Opinion Magazine
Number of visits: 9687743
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘આઈ ડુ વ્હૉટ આઈ ડુ’ : રઘુરામ રાજન

રોહિત શુક્લ|Opinion - Opinion|1 November 2017

રઘુરામ રાજન સપ્ટેમ્બર, ૨૦૧૬ સુધી ભારતની મધ્યસ્થ બૅંક, રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાનાં ગવર્નર હતા. ૨૦૧૩થી ૨૦૧૬નાં ત્રણ વર્ષની મુદત માટે તેમણે આ પદ સંભાળ્યું. આ કાર્યકાળમાં તેમણે દાખવેલી મક્કમતા, સમજ અને નિષ્ઠાના ઘણા બનાવોના કારણે એ ચર્ચામાં રહ્યા છે. તેમની ઉપર વ્યાજના દર ઘટાડવા માટે ઘણું દબાણ હતું, પરંતુ જો વ્યાજના દર ઘટે તો ફુગાવા સામેની લડત નબળી પડે તેમ હતું.

રઘુરામ રાજન આ ઉપરાંત પોતાનાં ભાષણોમાં બોલાયેલાં વાક્યોનાં કારણે પણ ચર્ચાસ્પદ બન્યા છે. એમની સાથે નિખાલસ ચર્ચા કરીને કે પૂરી વિગતો જાણીને પછી પ્રતિભાવ આપવાને બદલે સુબ્રમણ્યમ સ્વામી જેવાએ તો તેમને ‘વિદેશી’ ગણીને પાછા મોકલી દેવા જોઈએ, એવી સમજણ કે વિવેક વગરની વાત પણ ઉચ્ચારી કાઢી હતી.

રઘુરામ રાજન એક વિશિષ્ટ પ્રતિભા છે. તેમણે દિલ્હીની આઈ.આઈ.ટી.માંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક્. (૧૯૮૫) કર્યું હતું. તે પછી આઈ.આઈ.એમ. અમદાવાદથી એમ.બી.એ. કર્યું. (૧૯૮૭) અને પછી યુ.એસ.ની. એમ.આઈ.ટી. માંથી ‘એસે ઑન ફાઇનાન્સ’ લખીને પીએચ.ડી. કર્યું.

રઘુરામ રાજને પોતાના આ પુસ્તકના આવા ટાઇટલ માટે એક પ્રસંગ ટાંક્યો છે. એક વખત, એક પત્રકાર પરિષદ પછી એક પત્રકારે પૂછ્યું. ‘તમે બાજ કે હોલો’ ? ‘આર યુ એ હોક ઓર ડવ?’ રાજને જેમ્સ બોન્ડની અદામાં જવાબનો પ્રારંભ કર્યો, ‘માય નેમ ઇઝ રઘુરામ રાજન …’ પણ પછી આગળ શું બોલવું તે બાબતે જીભ સહેજ થોથવાઇ – પણ પછી લાગલું ઉમેર્યું, ‘આઈ ડુ વ્હૉટ આઈ ડુ’. પુસ્તકનું ટાઈટલ પણ આ જ રહ્યું.

આ પુસ્તક રઘુરામ રાજનના ભાષણો લેખોનો સંગ્રહ છે, અને ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ ભાગ તેમના આર.બી.આઈ.ના ગવર્નરકાળમાં આપાયેલાં ભાષણોનો છે. બીજો ભાગ નાણાંકીય કટોકટી ઉપર તેમણે આપેલાં ભાષણો-વૈશ્વિક લેખોનો છે અને ત્રીજો ભાગ વધુ વ્યાપક વિચારો, નીતિઓ અને ફિલસૂફીની માન્યતાઓ બાબતે લખાયેલા લેખોનો છે.

પુસ્તક કુલ ૨૨૯ (૨૧૨+૧૭) પાનાનું છે. આખરી ઘાટ આવતા પહેલાં તેમનાં લખાણો અનેક પરામર્શનોમાંથી પસાર થયા હોવાથી સુવાચ્ય બન્યાં છે.

વિચારની દૃષ્ટિએ રાજન નવ્ય મૂડીવાદના સમર્થક છે. રિઝર્વબૅંકની કામગીરી પછી આ નવ્ય મૂડીવાદના ગઢ સમાન શિકાગો યુનિવર્સિટીમાં જ અધ્યાપનકાર્ય માટે તે પરત ફર્યા છે. આ 'નવ્ય મૂડીવાદ' 'સમગ્રતા લક્ષી' અર્થકારણ (મેક્રો ઇકોનોમી) અંગે કેટલીક પાયાની ધારણા લઈને ચાલે છે. આ મુજબ, સ્થિરતા સાથેની આર્થિક વૃદ્ધિ તેમનું સાધ્યપદ છે. આ માટે ફુગાવાને ડામવો આવશ્યક ગણાય. રાજને જ્યારે (સપ્ટેમ્બર, ૨૦૧૩) સત્તા સંભાળી, ત્યારે ભારતનો ફુગાવાનો દર લગભગ અગિયાર ટકા હતો, તેમણે બૅંક છોડી, ત્યારે તે પાંચ ટકાથી પણ ઓછો થઈ ગયો હતો. દેશમાં ફુગાવાનો દર આટલો ઊંચો કેમ હતો? તે માટે મુખ્યત્વે બે કારણ જવાબદાર છે : એક, ૨૦૦૮ની વિશ્વમંદીથી ભારતના અર્થતંત્રને બચાવવા વાસ્તે ખાધપુરવણી કરીને નાણાંનો પુરવઠો વધારવામાં આવ્યો હતો. અર્થશાસ્ત્ર કહે છે, જ્યારે થોડીક ચીજવસ્તુઓની ખરીદી માટે નાણાંનો મોટો જથ્થો બહાર આવે, ત્યારે શરૂમાં ભાવો વધે અને પછી ફુગાવો થાય.(ટુ મેની મની ચેઝિંગ ટુ ફ્યુ ગુડ્ઝ’) કેઇન્સ નામના અર્થશાસ્ત્રીએ ૧૯૨૯-૩૩ની વિશ્વમંદી સામે લડવા માટે ખાધપુરક નાણાનીતિનો ઉપાય સૂચવ્યો હતો. મનમોહનસિંહની સરકારે ૨૦૦૮ની મંદી સામે આ ઉપાય અજમાવ્યો, પણ તેથી ભાવો ઉપર દબાણ આવ્યું.

૨૦૧૩માં ફુગાવો ઊંચો જવાનું બીજું કારણ ખાદ્યસામગ્રીના તથા ક્રૂડતેલના ભાવોમાં થયેલો વધારો હતું. સતત ખરાબ ચોમાસાને કારણે ખાદ્યસામગ્રીની અછત સર્જાતા ભાવો વધ્યા હતા. વળી, ક્રૂડના ભાવ વધારા માટે તેનું રાજકારણ તેમ જ અમેરિકાનું ક્વૉન્ટિટિવ ઇઝિંગ પણ જવાબદાર હતું. કૉર્પોરેટ જગતના કારણે સરકારે વ્યાજના દર નીચા આણવા માટે રિઝર્વબૅંક ઉપર પુષ્કળ દબાણ કર્યું. પણ રાજને તે સ્વીકાર્યું નહીં. – ‘આઈ ડુ વ્હૉટ આઈ ડુ !’ અને તે અર્થતંત્રના વ્યાપક હિતનું પગલું હતું.

સરકાર સાથેના બૅંકના ગવર્નરના સંબંધો વિશે તે લખે છે, ‘He can neither be a cheer leader for the Government, nor can be an unconditional critic …’ બૅંકના ગર્વનર સરકારની વાહવાહી કરનારા હોઈ ન શકે અને તેના આડેધડ ટીકાકાર પણ નહીં. રાજનનું આ વિધાન અગત્યનું છે, કારણ કે આ બૅંકના ઇતિહાસમાં લગભગ સાતેક જેટલા આઈ.એ.એસ. અધિકારીઓ આ પદે આરૂઢ થયેલા છે; જે સરકારના કહ્યામાં રહેવાના સંસ્કાર ધરાવતા હોય છે.

રાજને બૅંકોની કામગીરી અને તેમના વધતા જતા એન.પી.એ. બાબતે પણ કડક વલણ અખત્યાર કરવાનો પ્રારંભ કરી દીધો હતો. આ દિશાનું પ્રાથમિક સોપાન પાંચ કરોડથી વધુ રૂપિયાનું ધિરાણ મેળવનાર તમામની, તેમણે કરેલા ચુકવણા સહિતની આર્થિક પરિસ્થિતિ બાબતે એક ડેટા બૅંક તૈયાર કરવાની હતી. તમામ બૅંકોના હાથમાં આ માહિતી હોય તો નબળી કામગીરી ધરાવનારને ધિરાણ આપતાં પહેલાં બૅંકો સાવચેત થઈ શકે.

આ ઉપરાંત આવા એન.પી.એ.ધારકોની મિલકત ટાંચમાં લઈ શકાય, તે માટે ટ્રિબ્યૂનલ અને નાદારી અંગેની વ્યવસ્થાને પણ કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યું. પણ સરકાર પોતે એન.પી.એ. ઘટાડવા માટે કેટલી તૈયાર હતી તે પ્રશ્ન તો ઊઠ્યો જ. નાનીનાની રકમો ઉછીની લેનાર સામાન્ય ગૃહસ્થી જો કસૂરવાર ઠરે તો બૅંકો તેમનાં હૉર્ડિંગ લગાડવા, કડક ઉઘરાણી કરવા કે તેમને ઘેર માણસો મોકલીને ડારો દેવા સુધીની તસ્દી લે છે, પરંતુ મોટા દેવાદારનાં નામ પણ બહાર ન પડે તેની તકેદારી રાખે છે. આ માટે કારણ એ અપાય છે કે જો આવા મોટા લોકોના નામ બહાર પડે, તો આર્થિક ક્ષેત્રે ઊથલપાથલ મચી જાય!

રઘુરામ રાજનનાં જે બે વિધાનો બાબતે ઊહાપોહ મચાવવામાં આવ્યો તે આ પ્રમાણે હતાં :

(૧) મેક ઇન ઇન્ડિયા સાથે મેક ફોર ઇન્ડિયા પણ હોવું જોઈએ. આ વાત તેમણે પોતાની જૂની સંસ્થા આઈ.આ.ઈટી. દિલ્હીના દીક્ષાંત-પ્રવચનમાં (૩૧ ઑક્ટોબર ૨૦૧૫) કહી હતી. આ પ્રવચનનું લખાણ વાચતાં સ્પષ્ટ થાય છે કે તેમણે સરકારની કોઈ પણ પ્રકારે ટીકા કરી જ નથી. તેમણે તો અર્થતંત્રમાં ઉત્પાદન વધે તે માટેની આવશ્યક શરતોનો ઉલ્લેખ કર્યો છે. પુસ્તકના પાના નં. ૧૧૨ ઉપર, ભારતની આર્થિક પ્રગતિ માટેના મધ્યમ સમયગાળા માટેના ઉપાયો સૂચવવામાં આવ્યા છે; તેમાં આ ઉલ્લેખ મળે છે. તેમના અભિપ્રાય મુજબ આ નીતિમાં ચાર બાબતો હોવી ઘટે :

(૧) મેક ઇન ઇન્ડિયા (૨) મેક ફોર ઇન્ડિયા (૩) અર્થતંત્રમાં પારદર્શિતા અને સ્થિરતા જાળવવી અને (૪) વધારે મોકળાશવાળી અને અનઅવરુદ્ધ વૈશ્વિક વ્યવસ્થા સર્જવાની દિશાનો પ્રયાસ કરવો.

આ પ્રત્યેક માટે તેમણે ઉપાયો સૂચવ્યા છે. દા.ત. મેક ફોર ઇન્ડિયાને હાંસલ કરવા વાસ્તે આંતરિક બજારવ્યવસ્થાને સુદૃઢ અને સુસંકલિત બનાવવી, ઉચિત જી.એસ.ટી. દાખલ કરવું, આંતરિક માંગ માટે આધાર ઊભા કરવા અને બચત તથા બૅંકિંગ ક્ષેત્રને સુચારુ રૂપે ચલાવવા.

આમાં સરકારની કોઈ બદબોઈ છે?

(૨) ચર્ચાસ્પદ બનેલું બીજું વિધાન ‘અંધો મેં કાના રાજા’નું છે. આ વિધાન તેમણે માર્કેટવૉચને આપેલી મુલાકાતમાં કહ્યું હતું. માર્કેટવૉચના પત્રકારે તેમને – ‘ઇન્ડિયા ઇઝ અ બ્રાઇટ સ્પૉટ’ (ભારત ચમકી રહ્યું છે !) એવા પ્રચલિત વિધાન સામેના પ્રતિભાવ રૂપે પૂછ્યું હતું. રાજને જણાવ્યું હતું કે ભારતનું અર્થતંત્ર ખૂબ સારી હાલતમાં છે. ફુગાવાનો દર ૧૧ ટકાથી ઘટીને પાંચ ટકાએ આવી ગયો છે અને ચાલુ ખાતાની ખાધ એક ટકાથી પણ નીચી છે. આમ છતાં ઘણું કરવાનું બાકી છે. ખોટા અતિ ઉત્સાહમાં આવી ન જવું જોઈએ; આ તો ‘અંધો મેં કાના રજા’ જેવું કહેવાય! રાજન ઉમેરે છે : ‘Words matter, but so does intent.’ માત્ર શબ્દોનો જ આધાર શા માટે? ભાવ પકડોને!

આ બે વિધાનોના કારણે રાજન ઉપર જે વિરોધવંટોળ જગાવવામાં આવ્યાં તે માનસિક કૃપણતા દર્શાવે છે. સામે પક્ષે એક વિકસિત રાષ્ટ્રના વિકસિત અને સહિષ્ણુ સમાજનું ઉદાહરણ જુઓ.

રાજને અમેરિકાની ફેડરલ રિઝર્વ સિસ્ટમની ટીકા કરી. પોતે એક દેશની કેન્દ્રિય બૅંકના અધ્યક્ષ હોય, ત્યારે બીજા દેશની બૅંકની ટીકા કરવી તે ઉચિત નથી – રાજન તેને ‘corporal sin’ ગણાવે છે. આમ છતાં, અમેરિકાએ તેમને બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂટમાં ભાષણ આપવા બોલાવ્યા અને ખુદ બેન બર્નાન્કી તેમને સાંભળવા માટે સભાગૃહમાં ઉપસ્થિત રહ્યા. આપણે આપણી જાતને ‘મહાસત્તા’ અને ‘જગદ્ગુરુ’ ગણાવવા મથીએ છીએ, ત્યારે આવાં ઉદાહરણો લક્ષમાં રાખવા જેવા ખરાં!

રાજન ૨૦૦૫માં નાણાભંડોળના મુખ્ય અર્થશાસ્ત્રી હતા. તે સમયે તેમણે દુનિયામાં થતાં રોકાણોમાં જોખમના વધતા જતા પ્રમાણ વિશે લખ્યું હતું. તેમણે જોયું કે વીતેલાં ૩૦ વર્ષોમાં ફાઇનાન્સના ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો થયા હતા. આ ફેરફારો મુખ્યત્વે ટૅક્નોલૉજી તથા સંસ્થાકીય નવરચનાઓના નિમિત્તે થયા હતા. રાજન નોંધે છેઃ દુનિયા જાણે કે ફાઉસ્ટના સોદામાં ફસાઈ ચૂકી છે, જેમાં કલ્યાણની સામે જોખમનું આદાન-પ્રદાન છે. તે સમયે તેમણે વિસ્તરતા જતા જોખમની સામે લાલબત્તી ધરતા કહ્યું હતું મધ્યસ્થ બૅંકો અને ફાઇનાન્સની વ્યવસ્થાના સંચાલકો માટે સંદેશ સ્પષ્ટ છે – ‘best the prepared.’ સાબદા રહેજો ! તાજેતરમાં અર્થશાસ્ત્રનું નોબલ પારિતોષિક જાહેર થયું. તેનાં છ સંભવિત નામોમાં રાજનનું નામ તેમની આ ચેતવણીના કારણે હતું.

રઘુનામ રાજન પાસે આર્થિક વૃદ્ધિ માટેના સ્પષ્ટ અને સુરેખ વિચારો છે. અલબત્ત, આ બધું શિકાગો સ્કૂલનાં વિચારવર્તુળો ધરાવે છે. ભારત જેવા ગરીબ દેશ માટે તે લેવલ-પ્લેઈંગ ફિલ્ડની વાર્તા તો કરે છે, પરંતુ તેને સુવાંગ રીતે આગળ ખેંચી શકતા નથી. આ સ્થિતિથી તે સાવધ પણ છે, પરંતુ તેમનું વિચારવિશ્વ બૅંકો, નાણાપત્રવ્યવહાર શાખ, ધિરાણ, ફુગાવો, આર્થિક વૃદ્ધિમાં સંસાધનોની ઉત્પાદકતાની વૃદ્ધિ જેવા આયામોમાં ફેરા કર્યા કરે છે. રાજકીય સ્થિરતા, ખુલ્લાપણું, લોકશાહી વગેરે પાસાંને પણ તે સ્પર્શે છે, પણ તે મૂળભૂત રીતે નવ્ય મૂડીવાદના સમગ્રતાલક્ષી દાયરા પૂરતું.

આમ છતાં, પુસ્તક સુવાચ્ય છે. નોટબંધી, મેક ફોર ઇન્ડિયા કે ‘અંધો મેં કાના રાજા’ જેવા સરસો કા તડકાને કારણે જ નહીં, પણ એક પ્રગલ્ભ અભ્યાસ અને ખંતીલા તથા સ્પષ્ટવક્તા બૌદ્ધિકની કક્ષાએ તેમણે આગવું પ્રદાન કર્યું છે – તેને જાણવું અને સમજવું રહ્યું!

E-mail : shuklaswayam345@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2017; પૃ. 03 — 04

Loading

ગ્રેટ ઇન્ડિયન ડેમોક્રૅટિક સર્કસ અને કાશ્મીર

રમેશ ઓઝા|Opinion - Opinion|31 October 2017

ભારત સરકારે કાશ્મીરીઓ સાથે વાતચીત કરવા માટે ઇન્ટરલૉક્યુટર(સંવાદસેતુ)ની નિમણૂક કરી છે ત્યારે કેન્દ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન પી. ચિદમ્બરમને જમ્મુ અને કાશ્મીરના ઉકેલ વિશે પ્રશ્ન પુછાવો સ્વાભાવિક છે.

પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે કહેવા માટે ભલે તેઓ આઝાદીની માગણી કરતા, પરંતુ મોટા ભાગના કાશ્મીરીઓ (હું એમ નથી કહેતો કે બધા જ) સ્વાયત્તતા ઇચ્છે છે. એ પછી તેમણે ઉમેર્યું હતું કે કાશ્મીરના લોકો બંધારણના આર્ટિકલ-૩૭૦ માટે આગ્રહ રાખી રહ્યા છે એ જોતાં કાશ્મીરને થોડી વિશેષ છૂટછાટ આપવી જોઈએ. પી. ચિદમ્બરમનો આ જૂનો અભિપ્રાય છે અને તેઓ આ પહેલાં અનેક વખત વ્યક્ત કરી ચૂક્યા છે. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માંની તેમની કૉલમમાં પણ તેમણે આ અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

હવે પ્રતિક્રિયાઓ જુઓ : વડા પ્રધાને બૅન્ગલોરમાં આક્રમક ભાષામાં કહ્યું હતું કે કૉન્ગ્રેસ પાકિસ્તાનની અને કાશ્મીરના અલગતાવાદીઓની ભાષા બોલી રહી છે. કૉન્ગ્રેસે પી. ચિદમ્બરમથી દૂર ખસી જતાં કહ્યું હતું કે કાશ્મીર વિશેનો ચિદમ્બરમનો અભિપ્રાય તેમનો અંગત અભિપ્રાય છે, બાકી જમ્મુ અને કાશ્મીર તો ભારતનું અવિભાજ્ય અંગ છે. મુંબઈમાં કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે કાશ્મીર વિશેની કૉન્ગ્રેસની નીતિ બે વિરુદ્ધ દિશાની રહી છે એટલે જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ગૂંચવાયો છે. કાશ્મીરનો પ્રશ્ન એ કૉન્ગ્રેસ પાસેથી મળેલો જટિલ વારસો છે. પ્રતિક્રિયારૂપે નહીં, પણ સ્વતંત્ર રીતે કાશ્મીરનો હવાલો સંભાળનારા અને BJPના મહામંત્રી તેમ જ PDP સાથે સમજૂતી કરનારા રામ માધવ કહે છે કે કેન્દ્ર સરકારે નીમેલા ઇન્ટરલૉક્યુટર જમ્મુ અને કાશ્મીરમાં દરેક લોકો સાથે વાતચીત કરશે. ભારત સરકારના પ્રતિનિધિ સાથે વાતચીત કરવી કે નહીં એ હુર્રિયતના નેતાઓએ નક્કી કરવાનું છે, બાકી ભારત સરકારના વાતચીત માટેના દરવાજા દરેક લોકો માટે ખુલ્લા છે.

અટલ બિહારી વાજપેયી જ્યારે વડા પ્રધાન હતા ત્યારે તેમણે ઇન્સાનિયત, કાશ્મીરિયત ઔર જંબુરિયત કે દાયરે મેં કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવાની હિમાયત કરી હતી. આને વિશે વધુ ફોડ પાડવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે આઝાદી કે અલાવા કુછ ભી. ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારે ઇન્ટરલૉક્યુટરની નિમણૂક કરી એના બે દિવસ પહેલાં શ્રીનગરમાં BJPનું યુવા સંમેલન યોજાયું હતું. એ સંમેલનનો પ્રારંભ વન્દે માતરમ્ અને ભારત માતા કી જય સાથે નહોતો થયો, પરંતુ અલ્લાહુ અકબર સાથે થયો હતો. એ સંમેલનમાં અટલ બિહારી વાજપેયીને યાદ કરવામાં આવ્યા હતા; તેમના ઇન્સાનિયત, કાશ્મીરિયત અને જંબુરિયતના નારાને યાદ કરવામાં આવ્યો હતો અને આર્ટિકલ-૩૭૦ કાશ્મીરની પ્રજાની સંમતિ વિના હટાવવામાં નહીં આવે એવું વચન પણ આપવામાં આવ્યું હતું. બાય ધ વે, જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા બંધારણના આર્ટિકલ-૩૭૦ને જમ્મુ અને કાશ્મીરના લોકોની સંમતિ વિના હટાવવામાં નહીં આવે એવું વચન ભારતના કયા વડા પ્રધાને નથી આપ્યું? કૉન્ગ્રેસના વડા પ્રધાનોએ સંસદમાં વચન આપ્યાં છે, અન્ય પક્ષોના વડા પ્રધાનોએ વચન આપ્યાં છે, અટલ બિહારી વાજપેયીએ વચન આપ્યું હતું અને જેઓ ૫૬ની છાતી ધરાવનારા આકરા રાષ્ટ્રવાદી હોવાની ખ્યાતિ ધરાવે છે એ નરેન્દ્ર મોદીએ પણ વચન આપ્યું છે.

પ્રારંભમાં કૉન્ગ્રસે ચિદમ્બરમને દૂર હડસેલતું નિવેદન બહાર પાડ્યું એનો ઉલ્લેખ કર્યો છે. એ નિવેદનમાં ચિદમ્બરમનો અભિપ્રાય એ તેમનો અંગત અભિપ્રાય છે અને કૉન્ગ્રેસનો નથી એમ કહ્યા પછી પક્ષપ્રવક્તાએ નિવેદનમાં આગળ કહ્યું છે કે કૉન્ગ્રેસ લોકતાંત્રિક પક્ષ છે એટલે દરેકને પોતાનો અભિપ્રાય ધરાવવાનો અને વ્યક્ત કરવાનો અધિકાર છે. આવા લોકતાંત્રિક અધિકાર આપ્યા પછી દૂર ખસી જનારાં નિવેદનો તમે સેંકડો વાર જોયાં હશે. ભારતીય રાજકારણનું આ અભિન્ન અંગ છે. બીજા અંતિમે દિલ્હીમાં પક્ષના વડામથકે પક્ષના કાર્યકરો સાથે દિવાળી-મિલનમાં બોલતાં વડા પ્રધાને કહ્યું હતું કે પક્ષના નેતાઓ વિરોધાભાસી અભિપ્રાય આપી રહ્યા છે એ બરાબર નથી અને ચેતવણી આપી હતી કે એને ચલાવી લેવામાં નહીં આવે. તેમણે કહ્યું હતું કે જનસંઘના દિવસોમાં ભાષામાં ફરક પડતો હતો, પરંતુ વિસંગત અભિપ્રાયો પક્ષના નેતાઓ વ્યક્ત નહોતા કરતા. હવે પક્ષનો વિસ્તાર થયો છે ત્યારે જુદા-જુદા નેતાઓ જુદી-જુદી ભાષામાં બોલે છે એ યોગ્ય નથી. આવું બધું કહ્યા પછી અને ભિન્ન મત વ્યક્ત કરવા સામે ચેતવણી આપ્યા પછી ખરી મજા હવે આવે છે. તેમણે તેમની અનનુકરણીય શૈલીમાં કહ્યું હતું કે પક્ષઅંતર્ગત લોકતંત્ર કે બિના રાષ્ટ્રીય લોકતંત્ર અધૂરા હૈ. બોલો.

અંગત અભિપ્રાયનો આદર કરવામાં આવે છે એવો અભિપ્રાય વ્યક્ત કરનારને દૂર હડસેલવામાં આવે છે, અંગત અભિપ્રાય વ્યક્ત કરવા સામે ચેતવણી આપવામાં આવે છે અને પાછી પક્ષ અંતર્ગત લોકતંત્રની દુહાઈ આપવામાં આવે છે. કાશ્મીરમાં એક વાત કહેવામાં આવે છે તો કન્યાકુમારીમાં બીજી વાત કહેવામાં આવે છે. લોકસભામાં એક વાત કહેવામાં આવે તો ચૂંટણીપ્રચારમાં જુદી જ વાત કહેવામાં આવે છે. આ રોજનું છે.

એક વાર જવાહરલાલ નેહરુ અને આચાર્ય કૃપલાની જગતમાં લોકતંત્રના સ્વરૂપ અને ગુણવત્તા (ક્વૉલિટી ઑફ ડેમોક્રસી) વિશે ચર્ચા કરતા હતા. આ આઝાદી પછીની વાત છે. વાતવાતમાં નેહરુએ કૃપલાનીને ભારતના લોકતંત્રના સ્વરૂપ અને ગુણવત્તા વિશે પૂછ્યું ત્યારે કૃપલાનીએ કહ્યું હતું કે દુનિયાની દૃષ્ટિએ આપણે સ્વતંત્ર અને પ્રજાસત્તાક છીએ, પરંતુ ઘરઆંગણે આપણે નથી સ્વતંત્ર કે નથી પ્રજાસત્તાક. આપણને ધર્મનો ડર લાગે છે, ધર્મગુરુઓનો ડર લાગે છે, ધર્માનુયાયીઓની સંખ્યાનો ડર લાગે છે, જ્ઞાતિનો ડર લાગે છે, જ્ઞાતિના ઠેકેદારોનો ડર લાગે છે, ચોક્કસ જ્ઞાતિના લોકોની સંખ્યાનો ડર લાગે છે, કેટલાકને હિન્દી ભાષાનો ડર છે તો કેટલાક મુસ્લિમોથી ડરેલા છે. કેન્દ્ર રાજ્યોથી ડરેલું છે અને રાજ્યો કેન્દ્રથી ડરેલાં છે. આપણા રાજકીય પક્ષોને ચૂંટણી હારવાનો ડર લાગે છે. જ્યાં ડર હોય ત્યાં આઝાદી હોય? અને જ્યાં વ્યક્તિની જગ્યાએ સંખ્યા નિર્ણાયક હોય અને શાસકો સંખ્યાથી ડરતા હોય ત્યાં પ્રજાસત્તાક હોય?

ચર્ચા કરનારાઓ મનીષી હતા. ૬ દાયકા પહેલાં આચાર્ય કૃપલાનીએ જે કહ્યું હતું એના પ્રકાશમાં જમ્મુ અને કાશ્મીર વિશે થોડી ચર્ચા … (હવે પછી) કરીશું.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 31 અૉક્ટોબર 2017

Loading

ચાલ્યા જઈશું સાધ્વીજી, પરંતુ અમે કાંઈ છોડીશું નહીં

—, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|31 October 2017

સાધ્વીજી, આપ દેશને મુસલમાન મુક્ત કરવા માગો છો, તો બેશક કરો. અમે પોતે જ એ દેશમાં રહેવા નહીં ઇચ્છીએ કે જ્યાં આપના જેવા લોકો અમારી કોમને રોજ કટઘરામાં ઊભા કરતા હોય, અમારી દેશભક્તિ અને દેશપ્રેમ પર રોજ આંગળી ઉઠાવતા હોય, અમને પાકિસ્તાની અને આતંકવાદી કહેતા હોય; જાણે કે અમે દેશના નાગરિક નહીં પણ બોજો હોઈએ દેશ પર. પણ અમે એમને એમ નહીં જઈએ, સાધ્વીજી, અમે કઈં પણ છોડીને નહીં જઈએ.

અમે જઈશું તો એ બધું જ લઈને જઈશું, જે અમે પેઢી દર પેઢી આ દેશને આપ્યું છે. અમે તો ક્યારે ય યાદ પણ ન રાખ્યું કે અમે દેશને શું શું આપ્યું છે. ખરેખર તો આ દેશ અમારો પણ રહ્યો છે, અને અમારી આન, બાન અને શાન રહ્યો છે આ દેશ. વતનની ઈમાનદારી અમારે માટે ઈમાનનો અતૂટ હિસ્સો છે. પણ આપને તો યાદ પણ નહીં હોય કે અમે દેશને શું શું આપ્યું છે, અને યાદ હોય તો આપને એ સ્વીકારતાં શરમ આવતી હશે. પણ દેશ જાણે છે અને કહે પણ છે, અમે શું આપ્યું છે દેશને. અમે જાણીએ છીએ કે આ દેશની માટીમાં અમારી કેટલી ય પેઢીઓ દફનાવાઇ છે, આ માટીએ અમને જીવન આપ્યું છે, આ માટીએ અમને જીવતાં શીખવાડ્યું છે, આ માટીમાં ઊભેલાં અમારાં પ્રાર્થનાસ્થળોમાં અમે દેશની પ્રગતિ માટે દુવાઓ માગી છે, આ માટીમાં અમે અમારા બાળપણની ધીંગામસ્તી જોઈ છે. અમારી જુવાનીનાં સ્વપ્નાંઓને પાંખો આપી છે આ માટીએ, આ માટીમાં અમારા બુઢાપાનો સહારો ટકેલો છે અને આ માટીની બે ગજ જમીનમાં અમારે દફન થવાનું છે.

આ દેશ માત્ર આપનો નથી, અને અમને કઈં આપનાથી ઓછો પ્રેમ નથી આ દેશ માટે. પણ અમે ચાલ્યા જઈશું, દેશને મુસલમાન મુક્ત કરી દઈશું. પણ અમને થોડા રોકાઈને જરા હિસાબ તો કરી લેવા દો. અમને અમારી ચીજો સમેટી લેવા દો. પછી અમે જતા રહીશું, આપને ખાતર, મુસલમાન મુક્ત ભારત માટે.

અમે અમારી સાથે લઇ જઇશું, સાધ્વીજી, મોહેં-જો-દડો અને હડપ્પાના ઉન્નત સાંસ્કૃિતક વારસાથી લઈને અમીર ખુસરોની રુબાઈઓ. અમે લઈને જશું અમારી સાથે તાજમહેલ, કુતુબમિનાર, લાલ કિલ્લો અને એવા સ્થાપત્યના હજારો બેજોડ નમૂનાઓ. અમે લઇ જઈશું અલબેરુનીનો ઇતિહાસ, જાયસીનું પદ્માવત, મિયાં તાનસેનની રાગદારી, મિર્ઝા ગાલિબની શાયરીઓ, બિસ્મિલ્લાહ ખાનની શાહનાઈની ધૂનો અને ઝાકીર હુસેનના તબલાની થાપીઓ. અમે ન ગઝલ છોડશું, ન કવ્વાલી, આ મુજરો પણ છોડીશું. અમે અજમેર શરીફ પણ લઇ જઈશું, નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પણ લઇ જશું. અરે, ધીરજ રાખો, સાધ્વીજી, હજી તો લિસ્ટ લાંબું છે.

અમે અશફાક ઉલ્લાહની શહાદત કેવી રીતે છોડી શકીએ? ઇકબાલની ધૂનને તો હવે અમે અડવા પણ નહીં દઈએ, અબ્દુલ હમીદની કુરબાનીને યાદ કરવાનો હક્ક પણ અમે છીનવી લઈશું. અમે ગંગા કિનારાના બધા ગાલિચાના વણકરોને અમારી સાથે લઇ જશું અને તમારા ઘરોમાંથી પણ તેમણે બનાવેલ ગાલીચા ઉઠાવીને લઇ જશું. અલીગઢના તાળા તો હવે તમારા ઘરની રક્ષા નહીં જ કરે. અમે તાજિયાના સરઘસને ઉપાડીને અમારી સાથે લઇ જશું. અમે મહાભારતમાંથી માસૂમ રઝાના લખેલા સંવાદો પણ કાઢી લઈશું. અમે શાહરુખ, સલમાન અને આમીરખાનને સાથે લઇ જશું. અમે પાછી લઇ લેશું અમારી બિરિયાની, અમારા કબાબ, અમારી સેવૈયાં. અમારી શેરવાનીને પણ અમે અહીં નહીં છોડીએ, અમારા કુર્તા-પાયજામા અને મહિલાઓના સલવાર-કુર્તા પણ પાછા લઇ જશું. અમે કંઈ જ નહીં છોડીએ. સાધ્વીજી.

અમને પાછું જોઈએ છે એ બધું પાણી જે વજૂ કરતી વખતે અમારી કોમે ગંગા-જમુના સંસ્કૃિતને સમૃદ્ધ કરતાં વહાવ્યું છે. અમને પાછો જોઈએ અમારા બાળકોનો એ સમય જે એમણે રામલીલા જોઈને વિતાવ્યો છે. અમને પાછો આપો એ પ્રેમ અને દુવાઓ જે અમે પ્રભાતની અજાનથી લઈને તે પાંચ વખતની નમાજમાં આ દેશને માટે આપ્યા છે અને માગ્યા છે. અમને પાછો આપો અમારી કોમના લોકોનો એ અભિનય જે તેઓ રામલીલામાં સદીઓથી આજપર્યંત કરતા આવ્યા છે.

બહુ લાંબુ લિસ્ટ છે, સાધ્વીજી।

આ તો માત્ર નમૂના છે. આવો હિસાબ કરીએ. અમે પણ જોઈએ કે આ દેશમાંથી અમારી ચીજોને કાઢીને અમને પાછી આપી દેવાની હેસિયત તમારામાં આવી જાય તે દિવસે અમને કાઢી મુકજો. વિશ્વાસ રાખજો, અમે દેશ છોડી દઈશું. અમે જાણીએ છીએ કે એ આપની હેસિયત કે ઔકાતમાં ક્યારે ય નહોતું, આજે પણ નથી અને ક્યારે ય આવશે પણ નહીં.

આ અમારું વહાલું વતન છે, અને અમે વતનના છીએ. અમે મુસલમાન છીએ. વતન પ્રત્યેની વફાદારીમાં જે દિવસે અમે નીચા પડીશું, ત્યારે અમારા ઇમાનમાંથી પણ હટેલા હોઈશું. એટલે અમને દેશભક્તિ તો ન જ શીખવાડો.

— એક ભારતીય મુસલમાન

(સાધ્વી પ્રજ્ઞાના નિવેદન ઉપરથી લખાયેલ લેખ)

(રાજકોટથી પ્રકાશિત થતા ‘સર્વોદય સમાજ’માં ‘સદભાવના સાધના’માંથી લીધેલ આ લેખ સાભાર પ્રસ્તુત)

Loading

...102030...3,2953,2963,2973,298...3,3103,3203,330...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved