Opinion Magazine
Number of visits: 9688593
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જ્યાં સુધી આપણે બધા સુનીલ શિતપ બનવા માગીએ છીએ ત્યાં સુધી શિતપોનો સૂર્યાસ્ત થવાનો નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|29 July 2017

તમે ઘટના ભૂલી જઈને બીજા પ્રતિષ્ઠિત અને વગદાર માણસના દરબારમાં બેસીને ભાટાઈ કરતા હશો કે પછી તેના જેવા બનવાનાં સપનાં જોતા હશો અથવા તમારો પુત્ર તેના જેવો બનવાના પ્રયત્ન કરતો હશે તો તમે પોરસાઈને પ્રોત્સાહન આપતા હશો ત્યારે સુનીલ શિતપ છૂટી જશે. સુનીલ શિતપને છોડાવવામાં માત્ર વ્યવસ્થા જવાબદાર નહીં હોય, તમે પણ જવાબદાર હશો, કારણ કે તમારો રોલ-મૉડલ સુનીલ શિતપ છે. સિસ્ટમના વેઇટિંગ હૉલમાં તમે પણ વારો આવે એની રાહ જોઈને બેઠા છો. છાતી પર હાથ મૂકીને અંતરાત્માને પૂછી જુઓ; આ વાત સાચી છે કે ખોટી?

૧૯૩૧માં બીજી ગોળમેજ પરિષદમાં ભાગ લેવા ગાંધીજી લંડન ગયા ત્યારે બ્રિટનના રાજાએ ગાંધીજીને ચા-પાણી માટે બકિંગહૅમ પૅલેસમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. આમંત્રણના પત્રમાં મહેમાને કેવાં કપડાં પહેરવાં (ડ્રેસ-કોડ) વિશે નિર્દેશો આપવામાં આવ્યા હતા. ગાંધીજીએ આમંત્રણનો સ્વીકાર કરતાં લખ્યું કે તે કપડાં તો એ જ પહેરશે જે ભારતમાં પહેરે છે. ગોઠણ સુધીની ધોતી જે ઉપર છાતી પર વીંટાળેલી હશે અને લંડનમાં ઠંડી છે એટલે શાલ ઓઢી હશે. કહેવાની જરૂર નથી કે પગમાં ચંપલ હશે. બકિંગહૅમ પૅલેસમાં આ પહેલાં કોઈએ આવાં ફટીચર કપડાંમાં રાજાની મુલાકાત લીધી નહોતી અને તેને રાજાનું અપમાન માનવામાં આવતું હતું. અપવાદ કરવા માટે ગાંધીજીને ઘણી વિનંતીઓ કરવામાં આવી, પરંતુ ગાંધીજીએ યજમાને સુચવેલા ડ્રેસ-કોડને અપનાવવાની ના પાડી દીધી. છેવટે રાજાએ ઝૂકવું પડ્યું અને ગાંધીજી જેવાં કપડાંમાં આપણે તસવીરમાં જોઈએ છીએ એવાં કપડાંમાં બકિંગહૅમ પૅલેસમાં રાજાને મળવા ગયા હતા.

આ તો જાણીતી વાત છે, પરંતુ અજાણી વાત એ છે કે વિન્સ્ટન ચર્ચિલે ગાંધીજી સાથે અપવાદ કરવામાં આવે એનો વિરોધ કર્યો હતો. ચર્ચિલે કહ્યું હતું કે એક અર્ધનગ્ન ફકીર એવી તે કઈ તાકાત ધરાવે છે કે બ્રિટિશ સામ્રાજ્યના રાજાએ અપવાદ કરવો પડે. નથી તેની પાસે કોઈ સત્તા, નથી સામ્રાજ્ય કે નથી સંપત્તિ. એક ફટીચર માણસ છે જેને ભાવ આપવાની કોઈ જરૂર નથી. વિન્સ્ટન ચર્ચિલને જવાબ આપતાં કોઈકે કહ્યું હતું (નામ મને મળતું નથી) મિ. ચર્ચિલ, તમે જે કહો છો એ જ ગાંધીની તાકાત છે અને એ એવી તાકાત છે જેને છીનવી શકાતી નથી. ગાંધી એક એવો માણસ છે જેને પૈસાથી ખરીદી શકાતો નથી, સત્તાની લાલચ આપીને મોહિત કરી શકાતો નથી અને કોઈ સ્ત્રી તેને ચલિત કરી શકતી નથી. આ ત્રણ ચીજ એવી છે જેના દ્વારા માણસને ઝુકાવી શકાય છે અને જે માણસ આ ત્રણ ચીજથી મુક્ત છે તેની સમક્ષ દુનિયાની ગમે એવી તાકાત હોય એને ઝૂકવું પડે છે.

આજનો યુગ જુદો છે. આજે તાકાત, ઐશ્વર્ય, પ્રભુત્વ, વગ વગેરેની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. ૧૯૧૬માં બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીજીએ ભારતના ગવર્નરનો સલામતીનો તામજામ જોઈને કહ્યું હતું કે ભારતમાં લોકોની વચ્ચે ફરવામાં જો આટલો બધો ડર લાગતો હોય તો તમારે વતન પાછા જતા રહેવું જોઈએ. ડરીને જિંદગી જીવવી એ અભિશાપ છે અને સહજ મુક્ત જિંદગી વરદાન છે. પાંચ દાયકા પહેલાં કોઈએ કલ્પના નહોતી કરી કે એવા પણ દિવસો આવશે જ્યારે ડરીને જીવવામાં લોકો પ્રતિષ્ઠા સમજશે. આજુબાજુમાં ગનધારી કમાન્ડોઝ હોય તો કેવો વટ પડે. જેટલો વધારે ડર એટલી વધારે પ્રતિષ્ઠા. આપણે પણ એવા લોકોનું ઐશ્વર્ય ફાટી આંખે જોતાં રહીએ છીએ. કેટલાક લોકો તો મનોમન સપનાં પણ જોતા હશે કે આપણા આવા દિવસો ક્યારે આવશે, જ્યારે ડરવા મળશે. ટૂંકમાં ડરપોક લોકો આજે પ્રતિષ્ઠિત છે.

વગદાર કોણ છે? વગદાર એ છે કે જે કાયદો તોડવાની ક્ષમતા ધરાવે છે. કાયદાની મર્યાદામાં રહીને જીવે એ ભીરુ સામાન્ય જણ અને કાયદો તોડી શકે, કાયદાઓની ઐસીતૈસી કરી શકે એ વગદાર. કાયદાનું પાલન કરનારાઓએ દરેક જગ્યાએ લાઇનમાં ઊભા રહેવું પડે છે. કાયદાનું પાલન કરનારા ભીરુ નાગરિકે કાલે આવજો એવો એક-બે વાર નહીં, વારંવાર જવાબ સાંભળવો પડે છે. કાયદાનું પાલન કરનારાઓએ રૂમ-રસોડામાં જિંદગી વિતાવવી પડે છે. લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવો પડે છે. સંતાનના સારી કૉલેજમાં ઍડ્મિશન મેળવવા માટે કોઈ વગદારની ચિઠ્ઠી લેવા તેના દરબારમાં જવું પડે છે અને ખોટી-ખોટી ભાટાઈ કરવી પડે છે. મનમાં તો ગળું ઘોંટી દેવા જેટલો ગુસ્સો આવે છે, પરંતુ પછી સમજાય છે કે વ્યવસ્થા (સિસ્ટમ) તો આ લોકોના હાથમાં છે અને વ્યવસ્થા તેમના માટે જ કામ કરી રહી છે એટલે ગુસ્સો ઠંડો કરીને તેમના જેવા કેમ બનાય અને જો ન બની શકાતું હોય તો કમસે કમ તેમની નજીક કેમ જવાય એના ઓરતા જોવા માંડે છે.

બોલો, તમને આવો અનુભવ થયો છે કે નહીં? તમે જો પ્રતિષ્ઠિત અને વગદાર નહીં હો તો જરૂર તમને આવો અનુભવ થયો હશે. આમ પણ મારી કૉલમ પ્રતિષ્ઠિત અને વગદાર લોકો નહીં વાંચતા હોય અને એવા બનવાના બેત રચનારાઓ પણ નહીં વાંચતા હોય. આ કૉલમ મૂલ્યોની ખેવના કરનારાઓ માટે અને છેલ્લા માણસની ચિંતા કરનારાઓ માટેની છે. પ્રતિષ્ઠિત અને વગદાર લોકોએ વ્યવસ્થા એવી બનાવી છે કે દાયકા પહેલાં પગમાં પહેરવાં સ્લિપર નહોતાં એ આજે અડધો કિલો સોનું પહેરીને ચાર બંગડીની આઉડી કારમાં ફરે છે. કમાન્ડોઝ હોય તો-તો પૂછવું જ શું? ઘાટકોપરમાં ૧૭ જણને ભરખી જનારો સુનીલ શિતપ આવો એક માણસ છે. આજે ધિક્કાર વરસાવવામાં આવી રહ્યો છે, પરંતુ એનો શું ઉપયોગ? લખી રાખજો, તેનો વાળ પણ વાંકો થવાનો નથી. તમે ઘટના ભૂલી જઈને બીજા પ્રતિષ્ઠિત અને વગદાર માણસના દરબારમાં બેસીને ભાટાઈ કરતા હશો કે પછી તેના જેવા બનવાનાં સપનાં જોતા હશો અથવા તમારો પુત્ર તેના જેવો બનવાના પ્રયત્ન કરતો હશે તો તમે પોરસાઈને પ્રોત્સાહન આપતા હશો ત્યારે સુનીલ શિતપ છૂટી જશે. સુનીલ શિતપને છોડાવવામાં માત્ર વ્યવસ્થા જવાબદાર નહીં હોય, તમે પણ જવાબદાર હશો, કારણ કે તમારો રોલ-મૉડલ સુનીલ શિતપ છે. જ્યાં સુધી આપણે બધા સુનીલ શિતપ બનવા માગીએ છીએ ત્યાં સુધી શિતપોનો સૂર્યાસ્ત થવાનો નથી. સિસ્ટમના વેઇટિંગ હૉલમાં તમે પણ વારો આવે એની રાહ જોઈને બેઠા છો. છાતી પર હાથ મૂકીને અંતરાત્માને પૂછી જુઓ; આ વાત સાચી છે કે ખોટી?

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 29 જુલાઈ 2017

Loading

અમદાવાદનો આ પણ એક વારસો

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|27 July 2017

નહાવાની તકલીફો વેઠતી કામદાર સ્ત્રીઓ માટે શહેરના પ્રમુખ સરદાર પટેલે એક હજાર નાવણિયાં કરાવ્યાં હતાં

યુનેસ્કોએ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં દાખલ કર્યું છે. ભારતના એક માત્ર હેરિટેજ સિટીનું માન અમદાવાદને મળ્યું તેથી ન માત્ર અમદાવાદી કે ગુજરાતી, ભારતવાસી પણ હરખાશે.

પંદરમી સદીમાં અમદાવાદ સ્થપાયું તે પૂર્વે આશા ભીલનું આશાપલ્લી કે સાબરમતીની પેલે પાર કર્ણદેવનું કર્ણાવતી હોવાના પુરાવા મળે છે. મુસ્લિમ સલ્તનત, મુગલ સામ્રાજ્ય, મરાઠાયુગ, બ્રિટિશ શાસન અને આઝાદી પછીનું અમદાવાદ – એવા પાંચ ભાગમાં અમદાવાદનો ઇતિહાસ-વારસો વહેંચાયેલો છે. હિંદુ, જૈન અને ઈસ્લામિક સ્થાપત્યો સાથે ગાંધીજીનો વારસો અમદાવાદને વૈશ્વિક વારસાનું શહેર ઠરાવે છે. આ શહેર છ સદી કરતાં વધુ વરસોથી જીવંત રહ્યું છે અને એની ધર્મ-જાતિ-કોમની વિવિધતા ટકી રહી છે.

ઈ.સ.1850માં મગનલાલ વખતચંદે અમદાવાદનો ઇતિહાસ લખ્યો હતો. તેમાં અમદાવાદની વસ્તીની જાતિ-કોમ-ધંધાવાર તપસીલ કંઈક આમ વાંચવા મળે છે, ‘હીંદુમાંની ઉચ વરણના લોકો માણેકચોકની આસપાસ અથવા શહેરની મધ્યભાગમાં રહે છે. દક્ષિણ ભાગમાં બાંધણીગરા, ભાઉસાર તથા કણબી રહે છે. પૂર્વ ભાગમાં વાંણઈઆ, કણબી તથા મુશલમાંનની વસ્તી છે. ઉત્તરભાગમાં કાલુપુરમાં મુશલમાંન તથા ખાતરી વણનાર રહે છે, ને ઉત્તર ઈંદૂડીઆમાં તથા શાહાપુરમાં હિંદુ તથા મુશલમાંન, કાગદી તથા સપેતી વણનાર રહે છે. પસ્ચિમ ભાગમાં ભદર તથા ગાયકવાડ હવેલી છે, ત્યાં મુશલમાંન ને પારશી રહે છે.’ (જોડણી અસલ પ્રમાણે)

આ વર્ણન પરથી સમજાય છે કે એ જમાનાના અમદાવાદમાં કહેવાતા અસ્પૃશ્ય એવા દલિતોનું સ્થાન કશા દરજ્જા વગરના નાગરિકનું હશે. ગાંધીજીના આગમન પૂર્વે 1861માં શેઠ રણછોડલાલે અમદાવાદમાં કાપડની મિલ શરૂ કરી અને ઔદ્યોગિક અમદાવાદનો જન્મ થયો. પોળોનું અમદાવાદ ચાલીઓનું પણ બન્યું. એકએક મિલના ભૂંગળે ચાલીઓની વણજાર ફાટી નીકળી હશે. વર્લ્ડ હેરિટેજ અમદાવાદની આ ચાલીઓ કેવી હતી? ગઈ કાલના વૈશ્વિક વારસાના અમદાવાદની ચાલીનું વર્ણન દાદાસાહેબ માવળંકરના શબ્દોમાં: ‘ચાલ એવા પ્રકારની હતી કે એને ઓટલો નહોતો. એટલું જ નહીં પરંતુ ઓરડીની ભોંય, આજુબાજુની જમીન કરતાં દોઢ ફૂટ નીચી હતી. એટલે એમાં જવું એ એક ભોંયરામાં પેસવા જેવું હતું. એની બાંધણીમાં પાકી ઈંટો વપરાયેલી નહોતી પણ લોખંડનાં પતરાં વપરાયેલાં હતાં. સાડા પાંચ ફૂટનો માણસ ટટ્ટાર ઊભો પણ ન રહી શકે એટલી ઓરડીની ઊંચાઈ હતી અને પગ લાંબા કરીને સૂઈ ન શકાય એટલી એની પહોળાઈ હતી.’

આજે તો ચાલીઓ સુવિધાની રીતે થોડી બદલાઈ છે, પણ એનાં નામો અકબંધ છે: કસાઈની ચાલી છે, તો કડિયાની ચાલી છે. મોદીની ચાલી છે, તો ધોબીની ચાલી છે. જેઠીની ચાલી છે ને રામીની ચાલી છે. નગરશેઠની ચાલી છે, તો નાણાવટીની ચાલી છે. દેવાજીની ચાલી છે, તો દોસ્ત મહંમદની ચાલી છે. મેજિસ્ટ્રેટની ચાલી છે, તો જજસાહેબની ચાલી છે. સોસાયટીની ચાલી છે, તો રાજધાનીની ચાલી છે.

આવી ચાલીઓમાં ગરીબો, દલિતો, પછાતો દોજખની જિંદગી જીવતાં હતાં અને જીવે છે. આજે દલિતોનો સાક્ષરતાદર ગુજરાતના સાક્ષરતાદર કરતાં લગીર વધારે છે. પણ જૂના અમદાવાદમાં દલિત માટે શિક્ષણ દોહ્યલું હતું.

ડૉ. આંબેડકરે તુલસીદાસ આચાર્યના ગૃહપતિપદે ચાલતી ડિપ્રેસ્ડ ક્લાસીઝ હોસ્ટેલ વિશે ચર્ચા કરવા, શાયદ પ્રથમ વાર, 28મી જૂન 1931ના રોજ અમદાવાદની મુલાકાત લીધેલી. પણ એની એકાદ સદી પહેલાં અમદાવાદમાં પહેલી સરકારી અંગ્રેજી નિશાળની શરૂઆત દલિત બાળકોના શાળાપ્રવેશને અટકાવવા, તેમના શાળાપ્રવેશના વિરોધમાં કે તેમનાથી અલગ બેસવામાંથી થઈ હતી. 1896માં અમદાવાદની વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલમાં એક દલિત સ્ત્રીને પ્રસૂતિ માટે દાખલ કરાતાં બાકીની સ્ત્રીઓએ હોસ્પિટલ છોડી દીધી હોવાનું પણ નોંધાયું છે.

એટલે નગર અમદાવાદમાં આભડછેટ અને ભેદભાવે દલિતોનો પીછો છોડ્યો નથી. ‘રાષ્ટ્રીય ચળવળમાં અમદાવાદ મ્યુિનસિપાલિટીનો ફાળો’ ગ્રંથમાં દાદાસાહેબ માવળંકર અને ચંદુલાલ ભગુલાલ દલાલના જણાવ્યા પ્રમાણે, માંડવીની પોળના રહીશોએ મ્યુિનસિપાલિટીને અરજી આપી હતી કે પોળ પાસેની ટાંકીમાંથી પહેલાં શ્રાવકો અને વાણિયા જ પાણી ભરતા હતા. પરંતુ હવે તો બધી જ જ્ઞાતિના પાણી ભરે છે. એટલે પાણી દૂષિત થાય છે. તેથી ઉચ્ચ વર્ણની બે જ કોમો પાણી ભરે તેવો બંદોબસ્ત કરવો.

હા, 1915માં અમદાવાદમાં ગાંધીજીનું આગમન થાય છે. કોચરબમાં તે આશ્રમ સ્થાપે છે. આરંભે જ એક ‘હરિજન’ કુટુંબને ખાસી ઝીંક ઝીલીને વસાવે છે. તે પછી સાબરતટે બીજો આશ્રમ સ્થાપે છે. એ વખતનો આ હરિજન આશ્રમ હવે આજે તો ગાંધીઆશ્રમ કે ગાંધી સ્મૃિત સંગ્રહાલય બની ગયો છે. હવે ‘જાહેર શૌચમુક્ત’ બની રહેલા અમદાવાદમાં એ દિવસોમાં જાહેર જાજરૂનો દલિતો વપરાશ કરી શકતા નહોતા. ન્હાવા માટેના બાથરૂમની સાહ્યબી તેમના નસીબમાં નહોતી. સરદાર પટેલે અમદાવાદ મ્યુિનસિપાલિટીના પ્રમુખ તરીકે કામદાર વિસ્તારોમાં નહાવાની તકલીફો વેઠતી સ્ત્રીઓ માટે 1000 નાવણિયાં બનાવડાવ્યાં હતાં. આ જ અમદાવાદમાં બરાબરીના હક માટે દલિતોના બસપ્રવેશ, હોટલપ્રવેશ અને મંદિરપ્રવેશના સત્યાગ્રહો થયા હતા. 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં ને દેશની આઝાદી માટે ત્રણ મહિના મિલો બંધ રાખી ભાગ લેનારા દલિતોને માત્રને માત્ર આભડછેટને લીધે જ મિલોના સાળખાતામાં કદી રાખવામાં આવતા નહોતા.

1934માં વડી ધારાસભાના આભડછેટ નાબૂદીના ઠરાવનું સમર્થન કરવાનું આવ્યું, તો અમદાવાદ મ્યુિનસિપાલિટીના બે હિંદુ સભ્યો તેના વિરોધમાં આવ્યા. એ તો જાણે સમજ્યા. પણ છ મુસલમાન અને બે પારસી સભ્યો તટસ્થ રહ્યા હતા. 1942માં બરતરફ મ્યુિનસિપાલિટીના સ્થાને રચાયેલી મેનેજમેન્ટ કમિટીએ મ્યુિનસિપાલિટીના નોકરવર્ગમાં સહુના પ્રતિનિધિત્વના ખ્યાલે 50% મુસ્લિમ, 25% દલિત અને 25% સામાન્ય અનામતનું ધોરણ ઠરાવેલું. આઝાદી પછીના બીજા જ મહિને, મ્યુિનસિપલ બોર્ડે આ ઠરાવ રદ કરી નાખેલો. એટલે 1981 અને 1985માં, આખા ભારતમાં ક્યાં ય નહીં ને અમદાવાદ અને ગુજરાતમાં જ પહેલવહેલા અનામત વિરોધી રમખાણો થયાની નવાઈ શાની? કોમી એકતા માટે શહાદત વહોરનાર ગાંધીના જન્મ શતાબ્દી વરસે (1969-70માં), સૌથી ભૂંડા કોમી રમખાણોનો બદતર ઇતિહાસ પણ અમદાવાદનો જ વારસો છે.

વિકાસ માટે વિલોપન એ તો જાણે આ નગરના હાંસિયામાં જીવતા લોકોની નિયતિ છે. વૈશ્વિક વારસાને યોગ્ય ઠરવા તો આશાભીલ, કર્ણદેવ અને અહમદશાહના વારસદાર અમદાવાદીઓએ,‘નહીં વરણ નહીં વેશ’ ધરી, મનના મેળાપીપણાથી તન હેળવાય તેમ કશા ભેદભાવ વિના જોડાજોડ રહેવાનો પડકાર ઉઠાવવો પડશે. કર્ણાવતીના વર્તમાન ખેલંદાઓનું એ ગજું નથી એ બરાબર સમજી લેવું પડશે.

સૌજન્ય ‘ફરજ’, “દિવ્ય ભાસ્કર”, 27 જુલાઈ 2017

Loading

આવાસો

અનુવાદક : જયંત મેઘાણી|Poetry|27 July 2017

નગરની અંદર ઘર બનાવો એ પહેલાં વનાંચલમાં 

તમારી કલ્પનાની એક કુંજ જરૂર રચજો. 

કારણ, જેમ સાંજ ઢળ્યે તમારાં પગલાં ઘર ભણી વળે છે,
તેમ સુદૂરે વસતો તમારો એકાકી રઝળુ આતમ પણ એ જ પંથે પળે છે.
તમારું ઘર એ તમારા આત્માનો આવાસ છે.
એ ઘર સૂરજ–મંડપની છાયામાં વિકસે છે,
અને નીરવ રાત્રિખોળે પોઢી જાય છે.
એ નિદ્રા સ્વપ્નવિહોણી નથી હોતી;
તમારું ઘર પણ સ્વપ્નશૂન્ય થોડું હોય છે?
અને સ્વપ્નમાં એ નગર ત્યજીને વનાંચલે વિહરવા નીકળતું નથી?
ગિરિશિખરનાં આરોહણ કરતું નથી?
ઉમ્મીદ તો એવી ઊગે છે કે હું બધાં ઘરને મુઠ્ઠીમાં ભરી લઉં,
વાવનાર વનમાં ને વાડીમાં બીજ વેરતો જતો હોય છે તેમ
ઘરોની પણ, લાવ ને, વાવણી કરું!
અહો! પહાડોની કંદરાઓ તમારા વસવાટના રસ્તા હોત તો!
હરિયાળી પગદંડીઓ નગરની શેરીઓ હોત તો!
સહુ લોક દ્રાક્ષ–મંડપની છાંયમાં એકબીજાને શોધતા હોત તો!
પછી ઘેર પાછાં ફરતાં તમારાં વસ્ત્રોમાંથી
માટીની સુગંધ ફોરતી હોત તો!
પૂર્વજોએ સલામતી ખાતર તમને સહુને ભેગાં વસાવ્યાં.
ભીતિવિવશ એ રસમ હજુ ચાલવાની.
હજુ પણ તમારાં ઘર વસ્તીમોઝાર રહેવાનાં અને
તમારી વાડીઓ ગામસીમાડે રહેવાની.
અને, કહો, તમારાં ઘરોમાં શું ભંડાર્યું છે,
એવી તે કઇ જણસનું જતન કરવાનું છે કે
ઘરનાં બારણાં તમારે ભીડેલાં રાખવાં પડે છે?

તમારે મનડે શાંતિનો આવાસ છે? 

ચિત્તના ઝળહળ શિખરે પહોંચાડે એવી સ્મરણસંપદા છે? 

કેવળ દુન્યવી વસ્તુઓની સૃષ્ટિમાંથી દેવભવન ભણી લઇ જાય 

એવું હૃદયસૌંદર્ય છે ખરું? 

કહો, આવુંઆવું તમારાં ઘરોમાં છે? 

કે પછી નરી સગવડો જ સગવડોથી ઘર ઊભરાય છે? 

જે અતિથિ બનીને ચાતુરીપૂર્વક ઘરમાં પ્રવેશે છે, 

પછી યજમાન બની જાય છે, 

ને છેવટે ઘરની સ્વામિની બની બેસે છે! – એ સુવિધા તે કેવી? 

અરે, એ તો પછી તમને પાળીતાં પશુ બનાવી દે છે, 

તમારી ઇચ્છાઓને કઠપૂતળી બનાવી દે છે! 

એમના હાથ મુલાયમ હોય છે, પણ હૃદયે લોઢું ધરબેલું હોય છે.

તમને નિદ્રાવશ બનાવી મૂકે છે, 

તમારી હસ્તીની અધિપતિ બની જાય છે. 

તમારી સુબુદ્ધિને હાંસી અપાવે છે. 

સાચે જ, સગવડોની તૃષ્ણા આત્માની ભાવનાઓનો ભક્ષ કરી જાય છે.

પણ, હે વિશાળ વસુધાનાં સંતાનો, 

નૌકાને નાંગરવાના લંગરને નહીં, 

પણ નિત્યપ્રયાણના સઢને તમારું ઘર બનાવજો.

જીવિતો માટે સજાવેલી કબર જેવાં ઘરો માંહી તમારો વસવાટ ન હજો. 

અને ભવ્ય અને રમ્ય હોય એ પણ ઘરમાં ગુપ્ત ન હજો.

કારણ, જે આતમરામ તમારા ઘટડામાં વિલસે છે 

તેના વસવાટ તો આકાશના ભુવનમાં છે; 

પ્રભાતી ઝાકળ તેનું દ્વાર છે, 

અને રાત્રિનાં ગાન અને નીરવતા તેની બારીઓ છે.

 

[ખલિલ જિબ્રાનના કાવ્ય ‘ઑન હાઉસીઝ’ પરથી]

Loading

...102030...3,3633,3643,3653,366...3,3703,3803,390...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved