Opinion Magazine
Number of visits: 9686684
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મજબૂત પથ્થર ઘસવામાં જીવલેણ સિલિકોસીસનો ભોગ બનતાં ગુજરાતના મજબૂર મજૂરોનાં વીતક

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|11 May 2018

સિલિકોસિસ પીડિતો માટે વડોદરાના જગદીશ પટેલ અને સાથીઓએ મોટું કામ કર્યું છે

બાંધકામ મજૂરો કામની જગ્યાએ પટકાઈને, ચગદાઈને કે દટાઈને મૃત્યુ પામે છે. કારખાનામાં આગ, વિસ્ફોટ કે ઝેરી વાયુથી કામદારો મોતને ભેટે છે. સફાઈ કામદારોને ગટરમાં ગૂંગળાવાથી મોત આવે છે. આ બધાંનાં મોત લોકોની નજરે પડે છે કારણ કે તે તત્કાળ અને લોહિયાળ હોવાથી માધ્યમોમાં ચમકે છે. પણ દુનિયામાં એવા લાખો મજૂરો છે કે જેમનાં મોત તેઓ જે કામ કરે છે તેને કારણે થતાં રોગથી થાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન ઇન્ટરનૅશનલ લેબર ઑર્ગનાઇઝેશન(આઇ.એલે.ઓ.)ના ૨૦૧૫ના આંકડા મુજબ વીસેક લાખ મજૂર સ્ત્રી-પુરુષો મજૂરીમાંથી ઉદભવતા જીવલેણ રોગોને કારણે મૃત્યુ પામે છે. આ રોગો રસાયણો, વાયુઓ અને જંતુઓનાં ચેપને કારણે, તો કેટલાક ઝેરી ધાતુઓના સંપર્કને થાય છે. જેમાં રજકણ હોય તેવી સામગ્રીમાં કામ કરવાથી ફેફસાંના જે અનેક રોગ થાય છે તેમાં સિલિકોસીસ સહુથી વધુ વ્યાપક છે. પથ્થરોને ઘસવા, તોડવા, ખાંડવા અને દળવાથી જે રજકણો કે ધૂળ પેદા થાય છે તે ફેફસાંમાં જવાથી સિલિકોસીસ થાય છે. તેનો કોઈ ચોક્કસ ઇલાજ નથી. રોગની શરૂઆતમાં ભૂખ ઓછી થાય છે અને ખાંસી આવે છે. ધીમે ધીમે નબળાઈ આવે છે, રોગપ્રતિકારક શક્તિ ખતમ થતી જાય છે, સારવારનાં આઠ-દસ વર્ષનાં ખર્ચ તેમ જ બેકારી  બાદ મજૂર મોતને ભેટે છે.

ભારતમાં જે જગ્યાઓ પરનાં મજૂરોમાં આ રોગ જોવા મળતો હોય તેની યાદી લાંબી છે : કર્ણાટકમાં સોનું, બિહારમાં અબરખ અને રાજસ્થાનમાં સૅન્ડસ્ટોનની ખાણો; પશ્ચિમ બંગાળમાં સિરામિક, પૉન્ડિચેરીમાં કાચ, ઓરિસ્સામાં રિફ્રેક્ટરિ ઈંટોનાં કારખાનાં; મધ્યપ્રદેશમાં મંદસૌરના સ્લેટ-પેન, ઉત્તરપ્રદેશમાં કાચની બંગડીઓ અને ફતેપુર સિક્રિ, પતિયાલા અને આંધ્રમાં પથ્થરને લગતા ઉદ્યોગો. ગુજરાતમાં પણ અનેક જગ્યાઓ પરના કામદારો સિલિકોસિસનો ભોગ બને છે. તેમાં છે વડોદરામાં કાચનું ઉત્પાદન તેમ જ ગોધરા-બાલાસિનોરના પથ્થર દળવાનાં કારખાનાં, ખંભાતમાં અકીકના પથ્થર ઘસવાનાં એકમો, જૂનાગઢની ફાઉન્ડ્રી સૅન્ડ બ્લાસ્ટિંગનાં ક્ષેત્રો, મોરબી અને સુરેન્દ્રનગરની સિરામિકની ફૅક્ટરીઓ. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ૧૯૯૯ના અહેવાલ મુજબ ભારતમાં ત્રીસ લાખથી વધુ શ્રમજીવીઓ આ રોગથી પીડાતા હતા. 

બે દાયકા પહેલાંના આ આંકડામાં થયેલા વધારા-ઘટાડાના અભ્યાસો હોય કે ન હોય, પણ ગુજરાતના સિલિકોસિસ પીડિતોની પરિસ્થિતિનું અત્યંત મહત્ત્વનું દસ્તાવેજીકરણ વડોદરાની પીપલ્સ ટ્રેઇનિન્ગ એન્ડ રિસર્ચ સેન્ટર (પી.ટી.આર.સી.) સંસ્થા પાસેથી ગયાં પાંત્રીસેક વર્ષમાં સમયાંતરે પ્રકાશનો થકી  મળતું  રહ્યું છે. તેમાં સહુથી નવું પ્રકાશન ‘આપ ક્યું રોએ…’ તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું. સિલિકોસિસ પીડિત કુટુંબોની વ્યથાને વાચા આપતી રૂબરૂ મુલાકાત આધારિત સંવેદનકથાઓનું આ પુસ્તકમાં કામદાર સમૂહ માટે આસ્થા ધરાવનારે જ નહીં દરેકે વાંચવા જરૂરી છે. તેમાં ખંભાત અને ઝાલોદ પંથકમાં પથ્થર ઘસવાનાં કામ કરતાં કરતાં સિલિકોસીસથી પાયમાલ થતા પરિવારોની દરદભરી કથની તેમાંથી એક વ્યક્તિની સાથે પ્રત્યક્ષ વાતચીતને આધારે નામ બદલીને વર્ણવવામાં આવી છે.

આ બધા લોકો જમીન, પૈસો, હુન્નર અને ભણતરને અભાવે ઘિસાઈના કામોમાં સબડે છે. અહીં ચોંત્રીસ કુટુંબોમાંથી દરેકનાં કષ્ટ અને કંગાલિતયતની વિગતો અલગ છે, પણ આખરે વાત તો જિંદગીઓ નાશ પામે તેની છે. એમાં પચીસેક સ્ત્રીઓ સિલિકોસિસમાં પતિને ગુમાવીને  સંતાનોનો, કેટલીક વાર તો મોટાં કુટુંબનો ભાર વેંઢારે છે. કેટલાક કિસ્સામાં એ જે ઘરમાં પરણીને આવે છે તેમાં પૂર્વે મહિલાઓ સહિત એકથી વધુ લોકો ઘિસાઈ કામમાં મરી ચૂકેલાં હોય છે, જેની તેને લગ્ન વખતે જાણ કરવામાં આવતી નથી. ક્યારેક તે ઘરમાં આવ્યાં પછી થોડાં થોડાં વર્ષેને અંતે પતિ સહિત ઘરનાં માણસોનાં મોત જુએ છે. ક્વચિત આપબળે પતિને પથ્થરના કામમાંથી કેટલોક સમય દૂર રાખી શકે છે, તો કેટલોક સમય તેને દરદમાંથી ઊગારી શકે છે, પણ ટૂંકા ગાળા માટે જ.

પુરુષોની બદદાનતથી ખુદ બચવાનું અને બાપવિહોણી દીકરીઓને બચાવવાની. એક જ ઘરમાં સાસુ, વહુ અને દીકરી ત્રણેય સિલિકોસિસને લીધે  વિધવા બન્યાં હોય તેવું, અને બબ્બે વાર વૈધવ્ય આવ્યું હોય એવાં પણ કુટુંબો છે. વિધવાઓને સગાંનો આશરો જાણે વૈતરું અને અપમાન સહન કરવાની શરતે જ મળે છે. સિલિકોસિસથી પીડાતા માણસોના બધાં જ કુટુંબોમાં ખુશી તો છોડો, બે ટંક ખાવાનાં પણ સાંસા છે, કારણ કે મોટા ભાગની આવક સારવારમાં વપરાઈ જાય છે. શેઠ પાસેથી ઉપાડ કરવો પડે છે અને તેને ચૂકતે કરવામાં મહિનાઓની મજૂરી જતી રહે છે. લાકડાં ફાડવા, એક ડોલે એક રૂપિયાના દરે દૂરથી પાણી ભરી લાવવું, ઘરકામ, સિવણ, છૂટક મજૂરી જેવાંમાં અકીક કે પથ્થર જેટલા પૈસા મળતા નથી એટલે નાછૂટકે એના તરફ વળવું પડે છે.

ભણનારને મોંમાં ધાન, ડિલે કપડાં, પગમાં ચપ્પલ, આંખે ચશ્માં, વાંચવા માટે જૂની ચોપડી, લખવા માટે ચોપડા જેવી દરેક ચીજ માટે ઓશિયાળા થતાં રહેવું પડે છે, અને છતાં ભણતર તો છૂટી જ જાય છે. આવી અનેક પીડાકથાઓ રૂબરૂ મુલાકાત દ્વારા નોંધીને એકઠી કરવાનું કામ કેટલું અઘરું છે તેનો અંદાજ છેલ્લા લેખમાંથી મળે છે. તેમાં સંસ્થાના સંન્નિષ્ઠ કાર્યકરો નૈનાબહેન વાઘેલા, હિરલ પરમાર, રમેશ મકવાણા અને જયેશ દવેના નમૂનારૂપ અનુભવો નોંધવામાં આવ્યા છે. ‘આપ ક્યૂં રોયે…’ પુસ્તકમાં જે સંવેદન છે તેનું નક્કર માહિતી-સ્વરૂપ સંસ્થાએ ‘મજબુત પથ્થર મજબુર મજૂર’ (૨૦૧૨) નામે પુસ્તકમાં મળે છે. તેમાં ખંભાતના સાડા ચાર હજાર જેટલા અકીક કામદારોનો અભ્યાસ છે. તેના પહેલાંના વર્ષે ‘ઘસીયાનો ઘરસંસાર’ નામે સિલિકોસીસ પીડિતોની ચિત્રકથા આવી છે. ‘કાળમુખો સિલિકોસિસ’(૨૦૦૮) ઉત્તમ માર્ગદર્શિકા છે. ‘ધૂળીયાં ફેફસાં’(૧૯૯૪)માં સિલિકોસીસ માટે વળતર મેળવવા માટે કામદારોના સંઘર્ષની વ્યથાકથા છે.

પી.ટી.આર.સી.ને કારણે સિલિકોસીસના દરદીઓ ઓળખાવાની શરૂઆત થઈ. વળી સંસ્થા તેમને નજીવા દરે સારવાર પૂરી પાડવાની કોશિશ પણ કરતી રહે છે. તેણે કરેલી આધારભૂત રજૂઆતો છતાં જક્કી રાજ્યસરકાર લાંબા સમય સુધી સિલિકોસીસની હકીકતને સ્વીકારવા તૈયાર ન હતી, અને પછી તેને અસંગઠિત ક્ષેત્રના ગણીને તેમની જવાબદારી કર્મચારી રાજ્ય વીમા નિગમ પર ઢોળતી હતી. પી.ટી.આર.સી.એ ૨૦૧૦ માં ૪૫  અકીક કામદારો સિલિકોસિથી મૃત્યુ પામેલા હોવાનું જણાવી તેમને વળતર ન મળ્યું હોવાની ફરિયાદ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સામે કરી હતી. પછીના ચાર વર્ષમાં આ ફરિયાદોનો આંકડો  ૧૦૫ પર પહોંચ્યો હતો. તેના પરિણામ રૂપે રાજ્ય સરકારે ૨૦૧૪માં સિલિકોસિસથી અવસાન પામેલા કારીગરોના વારસદારને એક લાખ રૂપિયાની સહાય આપવાની યોજના જાહેર કરી અને તેના ચાર વર્ષ બાદ કેટલાકને ચેક અપાયા! છ મહિના પહેલાં આ પરિવારોને બીજા ત્રણ લાખ ચૂકવવાનો આદેશ માનવઅધિકાર પંચે રાજ્ય સરકરને આપ્યો છે. બરાબર એક વર્ષ પહેલાં સર્વોચ્ચ અદાલતે ગુજરાતમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના ૨૩૮ સિલિકોસીસ મૃતકોના વારસદારોમાંથી દરેકને ત્રણ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. કામદારોની વ્યાવસાયિક સલામતી અને તેમનાં સ્વાસ્થ્યની જાળવણી માટેના સંખ્યાબંધ ઉપક્રમો હાથ પર લેતી પી.ટી.આર.સી. સંસ્થાએ વીજળી કામદારોનાં જોખમોને, કપાસનાં જીનનાં શ્રમજીવીઓ અને સુરતના કાપડ ઉદ્યોગના મજૂરોની દુર્દશાને  વાચા આપતાં અભ્યાસો પણ બહાર પાડ્યા છે. આ સંસ્થાને લીધે ગુજરાતના કામદારોના એક વર્ગને દિલાસો રહેતો હશે કે કોઈક તો છે !

આ દિલાસો શનિવારે આવતા કાર્લ માર્ક્સના બસોમા જન્મદિને યાદ રાખવા જેવો છે.

++++++ 

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 04 મે 2018

Loading

રાહુલ ગાંધી પોતાની જગ્યાએ સૅમ પિત્રોડાને વડા પ્રધાનપદના અને રઘુરામ રાજનને નાણાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરે તો ૨૦૧૯માં ટેબલ ટર્ન થઈ શકે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|10 May 2018

કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન બૅન્ગલોરમાં કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો કૉન્ગ્રેસને સરખી બેઠકો મળશે તો તેઓ વડા પ્રધાન બનશે.

સરખી એટલે કેટલી એ વિશે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લોકસભામાં સૌથી મોટો પક્ષ અને સ્થિર સરકાર આપી શકાય એટલી બેઠકો. આનો અર્થ એ થયો કે રાહુલ ગાંધીને હજી ભરોસો નથી કે કૉન્ગ્રેસને ૧૫૦ બેઠકો મળશે. જો કૉન્ગ્રેસને ૧૫૦ કરતાં વધુ બેઠકો મળે તો ત્રીજા મોરચાની સંભાવના ટળી જાય અને કૉન્ગ્રેસ UPAનો મોરચો રચીને સરકાર બનાવી શકે.

આવું બને? અસંભવ નથી. કૉન્ગ્રેસને જો કર્ણાટક વિધાનસભામાં સારી એવી સફળતા મળશે તો એ પછી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભાઓની ચૂંટણીમાં વિજય મળવાની શક્યતા નજરે પડી રહી છે અને એ સ્થિતિમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ૧૫૦ પ્લસ બેઠકો મુશ્કેલ નથી. ૨૦૦૪ની લોકસભાની ચૂંટણી આનું ઉદાહરણ છે. એ સમયે તો અટલબિહારી વાજપેયીની સરકારની ઇમેજ અત્યારની નરેન્દ્ર મોદીની સરકાર કરતાં ઘણી સારી હતી. એટલે તો BJPના નેતાઓએ લોકસભાની ચૂંટણી મુદત પહેલાં યોજી હતી અને ઇન્ડિયા શાઇનિંગનું સૂત્ર આપ્યું હતું.

આ બાજુ કૉન્ગ્રેસમાં સોનિયા ગાંધીની ઇમેજ અને આવડત વિશે પ્રશ્નો હતા. એક તો વિદેશી, હિન્દી બોલતાં આવડે નહીં. વાંચીને ભાષણ કરે. ભારતના સામાજિક-રાજકીય વાસ્તવનું બહુ ઓછું જ્ઞાન અને કમને પરાણે રાજકારણમાં પ્રવેશીને કૉન્ગ્રેસનું નેતૃત્વ કરનારાં સોનિયા ગાંધી કૉન્ગ્રેસને સૌથી મોટા પક્ષ તરીકે બહુમતી અપાવી શકે એવી કોઈ શક્યતા નજરે પડતી નહોતી. એટલે તો એ સમયના નાયબ વડા પ્રધાન અને સંભવત: વાજપેયીના અનુગામી વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીએ કૉન્ગ્રેસની અક્ષરશ: દયા ખાતાં કહ્યું હતું કે જુઓને લોકશાહી માટે દેશને એક મજબૂત વિરોધ પક્ષની જરૂર છે અને આ કૉન્ગ્રેસ બેઠી થઈ શકે એવા કોઈ આસાર નજરે પડતા નથી. ૨૦૦૪માં BJPના નેતૃત્વમાં NDAનો વિજય નિશ્ચિત માનવામાં આવ્યો હતો.

જે પરિણામ આવ્યાં એ ચોંકાવનારા હતાં. કૉન્ગ્રેસને લોકસભામાં ૧૪૫ બેઠકો મળી હતી અને ડૉ. મનમોહન સિંહની સરકાર રચાઈ હતી. એક વાત યાદ રહે, ૧૯૯૯ની લોકસભામાં કૉન્ગ્રેસની ૧૧૪ બેઠકો હતી અને કુલ મતમાં વધારો થવાની જગ્યાએ ૧.૬ ટકા મતનો ઘટાડો થયો હતો. એ સમયે BJPને મળેલા મતમાં પણ એટલો જ ઘટાડો થયો હતો, પરંતુ એને મળેલી બેઠકોમાં ૪૪ બેઠકોનો ઘટાડો થયો હતો. આ ફરકનું કારણ એ છે કે ૧૯૯૯માં કૉન્ગ્રેસે UPA નામનો મોરચો નહોતો રચ્યો અને ૨૦૦૪માં સોનિયા ગાંધીએ કૉન્ગ્રેસની મર્યાદા સ્વીકારીને NDA સામે UPAના મોરચાની રચના કરી હતી. ૧.૬ ટકાનો મતોમાં ઘટાડો થયો હોવા છતાં બેઠકોમાં ૩૧નો વધારો થયો એ મોરચાનું પરિણામ હતું.

આમ કૉન્ગ્રેસ જરૂર પુર્નજીવિત થઈ શકે, પરંતુ ૧૧૪થી ૧૪૫ પર પહોંચવું અને ૪૫થી ૧૫૦ સુધી પહોંચવું એમાં બહુ મોટો ફરક છે. સો કરતાં વધુ બેઠકોની મજલ કાપવાની છે અને એ આસાન નથી. બીજું, UPA અત્યારે લગભગ અસ્તિત્વહીન છે. UPAના જૂના ભાગીદારો અત્યારે ત્રીજો મોરચો રચવાની વેતરણમાં છે. ગેરBJP-ગેરકૉન્ગ્રેસી રાજકીય પક્ષો કૉન્ગ્રેસ ને કર્ણાટકમાં કેવો દેખાવ કરે છે એ જોઈને આગળની રણનીતિ નક્કી કરશે. આ વરસના અંત સુધીમાં કર્ણાટક અને એ પછી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ કૉન્ગ્રેસનું ભાવિ નક્કી કરી આપશે. જો એમાં કૉન્ગ્રેસને સફળતા મળશે તો UPA આકાર પામી શકે છે અને જો નિષ્ફળતા મળશે તો વિરોધ પક્ષો ત્રીજા મોરચાનો રસ્તો અપનાવશે. કેટલાક વિરોધ પક્ષોએ અત્યારે જ ત્રીજો મોરચો રચવાની તજવીજ શરૂ કરી દીધી છે તો કેટલાક પક્ષો આ વરસના અંત સુધી રાહ જોવા માગે છે. રાજકારણમાં બધું જ શક્ય છે. કોઈ પક્ષ ૪૫થી ૧૪૫ સુધી પણ જઈ શકે છે.

રાહુલ ગાંધીએ જો સરખી બેઠકો મળશે તો એવી જે પૂર્વશરત મૂકી છે એનું કારણ આ છે. હવે પછી અહીં ગણાવી એ ચાર રાજ્યોની વિધાનસભાઓમાં જો કૉન્ગ્રેસને ધારી સફળતા મળશે તો આ વરસના અંત સુધીમાં રાહુલ ગાંધીની ભાષા બદલાઈ જશે. પણ BJP? BJP અને નરેન્દ્ર મોદી માટે કેવા સંજોગો હશે એનો ઉત્તર પણ આ વરસના અંત સુધીમાં મળી જશે. ત્રણ શક્યતાઓ છે : ૧. BJP જો કર્ણાટકમાં અને ઉત્તરનાં ત્રણ રાજ્યોમાં ભવ્ય વિજય મેળવશે તો નરેન્દ્ર મોદી બીજી મુદત માટે સત્તામાં આવશે. ૨. જો BJPનો વિજય ગુજરાત જેવો હાંફી જનારો હશે તો ૨૦૧૯માં BJP સૌથી મોટા પક્ષ તરીકે કેન્દ્રમાં સરકાર રચશે, પણ વડા પ્રધાનપદે નરેન્દ્ર મોદીની જગ્યાએ કોઈ બીજું હશે. ઘણું કરીને નીતિન ગડકરી અથવા સુષમા સ્વરાજ. ૩. જો આ ચારેય રાજ્યોમાં પરાજય થશે તો કેન્દ્રમાં UPAની અથવા ત્રીજા મોરચાની સરકાર આવશે.

જો કર્ણાટકમાં BJPનો પરાજય થશે તો કદાચ લોકસભાની ચૂંટણી વહેલી યોજવામાં આવે અને એની સાથે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની વિધાનસભાઓની ચૂંટણી પણ યોજવામાં આવે. આને કારણે રાજ્યોનો માર લોકસભાની ચૂંટણી પર ન પડે એવી ગણતરી હોઈ શકે. જો કે રાજકારણમાં છ મહિના ઘણો લાંબો સમય છે અને દરમ્યાન કોઈ નીરવ મોદી ખેલ બગાડી શકે છે.

અહીં દિમાગમાં એક તુક્કો આવે છે. રાહુલ ગાંધી વડા પ્રધાન તરીકે પોતે ઉમેદવારી કરવાની જગ્યાએ સૅમ પિત્રોડાને વડા પ્રધાનપદના અને રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનને નાણાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરે તો? તો ટેબલ ટર્ન થઈ શકે છે. નકરી વાતો અને નક્કર પરિણામમાં જમીન-આસમાનનો ફરક છે. જે મધ્યમ વર્ગે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને મત આપ્યા હતા એ કૉન્ગ્રેસને આપી શકે છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 10 મે 2018

Loading

જનનીની જોડ સખીનહીં જડે રે લોલ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|10 May 2018

હૈયાને દરબાર

મા નામના એકાક્ષરી શબ્દમાં જ આખું બ્રહ્માંડ સમાયેલું છે, નહીં?

મા શબ્દ બોલતાં જ મોંમાંથી મધ ઝરવા લાગે!

મે મહિનાનો બીજો રવિવાર માને સમર્પિત છે. ૧૩મી મે એટલે મધર્સ ડે. આમ તો આ બધા ‘ડેઝ’ પાશ્ચાત્ય સમાજની દેણ છે પણ એ નિમિત્તે વિશ્વ આખાની માતાઓને મહત્ત્વ મળવા લાગ્યું છે. હવે તો સંતાનો માને ગિફ્ટ આપતાં પણ થયાં છે.

બાકી, મા એટલે કોણ? અપેક્ષા વિના સંસાર આખાનો ભાર લઈને ફરતી સ્ત્રી. હરતોફરતો રોબો. "મા, ભૂખ લાગી છે નો આદેશ આવે ને પળવારમાં જમવાની પ્લેટ હાજર. "મા, કપડાં ઈસ્ત્રીબંધ નથી. ને તરત જ ઈસ્ત્રીટાઈટ કપડાં હાજર. ઈશ્વર પાસે માગેલું કદાચ ના મળે, પણ મા તો પડ્યો બોલ ઝીલે અને માંગેલી ચીજ હાજરાહજૂર. સામાન્યત: સંતાનો માટે માનો પ્રેમ ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ હોય છે. એમના ઉછેર પાછળ કરેલો પરિશ્રમ, ભોગવેલો માનસિક પરિતાપ ઈત્યાદિ સંતાનો દ્વારા સ્વાભાવિક ક્રમમાં લેવાતું હોય છે એટલે ‘મધર્સ ડે’ નિમિત્તે એક દિવસ પણ માતાને માન-સન્માન ને ભેટ-સોગાદ મળે એ આવકાર્ય જ છે. બાકી, ‘માતૃ દેવો ભવ:’નાં ગાણાં ગાતાં આપણે અનાયાસે માના નાજુક ખભા પર કેટલો ભાર નાંખી દેતાં હોઈએ છે એ કહેવાની જરૂર નથી. શંકરાચાર્યના એક શ્લોકનો સરસ અનુવાદ કવિ મકરંદ દવેએ કર્યો છે :

મા, તેં દુ:સહ વેદના પ્રસવની જે ભોગવી ના ગણું,
કાયા દીધી નિચોવી ના કહું ભલે તેં ધોઈ બાળોતિયાં,
આ જે એક જ, ભાર માસ નવ તેં વેઠ્યો હું તેનું ઋણ,
પામ્યો ઉન્નતિ તો ય ના ભરી શકું, એ માતને હું નમું.

સર્જનાત્મક શક્તિનું બીજું નામ મા છે કારણ કે ઈશ્વરને પણ જન્મ લેવા માની કૂખની જરૂર પડે છે. આવી માતાને યાદ કરીને આજે આપણને સૌને પ્રિય એવા ગીત જનનીની જોડ સખી (જગે) નહીં જડે રે લોલ … વિશે વાત કરીશું. આમ તો મમ્મી કેટલી વ્હાલી છે એ કહેવા માટે ‘મધર્સ ડે’ની કે આ ગીતની રાહ ન જોવાની હોય – એનો પ્રેમ તો બારેમાસ છે.

તોયે .. ફરી એક વાર આજે મમ્મીને ‘આઈ લવ યુ’ કહી દેજો. એને જરૂર છે બસ, તમારા વહાલભર્યા શબ્દો અને પ્રેમસભર વર્તનની.

આ દુનિયામાં જો કોઇ જબરજસ્ત ટ્રાન્સફોર્મેશન થતું હોય તો એ કે જ્યારે કન્યા માતા બને છે. પોતાના બાળક માટે એનું શરીર, મન, બોલવું-ચાલવું, વ્યવહાર, જીવન આખું બદલાઈ જાય છે. નવ મહિનાની પ્રસૂતિની વેદના, નવજાત શિશુનો ઉછેર અને એમ કરતાં કરતાં આખી દુનિયાથી અલિપ્ત થઈ જવું, આવા કેટલા ય તબક્કાઓમાંથી માતા પસાર થાય છે, માત્ર એના બાળકના વિકાસ માટે!

આવી આ મા જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી સંસ્કૃિત જીવવાની છે! આપણે તો આપણા દેશ, આપણી ધરતી અને ગાયને પણ માતા કહીએ છીએ. આવી આપણી સંસ્કૃિતનું અમર ગીત એટલે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મા હયાત હોય તો અપાર હેત વરસાવવાનું મન થાય અને સમયચક્રમાં વિલીન થઈ ગઇ હોય તો આંખ ભીંજવી જાય એવા આ ગીતની એક એક પંક્તિમાં અપાયેલી ઉપમા ખરેખર માતૃત્વને સાર્થક કરનારી છે. દરેકને એમ લાગે કે આ ગીત પોતાની મા માટે જ લખાયું છે. કાનમાં મોરનું પીંછું ફરતું હોય એવી હળવાશ, સરળ શબ્દોનું માધુર્ય અને રોમેરોમમાં વાત્સલ્યના ઝરા ફૂટતા હોય એવું સદૈવ તાજગીસભર આ ગીત માતૃવંદનાનાં કાવ્યોમાં હજુ ય ટોચ પર રહ્યું છે. મા વિશે કેટકેટલાં કાવ્યો રચાયાં છે પરંતુ, દામોદર ખુશાલદાસ બોટાદકરનું આ ગીત એટલું લોકપ્રિય થયું કે એ હવે લોકગીતની કક્ષાએ મુકાઈ ગયું છે. બોટાદકરનો જન્મ ૨૭ નવેમ્બર ૧૮૭૦માં અને મૃત્યુ ૦૭ સપ્ટેમ્બર ૧૯૨૪માં. દોઢસો વર્ષ પછી ય આ ગીત તરોતાજા લાગે એ કેવી મોટી ઉપલબ્ધિ!

બોટાદકર આમ તો માત્ર છ ચોપડી ભણેલા છતાં તેમણે સંસ્કૃતપ્રચુર કાવ્યસંગ્રહો વધારે આપ્યાં છે. પરંતુ, ‘રાસતરંગિણી’ નામના કાવ્યસંગ્રહમાં કવિએ ગરબી જેવા લોકગીતોના ઢાળમાં સરળ અને લોકભોગ્ય અભિવ્યક્તિઓ રજૂ કરી છે. સૌંદર્ય સાથે ભવ્યતાના દર્શન કરાવતાં આ ગીતકાવ્યોમાં કુટુંબજીવન અને ખાસ તો સ્ત્રી હૃદયનાં ભાવસ્પંદનો વધુ ઝિલાયાં છે. જનનીની જોડ … જેવી વિખ્યાત ગરબીમાં એટલે જ જનની એટલે કે માની સ્તુિત જ સર્વવ્યાપ્ત છે.

સૃષ્ટિમાં અસ્ખલિત, નિ:સ્વાર્થ અને અવિરત સ્નેહની પરિભાષા આપવાની હોય તો આપણને મા જ યાદ આવે. જગજિત સિંહ સાથેની એક મુલાકાતમાં માતા વિશે એમણે સરસ વાત કરી હતી કે, "માની ભૂમિકા આપણા જીવનમાં ગેરંટેડ હોય છે. કેશ ચેક જેવી. સંતાનના સુખે તો એ સુખી જ હોય પણ, દુ:ખમાં ય આપણી પડખે કોઈ નહીં હોય તો મા તો હશે જ. શી ઈઝ અ સિમ્બોલ ઓફ પ્રોટેક્શન. આ જ વાત આ મીઠા મધુરા ગીતમાં દરેક પંક્તિએ પ્રગટે છે.

માતૃવંદના સંદર્ભે કવિ સુરેન ઠાકર ‘મેહુલ’ની આ પંક્તિઓ પણ ખૂબ સરસ છે:

જે મસ્તી હોય આંખોમાં તે સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે?
જે માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી

અલબત્ત, માતા વિશેનાં અનેક કાવ્યોમાં જનનીની જોડ … એ સૌથી વધુ લોકભોગ્ય બન્યું અને પાઠ્યપુસ્તકમાં પણ સ્થાન પામ્યું છે. છઠ્ઠા-સાતમા ધોરણમાં સિલેબસના ભાગરૂપ આ ગીત દરેક કલાકારે ક્યારેક તો ગાયું જ હશે પરંતુ, પુરુષોત્તમ ઉપાધ્યાય તથા હેમા-આશિત દેસાઈના કંઠે આ મધુરું ગીત સાંભળવું એ લહાવો અનેરો જ. આ અમારો અંગત મત છે. આ ગીત સખીને સંબોધીને લખાયું છે એટલે એમાં પોઝિટિવિટી અને મા પ્રત્યેના પ્રેમનો આનંદ જ વ્યક્ત થયો છે. અત્યારે ભલે એ પ્રાર્થનાસભાનું ગીત બની ગયું હોય પરંતુ, હયાત માતા સામે ગાઈ જોજો અથવા એને સંભળાવી જોજો, ગીતનો આખો ભાવ બદલાઈ જશે અને તમે બોલી ઊઠશો : મોમ, યુ આર ઈનકમ્પેરેબલ, આઈ લવ યુ ઈટર્નલ!

——————————

મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે …જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે …જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારેમાસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

કવિ : દામોદર ખુશાલદાસ બોટાદકર

———————————————

સોજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 10 મે 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=409417

Loading

...102030...3,1453,1463,1473,148...3,1603,1703,180...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved