Opinion Magazine
Number of visits: 9686594
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અપુન કૌન? જીવરામ જોષી. લેખક બચ્ચા …

મનીષ મેકવાન|Opinion - Opinion|6 June 2018

જીવરામ જોષીને તમે કયારે ય મળ્યા હતા? ગુજરાતી સાહિત્યમાં છકોમકો, મિયાં ફુસકી, છેલછબો અને અડુકિયો-દડુકિયો જેવી સાહસિક, બાળમાનસને ફટ્ટ કરતાંકને મોટા કરી દે તેવી વાર્તાઓના લખનારને તમે કદાચ ઓળખતા હશો! કદાચ, ભૂલી પણ ગયા હો! ડોરેમોન અને શિંનચેન જોનારી ઈંગ્લિશ સ્પીકિંગ જનરેશનને તો સ્વાભાવિકપણે મિયાંફુસકીની ખબર ન હોય, છકોમકો વાંચવાના તેના નસીબ ન હોય. પણ ડોરેમોન જોઈને આંખોને સ્ટ્રેસ આપતી વર્તમાન પેઢીના ડેડાઓને તો કદાચ મિયાં ફુસકીનાં કારસ્તાનોની ખબર હશે!

નથી ખબર? 

તમે કદાચ ભૂલી ગયા લાગો છો! યાદ કરો, તમે સરકારી સ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમને વાંચતા હતા. ઉનાળાના વેકેશનમાં તમારા ઘરે આવતાં છાપાંની પૂર્તિમાં ચિત્રો સાથે તેમની વાર્તા છપાતી તે તમે રસપૂર્વક વાંચી જતાં. તમે કોઈ વખત તેમને મળ્યા પણ હશો! ટીવી પર જોયા હશે કાં કોઈ કાર્યક્રમમાં. પણ જવા દો. તમે તો સામાન્ય વાચક છો. ગુજરાતી સાહિત્યમાં ‘સૃષ્ટિ' ઊભી કરનારાઓ અને તેની ‘પરબ' બાંધનારાઓ જો તેમને ભૂલી જતાં હોય તો તમે શું ચીજ છો? જીવરામ જોષીએ એનીડ બ્લાઇટન કે જે કે રોલિંગની જેમ ઈંગ્લિશ ભાષામાં લખ્યું હોત તો બહુ મોટા લેખક ગણાતા હોત! પૂરી દુનિયા તેમને યાદ કરતી હોત!

નકશામાં પણ જેનું સ્થાન નથી તેવા સૌરાષ્ટ્રના ખોબા જેવડા ગરણી નામના ગામમાં જન્મેલા જીવરામ જોષીનું જીવન પણ તેમની બાળવાર્તાઓના નાયક જેવું સાહસથી ભરપૂર હતું. ધરમાનંદ કૌસંબીના પુસ્તકમાં કાશીનું વર્ણન વાંચીને બાળ જીવરામ એટલો એક્સાઈટ થઈ ગયો કે ગંગાનો ઘાટ જોવા ઘરમાંથી પગપાળા ભાગી ગયેલો. ત્યાં જઈને ફક્કડ સાધુઓની ટોળીમાં ભળી ગયો. ત્યાં ગાંધીજીના અસહકારના આંદોલનમાં જોડાયો. બ્રિટિશ સરકારે એક પછી કેસ કરવા માંડ્યા અને જીવરામ જોષી ફસાવા માંડ્યા. એક દિવસ જેલમાંથી છૂટીને પાછા ઘરે આવ્યા. ભાવનગરના સોનગઢ ગામે રહ્યા અને ત્યાં બાળકો માટે લખવાનું શરૂ થયું.

ગુજરાતી જનસામાન્યની ત્રણ-ત્રણ પેઢી છકોમકો અને મિયાં ફુસકી-તભા ભટ્ટની વાર્તાઓ વાંચીને મોટી થઈ છે. ‘અપુન કૌન, મિયાં ફુસકી સિપાઈ બચ્ચા' જેવો સંવાદ એક સમયે શેરીઓ-મહોલ્લાઓમાં રમી ખાતાં બાળકો વચ્ચે સાવ સામાન્ય હતો. નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ અને માધવસિંહ સોલંકી જેવા રાજનેતાઓથી લઈને શાળાશિક્ષણ પામેલા ગુજરાતીમાં ભણનારા કોઈએ પણ જીવરામ જોષીને વાંચ્યા ન હોય તેમ ન બને! કેશુભાઈએ એક જાહેર કાર્યક્રમમાં એકવાર કહેલું કે, ‘તેમનું બાળકુતૂહલ જીવરામ જોષીની વાર્તાઓ વાંચીને સંતોષાતું રહેતું હતું.' જીવરામ જોષીના પાત્રોની વારંવાર મોજ માણવી ગમતી હોવાનો એકરાર માધવસિંહભાઈ એકથી અનેકવાર જાહેરમાં કરી ચુક્યા છે. જીવરામ જોષીનાં પાત્રો પર તૈયાર થયેલી ઓડિયો-વીડિયો કેસેટ બજારમાંથી મંગાવીને તે જોતા.

ભારતમાં કોઈપણ બાળ સાહિત્યકારનાં પુસ્તકો લાખો નકલોમાં વેચાયાં હોય તેવી ઘટના જીવરામ જોષી સાથે એક સમયે બનતી હતી. આખી જિંદગી કલમ અને શબ્દના જોરે એ જીવ્યા અને તેમાંથી જ કમાયા-ધમાયા. 500 જેટલાં પુસ્તકોમાંથી જે કંઈ કમાયા તેમાંથી નવરંગપુરા જેવા પોશ એરિયામાં મસમોટો બંગલો પણ તેમણે ખરીદેલો. ફ્ક્ત કલમથી કમાઈને આવડી મોટી જાગીર સર્જનારો કોઈ એક ગુજરાતી લેખક ગુજરાતી સાહિત્યના આખ્ખેઆખ્ખા ઇતિહાસમાં અદ્યાપિ જન્મ્યો નથી.

જીવરામ જોષીનો મિજાજ એ હતો કે તે ક્યારે ય બીજા સાહિત્યનું અનૂદિત અવતરણ ગુજરાતીમાં ન કરતા. ‘કેવળ અનુવાદ કરેલું વાચન આપવું તેમાં માતૃભાષાનું માન વધતું નથી પણ ઘટે છે,' એમ તે માનતા. એડગર રીસના ટારઝન જેવાં પાત્રોને ઝંખતા ગુજરાતી બાળકો માટે એટલે જ તેમણે ‘છેલછબો' સર્જ્યો. આ આખી કહાની ‘ઝગમગ'માં છપાઈ. 1953માં જ્યારે તેનું પુસ્તકરૂપે પ્રકાશન કર્યું, ત્યારે વિક્રમ થઈ ગયો. એક જ સપ્તાહમાં આ વાર્તાની 15,000 કોપી વેચાઈ ગઈ. ગુજરાત સમાચારનું ‘ઝગમગ' તેમનું ફલક અને દરિયો. તત્કાલીન તંત્રી ઈન્દ્રવદન ઠાકોરે તે વખતે પહેલીવાર જીવરામ જોષીને દર સોમવારે બાલતરંગ નામે એક આખું પાનું બાળસાહિત્ય માટે આપી દીધેલું. 

ગુજરાતી દૈનિકપત્રમાં આ ઘટના ફક્ત ઐતિહાસિક નહીં અભૂતપૂર્વ પણ હતી. ગુજરાત સમાચારના હસ્તાંતરણ પછી શાંતિલાલ શાહે બાળ સાપ્તાહિક ‘ઝગમગ' શરૂ કર્યું અને ભારતભરના આ પ્રથમ બાળ મેગેઝીને તમામ રેકોર્ડ કરી નાંખ્યા. જીવરામ જોષી ઘેરઘેર જાણીતું નામ થઈ ગયા. એક તબક્કો એવો પણ આવ્યો કે મુખ્ય વર્તમાન પત્ર ગુજરાત સમાચાર કરતાં ‘ઝગમગ'નું સરક્યુલેશન વધી ગયું. ‘ઝગમગ' છોડ્યા પછી જીવરામ જોષીએ રસરંજન, રસવિનોદ, ચમક અને છુકછુક નામનાં બાળસામાયિકો પ્રકાશિત કર્યા. અલબત્ત, ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં જીવરામ જોષીના આ પ્રદાનની ઝાઝી નોંધી લેવાઈ નથી.

નોંધ તો તેમના જાણીતાં કેરેક્ટરની પણ ક્યાં લેવાઈ છે?

એ કાશીમાં રહેતા ત્યારે નરસિંહ ટોલા નામના મહોલ્લામાં મંદિરની પાછળ એક મિયાં રહે. નામ અલી મિયાં. ઘોડાગાડી ચલાવે. સ્વભાવે રમૂજી, શરીરે દુબળા-પાતળા. અલી મિયાંમાંથી તેમણે મિયાં ફુસકીનું સર્જન કર્યું. કૌમી એકતાની મિસાલ માટે તભા ભટ્ટ નામના પાત્રને ફિટ કર્યું. છકોમકોની પ્રેરણા વડોદરાથી અમદાવાદ ટ્રેનમાં આવતા હતા ત્યારે થયેલી. છાપાંમાં એક લંબુ માણસની જાહેરાત જોઈને તેમને ઠીંગા સાથે સરખામણી કરવાની ઈચ્છા થઈ અને તેમાંથી છકોમકો વાર્તાનો જન્મ થયો. શૌર્ય, પ્રમાણિકતા, સાહસિક્તા અને સંવાદિતા તેમના તમામ કથાનકોનું કેન્દ્ર અને કેન્દ્રીય બળ રહ્યાં છે. જીવરામ જોષીની વાર્તાઓમાં ખોટી – કંટાળાજનક ઉપદેશાત્મકતા નથી એટલે જ તેઓ સફળ અને સ્મરણીય રહ્યા છે. તેમની વાર્તામાં રહેલા વિનોદીતત્ત્વને બાળકો સહજ નિર્દોષતાથી માણી શકે છે અને સહજ ચાતુર્ય અને માનવસહજતા તેમની વાર્તાઓની ખૂબી છે.

મિયાં ફુસકીનું કેરેક્ટર આજે પણ એડગર બરો રીસના ટારઝન, ઈયાન ફ્લેમિંગના જેમ્સ બોન્ડ, આર્થર કોનન ડોયલના શેરલોક હોમ્સ, દેવકીનંદન ખત્રીના ચંદ્રાકાંતા, તારક મહેતાના ટપુ કે આર.કે. લક્ષ્મણના કોમન મેનની જેમ જીવંત અને રસાળ લાગે છે. ગુજરાતી સાહિત્યમાં ભાગ્યે જ કોઈને ગમાડતા તુંડમિજાજી ચંદ્રકાંત બક્ષી ખુદ જીવરામ જોષીના ભાવક હતા. ‘ગુજરાતી ભાષામાં કખગ જીવતા હશે ત્યાં સુધી બાળસાહિત્યમાં મિયાંફુસકી જીવતા રહેશે,' એવું ક્યાંક તેમનાથી લખાઈ(કે કહેવાઈ) ગયેલું. અને એ સાચ્ચા હતા. ટ્રેજેડી એ હતી કે પૂરી જિંદગી જે લેખક બાળ સાહિત્યમાં દધિચી બનીને કામ કરતો રહ્યો તેને સાહિત્યની સંસ્થાઓએ માન, અકરામ અને ઈનામ આપવામાં અન્યાય કર્યે રાખ્યો હતો.

સૌજન્ય : ‘ક્રૉસ કન્કેશન’ નામક લેખકની કટાર, “નવગુજરાત સમય”, 5 જૂન 2018

Loading

ચંદાબહેન કોચરનાં કૌભાંડોનું ડી-કોડિંગ

રમેશ ઓઝા|Opinion - Opinion|5 June 2018

દેશની સૌથી મોટી ખાનગી બેંક આઈ.સી.આઈ.સી.આઈ.નાં મેનેજિંગ ડિરેક્ટર અને સી.ઈ.ઓ. ચંદા કોચર સામે ‘બેંક અધિકારીઓ માટેની આચારસંહિતા નહીં પાળવા’ વિષે આવેલી ફરિયાદની તપાસ કરવામાં આવશે એવો નિર્ણય બેંકના સંચાલક મંડળે લીધો છે.

સારું. આ કૌભાંડ તો ૨૯મી માર્ચે બહાર આવ્યું હતું તો તપાસ કરાવવામાં બે મહિના કેમ લીધા? બીજું, આ એ જ સંચાલક મંડળ છે જેણે બે મહિના પહેલા કૌભાંડની વિગતો બહાર આવી હતી ત્યારે ચંદા કોચરને ક્લીન ચીટ આપી દીધી હતી. આ વિષેનો ખુલાસો બેન્કના સંચાલક મંડળે બહાર પાડેલા નિવેદનમાંથી મળે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોઈ નનામી ધ્યાન ખેંચનારાએ (વ્હીસલ બ્લોઅર) ચંદા કોચર સામે નવા આરોપ કર્યા છે એને ધ્યાનમાં રાખીને તપાસ યોજવામાં આવી રહી છે. અહીં જ એક ખુલાસો કરી લેવો જોઈએ. એ ધ્યાન ખેંચનાર માણસ નનામી નથી. એ ધ્યાન ખેંચનારાનું નામ અરવિદ ગુપ્તા છે અને તેમણે પોતાની સહી સાથે વડા પ્રધાનને બીજો પત્ર લખ્યો છે જેમાં ચંદા કોચર સામે નવા આરોપ કરવામાં આવ્યા છે.

અરવિંદ ગુપ્તાએ ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ પ્રોટેક્શન કાઉન્સિલની સ્થાપના કરી છે અને તેઓ તેના સ્થાપક ટ્રસ્ટી છે. અરવિંદ ગુપ્તાએ આ પહેલાં પણ કેટલાંક કૌભાંડો બહાર પાડ્યા છે જેમાં એસ્કોર્ટ હાર્ટ ઇન્સ્ટિટયુટ એન્ડ રિસર્ચ સેન્ટરને ટ્રસ્ટમાંથી કંપનીમાં ફેરવી નાખવામાં આવ્યું એ મુખ્ય છે. આરોગ્ય સેવાના નામે મફતના ભાવે સરકારી જમીન લીધી અને એ રીતે અબજો રૂપિયાની એસેટ ઊભી કરી અને પછી તેને નફો-નુકસાન કરતી ખાનગી કંપનીમાં ફેરવી નાખી. અરવિંદ ગુપ્તા પાંચસો લિસ્ટેડ કંપનીઓ પર નજર રાખવાનું કામ કરે છે. આવતીકાલે અરવિંદ ગુપ્તાની હત્યા કરવામાં આવે તો આશ્ચર્ય નહીં થાય. દેશમાં જ્યારે અબજોની લૂંટ ચાલતી હોય અને લૂંટ સામે જેમણે પગલાં લેવા જોઈએ, એ લોકો મોઢું ફેરવી લેતા હોય, ત્યારે નિહથ્થા માણસો કારણ વિના વચ્ચે મોઢું ઘુસાડે એ કેમ ચાલે. આ પાછા એવા લોકો છે જે ખરીદી ન શકાય એટલા મોંઘા અને તાકાતવાન છે અને રાજકીય વગ વિનાના દુર્બળ છે. સ્થાપિત હિતો ખુદ્દાર નાગરિકની દુર્બળતાનો લાભ લઈને હત્યાઓ કરે છે. અરવિંદ ગુપ્તાનું નામ યાદ રાખજો. ક્યારેક માઠા સમાચાર સાંભળવા મળી શકે એમ છે. આ દેશ આવા સામાન્ય લોકો થકી મહાન છે અને હજુ ટક્યો છે.

પણ સંચાલક મંડળ તો કહે છે કે કોઈ નનામા માણસે નવા આરોપ કર્યા છે એટલે તપાસ યોજવામાં આવી રહી છે. જો ધ્યાન ખેંચનારા માણસની અને તેના દ્વારા ચલાવવામાં આવતી જેહાદની ઓળખ આપવામાં આવે તો ધ્યાન ખેંચનારાઓ તરફ લોકોનું ધ્યાન જાય. લોકોનું ધ્યાન જાય તો પારકી છઠ્ઠીના જાગતલ જેવા અરવિંદ ગુપ્તાઓના હાથ મજબૂત થાય અને તેમની જેહાદને વેગ મળે. જો જાહેરહિતના રખેવાળોની સંખ્યા અને તાકાત વધવા માંડે તો તેમને ડરાવી ન શકાય અને જરૂર પડ્યે કાસળ ન કાઢી શકાય. આ તો આ બૈલ મુઝે માર જેવું થયું. આજે ચંદા કોચર છીંડે ચડેલાં છે, કાલે આપણે પણ હોઈએ.

માટે ચંદા કોચર સામેના આરોપને કોઈ અજાણ્યા-નનામા માણસના નામે ઉધારવામાં આવ્યા છે. ચારે બાજુ બહુ મોટી રમત રમાઈ રહી છે, પણ ભોળિયા ભક્તો દેશપ્રેમના નશામાં છે અને બીકાઉ મીડિયા ભોળિયા ભક્તોને ખોળામાં બેસાડીને અમલ પીવડાવી રહ્યા છે. જો ભરોસો ન બેસતો હોય તો તમારી જાતને એક સવાલ પૂછો: તમે આજ પહેલાં અરવિંદ ગુપ્તાનું નામ સાંભળ્યું હતું? ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ પ્રોટેક્શન કાઉન્સિલ જેવી કોઈ સંસ્થા છે એની જાણ હતી? બે-ચાર અપવાદ છોડીને આની જાણ તમને નહીં જ હોય એની મને ખાતરી છે. ન જ હોય. કાલ્પનિક દેશદ્રોહીઓ સામેની આભાસી લડાઈમાં તમને ઉત્તેજિત રાખવામાં આવે છે કે જેથી પગ-માથા વાળા હાલતા ચાલતા વાસ્તવિક દેશદ્રોહીઓને બચાવી શકાય. જે લોકો સાચા દેશપ્રેમી છે અને જાનના જોખમે દેશદ્રોહીઓ સામે સાચકલી લડાઈ લડી રહ્યા છે તેનાં નામ અને કામથી તમને અજાણ રાખવામાં આવે છે.

હવે બીજો મુદ્દો. પહેલીવાર વીડિયોકોન કૌભાંડમાં જયારે ચંદા કોચર સામે આરોપ થયો ત્યારે બેન્કના બોર્ડે ચંદા કોચરને ક્લીન ચીટ આપી દીધી હતી, પરંતુ અખબારોમાં આવેલા અહેવાલ મુજબ સી.બી.આઈ. અને ડાયરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટે વીડિયોકોન કૌભાંડની પ્રાથમિક તપાસ કરી હતી. આ તપાસનો આદેશ કોણે આપ્યો હતો? બેન્કના સંચાલકોને સરકારી એજન્સીઓને તપાસ કરવાનો આદેશ આપવાનો કોઈ અધિકાર નથી. તો પછી એ આદેશ આપ્યો હતો કોણે અને પ્રાથમિક તપાસમાંથી શું બહાર આવ્યું? ચંદાબહેને એસ્સાર રુઈયાઓ સાથે મળીને એ જ રીતે પૈસા રોટેટ કરીને ૪૫૩ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું એ વિગતો સી.બી.આઈ. અને ડાયરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટને હાથ નહોતી લાગી? કોઈ પણ પ્રકારની સત્તા નહીં ધરાવતી ખાનગી વ્યક્તિ જે શોધી શકે એ સી.બી.આઈ. અને ડાયરેક્ટોરેટ ન શોધી શકે?

હવે કેન્દ્ર સરકાર કહે છે કે આઈ.સી.આઈ.સી.આઈ. કૌભાંડમાં કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રકારની દરમ્યાનગીરી નહીં કરે. દેખાવ એવો કરે છે કે કાયદો કાયદાનું કામ કરશે અને અમે તેની વચ્ચે નહીં આવીએ. સારી વાત છે, પરંતુ એ પહેલાં કેન્દ્ર સરકાર એક વાતનો ખુલાસો કરે: સી.બી.આઈ. અને ડિરેક્ટોરેટને પ્રાથમિક તપાસનો આદેશ કોણે આપ્યો હતો અને તેમાંથી શું હાથ લાગ્યું હતું, કારણ કે આ બન્ને એજન્સીઓ કેન્દ્ર સરકારની છે. કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રકારની દરમ્યાનગીરી નહીં કરે એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે તેનો અર્થ તો એટલો જ થાય કે કેન્દ્ર સરકારે સી.બી.આઈ. અને ડાયરેક્ટોરેટને તપાસ થંભાવી દેવાનો આદેશ આપ્યો છે અથવા કેન્દ્ર સરકારની શક્તિશાળી એજન્સીઓને પ્રાથમિક તપાસમાં એ તથ્યો હાથ લાગ્યાં નહીં જે એક અદના નાગરિકને લાગ્યા. બસ, કેન્દ્ર સરકાર આટલો એક નાનકડો ખુલાસો કરી દે કે સરકાર દરમ્યાનગીરી નહીં કરે એનો અર્થ તપાસ થંભાવી દેવામાં આવી છે એમ કરવાનો? બાકી જે કૌભાંડ નિહથ્થા માણસને હાથ લાગે એ શક્તિશાળી એજન્સીઓને હાથ ન લાગે એવું તો બને જ નહીં.

ત્રીજો મુદ્દો. બેન્કના સંચાલકોએ કહ્યું છે કે ચંદા કોચર સામેના આરોપોની તપાસ ભરોસો બેસે એવી રીતે કરવામાં આવશે. એ તપાસ કરનારા કોણ હશે એ વિષે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. સંચાલકોએ પણ સી.બી.આઈ. અને ડાયરેક્ટોરેટની તપાસ ચાલી રહી છે કે આટોપી લેવામાં આવી છે એ વિષે કોઈ ખુલાસો કર્યો નથી. સેબીએ જારી કરેલી નોટીસનું શું થયું એ વિષે કોઈ ખુલાસો નથી. હા, એટલું કહેવામાં આવ્યું છે કે તપાસ દરમ્યાન ચંદા કોચરે બેન્કમાંથી રાજીનામું આપવાની જરૂર નથી. તપાસ યોજતા પહેલાં જ બેન્કના સંચાલકો એવા તારણ પર આવ્યા છે કે પરસ્પર વિરુદ્ધ હિત(કોન્ફ્લીક્ટ ઓફ ઇન્ટરેસ્ટ)નો કોઈ કેસ ચંદાબહેન સામે બનતો નથી.

નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી મીડિયાથી ભાગતા ફરવાની તેમની અંગત બીમારી હવે  રાષ્ટ્રીય બીમારી બની ગઈ છે. જે કહેવું હોય એ ટ્વીટ કરીને કે નિવેદન બહાર પાડીને કહેવાનું. મોઢામોઢ થવાનું જ નહીં કે જેથી કોઈ વળતો સવાલ પૂછે અથવા ચહેરાના હાવભાવ વાંચે. નિવેદનનું અર્થઘટન કરીને કોઈ પત્રકાર વળી મોબાઈલ, ઈ મેઈલ, ટ્વીટર કે બીજાં માધ્યમો દ્વારા ક્વેરી મોકલે તો જવાબ આપવાનો નહીં. તમે અંગ્રેજી અખબારોમાં વાંચતા હશો કે સંબંધિત વ્યક્તિએ ઈ મેઈલ જેવાં માધ્યમો દ્વારા મોકલવામાં આવેલી કવેરીનો જવાબ આપ્યો નહોતો. દેશના વડા પ્રધાને પેદા કરેલું અને દેશને ભેટ આપેલું આ રાષ્ટ્રીય દૂષણ છે. સલામત અંતરેથી બોલવાનું પણ મોઢામોઢ નહીં થવાનું. ટી.ટી. કૃષ્ણમાચારીથી લઈને લાલુપ્રસાદ યાદવ સુધીનાં કૌભાંડો યાદ કરો: દેશની જનતાથી ભાગતા ફરવાની આવી આઝાદી કોઈએ ભોગવી હતી? એન.ડી. તિવારીના કહેવાતા સેક્સ સ્કેન્ડલમાં તેઓ મૂંગા રહીને ભાગી શક્યા હતા? વ્હાઈટ હાઉસમાં સેક્સ સ્કેન્ડલ કરનારા અમેરિકન પ્રમુખ બીલ ક્લીન્ટને મીડિયાની હાજરીમાં ગુનો કબૂલ કરીને દેશની માફી માગવી પડી હતી એ યાદ હશે. એ વીડિયો જોવો હોય તો યુટ્યુબ પર જોઈ શકાશે. આપણા ૫૬ ઈંચની છાતી ધરાવતા સાહેબે મોઢામોઢ નહીં થવાના અને ભાગતા ફરવાની બીકણ નીતિને રાષ્ટ્રીય નીતિ બનાવી મૂકી છે.

તો પછી અહીં ઉપસ્થિત કરવામાં આવેલા સવાલોના જવાબ કોણ આપશે? અરવિંદ ગુપ્તાઓ. તેઓ જોખમ લઈને ભાગતા ફરનારાઓને બે કાનેથી પકડે છે. એ માટે તેમને ગાળો દેવામાં આવે છે, ચારિત્ર્યહનન કરવામાં આવે છે, ભાડૂતી ટ્રોલ્સ ટ્રોલીંગ કરે છે, દેશદ્રોહી ઠરાવવામાં આવે છે અને ક્યારે ય જરૂર પડ્યે હત્યાઓ પણ કરવામાં આવે છે.

કાંઈ સમજાય છે કે પછી અમલના કેફની મસ્તી માણવાની મઝા આવે છે? જો સમજવામાં આવે તો કર્તવ્ય નામની એક ચીજ બહુ ત્રાસ આપે નહીં?

સૌજન્ય : ‘કારણ તારણ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 05 જૂન 2018

Loading

હિન્દી ફિલ્મ સંગીતના સુવર્ણ યુગનાં જોડકાં ગીતોમાં પુરુષ અવાજ પ્રભાવી કેમ લાગે છે?

વિદ્યુત જોષી|Opinion - Opinion|5 June 2018

સ્ત્રી ગાયકોએ ગાયેલાં સોલો જોડકાં ગીતોમાં સ્ત્રી કરતાં પુરુષ ગાયકોએ ગાયેલાં એ જ ગીતો વધુ પ્રભાવી રહ્યાં: એ સમયના પુરુષ અવાજમાં રેન્જ બહોળી હતી તથા અવાજમાં વૈવિધ્ય પણ ખૂબ જ હતું. આજે એવા વિશિષ્ટ ગળા વાળા ગાયકો નથી દેખાતા

રાત્રે સૂતી વખતે તલત મહેમુદની ફિલ્મી ગઝલોને સાંભળવાનો શોખ છે. ફિલ્મ ‘દાગ'(1952)નું એ મેરે દિલ કહી ઔર ચલ, ગમકી દુનિયાસે દિલ ભર ગયા, ઢૂંઢ લે અબ કોઈ ઘર નયા … માણતો હતો ત્યાં મનમાં ઝબકારો થયો કે આ ગીત લતાએ પણ ગયું છે, પરંતુ કેમે કરીને લતાનું એ ગીત સ્મરણમાં ન આવે. સહેજ સ્મૃિત ખેંચતાં ખ્યાલ આવ્યો કે એ ગીત વિલંબિત સૂરમાં ગવાયું છે. સંગીતના સૂરોના ચડાવ-ઉતાર પણ તલતની ગાયકીવાળા ગીતમાં વધુ સારા છે. કદાચ એટલે તેની અસર મન પર નથી રહી. પરંતુ ત્યારબાદ વિચારો આવતા ગયા કે 1950 થી 1970 સુધી હિન્દી ફિલ્મ સંગીતનો સુવર્ણયુગ હતો. 

રોમાન્ટિક ફિલ્મો, દિલીપ-રાજ-દેવની ત્રિપુટી, નૌશાદ જેવા શાસ્ત્રીય તરજોમાં અને મેલડીમાં ગીતો ઢાળનાર સંગીતકારો હતા, તો તલત, મૂકેશ મન્નાડે અને રફી જેવા ખાસ અવાજ ગુણવત્તા ધરાવતા ગાયકો હતા. ફેન્ટસીનો જમાનો હતો. એક-એક ફિલ્મ ત્રણ-ચારવાર જોવાનો એ પેઢીનો પણ સુવર્ણયુગ હતો. ત્યારે કેટલાંક ગીતો એવાં હતાં, જેમાં એક જ ગીત પુરુષ અને સ્ત્રી એમ બંનેના અવાજમાં અલગ ગવાયું હોય. આમ તો આવાં ગીતો બહુ ઓછાં હોય છે, જે બંને-સ્ત્રી અને પુરુષ -ગાયકોએ અલગ રીતે-સોલો સ્વરૂપે ગાયાં હોય. આવાં ગીતો આજે અતીતરાગ સ્વરૂપે યાદ કરીએ. તલતનાં ગીતો યાદ કર્યાં પછી તો એવાં જોડકાં ગીતો યાદ આવ્યાં, જે પુરુષ અને સ્ત્રી ગાયકના સ્વરમાં અલગ ગવાયાં હોય. ફિલ્મ ‘બેવફા'(1952)નું ગીત દિલ મતવાલા લાખ સમ્હાલા, ફિર ભી કિસીપે આ હી ગયા … આ ગીત લતાના સ્વરમાં પણ ગવાયું છે. પરંતુ લતાના સ્વરનું એ ગીત સ્મૃિતમાં નથી રહ્યું. 

‘ટેક્સી ડ્રાયવર'(1954)નું બહુ જાણીતું ગીત જાયે તો જાયે કહાં, સમઝેંગા કૌન યહાં, દર્દ ભરે દિલ કી ઝુબાં … તલતની ગાયકી યાદ રહી જાય તેવી છે. આ ગીત લતાના સ્વરમાં પણ છે. ‘આશિયાના'(1954)નું ગીત મેરા કરાર લેજા, દમ ભર તો પ્યાર કર જા .. પણ તલત તથા લતાના સ્વરે સોલોમાં ગવાયું છે, તો ફિલ્મ ‘એક સાલ'(1957)નું બહુ જ યાદગાર ગીત – સબ કુછ લૂટા કે હોશમેં આયે તો ક્યા કિયા, દિલમેં અગર ચરાગ જલાયે તો ક્યા કિયા … પણ લતાના સ્વરમાં યાદ નથી રહ્યું. જ્યારે જૂનાં ગીતો રેડિયો પર વાગે છે, ત્યારે તલતનાં ગીતો જ વાગે છે. તલત ઉપરાંત આશાના સ્વરે ગવાયેલું ગીત ફિલ્મ ‘ઠોકર'(1964)નું એ ગમે દિલ ક્યા કરું, એ હસરતે દિલ ક્યા કરું.. પણ એવું ગીત છે જેમાં પુરુષ સ્વર જલદી યાદ આવે છે, જ્યારે ગાયિકાના સ્વરને યાદ કરવા માટે સ્મૃિતને ખેંચવી પડે છે.

તલતનો અને તેની ફિલ્મી ગઝલનો જમાનો 1960માં પૂરો થાય છે. કદાચ દિલીપકુમારની ટ્રેજેડી કિંગ તરીકેની ફિલ્મો પણ પૂરી થઇ. પરંતુ પછી મૂકેશ અને રફીના સ્વરે ગવાયેલાં ગીતોનો જમાનો આવે છે. આ સમયે એવાં કેટલાં ય ગીતો છે, જે મૂકેશ કે રફીના કંઠે ગવાયેલાં હોય તે વધુ પ્રભાવી બને છે જ્યારે લતાના સ્વરે ગવાયેલું તે જ ગીત પ્રભાવી નથી બનતું. મૂકેશના સ્વરમાં ગવાયેલાં ગીતોમાં મુઝકો ઇસ રાતકી તનહાઇમે આવાઝ ન દો (દિલ ભી તેરા હમ ભી તેરે – 1960), હમને તુઝકો પ્યાર કિયા હૈ જીતના (દુલ્હા દુલ્હન -1964), (મારો કોલેજ મિત્ર કમલ ઠાકર આ ગીત સરસ રીતે ગાતો; ઈશ્વર તેના આત્માને શાંતિ આપે), જ્યોત સે જ્યોત જલાતે ચલો, પ્રેમકી ગંગા બહતે ચલો (સંત જ્ઞાનેશ્વર -1964), જિસ દિલમેં બસા થા પ્યાર તેરા ઉસ દિલકો કભી કા તોડ દિયા (સહેલી-1965), રાત ઔર દિન દિયા જલે, મેરે મનમેં ફિર ભી અંધિયારા હૈ (રાત ઔર દિન-1967) યાદ આવે છે, જેમાં લતાનો સ્વર યાદગાર નથી બન્યો.

આવું જ રફીની બાબતમાં પણ બને છે. જિંદગીભર નહિ ભૂલેગી વો બરસાત કી રાત (બરસાત કી રાત-1960), એહસાન તેરા હોગા મુઝ પર (જંગલી-1962), તકદીરકા ફસાના જાકર કિસે સુનાયે (સેહરા 1963), મેરે મેહબૂબ તુઝે મેરી મોહબ્બતકી કસમ (મેરે મહેબૂબ- 1963), આજ કલ મેં ઢલ ગયા, દિન હુઆ તમામ (બેટા બેટી-1964), (જયંત યાદ આવે છે?) દિલ જો ન કહે સકા (ભીગીં રાતેં-1965) (સહેજ પણ અદાકારી વિનાના ચહેરાવાળા પ્રદીપકુમાર આવે છે?) તથા પરદેસીઓં સે ના અખીયાં મીલાના (જબ જબ ફૂલ ખીલે-1965) વગેરે ગીતોમાં રફી જેટલા ખીલે છે એટલાં લતા મંગેશકર નથી ખીલતાં. અહીં કેટલાંક ગીતો તો એવાં છે કે જે લતાએ ગાયાં હોય એવું યાદ પણ નથી આવતું.

1950-60માં તલત તથા 1960-70માં મૂકેશ અને રફી સાથે બને છે એવું હેમંતકુમાર કે મન્નાડે સાથે નથી બનતું. ઉલટું મન્નાડે તો યુગલ ગીતોમાં લતા સાથે સદાબહાર ગીતો આપે છે. હેમંતકુમારનું એ ગીત કૈસે કોઈ જીએ યાદ આવે. 1970 પછી સોલો-જોડકાં ગીતોમાં પુરુષ સ્વરનું પ્રભુત્વ અટકી જાય છે. પછીના સમયમાં મને માત્ર બે ગીતો જ યાદ છે જેમાં પુરુષ સ્વર પ્રભાવી રહ્યો હોય. દિલ હુમ હુમ કરે(રૂદાલી 1993)માં સ્પષ્ટ રીતે ભૂપેન હઝારીકા મેદાન મારી જાય છે તો મેરે નૈના સેવન ભાંદો માં કિશોર મેદાન મારી જાય છે. પરંતુ આવા બહુ ઉદાહરણો નથી.

સવાલ એ થાય છે કે 1950-70ના સમયમાં એવું શું બન્યું કે સૂરોનાં બિલકુલ પાકાં એવા લતા મંગેશકર સોલોમાં જામતાં નથી. જ્યારે એવાં જ ગીતોમાં સૂરોના એટલા પાકા નહીં એવા મૂકેશ જામે છે?  નિષ્ણાતો પોતાનો અભિપ્રાય આપી શકે. પરંતુ એક ભાવક તરીકે મને લાગે છે કે એ સમયના પુરુષ અવાજમાં રેન્જ બહુ જ બહોળી હતી તથા અવાજમાં વૈવિધ્ય પણ ખૂબ જ હતું. આજે એવા વિશિષ્ટ ગળાવાળા ગાયકો નથી દેખાતા. વળી જે તે ગાયકો સાથે જે હીરો તે ગીત ગાતા હતા તેની અસર પણ થઇ હોય. મૂકેશનો નાસિકા સ્વર, તલતનું ક્રુનીંગ તથા રફીની ચારે ય ઓક્ટેવમાં સરળ ગાયક પછીથી થયા નથી. વાસ્તવમાં ક્રૂનર તો કોઈ જ નથી થયા, પરંતુ ગાનાર જે આવ્યા, મૂકેશ જેવી મધુરપ ન આપી શક્યા. આ બાબતો એ પણ તે ગાયકોને પ્રભાવી બનાવવામાં ભાગ ભજવ્યો હોય. પછીથી જે નવા ગાયકો આવ્યા, તેમાં આ ખૂબીઓ નહોતી.

પરંતુ સહુથી મહત્ત્વની બાબત તે આ સર્વ લક્ષણોનું સંમિશ્રણ હીરો પ્રભાવી રોમેન્ટિક ફિલ્મો, દિલીપ-રાજ-દેવ જેવી ત્રિપુટી, પુરુષ અવાજને તરજ બનાવતી વખતે અપાતું પ્રાધાન્ય, શાસ્ત્રીય રાગોમાં અને મેલડીમાં ગીતની બાંધણી, નૌશાદ, મદનમોહન, જેવા પ્રભાવી સંગીતકારો, હૃદયને અપીલ કરનાર કવિઓ, ફેન્ટસી પર બનતી ફિલ્મો વગેરે બાબતો જે એકબીજા સાથે સુસંગત હતી, તે એક સાથે આવી મળી અને જે સમગ્ર માહોલ રચાયો તેમાં સ્ત્રી ગાયકોએ ગાયેલાં સોલો જોડકાં ગીતોમાં સ્ત્રી કરતાં પુરુષ ગાયકોએ ગાયેલાં ગીતો વધુ પ્રભાવી રહ્યાં. એવું પણ બને કે આપણે પુરુષ પ્રધાન સંસ્કૃિતમાં હતા. આજે જે હીરોઈનલક્ષી ફિલ્મો બનતી જોવા મળે છે તેવું એ સમયે નહોતું બનતું.

સૌજન્ય : ‘અત્રતત્ર’ નામક લેખકની કટાર, “નવગુજરાત સમય” 5 જૂન 2018

Loading

...102030...3,1253,1263,1273,128...3,1403,1503,160...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved