Opinion Magazine
Number of visits: 9686231
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉત્તર કોરિયા : કિડનેપિંગ, ફિલ્મ ઓર ધોખા

વિશાલ શાહ|Opinion - Opinion|25 June 2018

અત્યાર સુધી દુનિયાના અનેક દેશોના વડાઓએ સિંગાપોરની મુલાકાત લીધી હશે, પરંતુ ઇતિહાસમાં આજ સુધી ક્યારે ય કોઈ નેતાને આવકારવા સિંગાપોરની ગલીઓમાં આટલાં લોકો જમા નથી થયાં. આપણા મહાન નેતાને આદર આપવા લોકો રસ્તા પર ઊભરાઈ રહ્યા છે. આપણા પૂજનીય નેતા તેમની અસામાન્ય રાજકીય કુનેહથી જટિલ વૈશ્વિક રાજકારણને યોગ્ય દિશામાં લઇ જઇ રહ્યા છે…

પ્રશંસાથી ફાટ-ફાટ થઇ રહેલા શબ્દો ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન માટે કહેવાયા છે. ઉત્તર કોરિયાએ પોતાના 'મહાન' નેતા અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની 'ઐતિહાસિક' મુલાકાત વિશે ૪૨ મિનિટની ડોક્યુમેન્ટ્રી બનાવી છે. કોરિયન સેન્ટ્રલ ટેલિવિઝને બનાવેલી આ શોર્ટ ફિલ્મમાં કિમ જોંગ ઉનના એટલા બધા વખાણ કરાયા છે કે, 'ખુશામત' શબ્દ પણ ઓછો પડે. યૂ ટ્યૂબ પર જોવા મળતી આ ફિલ્મ કોરિયન ભાષામાં છે પણ અમેરિકન મીડિયાએ તેનો અનુવાદ કરાવીને નોંધ લીધી છે. તેમાં કિમ જોંગ ઉનને 'વેરી ટેલેન્ટેડ' કહેનારા ટ્રમ્પને પણ 'કુશળ' નેતા તરીકે રજૂ કરાયા છે. ચીવટપૂર્વક એડિટ કરાયેલી આ ફિલ્મમાં કિમ જોંગ ઉન બોલતા હોય ત્યારે ટ્રમ્પ ધ્યાનથી સાંભળતા હોય અને ક્યારેક હકારમાં માથું હલાવતા હોય એવા ‘રમૂજી’ દૃશ્યો પણ જોવા મળે છે.

https://www.youtube.com/watch?v=iXPX53XUZqs

એક સમયે કિમ જોંગને 'રોકેટ મેન' કહીને ઉત્તર કોરિયાને ખેદાનમેદાન કરી નાંખવાની ધમકી આપનારા ટ્રમ્પ માટે હવે તેઓ 'રોક સ્ટાર' કહે છે. એવી જ રીતે, ટ્રમ્પને 'માનસિક રીતે વિકૃત અમેરિકન ડોસો' કહેનારા કિમ જોંગ માટે ટ્રમ્પ હવે 'રિસ્પેક્ટેબલ ફ્રેન્ડ' છે.

***

કિમ જોંગ ઉનને ફિલ્મોનું વળગણ વારસામાં મળ્યું છે. તેમના પિતા કિમ જોંગ ઇલે ઉત્તર કોરિયાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા એવું પરાક્રમ કર્યું હતું, જે આજે ય ઉત્તર કોરિયાના સરમુખત્યારશાહી ઇતિહાસનું સૌથી બદનામ પ્રકરણ છે.

સિત્તેરના દાયકામાં ઉત્તર કોરિયાના સર્વસત્તાધીશ નેતા કિમ ઇલ સંગ હતા. ૧૯૪૮માં ઉત્તર કોરિયાનું સર્જન થયું ત્યારથી તેઓ ઉત્તર કોરિયામાં 'રાજ' કરી રહ્યા હતા. કિમ ઇલ સંગે બે લગ્ન કર્યા હતા, જે થકી તેમને છ સંતાન હતા. આ સંતાનોમાં સૌથી મોટા અને અત્યંત મહત્ત્વાકાંક્ષી પુત્ર કિમ જોંગ ઇલની ઉત્તર કોરિયામાં ફેં ફાટતી હતી. ફક્ત ૨૫ જ વર્ષની ઉંમરે જ કિમ જોંગ ઇલે પિતાની મંજૂરીથી ઉત્તર કોરિયામાં સૌથી મહત્ત્વનું ગણાતું પ્રોપેગેન્ડા એન્ડ એજિટેશન ડિપાર્ટમેન્ટ (બોલો, ત્યાં આવું પણ સત્તાવાર ખાતું છે) સંભાળી લીધું હતું. આ વિભાગ હેઠળ ઉત્તર કોરિયાની સરકાર ફિલ્મો, નાટકો અને પુસ્તક પ્રકાશન કરીને લોકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનું તત્ત્વ જળવાઈ રહે તેનું બરાબર ધ્યાન રાખતી.

૧૯૪૮માં ઉત્તર કોરિયાની રચના થઇ ત્યારથી ૧૯૯૪ સુધી મૃત્યુપર્યંત શાસન કરનારા કિમ ઇલ  સંગ (ડાબે) અને તેમના પુત્ર કિમ જોંગ ઇલ

આ વિભાગનું કામ હાથમાં લેતા જ કિમ જોંગ ઇલના શેતાની દિમાગમાં એક વિચાર ઝબક્યો. કિમ જોંગ ઇલ ઉત્તર કોરિયાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવવા ઈચ્છતો હતો. એ માટે તેને સિનેમાની આર્ટ અને બિઝનેસનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા ફિલ્મ સર્જકોની જરૂર હતી. પાડોશી દેશ દક્ષિણ કોરિયા દુનિયા સાથે જોડાયેલું હોવાથી ત્યાં ખૂબ સારી ફિલ્મો બનતી અને દુનિયાભરમાં વખણાતી પણ ખરી. સિનેમાનું બહોળું જ્ઞાન ધરાવતા કિમ જોંગ ઇલને આ વાત ખૂબ જ ખૂંચતી. તેની પાસે હોલિવૂડ અને હોંગકોંગની વીસેક હજાર ફિલ્મોનું કલેક્શન હતું. શોન કોનેરી અને એલિઝાબેથ ટેલર તેના પ્રિય કલાકારો હતાં. ૧૯૭૩માં તેણે 'આર્ટ ઓફ સિનેમા' નામનું પુસ્તક પણ લખ્યું હતું. કિમ જોંગ ઇલના પુત્ર કિમ જોંગ ઉન આજે ય આ પુસ્તકમાં રજૂ કરાયેલી 'પ્રચારની થિયરી'નો કલા અને સિનેમા ક્ષેત્રે ચુસ્ત અમલ કરે છે.

એ વર્ષોમાં દક્ષિણ કોરિયામાં શીન સાંગ-ઓક સૌથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર હતા. અગાઉ તેમણે ચોઇ ઇયુન-હી ઉર્ફ મેડમ ચોઇ નામની દક્ષિણ કોરિયાની અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા. કોરિયન ઉપખંડ, હોંગકોંગ અને ચીન જેવા દેશોમાં પણ તે સૌથી ગ્લેમરસ દંપતી ગણાતું. આ દંપતીએ શીન સ્ટુડિયો હેઠળ બનાવેલી અનેક ફિલ્મો દક્ષિણ કોરિયામાં અને દુનિયાભરના ફિલ્મ ફેસ્ટિવલોમાં વખણાઈ હતી. જો કે, ૧૯૭૬માં શીન સાંગ-ઓકના અન્ય એક અભિનેત્રી સાથેના સંબંધથી બે બાળક હોવાની વાત બહાર આવતાં ચોઇએ તેમની સાથે છૂટાછેડા લઇ લીધા હતાં.

કિમ જોંગ ઇલે મનોમન નક્કી કર્યું કે, આ બંનેનું અપહરણ કરીને ઉત્તર કોરિયા લઇ આવીએ તો આપણે પણ ઉત્તમ ફિલ્મો બનાવી શકીએ. કિમ જોંગ ઇલના આદેશ પ્રમાણે ઉત્તર કોરિયાના જાસૂસોએ ૨૨મી જાન્યુઆરી, ૧૯૭૮ના રોજ હોંગકોંગના રિપલ્સ બે એરિયામાંથી ચોઇનું અપહરણ કરી લીધું. ચોઇ અચાનક ગાયબ થઇ જતાં હોબાળો મચી ગયો, પરંતુ કોઈ જાણતું ન હતું કે તેઓ ક્યાં છે. કિમ જોંગ ઇલે ચોઇને ઉત્તર કોરિયાના દરિયા કિનારાના નામ્પો શહેરમાં લાવવાનો હુકમ કર્યો હતો. નામ્પોમાં ચોઇને એક ભવ્ય વિલામાં બંદી બનાવી લેવાયાં, પરંતુ તેમને એક અભિનેત્રીને છાજે એવી તમામ સુખસુવિધા અપાઈ.

કિમ જોંગ ઇલ વૃદ્ધાવસ્થામાં પોતાના પુત્ર અને ઉત્તર કોરિયાના વર્તમાન શાસક કિમ જોંગ ઉન સાથે

ચોઇ તો કોરિયાની લોકસંસ્કૃિત, ઇતિહાસ અને ભૂગોળથી સારી રીતે વાકેફ હતાં જ, પરંતુ કિમ જોંગ ઇલની આગેવાનીમાં તેમને સમગ્ર ઉત્તર કોરિયાનો પ્રવાસ કરાવાયો. રાજધાની પ્યોંગયાંગના સ્મારકો, મ્યુિઝયમો અને અન્ય મહત્ત્વનાં સ્થળો બતાવાયાં. કિમ જોંગ ઇલે પોતાના પિતા અને ઉત્તર કોરિયાના તત્કાલીન સર્વસત્તાધીશ કિમ ઇલ સંગની સિદ્ધિઓનું જ્ઞાન આપવા ચોઇ માટે એક ખાસ શિક્ષકની નિમણૂક કરી. કિમ જોંગ ઇલ ચોઇને અવારનવાર ફૂલો, બ્રાન્ડેડ કોસ્મેટિક્સ અને જાપાનીઝ લોન્જરી મોકલતો અને હાઇફાઇ પાર્ટી યોજે ત્યારે 'આઇ કેન્ડી' તરીકે તેને સાથે રાખતો. એટલું જ નહીં, ચોઇ ઉત્તર કોરિયા માટે સારામાં સારી ફિલ્મો બનાવશે એવી આશામાં ફિલ્મ, મ્યુિઝક શૉ અને ઓપેરા જોવા પણ લઇ જતો.

શીન સાંગ-ઓકે પણ ચોઇને શોધવાના પ્રયાસ કર્યા, પરંતુ તેમનો પતો ન મળ્યો. થોડા સમય પછી શીન સાંગ-ઓકના શીન સ્ટુડિયોનું લાયસન્સ પણ રદ થઇ ગયું. આ સ્થિતિમાં તેમણે દુનિયાના ઘણાં દેશોમાં ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો, જેથી તેઓ રેસિડન્ટ વિઝા લઇને સ્થાયી થઇ શકે. એ પછી શીને પણ બીજા લગ્ન કરી લીધા. આ રીતે છ મહિના વીતી ગયા. આ દરમિયાન શીન પણ કોઈ કામ માટે હોંગકોંગ ગયા અને કિમ જોંગ ઇલે તેમનું પણ અપહરણ કરાવી લીધું. શીનને ચોઇની જેમ ભવ્ય વિલામાં રહેવાની વ્યવસ્થા કરીને ફિલ્મો બનાવવાનો હુકમ કરાયો. જો કે, નજરકેદમાં રહીને ફિલ્મ બનાવવાની તેમણે ચોખ્ખી ના પાડી અને બે વાર ભાગવાનો પણ પ્રયાસ કર્યો. આ કારણસર કિમ જોંગ ઇલે તેમને બે વર્ષથી વધુ સમય જેલમાં ધકેલી દીધા હતા.

કિમ જોંગ ઇલ (ડાબે)ની સાથે ચોઇ ઇયુન-હી અને શીન સાંગ-ઓક

કિમ જોંગ ઇલે જેલમાં જ શીન સાંગ-ઓકને 'ઉત્તર કોરિયાનાં મૂલ્યો'ની તાલીમ આપવાની વ્યવસ્થા કરી. શીનને ધીરજપૂર્વક સમજાવવામાં આવ્યું કે, તેમનું અપહરણ કરીને ઉત્તર કોરિયા કેમ લાવવામાં આવ્યા છે? છેવટે ૧૯૮૩માં કિમ જોંગ ઇલે એક ભવ્ય ડિનર પાર્ટીનું આયોજન કર્યું. એ પાર્ટીમાં તેણે શીનની સાથે ચોઇને પણ લઇ આવવાનો હુકમ કર્યો. એ વખતે શીનને ખબર પડી કે, કિમ જોંગ ઇલે ચોઇને પણ અહીં બંદી બનાવી લીધી હતી. એ પાર્ટીમાં કિમ જોંગ ઇલે બંનેને ઉત્તર કોરિયા માટે ફિલ્મો બનાવવાનું તેમ જ ફરી એકવાર પરણી જવાનું સૂચન કર્યું. આ સૂચનનો શીન અને ચોઇએ સ્વીકાર કર્યો. છેવટે ૧૯૮૩માં શીન સાંગ ઓક અને મેડમ ચોઇએ ઉત્તર કોરિયા માટે ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું.

આ દંપતીની મદદથી ઉત્તર કોરિયાએ કોરિયન ભાષામાં સાતેક ફિલ્મ બનાવી. આ બધી જ ફિલ્મના ડિરેક્ટર શીન છે, જ્યારે પ્રોડયુસર કિમ જોંગ ઇલ. તેમણે ૧૯૮૫માં 'સૉલ્ટ' નામની ફિલ્મ બનાવી. એ ફિલ્મ માટે મેડમ ચોઇને મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. આ દંપતીએ ઉત્તર કોરિયા માટે છેલ્લે 'પુલ્ગાસારી' નામની ફિલ્મ બનાવી, જે ૧૯૫૪માં આવેલી જાપાનની 'ગોડઝિલા' ફિલ્મની નબળી નકલ હતી. શીન અને મેડમ ચોઇ ઉત્તમ કળાત્મક ફિલ્મો બનાવી શકતા હતાં, પરંતુ ફિલ્મ બનાવતી વખતે તેમણે ઉત્તર કોરિયાના શાસકોનો પ્રચાર થાય તેનું પૂરતું ધ્યાન રાખવું પડતું.

મેરેલિન મનરોએ ૧૯૫૩માં કોરિયાની મુલાકાત લીધી ત્યારે ચોઇ ઇયુન હી સાથે

આ રીતે ઉત્તર કોરિયામાં આઠેક વર્ષ વીતાવ્યાં પછી, ૧૯૮૬માં, શીન અને ચોઇને વિયેના ફિલ્મ ફેસ્ટિવલમાં જવાની તક મળી. ત્યાં પહોંચતાં જ તેમણે ઓસ્ટ્રિયાસ્થિત અમેરિકન દૂતાવાસનો સંપર્ક કરીને રાજકીય શરણ લઇ લીધું. આ અપહરણનો તેમને એટલો આઘાત લાગ્યો હતો કે, અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં તેઓ બે વર્ષ રહ્યાં, પરંતુ પોતાના વતન દક્ષિણ કોરિયામાં કોઇનો સંપર્ક સુદ્ધા ના કર્યો. અમેરિકામાં સી.આઈ.એ. અને એફ.બી.આઈ.એ તેમને સંપૂર્ણ રક્ષણ આપ્યું હતું. એટલે કિમ જોંગ ઇલે અમેરિકા પર શીન સાંગ-ઓક અને મેડમ ચોઇનું અપહરણ કરવાનો આરોપ મૂક્યો. આ દંપતી દ્વારા જારી કરાયેલા નિવેદનને પણ ઉત્તર કોરિયાએ 'અમેરિકા દ્વારા જબરદસ્તીથી બોલાવડાવેલા શબ્દો' કહીને ફગાવી દીધા. બાદમાં શીન અને ચોઇ લોસ એન્જલસ જતાં રહ્યાં. ત્યાં શીન સાંગ-ઓકે પોતાનું નામ બદલીને 'સિમોન શીન' કરી નાખ્યું અને 'નિન્જા' આધારિત ત્રણેક ફિલ્મો બનાવી.

નેવુંના દાયકામાં શીન અને ચોઇ દક્ષિણ કોરિયા પરત જવાનું વિચારતાં હતાં, પરંતુ તેમને ડર હતો કે, ઉત્તર કોરિયાએ અપહરણ કર્યું હતું એ વાત કોઇ માનશે નહીં તો? આમ છતાં, ૧૯૯૪માં શીન હિંમતપૂર્વક દક્ષિણ કોરિયા પહોંચ્યાં. ત્યાં તેમણે ફરી એકવાર ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. એ જ વર્ષે તેમને કાન ફિલ્મ ફેસ્ટિવલના જ્યૂરી તરીકે આમંત્રણ મળ્યું. ૧૧મી એપ્રિલ, ૨૦૦૬ના રોજ હિપેટાઇટિસના કારણે ૭૯ વર્ષની ઉંમરે શીનનું મૃત્યુ થયું. એ વખતે તેઓ ચંગીઝ ખાન પર મ્યુિઝકલ શૉ તૈયાર કરી રહ્યા હતા. ૧૨મી એપ્રિલ, ૨૦૦૬ના રોજ 'ગોલ્ડ ક્રાઉન કલ્ચરલ મેડલ'(મરણોત્તર)થી તેમનું સન્માન કરાયું, જે કળા ક્ષેત્રે અપાતો દક્ષિણ કોરિયાનો સર્વોચ્ચ પુરસ્કાર છે. શીનના મૃત્યુ પછી ચોઇ પણ એકલા પડી ગયાં હતાં. ૧૯૯૯માં તેઓ પણ કાયમ માટે દક્ષિણ કોરિયા જતાં રહ્યાં, જ્યાં ૧૬મી એપ્રિલ, ૨૦૧૮ના રોજ ડાયાલિસિસ વખતે ૯૧ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું.

મેડમ ચોઇએ એકવાર કહ્યું હતું કે, ફિલ્મો બનાવવા મારું અપહરણ કરવા બદલ કિમ જોંગ ઇલને હું કદી માફ નહીં કરું…

——-

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.com/2018/06/blog-post_25.html

Loading

ધ્રુપદ ને ખયાલ એકકંઠ ક્યારે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|24 June 2018

કર્ણાટકના ચૂંટણીપરિણામ પૂર્વે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું વડાપ્રધાનપદ માટે તૈયાર છું. વચ્ચેના દિવસોમાં એમના એ ઉદ્‌ગારો સંભારી હાંસી કરવાનું વલણ દેખાયું છે પણ એમાં એમને અન્યાય થાય છે. તે એ રીતે કે જો કૉંગ્રેસ પક્ષને બહુમતી મળે તો એના નેતા તરીકે હું વડાપ્રધાનપદ સ્વીકારવા તૈયાર છું એવું એમણે કહ્યું હતું. આ સંભારવાનું તત્કાલ નિમિત્ત તો જો કે એટલું જ છે કે મે ર૦૧૯માં વડાપ્રધાનપદે નમો સિવાય કોઈ વ્યક્તિ હોઈ શકે એવી શક્યતા હવે પૂર્વવત્‌ અશક્ય નથી લાગતી. દેખીતી વાત છે કે કર્ણાટકની ચૂંટણી પછીની પેટાચૂંટણીઓમાં પરિણામોની જે તરાહ અને તાસીર માલૂમ પડી તે પછી આવી શક્યતાઓનું બજાર ખૂલી ગયું છે. (પ્રણવ મુખર્જી અને નાગપુર નિમંત્રણ સંદર્ભે હમણાંનો વિવાદ આ સંદર્ભમાં દ્યોતક છે).

ઉત્તરોત્તર જે એક વાત છેલ્લા ચાર વરસમાં સ્ફૂટ થતી રહી છે તે એ કે મે ર૦૧૪નો કથિત વિકાસ મત એટલું કામ આપનારો નથી. કોઈક ને કોઈક રીતે કોમી ઉંબાડિયું ચાલુ રાખ્યા વગર ભાજપ પોતાને અસુરક્ષિત અનુભવે છે. અલબત્ત, કૈરાના લોકસભા મતવિસ્તારનું તાજેતરનું ચુંટણી પરિણામ વળતા જવાબરૂપે નોંધપાત્ર છે. ચૌધરી અજિતસિંહના રાષ્ટ્રીય લોકદળે પોતાની જાટ ઓળખથી હટીને એક મુસ્લિમ મહિલા, તબસ્સુમ હસનને ઊભાં રાખ્યાં અને બિનભાજપ એકતાને જોરે એ ચુંટાઈ પણ આવ્યાં! કૈરાનાની પેટાચૂંટણી ભાજપ સાંસદ હુકુમસિંહના મૃત્યુને કારણે જરૂરી બની હતી. આ હુકુમસિંહે પોતાના સાંસદકાળમાં ચૂંટણીલક્ષી કોમી ધ્રુવીકરણને નજર સામે રાખી, કૈરાનામાંથી મુસ્લિમોના ત્રાસને કારણે મોટે પાયે હિંદુ હિજરત થયાની વાત ઉછાળી હતી. જો કે, સ્વતંત્ર તપાસ પછી જે સમજાયું હતું તે એ હતું કે હિજરતીઓમાં જેમ હિંદુઓ તેમ મુસ્લિમો પણ હતા, અને આ હિજરતમાં એક કારણ આર્થિક વિકાસનાં નવાં ચરિયાણની શોધ પણ હતી. ખાસ કરીને દિલ્હી માંડ દોઢસો કિલોમીટર છેટે હોય એ સંજોગોમાં મહાનગરનું આકર્ષણ પણ ખરું.

ર૦૧૬માં આ વિવાદ ઉપડ્યો ત્યારે એક સમગ્ર ચિત્ર આલેખવાનું બન્યું હતું. આ ક્ષણે ઝાઝી તપસીલમાં નહીં ખૂંપતાં એ એક હદ્ય ઇતિહાસવસ્તુ માત્ર સંભારી લઈશું કે શાસ્ત્રીય સંગીતને ક્ષેત્રે જે કિરાણા ઘરાણાની ખ્યાતિ છે એનો ઉગમ કૈરાનાનો છે. હિંદુ પરંપરાનો ધ્રુપદ અને ઈસ્લામી પરંપરાનો ખયાલ, આ બેઉનું સંમિલન તે કિરાણા ઘરાણાનો વિશેષ ગણાય છે. જાટ મતદારોએ હિંદુ ઓળખથી નહીં ખેંચાતાં એક મુસ્લિમ ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યું તેમાં કિરાણા ઘરાણાનો કિંચિત્‌ પણ અપરિભાષિત ફાળો હશે એમ માનવું કોને ન ગમે. સમાજવાદી પક્ષ, બહુજનસમાજ પક્ષ, રાષ્ટ્રીય લોકદળ, કૉંગ્રેસ સૌ એકત્ર આવે તો ર૦૧૯માં ઉત્તરપ્રદેશમાં કેવીક ચૂંટણીભોંય કેળવાય – ભાજપ કેવોક ‘ધીખતી ધરા’ અનુભવ કરે – એનું આ એક ટ્રેલર, બીજું શું.

સાદી ચૂંટણીસમજૂતીની ચર્ચાને હમણાં આ લખનાર છેક ગાયકી અને ઘરાણા લગી ખેંચી ગયો એમાં રહેલી દૂરાકૃષ્ટતાની જો એને ખુદને પણ ખબર હોય તો બાકી સૌને ય એનાં ઓસાણ ન હોય એવું તો શી રીતે માની શકાય. પણ, તેમ છતાં આવો પેરેલલ દોરવા પાછળની એક ચાલના એ મુદ્દો ઘૂંટવાની છે કે બિનભાજપ પક્ષોના ખયાલમાં રહેવું જોઈશે કે વાત માત્ર અંકગણિતની નથી, એમાં કશીક કીમિયાગરી (આલ્કેમી) જરૂરી છે, જેમ કે જેપી આંદોલન / વીપી હવા.

દરમ્યાન, બેઠકોની જિદ જરૂર પ્રમાણે છોડીને પણ સપ (અખિલેશ), બસપ (માયાવતી) સાથે રહેશે એવી અખિલેશ યાદવની જાહેરાતમાં રહેલી સહજ પ્રૌઢિની સ્વાગતાર્હ નોંધ!

સૌ જન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2018; પૃ. 11 

Loading

સરૂપ ધ્રુવ : સળગતી હવાઓમાં હસ્તક્ષેપ કરનાર જનવાદી વિદ્રોહી કવિ અને ઇતિહાસકાર વિદુષી

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|23 June 2018

અમદાવાદના ઇતિહાસ પર સરૂપબહેને લખેલાં નવાં અને નોખાં પુસ્તક ‘શહરનામા’ વિશેનાં વક્તવ્યોનો કાર્યક્રમ આવતી કાલે સાંજે ચાર વાગ્યે સાહિત્ય પરિષદના પરિસરમાં યોજાયો છે

સરૂપ ધ્રુવ પ્રતિબદ્ધ સામાજિક-રાજનૈતિક કવયિત્રી, નાટ્યલેખક અને સાંસ્કૃિતક કર્મશીલ છે. અમદાવાદના ઇતિહાસ પરનાં તેમનાં તદ્દન નવાં પુસ્તક ‘શહરનામા’ વિશે વક્તવ્યોનો કાર્યક્રમ આવતી કાલે થશે. સરૂપબહેને ચાર ખંડોમાં લખેલાં ગુજરાતના ઇતિહાસ ‘સફરનામા’ની જેમ ‘શહેરનામા’ પણ નોખી રીતે  લખાયું છે.

અહીં પણ યુવક-યુવતીઓ કરેલા અમદાવાદના સફર રૂપે શહેરનો ઇતિહાસ છસો પાનાંમાં નિરુપાયો છે. યુવા મંડળી શહેરનાં સંખ્યાબંધ વિસ્તારો અને ઓછાં જાણીતાં સ્થળે જાય છે. માર્ગદર્શકો રચના અને ચિંતન સાથે મંડળીનો કુતૂહલભર્યો સંવાદ સતત ચાલે છે, તેમાંથી ઇતિહાસ ઉઘડતો રહે છે. સાબરમતી નદીનાં અસ્તિત્વ અને તેને કાંઠે વસેલાં પ્રાચીન નગરથી શરૂ થાય છે. રાજ્યસત્તાના અનેક યુગો, સુધારાની ઓગણીસમી સદી અને વીસમી સદીનાં સારાં-નરસાં આંદોલનોના સમયગાળામાંથી થઈને, ગોધરાકાંડ પછીનાં માનવસંહાર, મૉલ કલ્ચર અને હેરિટેજ સિટી નામના ખેલ સુધી વિદ્રોહી વિદુષી સરૂપબહેનનો નગર-ઇતિહાસ આવી પહોંચે છે. તેમાં દંતકથા-પુરાણ, પુરાતત્વ-શિલ્પ-સ્થાપત્ય, આર્થિક-સાંસ્કૃિતક-રાજકીય પાસાં છે. સાથે કોમવાદીકરણ, વેપારીકરણ, ગરીબોનું વિસ્થાપન જેવાં પાસાંની ભાગ્યે જ થતી વાત વારંવાર ક્યારેક કટાક્ષમાં તો ક્યારેક સીધી જ કહેવાઈ છે. બિલકુલ રોજબરોજની વાતચીતમાં પરિભાષાના ઓછા ઉપયોગ સાથે શહેરને પ્રગતિશીલતાની જરૂરિયાતનાં દૃષ્ટિકોણથી અમદાવાદનું આલેખન અહીં થયું છે. ઇતિહાસ તરફનાં આવાં દૃષ્ટિકોણ અને તેની રજૂઆતની રીતે ‘શહેરનામા’ ગુજરાતી ઇતિહાસ લેખનમાં વિશિષ્ટ ગ્રંથ છે.

જો કે ઇતિહાસકાર મૂળે તો કવિ છે. તે વિરલ ગુજરાતી મહિલા કવિ છે કે જેમણે તમામ પ્રકારનાં અન્યાય અને વંચિતતાને વિષય બનાવીને તેને નાબૂદ કરવા માટેની સર્વાહારા ક્રાન્તિના કેન્દ્રવર્તી વિચાર સાથે ત્રણેક દાયકા સાતત્યપૂર્ણ અને સોંસરું કાવ્યલેખન કર્યું હોય. વળી સિત્તેર વર્ષનાં સરૂપબહેન કદાચ એકમાત્ર એવાં ગુજરાતી સર્જક છે કે જેમણે પોતાની પ્રિય સર્જકતાના એક આખા ય તબક્કાને રદબાતલ જાહેર કર્યો હોય. લાડીલા નાગર સંતાન તરીકે ઉછરેલાં સરૂપ, 1980ના પહેલાંનાં એકાદ દાયકામાં વિદગ્ધ વાચક, કલારસિક યુવતી અને મહેનતુ સાહિત્ય સંશોધક  હતાં. સંવેદના, સભાનતા અને સજ્જતા ધરાવતાં કવિ હતાં. સાહિત્યનો તેમનો ખ્યાલ સર્જન-વિવેચનના પરંપરાગત ખ્યાલોથી બંધાયેલો હતો. તેમાં માત્ર સર્જક અને કલા જ મહત્ત્વનાં હતાં. તેમની કવિતાઓ પ્રભાવ પાડનારી પણ અઘરી, ખૂબ વ્યક્તિકેન્દ્રી અને ‘આધુનિક સાહિત્યના એકદંડિયા મહેલમાં’ રચાયેલી હતી.

તેમણે 1974થી પાંચ વર્ષ દરમિયાન લખેલી કવિતાઓમાંથી પ્રતિષ્ઠિત સાહિત્યકારોએ’ મારા હાથની વાત’ સંચય 1982માં બહાર પાડ્યો. તે વખતે ‘અવૈધ સંતાનનો જાહેર સ્વીકાર કરતી હોઉં એવી લાગણી થતી હતી’ એમ સરૂપબહેને તેર વર્ષ બાદ નોંધ્યું છે. તેમણે આ એકરાર 1995માં પ્રકાશિત તેમનાં ‘સળગતી હવાઓ’ કાવ્ય સંગ્રહની પ્રસ્તાવનામાં કર્યો છે. પહેલાં સંગ્રહના સાહિત્ય કરતાં આ સંગ્રહ ધરમૂળથી જુદો છે, એટલે કે તેમાં શબ્દેશબ્દ સામાજિક નિસબત ધરાવતી કવિતાઓ છે. ‘અગનપંખી’ એવાં સૂચક મથાળા હેઠળની પ્રસ્તાવનામાં, કવિમાં આવેલાં મૂળસોતા પલટાનું સવિસ્તાર રસપ્રદ સ્વકથન છે. બદલાવની શરૂઆત ખ્રિસ્તી ધર્મગુરુ બનવા માટેની તાલીમ લેનારા ઇસુસંઘીઓને અને ‘સેવા’સંસ્થાની શ્રમજીવી બહેનોને ભાષા-શિક્ષણ આપવાનાં કામથી આ થઈ. ભાષા વિશેનો ખ્યાલ બદલાયો, વિસ્તર્યો. નવમા દાયકાના અનેક આંદોલનોને કારણે અન્યાય, વિરોધ, દમન, કર્મશીલતાને બહુ નજીકથી જોવાનાં – અનુભવવાનાં થયાં. સાહિત્યકારની ભૂમિકા અંગે જનવાદી અને વિદ્રોહી સંવેદના જાગી. તેનાં કાવ્યો ‘સળગતી હવાઓ’માં છે.

વળી, અનેક જાહેર બનાવોએ કવિતાઓ પ્રેરી છે : કોમી હુલ્લડોમાં ફેરવવામાં આવેલું 1985નું અનામત આંદોલન, ‘સહુથી નીચ સાહિત્યકાર અને સહુથી ભયંકર બ્રહ્મરાક્ષસ’ને વિશ્વગુર્જરી સન્માન, ગોલાણા હત્યાકાંડ, ભોપાલ ગૅસ ટ્રૅજેડી, બાલમજૂરીના કાયદામાં સુધારો, તેમનાં પોતાનાં ‘રાજપરિવર્તન’ નાટક પર અને અભિન્ન સાથી સાંસ્કૃિતક કર્મશીલ હિરેન ગાંધીના ભગતસિંહ વિશેનાં નાટક પર ગુજરાતના સેન્સરની તવાઈ સામેની લડત, ભા.જ.પ.ની સોમનાથ-અયોધ્યા યાત્રા, ભાલના ખારાપાટનું વાઘું, સરદાર સરોવર યોજનાને કારણે શરૂ થયેલું પ્રચંડ નુકસાન, નર્મદા બચાઓ આંદોલન, સૂરતનો પ્લેગ, દુષ્કાળ વચ્ચે સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર – આ યાદી લાંબી થઈ શકે. ભગતસિંહ, સફદર હાશ્મી અને તસલીમા નસરીન વિશેની કવિતાઓ પણ છે. સાંસ્કૃિતક-સાહિત્યિક પરંપરાઓ અને અક્ષરની આલમના સ્થાપિત હિતો પરનું મૂર્તિભંજક ઉપહાસ-કાવ્ય ‘પૂર્વજોનું પૂંછડું’ એ સરૂપબહેન પરના અનૌપચારિક સાહિત્યિક બહિષ્કારમાં પરિણમ્યું.

‘કવિનું કામ’ એ ‘હસ્તક્ષેપ’ (2003) સંગ્રહના પહેલા વિભાગનો વિષય છે. તે પછીનો વિભાગ ‘આસમાની સુલતાની’ છે – કંડલા વાવાઝોડું, ધરતીકંપ, પાણીની અછત, વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો, આદિવાસી વિદ્યાર્થિની પણ બળાત્કાર અને અન્ય. ત્યાર બાદ, 2002ના માનવસંહાર પહેલાંના અને પછીના માહોલ વિશેની ચૌદ અને આદિવાસીઓનાં કોમવાદીકરણ પર આઠ રચનાઓ છે. સાથેના સંગ્રહ ‘સહિયારા સૂરજની ખોજમાં’. તેમાં રાજકીય અને સામાજિક જાગૃતિ માટેનાં તેંત્રીસ અર્થસભર જોસ્સાદાર ગીતો છે. એ બધાં ‘ગવાયાં તે ગીત’ છે. તે ગુજરાભરમાં ગવાયાં છે. સ્ત્રીઓ-આદિવાસીઓ-દલિતોના સંઘર્ષ, વિસ્થાપન અને પુનર્વાસ, બંધારણ અને ચૂંટણી જેવા વિષયો પરનાં આ ગીતો છે. ચળવળો ઉપરાંત સંગઠનોનાં કાર્યક્રમો, કૅસેટો, નાટકો જેવાં નિમિત્તે લોકોએ તે ગાયાં છે.

આઠ સમસ્યાપ્રધાન નાટકો લખનાર સરૂપબહેનનાં ‘સુનો નદી ક્યા કહતી હૈ’ (2004) નાટકને સેન્સર બોર્ડની મંજૂરી ન મળતાં અમદાવાદમાં અને ગુજરાત બહાર ખાનગી સંસ્થાઓમાં ભજવાયું. સાબરમતી રિવરફ્રન્ટ યોજનાને હજારો ગરીબોનાં વિસ્થાપન, કોમવાદ, ફાસીવાદ જેવા સંદર્ભોમાં તેજાબી રીતે નિરૂપતી આ નાટ્યકૃતિ જેવું ભાગ્યે જ કંઈ ગુજરાતમાં લખાયું છે.

કંઈક એવું જ ‘ઉમ્મીદ હોગી કોઈ’(રાજકમલ પ્રકાશન,2009) નામના, હચમચાવી નાખનારા હિન્દી વાર્તાસંગ્રહ(મોહન દાંડીકરનો ગુજરાતી અનુવાદ ‘અણસાર ક્યાંય આશનો’)ની બાબતમાં છે. તેમાં 2002નાં રમખાણો દરમિયાન ગુજરાતભરમાં મુસ્લિમ સ્ત્રી-પુરુષો પર ચલાવવામાં આવેલી હેવાનિયત અને તેની વચ્ચે કોળી ઊઠેલી ઇન્સાનિયતનાં ઓરલ નરેટિવ્ઝ એટલે કે મૌખિક બયાનો છે. તે વાર્તાનાં સાવ પાતળાં આવરણ નીચે લેખિત રૂપે મૂકાયાં છે. આ પુસ્તક માટે સરૂપબેહેને અમદાવાદના રમખાણગ્રસ્ત વિસ્તારો ઉપરાંત, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદ જિલ્લાનાં પચાસથી વધુ ગામડાંમાં ફરીને સો કરતાં વધુ પીડિતોની અને તેમને બચાવ-રાહત પૂરાં પાડનારાં ગ્રામજનો તેમ જ સ્વૈચ્છિક સંસ્થાઓનાં કાર્યકરોની મુલાકાતો ડૉક્યુમેન્ટ કરી.

સંશોધક-વિચારક સરૂપબહેને આધુનિકતાની વિભાવનાનાં કેટલાંક પાસાં પર પુસ્તકો લખ્યાં છે. ‘હીરનો હીંચકો’માં તેઓ ભાલપ્રદેશની વણકર બહેનોનાં લોકગીતોના સહસંશોધક છે. લાંબા વિવેચનલેખો આપનાર  સરૂપબહેનની સાહિત્યશાસ્ત્રની સમજ બીજાં કેટલાંક ક્ષેત્રોમાં છે તેમ પાકી અને અદ્યતન છે. તેમણે અનુવાદ અને સંપાદન પણ કર્યાં છે. હિન્દી ઉર્દૂ અને અંગ્રેજી ભાષાનાં અચ્છા જાણકાર સરૂપબહેનનો ગુજરાતી ભાષાના ઉપયોગનો અને સાહિત્યસ્વરૂપોની આવડતનો વ્યાપ ઘણો મોટો છે. લલિતકલાઓ અને સિનેમામાં ઊંડો રસ છે, કથકની તાલીમ છે, પુસ્તકોનું બંધાણ છે. સરૂપબહેનનો વ્યાસંગ દુર્ગા ભાગવતની અને તેમની વિદ્વત્તાપૂર્ણ  પ્રતિબદ્ધતા નીરાબહેન દેસાઈની યાદ અપાવે છે. ન ભૂલીએ કે સરૂપબહેનનાં અસામાન્ય સર્જક હોવામાં હિરેન અને નિયતી ગાંધી, તેમનાં નેજા હેઠળનાં ‘સંવેદન’ અને ‘દર્શન’ નામનાં સાંસ્કૃિતક મંચોનો બહુ મોટો ફાળો છે.

સરૂપબહેનની કેટલીક કવિતાઓ અંગ્રેજી અને હિન્દીમાં પહોંચી છે. અભ્યાસીઓએ તેમની મુલાકાતો ડૉક્યુમેન્ટ કરી છે. દેશના નારીવાદી સર્જકોમાં તેમનું સ્થાન છે. તેમને 2008માં હ્યૂમન રાઇટસ વૉચ સંસ્થા તરફથી ‘હેલમેન હેમ્મિટ અવૉર્ડ ફૉર કરેજિયસ રાઇટિંગ’ નામનું સન્માન મળ્યું. તે રાજકીય દમન અને સેન્સરશીપનો ભોગ બનેલા લેખકોને આપવામાં આવે છે. તે તસલીમા નસરીનને પણ મળ્યું છે. સરૂપબહેન તસલીમાની હરોળના જ, અગનપંખીની નસલના છે.

+++++

21 જૂન 2018 

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 22 જૂન 2018    

Loading

...102030...3,1103,1113,1123,113...3,1203,1303,140...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved