Opinion Magazine
Number of visits: 9687958
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણનો વેપલો ને અસ્મિતાઓસના રાજકારણે ભારતમાં કેળવણીનું સંકટ પેદા કર્યું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|13 September 2017

એમાં ભારતની ૩૦ યુનિવર્સિટીઓને એન્ટ્રી મળી છે જેના સંચાલકો એમ માને છે કે તેઓ વિશ્વકક્ષાનું ઉત્તમ શિક્ષણ આપે છે. હવે પરિણામ જુઓ – ઊતરતા ક્રમે વિશ્વની શ્રેષ્ઠ ૨૫૦ યુનિવર્સિટીઓમાં ભારતની એક પણ યુનિવર્સિટી નથી. બીજું, ભારતની જે ૩૦ યુનિવર્સિટીઓને (ભલે પાછળના ડબ્બાઓમાં) સ્થાન મળ્યું છે એમાં એક પણ યુનિવર્સિટી પ્રાઇવેટ માલિકોની નથી. તમામ ૩૦ યુનિવર્સિટી સરકારી છે તો પછી મેરિટની ચિંતા કરનારાઓ અને દાવા કરનારાઓ છે ક્યાં?

….. કેરળના એક ગામમાં ગરીબ વિદ્યાર્થીઓને ઘરઆંગણે શિક્ષણ ન મળે અને ફરજિયાત ગામથી સાત કિલોમીટર દૂર પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા જવું પડે એ માટે પ્રાઇવેટ સ્કૂલના માલિકો છેક સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યા હતા. બહાનું મેરિટનું હતું. મેરિટમાં સમાધાન કેમ કરાય? જો પ્રાથમિક સ્તરે નબળું શિક્ષણ આપવામાં આવશે તો તેઓ ઉચ્ચ શિક્ષણમાં ટકી નહીં શકે અને અત્યારના હરીફાઈના યુગમાં પાછળ રહી જશે વગેરે. તેઓ અપીલ કરતાં-કરતાં છેક સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યા, કારણ કે તેઓ સ્કૂલના માલિક નથી,  સ્કૂલોની ચેઇન ધરાવે છે. તેમના માટે વિદ્યાર્થી ગ્રાહક છે.

સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે શિક્ષણ, આરોગ્ય, પાણી. રહેઠાણ એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે અને એમાં શિક્ષણ તો બાળકોનો મૂળભૂત અધિકાર છે. શાસકો એમ ન કહી શકે કે ગામથી દસ કિલોમીટર દૂર અત્યાધુનિક હૉસ્પિટલ છે, ૨૫ કિલોમીટર દૂર રહેઠાણની ઉત્તમ વ્યવસ્થા કરી છે, પ્રોસેસ કરેલા શુદ્ધ ફિલ્ટર્ડ પાણીની આઠ કિલોમીટર દૂર વ્યવસ્થા કરી છે અને ઉત્તમ શિક્ષણ માટે માત્ર પાંચ કિલોમીટર દૂર જવું પડે એમ છે. મૂળભૂત જરૂરિયાતની પુરવણી એને કહેવાય જ્યાં માણસ રહેતો હોય ત્યાં તેને એ મળી રહે. શિક્ષણ જરૂરિયાત નથી, બાળકોનો અધિકાર છે. સર્વોચ્ચ અદાલતે પ્રાઇવેટ સ્કૂલના માલિકોની મેરિટની દલીલ ફગાવી દીધી હતી. બાળકનો સર્વોચ્ચ અદાલતમાં વિજય થયો એ આનંદની વાત છે, પરંતુ વિચારવા જેવી વાત એ છે કે કેળવણીનો ધંધો કરનારા લક્ષ્મીદાસો કેટલા નીચ છે અને કેટલા શક્તિશાળી છે. આરોગ્ય અને શિક્ષણને એક જમાનામાં માનવસેવાનું ઉમદા કાર્ય સમજવામાં આવતું હતું જેનું આજે વ્યવસાયીકરણ થઈ ગયું છે.

બીજી બાજુ ઉચ્ચ શિક્ષણની હાલત કેવી છે જ્યાં મેરિટનું રટણ કરનારા લક્ષ્મીદાસોએ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે એનું ચિત્ર ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં જોવા મળે છે. એમ કહેવાય છે કે ભારતમાં ૭૦૦ જેટલી યુનિવર્સિટીઓ અને ૩૫ હજાર જેટલી કૉલેજો છે. અહીં એમ કહેવાય છે એમ એટલા માટે લખ્યું છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને અને ભારત સરકારના શિક્ષણ ખાતાને જ ખબર નથી કે ચોક્કસ કેટલી યુનિવર્સિટીઓ અને કૉલેજો આ દેશમાં છે. વિદ્વાન સમાજશાસ્ત્રી પ્રતાપ ભાનુ મહેતા અને દેવેશ કપૂરે ‘નેવિગેટિંગ ધ લૅબિરિન્થ: પસ્ર્પે‍ક્ટિવ્ઝ ઑન ઇન્ડિયાઝ હાયર એજ્યુકેશન’ નામના પુસ્તકમાં યુનિવર્સિટી અને કૉલેજોની સંખ્યાના વિરોધાભાસી આંકડા સરકાર પોતે જ આપી રહી છે એમ કહ્યું છે. લેખકોએ પ્રસ્તાવનામાં લખ્યું છે કે આ દેશમાં બીજા કોઈ પણ કામ કરતાં સૌથી સહેલું કામ સ્કૂલ-કૉલેજ શરૂ કરવાનું છે અને સૌથી અઘરું કામ શિક્ષણમાં સુધારા કરવાનું છે. ભારતમાં બીજા મોરચે સુધારાઓ કરવા કદાચ સહેલા છે, કેળવણીની સ્થિતિમાં સુધારાઓ કરવા એ કપરું કામ છે. એટલે તો લેખકોએ પુસ્તકનું ર્શીષક ‘નેવિગેટિંગ ધ લૅબિરિન્થ…’ આપ્યું છે. લૅબિરિન્થનો અર્થ ભૂલભુલૈયા થાય છે.

તો ભારતમાં સરકારી, અર્ધસરકારી, પ્રાઇવેટ, વિદેશની યુનિવર્સિટીનું નામ વાપરવાનું લાઇસન્સ ધરાવનારી એમ કુલ મળીને અંદાજે ૭૦૦ યુનિવર્સિટીઓ છે. છત્તીસગઢની સરકારે ૨૦૦૨ની સાલમાં છત્તીસગઢ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ ઍક્ટ ઘડીને બે વરસમાં સો કરતાં વધુ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને મંજૂરી આપી હતી. નાનકડા છત્તીસગઢ રાજ્યમાં માત્ર બે વરસમાં સો કરતાં વધુ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ સ્થપાઈ હતી જેમાંથી ૯૭ યુનિવર્સિટીઓની માન્યતા સર્વોચ્ચ અદાલતે ૨૦૦૫માં રદ કરી હતી. અદાલતે છત્તીસગઢ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ ઍક્ટને જ ગેરબંધારણીય ઠરાવ્યો હતો. એટલે તો પ્રતાપ ભાનુ મહેતા અને દેવેશ કપૂરે તેમના પુસ્તકમાં કહ્યું છે કે આ દેશમાં બીજા કોઈ પણ કામ કરતાં સ્કૂલ-કૉલેજ અને હવે તો યુનિવર્સિટી સ્થાપવી એ સહેલું છે. ૭૦૦માંથી અંદાજે ૫૦૦ યુનિવર્સિટીઓમાં રાજકારણીઓ કાં માલિક છે અથવા ભાગીદાર છે.

ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રૅન્કિંગ માટે વિશ્વની કુલ ૯૮૧ યુનિવર્સિટીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. એમાં ભારતની ૩૦ યુનિવર્સિટીઓએ એન્ટ્રી મળી છે જેના સંચાલકો એમ માને છે કે તેઓ વિશ્વકક્ષાનું ઉત્તમ શિક્ષણ આપે છે. હવે પરિણામ જુઓ – ઊતરતા ક્રમે વિશ્વની શ્રેષ્ઠ ૨૫૦ યુનિવર્સિટીઓમાં ભારતની એક પણ યુનિવર્સિટી નથી. બીજું, ભારતની જે ૩૦ યુનિવર્સિટીઓને (ભલે પાછળના ડબ્બાઓમાં) સ્થાન મળ્યું છે એમાં એક પણ યુનિવર્સિટી પ્રાઇવેટ માલિકોની નથી. તમામ ૩૦ યુનિવર્સિટી સરકારી છે તો પછી મેરિટની ચિંતા કરનારાઓ અને દાવા કરનારાઓ છે ક્યાં?

પ્રતાપ ભાનુ મહેતા અને દેવેશ કપૂર કહે છે એમ ભારતમાં શિક્ષણમાં સુધારા કરવા એ વિકટ કામ છે. એક સમસ્યા ડિમાન્ડ ઍન્ડ સપ્લાયની છે જેનો લક્ષ્મીદાસો લાભ લે છે. શાસકો કેળવણી માટે નાણાંની ફાળવણીમાં વધારો કરતા નથી, કારણ કે તેઓ પોતે પ્રાઇવેટ શિક્ષણસંસ્થાઓના માલિક છે અથવા એમાં ભાગીદાર છે. બીજી સમસ્યા જીવનમાં સફળ થઈ જવાની હરીફાઈની છે. દરેકને સફળ પ્રોફેશનલ બનવું છે એટલે લક્ષ્મીદાસો પ્રોફેશનલ કોર્સિસની કૉલેજો અને યુનિવર્સિટીઓ સ્થાપે છે, પછી ભલે સુવિધા ન હોય અને સારા પ્રોફેસરો ન હોય.

ત્રીજી અને સૌથી મોટી સમસ્યા રાજકીય હસ્તક્ષેપ છે. ભારતમાં બહુમતી હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતા શાસકોને એમ લાગે છે કે તેઓ કેટલા મહાન છે, તેઓ કેટલા પરાક્રમી છે, હિન્દુઓના શાસનમાં ભારત કેવો મહાન દેશ હતો, જગતનું પ્રત્યેક જ્ઞાન કઈ રીતે ભારતમાં વિકસ્યું હતું એની કીર્તિગાથાઓની વાત સ્કૂલ-કૉલેજો અને યુનિવર્સિટીઓમાં કહેવાવી જોઈએ. આવી જ સ્થિતિ રાજ્યોની છે. દરેક રાજ્યના શાસકોને એમ લાગે છે કે તેમના પ્રાંત જેવો મહાન કોઈ પ્રાંત નથી અને ત્યાંની બહુમતી પ્રજાને એમ લાગે છે કે તેમના જેવી બીજી કોઈ પરાક્રમી પ્રજા નથી. તેઓ તેમના કીર્તિગાનનો આગ્રહ રાખે છે. આમ કેન્દ્રમાં અને પ્રાંતોમાં શાસકો કેળવણી ઉપર ચડી બેઠા છે. એક તો તેઓ પ્રાઇવેટ શિક્ષણસંસ્થાઓ સ્થાપીને ધંધો કરે છે અને ઉપરથી અસ્મિતાના નામે કેળવણી સાથે ચેડાં કરે છે.

ભારતીય શિક્ષણસંસ્થાઓ સામે અત્યારે જે સંકટ પેદા થયું છે એ અભૂતપૂર્વ છે. યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓની નિમણૂક સીધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાંથી થાય છે. મુંબઈ યુનિવર્સિટીના ઉપકુલપતિએ યુનિવર્સિટીની જે હાલત કરી છે એ આપણી સામે છે. ભારતમાં ૭૦૦માંથી અંદાજે ૫૦૦ યુનિવર્સિટીઓમાં એવા ઉપકુલપતિઓ છે જેમણે જ્ઞાનના ઘૂંટડા સંઘની શાખાઓમાં ધરાઈ-ધરાઈને પીધા છે. એક વાત ગૅરન્ટી સાથે કહું છું જે નોંધી લેજો. આજે ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રૅન્કિંગમાં ભારતની જે ૩૦ યુનિવર્સિટીઓએ પાછળના ડબ્બાઓમાં સ્થાન મેળવ્યું છે એ સ્થાન આવનારાં વર્ષોમાં ભારતની યુનિવર્સિટીઓ ગુમાવી દેશે. કારણ? કારણ કે ત્યાં દીનાનાથ બત્રાઓ અને ગજેન્દ્ર ચૌહાણો જેવા શાખાઓમાં તૈયાર થયેલા વિરલાઓએ સ્થાન મેળવ્યું છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 13 સપ્ટેમ્બર 2017

Loading

ભ્રષ્ટાચારનું સૌથી મોટું કારણ અછત છે

નગીનદાસ સંઘવી|Opinion - Opinion|13 September 2017

વૈશ્ચિક કક્ષાએ ભ્રષ્ટાચાર સામે ઝુંબેશ ચલાવતું ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ (Transparency International) મથક જર્મનીમાં આવેલું છે. વિવિધ દેશોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારની આંકણી કરવી, ભ્રષ્ટાચાર નાબૂદીના ઉપાયો સૂચવવા અને તે માટેનાં જરૂરી કાયદાઓ અને વ્યવસ્થાતંત્રો ઊભાં કરવા માટેનો ઊહાપોહ આ સંસ્થા સતત ચલાવતી રહે છે. તે માટેના સર્વેક્ષણો કરીને તેના હેવાલો સંસ્થા દ્વારા અવારનવાર બહાર પાડવામાં આવે છે.

દક્ષિણ અને પૂર્વ એશિયા, પાકિસ્તાનથી માંડીને જાપાન સુધીના 22 દેશોમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર અંગેના તેના છેલ્લા હેવાલમાં ચીનનો સમાવેશ કરવામાં આવ્યો નથી, કારણ કે ચીનમાં સ્વતંત્ર અને તટસ્થ સર્વેક્ષણ કરવાનું શક્ય નથી. ચીની નાગરિકો સત્ય જાણવા છતાં બોલી શકતા નથી અને પરદેશી સંસ્થાઓને કશી ભરોસાલાયક માહિતી મળતી નથી.

આ બાવીસ દેશોના વીસ હજાર કરતાં વધારે નાગરિકોના અનુભવો અને મંતવ્યોની છણાવટ કરીને ટ્રાન્સપરન્સી સંસ્થાએ પોતાનો હેવાલ તૈયાર કર્યો છે. નાગરિકોને જીવન માટે જરૂરી સગવડો મેળવવા માટે કેટલા જણને કેટલો વખત અને કેટલી લાંચ આપવી પડે છે તેના આધારે ભ્રષ્ટાચારનું માપ ઠરાવવામાં આવ્યું છે અને તેમાં એકથી સો સુધીના માર્ક અપાયા છે. ભ્રષ્ટાચાર વધારે હોય તેને વધારે માર્ક અપાય છે, તેથી આ પરીક્ષામાં ઓછા માર્ક મળે તે સફળ થયો ગણાય છે.

ભ્રષ્ટાચાર તમામ દેશોમાં છે, પણ તેનું પ્રમાણ વધતું-ઓછું હોય છે. પૂર્વ એશિયાના દેશોમાં જાપાનમાં ઓછામાં ઓછો ભ્રષ્ટાચાર છે, કારણ કે તેમાં દર હજાર માણસે માત્ર બે માણસોએ લાંચ આપવી પડે છે. ભારતમાં ભ્રષ્ટાચાર સૌથી વધારે ફેલાયેલો છે, કારણ કે ભારતમાં દર સો માણસે 69 માણસોએ લાંચ આપ્યાનું કબૂલ કર્યું છે. વિયેતનામ બીજા નંબરે છે, કારણ કે વિયેતનામમાં 65 ટકા લોકો રુશવત આપે છે. આપણી સરખામણીએ પાકિસ્તાનમાં માત્ર 40 ટકા લોકોએ રુશવત આપવી પડે છે.

ટ્રાન્સપરન્સીના આ હેવાલમાં વ્યાપારી સોદા માટે કે રાજકારણનો લાભ લેવા માટે આપવામાં આવતા લાંચ રુશવતનો સમાવેશ કરવામાં આવ્યો નથી, પણ સરકારી અસ્પતાલો કે સ્વાસ્થ્ય સેવાનો લાભ લેવા માટે, શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે અથવા ગુનાખોરી સામે પોલીસ રક્ષણ મેળવવા માટે આપવી પડતી લાંચ રુશવતનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી રીતે કહીએ તો આ હેવાલમાં ભ્રષ્ટાચારના આખા સ્વરૂપની અથવા તેના વ્યાપકપણાની ચર્ચા નથી, પણ આમ જનતાને પોતાની રોજબરોજની જિંદગીમાં સરકારી સંસ્થાઓ અને સેવાઓનો લાભ લેવા માટે સરકારી અસ્પતાલો, દવાખાનાંઓ, સરકારી શિક્ષણ સંસ્થાઓ અને પોલીસ રક્ષણની જ ચકાસણી કરવામાં આવી છે.

ભારતમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારની વધારે વિગત પણ આ હેવાલમાં રજૂ થઈ છે. આવા ભ્રષ્ટાચારનો સૌથી મોટો બોજો ગરીબ અને નિરક્ષર લોકોએ વધારે ઉપાડવો પડે છે, કારણ કે ભારત સરકાર અને રાજ્ય સરકારોની સંસ્થાઓમાં ગરીબોએ ભોગવવી પડતી હાલાકીનો ઊહાપોહ અખબારોમાં અથવા મીડિયામાં ઓછા પ્રમાણમાં થાય છે. ટ્રાન્સપરન્સીના હેવાલ પ્રમાણે ગરીબોએ સૌથી વધારે રુશવત આરોગ્ય સેવા માટે આપવી પડે છે. સરકારી દવાખાનાંઓ, અસ્પતાલો અને આરોગ્ય કેન્દ્રોની મદદ અને સેવા જોઈતી હોય તો ગરીબોએ સૌથી વધારે વખત અને સૌથી વધારે મોટી રકમ રુશવતખોરી માટે ચૂકવવી પડે છે. ભ્રષ્ટાચારની બાબતમાં બીજો નંબર પોલીસખાતાનો આવે છે અને પોલીસોની મદદ મેળવવા માટે, પોતાની ફરિયાદો નોંધાવવા માટે અથવા પોલીસોની દખલગીરી અને ત્રાસમાંથી બચવા માટે લાંચ રુશવત આપ્યા સિવાય કામ થતું નથી.

આવી જ પરિસ્થિતિ સરકારી શાળા, કોલેજોની છે. શિક્ષણ લેવા માટે, શૈક્ષણિક સહાય મેળવવા માટે ભારતવાસીઓએ નાણાં ચૂકવવાં પડે છે.

ભ્રષ્ટાચાર ઘટાડવા અથવા નાબૂદ કરવાની કામગીરીની બાબતમાં 48 ટકા નાગરિકોએ ભાજપી સરકાર પ્રયાસો કરતી હોવાનું જણાવ્યું છે. સરકારની મહેનતનું હજી કશું નક્કર પરિણામ આવ્યું નથી એવું પણ હેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે, પણ લોકો ભ્રષ્ટાચાર નાબૂદી માટે ઘણા આતુર છે, કારણ કે લાંચ-રુશવતમાં તેમની મૂડીનો ઘણો મોટો ભાગ નાહક ખર્ચાઈ જાય છે. આ નાણાં બચે તો ગરીબો મોટી રાહત અનુભવી શકશે તેવું પણ હેવાલે નોંધ્યું છે. ભારતમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર વિશિષ્ઠ પ્રકારનો છે અને તદ્દન અલગ કારણસર વધારે ફેલાયેલો છે. ભ્રષ્ટાચારનું સૌથી મોટું કારણ અછત છે. સરકારી સેવા સંસ્થાઓ, દવાખાનાં, અસ્પતાલો, શિક્ષણકેન્દ્રો અને પોલીસમથકો જોઈએ તેના કરતાં ઘણાં ઓછાં છે અને જેટલાં છે તેટલાંમાં પૂરતાં કર્મચારીઓ હોતા નથી. સગવડ અને સેવાની અછતના કારણે ભ્રષ્ટાચાર વધે છે. રેલવે મુસાફરી માટે આરક્ષણ ન મળતું હોય તો લાંચ રુશવત આપવી પડે છે.

એક નક્કર દાખલો લઈએ તો મુદ્દો વધારે સ્પષ્ટ થશે. આજથી 35-40 વર્ષ અગાઉ ટેલિફોનની ભારે અછત હતી અને ટેલિફોન મેળવવા માટે મોટી રુશવત આપવી પડતી હતી. આજે આ સેવા એટલા મબલખ પ્રમાણમાં મળે છે કે તેના માટે કોઈ રુશવત માગતું નથી અને કોઈ આપતું પણ નથી. શિક્ષણ સંસ્થાઓમાં દાક્તરી શિક્ષણ આપનાર સંસ્થાઓની ભારે અછત છે, તેથી તેમાં પ્રવેશ મેળવવા માટે રુશવતખોરીનો આશરો લેવામાં આવે છે. દાક્તરી ભણનાર તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકે તેટલાં તાલીમ કેન્દ્રો હોય તો કેપિટેશન ફી આપોઆપ નાબૂદ થાય. નોકરીઓ ઓછી અને નોકરિયાતોની સંખ્યા વધારે છે, તેથી નોકરી મેળવવા માટે લાંચ આપવી પડે છે. બેકારી નાબૂદ થાય તો આ પ્રકારની રુશવત બિનજરૂરી બની જાય છે. અછત ભ્રષ્ટાચારની જનેતા છે.

સમાજમાં સમૃદ્ધિની વહેંચણી અન્યાયી હોય તો તેમાંથી અનેક અનિષ્ટો જન્મે છે. ભ્રષ્ટાચાર પણ આવું એક અનિષ્ટ છે. લાંચ આપ્યા વગર જે વસ્તુ અથવા જે સેવા મળતી હોય તે માટે રુશવત આપવામાં આવતી નથી, કારણ કે લાંચ લેવાનું બધાને ગમતું હોવા છતાં લાંચ આપવાવાળા માટે ઘણું ભારરૂપ અને ત્રાસરૂપ બની જાય છે.

e.mail : nagingujarat@gmail.com

સૌજન્ય : ‘તડ અને ફડ’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ’કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 13 સપ્ટેમ્બર 2017

Loading

સૂ કી : સિદ્ધાંત v/s સત્તામોહ

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|13 September 2017

આજકાલ દુનિયામાં બે દેશોના વડાઓ સૌથી વધારે વગોવાઈ રહ્યા છે. વગોવાતા-વખોડાતા રાષ્ટ્રીય સત્તાધીશોમાં પહેલા ક્રમે આવે છે ઉત્તર કોરિયાનો યુવા સરમુખત્યાર કિમ જોંગ ઉન. એક પછી એક પરમાણુ પરીક્ષણો અને મિસાઇલ ટેસ્ટ પછી છેલ્લે હાઇડ્રોજન બૉમ્બનું પરીક્ષણ કરીને તેણે ભલભલી મહાસત્તાઓને હચમચાવી દીધી છે. અમુક લોકોને તો ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા પણ સંભળાઈ રહ્યા છે. અલબત્ત, ઉન જે કંઈ કરી રહ્યા છે, એમાં કશું અનઅપેક્ષિત નથી. યુદ્ધખોર પ્રકૃતિ ઉનને ડી.એન.એ.માં મળેલી છે. ઉનના પિતા અને પિતામહની વૃત્તિ-પ્રવૃત્તિ પણ કંઈક આવી જ હતી. ઉન જરા યુવા વયમાં સત્તામાં આવી ગયા છે ત્યારે તેમનું ઉકળતું લોહી યુદ્ધ માટે વધારે ઉતાવળું હોય તો એમાં નવાઈ પામવા જેવું જરા ય નથી. નવાઈ અને અપેક્ષાભંગનું વધારે તત્ત્વ તો વગોવાઈ રહેલા બીજાં નેતાના કિસ્સામાં જોવા મળે છે. આ નેતા એટલે મ્યાનમારનાં સ્ટેટ કાઉન્સિલર અને વિદેશમંત્રી આંગ સાન સૂ કી.

સૂ કીને મ્યાનમારમાં સત્તા મળી એ પહેલાં પોતાના દેશમાં લોકશાહીની સ્થાપના માટેના અહિંસક આંદોલનને નેતૃત્વ પૂરું પાડવા માટે તેમને વિશ્વવિખ્યાત શાંતિનો નોબેલ પારિતોષિક મળ્યો હતો. શાંતિનો નોબેલ ભલે ગાંધીજીને ન મળી શક્યો હોય, પરંતુ ગાંધીજીના સિદ્ધાંતો મુજબ અન્યાય સામે સંઘર્ષ કરનારા અનેક લોકોને શાંતિનો નોબેલ પારિતોષિક મળી ચૂક્યો છે અને આ ગૌરવવંતી યાદીમાં સૂ કીનો પણ આજ દિન સુધી સ-સન્માન સમાવેશ થતો આવ્યો છે, પરંતુ રોહિંગ્યાના મુદ્દે તેમના મૌન અને નિષ્ક્રિયતાને કારણે હવે તેમની ચોમેરથી ટીકા થઈ રહી છે. મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારો અને તેમની વ્યાપક હિજરતનો મામલો હવે આંતરરાષ્ટ્રીય બની ચૂક્યો છે. રોહિંગ્યાની વકરી રહેલી સ્થિતિ મામલે મૌન અને પછી લૂલો બચાવ કરવાને કારણે સૂ કીની શાખ અને શાનને બટ્ટો લાગ્યો છે. સૂ કીએ લૂલો બચાવ કર્યો છે કે ‘રોહિંગ્યા મુસ્લિમોનો મુદ્દો તો દાયકાઓ જૂની સમસ્યા છે. હું મારા 18 મહિનાના શાસનમાં આ સમસ્યાનો ઉકેલ લાવી શકું, એવી અપેક્ષા કઈ રીતે કરી શકાય.’ સૂ કીને કોણ સમજાવે કે ઉકેલ આવે કે ન આવે તમારો એ દિશામાં પ્રયાસ કે સક્રિયતા તો દેખાવી જોઈએને?

રોહિંગ્યા મુસ્લિમોની સમસ્યા આંગ સાન સૂકી માટે સૌથી મોટો રાજકીય પડકાર બની ગયો છે. જો કે, રોહિંગ્યાના મામલે સૂ કી ગાંધીજીના નહીં, પરંતુ પોતાના પિતા આંગ સાનના માર્ગે ચાલી રહ્યા હોય એવું લાગે છે. સૂ કીના પિતા આંગ સાને 1946માં રોહિંગ્યાઓને તમામ અધિકાર આપવાનો અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં રાખવામાં આવે, એવી ખાતરી આપી હતી, પરંતુ તેમણે વાયદો નિભાવ્યો નહોતો. ઈ.સ. 1947માં તેમણે બર્માના જુદા જુદા જાતિ – ધર્મના સમુદાયોને એકઠા કરેલા ત્યારે તેમણે રોહિંગ્યા સમુદાયના લોકોને સામેલ કરવાનું ટાળ્યું હતું. 1970ના દાયકાથી લઈને આજ સુધી રોહિંગ્યા પર સમયાંતરે હુમલાઓ થયા કરે છે. 1982માં તો તેમનું નાગરિકત્વ જ છીનવાઈ ગયું છે. લાખો રોહિંગ્યા પોતાનું વતન છોડીને હિજરતી બનવા માટે મજબૂર છે. રોહિંગ્યા વિશ્વના સૌથી વધુ પ્રતાડિત હિજરતી સમુદાય તરીકે જાણીતા બની રહ્યા છે.

સૂ કીના મીંઢા મૌનની ટીકા દક્ષિણ આફ્રિકાના આર્ચબિશપ ડેસમન્ડ ટૂટૂથી માંડીને મલાલા સુધીના 12 નોબેલ પારિતોષિક વિજેતાઓ કરી ચૂક્યાં છે. ડેસમન્ડ ટૂટૂએ તો કડક શબ્દોમાં કહ્યું છે, ‘તમારી મ્યાનમારની સત્તાના શિખર પર પહોંચવાની કિંમત તમારું મૌન હોય તો આ કિંમત બહુ વધારે કહેવાય.’ દુનિયાભરના લોકો સૂ કીના અભિગમથી નારાજ છે. 3.86 લાખ લોકોએ એક ઓન-લાઇન અરજી થકી નોબેલ પારિતોષિક સમિતિને સૂ કી પાસેથી નોબેલ પારિતોષિક પાછો લઈ લેવાની માગણી કરી છે. નોબેલ સમિતિએ જાહેર કર્યું છે કે પુરસ્કાર પાછો લેવાની જોગવાઈ નથી, આમ અધિકૃત રીતે તો સૂ કી પાસેથી નોબેલ પાછો નહીં લેવાય, પરંતુ સૂ કી જો પોતાનું વલણ નહીં બદલે કે પછી સત્તામોહ માટે સિદ્ધાંતો સાથે સમાધાન કરવાનું અને માનવતાને કોરાણે મૂકવાનું ચાલુ રાખશે તો નોબેલ પાછો લેવા કરતાં પણ મોટી નાલેશી તેમણે ઇતિહાસના ગ્રંથોમાં ભોગવવી પડશે.

e.mail : divyeshvyas.bhaskar@gmail.com

સૌજન્ય : ‘સમય સંકેત’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ’કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 13 સપ્ટેમ્બર 2017

Loading

...102030...3,3273,3283,3293,330...3,3403,3503,360...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved