Opinion Magazine
Number of visits: 9580846
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતના વિભાજન માટે જેટલા મોહમ્મદઅલી જિન્નાહ જવાબદાર છે, પરંતુ એનાથીયે વધુ જવાબદાર છે વિનાયક દામોદર સાવરકર

રમેશ ઓઝા|Opinion - Opinion|7 May 2018

અત્યારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં છે અને BJP માટે કર્ણાટકમાં વિજય મેળવવો જરૂરી છે.

અઢારમી સદીમાં થઈ ગયેલા બ્રિટિશ સાહિત્યકાર સૅમ્યુઅલ જૉનસને ખાસ વરાઇટીના દેશભક્તો માટે કહ્યું હતું કે પૅટ્રિઑટિઝમ ઈઝ ધ લાસ્ટ રેફ્યુઝ ઑફ અ સ્કાઉન્ડ્રલ અર્થાત્ દૃષ્ટિજનો પાસે જ્યારે મોઢું છુપાવવાનો કોઈ માર્ગ નથી બચતો ત્યારે તેઓ દેશપ્રેમનો આશ્રય લે છે. અત્યારે દેશમાં આવું જ ચાલી રહ્યું છે. દેશપ્રેમના નામે સામાજિક તિરાડો પાડવામાં આવે છે, દેશપ્રેમના નામે હુલ્લડો કરવામાં આવે છે, દેશપ્રેમના નામે બળાત્કારીનો બચાવ કરવામાં આવે છે, દેશપ્રેમના નામે મીડિયા પોતાનો ભય અને બિકાઉપણું છુપાવે છે અને દેશપ્રેમના નામે શાસકો પોતાની નિષ્ફળતા છુપાવે છે.

અત્યારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં છે અને BJP માટે કર્ણાટકમાં વિજય મેળવવો જરૂરી છે. કર્ણાટક નિર્ણાયક એટલા માટે છે કે ગુજરાતના હાંફી જનારા વિજય પછી અને રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારની પેટાચૂંટણીઓમાં થયેલા પરાજય પછી સમર્થકોનું મોરલ ટકાવી રાખવું જરૂરી છે. આ ઉપરાંત કર્ણાટક પછી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાઓની ચૂંટણી યોજાવાની છે જ્યાં BJP માટે કપરાં ચઢાણ છે. જો મોરલ તૂટે તો લોકસભાની ચૂંટણીમાં પણ માર પડે. ૨૦૧૩માં કૉન્ગ્રેસની બાબતમાં આવું જ બન્યું હતું. આમ BJP માટે દક્ષિણાયન અનિવાર્ય છે એટલે દરેક માર્ગ અપનાવવામાં આવી રહ્યા છે.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ એ પહેલાં કેન્દ્રીય પ્રધાન અનંત કુમાર હેગડેએ કર્ણાટકમાં કોમી ધ્રુવીકરણ કરવાના શક્ય એટલા પ્રયાસ કર્યા હતા. હવે જ્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે કર્ણાટકમાં ઉઘાડું કોમી રાજકારણ થઈ શકે એમ નથી. બીજું દક્ષિણનાં રાજ્યોમાં પ્રવેશ કરવો હોય તો હિન્દુત્વનું રાજકારણ એક હદથી વધુ ત્યાં અપીલ નથી કરતું. આ સ્થિતિમાં હિન્દુત્વવાદીઓને અને ભોળિયા દેશભક્તોના મત કઈ રીતે મેળવવા એ પ્રશ્ન હતો. હવે એનો ઉત્તર સંઘપરિવારે કર્ણાટકથી દૂર અલીગઢમાં શોધી કાઢ્યો છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘે ૧૯૩૮માં સ્ટુડન્ટ યુનિયન હૉલમાં મોહમ્મદઅલી જિન્નાહની તસવીર મૂકી હતી. એ સમયે મોહમ્મદઅલી જિન્નાહ મુસ્લિમ લીગના નેતા હતા, પરંતુ મુસ્લિમ લીગે મુસ્લિમ માટેની અલગ ભૂમિનો ઠરાવ નહોતો કર્યો. મુસ્લિમ લીગે આવો ઠરાવ ૧૯૪૦માં કર્યો હતો, પરંતુ જિન્નાહની તસવીર મૂકવામાં આવી એના એક વરસ પહેલાં વિનાયક દામોદર સાવરકરના અધ્યક્ષપદમાં હિન્દુ મહાસભાએ કર્ણાવતી (અમદાવાદ) અધિવેશનમાં દ્વિરાષ્ટ્ર થિયરી આગળ કરી હતી અને હિન્દુ અને મુસલમાન એક દેશમાં સાથે રહી શકે એમ નથી એવો ઠરાવ કર્યો હતો. એના શિરપાવરૂપે અટલ બિહારી વાજપેયીની સરકારે વિનાયક દામોદર સાવરકરની તસવીર ૨૦૦૩માં સંસદભવનના સેન્ટ્રલ હૉલમાં મૂકી હતી. હવે ૮૦ વરસ પછી હિન્દુ યુવા વાહિની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી જિન્નાહની તસવીર હટાવવા માટે અંદોલન કરી રહી છે. આ હિન્દુ યુવા વાહિનીના સ્થાપક અને અધ્યક્ષ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ છે. દેખીતી રીતે ઉદ્દેશ કર્ણાટકમાં ચૂંટણી જીતવાનો છે અને નિશાન અને રણભૂમિ અલીગઢ છે. તેઓ કાયદો હાથમાં લઈને તોફાન મચાવી રહ્યા છે.

તેમની દલીલ એવી છે કે મોહમ્મદઅલી જિન્નાહ ભારતના વિભાજન માટે જવાબદાર હતા. તેમની આ દલીલ આંશિક રીતે સાચી છે, સંપૂર્ણપણે સાચી નથી. ભારતના વિભાજન માટે અનેક પરિબળો જવાબદાર હતાં, એકલા જિન્નાહ જવાબદાર નહોતા. એ અનેક પરિબળોમાં સૌથી વધુ જવાબદાર પરિબળોમાં એક અંગ્રેજો જવાબદાર હતા અને બીજા હિન્દુ રાષ્ટ્રવાદીઓ જવાબદાર હતા. અંગ્રેજો પોતાનું રાજ લાંબો સમય ટકી રહે એ માટે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવતા હતા. દેખીતી રીતે અંગ્રેજોની કુટિલ નીતિને નિષ્ફળ બનાવવાની જવાબદારી મોટા ભાઈ તરીકે હિન્દુઓની હતી. તેમણે જો મુસલમાનોનો વિશ્વાસ સંપાદિત કરવાના પ્રયાસમાં ગાંધીજીને સાથ આપ્યો હોત તો ભારતનું વિભાજન અટકાવી શકાયું હોત. એની જગ્યાએ હિન્દુ રાષ્ટ્રવાદીઓએ મુસલમાનોને ધમકાવવાની અને તેમની અંદર અસુરક્ષાની ભાવના પેદા કરવાની નીતિ અપનાવી હતી. મુસલમાનોએ અસલામતીથી પ્રેરાઈને મુસલમાનો માટે અલગ ભૂમિની માગણી કરી હતી જેના પરિણામે ભારતનું વિભાજન થયું હતું.

મોહમ્મદઅલી જિન્નાહ એક સમયે રાષ્ટ્રવાદી સેક્યુલર મુસલમાન હતા. એક સમયે જિન્નાહ એવા મનોરથ સેવતા હતા કે તેઓ મુસલમાનોના ગોપાલ કૃષ્ણ ગોખલે બનવા માગે છે. એવા નેતા જે આધુનિક હોય અને જેમ ગોખલે હિન્દુઓને આધુનિક રાષ્ટ્રને અનુકૂળ બનાવવા માગતા હતા એમ તેઓ મુસલમાનોને આધુનિક રાષ્ટ્રને અનુકૂળ બનાવવા માગતા હતા. લોકમાન્ય ટિળક સામે જ્યારે રાષ્ટ્રદોહનો ખટલો મુંબઈની વડી અદાલતમાં ચાલતો હતો ત્યારે તેમણે લોકમાન્ય ટિળકના વકીલ તરીકે અદાલતમાં ટિળકનો બચાવ કર્યો હતો. મોહમ્મદઅલી જિન્નાહે મુસ્લિમ લીગને કૉન્ગ્રેસની નજીક લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. એક સમયે કૉન્ગ્રેસ અને મુસ્લિમ લીગનાં અધિવેશન એક જ સ્થળે એક જ મંડપમાં આગળપાછળ યોજાતાં હતાં એનું શ્રેય પણ જિન્નાહને જાય છે. ૧૯૧૬માં કૉન્ગ્રેસ-મુસ્લિમ લીગના લખનઉ અધિવેશનમાં જે સમજૂતી થઈ હતી એના આર્કિટેક્ટ જિન્નાહ હતા.

એ સમજૂતી લખનઉ પૅક્ટ તરીકે ઓળખાય છે.

જિન્નાહ અંગત જીવનમાં આધુનિક સેક્યુલર હતા. દસ વરસ પહેલાં પાકિસ્તાનની મુલાકાતે ગયેલા લાલ કૃષ્ણ અડવાણીએ મોહમ્મદઅલી જિન્નાહને સેક્યુલર મુસ્લિમ તરીકે ઓળખાવ્યા હતા ત્યારે તેમણે કંઈ ખોટું નહોતું કહ્યું. જિન્નાહ સેક્યુલર હતા અને વિભાજન પછી તેઓ પાકિસ્તાનને સેક્યુલર રાષ્ટ્ર બનાવવા માગતા હતા. બે દાયકા પછી જિન્નાહે અલગ રસ્તો અપનાવ્યો એની પાછળ મુખ્યત્વે બે કારણો હતાં. એક આગળ કહ્યું એમ હિન્દુ રાષ્ટ્રવાદીઓનું આગ્રહી અને શરતી રાજકારણ અને બીજું પરિબળ હતું તેમનો ગાંધીજી સામેનો દ્વેષ. ગાંધીજીની લોકપ્રિયતા સાવરકર અને જિન્નાહ એમ બન્નેને સતાવતી હતી અને ગાંધીજીની હાજરીમાં સાવરકર તેમ જ હિન્દુત્વવાદીઓનું હિન્દુ પ્રજામાં અને જિન્નાહનું મુસલમાનોમાં કાંઈ ઊપજતું નહોતું.

બન્નેની પીડા ગાંધીજીની લોકપ્રિયતા હતી જેને તેમણે કોમી રંગ આપ્યો હતો. ભારતના વિભાજન માટે જેટલા જિન્નાહ જવાબદાર છે એનાથી વધુ સાવરકર અને હિન્દુત્વવાદીઓ જવાબદાર છે. સાવરકર તો પહેલેથી જ કોમવાદી હતા અને તેઓ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગતા હતા, જ્યારે જિન્નાહ પ્રતિક્રિયારૂપે કોમવાદી બન્યા હતા. તેઓ વિચારોથી કોમવાદી નહોતા અને એટલે તેઓ પાકિસ્તાનને સેક્યુલર રાષ્ટ્ર બનાવવા માગતા હતા.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 07 મે 2018

Loading

Rubbish

Bob Moran|Opinion - Cartoon|6 May 2018

courtesy : "The Daily Telegraph", 06 May 2018

Loading

ભારત-ચીન મૈત્રીની વસંતનાં મૃગજળ

હરિ દેસાઈ|Opinion - Opinion|4 May 2018

કોઈ એજન્ડા વિનાની બંને દેશના વડાઓની મુલાકાતો કોઈ ચમત્કાર સર્જે એવી ઉતાવળી અપેક્ષા અસ્થાને છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમણાં ચીનના આજીવન રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની અનૌપચારિક મંત્રણા માટે મધ્ય ચીનના વુહાન શહેરની બે દિવસની ‘વિશ્વાસસર્જક’ મુલાકાતે જઈ આવ્યા. મે 2014 પછી મોદીએ ચાર-ચાર વાર ચીન જવાનું ગોઠવ્યું. હજુ જૂન 2018માં શાંઘાઈ સહકાર સંગઠનની 15મી પરિષદ માટે વધુ એકવાર જશે. સામે પક્ષે જિનપિંગ વર્ષ 2014માં એકવાર સાબરમતી રિવરફ્રન્ટના હિંડોળે ઝૂલી ગયા.

વર્ષ 2019માં એકવાર ચીની કંપનીના સહયોગથી બંધાતી અમદાવાદની મેટ્રો રેલવેના ઉદ્્ઘાટન નિમિત્તે કે અન્ય કારણસર તેઓ ભારત આવે, એવી સાઉથ બ્લૉકની ઈચ્છા ખરી. વિદેશનીતિમાં ઉતાવળે આંબા પાકે નહીં. સંબંધો બગડવાના હોય તો ક્ષણેકમાં યુદ્ધ ફાટી નીકળી શકે,પણ સંબંધોમાં સુધારો કે મડાગાંઠ ઉકેલાઈ જવાનું રાતોરાત અશક્ય હોય છે. એટલે જ ભવિષ્યમાં પણ મોદી-શી મંત્રણા ચાલતી રહે એટલું જ નહીં, પાકિસ્તાન સાથે પણ મંત્રણા ચાલુ રાખવી એ પરિપક્વ રાજદ્વારી સંબંધોના શાસ્ત્રની શીખ છે.

ભારતીય વડાપ્રધાન ચીનની મુલાકાતે હતા એ જ દિવસે છેલ્લા કેટલા ય દાયકાઓથી બાપે માર્યાં વેર અનુભવતા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના શાસકો વચ્ચે ઐતિહાસિક મુલાકાત અને કરારની વૈશ્વિક ઘટના બની હતી. બર્લિન દીવાલ તૂટતાં પૂર્વ અને પશ્ચિમ જર્મની એક થવાની કે નોર્થ યમન અને સાઉથ યમન એક થવાની દિશામાં દેશમાં પ્રગતિ સમી આ ઘટના હતી. આવતાં વર્ષોમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ફરી અખંડ ભારત બની શકે, એને અત્યારે અશક્ય લેખનારાઓ માટે જર્મની, યમન કે કોરિયાનો ઘટનાક્રમ ઘણા બધા સંકેત પૂરા પાડે છે.


ચીન થકી અનેક કટુ અનુભવો પછી ભારતની પ્રજામાં અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. એ માહોલ બદલીને ફરી વિશ્વાસના સેતુ રચવા માટે બંને બાજુથી ભારે પરિશ્રમ કરવાની અનિવાર્યતા છે. ચીન સાથે ભારતનો સીમાવિવાદ ભડકા કરતો રહ્યો છે. અત્યાર લગી ચાલતી રહેલી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના ‘હિંદી ચીની ભાઈ ભાઈ’ના નારા અંગેની ભાંડણલીલા અખંડ રાખવાથી વિવાદો ઉકેલાઈ જવાના નથી. 1954માં પંડિત નેહરુ ચીનની મુલાકાતે ગયા ત્યારે હજારો ચીનાઓ થકી એમનું ભવ્ય સ્વાગત થયાની વાતોનાં વડાં કરવાનો પણ અર્થ નથી.

 એ વેળા ચૅરમેન માઓ ઝેડાંગ અને વડાપ્રધાન ઝાઉ એન-લાઈ સાથેની હૂંફાળી મુલાકાતોને પગલે 8 વર્ષ માટેના પંચશીલના કરાર થયા હતા. 1959માં તિબેટના રાજકીય શાસક અને ધાર્મિક નેતા દલાઈલામાએ જીવ બચાવવા તવાંગ માર્ગે ભારત ભાગી આવીને રાજ્યાશ્રય લેવો પડ્યો. એના પગલે જ પંચશીલ કરારનાં આઠ વર્ષ પૂરાં થતાં જ 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું. નેહરુ માટે પણ એ આક્રમણ અને પરાજયનો આઘાત 1964માં જીવલેણ નીવડ્યો.


બેઉ દેશ વચ્ચેના સંબંધોમાં સર્જાયેલા વિક્ષેપ અને અવિશ્વાસની ગાડીને પાટે લાવતાં છેક 1988માં વડાપ્રધાન રાજીવ ગાંધીની ચીનમાં પૅરામાઉન્ટ લીડર દેંગ ઝિયાઓ પિંગ સાથેની મુલાકાત લગી રાહ જોવી પડી. સ્વયં દલાઈ લામાને તિબેટ ચીનના આધિપત્ય હેઠળ રહે એ સામે વાંધો નથી. વર્ષ 2003માં વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ચીન ગયા ત્યારે તેમણે તિબેટને ચીનનું અવિભાજ્ય અંગ સ્વીકારવા સાટે સિક્કિમ વિવાદને ટાઢો પાડવાનો પ્રયાસ કર્યો.


મોદી સત્તામાં આવ્યા પછી હમણાં દલાઈ લામાના સમારંભથી અંતર રાખવાની પ્રધાનોને સૂચના અપાઈ. એ પાછળ ચીનને રાજી રાખવાનો ઈરાદો સ્પષ્ટ હતો. ડોકલામ મડાગાંઠ યુદ્ધના સંજોગોને હાથવેંતમાં નિહાળતી હતી, પણ સંકટ ટળી ગયું. હવે બંને પક્ષે સંબંધોની નવી વસંત મહોરે એ દિશામાં પહેલ શરૂ તો થઇ છે, પણ કોઈ એજન્ડા વિનાની બંને દેશના વડાઓની વુહાન ખાતેની બે દિવસીય મુલાકાતો કોઈ ચમત્કાર સર્જે એવી ઉતાવળી અપેક્ષા અસ્થાને છે. જો કે વિશ્વાસનું વાતાવરણ સર્જવા માટેનો સંવાદ શરૂ થયાને આવકારવો ઘટે.


ભારત સરકારે 27 અને 28 એપ્રિલની વુહાન ખાતેની અનૌપચારિક મંત્રણાને અંતે બહાર પડેલા નિવેદન કરતાં ચીન તરફથી એ વિશે કરાયેલી જાહેરાતો વધુ પ્રકાશ પાડે છે. ભારતે બંને દેશો વચ્ચે આર્થિક અને લશ્કરી બાબતોમાં દીર્ઘકાલીન વ્યૂહાત્મક પ્રગતિ સાથે જ ત્રાસવાદ સામે સહિયારી લડત ઉપરાંત વિશ્વ શાંતિ અને સમૃદ્ધિમાં સહિયારા યોગદાન તેમ જ બેઉ દેશો વચ્ચે વિશ્વાસના માહોલને રચવા માટે સકારાત્મક વાતચીત થયાનો સંકેત આપ્યો. 

સરહદી વિવાદને ઉકેલવાની દિશામાં અને લશ્કરી બાબતોમાં સકારાત્મક સહયોગ માટે બંને બાજુનાં લશ્કરી દળોને સૂચના આપવા સંમતી સધાયાનું પણ જણાવાયું છે. ચીનના સરકારી અખબાર ‘ગ્લોબલ ટાઈમ્સ’માં માઓ કેજીએ બંને નેતાઓની વચ્ચેની ચર્ચા અંગે વધુ ફોડ પાડતાં નોંધ્યું છે કે ‘ચાઈના પાકિસ્તાન ઇકોનૉમિક કૉરિડોર’ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ‘ચીન-નેપાળ-ભારત ત્રિપક્ષીય કૉરિડોર’ જેવા નવા પ્રકલ્પ અથવા ‘બાંગ્લાદેશ-ચીન-ભારત-મ્યાનમાર કૉરિડોર’ના પ્રકલ્પને પુનઃજીવિત કરવા બાબત બંને દેશના હિતમાં પ્રગતિ સાધી શકાય.

ઉપરાંત અફઘાનિસ્તાનમાં સંયુક્ત પ્રકલ્પો હાથ ધરવા બાબત બંને દેશો વચ્ચે સંમતિ વિશે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયાની વાતોથી વિપરીત અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારત જ નહીં, અમેરિકા સાથે મળીને ચીન આ દેશો વચ્ચેના તણાવને દૂર કરવા માટે સકારાત્મક યોગદાન કરવા તત્પર હોવાનું સ્પષ્ટ થાય છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આ મુદ્દે સકારાત્મક પ્રતિભાવ જોવા મળ્યો છે.


ભારત અને ચીન વચ્ચે વુહાન બેઠક યોજાઈ એના આગલા દિવસોમાં જ ચીને પાકિસ્તાનને પોતાના સમર્થનની ખાતરી આપી જ હતી. બેજિંગની મુલાકાતે ગયેલા પાકિસ્તાનના વિદેશમંત્રી ખ્વાજા મુહંમદ આસિફે ચીની વિદેશ મંત્રી વાંગ યી સાથેની બેઠક બાદ ચીન અને ભારતની અનૌપચારિક બેઠકોને આવકારી હોવાના હેવાલ પાક દૈનિક ‘ડોન’ સહિતનાએ આપ્યા છે. વધુ એક બાબત ભણી ભાગ્યે જ ઝાઝું ધ્યાન ગયું છે કે આ બધા ઘટનાક્રમ દરમિયાન પાકિસ્તાનના ભારત ખાતેના રાજદૂત સોહેલ મહમૂદ શીખોના પવિત્ર આસ્થાસ્થાન સુવર્ણમંદિરની યાત્રાએ ગયા હતા, એટલું જ નહીં, તેમણે પંજાબના મુખ્યમંત્રી કૅપ્ટન અમરિંદર સિંહ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી.

વળી, હાલ પૂરતું, પાકિસ્તાને ગપચાવેલા જમ્મુ-કાશ્મીર પ્રદેશમાં 3000 કિલોમીટર સુધીના ચાઇના પાકિસ્તાન ઇકોનૉમિક કૉરિડોરના કામના વિવાદને ઝાઝો ચગાવ્યા વિના, અન્ય બાબતોમાં સંયુકતપણે આગળ વધવાનું ચીનથી લઈને અફઘાનિસ્તાન સુધીના પ્રદેશમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થાપવાના હિતમાં લેખાયું છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વડાપ્રધાનની વિદેશ મુલાકાતો પૂર્વે જે ભૂમિકા તૈયાર કરી રહ્યા છે, એનાં ફળ આવતા દિવસોમાં અનુભવાશે.

સૌજન્ય : ‘ધીરા સો ગંભીર’, “દિવ્ય ભાસ્કર”, 02 મે 2018  

Loading

...102030...3,1083,1093,1103,111...3,1203,1303,140...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved