Opinion Magazine
Number of visits: 9664640
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મનુષ્ય ગરિમાનાં શાંત સ્વતંત્રતા આંદોલક નીલમબહેન પરીખની વિદાય

બકુલ ટેલર|Gandhiana|8 April 2025

નીલમબહેન પરીખ

આપણી વચ્ચેથી નીલમબહેન પરીખે પહેલી એપ્રિલે વિદાય લીધી. તેમની ઓળખ આપવી પડે તેમાં એક સામાજિક તરીકે આપણું ગૌરવ નથી, પણ એવા ગૌરવખંડનના તો અનેક ઉપક્રમો આપણે જીવનવ્યવહારમાં અપનાવી લીધા છે, એટલે કહેવાનું કે જેને આપણે મહાત્મા ગાંધી તરીકે ઓળખતા આવ્યા છીએ તેમના મોટા પુત્ર હરિલાલ ગાંધી અને ગુલાબબહેન ગાંધીનાં પાંચ સંતાનોમાં મોટાં એવાં રામીબહેનનાં દીકરી તે નીલમબહેન ગાંધી. યોગેન્દ્રભાઈ પરીખને પરણેલાં એટલે નીલમબહેન પરીખ. આ નીલમબહેન પરીખ ઝીણાભાઈ દરજીના આગ્રહથી વ્યારા વિસ્તારમાં આવ્યાં. તે પહેલાં તેઓ વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં જોડાયેલાં રહેલાં અને ઓરિસ્સાના એક ગામમાં રહેતાં હતાં. 1962થી તેઓ વ્યારા વિસ્તારનાં થયાં. ગામિત લોકોનાં ભણતર અને કૌશલ્ય વિકાસનું કામ કર્યું. ‘દક્ષિણાપથ’ નામની સંસ્થા શરૂ કરી આ કામને એ વિસ્તારમાં વ્યાપક બનાવતાં ગયાં. આર્થિક સ્વાવલંબન કેળવવું તે પણ સ્વતંત્રતાપ્રાપ્તિનું એક કાર્ય છે. વ્યક્તિગત સ્વાતંત્ર્યનો એક સાદો ઉપક્રમ નીલમબહેને અપનાવ્યો. આ ઉપક્રમ કોઇ જાહેર ઉપક્રમ બને અને પ્રચાર વડે મોટો થાય તેવું તેમણે ક્યારે ય કશું ન કર્યું. બાકી આવ્યાં તો હતાં મુંબઇથી જ્યાં બધી સગવડ હોય, વ્યવસ્થા હોય, વ્યારાનાં ગામોમાં તો વીજળીનાં ય પૂરતાં અજવાળાં નહીં પણ આદિવાસી વચ્ચે કામ શરૂ કર્યું અને તેમનામાં રહેલા કૌશલ્યને કેળવવાનું કામ કર્યું. ગાંધીજી વર્ષો પહેલાં આ જ કરતા હતા. પોતાની પાસે કોઇ આવે અને કહે કે અમને કોઇ કાર્ય ચીંધો તો ગાંધીજી તેમને કોઇ ગામડામાં કામ કરવા મોકલતા.

નીલમબહેન 1962થી દક્ષિણ ગુજરાતમાં રહ્યાં અને વિત્યાં 30 વર્ષથી તો નવસારી તેમનું નિવાસસ્થાન હતું પણ બહુ ઓછાને ખબર પડી કે તેઓ ગાંધીજીના વંશજ છે. તેમણે રચનાત્મક કાર્યને જ જીવન બનાવેલું. ગાંધીજીના જે આદર્શો તેઓ સમજ્યા તેને જીવ્યા. અન્યો તો ઠીક પોતાનાં સંતાન યા પુત્રવધૂ યા પૌત્ર-પૌત્રી પણ ગાંધીજીના આદર્શ પાળે એવો આગ્રહ ન રાખ્યો. આ વલણ બહુ અનોખું કહેવાય અને ગાંધીજીને જેઓ સમજે છે તેમને મન સહજ પર કહેવાય. ગાંધીજીના આદર્શ કાર્યબોધ રૂપે પ્રગટ થવા જોઇએ.

નવસારીમાં તેમને જે વર્ષો મળ્યાં તેમાં તેઓ લેખન તરફ વધુ સક્રિય રહ્યાં અને તે પણ ગાંધી વિનોબા કેન્દ્રી લેખન જ છે. દિનકર જોશીની નવલકથા ‘પ્રકાશનો પડછાયો’ પ્રગટ થઇ અને પિતા ગાંધીજી અને પુત્ર હરિલાલ ગાંધી વચ્ચેના સંબંધ વિશે જાહેર ચર્ચાઓ જાગી. આ નવલકથાના આધારે મરાઠીમાં ગાંધી વિરુદ્ધ ગાંધી નાટક ભજવાયું અને ચર્ચા વધારે વ્યાપક બની. એ ચર્ચા ગાંધીની મર્યાદાને મુદ્દા બનાવનારી હતી. સ્વતંત્રતાપ્રાપ્તિ પછીના સમયમાં ધીરે ધીરે ગાંધીજીની મર્યાદાઓ કેવી કેવી હતી તેને જાહેર જીવનમાં ચર્ચવાનું શરૂ થયું હતું. આ એક અપમાનજનક વલણ હતું પણ જાહેર જીવનની વ્યક્તિ તેનાથી બાદ પણ ન રહી શકે. ભલે ન રહે. નીલમબહેન પરીખ સામાન્યપણે ગાંધીજી વિશે જાહેર પ્રતિક્રિયા આપનાર વ્યક્તિ નહીં. તેમણે તે વખતે ‘ગાંધીનું ખોવાયેલું ધન: હરિલાલ ગાંધી’ પુસ્તક લખ્યું. અત્યંત સ્વસ્થ રહી ગાંધી-હરિલાલના જીવનક્રમની ઘટનાઓમાં રહી નાની નાની વિગતો અને વ્યવહારના સંદર્ભ સાથે કુટુંબ સંસ્કાર અને ભારતીય મન સાથે નીલમબહેન જે આલેખન કર્યું છે તે ઉદાહરણરૂપ છે. હરિલાલ તો તેમના દાદા અને ગાંધીજી પરદાદા. જાહેરજીવનની વિશ્વવિભૂતિ અને તેમની સામે વગોવાયેલા, જાહેરમાં ચર્ચા કરવી ન ગમે તેવી કુટેવોમાં જીવેલા દાદા. આ બે ઓળખને પિતા-પુત્ર સંબંધે ઊંડી નિસ્બતથી આલેખવામાં કસોટી થઇ જાય પણ તમે જોશો તો થશે કે એ પુસ્તકમાં હરિલાલ ગાંધી એક વિશેષ માનવીય સંજોગોને પૂરી તીવ્રતાથી ક્રિયા-પ્રતિક્રિયામાં રહી જીવવા મથે છે.

ગાંધીજીને પીડા છે પણ તેઓ માત્ર કુટુંબસંબંધને વંશગત સંબંધને માનતા નથી. તેનાથી વિરાટ ભૂમિકાએ તેઓ દેશ માટે જીવે છે. નીલમબહેન પરીખે ક્યાં ય કોઈ બચાવના તર્ક વિના એ પુસ્તક લખ્યું છે અને તેમનું આ મોટું પ્રદાન છે. આ પુસ્તકના જ આધારે ફિરોઝ ખાન નામના આપણા દિગ્દર્શકે ‘ગાંધી માય ફાધર’ ફિલ્મ બનાવી હતી.

નીલમબહેનની કમાલની સ્વસ્થતા એ કે ‘ગાંધીનું ખોવાયેલું ધન : હરિલાલ ગાંધી’ પુસ્તક પછી પણ ક્યારે ય ગાંધીજી વિશે જાહેર કાર્યક્રમોમાં દેખાયા નથી. ‘મારું કહેવાનું હતું તે કહી દીધું.’ બસ આ વલણ. ત્યાર પછી તેમણે ‘જ્યાં રહો ત્યાં મહેકતા રહો’ અને ‘ગાંધીજીના સહસાધકો’ પુસ્તકો લખ્યાં. તેમણે ‘સુરૂચિ સર્જક મોહનભાઈ પરીખ’ પુસ્તક પણ લખ્યું. ‘સત્યશોધકનો કળાપ્રેમ’ પણ આ પુસ્તકોના ક્રમમાં છે. આ ઉપરાંત હમણાં ‘રાષ્ટૃીય ચેતનાના ભેખધારીઓ’, ‘વંશજ મહામાનવના’ અને ‘કર્મયોગના દીક્ષાર્થી વિનોબા’ પુસ્તિકાઓ પણ લખી હતી.

દક્ષિણ ગુજરાતનાં નારાયણ દેસાઈ અને નીલમબહેન પરીખ એવાં કહેવાય જેમણે નિરંતર ગાંધીચેતના જગાવી રાખી. આમાં નીલમબહેન તો જાણે પોતાને છુપાવી રાખી જીવ્યાં. તેમના દીકરા સમીર પરીખ અને પુત્રવધૂ ડૉ. ગોપી પરીખ નવસારીમાં ડૉક્ટર તરીકે પ્રવૃત્ત છે પણ તેઓ ક્યારે ય પોતે ગાંધીકુટુંબની ઓળખ આપી ગૌરવ ઉઘરાવતાં નથી. નીલમબહેન જ્યારે વ્યારા ક્ષેત્રમાં કાર્યથી નિવૃત્ત થયાં ત્યારે પોતાનું મકાન નહોતું અને નવસારી આવ્યાં હતાં. રિઝર્વ બેન્કે તો ગાંધીછાપ ચલણ આપ્યું જ છે ને વ્યવહારમાં તે પ્રચલિત પણ છે. ગાંધીનું કેવું ચલણ તેમના કુટુંબને માન્ય છે તે તમને નીલમબહેનના કુટુંબ જીવનમાં પમાશે.

મનુષ્યત્વને થકવી નાંખનારા આજના અનેક વિરોધાભાસના ભરેલા જીવનમાં ગાંધીજી એક શાંત જ્યોત છે અને તેનું બે હથેળીઓ વડે રખોપા કરવાનું કાર્ય નીલમબહેને એટલી જ શાંતિથી કર્યું છે. રચનાત્મક કાર્યો કરતા રહો એ સિવાય કોઈ ગાંધી આદર્શ નથી.

નીલમબહેનને વિદાયવંદના !  

સૌજન્ય : ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 ઍપ્રિલ 2025

Loading

એક અદ્ભુત સાહિત્ય કૃતિ

હર્ષદ રાઠોડ|Opinion - Opinion|8 April 2025

સેમ્યુઅલ બેકેટ દ્વારા મૂળ ફ્રેંચ ભાષામાં લખેલ નાટક “Waiting for Godot” વાચ્યું. આ નાટકનું પાછળથી અંગ્રેજીમાં રૂપાંતરણ સેમ્યુઅલ બેકેટે જ કર્યું હતું.

અંગ્રેજી સાહિત્યનો થોડો-ઘણો પણ પરિચય રાખનાર સેમ્યુઅલ બેકેટ વિશે જાણતા હશે. મારે મૂળ વાત તો આ નાટકની કરવી છે. માત્ર સાદું, સરળ સ્ટેજ અને થોડાક જ પાત્ર અને કોઈપણ આડંબર વગરનું આ નાટક પહેલીવાર જુવો કે વાંચો ત્યારે કંટાળાજનક કદાચ લાગે…!! આ નાટક એવા લોકો માટે નથી જે એક વખત વાંચીને કે સાંભળીને ભૂલી જતા હોય. આ નાટક એક અદ્ભુત સાહિત્ય કૃતિ છે. તેને પચાવવામાં વાર લાગે … વારંવાર વાગોળવી પડે .. સમજવી પડે ..

ચાલો જોઈએ નાટકની રૂપરેખા. જ્યારે પડદો ઉંચકાય છે ત્યારનું દૃશ્ય સાવ સામાન્ય છે. ધૂળનો ઢગલો છે. એક ઝાડ છે, જે સંપૂર્ણ સુકાઈ ગયેલું છે, અને બે પાત્ર ઊભા છે. Vladimir અને Estragon. સેમ્યુઅલ બેકેટનું માનવું હતું કે પ્રથમ દૃશ્યમાં જ આખા નાટકની થીમ રજૂ કરી દેવી જોઈએ. એટલે પહેલા જ સાંભળવા/વાંચવા મળે છે. “કંઈક કરી શકાય તેમ નથી”. Nothing to be done.

આ બંને પાત્રો ઘરબાર વગરના, રખડતા લોકો છે. જેને અંગ્રેજીમાં Tramp કહેવાય. આ બંને વ્યક્તિઓ ગોડોટની રાહ જોઈ રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે તેમને ગોડોટ કોણ છે, ખબર નથી. શા માટે રાહ જોઈ રહ્યા છે, તેની પણ ખબર નથી. ગોડોટ ક્યારે અને ક્યાં આવશે, તે પણ ખબર નથી. ગોડોટ આવશે, તો તેમની પાસે શું માંગવાના છે, તે પણ ખબર નથી. બસ, આખા નાટકમાં માત્ર રાહ જુએ છે.

નાટકમાં બીજા બે પાત્રો પણ વચ્ચે આવે છે. લકી અને પોઝો .. લકી પોઝોનો ગુલામ છે. અને પોઝો લકીથી છુટકારો મેળવવા માગતો હોય છે. બધા વચ્ચે થોડીક ડાયલોગબાજી થાય છે. પણ નાટક આગળ વધતું નથી. જો કે એક અર્થમાં આગળ વધતું ન હોવા છતાં ભરપૂર એક્શન થાય છે … જોક્સ થાય છે.

મૂળ વાત ઉપર આવીએ તો, નાટક ચાલુ થાય ત્યારથી અંત સુધી, જેની રાહ જોવામાં આવી રહી છે, તે ગોડોટ આવતો જ નથી. એક પણ દૃશ્યમાન નથી આવતો.

આખરે સેમ્યુઅલ બેકેટ આ રીતના વિચિત્ર નાટક દ્વારા શું સંદેશો આપવા માગતા હશે? પેલી વાર તો આ પાગલતાના હુમલામાં લખાયેલું નાટક લાગે. પણ જ્યારે તેને સમજવામાં આવે તો ખ્યાલ આવે છે કે માનવ જીવનનું કેટલીક નજીકથી વર્ણન કર્યું છે. ગોડોટ કોણ છે, તે ખબર નથી. શા માટે રાહ જોઈ રહ્યા છે, તે ખબર નથી. ક્યારે અને ક્યાં સ્થળે મળવા આવવાનો છે, એ ખબર નથી. આમ છતાં તેની રાહ જોવામાં આવી રહી છે. મનુષ્ય જીવન પણ આવું જ છે. જો નજીકથી આપણા જીવનનું અવલોકન કરવામાં આવે તો આપણે એક અંતહિન રાહ જોઇ રહ્યા છીએ. અંદરથી આપણને પણ ખબર નથી, આપણે કોઈની રાહ જોઈ રહ્યા છીએ. શા માટે રાહ જોઈ રહ્યા છીએ …. રાહ જોઈ રહ્યા છીએ તે મળી જશે તો શું કરીશું. કોઈ ખબર નથી.

બસ, અંતહીન રાહ … મોટા ભાગના આલોચકો પણ આવો મત ધરાવે છે. મારું માનવું છે સેમ્યુલ બેકેટ સંપૂર્ણ આશાવાદને રજૂ કરે છે. તેના પાત્ર ઘરબાર વગરના છે. તેની કોઈ રાષ્ટ્રીયતા નથી. તેમની પાસે કરવાનું કોઈ કામ નથી. તેઓ શારીરિક રીતે પીડાઈ રહ્યા છે. અને વધુ દુઃખદ વાત તો એ છે કે આ નાટકના પાત્રોને તેનો અહેસાસ નથી કે તેઓ આવી વિકટ પરિસ્થિતિમાં છે. છેલ્લાં 50 વર્ષમાં એમના જીવનમાં કોઈ જ ઘટના બની નથી. બસ, જીવી રહ્યા છે. સમય તેમના જીવનમાં થંભી ગયો છે.

આમ છતાં આશાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તે આશા સાચી છે કે ખોટી તેની પરવા નથી કરતા … તે કરી શકે તેમ પણ નથી. કારણ કે તેમની પાસે રાહ જોવા સિવાય કંઈ કરવાનું નથી. જો રાહ જોવાનું બંધ કરી દે, તો પછી શું વધે? કદાચ તેમનું જીવન એટલે જ બચ્યું છે કે તેમને આશા છે કે ગોડોટ આવશે. કંઈક પરિવર્તન થશે.

મારા માટે આ માનવ જીવનના સંઘર્ષને રજૂ કરતી કૃતિ છે. ચારે બાજુથી ઘેરાઈ ગયા હોવા છતાં, એક આશાનું કિરણ પૂરતું છે જીવવા માટે. બસ, તેને પકડી રાખવામાં આવે.

આખા નાટકમાં “કંઈ થઈ શકે તેમ નથી” આ વાક્ય વારંવાર આવે છે. સમગ્ર નાટકની થીમમાં તેનો સ્પષ્ટ પડઘો સંભળાય છે. આમ છતાં રાહ જોઈ રહ્યા છે. અને તે પણ ઉત્સાહ પૂર્વક.

યુટ્યુબ ઉપર હિન્દીમાં આ નાટક છે. એક વખત જોવા જેવું ખરું.

e.mail : hjrcv008@gmail.com

Loading

કથા મારા વિદ્યાર્થીઓની (38) : કેતન રૂપેરા 

ગૌરાંગ જાની|Opinion - Opinion|7 April 2025

કેતન રુપેરા

મારું પુસ્તક ‘વિદ્યા વધે એવી આશે’ પ્રગટ થયું, ત્યારે મને બેવડો આનંદ થયો હતો. મારી વિદ્યાર્થિની મિત્તલ પટેલે તેની પ્રસ્તાવના લખી અને બીજા વિદ્યાર્થી કેતન રૂપેરાએ પ્રત-સંપાદન કર્યું. પરિણામે મારું પુસ્તક સાચે જ વિદ્યાપ્રેમીઓનું બન્યું. 

વિરમગામના જૈન પરિવારનો કેતન જૈનોની વેપાર પરંપરાનો અનુભવ કરતો મહાત્મા ગાંધીના જીવન અને દર્શનનો એવો અભ્યાસુ બન્યો કે આજના ગુજરાતમાં ગાંધીને સમજવા તેના વિદ્યાર્થી બનવું પડે .વર્ષ 2001 પછીના થોડાં વર્ષો મેં ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગમાં મુલાકાતી અધ્યાપક તરીકે ભણાવેલું .હું ભારતીય સમાજ વિશે વર્ગો લેતો. વર્ષ 2003થી 2005 સુધી કેતન ત્યાં મારો વિદ્યાર્થી હતો અને ત્યાર બાદ એ આજે મિત્ર છે.

મધ્યમવર્ગના પરિવારોમાં બને છે એમ કેતનને પણ બાળપણમાં ડૉક્ટર બનવા માટે પ્રેરિત કરવામાં આવ્યો અને એ વાતાવરણ એક ચોક્કસ દિશા તરફ શિક્ષણની સફર નક્કી કરતું હોય છે, જે કેતને પણ અનુભવ્યું. વિરમગામની દિવ્યજ્યોતિ વિદ્યાલયમાં પ્રાથમિક શિક્ષણ. દાદા અને પિતાનો સોપારી, પાન, તમાકુ વેચવાનો જથાબંધ અને છૂટક ધંધો. ગલ્લો પણ ખરો. સાથે પિતાએ ત્યાંની કાપડની મિલમાં નોકરી પણ કરી. શાળામાં શિક્ષણની સાથે ઘરમાં સમાજશિક્ષણ થયું. પિતાના છ ખાસ મિત્રોમાં ત્રણ મુસ્લિમ એટલે બને ધર્મની પાકી સમજ પણ બાળપણથી વિકસી. પિતાના મુસ્લિમ મિત્ર કેતનને જરૂરી પુસ્તક પણ ખરીદીને આપે. જૈન, હિન્દુ અને મુસ્લિમ સહઅસ્તિત્વ વિરમગામ જેવા કસ્બામાં પણ ગાંધીના પરિચય પૂર્વે કેતનને સર્વધર્મની સમજ પાકી કરી રહ્યા હતા. એટલે ત્યાંની આર.એસ.એસ. શાખામાં કસરતથી કશું વિષેશ કેતનને આકર્ષી શક્યું નહીં. એ સમયે કેતનની શાળાના આચાર્યની ઓફીસ બહાર ‘ગર્વ સે કહો હમ હિન્દુ હૈ’ અંકિત થઈ ચૂક્યું હતું.

એક સદીથી પ્રતિષ્ઠિત એમ જે હાઈસ્કૂલની ટેક્નિકલ શાળાના આઠમા ધોરણમાં કેતન દાખલ થાય છે. આ શાળામાં પ્રવેશતા જ કેતન વકતૃત્વ જેવી કળાઓથી પરિચય પામે છે. સાથે કૈક ખોટું થાય તો તેનો વિરોધ કરવાની તાલીમ અને સાહસ પણ અહીં જ કેળવાય છે. પ્રયોગશાળા બંધ કરવામાં આવે છે અને તેને પુનઃ શરૂ કરવાના વિદ્યાર્થીઓના વિરોધ અભિયાનમાં કેતન સક્રિય બને છે. દરજી વિદ્યાર્થીના પરિવાર પાસે કાપડની કાળી પટ્ટીઓ તૈયાર કરી તેનો વિરોધ પ્રતીક તરીકે સામૂહિક ઉપયોગ અને સૂત્રોચ્ચાર. પ્રયોગશાળા તો ના શરૂ થઈ પણ સમાજવિદ્યાના અલાયદા શિક્ષક મેળવવામાં સફળ થવાયું. કેતન દર્શાવે છે તેમ સમાજવિદ્યાના શિક્ષક ડી.એસ. દવેએ માત્ર એક જ વર્ગ લીધો, પણ તેઓનું ઇતિહાસ દર્શન કેતન પર કાયમી છાપ અંકિત કરી ગયું.

ટેક્નિકલ શાળામાં ભણવા પાછળનો એક ઉદેશ ભવિષ્યમાં એન્જિનિયરીંગમાં પ્રવેશ સરળ બને એવો હોય છે, પણ 10માં ધોરણમાં ટકા ઓછા આવ્યા. પરિણામે અમદાવાદ ભાવસાર હોસ્ટેલમાં રહી આર.સી. ટેક્નિકલ શાળામાં 11માં ધોરણ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ, પણ ત્યાં ના ફાવ્યું એટલે 12 ધોરણમાં શાળા બદલી. પણ નાપાસ થવાનો વારો આવ્યો. કેતન કહે છે કે આવી નિષફળતા અને વિપરીત સ્થિતિમાં પણ માતાપિતા પડખે રહ્યાં. કદી વઢ્યાં નહિ. વિરમગામ પાછા જવાનો વારો આવ્યો. આ દરમ્યાન ઇતર વાચનમાં કેતનનો રસ વધવા માંડ્યો. લીંબડી સ્થિત વિવેકાનંદ સ્મારકભવનની એક મુલાકાતે વિવેકાનંદનો પરિચય કરાવ્યો અને એક હકારાત્મક ઉર્જા કેતને અનુભવી. 12 કોમર્સમાં પ્રવેશ લીધો પણ અંતે તો વિજ્ઞાનમાં જ પરીક્ષા આપી, પણ ટકા એવા ના આવ્યા કે આયુર્વેદ કે હોમિયોપેથીમાં પ્રવેશ મળે. અંતે અમદાવાદની ગુજરાત કોલેજમાંથી બી.એસસી. કર્યું. આ ત્રણ વર્ષ એમ.જે. પુસ્તકાલયના સભ્ય બની કેતને સાહિત્યથી લઇ અનેક વિષયો પર ખૂબ વાંચ્યું જે તેને ભાવિ કારકિર્દી માટે ઉપયોગી નીવડ્યું.

કૈક જુદું ભણવું છે એવો વિચાર કેતનમાં સ્થાપિત થઈ ચુક્યો હતો અને પરિણામે પુનઃ અમદાવાદ ભાવસાર હોસ્ટેલમાં રહી, ગૂજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વની અનુસ્નાતક પદવી મેળવી. અહીં ગાંધી અને વિનોબાના  રંગે રંગાવાનું શરૂ થયું અને પ્રોફેસર અશ્વિન ચૌહાણ જેવા ઉત્તમ શિક્ષક મળ્યા. શોધનિબંધ તેઓના માર્ગદર્શન હેઠળ કર્યો. વિષય : ઉચ્ચ શિક્ષણ સામાયિક દૃષ્ટિ (હાલ અભિદૃષ્ટિ).પત્રકારત્વના પ્રથમ વર્ષ બાદના વેકેશનમાં કેતનને પિતાના વ્યવસાયમાં મદદ કરવા વિરમગામમાં સાયકલ પર સોપારી પાન તમાકુ વેચવા જવું પડ્યું, પણ એ અનુભવે કેતનને શીખવ્યું કે કોઈપણ કામ ઉતરતું નથી. કેતનનો વિચાર પી.એચડી. કરવાનો હતો. એટલે એ દિશામાં જવા એમ.ફિલ.ની પ્રવેશ પરીક્ષા પાસ કરી વિદ્યાપીઠમાંથી એમ.ફિલ. કર્યું. અશ્વિન સર પાસે શોધ નિબંધ કર્યો. વિષય : પત્રકાર ગાંધીજીના લખાણોમાં પ્રતિબિંબિત શિક્ષા વિચાર (હરિજનબંધુ,1933થી 1948).

દૃષ્ટિ સામાયિક વિશેના સંશોધને કેતનને એ જ સામાયિકના સંપાદન તરફ દોરી ગયું અને ત્યાં સફળતા મળી અને એ અનુભવ સંપાદનથી લઈ પ્રિન્ટિંગ સુધી વિસ્તર્યો. આજે ગુજરાતના પ્રતિષ્ઠિત વિચારપત્ર ‘નિરીક્ષક’નું સંપાદન પણ કેતન કરે છે અને સૌ તેના કામથી પ્રભાવિત છે. મુરબ્બી પ્રકાશ ન. શાહે કેતનની કારકિર્દી ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. કેતનની કારકિર્દીનો એક મહત્ત્વનો પડાવ અર્થાત નવજીવન દ્વારા પ્રકાશિત ‘નવજીવનનો અક્ષરદેહ’ માસિકનું સંપાદન. 55 અંકો અને 6 વિશેષાંકના સંપાદને કેતનને ગુજરાતની નવી પેઢીના આગવા પત્રકાર અને અભ્યાસી તરીકે સ્થાપિત કરી દીધો. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં કોઈ એક અંકમાં 100 પુસ્તકોનો સાગમટે પરિચય થયો હોય તો એ કેતનની મહેનતથી સર્જાયેલો નવજીવનનો અક્ષરદેહનો અંક.

કેતને મુખ્ય ધારાના પત્રકારત્વનો પણ અનુભવ લીધો .

‘અભિયાન’ અઠવાડિક અને ‘દિવ્ય ભાસ્કર’ અખબારમાં પણ તેના કામની આગવી નોંધ લેવાઈ. વર્ષ 2010 પછી કેતને ફ્રીલાન્સ કામ શરૂ કર્યું જે પુસ્તક સંપાદનથી માંડી તેના પ્રકાશન સુધીનું રહ્યું.

ગુજરાતની કેટલીક જાણીતી વ્યક્તિઓનાં જીવનને આલેખતાં પુસ્તકોનું સ્વતંત્ર સંપાદન પણ કેતનની ભેટ છે. જેમાં ચુનિભાઈ વૈદ્ય વિશેનું પુસ્તક ‘અગ્નિપુષ્પ’, જીતેન્દ્ર દેસાઈ વિશે ‘ગાંધી સાહિત્યના સારથી’, તુષાર ભટ્ટ વિશે ‘નીડર પત્રકાર પૂર્ણ પરિવારજન’નો સમાવેશ થાય છે. કનુભાઈ કલ્સરિયાના પ્રદાન વિશેના પુસ્તકનું પ્રત સંપાદન પણ કેતને કર્યું અને ખૂબ વખણાયું. કેતને અધ્યાપન ક્ષેત્રે પણ પ્રદાન કર્યું. નડિયાદ સ્થિત અમૃત મોદી સ્કૂલ ઓફ માસકોમ્યુનિકેશનમાં પત્રકારત્વનાં વિવિધ પાસાંઓ વિશે લગભગ સાડાત્રણ વર્ષ ભણાવ્યું. યુવાન વયે ગાંધી સાહિત્ય વિશેના તેના બહુ આયામી ખેડાણની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ. વર્ષ 2016માં કેતનને ‘કાકાસાહેબ કાલેલકર પત્રકારીતા સન્માન’થી સન્માનિત કરવામાં આવ્યો. આ સન્માન ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા, ન્યુ દિલ્હી અને વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન, નોયડા દ્વારા આપવામાં આવ્યું .તાજેતરમાં કેતને Enhanceonly પ્રકાશન કન્સલ્ટન્સી શરૂ કરી અને ગંભીરસિંહ ગોહિલ લિખિત  પુસ્તક ‘મહાત્મા : સ્વરાજની સફર અને સૌરાષ્ટ્રના સાથીદારો’ પ્રકાશિત કર્યું. આજે જ્યારે ગુજરાતમાં શબ્દપ્રેમ અને પુસ્તકપ્રેમ વિસારે પડતા જાય છે અને ગુજરાતી ભાષા સામે પ્રશ્નો ખડા થયા છે, એ સમયે નવી પેઢીનું એક પ્રેરક વ્યક્તિત્વ કેતન રૂપેરા ઘણી ઉમ્મીદ જગાવે છે. 

કેતનને અભિનંદન.

સૌજન્ય : ગૌરાંગભાઈ જાનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...326327328329...340350360...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved