Opinion Magazine
Number of visits: 9583488
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહિલાઓ માટે જાહેર પેશાબઘરોનો અભાવ એટલે નારીગૌરવના આપણા દંભનો સાફ પુરાવો

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|19 January 2018

સ્ત્રીઓ માટેના અલગ, સ્વચ્છ, સલામત અને નિ:શુલ્ક પેશાબઘરો માટે ‘રાઇટ ટુ પી’ ચળવળ

ગયા એકાદ મહિનાથી અમદાવાદ જાહેર ઉત્સવોમાં મહાલી રહ્યું છે. કાંકરિયા કાર્નિવલ, નાતાલ તેમ જ નવા વર્ષની ઉજવણી, ફ્લાવર શો, સંગીતના જલસા અને બીજું કેટલું ય. આ બધા અવસરે મહિલાઓની સલામતી પર ધ્યાન અપાય છે, પણ તેમની સુખાકારીની ચિંતા જવલ્લે જ જોવા મળે છે.નવરાત્રીમાં ગરબે ઘૂમતી હજ્જારો મહિલાઓ માટે ઉત્સવના સ્થળે સ્વચ્છ, સલામત અને સુયોગ્ય પેશાબઘર ભાગ્યે જ હોય છે. આ વાત દુર્ગાપૂજા કે ગણેશચતુર્થી, જાતરા-જુલુસ, માસ-કૉન્ગ્રિગ્રેશન કે કોઈ પણ કોમ કે ધર્મની કોઈ પણ પ્રકારની સામૂહિક ઉજવણીને લાગુ પડે છે. સ્ત્રીઓ પરની આ આપત્તિ બધે જ છે. મુંબઈની જિંદગી, દિલ્હીનું બજાર, ગંગાનો ઘાટ, શાળા-કૉલેજ કે હૉસ્પિટલ, રેલવે સ્ટેશન કે બસસ્ટૅન્ડ એમાં પણ એવું જ. હકીકતમાં ભારતના જાહેર જીવનના કોઈ પણ હિસ્સામાં મહિલાઓ માટેના જાહેર શૌચાલયોનો વિચાર કરવામાં આવતો નથી. કેટલાક પરિવારોમાં પણ એ હોતો નથી. એટલા માટે ‘જહાં સોચ વહાં શૌચાલય’, ‘શૌચાલય નહીં તો શાદી નહીં’ જેવી ઝુંબેશો હાથ ધરવી પડે છે. માનવ અસ્તિત્વના સ્રોત એવી નારીજાતિની આટલી પાયાની માનવીય જરૂરિયાતનો આપણા પુરુષપ્રધાન સમાજે સદીઓથી વિચાર કર્યો નથી.

નારીને પૂજવાનો આપણી સંસ્કૃિતનો દાવો કેટલો દંભભર્યો છે તેનો આનાથી સાફ પુરાવો બીજો કોઈ નથી. ઘરની બહાર કલાકો વીતાવવાં પડતાં હોય તેવી નોકરિયાત મહિલાઓ, અને ખાસ તો  શ્રમજીવી બહેનોને પેશાબઘરના અભાવે ખૂબ વેઠવું પડે છે. બાંધકામ મજૂરી, પાથરણાં, લારી, ફેરી, સફાઈ જેવાં ખુલ્લામાં કરવાં પડતાં શ્રમનાં કામ સાથે સંકળાયેલી બહેનો માટે તો કોઈ આશરો જ હોતો નથી. જાહેર પેશાબઘરોને અભાવે આપણે ત્યાંની મહિલાઓને અનેક વ્યાધિઓનો ભોગ બનવું પડે છે. પુરુષો કદાચ ન જાણતા હોય, પણ  ઘરની બહાર લાંબો સમય ગાળવો પડતો હોય તેવી આપણી અનેક મહિલાઓ પેશાબ કરવા જવાની જરૂરિયાત જ ન ઊભી થાય તે માટે ઓછું પાણી પીવે છે. તેને પરિણામે તેમને ડિહાઇડ્રેશન સાથે સંકળાયેલી શારિરીક તકલીફો ઉપરાંત કિડની ઈન્ફેક્શન થાય છે. વળી પાણી પીવાય અને પેશાબ કરવા ન જવાય તો મૂત્રાવરોધને કારણે બ્લૅડરને લગતાં રોગો થાય છે. ગામડાંની શાળાઓમાં સારાં ટૉઇલેટ્સને અભાવે દીકરીઓનું ભણતર, ખાસ કરીને તેઓ માસિકમાં પ્રવેશ કરે ત્યાર બાદ, ખૂબ અનિયમિત થાય છે અથવા અટકી પણ જાય છે. ઘરથી દૂર, અંધારે, અવાવરુ જગ્યાએ કુદરતી હાજતે જતી કન્યાઓ છેડતી અને બળાત્કારનો ભોગ બને છે. તેમાંથી આ પ્રકારના અત્યાચારનો ઉત્તર પ્રદેશના બદાયુંમાં 2014ના મે મહિનામાં બનેલો કિસ્સો વધુ ફેલાયો એટલું જ. નોબલ પુરસ્કાર સન્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને લેખો અને મુલાકાતો ઉપરાંત તેમના  ‘અનસર્ટન ગ્લોરિ’ ગ્રંથમાં પણ ભારતમાં મહિલાઓના આરોગ્ય અને સ્વચ્છતાની ઘેરી ચિંતા વ્યક્ત કરી  છે.

ભારતમાં લગભગ બધે જ મહિલાઓ માટેનાં જાહેર શૌચાલયોમાં પેશાબ કરવાનાં પણ પૈસા લેવામાં આવે છે. મહિલાઓને પેશાબ કરવા દેવા માટેના એક રૂપિયાથી પાંચ રૂપિયા સુધીની રકમ મોટે ભાગે પહોંચ આપ્યા વિના લેવામાં આવે છે. આવું એટલા માટે ચાલી જાય છે કે મહિલાઓ મજબૂર હોય છે. પુરુષોના પેશાબઘરમાં આવી રીતે પૈસા લેવામાં આવે તો મોટા ભાગના પુરુષો બહાર પેશાબ કરી લે. પુરુષની બાબતમાં ખુલ્લામાં પેશાબ આપણે ત્યાં શરમની બાબત ગણાતી નથી. જ્યારે મહિલાઓ માટે ખુલ્લામાં પેશાબ કરવો એ અત્યંત શરમજનક બાબત હોય છે. આ મજબૂરીને કારણે મહિલાઓને જાહેર પેશાબઘરમાં પૈસા ચૂકવવા જ પડે છે. એમ છતાં મોટે ભાગે એ જગ્યાઓ ખૂબ ગંદી હોય છે. દિવસ આખો ઘરની બહાર મજૂરી કરીને સો-બસો રૂપિયા કમાતી ભારતની નાગરિક એવી મહિલાને કુદરતી ક્રિયા માટે દરરોજ પાંચ-દસ રૂપિયા ખર્ચવા પડે તે દેશ માટે શરમજનક બાબત છે.

જાણીતા સાહિત્યકાર હિમાંશી શેલતે ‘બારણું’ વાર્તામાં ગરીબ ઘરની કોડભરી કિશોરી સવલીને કેવી ગંદી જગ્યામાં ખૂબ સૂગ અને તકલીફ સાથે શૌચક્રિયા માટે જવું પડે છે તેનું વર્ણન કર્યું છે. એક વાર તે મેળાની ભીડમાં બહેનપણીથી છૂટી પડી જાય છે. કથાના અંતે, મળવિસર્જનના દબાણ સમયે જ તેને ચમકદમકવાળું શૌચાલય સુલભ બને છે, એમાં તે પ્રવેશે છે અને દેહવ્યવસાયની જાળમાં ફસાય છે. ભાવનગરના રંગકર્મી અધ્યાપક મહેન્દ્રસિંહ પરમારની ‘પોલિટેકનિક’ અને ‘હવે કઈ પોલિટેકનિક?’ વેધક વાર્તાઓ છે. તે એક કસબાના ડેલામાં રહેતી બહેનોએ આદરેલી શૌચાલય શોધ વિશેની છે. આ ‘બાયું’ ને ઘરની બહાર રાત્રે પણ સલામત જગ્યા મળી શકતી નથી એનું વિદારક આલેખન લેખકે કર્યું છે. ખૂબ પ્રસ્તુત વિષયની વ્યંગ અને ભાષાકીય સૂક્ષ્મતા સાથે લાજવાબ માવજત આ કથાઓને અસાધારણ બનાવે છે. આ વિષય પર ધારદાર કટાક્ષ કરતું રમતિયાળ મરાઠી નાટક ‘ઓ વુમનિયા’ 2014 માં ભજવાતું હતું. બહેનો ઓજસ, રેખા, મૈત્રા અને જહાં આરાનું ક્લાઉન પ્લે પ્રકારનું આ નાટક ઇન્ટરનેટ પર છે.

આ ચળવળ તે ‘રાઈટ ટુ પી’ – પેશાબ કરવાના અધિકાર માટેની ચળવળ. કમિટી ઑફ રિસોર્સ ઑર્ગનાઇઝેશન (કોરો) અને ‘મેન અગેઇન્સ્ટ વાયોલન્સ અ‍ૅન્ડ અબ્યૂઝ’ (માવા) સંગઠનોનાં નેજા હેઠળ ત્રીસથી વધુ જૂથો આ ચળવળ ચલાવી રહ્યાં છે. તેના પાયામાં મુમતાઝ શેખ અને સુપ્રિયા સોનાર નામની કર્મશીલો છે. આ બંનેને ‘કોરા’માં મહિલા આરોગ્ય અને સ્વચ્છતાના કાર્યક્રમોમાં જોડાયાં પછી તરત જ મુંબઈમાં મહિલા શૌચલયનો પ્રશ્ન કેટલો વિકટ છે તે સમજાયું.

મુંબઈ એ નોકરી કરતી મહિલાઓની સહુથી વધુ સંખ્યા ધરાવનારું શહેર છે. તેમાં ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ ૫૮ લાખથી વધુ મહિલાઓ હતી, અને જાહેર શૌચાલયોની સંખ્યા માત્ર ૩૮૧ હતી, એટલે પંદર હજાર મહિલાઓની વચ્ચે એક શૌચાલય ! સર્વેક્ષણો, સંશોધનો, રજૂઆતો, સહીઝુંબેશો, ધરણાં-દેખાવો ચાલ્યાં. આંદોલનની માગણીઓ આ મુજબ હતી : દર બે કિલોમીટરનાં અંતરે બહેનો માટે સ્વચ્છ અને સલામત પેશાબઘર; મુંબઈના ૨૦૧૪-૩૪ ના સૂચિત વિકાસ કાર્યક્રમમાં મહિલા પેશાબઘરોનો સમાવેશ, શારિરીક મુશ્કેલી ધરાવતી મહિલાઓને અનુકૂળતાવાળાં પેશાબઘર; પેશાબઘરોમાં સૅનિટરી પૅડસ અને કચરાના ડબ્બા. ચળવળને ‘પેશાબઘરની શું જરૂર છે ?’ એવા સવાલથી માંડીને મશ્કરી સુધીના પુરુષકેન્દ્રી સ્ત્રી-વિરોધી માનસનો સામનો કરવો પડ્યો.

સુપ્રિયા સોનાર નોંધે છે કે પહેલાં અઢી વર્ષ તો મુંબઈ મ્યુિનસિપલ કમિશનરે અપોઇન્ટમેન્ટ જ ન આપી. ‘અંતે મંત્રાલયની સામે પેશાબ કરવા બેસવાની ચેતવણી આપવી પડી !’ ‘રાઇટ ટુ પી’ ચળવળનું રાષ્ટ્રીય અધિવેશન ૧ સપ્ટેમ્બર ૨૦૧૬ ના દિવસે યોજાયું. મુંબઈ મહાનગર પાલિકાના વાર્ષિક અંદાજપત્રમાં ૨૦૧૧થી ૨૦૧૬ દરમિયાન મહિલા શૌચાલય માટેની ફાળવણીમાં ૭૫ લાખ રૂપિયાથી લઈને ૫.૨૫ કરોડ રૂપિયા સુધીનો ક્રમશ: વધારો થતો રહ્યો છે અને અલબત્ત નવાં મહિલા  શૌચાલયો બંધાતાં રહ્યાં છે. મુંબઈમાં 19 નવેમ્બરે વર્લ્ડ ટૉઇલેટ ડે પર ચળવળના  કાર્યકર્તાઓએ મહારાષ્ટ્ર સરકાર સમક્ષ માગણીઓ દોહરાવી. ચળવળ અન્યત્ર પણ વિસ્તરી રહી છે.

આપણે ઇચ્છીએ કે તેનો વિસ્તાર ગુજરાતમાં પણ થાય.

++++++

17 જાન્યુઆરી 2018

સૌજન્ય : ’ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 19 જાન્યુઆરી 2018

Loading

ભીમા કોરેગાંવ : પ્રગટ મંથન

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|18 January 2018

ભીમા કોરેગાંવ ઘટનાક્રમ સંદર્ભે તપાસની જે વાત છે, પહેલો પલીતો કોણે ચાંપ્યો એ મતલબનો જે ખોજરાબેતો છે તે તો, માનો કે, ચાલ્યા કરશે અને યથાસમય ચેનલ ચિચિયારાં બીજાં ચરિયાણ શોધી લેશે. સવાલ, વસ્તુતઃ મૂળ મુદ્દો શું છે એ તલાશવાનો અને સમજવાનો છે.

૧૯૯૫-૯૬ લગી માંડ વીસપચીસ ટકે પહોંચતા હાંફી જતું અને બીજા નાનામોટા ભાગિયાભિલ્લુ એકઠા કરી દિલ્હીનશીન થઈ શકતું હિંદુત્વ રાજકારણ મે ૨૦૧૪માં એકત્રીસ ટકે સુવાંગ જેવું તખતે બેઠું છે. હિંદુત્વ રાજનીતિએ ઇતિહાસ, સમાજકારણ અને એવી નાનીમોટી વાતે એક વિમર્શ ઊભો કરવાની કોશિશ કે’દીની શરૂ કરેલી છે, અને હવે દિલ્લીશ્વરો વા જગદીશ્વરો વા એવી પાયરીએ પહોંચી એ પોતાની ખરીખોટી સમજનો કક્કો ખરો કરવા માંગે છે. આમેય, રાજગાદીએ પહોંચનાર માત્રમાં આવું પ્રકૃતિગત વલણ રહેતું હોય છે, અને આ કિસ્સામાં તો પોતાની સમજ પ્રમાણેના વૈકલ્પિક વિમર્શનો – અને એ સમજમાં કલ્પનાના ભરપુર અંશનો – સમાવેશ જ સમાવેશ છે.

ભારતનો ઇતિહાસ આ પક્ષપરિવારના નજરિયા પ્રમાણે હિંદુ અને બીજા એમ વહેંચાયેલો છે. ભીમા કોરેગાંવ ખાતે (પુણેથી પૂર્વોત્તર ચાલીસ કિલોમીટરના અંતરે) બરાબર બસો વરસ પહેલાં પેશવા અને અંગ્રેજો (કંપની બહાદુર) વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. હિંદુપદપાદશાહીની શિવ પરંપરામાં આવેલા પેશવા અને અંગ્રેજ કંપની બહાદુરની ફોજો વચ્ચેના જંગમાં સંસ્થાનવાદી સત્તાની જીત થઈ હતી અને હિંદુરાષ્ટ્રવાદી સત્તાની હાર થઈ હતી. પણ ભીમા કોરેગાંવ ઘટનાનો મહિમા સ્વરાજના કેટલાક દાયકા અગાઉથી એક જુદે છેડેથી થતો માલૂમ પડે છે. હિંદુ પેશવાની હારમાં તેમની સામેની અંગ્રેજ હસ્તકની ફોજમાં બહાદુરીભર્યો મુકાબલો કરનારી એક ટુકડી દલિતોની હતી. એટલે આંબેડકર પક્ષે અને દલિત ચળવળમાં એનું મહત્ત્વ બ્રાહ્મણશાહી સામે દલિત સરસાઈની રીતે છે.

આંબેડકરનો ઉદય અને દલિત અધિકાર ચળવળ ગાઢપણે સંકળાયેલાં છે. મહાર (દલિત) શૂરવીરતાની કંપની બહાદુરને અને અંગ્રેજ સરકારને ક્યાં ય સુધી કદરબૂજ નહોતી એ વાતે આંબેડકરે ધોખો પણ કરેલો છે. આગળ ચાલતાં મહાર ટુકડી નવેસર શક્ય બની એની પૂંઠે પણ આંબેડકરની હિલચાલ રહેલી છે. ગમે તેમ પણ, મુદ્દાની વાત એ છે કે દલિત ચળવળના વિકાસની પ્રક્રિયામાં ભીમા કોરેગાંવની કથિત મહાર ફતેહનું એક મહત્ત્વનું મનોવૈજ્ઞાનિક યોગદાન રહેલું છે.

અંગ્રેજ સંસ્થાનવાદ સામેની તકરારમાં રજવાડાં, નાનીમોટી ઠકરાતો ને ભાયાતોની મંડળી એકજુટ હતી અને કોઈ સહિયારા વતન વાસ્તે લડતી હતી એવું પણ નહોતું. ૧૮૫૭માં, જેમ કે, ગુજરાતની ગાયકવાડી સંગ્રામના પક્ષે નહોતી. આ રજવાડાં અક્ષરશઃ હિંદુ કે અક્ષરશઃ મુસ્લિમ એવુંયે બધો વખત નહોતું. ભીમા કોરેગાંવ મુકાબલામાં પેશવાને પક્ષે લડનારામાં, જેમ કે, આરબ ટુકડી પણ હતી. સૌરાષ્ટ્રની રિયાસતોમાં, જેમ કે, આરબ બેરખની નવાઈ નહોતી.

પણ જેમ હિંદુરાષ્ટ્રવાદની પરિકલ્પનાનો સવાલ છે તેમ આંબેડકરી અભિગમનોયે સવાલ છે. કંપની બહાદુરની ફતેહમાં મહાર હિસ્સો ખાસ્સો હતો એ કબૂલ; પણ એથી ભીમા કોરેગાંવ મુકાબલો કોઈ પેશવાઈ કહેતાં બ્રાહ્મણશાહી સામે દલિતોના વિજયની (નાતજાતગત ઊંચનીચ અને દમન સામેની) કોઈ મિસાલ નથી બની જતો. બે સામસામી સત્તાઓ અને એમના ભાડૂતી સૈનિકો, શું આરબ કે શું મહાર કે શું બીજા, તે લડ્યા એ સાચું. પણ એટલું જ. અલબત્ત, આંબેડકર પ્રતાપે અંગ્રેજ લશ્કરમાં આગળ જતાં મહાર ટુકડીનો પ્રવેશ અને પ્રતિષ્ઠા શક્ય બન્યાં એ જરૂર નોંધપાત્ર બીના હતી.

પણ ઇતિહાસની વાંકીચૂકી ગલીઓ છતાં એક રાજપથ-જનપથ જરૂર ધ્રોપટ ચાલ્યો આવે છે. અને તે એ કે નાતજાતગત ઊંચનીચ આપણો કેડો મેલતી નથી. ભીમા કોરેગાંવ ઘટના(પછી તો એક કલ્પનકથા)માં હિંદુરાષ્ટ્રવાદ પેશવાઈને નામે ઊનો ઊનો નિસાસો નાખે કે દલિત રાજનીતિ પોતાની પ્રતિષ્ઠા શોધે, એનો મરમ અને માયનો એટલો જ છે કે તમારી ઓળખ બ્રાહ્મણક્ષત્રિય કુંડાળામાં ફરતી હોય કે દલિતને નાતે બધ્ધ હોય ત્યારે ’રાષ્ટ્ર’ બચાડું માર્યું ફરે છે. હિંદુત્વ હિલચાલ કે હિંદુરાષ્ટ્ર આંદોલન જોઈએ ત્યારે એમાં એકસાથે બે વાનાંની પરાણે પ્રીત શી સહોપસ્થિતિ પણ પ્રસંગે જોવા મળે છે. એક બાજુ બધાને એકરંગ કરવાની પ્રક્રિયા (હોમોજિનાઇઝેશન) તો બીજી બાજુ ચોક્કસ પરિબળોની (બહુધા નાતજાતગત) અગ્રતાનો (’હેજેમોની’નો) ઓથાર… નજીકના ઈતિહાસમાં આ સંદર્ભનો ક્લાસિક દાખલો આંબેડકરને ’ફૉલ્સ ગૉડ’ કહેતા અરુણ શૌરી અને એમની આ કિતાબનું જાહેરમાં દહન કરતા ફકીરભાઈ વાઘેલા બેઉ એક સાથે ભા.જ.પ.માં વિલસતા હતા એ છે.

જો કે ’હોમોજિનાઇઝેશન’ અને ’હેજેમોની’ના આ મુકાબલાનો સીધો સંબંધ ઠીકઠીક પ્રમાણમાં રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદની તમારી સમજ સાથે રહેવાનો અને હોવાનો. હિંદુત્વ જેવું સ્ટીમ રોલર કે બુલડોઝર ફરી વળે ત્યારે આવી ઓથારગ્રસ્ત એકરંગતા સામે બીજી ઓળખો (એમને મોકળાશ ન મળે તો) વધુ પડતું માથું પણ ઉંચકે. રાજકારણમાં પણ આવું બનતું હોય છે. ઇંદિરા ગાંધીએ ડેલહાઉસીની ખાલસા પધ્ધતિએ ચાલવાનું શરૂ કર્યું એના જવાબમાં એન.ટી.આર. અને તેલુગુદેશમ આવ્યાં એ નજીકનો જાણીતો ઈતિહાસ છે. મરાઠા ઉઠાવને હિંદુત્વ રાજનીતિ પોતાનો કરે ત્યારે દલિત ઉઠાવનું યે એક લૉજિક બને છે. ગુજરાતમાં તમે જુઓ કે હિંદુત્વ રાજનીતિએ પટેલ ’હેજેમોની’ગત જે હોમોજિનાઇઝેશન શરૂ કર્યું એ આગળ ચાલતાં ઉના સાથે દલિત ઉઠાવરૂપે તો અલ્પેશ ઠાકોરના નેતૃત્વમાં ઓ.બી.સી. ઉઠાવરૂપે આપણી સામે આવ્યું અને એન્ટિ-ક્લાઇમેક્સ તો ખુદ પટેલ ઉઠાવરૂપે બહાર આવી!

અલગ અલગ ઓળખ પરત્વે સમુદારપણે ચાલવાનું વલણ, રાષ્ટ્રની સમજમાં ભાતીગળ મોકળાશનું વલણ એ પ્રજાસત્તાક સ્વરાજરૂપે આપણને આવી મળેલી તક છે. જો તક છે તો કોઈક છેડેથી તકાજો અને તાકીદ પણ છે. આવું એક સમગ્ર ચિત્ર આપણ સૌ સમક્ષ ન રહે તો રાજકારણના ખેલાડીઓ તો મરોડમાસ્તરી અજમાવવાનાઃ ગુજરાતમાં જે હાંફનો અનુભવ થયો (અને દેશમાં તો આખા એકત્રીસ ટકા જ છે) એ જોતાં સત્તાનાં પરિબળો ’પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ’ એ ન્યાયે કોમી સ્પિન આપીને આપણને ક્યાં ય લઈ જઈ શકે. હિંદુત્વ રાજનીતિ કે સૉફ્ટ હિંદુત્વમાં આનો જવાબ નથી. રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદની વ્યાખ્યા એક બંધારણીય અભિગમથી ચાલે અને અરસપરસની માફકસરની ઓળખો સાંકળીસ્વીકારી નાગરિકમાત્રના અધિકારને ધોરણે કાયદાનું શાસન ચાલે એટલે બસ. રાષ્ટ્ર વગેરે રુમાની કલ્પનાઓ એક હદ સુધી ઠીક છે, એક હદ સુધી જ.

જાન્યુઆરી ૬, ૨૦૧૮

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2018; પૃ. 01-02  

Loading

ગુજરાત વિધાનસભામાં દલિત પ્રતિનિધિત્વ

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|18 January 2018

આ વખત(૨૦૧૭)ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો  જોતાં  વિધાનસભાના દલિત પ્રતિનિધિત્વમાં ઘણી નવી બાબતો ઉમેરાઈ હોવાનું જણાય છે. વિધાનસભાની અનુસૂચિત જાતિની ૧૩ અનામત બેઠકોમાં સાત પર ભારતીય જનતા પક્ષ, પાંચ પર કૉંગ્રેસ અને એક પર કૉંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર વિજયી થયા છે. ૨૦૧૨માં ભા.જ.પ.ને ૧૦  બેઠકો મળી હતી. એ જોતાં આ વખતે ભા.જ.પે. ૩ બેઠકો ગુમાવી છે. ૨૦૧૨થી ૨૦૧૭ના ગાળામાં વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી રહેલા રમણલાલ વોરા અને આત્મારામ પરમાર ચૂંટણી હારી ગયા છે તો આ જ ગાળાના બે દલિત સંસદીય સચિવો પૂનમભાઈ મકવાણા અને જેઠાભાઈ સોલંકીને ભા.જ.પે. ટિકિટ આપી નહોતી. તેથી ભા.જ.પ.ના અગ્રણી દલિત નેતાઓ ચૌદમી વિધાનસભામાં જોવા મળશે નહીં.

ગુજરાત વિધાનસભાની ૧૩ અનામત બેઠકો : ગાંધીધામ (જિ. કચ્છ), દસાડા (જિ. સુરેન્દ્રનગર), રાજકોટ ગ્રામ (જિ. રાજકોટ), કાલાવાડ (જિ. જામનગર), કોડીનાર (જિ. જૂનાગઢ), અસારવા (જિ. અમદાવાદ), દાણીલીમડા (જિ. અમદાવાદ), કડી (જિ. મહેસાણા), વડગામ (જિ. બનાસકાંઠા), ઈડર (જિ. સાબરકાંઠા), વડોદરા શહેર (જિ. વડોદરા) અને બારડોલી (જિ. સુરત). ૧૩ અનામત બેઠકો પર ૧૭ રાજકીય પક્ષોના ૬૯ અને ૪૭ અપક્ષો સહિત કુલ ૧૧૬ ઉમેદવારો હતા. તેમાં ૧૪ મહિલા અને ૧૦૨ પુરુષ ઉમેદવારો હતાં. જે ૧૭ રાજકીય પક્ષો અનામત બેઠકો પર ચૂંટણી લડ્યા  તેના નામ : ભારતીય જનતા પક્ષ, ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ, નૅશનાલિસ્ટ કૉંગ્રેસપાર્ટી, બહુજન સમાજ પક્ષ, બહુજન મુક્તિ પાર્ટી, બહુજન સુરક્ષાદળ, બહુજન રિપબ્લિકન સૉશ્યાલિસ્ટ પાર્ટી, રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા, ઑલ ઇન્ડિયા હિંદુસ્તાન કૉંગ્રેસ પાર્ટી, સમાજવાદી પાર્ટી (ચંદ્રશેખર), આમ આદમી પાર્ટી, વ્યવસ્થા-પરિવર્તન પાર્ટી, ગુજરાત જનચેતના પાર્ટી, નવીન ભારત નિર્માણ મંચ, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, આપની સરકાર પાર્ટી અને રાષ્ટ્રીય ક્રાંતિકારી સમાજવાદી પાર્ટી. રાજકીય પક્ષોનાં આ નામો પરથી જણાય છે કે દલિતોના પાંચ પક્ષો આ ચૂંટણી લડ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી પણ મેદાનમાં હતી પણ શિવસેના નહોતી! સૌથી વધુ આઠ પક્ષોના ઉમેદવારો ગાંધીધામ બેઠક પર હતા. સૌથી ઓછા ત્રણ પક્ષોના ઉમેદવારો બારડોલી બેઠક પર હતા. સૌથી વધુ આઠ અપક્ષ ઉમેદવારો રાજકોટ ગ્રામ બેઠક પર અને બારડોલી બેઠક પર એક જ અપક્ષ ઉમેદવાર હતા. રાજકોટ ગ્રામ અને ગાંધીધામ બેઠક પર સૌથી વધુ ૧૪-૧૪ ઉમેદવારો હતા. સૌથી ઓછા પાંચ ઉમેદવારો બારડોલી બેઠક પર હતા. ભારતીય જનતા પક્ષે તમામ ૧૩ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. કૉંગ્રેસે ૧૨ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને વડગામ બેઠક પર અપક્ષ ઉમેદવારનું સમર્થન કર્યું હતું. બહુજનસમાજ પક્ષે કોડીનાર સિવાયની ૧૨ બેઠકો પર ઉમેદવારી કરી હતી.

ભારતીય જનતા પક્ષના સાત વિજેતા ઉમેદવારો છે : પ્રદીપ પરમાર (અસારવા), ઈશ્વર પરમાર (બારડોલી), હિતુ કનોડિયા (ઈડર), લાખાભાઈ સાગઠિયા (રાજકોટગ્રામ), કરશનભાઈ સોલંકી (કડી), માલતી મહેશ્વરી (ગાંધીધામ) અને મનીષા વકીલ (વડોદરા શહેર) કૉંગ્રેસના પાંચ વિજેતા ઉમેદવારો છે : શૈલેષ પરમાર (દાણીલીમડા), નૌશાદ સોલંકી (દસાડા), પ્રવીણ મુસડિયા (કાલાવાડ), મોહનભાઈ વાળા (કોડીનાર), પ્રવીણ મારુ (ગઢડા). વડગામની બેઠક કૉંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીએ જીતી છે.

ગઈ વિધાનસભાના ભા.જ.પ.ના ૧૦ દલિત ધારાસભ્યોમાંથી છને પક્ષે ટિકિટ આપી નહોતી. જે ચારને રિપિટ કર્યા હતા, તેમાંથી માત્ર બે જ જીત્યા છે અને બે હાર્યા છે. કૉંગ્રેસે તેના ત્રણેય ધારાસભ્યોને પુનઃ ઉમેદવારો બનાવ્યા હતા પણ એક જ જીતી શક્યા છે અને બે હાર્યા છે. ચૌદમી ગુજરાત વિધાન સભામાં જે ૧૩ દલિતો ચૂંટાયા છે, તેમાં ૯ પહેલી જ વખત ધારાસભામાં પ્રવેશે તે ખૂબ જ નોંધનીય બાબત છે. ભા.જ.પ.નાં ઈશ્વર પરમાર અને મનીષા વકીલ તથા કૉંગ્રેસના શૈલેષ પરમાર અગાઉની વિધાનસભાના સભ્ય હતાં જ્યારે કૉંગ્રેસના પ્રવીણ મારુ અગિયારમી વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે. બે મહિલાઓ અને બંને ભા.જ.પ.ના, ધારાસભ્ય બન્યાં છે. તેમાંથી એક પ્રથમ વાર ચૂંટાયાં છે. 

૨૦૧૨માં સૌથી વધુ મત મેળવવાનો અને સૌથી મોટી લીડથી ચૂંટણી જીતવાનો ભા.જ.પ.ના વડોદરા શહેરના ઉમેદવાર મનીષા વકીલનો વિક્રમ ૨૦૧૭માં પણ અકબંધ રહ્યો છે. તેમણે ૧,૧૬,૩૬૭ મત મેળવી તેમના હરીફ કૉંગ્રેસના ઉમેદવારને ૫૨,૩૮૩ મતની લીડથી શિકસ્ત આપી છે. તેમના ૨૦૧૨ના મત કરતાં મત અને લીડ બંનેમાં વધારો થયો છે. સૌથી ઓછા મત (૬૯,૪૫૭) કૉંગ્રેસના ગઢડાના ઉમેદવાર પ્રવીણ મારુને મળ્યા છે. જો કે સૌથી ઓછી લીડ(૨૧૭૯)થી ભાજપના રાજકોટ ગ્રામના ઉમેદવાર લાખાભાઈ સાગઠિયા વિજેતા બન્યા છે. ગુજરાતના દલિત – આંદોલનનો ચહેરો બની રાષ્ટ્રીય કક્ષાએ ઊભરેલા જિજ્ઞેશ મેવાણીનો મળેલા મત(૯૫,૪૯૭)માં ચોથો ક્રમ છે. તેઓ ૧૯,૬૯૬ મતની  લીડ સાથે દલિત ઉમેદવારોની લીડમાં સાતમો ક્રમ ધરાવે છે. વડગામ બેઠક પર કૉંગ્રેસને ૨૦૧૨માં મળેલી લીડ ૨૦૧૭માં ઘટી છે.

અનુસૂચિત જાતિની અનામત બેઠકો પર હારેલા ઉમેદવારોમાં સૌથી વધુ મત (૮૯,૯૬૫) રાજકોટ ગ્રામ બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયાને મળ્યા હતા. તે પછીના ક્રમે પણ કૉંગ્રેસના બે ઉમેદવારો છે. કડીના રમેશ ચાવડાને ૮૮,૯૦૫ અને ઈડરના મણિલાલ વાઘેલાને ૮૪,૦૦૨ મત મળ્યા હતા. ભા.જ.પ.ના વડગામના ઉમેદવાર વિજય ચક્રવર્તી ૭૫,૮૦૧ મત સાથે ચોથા ક્રમે રહ્યા છે. તેરમી વિધાનસભાના અધ્યક્ષ, વરિષ્ઠ બી.જે.પી. નેતા અને દસાડાના બી.જે.પી. ઉમેદવાર રમણલાલ વોરા ૭૦,૨૮૧ મત મેળવીને પાંચમા ક્રમે હતા. રૂપાણી મંત્રીમંડળના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી આત્મારામ પરમાર ૬૦,૦૩૩ મત મેળવીને હારેલા ઉમેદવારોમાં સાતમા નંબરે હતા. હારેલા ઉમેદવારોમાં સૌથી ઓછા મત (૩૭,૯૭૪) કૉંગ્રેસના અસારવા બેઠકના કનુભાઈના વાઘેલાના ફાળે ગયા છે. ૨૦૧૨માં અસારવા બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર તમામ ૧૩ અનામત બેઠકોમાં સૌથી તળિયે હતા, તે પરંપરા ૨૦૧૭માં જળવાઈ રહી છે.

૧૩ અનામત બેઠકોમાં સૌથી વધુ પાંચ (૫) બેઠકો (દસાડા, રાજકોટ ગ્રામ, કાલાવાડ, કોડીનાર અને ગઢડા) સૌરાષ્ટ્રમાં આવેલી છે. આ પાંચ(૫)માંથી જ ચાર( ૪) બેઠકો કૉંગ્રેસે મેળવી છે. રાજકોટગ્રામની બેઠક કૉંગ્રેસે બહુ નજીવા માર્જિનથી ગુમાવી છે. એ રીતે ગ્રામીણ સૌરાષ્ટ્રના મતદારોનું  સત્તાધારી બી.જે.પી. વિરોધી વલણ દલિત અનામત બેઠકો પર પણ જોવા મળ્યું છે. ૨૦૧૨માં  આ એકેય બેઠક કૉંગ્રેસ પાસે નહોતી. ઉત્તર ગુજરાતની વડગામ, કડી અને ઈડર પૈકીની બે બેઠકો કૉંગ્રેસ પાસે હતી. પરંતુ કડી બેઠક કૉંગ્રેસે ગુમાવી છે તો વડગામ કૉંગ્રેસ સમર્થિત અપક્ષના ફાળે ગઈ છે. ઉત્તર ગુજરાતના પાટીદારોનો બી.જે.પી. વિરોધી રોષ અનામત બેઠકના કૉંગ્રેસના ઉમેદવારને ફળ્યો નથી. અમદાવાદની બે પૈકી દાણીલીમડા બેઠક કૉંગ્રેસે, તો અસારવા ભા.જ.પે. મેળવી છે. મધ્ય ગુજરાતની વડોદરા શહેર અને દક્ષિણ ગુજરાતની બારડોલી બેઠકો બી.જે.પી.એ જાળવી રાખી છે.

ચૌદમી ગુજરાત વિધાનસભામાં જે દલિત પ્રતિનિધિત્વ જોવા મળશે, તેમાં ઉંમરની દૃષ્ટિએ ગણતરી કરીએ તો સરેરાશ ઉંમર ૪૬.૬ વરસ છે. એટલે એકંદરે યુવાન પ્રતિનિધિત્વ દલિતોને મળ્યું છે. સૌથી મોટી ઉમરના, ૬૦ વરસના, કડીના ભા.જ.પ.ના ધારાસભ્ય કરસનભાઈ સોલંકી છે. જ્યારે સૌથી નાની ઉંમરના, માત્ર ૨૮ વરસનાં, ગાંધીધામનાં માલતી મહેશ્વરી છે. ૪૦થી ઓછી વયના, ૩૭ વરસના, જિજ્ઞેશ મેવાણી છે. ૪૧થી ૪૫ની વયના બે, ૪૬થી ૫૦ના પાંચ અને ૫૦ કરતાં વધુના ત્રણ દલિત ધારાસભ્યો છે. ૧૩ પૈકીના ૧૨ ધારાસભ્યો પરિણિત છે. અડધા કરતાં વધુ, ૧૩માંથી સાત ધારાસભ્યો મતવિસ્તારની બહારના છે. સ્થાનિક ધારાસભ્યોની સંખ્યા છ જ છે. આ ધારાસભ્યોમાં સૌથી ઓછું, ૪ ધોરણ સુધીનું શિક્ષણ મેળવેલા, બી.જે.પી.ના કરસનભાઈ સોલંકી છે. બી.જે.પી.ના લાખાભાઈ સાગઠિયા ધોરણ ૯ સુધી, હાલના સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી ઈશ્વર પરમાર ધો-૧૧ કૉમર્સ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવે છે. ભા.જ.પ.ના બીજા બે ધારાસભ્યો પ્રદીપ પરમાર ન્યૂ એસ.એસ.સી. અને હિતુ કનોડિયાએ એચ.એસ.સી.નો અભ્યાસ કરેલ છે.જ્યારે બંને મહિલા ધારાસભ્યો ઉચ્ચશિક્ષણ મેળવેલાં છે. કૉંગ્રેસના પાંચ અને એક અપક્ષ ઉમેદવાર પણ ઉચ્ચશિક્ષણ મેળવેલા છે. બી.જે.પી.ના પાંચ પુરુષ ધારાસભ્યોનું ઓછું શિક્ષણ ખટકે તેવું છે.

ચૂંટણીપંચ સમક્ષની ૧૩ ધારાસભ્યોની ઉમેદવારી સાથેની ઍફિડેવિટ ચકાસતાં જણાય છે કે લાખાભાઈ સાગઠિયા, મોહનભાઈ વાળા અને  જિજ્ઞેશ મેવાણીએ આવકવેરાનું રિટર્ન ભર્યું ન હોવાનું કે તે બાબત તેમને લાગુ પડતી ન હોવાનું જણાવ્યું છે. કાલાવાડના ધારાસભ્ય પ્રવીણ મુસડિયાએ છેલ્લું ઇન્કમટૅક્ષ રિટર્ન ૨૦૧૩-૧૪નું ભર્યું હોવાનું જણાવ્યું છે. બાકીના ધારાસભ્યોએ ૨૦૧૬-૧૭નું રિટર્ન ફાઇલ કરાવ્યું છે. ઉમેદવારીપત્ર ભરતી વખતે તેમની હાથ પરની સિલકની વિગતો જોઈએ તો દાણીલીમડાના શૈલેષ પરમાર અને દસાડાના નૌશાદ સોલંકી (બંને કૉંગ્રેસ) એ પાંચ-પાંચ  લાખ રૂપિયા કૅસ ઇન હૅન્ડ દર્શાવ્યા છે. સૌથી ઓછી હાથ પરની સિલક મનીષા વકીલે રૂ.૫,૦૦૦/- જણાવી છે. ઍફિડેવિટ મુજબ સૌથી ગરીબ દલિત ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી છે. તેમની કુલ મિલકત માત્ર રૂ. ૧૦.૨૫ લાખ છે, જે તમામ જીવનવીમાની પૉલિસી છે. જો કે જિજ્ઞેશ મેવાણી પાસે હાથ પરની સિલક રૂ.૧,૨૫,૦૦૦/- હતી! જિજ્ઞેશ મેવાણી કરતાં થોડા જ વધુ માલદાર માલતીબહેન મહેશ્વરી છે. તેમની મિલકત ૧૧.૭૬ લાખ છે, પણ હાથ પરની સંયુક્ત સિલક રૂ.૫,૪૦,૬૫૪ છે! ૧૩ દલિત પ્રતિનિધિઓના ધંધારોજગારની વિગતો પણ રસપ્રદ છે. માલતી મહેશ્વરી ગૃહિણી છે, મનીષા વકીલ શાળામાં સુપરવાઇઝરની નોકરી કરે છે, હિતુ કનોડિયા કલાકાર છે, જિજ્ઞેશ મેવાણી ઍડ્‌વોકેટ છે, શૈલેષ પરમાર ખેતી, ગ્રીન લોન અને કંસ્ટ્રક્શન, પ્રદીપ પરમાર વેપાર, નૌશાદ સોલંકી ટેક્‌નિકલ કન્સલ્ટન્ટ, લાખાભાઈ સાગઠિયા ખેતી, પ્રવીણ મારુ ધંધો, કરશન સોલંકી ખેતી અને કન્સ્ટ્રક્શન તો મંત્રી ઈશ્વર પરમાર કાર્ટિંગ અને ખેતીમાંથી આવક મેળવે છે. ૧૩માંથી નવ ધારાસભ્યો વેપાર અને તે પણ બાંધકામ સાથે સંકળાયેલા હોય અને તેરમાંથી એકેય દલિતો પરંપરાગત ધંધો – વ્યવસાય ન કરતા હોય તે નોંધનીય છે.

૪૭ અપક્ષ ઉમેદવારોમાંથી એક માત્ર કૉંગ્રેસ સમર્થિત જિજ્ઞેશ મેવાણી જ વિજયી બની શક્યા છે. બાકીના અપક્ષ ઉમેદવારોની ભૂમિકા ‘વોટ કટવા’થી વિશેષ રહી નથી. કુલ પાંચ દલિતપક્ષો આ ચૂંટણીમાં મેદાને હતા. બહુજન સમાજ પાર્ટીએ ૧૩માંથી ૧૨ બેઠકો પર ઉમેદવારો ખડા કર્યા હતા. આ બારેય ઉમેદવારોના કુલ મત ૨૦,૬૭૭ જ છે, જે સાવ નગણ્ય ગણાય. બી.એસ.પી.ના કોઈ ઉમેદવારને ૩૫૦૦ કરતાં વધુ મત મળ્યા નથી. સૌથી વધુ ૩૩૨૩ મત રાજકોટ ગ્રામના ઉમેદવારને અને સૌથી ઓછા મત ગઢડાના બ.સ.પા. ઉમેદવારને મળ્યા છે. ૧૨ પૈકીની છ બેઠકો પર બ.સ.પા. ત્રીજા ક્રમે, ચાર પર ચોથા ક્રમે, એક પર પાંચમા ક્રમે અને એક પર સાતમા ક્રમે હતી. જો કે ૧૩ બેઠકોમાંથી ૧૦ બેઠકો પર ‘નોટા’ ત્રીજા ક્રમે હોઈ જે ત્રણ શહેરી બેઠકો અસારવા, દાણીલીમડા અને રાજકોટ ગ્રામમાં જ બ.સ.પા. ઉમેદવારો ત્રીજા ક્રમે હતા. આ હકીકત દર્શાવે છે કે માયાવતીની બહુજન સમાજ પાર્ટી ગુજરાતમાં જેટલી ગાજે છે, તેટલો જનાધાર ધરાવતી નથી.

અડધો અડધ મહિલા મતદારો છતાં રાજકીય પક્ષો મહિલાઓને પૂરતી ટિકિટો ફાળવતા નથી. ૧૩ અનામત બેઠકો પર ૧૧૬ ઉમેદવારોમાં માત્ર ૧૪ જ મહિલા ઉમેદવારો હતાં. જેમાં બી.જે.પી.નાં બે, બી.એસ.પી.નાં ચાર, રાષ્ટ્રીય ક્રાંતિકારી સમાજવાદી પાર્ટીનાં એક અને સાત અપક્ષો હતાં. બી.જે.પી.નાં બંને મહિલા ઉમેદવારોની જીત એક સારી નિશાની છે, પરંતુ ૧૩ દલિત ધારાસભ્યોમાં માત્ર બે જ મહિલા ધારાસભ્યો છે, એટલે કે મહિલા પ્રતિનિધિત્વ ૧૫ ટકા જ છે, જે ઘણું ઓછું ગણાય. આશાવર્કર આંદોલનના લડાકુ નેતા ચંદ્રિકા સોલંકીને આ ચૂંટણીમાં માત્ર ૯૭૫ મત મળ્યા, તે દર્શાવે છે કે ચૂંટણીના રાજકારણમાં આંદોલનની મૂડી બહુ ખપ આવતી નથી. વડોદરા શહેરની બેઠક પર ચાર અને ગાંધીધામ બેઠક પર ત્રણ મહિલા ઉમેદવારો હતાં. તેના પરથી જણાય છે કે સૌથી વધુ મહિલા ઉમેદવારોએ મહિલા ઉમેદવારો સામે જ લડવાનું પસંદ કર્યું હતું. આ બાબત પણ ચિંતા ઉપજાવનારી ગણાય. પુરુષ રાજકારણીઓ મહિલાઓને ચૂંટણી જીતી શકવાની ઓછી શક્યતાવાળા ગણાવી ટિકિટ જ ના આપે અને ટિકિટ મળે તો તેણે ‘વોટ કટવા’ મહિલા ઉમેદવારોનો જ સામનો કરવો પડે તે ભારે વિચિત્ર લાગે છે.

૨૦૧૭ની આ ચૂંટણી દલિતોના કોઈ સ્વતંત્ર અને ચોક્કસ મુદ્દે લડાઈ નહોતી કે તે રીતે રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી કરી નહોતી. તેમ છતાં ઉના-આંદોલન પછી ઊભરેલા જિજ્ઞેશ મેવાણીનો વિધાનસભા-પ્રવેશ કે ગઈ વિધાનસભાના ચારેય દલિત મંત્રીઓનું આ વિધાનસભામાં ન હોવું ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ૨૦૧૨માં થાનગઢકાંડ પછી તત્કાલીન સામાજિક ન્યાયમંત્રી ફકીરભાઈ વાઘેલા ચૂંટણી હારે કે ૨૦૧૭માં ઉના કાંડ પછી આ વખતના મંત્રીઓ રમણલાલ વોરા અને આત્મારામ પરમારનો પરાભવ થાય, તે બાબત બી.જે.પી. માટે ખતરાની ઘંટડી સમાન છે.

વિધાનસભાની અનુસૂચિત જાતિની અનામત બેઠકો પર ચૂંટાતા ધારાસભ્યો બંધારણીય રીતે તો દલિત ધારાસભ્યો ગણાય અને તેમણે ધારાગૃહોમાં દલિતોનાં હક-હિતોની રખેવાળી અને પ્રતિનિધિત્વ કરવાનું હોય છે. પરંતુ અનામત બેઠકો પરના દલિત ઉમેદવારોની હારજીત દલિતોના વોટથી નક્કી થતી નથી. આ બેઠકો પરના બિનદલિત મતદારોનું રાજકીય વલણ જ તેમની હારજીત નક્કી કરે છે. એટલે ચૂંટાવા માટે દલિત ઉમેદવાર બિનદલિત મતદારો પર આધાર રાખતો હોય અને ચૂંટાયા પછી તે દલિત પ્રતિનિધિ બની દલિતોનાં અધિકારો કે હિતોની હિફાજત કરતો રહે તે ભૂમિકા દલિત ધારાસભ્યો નિભાવી શકતા નથી. અનામત બેઠકો પર દલિત મતદારો કરતાં બે, ત્રણ કે ચાર ગણાં મત મેળવી તે જીતે છે. આ હકીકત સ્પષ્ટ કરે છે કે તેના માટે માત્ર દલિત મતોથી જીતવું શક્ય નથી. વિધાનસભામાં દલિતોનું પ્રતિનિધિત્વ કોણ કરશે તે દલિતોના નહીં, બિનદલિતોના વોટથી પણ નક્કી થાય છે. એટલે જ દલિતોના ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ માત્ર દલિતોના પ્રશ્નોને જ અગ્રતા આપે અને બિનદલિત મતદારોના પ્રશ્નોને ઓછી અગ્રતા આપે તેવું બનતું નથી. તેમણે ચૂંટણી જીતવા માટે દલિતોના પ્રશ્નોને તડકે મૂકવા પડે છે અને બિનદલિત મતદારને વધારે મહત્ત્વ આપવું પડે છે કે તેઓ જરા ય નારાજ ન થાય તેની કાળજી લેવી પડે છે. વક્રતા એ પણ છે કે દલિત ધારાસભ્યને પ્રધાન મંડળમાં દલિતોના સમાજકલ્યાણના વિભાગનો જ મંત્રી બનાવાય છે અને દલિત ધારાસભ્યને વિધાનસભામાં માત્ર દલિત મુદ્દા પર બોલવાનું મળે છે! આ તમામ બાબતો જોતાં દલિતોનું આ પ્રતિનિધિત્વ કેવું બોદું હોય છે, તે સમજાય છે.

૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીની એક ઊજળી કોર તે કૉંગ્રેસના દલિત ઉમેદવાર નરેન્દ્ર રાવતની વડોદરા સયાજીગંજની સામાન્ય બેઠક પર ઉમેદવારી છે. સામાન્ય રીતે દલિત ઉમેદવાર અનામત બેઠક પર ઉમેદવારી કરતો હોય છે. (જિજ્ઞેશ મેવાણી પણ અપવાદ નથી !) મુખ્ય ધારાના અને મોટા રાજકીય પક્ષો પણ દલિતને કદી સામાન્ય બેઠક પર ઉમેદવારી કરવા પસંદ કરતા નથી. ગુજરાત રાજ્યની રચના પછી પહેલી વાર એવું બન્યું છે કે ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે એક દલિત ઉમેદવારને વડોદરા શહેરની સયાજીગંજની સામાન્ય બેઠક પર ઉમેદવાર તરીકે પસંદ કર્યા. નરેન્દ્ર રાવત માટે પણ વડોદરાની અનામત બેઠક સરળ અને સહજ ઉપલબ્ધ હતી, છતાં તેમણે સામાન્ય બેઠક પરથી ઉમેદવારી કરવી પસંદ કરી. આ ચીલો ચાતરતી ઘટના માટે કૉંગ્રેસ અને નરેન્દ્ર રાવત બેઉ અભિનંદનના અધિકારી છે. જો કે અહીં ખરી કસોટી મતદારની હતી અને કહેવું જોઈએ કે જાતિ-કોમ-ધર્મમાં રમમાણ મતદારે નરેન્દ્ર રાવતને પસંદ ન કર્યા. વડોદરાની તમામ પાંચ બેઠકો પર કૉંગ્રેસી ઉમેદવારોને મળેલા મતમાં નરેન્દ્ર રાવતને સૌથી ઓછા મત મળ્યા છે. એટલું જ નહીં વડોદરા શહેરની અનામત બેઠક પરના કૉંગ્રેસી ઉમેદવારને મળ્યા છે તેના કરતાં સયાજીગંજના કૉંગ્રેસી ઉમેદવારના મત ઘણા ઓછા છે. કૉંગ્રેસને વડોદરા સિટીની અનામત બેઠક પર ૬૩,૯૮૪, રાવપુરામાં ૭૦,૩૩૫, માંજલપુરમાં ૪૮,૬૭૪ અકોટામાં ૫૨,૧૦૫ મત મળ્યા છે જ્યારે સયાજીગંજમાં કૉંગ્રેસને ૪૦,૮૨૫ મત મળ્યા છે. સયાજીગંજ બેઠકના રાષ્ટ્રીય સમાજ પક્ષના રાજેશ આયરેને ૪૦,૬૬૫ મત મળ્યા તે દર્શાવે છે કે સયાજીગંજ બેઠકના જે મતદારો બી.જે.પી.ને મત આપવા નહોતા માંગતા તે કૉંગ્રેસના દલિત ઉમેદવારને બદલે વિકલ્પ તરીકે ઓછા જાણીતા પક્ષ અને ઉમેદવારને મત આપે છે. આ સઘળી હકીકતો મતદાર તરીકેના ઘડતરની સાથે-સાથે દલિતોએ કહેવાતી મુખ્ય ધારામાં ભળવા હજુ કેટલી લાંબી મજલ કાપવાની છે અને ત્યાં સુધી સામાન્ય મતદાર પર આશ્રિત દલિત પ્રતિનિધિત્વ નિભાવવાનું છે તે દર્શાવે છે.

દ્વિધાયુક્ત દલિત ધારાસભ્યો વિધાનસભામાં અને બહાર દલિતોના સવાલો માટે કેવી ભૂમિકા લેશે તે જોવાનું રહે છે. જિજ્ઞેશ મેવાણીએ ચૂંટાયા પછી તુરત જ એમના હંમેશના આક્રોશ અને અધીરાઈ સાથે કામનો આરંભ કરી દીધો છે. પણ બાકીના તો કદાચ સન્માનો અને હારતોરામાં જ વ્યસ્ત જણાય છે. દલિતોના સવાલો ચૂંટણી, પ્રતિનિધિત્વ અને રાજકીય અનામતનું રાજકારણ કેટલું ઉકેલી શકશે, તે સવાલ ફણા મારતો ઊભો છે.

E-mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2018; પૃ. 03-05

Loading

...102030...3,1923,1933,1943,195...3,2003,2103,220...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved