Opinion Magazine
Number of visits: 9584439
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મંત્રાલયની માનસિક બીમારી અને અજ્ઞાન

નેહા શાહ|Opinion - Opinion|18 June 2017

દેશના બહુમતી માંસાહારી સમુદાયની ગર્ભવતી સ્ત્રીઓને માંસાહાર ન કરવાની મંત્રાલયની સલાહ અવિચારી છે

સગર્ભા અવસ્થા સ્ત્રીના જીવનનો એક ખાસ સમય છે. પોતાના શરીરમાં પાંગરતા જીવનો આનંદ દરેક સ્ત્રીને તેમ જ એની આસપાસનાં સૌ આપ્તજનોને પણ હોય છે. દરેક શુભચિંતક પાસે માતા બનનારી સ્ત્રી માટે સલાહસૂચન હોય છે, જે તેમના અનુભવમાંથી અને તેમણે સાંભળેલી સૂચનાઓમાંથી આવતા હોય છે. ખોરાકમાં શી કાળજી લેવી, ઉઠવાબેસવામાં શું સાચવવું કે પછી કેટલો આરામ કરવો વગેરે. બેજીવી સ્ત્રીના શરીરની કાળજી માટે શું સાંભળવું, શું વાંચવું, શું જોવું, મનને આનંદમય રાખવું વગેરે પણ કહેવામાં આવે છે.

તેમનો આશય માતા અને બાળક તંદુરસ્ત રહે એવો શુભ જ હોય છે. અનુભવમાંથી જન્મેલું આ પારંપરિક ડહાપણ ગર્ભવતી સ્ત્રીને ઘણી વાર ખૂબ કામ લાગે છે. તેને આદર આપીને આવાં સલાહસૂચનોને સામાન્ય રીતે એ માન્ય રાખતી હોય છે.  તાજેતરમાં માતા અને બાળકની તંદુરસ્તી માટે આયુષ મંત્રાલય દ્વારા એક માર્ગદર્શિકા પ્રકાશિત કરવામાં આવી છે. તેમાં તંદુરસ્ત બાળક મેળવવા માટે ગર્ભવતી સ્ત્રીએ શું કરવું અને શું ના કરવું એની પણ યાદી છે.

તેમાં આધ્યાત્મિક વિચારો કરવા, મહાન લોકોનાં જીવનચરિત્ર વાંચવાં, સારા ચિત્રો દીવાલ પર લગાડવાં, ખુશ રહેવું, મનને શાંત રાખવું, ખરાબ માણસોની સંગત ન કરવી, ક્રોધ, ધિક્કાર જેવા ભાવ મનમાં ના આણવા વગેરે, પરંપરાગત રીતે દરેક ઘરમાં અપાતી હોય એવી સલાહ અપાઈ છે. આવી સલાહ દરેક કુટુંબમાં સંજોગો પ્રમાણે વધતેઓછે અંશે સ્વીકારાતી હોય. પરંતુ મંત્રાલયની માર્ગદર્શિકામાં કેટલીક એવી સલાહ પણ છે, જે સમાજના નાના પણ વગદાર વર્ગની માન્યતાના આધારે કરવામાં આવી છે. દા.ત. માંસાહાર ન કરવો. વળી, ગર્ભ ધારણ કર્યા પછી જાતીય સંબંધથી દૂર રહેવાની અતાર્કિક લાગે એવી સલાહ પણ છે. એટલે જ આ સલાહથી વિવાદ સર્જાયો છે.

ભારત જેવા વૈવિધ્યપૂર્ણ દેશમાં માંસાહાર ન કરવાની સલાહ દેશના વિવિધ પ્રાંતમાં વસતી દરેક ગર્ભવતી સ્ત્રીને કઈ રીતે આપી શકાય? એ સૌને એક લાકડીએ હંકારવા જેવી વાત નથી? જ્ઞાન અને અનુભવોના પણ ભૌગોલિક અને સાંસ્કૃિતક સંદર્ભ હોય છે. જે જગ્યાએ જે વસ્તુ મળે એનો વપરાશ ત્યાંના ખાનપાનની રીતમાં દેખાય, એ તો સાદી સમજ છે. આપણાં શરીર પણ એ રીતે જ ટેવાયેલાં હોય છે. દા.ત. મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગર્ભવતી સ્ત્રીને કોપરું  અને નાળિયેર પાણી ખૂબ આપે, જ્યારે ગુજરાતના કેટલાક ભાગમાં નાળિયેરનો વપરાશ બંધ કરી દેવાની સલાહ અપાય. બીજું ઉદાહરણ પપૈયાનું છે.

કાચા પપૈયામાં રહેલા લેટેક્સ નામના તત્ત્વને કારણે વિશ્વમાં લગભગ બધે જ ગર્ભવતી સ્ત્રી માટે તેના પર નિષેધ નથી, પણ આપણે ત્યાં તો પાકા પપૈયાને પણ વર્જિત માનવામાં આવે છે. આપણી આસપાસ ભાગ્યે જ એવી કોઈ સ્ત્રી હશે જેણે ગર્ભાવસ્થા દરમ્યાન પાકાં પપૈયાને હાથ પણ લગાડ્યો હોય. બીજી તરફ, પાકાં પપૈયામાં ભરપુર પ્રમાણમાં વિટામિન સી અને ઈ હોવાને કારણે પાશ્ચાત્ય દેશોમાં પપૈયું ખાવાની સલાહ આપવામાં આવે છે. આ દરેક પ્રદેશની પોતાની વિવિધતા આધારે ઊભી થયેલી પરંપરા છે.

વિશ્વમાં ભારતની છબી શાકાહારી સમાજ તરીકેની છે. પણ હકીકત એ છે કે શાકાહારનો વિચાર ઉત્તર અને પશ્ચિમી ભારતની ઉપલી જ્ઞાતિઓમાં જ વધુ પ્રચલિત છે. મુદ્દો માંસાહારની વકીલાત કરવાનો નથી, પણ સમાજના વિવિધ વર્ગની રહેણીકરણી સ્વીકારવાનો છે. 2014માં રજિસ્ટર જનરલ ઓફ ઈન્ડિયાના એક સર્વેક્ષણ પ્રમાણે ભારતની 71 ટકા વસ્તી માંસાહારી છે. પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, કેરળ અને તેલંગણા જેવાં રાજ્યોમાં માંસાહારી વસ્તીનું પ્રમાણ 97થી 98 ટકા જેટલું છે.

સામાન્ય રીતે શાકાહારી ગણાતાં ગુજરાતમાં પણ 39.5 ટકા વસ્તી માંસાહારી છે. એટલે ગર્ભાવસ્થા દરમ્યાન માંસાહાર ન કરવાની સમજ સમગ્ર ભારતની તો નથી. માછલી, ઈંડા અને માંસ જેવા પદાર્થોમાંથી પ્રોટીન અને આયર્ન (લોહ તત્ત્વ) ખૂબ સારા પ્રમાણમાં મળી રહે છે. ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીને તેની વિશેષ જરૂર હોય છે. માટે એ માતા અને આવનાર બાળક બંનેની તંદુરસ્તી માટે અગત્યના છે. દેશના આટલા મોટા માંસાહારી જનસમુદાયની ગર્ભવતી સ્ત્રીઓ માટે, કોઈ વૈજ્ઞાનિક આધાર વિના માંસાહાર ન કરવાની મંત્રાલયની સત્તાવાર સલાહ અવિચારી લાગે છે — ખાસ કરીને એવા સંજોગોમાં કે જ્યારે ભારતમાં દર વર્ષે આશરે 44,000 સ્ત્રીઓ પ્રસૂતિ દરમ્યાન મૃત્યુ પામે છે. ગણતરી માંડીએ તો દર કલાકે આપણે પાંચ સ્ત્રીઓને પ્રસૂતિ સમયે ગુમાવીએ છીએ.

આ રીતે મૃત્યુ પામનારી સ્ત્રીઓની વૈશ્વિક ટકાવારીમાં ભારતનો હિસ્સો 17 ટકા જેટલો ઊંચો છે. કુપોષણ આજે પણ માતાઓનો ભોગ લેનાર એક મોટું કારણ છે, જેમાં પ્રોટીન અને લોહીની ઊણપ એનાં મુખ્ય કારણોમાં અગ્રસ્થાને છે. ગર્ભાવસ્થામાં સ્ત્રીનાં શારીરિક અને માનસિક આરોગ્યની માટે પૌષ્ટિક આહાર મળી રહે એની ખાતરી થવી જરૂરી છે. જો આજની તારીખમાં પણ કુપોષણને કારણે પ્રસૂતિ દરમ્યાન સ્ત્રીનું કે પછી નવજાત બાળકનું મૃત્યુ થતું હોય તો એનો અર્થ એ થયો કે હજુ પણ ઘણાં કુટુંબ જરૂરી આહારની વ્યવસ્થા નથી કરી શકતાં. આ દારુણ ગરીબીના સંજોગોમાં સામે ચરતી મરઘી કે બતકના ઈંડા ખાવાનું છોડી દેવાનું એને ના જ કહેવાય.

બીજી વાંધાજનક લાગે એવી સલાહ ગર્ભાવસ્થા દરમ્યાન મનમાં કામેચ્છા ન આણવા દેવાનું છે.

ગર્ભાવસ્થા દરમ્યાન જાતીય સંબંધ બંધાવાની બાબતમાં એને કારણે માતા કે બાળકને નુકસાન થયાનું સાંભળ્યું નથી — સિવાય કે માતાનું પ્લેસન્ટા નીચું હોવાં જેવા કોઈ ચોક્કસ પ્રકારના પ્રશ્નો હોય અને ડોક્ટરે તેમને ચોક્કસ સલાહ આપેલી હોય. બાકી, સામાન્ય સંજોગોમાં દંપતી ગર્ભાવસ્થા દરમ્યાન પણ જાતીય જીવન માણી જ શકે છે. આ વાતને મેડિકલ સાયન્સે માન્યતા આપેલી જ છે. એટલે કામેચ્છા પર કાબૂ રાખવાની સલાહ પાછળ જો કોઈ નક્કર વૈજ્ઞાનિક કારણ ન હોય તો એનો અર્થ એવો થયો કે એ હિમાયત કરનારના દૃષ્ટિબિંદુનો કે વૈચારિક મરજાદીપણાનો સવાલ છે.

આમે ય, સ્ત્રીની જાતીય ઈચ્છા પ્રત્યેનું દૃષ્ટિબિંદુ સંકુચિત જ રહ્યું છે. તેને અપવિત્ર, મનનો વિકાર માનવામાં આવે છે. પ્રેમપૂર્વકનું જાતીય જીવન મનને શાંત અને પ્રફુલ્લિત રાખી શકે છે એ કુદરતની હકીકત છે એ વાતનો સ્વીકાર આપણે કેમ કરતાં નથી? આયુષ મંત્રાલયે જે કાંઈ કહ્યું છે એ માર્ગદર્શિકા જ છે, હુકમનામું નથી. એવી ને બીજી ઘણી સ્પષ્ટતા મંત્રાલય તરફથી થઇ છે. પણ કેન્દ્ર સરકારનું મંત્રાલય માર્ગદર્શન આપે છે તો એણે ચીંધેલી દિશા સમજવાનું અગત્યનું થઇ પડે છે. અને એ જો સર્વસમાવેશક ના હોય, નાના વગદાર વર્ગની માન્યતાનું જ પ્રતિબિંબ હોય અને એમાં ઠોસ વૈજ્ઞાનિક આધારનો અભાવ જણાતો હોય તો એ માટે વિચારતા થઇ જવાની ચોક્કસ જરૂર જણાય છે.

સૌજન્ય : ‘ઊંટવૈદું’, “દિવ્ય ભાસ્કર”, 16 જૂન 2017

Loading

જોડણીવિષયક એવી પરિશુદ્ધ ભૂમિકા હાંસલ કરવી ઘટે છે, જેના સત્ત્વબળે ફરીથી એક વાર ઘોષણા કરી શકાય કે — હવે પછી કોઇને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.

સુમન શાહ|Opinion - Literature|18 June 2017

‘સ્પૅલિન્ગ બી’ સ્પર્ધાથી સ્પર્ધકોમાં અખૂટ ભાષાપ્રેમ અને સંસ્કૃિત માટેની જિજ્ઞાસા જાગે છે.

ભાષા-સાહિત્યના સૌ હિતૈષીઓ – પ્રૌઢો અને વયસ્ક સમકાલિકો – અવારનવાર ગુજરાતી ભાષાની ચિન્તા કરતા રહ્યા છે. જોડણી, લિપ્યન્તરણ, પારિભાષિક શબ્દો, પરભાષાના અનૂદિત શબ્દો, વગેરેમાં સુધારાવધારા માટે એમના તરફથી અંગત ભૂમિકાનાં વિવિધ મત-મન્તવ્યો મળતાં રહ્યાં છે, પણ હજી લગી કશી બહુસ્વીકૃત એકવાક્યતા પર પહોંચી શકાયું નથી. તાજેતરમાં હેમન્ત દવેએ ‘સૌથી સારો – કે સૌથી ઓછો ખરાબ – ગુજરાતી શબ્દકોશ કયો ?’ શીર્ષક હેઠળ પૂરા ખન્તથી કોશવિષયક અધ્યયનલેખ કર્યો છે. (જુઓ ‘નિરીક્ષક’, ૧ જૂન ૨૦૧૭). હું માનું છું કે એથી કોશસુધારની વળીને એક માતબર અને સંગીન તક જન્મી છે. હેમન્ત દવે ઉપરાન્ત ઊર્મિ દેસાઇ, યોગેન્દ્ર વ્યાસ, બાબુ સુથાર અને અન્ય તદ્વિદોના નેજા હેઠળ ગૂજરાત વિદ્યાપીઠ, અન્ય યુનિવર્સિટીઓ અને સાહિત્યસંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે નવ-દિવસીય ૨-૩ કાર્યશાળાઓ કરીને જોડણીવિષયક એક એવી પરિશુદ્ધ ભૂમિકા હાંસલ કરવી ઘટે છે, જેના સત્ત્વબળે ફરીથી એક વાર ઘોષણા કરી શકાય કે — હવે પછી કોઇને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.

જો કે, વડીલોના આ વારસા કે વાંક સાથે ગુજરાતીભાષી વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓનું ખાસ કશું જોડાણ રહ્યું નથી. તેમ છતાં, મને લાગે છે કે કશા પણ ભાષા-સુધાર માટે એઓને લઇને શુભારમ્ભ કરીએ તો લેખે લાગે, કેમ કે પાકા ઘડે કાંઠા નથી ચડવાના. જોગાનુજોગ, હું આજે ‘સ્પૅલિન્ગ બી’ની વાત કરવાનો ’તો. હવે કરું. અમેરિકામાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અંગ્રેજી શબ્દોની જોડણી, ઉચ્ચારો, વ્યાખ્યા, વ્યુત્પત્તિ વગેરેની જે મહા સ્પર્ધામાં ભાગ લે છે, એનું નામ ‘સ્પૅલિન્ગ બી’ છે. ‘સ્ક્રિપ્પસ નૅશનલ સ્પૅલિન્ગ બી’ સંસ્થા આ સ્પર્ધા યોજે છે. ભાગ લેનારને ‘સ્પૅલર’ કહે છે. ભાષાનિષ્ણાતોએ જોયું છે કે છેલ્લા દસકથી ઇન્ડિયન-અમેરિકન છોકરા-છોકરીઓએ ‘સ્પૅલિન્ગ બી’ કૉમ્પિટિશનમાં નામ કાઢ્યું છે બલકે સ્પર્ધાને સાર્થક ઠેરવી છે. છેલ્લા વર્ષના ૧૦ ટૉપર્સમાં ૭ સ્પૅલર્સ ઇન્ડિયન હતા. ફ્રેસ્નો, કૅલિફોર્નિયાની માત્ર ૧૨ વર્ષની છોકરી અનન્યા વિનય ૨૦૧૭-ની ‘સ્ક્રિપ્પસ નૅશનલ સ્પૅલિન્ગ બી’ બની છે. નૉર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીનાં નૃવંશવિજ્ઞાની શાલિની શંકર આ ‘સ્પૅલિન્ગ કલ્ચર’ વિશે પુસ્તક લખી રહ્યાં છે. લોક એમને મજાકમાં પૂછતું હોય છે કે ઇન્ડિયન બ્રેઇનમાં એવું તે કયું જન્મજાત તત્ત્વ છે જે આ સ્પર્ધા સાથે સુસંગત થઇ સ્પર્ધકને વિજય લગી પહોંચાડે છે ? કશો ‘સ્પૅલિન્ગ જિન’ છે એમાં ? સંસ્થાનાં ડાયરેક્ટર પૅઇજ કિમ્બલ એમ કહે છે કે આ દેશમાં (અમેરિકામાં) સાઉથ એશિયન્સ વધુ ને વધુ ઇન્ટિગ્રેટ થતાં રહે છે, સ-ફળ થવા પરિશ્રમ કરે છે, એ પરિબળનો આ સફળતામાં મોટો હિસ્સો છે.

એ બેનને ક્યાં ખબર છે કે એશિયન-અમેરિકન, આપણી વાત કરીએ તો, ગુજરાતી મા-બાપો, ભારતીય સંસ્કૃિત સાથે સંલગ્ન રહેવા માટે પોતાથી થાય એ બધું જ કરે છે. સન્તાનો ‘સ્પૅલિન્ગ બી’ માટે જ નહીં પણ ભારતીય અને અમેરિકી સંસ્કૃિતના ગજગ્રાહ વચ્ચે ઘણી જહેમતથી પોતાનો રસ્તો આકારે છે. રવિવારની સવારે ઇન્ડિયન ટૅમ્પલમાં જઇ સંસ્કૃતમાં ગીતાપાઠ કરે ને તેને અંગ્રેજીમાં સમજી ચિત્તમાં જ્યાં ગોઠવાય ત્યાં ગોઠવે. રામાયણ-મહાભારતમાંથી આવડે એવી ભજણીઓ કરે. કોઇ કૃષ્ણ બને, કોઇ રાધા, કોઇ રામ-સીતા, કોઇ રાવણ. બપોરે હોમવર્ક કરે, સાંજે બેઝબૉલની પ્રૅક્ટિસ માટે જાય, ને રાત્રે કશી વિડીઓ ગેમમાં થોડી તડાફડી કરી ઝટપટ સૂઇ જાય, કેમ કે સવારે વહેલા ઊઠી એ જ અઠવાડિક રફતારમાં એમણે મચી પડવાનું હોય છે. અને હા, આ બધો વખત એમને પપ્પા-મમ્મીનું કે મૉમ-ડૅડીનું સાચી-ખોટી વાક્યરચનાવાળું અને ગુજરાતી ઍક્સેન્ટથી ભરમાયેલું અંગ્રેજી સાંભળવું પડે છે, સહેવું પડે છે. એ જ સન્તાનોને ઘરની બહાર પગ મૂકતાંની વારમાં, ટોટલિ અમેરિકન ઍમ્બિયન્સમાં – માહોલમાં – જીવવું રહે છે. આ દશા માત્ર ગુજરાતી સન્તાનોની નથી, તેલુગુ કન્નડ મરાઠી કે પંજાબીની પણ છે. તેમ છતાં, તેમ છતાં, જો એ સન્તાનો પરિશ્રમપૂર્વક ‘સ્પૅલ બી ટૉપર્સ’ થઇને કારકિર્દી બુલંદ કરતાં હોય તો મને એ પેઢીમાં રસ પડે છે. કશી પણ ભાષા-આશા એમનાથી ફળીભૂત થઇ શકે એવો ભરોસો પડે છે. કેમ કે એટલું નક્કી છે કે આ સ્પર્ધાથી એમનામાં અખૂટ ભાષા પ્રેમ અને સંસ્કૃિત માટેની જિજ્ઞાસા જાગી હોય છે.

ગુજરાતમાં ય સન્તાનો કઠિનાઇઓ સાથે ઊછરતાં હોય છે. મા-બાપો ‘ગુજરેજી’ બોલતાં હોય. કાકા-કાકી કહેતાં રહે, અંગ્રેજી પાકું કર, એ વિના તારો ઉદ્ધાર નથી. માસીબા ઠસાવતાં રહે, બેટા, માતૃભાષાને વીસરી જઇશ તો ઘણું ગુમાવીશ. બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ એને મલ્ટિપૅક્સમાં વેસ્ટર્ન મૂવી જોવા સાગ્રહ લઇ જાય છે. કૉલેજ-વયનાં કોઇને તો હવે ડેટિન્ગ જેવા વેસ્ટર્ન ઍપિસોડ માટે પણ ‘ફોર્સ’ વેઠવો પડે છે. એ બાપડી કે બાપડો કરે તો, કરે શું ? મારી દૃષ્ટિએ આ પેઢી નિર્દોષ છે તેથી કરુણાપાત્ર છે પણ આગલી પેઢી દયાજનક છે. અમેરિકામાં ‘સ્પૅલિન્ગ બી’ પ્રોગ્રામ મુખ્યત્વે દુનિયાભરની ચીજો માટેના અંગ્રેજી શબ્દો માટે યોજાય છે. આજે એની વાત કરીને હું એમ કહેવા માગું છું કે ગુજરાતમાં ગુજરાતી ભાષાના શબ્દો માટે આ સ્પર્ધા યોજવી જરૂરી છે. પ્રિલિમિનરીથી ફાઇનલ સુધીના પ્રોગ્રામનું સુનિયોજન કરવું જરૂરી છે. માધ્યમિક શાળાઓમાં પછી આન્તરશાળાકીય સ્તરે તેમ જ યુનિવર્સટીઓમાં ને પછી ઇન્ટર-યુનિવર્સિટી લેવલે સ્પર્ધા રાજ્યવ્યાપી બની રહે એમ કરી કરવું અશક્ય નથી. સાચો ઉચ્ચાર, સાચો અર્થ, એ બે બાબતોથી શુભારમ્ભ કરી શકાય. વ્યાખ્યા, વ્યુત્પત્તિ, પછીથી દાખલ કરાય. મેં સાંભળ્યું છે કે ગુજરાતમાં ક્યાંક યોજાય છે. પણ એવા રડ્યખડ્યા પ્રયાસોથી આપણું ભાષા-દુ:ખ નહીં મટે કેમ કે બહુ જૂનું છે. અરે યાર! મારા પ્યારા કેટલાક સાહિત્યકારોને, કેટલાક વહાલા મારા ગુજરાતીના અધ્યાપકોને, ઍચોડીઓને અને પીઍચડી-પદવીધારકોને પણ, સાચા ઉચ્ચાર અને સાચા અર્થના, કેટલીયે વાર સાંસા પડી જાય છે. ત્યાં, પડોશી મનુભાઇની કે કરિયાણાવાળા કાનજીભાઇની તો વાત જ શી કરવી ! શિક્ષિત કે અ-શિક્ષિત સૌ ગુજરાતીઓને ગાડું ગબડાવવું છે. બધાંને મમ્ મમ્-થી કામ છે. શું કરો !

સફેદ લૅંઘો-ઝભ્ભો-બંડી ને સફેદ સૅન્ડલમાં ડાર્ક ગોગલ્સધારી આયોજનસમર્થ દીસતા એક નેતાસદૃશ જણને મેં આ વાત કરી, તો ક્હૅ, સ્પૅલિન્ગ તો પ્રાથમિક બાબત કહેવાય, કેવું લાગે ! શરમ આવે ! મેં કહ્યું, વાત શરમાવા જેવી તો છે ! કરશો તો જાણશો કે અંધારાં કેટલાં ઊંડાં છે. પાછું એ ન પૂછતા કે ‘સ્પૅલિન્ગ બી’ પ્રોગ્રામ ગોઠવવો હોય તો એમાં કરવાનું શું. મેં કહ્યું, આપણને લોકોને અન્તકડીથી માંડીને સ્પૉર્ટ્સની સ્પર્ધાઓ ગોઠવતાં આવડે. જ્ઞાતિનાં સમ્મેલનો આવડે, ડેસ્ટિનેશન વેડિન્ગ આવડે. યુનિવર્સિટી-સૅનેટનાં કે કોઇપણ ઇલેક્શનોનાં મૅનેજમૅન્ટ આવડે. સ્માર્ટ ફોન અને મલ્ટિ-યુઝ હાઇડેફિનેશન ટીવી વાપરતાં આવડે. અને એ બધું જી-વ-ન ગુજરાતી આતમરામની જોડે તો જીવીએ છીએ ! તો આ શા માટે નહીં ? ભલા માણસ, એટલું સમજો કે સવાલ ભાષાના ભવિષ્યનો છે. શુભ શરૂઆતનો છે, પ્રામાણિક ઇચ્છાનો છે. એઓશ્રી ‘ઓકે’ કહીને તો ગયા છે. હું એમની રાહ જોતો બેઠો છું …

===

સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 17 જૂન 2017

Loading

મીઠી વીરડી અણુવીજળી મથકની યોજના પડતી મૂકાઈ : લોકશક્તિનો ભવ્ય વિજય

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|17 June 2017

ગામલોકો અને કર્મશીલોએ સાત વર્ષ ચલાવેલું જન આંદોલન 

ભાવનગર જિલ્લામાં અલંગ નજીક આવેલાં મીઠી વીરડી – જસપરા ખાતે અણુવીજળી મથકની સૂચિત યોજના તાજેતરમાં પડતી મૂકાઈ, તે લોકશક્તિની એક મોટી જીત છે. આ યોજનાનો સીધો ભોગ મથક માટેના સ્થળ તરીકે પસંદ થયેલાં ચાર ગામ બનવાનાં હતાં. તેમાં 340 ખેડૂતોની 603  હેક્ટર જેટલી ખેતજમીન અને ગામોની 174 હેક્ટર સહિયારી જંગલ જમીન જવાની હતી.  તદુપરાંત, 152 ગામોનાં બે લાખ લોકો અને 30 કિલોમીટર વિસ્તારની જમીન કિરણોત્સર્ગની અસર હેઠળ આવવાનાં હતાં. ત્રણ-ચાર પાક આપતી ફળદ્રૂપ જમીન, મીઠું પાણી, અનેક શાકભાજી તેમ જ આંબા-ચીકૂ-નાળિયેરની વાડીઓથી હર્યુંભર્યું આ નંદનવન નરકમાં ફેરવાઈ જવાનું હતું. પણ આમ ન થયું. ધરતીમાતાને રાષ્ટ્રવાદના સૂત્રોથી ઊપર ઊઠીને ચાહતા, જાગતા ગામલોકોએ આ યોજના સામે એક દાયકા માટે અહિંસક લડત ચલાવી. અણુઊર્જાની વિનાશક અસરો અંગેની પાકી સમજ અને નોખી ધીરજ સાથે તે  ચાલી. તેનું ચાલકબળ જનશક્તિ ઉપરાંત ‘પર્યાવરણ સુરક્ષા સમિતિ’ નામનું સંગઠન હતું. તેણે લોકો વચ્ચે કામ કરતાં કરતાં તેમનો મેળવેલો વિશ્વાસ, લોકશાહી પદ્ધતિથી તેણે ઊભી કરેલી અડગ લોકભાગીદારી અને તેના કર્મશીલોએ રચેલી વ્યૂહરચનાએ મીઠી વીરડી ચળવળને એક સીમચીહ્ન રૂપ લોકઆંદોલન બનાવ્યું છે, જેની મહત્તા આખા દેશે પિછાણવી જરૂરી છે.

સમિતિ અને ગામ વચ્ચેનાં એક દાયકાથી વધુ સમયના જોડાણનો તદ્દન તાજો દાખલો એટલે એ અરજી કે જેની પરના ચૂકાદા તરીકે નૅશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે યોજના પડતી મૂકવાનો આદેશ આપ્યો. માર્ચ 2015માં કરેલી આ અરજીમાં મીઠી વીરડી યોજનાને મળેલી કોસ્ટલ રેગ્યુલરેટરિ ઝોનની મંજૂરીને પડકારી હતી. આ અરજી માટેનાં પાંચ અરજદારોમાં મીઠી વીરડીના સરપંચ શક્તિસિંહ ગોહિલ, તેમ જ બે ગામવાસી હાજા દિહોરા અને જાગૃતિ ગોહિલ હતાં. તેમની સાથે પર્યાવરણ સુરક્ષા સમિતિના સમર્પિત અભ્યાસી કાર્યકર્તા કૃષ્ણકાન્ત ચૌહાણ અને અસધારણ કર્મશીલ રોહિત પ્રજાપતિ હતા.

અલબત્ત આંદોલનનો આ છેલ્લો તબક્કો હતો. તેના પાયા તો 2007માં નખાયા હતાં. અણુવિદ્યુત મથક યોજના અંગેની જાણ થતાં સમિતિના કાર્યકરોએ વિસ્તારમાં લોકસંપર્ક શરૂ કર્યો. રોહિત-કૃષ્ણકાન્ત ઉપરાંત સ્વાતિ દેસાઈ, આનંદ તથા માઇકલ માંઝગાવકર અને લખન મુસાફિરે ગામેગામ ફરીને સભાઓ અને જૂથચર્ચાઓ દ્વારા અણુઊર્જાની અનિચ્છનીયતા અંગેની માહિતી આપવાની શરૂઆત કરી. નિસબત ધરાવતા નાગરિકોના સંપર્ક સાધ્યા. ભાવનગરમાં અણુઊર્જા અભ્યાસ જૂથ બન્યું જેમાં અનેક પ્રબુદ્ધ સ્ત્રી-પુરુષો સક્રિય હતાં. લોકવિજ્ઞાનના પ્રસારક અરુણ દવેની મદદ મળી. 27 એપ્રિલે જસપરા, મીઠી વીરડી, ખદરપર, માંડવા અને સોંસિયાના લોકોનું સંમેલન ભરાયું. દેશભરમાંથી જાણકારો, કાર્યકર્તાઓ આવ્યાં. પાંચે ય ગામના નાગરિકો અને પચીસ સંસ્થાના સાથીઓએ ઠરાવ કર્યો : ‘દેશની આવી ફળદ્રુપ જમીન પર અણુવીજ મથક હરગિઝ ન થવું જોઈએ;  અણુવીજળી ખોટનો ધંધો છે – તે સસ્તી નથી, સ્વચ્છ નથી, સલામત તો બિલકુલ નથી; જમીન ક્યારે ય નહીં છોડીએ.’ ત્યાર પછીનાં વર્ષોમાં આખા ય પંથકમાં અણુશક્તિ, વિકાસની વિભાવના, નાગરિક અધિકાર જેવી બાબતો અંગેની સમજ માટે તાલીમ વર્ગો ચાલ્યાં. તેમાં ગુજરાત વિદ્યાપીઠ, ગઢડા ગ્રામ વિદ્યાપીઠ, લોકભારતી જેવી સંસ્થાઓ વિદ્યાર્થીઓ થકી જોડાતી રહી. પ્રતીક ઉપવાસ, પદયાત્રા અને હિરોશિમા દિન નિમિત્તે કાર્યક્રમો થયાં. ભાવનગર, અમદાવાદ, મીઠી વીરડી ખાતે જાહેર સભા-સંમેલનો થતાં રહ્યાં. તેમાં કુદનકુલમ (તમિલનાડુ), જદુગુડા (ઝારખંડ), જૈતાપુર (મહારાષ્ટ્ર), ફતેહબાદ (હરિયાણા) જેવી જગ્યાએ અણુઊર્જા વિરોધી ચળવળોના કાર્યકર્તાઓ અને નિષ્ણાતો જોડાતાં રહ્યાં. દુનિયાભરમાં જાણીતાં સુરેન્દ્ર અને સંઘમિત્રા ગાડેકર તેમ જ વેડછીના સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલયનો સાથ હતો. સર્વોદય, ગાંધીવાદ અને પર્યાવરણ ક્ષેત્રોને લગતી સંસ્થાઓનો પૂરો નૈતિક ટેકો હતો. 

અલબત્ત, સરકાર ચૂપ ન જ રહે. લોભલાલચ, ફાટફૂટ, ધાકધમકી ન હોય તો જ નવાઈ. 2010ના જૂનમાં એક દિવસે શક્તિસિંહને પોલીસ આવીને કહી ગઈ કે અણુમથક માટે સરકારી કંપની જમીનનો નમૂનો લેવા આવશે. બીજે દિવસે ગ્રામસભાએ પોલીસની હાજરીમાં એનો વિરોધ કર્યો. અગિયારમી તારીખે મળસ્કે ત્રણ બસો ભરીને પોલીસ કાફલો અને તેની સાથે કંપનીની  ડ્રિલિંગનાં સાધનોવાળી ગાડી હાજર. પાંચ ગામોમાં ઢોલ પીટાયો, જોતજોતામાં સાડાત્રણ હજાર માણસ હાજર. અમદાવાદથી લોક સમિતિના, બાણું વર્ષના ચુનીભાઈ વૈદ્ય આવી પહોંચ્યા. સમિતિના કાર્યકરો દોડ્યાં. જબરદસ્ત વિરોધ થયો : ‘મહેનતનો રોટલો ખાવા દ્યો, અણુમથક જાવા દ્યો’, ‘ગામની જમીન ગામની, સરકારની નહીં’, ‘જાન દેંગે, જમીન નહીં’. પોલીસ અને કંપનીને ખાલી હાથે પાછા ફરવું પડ્યું. બીજા એક પ્રસંગે 2,236 લોકોને જમીનનું વળતર એક ગુંઠે પંદર રૂપિયા આપવાનું નક્કી થયું. લોકોએ હાથ ન મૂકવા દીધો. 2011માં ખેડૂતો અને ખેતમજૂરોએ સોગંદનામું કર્યું : ‘… હું મારી જમીનના સંપાદનનો સખત વિરોધ કરું છું. હું ગંભીરતાપૂર્વક જણાવું છું કે હું મારી જમીન કોઈ પણ કિંમતે ગુજરાત સરકાર,ભારત સરકાર કે ન્યુિક્લઅર પાવર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાને વેચવાનો ઇન્કાર કરું છું.’ યોજના અંગે 5 માર્ચ 2013ની લોકસુનાવણી એક ખૂબ મહત્ત્વનો તબક્કો હતો. સરકારે સુરક્ષાકર્મીઓના કાફલા સાથે તે યોજી હતી. મંડપમાં ભયના માહોલ વચ્ચે બેઠેલા હજારો ગ્રામવાસીઓને સરકારે રજૂઆત કરવાની તક યોગ્ય રીતે ન આપી. એટલે લોકોએ સુનાવણીનો શાંતિપૂર્વક બહિષ્કાર કર્યો. સરકારે આ રીતે માત્ર દેખાવ ખાતર જ સુનાવણી કરી તેમાં લોકસુનાવણી અંગેના તમામ કાયદા નેવે મૂક્યા હતા. તેનું સમિતિએ ઝીણાવટર્યું દસ્તાવેજીકરણ અને જડબેસલાક વિશ્લેષણ કર્યું. વધુમાં સમિતિ એ હકીકત પણ બહાર લાવી જે કન્સલ્ટિંગ ફર્મએ આ સુનાવણી યોજી તેને ભારત સરકારનું એક્રેડિટેશન જ નથી ! યોજના સામેની તમામ દલિલોમાં સી.આર.ઝેડ.ની જેમ લોકસુનાવણીના ફારસનો મુદ્દો પણ સમિતિએ કુનેહથી રજૂ કર્યો. સત્તાવાળાઓને આ બધી રજૂઆતો લાંબા પત્રો/લખાણો રૂપે કરવામાં આવતી. તેનો ખરડો ગામની વાડીમાં ખાટલે લોકોની વચ્ચે બેસીને ચર્ચા સાથે તૈયાર થતો. તે અંગ્રેજીમાં લખવામાં, ગામલોકોને ગુજરાતીમાં સમજાવવામાં દિવંગત કર્મશીલ તૃપ્તિ શાહનો બહુ મોટો ફાળો હતો. તેમણે અને તેમનાં ‘સહિયર’ સંગઠનનાં બહેનોએ તેમ જ ‘ઉત્થાન’ સંસ્થાએ કેટલેક અંશે રૂઢિચુસ્ત ગામોની મહિલાઓને સંગઠિત કરવામાં ઘણો ફાળો આપ્યો છે. માર્ચ 2014માં પાંચ ગામની પંચાયતો આખો વિસ્તાર ‘ન્યુિક્લઅર ફ્રી ઝોન’ જાહેર કરતો ઠરાવ વડા પ્રધાન મોદીને મોકલ્યો. એ જ વર્ષે 14 ઑગસ્ટે ગામોનાં લોકો પ્રતિજ્ઞા લીધી : ‘અણુવીજળી અહીં નહીં, ક્યાં ય નહીં’. પછીનાં વર્ષે 24 જાન્યુઆરીએ પાંચ ગામના સરપંચ નરેન્દ્ર મોદી અને બરાક ઓબામાને અણુવિજળી મથકના વિરોધમાં પત્ર લખે છે. માર્ચ 2015માં એન.જી.ટી.માં અરજી થાય છે. પર્યાવરણ સુરક્ષા સમિતિના કાર્યકરો અને ગામ લોકો લડતાં રહે છે. તેમના કહેવા પ્રમાણે હવે આ યોજના આંધ્રપ્રદેશના કવાડમાં ગઈ છે ત્યાં પણ તેમની લડત ચાલુ રહેશે.

સરકાર ખેડૂતોને ગોળીએ દે છે. વિદ્યાર્થીઓ પર દેશદ્રોહનો આરોપ મૂકે છે. માધ્યમો પર દરોડા પાડે છે. રશિયામાં પુતિન સાથે અણુવીજળી માટે કરાર કરે છે. આવા દિવસોમાં મીઠી વીરડીના જાગતા લોકો, અને ખેતરમાંના ઝાકળની જેમ અણદીઠ રહીને તેમની સાથે લડેલા કર્મશીલો દેશ આખા માટે પ્રેરણારૂપ છે. 

+++++

15 જૂન 2017

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 16 જૂન 2017

Loading

...102030...3,3563,3573,3583,359...3,3703,3803,390...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved