Opinion Magazine
Number of visits: 9686305
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવજીવન !

નિરંજના દેસાઈ|Poetry|11 June 2018

રોજ સવારે ઊઠતાં,
ઈશ્વર સ્મરણ કરતાં,
દર્શન કરું મુજ હસ્તનાં,

પ્રાર્થું −

‘કરાગ્રે વસતી લક્ષ્મી
કરમૂલે સરસ્વતી,
કરમધ્યે તુ ગોવિંદમ્‌,
પ્રભાતે કર દર્શનમ્‌’

કિંતુ −

આજકાલ હસ્તદર્શન
વધારી દે હૃદયધડકન !
મનમાં ઊઠે મથામણ !
થાય શેં ગભરામણ !

− હાથની રેખાઓમાં
આછી થતી જીવનરેખા.
ફરી ફરી, ઝીણી આંખે
જોઉં એ લાઈફ લાઈનને
આયુષ્યના એ દોરને !

− ઘણો ભૂંસાઈ ગ્યો’તો
દોર જીવનદોરનો.
મેગ્નિફ્લાઇંગ ગ્લાસથી
ઝીણવટ થકી,
જોયું ફરી, જોયું ફરી !

પરંતુ −

એક વખતની
લાંબી પણછ શી
લાઈફ લાઈન મારી −
સાવ આછી – લુપ્ત થાતી
અર્ધી પર્ધી માંડ ભાળી !
પડી પેટમાં ફાળ,
વધી વધુ ધડકન !

તથાસ્તુ −

અવળચંડું મન કહે
હામ ધરને હવે !
બહોત ગઈ, થોડી રહી
ભજને હવે ઓમ શાંતિ !
અવસર આ ઉત્સવતણો,
સત્ત્વનો – પ્રયાણનો,
નવજીવનનો.

60, Wilson Gardens, WEST HARROW, Middlesex HA1 4DZ [U.K.]

Loading

મુસોલિની હોય, સાવરકર હોય કે સંઘ હોય મોડસ અૉપરૅન્ડી એક સમાન છે: સજ્જનોના સૌજન્યનો દુરુપયોગ

રમેશ ઓઝા|Opinion - Opinion|10 June 2018

ગાંધીજી, વિનોબા અને સરદાર પટેલ જેવા ઠપકો આપી ચુક્યા છે ડફણાં મારી ચુક્યા છે ત્યાં પ્રણવ મુખર્જી તો બહુ નાના માણસ છે. તેમને તો સૌજન્યના ભાગરૂપે બોલાનારા બે વાક્યો જોઈએ છે જેનો ઉપયોગ કરવામાં આવશે. પ્રણવ મુખર્જીનું આખું પ્રવચન ભૂંસી નાખવામાં આવશે અને હેડગેવારને અંજલિ આપતાં બોલાયેલા પ્રશસ્તિનાં બે વાક્યો યાદ કરવામાં આવશે.

પ્રેરણા કાંઈ પણ હોય, પરિણામ એક જ આવે છે અને પરિણામ હોય છે ખોટા માણસોને પ્રતિષ્ઠા આપવાનું. તેમને એટલું જ જોઈતું હોય છે અને એ મેળવવા માટે તેઓ અથાક પ્રયત્નો કરે છે.

મહાત્મા ગાંધી બીજી ગોળમેજ પરિષદમાં ભાગ લેવા લંડન ગયા, ત્યારે પાછા ફરતા તેઓ ઇટાલીના ફાસિસ્ટ સરમુખત્યાર બેનિટો મુસોલિનીને મળવા ઇટલી ગયા હતા. ગાંધીજી મુસોલિનીને મળવા ગયા, એ પહેલાં સ્વિત્ઝરલૅન્ડ તેમના મિત્ર અને સાહિત્યકાર રોમાં રોલાઁને મળવા ગયા હતા. રોલાઁને જ્યારે ખબર પડી કે ગાંધીજી મુસોલિનીને મળવાના છે, ત્યારે તેમણે ગાંધીજીને ચેતવવાનો અને વારવાનો પ્રયાસ કર્યો હતો. ગાંધીજીએ તેમને કહ્યું કે જો તેઓ મુસોલિનીને મળશે તો એ બેઠક ગુપ્ત નહીં હોય. દરેક અર્થમાં ગુપ્ત નહીં હોય અર્થાત્‌ તેની વિગતો ગાંધીજી ખુલ્લી કરાશે.

મુસોલિનીને ગાંધીજીને મળીને ક્યાં કોઈ કુલડીમાં ગૉળ ભાંગવો હતો, અને એ મહાત્મા સાથે શક્ય નહોતું એની તેને ખબર હતી. મુસોલિનીને તો માત્ર એટલું જોઈતું હતું કે સાંસ્થાનિક દેશો તેમના તરફ આશાની નજરે જોઈ રહ્યા છે, અને તેમના સર્વોચ્ચ નેતા અને વિશ્વવંદ્ય શાંતિદૂત  તેમને મળવા આવ્યા હતા. મેસેજ યુરોપ માટે હતો, ઇટાલીની પ્રજા માટે હતો અને બ્રિટન માટે પણ હતો. ઈટાલિયનો માટે વિશેષ હતો કે જુઓ તમારો નેતા તમે ધારો છો એટલો દુષ્ટ નથી. આખું જગત જેને મહાત્મા તરીકે ઓળખાવે છે એને પણ મુસોલિની મળવા જેવો માણસ લાગે છે. રોમાં રોલાઁએ ફાસીવાદના ચહેરા વિષે અને તેની મોડસ અૉપરૅન્ડી વિષે જાણકારી આપવા છતાં ગાંધીજી માન્યા નહોતા. રોલાઁએ તેમની ડાયરીમાં નોંધ્યું છે કે ગાંધીજીના ચહેરા પર ફાસીવાદી બેનિટો મુસોલિનીને મળવાનું વિલક્ષણ કુતુહલ હતું.

ગાંધીજી ગોળમેજ પરિષદમાં જાય, ત્યારે મુસોલિની સાથે મુલાકાત ગોઠવાય તેની તજવીજ મુસોલિનીએ ઘણી વહેલી શરુ કરી દીધી હતી. પહેલી ગોળમેજ પરિષદ થાય એ પહેલાથી, પરંતુ ગાંધીજી પહેલી ગોળમેજ પરિષદમાં ભાગ લેવા ગયા નહોતા એ જુદી વાત છે. ગાંધીજી ઇટલી આવે અને તેમને મળે એ માટે અનેક પ્રયત્નો કરનારા મુસોલિની ગાંધીજી જ્યારે તેમને મળવા આવ્યા, ત્યારે જાણે કોઈ પત્રકાર ગાંધીજીની મુલાકાત લેતો હોય એમ ઉપરાઉપર પ્રશ્નો પૂછ્યા હતા. છેક છેલ્લે મુસોલિનીએ ગાંધીજીને પૂછ્યું હતું કે યુરોપ વિષે તમે શું વિચારો છો? ગાંધીજીએ કહ્યું હતું કે આજના યુરોપીયન રાષ્ટ્રની ઈમારત શોષણ અને હિંસાના પાયા પર ઊભી છે, જે ઝાઝા દિવસ ઊભી નહીં રહી શકે. તે અચૂક તૂટી પડશે. એ પછી મુસોલિનીએ છેલ્લો પ્રશ્ન પૂછ્યો હતો કે ઇટલી અને રોમ કેવા લાગ્યા? ગાંધીજીએ બે-ચાર વાક્યો પ્રસંશાના કહ્યા એ મુસોલિનીની વધારાની કમાઈ હતી.

મુસોલિનીને ગાંધીજીનાં તત્ત્વજ્ઞાનમાં ક્યાં કોઈ રસ હતો. તેનો ઉદ્દેશ તો ગાંધીજીનો ઉપયોગ કરવાનો હતો. ગાંધીજી મુસોલિનીને મળ્યા, એ પહેલાં રવીન્દ્રનાથ ટાગોર પણ મુસોલિનીને મળ્યા હતા. આઝાદી માટે લડતા એક ગરીબ ગુલામ દેશના બંગાળી ભાષામાં લખતા કવિને મળવા માટે મુસોલિનીએ સમય કાઢ્યો હતો, કારણ તેને આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ જોઈતી હતી. સ્વીકૃતિ ન મળે તો કાંઈ નહીં, કમસેકમ આભડછેટથી મુક્તિ જોઈતી હતી. જુઓ આવા મહાન માણસો અમને મળે છે, અમે તમે માનો છો એટલા દુષ્ટ નથી એવો મેસેજ જવો જોઈએ.

ગાંધીજી-મુસોલિની મુલાકાત વિષે અને ગાંધીજી-હિટલર પત્રવ્યવહાર વિષે ખૂબ લખાયું છે અને હજુ લખાય છે. ટાગોર-મુસોલિની મુલાકાત વિષે તો ‘મિટિંગ વિથ મુસોલિની: ટાગોર્સ ટુર્સ ઇન ઇટલી’ નામનું આખું પુસ્તક લખાયું છે, પરંતુ એની વાત અહીં જવા દઈએ.

૧૯૨૭માં ગાંધીજી રત્નાગિરિ ગયા હતા, જ્યાં વિનાયક દામોદર સાવરકર રત્નાગિરિની બહાર નહીં જવાની શરતે રહેતા હતા. આંદામાન જેલમાંથી છૂટવા માટે વારંવાર માફી માગ્યા પછી અને કાકલૂદી કર્યા પછી અંગ્રેજોએ તેમને સશર્ત છોડ્યા હતા કે તેઓ રત્નાગિરિની બહાર નહીં જાય અને રાજકારણમાં ભાગ નહીં લે. સાવરકરભક્તો કહે છે કે તેમણે દેશને આઝાદી અપાવનારા રાજકારણમાં ભાગ લઈ શકાય, એટલા માટે રણનીતિના ભાગરૂપે માફી માગી હતી, બાકી તેઓ કાયર નહોતા. આંદામાનની જેલમાં સાવરકર હતા એ દરમ્યાન કેદીઓએ એક ડઝન વખત અન્યાય અને અત્યાચાર સામે કે સવલતો મેળવવા માટે આંદોલન કર્યા હતા. સાવરકરે કેદીઓના એક પણ (આય રિપીટ એક પણ) આંદોલનમાં ભાગ લીધો નહોતો. બીજું, આંદામાનમાં જીવન ન વેડફાય અને આઝાદીના અંદોલનમાં ભાગ લઈ શકે એ માટે સાવરકરે માફીઓ માગી હતી એવો બચાવ કરવામાં આવે છે, પરંતુ સાવરકરે તો રાજકારણ નહીં કરવાની શરત સ્વીકારી લીધી હતી અને આખી જિંદગી એ શરત પાળી હતી.

તો ગાંધીજી જ્યારે રત્નાગિરિ ગયા ત્યારે તેમને ખબર હતી કે સાવરકર રત્નાગિરિમાં રહે છે. વળી ગાંધીજી અને સાવરકર લંડનમાં ઇન્ડિયા હાઉસમાં અનેક દિવસ સાથે રહ્યા હતા, સાથે સભા સંબોધી હતી અને ખૂબ ચર્ચાઓ કરી હતી. ગાંધીજીના અમર પુસ્તક ‘હિન્દ સ્વરાજ’માં જે પ્રશ્નકર્તા છે એ મહદ્દઅંશે સાવરકર છે. આમ સાવરકર ગાંધીજી માટે મુસોલિનીની માફક અજાણ્યા નહોતા. તમને ખબર છે? સાવરકરને અને બીજા કેદીઓને આંદામાનની કાળાપાણીની સજામાંથી મુક્તિ મળે, એ માટે ગાંધીજીએ અંગ્રેજ સરકારને પત્ર લખ્યો હતો અને તેમના કહેવાથી કોંગ્રેસે ઠરાવ પસાર કર્યો હતો જેનો ઉલ્લેખ સાવરકરના કોઈ લખાણમાં નથી. અહેસાન ફરામોશી તેમના માટે નવી નહોતી.

આમ ગાંધીજી જ્યારે રત્નાગિરિ ગયા, ત્યારે કોંકણના ગાંધી તરીકે ઓળખાતા અપ્પાસાહેબ પટવર્ધને ગાંધીજીને પૂછ્યું હતું કે તમે સાવરકરને મળશો? ગાંધીજી મળે એવી સાવરકરની ઈચ્છા હતી અને એ માટે તેમણે અપ્પાસાહેબ દ્વારા દાણા નાખ્યા હતા. ગાંધીજીએ કોઈ જવાબ આપ્યો નહોતો. અપ્પાસાહેબે ગાંધીજીને કહ્યું હતું કે તેઓ સાવરકરના સંપર્કમાં છે અને સલાહ માગી હતી કે સાવરકર સાથે કામ કરવું જોઈએ કે નહીં? ગાંધીજીનો ઉત્તર માર્મિક હતો: ‘આમ તો વાંધો નહીં, પણ જરા સંભાળીને. બહુ ઊંડો માણસ છે’. આ વાતચીત પરથી સમજાશે કે ગાંધીજીને સાવરકરને મળવામાં ખાસ કોઈ રસ નહોતો. એ દિવસે સાંજે ગાંધીજીની સત્કારસભા હતી જેમાં એક માણસ સાવરકરની ચિઠ્ઠી લઈને આવ્યો હતો, જેમાં સાવરકરે લખ્યું હતું કે આજની સભામાં ઉપસ્થિત રહેવાની મારી ખૂબ ઈચ્છા હતી, પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે આવી શક્યો નથી. 

કોઈ માણસ બીમાર હોવાનું કહે અને તેની ખબર કાઢ્યા વિના ગાંધીજી જતા રહે એવું કદી બને? ગાંધીજી બીજા દિવસે સાવરકરને મળવા ગયા. વાતચીત પછી જ્યારે ગાંધીજી ઊઠ્યા ત્યારે તેમણે સાવરકરને કહ્યું કે અંદરથી શ્રીમતી સાવરકરને બોલાવો. કસ્તૂરબાને અનેક કષ્ટો સહન કરનારા મહાન તપસ્વિની યમુનાબહેનના દર્શન કરવાં છે અને એ સારું મારી સાથે આવ્યાં છે. આ એક વાક્યમાં ગાંધીજીએ ઘણું બધું કહી દીધું હતું કે ખરી હિંમતવાન અને ધૈર્યશીલ વ્યક્તિ કોણ છે. પણ આ તો સાવરકર હતા. તેમણે પોતે પોતાને કેન્દ્રમાં રાખીને ગાંધીજી કેટલો સાવરકરનો અનુનય કરતા હતા અને ગાંધીજી સાવરકરને મળવા માટે કેટલા ઉત્સુક હતા એવો અહેવાલ લખ્યો હતો અને મુંબઈના ‘શ્રદ્ધાનંદ’ નામના મરાઠી સપ્તાહિકમાં મોકલ્યો હતો જેને આજે ઐતિહાસિક તથ્ય તરીકે માનવામાં આવે છે. બાકી અપ્પાસાહેબની આત્મકથા કે બીજા સમકાલીન સાધનો તપાસશો તો આનાથી સાવ વિપરીત માહિતી મળે છે.

એ અહેવાલમાં ગાંધીજી સાવરકર માટે કેટલો ‘પૂજ્ય બુદ્ધિભાવ’ (આ શબ્દ સાવરકરનો ગમતો શબ્દ છે અને પોતે પોતાના માટે સેંકડોવાર પ્રયોજ્યો છે. સમગ્ર સાવરકરના દસ ખંડ વાંચશો, તો ચીતરી ચડી એટલી વખત અને એટલી હદે આ શબ્દ મળતો રહેશે.) ધરાવતા હતા એની વિગતો આપવામાં આવી છે. આ જગતનો દરેક મહાન માણસ સાવરકર માટે પૂજ્ય બુદ્ધિભાવ ધરાવતો હતો, શરત એટલી કે એ સાવરકરના સંપર્કમાં આવ્યો હોય. હકીકત તો એ છે કે ગાંધીજીએ અને કસ્તૂરબાએ યમુનાતાઈ સાવરકર માટે ‘પૂજ્ય બુદ્ધિભાવ’ વ્યક્ત કર્યો હતો, પરંતુ તેનો ‘શ્રદ્ધાનંદ’ના અહેવાલમાં કોઈ ઉલ્લેખ નથી. ન જ હોય સ્વાભાવિક છે.

૧૯૩૪માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે વર્ધામાં સ્વયંસેવકોની શિબિરનું આયોજન કર્યું હતું. એને માટે દિવસ એવો પસંદ કરવામાં આવ્યો હતો જ્યારે ગાંધીજી વર્ધામાં હોય. સંઘના સ્થાપક ડૉ. હેડગેવારે જમનાલાલ બજાજ દ્વારા ગાંધીજીને સમજાવ્યા હતા કે તેમણે સંઘનું કામ જોવું જોઈએ અને સ્વયંસેવકોનું માર્ગદર્શન કરવું જોઈએ. સ્વયંસેવકો ગાંધીજીને મળવા અને સાંભળવા ઉત્સુક છે. શિબર વર્ધામાં જ હતી એટલે ગાંધીજી ગયા હતા. ત્યાં તેમણે સંઘની શિસ્તના સ્વયંસેવકોની સાદગીનાં વખાણ કર્યા પછી બીજી ઘણી વાત કહી હતી, પરંતુ મુસોલિની અને સાવરકરની માફક તેની સાથે તેમને કોઈ સંબન્ધ નહોતો. સંઘના સ્વયંસેવકો ગાંધીજીની હત્યા માટે ગાંધીવધ શબ્દ વાપરે છે. સંઘના સ્વયંસેવકો ૧૯૬૯થી સવારની પ્રાર્થનામાં ગાંધીજીને પ્રણામ કરે છે, પરંતુ ગાંધીજીની હત્યાને ગાંધીવધ તરીકે ઓળખાવવાનું હજુ બંધ કર્યું નથી.

તેઓ ગાંધીજીએ આપેલા શિસ્ત અને સાદગીના પ્રમાણપત્રનો ઉપયોગ કરે છે, પરંતુ ગાંધીજીએ સંઘના નેતાઓને આપેલા ઠપકાનો અને આપેલી સલાહોનો ઉલ્લેખ કરતા નથી. જરૂર શું છે? જે જોઈતું હતું એ જમનાલાલ બજાજનો ઉપયોગ કરીને મળી ગયું હતું. ગાંધીજીનાં બે વાક્યોનો સંઘ ઉપયોગ કરે છે; પરંતુ સંઘની નિંદાના, સલાહના કે ઠપકાના બે હજાર વાક્યોનો તેઓ ઉલ્લેખ કરતા નથી. તમે શિસ્તબદ્ધ સાદગી ધરાવનારા રાષ્ટ્રવાદી છો એ સર્ટિફિકેટ મોટું કે તમે ફાસીવાદી પ્રવૃત્તિ કરો છો એ નિંદા મોટી? પરંતુ બીજી વાત લોકો સુધી પહોંચાડીએ ત્યારેને?

ગોલવલકર ગુરુજીના ‘બન્ચ ઓફ થોટ્સ’ નામના પુસ્તકને સંઘના બાયબલ તરીકે જોવામાં આવે છે. એ પુસ્તકના છેલ્લા કવર પર વિનોબા ભાવેની ગોલવલકરની કરેલી પ્રશસ્તિ ટાંકવામાં આવી છે. બસ, સાવરકરની ભાષામાં કહીએ તો પૂજ્ય બુદ્ધિભાવના ગણીને બે વાક્યો ઉપાડી લેવાના. જો હિંમત હોય તો સંઘવાળાઓ આખા સંદર્ભ સાથેનું વિનોબાનું નિવેદન પ્રકાશિત કરે. કોઈના નિવેદનોમાંથી, પ્રવચનોમાંથી, પત્ર વ્યવહારમાંથી સેરવીને સંદર્ભો તોડીને અનુકૂળ આવે એવા કથનોનો ઉપયોગ કરવો એ બેઈમાની છે.

બિહારઅંદોલન વખતે જયપ્રકાશ નારાયણને પણ આવો અનુભવ થયો હતો. હકીકતમાં સંઘની અને બી.જે.પી.ની પ્રતિષ્ઠા અને શક્તિ વધારવામાં જયપ્રકાશના બિહાર અંદોલનનો બહુ મોટો હાથ છે. એ પહેલાં ભારતના બહુમતી હિંદુઓ સંઘને ઘાસ નાખતા નહોતા અને સંઘના લોકોની ઠેકડી ઉડાડતા હતા. એક સમય હતો જ્યારે ઓફિસોમાં લંચ ટાઈમમાં ટાઇમ પાસ કરવાનો અને આનંદ મેળવવાનો રોજનો હાથવગો માણસ સંઘનો સ્વયંસેવક ગણાતો. મજા લેવા કોઈ ચાહી કરીને ગણપતિની વાત કાઢે એટલે તરત સ્વયંસેવક કહેશે કે પ્રાચીન ભારતમાં પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવતી હતી અને ગણપતિ તેનું ઉદાહરણ છે. એ પછી ઠહાકા અને ખીંચાઈ. જે કથનથી કર્મચારીઓની બપોર સુધરી જતી એ કથન ભારતના વડા પ્રધાને મુંબઈ યુનિવર્સિટીના પ્રાંગણમાં વિજ્ઞાનીઓ વચ્ચે કર્યું હતું અને કેટલાક વિજ્ઞાનીઓએ તાળીઓ પાડીને વધાવી લીધું હતું.

આ મોટા માણસોએ નાના માણસોને આપેલાં પ્રમાણપત્રોનું પરિણામ છે. એ પ્રમાણપત્ર ભલે બે વાક્યમાં અને સૌજન્યના ભાગરૂપે હતાં, પણ હતાં તો ખરા જ. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ખબર હોવી જોઈએ કે જ્યાં સંકીર્ણ અને વિકૃત વિચારો પ્રગટ થતા હોય, એનું ઘૂંટી ઘૂંટીને સ્વયંસેવકોને પાન કરાવવામાં આવતું હોય, આંખમાં આંજણ કરવામાં આવતું હોય અને એના આધારે દેશને જોડવાની જગ્યાએ તોડવાની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં જાણે-અજાણે પણ સર્ટિફિકેટો આપવાનાં ન હોય. ગાંધીજીથી લઈને જયપ્રકાશ નારાયણ સુધીના લોકોનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તે પ્રણવદા જાણતા જ હોવા જોઈએ.

પ્રણવ મુખર્જી સહિત અનેક લોકો એવો ભ્રમ ધરાવે છે કે સંઘના મંચથી દૂર રહેવાની જગ્યાએ ત્યાં જવું જોઈએ, અને ત્યાં ઉદારમતવાદનો મહિમા કરીને અને સંકીર્ણ વિચારધારાની નિંદા કરીને તેમને ઠોકવા જોઈએ. તેઓ એ નથી જાણતા કે સંઘને એનાથી કોઈ ફરક નથી પડતો. ગાંધીજી, વિનોબા અને સરદાર પટેલ જેવા ઠપકો આપી ચૂક્યા છે ડફણાં મારી ચૂક્યા છે, ત્યાં પ્રણવ મુખર્જી તો બહુ નાના માણસ છે. તેમને તો સૌજન્યના ભાગરૂપે બોલાનારાં બે વાક્યો જોઈએ છે જેનો ઉપયોગ કરવામાં આવશે. પ્રણવ મુખર્જીનું આખું પ્રવચન ભૂંસી નાખવામાં આવશે અને હેડગેવારને અંજલિ આપતાં બોલાયેલાં પ્રશસ્તિનાં બે વાક્યો યાદ કરવામાં આવશે.

મુસોલિની હોય, સાવરકર હોય કે સંઘ હોય મોડસ અૉપરૅન્ડી એક સમાન છે: સજ્જનોના સૌજન્યનો દુરુપયોગ. ગાંધીજી, વિનોબા, સરદાર અને જયપ્રકાશ નારાયણના અનુભવ પછી પ્રણવ મુખર્જીએ ભ્રમમાં રહેવાની જરૂર નહોતી.

સૌજન્ય : ‘નો નોનસેન્સ’ નામક લેખકની કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 10 જૂન 2018

Loading

ગુજરાતના ઇતિહાસ અંગેનું પહેલવહેલું પુસ્તક

દીપક મહેતા|Opinion - Literature|9 June 2018

કાળચક્રની ફેરીએ

“હજી સુધી ગુજરાતી ભાષામાં કોઈ એવો ગ્રંથ થઓ નથી કે, તેથી કરીને ત્યાંહાંના રેહેવાશીઓ પણ પોતાના દેશની અવસ્થા જાણે, ને જે જે રાજાઓ તથા બાદશાહો એઓ ઉપર અમલ કરી ગઆ હોએ, તથા જે શેહેરોમાં પોતે રેહે છે, તે કઆ રાજા અથવા બાદશાહે આબાદ કર્યાં એટલે વસાવ્યાં, તે સરવે માલમ પડીને મનમાં સરવે વાતો પરકાશી રેહે, અને છેલ વેહેલું હાલ જે લોક તેમનાં ઉપર અધીકાર કરે છે, તેમની વૃધી એ પ્રાંતમાં શી રીતે થઈ, તે પણ તેઓ જાણે. માટે આ ચોપડી તઈઆર કરી છે ને તેહેનું નાંમ ગુજરાતનો ઈતિહાસ પાડ્યું છે.” (અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે.)

આ શબ્દો લખાયા છે ૧૮૫૦માં. અને એ લખનાર હતા અમદાવાદની ગવર્નમેન્ટ ઇંગ્લિશ સ્કૂલના છઠ્ઠા ધોરણમાં ભણતા એક પારસી વિદ્યાર્થી નામે એદલજી ડોસાભાઈ. ગુજરાતના ઇતિહાસ વિષે લખાયેલા અને છપાયેલા પહેલવહેલા પુસ્તકના લેખક. ૧૮૫૦માં અમદાવાદના બાજીભાઈ અમીચંદના છાપખાનામાં ૧૬૮ પાનાંનું આ પુસ્તક લિથોગ્રાફ, એટલે કે શિલાછાપ પદ્ધતિથી છપાયું છે. તેની લિપિ ગુજરાતી છે, પણ અક્ષરો ઉપર સળંગ રેખા દોરેલી છે. પણ તે હિન્દી-મરાઠી જેવી શિરોરેખા નથી. બધા અક્ષરો સીધી લીટીમાં લખી શકાય તે માટે દોરેલી લીટીઓ છે. મુંબઈ અને સુરતમાં ગુજરાતી છાપકામની શરૂઆત મૂવેબલ ટાઇપ વાપરતાં છાખાનાથી થઇ. ત્યાં શિલાછાપ છાપખાનાં પછીથી આવ્યાં. જ્યારે અમદાવાદમાં છેક ૧૮૪૫ સુધી એક પણ છાપખાનું નહોતું. ૧૮૪૫ કે ૧૮૪૬માં શરૂ થયેલું બાજીભાઈ અમીચંદનું છાપખાનું એ અમદાવાદનાં પહેલાં બે છાપખાનામાંનું એક.

ખેર, પુસ્તકના ટાઈટલ પેજ પર આમ છાપ્યું છે:

“ગુજરાતનો ઈતિહાસ
ગુજરાતી વરનાક્યુલર સોસાઈટીનેં માટે
એદલજીડોસાભાઈએ
રચ્યો.”

પણ આટલું વાંચવાથી આ પુસ્તક અને સોસાયટી વચ્ચેનો સંબંધ પૂરેપૂરો સમજાતો નથી. સોસાયટીની શરૂઆતથી જ તે ‘નિબંધ સ્પર્ધા’ યોજતી હતી. આવી પહેલી સ્પર્ધામાં મળેલ કવિ દલપતરામનો ‘ભૂત નિબંધ’ ઇનામને પાત્ર ઠર્યો હતો અને સોસાયટીએ તે પ્રગટ કર્યો હતો એ હકીકત જાણીતી છે. બીજે વર્ષે ‘ગુજરાતનો ઈતિહાસ’ વિષય અંગે ‘નિબંધ સ્પર્ધા’ યોજાઈ હતી. એદલજી ડોસાભાઈને આ હરીફાઈમાં ભાગ લેવા તેમની નિશાળના માસ્તર ભોગીલાલ પ્રાણવલ્લભદાસે કહ્યું હતું. અને તેમનો આ નિબંધ ઇનામને પાત્ર ઠર્યો હતો. સોસાયટીના ૧૮૫૦ના વર્ષના અહેવાલમાં તેના સેક્રેટરી એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસે લખ્યું હતું:

“While on this subject, I may add that I have in my possession a compilation by Edalji Dosabhai, written in very good Gujarati, and giving a useful summary of the History of the province. This may be published immediately, and may be a very good school-book.”

(સોસાયટીને ઉપયોગી થાય તેવાં મારી પાસેનાં પુસ્તકોમાં ગુજરાતનો ઇતિહાસ નામનું એદલજી ડોસાભાઈએ લખેલું પુસ્તક ખૂબ સારી ભાષામાં લખાયું છે અને તેમાં આપેલો ગુજરાતના ઇતિહાસનો સારાંશ ઉપયોગી થાય તેવો છે. તે બને તેટલું જલદીથી પ્રગટ થવું જોઈએ. નિશાળોમાં શીખવવા માટે તે ઘણું કામ લાગે તેવું છે.)

૧૮૫૦માં ફાર્બસની બદલી અમદાવાદ બહાર થતાં તેમની જગ્યાએ જ્યોર્જ સીવર્ડ સોસાયટીના સેક્રેટરી બન્યા. ૧૮૫૧ના વર્ષના અહેવાલમાં તેમણે લખ્યું:

“The second publication is the History of Gujarat by Edalji Dosabhai. It is essentially a school-book and a very useful one too, and is now used in all the vernacular schools of the city. Two hundred copies were published, of which very few remain.”

(સોસાયટીનું બીજું પ્રકાશન છે ગુજરાતના ઇતિહાસ વિશેનું ડોસાભાઈ એદલજીનું પુસ્તક. મૂળે તે નિશાળોમાં શીખવવા માટેનું છે, અને તે રીતે તે ખૂબ ઉપયોગી સાબિત થયું છે. શહેરની બધી વર્નાક્યુલર સ્કૂલોમાં હવે તે વપરાય છે. તેની કુલ ૨૦૦ નકલ છપાઈ હતી તેમાંથી હવે બહુ થોડી નકલો સિલકમાં રહી છે.)

એટલે કે, દલપતરામની જેમ એદલજી પણ નિબંધ હરીફાઈમાં ઇનામ જીત્યા હતા. સોસાયટીનું પહેલું પ્રકાશન તે ભૂત નિબંધ, તો આ ગુજરાતનો ઇતિહાસ એ તેનું બીજું પ્રકાશન. પુસ્તકની બીજી આવૃત્તિ સોસાયાટીએ પ્રગટ કરી હતી, અને ત્રીજી આવૃત્તિ બાજીભાઈ અમીચંદે પોતાને ખર્ચે પ્રગટ કરી હતી, પણ તે બંને આવૃત્તિની સાલ જાણવા  મળી નથી. સર એલેક્ઝાન્ડર ગ્રાન્ટના કેટલોગને આધારે અચ્યુત યાજ્ઞિક અને કિરીટ ભાવસાર તેમની ‘ગુજરાતી આદિમુદ્રિત ગ્રંથોની સૂચિ’(૨૦૦૪)માં ડોસાભાઈના આ પુસ્તકની પ્રકાશન સાલ ૧૮૪૮ આપે છે, પણ તે શક્ય જ નથી. કારણ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના જ ૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મી તારીખે થઇ હતી. એટલું જ નહિ, આ લખનારે જોયેલી નકલ પર પ્રકાશન સાલ સ્પષ્ટ રીતે ૧૮૫૦ છાપી છે.

પુસ્તકને લેખકે બે ભાગમાં વહેંચ્યું છે. ‘અશલનાં વારાથી તે સોલમા સહીકાં સુધીની વાત’ પહેલા ભાગમાં છે. અને ‘શતરમાંથી તે આજ સુધીની વાત’ બીજા ભાગમાં છે. પહેલા ભાગમાં ૧૫ પ્રકરણ છે. પહેલા પ્રકરણમાં ગુજરાતનાં ભૌગોલિક સીમા, કદ, પવિત્ર જગ્યાઓ, નદીઓ, બંદરો, શહેરો, પેદાશ, ધંધા, વસ્તી વગેરે અંગેની વિગતો આપી છે. બીજા પ્રકરણમાં પાટણ શહેર વસાવનાર વનરાજ અંગેની વાતથી ઇતિહાસ શરૂ થાય છે. ત્રીજો મુઝફ્ફરશાહ ગુજરાતની ગાદીએ આવ્યો ત્યાં ૧૫મું પ્રકરણ પૂરું થાય છે. બીજા ભાગના પહેલા પ્રકરણમાં લેખકે ગુજરાતના રાજાઓની પડતી અંગેનાં કારણોની ચર્ચા કરી છે. અને પછી મુસ્લિમ શાસનની વાત આગળ વધારી છે. છઠ્ઠું પ્રકરણ શિવાજીના આક્રમણ અંગે છે. અંગ્રેજોએ સુરતનો કિલ્લો લીધો ત્યાંથી આઠમું પ્રકરણ શરૂ થાય છે. પુસ્તકનાં છેલ્લાં દસ પાનાં ‘ઈનડેકસ એટલે સુચીપત્ર’ રોકે છે. તેમાં લેખકે વિગતવાર સૂચી રજૂ કરી છે. ગુજરાતી પુસ્તકમાં આવી સૂચી અહીં પહેલી વાર મૂકાઈ છે તેવો દાવો લેખકે પ્રસ્તાવનામાં કર્યો છે. પણ હકીકતમાં ૧૮૫૦ પહેલાં પ્રગટ થયેલાં બીજાં કેટલાંક પુસ્તકોમાં સૂચી મૂકવામાં આવેલી જોવા મળે છે. સંભવ છે કે એદલજીના જોવામાં તે પુસ્તકો આવ્યાં નહિ હોય. એદલજીએ આ પુસ્તક લખ્યું ત્યાં સુધીમાં ગુજરાતના ઇતિહાસ અંગે ગુજરાતીમાં તો નહિ જ, પણ અંગ્રેજીમાં ય એક પણ પુસ્તક પ્રગટ થયું નહોતું. હા, ‘મિરાતે અહમદી’નો જેમ્સ બર્ડે કરેલો અનુવાદ ૧૮૩૫માં પ્રગટ થયો હતો. એદલજીએ તેનો તથા ગ્રાન્ટ ડફના ત્રણ ભાગમાં લખાયેલા ‘ધ હિસ્ટ્રી ઓફ મરાઠાઝ’નો અને ઇસ્ટ ઇન્ડિયા ગેઝેટિયરનો ઉપયોગ કરીને આ પુસ્તક લખ્યું હતું. અને યાદ રહે, આ બધું કરતી વખતે તેઓ સ્કૂલના છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થી હતા.

હવે ફાસ્ટ ફોરવર્ડ ટુ ૧૮૯૪. એક સાથે બે વાત. એ વર્ષે એદલજી સરકારી નોકરીમાંથી પેન્શન લઇ નિવૃત્ત થયા. અને બીજી વાત એ કે ૧૮૯૪ના મે મહિનાની ૧૫મી તારીખે એદલજીનું બીજું પુસ્તક પ્રગટ થયું, અંગ્રેજીમાં. ૩૭૬ પાનાંના આ પુસ્તકનું નામ છે ‘અ હિસ્ટ્રી ઓફ ગુજરાત.’ પ્રસ્તાવનામાં લેખક જણાવે છે કે ૧૮૫૦માં ગુજરાતી પુસ્તક પ્રગટ થયું ત્યારથી તેની અંગ્રેજી આવૃત્તિ કરવાનો મનસૂબો હતો. પણ સરકારી નોકરીને કારણે તેમ કરી શકાયું નહિ. ૪૪ વર્ષના ગાળામાં ગુજરાતના ઇતિહાસ વિષે ઘણી નવી સામગ્રી બહાર આવી હતી. ફાર્બસની ‘રાસમાળા’ (૧૮૫૬) ઉપરાંત બીજાં પુસ્તકો અને સંશોધન લેખો પ્રગટ થયાં હતાં. એટલે લેખકે અંગ્રેજી પુસ્તક નવેસરથી લખવાનું નક્કી કર્યું. અને જો નવેસરથી લખવું હોય તો વાતને છેક વર્તમાન સમય સુધી લઇ આવવી જોઈએ એમ તેમને લાગ્યું. આથી છેક ૧૮૯૨ સુધીની ઘટનાઓને તેમણે અહીં આવરી લીધી છે. પુસ્તકને અંતે સુખ, શાંતિ, ન્યાયવાળા સુશાસન માટે લેખક અંગ્રેજોનો આભાર માને છે, અને રાણી વિક્ટોરિયાનું રાજ અમર તપો એવી પ્રાર્થના સાથે પુસ્તક પૂરું કરે છે. નવાં પુસ્તકો-લેખો ઉપરાંત તેમણે સરકારી ગેઝેટિયર અને એન્યુઅલ એડમિનિસ્ટ્રેશન રિપોર્ટનો પણ અભ્યાસ કર્યો. રેવરન્ડ જ્યોર્જ પી. ટેલર અને ઈ. જાઈલ્સ જેવા અંગ્રેજ મિત્રોની મદદ લીધી. જે સાત અંગ્રેજી પુસ્તકોનો ઉપયોગ કર્યો તેનાં નામ લેખકે પ્રસ્તાવનામાં નોંધ્યાં છે. પુસ્તકને અંતે દસ પરિશિષ્ટો અને સૂચી પણ મૂક્યાં છે. આવું દળદાર પુસ્તક કાંઈ રાતોરાત લખાય નહિ. એટલે દેખીતું છે કે સરકારી નોકરીનાં વર્ષો દરમ્યાન એદલજી આ પુસ્તક માટેની તૈયારી કરતા રહ્યા હતા, અને તે લગભગ લખાઈ જ નહિ, છપાઈ પણ ગયું હોવું જોઈએ. કારણ, હેન્ડ કમ્પોઝના એ જમાનામાં બે-પાંચ દિવસમાં પુસ્તક છાપી નાખવાનું તો શક્ય જ નહોતું.  

૧૮૫૦માં ‘ગુજરાતનો ઇતિહાસ’ પુસ્તક પ્રગટ થયું ત્યારે એદલજી સ્કૂલમાં ભણતા હતા એ આપણે અગાઉ જોયું. કેટલું ભણ્યા તે તો જાણવા મળતું નથી, પણ ‘પારસી પ્રકાશ’(દફતર ૨, ૩)માં જણાવ્યા પ્રમાણે ભણી લીધા પછી ૧૭ વર્ષની ઉંમરે સરકારી નોકરીમાં જોડાયા હતા. આમોદ, ચીખલી, બારડોલી, વલસાડ નડિયાદ વગેરે જગ્યાએ મામલતદાર તરીકે કામ કર્યું હતું. ૧૮૭૪થી અમદાવાદ, ભરૂચ અને ખેડામાં ડેપ્યુટી કલેકટરના હોદ્દે રહ્યા હતા. ૧૮૯૪ના વર્ષમાં તેમના જીવનમાં ત્રીજી ઘટના પણ બની. એ વર્ષના મે મહિનાની ૨૪મી તારીખે સરકારે એદલજીને ખાનબહાદુરનો ઈલ્કાબ એનાયત કર્યો હતો. તે પછી ત્રણ વર્ષે, ૧૮૯૭ના જૂનની ૧૪મી તારીખે ૬૪ વર્ષની ઉંમરે એદલજી ડોસાભાઈનું અમદાવાદમાં અવસાન થયું હતું.

XXX   XXX   XXX

e.mail : deepakbmehta@gmail.com

સૌજન્ય : “શબ્દ સૃષ્ટિ”, જૂન 2018

Loading

...102030...3,1203,1213,1223,123...3,1303,1403,150...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved