, અન્ય સૌએ પણ અત્યંત વાંચવા જેવા આ પુસ્તક ‘નીરખે તે નજર’ને માટે પદ્મશ્રી ગુલામમોહમ્મદ શેખ અભિનંદનના અધિકારી છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2017; પૃ. 17-18

Loading

...102030...3,3903,3913,3923,393...3,4003,4103,420...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved