Opinion Magazine
Number of visits: 9664639
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અંતરમાં અજવાળું પડ્યું 

દિલખુશ દિવાનજી|Gandhiana|19 April 2025

ભાઈ નટેશન ગાંધીજીના મિત્ર હતા. ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી હિંદ આવી ગાંધીજી મદ્રાસ એમને મળવા ગયા હતા. થંબુ ચેટ્ટી સ્ટ્રીટમાં નટેશન રહેતા હતા. બાપુજી સાથે એક હરિજન છોકરો હતો. એનું નામ નાઈકર. નટેશનનાં માતુશ્રી રૂઢિચુસ્ત હતાં. હરિજનો સાથે આભડછેટ રાખતાં. નાઈકરને બાપુ ઘરમાં લાવ્યા કે ખળભળાટ થયો. 

 નટેશન અસ્પૃશ્યતાની વિરુદ્ધ હતા. બે વર્ષ પહેલા સંમેલનના પ્રમુખ તરીકે એનો સખત વિરોધ કરેલો. બાપુ આ જાણતા હતા. એટલે જ કદાચ આ હરિજન છોકરાને એમના ઘરમાં લાવતા અચકાયા ન હતા.

પરંતુ ભાઈ નટેશન તો મૂંઝાયા. એમના પૂજ્ય માતુશ્રીની લાગણીનું શું? ગાંધીજી સમજી ગયા પરંતુ તેઓ પણ શું કરે? વિચારમાં પડ્યા. હરિજન છોકરાને તો કેમ દૂર કરાય? અને નટેશનના માતુશ્રીને ક્યાં સુધી દુભવવાં?

ત્યાં નાઈકર માંદો પડ્યો. ગાંધીજી તો એ છોકરાની સારવારમાં જ રોકાઈ ગયા. વારંવાર એની પથારી પાસે જાય, ત્યાં બેસે. પ્રેમથી સેવા કરે. બધી જ કાળજી રાખે.

જનાબ હસન અને જી.એ. નટેશનની સાથે બા અને બાપુ

ગાંધીજી જેવા મહાન નેતા એક હરિજન છોકરાની આટલી કાળજીભરી સેવા કરી રહ્યા છે એ દૃશ્ય જ નટેશનનાં માતુશ્રી માટે પાવનકારી નીવડયું. નટેશનનાં માતુશ્રીને હરિજન છોકરાને અપનાવે એ માટે ગાંધીજીએ કશી દલીલ કરવી જ ન પડી. આ શાંત પ્રેમાળ સેવાકાર્યનો ઊંડો પ્રભાવ પડ્યો. નટેશનનાં માતુશ્રીના અંતરમાં અજવાળું પડવા માંડ્યું. એમની અકળામણ શમવા લાગી. મૂંઝવણ ઘટવા માંડી . સ્વીકારવૃત્તિ કેળવાતી ગઈ.

બાપુ આ બધું ધ્યાનપૂર્વક જોઈ રહ્યા હતા. 

બાપુજીનું કામ પૂરું થતાં મદ્રાસ છોડી ચાલ્યા ગયા. નટેશન સાથે પત્રવ્યવહાર તો થતો જ રહ્યો. એક પત્રમાં બાપુએ લખ્યું :

“તમે તો સમજી શક્યા હશો કે તમારાં ધર્મનિષ્ઠ માતુશ્રી હરિજન નાઈકર સાથે કેવો ઉમદા વ્યવહાર રાખતાં થઈ ગયાં હતાં. માતુશ્રીને સમજાવી શકવાની તમારી શક્તિમાં તમારી શ્રદ્ધા વિષે તમે તો સાશંક હતા. આપણે બધા જ સુધારકો આવા જ ભ્રમમાં રહીએ છીએ. આપણા ઘરથી શરૂઆત કરતા જ નથી; અને પછી બાજી હાથમાંથી ચાલી જાય છે.”

બાપુ આવા હતા. એમના વિચારોનો એમને પૂરો આગ્રહ હતો છતાં બીજાને જીતી લેવાની એમની કેવી અનોખી રીત! પ્રેમ અને સેવા એમના જીવનમાં ઓતપ્રોત થયા હતા. અને એ જ એમને બધે જીતાડતા.

19 ઍપ્રિલ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 289

Loading

ગાઝામાં મા ક્યારે ય સૂતી નથી

ને’મા હસન [અનુવાદ : રૂપાલી બર્ક]|Poetry|18 April 2025

કવિયિત્રીઃ ને’મા હસનના મૂળ અરબી પરથી અંગ્રેજી અનુવાદઃ મોસાબ અબૂ તોહા અને તે પરથી ગુજરાતી અનુવાદઃ રૂપાલી બર્ક

અંધકારને એ સાંભળે છે,
એની કિનારીઓ શોધે છે અને ધ્વનિઓની છણાવટ કરે છે –
એક એક ધ્વનિ કરીને –
જેથી એના સંતાનોને સુવાડવા
ઉચિત વાર્તા પસંદ કરી શકે.

સંતાનો પોઢી ગયા બાદ
એ ઊભી રહે છે મૃત્યુ સામે
એમની ઢાલ બનીને.

ગાઝામાં મા રડતી નથી.
પોતાના ફેફસાંમાં ડર, ગુસ્સો, અને પ્રાર્થના ભરી લે છે,
યુદ્ધના હવાઈ જહાજોની ઘરેરાટી શમવા લાગે છે,
પછી શ્વાસ છોડે છે.

ગાઝામાં મા બીજી માઓ જેવી નથી હોતી.
પોતાની આંખોના નમકથી બ્રૅડ બનાવે છે.
વતનને એનાં સંતાનોનો ભોગ ધરાવે છે.


(Photo Courtesy: Ahmedabad Mirror, April 18, 2025)

 e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

સ્ત્રીને પોતાની ઈચ્છા મુજબ જીવવાની મોકળાશ કેમ નહીં?

સોનલ પરીખ|Opinion - Opinion|18 April 2025

પોતાની ઓળખ મેળવવાનો માર્ગ મોટેભાગે અઘરો હોય છે, પણ ઓળખ પ્રાપ્ત થાય ત્યારે સમજાય છે કે એને મેળવવા માટે જે કરીએ, જે સહીએ તેનો એક અર્થ હોય છે, એક અનિવાર્યતા હોય છે. કોઈપણ સંબંધ બંધનરૂપ ન હોય ત્યારે જ તેનું સાચું સૌંદર્ય, સાચું સાર્થક્ય પ્રગટે છે …  

આંતરરાષ્ટ્રીય મહિલા દિન થોડા દિવસ પહેલા ગયો. આ વર્ષનો મહિલા દિન પચાસમો હતો. શું છે અડધી સદીની પ્રાપ્તિ? સ્ત્રીઓ આગળ આવી રહી છે એમાં શંકા નથી, પણ આજે પણ ભારત જેવા દેશમાં કૌટુંબિક વાતાવરણ, દીકરા-દીકરી વચ્ચેનો ભેદભાવ, બોજારૂપ લાગતું સ્ત્રીનું અસ્તિત્વ અને સ્ત્રીને જોવાનું આપણું દૃષ્ટિબિંદુ ખાસ બદલાયું નથી. દેશ સ્વતંત્ર છે, લોકશાહી પદ્ધતિ પ્રમાણે ચાલે છે, પણ સ્ત્રી પોતાના માટે ખૂલીને શ્વાસ લઈ શકે તેવું હવામાન હજી સાર્વત્રિક બન્યું નથી એ સ્વીકારવું પડે. 

20 માર્ચે આંતરરાષ્ટ્રીય ‘હેપીનેસ ડે’ છે. હેપીનેસ એટલે કે સુખ અને આનંદની વ્યાખ્યા શી? આમ તો કોઈ પણ વ્યક્તિ સંદર્ભે – પણ આજે જે પુસ્તકની, જે નવલકથાની વાત કરવી છે એના અનુસંધાનમાં સ્ત્રી સંદર્ભે – હેપીનેસનો અર્થ સ્વેચ્છાએ જીવન વિતાવવાની મોકળાશ એવો ચોક્કસ કરી શકાય. આ નવલકથાનું નામ જ ‘સ્વેચ્છા’ છે. તેલુગુ લેખિકા પી. લલિતાકુમારી એનાં લેખિકા છે. જાણીતાં લેખિકા અને વક્તા મીનળ દવેએ તેનો સુંદર ગુજરાતી અનુવાદ કર્યો છે. અરુણોદય પ્રકાશને એ પ્રગટ કર્યો છે અને ચાર વર્ષમાં તેની ત્રણ આવૃત્તિ થઈ છે. 

પોપુરી લલિતા કુમારી ‘વોલ્ગા’

74 વર્ષનાં તેલુગુ લેખિકા પી. લલિતાકુમારી ‘વોલ્ગા’ તખલ્લુસથી લખે છે. સુંદર કારકિર્દી ધરાવે છે અને પુસ્તકો અને સન્માનોની ખાસ્સી મોટી યાદી એમના નામે બોલે છે. જેમાં ‘સ્વેચ્છા’ને મળેલા બે ઍવોર્ડ અને ‘વિમુકતા’ને મળેલો સાહિત્ય અકાદમી ઍવોર્ડ સામેલ છે. તેલુગુ ભાષાના વાચકોને પશ્ચિમી નારીવાદીઓ, તેમનું આંદોલન અને નારીવાદના પહેલા-બીજા મોજાનો નો પહેલો પરિચય વોલ્ગા દ્વારા મળ્યો છે. તેઓ પોતાના નારીવાદી લખાણોથી પ્રસિદ્ધ છે જેમાં સ્ત્રીને એક મુક્ત આત્મા તરીકેની વાસ્તવિક ઓળખ મળે તેવો આગ્રહ દેખાય છે. ‘સ્વેચ્છા’ 1987માં લખાયેલી તેમની બીજી નવલકથા છે, જેમાં લગ્ન સ્ત્રીને માટે કેવું બંધનરૂપ બની જાય છે તેની વાત છે. 

‘સ્વેચ્છા’ની નાયિકા અરુણા ઘણા બધા પારિવારિક બંધનો વચ્ચે મોટી થઈ છે અને એમ.એ. સુધી માત્ર એ કારણે ભણી શકી છે કે તેના પિતા પાસે તેનાં લગ્ન કરાવવાના પૈસા નથી. અરુણા પ્રકાશમ્‌ને ચાહે છે. તેની સાથે લગ્ન કરે છે ત્યારે પોતાને સ્વતંત્રતા મળશે એવો તેને વિશ્વાસ છે. જો કે તેની સખી ઉમા કહે છે કે લગ્ન પછી પ્રકાશમ્‌ એકલો જ એટલાં બંધન મૂકશે જે તારો આખો પરિવાર અત્યારે મૂકી રહ્યો છે. 

અરુણાને નોકરી મળે છે, બંને લગ્ન કરે છે. પાંચેક વર્ષ સુધી માતૃત્વ ન ઇચ્છતી અરુણા ત્રીજા મહિને જ સગર્ભા બને છે ત્યારે એને સમજાઈ જાય છે કે દેહ ભલે પોતાનો હોય, એની માલિકી પ્રકાશમ્‌ની છે. સ્વેચ્છા પર પ્રહાર થવાની શરૂઆત અહીંથી જ થઈ જાય છે. પોતાનાથી સ્વતંત્ર એવી કોઈ ઈચ્છા કે કોઈ પ્રવૃત્તિ અરુણાને હોય તે પ્રકાશમ્‌ને પસંદ નથી. પણ પુસ્તકો વાંચતી, આસપાસની દુનિયા જોતી અને સામાયિક માટે કામ કરતી અરુણાનો પ્રાણ એવાં સાંકડા વર્તુળમાં રૂંધાય છે. આર્થિક શોષણનો ભોગ બનતી સ્ત્રી-કામદારો, બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓ, શરીર વેચતી સ્ત્રીઓ, બંધનોમાં જીવતી વિદ્યાર્થિનીઓ, પુત્ર દ્વારા જાકારો પામતી વૃદ્ધાઓ – આ બધાને જોઈને તેને પ્રતીતિ થતી જાય છે કે કોઈપણ સ્ત્રી, કોઈપણ ઉંમરે પોતાની મરજી મુજબ જીવવાની સ્વતંત્રતા ધરાવતી નથી. સમાજની સમસ્યાઓ માટે સામયિક કાઢતા પુરુષો પણ તેમની પત્નીની સંવેદનાની ઉપેક્ષા કરે છે. આ પુરુષો અરુણાનો પણ એમના સાધન તરીકે ઉપયોગ કરે છે એ સમજાતાં અરુણ સામયિક છોડી દે છે. 

અરુણા પોતાને ગાંઠતી નથી એ જોઈ પ્રકાશમ્‌ તેને પત્નીધર્મ અથવા બહારનું કામ એ બેમાંથી એક પસંદ કરી લેવાનું કહે છે. અરુણા ઘર છોડે છે, પણ માત્ર સ્વેચ્છાએ જીવન જીવી શકાય એટલા માટે નહીં. તેને સમજાયું છે કે સ્વેચ્છાએ જીવવાનો કોઈ હેતુ હોવો જોઈએ, તો જ અસ્તિત્વનું સાર્થક્ય અનુભવાય. માર્ગ કપરો છે પણ સાચો છે એવી પ્રતીતિ સાથે નવલકથા પૂરી થાય છે. 

નવલકથા નાની છે, પણ એમાં લગ્નમાં શારીરિક બળજબરીથી માંડીને લગ્ન વગરના સહજીવનની અંગત સમસ્યાઓ અને સાથે સ્ત્રીને થતાં સામાજિક અન્યાયો અને બેવડાં ધોરણો સુધીની સ્ત્રીજીવનની ઘણીબધી સમસ્યાઓ ઘટનાઓનો ભાર ન લાગે એવી રીતે, નજાકતથી વણાઈ ગઈ છે. પાત્રો વિલન કહેવાય એવાં નહીં, પણ પરંપરા અને સંકીર્ણતાઓથી ઘેરાયેલાં હોય તેવાં વધારે છે. 

નવલકથા લખાયાને પોણાચાર દાયકા જેટલો સમય થયો છે. કદાચ આજે આ વિષય એટલો નવો ન લાગે, પણ સ્થિતિ તો હજી બદલાઈ નથી. સ્વતંત્ર નાગરિક તરીકે સહજ મોકળાશથી જીવી શકાય, વિકસી શકાય એવું વાતાવરણ આજે પણ સ્ત્રીને મળ્યું નથી.  

વોલ્ગાની ‘વિમુક્તા’ નામની નવલકથાને 2015નો સાહિત્ય અકાદમી ઍવોર્ડ મળ્યો હતો. આ નવલકથાનો ‘લિબરેશન ઓફ સીતા’ નામથી અનુવાદ, એમણે પોતે જ કર્યો છે. તેમાં રામાયણનાં જાણીતાં પાત્રો સુર્પણખા, અહલ્યા, ઊર્મિલા અને રેણુકા પોતપોતાનાં વીતકો અને એને લીધે લાધેલી સમજણ લઈને સીતાને મળે છે. વિશ્રવા મુનિ અને કૈકસી રાક્ષસીની દીકરી સુર્પણખા એટલે રાવણની સગી બહેન. એ વિદ્યુતજિહ્વા નામના દાનવને પરણી એથી રાવણ બંનેને મારવા તૈયાર થયો. દાનવને તો તેણે મારી નાખ્યો, પણ મંદોદરીના કહેવાથી સુર્પણખાને છોડી દીધી. રામ અને લક્ષ્મણે એને એકબીજા તરફ ધકેલી અને રૂપ છીનવી લીધું. અહલ્યા ગૌતમ ઋષિની પત્ની. ખૂબ સુંદર. ઇન્દ્ર ગૌતમનું રૂપ લઈને આવ્યો અને સંબંધ બાંધ્યો. ગૌતમે અહલ્યાને પત્થર બની જવાનો શાપ આપ્યો. રામના ચરણસ્પર્શ કર્યા પછી તે પોતાનું માનવસ્વરૂપ પાછું મેળવે છે. નાગલક્ષ્મીનો અવતાર ઊર્મિલા લક્ષ્મણની પત્ની હતી. કોઈ અપરાધ વગર, પતિના આદર્શને કારણે તેને  જીવનના 14 શ્રેષ્ઠ વર્ષો પતિની પ્રતીક્ષામાં એકલા ગાળવા પડે છે. અને રેણુકા જમદગ્નિની પત્ની. એક વાર નદીએ નહાવા ગઈ અને ઘેર આવતાં મોડું થયું તો ઋષિએ ક્રોધમાં પુત્રોને એનું માથું કાપી નાખવા આજ્ઞા આપી. બીજા પુત્રો ખંચાયા પણ પરશુરામે ભાઈઓનાં માથાં સહિત માતાનું માથું કાપી નાખ્યું. પિતાએ પ્રસન્ન થઈ વરદાન આપ્યું, ત્યારે તેણે ભાઈઓ અને માતાને સજીવન કરવાનું માગ્યું. 

આ સ્ત્રીઓ સાથેની વાતો, રામ દ્વારા પરિત્યક્ત થયેલી સીતાને સ્વ-ઓળખની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. હવે વારો રામનો છે. આદર્શ રાજા અને પ્રેમી પતિ વચ્ચે એમણે પણ પોતાની ભૂમિકા શોધવાની છે. 

‘સ્વેચ્છા’નો પ્રાણ અરુણાનું પાત્ર છે. અરુણાને પહેલા તો ઈચ્છા પ્રમાણે હરવુંફરવું એટલું જ જોઈતું હતું. પણ એનાં વ્યક્તિત્વની પરતો ધીરે ધીરે ખૂલતી ગઈ. તે ફક્ત ગૃહિણી કે અધ્યાપક રહેવાને બદલે બીજાની વેદનામાં ભાગીદાર બની અને એ દ્વારા પોતાની ઓળખને પામી. આ રૂપાંતરને વોલ્ગાએ જેટલી સહજતાથી અને વાચાળ બન્યા વિના દર્શાવ્યું છે, મીનળબહેને એ જ સહજતા, એ જ શાંત મક્કમતા અનુવાદમાં દર્શાવી છે. બંને સ્ત્રીઓ છે, સર્જક છે, અરુણાને થયા તેવા અનુભવોથી પરિચિત છે. કથાવસ્તુ એવી રીતે ઊઘડતું આવે છે કે વાચકો પણ પોતાના જીવનના કોઈ ને કોઈ પાસાનો પરિચય પામે. અનુભૂતિનું આ સ્તર જ તો સર્જનાત્મક સાહિત્યની કસોટી છે. અઘરી બાબતને સ્તર સાથે કોઈ સમાધાન કર્યા વિના સરળ બનાવી શકે એ સર્જનાત્મકતા સાચી. પોતાની ઓળખ મેળવવાનો માર્ગ મોટેભાગે અઘરો હોય છે, પણ ઓળખ પ્રાપ્ત થાય ત્યારે સમજાય છે કે એને મેળવવા માટે જે કરીએ, જે સહીએ તેનો એક અર્થ હોય છે, એક અનિવાર્યતા હોય છે. સ્ત્રીને પતિ સિવાયનું પણ એક વિશ્વ ન હોઈ શકે? માતૃત્વ સિવાયનો પણ જીવનનો ઉચ્ચ અર્થ હોઈ ન શકે? આ પ્રશ્ન દરેક સ્ત્રીએ પોતાને પૂછી લેવા જેવો છે, કેમ કે કોઈપણ સંબંધ બંધનરૂપ ન હોય ત્યારે જ તેનું સાચું સૌંદર્ય, સાચું સાર્થક્ય પ્રગટે છે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 16 માર્ચ  2025

Loading

...102030...315316317318...330340350...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved